મારી ઈચ્છા કરતા હરિ ઈચ્છા વધુ સારી
એક સ્ત્રી પોતાના નાના બાળકને સાથે લઈને કરિયાણાની દુકાને ખરીદી કરવા માટે ગઈ. જ્યારે સ્ત્રી ખરીદી કરી રહી હતી ત્યારે નાનો બાળક વેપારીની સામે જોઈને હસતો હતો. વેપારીને બાળકનું આ નિર્દોષ હાસ્ય ખૂબ ગમ્યું. જાણે કે આખા દિવસનો થાક ઉતરતો હોય એમ લાગતું હતું.
વેપારીએ બાળકને પોતાની પાસે બોલાવ્યો. બાળક જેવો વેપારી પાસે ગયો એટલે વેપારીએ નોકર પાસે ચોકલેટની બરણી મંગાવી. ઢાંકણ ખોલીને બરણી બાળક તરફ લંબાવી અને કહ્યું, "બેટા, તારે જેટલી ચોકલેટ જોઈતી હોય એટલી તારી જાતે લઈ લે." છોકરાએ જાતે ચોકલેટ લેવાની ના પાડી. વેપારી વારંવાર બાળકને ચોકલેટ લેવા કહેતો રહ્યો અને બાળક ના પાડતો રહ્યો.
બાળકની મા દૂર ઉભી ઉભી આ ઘટના જોઈ રહી હતી. થોડીવાર પછી વેપારીએ પોતે બરણીમાં હાથ નાંખીને એક મુઠ્ઠી ભરીને ચોકલેટ બાળકને આપી. બાળકે પોતાના બંને હાથનો ખોબો ધરીને વેપારીએ આપેલી ચોકલેટ લઈ લીધી. વેપારીનો આભાર માનીને કુદતો કુદતો પોતાની મા પાસે જતો રહ્યો.
દુકાનેથી પાછી ફરતી વખતે માએ આ બાળકને પુછ્યું, "બેટા, તને પેલા કાકા ચોકલેટ લેવાનું કહેતા હતા તો પણ તું ચોકલેટ કેમ નહોતો લેતો?" છોકરાએ પોતાના હાથ માને બતાવતા કહ્યું, "જો મમ્મી મારો હાથ તો બહુ જ નાનો છે જો મેં મારી જાતે જ બરણીમાં હાથ નાખીને ચોકલેટ લીધી હોત તો મને બહુ ઓછી ચોકલેટ મળી હોત પણ અંકલનો હાથ બહુ મોટો હતો એમણે મુઠ્ઠી ભરીને ચોકલેટ આપી તો મારો આખો ખોબો ભરાઈ ગયો."

Post a Comment