એક નાનકડા ગામમાં બે અનાથ ભાઈ-બહેન રહેતા હતા. ભાઈ સાવ નાનો, હજુ તો ધૂળમાં રમતો અને શૈશવકાળમાં હતો, અને બહેન કિશોર અવસ્થામાં હતી. મા-બાપ વગરના આ બાળકોની જવાબદારી તેમના કાકા અને દાદા પર આવી પડી. સમાજમાં આબરૂ સાચવવા અને માથેથી બોજ ઉતારવા કાકાઓએ ઉતાવળે તે છોકરીના લગ્ન ક્યાંક દૂરના ગામમાં કરી દીધા. લગ્ન તો થઈ ગયા, પણ પછી કોઈએ તે દીકરીની દરકાર ન કરી. વર્ષો વીતી ગયા. પેલો નાનો ભાઈ હવે મોટો થઈને જુવાન બની ગયો હતો. જ્યારે તેના લગ્નની વાત આવી, ત્યારે તેને અચાનક ખબર પડી કે આ દુનિયામાં તે એકલો નથી, તેની એક સગી બહેન પણ છે, કાકાઓએ કહ્યું, કે બેટા, તારા લગ્ન નક્કી થયા છે, પણ તારી એક મોટી બહેન પણ છે. તેને બોલાવ્યા વગર આ પ્રસંગ અધૂરો ગણાશે. જા, તેને તેડવા જા. જુવાન ભાઈના હૈયામાં તો હરખનો હિલોળો ઉઠ્યો. તેને ખુશી થઈ કે મારી પોતાની પણ એક બહેન છે, પણ સાથે જ આંખમાં આંસુ આવી ગયા કે આટલા વર્ષો સુધી પોતે બહેન વગર એકલો રહ્યો. તેણે કાકાને પૂછ્યું, કે કાકા, મારી બહેન ક્યાં રહે છે? કયા ગામમાં તે પરણી છે? કાકાએ તેને એક અજાણ્યા ગામનું નામ આપ્યું. ભાઈ તો હરખપદુડો થઈને તૈયાર થઈ ગયો. તે જમાનામાં વાહનવ્યવહારના સાધનો તો હતા નહીં, એટલે ભાથું બાંધીને પગપાળા જ નીકળી પડ્યો. મનમાં બહેનને મળવાની એટલી બધી ઉતાવળ હતી કે તે રસ્તામાં ગામનું નામ વારંવાર બોલતો રહ્યો, પણ થાક અને લાંબી મુસાફરીમાં તે ગામનું નામ જ ભૂલી ગયો. હવે ભાઈ મુંઝાયો. રસ્તામાં ઘણા ગામો આવતા હતા, પણ પોતાની બહેન કયા ગામમાં હશે? ચાલતા ચાલતા તે એક ગામના પાદરે પહોંચ્યો. ત્યાં એક વિશાળ કૂવો હતો. ગામની પનિહારીઓ માથે બેડાં લઈને પાણી ભરી રહી હતી. પનિહારીઓના કિલ્લોલ અને પાણીના અવાજ વચ્ચે જુવાન ભાઈ ઊભો રહ્યો. તેને વિચાર આવ્યો, આટલી બધી સ્ત્રીઓ અહીં છે, શું ખબર આમાં જ કોઈ મારી બહેન હોય? જો હું મારી વ્યથા કહીશ, તો કદાચ મારી સગી બહેન મને ઓળખી જશે. તેણે હિંમત ભેગી કરી અને પનિહારીઓ પાસે જઈને પોતાની વાત માંડી કે બહેનો, હું મારા ગામથી મારી બહેનને તેડવા નીકળ્યો છું, જેને હું વર્ષોથી મળ્યો નથી. હું ગામનું નામ ભૂલી ગયો છું. શું આ ગામમાં એવી કોઈ બહેન છે જેના ભાઈનું નામ આ હોય? બધી સ્ત્રીઓ તો નવાઈ પામીને જોઈ રહી, પણ એ ટોળામાં એક ખુબ જ ચતુર અને લાલચુ સ્ત્રી હતી. તેણે જોયું કે આ છોકરો તો હીરે મઢ્યો હોય તેવો યુવાન છે અને તેના ઘરે લગ્ન છે એટલે જરૂર ખૂબ ધન-દોલત હશે. તેણે મનમાં વિચાર્યું, જો હું આની બહેન બની જાવ, તો મને કરિયાવરમાં અને દાનમાં ઢગલોએક સોનું-રૂપું મળશે.
તે લાલચુ સ્ત્રીએ તરત જ નાટક શરૂ કર્યું. તેણે પોતાની આંખમાં કૃત્રિમ આંસુ લાવીને મોટેથી રડવા માંડ્યું, અરે મારા વીરા, તું ક્યાં હતો આટલા વર્ષો? હું તો રોજ કૂવા કાંઠે તારી વાટ જોતી હતી કે ક્યારે મારો ભાઈ મને લેવા આવે. ભોળો ભાઈ તો માની ગયો. તેને લાગ્યું કે સાચે જ ભગવાને ભેટો કરી આપ્યો. સ્ત્રીએ તેને કહ્યું, ચાલ ભાઈ, મારા ઘરે ચાલ. મારી સાસુ પણ તને જોઈને રાજી-રાજી થઈ જશે. આમ, એક લાલચુ સ્ત્રીએ ભાઈને પોતાની જાળમાં ફસાવ્યો. પેલી સ્ત્રી તો હરખની હેલીમાં આવી ગઈ હોય એવું નાટક કરવા લાગી. ભાઈને આંગળીએ વળગાડીને તે પોતાના ઘરે લાવી. ઘરમાં પેસતાં જ તેણે જોરથી સાદ પાડ્યો, માજી, ઓ માજી, જલ્દી બહાર આવો, જુઓ તો ખરા કોણ આવ્યું છે? મારો સગો ભાઈ મને લેવા આવ્યો છે. ઘરની અંદરથી ડોશી લાકડીના ટેકે બહાર આવ્યાં. ડોશી તો ડઘાઈ ગયાં, તેમને ખબર હતી કે તેમની વહુને તો કોઈ ભાઈ છે જ નહીં. પણ વહુએ તો આંખના પલકારે સાસુને ચૂપ રહેવાનો ઈશારો કરી દીધો. વહુ બોલી, માજી, મારો ભાઈ થાકીને આવ્યો છે, એના માટે ગરમ દૂધની થાળી ઠંડી કરીને લાવો. આજે તો મારે આંગણે ઉત્સવ છે. વહુએ રસોડામાં જઈને જાતજાતની વાનગીઓ રાંધી. કંસાર, લાપસી અને શાક-રોટલીની સુગંધથી આખું ઘર મહેકી ઉઠ્યું. ભાઈ તો બિચારો ભોળો, એને એમ કે ખરેખર નસીબ જોરે બહેન મળી ગઈ. જમી પરવારીને જ્યારે રાત પડી, ત્યારે ભાઈ ઓસરીમાં સૂતો હતો. પણ તેને ઊંઘ ક્યાંથી આવે? મનમાં તો લગ્નના હરખ અને બહેન મળ્યાનો આનંદ હતો. મોડી રાત્રે, જ્યારે બધું શાંત હતું, ત્યારે પેલી સ્ત્રી પોતાની સાસુ પાસે જઈને ધીમાં અવાજે બોલી, માજી, સવારે હું આ છોકરા સાથે એના ગામમાં જવાની છું. એના ઘરે લગ્ન છે. તમે વિચાર તો કરો, કેટલું દાન-દહેજ મળશે. આ તો સોનાનું ઈંડું આપતી મુરઘી હાથમાં આવી છે. હું લગ્નમાં જઈશ એટલે એના કાકા અને દાદા મને સોનાના દાગીના અને પટાળાં ભરીને કપડાં આપશે. હું તો આ બધું ધન હડપ કરીને જ પાછી આવીશ.
સાસુ બિચારી ભલી હતી. તેણે વહુને વારી, અરે દીકરી, આવું પાપ ન કરાય, જેને ભાઈ નથી એને ભગવાને ભાઈ આપ્યો હોય તો એને સાચવવો જોઈએ, પણ આમ કોઈ અજાણ્યા છોકરાને છેતરીને એનું ધન લૂંટવું એ તો નઠારી નારનું કામ છે. તને કોઈ મોટી મુસીબત આવશે. પણ લાલચુ વહુને તો ધનના લોભમાં કશું દેખાતું નહોતું. તે બોલી, અરે જે હોય એ, મારે તો બસ ધન જોઈએ છે. એ લોકોના હિસાબે હું પહેલી વાર મારા પિયર જઈ રહી છું. તમે જોજો, હું કેવી રીતે એની પાસેથી માલ કઢાવું છું. પણ એને ક્યાં ખબર હતી કે ઓસરીમાં સૂતેલો ભાઈ જાગતો હતો, તેણે આ બધી વાતો સાંભળી લીધી. તેના હૈયામાં જાણે વીંછી કરડ્યો હોય એવી વેદના થઈ. આ તો મારી સગી બહેન નથી, પણ કોઈ ઠગ સ્ત્રી છે, તેને સમજાઈ ગયું કે તે એક મોટી મુસીબતમાં ફસાઈ ગયો છે. તેણે મનોમન નક્કી કર્યું કે, ભલે, અત્યારે તો હું સૂવાનો ડોળ કરું, પણ સવારે આ ઠગણીને એવો પાઠ ભણાવીશ કે એ આખી જિંદગી યાદ રાખશે. પરોઢિયે જ્યારે પંખીઓ કલરવ કરવા લાગ્યા, ત્યારે સાસુએ બંને માટે મુસાફરીમાં ખાવા માટે ચૂરમું બનાવી દીધું. ઘી નાખેલું ગરમાગરમ ચૂરમું પોટલીમાં બાંધ્યું. એક ઊંટ ભાડે કરવામાં આવ્યો. ઊંટ પર સવાર થવાનો એક જૂનો નિયમ છે, જો ભાઈ અને બહેન સાથે મુસાફરી કરતા હોય, તો બહેન આગળ બેસે અને ભાઈ પાછળ બેસે. અને જો પતિ-પત્ની હોય, તો પત્ની પાછળ બેસે. પેલી સ્ત્રી તો શાનથી બહેન બનીને ઊંટ પર આગળ બેસી ગઈ અને ભાઈ પાછળ બેઠો. ઊંટ ગામના પાદરેથી નીકળ્યું અને સૂમસામ રસ્તા પર ચાલવા લાગ્યું. ભાઈના મનમાં પેલી રાતની વાતો ઘૂમતી હતી. તેણે જોયું કે રસ્તો હવે સાવ એકાંત અને જંગલ જેવો છે. તેણે વિચાર્યું, હવે સમય આવ્યો છે આને એની અસલિયત બતાવવાનો. ચાલતા ચાલતા ભાઈએ અચાનક ઊંટ ઊભું રખાવ્યું અને કઠોર અવાજે બોલ્યો, ચાલ, હવે ઊતરી જા અને ઊંટ પર પાછળ બેસી જા. સ્ત્રી તો ભોળો ચહેરો બનાવીને કહેવા લાગી, અરે ભાઈ, આ તું શું બોલે છે? બહેન તો હંમેશા આગળ જ બેસે ને? ભાઈએ ત્રાડ પાડીને કહ્યું, ભાઈ બહેનનો સબંધ હવે ખતમ. મેં તારી અને તારી સાસુની બધી વાતો રાત્રે સાંભળી લીધી છે. તું કોઈ મારી બહેન નથી, પણ એક નઠારી અને લાલચુ સ્ત્રી છે. હવે ચૂપચાપ પાછળ બેસી જા, નહીંતર અહીં જ તને છોડીને જતો રહીશ. ઠગ સ્ત્રી તો ફાટી આંખે જોઈ રહી. તેને સમજાઈ ગયું કે તેની પોલ પકડાઈ ગઈ છે. પણ તે હાર માને એવી નહોતી. તેણે વિચાર્યું, ભલે આ છોકરો હોશિયાર નીકળ્યો, પણ હું પણ કાચી માટીની નથી. આને પણ પાઠ ભણાવવો પડશે. તે ચૂપચાપ પાછળ બેસી ગઈ, પણ તેના મગજમાં હવે બદલો લેવાના ચક્રો ગતિમાન થયા હતા. બપોરનો તડકો માથે આવ્યો હતો. સીમમાં ગરમ પવન ફૂંકાઈ રહ્યો હતો. ઊંટ પર પાછળ બેઠેલી પેલી ઠગ સ્ત્રીએ મનોમન નક્કી કરી લીધું હતું કે આ છોકરાને રસ્તામાંથી હટાવ્યા વગર છૂટકો નથી. તેણે જોયું કે હવે આ છોકરો તેને પિયર તો નહીં જ લઈ જાય, ઉલટું તેને દંડ દેશે. એટલે તેણે પોતાની જાળ બિછાવવાનું શરૂ કર્યું. તેણે નમ્રતાથી કહ્યું, ભાઈ... ભૂલ થઈ ગઈ, પણ હવે બપોર થઈ ગઈ છે. મારી સાસુએ આપેલું ચૂરમું ખાઈ લઈએ. ભૂખ્યા પેટે મુસાફરી નહીં થાય. છોકરો સાવધ હતો, પણ તેને લાગ્યું કે સ્ત્રી પાસે કશું છે નહીં તો એ શું કરવાની? તેણે કહ્યું, ભલે, પણ હું નાહીને જ જમું છું. આગળ ક્યાંક કૂવો કે તળાવ આવે ત્યાં ઊભા રહીશું. થોડે દૂર એક કૂવો દેખાયો. છોકરાએ ઊંટ રોક્યું અને નાહવા માટે કૂવા તરફ ગયો. સ્ત્રી તકની રાહ જોતી હતી. તે ચૂરમાની પોટલી લઈને કૂવાની પાછળ ગઈ. ત્યાં તેને એક ભરવાડ ગાડરા-બકરાં ચરાવતો દેખાયો. સ્ત્રીએ તે ભરવાડ પાસે જઈને રડમસ અવાજ કર્યો, ભાઈ, ઓ ભરવાડ ભાઈ, મારી મદદ કરો. પેલો માણસ જે નાહી રહ્યો છે, તે બહુ હલકટ છે. તેણે મારું અપહરણ કર્યું છે અને મને હેરાન કરે છે. મારે એને પાઠ ભણાવવો છે. તમારી પાસે કોઈ એવી દવા છે જેનાથી એ બેભાન થઈ જાય? ભરવાડ બિચારો ભોળો હતો. તેને લાગ્યું કે આ સ્ત્રી સાચે જ મુસીબતમાં છે. તેણે એક ઝાડ તરફ ઈશારો કરીને કહ્યું, બહેન, આ છોડના પાનનો રસ જો કોઈના ખાવામાં નાખો, તો માણસ થોડીવારમાં નશામાં આવી જાય અને ઘસઘસાટ ઊંઘી જાય. સ્ત્રીએ તરત જ તે પાનનો રસ કાઢીને ચૂરમામાં મેળવી દીધો. થોડી વાર પછી છોકરો નાહીને આવ્યો. સ્ત્રીએ તેને હસતા મુખે ચૂરમું આપ્યું. છોકરાએ પૂછ્યું, તેં ખાધું? સ્ત્રીએ ચપળતાથી જવાબ આપ્યો, હા, મને બહુ ભૂખ લાગી હતી એટલે મેં તો અડધું ખાઈ લીધું, આ અડધું તારા માટે રાખ્યું છે. છોકરાએ જેવું ચૂરમું ખાધું કે થોડી જ વારમાં તેનું માથું ભમવા લાગ્યું. તે કૂવા પાસે જ ઢળી પડ્યો અને બેભાન થઈ ગયો. હવે આ નઠારી નારે અસલી રમત રમી. તેણે જોયું કે જો આ છોકરો અહીં પડયો રહેશે અને કોઈને ખબર પડશે તો પોતે પકડાઈ જશે. તેણે એક યુક્તિ કરી. તેણે છોકરાના પુરુષના કપડાં ઉતારી લીધા અને પોતે પહેરી લીધા, અને પોતાના સ્ત્રીના કપડાં તે બેભાન છોકરાને પહેરાવી દીધા. પછી તેણે છોકરાને એક મોટા કોથળામાં પૂરી દીધો અને તેને ઊંટ પર લાદી દીધો. હવે તે સ્ત્રી પોતે ઊંટસવાર બનીને મુસાફરી કરવા લાગી. રાત ગાઢ થઈ રહી હતી. સ્ત્રી ઊંટ પર કોથળો લઈને જતી હતી ત્યાં સામેથી ચાર હટ્ટા-કટ્ટા માણસો મળ્યા. આ ચાર ચોર હતા જે બાજુના ગામમાં ચોરી કરીને ભાગતા હતા. અંધારામાં એકબીજાને જોઈને બંને પક્ષ ડરી ગયા. સ્ત્રીને થયું કે ક્યાંક આ ચોરો મને પકડી ન લે, અને ચોરોને થયું કે આ ઊંટસવાર કોઈ મોટો ધાડપાડુ લાગે છે જે રાતના સમયે આટલો મોટો કોથળો લઈને નીકળ્યો છે. ચોરોના મુખીએ બૂમ પાડી, એલા ઊભો રહે, કોણ છે તું? અને આ કોથળામાં શું છે? સ્ત્રીએ અવાજ બદલીને કહ્યું, ભાઈ, હું તો એક વેપારી છું. આ કોથળામાં એવી કિંમતી વસ્તુ છે જે ક્યારેય ખતમ નહીં થાય, આખી જિંદગી તમને કામ લાગશે. ચોરો તો લાલચુ હતા. તેમને લાગ્યું કે કદાચ કોઈ જાદુઈ વસ્તુ હશે અથવા તો અખૂટ ધન હશે. તેમણે પૂછ્યું, આ વસ્તુ અમને આપીશ? કેટલામાં વેચીશ? સ્ત્રીએ તક જોઈને કહ્યું, મારે ઉતાવળ છે, એટલે જો તમે મને ચારસો રૂપિયા આપો તો આ કોથળો તમારો. ચોરોએ તે દિવસે જે ચોરી કરી હતી, તેમાંથી ચારસો રૂપિયા ગણીને તે સ્ત્રીને આપી દીધા. સ્ત્રી તો રૂપિયા અને ઊંટ લઈને રફુચક્કર થઈ ગઈ. ચોરો રાજી થઈ ગયા કે આજે તો મોટો જેકપોટ લાગ્યો છે, તેમણે ભારેખમ કોથળો ઊંચક્યો. પણ જેમ જેમ તે આગળ વધતા ગયા તેમ તેમ કોથળો હલવા લાગ્યો. અંદર પેલા છોકરાનો નશો ઉતરવા આવ્યો હતો. તેણે કોથળામાં આળસ મરડી અને મોઢામાંથી અવાજ કર્યો, ઊં હ અ...
ચોરો તો ફફડી ગયા, જે ચોરના માથે કોથળો હતો, તેણે ભૂત... ભૂત... ની બૂમો પાડીને કોથળો નીચે પછાડ્યો. કોથળો નીચે પડતા જ અંદરથી અવાજ આવ્યો, ઓ બાપરે, મારી નાખ્યો, આટલા જોરથી કેમ પછાડ્યો.?ચોરોએ હિંમત કરીને કોથળો ખોલ્યો તો અંદરથી સ્ત્રીના કપડામાં એક જુવાન છોકરો નીકળ્યો, ચોરો ડઘાઈ ગયા. છોકરાએ બધી હકીકત જણાવી, ભાઈઓ, હું કોઈ ભૂત નથી. જેણે તમને આ કોથળો વેચ્યો, તે એક નઠારી નાર છે. તેણે મને નશો આપીને મારા કપડાં પહેરી લીધા અને મને તમને વેચી દીધો. ચોરોને સમજાયું કે એક સ્ત્રી તેમને ચારસો રૂપિયામાં છેતરી ગઈ છે. તેમના નાક કપાઈ ગયા હોય તેવું તેમને લાગ્યું. તેમણે નક્કી કર્યું કે ગમે તે થાય, આ સ્ત્રીને પકડવી જ પડશે. ચારેય ચોર અને પેલો છોકરો હવે એક થઈ ગયા હતા. પાંચેયના મનમાં એક જ આતશ હતો કે પેલી સ્ત્રી પાસેથી પોતાનું ધન અને બદલો લેવો. છોકરાએ તેમને સ્ત્રીના ઘરનો રસ્તો બતાવ્યો. બીજી તરફ, ઠગ સ્ત્રી પોતાના ઘરે પહોંચી ગઈ હતી. તેણે સાસુને ચારસો રૂપિયા અને ઊંટ બતાવતા ગર્વથી કહ્યું, જુઓ માજી, મેં તો એ છોકરાને જ વેચી દીધો, હવે આપણે માલામાલ થઈ ગયા. પણ સાસુના જીવને ફાળ પડી. તેમણે ચેતવણી આપી, કે દીકરી, તેં પાંચ પુરુષોને દુશ્મન બનાવ્યા છે. એ લોકો તને છોડશે નહીં. તું સાવધ રહેજે.
સ્ત્રી ચતુર હતી, તેણે તરત જ તૈયારી શરૂ કરી. તેણે પોતાની છરીને પથ્થર પર ઘસીને ધારદાર બનાવી લીધી. રાત પડી એટલે તે ઘરની એક બારી પાસે છુપાઈને બેસી ગઈ. બરાબર મધ્યરાત્રિએ પેલા પાંચ જણા ઘર પાસે પહોંચ્યા. ચોરોએ નક્કી કર્યું કે વારાફરતી બારી વાટે અંદર જઈને સ્ત્રીને પકડવી. પહેલા ચોરે બારીમાં માથું નાખ્યું અને ધીમેથી બોલ્યો, સૂઈ ગઈ કે જાગે છે? હું આવી જાઉં? અંધારામાં છુપાયેલી સ્ત્રીએ ક્ષણનો પણ વિલંબ કર્યા વગર ધારદાર છરી ફેરવી અને ચોરનું નાક કાપી નાખ્યું, ચોર તો દર્દથી તરફડી ઉઠ્યો, પણ શરમનો માર્યો કંઈ બોલ્યો નહીં. તેને થયું કે જો હું કહીશ તો બીજા મારી મજાક ઉડાવશે. તે ચૂપચાપ સાઈડમાં ઊભો રહી ગયો.
આમ એક પછી એક ચારેય ચોર અને છેલ્લે પેલો છોકરો બધાએ બારીમાં માથું નાખ્યું અને સ્ત્રીએ પાંચેયના નાક કાપી નાખ્યા, જ્યારે પાંચેય લોહીલુહાણ હાલતમાં ભેગા થયા, ત્યારે એકબીજાના ચહેરા જોઈને દંગ રહી ગયા. કોઈનું નાક આખું નહોતું, પેલા છોકરાએ ખીજાઈને કહ્યું, તમે કોઈ બોલ્યા કેમ નહીં? ત્યારે પહેલા ચોરે ઠંડે કલેજે કહ્યું, જો અમે કીધું હોત, તો તમારા નાક બચી જાત અને તમે અમારી આખી જિંદગી મજાક ઉડાવત. હવે આપણે બધા સરખા, 'નકટા' હવે આ પાંચેય નકટા ગામમાં મોઢું બતાવવા લાયક નહોતા રહ્યા. તેમણે ગામના છેવાડે એક ડોશીના ઘરમાં આશરો લીધો. ડોશીને તો દેખાતું નહોતું, એટલે તેને ખબર ન પડી કે આ પાંચેયના નાક કપાયેલા છે. આ પાંચેય જણા દિવસભર ચોરી કરતા અને જે માલ મળે તેમાંથી ડોશીની સેવા કરતા અને પોતાનું ગુજરાન ચલાવતા. પરંતુ પેલી સ્ત્રી શાંત બેસે તેવી નહોતી. તેને સમાચાર મળ્યા કે ગામમાં પાંચ 'નકટા' વસ્યા છે. તે સમજી ગઈ કે આ એ જ લોકો છે. તેણે સાસુને કહ્યું, માજી, હું આ નકટાઓને ફરી માત આપીને આવીશ. સાસુએ વારી પણ તે માની નહીં. સ્ત્રીએ વેશ બદલ્યો અને આંધળી ડોશીના ઘરે પહોંચી. જઈને મીઠા અવાજે બોલી, મા રામ-રામ, ઓળખી મને? હું તો પેલા પાંચેય છોકરાઓની સગી ફોઈ છું, આંધળી ડોશી તો બિચારી ભોળી, તે રાજી થઈ ગઈ. સ્ત્રીએ નાટક ચાલુ રાખ્યું, મા, મારે તો બહુ કામ છે એટલે રોકાઈ શકીશ નહીં, પણ મારા ભત્રીજાઓએ ક્યાંક ધન છુપાવ્યું હશે, એ મને બતાવો તો હું એમાં થોડો ઉમેરો કરી દઉં. ડોશીએ વિશ્વાસમાં આવીને પાંચેય ચોરોના ખજાનાની ચાવીઓ તે સ્ત્રીને સોંપી દીધી. સ્ત્રીએ તક જોઈને પાંચેયનો બધો જ ચોરીનો માલ એક મોટી ગાંસડીમાં બાંધ્યો, બીજો એક ઊંટ લીધો અને ત્યાંથી પલાયન થઈ ગઈ. જ્યારે સાંજે પાંચેય જણા થાકીને ઘરે આવ્યા અને પોતાનો લૂંટાયેલો ખજાનો જોયો, ત્યારે તેમના હોશ ઊડી ગયા. ડોશીએ હરખાઈને કહ્યું, બેટા, આજે તો તમારી ફોઈ આવી હતી. મેં એને બધી ચાવીઓ આપી દીધી. ચોરો સમજી ગયા કે આ વળી પાછી એ જ 'નઠારી નાર' છે, તેઓ તરત જ ઊંટ પર સવાર થઈને તેની પાછળ પડ્યા, પાંચેય નકટા ચોરો ગુસ્સાથી લાલચોળ થઈને ઊંટ દોડાવતા હતા. થોડે દૂર જતાં જ તેમને પેલી ઠગ સ્ત્રી ઊંટ પર જતી દેખાઈ. સ્ત્રીએ પાછળ જોયું તો પેલા પાંચેય જણાને આવતા જોયા. તેણે વિચાર્યું, જો આ વખતે પકડાઈ ગઈ તો આ લોકો મને જીવતી નહીં છોડે. તેણે આજુબાજુ નજર દોડાવી. ત્યાં રસ્તાની વચ્ચે એક ઘટાદાર ઝાડ હતું. ચતુર સ્ત્રીએ તરત જ ઊંટ ઊભું રાખ્યું, માલની ગાંસડી ખભે નાખી અને વાંદરાની જેમ ઝાપટ મારીને ઝાડની ટોચ પર ચડી ગઈ. તેનો ઊંટ નીચે ચરવા લાગ્યો. પાંચેય જણા ત્યાં પહોંચ્યા. ઊંટ તો ત્યાં જ હતો પણ સ્ત્રી ગાયબ હતી, અંધારું થવા આવ્યું હતું. તેમણે વિચાર્યું કે સ્ત્રી આટલામાં જ ક્યાંક છુપાઈ હશે. રાત પડી ગઈ એટલે તેમણે નક્કી કર્યું કે ઝાડ નીચે જ પડાવ નાખવો.
ચોરોએ યોજના બનાવી, જો આપણે બધા સૂઈ જઈશું તો એ ભાગી જશે. એટલે આપણે વારાફરતી જાગીશું. ચાર જણા સૂઈ ગયા અને પાંચમો જાગવા લાગ્યો. ઉપર બેઠેલી સ્ત્રી આ બધું જોતી હતી. જ્યારે પેલા ભાઈનો જાગવાનો વારો આવ્યો, ત્યારે સ્ત્રીએ ઉપરથી ધીમેથી મધુર અવાજમાં લલચાવવાનું શરૂ કર્યું. તેણે હળવેથી કહ્યું, ઓ વહાલા, નીચે એકલા શું બેઠા છો? મને પસ્તાવો થાય છે. ઉપર આવો, આપણે ફરીથી સંધિ કરી લઈએ. પેલો છોકરો ફરીથી તેની લલચામણી વાતોમાં આવી ગયો. તેને થયું કે કદાચ હવે આ સ્ત્રી વશમાં આવશે. તે છાનોમાનો ઝાડ પર ચડવા લાગ્યો. ઝાડની એક ઊંચી ડાળી પર પહોંચતા જ સ્ત્રીએ કહ્યું, આવો, પહેલા તમારી જીભ બહાર કાઢો. જેવી પેલા મૂર્ખ યુવાને જીભ બહાર કાઢી, કે તરત જ સ્ત્રીએ પોતાની પાસે રહેલી ધારદાર છરીથી તેની જીભ કાપી નાખી. પીડાના માર્યા યુવાનના મોઢામાંથી લોહીની ધાર છૂટી અને તે અવાજ પણ ન કરી શક્યો. તે સીધો ઝાડ પરથી નીચે સૂતેલા ચોરો પર જઈ પડ્યો. લોહીના છાંટા ઊડ્યા અને ધડામ દઈને પડવાનો અવાજ આવ્યો એટલે ચોરો જાગી ગયા. અંધારામાં તેમને કશું દેખાયું નહીં, પણ ઉપરથી લોહી પડતું જોઈને તેઓ ડરી ગયા. તેમને લાગ્યું કે આ સ્ત્રી નથી પણ કોઈ લોહી પીનારી ડાકણ છે. ડાકણ... ભાગો રે ભાગો ની બૂમો પાડતા ચારેય ચોર જંગલમાં ભાગી છૂટ્યા. પેલો છોકરો તો જીભ કપાઈ ગઈ હોવાથી બોલી પણ નહોતો શકતો કે હું છું. આમ, પાંચેય જણા વેરવિખેર થઈ ગયા. સવારના પહેલા કિરણ સાથે ઠગ સ્ત્રી ઝાડ પરથી નીચે ઉતરી. તેણે જોયું કે મેદાન સાવ સાફ છે. તેણે પેલા પાંચેયના ખજાનાની ગાંસડી ઉઠાવી, પોતાનો ઊંટ લીધો અને શાનથી પોતાના ઘરે રવાના થઈ ગઈ. હવે તેની સામે આંગળી ચીંધનાર કોઈ બચ્યું નહોતું. જે ભાઈ બહેનને તેડવા આવ્યો હતો, તે પોતાના જ અવિવેક અને સ્ત્રીની લાલચમાં પડીને નાક અને જીભ બંને ગુમાવી બેઠો. સ્ત્રીએ ઘરે પહોંચીને સાસુને બધો માલ બતાવ્યો. તેણે એટલું ધન ભેગું કરી લીધું હતું કે હવે તેને ક્યારેય ચોરી કે ઠગાઈ કરવાની જરૂર નહોતી. આ વાર્તા આપણને ત્રણ વાતો શીખવે છે: લાલચ બહુ બુરી બલા છે: પેલા છોકરાએ અજાણી સ્ત્રીને બહેન માની લીધી કારણ કે તેને એકલતા દૂર કરવી હતી, અને સ્ત્રીએ ધનની લાલચમાં પાપ કર્યું. લાલચ હંમેશા વિનાશ નોતરે છે.
મૂર્ખતા અને અંધવિશ્વાસ: અજાણ્યા પર આંધળો વિશ્વાસ મૂકવો એ જોખમી છે. પેલા ચોરો અને છોકરો વારંવાર સ્ત્રીની વાતોમાં આવીને છેતરાયા, જે તેમની મૂર્ખતા દર્શાવે છે. બુદ્ધિનું બળ: ભલે સ્ત્રીનું પાત્ર નકારાત્મક હતું, પણ તેણે સાબિત કર્યું કે શારીરિક બળ કરતાં બુદ્ધિનું બળ હંમેશા મોટું હોય છે. પાંચ પુરુષો સામે તે એકલી પોતાની ચતુરાઈથી જીતી ગઈ.

Post a Comment