"મેરામણ"
હાલાજી તારા હાથ વખાણું કે પટી તારા પગ વખાણું?
મીઠોઇના પાદરમાં ભાણ જેઠવા અને નવાનગરના ધણી રાવળ જામની ગાઉ ગાઉને અંતરે સામસામી ફોજના પડાવ છે. બંને ફોજની તોપુંના સામસામાં નાળચાં મંડાઇ ગયાં છે, હાથી-ઘોડા અને સાંઢણીસવારો ઉપર બખતરિયા રણયોદ્ધાઓ રણગર્જના કરી રહ્યા છે.
ભાણ જેઠવાની ભેર કરવા વાઢેર, ચૌહાણ, પરમાર, વાઘેલા, ઢાકના, વાળા અને જૂનાગઢનો ગોરી પોતાના બાહુબળિયા સાથે પહોંચી ગયો છે.
જામ રાવળની સખાતે તેના નાના ભાઇ ધ્રોળના ઠાકોર હરધોળજી, ભારા વજીરના પુત્રો નોંધણ વજીર, કનોજી, રણમલજી તેમ જ સુમરોજી, અજોજી, કેસરીજી મોડ વગેરે રણબંકાઓની હાર બંધાઇ ગઇ છે. મીઠોઇની ધરણી ડાકલાનાં પડની જેમ હીબકાં ભરવા માંડી છે. ઘોર યુદ્ધ જામ્યું છે. તોપુંના ગોળાથી આભનાં પડ હાંફવા માંડ્યાં છે.
રાવળ જામ પોતાના મે’તા મસૂદી સાથે જુદ્ધની રચના કરવા તંબૂમાં બેઠા છે, બરાબર એવા મોકે એક ઘોડેસવાર તંબૂ પાસે આવીને થંભ્યો. જુવાનના મોં ઉપર મૂછનો દોરો ફૂટી ગયો છે. અંગ ઉપર જુવાની આંટો લઇ ગઇ છે. ઢાલવા છાતી ઉપર અંગરખાની કસોનાં ફૂમતાં ઝળૂંબી રહ્યાં છે. આંખના ખૂણામાં લાલ શેરડા તણાઇ ગયા છે. અષાઢની વીજળીનો કટકો છૂટો પડી ગયો હોય એવી જુવાનના હાથમાં સાંગ ઝબકારા કરે છે.
આવા જુવાને પેંગડું છાંડ્યું એટલે પહેરેગીરે પૂછ્યું,
‘કયું ગામ?’
‘ભદ્રેસરથી આવું છું. મારે જામ રાવળને મોઢે થવું છે.’
ભદ્રેસર એટલે અજોજી ઠાકોરનું ગામ- નવાનગરનું પડખું લેખાય. કોઇ બીજી રોકટોક કર્યા વગર જુવાનને જામ રાવળના તંબૂમાં જવાની રજા મળી.
રાવળ જામને માથું નમાવી રામ રામ કર્યા.
‘ભદ્રેસરથી આવું છું.’
‘અજોજી પંડે નો આવ્યા?’
‘ના. મારા બાપુએ મને મોકલ્યો.’
રાવળ જામ ખુદ અજોજીની વાટ જોતા હતા. દુશ્મનોનું દળ-કટક અઢી લાખનું હતું. સાગર જેવડી ફોજ સામે અજોજી છોકરાને તગડી મૂકી, નવાનગર માથે ૠણ રાખવા માગતો હશે. ઘડીક થંભીને રાવળ જામે વહરાં વેણ કાઢ્્યાંઃ
‘મેરામણ, આંઇ કાંઇ માશીબાને ધાવવું નથી.’
સાંભળતાં જ મેરામણના અંતરનાં પડ વીંધાઇ ગયાં. પણ શું કરે? રાવળ જામ તો બાપને ઠેકાણે, સામું વેણ કાઢે તો ભૂંડો લાગે, પાછો વળે તો બાપને મન બાયલો ઠરે.
‘બાપુ, પાછો તો હવે વળી રીયો.’
એટલાં વેણ કાઢી તંબૂમાંથી મહેરામણ બહાર નીકળી ગયો.
જામ રાવળે યુદ્ધની રચના કરી, તંબૂમાં પટાવતો, સામંતો, શૂરાઓ અને ભાયાતોની સભા ભરી જાહેર કર્યું કે આપણી ફોજમાં કોઇ મરદ, કોઇ માટી છે જે એકલો જઇને દુશ્મનની તોપુંના કાનમાં ખીલા ધરબી દે. રૂપાની તાશકમાં બીડું મંડ્યું ફરવા. એક વાર પાછું ફર્યું, બીજી વાર અને ત્રીજી વાર જ્યાં બીડું ફેરવવા રાજગોરે ભર્યા ડાયરામાં ડગ દીધાં, ત્યાં તોગાજી ઓઢાએ તંબૂમાં દાખલ થઇને બીડું ઝડપ્યું. કચેરી દંગ થઇ ગઇ. ભેટમાં હથોડી ને નાગફણી ખીલા ખોસી એકલ પંડે તોગાજી સોઢો ઘોડી ઉપર સવાર થઇ છૂટ્યો, દુશ્મનનાં દળ-કટકમાં જઇ બે વિકરાળ તોપુંમાં ખીલા ધરબી, કાન બૂરી દીધા ત્યાં તો હાકલ પડી- મારો, મારો ને તોગાજી ઉપર પાંચસો તલવારોની તાળી પડવા માંડી, અને તોગાજી પાંચસો દુશ્મનોના ઘેરામાંથી બહાર નીકળી પાછો વળ્યો, ત્યારે તેની કાયા ઉપર ચોરાશી ઘા પડ્યા હતા.
આ બનાવથી ભાણ જેઠવાના દળમાં આગ આંટો લઇ ગઇ. યુદ્ધની રસમ બદલાણી. મરદાઇની મશાલમાં નવાં તેજ પુરાયાં. ભાણ જેઠવાએ હાકલ કરી છે આપણી ફોજમાં રણબંકો નવખંડ ધરતીમાં નામ અમર કરનાર વીર કે જે એકલો જઇને રાવળ જામની છાતીમાં ભાલો પરોવે. સાંભળતાં જ એક રજપૂત ઊભો થયો.
‘ફરમાન માથે ચડાવું છું.’
‘નામ?’
‘જાંબવેચો. ઘોડાનો અસવાર છું બાપુ.’
‘રંગ તારી જનેતાને’ ગઢવીએ ભલકારો ભાખ્યો.
એક હાથમાં ભમરિયો ભાલો, બીજા હાથમાં કાગળનો બીડો, રાંગમાં ઢેલ જાતની ઘોડી, પાંચ હાથ પૂરો અસવાર. મોઢે પૂળો પૂળો મૂછો, આવીને જામ રાવળના તંબૂ પાસે ઘોડીનું ચોકડું તાણી બોલ્યો ઃ
‘ક્યાં છે રાવળ જામ?’
રોંઢો ઢળી ગયો છે. આભમાંથી સૂરજદાદો આકરાં તેજ વેરી રહ્યો છે. ઉકળાટ ક્યાંય માતો નથી. રાવળ જામ તંબૂમાં ઘડીક આડે પડખે થયા છે ને નાના ભાઇ હરધ્રોળજી બાજોઠ ઢળાવી નહાવાની તૈયારી કરી રહ્યા છે. તેણે બેઠા બેઠા જ આવેલા ઘોડેસવારને કહ્યું ઃ ‘લાવ્ય કાગળ.’
‘કાગળ તો મારે ખુદ રાવળ જામને હાથોહાથ દેવાનો છે.’
‘હું પંડપે જ રાવળ જામ.’
જાંબવેચાએ એક પળ નજર નોંધી. ઠાકોર હરધ્રોળજીને નજર માપવા માંડી. ઉઘાડી પહોળી છાતી, ગોરો વાન, મોં ઉપર રાજતેજ ઝળકી રહ્યું છે. બાજોઠ ઢળેલો છે. આઠેય આંગળીએ હેમના વેઢ રમી રહ્યા છે. પડખે પહેરો તકાણો છે. રાજનાં લક્ષણ જોઇ લીધાં. જાંબવેચે ઘોડેથી ઉતરી કાગળનો બીડો હાથોહાથ આપ્યો. કાગળ ઉઘાડી ઠાકોર હરધ્રોળજીએ નજર ફેરવવા માંડી. પહેરેગીરોની નજર પણ કાગળ માથે મંડાણી ને જાંબવેચાનો ભાલો ઊપાડ્યો. આંખના પલકારામાં ઠાકોર હરધ્રોળજીની પહોળી છાતી વીંધીને પાછો વળી ગયો. દગો, દગો. રીડિયારમણ બોલી. જાંબવેચો ઘોડે છલાંગ મારી હાલી નીકળ્યો. રાવળ જામે તંબૂમાંથી હડી કાઢી. પકડો. દુશ્મન જીવતો જાય નહીં.
રીડિયારમણ સાંભળી પડખેના તળાવમાં નહાવા પડેલા મહેરામણજી સાંગ લઇ પોતિયાભર પોતાની પટી નામની ઘોડી ઉપર સવાર થયો.
આગળ જાંબવેચો, પાછળ મહેરામણજી, એની પાછલ ખુદ રાવળ જામ. ઘડી સાંપડીમાં તો જાંબવેચાની લગોલગ પટી ઘોડી આવી પૂગી છે, પણ અઢાર કદમનું અંતર કાપે છે, ત્યાં વળી દુશ્મનનો ઘોડો પટીને પછવાડે રાખી દે છે. રાવળ જામ ખુદ મહેરામણની મરદાનગીને નજરોનજર નિહાળી રહ્યા છે. મહેરામણને મરદાનગી બતાવી રાવળ જામના બોલ માથામાં મારવા છે. સાત પેઢીને ઉજાળવી છે. પટીને ઈશારો કર્યો. ઈશારા સાથે પટીને જાણે પાંખો ફૂટી. પટીએ છલાંગ મારી, મહેરામણજીએ સાંગ તોળી, દુશ્મન માથે ઘા કર્યો. જાણે ગાંડીવમાંથી બાણ વછૂટ્યું. જાંબવેચાની છાતી, ઘોડાની ગરદન વીંધીને સાંગ ધરતીમાં ખૂંપી ગઇ. પાછળ વહી આવતા રાવળ જામની આંખો ફાટી રહી.
વાહ! બા’દુર! વાહ બા’દુર! મહેરામણને જોવા ઘોડેથી હેઠા ઉતર્યા, તો મહેરામણની આંખ્યુંના ડળિયા બહાર નીકળી ગયા છે ને પટીના આગલા પગની ખાલ ગૂડા સુધી ઉપર ચડી ગઇ છે.
રાવળ જામના મોંમાંથી શબ્દો સર્યા કે હાલા! તારા હાથ વખાણું કે પટી તારા પગ વખાણું.
(દોહો)
બ્રદરાવલ બિરદાવિયો રંગ ક્ષત્રી મહેરામણ
પાંણી રખીઓ આપરો સરસધ મેર પરમાણ.
(રાવળ જામ બિરદાવીને બોલ્યા, હે શુદ્ધ ક્ષત્રિય મહેરામણ, તેં ક્ષત્રીવટનું ખરું પાણી રાખ્યું અને તું તો મેરૂ પર્વત જેવો પ્રસિદ્ધ થયો.)
મહેરામણ જેસા મરદ, હો મમ આગે હોય;
અમર કળ્ય રાખે ઇલા, સાધી કારજ સોય.
(મારી આગળ મહેરામણ જેવા શૂરવીર છે, તો હરધ્રોળજીના મારનારને મારી આબરૂ અણનમ રાખી તે વાતને ધરતીના પડ માથે અમર રાખી)
જામ રાવળે મહેરામણજીને પાલખીમાં નાંખી પડદે સારવાર કરી.
જય મા આશાઆશાપુરા

Post a Comment