સામાજિક મનોવિજ્ઞાનમાં વર્તણુક અને વર્તન બંને ભિન્ન બાબત છે. સોસીયલ સાઇકોલોજી વર્તનને અને વર્તણૂકને એકબીજાથી અલગ રીતે જુવે છે. માણસમાં વર્તણુક કાયમી હોય છે, જયારે તેનો વર્તાવ સિચ્યુએશનલ હોય છે જે પરિસ્થિતિઓને આધારે બદલાય છે. પરીક્ષામાં વિદ્યાર્થી કાપલી લાવી ચોરી કરે તે તેનું વર્તન છે. જયારે બાજુના પરીક્ષાર્થીની નીચે પડી ગયેલી પાંચસોની નોટ ઉઠાવીને પાછી આપે તે તેની વર્તણુક છે. ચોરી કરવા બાબતે અહીં વર્તન અને વર્તણુકમાં અલગ મનોવિજ્ઞાન છતું થાય છે.
ઇન્ડિયાસ ગોટ લેટૅન્ટમાં અડધો ડઝન યુવાનોએ ભેગા થઈને એકબીજા સાથે કરેલા વર્તને સભ્ય સમાજની ભ્રમરો તંગ કરી આપી છે. સભ્ય સમાજનું પોતાનું અઘોષિત સંવિધાન છે. સામાજિક સંવિધાનના અલિખિત - અવર્ણિત કાયદાઓ છે. જેનું પાલન સમાજમાં રહેનાર દરેક વ્યક્તિએ કરવું પડે છે. આ કાયદા પાલનને સંસ્કાર શબ્દનું રૂપક અપાયું છે. સંસ્કારિક નૈતિકતાના આ કાયદાઓનું ઉલ્લંઘન કરનારને સજા સમાજ આપતો હોય છે. સમાજની પ્રતિક્રિયામાં સૌથી મોટી સજા છે બહિષ્કારની જે સામુહિક રિએક્શનના રૂપમાં હોય છે. આ સજા ઘણા નામી લોકો ભોગવી ચુક્યા છે, ભોગવી રહ્યા છે. પ્રસિદ્ધ થયેલા વ્યક્તિઓ સમાજના માઇક્રોસ્કોપ અને બાઈનોક્યુલર બંનેની નજર હેઠળ હોય છે. જે ઝીણામાં ઝીણું જુવે છે અને ખુબ દૂર સુધીનું જુવે છે. રણવીર અલ્લાહબાદીયાએ સામાજિક સંસ્કારોની સીમા તોડી. તેણે છેલ્લા એક દશકમાં જાત મહેનતથી અર્ન કરેલી બધી સોસીયલ રિસ્પેક્ટ એક ક્ષણમાં ધોવાઈ ગઈ. પશ્ચિમના સુપરહિટ કાર્યક્રમમાંથી કાર્બન પેપર મૂકી કાઢેલી પાંચમી ફોટોકોપી જેવા કાર્યક્રમ બનાવવા આસાન છે. તેની સામે તે વિવેકબુદ્ધિ પણ જરૂરી છે કે ભારતીય સમાજની માનસિકતા કેટલું સહન કરી શકે તેમ છે.
પારિવારિક બાબતોમાં ભારતીય સમાજ સંવેદનશીલ છે જે તમામ પ્રતિક્રિયા આપે છે. રાજકિય કે ધાર્મિક બાબતોમાં ભિન્ન મતમતાંતર ધરાવતો ભારતીય સમાજ નૈતિક રીતે ખરાબ માનવામાં આવતા જાહેર વર્તન મામલે એક થઇ જાય છે. ભારતીયો કોઈપણ ખેરખાંએ જાહેરમાં કરેલું ખરાબ વર્તન ચલાવી નથી લેતા. ડાઇવર્સીટીમાં વહેંચાયેલી ડિવાઈડેડ સોસાયટી બિહેવિયરલ ડિસિપ્લિનના મામલે યુનાઇટ થઈને જે પ્રતિક્રિયા આપે છે. તે ભલભલા તીસમારખાંને ઘૂંટણિયે લાવી દે છે. પ્રસિદ્ધ વ્યક્તિના ખરાબ વર્તાવની એક ક્ષણ તેની જીવનભરની સારી વર્તણુકને ધોઈ નાખે છે. મૂલ્યાંકમાં વર્તણુક કરતા વર્તાવને વધુ બારીકાઇથી જોવામાં આવે છે.
પબ્લિક બાયકોટનો અનુભવ કલા જગત કે સાહિત્યના અનેક ખ્યાતનામ લોકો કરી ચુક્યા છે. રિમી સેન બૉલીવુડની સફળ અભિનેત્રી હતી. જેણે કહ્યું કે મેકઅપથી આફ્રિકાની કોઈ કાળી છોકરી પણ સુંદર દેખાઈ શકે છે. આ વાક્યનો વિવાદ એટલો વકર્યો કે તેનું કરિયર ચોપટ કરી ગયું. શક્તિ કપૂરે એક મહિલા પત્રકારને જાતીય સંબંધ બાંધવા ઓફર કરી અને તેનું સ્ટિંગ ઓપરેશન બહાર આવતા બોલીવુડે તેને પ્રતિબંધીત કરી દીધો હતો. તેવા જ મુદ્દાઓમાં સુરજ પંચોલી, શાઈની આહુજા અને રાજ કુન્દ્રા પોતાનું કરિયર ચોપટ કરી ચુક્યા છે.
જાહેર વર્તાવ બાબતમાં આપણી તાલીમ નાનપણમાં સમજણ આવતા પહેલાથી શરુ થઇ જાય છે. સામાજિક સંવિધાન મુજબ જાહેરમાં કેવો વર્તાવ કરવો તેની કેળવણી સૌથી પહેલા માતા-પિતા આપતા હોય છે. વ્યક્તિ દ્વારા જાહેરમાં કરાયેલી ગેરવર્તણૂકને સમાજ સીધો જ માતા-પિતા દ્વારા અપાયેલા સંસ્કારો સાથે જોડી દે છે. જ્યાં ઓઉટ ઓફ બ્રેકેટ કોમેડી કે ડાર્ક હ્યુમરને કોઈ સ્થાન નથી. હ્યુમન બિહેવિયર આપણને જાનવરમાંથી મનુષ્ય બનાવે છે. જાનવરોમાં બિહેવિયર સાયન્સ નથી. ત્યાં બધું મારુ જ હોય છે સહિયારાની ભાવના નથી. માનવ જાતમાં સમજદારી સહિયારી હોય છે. જે સામાજિક હોય છે. સામાજિક સમજદારીની લક્ષ્મણ રેખાનું સન્માન ન જાળવનાર તેના માઠા પરિણામો ભોગવતો હોય છે.

Post a Comment