નાથા ભગતનો ન્યાય

 નાથા ભગતનો ન્યાય 



નાથા ભગત એક વખત ઘેડ વિસ્તારમાં નીકળ્યા. તેમની સાથે ૨–૪ માણસો પણ હતા. ચોમાસું ઉતરી રહ્યું હતું અને પાક લણવાનો સમય આવ્યો હતો. ચારે બાજુ હરિયાળી છવાયેલી હતી, ખેતરોમાં ખેડૂતોએ પરસેવો વહાવી મહેનત કરી રહ્યા હતા.


એજ સમયે પોરબંદરના અધિકારીઓ દ્વારા ખેડૂતો પર ભારે ત્રાસ હતો — કર વસૂલાત, ગાળો અને હેરાનગતિ રોજની વાત બની ગઈ હતી. તે દિવસે પોરબંદરના મામલતદાર કૃપારામ મહેતા કર વસૂલવા માટે આવ્યા.


એક ખેડૂતને ત્યાં જઈને તેમણે કર ભરવાનો આદેશ કર્યો. ખેડૂતે આતિથ્ય ધર્મ નિભાવતાં ઢોલીયો (રજવાડી ચારપાઈ) પાથરી, મખમલની ચાદર પાથરી અને ઘીથી રસતરબોળ લાડવા જમવા આપ્યા.

પરંતુ જ્યારે કરની વાત આવી, ત્યારે ખેડૂતે વિનંતી કરી —

“સાહેબ, હજુ પાક લણવાનો બાકી છે. વેચાણ થશે પછી જ કર ભરી શકીશું. અત્યારે ક્યાંથી ભરું?”


કરુણાહીન મામલતદારે આ વાત માનવા બદલે ગાળો વરસાવી દીધી —

“કર તો આજે જ ભરવો પડશે! તમારું તો દર વર્ષેનું આ જ હોય. કાંઈ ચાલશે નહીં”


આ બધું ચાલતું હતું, ત્યાં રસ્તે જતા નાથા ભગતના કાનમાં ગાળો પડી. તેમણે એક ખેડૂતને પૂછ્યું —

“આવી કાન ના કીડા ખરી પડે એવી ગાળો કોણ બોલે છે?”


ખેડૂતે દુઃખભેર કહ્યું —

“બાપુ, આ તો અમારો કાળ છે… પોરબંદરનો મામલતદાર.”


નાથા ભગતે આખી વાત સાંભળી અને સીધા ત્યાં પહોંચ્યા. ઢોલીયા પર બેઠેલા કૃપારામ મહેતાને તેમણે કહ્યું —

“એ પોતડી દાસ, ખેડૂતોને મરજી પડે એવી ગાળો કેમ આપે છે? એક તો એમના ઘીથી રસતરબોળ લાડવા ખાધા અને ઉપરથી લોહી પીવા બેઠો છે?”


નાથા ભગતનું શરીરકદ નાનું હતું. એ જોઈ કૃપારામ ગુસ્સે થયો અને બોલ્યો —

“એ ઠીંગણા! તું કોણ છે મને પૂછવા વાળો? મારું નામ જાણે છે? આખી રૈયત મારાથી ડરે છે!”


નાથા ભગતે શાંતિથી પરંતુ ઘમંડ તોડતા કહ્યું —

“તારાથી તો રાકડી રૈયત ડરતી હશે…

મારાથી તો ચાર-ચાર રાજના રાજા ડરે છે!”


જામનગરના જામ સાહેબ, વડોદરાના ગાયકવાડ, જુનાગઢના નવાબ અને પોરબંદરના રાણા સાહેબ — બધા નાથા મોઢવાડિયાને માન આપતા હતા.


આ સાંભળતાં જ કૃપારામ થરથરી ઉઠ્યો, પગમાં પડી ગયો અને માફી માગી —

“હે નાથા ભગત! મને માફ કરી દો, હું તમને ઓળખી ન શક્યો.”


નાથા ભગતે માણસોને માધવપુર મોકલ્યા અને કહ્યું —

“મરેલા ઢોરનું ચામડું લઈને આવો.”


ચામડું આવ્યા બાદ કૃપારામને તેમાં સુવડાવ્યા અને કહ્યું —

“સીવી દો.”


જીવનની ભીખ માંગતાં કૃપારામ બોલ્યો —

“નાથા ભગત, મને છોડો… હું તો તમારી ગાય છું!”


નાથા ભગતે જવાબ આપ્યો —

“તું ગાય નથી…

તું તો ગાયનું લોહી પીવા વાળી ઇતરડી છે ઇતરડી.”


અને તેને જીવતો જ ચામડામાં સીવી દેવામાં આવ્યો.


આ ઘટના સાંભળતાં જ અન્ય અધિકારીઓ સ્વયં સુધરી ગયા. ખેડૂતો પરનો ત્રાસ બંધ થયો અને ન્યાયનો સૂર્ય ઉગ્યો.


જય નથરાજ 🙏

Post a Comment

Previous Post Next Post