જયમલ્લ પરમાર
(જ. ૬ નવેમ્બર, ૧૯૧૦, વાંકાનેર; અ. ૧૨ જૂન, ૧૯૯૧, રાજકોટ)
ગુજરાતી સાહિત્યના જાણીતા નવલકથાકાર, લોકસાહિત્યવિદ અને બાળ-કિશોરસાહિત્યકાર
પિતાનું નામ પ્રાગજીભાઈ. તેમણે દક્ષિણામૂર્તિ, કાશી વિદ્યાપીઠ અને ગુજરાત વિદ્યાપીઠમાં અભ્યાસ કર્યો હતો. ગાંધીજીપ્રેરિત સત્યાગ્રહ દરમિયાન પોતે કરેલા સંકલ્પ અનુસાર પરીક્ષા ન આપી, પ્રમાણપત્રો ન મેળવ્યાં. ૧૯૩૩થી ૧૯૪૨ દરમિયાન સત્યાગ્રહ અંગે અનેક વાર જેલમાં ગયેલા. તેમણે ૧૯૩૯થી ૧૯૪૨ સુધી ઝવેરચંદ મેઘાણી સાથે ‘ફૂલછાબ’ સાપ્તાહિકના સહતંત્રી તરીકે કામ કરેલું. નિરંજન વર્મા સાથે લેખન ઉપરાંત અનેક પ્રકારની રચનાત્મક પ્રવૃત્તિઓ પણ કરેલી. ૧૯૫૦થી ૧૯૫૬ સુધી ‘ફૂલછાબ’ દૈનિક, ૧૯૬૦થી ૧૯૬૫ સુધી ‘લ્યાણયાત્રા' અને ૧૯૬૭થી ‘ઊર્મિ નવરચના' ચાલ્યું ત્યાં સુધી તેના તંત્રી રહેલા. ૧૯૭૫થી ૧૯૭૭ સુધી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના અનુસ્નાતક વિભાગમાં લોકસાહિત્યનું અધ્યાપન કર્યું.
નિરંજન વર્મા સાથે તેમણે ‘ખંડિત કલેવરો', ‘અણખૂટ ધારા’, ‘કદમ કદમ બઢાયે જા' વગેરે નવલકથાઓ આપી છે. ૧૯૪૪-૪૫ દરમિયાન ‘લોકકથા ગ્રંથાવલિ'(ભાગ ૧-૩)માં તેમણે કાઠિયાવાડ, બુંદેલખંડ, પંજાબ વગેરે સ્થળોની લોકકથાઓ આપી છે, જે સર્વભોગ્ય છે. ‘કાઠિયાવાડના ઘડવૈયા', ‘જીવનશિલ્પીઓ', ‘આચાર્ય પ્રફુલ્લચંદ્ર રૉય’, ‘ઝવેરચંદ મેઘાણી’ વગેરે ચરિત્રાત્મક પુસ્તિકાઓ પણ બન્નેએ સાથે મળીને આપી છે. ‘ગગનને ગોખે’ અને ‘આકાશપોથી’ એ તેમણે નિરંજન વર્મા સાથે મળીને લખેલી વિજ્ઞાનવિષયક પુસ્તિકાઓ છે.બન્નેએ સાથે મળી ‘સરહદ પાર સુભાષ’ નામે એક અનૂદિત ગ્રંથ પણ આપ્યો છે.
તેમણે ‘આંગણાના શણગાર’, ‘ઊડતા ભંગી', ‘વગડામાં વસનારાં’, ‘કંઠે સોહામણાં’, ‘પ્રેમી પંખીડાં' એ શીર્ષકો નીચે આપેલ ‘પક્ષીપરિચય ગ્રંથાવલિ’ અનેક રીતે નોંધપાત્ર છે તો ‘દોલતપરી', ‘સોનાપદમણી’, ‘નાગકુમારી’, ‘ગંડુરાજા’, ‘પાકો પંડિત’, ‘નીલમણિ’, ‘ફૂલવંતી’ એ તેમની સહિયારી બાળવાર્તાઓ છે. તેમનું આ સહિયારું સર્જન મોટે ભાગે કિશોરભોગ્ય છે.
સાથી લેખક નિરંજન વર્માના અવસાન બાદ તેમણે જે અનેક કૃતિઓ આપી તેમાં ત્રિઅંકી નાટક ‘ભૂદાન’, એકાંકી ‘ઉકરડાનાં ફૂલ’ – એ નાટકોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ‘આપણી લોકસંસ્કૃતિ’, ‘આપણાં લોકનૃત્યો’, ‘ધરતીની અમીરાત', ‘લોકસાહિત્ય અને સંસ્કૃતિ', ‘લોકવાર્તાની રસલ્હાણ’ (ભાગ ૧-૨) ‘જીવે ઘોડાં જીવે ઘોડાં’ વગેરે લોકસંસ્કૃતિ અને લોકસાહિત્યલક્ષી કૃતિઓનો સમાવેશ થાય છે.
જયમલ્લ પરમાર
બાળકો માટે તેમણે ‘શેખચલ્લી ગ્રંથાવલિ'(૧૯૫૬)ના ચાર ભાગ આપી ગુજરાતી બાળસાહિત્યના હાસ્યના પ્રવાહમાં એક સીમાચિહ્નરૂપ કાર્ય કર્યું છે. પોતાની જાત પર હસતો અને હસાવતો આ શેખચલ્લી ગુજરાતના હાસ્યરસના નાયકોમાં આપોઆપ આગળ પડતું સ્થાન મેળવી જાય છે. તેમણે ‘નશાબંધી ગ્રંથાવલિ' પણ આપી છે. ૧૯૮૯-૯૦ના ગાળામાં તેમની પાસેથી ‘રાજા અને ગોવાળ’ નામે ત્રણ કથાઓનો સંગ્રહ મળે છે, જેમાં મૈત્રીભાવનાને સરસ રીતે ઉજાગર કરવામાં આવી છે.
આ ઉપરાંત હિન્દીમાં પણ તેમણે લોકસાહિત્ય અને બાળસાહિત્યનાં પુસ્તકો આપ્યાં છે.
.jpg)
Post a Comment