3 વૃદ્ધિ અને વિકાસ

માનવ વિકાસ પ્રક્રિયા - સંપૂર્ણ લખાણ
☛ 'વ્યક્તિનો જન્મ વૃદ્ધિ, વિકાસ અને પરિપક્વતાનું પરિણામ છે. વૃદ્ધિ, વિકાસ અને પરિપક્વતા એ પરસ્પર આધારિત છે.
કુદરતનાં બે સર્જનો છે :

1. સજીવ

કુદરતનાં જે સર્જનોમાં ચેતનાનો સંચય થતો હોય તેને સજીવ કહે છે.

2. નિર્જીવ

કુદરતનાં જે સર્જનોમાં ચેતનાનો સંચય ન થતો હોય તેને નિર્જીવ કહે છે.

☛ માનવવિકાસની પ્રક્રિયાને સમજવા માટેના મુખ્ય ત્રણ આધારસ્તંભો છે
આધારસ્તંભો
1. વૃદ્ધિ
2. વિકાસ
3. પરિપક્વતા
1. વૃદ્ધિ
  • "વૃદ્ધિ એટલે શરીરના કદ, આકાર અને બંધારણમાં થતા ફેરફારો"- ક્રો અને ક્રો
  • "વૃદ્ધિને શારીરિક પરિવર્તનોમાં જોઈ શકાય છે, તેથી વૃદ્ધિ એટલે કોષીય ગુણાકાર"- ફ્રેન્ડ
  • "વૃદ્ધિ એ વાતાવરણની નહીં, પરંતુ સજીવની અંદર થતી પોતાની ક્રિયાનું પરિણામ છે."- આર્નોલ્ડ ગેસલ
  • 'બાળકના જન્મથી તે પુખ્તતા પ્રાપ્ત કરે ત્યાં સુધીમાં માથામાં બે ગણો, છાતીમાં અઢી ગણો, ધડમાં ત્રણ ગણો, હાથમાં ચાર ગણો, અને પગમાં પાંચ ગણો વધારો થાય છે.'- ઈલિઝાબેથ હરલોક
  • શરીરનાં અંગોમાં પ્રમાણાત્મક ફેરફાર થતો હોવાથી માનવીના આકારમાં સમરૂપતા અને એકરૂપતા જોવા મળે છે. શરીરનાં અંગોની વૃદ્ધિ જે-તે અંગના પ્રમાણમાં થાય છે.
  • વૃદ્ધિની પ્રક્રિયા ગર્ભાવસ્થાથી શરૂ થાય છે. તેનો આધાર વારસામાં મળેલા જનીનો ઉપર હોય છે.
  • કોઈક વાર અંતઃસ્ત્રાવી ગ્રંથિઓના અનિયમિત સ્ત્રાવના કારણે શરીરનાં અંગોનાં વિકાસમાં અવરોધો ઊભા થાય છે. તેના પરિણામે ઊંચાઈ અને જાડાઈ ઓછી-વધારે હોવી, મસ્તક નાનું-મોટું હોવું વગેરે વિકૃતિઓ જોવા મળે છે.
  • વૃદ્ધિની પ્રક્રિયા મર્યાદિત સમયમાં પૂરી થાય છે. એક તબક્કે વૃદ્ધિ અટકે છે. તે સ્થિતિને 'પરિપક્વતા' કહે છે.
2. વિકાસ
  • "સમગ્ર દેહતંત્રમાં થતા ફેરફારને વિકાસ કહે છે."- ક્રો અને ક્રો
  • "વિકાસ એ ગુણાત્મક ફેરફાર છે, પરિપક્વતાના લક્ષ્ય તરફ લઈ જતા ક્રમબદ્ધ, સુસંવાદી અને પ્રગતિશીલ ફેરફારો એટલે વિકાસ."- ઈલિઝાબેથ હરલોક
  • "વિકાસની પ્રક્રિયા ક્રમિક અને સતત ચાલતી પ્રક્રિયા છે."- સ્કીનર
  • વૃદ્ધિની તુલનામાં વયના વધવા સાથે માનવીના વર્તનમાં થતા પ્રગતિશીલ ફેરફારોને મનોવૈજ્ઞાનિકો વિકાસ તરીકે ઓળખાવે છે. પ્રમાણાત્મક વૃદ્ધિ સાથે પ્રમાણાત્મક વિકાસ સંકળાયેલો છે.
  • વિકાસ એ શરીરનાં બધાં અંગોનો ગુણાત્મક અને ક્રિયાત્મક ફેરફાર સૂચવે છે.
  • વય વધવાની સાથે વ્યક્તિના વર્તનમાં પ્રગતિશીલ ફેરફાર થાય તેને 'વિકાસ' કહે છે.
  • વિકાસ એક સર્વાંગી અને સાંગોપાંગ પ્રક્રિયા છે.
  • વિકાસ ક્રમબદ્ધ, પ્રતિકારક અને સુસંવાદી હોય છે.
  • વૃદ્ધિ પ્રમાણાત્મક ફેરફાર છે જ્યારે વિકાસ ગુણાત્મક ફેરફાર છે.
વિકાસને અસર કરતા પરિબળો
વિકાસને અસર કરતાં મુખ્ય બે પરિબળો છે :
1. વારસો સમાન વારસો
  • એક જ જાતનાં પ્રાણીઓની દેહરચના મૂળભૂત રીતે સમાન હોય છે. ગાય, ભેંસ, હાથી કે માનવીની સંતતિ તેમની જાતિ જેવી જ હોય છે. આનું કારણ સમાન વારસો અથવા સમાન આનુવંશિકતા છે.
  • વારસો બે પ્રકારનો હોય છે :
  • 1. પ્રગટ કે પ્રભાવી વારસો : વ્યક્તિમાં દેખાતાં પ્રગટ લક્ષણો કે ગુણધર્મોને પ્રગટ કે પ્રભાવી વારસો કહે છે.
  • દા.ત. - આંખોનો રંગ, વાળનો રંગ, શરીરનો બાંધો, વજન, ઊંચાઈ વગેરે.
  • 2. અપ્રગટ કે પ્રચ્છન્ન વારસો : વ્યક્તિના આંતરિક બંધારણમાં હોય પરંતુ બધે બધા વારસામાં પ્રગટ થતા નથી, તેવા વારસાને અપ્રગટ અથવા પ્રચ્છન્ન વારસો કહેવાય.
2. વાતાવરણ વાતાવરણ
  • વ્યક્તિના વિકાસ ઉપર વ્યક્તિ જે સ્થળ, ભૌગોલિક પરિસ્થિતિમાં જીવતી હોય અને વૃદ્ધિ પામતી હોય તેની અસરો પડે છે.
  • પર્યાવરણ બાળકને ઉદીપન અને વર્તન માટેની ભૂમિકા પૂરી પાડે છે. તેથી જેવા પ્રકારનું પર્યાવરણ તેવા પ્રકારનું વર્તન બાળકોમાં આવે છે.
દુર્ગાનંદ સિંહાએ બાળકના વિકાસના ત્રણ વિભાગો દર્શાવ્યા છે.
1. ઘર 2. શાળા 3. સમવયસ્કો (મિત્રો)
ઘર બાળકની શારીરિક અને સામાજિક આંતરક્રિયાનો વ્યાપ નિવાસના સ્થળના ભૌગોલિક, ભૌતિક અને સામાજિક પર્યાવરણ પર આધાર રાખે છે.
શાળા શાળાનો પ્રકાર, શિક્ષણનું માધ્યમ, શૈક્ષણિક સવલતો, શાળાનું વાતાવરણ, શિક્ષકો, અભ્યાસના વિષયો, શિક્ષક અને બાળકના સંબંધો વગેરેની બાળકના વિકાસ પર ઊંડી અસર પડે છે.
સમવયસ્કો પાડોશના અને શાળાના સમવયસ્ક મિત્રો, તેમની પ્રવૃત્તિઓ, તેમના વચ્ચે થતી આંતરક્રિયા, બાળપણના અનુભવો, બાળકને મળતી ચીજવસ્તુઓ ઘરમાં અને મિત્રોમાં તેનું સ્થાન, માન અને મોભો, બાળકને મળતો આહાર વગેરે બાબતો બાળકના વિકાસ ઉપર ઘેરી અસર કરે છે.

Post a Comment

Previous Post Next Post