ભૂદેવનો ભરોસો

 ભૂદેવ_નો_ભરોસો

(રખોપાં કરતી સરહદની દેવી માં નડેશ્વરી)



નડાબેટ નામ હવે ગુજરાત નહિ પરતુ સમગ્ર ભારત માટે અજાણ્યું નથી રહ્યું. જ્યાં ભગવતી માં વરૂડી કહો , ખોડીયાર કહો કે પછી નડાબેટ ની નડેશ્વરી કહો. આવી ભગવતી ના જ્યાં બેસણા છે . અને માં આજ પણ ભૂલ્યા અને ભટકેલ ને મારગ બતાવે છે. આવી જ એક સત્ય ઘટના ઘટી અને માતાજી ના આશીર્વાદ મળ્યા એવા બે ભૂદેવો ની વાત કરવી છે. 


આ ઘટના આજ થી લગભગ પિસ્તાલીસેક વર્ષ પહેલાં ની છે . ભાભર ની બાજુ નું ગામ બળોધણ ના નિવાસી ભૂદેવ એવા શંકરલાલ દુર્ગાશંકરજી દવે સુઈગામ તાલુકા ના ગોલપ ગામે પોતાના સબંધી એવા જયશંકર દવે ને ત્યાં આવ્યા. શંકરલાલ ના બહેન નું વેવિશાળ જયશંકર દવે ના પુત્ર કાંતિલાલ સાથે કરેલ એટલે જયશંકર એમના વેવાઈ થાય . શંકરલાલ એ માતાજી ની પાસે બાધા ( માનતા ) રાખી હતી કે જો મને નોકરી મળી જાય તો ચાલતા પગે માં તમારા દર્શને આવીશ અને માતાજી ની કૃપા થી નોકરી મળી ગઈ એટલે માનતા પૂરી કરવા માટે બળોધણ થી ગોલપ આવ્યા અને ત્યાં થી નડેશ્વરી માતાજી ના દર્શને જવા ની ઈચ્છા દર્શાવી . પોતાના વેવાઈ જયશંકર ગોર ને સાથે આવવા આગ્રહ કર્યો .જયશંકર ગોર સાવ ઘરડા નહિ પરંતુ ઉંમરલાયક તો હતા . પણ પોતાના વેવાઈ ને ના ન પાડી શક્યા અને સાથે જવા તૈયાર થયા . એ સમય માં વાહન વ્યવહાર બહુ ઓછો એટલે દસેક ગાઉં નો પંથ કાપવો એટલે કંઇ મોટી વાત ના કહેવાતી . અને ચડેચડા ( એકલ દોકલ યુવાન પુરુષ ) આદમી હોય એટલે તો આટલો પંથ કાપવો એટલે રમત રમવા જેવું કહેવાતું. અને આમ પણ અમારા ગોલાપ,નેસડા , રડોસણ, મેઘપુરા , ભરડવા,પાડણ આ બધા રણ કાંધી ના ગામડા અને ત્યાંથી ઠરુવે ટાણે ( સવાર ના સમયે ) કોઈ ઊંચા ટેકરા પર ચડી ને અથમણી નજર કરો એટલે માતાજી ના મદિર ની ધજા જોઈ શકાય છે . અને પહેલા નડાબેટ અને આજુ બાજુ ના બેટ માં અમારા વિસ્તાર ના લોકો પશુ ના ખાણ માટે બાવળ ના કાતરા ગુંદ કે બળતણ માટે બેટ માં આવતા જતા એટલે ત્યાં રણ માં ઘણા ચીલા ચિતરેલ હોતા. જેથી એ બાજુ બેટ માં જવા માટે ચિલામારગ પકડી ને ત્યાં જઈ શકાતું. 

ઉનાળા નો જેઠ મહિના નો સમય અને બંને ભૂદેવો એ ઢળતા બપોરે નડાબેટ માં વરૂડી ને દર્શને જવા નીકળ્યા . આમ તો મેઘપૂરા થી સીધા રણ નો મારગ પકડો એટલે અંદાજિત ચારેક ગાઉં એટલે ( સોળ સતર કિલોમીટર )જેવું થાય પણ ગોલપ થી મેઘપુરા નું અંતર સાથે ગણીએ તો કદાચ પાંચેક ગાઉં થાય પણ એટલો પંથ કાપવો એટલે મોટીયાર માણસ ( યુવાન પુરુષ ) ને શું વાર લાગે ? આમ ધારી ને પોતાની સાથે જાજી વ્યવસ્થા ના લીધી થોડીક પાણી ની વ્યવસ્થા કરી ને બંને માતાજી નું નામ લઈ ને પોતાની યાત્રા ચાલુ કરી . ઉનાળા નો સમય હોય ત્યારે આ વિસ્તાર માં બપોર પછી લૂ બહુ વાય .

( બપોર ના ધોમ તડકા માં ખારા રણ નું મીઠું તપે અને પછી અથમણો વાયરો ફૂકે અને એ વાયરો રણ માંથી પસાર થાય એટલે એ લૂ માં પરિવર્તિત થઈ ને કાંધી ના ગામડા માં પહોંચે ઉની લાય જેવી લૂ ચામડી બાળી નાખે એટલી સૂકી અને ગરમ હોય છે . પરંતુ ત્યાં ના સ્થાનિક લોકો તો ટેવાઈ ગયા છે. ) 


 કર્મકાંડી બ્રાહ્મણ ના ખોરડે અવતાર એટલે પૂજાપાઠ હોય એટલે શારીરિક રીતે કોમળ હોય તે સ્વાભાવિક છે .શંકરલાલ અને જયશંકર બંને મેઘાપુરા થી સીધો મારગ લીધો . અને દી આથમે ઈ પહેલા તો નડાબેટ માં પહોચી ગયા માતાજી ના દર્શન કર્યા.સંધ્યા આરતી નો લાભ લીધો. રાતવાસો ત્યાં રોકાણ કર્યું. સવારે ઉઠી ને માતાજી માં દર્શન કરી. ને શંકરલાલ દવે બોલ્યા કે વેવાઈ તમે અહીંયા થી બીએસએફ ની ગાડી માં બેસી ને જતા રહો . હું વળતો પણ ચાલી ને આવીશ ત્યારે મારી માનતા પૂરી થશે. પણ જયશંકર ગોર વડીલ માણસ ને થયું કે મારા વેવાઈ એકલા પાછા ચાલી ને જાય એના કરતાં હું પણ સાથે જ રહું . શંકરલાલે પોતાના વેવાઈ ને કહ્યું પણ ખરું કે તમારી ઉમર છે હવે વળતા તમે સાથે ના આવો પણ જયશંકર ગોર ના માન્યા અને કહ્યું કે એક થી બે ભલા ચાર ગાઉં છે . હમણાં બપોર નો તાપ તપે ઈ પહેલા તો રણ માંથી સામે મુળેશ્વર દાદા ના મંદિરે પોચી જશું. પાણી ની થોડીક વ્યવસ્થા કરી ને વળતા આવવા નીકળ્યા. બંને જણ અધ્યાત્મ ની વાતો કરતા કરતા ચાલ્યા જાય છે.અડધો પંથ કાપ્યો પણ વાતો વાતો માં ચીલો ક્યારે ભૂલાઈ ગયો એની ખબર ન રહી અને રણ માં લૂ સૂસવાટા મારે અને જેઠ મહિનો એટલે સવાર ના નવ વાગ્યા પછી ના ના સમયે વાતાવરણ ધૂંધળું થઈ જાય એટલે દશ ( દિશા) સુજે નહિ . જવાનું હતું મૂળેશ્વર તરફ અને નીકળી ગયા પાકિસ્તાન બોર્ડર તરફ . ધીમે ધીમે સૂરજ મથાળે આવે એમ રણનું તાપમાન વધવા લાગ્યું . બરાબર સૂરજ દાદો મથાળે આવ્યા હવે કઈ બાજુ ઉગમણી દિશા કહેવાય ઈ પણ સમજાતું નથી . બસ ચારેકોર ફક્ત અફાટ રણ સિવાય કઈ નજર માં નથી આવતું . સાથે થોડીક પાણી ની વ્યવસ્થા હતી તે પણ પૂરી થઈ ગઈ રણ ની લૂ ના લીધે હોઠ સુકાઈ ગયા છે એવી ભયંકર તરસ લાગી . જયશંકર ગોર ને પથરી નો અસહ્ય દુખાવો ઉપડયો . ગરમી અને પછી તરસ ના લીધે ઉંમરલાયક માણસ એટલે ભમેળ ( ચક્કર) આવવા લાગ્યા . થોડી હિંમત કરી ને નીચે બેસી ગયા અને પોતાના વેવાઈ ને આંગળી ચીંધતા કહ્યું કે મારા થી હવે પાણી વગર એક ડગલું નહિ ભરાય સામે દેખાય છે એ પાડણ ગામ નું મૂળેશ્વર મહાદેવ નું મંદિર છે ત્યાં તમે પાણી પીતા આવો ને મારા માટે ભરાતા આવો ત્યાં સુધી હું અહીંયા બેઠો છું. જયશંકર ગોર પેટપીડા માં ભાન ભૂલા થઈ ગયા હતા એટલે પાકિસ્તાન સ્થિત વોળવા નો ડુંગર એમને મંદિર જેવો દેખાય છે. શંકરલાલ ગોર આ વિસ્તાર અને રણ થી સાવ અજાણ્યા હતા .દૂર થી વોળાવા નો ડુંગર મંદિર જેવડો દેખાતો હતો . શંકરલાલ દવે પાણી લેવા નીકળ્યા ખૂબ ચાલ્યા પછી પોતાને દેખાણું કે આ મંદિર નથી લાગતું કોઈ ડુંગર છે. હવે શંકરલાલ ને પણ તરસ ના લીધે માથું ફરવા લાગ્યું અને આંખે અંધારા આવવા લાગ્યા વેરાન અને સપાટ રણ જ્યાં નજર કરો ત્યાં સુધી ઝાંઝવા સિવાય કંઈ નજરે ના પડે.જેઠ મહિના નો ભયંકર તાપ અને નીચે ખારૂ રણ એવું તપ્યું કે મુઠી જાર ના દાણા વેરો તો ઘડીક માં ધાણી થઈ જાય . શંકરલાલ ની હિંમત હવે રહી નહિ આંખે અંધારા છવાયા અને બેભાન થઈ ને ધરતી માથે ઢળી પડ્યા. 

માતાજી ના દર્શને નીકળેલા બંને ભૂદેવો વિખૂટા પડી ને સાવ વેરાન રણ માં બેભાન થઈ ને પડ્યા છે. ધીરે ધીરે દી નમતો ગયો અને રાત પડી ગઈ . આ બાજુ જયશંકર ને રાત થઈ અને રણ થોડુક ઠર્યું એટલે ભાન માં આવ્યા . અને ઉઠી ને નજર કરી ચારે બાજુ રણ સિવાય કઈ નજર માં નથી આવતું . પણ પહેલા ના લોકો રાત્રે આભામંડળ ના તારા જોઈ ને દિશા અને સમય જોતા . અને પાછા બ્રાહ્મણ એટલે ખગોળશાસ્ત્ર ના જાણકાર પોતે તારોડિયા ના આધારે ચાલી નીકળ્યા . પણ મન માં પોતાના વેવાઈ ની ઘેરી ચિંતા લઈ ને અડધિક રાત વીતી હશે ત્યારે ઘરે પહોંચ્યા આવી ને સહુ ને તમામ પરિસ્થિતિ જણાવી . ત્યાં સુધી તો સવાર પડવા આવ્યું હતું. 

ઉઠતાં ગામ માંથી બીજા લોકો ને સાથે લઈ ને શકારાલાલ ની ભાળ કાઢવા સહુ નીકળી પડ્યા . આખો સીમાડો ફરી વળ્યા પણ ક્યાંય શંકરલાલ નો પતો નથી લાગતો સહુ ચિંતા માં છે. શું થયું હશે અને ક્યાં હશે કઈ હાલત માં હશે. બે દિવસ સખત શોધખોળ કરી પણ કઈ પરિણામ ના મળ્યું . આ બાજુ પોતાના વેવાઈ પક્ષ પણ નારાજ થઈ ગયો . મોઢે કોઈ કહી ના શકે પણ અંતર થી જયશંકર ને ઠપકો આપ્યા કરે કે શંકરલાલ તો આ વિસ્તાર થી અજાણ્યા હતા પણ તમે વડીલ હતા પાણી ની વ્યવસ્થા કરી ને જવું જોઈએ . ખરા બપોરે શું કામ મુસાફરી કરી આવા દોષ મનોમન આપે છે. પણ વિધાતા ના લેખ અને સમય સંજોગ જ્યારે કોઈ ઘટના ને સ્વરૂપ આપે ત્યારે કાળા માથા ના મનાવી નું કંઈ ન ચાલે. 

હવે તો સહુ ને મન માં થઈ ગયું હતું કે આવા અફાટ રણ માં ભૂલો પડેલ અને અજાણ્યો માણસ બે દિવસ સુધી ભૂખ્યો તરસ્યો જીવી ન શકે અને કદાચ જીવી પણ જાય તો આ રણ માં જંગલી જાનવર ભરખી જાય . કારણ કે એ સમયે નાર ( વરું ) , શિયાળ અને બીજા ઘણા ઘાતકી પ્રાણીઓ અહીંયા રણ ના બેટડા માં વસવાટ કરતા અને બીજું કે કદાચ ભૂલા પડી ને પાકિસ્તાન સરહદ બાજુ નીકળી ગયા હોય તો પાકિસ્તાની ફોજે પકડી અથવા ઠાર પણ કર્યા હોય આવી અનેક અટકળો દરેક લોકો ના મન માં ઉદભવે છે. પણ જ્યારે માનવી સાવ હારી ને બેસી જાય ત્યારે ફક્ત શ્રધ્ધા કામ લાગે ભગવાન પ્રત્યે ની અડગ આસ્થા કામ લાગે. એમ ભરોસો મૂક્યો નહિ . 

છેલ્લે એકજ રસ્તો હતો કે સરહદ ના રખોપાં કરતા સૈન્ય ના જવાનો ની મદદ લીધી . સાથે રણછોડ પગી ને લીધા પાડણ થી રણ ના જાણકાર એવા હેમા મસરું ઠાકોર આવા અનેક લોકો ને લઇ ને નડાબેટ થી પગેરું લીધું. અમુક ઠેકાણે પગ ના નિશાન દેખાય અમુક ઠેકાણે મીઠા ના થર જામી ગયા હોય ત્યાં ના દેખાય આમ ત્રીજા દિવસે સવાર થી ત્રીસ ચાલીસ લોકો અને બીએસએફ ના જવાનો અલગ અલગ ટુકડીઓ બનાવી ને રણ ને ખુદી વળ્યા પણ ક્યાંક શંકરલાલ નો પતો લાગ્યો નહિ . પછી છેલે થાકી ને એક જગ્યા પર બેઠા ત્યાં બેઠા બેઠા માતાજી ને સહુ સમરે છે કે હવે માં તું કઈક મારગ બતાવે તો થાય . અને જાણે ચમત્કાર થયો હોય એમ વેરાન રણ માં જ્યાં કોઈ પંખી ની હાજરી ના મળે ત્યાં વોળવા ના ડૂંગર ની દિશા માં થોડીક આઘે એક ચકલી રણ માં સુકાઈ ગયેલ એક બાંટકોડા ( સુકાયેલ જાળું) માથે બેઠી નજરે ચડી . કોઈ વિશ્વાસ કરે ના કરે પણ ઈ સમયે ત્યાં હાજર લોકો ને થયું કે કદાચ આ દેવ ચકલી મારગ બતાવવા આવી હોય એટલે સહુએ ઈ દિશા તરફ પગ માંડ્યા. ત્યાં પહોંચે એટલે વળી ચકલી ત્યાં થી ઊડી ને આઘી જઈ બેસે. જાણે ચકલી કઈક ઈશારો કરતી હોય એમ સહુ ને વોળાવા ના ડુંગર બાજુ દોરી જાય છે. ડુંગર નજીક દેખાતો ગયો થોડેક દૂર રહ્યા એટલે બીએસએફ ના જવાનો એ ટકોર કરી કે આના થી આગળ હવે નહિ જવા મળે કારણ કે હવે પાકિસ્તાન બોર્ડર નો પીલ્લર નજીક માં જ છે અને ભારતીય નિયમ અનુસાર ત્યાં જવા ની પરવાનગી ના હોય .સહુ ના હૈયે ધ્રાસકો લાગ્યો હવે શું થાય . સહુ નીચે બેઠા પણ એમાંથી એક વ્યક્તિ એ ધારી ને નજર કરી ને જોયું તો દૂર દૂર કઈક કપડું હવા માં ઉડતું હોય એવું દેખાણું . બીએસએફ ના જવાનો ને વિનતી કરી કે સામે દેખાય તે વસ્તુ એક વખત જોઈ લઈએ નહિ તો પછી પાછા વળી જઈશું. બીએસએફ ના જવાનો એ કહ્યું કે નિયમ અનુસાર અમે ના આવી શકીયે કારણ કે તે બોર્ડર છે . પણ તમે એક બે જણ જઈ ને જોઈ આવો જો કઈ હોય તો પછી હવા માં કપડું લહેરાવી ને સંકેત આપજો અમે મદદ માટે આવીશું. આમ નક્કી થયા મુજબ ત્રણ ચાર લોકો ચોકસાઈ થી એ બાજુ જવા નીકળ્યા . ત્યાં જઈ ને જોયું તો એક વ્યક્તિ ઉઘાડા ડીલે બેભાન પડ્યો આખા શરીરે મીઠું ચોંટ્યું છે એટલા માં આળોટવા ના નિશાન થઈ ગયા છે. પણ હવે સમય ઓછો હતો એટલે હવા માં કપડું લહેરાવી ને સંકેત આપ્યો પછી અહીંયા થી બીએસએફ ના બે જવાન ત્યાં પહોંચ્યા માણસ ની ઓળખ કરી . ખીસા માંથી નીકળેલ કાગળ ના આધારે નક્કી થયું કે વ્યક્તિ તો ભારતીય છે . નાડી તપાસી ને જોયું તો હજુ કાયા માં પ્રાણ હોય એવું લાગ્યું . નડાબેટ ચોકી માં વાયરલેસ કર્યો . બીએસએફ ના જવાનો પાસે ઊંટ હતા ઊંટ પર નાખી ને નડાબેટ લાવવામાં આવ્યા . ત્યાં સેન્ય ના ડોકટરો એ તપાસ કરી ને પ્રાથમિક ઉપચાર કર્યો . પછી પરિવાર અને સબંધીઓ ને બોલાવી ને ખરાઈ કરવામાં આવી કે આ શંકરલાલ દવે જ છે. પણ ત્યાં સહુ લોકો ના મન માં આશ્ચર્ય તો હતું જ કે ત્રણ દિવસ સુધી જેઠ મહિના ના ધોમ ધખતા તડકે ભૂખ્યો તરસ્યો માણસ જીવી કઈ રીતે શકે. ત્યાં થી સહુ ઘરે આવી ગયા અને શંકરલાલ નો ઉપચાર કરાવ્યો કારણકે ત્રણ દિવસ ની ભૂખ્યા તરસ્યા અફાટ રણ માં કાઢી ને આવ્યા હતા એટલે શરીર બહુ દુર્બળ થઈ ગયું હતું. ધીરે ધીરે બરાબર થવા લાગ્યું. અને સાવ બરાબર થયું પછી કોઈએ જ્યારે શંકરલાલ ને અનુભવ પૂછ્યો ત્યારે કહ્યું કે મને ત્રણ દિવસ કાયમી આળપંપાળ થાય કે દિવસ માં ત્રણ વખત કોઈ ડોશીમા મારી પાસે આવતા અને મારી સંભાળ લઈ જતા.મને મનોમન એવું લાગતું કે મને જમાડી જાય છે અને પાણી પણ પીવરાવી જાય છે પણ હું ઊભા થવા ની કોશિશ કરું તો હું ઊભો ના થઈ શકતો . કોઈ માને કે ના માને પણ ખરેખર હું તો આને માતાજી નડેશ્વરી ના આશીર્વાદ માનું છું . માતાજી જ ડોસીમાંના રૂપે મારી સંભાળ લેવા આવતા હતા . મને ત્રણ દિવસ અફાટ રણમાં જીવતો રાખી ને પાછો ઘરે પહોંચતો કરવા વાળી માં વરૂડી સિવાય કોઈ ના હોય . આવી પાકી શ્રધ્ધા ભૂદેવ ના હૈયે વસી ગઈ. આનું નામ ભક્તિ, આસ્થા અને વિશ્વાસ કહી શકાય . આ વાત માં અનેક અલગ અલગ તર્ક આપે છે કોઈ લોકો આ ઘટના ને અલગ સ્વરૂપ આપી ને પણ રજૂ કરે છે. પરંતુ અહીંયા રજૂ કરેલ ઘટના ગોલપ માં વસતા દવે પરિવાર ના સભ્યો પાસે થી માહિતી મેળવી ને લખેલ છે અત્યારે જયશંકર બાપુ તો દેવલોક પામ્યા છે.પરંતુ એમના જણાવ્યા અનુસાર શંકરલાલ એક બે વર્ષ પહેલા નોકરી નથી નિવૃત્ત થાય છે . અને અત્યારે પણ બળોધણ માં રહે છે. 


 આ રણ વચ્ચે ભટકેલા ને મારગ બતાવનાર માં વરૂડી સિવાય કોઈ ના હોય. આ એમની શ્રદ્ધા કહો , વિશ્વાસ કહો કે પછી માતાજી પ્રત્યે ની ભક્તિ કહો . ઘણા લોકો આવી વાતો ને ભ્રમ કહે છે ઘણા લોકો સ્વપ્ન કહે છે. પરંતુ હું આ માં આદ્યશક્તિ પ્રત્યે ની શ્રદ્ધા કહીશ આનું નામ જ ભક્તિ છે .જો નવઘણ ને ખારા સમદર વચ્ચે માં મારગ કરી દેતી હોય નવઘણ ના દળ કટક ને રણ વચ્ચે એક કુલડી માં જમાડતી હોય અને એના દર્શને જતા હોઈએ તો માં કોઈ દી એના છોરું ને ઉની આંચ ના આવે.

દળ કટક લઈ નવઘણ જે દી જાય કરવા બેન જાહલ વાર

વરુડી થઈ મારગ બતાવતી માડી રણ કાંઠા ની રખેવાળ


 આવી માં ભગવતી આઇ વરૂડી માં ઉપર અમારા મલક ના દરેક માનવી ને અખૂટ અને અતૂટ શ્રદ્ધા છે વિશ્વાસ છે. એક વાર અંતર ના ઊંડાણ થી સાચા મન થી હાકલ કરો સાદ કરો એટલે માડી કોઈ પણ સ્વરૂપે તમારા અટક્યા ઉકેલી જાય આવી જગદંબા ના ચરણો મા વંદન સાથે આ વાર્તા ને અહીંયા વિરામ આપું છું .


આ પ્રસંગ ને અનુરૂપ મારી શક્તિ અને સમજ ન આધારે વર્ણન કર્યું છે. મે લખ્યું ઈ જ સત્ય છે એવી બાહેધરી ના લઈ શકું . કારણ કે આ વાર્તા અમારા વિસ્તાર ના અનેક વડીલો પાસે થી સાંભળી છે . સહુ અલગ રીતે કહે છે . પરંતુ એમના પરિવાર દ્વારા જે માહિતી આપી છે તે સાચી હોય એ આધારે લખ્યું છે. આવી અનેક ઘટનાઓ આપણી ધરતી માં ધરબાયેલા છે . એ લોકો સુધી પહોંચે એના માટે નો એક પ્રયાસ કરું છું..લખાણ માં કોઈ ત્રુટી કે ફેરબદલ કરવા યોગ્ય હોય તો તથ્ય ના આધારે કરવા કટિબદ્ધ છું. 🙏 જય નડેશ્વરી માતાજી🙏

  આભાર...



Post a Comment

Previous Post Next Post