વીર મેરાણી રાણીબાઈ

 

વીર મેરાણી રાણીબાઈ

 
[ઇ.સ. 1897 ની આસપાસ]
નાગકા ગામમાં દેવા રાણાવાયાનું ખોરડું ઘણું પ્રસિદ્ધ હતું. રાજાશાહીના વખતમાં નાગકા ગામની પટલાઈ દેવા પટેલને આંગણે નાચતી હતી. રાણાવાયા મેર એ સિસોદિયાની પેટાશાખાના મેર છે. સિસોદિયા મેરને પરંપરાથી પ્રાપ્ત એવા શૌર્ય, ટેક અને ભલપના ગુણો આ સમયે વિશેષ પણે દેવા પટેલના ખોરડામાં ખીલ્યા હતા.
દેવા પટેલની પત્નીનું નામ રાણી. રાણી એટલે રાણી ! એની સરખામણી કરવામાં બધા જ ઉપમાન પાછળ પડે. એક તો એ મેરની દીકરી ને પછી દેવા પટેલ જેવા લોંઠકા મેરની પત્ની, એમાં ઉણપ શી હોય? દેવા પટેલની લોંઠકાઇ પાસે પાણી ભરાવે એવી બળુકી અને સૂર્યને પણ ઝાંખો પાડી દે એવી જાજવલ્યમાન આ મેરાણીને જોઈને ભલભલા રાજા મહારાજાઓ પણ હેરત પામી જતા.
દેવા પટેલનું આંગણું પૂછીને કોઈ આવતું તો એને મીઠો આવકારો મળતો. રંક કે રાજા બધાં એને મન એક સરખા હતા. કોઈ પ્રત્યે ભેદભાવ રખાતો નહીં. આંગણે આવેલ કોઈ પણ માણસ ઉણાપેટે જતું નહીં. ધડીંગા જેવા બાજરાના રોટલા અને ઉપર માખણનો પીંડો જોઈને મહેમાનો પણ મોઢાંમાં આંગળાં નાખી જતા.
આવી ભલપ જેના અંતરમાં હિલોળા લેતી હતી, એ રાણીનું હૈયું હિમતથી મઢેલું હતું. એ જેમ પૃષ્પ જેવી કોમળ હતી, એમ વજ્ર જેવી કઠોર પણ હતી. સાત સાત જુવાનજોધ દીકરાઓની જનેતા હોવા છતાં એનો દેહ અજર હતો. માંધાતા જેવા માંધાતાને પણ શરમાવું પડે એવી એનાંમાં ત્રેવડ હતી.
આ સમયે કારો અને ભૂરો નામના બે જમાદાર નાગકા ગામમાં ફરક બજાવતા હતા. તે બન્ને મોટાભાગે દેવા પટેલના ઘરે જ પડ્યા રહેતા. જરાવાડા તરફથી તગડાં ભથ્થાં મળતાં હોવા છતાં તે દેવા પટેલને ઘરે મફતમાં ખાઈને મજા કરતા!
‘ખાવું એનું ખોદવું’ અને ‘પડાના વાંકે પખાલીને ડામ દેવો’ — આ બે વાક્યો ઇતિહાસમાં પોલીસનાં નીતિવાક્યો બનેલાં હતાં.
દેવા પટેલના ઘરનો રોટલો ખાઈને માતેલા સાંઢ જેવા બની ગયેલા આ બન્ને જમાદારો આખર સુધી સતાવાનોના પાંળેલા કૂતરા બનીને જ રહ્યા ! દેવા પટેલના દીકરા ભૂરાના ભોળપણનો લાભ ઉઠાવીને, એના હાથ કાળા કરાવ્યા. ભૂરાના હાથે એક નજીવી ગુનાની પ્રવૃત્તિ કરાવીને પછી એને પકડાવી દેવા માટે ત્રોટક રચ્યાં. જમાનાના ખાધેલા એવા દેવા પટેલને આ વાતની ગંધ આવી ગઈ. એણે ભૂરાને ફરાર કરાવ્યો.
બન્ને જમાદારોએ કાને વાત આવી કે ભૂરો ફરાર થઈ ગયો છે. જમાદારોએ માન્યું કે ભૂરો ફરાર થઈને બારડાં જંગલમાં જ ઉતરી ગયો હશે. એને પકડવા માટે તો એને કેટલાં કષ્ટો સહન કરવાં પડે. એવા કષ્ટો કોણ સહન કરે ! એટલે એમણે ‘પડાના વાંકે પખાલીને ડામ દેવો’ની નીતિ અપનાવી. અરજન અને વિજાણંદ નામના ભૂરાના બે ભાઈઓ ઉપર અમાનવી જુલમ આચરવાની શરૂઆત કરી. ભૂરાને જાણે થતાં એ સામે આવીને રજુ થઈ ગયો. એને લોખંડની સાંકળથી બાંધીવામાં આવ્યો.
આટલું કરવા છતાં બન્ને જમાદારોએ અરજન અને વિજાણંદ ઉપરથી તલવાર ઉપાડી નહીં. દરરોજ ઘરે આવીને તેઓ અરજન અને વિજાણંદ ઉપર મનફાવે તેવો ત્રાસ ગુજારતા. દેવા પટેલની પત્ની રાણીથી આ જોવાયું નહીં. ખરી વીરાંગના કદી અત્યાચાર થતો જોઈ શકતી નથી.
પોતાના દીકરાઓ ઉપર થતા અત્યાચાર જુલમ જોઈને રાણી તપી ઊઠી. તેનું અંગ આગ આગ થઈ ગયું. ઘરમાં ટીંગાતી તલવાર લીધી ને સામે ઊભેલા જમાદારોને પડકારો કર્યો :
“રાણાના કુતરાવ! ઓરા આવો ઓરા! આ તલવારનું પાણી જરાક ચખાડાં !”
જમાદારોએ રાણીનું બદલાયેલું રૂપ જોયું. તેમને થયું કે ઊભા રહેવામાં સાર નથી. એટલે રાણીનો પડકારો થતાં જ તે બન્ને ભાગ્યા. રાણી તેમની પાછળ દોડી. જમાદારો કોઈના ઘરમાં ઘૂસી ગયા. ઘરધણી આગળ કરગરવા લાગ્યા :
“ભલા થઈને બારણું ખોલશો નહીં, નકર અમારાં બૈરી-છોકરાં વાટ જોશે! રાણી આજ રણચંડી થઈને અમારી પાછળ પડી છે! એ અમને વેતરી નાંખશે !”
બન્ને જમાદારો લાગ મળતાં ઘરની બહાર નીકળી ગયા અને સીધા પોરબંદર આવ્યા. ફોજદાર આગળ બધી હકીકત રજૂ કરી. આ સાંભળીને ફોજદાર ખડખડાટ હસતાં બોલ્યો :
“અરે બાયલાઓ! એક બાઈથી બી ને ભાગી આવ્યા ! ધિક્કાર છે તમને ! આવા પહાડી શરીર ભગાવાને તમને સાવ નકામાં જ દીધાં છે ! અને આ આવડાં મૂછોનાં થોભિયાં સાવ નકામાં જ રાખ્યાં છે. હું હમણા જ ત્યાં જઇને જોઉં છું કે એ મેરાણી વળી કેવીક માટીયાઈ વાળી છે.”
એ બરાબર બપોરના સમયે નાગકા પહોંચ્યા. ચોકમાં એ સમયે જે રડ્યાં ખડ્યાં માણસો હતાં એણે ફોજદારને જોઈ ને મુઠીઓ વાળી.
ફોજદારે પડકારો કર્યો કે “ક્યાં છે રાણકી ? કોઈ એને બોલાવો તો ખરા! સાંભળ્યું છે કે એ મેરાણી બાઇને પણ શેર લોઢું બાંધવાના અભરખા છે, તો જરા જોઇએ તો ખરા!”
કોઇએ જઇને રાણીને વાત કરી કે તેં જમાદારોને તલવાર દેખાડી હતી એટલે ફોજદાર સાહેબ ખબર પૂછવા આવ્યા છે! રાણી તો ખીંટીએ ટીંગાતી તલવાર લઇને ચોકમાં આવી. રણમેદાનમાં ઉતરેલી કોઇ રણચંડી જેવી રાણીને જોઇને ફોજદાર તો અવાક બની ગયો. રાણીએ પૂછ્યુંઃ
“બોલ્ય, મારું કાંવ કામ છે?”
ફોજદારે સખ્તાઈથી કામ લેવા ઊંચા સાદે જવાબ આપ્યો કે “રાણીબાઈ! તેં અમારા જમાદારોને ગામમાંથી ભગાડીને સારું નથી કર્યું. તને ખબર છે રાજના હાથ બહુ લાંબા હોય છે? તને બહુ વસમું પડશે!”
જડબાતોડ જવાબ આપતાં રાણીએ કહ્યુંઃ “તારા ઇ અમલદારું કોઈ ઉપર અન્યાય કરહે તો આ તલવારથી વેતરે નાખતાંય વાર ની લાગે. હમજયો ! રાજના હાથ લાંબા હોય તો અમારાય લાંબા છે!”
ફોજદારે સબક શીખવવા એકદમ ધગધગતા શબ્દો માં કહ્યુંઃ “રાણીબાઇ, તમારા મેરને સીધા રાખવા અન્યાય પણ કરવો પડે ! જમાદારોને એટલા માટે જ ગામમાં મુક્યા છે, સમજી?”
રાણી એ સણસણતો જવાદ દેતાં કહ્યુંઃ “તો મોકલજે ઇણીં આં! હું ય જોવાંસ કે ઇ કીં અન્યાય કરે છે ! ઝાપટે નાંખાતી બીજો દી થે જાય, સમજયો!”
ફોજદારનો પિત્તો ઉછળ્યોઃ “એ બાઇ, જરા વિચારીને બોલ ! તું કોની સામે જીભ ઉપાડે છે એનું ભાન છે કે નહીં?”
“બધુંય ભાન છે, ને નો હોય ઇણી કરાવતાંય આવડે છે!” રાણીએ એવો જ જવાબ આપ્યો.
આ સાંભળીને ફોજદાનને ચીડ ચડી. રાણીનો ચોટલો પકડવા હાથ લંબાવ્યો એ સાથે જ રાણીએ તલવારનો વાર કર્યો. તલવાર ફોજદારની કોડ ઉપર જ પડત, પરંતુ ફોજદાર કોડ જરા નમાવી ગયો એટલે તલવાર ફોજદારના ખભા ઉપર પડી. ખભા ઉપર જખમ થયો. લોહી વહેવા લાગ્યું. રાણી બીજો વાર કરવા ગઈ ત્યાં ગામના લોકોએ એને રોકી લીધી. સમજાવીને એને ઘરે મૂકી આવ્યાં.
જખમી થયેલા ફોજદારને પોરબંદર પહોંચાડવામાં આવ્યો. રાણાબાપુને ખબર પડી એટલે તેઓ હૉસ્પિટલ દોડી આવ્યા. ફોજદાર પાસેથી હકીકત સાંભળીને રાણા સાહેબ જેવા રાજા સાહેબ પણ દંગ રહી ગયા. મેર પુરુષો અને મેર નારીઓ કેટલી જબર શક્તિ ધરાવે છે એના અનેક પરચાની અમને ખબર હતી. માતેલા સાંઢ જેવા ફોજદાર ઉપર પણ વાર કરી જબરદાર બરડાની એ મેરાણી તરફ રાજા સાહેબને અઢળક માન થયું. જો કે રાજ્યના કાયદા પ્રમાણે રાણી ને ત્રણસો કોરીનો દંડ થયો, પરંતુ એમ છતાં રાણીની મરદાનગીને તો રાણો છેવટે સુધી પૂજતો રહ્યો !
નિપજી એવી નાગકે મેર ખસમની નાર,
ફોજદાર જમાદાર, પાછા પડિયા પોરનાં.

Post a Comment

Previous Post Next Post