મીઠી છોકરી!
ગુરુવાર
“તારાં પત્ર મળ્યાં. બહુ જ આનંદ થયો. અહીં તો પત્રો આવે ત્યારે અને હું લખું ત્યારે ઘણી આંખો ટાંપી રહી હોય છે અને તેથી બધું કામ ચોરીયાં ખાતાનું કરવું પડે છે.
"મીઠી! તારા હૃદયમાં શંકા નથી એ હું જાણું છું.પણ તું હજુ છેક બાળક છે. દુનિયાદાર થવાનું સર્વને સર્વ તરફથી કહેવામાં આવે છે, તેમાં પ્રેમમાં દૃઢ શ્રદ્ધા અને પોતાના સ્વાર્થ પર વિરાગ કે બેદરકારી હોય છે, તો જ સ્નેહ નભી શકે છે. મને તો હજારો રાજ્ય કરવા કરતાં સ્નેહમાં વધારે દઢતાની જરૂર લાગે છે, અને તે એમજ હોય; કેમકે, પ્રભુને મેળવવાના માર્ગ સુલભ નથી. બહુ યત્ન અને મહેનતની જરૂર છે, છતાં વાત બહુ ટુંકી છે. પોતાને ભૂલી જવાય એટલામાં જ સર્વ ધર્મનો સાર છે. સર્વ સ્નેહનો સાર પણ એટલામાં જ છે. ઝિન્દગી બહુ ટુંકી છે અને સ્વાર્થ તેને કદાચ બહુ ચિન્તાવાળી ઝિન્દગીથી સુધારી શકે, પણ મૃત્યુનો કાળ અનંત છે અને તે તો સ્વાર્થ માત્ર દૂર ફેંકી દઈ અને તે પણ આનંદમાં નિશ્ચંત રહ્યા કરવાથી જ સુધરી શકે છે. મ્હારી તારે માટેની ચિન્તા તારી ઝિન્દગીની નહિ, પણ તારા મૃત્યુની છે. તું સુખમાં જીવી ન શકે, પણ સુખમાં મરી શકે. સુખમાં મરી શકવું એ થોડાં જ કરી શકે છે. પણ હાલ તો એક ચુ... અને શનિવારની આશા.”
લિ: તારો જ સુરસિંહ..


Post a Comment