ચિત્તો,Leopard

 

 

ચિત્તો





માંસાહારી, સસ્તન શિકારી પ્રાણી.

 

                    ચપળતાનું બીજું નામ તે ચિત્તો !

 

                    જમીન પરનાં સસ્તન પ્રાણીઓમાં ચિત્તો સૌથી વધુ ઝડપથી દોડી શકતું, અત્યંત સ્ફૂર્તિવાળું પ્રાણી છે. તેનું માથું નાનું, શરીર લાંબું, પૂંછડું પણ લાંબું અને પગ ખૂબ જ ગતિશીલ હોય છે. ચિત્તો કલાકના ૧૦૦ કિલોમીટરની ઝડપે દોડી શકે છે.

 

 

                    ચિત્તામાં નર અને માદા જુદાં રહે છે. માદા બચ્ચાંની સંભાળ રાખે છે અને બચ્ચાં ૨૦ મહિના જેટલાં મોટાં થાય એટલે તેઓ એકલાં જીવવાનું પસંદ કરે છે.

 

                    નર ચિત્તા ચાર પાંચના સમૂહમાં સાથે રહે છે. સમૂહમાં સાથે રહેતા ચિત્તા મોટા ભાગે સાથે જન્મેલા હોય છે. પોતાના વિસ્તારને તેઓ પેશાબ વડે આંકે છે. બીજો નર જો તેમના વિસ્તારમાં પ્રવેશે તો યુદ્ધ થાય છે.

 

                    માદા બચ્ચાંને ઉછેરે છે. જન્મે ત્યારે બચ્ચાં એકદમ નિઃસહાય અને આંખો મીચેલાં હોય છે. માદા તેમને મોઢામાં પકડી થોડા થોડા દિવસે જગાફેર કરાવે છે. માતાનું દૂધ પી તેઓ મોટાં થાય છે. માતા સાથે રહી તેઓ શિકાર કરતાં શીખે છે. માતા, બચ્ચાં પગભર થાય એટલે તેમને છોડીને જતી રહે છે.

 

 સૌથી ઝડપી  પ્રાણી ચિત્તો

 


                    ચિત્તો ખરીવાળાં પ્રાણીઓનો શિકાર કરે છે. તે ટોળામાં ચરતાં પ્રાણીઓનો છુપાઈને પીછો કરે છે અને યોગ્ય સમયે દેખાઈને પ્રાણીઓમાં ભય ફેલાવીને તેમને દોડતાં કરે છે. ચિત્તો ઝડપથી દોડીને પોતાના શિકારને પકડે છે. તે દિવસના ભાગમાં શિકાર કરે છે.

 

 

                    અગાઉ ભારતમાં પાળેલા ચિત્તાનો ઉપયોગ હરણના શિકાર માટે થતો. ચિત્તા અને દીપડાની ચામડીનો રંગ એકસરખો ફિક્કા પીળા રંગનો હોય છે. માત્ર ચિત્તાની ચામડી ઉપર ગોળ-ગોળ કાળાં ટપકાં હોય છે, જ્યારે દીપડાની ચામડી ઉપર ચાઠાંના સમૂહો હોય છે (mosaic). ચિત્તો બિલાડી અને કૂતરાની વચ્ચેનું પ્રાણી છે. તેના પગના નહોર કૂતરાના નહોરની માફક બહાર ખુલ્લા રહે છે. બિલાડી, દીપડો, વાઘ-સિંહ વગેરેમાં નહોર પાછા ખેંચી શકાય તેવા હોય છે. ચિત્તાનો ઝડપથી નાશ થઈ રહ્યો હોવાથી હવે તેને આરક્ષિત પ્રાણી તરીકે જાહેર કરવામાં આવ્યો છે.

 

 

                    ચિત્તાના ચામડામાંથી જાતભાતની ચીજવસ્તુઓ બને છે. કેટલાક શોખીનો પોતાના દીવાનખંડમાં શોભા માટે તેની ખાલ પાથરે છે. તો કેટલાક શિકારના શોખને કારણે તેની હત્યા કરતા. આવાં કારણોને લીધે ધીમે ધીમે તેની વસ્તી સાવ ઓછી થતી ગઈ છે. હવે ચિત્તાની વસ્તી માત્ર આફ્રિકામાં જ છે. ભારતમાંથી તે લગભગ નાબૂદ થઈ ગયો છે.

Post a Comment

Previous Post Next Post