Wi - Fi વગરનો માનવી: આધુનિક ગાથા:

 


ઘનઘોર કાળી,ઘેરી રાત હતી. પવન જોર શોરથી ફૂંકાઈ રહ્યો હતો. “ટ્રીન… ટ્રીના… ટ્રીન…” જેવા અજીબ અવાજો સંભળાઈ રહ્યા હતા. કોઈને લાગ્યું કે ભૂત હશે, કોઈને લાગ્યું કે વીજળી તૂટેલી તાર હશે—પણ હકીકતમાં એ તો કોઈકના ફોનમાં સતત આવી રહેલી નોટિફિકેશનની આત્મા હતી!


રાત અજીબ હતી. નીરવ નહોતી, પણ શાંત પણ નહોતી. રસ્તા, બાલ્કની, રૂમ અને પથારી પર માણસોના કીડીઆરા દેખાતા હતા. ફરક એટલો કે આ કીડીઓ દાણા માટે નહીં—Wi-Fi સિગ્નલ માટે ભટકતી હતી. દરેક માનવીનો જમણો હાથ ફોનમાં, ડાબો હાથ સ્ક્રોલમાં અને આંખો “રીલ્સના સંસાર”માં ડૂબેલી હતી.


માનવીને ઉપરવાળાએ બે આંખો, બે હાથ અને એક મગજ આપ્યું. જો એને ખબર હોત કે માણસ આ મગજનો અડધો ઉપયોગ Google , youtube, chat gpt, ai વગેરે માટે અને અડધો WhatsApp, Insta , Fb માટે કરશે, તો એણે માનવીને ચોક્કસ એક વધારાનું મગજ આપ્યું હોત—“મોબાઈલ મગજ”!


ત્યાં જ અચાનક આકાશમાં વીજળી ચમકી અને ટક્!

બધાં ફોન બંધ.


એ ક્ષણે દુનિયામાં સૌથી મોટુ સંકટ સર્જાઇ ગયું —પાવર કટ!

લોકોના ચહેરા એવા લટકી ગયા જાણે OTP ન આવતો હોય અને UPI ફેલ થયું હોય. કોઈ કશું જ બોલી શકવા સમર્થ નહોતું... કારણ કે હવે વાતચીત માટે પણ નેટ જોઈએ. કોઈ વિચાર કરી શક્યું નહીં, કારણ કે વિચારો તો હવે Google પર સેવ હતા.


દુનિયા એક ઝાટકે બેકાર બની ગઈ. દરેક ચહેરો જાણે બોલતો હતો, 

“અમારું જીવન તો ક્લાઉડમાં સેવ હતું!”


નિસાસાઓથી વાતાવરણ ઉભરાવા લાગ્યું, ગરમ થવા લાગ્યું. ગરમી એટલી વધી કે AC પણ શરમાઈ જાય અને એ જ ક્ષણે મારી ઊંઘમાં રાડ પડી ગઈ—


“આ કોણે એસી બંધ કર્યું છે? નેટ ના ચાલે તો ઓછામાં ઓછું એસી તો ચાલવા દો!”


મારા જ અવાજથી આંખો ખૂલી ગઈ. સમજાયું—આ સ્વપ્ન હતું, પણ આજકાલ સ્વપ્ન અને હકીકત વચ્ચે એટલો જ ફરક છે જેટલો 4G અને 5G વચ્ચે—બંનેમાં રાહ જોવી જ પડે! અડધી ઊંઘમાં બીજો કોઈ વિચાર મગજમાં ફેણ ઉઠાવે એ પહેલાં જ એ કચડી એસી ફાસ્ટ કરીને હું સૂઈ ગઈ.


સવારે ઉઠી. આદુ–ફુદીનાવાળી ચા, અખબાર અને મનની શાંતિ—એવો દુર્લભ સંયોગ બન્યો હતો. હજી પહેલો ઘૂંટ ભર્યો નહોતો ત્યાં પાડોશીની બૂમ પડી—


“સ્નેહા! તારી પાસે પાતળી પીનનું ચાર્જર છે?”


આ વાક્ય આજકાલ “નમસ્તે”નું આધુનિક સ્વરૂપ બની ગયું છે. ચાર્જર ન હોય તો સંબંધો પણ Low Battery પર ચાલે!


“માસી, મારી પાસે જે છે એ જોઈ લો.” કમને ચાનો કપ ટેબલ પર મૂકીને “ટાઈમ પ્લીઝ” કહીને હું મારા ઘરના ડિજિટલ કબ્રસ્તાન તરફ વળી.


અરે બાપ રે!

USB-A, USB-C, Micro USB, Type-C, Fast Charging, Slow Charging, Wireless Charging—પણ વાયર વગર બધું અધૂરું!

ઘરમાં જેટલા ચાર્જર હતા, એટલા કદાચ રસોડામાં ચમચા પણ ન હોય.


અને irony એ કે જે ફોન માટે ચાર્જર જોઈએ એ ફોન એવો જુનો કે એને જોઈને Google પણ કહે—

“This model is no longer supported.”


પાડોશીના મહેમાન બધા વાયરો આમથી તેમ ફેરવવા લાગ્યા. ફોનના ઇયરફોન હોલમાં ચાર્જર ઘુસાડવાનો પ્રયત્ન કરતા. આત્મવિશ્વાસ એવો કે જાણે NASAનું મિશન લોંચ કરી રહ્યા હોય!


એમની આ અદભુત ક્રિયાવિધિ જોઈને મારાથી બોલાઈ ગયું—

“આ ફોન છે, ફૂલદાની નથી!”


બે પળની ખિસિયાણી શાંતિ. પછી “ખિસિયાણી બિલાડી ખંભા નોંચે”ની જેમ બધા વાયરો ઉંચા–નીચા કર્યા. અંતે પડોશીએ ગંભીર ચહેરે કહ્યું—

“આમાંથી કશું કામનું નથી.”


હું મનમાં બોલી—

ફોન ન ચાલે એટલે વસ્તુ બેકાર નથી બની જતી. હા, માણસ ચોક્કસ અશાંત થઈ જાય છે!


એમના ગયા પછી ઘરના ઇલેક્ટ્રિક બોર્ડ પર નજર ગઈ.

ચાર્જર લગાવેલા.

ફોન ગાયબ.

સ્વીચ ચાલુ.


લાગ્યું, વીજળી બેચારી એમ જ વેડફાઈ રહી છે, જેમ આપણે સમય વેડફીએ છીએ!


ત્યાં જ મોબાઈલમાં મેસેજ આવ્યો—

“નાના હતાં ત્યારે તારા–ચંદ્ર દેખાય એવી બારી પાસે સૂતા, આજે ચાર્જિંગ પોઈન્ટ પાસે સૂઈએ છીએ.”


સાચું છે.

આજે બાળકો પૂછે—

“મમ્મી, તારાં કેટલા GB?”


મોબાઈલ વગર સંબંધો અટકે છે.

Wi-Fi વગર વાતચીત.

OTP વગર ઓળખ.

નેટ વગર અસ્તિત્વ!


નાના હતાં ત્યારે મોબાઈલ, ગુગલ મેપ કશું નહોતું. છતાં કોઈ ખોવાઇ નહોતું જતું.

બહેનપણીઓ, ક્લાસીસ, બજાર, સ્કૂલ—બધે જઈ આવતાં. ક્યારેક થોડું મોડું થતું તો પણ માતાપિતાનું BP ન વધતું—કારણ કે Live Location નહોતું પણ કોઈ પણ સ્થિતિને પહોંચી વળવાની આપણી સમજ ઉપર વિશ્વાસ પાકો હતો.


ફોન મચડવા જેવા વધારાના કામ ન હોવાથી રમવાનો અને ભણવાનો સમય વધારે મળતો. બે હાથમાં ફોનનું ડબલુ પકડીને એક જગ્યાએ બેસીને અદોદળા પણ ન બનતા. ખુલ્લા આકાશ નીચે રમીને શરીર પણ ચાલતું અને મન પણ.


હા, ગેજેટ્સે જીવન સરળ કર્યું—

પણ સાથે સાથે આળસને VIP પાસ આપ્યો.

લિફ્ટ સુધી ચાલવા માટે પણ રીમાઈન્ડર જોઈએ!


આજે માણસ ફોન વગર એવું લાગે છે જાણે આત્મા શરીરથી અલગ થઈ ગઈ હોય અને irony એ કે ફોન હાથમાં હોવા છતાં કોઈ સાથે સાચી વાતચીત નથી.


આ બધું વિચારીને મને મારા સપનાનું કારણ સમજાયું.

એ સપનામાં દેખાતા બધા નિરાશ લોકો—આપણે જ છીએ.

ગેજેટ બંધ એટલે જીવન Pause.


સૂર્યમંડળના દરેક ગ્રહ પરથી જાણે મારા જ ઘર ઉપર ગેજેટ્સની અક્ષૌહિણી સેના ઉતરી હોય—એવો ભાવ આવ્યો.


અને છેલ્લે, કોઈ મહાવાક્ય નહીં, કોઈ ઉપદેશ નહીં—

માત્ર “અતિ વર્જયતે” એટલું જ લખીને મેં મારા આજના મહાવિચારને પૂર્ણવિરામ આપ્યો—


 હા,

ફોન ચાર્જમાં મૂકીને જસ્તો!


Post a Comment

Previous Post Next Post