મૃતકનો મલાજો અને મયૉદા
ગોંડલની એક અનોખી તાસીર
ગોંડલ શહેરની એક વિશેષતા એવી છે કે જે સ્મશાનયાત્રામાં મૃતકના મોતનો મલાજો, મયૉદા, અદબ, વિનય, વિવેક અને આમન્યા જાળવવામાં અન્ય શહેરો કરતા તદન જુદી પડે છે તે આવકારદાયક અને બિરદાવવા લાયક છે. તે શા માટે છે? તે અંગે બુઝગૅ વડીલો પાસેથી જાણવા મળ્યુ હતુ કે સર ભગવતસિંહજીના શાસનકાળથી પેઢી દર પેઢીથી આ પ્રથા ચાલી આવે છે. તેઓએ આ અંગે કોઈ કાયદો નહોતો કર્યો પરંતુ વણલખ્યો નિયમ બની ગયો હતો.
વાત જાણે એમ છે કે ભગાબાપુના શાસનકાળમાં જયારે કોઈનું અવસાન થતું ત્યારે રાજ તરફથી તેમની અંતિમક્રિયા માટે એક રૂપિયો તેમને ઘરે સહાય માટે પહોંચાડવામાં આવતો પછી તે કોઈ પણ જ્ઞાતિ હોય જેથી તે મૃતકની અંતિમક્રિયા શાસ્ત્રોકત રીતરીવાજ અને પ્રથા મુજબ કરી શકે.
બીજી મહત્વની બાબત એ હતી કે એ વખતમાં ગોંડલના રાજમાગૅ પર કોઈની સ્મશાન યાત્રા નીકળી હોય અને સર ભગવતસિંહજી બગીમાં એ માગૅ પર સામા મળે તો બાપુ અને કોચવાન (બગી ચાલક)બંને બગીમાંથી નીચે ઉતરી જતા. અને સ્મશાનયાત્રા પસાર થઈ જાય ત્યાં સુધી રાજમાગૅની બાજુમાં ઉભા રહી જતા. ગોંડલના મહારાજા મૈયતનો આવો મલાજો જાળવતા હોય તો ગોંડલની રૈયતે પણ મૈયતનો મલાજો જાળવવો જોઈએ એવા વિચારે ગોંડલની રૈયતમાં પણ આ સંસ્કાર ઉતરી આવ્યા જેથી આ સંસ્કાર પેઢી દર પેઢીથી ગોંડલમાં આજે પણ કોઈની સ્મશાનયાત્રા નીકળે ત્યારે નજરે નિહાળી શકાય છે.
ગોંડલની આ ઉડીને આંખે વળગે એવી હૃદયસ્પર્શી બાબત છે કે જ્યારે કોઈની સ્મશાનયાત્રા શહેરના રાજમાર્ગ પર નીકળે પછી તે કોઈ ગરીબની હોય કે અમીરની ત્યારે ગોંડલની જનતા, વેપારીઓ તથા વાહનચાલકો ઉભા રહી જાય છે.શાંતિરથ ધીમે ધીમે પસાર થતો હોય અને તેમાં “તુમ હી માતા, પિતા હી તુમ હો, હે….રામ, હે….રામ….”ની વાગતી ધૂન સાંભળતા જ મૃતકના મોતનો મલાજો, મયૉદા અને આમન્યા જાળવી જાણે છે અને શાંતિરથની બંને બાજુએ ટીંગાતી ઝોળીમાં અંતિમક્રિયા માટે દાન (રકમ) કરે છે. એ ખરેખર ધન્યવાદને પાત્ર છે. અન્ય જગ્યાએ આવું દ્રશ્ય ભાગ્યે જ જોવા મળે એ હ્યદયને સ્પર્શી જાય એવી બાબત હોય ગોંડલની જાહેર જનતાને વંદન સાથે ભગાબાપુની સંસ્કારી નગરી ગોંડલને સલામ છે.
ગોંડલમાં અનેક અન્નક્ષેત્રો ચાલે છે. ઉપરાંત સેવાભાવી સંસ્થાઓ દ્વારા ગરીબોને તથા હોસ્પિટલના દરદીઓને ટીફિન અને ફ્રૂટ પહોંચતુ કરવામાં આવે છે. આગ, અકસ્માત, કુદરતી આફત કે દુઘૅટના સમયે સેવાભાવી યુવાનો, સંસ્થાઓ મદદ માટે સત્વરે પહોંચી જાય છે.
આ શહેરની બીજી એક વિશિષ્ટ તાસીર એ છે કે નોકરી કે ધંધા અર્થે અહીં આવી વસનારા કે નોકરીમાં અહીંથી જ નિવૃત્ત થનારા આ શહેર સાથે એવી મમતા અને લાગણીની ગાંઠ બાંધી બેસે છે કે કાં તો ગોંડલને વતન બનાવી દે છે, અથવા બીજે ગમે ત્યાં જાય તો પણ આ શહેરની માયા મમતા ને વિસરી શકતા નથી. અમારા હૈયે તો અમારા ગોકુળિયા ગોંડલનું ગૌરવ સદા અંકિત થઈ ચૂકેલું છે.

Post a Comment