🚩 *ગેબી પરંપરાની સોનગઢની જીવંત જાગતી જ્યોત: મા સોનબાઈ મા*
આપા જાદરાની પીરાઈનું પાંચમું પગથિયું એટલે સોનગઢના અલખના આરાધક સંત દાદાબાપુ. સંસારી સાધુ, રહેણી-કરણી સાવ સાદી, લાંબી વાળની અલફી અને માથે આંટીયાળી પાઘડી.
એમના લગ્ન પાડરશીંગાના આપા સુરા ખુમાણની ચોથી પેઢીએ હરસુર ખુમાણના દીકરી સોનબા સાથે થયેલ. પિયરમાંથી કરિયાવરની સાથે ભક્તિનું ભાથું ને રામાયણનો ગુટકો લાવેલ. પાડરશીંગા ગાયકવાડી ગામ હોઈ ત્યાં ફરજિયાત શિક્ષણ એટલે ચાર ચોપડી ભણેલા. આવતાની સાથે જ ઘરનો ભાર માથે આવેલ.
સંત દાદાબાપુ અલગારી આદમી. ભલી એમની ઓરડી ને ભલું એમનું ધ્યાન! ક્યારેક-ક્યારેક તો આ ઓરડી બે દિવસ, પાંચ દિવસ, અરે... આઠ-આઠ દિવસ બંધ રહે! નહિ ખાવું-પીવું કે નહિ કુદરતી હાજતે જવું. જાગે તોય ક્યારેક તો ગેબીના ડુંગરે નાના-નાના પાણકા (કાંકરા) વીણતા હોય.
કોઈ પૂછે કે, "બાપુ આ શું કરો છો?"
તો હસતા ઉત્તર વાળે, "અહિયાં માતાજીયુ (ગાયું) ચરવા આવે ને એના પગની ખરીયુંમાં પાણકા વાગે, માટે વીણું છું." એટલું કહી પાછા કામે લાગી જાય.
હવે તો સોનગઢ જાત્રાનું ધામ બની ગયું હતું. સાધુ-સંતોની મંડળીઓ આવે, સેવક સમુદાયના ધાડેધાડા ઉતરી પડે, મહેમાનોની હાક વાગે. આ બધા જળો-જથ્થામાંથી પણ સમય કાઢી લાખાબાપુના ગોખલાની સેવા-પૂજા અને દરરોજ નિયમિત રામાયણનું વાંચન કરી મા સોનબાઈએ ભક્તિની જ્યોત જલતી રાખી હતી.
સામાન્ય માણસથી માંડી ખવડ પંથકના દરબારો, ભીમડાદ દરબાર સાહેબ કે પાળિયાદ જગ્યાના ગાદીપતિ જેવા મોટા ગજાના સેવકોની યથાયોગ્ય મહેમાનગતિ સાચવવી છતાંય ભક્તિમાં જરાય ભંગ પડે નહી. પરિવારમાં પુત્ર ભગુબાપુ, નાનાબાપુ, ટપુબાપુ અને પુત્રી રાવુબાની ભલીભાત્યે સંભાળ રાખવામાં દિવસ ક્યારે વીતી જાય ખબર ન પડે.
ભીમડાદ અને પાળિયાદમાં દોમ-દોમ સાયબી, પણ બેય ઠેકાણે શેર માટીની ખોટ.
ભીમડાદ દરબાર રણજીતસિંહ અને તેમના રાણી જીજીબા દાદાબાપુની અનન્ય સેવા ચાકરી કરે. એક વખત સહકુટુંબ દર્શને આવ્યા ત્યારે જીજીબાએ ઓઢણાનો છેડો પાથરી બાપુને વંદન કર્યા. આંખમાંથી શ્રાવણ-ભાદરવો વરસવા લાગ્યો. આ બધું જોઈ સંતનું હૈયું ભરાઈ આવ્યું. તેમની સામે ટગર-ટગર તાકી રહ્યા પણ કાંઈ બોલ્યા નહીં.
એટલે મા સોનબાઈથી ન રહેવાયું. પતિની સામે જોયું, ચાર આંખો મળી ને શાનમાં સમજાવ્યું, "આમને પૂછો તો ખરા કે કેમ શું આટલું બધું દુઃખ છે બહેન... બાપ... કાંઈક તો બોલો તો ખબર પડે? જે હોય તે રાજીખુશીથી જણાવો, આપણા માથે સમરથ ધણી બેઠો છે."
"શું કહું બાપુ, તમારાથી ક્યાં કાંઈ અજાણ્યું છે?" ને ધ્રુસકે રડી ગયા.
"ભીમડાદનો ગરાસ ઓછો પડે છે? શું ખોટ્ય છે? બાપુ, કોઈ જાતની કમી નથી, જીવન નિર્વાહ માટે ભગવાને ખૂબ આપ્યું છે પણ... શેર માટીની..." ગળું ભરાઈ આવ્યું, વધારે ન બોલી શક્યા.
દાદાબાપુ આ જાજરમાન તેજસ્વી મહિલાના ભાવિમાં ડોકિયું કરે છે ને પોતાના સેવકની આ દશા જોઈ કરુણાના ભાવ જાગે છે, અનુકંપા ઘેરી વળી. બાપુએ રણજીતસિંહ સામુ જોયું... "જુઓ રણુભા, ઠાકર ઉપર શ્રદ્ધા રાખો."
"બાપુ, પામર માનવીની શ્રદ્ધાની પણ હદ હોય ને બાપુ! વધારે આ દેહની જીરવવાની તાકાત કેટલી? આમ ગોળ-ગોળ વાત કરી અમને મૂંઝવો મા."
"તમારી અગમવાણી સમજવાની એમની ગજા બહારની વાત છે." મા સોનબાઈએ ટકોર કરી.
દાદાબાપુએ ધૂણામાંથી ચપટી ભભૂત રણુભા ઉપર નાખી બોલ્યા, "જો સારા દિવસો વરતાય તો માનજો કે સોનગઢનો ઠાકર દયાળુ છે. લાખાબાપુની નિશાની રૂપે અવતરનાર બાળકના શરીરે લાખું હશે."
પછી ભીમડાદ દરબારને ત્યાં પુત્રનો જન્મ થયો ત્યારે તેમનું નામ લખધીરસિંહ રાખવામાં આવ્યું.
સોનગઢના દાદાબાપુના આશીર્વાદથી ભીમડાદ દરબારગઢમાં સારા દિવસો જાય છે તે વાત પાળિયાદ પહોચતા વાર ન લાગી. પાળિયાદ દાદાબાપુ અને માં જેઠીબા આ વાતથી ખિન્નતા અનુભવવા લાગ્યા. ઊંઘ હરામ થઈ ગઈ, મા જેઠીબાઈનું મન ઉદાસ થઈ ગયું. 'નક્કી અમારી સેવામાં ખામી રહી ગઈ હશે.'
હાથમાં માળા લીધી, ગેબીનાથ અને ચંદનનાથનું સ્મરણ. એક દી, બે દી, ત્રણ-ત્રણ દિવસના જાગરણ. ચોથી રાતે જરાક આંખ મળી ત્યાં જાણે કોઈએ ખંભે હાથ મૂક્યો હોય...
"દીકરી બેટા જેઠીબાઈ મૂંઝાઈશ મા, હરમત હારતી નહીં... બેન, તારા માથે ભગતનું મોંઘેરું ઓઢણું છે. આમ વલોપાત કર્યે કાંઈ નો વળે. આપણો જનમ જ ખાંડાની ધાર ઉપર હાલવા થયો છે. બેન હું માકબાઈ છું, ઓળખાણ પડી? જા, સોનગઢ જા. ત્યાં તારા અરમાન પૂરા થાશે. ત્યાં તારા મોટા બહેન સોનબાઈના પગ પકડ, ઈ જોગમાયાનો અંશ છે, તારા દુઃખ દૂર થાશે."
ને ફટાક દઈને આંખ ઉઘડી ગઈ. "મા.... માકબાઈમા ક્યાં છો? કેમ બોલતા નથી? શું આ આળપંપાળ છે?" શરીરે ચૂંટિયો ભરી જોયો ને મણ એકનો નિહાકો નાખ્યો.
વળતી પળે સોનગઢ જઈ ઠાકરની સેવામાં જોડાઈ જવાનો નિર્ણય. આઠ-આઠ દિવસથી એકધાર્યું ઠાકરના ઘરનું વાસીદું, સંજવારી, નાનું-મોટું હરેક કામમાં મન પરોવ્યું. દિવસ-રાત ગણ્યા વિના એકધારી તનતોડ સેવા આદરી. નવમા દિવસે મા સોનબાઈએ કહ્યું, "હવે હાઉં કરો બેન જેઠીબાઈ."
મૂંઝવણ ટાળવા અને કાંઈક હળવાશ માટે માં સોનબાઈએ રામા પટેલની દીકરી મોંઘીને બોલાવીને કહ્યું, "મોંઘી તું રામા પટેલને કહી ગાડું જોડીને લઈ આવ્ય. મહેમાનને તરણેતર અને અનસુયામાના દર્શને લઈ જાય. તું પણ ભેળી જાજે હો બેટા."
ગાડું આવ્યું એટલે જેઠીબામા સામે જોઈ કહ્યું, "જાવ બેન આજ તો ભોળાનાથ અને મા અનસુયાના દર્શન કરી આવો, મન હળવું થાય."
પછી મા સોનબાઈ ઘરનું નાનું-મોટું કામ આટોપી લાખાબાપુના ગોખલે હાથમાં માળા લઈ બેઠા. અલખ આરાધના આદરી, માળામાં લીન થયા. પાંચ મિનિટ, પંદર મિનીટ, કલાક વીતી ગયો. દાદાબાપુ એક-બે વખત ડોકાઈ ગયા, પછી ઘરવાળાને તે જોઈ રહે છે અને અચંબો થયો, 'કોઈ દિવસ નહી ને આજ આમ કાં?'
"મહેમાન છે, રાંધવાનું નામ નહી ને આ શું?" હળવેથી ખોંખારો ખાધો. અવાજથી ધ્યાનભંગ થતા માળાના મેરને આંખે અડાડી ઉભા થયા. પતિને પગે લાગ્યા પણ આંખ ચૂવા લાગી.
દાદાબાપુ પત્નીનો આંસુ ટપકતો ચહેરો જોઈ રહ્યા. તરત જ મા સોનબાઈના હોઠ ફફડ્યા. સવાલ હોઠ સુધી આવી શબ્દનું રૂપ લે તે પહેલા તો ઉતાવળા પગલે રસોડા તરફ ગયા. હૈયું હાથથી છૂટી ગયું, હીબકે ચડી ગયા. દાદાબાપુ પત્નીના સામે આવી ઉભા રહ્યા, આસ્તેથી પૂછ્યું, "કેમ કોચવાઈ ગયા?"
"કાંઈ નહી," આંસુ લૂછ્યા. મોઢા ઉપર હાસ્ય લાવવા મથામણ કરી ને વળી આંખો છલકાઈ ગઈ.
"કોઈ...એ.... કાંઈ કહ્યું?"
"આમાં કોઈ શું... કહે? આટલું બધું ઓછું કાં આવ્યું? કારણ તો હશે ને કાંઈ."
આમ બંને પતિ-પત્ની વચ્ચે સંવાદ ચાલે છે ત્યાં પાળિયાદ દાદાબાપુ અને જેઠીબામાએ આવી ઓસરીમાં જોયું તો સંવાદ કાને પડ્યો, એટલે કાંઈપણ અવાજ ન થાય તેમ શાંતિથી સાંભળી રહ્યા.
"બીજું કોઈ કારણ નથી," મા સોનબાઈના હૈયામાંથી નિસાસો નીકળી ગયો, "મુ ખભા ગણીને આજ ઓછું આવી ગયું."
"કેમ કાંઈ અમંગળ થયું?"
"અમંગળ તો કાંઈ નથી થયું... તો?"
"પણ આપણે કોઈનું કાંઈ મંગળ કરી શકતા નથી."
"વળી કોનું મંગળ કરવાનું છે?"
"જાણે તમે સાવ અજાણ હોય એમ કેમ પૂછો છો?"
"પણ મગનું નામ મરી પાડો તો સમજાય ને! એમને એમ કાંઈ થોડું મનનું સમાધાન થાય?"
"લ્યો....કરો...વાત! આઠ-આઠ દિવસથી તમારા નામેરી પાળિયાદના ભગત અને જેઠીબાઈ દિવસ રાત જોયા વિના એકધારી ઠાકરની સેવા કરે છે, તે શું તમારાથી અજાણ્યું છે? આપણો ઠાકર સાવ નિમાણો થઈ ગયો છે? બેન જેઠીબાઈના નિહાકા મારાથી સહન થાતા નથી, એમનું કાંક કરો... આટલી દયા કરો."
"દયા.... મારા નાથની, બીજું શું?"
"તમારી દયાની પણ કોકને જરૂર હશે ને?"
"મારી દયાની કોને જરૂર હોય? મારી દયાથી શું વળે?"
"સ્વામીજી મને પૂછો છો? કે દયાથી શું વળે? તમારી દયાથી ભગતરાજ અમૃતના મે' વરસે, આંબા કોળે, સૂના આંગણા કિલ્લોલતા થાય."
"આજ શું સૂઝ્યું છે કે મારા વખાણ કરવાનું નીમ લીધું છે?"
"તમારા વખાણ હું કરીશ, તમારા વખાણ તો જગત પણ કરશે, પણ..."
"પણ.....શું?"
"આપણે આપણા મહેમાનની આશા પૂરી ન કરી શકીએ, ઈ ક્યાં પારકા છે? કાલે બેન જેઠીબાઈના હૈયાની વાત અચાનક હોઠે આવી ગઈ."
"કેમ શું કહ્યું?"
"કહ્યું કે, 'કાંધનો ક્યારો કોરો રહે અને છેવાડાનો છલકાય જાય કે પછી વૈદ્યના ખાટલે જ હોય?' આ બધી ઈશ્વરના ઘરની માયા છે, એમાં આપણાથી શું થાય?" ને ઉંચે આભ તરફ જોયું.
"કરવું જ હોય તો બધું જ થાય, આપણા દિલમાં વિશ્વાસ હોવો જોઈએ."
"તો સાંભળો... એકલા વિશ્વાસથી ન થાય, તેને ભક્તિનું બળ જોઈએ..."
"કાંઈ સમજાય એમ ફોડ પાડો."
"કઠણ છાતી જોઈએ, વજ્રનું હૈયું હોય અને અવિચળ શ્રદ્ધા હોવી જોઈએ. છે તૈયારી? બતાવો. બોલો..."
"તો તમને ઈ પણ કહી દઉં કે વગર તૈયારીએ વાત ન કરી હોત. બોલો? શું ખોળાધરી માંગો છો? શાની કસોટી કરવી છે?"
"વાત એમ છે કે તપ અને પુણ્યના બળે બધું થઈ શકે. તપના બળે વિશ્વામિત્રજીએ ક્યાં બીજી સૃષ્ટિ રચી ન હતી! પુણ્યની મૂડી ન હોય તો એક બીજો ઉપાય પણ મારા પ્રભુએ ખુલ્લો રાખ્યો છે. કાં તો જીવ માટે જીવ મળે, કાં તો એક હાથે આપો ને બીજા હાથે મેળવો. જેવી રીતે જાદરાબાપુ અને માકબાઈ માએ કોળી બાળકને સજીવન કરવા પોતાના પુત્ર હરસુરબાપુને આપ્યા હતા."
> "પોતાના પોઢાડી બીજાના બેઠા કરે, એવી દયા દેખાડે જોગીકુળ જાદરો...
> કોઈ અંગ સુધા અર્પણ કરે ને કોઈ જીવ કરે જાતા,
> પણ આતો હાહના કર્યા સાટા, આવા જોગ ક્યાં શીખ્યો જાદરા!"
>
"આપડે પણ મુઠ્ઠી તાંદુલ જેટલીયે તૈયારી તો રાખવી પડે. એક ચિથરીનો પાટો બાંધ્યો ને તેના જેટલા તાણાવાણા હતા તેટલું મારા નાથે ખોબલે-ખોબલે પાછું વાળ્યું હતું કે નઈ? અને ચંગાવતીની તૈયારી જોઈએ."
"બસ.... બસ..... હવે ઘણું થયું, રાખો. કહો મારે શું કરવાનું છે?"
"વહાલામાં વહાલી વસ્તુ છોડવી પડે..."
"તાવવાનું બંધ કરી જે હોય તે ચોખ્ખું ચણાક કહી દયો ને!"
"તો મન દઈને સાંભળો. આપણા ત્રણ દીકરા ભગુભાઈ, ટપુભાઈ અને નાનાભાઈ... તેમાંથી તમને વધારે વહાલું કોણ?"
"ટપુભાઈ મને વધારે વહાલો છે."
"તો વહાલી વસ્તુ આપી દેવાની તૈયારી હોય તો મારો નાથ દયા કરે."
"નાના મોઢે મોટી વાત ગણાય, તમારી સામે બોલવું, ઉત્તર આપવો એ અજુગતું કહેવાય. છતાં એક વિનંતી છે કે સોરઠની એક આહીરાણી જો 'રા' રાખીને વાત કરી શકે તો મારી રગોમાં પણ શુદ્ધ કાઠિયાણીનું લોહી વહે છે. જરાય લોભ કે સંકોચ રાખશો મા, આ મારું વેણ છે. અને એ પણ કહી દઉં કે આમાં મારે ઉલટા ખુશી થવા જેવું છે. ટપુભાઈને તો તેની જનેતા કરતા માસી વધારે વહાલા છે, એને તો માસીના ઘરે મોકલવાના છે. તો સો વાતની એક વાત કે આપણા કુળમાં આ ક્યાં કોઈ નવાઈની વાત છે? હરસુરબાપુને ક્યાં માકબાઈમાએ વહાલા કર્યા હતા?"
થોડી વાર સાવ મૌન, આત્મસંવાદ. બેન જેઠીબાઈનું કરુણ વદન દેખાયું. દાદાબાપુ અને સોનબાઈમાની ફરી નજરું મળી, કશોક નિર્ણય લેવાઈ ગયો.
લાખાબાપુના ગોખલે દીવો પ્રગટાવ્યો, ધૂપ કર્યો, કુળદેવી રાજબાઈમાનું નામ લઈ જાદરાબાપુનું સ્મરણ કરી ગોખલે માથું નમાવ્યું. પછી દાદાબાપુ બોલ્યા, "લ્યો બાઈ, જેઠીબાઈ અને દાદાભાઈને ચરણામૃત આપો."
મા સોનબાઈએ બેયને ત્રણ-ત્રણ આચમની ચરણામૃત હાથમાં આપ્યું. પોતે પણ અંજળીમાં ચરણામૃત લીધું, તુલસીનું પાન મૂક્યું.
માત્ર એક જ પળ સોનબાઈમાને ખળભળાવી ગઈ ને તે વખતે મા માકબાઈ નજરે દેખાણા, જાણે કહેતા હતા, "મારી બાઈ, દીકરો વહાલો કર્યાની ઠેકડી કપાળમાં લખાવી નો દેતી બેન..."
હસતા મોઢે વેણ નીકળ્યા, "આજથી ટપુભાઈ તમારો..." કહી બંનેને ચરણામૃત આપ્યું. બેન જેઠીબાએ ખોળા પાથરી વંદન કર્યા, કરુણતાભરી નજરે તાકી રહ્યા, એટલે મા સોનબાઈએ કહ્યું, "શું... હજુ કાઈ કહેવું છે?"
"ના.... મા.... ના... કાંઈ કહેવું નથી પણ એક સાવ નાની અરજ છે કે કાંઈક એંધાણી... આજ અમારા ભાગ્ય ઉઘડી ગયા."
"સાંભળ્યું?" કહી દાદાબાપુએ પત્ની તરફ જોયું, "એમને કહો કે સોનગઢનો ઠાકર અને પાળિયાદનો ઠાકર જુદા નથી."
"એની નિશાની એ કે ટપુભાઈને શીતળા નીકળ્યા હતા તેથી મોઢું શીળીયાતું હતું. તમારે ત્યાં પુત્ર જન્મ થાય ને શીળીયાતા મોઢા સહિત હોય તો માનજો કે સોનગઢનો ઠાકર તેની ભેરે છે."
પછી રાતે વાળુ-પાણી કરી સૌ બેઠા હતા. સુતા પેલા કુમકુમનો ચાંદલો કરી મા સોનબાઈએ ટપુભાઈને પૂછ્યું કે, "ભાઈ ટપુ તારે કાલ માસીની હારે પાળિયાદ જવું છે ને?"
"હા..." કહી ટપુભાઈ હસવા લાગ્યા.
સવારે બધા જાગ્યા તો ટપુભાઈ ચીર નિદ્રામાં પોઢ્યા હતા, નિશ્ચેત દેહ પડ્યો હતો. એક ડૂસકું સોનબાઈમાના ગળામાંથી નીકળી ગયું ને ગળું સાફ કરી બધાની સામે ફરી કહ્યું, "કોઈએ કકળાટ કરવાનો નથી, મારો ટપુ મારા ગામતરે... ગામ બદલ્યું છે."
પછી થતી બધી ક્રિયા કરી બે-ત્રણ દિવસ રોકાઈ મા જેઠીબા અને દાદાબાપુ પાળિયાદ આવી ગયા. પછી દસ મહીને દાદાબાપુને ત્યાં પુત્ર જન્મ થયો અને એંધાણીરૂપે શીળીયાતું મોં હતું. સાતમા દિવસે 'ઉનડબાપુ' (નામેરી નામ) રાખવામાં આવ્યું (આ ઉનડબાપુ એ અમરાબાપુના બાપુ).
✍️ લેખકનો સ્વાનુભવ:
આ બધી વાતો મારા બાપુ તથા મારા ફોઈબા મા સોનબાઈ તથા વડીલો પાસેથી સાંભળેલી હકીકત, પણ આના અનુસંધાને આ લખનારનો પોતાનો અનુભવ:
૧૯૬૨માં પૂ. ઉનડબાપુના કહેવાથી સોનગઢ માત્રાબાપુ તથા આલેગબાપુ અને હું પોતે, એમ ત્રણેયે બોટાદમાં મશીનરીની દુકાન કરેલ. માત્રાબાપુ પછી રાજકોટ ગયા, આલેગબાપુ થાન ગયા અને હું બોટાદમાં જ રહ્યો.
(પૂ. ઉનડબાપુની સહાય અને મદદથી મેં કોલેજ સુધીનો અભ્યાસ કરી ગ્રેજ્યુએટ થયેલ). તેથી હું સોનગઢના કૌટુંબિક સંબંધથી પણ જોડાયેલો હોઈ અવારનવાર બાપુ પાસે પાળિયાદ રહેવાનું થાય, બહારગામ સાથે જવાનું પણ બને. વરસમાં બે-ત્રણ વખત સોનગઢ જવાનું થાય. ફોઈબાનું ઘર અને મારું મોસાળ પણ સોનગઢ, મારું બાળપણ પણ સોનગઢ જ વીત્યું. મેટ્રિક સુધીનો અભ્યાસ થાનગઢ જ કર્યો, કોલેજના ચાર વર્ષ સુરેન્દ્રનગર કરેલ. અભ્યાસ ૧૯૬૨માં પૂરો થતા બોટાદ રહેવાનું થતું, ત્યારથી ઉનડબાપુની હયાતી સુધી તેમના સાનિધ્યમાં રહેવાનું ભાગ્ય પ્રાપ્ત થયેલ.
આ દરમિયાન મા સોનબાઈની અવસ્થા હોઈ સ્વાસ્થ્ય કથળવા લાગ્યું.
પૂજ્ય ઉનડબાપુ સોનબાઈમાને પોતાના મા કરતાયે સવાયા માને. તેમની એક ઈચ્છા એવી હતી કે મા સોનબાઈ દેવ થાય ત્યારે માના અગ્નિસંસ્કાર પોતાના હાથે થાય. એવી અદમ્ય ઈચ્છા તેથી ભગુબાપુ અને નાનાબાપુને કહી રાખેલું કે માનો આત્મા જ્યારે આ દેહનો ત્યાગ કરે ત્યારે તરત સમાચાર મોકલશો ને મારા આવ્યા પછી જ અગ્નિસંસ્કાર થાય તેમ ગોઠવશો.
અને એક દિવસ ૧૯૭૦માં રાત્રે બાર વાગ્યે પાળિયાદ પોસ્ટ ઓફિસમાં તાર આવ્યો, તે માના સ્વર્ગવાસનો હતો. બાપુ મને અવારનવાર કહેતા, "આપડે ક્યારે સોનગઢ જાવાનું થાય તે નક્કી નહી, માટે તું બહારગામ જાય તો કહીને જાજે." તે રાતે ૧ વાગ્યે બાપુની ગાડી આવી, બોટાદ મને બોલાવવા આવી. હું, દાનામામા અને બાપુ સવારે સોનગઢ પહોચ્યા. સ્મશાનયાત્રાની તૈયારી થઈ. બાપુ કહે, "મારે કાંધિયો થાવાનું છે." નાનાબાપુ, ઉનડબાપુ, હું વગેરે કાંધિયા થયા.
હવે જે કાંધિયા હોય તેને બુટ-ચંપલ પહેરાય નહી. વળી અગ્નિસંસ્કાર પણ સોનગઢ નહી ને થાન 'અસ્થળની જગ્યા'માં કરવાનો હોઈ એક ગાઉ (ત્રણ કિલોમીટર) છેટું થાય. ઉનડબાપુ તો કોઈ દિવસ ફળિયામાં પણ ઉઘાડા પગે ચાલેલ નહી, ત્યાં સાવ અડવાણા પગે ગાઉ એક કેમ પહોચી શકાશે? બધાના મનમાં આ સવાલ ઘોળાતો હતો. વડીલોએ એક રસ્તો કાઢ્યો કે છેવટે લાકડાની ચાંખડી પહેરે, પણ બાપુને મંજૂર નહોતું. "તમે બધા શું કામ નકામી ઉપાધિ કરો છો? જેમ થાતું હોય એમ થાવા દો."
સોનગઢથી લઈ થાન સુધી સાવ ઉઘાડા પગે નનામીને કાંધ આપી. એ વખતે અત્યારની જેમ ડામરની સડક નહોતી, સાવ ઉબડ-ખાબડ રસ્તો. ગાઉ એકનો પલ્લો સાવ ઉઘાડા પગે ચાલવા છતાં ઉનડબાપુના પગે ન તો ફોડલો પડ્યો કે ન તો કાંટો વાગ્યો હતો. આને ચમત્કાર કહેવો કે પરચો ગણવો, કે સાંચ ને આંચ નહી? જે ગણવું હોય તે ગણો, આ હકીકત નજરો-નજર જોઈ અને અનુભવી છે. આ બીનાથી ઈતિહાસવિદ રામકુભાઈ ભલીભાતી વાકેફ છે, દેવાયતબાપુ આના સાક્ષી છે.
આવી છે સોનગઢ, પાળિયાદ અને ચલાળાના પીરાણાની વાતું. આને માટે કહેવાય છે કે:
જાદર વંશિનકર , પ્રબલ પ્રભાવુ ,!
કોમલ ચિત્ત જલદ સુભાઉ !!
દોઉ નાથ હોઉ પિર,
ચાર સંત દો અંશાછતાર
ભુપત દસ નામ લઇકે
તરી જેહો ભવપાર !!
~~~

Post a Comment