રવિવારની સાંજ હતી. શહેરની એક પ્રખ્યાત અને આધુનિક રેસ્ટોરાં લોકોથી ખીચોખીચ ભરેલી હતી. હળવું સંગીત વાગી રહ્યું હતું અને લોકો સ્વાદિષ્ટ વાનગીઓની મજા માણી રહ્યા હતા. આ ભીડમાં એક ખૂણાના ટેબલ પર એક યુવાન અને તેના અત્યંત વૃદ્ધ પિતા બેઠા હતા.
પિતાની ઉંમર એશી વટાવી ગઈ હતી. તેમના હાથ ધ્રૂજતા હતા અને આંખો પર જાડા ચશ્માં હતા. દીકરો ખૂબ જ પ્રેમથી પિતાને જમાડી રહ્યો હતો. જમતી વખતે અચાનક પિતાના ધ્રૂજતા હાથમાંથી દાળની વાડકી છટકી અને ટેબલ પર તેમજ પિતાના ધોળા શર્ટ અને પેન્ટ પર ઢોળાઈ ગઈ. આજુબાજુ બેઠેલા લોકોની નજર તરત જ ત્યાં ગઈ.
રેસ્ટોરાંમાં બેઠેલા સુશિક્ષિત અને ઠાઠમાઠ વાળા લોકોના મોઢા પર નફરત અને અણગમો દેખાવા લાગ્યો. કોઈએ ગણગણાટ કર્યો, "આવા વૃદ્ધોને ઘરે જ જમાડવા જોઈએ, અહીં લાવીને બીજાની ભૂખ બગાડે છે." પિતા પોતે પણ થોડા શરમાઈ ગયા અને તેમની આંખોમાં લાચારી દેખાઈ, પણ દીકરો જરાય વિચલિત થયો નહીં. તેણે શાંતિથી પિતાને કહ્યું, "કાંઈ વાંધો નહીં પપ્પા, આપણે હમણાં સાફ કરી લઈએ."
જમવાનું પૂરું થયા પછી, દીકરો પિતાને પકડીને વોશ બેઝીન પાસે લઈ ગયો. બધા ગ્રાહકો કુતૂહલથી તેમને જોઈ રહ્યા હતા. દીકરાએ અત્યંત ધીરજથી પિતાના શર્ટ અને પેન્ટ પરથી દાળના ડાઘ સાફ કર્યા, તેમના હાથ અને મોઢું લૂછી આપ્યું, તેમના વિખરાયેલા વાળ વ્યવસ્થિત કર્યા અને છેલ્લે, પિતાના ચશ્માં સાફ કરીને તેમને વ્યવસ્થિત પહેરાવ્યા.
દીકરાના ચહેરા પર જરાય ચીડ કે ગુસ્સો નહોતો, બલ્કે પિતા પ્રત્યેનો અખૂટ આદર અને સ્નેહ હતો. આ દ્રશ્ય જોઈને આખી રેસ્ટોરાંમાં સન્નાટો છવાઈ ગયો. જે લોકો પહેલા નફરત કરી રહ્યા હતા, તેઓ હવે પિતા-પુત્રના આ સંબંધને જોઈને મનોમન શરમાઈ રહ્યા હતા.
પુત્ર કાઉન્ટર પર જઈને બિલ ચૂકવે છે અને પિતાનો હાથ પકડીને બહાર નીકળવા ડગલું ભરે છે. બરાબર ત્યારે જ, પિતા થોડા ઊંચા અવાજે બોલ્યા, "બેટા, ઉભો રહે! તું ભૂલમાં અહીં કશુંક મૂકીને જાય છે."
પુત્ર અટકી ગયો. તેણે તરત જ પોતાના પેન્ટ અને શર્ટના ખિસ્સા તપાસ્યા. ચાવી, પાકીટ અને ફોન બધું જ સલામત હતું. તેણે હસીને કહ્યું, "ના પપ્પા, હું કશું જ ભૂલ્યો નથી, બધું મારી પાસે જ છે."
ત્યારે વૃદ્ધ પિતાએ રેસ્ટોરાંમાં બેઠેલા દરેક યુવાન તરફ જોઈને ગૌરવ સાથે કહ્યું:
"બેટા, તું અહીં બેઠેલા દરેક પુત્ર માટે એક 'પાઠ' મૂકીને જાય છે અને દરેક વૃદ્ધ પિતા માટે એક 'આશા' મૂકીને જાય છે!"
આ સાંભળીને રેસ્ટોરાંમાં હાજર દરેક વ્યક્તિની નજર નીચી નમી ગઈ. જે યુવાનો પોતાના માતા-પિતાને ભાર સમજતા હતા, તેમને આજે અરીસો દેખાઈ ગયો હતો.
વાર્તાનો સાર
આપણા માતા-પિતાએ આપણને નાનપણમાં હાથ પકડીને ચાલતા શીખવ્યું છે. જ્યારે આપણે નાના હતા ત્યારે આપણે પણ કેટલીય વાર જમતા જમતા બધું ઢોળ્યું હશે, પણ તેમણે ક્યારેય અણગમો નથી કર્યો. આજે જ્યારે તેમનો સમય આવ્યો છે, ત્યારે આપણી ધીરજ અને સેવા એ જ સાચી સંપત્તિ છે.
Post a Comment