ખાનદાની ( લોક વાર્તા)...




“સાંભળ્યું, કેમ આજે તમને ઊંઘ નથી આવતી, ક્યારનાં પડખાં ફરો છો, કઈ મૂંઝવણ લાગે છે.” વિરમગામ પરગણાના રામપુરા ગામના નગરશેઠ ચકુ મોતી શાહ પથારીમાં પડખાં ફરે છે, આજ એની ઊંઘ ઊડી ગઈ છે ઈ જોઈ શેઠાણીએ પૂછ્યું.


“હા, કોઈ ઉકેલ જડતો નથી, મૂંઝવણ બઉ મોટી છે; મારી આબરૂ હોડમાં મુકાણી છે” શેઠે મૂંઝવણ છે ઈ કબૂલ કર્યું.


“કંઈ કો તો ખબર પડેને? શેની મૂંઝવણ છે, વાણિયાની દીકરી છું કોઈક ઉપાય હું યે બતાવું” શેઠાણીએ ગંભીરતાથી કીધું.


“બહારવટિયા મીરખાને જાસાચિઠ્ઠી મોકલી છે કે ચકુશેઠ! આવતી કાલે તારું રામપરુ ભાંગવા આવું છું, ઈ મૂંઝવણ છે ઈને કેમ રોકવો.” શેઠે મૂંઝવણ કીધી. ખરેખર ગંભીર સમસ્યા હતી. ચુંવાળ પ્રદેશનો ખૂંખાર બહારવટિયો મીરખાન ઈના નામથી અંગ્રેજોની પણ ફેં ફાટતી. પેલા જાસાચિઠ્ઠી મોકલે પછી ગામ ભાંગે આવો મરદ બચ્ચો હતો.


“શેઠ! બહારવટિયા ગામ શું કામ ભાંગે?” શેઠાણીએ પ્રશ્ન કર્યો.


“ગાંડી! લૂંટ કરવા બીજું શું કરવા? શેઠે કીધું.


“તે ઈ કોને લૂંટતા હશે? કઈ ગરીબ ખેડૂતોને તો નો લૂંટે.” શેઠાણીએ મર્મમાં કીધું


“તુંયે પાગલ થઈ ગઈ લાગે છે, ગરીબોનો તો ઈ બેલી છે આપણ

જેવા સુખી-સંપન્ન હોય ઈને લૂંટે.” શેઠે ગિન્નાતા કીધું.


“એમ તો મૂંઝવણનો ઉકેલ તો સાવ સે'લો છે.” વળી મરમાળું હસતાં શેઠાણીએ કીધું.


“હવે વાતમાં મોણ નાખ્યાં વિના જે કેવું હોય ઈ જલદી કે મારી મૂંઝવણમાં તને હસવું સૂઝે છે” શેઠ ખિજાઈને બોલ્યા.


“તો શેઠ ઈ લૂંટ શેની કરશે, ધન, માલ, મિલકત શું લૂંટશે?" શેઠાણીએ વળી ગૂંચવણભર્યો સવાલ કર્યો.


“હવે બકવાસ મૂકી સૂઈ જા. બૈરાંની બુદ્ધિ પાનીયે જ હોય.” શેઠ ખરેખરા ખિજાણાં.


“હવે તમે સૂઈ જાવ. તમારી આબરૂ હું નહિ જાવા દઉં.” શેઠાણીએ ગંભીરતાથી કીધું.


“કાલે સવારે હું કહું એમ કરજો મીરખાન પાછો વળી જાશે.” કહીં શેઠાણી પડખું ફેરવી સૂઈ ગયા, પણ શેઠ રાત આખી પડખાં ફેરવતા રહ્યાં.


મળસ્કે સગરામ ચુંવાળિયે ચકુશેઠની ડેલી ખખડાવી. શેઠાણીએ ડેલી ખોલી સામે સગરામ ઊભો હતો.


બોલો, “શું સમાચાર છે?” શેઠાણીએ પૂછ્યું.


“મીરખાન! કોઈન્તિયાની બાવળની કાંટયંમા ટોળી સાથે પડ્યો છે.” સગરામે કીધું. સગરામ ચુંવાળિયો સગડ પારખવામાં પાવરધો હતો. ચુંવાળમાં ઈનો જોટો નો જડે.


ચકુશેઠે બે મોટી માટીની નાંદ મંગાવી. શેઠાણીએ જે માર્ગ બતાવ્યો તો ઈ અદ્ભુત હતો. નાંદ (પાણી ભરવાની મોટી કોઠીઓ)માં મોઢા સુધી રાણી સિક્કાના રૂપિયા ભર્યા ઉપર થોડી મીઠાઈ ભરીને ગાડામાં મુકાવી પોતે એકલાં ગાડું લૈ કોઈન્તિયાના મારગે ઊપડ્યા ત્યારે ઝડવઝડ અંજવાળુ થયું'તું.


"મીરખાન ઓ મીરખાન!” કોઈન્તિયાની બાવળની ઝાડી સાંસો ખાલ મૂકી દે એવી હતી. ઝાડીમાં ચકુશેઠનો અવાજ મીરખાનના કાને પડ્યો.


"સવાર સવારના ક્યો મરવાનો થયો છે, નૌશાદ દેખતો જરા" કાળી બુકાનીધારી ચાર-પાંચ કરડાં ચહેરાવાળા માણસોએ ગાડાને ઘેરી લીધું. માથે આંટીયાળિ પાઘડી, અંગરખું, ધોતી ખભે સોનાની ઝુલવાળી પછેડી, કપાળમાં ચંદનની ટપકી જોઈ એકે કીધું:


“સરદાર! બનિયા હૈ કોઈ” એટલામાં તો મીરખાન પણ આવી ગયો. ચકુશેઠ ચુંવાળના પ્રતિષ્ઠિત વ્યક્તિ હતા. મીરખાન ઓળખી ગ્યો.


 “એલાં આતો ચકુશેઠ છે જુઓ અંગ્રેજી પલટન લઈને આવ્યા હશે, વાણિયા હવે તું મર્યો સમજ.” મીરખાને કીધું.


“મીરખાન ! પલટન લઈને આવવું હોત તો આમ વગર હથિયારે એકલો નો આવત.” શેઠ હસતાં-હસતાં બોલ્યા.


“તો સિંહની બોડ્યમાં શું મરવા આવ્યા છો?” મીરખાને પૂછ્યું.


“મીરખાન! તારી સાત પેઢી ખાય તોય ખૂટે નહિ એટલો માલ લઈને આવ્યો છું. દશ ગામ ભાંગે તોયે આટલો માલ નો મળે. લઈ લે ચકુશેઠે આજ દોસ્તીનો હાથ લંબાવ્યો છે.” ચકુશેઠ બોલ્યાં.


હતી. એક જણે ગાડા ઉપર ચડી કોઠીનું મોઢું ખોલીને જોયું ઉપર મીઠાઈ


“સરદાર આમાં તો મીઠાઈ છે.” ઈ બોલ્યો. પણ મીઠાઈ નીચે જોયું ત્યા ચાંદીના રૂપિયા ભર્યા હતા માણસે ગાંડાની જેમ બેય કોઠીઓ આડી પાડી દીધી. રૂપિયાના રણકારે આખું જંગલ ગાજી ઊઠયું.


મીરખાન દોડીને શેઠને ભેટી પડ્યો. કસુંબા પાણી કર્યા, મીઠાઈ ખાઈને બેય ભાઈબંધો ભેટ્યા. ને શેઠ ગાડું ખાલી કરવા લાગ્યા. મીરખાને શેઠના હાથ પકડી લીધા.


“ચકુશેઠ! મૈં પાક મુસલમાન હું દોસ્ત કહે કર ગાલી મત દો. અબ યે પૈસે મુઝે હરામ હૈ. રામપુરા અબ સલામત રહેગા ચિંતા મત કરો લે વાપસ" મીરખાનની ખાનદાની જોઈ શેઠની આખું ભીની થઈ ગઈ ને વાણિયાની ખાનદાનીમાં બારવટિયો ઓળઘોળ થઈ ગ્યો.


ખૂબ આનાકાનીના અંતે ઈ બધા પૈસામાંથી પાંજરાપોળ બંધાવામાં આવી. બાકીના પૈસામાંથી જમીન લીધી જેમાંથી પાંજરાપોળનો નભાવ થાય છે જે આજે પણ ચાલે છે ને એક બારવટિયા ને વાણિયાની ખાનદાનીની યાદ અપાવે છે.

Post a Comment

Previous Post Next Post