છૂંદણાં (tatoo-marks)

 
છૂંદણાં (tatoo-marks)







શરીર ઉપર છૂંદીને પાડેલ અલંકારરૂપ ટપકું, ભાત કે આકૃતિ.


                        આ છૂંદણાંને ત્રાજૂડાં કે ત્રાજવાં પણ કહે છે. છૂંદણાં આદિકાળથી લોકનારીના સૌંદર્યનું પ્રતીક બની રહ્યાં છે. સ્ત્રીના થાનનું દૂધ અથવા તાંદળજાની ભાજીનો રસ તથા કાજળ ભેગાં કરી તેનું ચામડી ઉપર ટપકું કરવું અને તે ટપકાને સોયની અણીએ ટોચ્યા કરવું અને પછી લોહી નીકળે ત્યારે તેના ઉપર હળદર ને મેશ દાબવાથી પડતો ડાઘ તે છૂંદણું. જૂના કાળમાં આદિવાસી લોકો પોતાના વંશવેલાને ઓળખવા માટે સ્ત્રીપુરુષ બંનેના શરીર ઉપર અમુક ચોક્કસ પ્રકારની નિશાનીઓ અંકિત કરતા. છૂંદણાં પડાવવાનો રિવાજ ગુજરાતના આદિવાસીઓ ઉપરાંત અનેક જાતિઓમાં જોવા મળે છે.

 

                    જૂના સમયમાં ગામડામાં છૂંદણાં પાડવાનું કામ વાઘરી કોમની સ્ત્રીઓ કરતી. માટીના વાસણમાં બિયાના લાકડાના કટકા, લીલા રંગવાળું પાણી, તાવડીની કાળી મેશ અને જુવાર કે બાજરીના સૂકા સાંઠા કે રાડામાં સોય નાખીને તેઓ ઘેર ઘેર ફરતી ને કુંવારી કન્યાનાં અંગો પર કે જુવાનિયાના હાથ પર છૂંદણાં કરી આપતી. વાઘરી કોમનાં સ્ત્રીપુરુષો વારેતહેવારે ભરાતા મેળાઓમાં જઈને પણ છૂંદણાં પાડી આપતાં. હવે છૂંદણાં પાડવાનાં નાનાં યંત્રો પણ આવ્યાં છે. તેમાંની ધ્રુજારીવાળી સોય વડે છૂંદણાં પાડી આપવામાં આવે છે.

                                                 


                    છૂંદણાંનાં ખાસ પ્રકારનાં ચિત્રો અને પ્રતીકો હોય છે; જેમ કે, લાડવા, માખી, સાંકળી, પહોંચી વગેરે. ધર્મમાં શ્રદ્ધા ધરાવતા લોકો હાથે રામનામ, રાધાકૃષ્ણ, સીતારામ, ઓમ્ વગેરે લખાવે છે તો કોઈ વળી અંબામાતા, લક્ષ્મીજી, હનુમાન, રથ, તુલસી, ત્રિશૂલ વગેરેનાં છૂંદણાં છૂંદાવે છે. જુદી જુદી જાતિની નારીઓ હાથ, પગ અને મોં ઉપર અનેક ભાતનાં છૂંદણાં પડાવે છે. શરીર શણગારવાની સાથે સાથે છૂંદણાં પડાવવા પાછળ અનેક પ્રકારની માન્યતાઓ, વિશ્વાસ અને શ્રદ્ધા પણ ભાગ ભજવે છે; જેમ કે, મોં પર છૂંદણું પડાવવાથી કોઈની બૂરી નજર લાગતી નથી. છૂંદણાં પડાવેલી નારી એના પતિને કદી છેતરતી નથી. હાથે, પગે નાગ કે વીંછીનું છૂંદણું પડાવ્યું હોય તેને નાગ, વીંછી જેવાં ઝેરી જનાવરો કરડતાં નથી, વગેરે.

 

                        છૂંદણાં હવે લગભગ સમગ્ર વિશ્વમાં જોવા મળે છે. આધુનિક યુવક-યુવતીઓમાં છૂંદણાં પડાવવાં - એ એક ફૅશન બની ગઈ છે. સામાન્ય રીતે હાથના ખભાથી કોણી સુધીના ભાગ (બાહુ) પર છૂંદણાં ચીતરવામાં આવે છે.


Post a Comment

Previous Post Next Post