કરણ ઘેલો ગુજરાતી ભાષાની પ્રથમ નવલકથા

 


 

 કરણ ઘેલો ગુજરાતી ભાષાની પ્રથમ નવલકથા

અનુક્રમણિકા

પ્રકરણ-૧

પ્રકરણ-૨

પ્રકરણ-૩

પ્રકરણ-૪

પ્રકરણ-૫

પ્રકરણ-૬

પ્રકરણ-૭

પ્રકરણ-૮

પ્રકરણ-૯

પ્રકરણ-૧૦

પ્રકરણ-૧૧

પ્રકરણ-૧૨

પ્રકરણ-૧૩

પ્રકરણ-૧૪

પ્રકરણ-૧૫

પ્રકરણ-૧૬

કરણ ઘેલો.

ગુજરાતનો છેલ્લો રજપૂત રાજા.

પ્રકરણ ૧ લું.

એક ભાટના કવિત ઉપરથી જણાય છે કે ગુજરાતના એટલે ગુર્જ્જર દેશમાં સંવત ૮૦ર એટલે ઈ.સ. ૭૪૬ના વર્ષમાં એક શહેર સ્થાપવામાં આવ્યું હતું. મહા વદ સાતમ ને શનિવારે પાછલા પહોરના ત્રણ વાગતે વનરાજનો હુકમ જાહેર થયો. જ્યોતિષ વિદ્યામાં ઘણા પ્રવીણ એવા જૈન માર્ગના જોશીઓને બોલાવી પ્રશ્ન કીધો, તે વખતે તેઓએ શહેરના જન્માક્ષર તપાસીને પ્રકટ કીધું કે ઈ. સ. ૧૨૯૭ માં તે નગરનો નાશ થશે. આ નવા શહેરનું નામ અણહિલપુર પાટણ પાડ્યું. હમણાં તે પાટણ અથવા કડી પાટણ એ નામથી ઓળખાય છે. પાટણ શહેરને હમણાં જ્યારે જોઈએ છીએ ત્યારે ત્યાં આગળ પૂર્વે એક મોટું તથા આબાદ શહેર હતું, એવી ઘણી જ થોડી નિશાનીઓ માલમ પડે છે. શહેરના કોટની આસપાસ ઊંડું ખોદતાં કોતરેલા આરસના પથ્થરો નીકળે છે. વળી ત્યાંના રજપૂત રાજાઓએ વાવ, કુવા, તળાવ, અને દહેરાં વિગેરે બાંધેલાં તેઓ ઉપર કાળચક્ર ફરવાથી, તથા મુસલમાન લોકોના ધર્માંધપણાથી, તે સ્થળે ઘણીએક લડાઈઓ થવાથી, તથા મરાઠાઓના અજ્ઞાનપણા તથા પૈસાના લોભથી તેઓમાંનાં જે થોડાંએક બચેલાં છે તેઓ ભાંગીતુટી અવસ્થામાં હમણાં નજરે પડે છે; તો પણ એ તો નિશ્ચય કે એ શહેર આજથી સાતસો વર્ષ ઉપર એક મોટા રાજાની રાજધાની હતું. તેના મહત્વ તથા શોભાવિશે ઘણાએક કવિઓ તથા ઇતિહાસકર્તાઓ લખી ગયા છે. કુમારપાળચરિત્રના લખનારે એ શહેરનું નીચે પ્રમાણે વર્ણન કીધું છે– “અણહિલપુરનો ફરતો ઘેરાવ ૧૨ કોસનો હતો, અને તેમાં ઘાણાંએક દેવાલય તથા વિદ્યાશાળા હતી. ચોરાસી ચકલા,ચોરાસી ચૌટાં, અને તેમાં સોનાના તથા રૂપાના સિક્કા પાડવાની ટંકશાળ હતી. પ્રત્યેક વર્ગના લોકોને વાસ્તે જુદાં ઠેકાણાં હતાં, તેમ જ હાથીદાંત, રેશમનાં કાપડ, હીરા, મોતી, માણેક વિગેરે વ્યાપારની વસ્તુઓ વેચવાની જુદી જુદી જગા હતી, નાણાવટીનું એક જુદું ચૌટું હતું, ન્હાતી વખતે ચોળવાની તથા સુગન્ધિદાર વસ્તુઓનું એક ચૌટું, વૈદોનું એક, કારિગરોનું એક, સોનિઓનું એક, રૂપાના ઘાટ ઘડનારાઓનું એક, ખલાસીઓ, ભાટ તથા વહીવંચાઓનું એક, એ પ્રમાણે જુદાં જુદાં ઠેકાણાં હતાં. નગરમાં અઢારે વર્ણનો વાસો હતો, અને સઘળા લોકો ઘણા સુખી હતા. રાજાના મહેલને લગતાં જુદાં જુદાં ઘણાંએક ઘરો હતાં લડાઈનાં હથિયારોને વાસ્તે, હાથી, ઘોડા, રથને વાસ્તે, તથા હિસાબી મહેતાઓ અને દરબારી અમલદારોને વાસ્તે જુદાં જુદાં ઘર હતાં, પ્રત્યેક જાતની વ્યાપારની જણસને માટે જુદા જુદા ફુરજા હતા. ત્યાં માલની આવક-જાવક તથા વેચાણનું મહેસુલ વસુલ કરવામાં આવતું હતું. માલમાં તેજાના, ફળ, કરિયાણાં, કપુર, ધાતુઓ, તથા તે શહેરની અને બીજાં શહેરોની પેદાશની હરેક કિમતી વસ્તુઓ હતી. આખા જગતનો વ્યાપાર આ શહેરમાં ચાલતો હતો. દરરોજ એક લાખ તનખા મહેસુલ ઉપજતી હતી. જો કોઈ પાણી માગે તો તેને દુધ આણી આપવામાં આવતું. ત્યાં ઘણાંએક જૈનધર્મનાં દહેરાં હતાં; અને એક તળાવને કાંઠે સહસ્ત્રલિંગ મહાદેવનું દેવાલય હતું. ચંપા, નારીએળી, જાંબુડા, ચંદનવૃક્ષ, અને આંબા વિગેરે ઝાડની ઘટા નીચે લોકો આનંદથી ફરતા. એ ઝાડોને વિંટળાયેલા જાતજાતના વેલાઓ હતા, અને તેઓની પાસે અમૃત જેવાં મીઠા પાણીના કુંડ હતા, અહિંઆં વેદ ઉપર વાદ થતો હતો, અને તેથી શ્રોતાજનોને ઉપદેશ થતો હતો. ત્યાં જૈન માર્ગના ધર્મોપદેશકોની, તથા એકવચની અને વ્યાપારના કામમાં પ્રવીણ એવા વ્યાપારીઓની ખેાટ ન હતી. વ્યાકરણશાળા પણ ઘણી હતી, અણહિલપુર માણસનો સાગર હતું. જો એક મહાસાગરનું પાણી માપી શકાય તો જ ત્યાં રહેનારા માણસોની સંખ્યા ગણી શકાય. લશ્કર પણ ઘણું હતું, અને ઘંટવાળા હાથીએાની પણ કાંઈ કસર ન હતી.”

ઉપલા વર્ણનમાં ઘણીએક અતિશયોક્તિ છે ખરી, તો પણ એટલું તો ખરૂં કે, અણહિલપુર પાટણ એકવાર ઘણું દ્રવ્યવાન, મોટું તથા શોભાયમાન શહેર હતું. ઈ. સ.૧૨૯૬ અથવા સંવત ૧૩પર ના આશ્વિન સુદ ૯ એટલે જે દિવસે આપણી વાતનો આરંભ થાય છે, તે દિવસે તે શહેરમાં બ્રાહ્મણવાડો ઘણો રળિયામણો દેખાતો હતો. ઘેરઘેર બારણે તોરણો બાંધેલાં હતાં. આંગણાં આગળ સુંદર રંગના સાથીઆ પુરેલા હતા. લોકો ઘણા આનંદથી હરફર કરતા હતા. બ્રાહ્મણો ધોતીયું, અંગવસ્ત્ર તથા પાઘડી અને કેટલાએક તો ટોપી પણ પહેરીને ઘણી ઝડપથી કાંઈ અગત્યના કામને અર્થે જતા હોય તેમ ચાલ્યા જતા હતા. તેઓએ કેટલી એક મુદત થયાં હજામની સાથે ભારે દુશ્મનાઈ કીધી હોય એવું તેઓનાં મ્હોં ઉપરથી જણાતું હતું.ચોમાસુ બેસવાની થોડી વખત પહેલાં જ્યારે ખેતરોમાં ઘરડા ખુંપરા કાઢ્યા નથી હોતા તે વખતે તે ખેતર જેવાં જણાય છે તેવાં તેઓનાં માથાં, દાહાડી તથા ગાલ હતાં. એવા કેટલાએક બ્રહ્મદેવો તે બ્રાહ્મણવાડામાં એક મોટી હવેલીમાં જતા હતા. તે હવેલી ઘણી મોટી તથા શોભીતી હતી. તેને ચાર માળ હતા, અને તેનો બહારનો દેખાવ ઘણો ભભકાદાર હતો. તેને ફરતો મોટો કોટ હતો; તેની એક બાજુએ એક મોટો દરવાજો હતો, અને તે ઉપર એક મેડી હતી, તેમાં તે દહાડે નોબત તથા શરણાઈ વાગી રહી હતી, દરવાજામાં પેસતાં જ એક ખુલ્લું મેદાન હતું, તેમાં ઘણા જ ખુબસુરત સાથીયા પુરેલા હતા. તે ચોગાનની ચારે બાજુઓ ઉપર ફરતી અડાળી હતી, તેમાં એક તરફની માં હાથી, ઘોડા, રથ વિગેરે વાહનો રાખવામાં આવતાં હતાં, એક તરફ ગામના પટેલ, અને વાણીયા વિગેરે બીજા લોકો જેઓ રાજા પાસે ઈનસાફ માંગવા આવતા હતા તેઓ પડી રહેતા હતા; એક તરફ કારકુન દફતર ઈત્યાદિ હતાં, અને ચોથી તરફની અડાળીમાં દેવડી, એટલે સિપાઈ ચોકીદાર વિગેરેને બેસવાની જગા હતી. એ દેવડીમાં છ ફીટથી ઉંચા, શરીરે મજબુત, વિક્રાળ મ્હોંના, માંજરી આંખના, અને ભુરા નીમાળાવાળા, કરણના વંશના કહેવડાવનારા કાઠી લોકો હતા, શરીરે ઠીંગણા પણ બાંધાદાર અને કમ્મરે તીરકામઠાં બાંધેલા કોળી, કાળા જુસ્સાવાળા, લુંટનો ધંધો કરનારા અને લડાઈમાં બહાદુર એવા ભીલ લોકો; અને ઉપલા લોકો કરતાં નરમાશવાળા ચહેરાના, સુધરેલી સ્થિતિના, તે પણ શૂર રજપૂત સિપાઈઓ બેઠા હતા. ચોગાનની વચ્ચોવચ હવેલી તમામ પથ્થરની હતી, અને તેની ભીંત ઉપર ઝાડ, કુલ, જાનવરો, માણસો વિગેરે કોતરેલાં હતાં. બારીઓ અગર જો નીચી હતી તો પણ તેઓ આગળ પડતી હતી, અને તેથી જે રવેશ થતા હતા તેની નીચે ટેકા ઘણા જ નકશીદાર હતા. પહેલા ઓરડા - એટલે પરસાળમાં માળ ઉપર જવાની પથ્થરની સિડી હતી, અને તેમાં ઘણાંએક ઘરના ચાકરો બેસી ગપાટા ગપાટા મારતા હતા. એ પરસાળ મુક્યા પછી જે એરડો હતો તેની વચમાં એક મોટો ખુલ્લો ચોક હતો, અને તેની ચારે બાજુએ બેઠક હતી. વચલા ચોકમાં કેળના સ્તંભ દાટેલા હતા, તથા વચમાં વચમાં હજારી રાતા તથા પીળા ગલગોટાના રોપા ખેાસેલા હતા. બેઠકના થાંભલાની વચ્ચે અાંબાનાં પાતરાંનાં તોરણ બાંધેલાં હતાં, અને બીજા કેટલાએક ઠાઠમાઠથી તે જગા એક વૈકુંઠના ધામ જેવી લાગતી હતી. ચોકની મધ્યે એક મોટો કુંડ કરેલો હતો, અને તેની આસપાસ બ્રાહ્મણો ઉઘાડે માથે બેઠેલા હતા. બેઠકમાં એક તરફ તમામ બાયડીઓ અને બીજી તરફ ભાયડાઓ બેઠેલા હતા. ત્રીજી તરફ રાજાના અંગના માણસો અને ચોથી તરફ આડોસીપાડોસીઓ જુદા જુદા વિષયો ઉપર વાત કરી તથા ઘણીએક વખત નીચે જે કામ ચાલતું હતું તે ઉપર ધ્યાન આપી કાળ ગમન કરતા હતા, તે દહાડે નવરાત્રિનો છેલ્લો દિવસ હોવાથી માતાનો હવન તે વખતે થતો હતો, બ્રાહ્મણો ઘણા જોશથી ચંડીપાઠના મંત્ર ભણતા હતા તેથી આખા દીવાનખાનામાં જે શોર થઈ રહ્યો હતો, જે તલની આહુતિઓ આપવામાં આવતી હતી તે અગ્નિમાં પડતાં જ તડતડ અવાજ થઈ બહાર પડતા હતા, લીલોતરી તથા સહેલથી બળે નહી એવી વસ્તુઓ અગ્નિને અર્પણ કરતાં જ તેમાંથી ધુમાડાના જે ગોટેગોટા નીકળી સર્પાકારે ઊંચે ચઢી સ્વચ્છ આસમાની રંગના આકાશ જોડે મળી જતા હતા, વખતે વખતે મોટા મોટા સર્વા ઘીએ ભરીને કુંડમાં રેડતા ત્યારે મોટા તાપના જે ભડકા થતા હતા, તેમ જ એક તરફ નાગરની નાજુક તથા રૂપાળી સ્ત્રીઓ સુંદર વસ્ત્ર તથા આભૂષણ સહિત બિરાજેલી હતી, અને તેમની સામે મોટાં પાઘડીવાળા પણ ગૌર વર્ણના અને ખુબસુરત નાગરગૃહસ્થ તથા બીજા પુરુષો બેઠા બેઠા પાનસોપારી ખાતા હતા, એ સઘળાઓની વાતચિતથી જે ગણગણાટ થઈ રહ્યો હતો, એ સર્વની તો કલ્પના માત્ર થઈ શકે, પણ યથાસ્થિત બ્યાન કરવાને તો કોઈ કવિરાજ અથવા ચિત્રવિદ્યામાં કુશળ પુરુષ જરુર જોઈએ.

જે ઠેકાણે ગામોના પટેલ બેઠા હતા ત્યાં સૌથી કદાવર તથા દેખીતો હોંશિયાર ભાણો પટેલ હતો. તે જાતનો કણબી હતો, અને તેને પટેલાઈમાં રાજાની તરફથી ઘણાંએક વીઘાં જમીન મળેલી હતી, તે સિવાય તે ઘણાંએક પરગણાઓ ઇજારે રાખી તેઓની આમદાની વસુલ કરી રાજાને ત્યાં ભરતો. તેની ઉમર આસરે ત્રણ કુંડી વર્ષની હતી, પણ “સાઠી બુદ્ધિ નાઠી” એ કહેવત તેણે જુઠી પાડી હતી. તેનું શરીર ખાધેલ પીધેલ હતું, અને તેનું મન તેની જુવાનીના વખત જેવું જ તીવ્ર હતું, એટલું જ નહી પણ પ્રત્યેક વર્ષના અનુભવથી તેની અક્કલમાં વધારો થયાં કરતો હતો. તે સિવાય પાછલા વખતના રાજાઓ ખેડુતની સાથે કેવી રીતે ચાલતા હતા, તેઓના વખતમાં જમીનનો દર કેટલો હતો, તથા તે કેવી રીતે વસુલ કરવામાં આવતો હતો, એ વિગેરે જમીન સંબંધી તમામ હકીકત તેની યાદદાસ્તના ખજાનામાં ભરેલી હતી. તેની સામેની બેઠકમાં જેઠાશા નામે શ્રાવક વ્યાપારી ઉંચી તથા માનવાળી જગાએ બેઠો હતો. એ શખસ લાખો રૂપિયાનો વ્યાપાર જમીન ઉપર તથા દરીયા ઉપર ચલાવતો તેની પેહેડીઓ ગામોગામ હતી. તેની સાખ એટલી તે હતી કે તેને જંગલમાં પણ રૂપિયા મળી શકે. તેનાં વહાણો દેશાવર ખાતે ઘણાંએક ફરતાં અને તેની દોલત લાખો તથા કરોડોથી ગણાતી. મુખમુદ્રા જોવાથી જેઓ માણસના ગુણ, બુદ્ધિ તથા સ્વભાવની પરીક્ષા કરે છે તેઓ જેઠાશાનું મ્હોં જોઈને ઘણું ગુંચવાયા વિના રહે નહી, પૈસા મેળવવાને તથા તેને સાચવી રાખવાને અને વ્યાપાર બરોબર ચલાવવાને જે અક્કલ જોઈએ છે તે તેની શિકલ જોતાં તેનામાં છે એમ શોધી કાઢવું મુશ્કેલ હતું. તેનું શરીર એટલું તો જાડું હતું કે જો તે એકાએક મરી જશે તો તેને ઊંચકી શી રીતે લઈ જવાશે એ વિશે તેની ન્યાતના લોકોને ભારે ફિકર હતી. તેમાં ચરબી એટલી તો હતી કે તેનું પેટ ઝુલી ગયું હતું. અને તેના વાટા એવા મોટા અને જાડા હતા કે જો કોઈ નાની વસ્તુ તેમાં ભરાઈ જાય તો વર્ષોનાં વર્ષો સુધી તેમાં રહે અને તેના જાણ્યામાં પણ ન આવે, તેની બોચી આગળ એક એવો જાડો વાટો વળ્યો હતો કે હજામત કરાવતી વખતે હજામને તેને ઉચકી બોડતાં ઘણી મુશ્કેલી પડતી હશે. તેનું મ્હેાં પણ તેવું જ મોટું હતું. તેની આંખ ખાડામાં પેસી ગયેલી તથા ઝીણી હતી, અને વારેવારે પલકારા માર્યા કરતી તે ઉપરથી જણાતું કે તેને સોનું રૂપું જોવા ઉપર ઘણી પ્રીતિ હતી. એવો જેઠાશા તે વખતે મોતીનાં ઘરેણાં પહેરીને બેઠો હતો. તે આદિનાથનો ભક્ત હતો તેથી માતાના હવન ઉપર તેને કાંઈ આસ્થા ન હતી, તથા તે જોવાથી અને બ્રહ્મવચન સાંભળવાથી પરલોકમાં સુખની પ્રાપ્તિ થશે એમ તે માનતો ન હતો, તો પણ ઘરધણીને માત્ર ખુશ કરવાની મતલબથી તે ત્યાં આવી બેઠો હતો.

નાગર ગૃહસ્થોની ટોળીમાં એક પુરુષ વિશેષે કરીને તેજસ્વી તથા જોવા લાયક હતો, તે એક મોટા રૂપાની ભમરીવાળા પાટલા ઉપર બેઠેલો હતો, તેના શરીર ઉપર ફક્ત ધોતીયું તથા ઘણી ઉમદા કાશ્મિરી શાલ હતી, હાથે હીરાની પોંહોચી તથા બાજુબંદ હતા, અને આંગળીએ હીરા, માણેક વિગેરેની ચળકતી વીંટીઓ હતી. કોટે વટાણા જેવડાં મોતીઓની કેટલીએક માળા તથા હીરાનો કંઠો હતો, અને કાન પણ તેથી વધારે મોટાં તથા પાણીદાર મોતીથી શણગારેલા હતા, તેના દેખાવ ઉપરથી માલમ પડતું હતું કે તે કોઈ મોટો માણસ છે, અને તેને જોઈને કોઈને પણ તેને માન આપ્યા વિના ચાલે જ નહીં એવો તેનો દમામ હતો. તેનું કદ મધ્યમ હતું, તેના શરીરનો બાંધો છેક જાડો તો ન કહેવાય, તો પણ તેનું વલણ કાંઈએક જાડાશ ઉપર હતું, તેની ચામડીનો રંગ ઘણો સફેદ હતો, તેનું મ્હોં જરા લંબગોળ હતું; અને નાક કાન પણ ઘણાં ઘાટદાર હતાં. તેની આંખ ચપળ તથા બુદ્ધિના તેજવાળી હતી, આ ગૃહસ્થ જાતે નાગર બ્રાહ્મણ હતો, અને તેનું નામ માધવ હતું, તે કરણરાજનો મુખ્ય પ્રધાન હતો. તેણે પોતાના બુદ્ધિબળે તે રાજા ઉપર એટલી તો સત્તા મેળવી હતી કે તેને પુછ્યા સિવાય રાજા કાંઈ કામ કરતો ન હતો. સઘળું કામકાજ તે જ કરતો. રાજા તો પુતળા જેવો હતો, અને ખરેખરો રાજા પોતે જ હતો, એ કારણથી સઘળા લોકો તેનાથી દબીને ચાલતા, તેને માન આપતા, અને તેને ખુશ કરવાને વાસ્તે જ ઘણાએક આ પ્રસંગે તેના ઘરમાં એકઠા થયા હતા.

હવનનું કામ હવે પુરું થવા આવ્યું, છેલ્લા નાળિયેરની આહુતિ આપવાને અગ્નિને વધારે જાગૃત કીધો, બ્રાહ્મણો વધારે જોરથી ભણવા લાગ્યા. સઘળા લોકો સમાપ્તિની ઘણી આતુરતાથી રાહ જોવા લાગ્યા. સઘળે ગડબડાટ થઈ રહી, કુંડમાંથી અગ્નિનો ભભુકો ઉઠયો, અને માતાનું છેલ્લું બલિદાન આપવામાં આવ્યું, તે ક્ષણે “જે અંબે” “અંબે માતકી જે” એવો મોટો પોકાર પડ્યો. નાનાં નાનાં છોકરાંઓ પોતાની જગો ઉપરથી ઉઠીને કુદવા લાગ્યાં, થોડીવાર પછી સઘળું શાંત થયું એટલે વિજીયાદત્ત પંડ્યા જે માધવનો કુળગોર હતો તે ચાંલ્લાની કુંકાવટી, હવનની આશકા તથા પ્રસાદ લઈને ઉઠ્યો. ગોર મહારાજને આવા શ્રીમંત યજમાન મળેલા તેથી તેને પૈસાની કંઈ ખોટ ન હતી, તે શરીરે ઘણો સ્થૂલ હતો, અને તેનું પેટ એટલું તો મોટું હતું કે તેમાં સાત લાડુ ગોઠવાય તો પણ થોડી ખાલી જગા રહે. તેણે બાયડીઓને તથા ભાયડાઓને ચાંલ્લા કીધા, તે ઉપર ચોખા ચોડ્યા, હવનની આશકા આપી, આશિર્વાદનો મંત્ર ભણી, થોડો થોડો પ્રસાદ સઘળા મોટી ઉમરવાળાને વહેંચ્યો. પછી નાનાં નાનાં છોકરાંને પોતાની પાસે બોલાવી. તેઓને કુદાવ્યાં, નચાવ્યાં તથા ખાવાની લાલચને વાસ્તે કુતરાંની પેઠે ગેલ કરાવી પ્રસાદ એકદમ ઉડાવ્યો, એટલે તેઓ ભોંય ઉપર પડી સાંભરવા મંડ્યાં. તે વખતની તેઓની બુમાબુમ, પ્રસાદ લેવાને માટે મારામાર અને હડસેલા હડસેલી, અને માતાનું નૈવેદ પગતળે છુંદાય નહી તે બાબતની તેમની ફિકર, તથા જેઓએ વધારે જબરાં હોવાને લીધે વધારે પ્રસાદ લીધો તેઓનો હરખ, અને જે બીચારાંની પાસે થોડો આવ્યો તેઓની દિલગીરી એ સઘળું જોઈને બીજાં બધાંને ઘણી જ ગમત થઈ. પ્રસાદ વહેંચાઈ રહ્યો એટલે તમામ છોકરાં વેરાઈ ગયાં, તથા હવન પૂરો થયો, એટલે ઘણા ખરા જોવા આવેલા લોકો પોતપોતાને ઘેર ગયા. બઈરાં પોતાને ધંધે વળગ્યાં, બ્રાહ્મણો દક્ષિણા લઈ અનાજ વિગેરે જે કાંઈ મળ્યું તે ધોતીયાને છેડે બાંધી લઈ બીજે ઠેકાણે હવન કરાવવા ગયા, તે ઠેકાણે માત્ર માધવ પ્રધાનજી, જેઠાશા શાહુકાર, ભાણો પટેલ, તથા વિજીયાદત્ત પંડ્યા બેશી રહ્યા. તેઓને માધવની સાથે મિત્રાચારીનો દાવો તથા તેઓ શહેરના મુખ્ય માણસ તેથી બીજા પારકા લોકોની પેઠે તુરત ઉઠી જવું તેઓને યોગ્ય લાગ્યું નહી તેથી તેઓ પ્રધાનજીના પાટલા પાસે ગાદી માંડી હતી ત્યાં તકીએ અઢેલીને બેઠા. થોડી વાર ચુપ બેઠા પછી માધવ બોલ્યો. “ગોરમહારાજ, હવન સારી પેઠે તો કીધો છે ? કાંઈ ગડબડ ગોટા તો વાળ્યા નથી? કેમકે આજે ઘણે ઠેકાણે હવન થવાના, અને તમારી નજર તમારા બ્રાહ્મણોને જેમ બને તેમ રળાવવાની એટલે કદાચ ગડબડ થઈ હોય, તમે કરો એવા તો નથી, તોપણ અમથું પુછું છું. ક્રોધ લાગે તો ક્ષમા કરજો.”

આવા બોલ સાંભળીને ગોરમહારાજને ક્રોધ તો ચઢ્યો. પોતે માતા ઉપર અનાસ્થા રાખી પોતાના જાતભાઈઓનો ફાયદો કરવા ઉતાવળ કરી, કર્મ બરાબર કરાવ્યું નહી એવી યજમાનને શંકા ઉત્પન્ન થઈ તેથી જીવને જરા દિલગીરી પણ થઈ, પણ પ્રધાનજીના ગોર રાજદરબારમાં જનારા, તથા મોટાની ચાકરીમાં નીચાએ કેવી રીતે વર્તવું એ વિશે તેણે ઘણીએક વાર સાંભળેલું તેથી તેને પોતાની મનોવૃત્તિઓ ઉપર અખતિઆર રાખવાની ટેવ પડી હતી, તેથી ગુસ્સો દબાવી દઈને તથા મ્હોં જેવું શાંત હતું તેવું રાખીને જવાબ દીધો, “યજમાનરાજ ! આવી વાત તમે કોઈ દહાડો મારી આગળ કીધી નથી, અને આજે આવાં વચન તમારા મ્હોમાંથી નીકળેલાં સાંભળીને મને ઘણું આશ્ચર્ય લાગે છે, અને તમારી મતિ કાંઈ બદલાઈ હોય એમ મને લાગે છે, અને જ્યારે આપ જેવા પુરુષની મતિ બદલાઈ ત્યારે આગળ કાળ કેવો આવશે તેનો મોટો ભય રહે છે, જે મોટી આદ્યશક્તિ, જેથી આખા વિશ્વની ઉત્પત્તિ, એવી અંબાભવાની તથા સઘળા જગતની માતા તેના હવનમાં મેં જાણી જોઈને ગફલત કીધી એવી શંકા પણ મારી આખી જીદગીમાં આજે જ મારે માટે આવી છે. તમે જાણો છો કે જગતમાં જે સઘળા દેવો છે તેઓ કળિયુગમાં ઉંઘી ગયેલા છે, જાગતીજોત અંબામાતા છે, તેનો પરતો કેટલો છે તે સઘળાને માલમ પડે છે. માતાનાં રૂપ જુદે જુદે વખતે જુદાં જુદાં દેખાય છે, એ સિવાય બીજા ઘણા ચમત્કાર ત્યાં જોવામાં આવે છે. અમથા અપશબ્દ બોલવામાં પાપ છે ખરૂં પણ માતાની આગળ ભવાઈ કરતી વેળા નિર્લજ શબ્દો બોલવામાં જાત્રાળુઓ પાપ ગણતા નથી. આપણા લોકોના ધર્મમાં મદ્યપાન કરવાનો પ્રતિબંધ કીધેલો છે, છતાં પણ દેવીભક્તો તેનું પાન કરે છે. વળી કોઈપણ પ્રકારની હિંસામાં મોટામાં મોટું પાતક આપણા ધર્મશાસ્ત્રમાં ગણેલું છે; તો પણ માતાના ધામમાં બકરાં, મુરઘાં, પાડા વિગેરેનું બળિદાન કરવામાં આવે છે, અને તેથી પણ વધારે આશ્ચર્યકારક વાત એ છે કે, એ પ્રમાણે વધ કીધેલાં પ્રાણી પ્રસાદની માફક વહેંચી લેવામાં આવે છે, અને ઘણાએક શખ્સો જેઓ બીજે કોઈપણ વખતે માંસ ભક્ષણ કરતા નથી તેઓ આવે પ્રસંગે દેવીને પ્રસન્ન કરવાને માટે પોતાના બાપદાદાનો સંપ્રદાય તોડે છે, અને ધર્મશાસ્ત્રને પણ એક બાજુએ મુકે છે. અંબાભવાનીની યાત્રા કરવા લોક જાય છે ત્યારે તેઓને કેટલી હોંશિયારી રાખવી પડે છે ? તેલ તો ત્યાં મુદ્દલ વપરાય જ નહી. માતાના ધામ આગળ કોઈ દુરાચરણે વર્તે તો તેનાં માઠાં ફળ તેને તત્કાળ મળ્યા વિના રહે જ નહી, માતાના કામમાં વર્ષોવર્ષ જે પ્રમાણે કરવામાં આવતું હોય તેમાં જો જરા પણ ફેરફાર કીધો તો માતાજી કોપાયમાન થાય છે, અને એ પ્રમાણે કરોઠું બદલનારને કોઈપણ પ્રકારે શિક્ષા થયા વિના રહેતી નથી. નવરાત્રી નવ દહાડા સમી સંધ્યાએ માતાજી પોતાની સહિયરોને સાથે લઈ રથમાં બેસી આકાશમાર્ગે જાય છે, તે વખતે ઉઘાડે માથે જો કોઈ અગાસી, ચોક અથવા બીજી ખુલ્લી જગામાં બેસે તો તેના માથા ઉપરથી તે રથ ફરી જાય, અને તેને તે વર્ષમાં કોઈ રોગ થયા વિના રહે નહી. એ સિવાય માતા આગળનો દીવો તથા તેને લગતી ઘણીએક વસ્તુઓમાં હોંશિયારી રાખવાની છે. આ પ્રમાણે હું દેવીનું મહાત્મ તથા પરતો જાણું છું તે છતાં હવન કરવામાં ગડબડ કરું એ વાત કાંઈ સંભવિત છે? બાપજી ! તમે બ્રાહ્મણના રળતરની વાત કહી તે સાંભળીને મારૂં હૈયું ઉભરાઈ આવે છે. બ્રાહ્મણોના તો દહાડા ગયા, અને તેઓની કમાઈ સુકાઈ ગઈ, શી વાત કહેવડાવો છો? બાપજી ! બ્રાહ્મણો બિચારાનું હમણાં કાંઈ વળતું નથી. યુગ બદલાઈ ગયો, રાજા અને પ્રજા એ બંનેમાંથી ભક્તિ ઉઠી ગઈ. પરમેશ્વર ન કરે પણ રાજાની ખરાબી એ પાપને લીધે થશે. લાહોર અને દિલ્લી તરફ મ્લેચ્છ લોકો હિન્દુ રાજાઓની ધુળધાણી કરતા જાય છે. એ જ પાપે સોમનાથ મહાદેવનું ખંડન થયું, અને આ દેશના રાજાની પણ ઘણી દુર્દશા થઈ, પણ હજી આગલા રાજાનાં સુકૃત આડા આવે છે, અને તેથી દેશનું રક્ષણ થાય છે. તમારા સરખા ગૌબ્રાહ્મણ પ્રતિપાળ પ્રધાનજી છે એટલે આ રાજ્યમાંના બ્રાહ્મણોને બેશક લાભ છે જ. આગલા રાજાની તો શી વાત થાય ? સાંભળો, મહારાજ ! હું એક દૃષ્ટાંત આપું.

જ્યારે મૂળરાજ વૃદ્ધ થયો ત્યારે તેનાં પાપથી મુક્ત થવાને તથા શુદ્ધિ પ્રાપ્ત કરવાને શ્રીસ્થળ (સિદ્ધપુર) ગયો. બધાં તીર્થમાં શ્રીસ્થળ વધારે પવિત્ર ગણાય છે તે લક્ષ્મી આપનાર છે, અને જે તેને જોય છે તેનો ઉદ્ધાર થાય છે. ગયાજીથી સ્વર્ગ ત્રણ યોજન આઘું છે. પ્રયાગથી દોઢ યોજન છે, પણ શ્રીસ્થળ જ્યાં સરસ્વતી નદી પૂર્વ તરફ વહે છે ત્યાથી તો તે એક જ હાથ આધું છે એમ લોકો માને છે, એ તીર્થે તેણે સઘળાં પવિત્ર સ્થળોથી બ્રાહ્મણોને બોલાવ્યા, જ્યાં ગંગા અને યમુનાનો સંગમ થાય છે ત્યાંથી એકસો ને પાંચ બ્રાહ્મણ આવ્યા, સો સામવેદી ચ્યવનાશ્રમમાંથી આવ્યા; બસેં કન્યાકુબજમાંથી, સૂર્ય સરખા તેજસ્વી સો કાશીથી; બસેં ને બોત્તેર કુરૂક્ષેત્રથી, ગંગાદ્વારથી સો, નૈમિષારણ્યથી સો; અને કુરૂક્ષેત્રથી વળી વધારે એકસો બત્રીશ આવ્યા. રાજાએ બ્રાહ્મણોની આગળ સાષ્ટાંગ દંડવત કીધા, અને તેઓએ તેને આશિર્વાદ દીધો. પછી હાથ જોડીને રાજા બોલ્યો, “તમારી કૃપાથી જન્મ લીધાનો લાભ મને મળ્યો, મારી આશા હવે પૂર્ણ થશે, માટે અરે બ્રાહ્મણો, કૃપા કરીને મારું રાજ, ધન, હાથી, ઘોડા, ઈત્યાદિ જે ઈચ્છામાં આવે તે લો. હું તમારે શરણે છું, અને તમારો દાસ છું.” બ્રાહ્મણો બેાલ્યા; “રાજાધિરાજ, અમારાથી રાજ ચલાવી શકાય નહીં, ત્યારે તેનો નાશ કરવા શા સારૂં અમે તે લઈએ? જમદગ્નિના પુત્ર પરશુરામે ક્ષત્રિયો પાસેથી બળાત્કારે પૃથ્વી લઈ બ્રાહ્મણોને એકવીશવાર આપવા માંડી, પણ બ્રાહ્મણોએ તે લીધી નહી.” રાજા બોલ્યો, “હું તમારૂં રક્ષણ કરીશ. તમે તમારું ખટકર્મ કરો, અને કાંઈ ચિંતા ન કરો.” બ્રાહ્મણો બોલ્યાઃ “પંડિતો કહી ગયા છે કે જેઓ રાજા પાસે રહે છે તેઓના ઉપર વિપત્તિ આવી પડે છે. રાજાઓ અહંકારી, કપટી, તથા સ્વાર્થી હોય છે, માટે રાજાધિરાજ, જો દાન કરવાની તમારી ઇચ્છા હોય તો આ મોટું તથા રમણીય શ્રીસ્થળ અમને આપો એટલે અમે અહિઆં સુખેથી રહીશું. જે સોનું, રૂપું, અને હીરા વિગેરે બ્રાહ્મણોને આપવાં હોય તે સઘળું એ શહેરને શોભાયમાન કરવાને ખરચો.” રાજા આ વાત સાંભળી ઘણો ખુશ. થયો અને તેઓને પગે પડીને ગાય, સોના, હીરા વિગેરેના હાર ટાંગેલા રથ, તથા બીજી દક્ષિણાની સાથે શ્રીસ્થળ આપ્યું. વળી મૂળરાજે દશ બ્રાહ્મણને દક્ષિણા સહિત સુંદર તથા દ્રવ્યવાન સિંહપુર (સિહોર) ગામ આપ્યું. સિદ્ધપુર અને સિહોરની પડોસમાંનાં બીજા કેટલાંએક ગામો તેણે બીજા બ્રાહ્મણોને આપ્યાં. વળી તેણે સોમવલ્લીમાં મગ્ન રહેનારા છ બ્રાહ્મણોને સાઠ ઘોડા સહિત સ્તંભતીર્થ (ખંભાત) આપ્યું. સિદ્ધરાજે આ બક્ષિસ મંજુર કીધી અને બાલક (ભાલ) દેશમાં સો ગામ બ્રાહ્મણોને આપ્યાં, તે વખતે સિહોરની આસપાસ વાઘ અને બીજાં પ્રાણઘાતક પશુઓનો ભય હતો તેથી બ્રાહ્મણોએ તેને બદલે ગુજરાતમાં રહેવાની રજા માગી, ત્યારે રાજાએ તેઓને સાબરમતી નદી ઉપરનું આશાબીલી ગામ આપ્યું, અને સિહોરમાંથી જેટલું અનાજ લઈ ગયા તેટલા ઉપરથી દાણ માફ કીધું. ધન્ય છે એ રાજાઓને તથા તેઓનાં માતાપિતાને. તેઓએ તો પોતાના દેહનું સાર્થક કીધું. તેઓ તે ચોરાસી લાખના ફેરામાંથી ટળ્યા. હમણાં તેઓ આકાશમાં તારા થઈ પ્રકાશતા હશે.” એટલી વાત કહી વિજીયાદત્ત મહારાજ માટે નિશાસો મુકી ચુપ રહ્યા.

બ્રાહ્મણનું એટલું દુ:ખ સાંભળીને ભાણા પટેલથી પોતાનું તથા બીજા ખેડુત લોકનું દુઃખ કહ્યા વિના રહેવાયું નહી. તે બોલ્યો, “ભાઈ, એકલા બ્રાહ્મણની જ અવસ્થા આવી થઈ એમ નથી, ખેડુત લોકોની દશા પણ હાલને સમયે સારી નથી. હોણ વરસાદ જોઈએ તેટલો આવ્યો નથી, તેથી પાક પણ વર્ષોવર્ષ જેવો થયો નથી, તે છતાંપણ ઉઘરાતદાર મહેતો કહે છે કે દરબારી ભાગ મારી ઠોકીને લીધામાં આવશે. અમારા ઉપર કાંઈ થોડો જુલમ છે ? ગામની ખળીમાં અમારું અનાજ ભરવાની શરતે અમને કાપણી કરવા દે છે. જુદા જુદા માલિક તેઓના અનાજના જુદા જુદા ઢગલા કરે છે. બળદવડે અનાજ જુદું પાડે છે. પછી જમીનદાર પટેલ, કારભારી, અનાજ માપનારા વાણીયા, ખેડુત અને ચોકીદાર એ સઘળા ખળીમાં એકઠા થાય છે. પહેલાં તે અનાજને ચાળીશમો ભાગ રાજાને જુદો કાઢે છે. પછી તેથી કાંઈ થોડું કારભારીને માટે, રાજાના પાટવી કુંવરના ખાનગી ખરચને વાસ્તે, ગામના ચોકીદારને, અનાજ માપનાર વાણીયાને, ગામના પટેલને, દેવી અથવા વિષ્ણુના દેવસ્થળને વાસ્તે, તળાવને સારૂં, કુતરાને માટે અને એમ બીજા ઘણા એકને આપવામાં આવે છે. જ્યારે માપવાનું કામ પૂરૂ થાય છે ત્યારે ખેડુત જોરથી ટોપલા ઉપર હાથ નાંખે છે, અને કહે છે કે હવે બસ થયું. બાકી જેટલું અનાજ રહ્યું તે ખેડુત તથા જમીનદાર બરાબર હિસ્સે વહેંચી લે છે. એટલું થોડું ખેડુતને મળે છે, તે છતાં પણ જ્યારે રાજાને કુંવરી પરણાવવી હોય, અથવા એવો બીજો અગત્યનો ખરચ કરવો હોય, ત્યારે ખેડુત ઉપર ફાળો નાંખે છે. વળી રાજકુટુંબના વહીવંચા ભાટને અથવા કોઈ ભિક્ષુકને હરેક હોળ ઉપર જુજવો કર કરી આપે છે. અથવા ખળીમાંના અનાજના ઢગલામાંથી કેટલાંએક માપાં અનાજ લેવાનો હક કરી આપે છે એ પ્રમાણેનો કર એક વર્ષ લેવામાં આવે છે અથવા વર્ષોવર્ષ ચાલુ રાખે છે. કોઈએક ગામની આમદાનીમાંથી કેટલાએક રૂપીયા વસુલ કરી લે છે. ખેડુત લોકોની સારા વર્ષમાં પણ જ્યારે આવી અવસ્થા છે, ત્યારે વરસાદની અછતને લીધે જ્યારે પાક ન થાય ત્યારે તો તેઓનું પુછવું જ શું ? મંત્રી કહે છે કે કાંઈ પણ છુટ મુકવામાં આવશે નહી. તમે રાજા આગળ જઈને નાનાં છોકરાંની પેઠે રડશો તથા કાલાવાલા કરશો અને પંચ માગશો તે પણ તમારી વાત ઉપર કોઈ ધ્યાન આપવાનું નથી. તેનો વિચાર એવો છે કે રૈયતના ઉપર જરા પણ દયા કરવી નહી; અને એ વિચારને તે મજબુતી આપવાને વારેવારે આ કહેવત કહ્યાં કરે છે કે 'રૈયત રાજા રામચંદ્રની પણ થઈ નથી.' પણ બાપજી, એ પ્રમાણે નથી. રૈયત તો રાજના સ્તંભ છે, રૈયતવડે જગત જીવે છે; અને રૈયત સારાં કામની કદર જાણનાર છે. બાપજી તમે તો જાણતા હશો કે ભીમદેવના રાજમાં એક વર્ષ વરસાદ ન થયો તેથી ડંડાહી તથા વિશોપક ગામના કુટુંબિક (કણબી) રાજાને તેનો અનાજનો ભાગ આપી શક્યા નહીં. તે વખતે રાજાએ તપાસ કરવાને તે ગામો ઉપર એક મંત્રી અથવા મહેતાને મોકલ્યો, તેણે તમામ મિલકતવાળા ખેડુતને પકડીને રાજધાનીમાં લાવી રાજા આગળ રજુ કીધા, રાજાનો પાટવી કુંવર મૂળરાજ સત્યવાદી તથા એકવચની હતો. તે એક દિવસે સવારે રાજાના એક ચાકરને સાથે લઈને તે ફરતે હતો. તે વખતે તેણે આ સઘળા લોકોને ભયભીત થઈ માંહેમાંહે બબડતા સાંભળ્યા. તરત તેણે ચાકરની મારફતે ખબર કઢાવી, અને તેઓની હકીકત સાંભળીને તેને એટલી તો દયા આવી કે તેની આંખમાં આંસુ આવ્યાં. એકવાર મૂળરાજે અશ્વવિદ્યામાં એટલી તો કુશળતા દેખાડી કે રાજાએ તેના ઉપર પ્રસન્ન થઈ તે જે માગે તે આપવા વચન આપ્યું. મૂળરાજે માગી લીધું કે કણબીઓનું ગણોત માફ કરવું, રાજાએ ઘણી ખુશીથી તેની વાત કબુલ કરી તેઓને બંધીખાનામાંથી છોડી મુક્યા. તેઓ મૂળરાજને પગે પડ્યા, તેઓમાંના કેટલાએક જાથુ તેની સાથે રહ્યા, અને બીજાઓ જે પોતાને ગામ ગયા તેઓએ તેની કીર્તિ ઘણી વધારી, પણ તે બિચારો મૂળરાજ મરી ગયો. પછી બીજે વર્ષે જ્યારે પાક સારો થયો ત્યારે ચાલુ તથા પાછલા વર્ષનો રાજાનો ભાગ લઈને તે ખેડુતો આવ્યા. ભીમદેવે પાછલા વર્ષનો ભાગ લેવાની ના કહી; પણ ખેડુતોએ કાલાવાલા કરી માંગી લીધું કે એ બાબતનો ફેંસલો કરવાને પંચ નીમવા જોઈએ. પંચે ઠરાવ કીધો કે બંને વર્ષના રાજાના ભાગ લેવા, અને આમદાનીમાંથી મૂળરાજના કલ્યાણને અર્થે ત્રિપુરૂષપ્રસાદનું દહેરૂં બાંધવું, ખેડુત લોકો તો એવા હોય છે. માટે બાપજી ! મંત્રીના કહેવાથી કામ ના કરતાં ઉપલા દૃષ્ટાંત ઉપર પણ વિચાર રાખજો.” એ પ્રમાણે વાતની વાતમાં પોતાનું કામ કાઢી લઈ મનમાં ઘણો સંતોષ પામીને ભાણો પટેલ મુંગો રહ્યો.

માધવે વિજીયાદત્ત ગોરની તથા ભાણા પટેલની વાત લક્ષ દઈ સાંભળ્યા પછી જેઠાશા તરફ ફરી તેને પુછયું, “કેમ શાહ ! તમારે કાંઈ દુ:ખ રડવું છે?” તે વર્ષે તેને વ્યાપારમાં નફો સારો મળ્યો હતો તેથી તેના મનમાં એવું હતું કે આખા જગતમાં વ્યાપારીઓ સુખી જ હોવા જોઈએ. તો પણ કાંઈ બોલવું તો જોઈએ માટે તે પોતાની બડાઈ કરવા લાગ્યો, “મ્હેં હોણ સ્તંભતીર્થ તથા ભૃગુપુર (ભરૂચ) બંદરે ઘણુંએક મંજીષ્ઠ (મજીઠ) મોકલ્યું છે. વળી બેટ દ્વારિકા, દેવ૫ટણ, મહુવા, ગોપનાથ અને બીજા બંદરોના મારા આડતિયા લખે છે કે અમે ઘણોએક માલ તમારી તરફથી લીધો છે. તે બધામાંથી રોટલા ખાવા જેટલું કુટી કાઢીશું, હોણ મળત વધારે, પણ સૂર્યપુર (સુરત) તથા ગણદેબા (ગણદેવી) બંદર આગળ મારાં વહાણ આવતાં હતાં તેમાંનો માલ ચાંચીયા લોકો લુંટી ગયા. તો પણ એટલું ભાગ્ય કે સોનાની મોહોરો સંતાડી રાખી હતી તે બચી ગઈ; નહી તો હોણ દેવાળું કાઢવાનો વખત આવત, બાપજી ! કાંઈ વધારે તમને કહેવાનું તો નથી, પણ એ ચાંચીયા લેાકોનો કાંઈ બંદોબસ્ત થાય તો સારૂં નહી તો અમારા જેવા વેપારી લોકનું સત્યાનાશ વળી જશે વળી રાજ્યમાં જે માલ આવે છે તથા જાય છે તે ઉપર દાણ જરા વધારે છે તેમાંથી કાંઈ ઘટાડો થાય તો સારૂં, તમે શ્યાણા છે એટલે વધારે બોલવાની જરૂર નથી, તો પણ જેમાં આપણો સ્વાર્થ રહેલો તેમાં બોલ્યા વગર પણ કેમ ચાલે ? કહેવત છે કે “માગ્યા વિના મા પણ ન પિરસે.” માધવે આ સઘળી વાત ઘણું મન દઈને સાંભળી. જો બને તો તે પ્રમાણે કરી લોકોની પ્રીતિ સંપાદન કરવી એ તેની મુખ્ય મતલબ હતી. માધવનું પ્રધાનપણું કાંઈ તેના બાપદાદાથી ઉતરેલું ન હતું. તે કોઈ ગરીબ માણસનો છોકરો વડનગર શહેરમાં જન્મ્યો હતો, અને તેની ઉમર સોળ વર્ષની થઈ ત્યારે તે ધંધો શોધવાને પાટણમાં આવ્યો હતો. પહેલાં તે લશ્કરના સિપાઈઓના પગાર વહેંચવા ઉપર કારકુન રહ્યો. ત્યાં ચાલાકી, હોંશિયારી તથા ઈમાનદારી બતાવી તે ઉપરથી તેને કોઠારીની જગા મળી, ધીમે ધીમે તે સારંગદેવ રાજાનો માનીતો થઈ પડ્યો. સારંગદેવ મરી ગયો ત્યારે તેના છોકરાઓ વચ્ચે ગાદીને માટે તકરાર પડી તેમાં માધવની હોંશીયારીથી તથા કાવત્રાંથી કરણનો રાજ્યાભિષેક થયો. તે દિવસથી માધવના ભાગ્યનો ઉદય થયો, અને કરણ રાજાએ ગાદી ઉપર નિર્ભય થતાં જ માધવને મુખ્ય પ્રધાનપદ આપ્યું. દરેક રાજ્યમાં મુખ્ય પ્રધાનની પદવી ઘણી ભારે તથા જોખમ ભરેલી હોય છે. રાજા તથા રૈયત બંનેને એકી વખતે ખુશ કરવાનું કામ હમેશાં મુશ્કેલ થઈ પડે છે. માધવ તે સઘળું સમજતો હતો. તેને લોકોમાં વહાલા થવાની તથા પોતાનું નામ લોકોને વાસ્તે સારાં તથા ઉપયોગી કામો કરી, અમર કરી લેવાની ઘણી હોંસ હતી; તો પણ રાજાની મહેરબાની તે જ તેના અધિકારનો પાયો છે, એમ તે સારી પેઠે જાણતો હતો. તેથી ગમે તે પ્રકારે રાજાને રાજી રાખવાનો તેણે દૃઢ નિશ્ચય કીધો હતો. આગલા રાજાઓમાંના કેટલાએકના પ્રધાન વાણીયા હતા તેથી તે લોકો માનતા હતા કે માધવને પ્રધાનપદ મળ્યાથી તેમનો હક્ક ખેાટો થયો, માટે હરેક પ્રસંગે રાજાની આગળ માધવની તેઓ ચાડી કરતા હતા. તેની સામે માધવને ઘણી યુક્તિઓ કરવી પડતી હતી, એ બધું કરવાની સાથે પોતાને વાસ્તે દ્રવ્ય એકઠું કરવા તરફ પણ તેની ઘણી નજર હતી, કેમકે તેનું પ્રધાનપણું કાયમ રહેશે એવો એક ક્ષણવાર પણ તેને પાકો ભરોસો ન હતો. હવે પૈસા તો મેળવવા અને સાધન તો થોડાં તેથી તે ઘણીવાર મોટા વિચારમાં પડતો હતો. રાજ્યની મર્યાદા ઉત્તર તરફ અચળગઢ તથા ચંદ્રાવતી, પશ્ચિમ તરફ મોઢેરા તથા જિંજુવાડા, પૂર્વ તરફ ચાંપાનેર તથા ડભોઈ અને દક્ષિણ તરફ છેક કોંકણ સુધી હતી, પણ ભોળા ભીમદેવના મરણ પછી રાજ્યમાં અવ્યવસ્થા થઈ ગઈ હતી. અચળગઢના પરમાર રાજાઓ ખંડણી બરાબર આપતા ન હતા. બીજા ખંડીયા રાજાઓ પણ નામની તાબેદારીમાં હતા. તેથી જો કરણ રાજા શૂરો નીકળે, અને રાજધાનીનું સુખ મુકી તલવાર બાંધી આગળ પડે, તો જ રાજ્યની આગલી કીર્તિ પાછી આવે. પણ તેમ થવાને ઘણો સંભવ ન હતો. જો કરણ જય કરી આવે, જો કેટલાએક નાના રાજાઓ પોતાની ખંડણી આપવી જારી કરે, અને તેથી રાજ્યની આમદાનીમાં વધારો થાય, તો જ બ્રાહ્મણોને રાજી કરાય, તો જ ભાણા પટેલના કહેવા પ્રમાણે ખેડુતોને છુટ આપવામાં આવે, તથા જેઠાશાનો માંગેલો દાણાનો ઘટાડો થઈ શકે. જો એ પ્રમાણે ન થાય, અને નહી થશે તેવી તેની ખાતરી હતી, તો રૈયતને ખુશ કરવી એ અશકય; માટે રાજાને રીઝવી જેમ બને તેમ પૈસા પોતાના ખજાનામાં ભરવા એ જ રસ્તો ખુલ્લો રહ્યો. પણ તેમ કરવામાં જોખમ ઘણું હતું. પ્રધાનપણું કરવું અને ગોખરૂની શય્યા ઉપર સુવું એ બે બરોબર હતું. જ્યારે સઘળા નાખુશ રહે, અને રાજા કાનનો કાચો, ત્યારે ગમે તેટલી ઊંચી પદવીનો શો ભરોસો ? વળી એવી રીતે વર્તી પોતે એકલાનું પેટ ભરી મોતે કે કમોતે મરવું એ વાત તેને જરા પણ ગમતી ન હતી. તેને કાંઈ છોકરાં ન હતાં. અને હવે પછી કદાપિ થાય પણ નહીં એવી બીક હતી. એ વાતથી તેના મનમાં નિરંતર શોક ઉત્પન્ન થતો હતો. કાળું ધોળું કરી પૈસા મેળવવા તે કોને વાસ્તે ? પાછળ કોઈ ભોગવનાર ન મળે, પિત્રાઈઓ તેની દોલતને માટે લડી મરે, અને તેનો જરા પણ ઉપકાર માને નહી, એટલું જ નહી પણ ઉલટા તેની નિંદા કરવામાં સામેલ થાય, એવા વિચારથી તેના હૈયામાં જાણે જખમ વાગતા હોય તેવું દુઃખ થતું, વળી હિંદુશાસ્ત્ર પ્રમાણે જેને પુત્ર પરિવાર નહી તેના જીવતરને ધિક્કાર ! તેની પાછળ પોક મુકનાર, આગ મુકનાર તથા મૃત્યુ- સંસ્કાર કરનાર કોઈ નહી તેથી તેની મુઆ પછી શી ગતિ થશે એ વિશે પણ તેને ઘણો ભય રહેતો હતો, પોતાનું નામ અમર રાખવાને માણસોને સ્વાભાવિક વૃત્તિ હોય છે, અને એ નામ પોતાના વંશથી અથવા લોકોપયોગી કામથી કાયમ રહે છે, માધવને પોતાના વંશ તરફથી કોઈ આશા ન હતી. તેમ લોકોપયોગી કામો કરવાનો હજુ સુધી પ્રસંગ પણ મળ્યો ન હતો, તેથી અગર જો તે રાજ્યમાં સૌથી શ્રેષ્ઠ હતો, અગર જો રાજા તેને પુછ્યા સિવાય પાણી પણ પીતો ન હતો, અગર જો તેની ડોકી ધુણવાથી હજારોનાં નસીબ ખુલતાં, અને હજારો પાયમાલ થઈ જતા, અને અગર જો કે તેના ઉપર લક્ષ્મીની પણ કૃપા હતી તો પણ તે જ્યારે ભવિષ્યનો વિચાર કરતો હતો ત્યારે તેની અવસ્થા એવી થતી કે કોઈ ગામડીયો પણ તેની અદેખાઈ ન કરે.

પ્રકરણ ૨ જું.

આશ્વિન સુદ ૧૦ એટલે દશેરાની સવારે રાજાના દરબાર આગળ ભારે ગડબડ થઈ રહી હતી. ઘોડાવાળાઓ (રાવતો) દશેરાની સવારીને માટે ઘોડાને સાફ કરવામાં તથા તેને શણગારવામાં, મ્હાવતો હાથીને તે પ્રમાણે કરવામાં, તેમ જ રાજાના બીજા નોકરો રથ તૈયાર કરવામાં કામે વળગી ગયા હતા. ખવાસ, ગોલા, રાજાના ભાંડ, મલ્લ વિગેરે લોકો પોતાનાં વાહનને માટે મોટી ફિકરમાં દેખાતા હતા. તે દહાડાને વાસ્તે સારાં લુગડાં તૈયાર કરાવવાને દરજીને ત્યાં દોડાદોડ થઈ રહી હતી. શહેરના સઘળા દરજી, ધોબી તથા મોચી તે દહાડાની આગલી રાત્રે જરા પણ સુતા નહતા, તેઓની સાથે તેમના કેટલાએક અધીરા ગ્રાહકો પણ જાગરણ કરવા લાગ્યા હતા, તેટલું છતાં પણ સવારે તેઓની દુકાને એટલી તો ભીડ થઈ રહી હતી કે કોઈ છુંદાઈ ન ગયું એજ આશ્ચર્યકારક હતું. શહેરમાં ચોમાસાના વરસાદનું પાણી બહાર જવાને મોરીઓ છુટી મુકી હતી તે સઘળી લોકોએ તે સવારે બંધ કરી દીધી હતી, તેથી તે રસ્તો આરસી જેવો સાફ થઈ ગયો હતો. તે ઉપર પાટણની સુંદરીઓ નાના પ્રકારના રંગ લઈને હાથવડે તથા લાકડાનાં બીબાંવડે રમણિક સાથિયા પુરતી હતી, અને કોનો સાથિયો સારો પુરાય છે તે બાબે માંહોમાંહે સ્પર્ધા કરતી હતી. શહેરમાં સઘળે ઉત્સવ થઈ રહ્યો હતો, અને પૂર આનંદમાં સ્ત્રીઓ સારાં લુગડાં, ઘરેણાં પહેરીને મ્હાલતી હતી, અને વખતે વખતે તેઓના હૈયામાંથી હર્ષ ઉભરાઇ જતો હોય એમ તેઓ ગીત ગાવાથી જણાઈ આવતું હતું. સઘળી નિશાળોમાં છુટ્ટી હતી તેથી છોકરાઓનાં મ્હોં આનંદથી ભરપૂર હતાં; અને આણીગમ તેણીગમ દોડીને, કુદીને અને એવું બીજું નાના પ્રકારનું તોફાન કરીને તેઓ હર્ષને બહાર જવાનો રસ્તો આપતા હતા. જે ચૌટામાંથી સવારી જવાની હતી તે ચૌટામાંના દુકાનદારો સવારી જોવા આવનાર લોકો તેઓની દુકાનના ઓટલા ઉપર બેસવાનું ભાડું આપશે એ ઉમેદથી ઘણા ખુશમાં હતા. મીઠાઈવાળા, માળી, રમકડાંવાળા, ખાવાનાવાળા, અને બીજા કેટલાકોને તે દહાડે સારો વકરો થવાનો તેથી તેઓ પણ ઘણા જોશભેર ચાલતા હતા. છેલ્લે જેઓ નવ દહાડો ફળાહાર અને અપવાસ કરીને રહેલા હતા, અને જેઓ તે સવારે ચીમળાયલા તથા ભુખ્યા વરૂના જેવા બેઠા હતા તેઓ પણ આજે પારણાનું મિષ્ટાન્ન મળશે એ જ વિચારથી ઘણા આનંદભેર દેખાતા હતા.

રાજમહેલ અથવા રાજપાઠિકા કિલ્લામાં હતો, અને તેને લગતા બીજા ઘણાએક મહેલો હતા. મુખ્ય મહેલ જમીનથી ૫૦ ગજ ઉંચે હતો. તે કાળા પથ્થરનો બનાવેલો હતો, અને તેમાં ઘણેક ઠેકાણે સ્ફાટિકના પથ્થર વાપરેલા હતા. તે ચોખુણાકાર હતો. ફરતા કોટમાં ઠેકાણે ઠેકાણે અષ્ટખુણ બુરજો હતા, અને તેઓના ઉપર ઘુમટ કીધેલા હતા. આગલા દરવાજાનું નામ ઘટિકા હતું, અને તે દરવાજાની સામા ધોરી રસ્તા ઉપર ત્રિપોલ્ય એટલે ત્રણ દરવાજા હતા. મહેલની ઉપર જમીનથી આસરે ૨પ ગજને અંતરે મહેલની તમામ લંબાઈ જેટલી એક અગાસી હતી, તે ઉપરથી આખું શહેર નજરે પડતું હતું. એ અગાસીની નીચે ઘણાં સુન્દર કમાન હતાં, અને તેઓની બે બાજુએાએ કીર્તિસ્તંભ હતા, દીવાલો ઉપર ઘણી જ સુંદર નકશી કોતરેલી હતી, અને રામ તથા રાવણની લઢાઈ, મહાભારતની લઢાઈ, કૃષ્ણનો રાસ, વગેરે ઘણાંએક ચિત્રો કોરી કાઢેલાં હતાં. મહેલની માંહેની ભીંતો ભભકાદાર જુદા જુદા રંગોથી રંગેલી હતી, અને તેઓ ઉપર કેટલાએક તખ્તા તથા મોટા મોટા આરસા જડેલા હતા, તે દિવસે સૂર્યોદયની તૈયારી થતાં જ રાજ્યમહેલમાં ચોઘડીયાં વાગ્યાં, નોબત ગડગડવા લાગી, તથા શંખનાદ થયો એટલે રાજાએ શય્યાથી ઉઠી પોતાના વહાલા ઘોડાને બહાર કઢાવી થોડોએક ફેરવ્યો. પછી દાતણ કરી સ્નાન કીધું, અને પોતાના ઇષ્ટદેવ શિવની પૂજા ઘણાએક બ્રાહ્મણોની સમક્ષ કીધી. પછી બ્રાહ્મણો વેદના મંત્રો ભણ્યા તેમને રાજાએ ધારા પ્રમાણે દક્ષણા આપી. બહાર જે હજારો ગરીબ ભુખે મરતા ભિખારીઓ એકઠા થયા હતા તેઓને અનાજ આપવાનો હુકમ કીધો. એ કામ થઈ રહ્યા પછી લુગડાં, ઘરેણાં પેહેરીને પોતે દરબારમાં જવા નીકળ્યો.

જે વિશાળ ઓરડામાં દરબાર ભરાયું હતું તે ઘણો જ લાંબો, પહોળો તથા શોભાયમાન હતો. તેમાં સ્ફાટિકના કીર્તિસ્તંભો હતા. ભોંય ઉપર મોટી ગાદી પાથરેલી હતી, અને તેના ઉપર સફેદ ચાદર બીછાવેલી હતી. બાજુઓ ઉપર તકીયા મુકેલા હતા અને જે બાજુ તરફ રાજગાદી હતી તે તરફ રાજાના કામદારોને માટે તેઓના જુદા જુદા હોદ્દા પ્રમાણે વધારે અથવા એછી ઉંચાઈની બેઠકો બનાવેલી હતી. રાજાની ગાદી સઘળાથી ઉંચી હતી, તે કિનખાબની બનાવેલી હતી; તથા તે ઉપરની ચાદર બંગાળાની ઉંચામાં ઉંચી તથા મોંઘામાં મેાંધી મલમલની હતી; તકીયો પણ તેવો જ બનાવેલો હતો. પાસેની ગાદી યુવરાજ અથવા પાટવી કુંવરની હતી; પણ કરણ રાજાને કુંવર નહતો તેથી તે ગાદી ખાલી પડેલી હતી. તેની પાસેની ગાદી ઉપર માધવ પ્રધાન બિરાજેલો હતો. તેણે આ વખતે મંદીલની પાઘડી તથા કિનખાબનો ડગલો પહેરેલો હતો, અને સોનું, મોતી, હીરા, તથા બીજાં જવાહિરનાં ઘરેણાંની તેના શરીર ઉપર કાંઈ ખોટ ન હતી. તેની પાસે મુકુટધારી ઠાકોરો તથા મંડળેશ્વરો એટલે પરગણાના માલિકો બેઠેલા હતા. એક બે મંડળિક રાજા પણ હતા. બીજી તરફ ઉદેપુર, જોધપુર વિગેરે બીજાં રાજ્યસંસ્થાનોમાંથી આવેલા સંધિવિગ્રહિકો, જેઓનું કામ લઢાઈ તથા સલાહ કરવાનું હતું, અને જે દરબારમાં તેઓ રહેતા હોય તેનાં કામકાજની ખબર પોતાના રાજાને કરવાનું હતું તેઓ, તથા સ્થાનપુરૂષો જેઓ પારકા રાજ્યમાં જઈ ત્યાંના રાજ્યની નોકરીમાં રહેતા અને ત્યાંની ખબર અંતર પોતાના રાજાને કરતા તેઓ પણ હતા. વળી ત્યાં સામંત એટલે લશ્કરી અમલદારો પણ બેઠેલા હતા, તેઓનો દરજજો તેઓના હાથ નીચે જેટલાં માણસ હોય તે પ્રમાણે ગણાતો હતો. તેએામાં મુખ્ય છત્રપતિ તથા નોબતવાળા એટલે જેઓના ઉપર છત્ર ધરી શકાય તથા જેઓની આગળ નોબત વાગી શકે તેઓ હતા. એક તરફ તલવાર, કટાર, બરછી, ઢાલ વિગેરે શસ્ત્રવાળા સિપાઈઓ હતા, એ સિવાય વેદિયા, પંડિત, જોશી વિગેરે વિદ્વાન બ્રાહ્મણો જુદા બેઠેલા હતા; અને એ સઘળાએાની સામેની બાજુએ ભાટ, ચારણો, ચિતારા, ઘોડા ઉપર બેસતાં શીખવનારા, નાચતાં શીખવનારા, ભાંડ, જાદુગરો, ઇત્યાદિ બેઠેલા હતા. વળી એક ઠેકાણે ગુણિકા અથવા વારાંગના પણ કીમતી વસ્ત્ર તથા આભુષણ પેહેરીને બેઠેલી હતી, અને તેની બેસવાની રીત, તેની આંખની ચપળતા, તથા તેના હાવભાવથી સઘળા મોહિત થતા હતા, એ પ્રમાણે તે દિવસે દરબાર ભરાયું હતું. એટલામા સોનાની છડીવાળા ચેાબદારો આગલ ચાલી “રાજાધિરાજ, ખમાખમાજી, અન્નદાતા” એવી નેકી પોકારતા સંભળાવવા લાગ્યા. તે શબ્દ સાંભળી દરબારમાંના લોકોને માલુમ પડ્યું કે રાજા પધારે છે. રાજા દરબારમાં આવતાં જ તમામ દરબારી લોકોએ ઉભા થઈ જુદી જુદી રીતે તેને માન આપ્યું. ચોબદારો વધારે બુમ પાડવા લાગ્યા, અને આખા દરબારમાં ગણગણાટ શબ્દ થઈ રહ્યો. રાજાજી ગાદીએ બેઠા, ચેાબદાર બીજા લોકોને અંદર આવવા ન દેવાને દરવાજા આગળ ઉભા રહ્યા, અને દરબારી લોકો પોતપોતાને ઠેકાણે બેઠા.

કરણ રાજાની ભરજુવાની હતી. તેની ઉમર ત્રીશ વર્ષની હતી. તેનું શરીર પરમેશ્વરની કૃપાથી, નાનપણથી અંગકસરત કીધાથી, પાતળું તથા જોરાવર હતું. તેની ચામડીને રંગ ઘઉંવર્ણો હતો. તે શરીરે લાંબો હતો તેનું મ્હોં લંબગોળ હતું, તેનું નાક સીધું તથા લાંબુ હતું. તેના ઓઠ નાના તથા બિડાયેલા હતા, જેથી જણાતું કે તે ઘણો આગ્રહી, એટલે જે કામ મનમાં ધારે તે કર્યા વિના રહે નહી, એવા સ્વભાવનો હતો. એ સ્વભાવને લીધે તે ઘણી વખતે ઉતાવળથી તથા વગર વિચારે કામ કરતો, તેથી જ તેનું ઉપનામ ઘેલો પડ્યું હતું. તેની આંખ જરા લાંબી હતી, અને હમેશાં રતાશ પડતી રેહેતી તેથી તેનું રૂપ કાંઈક વિક્રાળ દેખાતું, અને તે જોઈને દુષ્ટ લોકો થથરી જતા. તેનામાં ક્ષત્રિયનું ખરેખરું લોહી હતું, અને તેની હિમ્મતનાં સઘળે ઠેકાણે વખાણ થતાં હતાં. તેમાં મુખ્ય ખોડ બે હતી. એક તેનો ઉતાવળો તથા ઉન્મત્ત સ્વભાવ, અને બીજી વિષયવાસના. એ છેલ્લી ખોડ તેની આંખ ઉપરથી સ્પષ્ટ દેખાઈ આવતી હતી; તેમ તેની ખાનગી ચાલચલણથી એ વાત સઘળાને જાણીતી હતી. તેનું કપાળ વિશાળ હતું, અને તેની ભમર જાડી તથા એક બીજાની પાસે પાસે આવી ગયલી હતી તેથી તેનામાં દઢતાને ગુણ કોઈ પણ જોનારને લાગતો. આ વખતે તેણે પોશાક ઘણો કીમતી પહેર્યો હતો. માથાપર મંદીલની પાઘડી પહેરી હતી, તે ઉપર હીરા તથા મોતીનો શિરપેચ બાંધેલો હતો. અંગરખું જરીનું હતું, અને એક કાશીની બનાવટનું શેલું કમરે વીંટાળેલું હતું, જેમાં સોનાના મિયાનની તથા હીરે જડેલી મૂઠવાળી તલવાર તથા હીરામોતીએ જડેલું ખંજર ખોસેલું હતું. તેની ડોકમાં મોતીની માળાઓ તથા હીરાના કંઠા હતા. તેણે કિનખાબની સુરવાલ પહેરેલી હતી, અને એક પગે સોનાનો તોડો હતો. જોડા મખમલના હતા તથા તે ઉપર સોનેરી ટીકડી ચોઢેલી હતી. તેને માથે મોરપીંછ હતાં, તથા આસપાસ બે ખીદમતગારો ચંમર કરતા હતા. એવી શોભાથી કરણ રાજા ગાદીએ બિરાજેલો હતો.

દરબાર ભરાતાં જ ત્યાં બેઠેલા બ્રાહ્મણો આશિર્વાદના મંત્રો ભણવા લાગ્યા. તે પુરા થયા પછી ગુણિકાએ થોડીવાર ગાયન ગાઈ, કટાક્ષ કરી તથા બીજા હાવભાવ દેખાડી રાજાનું મન રંજન કીધું. તે દહાડો દશેરાનો હતો માટે એક ભાટે ઊઠીને રામની લંકા ઉપર ચઢાઈ થઈ તેનું એક કવિત કહી સંભળાવ્યું. પછી બીજો ભાટ એક બીજું કવિત બોલ્યો, તેમાં પાંડવો વૈરાટ નગરમાં ગયા તેનું વર્ણન કીધેલું હતું. તે બેઠા પછી પંડિતોએ વ્યાકરણનો થોડો વિવાદ ચલાવ્યો. પછી ચિતારાએ એક ઘણી રૂપાળી સ્ત્રીનું ચરિત્ર રાજાને નજર કરી તેનું રૂપ વર્ણવ્યું. એ થઈ રહ્યા પછી બીજું કાંઈ કામ તે દહાડે ન હતું તેથી જુદા જુદા વિષય ઉપર સઘળા વાતો કરવા લાગ્યા.

આ સઘળું કામ થઈ રહ્યું ત્યારે સવારના દસ વાગ્યાનો વખત થયો હતો. રાજાનો જઠરાગ્નિ કાંઈ મંદ નહતો તેથી દરબારમાંથી તે ઉઠ્યો. ચોબદારોએ ધારા પ્રમાણે નેકી પોકારી. કામદાર લોકો પોતપોતાને ઘેર ગયા. રાજાએ ભોજનશાળામાં જઈ રૂપાના પાટલા ઉપર બેસીને સોનાની થાળીમાં યથાસ્થિત ભેાજન કીધું. ત્યાર પછી પાનસોપારી, તેજાના વિગેરે ખાધાં, અને સુવાના ઓરડામાં જઈ પલંગ ઉપર બેઠો. તે વખત ત્યાં એક ભાટ તથા એક બ્રાહ્મણ જે રાજ્યગુરૂ હતો, તે હાજર હતા, તેઓને રાજાએ પોતાના પલંગ પાસે બેલાવ્યા, દરરોજ જમ્યા પછી ધર્મ, નીતિ તથા રાજ્ય સંબંધી જે વાતો શાસ્ત્રમાં લખેલી હોય તે બ્રાહ્મણેને મ્હોડે સાંભળવાની રાજાને ટેવ હતી, તેથી તે દિવસે રાજા બોલ્યોઃ “ગુરૂજી ! આજે શા વિષય ઉપર વાત ચલાવીશું ?” ગુરૂજીએ થોડોએક વિચાર કરી જવાબ દીધો, “રાજાધિરાજ, ઘણા દહાડા થયાં રાજાનો ધર્મ શો છે, અને રાજાએ કેવી રીતે વર્તવું જોઈએ, એ વિષે આપ સાથે વાત કરવાનો વિચાર હતો, પણ આજ સુધી તેમ કરવાની જોગવાઈ આવી નહી તેથી આજે તે વિષય આપણે ચલાવીશું, અને હું આશા રાખું છું કે આપ મારી વાત શ્રવણ કરી તે પ્રમાણે ચાલવાનો પ્રયત્ન કરશો.” ભાટે પણ શાસ્ત્રમાંથી તો નહી પણ લોકવ્યવહારથી એ વિષય ઉપર થોડું ઘણું જ્ઞાન મેળવ્યું હતું તેથી તે પણ ગોર મહારાજ સાથે સામેલ થવાને જાગૃત થયો. ગોર મહારાજે પહેલાં મહાભારતમાંથી નીચે પ્રમાણે એક વાત કહી.

“રાજા વિના કોઈ દેશ સુખી થઈ શકતો નથી. શરીરની સુખાકારી, સદ્દગુણ ઈત્યાદિ કાંઈ કામ લાગતાં નથી. બે માણસ મળીને એકની મિલકત દબાવી પડે, અને એમ માણસો એક બીજાને ઉપદ્રવ કરે; એ પ્રમાણે જેમ જુદા જુદા પ્રકારનાં માછલાં એક બીજાનો નાશ કરે છે તેમ માણસો પણ એક એકનો નાશ કરે. એ પ્રકારે માણસો એક બીજા ઉપર જુલમ નિરંતર કર્યા કરતાં હતાં. તે વખતે તેઓ રાજા માગવાને બ્રહ્મા પાસે ગયાં. બ્રહ્માએ મનુને રાજા થવાને કહ્યું. મનુએ જવાબ દીધો, “મહારાજ ! હું પાપનાં કામથી બીહું છું રાજ્ય- કારભારમાં જોખમ ઘણું, તેમાં વિશેષે કરીને હમેશાં જુઠું બોલનાર માણસોને જવાબદારી વધારે છે.” લોકોએ તેને કહ્યું, “બીહીશો મા, તમને સારો બદલો આપીશું. પશુઓનો પચાશમો ભાગ, તેમ જ સોનાનો તેટલામો ભાગ તમને મળશે. અનાજનો દશમો ભાગ તમને આપીશું; અને તમારા ભંડારમાં વૃદ્ધિ કર્યા કરીશું. કન્યા ઉપર ઘટતું દાણ, તથા મુકર્દમા અને જુગાર રમવા ઉપર કર આપીશું. વળી જેમ દેવતાઓ ઈંદ્રરાજાને તાબે રહે છે તેમ જ દ્રવ્યવાળા તથા વિદ્વાન પુરૂષો તમારા તાબામાં રહેશે. તમે અમારા રાજા થાઓ, તમે શક્તિવાન થશો. તમને કોઈ ભય પમાડી શકશે નહી; અને જેમ કુબેર યક્ષલોકો ઉપર સલાહસંપથી રાજ્ય ચલાવે છે તેમ તમે ચલાવશો. રાજાના આશ્રય નીચે રહીને રૈયત જે જે પુણ્યનાં કામો કરશે તે પુણ્યનો ચોથો ભાગ તમને મળશે. એ પ્રમાણે જેમ શિષ્ય ગુરૂને શ્રેષ્ઠ ગણે છે, દેવતાઓ ઇંદ્રને ઉપરી માને છે, તેમ જેઓને ઉંચી પદવી મેળવવાની ઇચ્છા હોય તેઓએ રાજાને શ્રેષ્ઠ માનવો, કેમકે તે લોકોનું રક્ષણ કરનાર છે. જ્યારે તેઓ રાજાની સમક્ષ ઉભા રહે ત્યારે તેઓએ રાજાનું પૂજન કરવું.” એટલી વાત સાંભળીને યુધિષ્ઠિર બોલી ઉઠ્યો, “જન્મ, મરણ, આવરદા તથા શરીરનાં અવયવો રાજાનાં અને બીજા લોકોનાં સરખાં જ છે, ત્યારે બળવાન શૂરા પુરૂષોએ રાજાને શા માટે માન આપવું જોઈએ ! તથા તેનું પૂજન શા માટે કરવું જોઈએ? અને રાજા સુખી અથવા દુ:ખી હોય તે પ્રમાણે તેઓને સુખદુઃખ શા માટે થવું જોઈએ?” એ પ્રશ્ન સાંભળીને ભીષ્મપિતામહે રાજાની ઉત્પત્તિ સંભળાવી, અને તે ઉપરથી સિદ્ધ કીધું કે જગતનું કલ્યાણ રાજાના ઉપર આધાર રાખે છે.” રાજાનાં આટલાં વખાણ તથા રાજ્યપદનું આટલું માહાત્મ્ય સાંભળીને ભાટ ઘણો જ ખુશ થયો અને બોલ્યોઃ “સત્ય છે મહારાજ, રાજા તે બીજો પરમેશ્વર; પૃથ્વી ઉપર પરમેશ્વરને મુનિમ. જેમ પરમેશ્વર ચાહે તે કરી શકે તેમ તે પણ કરી શકે.” બ્રાહ્મણ બોલ્યોઃ “રાખ, એટલી ઉતાવળથી અનુમાન મા કર. સઘળા કરતાં અને રાજા કરતાં પણ બ્રાહ્મણ શ્રેષ્ઠ છે. મનુસ્મૃતિમાં કહેલું છે કે રાજાએ વહેલાં ઉઠીને ત્રિવેદી બ્રાહ્મણોની સેવા કરવી, અને તેઓના કહેવા પ્રમાણે કરવું.” ભાટ બોલ્યો “પણ મહારાજ, મનુસ્મૃતિમાં આમ પણ કહેલું છે કે સૂર્યની પેઠે રાજા આંખ તથા અંત:કરણને બાળી નાંખે છે, અને પૃથ્વી ઉપર કોઈ પણ માણસ તેના ઉપર દષ્ટિ કરી શકતું નથી. તે અગ્નિ તથા જળ છે, તે અપરાધી લોકોના ન્યાયનો દેવ છે, તે દ્રવ્યનો દેવ છે, તે જળનો ઉપરી છે, તે આકાશનો ધણી છે, તે માણસના રૂપમાં શક્તિવાન દેવ છે, તેનો ક્રોધ થાય તો મૃત્યુ જાણવું, જે ઘેલાઈમાં પણ રાજા ઉપર દ્વેષભાવ દેખાડે તેનો નિઃસંશય નાશ થશે, કેમકે રાજા તેનો નાશ કરવા તરફ જલદીથી પોતાનું મન લગાડશે.”

બ્રાહ્મણ બોલ્યોઃ “એ ગમે તેમ હોય તે પણ બ્રાહ્મણોને રાજાએ માન આપવું, અને તેઓના કહ્યા વિના કાંઈ કામ કરવું નહી. શાસ્ત્રમાં કહેલું છે કે રાજા ગમે તેવા દુઃખમાં હોય તો પણ બ્રાહ્મણોને ક્રોધાયમાન કરવા નહી, કેમકે એક વાર તેએ કોપ્યા એટલે તેનો તથા તેના હાથી, ઘોડા, રથ, લશ્કર એ સઘળાનો તે તુરત નાશ કરવાને સમર્થ છે. બ્રાહ્મણો જો કોપે, તો બીજી પૃથ્વીઓ તથા પૃથ્વીપતિઓ કરી શકે, તથા બીજા દેવ તથા માનવને ઉત્પન્ન કરી શકે. એવા બ્રાહ્મણ ઉપર જુલમ કીધાથી કયા રાજાને દ્રવ્ય મળી શકે? વળી મનુ કહે છે કે બ્રાહ્મણની શક્તિ તેના જ ઉપર માત્ર આધાર રાખે છે, તે રાજાની શક્તિ જે બીજા માણસોવડે છે તેના કરતાં શ્રેષ્ઠ છે, માટે પોતાની શક્તિવડે બ્રાહ્મણો પોતાના શત્રુઓને વશ કરી શકે છે, જે બ્રાહ્મણ શાસ્ત્રમાં પ્રવીણ છે તેને કોઈ મહાવ્યથા કરે તો તેને રાજાની આગળ ફરીયાદ કરવાની જરુર નથી, કેમકે તે પોતાની શક્તિવડે વ્યથા કરનારને શિક્ષા કરી શકે છે. બ્રાહ્મણ ગમે તેવો અપરાધ કરે તો પણ તેનું શાસન બીજા લોકોના જેટલું નથી. મનુસ્મૃતિમાં લખેલું છે કે, બ્રાહ્મણે ગમે તેવો અપરાધ કીધો હોય તો પણ રાજાએ તેના પ્રાણનો ઘાત કરવો નહી. અપરાધી બ્રાહ્મણને તેના રાજ્યમાંથી કાઢી મુકવો, તેની સઘળી મિલકત પણ રાજાથી જપ્ત કરી શકાય નહી, તથા તેના શરીરને દુઃખ દઈ શકાય નહી. વળી બીજે ઠેકાણે કહેલું છે કે રાજા પૈસા વગર મરી જતો હોય તો પણ વેદ ભણનાર બ્રાહ્મણ પાસેથી તેણે કાંઈ પણ કર વસુલ કરવો નહી.”

ભાટ આ ઉપરની વાત સાંભળીને છક થઈ ગયો. તેણે બ્રાહ્મણની સત્તા વિષે આટલું બધું સાંભળ્યું નહતું. તે મનમાં વિચાર કરવા લાગ્યો કે, “આ લાડુભટને પરમેશ્વરે તો ઘણો અખતિયાર આપ્યો દેખું, ” અને એ વિચારથી તેના મનમાં એ ભટ લોકો ઉપર અદેખાઈ આવી; પણ તેની સામે શાસ્ત્રનાં વચન કાંઈ તેને માલમ ન હતાં તેથી તે બોલ્યો: “હવે એ વાત તો ઘણી થઈ, હવે રાજાએ શું શું શીખવું જોઈએ તે હું કહી સંભળાવું છું. ધારના રાજાની તેના પૌત્ર ભર્તુહરિ તથા વિક્રમાદિત્યને શું શું શીખવવાની મરજી હતી તે વિષે ભરતખંડનો ઇતિહાસ લખનાર મૃત્યુંજય નીચે પ્રમાણે કહે છે.

“તેણે પોતાના બે છોકરાઓને પાસે બેલાવી તેઓને જે અભ્યાસ કરવાનો હતો તે વિષે સારી શિખામણ આપી અને કહ્યું: “તમારે ઘણો ઉદ્યમ કરી વ્યાકરણ, વેદ, વેદાંત, વેદાંગ, ધનુર્વિદ્યા, ધર્મશાસ્ત્ર, ગાંધર્વવિઘા, જુદી જુદી કળા તથા હાથની કારિગરી, હાથી તથા ઘોડા ઉપર બેસવાની તથા રથ હાંકવાની વિદ્યાનો અભ્યાસ કરવો. બધા પ્રકારની રમત, દોડવું, કુદવું, કિલ્લાઓને ઘેરો ઘાલવે, લશ્કરનાં ટોળાં બાંધવાં, તથા તેઓને તેડવાં, એ સઘળામાં પ્રવીણ થવું, હરેક રાજ્યગુણ મેળવવા, શત્રુની શક્તિનો નિશ્ચય કરતાં શિખવું. યુદ્ધ કરતાં, મુસાફરી કરતાં, મોટા માણસો આગળ બેસતાં, કાંઈ તકરારી વાતમાં તકરાર પ્રમાણે જુદા જુદા ભાગ કરી નાંખતાં, બીજા રાજાઓ સાથે સંબંધ કરતાં, નિરપરાધી અને અપરાધીને એાળખતાં, દુષ્ટને યથાયોગ્ય શિક્ષા કરતાં, તથા સંપૂર્ણ ન્યાયથી રાજ્ય ચલાવતાં શિખવું, અને તમારું મન ઘણું ઉદાર રાખવું.' પછી તે છોકરાઓને નિશાળે ઉત્કૃષ્ટ શિક્ષકોના હાથ નીચે મોકલ્યા. ત્યાં તેઓ ખરેખર કીર્તિવંત થયા.”

રાજાએ ઉપલી વાતના પાછલા ભાગમાં ઉપરાઉપરી બગાસાં ખાવા માંડ્યાં. તે વખતે શરદ મહિનાનો આકરો તડકો હતો તેથી ગરમીની અશક્ત કરનારી અસર તેના શરીર ઉપર લાગી, અને રોજની ટેવ પણ મદદે આવી તેથી ભર્તૃહરી તથા વિક્રમાદિત્ય બંને કીર્તિવંત થયા તે તેણે સાંભળ્યું નહીં. ભાટે જ્યારે વાત પુરી કરી તેણે રાજાના મ્હોં સામું જોયું ત્યારે તેની વાત ધ્યાન આપી સાંભળવાને બદલે તેને મીઠી નિદ્રાને વશ થયલો દીઠો. તે જોઈ ભાટ તથા બ્રાહ્મણ ઓરડામાંથી બહાર ગયા, અને રાજાને સુખેથી ઉંઘ કાઢવા દીધી.

જ્યારે રાજા નિદ્રાદેવીને વશ થઈ આ લોક તથા પરલોકને વિસરી જઈ મૃત્યુથી ઉતરતી અવસ્થામાં પડેલો હતો તે વખતે કિલ્લા આગળ તથા શહેરમાં ભારે ગડબડાટ થઈ રહી હતી. લોકો ઘણા ઊમંગથી સારાંસારાં લુગડાં પહેરી, નવી રંગેલી પાઘડીમાં જુવારા ખેાસી, તથા નવા જોડા પહેરી કેટલાએક એકલા તથા કેટલાએક નાનાં નાનાં છોકરાંને સાથે તેડી સ્વારી જવાના રસ્તા ઉપર કોઈ ઓટલા અથવા દુકાન ઉપર બેસતા હતા. કેટલાએક રજપૂત તથા બીજા લશ્કરી લોકો હથિયાર કમરે બાંધીને ઘણા ડોળથી ફરતા હતા. ભીલ, કાઠી, કોળી વિગેરે જંગલી લોકો તરત ખસી જઈને રસ્તે આપતા. ઢેડા તથા તેથી હલકી જાતિના લોકો “ખસો બાપજી” એ પ્રમાણે બુમો પાડી ધીમે ધીમે રસ્તો કરી જતા, અને લોકોને તેઓને વાસ્તે ખસવું પડતું તે વખતે તેઓને ગાળ દીધા વિના રહેતા નહી. ઘણી વાર કોઈ ઘોડો અથવા હાથી ભડકતો ત્યારે લોકોમાં દોડાદોડી થતી, અને છોકરાં ચીસાચીસ પાડતાં. મોટા કામદારોનાં બઈરા સુખાસનમાં બેસી તેમના ધણીનાં સગાં, મિત્ર, અથવા ઓળખીતાનાં ઘર હોય ત્યાં જતાં. ગરીબ તથા વચલા વાંધાનાં લોકોની બાયડીઓ ખુલી રીતે ચાલતી જતી, પણ તેઓને રસ્તામાં કોઈ ઉપદ્રવ કરશે એવી કોઈને દહેશત ન હતી. ઓટલા તથા બારીઓ લોકોથી ભરાઈ ગયાં હતાં. બાકીના લોકો કેટલાએક છાપરા ઉપર અને કેટલાએક ઝાડ ઉપર ચઢીને બેઠા હતા; અને ઘણાએક રસ્તાની બાજુએ બે હાર કરી ઉભા રહ્યા હતા. દુકાનદારોએ દુકાન ધોળાવી, રંગાવી, તે ઉપર તોરણ બાંધી સઘળો માલ બહાર કાઢેલો હતો, તેમ જ રહેવાનાં ઘરો પણ ઘણાંએક રંગાવેલાં તથા ઘણું કરીને સઘળાં ધોળાવેલાં હતાં. એ પ્રમાણે શહેરમાં સ્વારી જોવાની તૈયારીમાં લોકો બેઠા તથા ઉભા હતા. કિલ્લા આગળ કાઠીયાવાડી, સિંધી, કચ્છી, તથા કાબુલી શણગારેલા અને ઘણા ઉમદા જીનવાળા કેટલાએક ઘેાડા ખંખારતા, કેટલાએક નાચતા, કેટલાએક ભોંય ઉપર પગ ઠોકતા તથા કેટલાએક કાવો ફર્યા કરતા હતા. હાથીઓથી ઉભા રહેવાતું ન હોય તેમ એક જગાથી બીજી જગાએ જતા, કેટલાએક તેના અતિ બળથી મસ્ત થઈને ડોલતા, તથા કેટલાએક સુંઢ હલાવી ઉંચી કરી આસપાસના લોકોને નસાડતા હતા. સુખાસન એક કોરે મુકીને ભોઈ લોકો આણીગમ પેલીગમ મોજ કરતા ફરતા હતા. સ્વાર તથા પાયદળ સિપાઈ સઘળા હથિયારબંધ તૈયાર થઈ રહ્યા હતા, રાજા કરણે સવારે જે લુગડાં ઘરેણાં પહેર્યા હતાં તેનાં તે જ હમણાં પણ તેના શરીર ઉપર હતાં. વિશેષ એટલું જ કે બહાર કોઈની નજર ના લાગે માટે હાથે કેટલાંએક મંત્રેલાં માદળિયાં બાંધેલાં હતાં. રાજાનો હાથી ઘણો જ પુષ્ટ તથા બીજા સૌ કરતાં ઉંચાઇમાં વધારે હતો, તેના ઉપર સોનેરી ઝુલ નાંખી હતી. તેના પગમાં સોનાનાં કડાં ઘાલેલાં હતાં. તેના કુંભસ્થળ ઉપર મોતીની માળાઓ બાંધેલી હતી. હાથી ઉપરનો મેઘાડંબર તમામ રૂપાનો સોને રસેલો હતો, તથા તેમાં કેટલેએક ઠેકાણે રત્નો જડેલાં હતાં. રાજાની પાછળ માધવ પ્રધાનજી યંમર લઈને બેઠેલા હતા, અને તેનો પોશાક તથા ઘરેણાં સવારના જેવાં જ હતાં. સ્વારીની આગળ નોબત તથા ડંકા વગાડનારા ઉંટ અથવા હાથી ઉપર બેઠેલા હતા. નોબતની આસપાસની ઝુલ કીનારીદાર લુગડાંની હતી, અને તેના વગાડનાર પણ સઘળા બાંકા બનીને બેઠેલા હતા. તે પછી સ્વાર તથા સિપાઈઓ આવ્યા પછી શહેરનાં મુખ્ય માણસો તથા દરબારના કામદાર લોકો ઘોડા, રથ, વિગેરે વાહનપર બેસીને ચાલ્યા, વચમાં વચમાં મલ, ભાંડ વગેરે હલકા લોકો પણ મોટો ઠાઠમાઠ કરી ચાલતા હતા. છેલે હાથી ઉપર રાજા આવ્યો. સ્વારીમાં ઘણીએક તરેહનાં વાજીંત્ર વાગી રહ્યાં હતાં, તેમાં રણસિંગડાં, ભુંગળ, શરણાઈ વિગેરેનો અવાજ બહાર નીકળી આવતો હતો. રાજા સઘળા લોકોને આખે રસ્તે માથું નમાવતો જતો હતો, અને લોકો તેને જોઈને નીચા વળી નમતા તથા હરખનો પોકાર કરતા હતા. કેટલાએક લોકો જેઓ ઉંચી બારીઓમાં બેઠેલા હતા તેઓ રાજા ઉપર ફુલના હાર, દડા, તથા છુટાં ફુલની વૃષ્ટિ વરસાવતા હતા. ઘણા લોકો રસ્તામાં ફુલ વેરતા હતા; અને કેટલાએક શ્રીમંત લોકો સોના રૂપાનાં ફુલ રાજાના માથા ઉપર વધાવતા હતા. તે વખતે લોકોની રાજા ઉપરની પ્રીતિ એટલી ઉભરાઈ જતી હતી કે જો બની શકે તો તેઓ પોતાનામાંથી થોડું થોડું આવરદા રાજાને આપવાને તૈયાર થાય. રાજા જુવાન અને ખુબસુરત હતો. તેની સાથે તે દહાડે એટલો તો મોહ પમાડે એવો તે લાગતો હતો કે સવારી જોવા મળેલી ઘણી સ્ત્રીઓએ તેનાં ઘણા હેતથી ઓવારણાં લીધાં.

સ્વારી શહેર બહાર કેટલેએક દૂર જઈ એક શમીના ઝાડ આગળ અટકી. ત્યાં હજારો બ્રાહ્મણો શમીપૂજન કરાવવાને તથા દક્ષિણા વહેંચાય તે લેવાને એકઠા થયા હતા. રાજા હાથી ઉપરથી ઉતરીને શમીવૃક્ષ આગળ જઈ ઉભો રહ્યો. તે વખતે રાજ્યગોરે આવી સરપાવ માગ્યો, “રાજાધિરાજ ! કાંઈ આપો તો પૂજનના કામનો આરંભ થાય.” તે જ ક્ષણે નાણાંની એક થેલી ગોરને મળી. બીજા બ્રાહ્મણો પણ પોતપોતાના યજમાન પાસે ગયા, અને કહેવા લાગ્યા: “મહારાજ ! આજે રામચન્દ્રજીએ દુષ્ટ રાવણ ઉપર ચઢાઈ કરી, અને આજે પાંડુપુત્ર વૈરાટ નગરમાં પેંઠા. આજે અર્જુન તથા તેના ભાઈઓએ શમીપૂજન કીધું, અને પોતાનાં શસ્ત્રને તે વૃક્ષ ઉપર લટકાવ્યાં; માટે આજ એ શમી એટલે અપરાજિત દેવીનું પૂજન કરવાનો ઘણો ધર્મ છે.” પછી તેઓએ પહેલાં તો તે ઝાડને પંચામૃતનું સ્નાન કરાવ્યું. તેના ઉપર પાણી છાંટ્યું, અને ચંદન પુષ્પ ચઢાવ્યાં; અપરાજિત દેવી આગળ દીવો કીધો; ઝાડ ઉપર ચાંલ્લા કરી હાર ચઢાવ્યા; ગુલાલ અબીલ નાંખ્યાં; નૈવેદ મુક્યું; અને રાજા પાસે પ્રદક્ષિણા કરાવી. પછી તેઓએ વારાફરતી દશ દિગ્પાળની પૂજા કીધી, તેમાં પહેલાં ઇંદ્ર એટલે પૂર્વના દેવની કીધી, પછી રાજાએ તથા બીજા લોકોએ બળેવને દહાડે બાંધેલી રક્ષા તોડી ઝાડ ઉપર ફેંકી દીધી. તે થયા પછી શમીના મૂળ આગળથી થોડું થોડું મટોડું તથા તેનાં પાત્રાં, સોપારી તથા જુઆરા બ્રાહ્મણોએ સઘળાને આપ્યાં, અને કહ્યું કે આ સઘળાંને એકઠાં માદળીયામાં ઘાલી જયારે પ્રવાસ કરવા જાઓ ત્યારે રાખજો. હવે પૂજન પુરૂં થયું એટલે રાજાની તરફથી દક્ષિણા થઈ, અને ખાનગી ગૃહસ્થોએ પણ પોતપોતાની શક્તિ તથા બાપદાદાના સંપ્રદાય પ્રમાણે દક્ષિણા આપી, અને અગર જો કે એ દક્ષિણા હંમેશાંના કરતાં કાંઈ થોડી ન હતી તો પણ ધારા પ્રમાણે સઘળા બ્રાહ્મણો કાળનો વાંક કાઢી સારી પેઠે બબડ્યા, પોતાનાં છોકરાંની આગળ કેવી અવસ્થા થશે તે વિષે ઘણું ફીકર કરવા લાગ્યા, અને છેલ્લે ભાગ વહેંચવામાં બોલચાલ ઉપરથી ગાળાગાળી અને ગાળાગાળીથી મારામારી ઉપર આવી ગયા, અને જો કેટલાએક વૃદ્ધ બ્રાહ્મણો ત્યાં કજીયો પતાવવામાં ન હોત તો થોડું લોહી પણ તે દિવસે અપરાજિત દેવીને અર્પણ થાત.

એ બ્રાહ્મણોને લડતા તથા શોરબકોર કરતા રહેવા દઈને રાજાની સ્વારીની સાથે આપણે પણ પાછા વળીએ. સ્વારી થોડી આગળ ચાલ્યા પછી રાજાએ પાછા ઉતરીને ગઢેચી માતા એટલે કિલ્લાનું રક્ષણ કરનારી દેવીનું પૂજન કરી ફરીથી ત્યાંના બ્રાહ્મણોને દક્ષિણા આપી. ત્યાંથી સ્વારી ચાલી તે ઠેઠ કિલ્લા સુધી આવી પહોંચી ત્યાંસુધી અટકી નહી. કિલ્લા આગળ એક મોટું ચોગાન હતું ત્યાં લાખો લોકો એકઠા થઈ રહ્યા હતા. ત્યાં સ્વારો, પાયદળ, ઘોડા, હાથી અને છેવટે રાજાનો હાથી એ સઘળા ઉભા રહ્યા. પછી એક ઠેકાણે, મલ્લો, જેઓ આખા વરસ સુધી દુધ, દહીં, ને ઘી ખાઇ ખાઇને જાડા થઈ ગયા હતા તેઓ કુસ્તી કરવા લાગ્યા, તે જોવાને લોકોનું એક મોટું ટોળું ત્યાં એકઠું થયું હતું. એક ઠેકાણે બે સ્વાર ઘોડા ઉપર બેસીને જુઠું યુદ્ધ કરતા હતા. બંનેની પાસે બુઠ્ઠી અણીના ભાલા હતા અને તેઓ એક હાથમાં ગેંડાના ચામડાની ઢાલ પકડી લડતા હતા, તેમાંથી સામાવાળાના ભાલાના આચકાથી જે પડી જાય તે હારે અને લોકો તુરત તાળી પાડી બુમાબુમ કરી મુકે. એક રજપૂત સ્વાર ભાલાવાળાની સામા તલવાર લઈને લડ્યો, અને તલવારની અણીવતી તે સામા માણસને વગાડ્યા સિવાય તેને ઘોડા ઉપરથી ઢોળી પાડ્યો. કેટલાએક કોળી સિપાઈઓ સામે માટીનું ચક્કર મુકી તેમાં તીર પીંછાસુદ્ધાં પેસે એવી શરતે આઘેથી તીર મારતા હતા. કેટલાએક સ્વરો પોતાના ઘોડાને કાવો જ ફેરવ્યાં કરતા; કેટલાએક તેઓને નચાવતા; કેટલાએક ઘોડાને થોડુંક દોડાવી પાછા લાવતા. એ પ્રમાણે ત્યાં ગમત થઈ રહી હતી. આસરે એક કલાક સુધી કસરત કરી સ્વાર લોકો તથા સિપાઇઓ રાજાને જુહાર કરી પોતપોતાને ઠેકાણે ગયા. તમાશગીર લોકો તે દહાડાની હકીકતની વાતો કરતા તથા સ્વારીની ટિકા કરતા કરતા પાછા વળ્યા. રાજા હાથી ઉપરથી ઉતરી મહેલમાં જઈ લુગડાં ઘરેણાં ઉતારી દેવની પૂજા કરી આરતી ઉતારી ચંદ્રશાળામાં ગયો, અને ત્યાં ભોજન કરવાની તૈયારી કીધી, રાત્રે રાજા પોતાની રાણી સાથે જમતો, માટે ત્યાં બીજું કોઈ ન હતું. રૂપાના પાટલા માંડ્યા, અને મુખ્ય રાણી સોનાની થાળીમાં જમવાનું પીરસીને લાવ્યાં. જમી રહ્યા પછી સીસાઓ તથા વાડકા આવ્યા, તેમાં દરાખ તથા મહુડાનો દારૂ રાજાએ થોડો થોડો પીધો. ખાઈ રહી હાથ મ્હેાં ધોઈ રાજાએ પાનસોપારી ખાધાં, અને ત્યાર પછી આખા શરીર ઉપર ચંદન તથા મળિયાગરાનો લેપ કરાવ્યો; તે થઈ રહ્યા પછી રૂપાની એક સાંકળનો હિંડોળો તે ઓરડામાં હતો તે ઉપર રાજા આરામ લેવા જરા સુતો, પાસે રૂપાની સુંદર દીવીઓ ઉપર દીવા બળતા હતા તેથી આખા ઓરડામાં ઝળઝળાટ થઈ રહ્યો હતો. એ ઓરડાનાં બારણાં આગળ ચોકીદાર બેઠા હતા, તેઓ રાજા હવે સુઈ જશે એમ ધારતા હતા. પણ થોડીવાર પછી રાજા હિંડોળેથી ઉઠ્યો અને એક હલકા રજપૂતનાં લુગડાં રાખેલાં હતાં તે તેણે પહેર્યાં. તેણે પોતાનું મ્હોં છુપાવવાને બુકાની બાંધી, અને પગે જુના જોડા પહેર્યા પછી એક ખવાસને બોલાવી હુકમ કીધે કે આજ રાત્રે વીરચર્ચા કરવાનો એટલે નગરચર્ચા જોવાનો મારો વિચાર છે, માટે એક લોટામાં પાણી ભરી લઈ મારી સાથે આવવું, ખવાસ હુકમ પ્રમાણે જલદીથી તૈયાર થયો, અને તે તથા રાજા બંને મહેલને પાછલે બારણેથી નીકળી પડ્યા.

તે વખતે દોઢ પહોર રાત ગઇ હતી, અને દુકાનદારો દુકાન બંધ કરી પોતપોતાને ઘેર જતા હતા. લોકો પોતપોતાના ઘરમાં જ હતા, અને આખો દહાડો રઝળેલા તેના થાકથી ઘણાએક તો સુઈ ગયા હતા. કેટલાએક બારીએ બેસી પડોસીઓ જોડે તડાકા મારતા હતા. કેટલેક ઘેર બાયડીઓ એકઠી થઈ માતાના ગરબા ગાતી હતી તે જોવા તથા સાંભળવા કેટલાએક લોકો બહાર મ્હોં ઊઘાડાં મુકીને ઉભા હતા, અને ગરબાના વિષય, તે ગાવાની રીત, તથા ગાનારીઓના ઘાંટા ઉપર ટિકા કરતા હતા. પાતરવાડામાં પાતરો બારીએ દીવા મુકીને પોતાનાં અંગ ઉપર કીમતી લુગડાં, ઘરેણાં તથા ફુલના હારગજરા પહેરીને બેઠેલી હતી, અને રસ્તે જતા આવતા લોકોને મોહજાળમાં ફસાવવા ફાંફાં મારતી હતી. તેમાંથી કેટલાએક અભાગીયા લોકો તે જાળમાં ફસાઈ પડીને ક્ષણભંગુર સુખને વાસ્તે અક્ષય સુખનો આંધળા થઈ ત્યાગ કરતા હતા. કેટલીએક રામજનીના ઘરમાં રાગતાન થતાં હતાં, વાજીંત્રનો નાદ થઈ રહ્યો હતો, અને દીવામાં પડતાં પતંગીયાંની પેઠે કેટલાએક મૂર્ખ લોકો ત્યાં ઝંપલાવતા હતા, અને તેઓની આંખ ઉપર એવાં તો જાડાં પડ વળી ગયાં હતાં કે તેઓ તે સમયે જાણે વિષ્ણુના વૈકુંઠમાં બેઠા હોય એમ તે અધમ પુરૂષોને લાગતું હતું. સાંકડી ગલીઓ તથા ઉજડ રસ્તાઓમાં બુકાની બાંધેલા માણસો ચુપકીથી ફરતા હતા, અને લાગ ફાવે તો પારકો માલ પોતાનો કરવાને તેઓનો ઈરાદો જણાઈ આવતો હતો. કોઈ કોઈ ઠેકાણે વંઠેલ સ્ત્રીપુરૂષ પોતાનાં ઘરબાર છોડી દુષ્ટ વિચારથી આમ તેમ ભટકીયાં મારતાં હતાં, એ સઘળું રાજાએ જોયું, અને તેમાંની ઘણીએક વાતનો બંદોબસ્ત કરવાનો પ્રધાનને હુકમ કરવો એવો પોતાના મનમાં નિશ્ચય કીધો રાજસંબંધી વાત કોઈ પણ ઠેકાણે તેના સાંભળવામાં આવી નહી. જ્યાં જ્યાં કાંઈ પણ વાત થતી હતી, ત્યાં સવારીની જ વાત ચાલતી હતી. તેમાં સઘળાં તેના રૂપ, ગુણ, લુગડાં, ઘરેણાં, ઈત્યાદિનાં વખાણ કરતાં હતાં. એટલું સાંભળી રાજાનું મન તૃપ્ત થયું નહી તેથી શહેર બહાર ચાંદનીમાં ફરવા જવાનો તેણે નિશ્ચય કીધો.

દરવાનને થોડા પૈસા આપી દરવાજો ઉઘડાવ્યો, અને મેદાન ઉપર નીકળી ગયો, તે દહાડે શરદ મહિનાનો ચંદ્ર ખીલી રહ્યો હતો. આકાશ ઘણું જ નિર્મળ હતું. ચાંદરણાથી બધું મેદાન રૂપેરી રંગનું હોય એમ દેખાતું હતું. તેમાં વચમાં વચમાં ઘાસ ઉગેલી લીલી જગા હતી, તે ગૌરવર્ણની સ્ત્રીના હાથ ઉપર લીલમની વીંટીના જેવી માલમ પડતી હતી, તે ઠેકાણે કોઈ પ્રાણી નજરે પડતું ન હતું; પણ પાણીનાં ખાબોચીયાંમાંથી દેડકાઓ ડ્રેંડુંડ્રેંડુ કરતા હતા. કંસારીઓ જગાએ જગાએથી બંધ ન પડે એવો અવાજ કરતી હતી, અને કોઈ ઠેકાણેથી સાપનો શબ્દ પણ સંભળાતો હતો. એવી રીતે રાત રમણિક લાગતી હતી. આગળ ચાલતાં તેઓ સ્મશાન પાસે આવી પહોંચ્યા, ત્યાં ચાંદરણામાં ઝાડની છાયાથી અન્ધારું પડતું હતું; અને સ્મશાન એ નામથી જ તે જગા ભયાનક લાગતી હતી ત્યાં ઉભા રહીને રાજાએ દૂર નજર કીધી તો એક ઝાડ નીચે મોટું તાપણું તેના જોવામાં આવ્યું, અને તે બળતાંની આસપાસ કેટલાંએક બઈરાં કુંડાળું ફરતાં તેણે જોયાં. રાજાને તે તમાશો જોવાની ઘણી મરજી થઈ, તેની પાસે તલવાર તથા ખંજર હતાં તેથી તેના મનમાં બીહીક થોડી હતી. ખવાસ તો તે જોઈને ધ્રુજવા લાગ્યો, અને હાથ જોડી બોલ્યો, “મહારાજ, એ તો કોઈ ડાકણી, યક્ષણી, પિશાચ, વંતરી અથવા એવી કોઈ બાયડીઓ હશે, માટે તેઓની પાસે જવામાં કાંઈ ફળ નથી.” પણ રાજા કરણ એક વાત મનમાં લેતો તે કદી છોડતો નહી, અને વળી બીહીને ત્યાં ન જવાથી રજપૂતની બહાદુરીને કલંક લાગે, માટે ગમે તે થાય તો પણ જવું એવો દૃઢ નિશ્ચય કરી તે આગળ ચાલ્યો. જ્યારે તે ટોળા આગળ જઈ પહોંચ્યો ત્યારે સઘળી બાયડીઓ ક્રોધાયમાન થઈ સ્થિર ઉભી રહી, અને રાજાની સામે ડોળા કાઢીને બોલી, “અલ્યા માનવી, તું રંક હોય કે રાજા હોય, પણ ઈહાં તારે આવવાનું શું કામ હતું? તે અમારી રમતમાં કેમ ભંગ પાડ્યો ? શું તું તારે ઘેરથી રીસાઈ આવ્યો છે ? શું આટલી નાની ઉમરમાં તું આવરદાથી કંટાળી ગયો છે કે મોતના જડબામાં આવી ફસાઈ પડ્યો ? તું ઈહાંથી એકદમ જતો નહી રહે, તો અમે બધાં મળીને તને ચીરી નાંખી તારો લોહીની ઉજાણી કરીશું.” રાજા કરણ એવી રાંડોથી બીહે એવો ન હતો, મિયાનમાંથી તલવાર કાઢી તેણે જુસ્સાથી કહ્યું, “હું ક્ષત્રિય રાજપુત્ર, આખા ગુર્જર દેશનો રાજા કરણ વાઘેલો છું, અને તમે મારા રાજમાં રહો છો તેથી મારી રૈયત છો, માટે હું તમને આજ્ઞા કરું છું કે તમે સઘળાં કોણ છો તે તુરત મને કહો.” વંત્રીઓએ જાણ્યું કે આ તો દેશનો ધણી છે, તેથી તેઓ સઘળી તેની આગળ હાથ જોડીને ઉભી રહી, અને તેઓમાંથી એક બોલી, “રાજાધિરાજ ! અમે વાણીયા બ્રાહ્મણની બાયડીઓ હતી, પણ અમે સઘળી સુવાવડમાં મરી ગઈ, અમારા ધણી બીજી વાર પરણ્યા, તેથી તેઓએ અમારી પાછળ યોગ્ય ક્રિયા કીધી નહી માટે અમારી અસદ્ગતિ થઈ છે, માટે હે રાજા ! જો તમે તેઓને કહી તેઓની પાસે અમારે સારૂં નારાયણબળિ કરાવશો તો જ અમારો ઉદ્ધાર થશે.”

રાજાએ તેઓના ધણીનાં નામ લખી લીધાં, અને તેઓને વચન આપ્યું કે હું તમારો જલદીથી આ ગતિમાંથી છુટકો કરાવીશ, વંત્રીઓ એ સાંભળીને એટલી તો ખુશ થઈ કે તેઓ સઘળી બોલી ઉઠી:- “રાજા તું માગ, જે માગે તે આપીએ.” રાજાએ પોતાના ભવિષ્યની વાત પુછી ત્યારે એક વંત્રી બોલી, “મહારાજ ! અમને ભવિષ્યનું જ્ઞાન નથી, તો પણ જ્યારે તમે અમારા ઉપર આટલો ઉપકાર કીધો છે ત્યારે અમે પણ તમને એક શીખામણ દઈએ તે પ્રમાણે તમારે ચાલવું. તમે જાણો છો કે બાયડીઓથી જગતમાં ઘણી ઉથલપાથલ થઈ છે. સીતાને રાવણ હરી ગયો તેથી લંકાનો નાશ થયો, અને રાવણનું મૃત્યુ થયું; દ્રૌપદીનાં ચીર દુર્યોધને ભરી સભામાં ખેંચાવ્યાં તેથી કુરૂક્ષેત્રનું યુદ્ધ થઈ તેમાં કૌરવોનો અને તેઓનાં તથા પાંડવ તરફનાં કરોડો માણસોનો નાશ થયો, માટે હે રાજા ! બાયડીથી બહુ સંભાળીને ચાલવું, અને તેઓ સાથે જેમ બને તેમ થોડો સંબંધ રાખવો.”

કરણ રાજા એટલું સાંભળી પાછો વળ્યો, અને આખે રસ્તે આ બનાવ વિષે એટલા બધા વિચાર તેના મનમાં આવ્યા કીધા કે તેણે રસ્તો કાંઈ જાણ્યો નહીં. તે એક યંત્રની પેઠે આગળ ચાલ્યાં જ કરત, પણ એક મહાદેવના દેવસ્થાન આગળ ભારે ભીડ થઈ હતી ત્યાં લોકોની ઉપર તે અથડાયો ત્યારે તેને ભાન આવ્યું. આસપાસ જોઈ ભીડ થવાનું કારણ લોકોને પુછ્યું ત્યારે એક જણે જવાબ દીધો કે દહેરામાં વૈરાટપર્વનું નાટક થાય છે તે જોવાને લોકો મળ્યા છે. નાટકનું નામ સાંભળીને તે જોવાનું તેને મન થયું અને ખવાસને બોલાવી બંને જણ દહેરામાં ગયા, તથા ધક્કામુક્કી કરી ઉભા રહ્યા તો ત્યાં વૈરાટ રાજાની સભા મળી હતી, અને પાંડવો એક પછી એક જુદો જુદો વેશ ધારણ કરી રાજાની પાસે નોકરી માગવા આવતા હતા, નાટકની ગમતમાં રાજા એટલો બધો લીન થઈ ગયો કે વંત્રીની વાત તે તમામ ભુલી ગયો. કેટલીક વારે ખવાસને અફીણને લીધે ઝોકાં તથા બગાસાં ખાતો જોઈને રાજાને પણ બગાસાં આવવા માંડ્યા, અને એક પહોર રાત રહી છે, એમ સાંભળીને તેણે પાછા મહેલ ઉપર જવાનો ઠરાવ કીધો. જતાં પહેલાં મહાદેવનાં દર્શન કરવાને દહેરા તરફ ગયો, પણ બારણાં આગળ જાય છે એટલામાં ઝમઝમાટ કરતી આવતી સ્ત્રીને જોઈને પોતાની મરજી ઉપરાંત તે ત્યાં જ ઉભો રહ્યો, અને તેની શુદ્ધ બુદ્ધ ઉડી ગઈ. તે સ્ત્રી ખરેખરી પદ્મિની હતી. જ્યારે તે સ્ત્રી દહેરામાં ગઈ અને જ્યારે કરણને બોલવાની શુદ્ધિ આવી ત્યારે તે સ્ત્રી કોણ હતી તે વિષે તેણે ખવાસને પુછ્યું, ખવાસે જવાબ દીધો કે, “મહારાજ, એ તો આપણા પ્રધાનજી માધવની ધણીઆણી છે, અને તેની પાછળ ચાકરના હાથમાં સેનાની થાળી હતી, તેમાં ચંદન, પુષ્પ, ધૂપ, નૈવેદ્ય હતું તેથી તે પૂજા કરવા આવી હશે.” વિજળીનો આચકો લાગ્યો હોય તેમ આ સાંભળીને કરણ ચમક્યો અને બોલ્યો, “માધવની ધણીઆણી ? પેલા માધવની ! એ વાત ખરી છે? તું જુઠું તો બોલતો નથી ? આ રાજ્યમંદિરમાં વાસ કરવા લાયક, એ રાજ્યમહેલનું આંગણું દીપાવે એવી સ્ત્રી એક બામણાના ઘરમાં ! એવો વિચાર કરતો કરતો કરણ પોતાના મહેલમાં જઈ હિંડોળે સુતો, પણ તેને જરા પણ નિદ્રા આવી નહી.

પ્રકરણ ૩ જું.

જ્યારે કામજવરથી પીડાયલે કરણ રાજા પોતાનું ધારેલું કામ પાર પાડવાના વિચારમાં બીછાના ઉપર તરફડીયાં મારતો હતે તે વખતે બહાર રાતનો અમલ ઉતરીને રાત તથા દહાડાની મર્યાદાની વચ્ચેનો તકરારી વખત થયો હતો. આકાશ કેવળ સ્વચ્છ હતું. અરૂણે સોનાની કુંચીવડે પૂર્વ દિશાનો મોટો દરવાજો ઉઘાડ્યો, અને સુતી દુનિયાને જાહેર કીધું કે હવે સૌને કામે વળગવાનો વખત થયો છે. અરૂણ સારથી આવ્યો એટલે તેની પાછળ સૂર્યનારાયણ રથમાં બેસીને જલદીથી આવશે એવું જાણીને રસ્તામાં રમતા છોકરા મહેતાજીને આવતા જોઈ નાસી જાય છે તેમ તારાઓ એક પછી એક પોતપોતાનું મ્હોડું સંતાડવા લાગ્યા, ચંદ્ર તો તે પહેલાં અસ્ત થયલે જ હતો. શુક્રનો તારો જેને વિષે ગામડીયા લોકો કહે છે કે ચંદ્રમા મુઆ પછી એ તેની જગો સાચવશે, તે થોડી મુદત સુધી હિંમત રાખી ઉભો રહ્યો, પછી તે પણ જલદીથી ભરાઈ ગયે. સૂર્ય દેવતાને આદરમાન આપવાને પૂર્વ તરફ વાદળામાં ઇંદ્ર રાજાએ ઘણા ભભકાદાર રંગના સાથીયા પૂર્યા. તળાવોમાં કમળનાં ફુલ ખીલી તેઓએ પોતાના સૂર્ય પિતાને મળવાને પોતાનાં મ્હોડાં પૂર્વ તરફ ફેરવ્યાં. કુમુદિનીનાં ફુલની પાંદડી બીડાઈ જઈ નીચે નમી ગઈ. પોતાની પ્રિયાને ખીલેલી જોઈ ભમરાઓ કમળની આસપાસ ફરી ગુંઝાગુંઝ કરવા લાગ્યા. ચંપા, ચંબેલી, સેવતી, માલતી, વગેરે કુલોમાંથી મંદ મંદ સુગંધ શીતળ વાયુની સાથે ઘસડાઈ આવીને નાસિક ઈંદ્રિયને મગ્ન કીધી. ઠેકાણે ઠેકાણેથી દિવાકરના ચોપદાર કુકડાઓએ નેકી પોકારી. ચકલીઓ માળામાંથી નીકળી ચીંચીં કરવા લાગી. કાગડાઓ કાકા બોલવા લાગ્યા. પાંજરામાંનાં પોપટ, મેના ઈત્યાદિ પક્ષીએાએ મીઠા બોલથી પોતાના ધણીને જગાડ્યા; અને વાડીઓ તથા ઝાડીઓ સુંદર નાદવાળાં પક્ષિઓના શબ્દથી આનંદકારક થઈ રહી, દેવસ્થાનોમાં દેવને જગાડવાને નેાબત તથા શંખ વાગવા લાગ્યા. શહેરમાં ગરીબ લોકોનાં ઘરમાં ઘંટીનો ઘોર તથા તેની સાથે દળનાર બાયડીઓને શોર થઈ રહ્યો. કેટલાએક સવારે,સુતા સુતા પ્રભાતિયાં તથા બીજાં ભજન ગાવા મંડ્યા. છીપા, સોની, લુહાર કંસારા વગેરે ઉદ્યમી લોકોએ તે વખતે હથોડા ઠોકી શહેરના તે ભાગને ગજાવી મુક્યો. કોઈ કોઈ ઘરમાં એક અથવા વધારે બાયડીઓ બેસીને ઘરમાંના લાંબી મુદત ઉપર મુએલા માણસને વાસ્તે અમથો રાગડો કાઢી જૂઠું રડવા લાગી. તેઓની આંખ તેએાના મ્હોંને જવાબ દેતી ન હતી, કોઈ કોઈ ઘરમાં દહીં વલોવવાનો શબ્દ સંભળાતો હતો. રાજાના મહેલમાં ચોઘડીયાં વગેરે બીજાં વાજીંત્રો વાગી રહ્યાં હતાં. વિદ્યાર્થીઓ ઓટલે બેસી પાનાં હાથમાં રાખી ધુણતા ધુણતા આગલા દહાડાનું શીખેલું ફરીથી વાંચી જતા હતા. વાણિયાના છોકરા પોતાના અક્ષર ઠેરવવાને વાસ્તે દોપીસ્તાં લખવા બેઠા હતા. ગાય, ભેંસ ઈત્યાદિ પશુઓ ગળાના બંધ છુટ્યાથી આનંદમાં ગોવાળિયાની પાછળ ચરવા જતાં હતાં. કુળવંતી, સારા સ્વભાવની બાયડીઓ ઉઠી પોતાનાં ઘર વાળીઝાડી પેતાનાં છોકરાં તથા ધણીને સુખ આપવાનાં સાધન કરવામાં પડેલી હતી; તેમ દુષ્ટ શંખણી બાયડીઓ બબડતી, ફફડતી છોકરાંને ગાળ દેતી, તથા મારપછાડ કરતી, અને ધણીને ધમકાવતી આણીગમ તેણીગમ ઘરમાં ફરતી હતી. આળસુ, એદી, અફીણી, અને એવા સુસ્ત લોકો બગાસાં ખાતા ઢોલીયા ઉપર ગબડતાં હતા; પણ ઉદ્યમી ચાલાક લોકો ઉઠી દાતણ પાણી કરી પોતપોતાને ધંધે વળગ્યા હતા, દુકાનદારો તો થોડો નાસ્તો કરી લુગડાં પહેરી હાથમાં મોટી કુંચી લઈ દુકાને જતા હતા. કેટલાએક દુકાન ઉઘાડતા હતા. અને કેટલાએક તો દુકાન ઉઘાડી વાળી ઝાડી, ધોઈ તેની પૂજા કરી, માલ ગોઠવી દુકાન આગળનો રસ્તો સાફ કરતા હતા. કેટલાએક લોકો પાઘડી પહેરી અંગવસ્ત્ર ઓઢી હાથમાં લોટા લઈ શહેર બહાર જતા હતા. શહેરની સ્ત્રીઓ પાણી ભરીને માથા ઉપર બહેડાં ઉપર બહેડાં ચઢાવી ઘણી રમણિક ચાલથી પોતાના ધણી, સાસુ, નણંદ વિગેરેની વાતો કરતી ચાલી આવતી હતી, સહસ્ત્રલિંગ તળાવ ઉપર બ્રાહ્મણો પોતે નાહ્યા વગર બેસી બીજાઓને નાહવાના પુણ્યનો બોધ કરતા હતા અને તેઓનાં લુગડાં સાચવવાને સારૂ પૈસા લેતા હતા. તળાવમાં આસ્થાથી ઘણા લોકો નાહી ધોઈને સ્વચ્છ લુગડાં પહેરી ચાંલ્લા કરાવી દેવદર્શને જતા હતા, રાતના રાજા ઘૂડ તથા વનવાગળાં સવાર થવાથી કાગડા વિગેરે બીજાં પક્ષિના ધાકથી ઝાડામાં સંતાઈ જવાને ઉડી જતાં હતાં, ચકોર પક્ષિ તેના સ્વામિ ચંદ્રના અસ્ત પામવાથી કોઈ ગુપ્ત જગ્યાએ ભરાઈ બેઠું હતું. ચાર લોકો પોતાની આશા સફલ કરી અથવા તે નિષ્ફળ થવાથી નિસાસો મુકતા ઉતાવળથી પોતપોતાને ઘેર જતા હતા. મુસાફરો ચાલતા ઘોડે અથવા ગાડીમાં બેસીને ખુશીમાં અથવા ચિંતાતુર જતા હતા. રસ્તામાં ધેાબી બળદ લાદીને આનંદથી ગાતા ગાતા ઘાટ ઉપર જતા હતા. કેટલાએક ધનુર્વિદ્યા શીખવાને અથવા તેમાં અભ્યાસ વધારવાને નિશાન મારતા હતા. રજપૂત લોકો શહેર બહાર અથવા કોઈ ખુલ્લા મેદાનમાં પોતાના ઘોડાને ફેરવવા લેઈ જતા હતા. એ પ્રમાણે તે વખતે શહેરમો દેખાવ થઈ રહ્યો હતો.

એ સવારે માધવના ઘરમાં બારીએ માંચી ઉપર એક સ્ત્રી નીચું મ્હોં ઘાલી ચિંતાતુર થઈ ઘણા વિચારમાં બેઠેલી હતી, તેનું લુગડું જથ૨૫થર તથા ચોટલો વીખરાયલો હતો; તેણે શરીરે આછું આછું ઘરેણું ઘાલેલું હતું તેથી તેની નાજુક તથા ખુબસુરત કાંતિની શોભા બદલે તેમાં જુદી જ તરેહનો મોહ દેખાતો હતો. તેનાં અવયવો એવાં નાજુક હતાં કે દાતણવાળો રૂપાનો કળશીયો હાથે ઉંચકી પોતાની પાસે મુકયો તે વખતે તેનો નાજુક હાથ એટલા ભારથી પણ મરડાઈ જશે એવી તેના શત્રુઓને પણ ફિકર લાગે, તે અઢાર વર્ષની ભર જુવાનીથી પ્રફુલ્લિત થયલી હતી, અને તેનું નામ રૂપસુન્દરી તેના રૂપને યોગ્ય જ હતું. પણ તે માધવની સ્ત્રી આ વખતે ચિંતાતુર થઈ શા માટે બેઠી હતી ? આજે સવારે વહેલી ઉઠી ત્યારે તેનો ધણી કાંઈ કામસર ગામ જવાને માટે નીચે ઉતરેલો હતો, તેથી ધારા પ્રમાણે તેનાથી તેનું મ્હોં જોવાયું નહી, પણ તેને બદલે સાવરણી ખુણામાં પડેલી હતી તે જોઈ ઓરડામાંથી બહાર નીકળી એટલામાં એક બીલાડી આડી ઉતરી; બારી તરફ નજર ગઈ ત્યારે રસ્તામાં એક રાંડેલી બઈરી જતાં જોઈ. એ પ્રમાણે સવારના પહોરમાં તેને નઠારા શકુન થયા. તેનો ધણી ગામ જવા તથા ત્યાં આખો દહાડો રહેવાનો તેથી તેનું શું થશે એ વિષે તેને ભારે ફિકર થઈ, અને તે ગામ તે દહાડે ન જવાને તેણે તેને ઘણો સમજાવ્યો, પણ કામ અગત્યનું, રાજાનો હુકમ થયલો, અને પોતે નાગર એટલે વહેમ પણ થોડો તેથી વહુની વાત ન ગણકારતાં તે ગામ ગયો. તેના ગયા પછી તે મનમાં વિચાર કરવા બેઠી કે શકુનથી કાંઈ થતું નથી એ તો હું જાણું છું, પરમેશ્વરની ઈચ્છા વિના એક સળી પણ હાલતી નથી, તોપણ તેના મનમાં આવતું કે ભુંડો ભુંડાનો ભાવ ભજવ્યા વિના રહે જ નહી, માટે શૂળીનું વિઘ્ન કાંટે જાય તો જગદંબાની મોટી કૃપા સમજવી.

એ પ્રમાણે વિચાર કરી રૂપસુન્દરી નીચે ઉતરી સ્નાન કરી પવિત્ર વસ્ત્રો પહેરી પાટલે બેઠી, એટલામાં તેની નજર જોશી મહારાજ ત્યાં આવેલા હતા તે ઉપર પડી, જોશીને જોતાં જ તેને સવારના માઠા શકુન યાદ આવ્યા તેથી તેણે સઘળી વાત તેની આગળ કહી. જોશીએ જરા સૂર્ય તરફ નજર કરી આસપાસ જોઈ તોળા, વૃશ્ચિક, ધન, મકર, કુંભ ગણવા માંડ્યું, અને જરા વિચાર કરી જવાબ દીધો: “શકુન નડે એવું કાળયોગ ઉપરથી જણાતું તો નથી તો પણ શાસ્ત્ર પ્રમાણે તે વખતે તમારા અંગ ઉપર જે જે વસ્ત્રાભૂષણ હોય તે સઘળાં બ્રાહ્મણને દાન કરવાં જોઈએ, તમારી જન્મોત્રીની કુંડળી પણ મને મ્હોડે છે તે ઉપર ધ્યાન પહોંચાડતાં પણ કાંઈ વિપરીત થાય એવો સંભવ નથી, તમને માત્ર રાહુ પીડિત છે તેને માટે આજ તેનું દાન કરો તો સારું દાન ઘણું નથી; એક મહોર બસ છે.” રૂપસુંદરીએ તે જ ક્ષણે સવારે પહેરેલાં તમામ લુગડાં, ઘરેણાં તથા તે ઉપર એક સોનાની મહોર મુકીને પગે પડીને જોશી મહારાજને આપ્યાં. તેમને વિદાય કીધા પછી થોડું ઘણું દેવપૂજન કરી ભોજનની તૈયારી કીધી. પણ એટલામાં ઘરના આગલા ચોગાનમાં શોરબકોર થતો સાંભળ્યો. ચાકરને તુરત તેણે તજવીજ કરવાને મોકલ્યો, તેણે આવી જાહેર કીધું કે રાજાના હજારો સિપાઈઓએ આવી આપણો મહેલ ઘેરી લીધો છે, અને તેઓ આપણી ચોકીદારોને કાપી નાંખે છે.

એ ખબર સાંભળતાં જ રૂપસુન્દરી મૂર્ચ્છાંગત થઈ ભોંય ઉપર પડી. કેટલાએક નામરદ ચાકરો નાસી જઈ ઘરમાં ખુણે ખોચરે ભરાઈ બેઠા, પણ કેટલાએક શૂરા ઈમાનદાર નોકરોને એ વાત સાંભળી શૂર ચડ્યું, અને પોતપોતાની ઢાલ, તલવાર વિગેરે જે જે હથીયાર હાથ આવ્યાં તે લઈ લડવા તૈયાર થઈ ઉભા રહ્યા. રૂપસુન્દરીની આગળ ઢાલ લઈને તેનો દીયર એટલે માધવનો ભાઈ કેશવ ઉભો રહ્યો. તેની ઉમર આસરે પચીસ વર્ષની હતી, અને પોતાના મોટા ભાઈએ રળીને તેને ઘણી મુદત સુધી ખવડાવ્યું હતું તેથી નાનપણથી તેને રળવાની ફીકર ન હતી. તેણે તેની સોળ વર્ષથી બાવીશ વર્ષ સુધીની ઉમર અંગકસરત, દાવપેચ, કુસ્તી, તલવારના પટ ઈત્યાદિ સિપાઈને ઉપયોગી થઈ પડે એવાં કામોમાં કાઢી હતી, તેથી જુવાનીના સ્વાભાવિક બળ સાથે તેનામાં કસરતથી મેળવેલું વિશેષ બળ હતું તેનું અંગ મજભૂત તથા સીનાદાર હતું. તેની આંખ જુસ્સાથી રાતી જ રહેતી, અને તેને વેચાતી લડાઈ લેવાની એવી તો ટેવ પડી ગઈ હતી કે માધવે તેને સારા ઉંચા હોદ્દા ઉપર નિમેલો હતો તો પણ જેમ બને તેમ તેને બીજા લોકો સાથે થોડો જ પ્રસંગ પડવા દેતો. તે તેના ભાઈના જેવો ખુબસૂરત તથા ગોરા વર્ણનો નહોતો; તોપણ લોહીની સ્વચ્છતાથી તેના રૂપ ઉપર જુદા જ પ્રકારનું તેજ દેખાતું હતું. તે બહાર આવો વાઘ હતો તો પણ ઘરમાં બકરી જેવો હતો, અને તેની છાતી બહારથી વજ્ર જેવી સખત હતી, તે પણ તેનું હૈયું ઘણું નરમ હતું. પોતાના ચાકર પાસે પોતાની વહાલી તલવાર મંગાવી એક હાથમાં તે પકડી બીજા હાથમાં ઢાલ રાખી ઉભો રહ્યો, અને હજારો માણસ તેના ઉપર એકદમ ટુટી પડે તો પણ મરાય તેટલા મારી આખરે મરવું એવો દૃઢ નિશ્ચય કરી તોફાની સમુદ્રની વચ્ચોવચ પથ્થરના ખડકની પેઠે રૂપસુન્દરીનું રક્ષણ કરવાને ઉભો રહ્યો. બહારના ચોગાનમાં ગડબડાટ વધ્યો; ઉછળતી તલવારનો ખડખડાટ કેશવને કાને પડ્યો, તેનું ચાલે તો ઉડીને ત્યાં જઈ શત્રુના કટકે કટકા કરી નાંખે; પણ સ્ત્રીનું રક્ષણ કરવું તેથી તેનાથી ત્યાંથી ચસાય નહી. એટલામાં એક મોટી ચીસની સાથે સો માણસો ઘરમાં પેઠાં, અને બારણા આગળ ઉભેલા માધવના ચાકરોને હઠાવીને તથા કાપી નાંખીને આગળ વધ્યાં. કેશવ તેમને આદરમાન આપવાને તૈયાર જ હતો, તણે એક ઘાથી આગલા સિપાઈના બે કકડા કીધા અને બીજે ઘાએ બીજાનું માથું તેના ધડથી જુદું પાડ્યું, સિપાઈઓ જરા આંચકો ખાઈ ઉભા, અને પોતાના નાયક સામું જોયું, નાયકે કેશવને કહ્યું, “સાંભળો ભાઈ ! અમે કંઈ ઈહાં મારામારી કરવા આવ્યા નથી. રાજાની ઇચ્છા રૂપસુન્દરીને લેવાની છે, તે જો તમે સલાહસંપથી આપશો તો અમે મુગા મુગા અમારૂં કામ કરીને ચાલ્યા જઈશું, નહી તો અમારે નકામી બ્રહ્મહત્યા કરવી પડશે, માટે વિચાર કરીને કામ કરજો. ”કેશવ ક્રોધથી રાતો હિંગળોક વર્ણ થઈ ગયો. તે બોલ્યો: “જો તારા કૃતઘ્ની, અધમ, વિષયી રાજાને રૂપસુંદરી જોઈતી હોય, અને તમને તેણે લેવા મોકલ્યા હોય, તો મને મારીને લઈ જાઓ. નાગર બચ્ચો કદી પોતાનો જીવ બચાવવા સારૂ પોતાના કુળ, ધર્મ તથા ન્યાતને કલંક લાગવા નહી દે.” તે સાંભળી નાયકે ઇસારત કીધી, એટલે એકલા કેશવ ઉપર તલવારના ઘાનો વરસાદ વરસાવ્યો, પણ એક તસુ ખશ્યા સિવાય તે મરણતોલ ઘાયલ થયો ત્યાં સુધી તેની તલવારે પાંચ અથવા સાત માણસનાં રૂધિર પીધાં. પણ ઘણા આગળ એકનો શો હીસાબ ? તેનું શરીર ઘાએ વીંધાઈ ગયું, આખું અંગ લોહીથી તરબોળ થઈ ગયું, અને અંતે એક કારી ઘા વાગવાથી, તથા લોહી વહેવાને લીધે અશકત થઈ જવાથી તે પડ્યો, અને એક ભયંકર ચીસની સાથે તેનો આત્મા આ દુષ્ટ તથા પ્રપંચી દુનિયાનો ત્યાગ કરી તેની અસલ ભૂમિમાં મહાન ન્યાયાધીશના તખ્ત આગળ જઈને ઉભો રહ્યો.

કેશવની મરતી વખતની ચીસ સાંભળતાં જ રૂપસુન્દરીને ભાન આવ્યું, તથા આસપાસનો બનાવ જોઈ બોલી ઉઠી: “શિવ, શિવ, રે ભગવાન આ તે શો દૈવકોપ!” તે વધારે બોલે છે એટલામાં રાજાના સિપાઈઓએ તેને પકડી ઉંચકી લીધી, અને ઘરબહાર લઈ ગયા. બેભાન અવસ્થામાં રૂપસુન્દરીને સુખાસનમાં બેસાડી રાજમહેલમાં લાવ્યા અને સિપાઈઓ પોતપોતાને કામે વળગ્યા. રાજ્યપાઠિકાની ચંદ્રશાળામાં એક પલંગ ઉપર રૂપસુંદરી સુતેલી હતી અને તેની પાસે કરણ રાજા બેઠેલો હતો. રૂપસુંદરીના કેશ છુટા તથા વીખરાઈ ગયલા હતા, તેની આંખ બેબાકળી થઈ ગયલી હતી, અને અગર જો તેને શુદ્ધિ તો આવેલી હતી, તે પણ આ અકસ્માત્ અને વગર ધારેલા બનાવથી તેનું મગજ ગુંચવાઈ ગયલું હતું. રાજા તેની આસનાવાસના કરતો હતો, અને તેના મનનું સમાધાન કરવાને તથા હવે જે થયું તે થયું અને જેવો વખત તેવું ચાલવું એ વાત તેના દીલમાં ઉતારવાને તે ઘણાએક પ્રયત્ન કરતો હતો.

રાજાની એ સઘળી વાતથી રૂપસુન્દરીના મનનું લેશમાત્ર પણ સમાધાન થયું નહી. તેના હૈયામાં શોકનો ઉભરો ચઢી આવ્યો. તેના મનમાં વિચારના તરંગ ઉપર તરંગ ઉઠવા લાગ્યાઃ– “અરે મારા ધણી, તેં મને લાડ લડાવવામાં કાંઈ બાકી રાખી નથી, તને પ્રધાનવટું મળ્યું નહતું, તું જ્યારે ગરીબ અવસ્થામાં હતો, ત્યારે પણ તેં દુઃખ ભોગવી મને સુખ આપ્યું. પાણી માગેલું ત્યારે દુધ આપેલું, અને કોઈ દહાડે મેં અપરાધ કીધા છતાં પણ તેં મને કડવા બોલ કહ્યો નથી. અરે ! તે સુખ તે હવે વહી ગયું ! હવે હું તારૂં મ્હોં ફરીથી ક્યાં જોઈશ ? તને પાનસોપારી હવે ક્યારે આપીશ ? તું જ્યારે ફીકર ચિંતામાં ઘેર આવશે ત્યારે મ્હોં હસતું રાખી તારી દિલગીરી કોણ કાઢી નાંખશે ? અરે હું દુષ્ટ ચંડાળણી, તારો પાડ તે હું ક્યારે વાળીશ ? તારું કીધેલું કોઈથી થવાનું નથી. મને અત્યાર સુધી કાંઈ છોકરાં ન થયાં તો પણ મારા જીવને કલેશ થાય માટે તે જરાં પણ તે વિષે શોક બતાવ્યો નથી. હાય હાયરે ! તે દહાડા તો ગયા, પણ હું જીવીશ ત્યાં સુધી તેને ભુલવાની નથી, અરે મહાદેવ, ઓ જગતપિતા, મને પાપીને તું ગમે તે કર, પણ મારા પરમપ્રિય સ્વામિને તું સદા આરોગ્ય, સુખી ધનવંત રાખજે. મારા ખરા દીલથી એ પ્રાર્થના છે તે તું સાંભળજે. અરે મારા દીયરજી, તારે સારૂં તો હું મારાં આંસુએ સાગર ભરૂં તો પણ થોડું છે તેં મારી આમન્યા કોઈ દિવસ લોપી નહતી, તેં મને મા સમાન ગણી હતી, અને મેં તને મારી આંખે મારૂં રક્ષણ કરવામાં ભોંય ઉપર લોહીમાં આળોટતો જોયો. તેં તારૂં જોર, જુવાની, તારી આશા, સ્ત્રી, તારો આવરદા મને આવી ભયંકર રીતે અર્પણ કીધાં; તું મારી ખાતર ભરજુવાનીમાં મુઓ, એ સઘળાને બદલો હું તે ક્યારે વાળીશ ? અરે મારી દેરાણી, તારૂં હમણાં કેવું મ્હોડું થયું હશે તે મારી આંખ આગળ આવે છે એટલે મારી છાતી ફાટી જાય છે. હાય ! હાય ! તારી શી ગતિ થશે ! તારી ઉમર કેટલી? હજી તો હમણાં સોળ વર્ષ પુરાં થયાં એટલામાં મુવા દૈવે તને રંડાપો મોકલ્યો, હવે એ દહાડા તે કેંમ જશે ? તું મને લાખો ગાળો દેશે તેથી મારા જીવને નિરાંત વળશે. અરે રામ ! તારા દુઃખનો કાંઈ કાંઠો નથી, તારી હવે કોણ પરવરશી કરશે ? તારા પીહેરમાં પણ સુખી નથી; તારી ભાભી તને ટપલા મારી સુકો રોટલો ખવડાવશે; એ બધું મારે લીધે, તું જીવતી મોઈ, અને તારા ધણીના તથા તારા મોતની હત્યા મારે માથે બેઠી. અરે પરમેશ્વર, તેં મને બળ્યું રૂપ શા સારૂં આપ્યું ? એ મુઆ રૂપથી આ સઘળી ખરાબી થઈ છે એ સઘળાં પાપથી હું ક્યારે છુટીશ? જીવતાં સુધી મારા મનમાં પસ્તાવાનો તાપ બળ્યાં જ કરશે તે કદાપિ રાજા કહે છે તે પ્રમાણે મને ગમે તેટલું સુખ થશે તો પણ નહી હોલવાય એવા અગ્નિથી હું બળી બળીને મરી જઈશ. ઓ ભગવાન ! તે દહાડો જલદી આવે તો સારૂં. વળી પરમેશ્વરે બ્રાહ્મણમાં અને સૌથી ઉંચી નાગરી ન્યાતમાં મને જન્મ આપ્યો તે સઘળું મિથ્યા. મારા એક ભવમાં બે ભવ થયા. કોણ જાણે કયા જન્મનાં પાપ નડ્યાં. ન્યાત, જાત, સગાં, વહાલાં, માબાપ, ભાઈ, ભોજાઈ, બહેન વગેરે સઘળાં કુટુંબના માણસોને મન તો હું આજ મરી ગઈ અરે ! તમે મારૂં આજ સ્નાન કરજો, હું તેઓને કોઈ વખત મળીશ તો ખરી, પણ હવે કાંઈ પહેલાં જેવો વહેવાર રહેવાનો છે? શું હવે એકઠાં મળીને ખવાવાનું છે? આખા નગરમાં સૌ મારે ફીટકાર કરશે. રાજાના મહેલમાં સૌ મને શત્રુભાવે જોશે. બીજી રાણીઓ મારી અદેખાઈ કરશે. અને રાજાનો ભરોસો શો ? રૂપ તો ક્ષણભંગુર, રૂપ ઉપરનો મોહ ખોટો સમજવો. પણ લાચાર, હવે બીજો શો ઉપાય ? જે બન્યું તે બન્યું. દૈવની ગતિ આગળ કોઈ ડાહ્યું છે? મારા નસીબમાં આ દુઃખ લખેલું હશે તે કોટી ઉપાયે પણ મિથ્યા થનાર નથી. વિધાતાએ લલાટમાં જે લેખ લખ્યા હશે તે કદાપિ ફરવાના નથી, માટે હવે તો જે માથે આવી પડે તે મૂગે મ્હોડે સહન કરવું.”

એ પ્રમાણે રૂપસુન્દરી રાજાના મહેલમાં વિચાર કરે છે, તે વખતે આખા શહેરમાં તેમ જ માધવના ઘરમાં ઘણો જ જુદો દેખાવ થઈ રહ્યો હતો. રૂપસુંદરીનું હરણ તથા કેશવનું મરણ થયું, એ ખબર આખા શહેરમાં ચાલ્યાથી સઘળે હાહાકાર થઈ રહ્યો. ઘેરઘેર, દુકાને દુકાને, ચકલે તથા મોહલે મોહલે એની એ જ વાત ચાલવા માંડી. માધવ ઉપર આવી ભારે આફત આવી પડી તેથી તે બીચારા ઉપર સઘળાં દયા લાવતાં હતાં. માણસો વાત કરતા હતા કે હવે રાજા કેાને પ્રધાન કરશે, અને તે વિષે અનેક અટકળ કરતા હતા. કેશવને તો બીચારાને કોઈએ ગણ્યો જ નહીં પણ રાજાની આ દુષ્ટ રીતથી સઘળાના મનમાં ત્રાસ પેસી ગયો. આજ તેને ઘેર ને કાલે આપણે ઘેર મ્હોકાણ મંડાય એવી સઘળાના મનમાં ફીકર ભરાઈ, વળી રાજધાનીના શહેરમાં બ્રહ્મહત્યા થઈ તેથી રાજ્ય ઉપર ઈશ્વર તરફથી શેા કોપ થશે એ વિષે ફિકર કરવા લાગ્યા. સઘળા ભારે ઉદાસીમાં પડેલા હતા. બાયડીઓ સઘળી રૂપસુંદરીની વાતો કરતી હતી. કેટલીએક કહેતી હતી કે પકડાઈ તે વખતે તેણે પોતાનો પ્રાણ કાઢવો હતો; બ્રાહ્મણ ટળી રજપૂત થવું પડશે તે કરતાં મોત હજારગણું સારું, કેટલીએક કહેતી હતી કે એ બીચારી શું કરે ? જીવ તો હાથે કેમ કઢાય? પરમેશ્વરે એને રૂપ આપ્યું તેમાં એનો શો વાંક ? રજપુત તે રજપુત પણ જીવ કાંઈ કઢાય નહીં, કેટલીએક બોલતી કે રાજા તો રૈયતને માબાપ, અને જ્યારે તે પોતાનાં છોકરાં ઉપર આવી દુષ્ટ નજર કરે, અને જોરજુલમથી બાયડીઓને પકડી લઈ જાય ત્યારે રાજયમાં રહેવાય પણ કેમ ? આજે એને અને કાલે બીજા કોઈને. પરમેશ્વર રાજાના એ બે અપરાધ સાંખવાનો નથી. જોજો થોડા દહાડા પછી એના ઉપર ભારે દુ:ખ આવી પડશે, એની રાણીને કોઈ લઈ જશે, અને રાજાને પાપે આખી રૈયત દુ:ખી થશે. ભગવાને જે ધાર્યું હશે તે થશે. એ પ્રમાણે આખા નગરમાં ચર્ચા ચાલી રહી હતી. માધવનો મહેલ સૂનોસુનો નિસ્તેજ અને ઉદાસ દેખાતો હતો. મોહલ્લામાં કુતરાં કઠોર સાદે રડતાં હતાં. બાઈડીઓ અને ભાયડાઓ ટોળે મળી ઓટલે બેઠેલાં હતા, અને પ્રધાનના ઘરને બારણે નાગર ગૃહસ્થ ડાધુને વેશે કોઇ રડતા હતા, તથા કોઈ ભારે દિલગીરીમાં બેઠા હતા. તેના જુના મિત્ર, તેના સગા કહેવડાવનારા, તેના ઓળખાણમાં આબરૂ માનનારા, તેને બારણે રોજ જોડા ફાડનારા, તેને બાપજી બાપજી કહેનારા, એ સઘળામાંથી કોઈ ત્યાં ન હતું. જેમ પાણી સુકાયા પછી માછલાં નાશી જાય છે, જુવાર કપાયા પછી ચલીયાં બીજે ઠેકાણે ઉડી જાય છે, જેમ ગળપણ ખસેડ્યા પછી તેના ઉપર બમણતી માખી જતી રહે છે, તેમ તે લીલા વનના સુડા, ઉગતા સુરજને પૂજનારા, આવતાના બોલબાલા તથા જતાનું મ્હોં કાળું કહેનારા, આ વખતે કોઈ માધવને ઘેર ફરકયા જ નહી.

માધવે થોડી મુદત સુધી જ પ્રધાનપણું કીધું હતું પણ તેટલા વખતમાં તેણે સારાં કામો કીધેલાં હતાં તેથી જ લોકો તેના ઘરને વાસ્તે શોક કરતા હતા, તેનાં સગાં તથા કેશવનાં સાસરિયાં સઘળાં ત્યાં આવ્યાં હતા. તેઓએ વિલાપ કરી હવેલી ગજાવી મુકી હતી. વખતે વખતે તેઓ એકઠાં મળીને કુટતાં હતાં, તે વખતે તેઓ એટલા જોરથી છાતી ઉપર હાથ અફાળતાં હતાં કે છાતીનો રંગ લોહીવર્ણ થઈ જતો હતો. કેટલાએકને તો તે જગાએથી લોહીની સેર ચાલતી હતી, અને જો કુટવાનું કામ વધારે જારી રેહેશે તો રોવા આવેલાંમાંથી બીજું કોઈ મરનારની પાછળ જશે એમ લાગતું હતું. ઘર આગળના ચોગાનમાં ચોકીદાર સિપાઈઓનાં મુડદાં કપાઈ ગયલાં પડ્યાં હતાં તેને ઠીક ગોઠવી બાળવા લઈ જવાની તૈયારી કરવામાં સૌસૌની ન્યાતના લોકો કામે વળગ્યા હતા. મરનાર સિપાઈઓની સંખ્યા આશરે પચાસની હતી, તે સઘળાની ન્યાતજાતના લોકોની તથા બાકી રહેલા જીવતા ચાકરોની રડારડથી ત્યાં ભારે ગડબડ થઈ રહી હતી. તેની સાથે બાયડીઓ ત્યાં આસરે હજારેક એકઠી મળી તરેહતરેહવાર અવાજ કાઢી વિલાપ કરતી હતી, તથા જીવથી બચેલા નોકરો “જીવતા શા સારૂ રહ્યા,” અને “ધણીની પાછળ પ્રાણ શા સારૂ અમારો ન ગયો,” એવા શબ્દો કાઢી મોટેથી બૂમ પાડી રોતા હતા. ઘરમાં ગયા કે પરસાળમાં એક ભયાનક દેખાવ નજરે પડતો હતો, એક ખુણામાં કેશવની વહુની મા, બેન, માસી, ઈત્યાદિ બીજાં સગાં બેઠેલાં હતાં, અને બીજે છેડે કેશવનું શબ પડેલું હતું. ગાયના પવિત્ર ગણાતા છાણથી સ્વચ્છ કીધેલી ભોંય ઉપર દર્ભ પાથરીને શબને સુવાડેલું હતું, અને તેના માથા આગળ નીચું માથું ઘાલી તેની ધણિયાણી બેઠેલી હતી.

એ સ્ત્રી તેની ઉમરના પ્રમાણમાં વધારે લાંબી હતી, તેનો રંગ ઘઉંલો હતો; અને અગરજો તે કાંઈ દેખાવડી ગણાતી ન હતી તો પણ આ પ્રસંગે તેના લોહીમાં જુસ્સો આવવાથી તેના તમામ શરીરનો રંગ રતાશ મારતો હતો, તેના મ્હોડા ઉપર એક પ્રકારનું તેજ પથરાયલું હતું. તેની આંખ એવી તો વિકરાળ તથા હિંગળોક વર્ણ થઈ ગઈ હતી કે તેને જોઈને કોઈ પણ પુરૂષ થથરી જાય, અને તે કોઈ ઈશ્વરી માતા છે એવું તેના મનમાં આવી તેને પગે પડવાની તેની મરજી થઈ આવે. તેનો એવો ઉગ્ર ચેહેરો જોઈને તેની માની પણ તેની પાસે જવાની હિંમત ચાલતી નહતી. તે એકલી પોતાના સ્વામિને એકાગ્ર ચિત્તે જોઇને બેસી રહેલી હતી, અને તેની આસપાસ જે રડાપીટ તથા શોરબકોર થતો તે ઉપર તેનું જરા પણ લક્ષ જતું નહતું, ઘણા લોકના મનમાં હતું કે તેને જલદીથી સત ચઢશે; પણ હજી તેમ થવાનાં ચિન્હ નજરે પડતાં નહતાં, તેની મા ઘેલી જેવી થઈ ગઈ હતી, અને છોકરીને આ રંડાપો આવ્યો તેના અત્યંત દુ:ખની સાથે તેને જોસ ચઢશે તો તે પણ બળી મરશે એવી ધાસ્તી ઉભી થવાથી તેને વધારે સંતાપ થવા લાગ્યો હતો. અત્યાર સુધી તો તેનો એવો અભિપ્રાય હતો કે છેાકરી રંડાય તેના કરતાં મરે તે સારૂં. રંડાય તો મ્હોં આગળ એક ધગધગતી સગડી થઈને પડે; તેને જોયાથી નિરંતર દુઃખનું સ્મરણ રહે; તેના જીવને ઘડી ઘડી ક્લેશ થયાં કરે તેથી તેના માબાપનાં હૈયાનો તાપ હોલવાય જ નહી. એથી ઉલટું તે મરે તો ઘણું દુઃખ લાગે ખરૂં, પણ તે દુઃખનો અંત પણ તે જ વખતે; પછી દેખવુંએ નહી અને દાઝવુંએ નહીં, પણ હવે તેને લાગ્યું કે મરવા કરતાં રંડાઇને જીવતી રહે તે સારૂ. તે એવી અવસ્થામાં જીવે તેમાં ઉપર કહેલાં દુ:ખ તો થાય, પણ છોકરી જીવતી રહી પોતાની આંખ આગળ રહે તેથી જીવને શાતા વળે. વળી તેને સલાહ પુછવા, સાથે જવા આવવા, તથા ઘરનું કામકાજ કરવામાં કામ આવે. બીજું તે ઘરડી અશક્ત થઈ ખાટલે પડે ત્યારે રાંડેલી છોકરી તેની ચાકરી કરવામાં તથા તેની સંભાળ રાખવામાં લાખ રૂપિયાની થઈ પડે. દુ:ખનું ઓસડ દહાડા, રાંડેલાં બઈરાં ધણીનું દુઃખ પણ કેટલેક વર્ષે ભૂલી જાય ત્યારે રાંડેલી તો રાંડેલી પણ જીવતી છોકરીથી તેનાં માબાપના અંતઃકરણમાં તો સંતોષ થાય, એ પ્રમાણે વિચાર ગુણસુંદરી (કેશવની વહુ જેનું નામ તેને યોગ્ય જ હતું, કેમકે અગરજો તેનું રૂપ તેની જેઠાણીના જેવું નહતું તો પણ તેનામાં ગુણ રૂપસુંદરી કરતાં વધારે હતા, અને તેના કેટલાએક ગુણો તે માણસોમાંથી પણ થોડામાં જ શોધ્યા જડે એવા હતા ) ની માએ કીધો, હવે જો છોકરી સતી થાય તો સારું કેટલું ? આખા શહેરમાં બલકે આખા ગુજરાતમાં તેનું નામ કીર્તિવંત થાય, તેની આખી ન્યાતને તેથી શોભા મળે, તેના કુટુંબની પ્રતિષ્ઠા વધે, અને તેના માબાપને સૌ કોઈ ધન્ય ધન્ય કહે, વળી શાસ્ત્ર પ્રમાણે તેનો તથા તેના ધણીનો ઉદ્ધાર થાય અને બધા દેવલોક તેને જોઈને પ્રસન્ન થાય, એ સઘળા વિચારથી ગુણસુંદરીની માના મનમાં ધર્મનો જુસ્સો ભરાયો અને તેની છોકરી જીવે તે કરતાં મરે તો સારું એવું તેના મનમાં નક્કી થયું. તોપણ પોતાની છોકરીનું મન જોવાને તેને પુછ્યું, “બેન, લોકમાં વાત ચાલી રહી છે કે તું તારો દેહ તારા ધણીને અર્પણ કરનાર છે, એ વાત ખરી હોય તો મારી જાત ઉપર, મારી ઉમ્મર ઉપર, મારી અવસ્થા ઉપર વિચાર કરીને જે કામ કરવું હોય તે કરજે. તારા વિના મારાથી જીવાવાનું નથી, તારી પાછળ હું મારો દેહ પાડીશ, પછી તારા બાપની, તારાં નાનાં નાનાં ભાઈ બેનની શી વલે થશે ? શું હું તને મરતાં જોઉં ? શું તું તારી મેળે મરે, અને હું ડોશી તને વળાવી જીવું ? એમ કદી થનાર નથી. માટે તારા દુ:ખના જોશમાં તેં જે કાંઈ ગાંડો વિચાર કીધો હોય તે મનમાંથી કાઢી નાંખ અને પરમેશ્વરે જે આફત મોકલી છે તે સહીને દુઃખેપાપે દહાડા કાઢવા ઉપર નજર રાખ. જો તારો આવરદા ટુંકો જ હશે તો વધારે જીવવું નહી પડે. પણ જાણી જોઈને તે કેમ મરાય ? માટે હવે જીવવું, અને જે થાય તે જોવું, તે સિવાય બીજો કાંઈ ઉપાય નથી.”

આ વાત સાંભળતાં જ ગુણસુંદરીના મ્હોં ઉપર વધારે લોહી ચઢી આવ્યું, તેની આંખ વધારે લોહીવર્ણ થઈ, તેનું આખું શરીર થરથર ધ્રુજવા લાગ્યું, અને જે મહાભારત દુ:ખ તેના ઉપર આવી પડ્યું હતું તેની અસર તેના અવાજ ઉપર થવાને બદલે તેના શબ્દ વધારે જુસ્સાથી તથા સ્પષ્ટતાથી નીકળવા લાગ્યા, અને તે કોઈ દહાડો વાચાળ ન હતી તેવી આ વખત થઈ. તે બોલી:–“હવે જીવવું ? જેણે મારો હાથ પકડ્યો, જેની સાથે ઘણાં વર્ષ આ સંસારમાં સુખમાં અથવા દુ:ખમાં કાઢવાની આશા બાંધી, જેણે મને મનગમતાં લાડ લડાવ્યાં, જેણે આટલાં વર્ષમાં એક કડવો સુખન કહ્યો નથી, જે બહાર વાઘ જેવા ગણાતા, પણ મારી સાથે જેની વર્તણુક ગરીબ ગાયના જેવી હતી, તે આટલી નાની ઉમ્મરમાં આવે અકાળ મોતે મારાથી રીસાઈ ગયા, અને હું દુષ્ટ પાછળ પડી જાઉં ? ના ના, તે જ્યાં હશે ત્યાં હું જઈશ. તેનું જે થશે તે મારૂં થશે. હવે જીવવું ? જીવીને મારા ધણીની અસદ્ગતિ કરાવવી, અને જે પૂર્વ જન્મમાં પાપથી તેનું આવું મૃત્યુ થયું તે પાપ ધોઈ નાંખવાનું મારા અખતિયારમાં હોવા છતાં આ ક્ષણભંગુર જગતમાં થોડા દહાડા દુ:ખેપાપે કાઢવા સારૂ તેના અક્ષય સુખનો નાશ કરૂં ? હવે જીવવું ? જીવીને ઘરેણાંનો ત્યાગ કરી રુદ્રાક્ષની માળા ધારણ કરવી, અને મારાં વહાલાં લુગડાં બચકે બાંધી ધોળું વસ્ત્ર પહેરી ફરવું? હવે જીવવું ? જીવીને સઘળા વ્યવહારથી દૂર રહેવું, અને સઘળાં શુભ કામમાં મારો ઓળો પડવા ન દેવો ? હવે જીવવું ? જીવીને લોકોમાં રાંડ કહેવડાવવું, અને રસ્તામાં કોઈને મળું તો તે અપશકુન સમજી પોતાના ઘરમાં પાછા ભરાઈ જાય તે સહન કરવું! હવે જીવવું? જીવીને ઘરમાં બોજો થઈ પડવું અને માબાપના દુ:ખનું મૂળ થવું? હવે જીવવું? જીવીને ભાઈ ભોજાઈના ઠોક ખાવા અને પેટને સારૂ હલકામાં હલકી પરતંત્રતાની અવસ્થા ભોગવવી ! હવે જીવવું ? જીવીને શું સુખ ભેાગવવું ? જીવવાથી ફળ શું ? માટે એવી રીતે જીવવા કરતાં મરવું લાખ ગણું સારૂં. માટે મરવું એ જ સિદ્ધાંત એમાં કંઈ સંશય નહી, માટે મારા ધણીની સાથે મારી પણ તૈયારી કરવી.” એટલું બોલતાં બોલતાં તેને બેહદ જોસ ચઢી ગયો, અને તે “જય અંબે” “જય અંબે” બૂમ પાડી ઉઠી. એ બૂમ સાંભળતાં જ સઘળાં બઈરાં સતી માની પાસે આવી તેને પગે પડ્યાં, અને જે કોઈ રોતું હતું તેને ધમકાવવા લાગ્યાં.

તે વખતે બે પિંડ તૈયાર કરાવી ગોરે એક શબને અને બીજો પાંથક, એ પ્રમાણે એક શબની નીચે દર્ભ ઉપર અને બીજો આંગણે મુકાવ્યો. અને શબને સ્મશાન લઈ જવાની તૈયારી થઈ જોઈને બાયડીઓ ગુણસુંદરીને બીજા ઓરડામાં લઈ ગઈ, ત્યાં તેને સ્નાન કરાવ્યું, પછી તેણે પોતાને હાથે ઘણાં જ કિમતી વસ્ત્ર પહેર્યા, અને ઘલાઈ શકાય એટલાં ઘરેણાં ઘાલ્યાં. બાકી જે પોતાનું રહ્યું તે સઘળું પોતાની બેન, ભોજાઈ વગેરે સગાંને વહેંચી આપ્યું, તે સતી માતાનો પ્રસાદ તેઓએ ઘણા હર્ષની સાથે લીધો, પછી, પોતાને કપાળે પિયળ કાઢી, ચોટલો છુટો તથા ભીનો રાખ્યો. અને એવે વેશે તે પાછી પોતાના ધણીના શબ પાસે આવી. તેનાં દર્શન કરવાને મોહલ્લાનાં તથા શહેરનાં એટલાં લોક એકઠાં થયાં કે ત્યાં દેવમંદિરના જેવી ભીડ થઈ રહી, તે સઘળાં તેને પગે લાગતાં, અને તેઓને તે આશીર્વાદ દેતી, કેટલીએક વાર ચુપ રહ્યા પછી તે બોલી, “સાંભળો લોકો, એક વાર મહાદેવના સસરાએ યજ્ઞ કીધો તેમાં તેણે પોતાના જમાઈને નોતરૂં દીધું નહીં, તેથી તે મહાદેવની સ્ત્રી સતીને ક્રોધ ચઢ્યો, અને તે તેના બાપના ઘરમાં અગ્નિકુંડમાં પડીને બળી મોઈ, તેને બીજે જન્મે તે પાર્વતી થઈ હિમાચળને ઘેર અવતરી, અને મહાદેવને પાછી વરી, એ જ રીતે આજે હું મારા ધણીની ચિતામાં બળી મરી બીજા જન્મમાં અવતરી તેને જ પરણીશ, અને જેટલું સુખ ભોગવવું બાકી રહ્યું છે તેટલું ત્યાં ભોગવી લઈશ.” તે સાંભળી લોકો “જય અંબે” “જય અંબે” બોલ્યા, તે વખતે સતી માએ પોતાના બે હાથ ઘસીને તેમાંથી મુઠ્ઠેમુઠ્ઠા હિંગળોક કાઢ્યો, અને તેવડે સઘળી સૈભાગ્યવંતી સ્ત્રીઓને ચાંલ્લા કીધા. ઘણીએક ઓળખીતી સ્ત્રીઓના માથા ઉપર અથવા વાંસે હાથ ફેરવ્યા, અને બીજાઓને લાંબા હાથ કરી આશીર્વાદ દીધો. કેટલીએક સ્ત્રીઓ પોતાનાં માંદાં છોકરાંને ત્યાં સતી માતાનાં દર્શન કરાવવા લાવી હતી તેના ઉપર સતી માનો હાથ મુકાવવાને તેઓ ઘણી આતુર હતી. તે સઘળાંને રાજી રાખવાને બધાં માંદાં છોકરાંને આશીર્વાદ દીધો, એટલે તેઓ સુસ્ત થઈ પડી રહ્યાં હતાં તે હસવા તથા રડવા લાગ્યાં. લોકો આવેલાં કોઈ જાય નહી, અને નવાં આવ્યાં જ કરે તેથી શબ લઈ જવાને વખત ન મળે માટે બ્રાહ્મણોએ સઘળા લોકોને ઘર બહાર કાઢી મુક્યા, અને શબને બહાર કાઢ્યું, એવે વખતે સાધારણ રીતે જે રડારડ તથા બુમાબુમ પડે છે તે કાંઈ તે વખતે ત્યાં થયું નહી જ્યાં સતી થવાની હોય ત્યાં રડવાનું કામ બંધ પડે છે, સતી હાથ ચોળતાં અને હાથમાંથી હિંગળોક વેરતાં વેરતાં બહાર આવી સુખાસનમાં બેઠાં. આગળ પાછળ લોકોનું ટોળું અને વચમાં શબને ઉંચકનારા બ્રાહ્મણો તથા સતીનું સુખાસન હતું. લોકો પાછળથી “જય અંબે” “જય અંબે” “અંબે માતકી જય” કરતા હતા, અને તેમાં સતી મા પણ સામેલ થતાં હતાં. આગળ રણશિંગડાં, શરણાઈ, તુરાઈ, ઢોલ, નોબત, ઘંટા, ઘડિયાળ, શંખ, થાળી, ઝાંઝ વગેરે વાજીંત્રનો એકત્ર થયલા જેવા પણ બેસુરો તથા ભયાનક નાદ થતો હતો. એવી રીતે તે સઘળાં શહેરના દરવાજા આગળ આવ્યાં, તે વખતે વાંઝિયાં બૈરાં પુત્રવંતાં થવા સારૂં સતી માતાના હાથ માથે મુકાવવા આવ્યાં, તેઓ સઘળાંને તેણે રાજી કરી પાછાં વાળ્યાં, જે સ્ત્રીઓને સાસરે અથવા પિએર દુ:ખ હતું, જેઓનો ધણી તેઓના કહ્યાસર નહીં હતા, જેઓને રંડાપો વહેલો આવશે એમ લાગતું હતું, જેઓને છોકરાં આવતાં પણ જીવતાં નહી, તે સઘળાંને સતી માએ આશીર્વાદ દીધો, પછી પુરૂષોનાં ટોળેટોળાં પોતપોતાનાં ધારેલાં કામ પાર પડે એવા હેતુથી સતીને પગે પડી આશીર્વાદ માગવા લાગ્યાં. તેઓ સઘળાં તૃપ્ત થયાં. ત્યાર પછી જે કોઈએ કોઈ પણ વખત સતીના ઉપર દ્વેષ રાખ્યો હશે, જેએાએ ખુલ્લી રીતે તેને અપશબ્દ કહ્યા હશે, અથવા ગાળો દીધી હશે, તેઓએ પણ તેની પાસેથી ક્ષમા માગી, તે તેમને મળી, આગળ ચાલતાં શબને દરવાજા બહાર વિસામા ઉપર મુક્યું, અને ત્યાં ધારા પ્રમાણે પિંડદાન કરવામાં આવ્યું, તે વખતે લોકોનાં ટોળાંમાંથી એક ચીથરીયા રજપૂતે બહાર નીકળી હાથ જોડી સતીને વિનંતિ કીધી, “માતા પરાપૂર્વથી એવો સંપ્રદાય છે કે જ્યારે કોઈ સતી થાય છે ત્યારે તે શહેરના, અથવા ગામના દરવાજા ઉપર હિંગળોકના હાથા મારે છે, અને શહેર અથવા ગામના રાજા તથા રૈયત એ બંનેને આશીર્વાદ દે છે, તે પ્રમાણે માતાએ પણ આ વખત કરવું જોઈએ.” તે જ ક્ષણે સતીએ પોતાના બે હાથ ચોળી બળતાં અંગારાઓ ખોબે ભર્યો, અને તે શહેર ઉપર ફેંકી બોલ્યાં. “જે રાજાએ વગર વાંકે પરસ્ત્રી, પોતાના મુખ્ય પ્રધાનની વહુ, બ્રાહ્મણી, અને તે પણ વળી નાગર જ્ઞાતિની, એવીનું હરણ કીધું, જે રાજાએ એવું કામ કરી તેના મુખ્ય પ્રધાનને, તેનું ભલું ઈચ્છનારને, તેના રાજ્યનું સુખ વધારનારને તેના દરબારમાંથી હમેશને માટે કાઢી મુક્યો, જે રાજાએ બળાત્કારે પરસ્ત્રી હરણ કરવામાં તેનો કારભારી જે ઉંચો બ્રાહ્મણ હતો તેના ભાઈની હત્યા કરાવી, અને અગર જો તે સ્ત્રીના મનને મરવું દુર્લભ છે અને કૈલાસ લોકમાં જવા જેવું છે, તોપણ તેનાં અકાળ મૃત્યુથી તેનાં માબાપ, ભાઈ, બેન, સગાં વહાલાં, ઈત્યાદિને જે પરમ દુ:ખ થશે તેનું કારણ જે રાજા છે, તે રાજા ગણ્યા દહાડામાં વનવન રઝળશે; તેની સ્ત્રીને પારકા લઈ જશે; તેની છોકરી દુ:ખ પામી પામીને પરપુરૂષના હાથમાં જઈ પડશે; તેનું મોત તે પોતે માગી લેશે; તે ક્યાં તથા ક્યારે મુઓ તે કોઈ જાણશે નહીં; તેનું નામ નિશાની કાંઈ રહેશે નહી; તેના મહેલમાં તેના શત્રુ આવી વસશે; અને રાજાના પાપથી રૈયત દુ:ખી થાય એવો નિયમ છે તે પ્રમાણે આ અણહિલ્લપુર પાટણનો નાશ થશે; તેનું દ્રવ્ય લુંટાઈ જશે, તેના વ્યાપારીઓ જડમૂળથી ઉખડી જશે; અને કેટલાએક કાળ પછી આ ઠેકાણે આવું મોટું શહેર હતું તેનું એક પણ ચિહ્ન રહેશે નહી. રે જગદંબા ! મારો આ શાપ ફળજો. જો મારું આ વચન સિદ્ધ ન થાય, તો મને પાપી, દુષ્ટ, ઢોંગી અને મિથ્યા સતી સમજજો, માટે રે તેત્રીસ કરોડ દેવતાઓ ! મને સહાય થજો, અને મારૂં વાક્ય ફળિભૂત થજો. ” એ વચન સાંભળીને તથા તે બોલતી વખતે સતીમાનું દેવતાઈ તથા ઉગ્ર સ્વરૂપ જોઈને પેલો રજપૂત તો પગથી માથા સુધી થરથર ધ્રુજવા લાગ્યો અને તેના મનમાં એવા તો વિરૂદ્ધ વિકારો ઉત્પન્ન થયા કે તેના જોરથી તેને ચકરી આવી, અને જો પાસેના લોકોએ તેને પકડી લીધો નહી હોત તો તે ભોંય ઉપર પડત. તેને એવી અવસ્થામાં જોઈને તે કોણ છે, અને તેને બીજા કરતાં આટલો વધારે શોકાતુર થવાનું શું કારણ છે તેની તજવીજ કરવાની બીજાઓને ઘણી ઈચ્છા થઈ; પણ તે ગડબડાટમાં તે ઉઠીને એવો તે સટકી ગયો કે ગમે તેટલું શોધ્યા છતાં પણ તે જડ્યો નહી અને તેથી લોકોનું આશ્ચર્ય વધ્યું, અને તે કોઈ પરલોકને પુરૂષ હશે એમ બધા લોકોના મનમાં શંકા ઉત્પન્ન થઈ. લોકોમાં પણ ભારે વાતો ચાલવા લાગી. સતીનો શાપ સાંભળીને સઘળાંઓનાં લોહી ઉડી ગયાં. ધનવંત લોકોએ પોતાનું ધન સંતાડવાનો મનસુબો કીધો; દરબારી લોકો શી રીતની આફત આવી પડશે તે વિષે અટકળ કરવા લાગ્યા. બીજા લોકો મ્હોં લાંબાં કરી રાજાનાં સઘળાં આગલાં કામો સંભારવા લાગ્યા. લુચ્ચા ચોર અને એવા લોકો જેઓને રાજ્યની ઉથલ પાથલમાં હમેશાં લાભ થાય છે તેઓ અંતઃકરણમાં ખુશ થઈને ખરાબીને દહાડો જેમ બને તેમ જલદી આવે એમ પરમેશ્વર પાસે માગવા લાગ્યા; અને જે વખતે હરામીના બે ભાગ થાય તે વખતે ગરીબનો મારો થાય જ, એ નિયમથી બ્હીને ગરીબ નબળા લોકોએ શહેર છેડી પરદેશમાં વસવાને નિશ્ચય કીધો.

એવા વિચારમાં ને વિચારમાં તેઓ શબની સાથે સ્મશાનમાં આવ્યા, અને ઉંચકનારા બ્રાહ્મણોએ તે શબને ઉતારીને નદીના પાણીમાં ડુબતું મુકી ચિતા તૈયાર કરવા માંડી. માણસના આત્મા વગરના શરીરને વાયુ તથા પૃથ્વીમાં મેળવી દેવાનો જે ઉપાય કરવામાં આવ્યો હતો તે ઉપર સઘળાએાની નજર દોડી, બાવળની સાથે અગર તથા સુકડનાં લાકડાંની એક ચોરસ ચિતા સીંચી હતી, અને તેના ઉપર એક લાકડાંની મઢુલી બનાવી તેની ચારે બાજુએ ઘાસ, કાંટા તથા બીજા જલદીથી મળે એવા પદાર્થથી ઢાંકી નાંખી હતી. મથાળા ઉપર મોટી ભારે ગાંઠો ગોઠવી હતી, અને એક બાજુએથી અંદર પેંસવાનો રસ્તો રાખ્યો હતો. સ્મશાનમાં ગયા પછી સતી સુખાસનમાંથી ઉતર્યા. તે વખતે તેના ચહેરા ઉપર જરા પણ દહેશત જણાતી ન હતી. તેની ચાલ ઉપરથી પણ તે મરવાનું પાસે આવ્યું એમ જાણી જરા પણ આંચકો ખાતી હોય એમ દીસતું ન હતું. તેનું મ્હોં હસતું તો નહીં તો પણ તેના ઉપર શાંતિ તથા જે કામ કરવા ધારેલું તે કરવાનો દૃઢ નિશ્ચય જણાતો હતો, તે ત્યાંથી ચાલીને ચિતા સામે ઉભી રહી, અને શબની સઘળી ક્રિયા થઈ રહ્યા પછી તેણે ચારે દિશાએ નમસ્કાર કીધા, અને સૂર્ય તરફ નજર કરી બોલી –“ સૂર્ય દેવતા ! તું પ્રત્યક્ષ દેવ છે, તારું તેજ સઘળે વ્યાપી રહ્યું છે. તું સઘળા જીવનનું મૂળ છે; અને તું આખું જગત બહારથી જુએ છે એટલું જ નહી, પણ વસ્તુઓની અંદરનાં તત્વ તથા પ્રાણી માત્રના અંતઃકરણના વિચાર જાણે છે, માટે મેં જે પાપ કીધાં હોય તે બાળી નાંખી મને શુદ્ધ કર. અગ્નિદેવતા ! જો મેં ખરેખરૂં પતિવ્રત પાળ્યું હોય, અને મને ખરેખરું સત ચઢ્યું હોય, તો મને અંગીકાર કરજો, નહીં તે મને તમારો સ્પર્શ પણ થવા ન દેતા.” ત્યાર પછી તેણે પરમેશ્વરની સ્તુતિ ઉચું મ્હોં રાખી નીચે પ્રમાણે કીધી –

શાર્દૂલવિક્રીડિત છંદ.

દીનાનાથ દયાળ તું જગતમાં, દાતા દુખીયા તણો,

પ્રાણી માત્ર રહી મહી તળ સહુ, આભાર માને ઘણો;

ભાનુ ચંદ્ર બિરાજતા ગગનમાં, તારા પ્રકાશે અતિ,

ગિરિ, સાગર, ઝાડ પાન સઘળાં, માનું હું તારી કૃતિ. ૧

વાડી ખેતરનાં ફુલો મઘમઘે, રૂપે રળીઆમણાં,

ભૂમી ઘાસ છવાયલી ખુશનુમાં, શોભા તણી ના મણા;

કોટી કોટિ લવું જીવે પવનમાં, ન્હાસે રમે સૌ મળી,

આકાશે બહુ શોભતાં ખગચરે, ઉડે ફરે તે વળી. ર

ગાડી રાન મધે રહે વનચરો, ખાએ ખુશીમાં વસે,

લીલા એ સહુ ઈશ્વરી નિરખતાં, બુદ્ધિ જ પાછી ખસે;

પાપી માનવિ ક્લેશમાં રઝળતો, દીસે ઉદાસી ખરે,

આશામાં રહી કાળ તે નિરગમે, ભામા વૃથા તે કરે. ૩

માયા તો અદ્દભૂત છે હરિતણી, થાએ નહીં માપ રે,

પિડા કારણ શું હશે જગતમાં, શોધ્યા તણું પાપ રે;

માટે વિનતિ હું કરું કરગરી, પ્રીતે શુણી રાખજે,

પાપો ઘોર કીધાં જ મેં સરવદા, બાળી સહુ નાંખજે. ૪

એ પ્રમાણે સ્તુતિ કર્યા પછી તેને ચિતાની આસપાસ ત્રણ પ્રદક્ષિણા ફેરવી. ફરતી વખતે તેણે તેના અંગ ઉપરથી તમામ ઘરેણાં કાઢી નાંખી બ્રાહ્મણોને વહેંચી આપ્યાં, અને ત્રીજી પ્રદક્ષિણા ફરતી વખતે તેનું ચિત્ત આ દુનિયા ઉપરથી એટલું તો ઉઠી ગયું કે તેની આંખ આંધળી જેવી થઈ ગઈ અને તેણે ઠોકર ખાધી. તે વખતે તેના ગોરે તેનો હાથ પકડ્યો પડવાથી લોકોમાં નામોશી થશે એવા વિચારથી જાગૃત થઈ તેણે હાથ ઝટકી નાંખ્યો, અને લોકોની સામું મ્હોં ફેરવીને ઉભી રહી, તેને જોઈ લોકો સ્તબ્ધ થઈ ઉભા રહ્યા. શરદ મહીનાના બે પહોર દહાડાનો આકરો તડકો પડતો હતો, ભીડથી તથા તાપથી લોકોનાં મ્હોં ઉપર પરસેવાના રેલા ચાલતા હતા, લોકો એવા તો ચુપ હતા કે ત્યાં એક પૈસો પડે તો તેનો પણ અવાજ સંભળાય, પવન એટલો તો બંધ હતો કે ઝાડ ઉપરનું એક પણ પાતરૂં હાલતું નહતું, અને સરસ્વતીનું પાણી તળાવના જેવું નિર્મળ તથા સ્થિર રહેલું હતું. સ્વદેહરક્ષણ એ સૃષ્ટિનો એક નિયમ છે, ધન, માલ, સ્ત્રી, છોકરાં ઈત્યાદિ જગતમાં જે વહાલામાં વહાલું હોય તેને અર્પણ કરી સ્વદેહનું રક્ષણ કરવાની સઘળામાં પ્રેરણા મુકી છે, તે નિયમ, તે પ્રેરણા તોડવાને એક માણસ ધર્મના જુસ્સામાં આવીને, ધર્મશાસ્ત્ર ઉપર ભરોસો રાખીને, અને વગર જોયલી અને વગર અનુભવેલી વાતો ઉપર વિશ્વાસ રાખીને, પોતાનો દેહ પોતાની રાજીખુશીથી, અક્કલ હોશીયારીથી અર્પણ કરવાને તૈયાર થયલું જોઈને જાણે આખું વિશ્વ વિસ્મિત થઈ તમાશો જેવાને સ્થિર ઉભું હોય એમ લાગતું હતું. પણ સતી મા તેના સ્વામીને મળવાને આતુર થઈ રહ્યાં હતાં. તે મઢુલીનું એક પાસું ઉઘાડીને તેમાં પેઠાં, પોતાના ધણીનું માથું ખોળામાં મુક્યું, અને બ્રાહ્મણને ઈશારત કીધી. બ્રાહ્મણોએ તે ઉપર પુષ્કળ ઘી રેડ્યું, અને મશાલવડે ઘાસકાંટાને સળગાવી મુકયા, તાપનું એકદમ મોટું ભડકું થયું. મઢુલીનું મથાળું કડકડ થઈને તુટી પડયું. બાજુ તરફના પ્રજવલિત પદાર્થો વચ્ચોવચ પડ્યા. રણશિંગડાં, તુરાઈ ભુંગળ, ઢોલ, નોબત, શરણાઈ, ઝાંઝ, થાળી વગેરે વાજીંત્રોનો એવો મોટે અવાજ થઈ રહ્યો કે લોકોને પોતાના કાન હાથે બંધ કરવા પડ્યા, અને અવાજના આચકાથી આભ તુટી પડશે એવું લાગ્યું, એ બધાની સાથે લોકો પણ જેમ પડાય તેમ જોરથી “અંબે,” “જે અંબે,” “ અંબે માતની જે,” એવી ચીસ પાડવા લાગ્યા તે વખતે જે ભયાનક તથા રાક્ષસી દેખાવ થઈ રહ્યો તેનું બયાન જ થઈ શકે નહી, ગુણસુંદરીનું સુંદર શરીર લાકડાંની કમઠાળો નીચે છુંદાઈ ગયું, અને એક પણ મરતી વખતની ચીસ પડ્યા સિવાય તેના તથા તેના સ્વામીના આત્માનાં મૃત્તિકા-ગૃહો આસુની મારફતે પંચમહાભૂતમાં મળી ગયાં, અને તે દેહરૂપી ઘરમાં વસતા તેમના આત્મા જે જે બક્ષિશો લઈ આ દુનિયામાં આવ્યા હતા તેનો ઉપયોગ શી રીતે કીશો તેના હિસાબ આપવાને રાજાઓના રાજાની હજુર રજુ થયા.

લોકો સઘળા ઉદાસ થઈને તથા દુનિયા તરફની વૃત્તિ ઉઠાવી પોતપોતાના ઘર તરફ વળ્યા. માત્ર એક રજપૂત ત્યાં ઉભો રહ્યો, તેની કલ્પનાશક્તિ આ સઘળા બનાવથી એવી તો તીવ્ર થઈ ગઈ હતી કે તેણે સતીની મરતી વખતની ચીસ સાંભળી એમ તેના મનમાં ભ્રાન્તિ પૈઠી, એ કેવા અપશકુન ? હવે શી અવસ્થા થશે ? હવે હું શું કરું ? એવા વિચારમાં ને વિચારમાં તે ડુબી ગયો, અને અસહ્ય દુઃખ થવાથી એક પથ્થર ઉપર બેસી નાના છોકરાની પેઠે તે રડવા લાગ્યો.

જેના મનમાં પાપ તેને કદી સુખ થતું નથી. દુનિયામાં જે જે બનાવો બને છે તેથી તેને નુકસાન પહોંચશે એવી તેને હમેશાં ધાસ્તી રહે છે. એક કાંકરો પડે તો તે જાણે છે કે એક પહાડ તેના ઉપર પડ્યો. તેને રાત્રે જરા પણ નિદ્રા આવતી નથી, એક ઘડી પણ ચેન પડતું નથી. ખરેખરી અને કલ્પિત દહેશતોથી પીડાયાં કરે છે. કીધેલાં માઠાં કામનો પસ્તાવો નહીં છંટાય એવો અગ્નિ થઈ તેનું આખું શરીર બાળી નાંખે છે. અને તેની પાસે ગમે તેટલું દ્રવ્ય, કુટુંબકબીલો, નોકર ચાકર, તથા દુનિયાનું સઘળું બહારનું સુખ હોય છે તો પણ પાપનો કીડો તેનું કલેજું કોતરી ખાય છે, અને અંતે તો નરકમાં જવાની ખાતરી રાખી પોતાનો પ્રાણ મુકે છે, એવી મહાદુ:ખદાયક અવસ્થા તે રજપૂત જે કરણ હતો તેના મનની હતી.

પ્રકરણ ૪ થું.

અરે રામ ! આ શું થયું ? અરે દુષ્ટ દૈવ ! આ તારો શો કોપ ? અરે ભગવાન ! મેં શું કીધું કે મારા ઉપર આટલી ઉપરાઉપરી આફત આવી પડી? રાજાએ તે દહાડે મને ગામ જવાનો હુકમ કીધો તેની મતલબ હવે સમજાઈ. તે દુષ્ટ ચંડાળનો મારૂં ઘરજ ઉખેડી નાંખવાનો વિચાર હતો, એવો કૃતઘ્ની રાજા પૃથ્વી ઉપર કોઈ થયો જ નથી અને થશે પણ નહીં. જ્યારે સારંગદેવ મરી ગયા ત્યારે તેને ગાદીએ બેસાડવાને કેટલી મહેનત કરવી પડી છે ? કેટલી યુક્તિઓ કામે લગાડવી પડી છે ? કેટલાં કાવતરાં કરવાં પડ્યાં છે ? અને એ બધું કર્યા પછી તેને ગાદી મળી ત્યારે તેણે કેવાં કેવાં મને વચન આપ્યાં છે ? પણ ત સઘળાં જુઠાં, 'ગરજ સરી એટલે વૈદ્ય વેરી' એ કહેવત પ્રમાણે થોડા વખતમાં મેં કીધેલો ઉપકાર તે ભુલી ગયો. હું જ મૂર્ખ કે એવા સાપના બચ્ચાને મેં દુધ પાઈને ઉછેર્યું કે તે મોટું થયા પછી પહેલાં તેણે મને જ ડંખ માર્યો. પણ એવી કૃતઘ્નતા પરમેશ્વર સાંખવાનો નથી, પણ ભવિષ્યની વાત શી કરવી ? હમણાં તો તેનાં દુષ્ટ કામનાં સારાં ફળ તે ભોગવે છે, જો તે દહાડે મેં મારી વહુની વાત સાંભળી હોત તો હું ગામ જાત નહીં, અને આ આફત કદાચ આવી પડત નહીં. પણ દૈવની સામે કોણ ડાહ્યા છે? લખીત વાત સો ભવે પણ મટતી નથી. વિધાતાના જે લેખ છે તે પ્રમાણે થયા વિના રહેતું જ નથી. પણ આવું દુઃખ સામટું કોઈને પડ્યું જ નહી હશે. સ્ત્રીને રાજા લઈ ગયો એટલું જ દુઃખ માણસનું અંતઃકરણ કોતરવાને બસ છે; પણ તેની સાથે આ તો મારો નાનો ભાઈ જેને મેં લાડથી ઉછેરેલો, જેને મેં મારા છોકરા જેવો જાણેલો, તે આવે અકાળ મોતે મુએ એથી તો સીમા વળી. અરે કેશવા, તને ધન્ય છે! તેં તારો જીવ આપ્યો, પણ જીવતો રહી આપણા ઘરની સ્ત્રીને પારકાના હાથમાં જવા ન દીધી. તેં તારા જોરનું સાર્થક કીધું. સબળે અબળનું રક્ષણ કરવું જોઈએ તેમ કરવામાં તેં તારો દેહ પાડ્યો તેથી તું હમણાં કૈલાસ લોકમાં બિરાજતો હોઈશ અને તે વિચારથી મારૂં દુઃખ અર્ધું ઓછું થાય છે. પણ એટલું પણ દૈવને બસ ન લાગ્યું. હમણાં જેઠાશાને મોતીશા આવ્યો, તેના કહેવાથી જણાયું કે ગુણસુંદરી સતી થઈ. ને તેના સ્વામીની સાથે બળી મોઈ. એથી હરખાવું કે શોક કરવો તે સમજાતું નથી. ઘર તો જડમૂળથી ઉખડી ગયું. વંશવૃદ્ધિની તો હવે આશા રાખવી ફોકટ. પણ નામ તો અમર રહેવાનું. ગુણસુંદરીના સ્વાત્માર્પણથી આખા કુળની, આખી ન્યાતની પ્રતિષ્ઠા વધી, અને મારી સાત પહેડી તરી. શી માણસની અવસ્થા છે ! મોટાઈ કેવી અનિશ્ચિત છે ! આજ છે અને કાલે નથી. જેવું બીડમાંનું સુકું ઘાસ, જેને બળતાં જરા પણ વાર લાગતી નથી; સૂર્યાસ્ત થતી વખતની જેવી છાયા, તે વખતે તો તે ઘણી મોટી દેખાય છે, પણ થોડી વાર પછી નહીં સરખી થઈ જાય છે; તે તો એક નિદ્રાનું સ્વપ્નું, જાગ્યા એટલે કાંઈ મળે નહી. દસેરાને દહાડે કેવી સ્થિતિ હતી, અને આજ કેવી? આશરે દશ કોશ સુધી દમ ખાધા વિના પગે ચાલીને હું ઈહાં આવી પહોંચ્યો. મારા બધા ચાકર, સિપાઈ આજ કયાં ગયા? હું તો એકલો ફરૂં છું, તો પણ હું જીવું છું એટલી મહાદેવજીની કૃપા છે. જો હું પણ મરી ગયો હોત તો એ દુષ્ટ રાજા સુખેથી બેસત. પણ હું હવે તેનો કાળ થઈ ભટક્યાં કરીશ. અને તેને એક દહાડો પણ ચેન પડવા દઈશ નહીં, એનું વેર લીધા વિના રહેવાનો નથી. અરે! ક્રોધપુત્ર વેર, તું મારી છાતીમાં જાગૃત થા. હવે તારૂં કામ છે. જ્યાં લગી આ દેહમાં આત્મા છે, ત્યાં સુધી તું છાતીમાં જ વાસ કરજે. વેર તો આખા જગતમાં પથરાયલું છે. કદાપિ કેટલાંક પુસ્તકોમાં તેની નિંદા કીધેલી હશે પણ તેથી કાંઈ તેની શક્તિ જરા પણ ઘટી નથી, નિર્જીવ પદાર્થો પણ વેર લે છે. જો હું આ ભીંત ઉપર મારો હાથ ઠોકું તો તે ભીંત મને સામું તેટલું જ મારે છે. તે શું વેર નથી લેતી ? કુતરાને પથ્થર મારીએ તો તે સામે ભસીને કરડવા નથી આવતો ? સાપને પગ તળે છુંદીએ તો તે આપણને કરડીને આપણો પ્રાણ નથી લેતો ? એ પ્રમાણે કયું અવાચક પ્રાણી જેનામાં વેર લેવાની શક્તિ છે તે તેને ઉપદ્રવ કીધા છતાં સામું વેર નથી લેતું ? વળી માણસને ધર્મશાસ્ત્રમાં ક્ષમા કરવી, દયા લાવવી, એ વગેરે બોધ થયા જ કરે છે, તો પણ તેઓ વેર લીધા વિના ચુકતા નથી. દેવતાઓ પણ વેર લે છે એવી વાર્તા આપણે પુરાણમાં કયાં નથી વાંચી ? વેર તો જગતનું રક્ષણ છે જો કોઈ વેર લે નહી તો દુનિયા ચાલે પણ નહી. જો કોઈ માણસને કોઈ ટપલો મારે તો તે સામા બે મારે છે; જો તેનામાં તેમ કરવાનું જોર નહી હોય તો જ ક્ષમા કરે છે, અથવા રાજા આગળ ફરિયાદ કરી તેને શિક્ષા કરાવે છે. એ તો अशक्तिमान भवेत साधु. જો એક માણસ બીજા કોઇનો કાંઇ માલ ચોરી જાય, અથવા તેને બીજી કોઈ પણ રીતે કાંઇ નુકસાન પહોંચાડે તો તેનું તે વેર લે છે. અથવા લેવડાવે છે. ડાહ્યા પુરૂષો કહે છે કે જો સઘળા લોકો પોતાના ઉપર ગુજરેલા અન્યાયને માટે પોતાની મરજી પ્રમાણે વેર લે તો દુનિયાની અવ્યવસ્થા થઇ જાય, અને જલદી તે લય પામે; માટે હરેક ગુન્હાને વાસ્તે રાજાને ફરીયાદ કરવી. અને જો તેનાથી દાદ ન મળે, તો પરમેશ્વર તરફથી ઈનસાફ મળશે જ એવો દૃઢ વિશ્વાસ રાખી બેસવું. પણ રાજા કાંઈ હમેશાં નિષ્પક્ષપતા હોતો નથી, અથવા ખરેખરો ન્યાય કરતો નથી, અને ઘણીએક વખતે તેમ થઈ શકતું પણ નથી. રાજા પોતે જ જ્યારે અપરાધી હોય, ત્યારે તેનો ઇનસાફ કોણ કરે ? કોઈ લાચાર થયા વિના પરમેશ્વરના ઇનસાફ ઉપર રહેવા દેતું નથી. એ તો મન વાળવાની વાત છે. જો મન મોટું રાખી આપણે હરેક ગુન્હેગારને ક્ષમા કરી જવા દઈએ તો દુનિયામાં ગુન્હેગારની સંખ્યા વધી જાય, અને જેટલા ગુન્હા થાય તે સઘળાનું પાપ આપણે માથે પડે. પરમેશ્વરની શિક્ષાથી થોડા જ બીહે છે. કોણ તે જોઈ આવ્યું છે ? જે સરકાર ઈનસાફ મુકી દઈને લોકોને કહે કે જે ગુન્હો કરશે તેનો બદલો તેને પરમેશ્વર તરફથી મળશે તો પછી ગુન્હો કરવાથી કેટલા અટકે છે તે જણાય. માટે વેર તો લેવું જ જોઈએ, અને જ્યારે આપણી બાબતમાં ગુન્હેગાર રાજા છે ત્યારે સ્વહસ્તે વેર લેવું, અને જો તેમ ન લેવાય તો જ તેને પરમેશ્વરને સોંપવો.

એવા વેરના તરંગ સિદ્ધપુરમાં રૂદ્રમાળાના દેવસ્થાનના સરસ્વતી નદી ઉપર જવાનાં પગથીયાંની પગથાળ ઉપર એક જુવાન માણસ રાતને વખતે ફરતો હતો તેના મનમાં ઉઠતા હતા. તેની છાતી ક્રોધથી ઉભરાઈ જતી હતી, અને તેનો ક્રોધ વ્યાજબી છે એમ જાણી સૃષ્ટિ પણ તેવી જ રીતે ક્રોધાયમાન દીસતી હતી. સરસ્વતી નદીમાં એટલું તો જોરથી પૂર વહેતું હતું કે તેમાં ઝાડનાં ઝાડ તથા મુએલ જાનવર ઘસડાઈ જતાં હતાં. આકાશ વાદળાંથી એવું તો ઘેરાઇ ગયલું હતું કે સામો માણસ અથડાય ત્યાં સુધી તેનું મ્હોં દેખાતું નહીં, વરસાદ પણ ઝરમર ઝરમર આવતો હતો, પવન એટલા જોરથી વાતો હતો, કે તેના ઘુઘવાટથી છાતી ધબકયા વિના રહે નહીં. તેની સાથે વાયુબળથી પાણી ગજગજ ઉંચાં ઉછળતાં હતાં. ઝાડો ભોંયની સાથે અફળાતાં, અને કેટલાંએક તો જડમૂળથી ઉખડી જશે એમ લાગતું હતું. આકાશમાં વિજળીના ઝળકાટ થઈ રહ્યા હતા, અને તેથી જ વખતે વખતે અજવાળું પડતું તે વડે રૂદ્રમાળાના કીર્તિસ્તંભ, તેનું નકશીદાર તોરણ, નાનાં નાનાં દહેરાંનાં શિખરો, વગેરે જણાતાં હતાં. વિજળી થઈ રહ્યા પછી ગર્જનાના કડાકા એવા તો જોરથી થતા કે તેના જોરથી તથા પવનથી બધું દેવસ્થાન તુટી પડશે એવી દહેશત લાગતી હતી. એવી વખતે, એટલે જ્યારે ઈશ્વર કોપાયમાન થયો હોય એવો દેખાવ ચોમેર થઈ રહ્યો હતો ત્યારે માણસ ક્રોધને વશ થાય એમાં શું આશ્ચર્ય ? એવે વખતે મનને શાંતિ થવાને બદલે તે વધારે જોશ ઉપર ચઢે. અને જેવો સઘળો દેખાવ કાળો તેવાં કાળાં કામ કરવાને મન પ્રવૃત્ત થાય એમાં શું નવાઈ ? એવી સ્થિતિ તે વખતે માધવના મનની હતી. તેનું શરીર ધ્રુજતું હતું, અને તેના મનની અવસ્થા તેના શરીરની અવસ્થા ઉપરથી જણાઈ આવતી હતી. તેણે મોતીશાના મ્હોંથી ફરી સઘળી વાત સાંભળી લીધી, અને તેથી ઉલટું અગ્નિમાં તેલ હોમાયું. આવી વખતે તેણે મોતીશાનો ઉપકાર પણ માન્યો નહી. જે વખતે માધવના તમામ મિત્રો તેને છોડી ગયા, તે વખતે એ શાહ પોતાનું ઘર, ધણીઆણી, છોકરાં, દોલત તથા બીજું સુખ તજીને પોતાના અસલ મિત્રને સહાય કરવા આવ્યો. જેના ઉપર રાજાની ઈતરાજી થઈ તેની પાસે ઉભા પણ રહેવું નહીં એવો જેઠાશાનો મત હતો, પણ તે ન જાણે તેમ શહેરમાંથી તે નીકળી આવ્યો, મિત્રાચારી તો એવી જ જોઈએ; અને એવી પ્રીતિ જુવાનીમાં જ્યારે અંતઃકરણ ગરમ હોય છે ત્યારે જ થાય છે. ઘડપણમાં જ્યારે સ્વાર્થનું જોર વધે છે ત્યારે પ્રીતિ ઓછી થાય છે, માટે ઘરડા માણસોમાં એવી મિત્રાચારી ક્વચિત જ હોય છે.

રાત ઘણી ગયા પછી મોતીશા તથા માધવ દહેરાંની એક ધર્મશાળામાં સુતા. પણ માધવને ઉંઘ આવે નહીં; વેર વેર તેના આખા શરીરમાં વ્યાપી ગયું હતું અને તે શી રીતે લેવું તેના વિચારમાં ને વિચારમાં તેણે પછાડા માર્યા કીધા. કેટલીએક વારે તે અર્ધ ઉંઘમાં પડ્યો, એટલે તેના સામી એક ઘણી રૂપાળી સ્ત્રી આવીને ઉભી રહી. તેનું તેજ એટલું હતું કે માધવની આંખ ઉઘડી ગઈ અને તે બોલ્યો: “વેરદેવી, તું માનવ હોય કે દાનવ, મૃત્યુલોકમાંની કે સ્વર્ગલોકમાંની ગમે તે હોય, પણ દુષ્ટ કરણ રાજાનું વેર શી રીતે લેવું તે બતાવ.” સ્ત્રી બોલી “અલ્યા માધવ ! તું નાગર છે તેથી તું મારો આશ્રિત છે. હું જગતની માતા, અંબા ભવાની છું, અને મારો વાસ આરાસુર પર્વતની ઉપર છે, માટે તું મારૂં દર્શન કરવાને ત્યાં આવજે એટલે હું તને શું કરવું તે બતાવીશ.” એવું કહી માતાજી અદૃશ્ય થઈ ગયાં, અને માધવ આસપાસ જોવા જાય છે તો ત્યાં કાંઈ જ દીઠું નહી. માધવને હવે નક્કી થયું કે માતાજી મને સહાય થશે, માટે કાલ સવારે ઉઠીને તેનાં દર્શન કરવા જવું, પછી ત્યાંથી જે ઉપદેશ મળશે તે પ્રમાણે ચાલીશ.

એટલો નિશ્ચય કીધાથી તેને જરા શાંતિ થઈ. આખા દહાડાનો થાક લાગ્યો હતો, તથા તેના મનમાં જે ઉથલપાથલ થઇ રહી હતી, એ સઘળાંથી તેના મગજ ઉપર અસર થઇ, તેથી તે નિદ્રાને વશ થયો, અને જ્યારે સૂર્યોદય થયો, અને તડકો તેની આંખ ઉપર આવવા લાગ્યો, ચ૯લીઓ તથા બીજાં પક્ષીઓ શોરબકોર કરવા લાગ્યાં, અને દહેરામાંના સાધુ વેરાગી મોટા અવાજથી રાગ ગાઇ આણીગમ તેણીગમ ફરવા લાગ્યા, ત્યારે જ તે ઉઠ્યો. ઉઠતાં જ વાર ગામમાં જઈ તેણે બે ઘોડા વેચાતા લીધા અને સવારના કામથી પરવારી તે તથા મોતીશા ઘોડાઉપર સવાર થઈ માતાજીના સ્થાનક તરફ જવા નીકળ્યા. મોટે રસ્તે જાય તો રાજાના માણસોના જોવામાં આવે, માટે તેઓ સરસ્વતીને કિનારે કિનારે ચાલ્યા. થોડા દહાડા તો વસ્તીવાળો મુલક આવ્યો, પણ જેમ જેમ તેઓ સરસ્વતીના મુખ આગળ આવતા ગયા તેમ તેમ જમીન વધારે પહાડી તથા જંગલી થતી ગઇ. થોડીએક વાર તેઓનો રસ્તો એક જંગલી પણ રમણીક તથા ફળવાન ખીણમાં થઈને હતો. તે ખીણની આસપાસ ઝાડોથી ઢંકાયલા પહાડો ચોતરફ હતા. આ ઠેકાણે આ એકાંત નદીને કિનારે કિનારે તેઓ ચાલતા હતા તે વખતે સાંજ પડી ત્યારે અઘોર રાન વધારે ભયાનક દીસવા લાગ્યું. વાઘ, વરૂ, શિયાળ ઈત્યાદિ જંગલી જાનવરોનો અવાજ થવા માંડ્યો. અને તેઓની આસપાસ કાળા અને નાગા વનના માણસો કોઈ આઘા ગામોમાં નોબત વગાડતા તેનો કઠોર અવાજ તેઓને કાને પડ્યો. એટલામાં આઘે એક બળતું થયલું નજરે પડયું. ભીલ લોકો તેઓની દેવીને બળીદાન આપતા હતા, અને ભડકું સુકાં લાકડાંમાંથી નીકળીને એક પહાડથી બીજા પહાડ ઉપર મોટા સર્પની પેઠે વિંટળાતું દેખાતું હતું. એવે રસ્તે થઈને તેઓ અંબા ભવાનીના દેવસ્થાન આગળ સરસ્વતી નદીના મુખની પાસે કોટેશ્વર મહાદેવનું દેવાલય છે ત્યાં પહોંચ્યા. અને મહાદેવનાં દર્શન કરી ત્યાં રાત રહ્યા.

બીજે દહાડે, અંબા માતાના દહેરાં તરફ જવાનો રસ્તો ઘણો વિકટ, તથા ત્યાં ચોર અને વાઘનો ભય ઘણો હોવાથી, ચક્રાવો ફરી પહાડની તળેટી ઉપર દાંતા ગામ અંબા માતાના ઘણા માનીતા પરમાર રાજાઓનું હતું ત્યાં તેઓ પહોંચ્યા. તે વખતે માતાજીનો જાત્રાનો વખત ન હતો તોપણ કેટલાંએક માણસો માનતા ચઢાવવાને જતાં હતાં તેઓ તે બંનેને મળ્યાં. તેમની સાથે બીજે દહાડે સવારે પહાડ ઉપર ચઢવા માંડ્યું. ચઢાવ ઘણો લાંબો પણ સરળ હતો, તોપણ ઠેકાણે ઠેકાણે ખડબચડો તથા વાંકો ચુંકો હતો. જાત્રાળુ લોકોએ રાતા, પીળા, ધોળા, ઈત્યાદિ નાના પ્રકારના રંગનાં વસ્ત્ર પહેરેલાં હતાં. કેટલાએક પાસે ચળકતી તરવારો હતી, કેટલાએકનાં અંગ ઉપર ઝળકતાં સોનાનાં ઘરેણાં ઘાલેલાં હતાં, તે સઘળાં તડકામાં ચળકતાં હતાં. તેઓ રસ્તે ચાલતા ત્યારે મેદાન આવતું તેમાં લાંબી હાર દેખાતી, કેટલીએક વાર તો રંગબેરંગી પહાડોથી થોડા ઢંકાઈ જતા. અને કોઈ કોઈ વાર તો ઝાડાના ઓથામાં આવ્યાથી બિલકુલ નજરે પડતા ન હતા. ચઢાવના ઘણા સીધા ભાગની વચ્ચોવચ એક જુની વાવ હતી, ત્યાં સંઘે થોડીવાર મુકામ કીધો. પછી પાણી પી તાજા થઈને આગળ ચાલ્યા, અને ઉદાસ તથા ઉજજડ ટેકરામાંથી નીકળી રમણીય મેદાન ઉપર આવ્યા. તે વખતે આરાસુરના સુગંધીદાર પવનની લહેરોથી તેઓને આનંદ થયો. તે વખતે સંઘમાંના આગળ ચાલનાર લોકોએ બુમ પાડી કે દહેરૂં પાસે આવ્યું. એ બુમ સાંભળતાં જ સઘળા પોતપોતાના ઘોડા ઉપરથી ઉતરી પડ્યા. અને જમીન ઉપર લાંબા થઈ પગે લાગીને “જય અંબે, ” “જય અંબે,” “ અંબે માતકી જય.” એવી બુમ પાડી ઉઠયા. દહેરૂં આરાસુરના પહાડમાં આરાવલી પર્વતની શાખા જ્યાં નૈઋત્ય કોણમાં પુરી થાય છે ત્યાં હતું. તે દહેરું નાનું હતું, અને બીજાં કેટલાંક નામાંકિત દહેરાં કરતાં ઓછું શોભાયમાન હતું. તેની આસપાસ મજબુત કોટ હતો, તેમાં દેવીના પૂજારા, નોકર ચાકરો તથા જાત્રાળુ લોકોને રહેવાને માટે ધર્મશાળાઓ હતી. તેમાં એક નાનું લશ્કર પણ રહેતું હતું, પણ માણસના બળ તથા શસ્ત્રવડે અંબા માતાનું રક્ષણ થાય છે એમ ના કહેવાય માટે બહાર દરવાજો રાખવાને અંબા માતાએ ના કહી હતી. આ દહેરામાં જેનું પૂજન થતું હતું તે મહાદેવની પત્ની, હિમાચળ તથા મેનાની પુત્રી દુર્ગા હતી, ચાંપાનેર આગળ પાવાગઢ ઉપર તેનું ઉગ્ર તથા સર્વ ભક્ષક કાળકાનું રૂપ છે તેવું ત્યાં નહતું પણ ભવાની એટલે સ્વયંભૂની કામ કરવાની શક્તિનું તથા અંબાજી એટલે સૃષ્ટિની માનું રૂપ હતું. આરાસુરનું દહેરું ઘણું પ્રાચીન કાળથી ત્યાં હતું. એવું કહેવામાં આવે છે કે એ ઠેકાણે જ્યારે શ્રીકૃષ્ણ ભગવાન બાળક હતા ત્યારે તેના વાળ લેવડાવ્યા હતા, અને ત્યાર પછી જ્યારે રૂક્ષમણીને શિશુપાળની સાથે પરણવા ન દેતાં તેને ભગવાન લઈ ગયા, ત્યારે તે દેવીનું પૂજન કરવા આવી હતી તે આ ઠેકાણે જ આવી હતી. હજારો વર્ષ થયાં જાત્રાળુ લોકો ત્યાં આવતા તેથી સઘળું આંગણું ઘસાઈ ગયું હતું.

એ દહેરામાં માધવ અને મોતીશા આવ્યા, એક ધર્મશાળામાં ઉતર્યા, અને રસોઈપાણી કરી થાક ખાઈ સાંજની વખતે માતાજીનાં દર્શન કરવા ગયા. માતાજીનું સ્વરૂપ જુદા જુદા લોકોને જુદું જુદું દેખાય છે ખરૂં, પણ માધવને તો જુદાં જ દર્શન થયાં. માતાનો વેશ મ્લેચ્છનો હતો, તેના એક હાથમાં ખડગ હતું, અને બીજા હાથમાં એક માણસની ચોટલી હતી, માતાનું આવું રૂપ જોઈને તે આશ્ચર્ય પામી ઉભો રહ્યો, અને વધારે જોય છે એટલામાં તો માણસ જોર કરી માતાજીના હાથમાંથી નીકળી ગયો, અને તેના હાથમાં તેની ચોટલી રહી ગઈ એવું દીઠું, તેનો અર્થ શું હશે એ વિષે તે ઉંડા વિચારમાં પડ્યો, એટલામાં સિદ્ધપુરનો રૂદ્રમાળાની ધર્મશાળામાં આવેલું સ્વપનું તેને યાદ આવ્યું, તે ઉપરથી તેણે અટકળ કીધી કે મ્લેચ્છનો અર્થ મ્લેચ્છ અથવા તર્ક લોકોને દિલ્હીનો રાજા, અને પેલો માણસ એટલે ગુજરાતનો કરણ રાજા, એ ઉપરથી દિલ્હીનો તુર્ક રાજા કરણને સપડાવશે, પણ તે તેનું રાજ મુકીને નાસી જશે - એ શિવાય બીજો કાંઈ અર્થ દેખાતો નથી, માતાજીએ વેર લેવાનો રસ્તો બતાવ્યો તો ખરો, માટે હવે દિલ્હી જવું અને ગુજરાત ઉપર ચઢાઈ કરવાને ત્યાંના સુલતાનને વિનંતિ કરવી, એવી રીતે તેનો ખુલાસો થયો, તેથી તે ઘણો આનંદ પામીને માતાજીને પગે પડ્યો. પછી ફુલના હાર, નાળીએર, પૈસા, તથા ઘરેણાં માતાજીને ચઢાવ્યાં. વળી તેણે વસ્ત્ર નિશાન, સોના રૂપાનાં વાસણ, ઘંટ, અને માતાની પૂજાનો બીજો કેટલોએક જરૂરી સામાન અર્પણ કીધો. રાત્રે માતાને થાળ મોકલી તેમાં બકરાં, મુરઘાં, ઈત્યાદિ માતાને બળીદાન આપી શકાય એવાં પ્રાણીઓનું માંસ તથા મદિરા મુકેલાં હતાં, માધવ જ્યાં સુધી ત્યાં રહ્યો ત્યાં સુધી ખાવામાં અથવા બીજા કોઈ પણ કામમાં તેણે તેલ વાપર્યું નહી. સઘળે ઠેકાણે તેણે ઘીનો જ ઉપયોગ કર્યા કીધો. માતાજીને માધવે ઘણી કિમતી બાધા ચઢાવી તેથી રાત્રે તેને ચમર કરવા દીધી, તેના બદલામાં વળી તેણે સિદ્ધપુરના ત્રણ ઔદિચ બ્રાહ્મણો ત્યાંના પૂજારી હતા, અને જેઓએ તે કામ દાંતાના રાણાને કેટલાએક પૈસા આપવા કબુલ કરી ઈજારે રાખ્યું હતું, તેઓને કાંઈ આપ્યું. તેઓએ તેને પહેલાં દર્શન કરતી વખતે ચાંલ્લો કીધો હતો.

બીજે દહાડે તેણે તેઓને તથા બીજા બ્રાહ્મણોને સારી પેઠે મિષ્ટાન્ન લેવડાવી તૃપ્ત કીધા, અને યથાયોગ્ય દક્ષિણા આપી જાત્રા પુરી થઈ તેની નિશાનીને કંકુને હાથો તેના ખભા ઉપર દેવડાવ્યો. હવે બીજું કાંઈ કામ રહ્યું નહી, તેથી પાસે માનસરોવરના કાંઠા ઉપર અપરાજીત માતાનું દહેરૂં છે ત્યાં તે દર્શન કરવા ગયા. ત્યાંથી આવ્યા પછી અંબા ભવાનીના દેવસ્થાનની પશ્ચિમે આશરે એક કોશ ઉપર એક પહાડ હતો તે ઉપર ગબરગઢ નામનો કિલ્લો તે વખતે હતો તે જોવાને તેઓને વિચાર થયો. તે પહાડ આગળ નાના નાના ટેકરા એવી રીતે આવી રહેલા હતા કે જે કોઈ તેને આઘેથી જોય તો ત્યાં એક મોટો કમાનદાર દરવાજો હોય એમ લાગે. તે ઉપરથી એવી કથા ચાલે છે કે અંબામાતા તે પહાડના પોલાણમાં રહે છે. જ્યારે માધવે ત્યાં પૂજારીને તે જગાનો મહિમા પુછ્યો, ત્યારે તેણે નીચે પ્રમાણે એક વાત કહી, “કોઈ વખત ઉપર માતાજીની ગાયો ગોવાળીયાની બીજી ગાયોની સાથે આખો દહાડો ચરતી, અને રાતની વખતે આ પહાડમાં પાછી આવતી, એ ગાયો કોની છે તે જાણવાનું પેલા ગોવાળીયાને ઘણું મન થયું, અને ગમે તે થાય તો પણ એ ગાયનો ધણી શોધી કાઢી તેની પાસેથી ચરામણી માગવાનો તેણે નિશ્ચય કીધો. એક સાંજરે જ્યારે ગાય ધારા પ્રમાણે પોતાના ઘેર તરફ વળી, ત્યારે ગોવાળીયો તેની પાછળ ગયો, અને તેની સાથે પહાડમાં પેંઠો. પહાડમાં પેંઠા પછી એક અતિ શોભાયમાન મહેલ આવ્યો, અને તેમાં ઘણા વિશાળ ઓરડાઓ દીઠા, મુખ્ય ઓરડામાં એક હિંડોળા ઉપર માતાજીને બેઠેલાં જોયાં, તેની આસપાસ તેની ઘણીએક સખીઓ હતી. ગોવાળીયો હિંમત પકડીને માતાજી આગળ ગયો, અને પુછ્યું કે આ ગાય તમારી છે? તેણે હા કહી. તે ઉપરથી ગોવાળીયાને વધારે બોલવાની હિંમત આવી. તે બોલ્યો:– “મેં આ ગાયને બાર વર્ષ થયાં ચરાવી છે, માટે હવે મને તેની ચરાઈ આપવી જોઈએ.” માતાજીએ તેની પાસે એક બઈરી ઉભી હતી તેને આજ્ઞા કીધી કે ભોંય ઉપર જવનો ઢગલો પડેલો છે તેમાંથી થોડાએક તેને આપો, તેણે એક સુપડું જવે ભર્યું, અને ગોવાળીયાને આપ્યું. તેણે તે લીધું, અને નાઉમેદ થઈને તથા ખીજવાઈને ઘરની બહાર નીકળ્યો, અને આંગણું આગળ જવ ભોંય ઉપર નાંખી દીધા. પોતાને ઘેર જઈ જોયું તો તેના લુગડાં ઉપર ઘણી ઉંચી જાતના સોનાના કેટલાએક રવા વળગેલા જોયા. ગોવાળીયાએ બીજે દહાડે ફરીથી પહાડમાં પેસવા માંડયું, પણ તેને રસ્તો જડ્યો નહી, અને માતાજીની ગાય પણ ફરીથી ચરવા આવી નહી.”

અંબાજીની પાસે એક નાની નદી ઉપર જંગલી ચંપેલી તથા બીજાં સુગંધીદાર કુલોની એક વાડી જેવું હતું ત્યાં કેટલાંએક સુંદર સફેદ આરસ પહાણનાં બાંધેલાં જૈનધર્મનાં દહેરાં હતાં, ત્યાં જવાનો મોતીશાએ આગ્રહ કીધો, અને તે જૈન થઈને તેની સાથે અંબાજી આવ્યા માટે તેના દહેરાં આગળ ગયા વિના માધવને ચાલે નહી, તેથી તેઓ બંને ત્યાં ગયા. એ દહેરાં વિષે જે દંતકથા તેઓએ સાંભળી તે નીચે પ્રમાણે હતી:– “વિમળશાને માતાએ ઘણું દ્રવ્ય આપ્યું તેથી તેણે ત્યાં પારસનાથનાં ત્રણસેં ને સાઠ દહેરાં બાંધ્યાં; પછી માતાજીએ તેને પૂછ્યું કે એ દહેરાં તેં કોની સહાયતાથી બાંધ્યાં ? ત્યારે તેણે જવાબ દીધો કે ગુરૂની સહાયતાથી. માતાજીએ એને એ પ્રશ્ન ત્રણ વાર પૂછ્યો, પણ ત્રણે વાર તેણે એને એ જ જવાબ દીધો. ત્યારે તેણે તેને કહ્યું કે, “અલ્યા, જેમ નસાય તેમ નાસ.” એક દહેરાંનું ભોયરું જેમાં થઈને દેવલવાડાનાં દહેરાંનાં ભોંયરામાં જવાતું હતું તેમાં તે ઉતર્યો, અને નીચેની સણગમાં થઈને આબુ પહાડ ઉપર નીકળ્યો, પછી માતાજીએ પાંચ સિવાય બધાં દહેરાં બાળી મુકયાં, અને એ વાત સૌ કોઈના જાણ્યામાં આવે માટે તે પાંચ જ રહેવા દીધાં, જે ત્રણસેં ને પંચાવન દહેરાં બાળી મુકયાં તેના બળેલા પથ્થર ભોંય ઉપર પડેલા હતા, તે જોઈ શાહને પક્કી ખાતરી થઈ કે શ્રી અંબાજી કોપાયમાન થઈને તેણે એ દહેરાં બાળી મુકયાં, તેથી તેણે આબુના દેવલવાડામાં એક દેવસ્થાન બાંધ્યું તે ઉપર માતાજીને શાંત કરવાને નીચે પ્રમાણે કેતરાવ્યું.

“તારા પાતરાં જેવા હાથ અશોકનાં ઝાડનાં પાતરાં જેવા રાતા છે. તું અતિ ઘણું સુંદર દીસે છે. તારો રથ કેસરી સિંહ ચલાવે છે. તારા ખોળામાં બે છોકરા છે, એવી તું સતી અંબિકા સદ્દગુણી પુરૂષોના પાપનો નાશ કર.”

“એક વાર રાત્રે વિમળશાને શાણી અંબિકાએ આજ્ઞા કીધી કે આ પહાડ પા૫રહિત જગા છે તે ઉપર યોગનાથનું એક સારૂં દહેરૂં બાંધ.”

“શ્રી વિક્રમાદિત્ય પછી એક હજાર અઠ્યાસી ચોમાસાં ગયાં એટલે ઈ. સ. ૧૦૩૨ માં અર્બુદાના શિખર ઉપર શ્રી આદિદેવનું વિમળે સ્થાપન કીધું તેને હું પૂજું છું.”

એ દહેરાંમાં મોતીશા તથા માધવે દર્શન કીધા પછી ત્યાંથી આબુના પહાડ ઉપર જવાનો તેમણે ઠરાવ કીધો. રસ્તો ઘણો જ રમણિક હતો. એક નાના નાળાની કોરે કોરે તેઓ ચાલ્યા. આકાશમાં એક પણ વાદળું નહતું. અમરાઈમાંથી કોયલો ટઉકો કરતી હતી. જગલનાં બીજાં પક્ષી વાંસની ઝાડીમાંથી સાદ કરતાં હતાં; અને તિતરનાં ટોળેટોળાં ઝાડ ઉપર બેસીને હોલાઓની સાથે આનંદથી સંવાદ ચલાવતાં હતાં. લક્કડખોદ ઝાડનાં થડ ઉપર તેઓની કઠણ ચાંચ ઠોકતી હતી તેના અવાજથી આખું વન ગાજી રહ્યું હતું. ત્યાં નાના પ્રકારનાં સુંદર ફુલ તથા સ્વાદિષ્ટ મેવા નજરે પડતાં હતાં. ઝાડ ઉપર ચઢતી વેલનાં ધોળાં તથા પીળાં ફુલોમાંથી મધમાખીઓ મધ કાઢતી હતી. ત્યાં કોઈ માણસની વસ્તી નહતી. કોઈ કોઈ વાર કોઈ રજપૂત સવાર ઢાલ બાંધીને તથા ભાલો હાથમાં રાખીને અંબાજીનાં દર્શન કરવા જતો હોય તે જોવામાં આવતો; અથવા કોઈ તળાવની પાસે વણજારાઓ ગુણ નાંખીને બળદ છુટા મુકીને પડેલા હતા તે નજરે આવતા હતા. આગળ ચાલતાં એક સપાટ ખીણ આવી તે રેતાળ હતી, પણ તેમાં ઠેકાણે ઠેકાણે ખેડાણ હતું. વળી રસ્તામાં અનાજનાં ખેતર આવતાં, અને વખતે વખતે નાનાં ગામો દેખાતાં, અને આઘેના પહાડમાંથી નીકળેલી નદીઓ વહેતી નજરે પડતી હતી. ત્યાંથી ધુમસે ઘેરાયલો આબુ પહાડ દેખાયો, તેની બાજુએ ઉપર ઝાડ તથા ઝાડી અને નાની નદીઓ દેખાવા માંડી. આગળ જતાં એક ટેકરી ઉપર દોરા જેવો રસ્તો દેખાયો, તે કોઇ ઠેકાણે ચઢતો અને કોઇ ઠેકાણે ઉતરતો હતો. એ રસ્તા ઉપર ઝાડીની ઘટા આવી રહી હતી. તેમાં ચઢતાં ચઢતાં એક કરાડાની નીચે એક મેદાન આવ્યું; ત્યાં ઘણાં શોભાયમાન ઝાડોની વચ્ચોવચ વશિષ્ઠ મુનિનું દહેરૂં હતું; તે દહેરાંની વાડીમાં માધવ તથા મોતીશા થાક ખાવાને ઉતર્યા. એ વાડીમાં ઘણાં સુગંધીદાર ફુલો ઉગેલાં હતાં, તેમાં કેવડાથી તમામ જગા બહેંક બહેંક થઇ રહી હતી. વળી ત્યાં એક પથ્થરના ખડકમાં ગાયનું મ્હોં કોતરેલું હતું, તેમાંથી પાણીને ધોધવો પડી નીચે એક મોટી ટાંકલીમાં પડતો. તેથી કર્ણેન્દ્રિયને પણ ઘણો આનંદ થતો હતો.

મુનિનું દહેરૂં નાનું હતું તેમાં વશિષ્ઠ જેણે અચલેશ્વરના અગ્નિકુંડમાંથી રજપૂતના મૂળ પુરૂષોને કાઢ્યા તે મુનિની કાળા પથ્થરની મૂર્તિ હતી. ત્યાં સવારે, બપોરે અને સાંજરે નોબત વાગતી હતી. તેના નાદથી તે જગ્યા ઘણી રણિયામણી લાગતી હતી. વશિષ્ટમુનિના દહેરા આગળ પથ્થરમાં લાંબાં પગથીયાં કાપી કાઢેલાં છે તે ઉપર થઈને ઉંચે ચઢવાનું હતું. તે ઉપર ચઢતાં ચઢતાં તેઓ આખરે આબુના સપાટ મેદાન ઉપર પહોંચ્યા. તે ઠેકાણે તેઓ ગયા ત્યારે જાણે એક નવા જગતમાં, વાયુમાં તરતા એક બેટમાં આવ્યા હોય એમ તેમને લાગ્યું. તેઓની આસપાસ ચોતરફ ઉંચીનીચી ટેકરીઓ હતી તે ઉપર નાનાં મોટાં ગામો હતાં. તેમાં એક સરોવર હતું, અને એક કરતાં વધારે નાળાં હતાં. તે સઘળી ટેકરીઓમાં સૌથી ઉંચી ટેકરી ઉપર એક મુનિનું નાનું દહેરૂં હતું તે ઉપરથી તેને મુનિનું શિખર કહેતા હતા; અને બીજી એક ટેકરી ઉપર અચળગઢનો પ્રસિદ્ધ કિલ્લો હતો.

આબુના સઘળા પહાડોમાં સૌથી ઉંચો મુનિ-શિખર હતો. તે ઉપર માધવ તથા મોતીશા ચઢ્યા. જ્યારે તેઓ ઉપર ગયા ત્યારે દક્ષિણ તરફથી ઠરી જવાય એવો ટાઢો પવન આવવા લાગ્યો તેથી તેએાએ કાળી કામળી શરીર ઉપર વિંટાળી અને એક ટેકરીની પાછળ ભરાઈને ભોંય ઉપર લાંબા થઈને સુતા. દેખાવ ઘણો ભભકાદાર તથા સુન્દર હતો. તેઓના પગ નીચે વાદળાં આવી રહ્યાં હતાં. અને તેમાંથી સૂર્યનાં કિરણ નીચે ઉતરતાં હતાં. એ ઉંચી, આંખે તમ્મર આવે એવી, ટોચની ઉપર એક નાનું ગોળ મેદાન હતું, તેની આસપાસ એક નીચો કોટ હતો. એક બાજુએ આશરે દશ ગજ ચોરસ ગુફા હતી તેમાં એક મોટો કાળો પથ્થર હતો તે ઉપર વિષ્ણુનો અવતાર જે દત્તભૃગુ તેનાં પગલાં હતાં, તે પાદુકા પૂજવાને માટે જ મોતીશા આટલું જોખમ ખમી ઉપર ચઢ્યો હતો, અને બીજા ખુણામાં સીતાભક્તોના મહાન્ ગુરૂ રામાનંદની પાદુકા હતી. આ ભયાનક સ્થલમાં તે પંથનો એક સાધુ હતો તેણે એક ઘંટ વગાડવા માંડ્યો, અને જ્યારે માધવે તેને દક્ષિણા આપી ત્યારે જ તે ઘંટ વગાડતો બંધ થયો. સાધુની પાદુકાની આસપાસ જાત્રાળુ લોકોની લાકડીઓનો ઢગલો પડ્યો હતો. તેઓ આટલી હિંમત ચલાવી ઉપર આવ્યા તેની યાદગિરીને વાસ્તે તે ઢગલો ત્યાં રાખવામાં આવ્યો હતો. પહાડના ઘણાએક ભાગમાં અગણિત કોતરો હતાં, તે ઉપરથી જણાતું હતું કે ત્યાં આગળના કાળમાં ગુફામાં રહેનાર માણસોની વસ્તી હશે; અને બીજાં ઘણાએક ગોળ બાકાં હતાં તે તોપના ગોળાને વાસ્તે કીધેલાં હોય એમ લાગતું હતું. તે વખતે ચોમાસું તરત જ ગયલું હતું, અને હવા ઘણી સ્વચ્છ હતી તેથી કોઈ કોઈવાર જોધપુરનો કિલ્લો, અને લુણી ઉપરના બાળોવા શહેર સુધીનું રેતીનું મેદાન દેખાતું હતું એટલે દૂર સુધી તો આખો દહાડો નજર પહોંચતી નહતી, તે પણ ભિત્રાલની ફળવાન ખીણ સિરોહી સુધી દેખાતી, તથા પૂર્વ તરફ આશરે પંદર કોશ ઉપર આરાવલીનાં વાદળાં સુધી પહોંચેલા પહાડોની વચ્ચોવચ અંબા ભવાનીનું પ્રખ્યાત દેવાલય નજરે પડતું હતું. નીચે નજર કરતાં એક મોટો કરાડો દેખાતો હતો, પણ ત્યાંથી આંખ ઉંચી કરી જમણી તરફ અર્ધું ચક્કર ફેરવીએ, તો પરમાર રજપૂતોનો કિલ્લો દેખાતો હતો. તેથી વધારે જમણી તરફ દેવલવાડાનાં શિખરો દેખાતાં હતાં, તે ઉપર નાની નાની નદીઓ વહેતી હતી. દેખાવ કેવો જુદો જુદો ? આકાશ આસમાની, મેદાન રેતાળ, દહેરાં સ્ફાટિકનાં, ઝુંપડાં નીચાં, જંગલ મોટાં અને પહાડો ઉંચા નીચા હતાં.

મુનિ-શિખર ઉપરથી ઉતરીને અચળેશ્વરના અગ્નિકુંડ તથા દેવસ્થાન આગળ તેઓ ગયા. અગ્નિકુંડ આશરે ૪પ૦ ગજ લાંબો તથા ૧૨૦ ગજ પહોળેા હતો. તે એક પહાડમાંથી કોતરી કાઢેલો હતો, અને તેની બાજુએ મોટી મોટી ઇંટ ચણી લીધેલી હતી. કુંડની મધ્યે એક પથ્થરનો ટેકરે રહેવા દીધેલો હતો તે ઉપર માતાનું એક દહેરૂં હતું. કુંડના ઉત્તર તરફના મથાળા ઉપર પાંચ પાંડવનાં પાંચ દહેરાં હતાં, પશ્ચિમ બાજુએ આબુનો ઇષ્ટ દેવ જે અચળેશ્વર તેનું દહેરૂં હતું. આ દહેરૂં કાંઈ મોટું અથવા નકશીદાર ન હતું, પણ ઘણું સાદું હતું. તે એક મોટા ચોગાનની વચ્ચોવચ હતું, અને તેની આસપાસ કાળી સ્લેટના પથ્થરનાં બાંધેલાં નાનાં નાનાં દહેરાં હતાં અગ્નિકુંડની પૂર્વ બાજુએ પરમારના મૂળ પુરૂષનું દહેરૂં હતું, આદિપાળની મૂર્તિ તેમાં બેસાડેલી હતી, તે સફેદ આરસની હતી. તેની ઉંચાઈ આશરે અઢી ગજની હતી. ભેંસાસુર એટલે ભેંસના માથાવાળો રાક્ષસ રાત્રે આવીને અગ્નિકુંડનું પવિત્ર પાણી પી જતો હતો, તેને ન આવવા દેવાને પરમેશ્વરે પરમારને સરજાવ્યા. તે ભેંસાસુરને બાણવતી મારી નાંખતો હોય એવી રીતની તે આદિપાળની મૂર્તિ હતી. એ અગ્નિકુંડ જોયા પછી અચળગઢનો કિલ્લો જોવાને તેઓ ગયા. કેટલેક સુધી ઉંચે ચઢ્યા પછી હનુમાન ભાગળમાંથી નીચલા કિલ્લામાં પેંઠા. પછી બીજી ભાગળમાં થઈને અંદરના કિલ્લામાં ગયા તેમાં જોવા લાયક કાંઈ નહતું. કિલ્લામાં એક મોટું તળાવ હતું. તેનું નામ શ્રાવણ ભાદરવો હતું. અને એ ચોમાસાના બે માસનું તેને નામ આપ્યું હતું. તે તેને યોગ્ય જ હતું, કેમકે તે ભર ઉનાળામાં પણ પાણીથી ભરેલું રહેતું હતું.

હવે દેવલવાડા જોવાનું રહ્યું, અને ત્યાં જવા સારૂ તેઓ વશિષ્ઠ મુનિના આશ્રમ આગળ પાછા ગયા. ત્યાંથી તે દેવલવાડા સુધીના રસ્તામાં ખેતીવાડી સારી હતી; લોકોની વસ્તી પણ વધારે હતી; નદીઓ તથા ઝાડો પણ ઘણા જ હતાં; વખતે વખતે જમીન ઉપર લીલો ફરશ બીછાવ્યો હોય એવી લીલી હરિયાળી જેવી જગ્યા આવતી હતી. કમેરે પક્ષી જે બીજે સ્થળે ક્વચિત જ માલમ પડે છે તેનો ત્યાં મધુર સાદ સંભળાતો હતો; અને એક ઝાડીમાં નિર્મળ નદી વહેતી હતી તેમાંથી કોયલનો તીણો તથા સ્પષ્ટ શબ્દ આવતો હતો. સઘળાં ખેતરોમાં અનાજ વાવેલું હતું. અને ઘણા થોડા વખતમાં આબુનાં બાર ગામોમાંથી ચાર તેઓએ વટાવ્યાં. તે ગામોમાં ઘર સુઘડ તથા સુખદાયક અને ગોળાકાર હતાં; તેની ભીંત મટોડીની હતી પણ તે ગેરૂથી રંગેલી હતી; હરેક વહેતા નાળાને કાંઠે ખેતરમાં પાણી સીંચવાનું ચક્કર હતું; ખેતરોની વાડ થોરની હતી તે ઉપર ધોળાં ફુલ હતાં, અને માંહેમાંહે શિવને વહાલાં સેવતીનાં ફુલ હતાં. એક કાળા પથ્થરની ટેકરી ઉપર પુષ્કળ દાઢેમડી હતી. અંજીરીએાની પણ કાંઈ ખોટ નહોતી; દરાખના વેલા કોઇ કોઇ ઠેકાણે દેખાતા હતા; અને એક ઉંડી ખીણમાં મીઠાં લીંબુનાં ઝાડ ઉગેલાં હતાં. આંબાનાં તો વનેવન હતાં; તેનાં લટકતાં આસમાની તથા સફેદ ફુલ ઘણાં જ શોભાયમાન દીસતાં હતાં. આંબાને વિંટળાએલા વેલાને પહાડમાં વસનારા લોકો અંબાત્રી કહેતા, તે તેઓને ઘણા જ ગમતા હોય એમ લાગતું હતું, કેમકે જ્યાં જ્યાં તેઓ પહોંચાય એટલા ઉંચા તે ઉગતા હતા ત્યાં ત્યાંથી તેઓને તોડી લઈ તેઓ ચોટલામાં ગુંથતા અથવા પાઘડીમાં ખોસતા હતા. ઝાડોમાં ઘણી ભીનાશ હતી તેથી તેઓ સેવાળ તથા વેલાથી તમામ ઢકાઈ ગયલાં હતાં. અને અચળગઢ આગળ ખજુરીનાં ઉંચાં ઝાડ પણ મૂળથી તે ટોચ સુધી એ જ પ્રમાણે ઢંકાયલાં હતાં, ફુલોનાં ઝાડ તો ત્યાં પુષ્કળ ઉગેલાં હતાં, તેઓમાં ઘણાં તો ચંપેલી તથા તેના જેવાં બીજા ફુલોનાં હતાં. સોનેરી ચંપાનાં ઝાડ જે ફુલનાં સઘળાં ઝાડોમાં ઉંચામાં ઉંચાં ગણાય છે, જે મેદાન ઉપર ક્વચિત જ જોવામાં આવે છે, અને જેને અગરના ઝાડની પેઠે સો વર્ષમાં એક જ વાર ફુલ આવે છે એવું લોકો કહે છે, તે ઝાડ થોડે થોડે છેટે મોરોથી ભરેલાં ઉગેલાં હતાં, અને તેથી તમામ હવામાં ખુશબો પથરાઇ રહી હતી. નદીઓ અને પહાડો, મેવાનાં ઝાડો, ટેકરીઓ, ઝાડી, અનાજનાં ખેતર, દરાખના વેલા, અને પહાડી કિલ્લા, એવી રીતની બધી શોભા ત્યાં એકઠી થયલી હતી.

ત્યાં એક નખી તળાવ ઘણું જ રમણિક હતું. તેમાંના બેટો ઝાડોથી ભરપૂર હતા અને તેની આસપાસના ટેકરાઓ, તાડ, ખજુર વગેરે ઝાડોથી ઢંકાયલા હતા. તેનાં પાણી ઉપર ઘણા આનંદથી જળકુકડીઓ તરતી હતી. એ તળાવની પાસે દેવલવાડા એટલે દેવલોનું ઠેકાણું હતું. તેઓમાં મુખ્ય દહેરાં તેજપાળ તથા વિમળશાનાં બાંધેલાં હતાં. ઉપર લખ્યા પ્રમાણે વિમળશાનું દહેરૂં ઈ૦ સ૦ ૧૦૩૧માં બંધાયું. તે અગાઉ એ પવિત્ર ડુંગર ઉપર કોઈપણ જૈન લોકોનું દેવસ્થાન નહતું. એ દહેરાં કાંઈ મોટાં અથવા બહારથી ઘણાં શોભાયમાન ન હતાં, પણ અંદરથી તેઓમાં નકશીનું કામ એટલું બધું હતું કે તેઓનું યથાસ્થિત વર્ણન આ ઠેકાણે કરી શકાતું નથી. આગલો ઘુમટ અષ્ટખુણ હતો, અને પાછળ અગણિત ઘુમટો હતા. સઘળાં દહેરા સફેદ સ્ફાટિકનાં હતાં અને તેના ઉપર જે નકશી હતી તે એવી તો બારીક કોતરેલી હતી કે એવી બારીકી મીણ સિવાય બીજી કોઈ પણ વસ્તુમાં થઈ શકે એમ વિચારમાં જ ઉતરી શકે નહી. તેમાં જે ચિત્ર કોતરેલાં હતાં તે નિર્જીવ વસ્તુઓનાં જ હતાં એમ નહી. સ્ત્રીપુરૂષ પોતપોતાનાં કામ કરતાં હોય તેનાં, વહાણનાં તથા વ્યાપારનો સંબંધ રાખતાં, અને રણસંગ્રામમાં યુદ્ધ થતું હોય તેનાં પણ ચિત્રો હતાં. હમણાં એ નકશીદાર દહેરાં જે જે અંગ્રેજ લોકો જોય છે તેઓ તેની ઘણી જ તારીફ કરે છે, અને આ દેશના લોકો ઈમારત બાંધવાના કામમાં તથા નકશી કોતરવામાં આવા પ્રવીણ હતા, એ વાતની તેઓની આ ઠેકાણેનાં દેવસ્થાને જોયાથી ખાતરી થઈ છે.

આવી આવી ઈશ્વરી તથા માણસની કળાથી ઉત્પન્ન થયલી શોભા જોવાથી, આવાં આવાં પવિત્ર સ્થળો તથા દેવભૂમિમાં પગ મુક્યાથી, આવી આવી ચમત્કારી વસ્તુઓ નજરે પડ્યાથી, આવા આવા મહિમાવાળા તથા જાગતાજોત કહેવાતા દેવો તથા દેવીઓનાં દર્શન કીધાથી, માધવનો જીવ એટલો તો પ્રસન્ન થઈ ગયો કે તેના અંતઃકરણમાં જે તોફાન થઈ રહ્યું હતું તે શાંત થયું; તેના હૈયામાં જે વેર દેવીએ વાસો કીધો હતો તે ત્યાંથી ઉઠી એક ખુણે દબાઈ બેઠી, અને તેના ઉપર પડેલું મહાભારત દુઃખ તે ઘણું ખરૂં તો ભુલી જ ગયો. જ્યાં ઈશ્વરે મોકળે હાથે સુખ પાથર્યું છે, જ્યાં ઈશ્વરની મોટાઈ અને શક્તિ પ્રકટ થઇ આવે છે, જ્યાં માણસની અશક્તિ તથા તુચ્છપણું જણાઈ આવે છે, જ્યાં ઈશ્વરનાં કામ કાળ પર્યંત ટકે છે, અને માણસનાં બનાવેલાં કામો થોડી મુદતમાં નાશ પામતાં માલમ પડે છે, જ્યાં પશુ, પક્ષી તથા બીજાં પ્રાણીઓની ઉપર પરમેશ્વરની અનંત દયા ડગલે ડગલે દીઠામાં આવે છે, ત્યાં માણસનું અંતઃકરણ નરમ તથા કોમળ થાય તેમાં શું આશ્ચર્ય ?

માધવના મનમાં જે દુષ્ટ તથા વિપરીત વિચારો ઉત્પન્ન થયલા હતા તે જો કે દબાઈ ગયા હતા, તો પણ તેઓનો સમળો નાશ થયો નહોતો, જ્યાં સુધી આવી રમણિક ભૂમિનો મહિમા રહ્યો ત્યાં સુધી તેનું મન શાંત રહ્યું, પણ જ્યારે તે મેવાડના મેદાન ઉપર નીકળ્યો, અને કાંઈ મનને વિચાર કરવાનું કામ મળે એવા દેખાવો તેના જોવામાં આવ્યા નહી, એટલે તે વિચારો પાછા તેના મનમાં પૂર જોસથી આવવા લાગ્યા. વળી હવે તેઓ બંને એકલા પડ્યા, અને એના એ વિષય ઉપર વાત કરવા લાગ્યા, તેથી દિલની આગ હોલાવવાને બદલે તે વધારે જુસ્સાથી બળવા લાગી; વાટ ઘણી લાંબી દીસવા લાગી, ખાવાપીવા કાંઈ ભાવે નહી, અને તેઓને જો કોઈ સંગાત મળ્યો નહોત, જો એ પ્રમાણે થવાથી તેઓનું મન બીજા વિષય ઉપર ગયું નહોત, તો માધવ રસ્તામાં માંદો પડત, અને તેનું ધારેલું કામ સિદ્ધ કીધા વિના તેનો આત્મા તેનો દેહ મુકીને ચાલ્યો જાત. પણ ગુજરાતના દુર્ભાગ્યને લીધે તથા મ્લેચ્છ લોકોનો દહાડો ચઢતો તેથી તેમ બન્યું નહીં.

તે વખતે ગુજરાતના કેટલાએક લોકો એકઠા મળીને ગોકુળ- મથુરાંજીની જાત્રાએ જતા હતા તેઓ તેમને મળ્યા. આવો સંગાત જોઈને માધવ તથા મોતીશા પણ તેઓમાં સામેલ થયા, અને તેઓ બદ્રીકેદારનાથજીની જાત્રા જાય છે એમ તેઓએ બીજા લોકને કહ્યું, સંઘના લોકો જુદી જુદી જ્ઞાતિના હતા, તેઓ બપોરે કોઈ ઝાડ નીચે જુદા જુદા ચુલા બનાવીને રસોઈ કરતા અને તડકાનો વખત ગાળીને પાછલા પહોરના અને થોડી રાત જાય ત્યાં સુધી ચાલતા. કેટલાએક ઘોડા ઉપર, અને કેટલાએક ગાડામાં બેસીને મુસાફરી કરતા. એ લોકોના સમાગમથી માધવ તથા તેના સોબતીને ઘણી ગમત થઈ, અને તેથી રસ્તો પણ ઘણો નીકળી ગયો, એ સંઘમાં એક વાણિયાની ન્યાતની ઘરડી ડોશી હતી તે એટલી તો વહેમી હતી, તથા તેની પાસે જે પુંજી હતી તે જાળવવાની તેને એટલી તો ફિકર હતી કે બીજા લોકો જાત્રાએ જાય છે તે વખતે પોતાની માલમતા પોતાના ગામમાં સગાને અથવા કોઈ બીજા વિશ્વાસુ માણસને સોંપી આવે છે તેમ તે ડોશીએ કીધું નહતું, આશરે સો મહોર જે તેણે દળી ખાંડીને તથા બીજાં વહીતરાં કરી મેળવી હતી તેનું એક પોટલું બાંધીને તે પોતાની પાસે જ રાખતી, અને રાતે ઉંઘતી વખતે તે પોટલું તેની બગલમાં ઘણા જોરથી દાબીને સુતી, તેની ઉંઘ એવી કુતરાના જેવી હતી કે તેને કોઈ જરા અડકે તે જાગી ઉઠી શેરબકોર કરી આખો સંઘ જગાડી દેતી, એ ડોશીની આવી રીતથી તેને સઘળા ચીઢવતા હતા. આખે રસ્તે મશ્કરી કરતા, અને રાત્રે ઘણી વાર તેને છેડીને વારે વારે તેને ભર ઉંઘમાંથી જગાડ્યાં કરતા હતા. તેને તે પૈસામાંથી એક પણ ખરચવો પડતો ત્યારે તેનો જીવ જ જવો બાકી રહેતો. જાત્રામાં ધર્મદાન થાય અને જે બાકી રહે તેમાંથી તેના મુઆ પછી ન્યાતમાં છૂટું ઘી પીરસાય એ તેની મોટામા મોટી ઉમેદ હતી. જીવતાં તો ન્યાતના તરફની આબરૂ મળી નહીં, ત્યારે મુઆ પછી ઉજવાવું અને ન્યાતના લોકો પાસે વાહવાહ કહેવડાવવી, એ તેને સ્વર્ગ જવા બરોબર ખુશી ઉપજાવનાર હતું; બલકે તેમ કીધાથી વૈકુંઠ જવાશે એમ તેને પક્કી ખાતરી હતી કેમકે તેનો એવો અભિપ્રાય હતો કે જેની મુઆ પાછળ વાહવા થઈ તે પરમેશ્વરને ત્યાં પણ સારી જ ગતિ પામે. તેનો એક ભત્રિજો તેની સાથે આવેલો હતો તે ઘણી ગરીબ હાલતમાં હતો, અને અગર જો તે ડોશીને કાંઈ છોકરાં નહતાં, અને પૈસા ખાનાર એ ભત્રિજા શિવાય બીજું કોઈ નહતું તો પણ જ્યાંસુધી તે જીવતી રહે ત્યાં સુધી તે ભત્રિજો ભુખે મરી જાય તો પણ તેને એક પૈસો પણ આપતી નહી. ડોસીનો વિચાર એવો હતો કે મરતી વખતે તે પુંજી ન્યાતના પટેલને સોંપવી, અને તેમાંથી તેના કહ્યા પ્રમાણે તેની મૈયતનો ખરચ થયા પછી જે બાકી રહે તે તેના ભત્રિજાને સોંપાવવું, એટલું છતાં પણ તે ડોશીનું તેના ભત્રિજા ઉપર ઘણું જ હેત હતું. અને તે જ્યારે માંદો પડતો ત્યારે તે મરશે તો પાછળ કોઈ પોતાને આગ મુકનાર રહેશે નહી એ ફિકરથી તે તેની પોતાના છોકરાના જેટલી બરદાસ્ત કરતી હતી તો પણ જ્યારે તે પૈસાના દુ:ખની વાત તેની આગળ કરતો ત્યારે તે વાત બદલી નાંખતી, અથવા મારી પાસે કાંઈ જ નથી એમ કહેતી. હવે ભત્રિજાને એવી ડોશી ઉપર હેત તો કયાંથી જ હોય ? ચાર દહાડા લાંઘણ કીધી હોય તો પણ ડોશી સુકો રોટલો પણ તેને ખવડાવે નહી તો એક પૈસો તો કયાંથી જ આપે ? માટે તે ડોશીની મરવાની ઘણી આતુરતાથી રાહ જોતો હતો, પણ જેમ તેની તેને મરવાની ઉતાવળ તેમ ડોશીનું આવરદા લાંબું થતું, અને તેને ઘણા ઘણા રોગ થઈ ગયા તો પણ રીઢા વાસણની પેઠે તેના શરીરને જરા પણ નુકસાન લાગ્યું નહતું, ભત્રિજાની પૈસા તરફની અવસ્થા વધારે વધારે ખરાબ થતી ગઈ. અને ડોશીનો લોભ દહાડે દહાડે વધતો ગયો, જ્યારે ડોશી જાત્રાએ જવા નીકળી, ત્યારે તેને તે પૈસા સોંપશે એવી તેણે આશા રાખી તે પણ ભંગ થઈ, ત્યારે પોતાની પાસે જે કાંઈ સામાન હતો તે વેચીને તેના થોડાએક પૈસા ઉપજાવ્યા અને તે લઈ તે પણ ડોશીની સાથે જવા નીકળ્યો. ડોશીને તે જરા પણ પરવડયું નહીં, પણ શું કરે? લાચાર. ભત્રિજાએ જતી વખતે જ નિશ્ચય કીધો કે હવે વધારે વા૨ સબુરી ન રાખતાં રસ્તામાં જ તેને ઠાર કરવી અને તેના પૈસા લઈ લેવા, પણ તે એટલી તો જાગૃત રહેતી તથા ત્યાં લોકોની આખી રાત એટલી તો વસ્તી હતી કે તેના દુષ્ટ વિચાર તેનાથી હજુ સુધી અમલમાં મુકાયા ન હતા. તેને લાગે મળતો નહતો તેથી તે ઘણો હીજરાયા કરતો હતો, અને જેમ જેમ દહાડા જતા ગયા, તેમ તેમ તેના ખુની વિચાર વધારે દૃઢ થતા ગયા.

એક વખત મધ્યરાત્રે સઘળાં ભર ઉઘમાં પડેલાં હતાં તે વખતે પેલો ભત્રિજો ઉઠ્યો, અને તે ડોશી પાસે જઈ એકદમ તેણે તેની ગળચી પકડી, અને તે બુમ પાડવાને મ્હોં ઉઘાડે છે એટલામાં એક ચીથરાનો ડુચો તેમાં ઘાલી દીધો. પછી ડોશીની ગળચી એવા તેા જોરથી દાબી કે તે ગુંગળાઈને તુરત મરણ પામી. ત્યાર પછી તેની બગલમાંથી પોટલું કાઢી પાસેના ઝાડ નીચે એક ખાડો ખોદીને દાટયું. અને ત્યાં સારી પેઠે નિશાની રાખી પાછો સુઈ ગયો. બીજે દહાડે સવારે લોકો જ્યારે વહેલાં ઉઠ્યાં ત્યારે તેઓએ ડોશીને જગાડવા માંડી, પણ ડોશીમા તો સ્વધામ પધારેલાં, તેથી કાંઈ જવાબ દીધો નહી; ત્યારે તેને જગાડવા સારૂ તેની બગલમાં હાથ ઘાલ્યો, પણ પોટલું કાંઈ માલમ પડયું નહીં. તે ઉપરથી સઘળાઓને વહેમ પડ્યો ને દીવો મંગાવીને જોયું તો ડોશીને મુએલી જોઈ, પણ તેનું મોત શી રીતે થયું તે કોઈથી નક્કી થઈ શકે નહીં. એવી ગડબડ થતાં જ તેને ભત્રિજો ત્યાં દોડતો આવ્યો, અને એકદમ મોટે ઘાંટો કાઢી છાતી કુટી રડવા મંડ્યો. ડોશીને કોઈએ મારી નાંખી, અને તેના પૈસા કોઈ લઈ ગયું એવી વાત થવા માંડી, એટલામાં ભત્રિજાએ આંખ લુંછી સાવધ થઈને આસપાસ જોયું અને કહ્યું કે આ નવા જાત્રાળુ આવેલા છે તેમાં એક તો શ્રાવક છે તેથી તે તો એવી હત્યા કરે નહી, પણ બીજો બ્રાહ્મણ છે તેના ઉપર મને ઘણો શક જાય છે, તેણે જ ખુન કીધું હશે, માટે તેને ઝાડો જોવો. એટલું સાંભળતાં જ તેણે તથા બીજા લોકોએ માધવને પકડ્યો, અને તેને સઘળો સામાન જોયો, તેમાં કેટલા એક પૈસા નીકળ્યા તે ડોશીના છે એમ તેનો ભત્રિજો કહેવા લાગ્યો, અને માધવને ઘણુંએ સમજાવ્યો તો પણ તેણે એવું કહ્યાં જ કીધું કે એ તો મારા છે, માધવના કહેવાથી તે ભત્રિજાને પતીજ થઈ નહીં તેથી પાસેના ગામના રાજા આગળ ફરિયાદ કરવી, અને ખરે ખુની માધવ છે કે નહી તેની તજવીજ કરાવવી એમ ઠર્યું.

બીજે દહાડે તેઓ એક મોટા ગામમાં જઈ પહોંચ્યા, ત્યાં ધર્મશાળામાં સઘળા સંઘે ઉતારો કીધો. જ્યારે સઘળા રસોઈ કરવામાં પડ્યા હતા તે વખતે તે ભત્રિજે તે ગામના રાજાના કારભારી આગળ જઈ સઘળી હકીકત કહી. કારભારીને પાનસોપારી પણ મળ્યાં, તેથી તેણે ઠરાવ કીધો કે તપાસ ચાલે તેમાં ભત્રિજાને બચાવી લેવો, પાછલે પહોરે જ્યારે દરબાર ભરાયો ત્યારે ભત્રિજો ત્યાં ગયો અને “ફરિયાદ” “ ફરિયાદ” બુમ પાડી, તે સાંભળી તેને રાજાએ પાસે બોલાવી તેની સઘળી વાત પૂછી લીધી, તેમાં કારભારીએ મરીમસાલો ભભરાવી આપ્યો, તે ઉપરથી રાજાએ હુકમ કીધો કે આવતી કાલે સવારે અગ્નિદિવ્ય કરવું, અને તે બ્રાહ્મણ ગુન્હેગાર છે કે નહી એ વાત નક્કી કરવી. તે વખતે ત્યાં જવાને રાજાએ કારભારીને હુકમ કીધો. બીજે દહાડે સવારે સૂર્યોદયની વખતે ગામના પાદર ઉપર એક લીમડાના ઝાડ આગળ હજારો માણસ જોવા મળ્યાં હતાં, ભત્રિજો આગળથી આવી ઉભો હતો. સંઘના લોકો માધવને લઈને આવ્યા, કારભારી ઝાડ નીચે એક શેતરંજી પથરાવી બેઠો અને થોડેક દૂર દેવતા સળગાવી તેમાં પૈડાંની લોઢાની વાટ એક લુહારે તપાવી લાલચોળ કીધી, તે વાટને કારભારી આગળ મુકી, ત્યારે પહેલાં તો ભત્રિજાને તે વાટ ભોંય ઉપરથી ઉંચકવાનો હુકમ થયો, ભત્રિજો આગળ આવી ઉભો રહ્યો, અને સૂર્ય તરફ મ્હોં ફેરવીને બોલ્યો, “સૂરજ બાપજી ! જો મારામાં સત હોય તો મારા હાથ દાઝવા દેતે માં” એમ કહી વાટને એક આંગળી અડકાડી, એટલે કારભારી બોલી ઉઠ્યો: “ બસ, હવે થયું, એ તે પાર પડ્યો, હવે એ બ્રાહ્મણે વાટ ઉંચકવી જોઈએ.” માધવ વાટને જોઈને થરથર ધ્રુજવા લાગ્યો, અને તેના શરીરમાં તમામ લોહી ઉડી ગયું, તે જોઈને લોકો માંહેમાંહે વાત કરવા લાગ્યા કે આ ચંડાળ બ્રાહ્મણે ખુન કીધું છે. માધવના મનમાં એ સાંભળી ઘણું કષ્ટ થયું, તેથી કોઈ વખત મળે તો ધીરજ આવે એ મતલબથી તેણે એક પાસેના કુવામાં નહાવા જવાની રજા માગી, રજા મળ્યા પછી પોતાનાં લુગડાં ઉતારીને કુવા પાસે ગયો, ત્યાં ઉભો રહી વિચાર કરવા લાગ્યો કે હવે શું કરવું? 'સાચાનો હાથ ન બળે અને જુઠાનો બળે એ તો લોકોને વહેમ છે, એ હું સારી પઠે જાણું છું, સત્યયુગ અને બીજા પાછલા યુગમાં એમ થતું હશે; પણ આ કળિયુગમાં તો એવો પ્રત્યક્ષ ચમત્કાર બનતો નથી. શાસ્ત્રમાં કોઈવાર એમ કહે છે કે કળિયુગમાં ઈશ્વરના ચમત્કાર વધારે જોવામાં આવે છે, અને કોઈવાર કહે છે કે આ યુગમાં સઘળા દેવતાઓ ઉંઘે છે, ત્યારે શું માનવું? જગતમાં ઘણા સત્યવાદી લોકો ભુખે મરે છે, અને જુઠા લોકો પ્રપંચ કરી ગાડીઘોડે બેસીને ફરે છે, ત્યારે પરમેશ્વરની સહાયતા કયાં ગઈ? અગ્નિનો સ્વભાવ જ છે કે જે તેને અડકે તેને તે બાળે. ત્યારે સાચા જુઠાનો મેળ કયાં રહ્યો, માટે જો સાચવટ ઉપર ભરોસો રાખી વાટ હાથે ઉઠાવવા જઈશ તો હાથ બળશે જ, એટલે રાજા તથા લોક મને ખુની ઠરાવશે અને ચંડાળને હાથે મારૂં મોત આવશે. તે કરતાં આ કુવામાં ભુસકો મારી મરવું ઘણું સારું એવું વિચારીને તે કુવામાં પડવા જાય છે, એટલે નીચેથી એક ગેબી શબ્દ સંભળાયો, “सत्यमेव जयते” એ શબ્દ સાંભળીને તે ઘણું આશ્ચર્ય પામ્યો, અને આસપાસ કોઈ માણસ ન હતું તેથી તેની ખાતરી થઈ કે ઈશ્વરે કૃપા કરી મને ધીરજ આપી, પછી તુરતજ પાણી કાઢી સ્નાન કીધું, અને ભીને શરીરે ઉની વાટ આગળ ગયો. ત્યાં જઈને તેણે ઘણીએક વાર સુધી મહાદેવ તથા માતાજીની સ્તુતિ કીધી. પછી સૂર્ય તરફ ફરીને હાથ જોડીને બેલ્યો:– “રે સૂર્યદેવતા, તું પ્રત્યક્ષ દેવ છે, તારાથી છાનું કાંઈ કામ થઈ શકતું નથી, તું સઘળા માણસના મનના વિચાર જાણે છે, માટે જો મેં ડોશીનું ખુન કીધું હોય તો આ વાટ પકડતાં જ મારા હાથ બળી જજો, અને મારા ઉપર જુઠો આરોપ આવ્યો હોય તો જેમ એક ફુલ ઉંચકું તેમ એ વાટ મારાથી ઉંચકાજો.” એટલું કહી વાટ ઉંચકવાની તૈયારી કીધી, પણ જ્યારે તે વાટને ધગધગતી જોઈ અને તેની નીચેની ધૂળ પણ તાપથી તપી ગયેલી લાગી, ત્યારે ફરી તેની હિંમત છુટી ગઈ, અને તે ત્યાંથી પાછો હઠતો હતો એટલામાં તે વાટ ઉપર એક કીડીની હાર ચાલતી હોય એમ તેને ભ્રાંતિ થઈ એ કીડીને ચાલતાં જોઈને તેને ફરીથી ધીરજ આવી અને તેણે તુરત વાટ ઉચકી પોતાની ડોકમાં ભેરવી દીધી. સઘળા લોકો એ તમાશો જોઈ વિસ્મિત થયા, અને માંહેમાંહે કહેવા લાગ્યા કે, આ દુષ્ટ કળિયુગમાં પણ પરમેશ્વર ઉંઘતા નથી, પણ તે સાચાને મદદ કરવાને હજી પ્રવૃત્ત રહે છે. કારભારીએ તે વાટ માધવની ડોકમાંથી કઢાવી નંખાવી અને તેને ઘણું માન આપી રાજાની પાસે લઈ ગયો તેણે તેને બ્રાહ્મણ જાણી તેનું પૂજન કરી કેટલીએક સોનાની મહોર બક્ષિસ કીધી. માધવે કોઈ વખત આગળ દક્ષિણા લીધી નહતી, તો પણ તે વખતે તેની પાસે ઘણા પૈસા નહતા, અને દિલ્હીમાં તેને પોતાનું ધારેલું કામ પાર પાડવામાં પૈસાની કેટલી બધી જરૂર પડશે તે વાત સારી પેઠે તે જાણતો હતો, તેથી ઘણું નાખુશીની સાથે તેણે તે વખતે મહોરો લીધી, અને મોતીશાને બોલાવી સંઘમાંથી જુદા પડી એકલાં મુસાફરી કરવાનો ઠરાવ કીધો.

પહેલે જ દહાડે તેઓ એકલા અને વાટ દેખાડનાર કોઈ ભોમીયો નહી તેથી ભુલા પડ્યા, અને ધોરી રસ્તો છોડીને એક જંગલમાં પેંઠા, જેમ જેમ તેઓ આગળ ચાલતા ગયા તેમ તેમ જંગલ વધારે ગાઢું થતું ગયું, અને જ્યારે સાંજ પડી ત્યારે ત્યાં એટલું તો અંધારૂં થઈ ગયું કે એક ડગલું પણ તેઓનાથી આગળ જવાયું નહી. નિરાશ થઈને તેએાએ ઘોડાઓ ઉપરથી ઉતરીને ઘેાડા ઝાડ સાથે બાંધ્યા જંગલી જનાવરની દહેશતને લીધે તેઓ ઝાડ ઉપર ચઢી ત્યાં આખી રાત સુઈ રહેવાનો મનસુબો કરતા હતા, એટલામાં પાસેના ઝાડમાંથી બે બ્રાહ્મણો હાથમાં નાગી તલવાર લઈને તેઓની સામા ઉભા રહ્યા. જ્યારે તે ચારે જણની આંખ મળી ત્યારે બ્રાહ્મણો બોલ્યાઃ “યજમાન રાજા, કલ્યાણમસ્તુ, અમે દક્ષિણા લેવા આવ્યા છીએ.” માધવે આશ્ચર્ય પામીને તેઓની સામું જોઈને પૂછ્યું “ ગોરમહારાજ ! તલવાર ઉઘાડી રાખી દક્ષિણા માગતાં બ્રાહ્મણોને મેં મારી જીન્દગીમાં આજે જ જોયા. તમારી હકીકત કોઈ વિચક્ષણ હશે, માટે કૃપા કરી તમે કોણ છો, તથા તમારો ધંધો શો છે તે કહો.” બ્રાહ્મણ બોલ્યાઃ “યજમાન રાજા, અમે બે ભાઈઓ છીએ, અને અમે વેદાંતી ધર્મ પાળીએ છીએ. થોડાં વર્ષ ઉપર કાંઈ ધંધો ન મળવાથી અમે એવા તો દરિદ્રી થઈ ગયા, અને તેથી અમારી બાયડીઓ અમને એટલા તો રોજ ઠોક પાડવા લાગી કે કાંઈ પણ ધંધો કરવાનો અમે નિશ્ચય કીધો. એવામાં એક દહાડો એક વ્યાસજી વેદાંત ઉપર કથા કરતા હતા તે સાંભળવાને અમે બેઠા. કથામાં વ્યાસજી બેલ્યા: “આ જગત માયારૂપી છે ભાઈઓ, એક બાજીગરનો ખેલ છે, જેમ જાદુગર લોકો નજરબંધી કરી ધૂળ હોય ત્યાં પાણી દેખાડે છે તેમ માણસ સઘળું ખોટું દેખે છે, જગતમાં આત્મા અને પરમાત્મા સિવાય બીજું કાંઈ નથી, જે જે પ્રાકૃતિક પદાર્થ આપણી ઈંદ્રિયોવડે માલમ પડે છે તેઓ ખરેખર જગતમાં છે જ નહી એ તો માત્ર આભાસ છે, જેમ સ્વપ્નમાં આપણને હજારો વસ્તુ દેખાય છે, અનેક શબ્દ સંભળાય છે, અને સઘળાં ઈંદ્રિયસુખ મળે છે, પણ જાગ્યા એટલે તેમાંનું કાંઈ ત્યાં હોતું નથી, તેમ આ જગતમાં આપણી અવસ્થા સ્વપ્નવત્ છે, પદાર્થ કાંઈ છે જ નહી. માટે રે ભાઈઓ, જગતમાં લોકો પૈસા મેળવવાને જે શ્રમ કરે છે તે સઘળો મિથ્યા છે. જેટલું લોકો મારુંતારું કરે છે, તે ફોકટ છે. અલ્યા મારું કાંઈ નથી અને તારું પણ કાંઈ નથી” એ કથા સાંભળીને અમારા મન ઉપર એટલી તો અસર થઈ કે અમે વેદાંતી થઈ ગયા, અને મારા અને તારામાં કાંઈ અંતર ગણવો નહી એવો નિશ્ચય કીધો. પછી એક વાર અમે અમારા યજમાનને ઘેર કાંઈ કામસર ગયા, ત્યાં એક પૈસાની થેલી પડી હતી તે જોઈને અમે વિચાર કરવા લાગ્યા કે આને માનવી પૈસો કહે છે, પણ ખરેખરે તો તે છે જ નહી, એ તો માત્ર આભાસ છે વળી જગત કારમું છે, તથા આવરદા ક્ષણભંગુર છે, તેથી એ પૈસા મુકીને યજમાનને કોઈ દહાડે જવું પડશે, અથવા એ પૈસા યજમાનને મુકીને જતા રહેશે, એ બેમાંથી એક વાત તો નિશ્ચય બનવાની જ, હવે યજમાન પૈસાને મુકીને હમણાં જાય એવો સંભવ નથી, અને જાય તો પણ તેથી અમને કાંઈ લાભ થાય નહી. ત્યારે પૈસાએ આજે યજમાનને મુકીને જવું જોઈએ. વળી મારુંતારું એ સઘળું મિથ્યા છે, માટે યજમાનના પૈસા અને અમારા પૈસા એમાં ભેદ શો ? એમ વિચારીને તે થેલી ઉંચકી લીધી, અને તે લઈને જતા હતા એટલામાં યજમાનના દુષ્ટ ચાકરોએ અમને પકડ્યા, અને યજમાનના કહેવાથી અમને રાજા આગળ લઈ ગયા. રાજાની આંખ ઉપર પણ માયાની અંધારી બાંધેલી તેથી તેણે મારાતારામાં ભેદ કહ્યો, અને વેદવ્યાસજીના વેદાંતમતથી વિરૂદ્ધ ચાલીને અમને પાંચ વર્ષ બંધીખાનામાં નાંખ્યા, કારાગૃહમાં એટલાં વર્ષ મફતનું, વગર મહેનતે ખાધા પીધા પછી અમને છોડી મુક્યા. હવે શું કરવું ? જગત તો દુષ્ટ માયામાં વિંટાયલું, અને પરમાત્મામાં લય પામવાનાં સાધન શોધવાને બદલે મારાતારામાં લડીમરી ઘાંચીના બળદની પેઠે ચોરાશીલાખના ફેરા ફર્યા કરે છે. એવા લોકોમાં સર્વોત્કૃષ્ટ વેદાંત મત ચલાવવા જઈએ તો સંકટમાં આવી પડીએ, તેથી ઋષિઓની પેઠે વનવાસ કરવો એવો નિશ્ચય કીધો; અને આ જંગલમાં ત્રણ મહીના થયાં આવ્યા છીએ, પણ લાડુ ને ઘી ખાધેલા તે હવે કંદ, મૂળ, ફળાદિનો આહાર શી રીતે થાય ? તેથી કોઈ યજમાન શોધવાને રાતની વખતે નીકળીએ છીએ. તમે પહેલા જ મળ્યા છો, માટે જો તમે વેદવ્યાસજીને માનતા હો તો લુગડાં પાઘડી આદિ જેને તમે તમારું કહો છો તે અમારૂં કરો, નહીં તે આ તલવારવડે તમને પરમાત્માનો મેળાપ કરાવી આપીશું.” માધવને એ બે વેદાંતી બ્રાહ્મણોની વાત સાંભળી ઘણું હસવું આવ્યું, અને પેટના દુ:ખથી તેઓના મગજ ઉપર અસર થઈ છે એમ સમજીને તેઓને એક સોનાની મહોર આપી, તે લઈને આ બંને ઘણા પ્રસન્ન થયા, વિદાય કરતી વખતે માધવે તેઓને બોધ કીધો કે હજી વેદવ્યાસજીનો મત દુનિયામાં ચાલ્યો નથી, માટે હવે પછી જો તમે મારુંતારું સમાન ગણવા જશો, તો આ તમારી જ તલવારથી તમને જ પરમાત્મા સાથે એાળખાણ કરવું પડશે. વેદાંતીભાઈ તેઓને આશીર્વાદ દઈ ચાલતા થયા.

પ્રકરણ ૫ મું.

મહાભારતમાં પ્રસિદ્ધ થયલા હસ્તિનાપુરની પડેાસમાં જમના નદીને કીનારે દિલ્હી શહેર જે હમણાં છે, ત્યાં પહેલા રજપૂત રાજાઓ રાજ્ય કરતા હતા. છેલ્લો તુમાર વંશનો રજપૂત રાજા નિર્વંશ મરણ પામ્યો, ત્યારે અજમેરનો ચૌહાણ વંશનો રજપૂત રાજા પૃથુરાજ દિલ્હી તથા અજમેર એ બંને સંસ્થાનોનો ગાદીપતિ થયો. એ પૃથુરાજની કારકીર્દીમાં મુસલમાન લોકોના પાદશાહ શાહબુદ્દીન ઘોરીએ દિલ્હી ઉપર ચઢાઈ કીધી, અને તે પહેલી વાર પરાજિત થયો તો પણ બીજી લડાઈમાં તેનો જય થયો, પૃથુરાજ પકડાયે, અને દિલ્હી મુસલમાનોના હાથમાં ગયું.

દિલ્હીનો પહેલો મુસલમાન પાદશાહ કુતુબુદ્દીન હતો, તેણે અને તેની પછી જે પાદશાહો થયા તેઓએ દિલ્હી શહેરને ઘણું શોભાયમાન કીધું, અને રાજ્યની મર્યાદા વિસ્તારીને ઘણાએક હિંદુ રાજાઓની પરાપૂર્વથી સંઘરેલી લક્ષ્મી દિલ્હી શહેરમાં ઘસડી લાવ્યા.

ઈસવી સન ૧૨૯૬ ની દિવાળીમાં આ શહેરમાં ઘણી જ શોભા થઈ રહી હતી. લોકોએ રાત્રે બજારમાં તથા ઘેરઘેર રોશની કીધી હતી, તથા દિવસે ઘણાં ઉંચાં તથા કિંમતી લુગડાં પહેરીને તેઓ ફરતા હતા. ઘેરેઘેર ઉત્સવ થઈ રહ્યો હતો, તથા લોકો ઘણા આનંદમાં દેખાતા હતા. એ સઘળી ખુશીમાં દિલગીરીનું એક મોટું વાદળું ટંગાઈ રહેલું હતું. થોડીએક મુદત ઉપર જલાલુદ્દીન ફિરોઝને દગો કરી ઠાર માર્યો હતો. તે રાજા ઘણા નરમ સ્વભાવનો, દયાળુ, તથા શાંત ગુણનો હતો. તેના વખતમાં લોકો ઘણાં સુખી હતા. રંક અને રાય એ બંનેને પાદશાહની તરફથી સરખે ઈનસાફ મળતો હતો. કોઈના ઉપર પાદશાહના જાણ્યા છતાં જુલમ કરવામાં આવતો ન હતો, તથા ધર્મને વાસ્તે પણ કોઈને ઉપદ્રવ થતો નહીં. એથી ઉલટું સઘળા લોકોને માલુમ હતું કે નવા પાદશાહ અલાઉદ્દીનનો સ્વભાવ તેથી જુદી જ તરેહનો હતો. તેને લડાઈનો ઘણો શોખ હતો. તથા તે જાતે ઘણો બહાદુર હોવાથી એવી ફિકર રાખવામાં આવતી હતી કે તેના આખા રાજ્યમાં લડાઈ હમેશાં થયાં કરશે, અને તેથી રૈયતની ઘણી ખરાબી થશે. વળી તે સ્વભાવે ઘણો ક્રૂર, દગલબાજ તથા હઠીલો હતો, તેથી પણ લોકોને પોતાના જાનમાલની ઘણી દહેશત રહેતી હતી, તથા તેને ધર્મને વાસ્તે પણ ઘણી જનૂન હતી. તેની લુચ્ચાઈ, નિમકહરામી તથા દુષ્ટતાથી લોકો ઘણા ત્રાસ પામી ગયા હતા. તેઓને હજી સાંભરતું હતું કે જલાલુદ્દીન કેવો વિશ્વાસ રાખી કરા આગળ તેના ભત્રિજા અલાઉદ્દીનને મળ્યો; અલાઉદ્દીન કેવો ઢોંગ કરીને એકલો આવી પોતાના કાકાને પગે પડ્યો; કેવા લાડથી જલાલુદ્દીને તેને હાથ પકડીને ઉઠાડ્યો, અને તેના ગાલપર હાથ ફેરવી બોલ્યો: 'મેં તને બચપણથી ઉછેર્યો, તારા ઉપર મેં બાપ જેવી પ્રીતિ રાખી, તથા મારા પોતાના છોકરા કરતાં પણ તારા ઉપર વધારે વહાલ રાખ્યું, તે મારા ઉપર તને કદી શક આવે જ નહીં, ' કેવા ક્રુરપણાથી તથા વિશ્વાસઘાતથી અલાઉદ્દીને તે વખતે પહેરેગીરને ઈશારત કીધી, તે ઉપરથી એક મહમૂદ બીન સાલેમે જલાલુદ્દીનના ખભા ઉપર તલવારને ઘા કીધો, કેવા ગુસ્સાથી જલાલુદ્દીન હોડીમાં બેસી જવા દોડ્યો, પણ તેટલામાં અખતીઆરૂદ્દીને આવીને બિચારા અશક્ત ડોસાને પકડ્યો, અને તેને ભોંય ઉપર નાંખી દઈ તેનું માથું કાપી નાંખ્યું, અને કેવા દુષ્ટ અંતકરણથી અલાઉદ્દીને પોતાના કાકાનું માથું એક ભાલા ઉપર ઘોંચીને આખા લશ્કરમાં તથા શહેરમાં ફેરવ્યું ! વળી જલાલુદ્દીનના મુઆ પછી તેની રાણી મલેકાજહાને, વગર વિચારે તથા અમીરોની સલાહ લીધા વિના, કદરખાં ઉરફે રૂકનુદ્દીન ઈબ્રાહીમ નામના તેના નાના છોકરાને તખ્ત ઉપર બેસાડ્યો, પોતાનો મોટો છોકરો અરકલીખાં જે પાદશાહનો ખરેખર વારસ હતો, તથા જે તે વખતે મુલતાનમાં હતો તેને રાણી મલેકાજહાને ઘણાએક સંદેશા મોકલ્યા અને પોતાના ભાઈ માટે મોટું લશ્કર લઈ આવવાની ઘણી અરજ કીધી. અરકલીખાં મુલતાનથી આવ્યો નહી, પણ એવો જવાબ કહેવડાવ્યો કે નદીને તેના મૂળ આગળ અટકાવી શકાય છે, પણ તે મોટી થયા પછી તેનો વોહો કોઈ રોકી શકતું નથી. અલાઉદ્દીને દિલ્હી આગળ આવી છાવણી નાંખી. કદરખાં પોતાનું લશ્કર એકઠું કરીને અલાઉદ્દીનની સાથે લડવાને બહાર આવ્યો. તેના સોબતીઓ તથા તેની તરફના અમીર ઉમરાવો તેની પાસેથી જતા રહી અલાઉદ્દીનને જઈને મળ્યા, કદરખાં પોતાની માને તથા કેટલાંક માણસોને લઈને મુલતાનમાં નાસી ગયો, તથા અલાઉદ્દીન દિલ્હીમાં પેસીને પોતાને પાદશાહ કહેવડાવવા લાગ્યો, અને પોતાના નામના સિક્કા પડાવ્યા. એ સઘળી વાત તેઓને તાજી યાદ હતી, ત્યાર પછી અલાઉદ્દીને મુલતાન શહેર તાબે કરી અરકલીખાં તથા કદરખાં એ બે શાહાજાદાઓને પકડી પોતાની પાસે લાવવાને એક મોટું લશ્કર આપી પોતાના ભાઈ અલફખાં તથા ઝફરખાને મોકલ્યા. તેઓએ મુલતાન શહેરને ઘેરો ઘાલ્યો, તે બે મહીના સુધી ચાલ્યો, આખરે શહેરના લોકોએ તથા સિપાઈઓએ મુલતાનનો કિલ્લે પાદશાહી સરદારને સ્વાધીન કરવાનું કબૂલ કીધું, પણ એટલી તેઓએ શરત કીધી કે બે શાહજાદાની જીંદગી બચાવવી, એ સરત અલફખાંએ મંજુર કીધી, અને તે પાળવા બાબત ઘણા સખ્ત કસમ ખાધા. એ પ્રમાણે તે શાહજાદાઓને પોતાના હાથમાં લઈ સઘળી હકીકત એણે અલાઉદ્દીન પાદશાહને કહેવડાવી.

પાદશાહ ઘણો જ ખૂશ થયો. તેની ઘણી લાંબી મુદતની ધારેલી મતલબ હવે હાંસલ થઈ. હવે તેના હક્ક વિષે તકરાર ઉઠાવનાર કોઈ રહ્યું નહી. શહેરમાં માટે આનંદોત્સવ પોતાના ખરચથી કરાવ્યો, અને એકલા મુસલમાનોને જ તેણે પૈસા આપી રાજી કીધા નહી, પણ પોતાની હિંદુ રૈયતને પણ તેઓનાં દેવાલયોમાં તેઓના ધર્મ પ્રમાણે ભક્તિ કરી પોતાની ફતેહ તથા સુખાકારી તેઓના દેવ પાસે માગવાનો હુકમ કીધો. તેણે મુખ્ય મુખ્ય બ્રાહ્મણોને બોલાવી તેઓની ક્રિયા કરાવવાને જેટલો ખરચ બેસે તે સઘળો પુરો પાડ્યો. એ અધર્મ જોઈને બીજા મુસલમાનોને ઘણો ગુસ્સો લાગ્યો, અને કાફર લોકોના ધર્મને ઉત્તેજન આપ્યું, તથા ખોટા દેવોની પ્રાર્થના કરાવવાથી ખરો ખુદા ઘણો કોપાયમાન થશે એમ સમજી, બ્રાહ્મણોને પૈસા ન આપવા માટે પાદશાહને ઘણો સમજાવ્યો. અલાઉદ્દીનની મરજી બધા લોકોને ખુશ કરવાની તથા સઘળાઓની પ્રીતિ સંપાદન કરવાની હતી, તેથી તેણે તેઓની વાત કાને ધરી નહીં. અગર જો મુસલમાનો પાદશાહની હઠીલાઈથી ઘણા નાઉમેદ થઈ ગયા તો પણ એ કામ ઉપર તેઓનો ક્રોધ કાયમ રહ્યો, તથા તેઓએ કોઈ પણ રીતે હિંદુઓ સાથે ટંટો કરવાનો ઠરાવ કીધો, તે દહાડે દિલ્હીની સઘળી મસજિદોમાં વાએજ કરાવવાને તથા અલફખાંના મોકલેલા ફતેહના સમાચારનો કાગળ વંચાવવાનો પણ હુકમ થયો હતો. દિવાળીને દહાડે મુસલમાનેને જુમાનો પાક દહાડો હતો તેથી તે જ દિવસે એ પાદશાહનો હુકમ અમલમાં આવ્યો. સઘળી મસજીદોમાં બપોરે બાર વાગતે બાંગ પોકારવામાં આવી, તે સાંભળીને શહેરના તમામ મુસલમાન લોકો સારાં સારાં લુગડાં પહેરીને તથા પોતાનાં છોકરાંને સાથે લઈને પાસેની મસજિદોમાં જવા નીકળ્યા. હિંદુઓનાં દહેરાંઓમાં પણ ઘણી ધામધુમ થઈ રહી હતી, દરેક દેવાલયમાં ઘણાએક બ્રાહ્મણો મોટા મોટા ઘાંટા કાઢીને મંત્ર ભણતા હતા, તથા જે પૈસા મળ્યા હતા તેનો બદલે વાળતા હતા, હજારો લોકો દર્શન કરવાને જતા હતા. દહેરાં ઘણાં શણગારેલાં હતાં, તથા ત્યાં લોકોની ઘણી જ ભીડ થઈ રહી હતી, એવા એક મોટા નામાંકિત દેવસ્થાનમાં બીજાં બધાં દહેરાં કરતાં લોકોનો વધારે જમાવ થયો હતો, તથા ત્યાં બ્રાહ્મણો ઘણા હોવાને લીધે શોરબકોર પણ પુષ્કળ થઈ રહ્યો હતો. એવામાં ત્યાંથી એક મુસલમાનોનું ટોળું મસજિદમાં જતું હતું, તેઓને આ સઘળે ઠાઠમાઠ જોઈને એટલે તો ગુસ્સો ચઢ્યો, તથા કાફર લોકોના ઢોંગી તથા નાપાક ધર્મને આટલી આબરૂ મળવાથી તેઓને એટલો તો ક્રોધ ચઢ્યો કે તેઓએ સઘળા હિંદુઓના દેખતાં તેઓના દેવને ઘણી ગાળ દીધી, તથા કેટલાએક બ્રાહ્મણને ડાંગવતી માર્યા, હજી હિંદુઓ છેક નિર્બળ ભાજીખાઉ થઈ ગયલા નહતા, તેઓમાં હજી શૂરાતન બાકી રહેલું હતું, તેથી આ ગાળો, દેવને અપમાન, તથા ડાંગનો માર તેઓ ઢોરની પેઠે ધીર રાખી ખમી રહ્યા નહીં. તેઓમાંથી કેટલાએક, મુસલમાનો ઉપર તુટી પડ્યા. અને ત્યાં સારી પેઠે મારામારી થઈ. મુસલમાનો થોડા, અને હિંદુઓ ઘણા, તેથી મુસલમાનોનું કાંઈ ચાલ્યું નહી, તેઓએ ઘણો માર ખાધો, અને બે ત્રણ જણ મરવા જેવા થઈ ગયા. શહેરમાં આ લડાઈની બુમ ચાલી, મુસલમાઓ ગલીએ ગલીએ તથા ચકલે ચકલેથી તથા મસજિદોમાંથી હથિયારબંધ દોડી આવ્યા, તેમ જ હિંદુઓનો પણ ઘણો જમાવ થઈ ગયો. શહેરમાં સઘળાએાએ પોતાનાં બારણાં બંધ કરી દીધાં, તથા હવે શું થશે એ વાતની તેઓ ભારે ફિકરમાં પડ્યા, લડાઈ તો ભારે ચાલી, લાકડી, તલવાર, ખંજર, પથ્થર, ઘરનાં નળીયાં, વગેરે જે જે હથિયાર લોકોના હાથમાં આવ્યાં તે લઈને લડવા લાગ્યા. ત્યાં ઘણો જ ગડબડાટ થઈ રહ્યો. હિંદુઓ તથા મુસલમાનો સેળભેળ થઈ ગયા; અને જેને દાઢી હોય તેને હિંદુઓએ અને દાઢી વગરના હોય તેને મુસલમાન લોકોએ દયા લાવ્યા વિના ઘણો જ માર માર્યો, બંને તરફના ઘણાએક માર્યા ગયા; કેટલાએક મરણતોલ જખમી થયા; કેટલાએક થાકીને ભોંય ઉપર પડ્યા, તેઓ લોકોના પગ તળે છુંદાઈને મરણ પામ્યા. લડાઈનો શોરબકોર,ઘાયલ તથા મરતા માણસોની ચીસાચીસ, તથા બીજાઘણીએક તરેહના અવાજથી ત્યાં કાન બહેર મારી જતા હતા, મુસલમાનો તથા હિંદુઓનાં ટોળે ટોળાં આવ્યાં જ જતાં હતાં; અને જો અલાઉદ્દીન પાદશાહને એ વાતની ખબર પડી નહોત, તથા તેણે લડાઈનું સમાધાન કરવા તથા બંનેના જે લોકો આગેવાન હોય તેઓને પકડી પોતાની હજુરમાં લાવવાને એક લશ્કર મોકલ્યું ન હોત, તો આ લડાઈનો ક્યારે પાર આવત તે કહેવું મુશ્કેલ હતું.

પાદશાહનું લશ્કર આવતું જોઈને લડનારાઓમાંથી ઘણાએક નાસી ગયા, કેટલાએક પાસેનાં ઘરમાં ભરાઈ ગયા, અને કેટલાએક ઓટલા ઉપર અમે લડવામાં સામેલ નથી, એમ જણાવવાને બેસી ગયા, મુસલમાનોના કરતાં હિન્દુઓને વધારે દહેશત લાગી, તેથી તે લોકોમાંથી વધારે સટકી ગયા, લશ્કર આવતાં જ તેના સરદારે હુકમ કીધા કે લડાઈ એકદમ બંધ કરવી, અને હથિયાર ભોંય ઉપર નાંખી દેવાં. લડનારાઓ લાચાર થઈ ગયા, અને હવે વધારે લડવામાં કાંઈ ફાયદો નથી એમ જાણીને તે ઉપરીનો હુકમ માથે ચઢાવીને ઉભા રહ્યા. ત્યાર પછી તે લશ્કરના સરદારે તેઓમાંથી મુખ્ય મુખ્ય માણસોને પકડી લીધા, અને તેઓને બાંધીને પાદશાહની આગળ લઈ જવાને તેઓ નીકળ્યા, પકડાયલા માણસોમાં મુસલમાનો કરતાં હિન્દુઓ વધારે હતા, અને તેઓને ભય પણ વધારે હતો. તેઓ પોતાના જીવની આશા મુકીને ચાલતા હતા, અને જે બને તે ખમવાને તેઓ તૈયાર થઈ રહ્યા હતા. થોડીવારમાં તેઓ સઘળાને પાદશાહ અલાઉદ્દીનની હજુરમાં ઉભા રાખ્યા. તે દહાડે દરબાર ભરપૂર ભરાયલું હતું. પાદશાહની સેનાના હીરાજડેલા તખ્ત ઉપર બેઠો હતો. તેનો પોશાક તથા ઝવેર જોતાં આંખ જંખવાઈ જાય એટલો તે શણગારાયલો હતો. સોનું, હીરા, મોતી, માણેક વગેરે રત્નોની કાંઈ જ કસર રાખવામાં આવી નહતી, તેના દબદબામાં કાંઈ શોભા ઉપર જરાપણ લક્ષ આપવામાં આવ્યું નહતું. તેના શણગારનો ઈરાદો શોભા અાપવા કરતાં તેની અગણિત દોલત લોકોમાં પ્રસિદ્ધ કરવાનો વધારે હતો, અને દોલત પણ તેણે બુશુમાર મેળવી હતી, કોઈ પણ પાદશાહની પાસે તખ્ત ઉપર બેસતી જ વખતે એટલું ધન હશે એમ તવારીખ ઉપરથી જણાતું નથી. તેણે સૌથી પહેલાં દક્ષિણ તરફના દેશો ઉપર ચઢાઈ કીધી હતી, અને ત્યાંની ઘણા કાળની એકઠી થયલી દોલત તે લૂંટી લાવ્યો હતો. મુસલમાન ઇતિહાસકર્તા લખે છે કે કે જ્યારે જલાલુદ્દીન ફિરોઝના રાજ્યમાં તેણે દેવગઢનું રાજ્ય જીત્યું, ત્યારે ત્યાંના રાજાએ તેને શાંત કરવાને છસેં મણ મોતી, બે મણ હીરા, માણેક, લીલમ, અને પોખરાજ, એક હજાર મણ રૂપું, અને ચાર હજાર રેશમનાં થાન નજર કીધાં, અને તેની સાથે બીજી પણ ઘણીએક કિમતી વસ્તુઓ આપી. અગર જો આ લખાણમાં મુસલમાન લોકોની રીત પ્રમાણે અતિશયોક્તિ તો ઘણી હશે, તો પણ તે ઉપરથી એવું જણાય છે કે દક્ષિણમાંથી તે બેશુમાર દ્રવ્ય હરી લાવ્યો હતો. તેણે તેના રાજ્યમાં એ કરતાં પણ વધારે દોલત મેળવી, તે એટલી કે એના જેવો બીજો કોઈ પણ પાદશાહ ધનવાન નહતો. એ દ્રવ્યનો તે ઉપયોગ પણ ઘણો કરતો. તેની શોભાનો કાંઈ પાર નહતો. તેના ઘરનો ખરચ પણ આશ્ચર્યકારક હતો. તેની પાસે માત્ર ખાનગી ઘરના ચાકરો સત્તર હજાર હતા, એ ઉપરથી જ તેનો બીજો વૈભવ કેવી તરેહનો હશે એનો વાંચનારાઓએ ખ્યાલ કરવો.

એવી રીતે અલાઉદ્દીન ખિલજી તે દહાડે બિરાજેલો હતો. તેનું મ્હોં એવું મોટું અને વિક્રાળ હતું, કે તેને જોઈને સઘળાને ત્રાસ લાગ્યા વિના રહે જ નહી, તથા તેને આબરૂ આપ્યા વિના પણ ચાલે નહી. તેને આવી વખતે હિન્દુસ્તાનમાં ફિતૂરી લેકે ઉપર મજબૂત રીતે તથા સખતીથી રાજદંડ પકડવાને જ પરમેશ્વરે સરજેલો હોય એમ દેખાતું હતું. તેની આંખ ગોળ તથા ઘણા તેજથી વાઘની આંખની પેઠે જ ચળકતી હતી, અને તેમાં દયા કે ક્ષમાની કોઈ પણ નિશાની માલમ પડતી નહતી, તેનું આખું શરીર એવું પ્રૌઢ તથા કૌવતદાર હતું, કે તેને જોઈને મોટામાં મોટા અમીરો પણ થરથર કાંપતા હતા, અલાઉદ્દીન ખિલજીનો એટલો ત્રાસ હતો કે તે આજ પણ ગુજરાતનાં ગામોમાં અલાઉદ્દીન ખુની એ નામથી ઓળખાય છે. તેની આસપાસ મોટા મોટા અધિકારીઓ બેઠેલા હતા, એક તરફ તેનો વજીર ખાજા ખતીર હતો, તે તેના વખતમાં ઘણો સદ્દગુણી માણસ ગણાતો હતો; અને બીજો દીવાની અદાલતનો મુખ્ય ન્યાયાધીશ કાઝી સદ્રુદીન એરીફ ઉર્ફે સદ્રેજહાન હતો. ઉમદતુલમુલ્ક, મલેક હમીદુદ્દીન અને મલેક અયઝુદ્દીન એ બંને ઘણા વિદ્વાન અને બુદ્ધિશાળી મુનશી બેઠેલા હતા. બીજી તરફ દિલ્હીનો કોટવાળ નુસરતખાં હતો, બીજો મલેક ફક્રુદીન કચી, ફોજદારી અદાલતનો મુખ્ય ન્યાયાધીશ હતો, અને મુખ્ય મુનશી મલેક ઝફરખાં હતો, એ સિવાય બીજા ઘણાએક અમીર ઉમરાવો, સૂબાઓ, કાઝીઓ, મોલવીઓ, લશ્કરના સરદારો, ફકીરો, દર્વેશો, તથા બીજાં ઘણાએક માણસો હતાં.

એવા દરબારમાં તે પકડાયલા ફિતૂરી લોકોને લાવી ઉભા રાખ્યા. પાદશાહે તેઓનો ઈનસાફ કરવાનો તથા જે અપરાધી ઠરે તેઓને શિક્ષા કરવાનો હુકમ કીધો. તે પ્રમાણે ફોજદારી અદાલતના મુખ્ય ન્યાયાધીશ ફક્રુદીન કચીની પાસે તેઓને લઈ આવ્યા. તેણે તે વખતે સઘળાના હાજર જામીન લઈ છોડી મુક્યા, અને બીજે દહાડે હાજર રહેવા ફરમાવ્યું. ઠેરવેલે વખતે સઘળા કેદીઓ હાજર થયા, તેઓની પાસેથી પુછપરછ કરી લડાઇ થવાનું કારણ તથા તેને લગતી સઘળી હકીકત ફક્રુદીને જાણી લીધી, ઈનસાફની આંખે જોતાં તો સાફ હતું કે મુસલમાન લોકોએ કજીઓ ઉઠાવ્યો, તેઓએ પહેલાં હિંદુઓના દેવોનું અપમાન કીધું, તથા કેટલાએક હિંદુઓને માર્યા, પછી હિંદુ લોકોએ સામા થઈ તેઓને માર્યા, એ તેઓએ ન્યાયાધીશની નજરમાં એક મોટી ચુક કીધી, અસલ જ્યારે રાજ્ય સ્થાપન થયાં ત્યારે જબરાની સામા નબળાનું રક્ષણ કરવું એ રાજ્ય કરનારનો મુખ્ય ધર્મ હતો, અને રાજ્ય સ્થાપવાનો એ જ હેતુ હતો, જે સઘળા પોતપોતાની મરજી પ્રમાણે જે તેઓની નજરમાં ગુન્હો લાગે તેનું વેર લે, તો જનસમાજનું બંધારણ તુટી જાય, લોકો એક રાની પશુઓનાં ટોળાં જેવા થઈ જાય, જાનમાલની સલામતી રહે નહી, અને માણસના સુખનો નાશ થાય એટલું જ નહી, પણ તેઓનો પણ થોડી મુદતમાં અંત આવે. માટે જે ઠેકાણે સારા બંદોબસ્તવાળું રાજ્ય છે, ત્યાં ખાનગી રીતે વેર લેવાનો કોઈને અખતિયાર નથી. જે માણસને નુકસાન લાગ્યું હોય તેણે પોતાની મેળે જ કાયદાનો અમલ કરી સામાને પોતાની મરજી પ્રમાણે શિક્ષા કરવાને બદલે રાજાની આગળ ફરિયાદ કરવી અને તે રાજા ત્રાહિત માણસ હોવાથી તેને બેમાંથી કોઈ ઉપર ઘણું કરીને દુશ્મની હોતી નથી, તથા બે દુશ્મનો વચ્ચે જે જુસ્સો તથાં અંટસ ઘણું કરી હોય છે, અને તેથી તેઓની વિવેકબુદ્ધિ ઉપર જે પડદો વળી જાય છે, તેમ રાજાને થતું નથી. તે હમેશાં નિષ્પક્ષપાત તથા શાંત વૃત્તિનો હોવો જોઈએ, તેથી તે બંનેનો ગુન્હો તપાસવાને, તેઓમાંથી વધારે કસૂર કોની છે તે શોધી કાઢવાને, તથા જેનો ગુન્હો માલમ પડે તને ઘટતી શિક્ષા આપવાને વધારે લાયક છે. અગર જો આ રસ્તો વાજબી છે, તથા તેના ઉપયોગ અને ફાયદા સઘળા માણસો કબુલ કરે છે, તો પણ લોકો હમેશાં તે પ્રમાણે કરતા નથી; અને જ્યારે તેઓ તેમ કરે છે ત્યારે પણ એ વાત સઘળાને ફાયદાકારક છે એમ સમજીને નહી, પણ તેઓને વેર લેવાની શક્તિ હોતી નથી તેથી તેઓ આ રસ્તે પકડે છે તેનું કારણ સમજવું ઘણું મુશ્કેલ નથી. માણસોમાં પરમેશ્વરે પશુઓ અને બીજાં કનિષ્ટ પ્રાણીઓની પેઠે કેટલીએક પ્રેરણાઓ મુકેલી છે, તેની સામે વિવેકબુદ્ધિનું ઘણી વખતે કંઈપણ ચાલતું નથી. એ પ્રેરણા પ્રમાણે માણસો ઘણાંએક કામો કરે છે તેમાં વિચાર કરવામાં આવતો નથી, અથવા તેમ કરવાને વખત પણ મળતો નથી. દુ:ખને બદલે દુ:ખ દેવું એ એક સઘળાં પ્રાણીઓમાં પ્રેરણા છે, ખામોશ અને ક્ષમા વિચારશક્તિવડે જ ઉત્પન્ન થાય છે. જ્યારે એ પ્રેરણાને જીતવાનો અને પોતાની મદદે વિવેકબુદ્ધિને બોલાવવાનો વખત મળે છે ત્યારેજ ખામોશ, દયા, ક્ષમા, કામમાં આવે છે. પણ સઘળાં માણસોને એ સ્વભાવિક પ્રેરણા જીતવાને મનનું સામર્થ્ય હોતું નથી; માટે જ્યારે તેઓને કોઈ પણ પ્રકારે ઉપદ્રવ પહોંચે છે ત્યારે તુરત તેનો બદલો વાળવાની જ તેઓની વૃત્તિ થઈ જાય છે. તે વખતે તેઓને રાજા અથવા કાયદાનું કાંઈ પણ ભાન રહેતું નથી; તે વિચાર પાછળથી આવે છે. આ પ્રમાણે કરવું એટલું તો સાધારણ તથા સ્વાભાવિક છે, અને તેથી ઉલટું ચાલવું એટલું તો મુશ્કેલ છે, કે કાયદા કરનારાઓએ કાયદા કરતી વખતે એ વાત ધ્યાનમાં લીધેલી જ છે; કારણ કે જ્યારે કોઈ ગુન્હેગારના ઉપર પહેલાં કાંઈ છેડખાઈ થઈ હોય, અથવા તેને ગુન્હો કરવાને સામા માણસે કાંઈ મજબુત કારણ આપ્યું હોય ત્યારે તેને શિક્ષા કરતી વખતે તે આગળની સઘળી હકીકત ઉપર વિચાર કરવામાં આવે છે, અને જે પ્રમાણે આગલાં કારણો મજબુત અથવા નબળાં હોય તે પ્રમાણે તેને વધારે અથવા ઓછી સજા કરવામાં આવે છે. તેને શિક્ષા તો થવી જોઈએ, અને તે પ્રમાણે થાય છે. તેની સ્વાભાવિક પ્રેરણાને લીધે તેને માફી તો મળતી નથી, પણ તે ઉપર ધ્યાન પહોંચાડીને શિક્ષામાં ઘટાડો કરવામાં આવે છે. હિંદુઓ શિક્ષાને પાત્ર તો હતા. તેઓએ લોકોની સુલેહમાં ભંગ કીધો, તેએાએ ઘણા મુસલમાનોના પ્રાણ લીધા તથા ઘણાએકને જખમી કીધા; તેને માટે તેઓને સજા તો થવી જ જોઈએ. પણ તે જ પ્રમાણે મુસલમાનેએ વગર કારણે હિંદુઓના જીવને દુખવ્યા તથા પોતાની પાસેની લાકડીને પ્રસંગવિના ઉપયોગ કીધો, તથા પાછળની મારામારીમાં પણ તેઓએ બન્યું તેટલું બળ વાપર્યું અને તેઓના હાથથી થોડા હિંદુઓ માર્યા ગયા તે તેઓની ખામોશીને લીધે નહી પણ તેઓનું સામર્થ્ય એાછું હોવાને લીધે જ બન્યું. માટે તેઓનો ગુન્હો પણ હિંદુઓના જેટલોજ હતો, અને તેઓને પણ તેટલીજ સજા થવી જોઈતી હતી, એવું આપણે ઈનસાફની રાહે ધારીએ ખરા, પણ મુખ્ય ન્યાયાધીશ ફક્રુદીનનો વિચાર એ પ્રમાણે ન હતો. મનુષ્યના ડરને નહી ગણકારતાં ફક્ત ઈશ્વરનો જ ડર રાખી અદલ ઈન્સાફ આપવો એવો કાંઈ તેને ઉદ્દેશ ન હતો, તેની અદાલતમાં ઈનસાફનું જે ચિત્ર કાઢેલું હતું તે આંધળું ન હતું; તેને એક આંખ હતી તે મુસલમાન લોકોને જ જોતી હતી, તેના એક હાથમાં અદલનો જે કાંટો હતો તે સમતોલ થયલો ન હતો; પણ જે પલ્લામાં મુસલમાન હતા તે પલ્લું નીચે ઝોકતું હતું; તેના બીજા હાથમાં જે તલવાર હતી તે માત્ર બિચારા હિંદુઓનેજ મારવા કીધેલી હતી. તેજ પ્રમાણે ઈનસાફના ખાવિંદની આંખ ઉપર પોતાના જ ધર્મનો પડદો વળેલો હતો, તથા મન ઉપર જાતિનાં જાળાં પથરાયલાં હતાં, તેથી તેણે વિચાર્યું કે પાદશાહે કાફર મૂર્તિપૂજકોને પૈસા આપી તેઓનાં શેતાન દહેરાંઓમાં ધામધુમ કરાવી તે જોઈને હરેક સાચા મુસલમાનોને ગુસ્સો આવ્યા વિના રહે જ નહીં. માટે જે મુસલમાનોએ હિંદુઓના દેવનું અપમાન કીધું, તથા કાફરોને ડાંગવતી માર્યા તેમાં તેઓએ ખોટું કીધું નથી. તેઓને કરવું પડ્યું તે પાદશાહના અધર્મી કામને લીધે કરવું પડ્યું. માટે જે મુસલમાન લડાઈમાં માર્યા ગયા તેનું પાપ પાદશાહને શીર છે, કાફર હિંદુઓ મુઆ તેમાં તો ઘણી ફિકર હોય જ શેની? તેઓ દુનિયામાં કાંઈ કામના નથી. તેઓ આખર તો દોઝખમાં જવાના જ હતા, ત્યારે જરા વહેલા ગયા, અને પાપ કરતા ઓછા થયા, મુસલમાનોને હિંદુઓએ માર્યા એ તેઓએ મોટામાં મોટો ગુન્હો કીધો, અને તેથી તેઓને મોટી સજા કરવી જોઈએ, એવો વિચાર કરી ફક્રુદ્દીન ન્યાયાધીશ બોલ્યોઃ– “લડાઈ ઉઠાવનાર મુસલમાન લોકો હતા એ વાત ખરી છે, પણ જેઓએ એ પ્રમાણે કીધું તેઓ આ પકડી લાવેલા મુસલમાન છે, એમ માલમ પડતું નથી, માટે તેઓ નિરપરાધી છે. જે હિંદુઓ આ ઠેકાણે ઉભેલા છે તેઓ મારામારીમાં સામેલ હતા, અને તેઓને લીધે આટલા બધા મુસલમાન લોકો માર્યા ગયા, માટે તેની સજા એટલીજ કે “જે દહેરા આગળ લડાઈ થઈ તે દહેરા આગળ તમને પચીસ હિંદુઓને ભોંયમાં અર્ધા દાટવા અને તમામ મુસલમાનોએ ઈંટ, પથ્થર, બેદાં વગેરેનો તમારા ઉપર માર ચલાવવો, એટલે સુધી કે તે મારથી તમારો પ્રાણ જાય, ”આ હુકમથી અદાલતમાં જેઓ બેઠેલા હતા તેઓના મન ઉપર તેઓની જાત પ્રમાણે જુદી જુદી અસર થઈ, જેઓ મુસલમાન હતા તેઓ આ હુકમ સાંભળીને ઘણા જ ખુશ થયા, અને કાફરોએ પાક દીનવાળાઓ ઉપર હાથ ઉપાડ્યો તેને માટે જેવી સજા તેઓને ઘટતી હતી તેવી જ તેઓને મળી એમ જાણી ન્યાયાધીશની વિચારશક્તિ તથા નિષ્પક્ષપાતપણાની બેહદ તારીફ કરવા લાગ્યા. એથી ઉલટું જેઓ હિંદુ હતા તેઓ આ સજા સાંભળીને ઘણા જ દિલગીર થયા, અને આજે એમને અને કાલે આપણને એમ સમજી તેઓ ઘણા ત્રાસ પામ્યા. કેદીઓ ન્યાયાધીશનો આ ગેરવાજબી, દુષ્ટ તથા પક્ષપાત ભરેલો હુકમ સાંભળીને જડભરત જેવા થોડીવાર થઈ ગયા, અને કેટલીએક વાર પછી તેઓએ ન્યાયાધીશને જાહેર કીધું કે “ખુદાવંદ! જો લઢાઈ ઉઠાવનાર આ હાજર કીધેલા મુસલમાન ન હતા, તો લઢાઈમાં પહેલા સામેલ થનાર અમે પણ ન હતા. જે પ્રમાણે મારામારી થયા પછી તે લોકો આવ્યા હશે તે પ્રમાણે અમે પણ પછવાડેથી આવ્યા હતા; માટે તેઓના કરતાં અમારો અપરાધ શા કારણથી વધારે છે એ અમારાથી સમજાતું નથી.” ન્યાયાધીશથી એ કારણ બતાવી શકાય એવું નહતું, તેના ધર્માંંધપણા સિવાય બીજું કાંઈ પણ કારણ નહતું, પણ તે કારણ તેને પૂછવાની એ લોકોએ હિંમત ચલાવી એટલા જ ઉપરથી તે કોપાયમાન થયો, અને જુસ્સામાં બોલી ઉઠયો કે “તમે પહેલી લડાઈ શરૂ કીધી કે નહી તેની તજવીજ કરવાની મારે કાંઈ જરૂર નથી, તમે લડાઈમાં સામેલ હતા, તેથી તમારા હાથથી મુસલમાન લોકોના જીવ ગયા એટલો અપરાધ બસ છે, અને એટલા જ ઉપરથી તમને જે શિક્ષા કીધી છે તે તમને જોઈએ તે કરતાં ઓછી છે. માટે તેઓને જલદીથી લઈ જાઓ, અને સજા અમલમાં લાવી મને તુરત ખબર આપો.” એવો તેણે તેના માણસોને હુકમ આપ્યો, તે બિચારા હિંદુઓને વધારે બોલવાનો વખત મળ્યો નહીં તેઓને ઘસડીને અદાલતની બહાર લઈ ગયા, અને જે દહેરા આગળ તે હુલ્લડ થયું હતું ત્યાં તેઓને ઉભા રાખી પચીસ હિંદુઓને માટે પચીસ ખાડાઓ ખોદાવ્યા,

એ ઠેકાણે જે ભયંકર બનાવ બન્યો તેનું યથાસ્થિત વર્ણન કરવું અશક્ય છે, ત્યાં દુષ્ટ અને લોહીના તરસ્યા હલકા મુસલમાનોનું ટોળું મળેલું હતું. તેઓ સઘળા રાક્ષસની પેઠે આનંદભેર દેખાતા હતા. તેઓએ પથ્થર, ઇંટ, સડેલાં ઈંડાં વગેરે ઘણુંએક ફેંકવાની વસ્તુઓ તૈયાર રાખેલી. હતી. તે દુષ્ટ ચંડાળોમાં તેઓના ધર્માંધપણાને લીધે ઈનસાફ કે દયા. કાંઈ પણ જણાતી નહતી, પણ તે બિચારા નિરપરાધી હિંદુઓનું આ ભયંકર મોત જોવાને ગીધ તથા રાની પશુની માફક ઉમંગથી ઉભા હતા. ત્યાં હિંદુઓ તો કોઈ જ આવ્યા નહીં. માત્ર તે પચીસ અભાગિયા લોકોનાં બઈરાંછોકરાં તથા સગાંવહાલાં તેઓને છેલ્લીવાર મળવાને આવ્યાં હતાં, પણ મરતી વખત આ દુનિયામાં જે વહાલાં હોય છે તેઓની મુલાકાતથી જ મરનારને થોડું સુખ થાય છે તે સુખ પણ તેઓને મળ્યું નહી; બઈરાંછોકરાં વગેરેને કેદીઓ પાસે આવવા દીધાં નહીં. તેઓ આઘેથી રડારડ કરતાં હતાં, તથા બીજી ઘણીએક રીતે તેઓનો શોક બતાવતાં હતાં, તે જોઈને મુસલમાનોને ઉલટો આનંદ થતો હતો અને તેઓ તે કેદીઓ ઉપર તથા તમામ હિંદુઓ ઉપર ગાળોનો વરસાદ વરસાવતા હતા, એ ગાળો તથા અપમાન અને પોતાનાં પ્યારાં સગાંઓનો વિલાપ સાંભળીને તે બિચારા કેદીઓનાં અંતઃકરણ વીંધાઈ જતાં હતાં; પણ લાચાર, શું કરે ? માટે તેઓ ખરા દિલથી પરમેશ્વર પાસે એટલું જ માગી લેતા હતા કે તેઓનું મોત જલદીથી આવે, તથા તેઓના શત્રુઓ જેઓ માણસના આકારે રાની હિંસક પશુના જેવા નિર્દય હતા તેઓનાં સસ્ત્રમાં વધારે શક્તિ આવે.

મુખ્ય કોટવાલે ઈશારત કીધી એટલે તે બિચારા નિરપરાધી હિંદુઓ ઉપર પથ્થર, ઈંટ વગેરે હરેક ફેંકી શકાય એવી વસ્તુઓનો વરસાદ વરસ્યો. એ વૃષ્ટિમાંથી કોઈ ઘણીવાર સુધી જીવતો રહે એવી તો આશા થોડી જ હતી. કેટલાએકનાં માથાં ચીરાઈ ગયાં, કેટલાએકની છાતી ભાંગી ગઈ કેટલાએકનાં શરીરના બીજા ભાગ છુંદાઈ ગયા. એ પ્રમાણે તેઓની દુર્દશા થઈ લોહી તે ઠેકાણે વહેવા લાગ્યું. થોડાએક તે તત્કાળ મરણ પામ્યા; કેટલાએક હસહસતા થઈ ગયા; કેટલાએક બેભાન થઈ ગયા, અને જેઓમાં થોડી ઘણી શુદ્ધિ રહી તેઓ અતિશય દરદને લીધે ચીસાચીસ પાડવા લાગ્યા. જીન્દગી અને મોતની વચ્ચે આ લડાઈ ઘણીવાર સુધી પહોંચી નહીં, થોડીવારમાં એક પછી એક મરવા લાગ્યા, અને આસરે એક કલાક પછી પથરાઓ મુડદાં ઉપર પડવા માંડ્યા. આ ભયંકર કામ થઈ રહ્યા પછી તે સઘળાને એક જલ્લાદે તપાસ્યા. અને તેઓમાંથી જીવને અંશ જતો રહ્યો છે એવી ખાતરી થવા ઉપરથી તેઓને ખોદી કાઢ્યા. તે વખતે તેઓનાં સગાંવહાલાંઓએ તેઓની લાશ લેવાને અને પોતાના ધર્મ તથા સંપ્રદાય પ્રમાણે તેઓને અવલમંજલ પહોંચાડવાની રજા માગી, પણ વજ્ર હૃદયના મુસલમાન અમલદારે એટલી પણ તેઓના ઉપર દયા કીધી નહી, તેઓએ ખુદાતાલાના માનીતા મુસલમાન લોકોને માર્યા એ તેઓનો અપરાધ તેની નજરમાં એટલો તો ભારે હતો કે એટલી સજા પણ તેને હલકી લાગી, અને જીવતા ઉપરનું બાકી રહેલું વેર મુડદાંઓ ઉપર કાઢવાને, તેઓને જલ્લાદને હાથે શહેર બહાર એક ઉંડા ખાડામાં એકઠાં હડસેલાવી દીધાં અને કોઈ પણ જાતની ક્રિયા કીધા વિના તેઓના ઉપર માટી પુરાવી દીધી.

આ બનાવ બન્યાથી સઘળા હિંદુઓના મનમાં ઘણો જ ત્રાસ પેંસી ગયો, અને તેઓ મુસલમાનોથી ઘણા જ ડરવા લાગ્યા. પણ એટલી એ જ ભયંકર વાત બની એમ ન હતું. શાહજાદા અરકલીખાં તથા કદરખાં અને માજી પાદશાહની બેગમ મલેકાજહાન તથા બીજા કેટલાએક માણસો મુલતાન આગળ અલફખાંના હાથમાં આવ્યા પછી તે તેઓને લઈને દિલ્હી તરફ આવવાને નીકળ્યો. તે જ વખતે પાદશાહ અલાઉદ્દીને મલેક નુસરતખાં કોટવાલને શાહજાદાએાની આંખ ફોડવાનો હુકમ આપી અલફખાંને મળવાને સામો મોકલ્યો. નુસરતખાંએ જઈને અલફખાંને પાદશાહનો હુકમ પહોંચાડ્યો, અને જે જગાએ તેઓ બંને મળ્યા તે જ સ્થળે તે દુષ્ટ કામ કરવાની તૈયારી થવા લાગી.

એક ઉનાળાની સ્થિર સાંજે તે બે શાહજાદાઓ એક કિલ્લાની બારી આગળ બેઠા બેઠા પોતાની દુર્દશા વિષે વાત કરતા હતા. આખા દહાડામાં સખત તાપ પડ્યો હતો, તેથી સઘળી વસ્તુઓ ગરમ થઈ ગઈ હતી તે હવે ધીમે ધીમે થંડી પડવા લાગી. બારીમાંથી ટાઢો પવન થોડો થોડો આવતો હતો તેથી તેઓનાં શરીરમાં બીજો તાપ ન હોત તો તેઓને ઘણું સુખ થાત, પણ આ વખતે તે બિચારાઓના વિચાર તેઓનાં શરીરના સુખ તરફ હતા જ નહી, તે જગ્યાએ મુકામ કરવાનું તથા તેઓની મા વગેરે બીજાં બઈરાંને દિલ્હી મોકલી દેવાનું શું કારણ હશે એ વિષે તેઓને ઘણો અંદેશો થયાં કરતો હતો. અલફખાંએ તેઓને મુલતાન આગળ અભય વચન આપ્યું હતું તેથી આટલી થોડી વારમાં તે વચન તે તોડશે, અને તેઓનો પ્રાણ લેશે, એ વિચાર તેઓના મનમાં મુશ્કેલીથી જ આવતો. પણ જ્યારે તેઓને મુકામ કરવાનું કાંઈ કારણ જડ્યું નહી, તથા આપેલો કોલ તોડવો એ તે વખતમાં કાંઈ ઘણું હલકું ગણાતું ન હતું, તથા અલાઉદ્દીનનો ક્રૂર તથા સ્વાર્થી સ્વભાવ તેઓ સારી પેઠે જાણતા હતા, તેથી તેઓને વખતે વખતે મરવાની દહેશત લાગ્યાં કરતી હતી. જ્યારે તેઓ આ પ્રમાણે ઉંડા વિચારમાં પડેલા હતા, તથા હવે મરીશું કે જીવતા રહીશું એ વિશે સંશયમાં હતા, તે વખતે બે માણસોએ ધીમે ધીમે પાછળથી આવીને તેઓને પાડી નાંખ્યા, અને તેઓના હાથપગ તુરત બાંધી લઈને તેઓના મ્હોંમાં ડુચા ઘાલ્યા, પોતાનો જીવ એક ક્ષણમાં જનાર છે, એમ જાણીને તેઓએ ઘણા પછાડા માર્યા, પણ તે ચંડાળો ઘણા જોરાવર હતા, તેથી તેઓનું કાંઈ ચાલ્યું નહીં. તેઓને ચત્તા પાડ્યા પછી એક બારીક ચુપ્પુની અણી- વડે તેઓ બંનેની આંખોના ડોળા બહાર કાઢી નાંખ્યા, મરવાની દહે- શતથી, અાંખ ફુટવાના દરદથી, તથા આંખમાંથી લોહીની ધાર ચાલી રહી તેની વેદનાથી, તેઓ કેટલીએક વાર સુધી તો બેહોશ થઈ પડી રહ્યા. તે વખતે પાદશાહના હુકમથી ઉપરાંત ચાલીને તે ચંડાળોએ મેાટા જંગીઝખાંના છોકરાના છોકરા ઊંલુઘખાંની, અહમદ હબીબની, તથા બીજા કેટલાએક હલકી પાયરીના માણસોની પણ આંખો ફોડી નાંખી.

શાહજાદાએાને જ્યારે ભાન આવ્યું ત્યારે તેઓને કેટલું દુ:ખ લાગ્યું હશે તેની કલ્પના માત્ર કરવી. જીવતા તો રહ્યા પણ તેઓની અમૂલ્ય રત્ન જેવી બે આંખ જતી રહી એ વાત તેઓને જ્યારે માલમ પડી ત્યારે તેઓ અતિ દુઃખ તથા ક્રોધને લીધે ગાંડા જેવા થઈ ગયા, અને મોટા જોરથી બુમાબુમ પાડવા લાગ્યા-“ જીવતા રાખ્યા તે આટલા સારૂ ? અરે, અાંધળા થઈને જીવવું તે કરતાં મરવું હજાર વાર સારૂં, અાંધળાનું જીવવું તે મરવા કરતાં ઘણું જ ભુંડું, મરવું તો છે જ, પછી વહેલું કે મોડું પણ જીવીને દુનિયાનો ત્યાગ કરવો, જગતના અજવાળાથી બહાર રહેવું, સૃષ્ટિની ખુબી જોવાથી બંધ પડવું, સઘળાં ભારે કામ કરવાથી અટકવું ! અરે ! એ તે જીવવું ? એ તો જીવતું મોત, અરે ! એ તો જીવતાં ભોંયમાં દટાવું ? અરે ! જીવને શરીરની કબરમાં દફન કરીને ફરવું, એ કરતાં અમને મારી શા માટે ન નાંખ્યા ? જો મરી ગયા હોત તો સઘળું પુરું થાત, પછી કાંઈ દેખવું એ નહી અને દાઝવું પણ નહીં. મરનારને મન તો સઘળું સરખું, એના ઉપર કોઈ જુલમ કરી શકતું નથી, તેને કોઈથી દુઃખ દેવાતું નથી, તેના ઉપર વધારે આફત આવી પડતી નથી, પણ આ જીવતું મોત ખરા મોત કરતાં કેવું નઠારું ? સઘળી કામ કરવાની શક્તિ નિરર્થક થયા પછી પણ સઘળાં દુ:ખ સહન કરવાની શક્તિ તો રહે છે, એટલે ઢોરની પેઠે જ્યાં કોઈ દોરે ત્યાં દોરાવું, અરે ! ઢોર તો અટકાવ પણ કરી શકે છે, તથા લાત અને શિંગડાં મારે છે; પણ અાંધળા માણસ તો તેઓના શત્રુઓના હાથમાં જ ગયા એમ સમજવું. અરે, રાજ મેળવવાનો લોભ કેવો ભુંડો છે ! અને પાદશાહના વંશમાં હોવામાં કેટલી કમબખ્તી છે ! જો અમે કોઈ ગરીબ માણસના છોકરા હોત તો આ આફત અમારા ઉપર પડત નહીં. થોડાં વર્ષ સુખ તો ભોગવ્યું, પણ આગળ ઉપરની મોટી મોટી ઉમેદોને લીધે તે વખતનું સુખ તુચ્છ જેવું લાગ્યું, પણ તેટલું જ જો જીવતાં સુધી કાયમ રહ્યું હોત તોપણ અમે પરવરદેગારના નામનો શુકૂર કરત. પણ આ દુ:ખ આગળ તે સઘળું બળી ગયું. અમારી બેવકૂફ માના લોભના લીધે અમારા ઉપર આ વિપત્તિ આવી પડી. અમારે રાજ જોઈતું ન હતું; પણ તેણે અમારી મરજી ઉપરાંત અલાઉદ્દીનની સામા માથું ઉઠાવ્યું, તેનાં ફળ અમે ભોગવીએ છીએ. અરે પરમેશ્વર ! અમારા ઉપર આટલો બધો જુલમ શા માટે ગુજાર્યો? અમે કોઈને ઉપદ્રવ કીધો નથી, અમે કોઈનું બગાડ્યું નથી, બલકે અમારાથી જેટલું બની શકયું તેટલું ઘણાએકનું સારૂં કીધું છે. પણ હવે દુ:ખ રડવામાં શો ફાયદો છે? જે થયું તે થયું, તેનો કાંઈ હવે ઈલાજ નથી. ઉલટું અમારૂં નબળું મન દુશ્મનોની આગળ પ્રગટ કરીએ છીએ, માટે જે થવાનું હોય તે થાઓ, તે ખમવાને અમે તૈયાર છીએ; ખુદાની એ પ્રમાણે જ મરજી હશે, તો તેનો હુકમ અમે માથે ચઢાવીએ છીએ.” આટલું બોલી તેઓએ પોતાનું મ્હોં સીવી લીધું.

બીજે દહાડે અલફખાંની છાવણી ઉઠી, અને તેઓ સઘળા હાંસી શહેરમાં ગયા, ત્યાં કિલ્લામાં તે બે આંધળા શાહજાદાને કેદમાં રાખ્યા, પણ આવા અર્ધા મુવેલા શાહજાદાઓ જીવતા રહે ત્યાં સુધી અલાઉદ્દીનને ચહેન પડે નહી એમ જાણી, તથા આપણે જે કરીશું તે પાદશાહ પસંદ કરશે એવી ખાતરીથી અલફખાંએ તથા નુસરતખાંએ તેઓ બંનેને ઠાર મારવાનો નિશ્ચય કીધો, એ કામ હવે કાંઈ મુશ્કેલ ન હોતું. જ્યારે મધ્યરાત્રિની વખતે તે બે શાહજાદાઓ ભર ઉંઘમાં પડેલા હતા તે વખતે બે મારાઓ ખંજર લઈને તેઓના સુવાના ઓરડામાં પેઠા, જે છેલ્લી આફત તેઓના ઉપર જલદી પડનાર છે તેની લેશમાત્ર શંકા પણ એઓના મનમાં નહી હોવાથી તે વખતે તેઓ બંને સ્થિર ચિત્તથી સુતા હતા. તેઓના દુઃખી તથા નિર્દોષ ચહેરા જોઈને તે દુષ્ટ મારાઓને પણ દયા આવી પણ તેઓ જાણતા હતા કે દયાનો આ વખત નથી, અને જો તેઓ પોતાનું કામ બજાવશે નહી તે તેઓ જાતે માર્યા જશે, તેથી તે બેમાંના એકે મન કઠણ કરી અરકલીખાંના પેટમાં ખંજર માર્યું અને તે જ વખતે બીજાએ પણ કદરખાંના ઉપર જખમ કીધો. એ જખમથી કદરખાં તો તુરત મરણ પામ્યો; પણ અરકલીખાંને વાસ્તે તો એક ઘા બસ થયો નહી. તેણે તરફડીયાં મારવા માંડ્યાં, અને “શુકૂર અલ્લા ! આ દુ:ખમાંથી જલદી તેં છુટકારો કીધો.” એવી રીતે તે બોલ્યો. પોતાનું કામ બરાબર થયું નહી તેથી તે ખુની ગભરાયો. શાહજાદાએ તેની તરફ પોતાનું મ્હોં ફેરવ્યું, અને ગુસ્સાથી બોલી ઉઠ્યો, “કાફર, હરામખોર, જલદીથી બીજે ઘા મારી આ જીંદગીનો દોરો એકદમ તોડી નાંખ, તારા અનઘડપણાથી મને કેટલું દુ:ખ થાય છે તે તું જાણતો નથી. માટે માર બીજો ધા, અને આ દુષ્ટ, પાપી જહાનમાંથી મને છોડાવ.” પણ તે માણસની અક્કલ ગુમ થઈ ગઈ તે જડભરત જેવો ઉભો રહ્યો; તેના હાથમાંથી ખંજર પડી ગયું, અને તેના મન ઉપર તેને અખતિયાર નહીં રહેવાથી તે ત્યાંથી નાસી ગયો. અરકલીખાંનને લાગ્યું કે મારનાર તો તેને એવી અવસ્થામાં મુકીને જતો રહ્યો, તેનું ખંજર પડયું હતું તેનો અવાજ તેણે સાંભળ્યો હતો, અને જેમ જેમ વખત જતો ગયો તેમ તેમ તેની વેદના પણ અસહ્ય થતી ગઈ, તે વખતે તેનામાં સેતાનનું જોર આવ્યું. તે એકદમ બેઠો થયો, અને હાથ લાંબા કરી ખંજર તેણે શોધી કહાડ્યું, હાથમાં તે ખંજર લઈ તેણે ઇશ્વરની સ્તુતિ કીધી, અને “બિસ્મિલ્લાહ ઉર રહેમાન ઉર રહીમ” એટલું કહી તેણે તે ખંજર પોતાના કલેજામાં એટલા જોરથી માર્યું કે તેને પાછું કાઢવાનો પણ તેને વખત મળ્યો નહી, પણ તે લાગતાં જ તેનો આત્મા પરમેશ્વરની હજુરમાં જઈ ઉભો રહ્યો.

દિલ્હીમાં એક કિલ્લાના એક ઓરડામાં એક બઈરી નીચું માથું ઘાલીને બેઠી હતી. તે એારડાની સ્થિતિ તે બઈરીના મનની સ્થિતિના જેવી જ હતી. અંધકાર, અંધકાર, સઘળે વ્યાપી રહેલો હતો. ઓરડાની આસપાસની ચાર દિવાલોમાંથી એકમાંથી પણ અજવાળાનું કિરણ પ્રવેશ કરી શકતું નહતું, ભીંતની છેક ઉપર બે ત્રણ જાળીયાં હતાં તેમાંથી હવા માત્ર આવતી, અને તેથી તેમાં રહેલી બઈરીના પ્રાણને આધાર માત્ર મળતો. પણ તેમાંથી જે કંઈ પ્રકાશ પડતો તે એટલો તો થોડો હતો, તથા ઓરડો મોટો હોવાને લીધે તેમાંનું અંધારું એટલું બધું તો ઘાડું હતું કે તે અજવાળું અંધારાની સાથે મળી જતું અને તેનું જોર બિલકુલ ચાલતું ન હતું. એ અંધારામાં બેઠેલી બઈરી જો જોઈ શકાય તો દુઃખ એટલે શું, અને અતિ દુ:ખથી માણસની અવસ્થા કેવી થાય છે એ સંપૂર્ણ જાણવામાં આવે. જો કોઈ ચિતારાને એક મહા દુ:ખી માણસનું ચિત્ર કાઢવું હોય, અથવા જો કોઈ કવિને તેવા માણસના દેખાવનું વર્ણન કરવું હોય, તો તેણે તે બઈરીને જોવી. તે ખરેખરું દુ:ખનું સ્વરૂપ હતું જો દુ:ખ માનવી દેહ ધારણ કરી શકે તો તે આ બઈરીના જેવું જ સઘળાને માલમ પડે. તેને પોતાના શરીરનું બીલકુલ ભાન ન હતું તે પોતાના બે પગની વચ્ચે માથું ઘાલીને બેઠી હતી. તે ઘણી રૂપાળી હતી, પણ દુઃખના આવેશમાં તેનું રૂપ બદલાઈ જઈને તેની શિકલ ઘણી બિહામણી થઈ ગઈ હતી. તેના મ્હોં ઉપરની નસો કુલી આવી હતી, તેનું શરીર સઘળું સોસવાઈ ગયું હતું. તેના ઉપરનું તમામ લોહી ઉડી જવાથી તે મુડદાના જેવી ફિકા રંગની દેખાતી હતી, જો તે હાલચાલ કરીને જીવતી છે એમ ન જણાવે, તો તેની અને મુડદાની વચ્ચે કાંઈ ભેદ માલમ પડે એવું ન હતું. તેની આંખ ફાટેલી તથા લાલચોળ થઈ ગયેલી હતી અને સાધારણ રીતે જે ચળકાટ અને બુદ્ધિનો અંશ ઘણું કરીને બીજી આંખોમાં માલમ પડે છે તે તેમાં જણાતો ન હતો. તેઓ કોઈ વખત એક જ વસ્તુ તરફ સ્થિર માંડેલી રહેતી; વખતે વગર મતલબે આણીગમ તેણીગમ ફર્યા કરતી. જો તેની આંખ ઉપરથી જ પરીક્ષા કરીએ તો તે છેક ગાંડી થઈ ગયેલી છે એમ આપણી ખાતરી થયા વિના રહે નહી. તેના મનનો વિકાર તેની આંખમાં જ જણાઈ આવતો હતો એટલું જ નહી પણ તેનું બોલવું પણ ચિત્તભ્રમ અભાગીયાં માણસો જેવું જ હતું. તેના શબ્દ તેના મ્હોંમાંથી તુટક તુટક તથા વગર અર્થના નીકળતા. તેના બોલવામાં કોઈ સંબંધ ન હતો. ઘણા જ ક્રોધમાં આવેલાં માણસો જેમ તુટક તુટક વાક્યો વાપરે છે તેવાં વાક્યો તે બોલતી; અને ઘડીએ ઘડીએ મોટી મોટી ચીસ પાડવી અથવા ઘાંટો કાઢી પોક મુકીને રોવું એ સિવાય તેના જુસ્સાવડે તેનાથી વધારે થઈ જતું હતું, જ્યારે તેને ઘણો આવેશ આવતો ત્યારે તે બે હાથે પોતાના માથાના નિમાળાની લટ જોરથી તોડી નાંખતી; તેનાં પહેરેલાં લુગડાં ફાડી નાંખતી; માથું તથા છાતી એટલા જોરથી કુટતી કે તેઓ આવા ઘાની સાથે સલામત શી રીતે રહેતાં એ જ આશ્ચર્યકારક હતું. પણ એટલાથી તેને નિરાંત વળતો નહી. વખતે વખતે તે ઉઠીને દોડતી, અને ભીંતની સાથે ઘણા જોરથી પોતાનું માથું અફાળતી. પોતાના ઓઠ દાંતવડે એવા તો કરડતી કે તેમાંથી લોહીની ધાર ચાલતી. તેના માથામાંથી નીકળતા લોહીથી સઘળાં કપડાં ખરાબ થઈ ગયલાં હતાં, તથા ઓઠમાંના લોહીથી તેનું મ્હોં રક્તવર્ણ થઈ ગયું હતું. તેનું આખું શરીર થરથર ધ્રુજતું હતું; અને તેનામાં કોઈ જીન ભરાયો હોય એવી તે દેખાતી હતી. ઘણા દુઃખથી તે બીચારીનું મગજ ઉધુંચતું થઈ ગયું હતું, અને તે દુનિયાના તેમ જ પોતાના મનને મરી ગયેલા જેવી હતી. તેનામાં જીવ તો હતો, પણ તેના મન ઉપરથી તેનો સઘળો અખતિયાર જતો રહ્યો હતો, એટલે જીવવાનું કાંઈ ફળ રહેલું ન હતું. એ સઘળી હકીકત ધ્યાનમાં લેશો, અને ઉપર બ્યાન કીધા પ્રમાણેની એક બઈરી તમારા મનમાં કલ્પશો, તો માજી પાદશાહ જલાલુદ્દીન ફિરોઝની મુખ્ય બેગમ તથા શાહજાદા અરકલીખાં તથા કદરખાંની મા, મલેકાજહાનની અવસ્થાનો તથા દેખાવનો યથાસ્થિત ચિતાર તમારા મનમાં આવશે.

તે જાતે ઘણા મજબુત મનની, ખટપટી, તથા રાજ્યકારભારની લોભી હતી. પોતાના ધણીના મુઆ પછી તેણે વગર વિચારે, તથા દુશ્મનનું સામર્થ જાણ્યા વિના પોતાના મોટા છોકરાને ખરાબ ન કરતાં, નાના કદરખાંનને ગાદીએ બેસાડ્યો, તે કામ પાર પડ્યું નહી, તેને, તેના છોકરાને, તથા તેના મળતીઆ લોકોને દિલ્હીમાંથી નાસીને મુલતાન જવું પડ્યું, એ પ્રમાણે તેની રાજ્યકાજની મોટી મોટી ઉમેદ પાણીના પરપોટાની પેઠે એકદમ ફુટી ગઈ, એ દુ:ખ કાંઈ ઓછું ન હતું પણ તેટલેથી બસ થયું નહી, તેને તથા તેના છોકરાને મુલતાનમાં ઘેર્યા, અને તેઓને જીવતાં રાખવાનું વચન અલફખાંએ આપ્યું, તે ઉપરથી જ તેઓને મુલતાનના લોકોએ શત્રુના હાથમાં સ્વાધીન કર્યા; એથી ઉલટી તેઓના ઉપર વધારે આફત પડી. તો પણ તેને એવી આશા હતી કે તેના છોકરા જ્યાં સુધી જીવતા છે ત્યાં સુધી તેઓના બાપનું રાજ પાછું મેળવવાને તેમને કોઈ વખત પણ તક મળશે. એ ઉમેદથી તેણે દહાડા કાઢ્યા, પણ જ્યારથી તે શાહજાદાઓથી છુટી પડી ત્યારથી તે નિરાશ થતી ગઈ, અને રાત્રે અને દિવસે તેના મનમાં ઘણા જ ભયંકર વિચારો આવવા લાગ્યા, ઉંઘમાં તે વારે વારે પોતાના છોકરાની કફનમાં વિંટાળેલી લાશ જોયાં કરતી, અને તેને લીધે તેનું ચિત્ત ઘણું જ આકુળવ્યાકુળ થઈ ગયું હતું. જે તેના મનમાં દેહેશત હતી, જે નઠારા વિચાર તેના અંત:કરણમાં ઉત્પન્ન થયા કરતા, તે સઘળું છેલ્લી વારે ખરું પડ્યું, તેને એક ખાનગી જાસૂસે ખબર કીધી કે શાહજાદાએાને અાંધળા કરી મારી નાંખ્યા છે, એ ખબર સાંભળતાં જ તે ભોંય ઉપર બેહોશ થઈને પડી, અને તે બેશુદ્ધિમાંથી થોડી વાર પછી જાગૃત થઈ તો ખરી, પણ તેની અક્કલ ગુમ થઈ ગઈ, તે જાગૃત તો થઈ પણ નહી જેવી જ; તેનું ભાન જે ગયું તે ફરીને પાછું આવ્યું નહી; અને જે અવસ્થામાં આપણે તેને જોઈ તે અવસ્થામાં બીચારી આવી પડી. જ્યારે મલેકાજહાનની આવી દુર્દશાની ખબર પાદશાહને પડી, ત્યારે તેને અંધારા ઓરડામાંથી કાઢીને એક સારા, હવાદાર, અજવાળાવાળા ઓરડામાં રાખી, પણ એ જગ્યાના ફેરફારથી તેના મન ઉપર કાંઈ અસર થઈ નહીં. ઉલટું લોકોને તથા દુનિયાને જોઈને તેના દુ:ખમાં અને તેને લીધે તેની ઘેલછામાં વધારો થયો. તે કોઈ કોઈ વાર બારીએ ઉભી રહેતી, અને નીચે જે લોકો આવતા જતા તેઓને એકી નજરે જોયાં કરતી, લોકોને તેને જોઈને ઘણી દયા આવતી, તથા તેના દુ:ખને વાસ્તે તેઓ ઘણો અફસોસ કરતા, માત્ર દર્વેશ લોકોને તેના ઉપર દ્વેષ હતો, અને અગર જો તે કાંઈ પણ વાત ખરેખર સમજી શકતી ન હતી તોપણ તેઓ પોતાને ગુસ્સો વખતો વખત જણાવ્યા વિના રહેતા નહી. એક વખતે બેગમ બારીએ ઉભી હતી તે વખતે એક દર્વેશે ઉંચું જોઈ પોકાર કીધો – “બેગમ સાહેબ ! સીદી મૌલાને યાદ કરો. તે એક ફિરસ્તો થઈ ગયો. તેની સખાવત એટલી તો હતી કે રોજ તેને બારણે હજારો ગરીબ લોકો એકઠા મળતા. અને તેઓમાં તે રોજ એક હજાર મણ આટો, પાંચસે મણ ગોસ્ત, બસેં મણ ખાંડ તથા તે પ્રમાણે ચોખા, તેલ, ઘી, તથા બીજી ખાવાની વસ્તુઓ વહેંચતો, એવા સખી દર્વેશને તારા દુષ્ટ ખાવિંદે વગર કારણે નાલાયક કાફર લોકોની શિખામણથી મારી નંખાવ્યો. તેનાં શાં શાં ફળ નિપજ્યાં છે તે તું જાણે છે? તેણે મરતી વખતે શું કહ્યું છે તે તને યાદ છે? સીદી મૌલાના મરણથી ખુદાતાલા ઘણો ગુસ્સે થયો, વાવંટોળીયો થયો તે અર્ધા કલાક સુધી પહોંચ્યો, તેટલામાં એટલું તો અંધારૂં થયું કે દહાડો રાત જેવો દેખાયો, રસ્તામાં લોકો એકેક સાથે અથડાયા, અને તેઓને ઘેર જવાનો રસ્તો સુજ્યો નહી. તે વર્ષે વરસાદ આવ્યો નહી તેથી દુકાળ પડ્યો, અને હજારો હિંદુઓ ભુખથી રસ્તે રસ્તે અને ગલીએ ગલીએ મડદાં થઈ પડ્યા, અને આખાં કુટુંબ ને કુટુંબ દુઃખને મારે જમના નદીમાં ડુબીને મરી ગયાં. દરબારમાં ફુટ પડી. પાદશાહને ઘર તરફની મોટી આફત પડી, તેનો મોટો છોકરો ખાનખાનાં માંદો પડ્યો, અને થોડે દહાડે મરી ગયો. પાદશાહની પણ થોડી મુદતમાં એવી જ દશા થઇ. તેને તેના ભત્રીજા હાલના પાદશાહે મારી નાંખ્યો. તેના વંશમાંથી રાજ્ય જતું રહ્યું. તેના બાકી રહેલા બે છોકરા પણ હમણાં જ માર્યા ગયા અને તારી આ અવસ્થા થઇ. સીદી મૌલાનો શાપ આવી રીતે અમલમાં આવ્યો; માટે બીજાનાં કીધેલાં પાપનાં ફળ તું ભોગવે છે.”

દર્વેશની આ સઘળું કહેવાની મતલબ એટલી જ હતી કે તે બેગમને ચીઢવવી, તથા દર્વશ લોકોને વાસ્તે તેનો કેવો વિચાર છે તે તેની પાસેથી કઢાવવો; પણ એ વાતમાં તે બીલકુલ ના ઉમેદ થઈ ગયો, તેને જવાબ આપવાને બદલે બેગમ પેહેલાં પ્રમાણે જ જડભરત જેવી ઉભી થઇ રહી, અને કેટલીએક વાર પછી ખડખડ હસી પડી, પોતાના બોલો પવનમાં ઉડી ગયા એમ જાણીને તે દર્વેશ નિરાશ થઈને આગળ ચાલ્યો ગયો.

પ્રકરણ ૬ ઠું.

માગશર મહીનામાં એક સવારે દિલ્હી શેહેરમાં ઘણો રમણિક તથા જોવા લાયક દેખાવ બની રહ્યો હતો. તે દહાડે શેહેર બહાર એક કાળિકા માતાનું દહેરૂં હતું તેનો પાટોત્સવ હતો, તથા અલાઉદ્દીન પાદશાહના વડા શાહજાદા ખિઝરખાંની સાલગિરી હતી, તેથી હિંદુ તથા મુસલમાન એ બંને લોકોને તે દિવસે તેહેવાર હતો. સવારે જે વખતે શેહેરની સઘળી મસજિદોમાંથી પેહેલી નિમાજને વાસ્તે બાંગ પોકારવામાં આવી, તે વખતે હિંદુ લોકોનાં ટોળેટોળાં એકઠાં થઈ શેહેર બહાર કાળિકા માતાનાં દર્શન કરવા જતાં હતાં. તે સવારે ટાઢ ઘણી જ પડી હતી, તેથી સઘળાઓએ શાલ, દુશાલા, ધાબળી વગેરે ઉનનાં ગરમ લુગડાં શરીર ઉપર ઓઢેલાં હતાં, તથા ગરીબ લોકો બિચારા ધ્રુજતા ધ્રુજતા, દાંત કકડાવતા, અદબ કરી ચાલ્યા જતા હતા. કેટલેક દૂર ગયા પછી તેઓ કુતુબમિનાર આગળ આવી પોંહોંચ્યા. એ મિનારે દિલ્હીના પહેલા મુસલમાન પાદશાહ કુતુબુદ્દીનના રાજ્યમાં બંધાવા માંડ્યો હતો તે અલ્તમશ પાદશાહના રાજ્યમાં પુરો થયો. તે ઘણો જ શોભીતો છે; તેનો આકાર મિનારા જેવો છે તથા તે ઉપર રવેશો છે તેમાં ઘણી જ બારીક નકશી કોતરેલી છે. તે ૧૨૧ સુતારી ગજ ઉંચો છે. એક વાર ધરતીકંપ થયાથી તેનો કેટલોક ભાગ પડી ગયલો છે, તોપણ તેના જેટલો ઉંચો મિનારો દુનિયામાં બીજો કોઈ નથી. તેની પાસે એક અધુરી મસજિદ છે, તે તેની બાંધણી તથા શોભામાં હિન્દુસ્તાનમાં બીજી કોઈ પણ ઈમારતથી ઉતરતી નથી. તે ઉપર લેખ કોતરેલા છે તે ઉપરથી જણાય છે કે તે શાહબુદ્દીન ઘોરીના રાજ્યમાં બંધાવવા માંડી હતી. એ મસજિદની પડોસમાં કાળિકાનું દહેરૂં હતું. તેનું કદ નાનું હતુ તથા બહારથી કાંઇ શોભાયમાન ન હતું, પણ તેનો પરતો એટલો હતો કે તે દહાડે ત્યાં આખા દિલ્હી શહેર તથા પડોસના ૪૦ અથવા ૫૦ કોશ સુધીનાં ગામો તથા શેહેરોથી હિન્દુ લોકો દર્શન કરવા આવ્યા હતા. જુદી જુદી જાતના જુદા જુદા પહેરવેશ તથા રંગબેરંગી પાઘડીઓથી તમાશો ઘણો સુંદર લાગતો હતો; પણ ત્યાં લોકોની ભીડ સિવાય બીજું પણ કેટલુંક જોવા લાયક હતું.

કાળિકા દેવીનું રૂપ ઘણું ઉગ્ર તથા બીહામણું હોય છે. અને તેને પ્રાણનાં બલિદાન આપવામાં આવે છે. તેને રક્તપાનમાં ઘણો આનંદ લાગે છે તેથી તેની યાત્રાઓમાં ઘણાં નિર્દય કામો થતાં જોવામાં આવે છે. આ વખતે દેવીના મંદિર આગળ ઘણાએક ભક્તો એકઠા થયા હતા, તેઓમાંથી કેટલાએક પોતાની જીભમાં પાળી ખોસતા હતા. બીજે ઠેકાણે ઝીણા અણીદાર ખીલાઓને તેઓની અણી ઉપર રાખીને ભોંયમાં એવા પાસેપાસે દાટેલા હતા કે તેનું એક બીછાનું થઈ રહ્યું હતું, તે ઉપર એક પાલખ બાંધેલી હતી તે ઉપરથી કેટલાએક નીચે ખીલાઓની શય્યા ઉપર પડતા હતા. કેટલાએક પોતાની કુખમાં લોઢાની કડી ઘાલીને તેમાં એક દોરડું બાંધીને એક ઝુલતા લાકડાના કટકા સાથે લટકતા હતા. અને કેટલીએક વાર સુધી તેઓ ચક્કર ખાતા હતા, બીજા કેટલાએક ફુલના પુષ્કળ હાર ઘાલીને તથા શરીરે હિંગળોક ચોળીને ઉભા હતા, અથવા કાંઈ રાગનું વાજીંત્ર વગાડતા હતા.

આ ભયંકર તથા કંટાળો ઉપજાવનાર તમાશો જોઈને સઘળા લોકો ખુશ થતા હતા, તેમાં એક પરદેશી તેના પહેરવેશ તથા રીતભાતથી તુરત બીજાઓથી જુદો પડતો હતો. તે ઘણા ઉંડા વિચારમાં પડેલો હતો, અને બીજા લોકોના મ્હોડાં ઉપર જેટલો ઉમંગ દેખાતો હતો તેટલે તેના ઉપર ન હતો. જે કામને અર્થે તે દિલ્હીમાં આવ્યો હતો તે કામ હજી પાર પડ્યું ન હતું એટલું જ નહી, પણ તે સિદ્ધ થશે, એવો સંભવ પણ ઘણો દૂર દીસતો હતો. પોતાની મતલબ શી રીતે હાંસલ કરવી, એ વિષે તે નિરંતર રાત દહાડો મનમાં વિચાર કર્યા કરતો, અને વારેવારે નિશાસા મુક્યાં કરતો હતો.

વાંચનારાઓએ તેને ઓળખ્યો તો હશે; તે ગુજરાતના કરણ રાજાનો માજી પ્રધાન માધવ હતો એમ આ ઠેકાણે સ્પષ્ટ કહ્યું ન હોત તોપણ સઘળાના જાણ્યામાં આવત. આ વખતે તે આ સઘળો તમાશો જોઇ ઘણો વિસ્મિત થયો, અને તે મોટેથી બોલી ઉઠ્યો:- “જો દેહકષ્ટ કીધાથી પરમેશ્વર પ્રસન્ન થતો હોય તો આ લોક નક્કી સ્વર્ગે જશે.” તેની પાસે એક સંન્યાસી ઉભેલો હતો તે આ વાત સાંભળી બોલ્યો: “અરે ભઇયા ! જો દેહકષ્ટથી પરમેશ્વર પ્રસન્ન થાય તો અમારા ઉપર થાય. અમારા દેહકષ્ટ આગળ એ લોકોનો કાંઈ હિસાબ નથી. તેઓ તો વર્ષમાં એક બે દહાડા આ પ્રમાણે કરે છે, પણ અમારે તો આખા જન્મારામાં દેહકષ્ટ કર્યા જ કરવું જોઈએ. સંન્યાસી દુનિયાનો શી રીતે ત્યાગ કરે છે તે વિષે જે મનુસ્મૃતિમાં લખેલું છે તે સાંભળો. 'જયારે કોઈ કુટુંબના મુખ્ય માણસનું શરીર સઘળું ઢીલું પડી જાય, તથા નિમાળા સફેદ થાય, તથા તે પોતાનાં છોકરાનાં છોકરાં જોય, ત્યારે તેણે વનવાસ કરવો. શેહેરમાં જે ખાવાની વસ્તુઓ હોય તે તથા ઘરનાં વાસણકુસણ મુકી દઈને એકાંત વનમાં જવું. પોતાની વહુ તથા છોકરાંને તજવાં, અને જો વહુની સાથે ચાવવાની ખુશી હોય તો તેને જોડે લેવી. તેણે પોતાની સાથે પોતાના ઘરનો અગ્નિ તથા હોમ કરવાનો સઘળો સામાન લેવો; અને વનમાં જઈને પોતાની જ્ઞાન તથા કર્મેન્દ્રિયો ઉપર અખતિયાર રાખી રહેવું. ઋષિઓ જે ખાતા તે કંદ, મૂળ, ફળ, ઈત્યાદિ પવિત્ર વસ્તુઓ તેણે ખાવી. તેણે કાળા હરણનું ચામડું અથવા છાલનું વસ્ત્ર પહેરવું, સાંજ સવાર સ્નાન કરવું, માથા તથા દાઢીના નિમાળા વધારવા, અને નખ મોટા થવા દેવા, જે તેને ખાવાનું મળે તેમાંથી દાન વગેરે કરવું, તથા તેના આશ્રમમાં જેઓ આવે તેઓનો સત્કાર કરી તેને કંદ, મૂળ, ફળ, પાણી આપવાં. તેણે હમેશાં વેદાભ્યાસ કરવો. ગમે તેવી વિપત્તિ આવી પડે તો પણ ધૈર્ય રાખી પરોપકાર કરવો; પરબ્રહ્મ ઉપર મન સ્થિર રાખવું, નિરંતર દાન આપ્યાં કરવું, પણ કાંઈ દાન લેવું નહીં; અને સઘળા જીવવાળા પદાર્થો ઉપર દયા રાખવી. ભોંય ઉપર તેણે આખો દિવસ લપસ્યાં કરવું, અથવા પગની એક આંગળી ઉપર ઉભા રહેવું, અથવા ઉઠ બેસ કર્યા કરવી. સૂર્યોદયની વખતે, બપોરે, તથા સૂર્યાસ્ત થતી વેળા તેણે સ્નાન કરવા જવું; ઉનાળામાં તેણે પંચાગ્નિ વચ્ચે બેસવું, એટલે ચાર અગ્નિ આસપાસ સળગાવવા, ને પાંચમો અગ્નિ માથે સૂર્ય તે સઘળાનો તાપ સહન કરવો. વરસાદના દહાડામાં જ્યારે ભારે ઝાપટાં આવતાં હોય ત્યારે એક પણ વસ્ત્ર ઓઢ્યા વિના વરસાદમાં ઉભા રહેવું. શિયાળામાં તેણે હવાયલાં વસ્ત્ર પહેરવાં અને ધીમે ધીમે દેહકષ્ટમાં વધારો કર્યા કરવો. પછી શાસ્ત્રમાં લખ્યા પ્રમાણે પોતાના પવિત્ર અગ્નિને રાખ્યા પછી બીજો દેવતા સળગાવ્યા વિના મૌનવ્રત લઈને રહેવું, અને કંદ, મૂળ ખાવાં; અથવા સંન્યાસીએ પત્રાવળીમાં, હાથમાં, અથવા તુમડીમાં શેહેરમાંથી ખાવાનું લઈ આવવું, અને તેમાંથી આઠ કોળિયા માત્ર ખાવા જે બ્રાહ્મણ વનવાસ કરે તેણે આ તથા એવા બીજા નિયમો પાળવા. પોતાના આત્માને પરમાત્મા સાથે લીન કરવાને તેણે ઉપનિષદોનો અભ્યાસ કરવો. એ પ્રમાણે તેના આવરદાના ત્રીજા ભાગમાં વનમાં રહી ધર્મનાં કૃત્યો કીધા પછી ચોથા ભાગમાં તેણે સંન્યાસી થવું. તેણે સઘળું સંસારી સુખ ત્યાગ કરવું, અને પરબ્રહ્મ ઉપર વિશ્વાસ રાખી મોત પણ માગવું નહી, અને આવરદા પણ ઇચ્છવું નહી. જેમ ચાકર પેાતાનો પગાર લેવાનો મહીનો પુરો થવાની રાહ જોય છે તેમ તેણે તેના નિયમિત વખતને માટે વાટ જોઈ બેસવું.”

“હવે સંન્યાસી થવાની વિધિ નીચે પ્રમાણે છે. પેહેલાં તો એક સારો દહાડો શોધી કાઢવો, અને તે દહાડે તેણે સ્નાન કરવું, અને એક લુગડાના દશ કકડા ભગવા રંગીને તેઓને સાથે લઈ મુકરર કીધેલી જગ્યાએ જવું. એ દશ કકડામાંથી ચાર પોતાના ખપને વાસ્તે રાખવા, અને છ ક્રિયા કરાવનાર બ્રાહ્મણોને વહેંચી આપવા. સંન્યાસીએ બીજા સામાનમાં એક તો સાત ગાંડાવાળો વાંસનો દંડ, બીજી તુમડી, ત્રીજું હરણનું ચામડું, ચોથું રૂપા તથા તાંબા નાણું, ફુલ, રાતા રંગેલા ચોખા, ચંદન ઇત્યાદિ રાખવાં. પછી એક ઘણો જ બદ સ્વાદ રસ તૈયાર કરીને તેને આપવામાં આવે છે તે ઇંદ્રિયોનું સુખ હવે ત્યાગ કીધું એમ જણાવવાને પેલા સંન્યાસીએ પી જવો. પછી ગુરૂ તેના કાનમાં મંત્ર ભણે છે; તથા સંન્યસ્ત લીધા પછી શું શું કરવું તે તેને સમજાવે છે. પછી તે ભગવાં વસ્ત્ર પહેરે છે. ન્યાતજાતનો ત્યાગ કીધો તે જણાવવાને તેનું જનોઈ તોડી નાંખે છે, અને ચોટલી બોડાવે છે. સઘળી ક્રિયા થઈ રહ્યા પછી દંડ, તુમડી તથા હરણનું ચામડું લે છે, અને તુમડીમાંથી ત્રણ આચમન મંત્ર ભણીને પીએ છે એટલે તે સંન્યાસી થયો એમ ગણાય છે; પછી તેને સંસાર સાથે કાંઈ સંબંધ રેહેતો નથી. સંન્યાસીએ હરેક સવારે સ્નાન કીધા પછી આખા શરીર ઉપર ભસ્મનો લેપ કરવો, દહાડામાં એક વાર ખાવું, પાનસોપારી ખાવાં નહીં, બઈરાં તરફ દૃષ્ટિ પણ કરવી નહીં, હરેક મહીને દાઢી, મુછ તથા માથું બોડાવવું, પાવડી પેહેરવી, જયારે બહાર ફરવા નીકળે ત્યારે તેણે હાથમાં સાત ગાંઠોનો દંડ પકડવો, બીજા હાથમાં તુમડી લેવી, અને બગલમાં હરણનું ચામડું ઘાલવું. તુમડીમાં પાણી ભરાય અને ચામડું આસનને ઠેકાણે કામ આવે. તેણે ભિક્ષા માગી પેટ ભરવું, કારણ ભિક્ષા માગવાનો તેને અધિકાર છે. જો સંન્યાસી પાસે દ્રવ્ય એકઠું થાય તો તેણે દાન કરી દેવું, અથવા તે વડે ધર્મશાળા, દેવસ્થાન, વાવ, કુવા વગેરે બંધાવવાં. તેઓએ પોતાનો આશ્રમ નદી અથવા તળાવને કાંઠે રાખવો, કેમકે ત્યાં સ્નાન કરવાનું ઘણું સુગમ ૫ડે."

એ સંન્યાસીની સઘળી વાત સાંભળી એક યોગી ત્યાં પાસે ઉભો હતો તે બોલ્યોઃ “ભઈયા ! કરે તે ભલો, મારે તેની તલવાર; અને પાળે તેનો ધર્મ છે. અમારા યોગીઓ તો જે દેહકષ્ટ કરે છે તેની આગળ તમારી તો રમત છે. અમારામાંથી કેટલાએક પોતાના હાથ એટલાં વર્ષ સુધી બંધ રાખે છે કે નખ વધી હાથમાં પેસી જાય છે. કેટલાએક વર્ષોનાં વર્ષ એક જ ધાટીએ ઉભા રહે છે. વળી કેટલાએક તેઓના હાથ ઉંચા લાંબા રાખે છે તે એટલે સુધી કે નકામા પડવાથી તે હાથ ચીમળાઈ જાય છે અને જડ તથા અશક્ત થઈ જાય છે. કેટલાએક મોટો ભાર વહી જાય છે અથવા તેઓના શરીરના કોઈ કોમળ ભાગમાં એક સાંકળની કડી ભેરવીને તે જ્યાં જાય ત્યાં તે સાંકળ ઘસડતા જાય છે. કેટલાએક વર્ષનાં વર્ષ સુધી, અથવા કોઈ મોટા રાજ્યની પ્રદક્ષિણા કરી રહે ત્યાંસુધી ભોંય ઉપર કીડાની પેઠે પેટ ઘસડતા ચાલે છે. કેટલાએક જગન્નાથપુરી સુધી આખે રસ્તે પગે પડતા પડતા જાય છે, અથવા શરીરને દડા જેવું કરી નાંખી સિંધુ નદીને કાંઠેથી ગંગા નદીના કાંઠા સુધી ગબડતા ગબડતા જાય છે, અને એવી રીતે જતાં જે કાંઈ પૈસા મળે તે એકઠા કરી તે વડે દેવાલય બંધાવે છે, કુવા અથવા વાવ ખોદાવે છે, અથવા કાંઈ ગુપ્ત પાપનું પ્રાયશ્ચિત્ત કરે છે કેટલાએક ભર ઉનાળામાં બળતા તાપ ઉપર હીંચકા ખાય છે, અથવા ઘણા આકરા તાપ ઉપર નીચું માથું રાખી ટંગાઈ રહે છે. કેટલાએક ભોંયમાં ગરદન સુધી દટાય છે, ફક્ત શ્વાસ લેવાને એક નાનું કાણું રાખે છે. કેટલાએક શરીર ઉપર ચાબખા મારે છે, ખીલાની શય્યા ઉપર કેટલાએક સુએ છે. કેટલાએક જીવતાં સુધી પોતાના શરીરને કોઈ ઝાડના થડ સાથે સાંકળવડે બાંધી લે છે. એ પ્રમાણેના દેહકષ્ટ તેઓ કરે છે. જો એ વાતની લખેલી સાબિતિ જોઈતી હોય તે કાળીદાસકૃત શાકુન્તલ નાટક વાંચો; તેમાં એક ઠેકાણે આ પ્રમાણે લખ્યું છે." “દુષ્યંત રાજાએ પૂછ્યું કે મારિચિ ઋષિનો આશ્રમ ક્યાં છે ? ત્યારે માતલિએ જવાબ દીધો કે:-

શાર્દૂલવિક્રીડિત વૃત્ત,

વલ્મીકે*[૧] થઈ છે નિમગ્ન અરધી કાયા જ જેની ભલી,

લાંબી સર્પતણી વિટાઈ ઉરને એને બધી કાંચળી;† । [૨]

કંઠે જીર્ણ થયેલ વેલ તરુની ચોપાસ કંઠી બની

તે પીડા કરતી જણાય તપસીકેરા ગળાને ઘણી. ॥ ર૭૯ ॥

ખાંધે છે પ્રસરાયલું શિરથકી એનું જટામંડળ,

તેની માંહ શકુન્તપક્ષિ કરતું માળા નિવાસાર્થ જો ।

એવું રુપ ધરી વસે મુનિ પણે મોઢું કરે સૂર્યની

સામે બિમ્બભણી રહી અચલની પેઠે સ્થિરાકારમાં ॥ ૨૮૦ ॥

( ઝ. ઉ. યા. )

એવાં એવાં દેહકષ્ટ યોગી લોકો કરે છે તેની આગળ તમારા સંન્યાસીનાં અથવા આ કાળિકાના ભક્તોનાં કામ કાંઈ ગણતીમાં નથી.”

માધવ કાળિકા દેવીના ભકતોનાં કામ નજરે જોઈ, તથા સંન્યાસીઓએ શું કરવું જોઈએ, અને યોગીએ શું કરે છે તથા કરતા હતા, તેની વાત સઘળી લક્ષપૂર્વક સાંભળી ઘણો જ આશ્ચર્ય પામ્યો કે માણસનું નાજુક તથા કોમળ શરીર આટલી વેદના શી રીતે ખમતું હશે ? ત્વચા જેની સ્પર્શશક્તિ એટલી તો બારીક છે કે એક ઝીણી સોયની અણી ભોંકાવાથી પણ દુ:ખ થાય, એવી ચામડીથી આટલું બધું દરદ શી રીતે સહેવાતું હશે ? ઘણાંએક માણસો ઠોકર વાગવાથી અથવા બગાસું આવવાથી અથવા એવાં બીજાં દેખીતાં નજીવાં કારણથી તત્કાળ મરણ પામતાં માલમ પડે છે તે છતાં પણ આ લોકો આવાં ભારે દરદ હાથે કરી પેદા કરે છે, તેથી મરતા કેમ નહી હોય ? માણસનું શરીર ખરેખર ચમત્કારી છે. તેને થોડે પણ આચકો લાગ્યાથી

↑ *કીડી અથવા ભમરીઓ માટીના જે નાહાનાં નાહાના દર બનાવે છે,અથવા માટીની ટેકરીઓ બનાવે છે તે. ઈંગ્રેજીમાં એને Ant-hill કહે છે.

↑ †સાપની કાંચળી ઋષિની છાતી ઉપર જનોઈ અથવા યજ્ઞોપવીતને ઠેકાણે હતી.

વખતે તેનો લય થાય છે, અને વખતે નાશ કરનારાં સાધનો અનેક

આવી તેને તોડી પાડવાને યત્ન કરે છે તો પણ તે ખડકની પેઠે ટકી રહે છે. એનું મુખ્ય કારણ ટેવ છે, શરીર જેવું ટેવાય છે તેવું થાય છે. જે કારણોથી એક માણસનું મૃત્યુ થાય છે તેથી બીજાનું શરીર જોરાવર થાય છે. એ સઘળો ટેવનો મહિમા છે. પણ ટેવની સત્તાને કોઈ મર્યાદા છે કે નહી? એ વાત ગમે તેમ હોય તોપણ દેહકષ્ટ કરવામાં શો લાભ છે? પરમેશ્વરે માણસને સુન્દર તથા ચમત્કારિક આંખ આપેલી છે તે વડે તે સૃષ્ટિને નિરખે છે, તેની ખુબી તપાસે છે, અને તે તપાસતાં સૃષ્ટિના કર્તાની અપાર શક્તિ, અનંત ડહાપણ, બેહાળી દયા, તથા ડગલે ડગલે તેના સંકેતનાં ચિન્હો શોધી કાઢીને વધારે ભક્તિથી તથા વધારે સાચા દીલથી તેને તે સેવે છે, એવી આંખનો માણસે શું ઉપયોગ ન કરવો ? જે કાનવડે સૃષ્ટિમાંહેલા ચિત્તાકર્ષક નાદ, પક્ષિઓનો સુન્દર અવાજ, તથા માણસના ગળામાંથી જે નાના પ્રકારના રમણિક સાદ નીકળે છે તે સંભળાય છે તે શું સર્વ ન સાંભળતાં કાન બંધ કરી રાખવા ? જે નાકવડે વાસવાળા પદાર્થોની સુગંધ અથવા દુર્ગંધ પારખી શકીએ છીએ તે નાક શું કામે ન લગાડવું? તથા ગંધ વિષે જે સૂચના આપે તેને શું ન માનવી ? વળી જીભ વગેરે મ્હોડામાં જે સાધનો પદાર્થના જુદા જુદા સ્વાદ લેવાને આપેલાં છે તેઓનો ઉપયોગ કેમ ન કરવો ? સ્વાદમાં જે ભેદ છે તે ખોટો માનીને શું મીઠો તથા કડવો એક જ સમજવો ? અને અનાજ વગેરે જે જે વસ્તુ સ્વાદને સારી લાગે છે તથા શરીરને પોષણકર્તા છે તે તે પદાર્થો પરમેશ્વરે ખાવાને સરજ્યા છે, અને કડવી તથા બદસ્વાદની વસ્તુઓ જેથી શરીરને પુષ્ટિ મળતી નથી, તેઓ તે કામને માટે પેદા કીધેલી નથી એ વાત અનુભવથી જાણ્યા છતાં, શું ખોટી માનવી ? અગણિત છિદ્રવાળી તથા અસંખ્ય જ્ઞાનરજજુઓથી ભરપૂર એવી ત્વચા જેની બહારના પદાર્થથી જે સુખદુ:ખ થાય છે તે એાળખવાની શક્તિ આપેલી છે તેને શું પોતાનું કામ ન કરી શકે એવી કરી નાંખવી ? વળી જગતમાં ચોતરફ નજર કરીએ છીએ ત્યારે સ્પષ્ટ દીસે છે કે સઘળી વસ્તુઓ જાણે માણસના આનંદ તથા સુખને વાસ્તે જ સર્જાયેલી છે, તે વસ્તુઓનો ઉપયોગ ન કરતાં દુનિયામાં જેવા આવ્યા તેવા જવું, અને આપણે થઈ ગયા તેની એક પણ નિશાની પાછળ રહેવા ન દેવી? માણસના મનના વિકારો તથા વૃત્તિઓ તરફ જ્યારે નજર કરીએ છીએ ત્યારે આપણે દુનિયામાં આપણા મનુષ્ય જાતિના ભાઈઓ એકઠા રહેવાને ઉત્પન્ન થયલા હોઈએ એમ લાગે છે, તે છતાં જો આપણે એકાંત વનવાસ કરીએ તો દયા, ક્ષમા આદિ આપણા સારા ગુણોનું શું કામ પડે? એ સઘળા ઉપરથી સહેજ અનુમાન થાય છે કે માણસે દુનિયામાં રહીને જે દુ:ખ પડે તે ધૈર્યતાથી સહન કરવું, અને જેમ મધમાખી બધાં કુલોમાંથી મધ ચુસી લે છે તેમ આપણે સઘળા પદાર્થોમાંથી સુખ ખેંચી કાઢવું, દેહકષ્ટ શા માટે કરવું? હવે માણસ જેનામાં ઈશ્વરે વિવેકબુદ્ધિ મુકેલી છે, તેથી જે કાર્ય તે કરે છે તેમાં કાંઈ પણ કારણ હોવું જોઈએ, માટે આ દેહ દમવાનું પણ કાંઈ કારણ હશે. અગર જો સૃષ્ટિની ખુબી આંખવડે જણાય છે, ચંપા, ચંબેલી, મોગરો, વગેરે ખુશબોદાર ફુલોનો સુવાસ ઘ્રાણેન્દ્રિયથી માલમ પડે છે; અગર જે રસેંદ્રિયથી જ ખટરસનો સ્વાદ સમજાય છે; ટુંકામાં માણસને સુખ થાય એવી જ આ જગતની રચના કીધેલી છે. તો પણ એ ઇંદ્રિયો આપણને હમેશાં તાબે રહેતી નથી. જો તેઓને આપણે જીતીશું નહી તો તેઓ આપણને જીતશે ઈંદ્રિયો વડે જેટલું સુખ થાય છે તેટલું જ દુ:ખ પણ થાય છે. અને એટલા દુ:ખથી કાંઈ બસ થતું નથી. એ ઇંદ્રિયોના જો આપણે ગુલામ થયા તો આપણે પશુ સમાન થઈ જઈએ છીએ, અને ખરું ખોટું સમજવાની તથા પરમેશ્વરને ઓળખવાની જે શક્તિ એકલા મનુષ્યને જ બક્ષેલી છે તેનો ખેાટો ઉપયોગ કરીએ છીએ. આંખવડે કેટલાએકની ઈશ્વર ઉપરની ભક્તિ દૃઢ થાય છે, ત્યારે ઘણા તો તે વડે દુષ્ટ અને અધમ કર્મો કરે છે, અને કારીગરીની શોભા તથા ચતુરાઈ જોવામાં ગરક થઈ કારીગરની શક્તિ તથા ડહાપણ જોવું ભુલી જાય છે, અથવા કારીગરીમાં ખામી કાઢી કારીગર છે જ નહી એમ કહે છે અથવા છે તો તેનો ઈનસાફ, દયા, ડહાપણ, ચતુરાઈ તથા સારાપણામાં ખામી છે એવો મત ચલાવે છે. એવા ભયાનક ખાડામાં પડતાં બચવાને જ, કેટલાએક ભક્તએ પોતાની આંખ પોતાને હાથે ફેાડી નાંખી છે. માટે ઈંદ્રિયો જેમ આપણી મિત્ર તેમ આપણી શત્રુ પણ છે. તે એક નદીના પ્રવાહ જેવી છે; જ્યાં સુધી તે ધીમે ચાલે છે ત્યાં સુધી સઘળાને ફાયદો કરે છે, પણ જ્યારે જુસ્સાથી વહે છે ત્યારે તેના સપાટામાં જે આવે તેને ઘસડી જાય છે. તે એક વાઘ જેવી છે. જ્યાં સુધી તેને પાંજરામાં ગોંધી રાખે ત્યાં સુધી કાંઈ ચિંતા નહી, પણ તેને પાંજરૂં તોડતાં વાર લાગતી નથી. તેને જીતવી એ ઘણું કઠણ કામ છે, અને ઘણા જ થોડા માણસથી તે બની શકે છે, માટે તેઓને ફાવવા જ ન દેવી એ ડહાપણ છે. એટલા કારણોથી સંન્યાસી, યોગી, વગેરે પોતાની ઈંદ્રિયો ઉપર ભરોસો રાખતા નથી.

વળી આ સંસાર એક મોટો વિકટ સાગર છે તેમાં કરોડો વહાણો હંકરાય છે તે વહાણોમાં તેના ધણી પોતાની સાથે સંબંધ રાખનાર માણસો લઈને બેસે છે. એ દરિયામાં અગણિત નાના મોટા ખડકો પાણીમાં ઢંકાયલા છે તે ઉપર કેટલાંએક વહાણો ગર્ભપુરી બંદરમાંથી નીકળતાં જ અથડાઈને ભાંગી જાય છે, અને તેમાં બેઠેલાં તમામ માણસો ગરક થઈ જાય છે, બીજાં કેટલાંએક થોડે આગળ ચાલ્યા પછી ડુબે છે. એ પ્રમાણે એક પછી એક વહાણ એ ખડકોને લીધે ભાંગતાં માલમ પડે છે, અને બીજાં નવાં ગર્ભપુરી બંદરની ગોદીમાંથી દરિયામાં બહાર પડે છે, જ્યાં સુધી વહાણો મુક્તિપુરી બંદરે પહોંચે ત્યાં સુધી આખે રસ્તે સાગરનાં મોટાં ઉછળતાં તોફાની મોજાંથી તેઓ ઉંચાં થાય છે, અને હમણાં ડુબશે હમણાં ડુબશે એવી તેમાં બેસનારાઓને દહેશત રહે છે. દરિયામાં ડુબેલા ખડકો શિવાય બીજા અગણિત ઉંચા આવેલા, પથ્થરની સીધી બાજુવાળા બેટો છે, તે ઉપર લીલોતરી તથા રળિયામણા પર્વતો હોવાને લીધે ઘણા સુંદર દેખાય છે. વળી તે ઉપર દેખીતી ખુબસુરત દુર્ગુણ નામની રાક્ષસીઓ બેસીને મધુર રાગથી ગાયન કરે છે. કટાક્ષ બાણથી વહાણમાં બેસનારાઓને ત્યાં આવવાને ઈશારત કરે છે. વહાણ ધણીની સાથે જેઓ બેઠેલા હોય છે તેઓમાંથી કેટલાએક તેના ખરા મિત્ર હોય છે; કેટલાએક તો તે દુષ્ટ રાક્ષસીઓનાં સગાં તથા મદદગાર હોય છે, અને તેઓ વહાણ ધણીને તે બેટોમાં જવાને નિરંતર સમજાવ્યાં કરે છે, જ્યાંસુધી વહાણનું સુકાન વિવેકની પાસે હોય છે ત્યાં સુધી સામે પવને પણ તે સદ્ગુણની સાંકડી નાળમાં જ તે વહાણ ચલાવે છે, પણ તે રસ્તામાં તે વહાણ ધણીને મઝા પડતી નથી. તેના વહાણમાં બેસનારા, તોપણ તેના શત્રુઓ તેના હમેશાં કાન ભર્યાં કરે છે, અને વિવેક જે રસ્તે વહાણ લઈ જાય છે તે રસ્તામાં કાંઈ જેવા જેવું નથી, તથા જ્યારે આ સાગરમાં આવ્યા ત્યારે ત્યાંની સઘળી મોજ ચાખીએ નહી તો ફેરો મિથ્યા એવી શિખામણ આપી વિવેક પાસેથી સુકાન છીનવી લેવડાવીને અવિચારને સુકાનીનું કામ સોંપાવે છે. પછી કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સરરૂપી સઢ ચઢાવવામાં આવે છે; અને તૃષ્ણારૂપી પંડને પવન જોરથી ફુકતાંવાર જ વહાણ સદ્ગુણની નાળમાંથી ઘસડાઈને બોહોળા દરિયામાં પડે છે. પછી જે રસીલો બેટ પાસે હોય છે તે તરફ વહાણ હંકરાય છે. આ વખતે નાળમાંના વહાણવાળાઓ બહાર પડેલા વહાણવાળાએાને મોટેથી પોકાર કરીને બેટ પાસે જવાની ખરાબી સમજાવે છે, તથા જે વહાણવાળા તે બેટની પાસે લગભગ ગયા હોય એવા, તથા જેનાં વહાણો બેટના પથ્થરની સીધી બાજુએ ઉપર અથડાઈને કટકે કટકા થઈ ગયાં હોય તે તેઓને દેખાડે છે. પણ મૂર્ખ વહાણવટી તેઓની વાત લગાર પણ કાને ધરતો નથી. દુર્ગુણ નામની રાક્ષસીઓના મદદગાર તથા જાસૂસો તેને સમજાવે છે કે જેઓ ભર દરિયામાં પડ્યા નથી, તેઓ તેની ખુબી જાણી શકતા નથી, તથા જેઓનાં વહાણ અથડાયાં છે તેઓના સુકાની સારા નહી હોય અથવા તેઓએ બેટ ઉપર જવાને ખોટે રસ્તો પકડ્યો હશે, આપણને એમ થશે નહી, અને એમ કરતાં જો વહાણને જોખમ લાગે એવો જરાપણ સંભવ લાગશે તો તુરત સઢ વિટાળી લઈ વહાણ પાછું નાળમાં ઘાલી દઈશું; પણ નુકશાન લાગશે એવી નકામી બીકથી એક સાંકડી નાળમાં ચાલ્યા કરવું, અને આ સાગરમાંના અગણિત બેટોમાં શું શું છે તે શોધ્યા વિના રહેવું તેમાં વહાણ ચલાવવાની ખુબી શી ? એવી સલાહ માન્ય કરી વહાણ આગળ બેટ તરફ ચલાવે છે, અને રસ્તામાં ડુબતાં બીજાં વહાણો જોય છે, તથા તે બેટની પાસે લાખો વહાણો ભાંગતાં તેની નજરે પડે છે તો પણ તે બેધડક આગળ ચલાવ્યો જાય છે, એટલે સુધી કે તે વહાણ પણ બીજાઓની પેઠે તળીએ બેસે છે, તે વખતે તે રડે, શોક કરે કે પસ્તાય તે શા કામનું ? જોતજોતામાં વહાણ નીચે બેસતું જાય છે, પણ કોઈ તેને લેખવતું નથી, અથવા બચાવવાનો વખત વીતી જવાથી નાળમાંના ઘણાએક વહાણવાળાએ તેઓની તરફ દોરડાં ફેંકી તથા નાના નાના મછવા મુકાવીને તેઓને ઉગારવાને જે મહેનત કરે છે તે સઘળી નિષ્ફળ જાય છે. ધન્ય છે એવા મદદ કરનારા વહાણવાળાઓને કે આટલી બધી લાલચ તુચ્છ ગણીને, આટલું બધું જોખમ વેઠીને, બલકે ડુબતા તથા ડુબવાની તૈયારી ઉપર આવેલા વહાણવાળાઓની ગાળ ખાઈને, તથા તેઓની તરફથી અપમાન સહીને તેઓને મુક્તપુરીના સાચા રસ્તા ઉપર લઈ આવવાને તેઓ આટલો બધો શ્રમ કરે છે, એ પરોપકારી પરમાર્થી વહાણવાળાએાની મહેનત કાંઈ હંમેશાં અફળ થતી નથી, અગર જો ઘણાં વહાણો તેઓની તરફથી સહાયતા આવ્યા પહેલાં અથવા આવ્યા છતાં પણ ભાંગે છે, તો પણ થોડાંએકને તે તેઓ બચાવી શકે છે, અને તેઓને પાછાં નાળમાં ઘાલી દે છે. નાળ બહાર લાલચના ટાપુઓ એટલા તો અસંખ્ય છે, અને તેઓના ઉપર એટલી તો મોહ પમાડનાર સ્ત્રીઓ બેઠી બેઠી મધુર સ્વરે સઘળાને બોલાવે છે કે જેઓ તુતક ઉપર બેઠેલા હોય છે તેઓને ત્યાં જવાનું મન થાય છે પણ વિવેક સુકાનીનું પ્રબળ તુટેલું ન હોય તો તેઓ પાછા નાળમાં ઘસડાઈ આવે છે. એ પ્રમાણે નાળમાંના વહાણ ઝોલા ખાય છે, અને વખતે વખતે થોડીવાર નાળબહાર જઈ આવી પાછા રસ્તે પડે છે એ પ્રમાણે નાળમાં છતાં પણ તુતક ઉપર બેસનારાઓને જોખમ છે, અને નાળમાંથી જરા પણ ખસ્યા તો મુક્તપુરીના બંદરમાં પેસવાને ત્યાંના પુરજાના દારોગા તરફથી પરવાનો મળશે નહી એવા ધાકથી કેટલાએક તે તુતક છોડી ભંડારમાં જઈ ભરાઈ રહે છે, અને આગળ વહાણ લંગરવાર થાય ત્યાં સુધી પોતાનું મ્હોડું બહાર બતાવતા નથી. કેટલાએક તુતક ઉપર રહે છે, તેઓ વહાણને નાળ બહાર ઘસડાતું અટકાવવાને હમેશાં તેને નબળું પાડ્યાં કરે છે, એટલે તે મેદાન પડી શકતું નથી. એ પ્રમાણેનો સંસાર છે. તેમાંની હજારો લાલચોના ફાંદામાં ન પડવાને માટે તથા તે લાલચ તરફ મન ન દોડે તેટલા માટે ઘણા માણસો દેહને કષ્ટ કરે છે. વળી દેહને અને મનને એવો નિકટનો સંબંધ છે કે જો દેહને કષ્ટ થાય તો મન પણ કષ્ટ પામે છે, અને તેમ થયાથી મોહજાળમાં ફસાઈ પડવાને તેને કદાચ અટકાવ થાય છે. એ કારણ સિવાય બીજું કાંઈ જડતું નથી, એવા વિચાર કરતો કરતો માધવ પોતાને ઘેર જતો હતો ત્યારે પાદશાહી મહેલ આગળ એક મોટો તમાશો થઈ રહ્યો હતા.

શાહજાદા ખિઝરખાંની આજ સાલગિરી હતી તેથી દરબારી કામ સઘળું બંધ હતું, તો પણ પાદશાહ તથા શાહજાદાને મુબારકબાદી આપવાને સઘળા અમીર ઉમરાવો એકઠા થયા હતા, તથા ખુદ અલાઉદ્દીન પોતાના તખત ઉપર બીરાજેલો હતો. આ વખતે રાજ્યના કારભારીએામાં કેટલોક ફેરફાર થએલો હતો, જ્યારે અલાઉદ્દીન ગાદીએ બેઠો, ત્યારે માજી પાદશાહની બેગમ તથા શાહજાદા અરકલીખાં તથા કદરખાંએ રાજ્ય મેળવવાને લડાઇ ચલાવી હતી, તેમાં કેટલાએક અમીરો એ તેમને મદદ આપી હતી, તેના બદલામાં તેઓની પાસેથી ઘણુંએક દ્રવ્ય તેઓને મળ્યું હતું, તે તેઓની પાસેથી તેણે છીનવી લીધું એટલું જ નહી, પણ તેઓ સઘળાની આંખ ફાડી નાંખી, તથા તેઓની સઘળી માલમિલકત જપ્ત કીધી. એ રીતે તેણે પાદશાહી ખજાનામાં ઉમેરો કીધો પણ એટલાથી તે ધરાયો નહી. પોતાને ગાદી મળવામાં કાંઈ હરકત પડે નહી માટે તેણે પોતે પણ ઘણાએક અમીર ઉમરાવોમાં પુષ્કળ પૈસા વહેંચ્યા હતા, તે સઘળા હમણાં તેણે તેઓની પાસેથી પાછા માગ્યા, અને તેની સાથે વળી લાંચરૂશવત લોકો પાસેથી તેઓએ લીધી છે તથા સરકારની પણ મોટી મોટી રકમ ઉચાપત કીધી છે એવું તેણે કેટલાએક કામદારો ઉપર તેહોમત મુક્યું. આ કામમાં તેના વજીર ખાજાખતીરે તેને કાંઈ પણ મદદ આપી નહી એટલું જ નહી, પણ પાદશાહના આ ગેરઈનસાફ તથા જુલમની સામા ઉલટો અભિપ્રાય આપવાની તેણે હિમ્મત ચલાવી. પાદશાહ ઘણો જ નાખુશ થયો, અને જો ખાજાખતીરની સાચવટ, તથા સદ્દગુણે તેનો બચાવ કીધો ન હોત તો તેની ગરદન કપાઈ જાત. અગર જો તે જીવતો તે રહ્યો તોપણ તેના અધિકાર ઉપરથી તેને કાઢી મુકયો, અને નુસરતખાંને વજીરાત આપી. એ નવા વજીરે પાદશાહનો ગેરવાજબી હુકમ માથે ચઢાવ્યો. અને તેણે અમીરો ઉપર સખતી કરીને તેઓની પાસેથી આપેલા પૈસા પાછા કઢાવવા માંડ્યા. અમીર લોકો આ જુલમથી ઘણા ગભરાયા, તથા બીજો કાંઈ ઈલાજ નથી એમ જાણી તેઓ તે હુકમની સામે થયા, તથા ઘણા જણે એકઠા મળી એક બંડ ઉઠાવ્યું પણ તેઓનું કાંઈ વળ્યું નહી. ઉલટું તેઓના સઘળા પૈસા ગયા એટલું જ નહી, પણ તેઓ સઘળાને કેદખાનામાં નાંખ્યા, જ્યાં તેઓને કેટલીએક મુદ્દત સુધી સડ્યાં કરવું પડ્યું. પાછળથી તેઓને પોતાની બેવકુફીનો ઘણો પસ્તાવો થયો, તથા પોતાના ગુન્હાને વાસ્તે તેઓએ પાદશાહની ઘણી વાર માફી માગી, પણ કઠણ મનના તથા નિર્દય અલાઉદ્દીને તેઓને ક્ષમા કીધી નહી.

હમણાં અલાઉદ્દીનના સઘળા શત્રુઓ છુટા પડી ગયા હતા, તથા તેને હવે પોતાના રાજ્યની સલામતીને વાસ્તે કાંઈ પણ દેહેશત રહી ન હતી; તેથી તેણે વિચાર્યું કે હવે એ અમીરો તરફથી રાજ્યને કાંઈ પણ નુકસાન પોહોંચવાનું નથી, તેથી ખિઝરખાં શાહજાદાની સાલગિરીને રોજે તેઓ સઘળાને છોડી મુકી તે દહાડાની ઉત્સવની ખુશાલીમાં વધારો કરવાને તથા લોકોમાં વાહવાહ કહેવડાવવાનો તેણે નિશ્ચય કીધો. બધા અમીરોને તેણે કેદખાનામાંથી બેાલાવી મંગાવી પોતાની સામા ઉભા રાખ્યા. તેઓ બિચારા મરણતોલ થઈ ગયા હતા; અને જીવથી ઉગર્યા તથા બંધીખાનામાંથી એટલા જલદી છુટ્યા તેને વાસ્તે તેઓ પરમેશ્વરની અંતઃકરણથી સ્તુતિ કરતા હતા. “તમે સઘળા હવે બંધીખાનામાંથી છુટ્યા,” એટલું પાદશાહના મ્હોંમાંથી નીકળતાં જ તેઓની છાતીમાં હર્ષ ઉભરાઈ ગયો, અને 'શુકર અલ્લા' એટલા જ અક્ષર તેઓના મ્હોડામાંથી નીકળી ગયા. તે વખતે મિજલસમાં ઘણા મોટા મોલવી તથા મુસલમાની ધર્મ તથા શરેહના ઘણા કાબીલ લોકો બેઠેલા હતા. તેઓમાં મુખ્ય મોધીસુદ્દીન કાઝી હતો, તે કાઝી સાહેબની સામું જોઈ અલાઉદ્દીન પાદશાહે કહ્યું કે આજે દરબારી કામ સઘળું બંધ છે, તથા આજનો દિવસ ઘણો ખુશીખુશાલીને છે, માટે તમને મારે શરેહ બાબે કેટલાએક સવાલ પૂછવા છે. આગળ કોઈ વખત પણ પાદશાહે ઈલમી લોકોની સલાહ પૂછી ન હતી, તથા એવા સઘળાઓને તે ઢોંગી તથા લુચ્ચા ગણતો હતો, તેથી પાદશાહની ઉપલી વાત સાંભળી કાઝી સાહેબના હોંશ ઉડી ગયા, તથા હવે શું થશે તેની મોટી ફિકર તેને પડી. તે બોલ્યોઃ “જહાંપનાહ ! આપ જે ફરમાવો છે તે ઉપરથી મને નક્કી થાય છે કે મારો અંતકાળ પાસે આવ્યો છે, તથા મારા દહાડાની ગણત્રી થઈ ચુકી છે, જો એમ હોય, અને તેમ કરવાની જહાંપનાહની મરજી હોય તો મરવાને હું તૈયાર છું, પણ બંદાની અરજ એટલી જ છે કે જો સાચેસાચું બોલવાને માટે તથા જે ખુદાનો કલામ છે તે પ્રમાણે ખરેખરો દહેશત રાખ્યા વિના અભિપ્રાય આપવાને માટે જો આપ મને ગરદન મારશો, તો મને મારી નાંખવાના ગુન્હામાં ઘણો ઉમેરો થશે, એટલા માટે જ હું ઘણો દિલગીર છું, બીજી કશી વાતની મને દરકાર નથી.” આ વાત સાંભળીને પાદશાહે પૂછયું: “તમે શા ઉપરથી આટલી દહેશત રાખો છો?” કાઝીએ જવાબ દીધો: “જો હું સાચું બોલીશ, અને તેથી જહાંપનાહને ગુસ્સો લાગશે તો મારી જીંદગી પૂરી થશે, અને જો હું જુઠું બોલીશ, અને જહાંપનાહને બીજાઓથી સાચી વાતની ખબર થશે તો પણ હું મોતની શિક્ષાને યોગ્ય થઈશ.” અલાઉદ્દીને કાઝીને ધીરજ આપી તથા શાંત મન રાખી પેગંબર સાહેબની શરેહ પ્રમાણે સઘળા સવાલોના સાચા જવાબ આપવાની ભલામણ કીધી, પછી પાદશાહે એક પછી એક સવાલ પૂછવા શરૂ કર્યા,

પેહેલો સવાલ – જો સરકારી નોકરોએ રૂશવત લેવાનો અન્યાય કીધો હોય, તથા જેમણે સરકારની ઉચાપત કીધી હોય, તેમણે ચોરી કીધી હોય અને તેઓ ખરેખર ચોર જ હોય તે માફક તેઓને સજા કરવી મુનાસિબ છે કે નહી ? જવાબ– જો કોઈ પણ સરકારી નોકરને તેના કામની મહેનત તથા જવાબદારી પ્રમાણે જોઈએ તેટલો મુશારો મળતો હોય, અને તે છતાં પણ તે રૂશવત લેવાનો તથા જે લોકોની સાથે તેને કામ પડે તેઓની પાસેથી બળાત્કારે પૈસા કઢાવવાનો ગુન્હો કરે તો સરકારની નજરમાં આવે તેવા ઉપાયથી તે પૈસા વસૂલ કરી લેવાનો તેને અખતિયાર છે. પણ કોઈ સાધારણ ગુન્હેગારની પેઠે તેને દેહાંત દંડ કરવાનો તથા તેના હાથપગ વગેરે શરીરનું એકાદું અંગ કાપી નાંખવાનો સરકારને હક્ક નથી.

પાદશાહે કહ્યું કે આ વાતમાં હું શરેહ પ્રમાણે સરાબર ચાલું છું. કેમકે સરકારી નોકરોએ જોરજુલમથી ફોસલાવીને અથવા દગાફટકાથી જે પૈસા લોકો પાસેથી લીધા હોય છે, તેઓની પાસેથી હું ગમે તે ઉપાયથી વખતે મારફાડ કરી તથા તેઓના શરીરને દુ:ખ દઈને પણ પાછા કઢાવું છું.

બીજો સવાલ – હું તખ્ત ઉપર બેઠો તે પહેલાં મેં દેવગઢ ઉપર ચડાઈ કરી ત્યાંથી દ્રવ્ય હરી લાવ્યો તે મારી ખાસ મિલકત ગણી તેને મારી પાસે રાખવાનો મારો હક્ક છે કે નહીં ? શું તે પૈસા મારે સરકારી ખજાનામાં મૂકવા જોઈએ? અને લૂંટના કોઈપણ ભાગ ઉપર લશ્કરના લોકોને કાંઈ હક્ક છે કે નહી?

જવાબ - પાદશાહની સાથે લડાઈમાં જેટલા સિપાઈઓ હતા તેઓમાંના દરેક સિપાઈને જેટલો હિસ્સો આપવો જોઈએ તેટલો જ હિસ્સો લેવાને જહાંપનાહને હક્ક છે.

આ જવાબ સાંભળીને પાદશાહ ઘણો નાખુશ થયો, અને જરા ચીઢીને બોલ્યો કે જે વખત હું ફક્ત સરદાર હતો તે વખતે મારી જાતની મહેનતથી મેળવેલી લૂંટ ઉપર સરકારનો અથવા ખાનગી સિપાઈઓનો શો હક્ક પોહોંચે છે, તે મારાથી સમજાતું નથી.

કાઝીએ જવાબ દીધો કે જેટલી લૂંટ આપે પોતાની મેહેનતથી મેળવેલી હોય તેટલા ઉપર જ ફક્ત આપનો દાવો વાજબી છે; જેટલી લૂંટ સિપાઈઓની મહેનતથી મેળવી હોય તેમાં તો આપની સાથે તેઓનો પણ હિસ્સો ગણાવો જોઈએ. ત્રીજો સવાલ – ઉપલી તમામ મિલકત ઉપર મારી જાતનો તથા મારાં છોકરાંનો કેટલો હક્ક પહોંચે છે?

કાઝીએ પોતાના મનમાં નક્કી કીધું કે હવે મારું મોત પાસે આવ્યું છે, કેમકે મારા આગલા જવાબથી જ્યારે પાદશાહ ગુસ્સે થયો છે, ત્યારે હમણાં જે જવાબ આપીશ તેથી તે વધારે કોપાયમાન થશે.

પાદશાહ બોલ્યો - બોલ, હું તારા એક વાળને ઈજા કરીશ નહી.

કાઝી - જહાંપનાહ ! એ સવાલનો જવાબ ત્રણ રીતે દઈ શકાય. પહેલી તો એ કે જો આપને અદલ ઈનસાફથી તથા ખલીફાએાના કાયદા મુજબ કામ કરવું હોય તો જેટલા લોકો આપની સાથે શામેલ હતા તેઓ સઘળા જોડે સરખે હિસ્સે એ સઘળી લૂંટ વહેંચી લેવી જોઈએ. બીજી એ કે જે જહાંપનાહને વચલો રસ્તો પકડવો હોય તો જે મોટામાં મોટો હિસ્સો કોઈ પણ લશ્કરી અમલદારને ભાગે આવે તેટલો લઇ સંતોષ પામવું જોઈએ, અને ત્રીજી એ કે જો જુલમી કામો કરાવવાને પાદશાહોને મસલત આપનારાઓ તેવાં કામોની મંજુરિયતને માટે શરેહનો ગમે તેવો અર્થ મરડીમચરડીને કરે છે તેવા લોકોના અભિપ્રાય પ્રમાણે ચાલવાની આપની મરજી હોય તો કોઈ લશ્કરી અમલદારને મોટામાં મોટો હિસ્સો મળ્યો હોય તે કરતાં પણ વધારે લેવો. તે લેવાને કાંઈ પણ આધાર મળી શકતો નથી. સાધારણ સિપાઈને ભાગે અથવા કોઈ મોટા અમલદારને હિસ્સે જેટલું આવે તેટલું જહાંપનાહના શાહજાદાએાને મળી શકે.

આ સાંભળી પાદશાહ ઘણો ક્રોધાયમાન થયો, અને બોલ્યો – “શું, મારા ઘરકબીલાને વાસ્તે તમામ ખર્ચ કરું છું, તથા નજરાણા તથા ઈનામો વેંહેંચવામાં જે પૈસા વાપરૂં છું તે શરેહથી ઉલટું છે?”

કાઝીએ ધીમેથી જવાબ દીધો, “જ્યારે જહાંપનાહ મને શરેહનો ખુલાસો પૂછે છે ત્યારે હું કુરાને શરીફ પ્રમાણે જવાબ દેવાને બંધાયલો છું. પણ રાજનીતિ ઉપર નજર રાખી મને જવાબ દેવાનું ફરમાવશો તો બંદો એટલી જ અરજ કરશે કે જહાંપનાહ જે કરે છે તે વાજબી તથા બર હક્ક છે; કેમકે રાજનીતિ એવી છે કે જેમ આપ વધારે દોલત એકઠી કરશો, તેમ આપના દરબારને તથા રાજ્યને વધારે શોભા મળશે.”

પાદશાહ - જે સિપાઇ હાજરીની વખતે ગેરહાજર રહે છે તેને ત્રણ વર્ષ સુધી એકેક મહીનાનો પગાર હું અટકાવું છું. જે શખ્સ બંડ ઉઠાવે છે તેની હું જડમૂળથી નસલ કાઢું છું તથા ગમે તે દેશમાં તેઓની સ્થાવર અથવા જંગમ મિલકત હોય તો હું તુરત જપ્ત કરું છું. શું, તમારો અભિપ્રાય એવો છે કે વ્યભિચારી, ચોર, છાકટા લોકોને દંડવા મુનાસિબ નથી ?

આ સાંભળીને કાઝી તો થરથર ધ્રુજવા લાગ્યો, તથા રાજાની રીતભાત, બોલવાનો જુસ્સો, તથા મ્હેાંની શિકલ જોતાં જ તેણે ઉઠી નાસવા માંડ્યું, પણ જયારે ઉમરા આગળ ગયો ત્યારે ઉભો રહી ત્યાં પાદશાહને પગે પડ્યો, અને ઉઠીને બોલ્યો કે “જહાંપનાહ જેટલું કરે છે તેટલું શરેહથી ઉલટું છે.” એટલું કહેતાં જ લાગલો નાસી ગયો. તેણે ઘેર જઈ વસિયતનામું કીધું, અને ખુદાતાલાની બંદગી કરી મન શાંત રાખી જલ્લાદની રાહ જોતો બેઠો, પણ તેની દેહેશત પ્રમાણે કાંઈ બન્યું નહીં. પાદશાહ કાઝીનું બોલવું તથા આવી રીતે એકદમ નાસી જવું જોઈને ઘણો તાજુબ તથા ગુસ્સો થયો તો ખરો, તોપણ તેણે જેટલું કહ્યું તેટલું સાચા દિલથી તથા ઈશ્વરનો ડર રાખી કહ્યું તેટલા જ ઉપરથી પાદશાહને ઘણી રેહેમ આવી, અને તેણે જ્યારે તે કાઝીને બોલાવી મંગાવવાને એક માણસ મોકલ્યું ત્યારે દરબારી લોકો ઘણા ભય પામ્યા, અને આગળ શું થશે, એ વાતની તેઓને ભારે ફિકર પડી.

કાઝી સાહેબ કાંપતા કાંપતા પાદશાહની હજુરમાં આવી ઉભા રહ્યા, પણ પાદશાહે તેના ઉપર ક્રોધની કાંઇ નિશાની દેખાડવાને બદલે તેને આદરમાન આપ્યું, તથા સત્કાર કીધો, તે જોઈ તે તથા બીજા અમીર ઉમરાવો ઘણા આશ્ચર્ય પામ્યા. કાઝી સાહેબને એક જરીનો જામો તથા એક હજાર તનખાની એક થેલીનો સરપાવ થયો; અને એ કીમતી બક્ષીસ આપતી વખતે અલાઉદ્દીન નીચે પ્રમાણે બોલ્યો: “કાઝી સાહેબ ! અગર જો મેં આપની પેઠે કિતાબનો અભ્યાસ કીધો નથી, તો પણ મેં મુસલમાનને પેટે જન્મ લીધો છે તે હું કદી ભુલનાર નથી. તેથી તમે જે સઘળા જવાબ દીધા છે તે સાચા છે એમ મારે કબુલ કીધા વિના ચાલતું નથી. તો પણ હું એટલું તો હજી કહું છું કે જો હું તમારા ખરા અભિપ્રાય પ્રમાણે રાજ્ય ચલાવું તે આ હિંદુસ્તાનનું રાજ્ય એક દહાડો પણ બરાબર ચાલે નહી. જો ગુન્હાઓને માટે સખત સજા કરવામાં ન આવે તો ગુન્હા કોઇ કાળે બંધ થાય નહીં. માટે એવી બાબતોમાં મારી અક્કલ પ્રમાણે જ્યારે ઘણી સખતાઈથી ચાલું છું, ત્યારે હું ખુદા ઉપર બિલકુલ ભરોસો રાખું છું, અને ઘણી નમનતાઈથી એ દયાળુ, પાક પરવરદગારની બંદગી કરું છું કે જો મારી ભૂલ થાય તો હું તોબા કરીશ, એટલે હું મહા પાપી ઉપર તે મેહેર કરશે.”

પાદશાહનું આ બોલવું સાંભળી સઘળા દરબારમાં બેઠેલા લોકો દિંગ થઈ ગયા, અને કાઝી સાહેબની અજાયબ જેવી હિમત તથા પાદશાહના અદલ ઈનસાફ તથા ડહાપણ ઉપર તેઓએ હજાર આફરીન કીધી. છુટેલા અમીરો પાદશાહને પગે પડ્યા, અને ફરીથી કોઈ વાર તેની સામા માથું ન ઉઠાવવા તેમણે ખરા મનથી વચન આપ્યું. પછી પાદશાહ દરબારમાંથી ઉઠ્યો, અને ખિજરખાં શાહજાદો બધા અમીરોની ટોળીમાં સામેલ થયો. હવે તે દહાડાની ગમત તથા મેાજ શરૂ થઈ; કંચનીઓના નાચ થવા માંડ્યા, તથા શરાબબાજી પણ પુષ્કળ ચાલી. તે સઘળું થઇ રહ્યા પછી તેઓ સઘળા પોતપોતાને ઘેર ગયા. પછી બપોરે અમીર લોકો પાદશાહી મહેલમાં પાછા એકઠા થયા તે વખતે એક પેટીમાં સોના તથા રૂપાની બદામ ભરીને એક ખવાસ શાહજાદા પાસે લાવ્યો, તેમાંથી તેણે મુઠી ભરી ભરીને અમીર લોકોની વચ્ચે ઉડાવી. તે વખતે આ શ્રીમંત લોકો શાહજાદાને માત્ર ખુશ કરવાને માટે ભીખારીની પેઠે બદામ વીણવાને તુટી પડ્યા, અને તે ગરબડાટમાં કેટલાએકની પાઘડીઓ ઉડી પડી, કેટલાએક રગદોળાયા, કેટલાએક છુંદાયા; તથા કેટલાએક ચીસ પાડવા લાગ્યા, તે જોઈને શાહજાદા તથા બીજાઓને ઘણી રમુજ થઈ. તે થઈ રહ્યા પછી તોળા થવાનું કામ શરૂ થયું. પહેલાં તો એક મોટો કાંટો મંગાવ્યો. એના એક પલ્લામાં સોનું, હીરા, માણેક તથા બીજું જવાહિર મુક્યું, અને જ્યારે તે સઘળું તોલમાં શાહજાદાની બરાબર થયું ત્યારે તેને પોતાના ખાસ ચાકરોમાં વહેંચી દીધું. બીજી વાર પોતાની સામા રૂપાના સિક્કા મુક્યા, અને તે સઘળા સિપાઈ લોકોને આપી દીધા, ત્રીજી વાર તે કીમતી વસ્ત્ર તથા તેજાના સાથે તોળાયો, અને તે બીજા સાધારણ ચાકરોને આપ્યાં; અને ચોથી વાર બીજા પલામાં અનાજ, ઘી વગેરે ખાવાની વસ્તુઓ મુકી, અને તે જેટલું થયું તે ગરીબ લોકોમાં વહેંચી આપ્યું. એ પ્રમાણે તોળા થઈ રહ્યા પછી મેહેલની આગળ એક બંધિયાર ચોગાન હતું તેમાં હાથી તથા વાઘની લડાઇ કરાવવાનો હુકમ થયો. એ ચોગાનની આસપાસ ઉંચો કોટ હતો. તેના મથાળા ઉપર તમાશગીર લોકોથી ઉભા રહેવાય એવી સગવડ હતી. તે કોટમા બાકાં રાખેલાં હતાં તેમાંથી માણસ બહાર નીકળી શકતું. જોનારાઓની આ વખતે ઠઠ મળી હતી. મેહેલમાં પાદશાહ, શાહજાદાઓ, વજીર વગેરે મુખ્ય માણસો બારીએ જ બેઠેલા હતા. ઉપરના માળની બારીએ ચક નાંખી ઝનાનાનું સ્ત્રીમંડળ બેઠેલું હતું, અને નીચે રવેશ ઉપર અમીર ઉમરાવો ગાદીએ બીરાજેલા હતા. હાથી ઘણો મસ્ત તથા ચાલાક હતો, અને વાઘ પણ પાતળો, ઉંચો તથા બીહામણો હતો. જયારે આ બે પશુઓને છુટાં મુક્યાં ત્યારે લોકોએ ખુશીથી બુમાબુમ પાડી આખું ચોગાન ગજવી મુકયું. પછી વાઘે પોતાની ચપળતાથી તથા ઝડપથી હાથીની સુંઢ ઉપર ચડવાને ઘણાં ફાંફાં માર્યા, પણ તેણે તે સુંઢ ઉંચી જ રાખી તેથી તેનું કાંઈ ફાવ્યું નહીં. હાથી તેને પોતાના પગ નીચે લાવીને કચડી નાંખવાને યુક્તિ કરતો હતો, પણ દુશ્મન એટલો ચાલાક હતો કે તે હરેક વખતે તેના સપાટામાંથી તુરત છટકી જતો. જ્યારે જ્યારે આ બેમાંથી કોઈ મરવાની અણી પર આવતું ત્યારે લોકના મ્હોંડા ઉપરથી લોહી જાણે ઉડી જતું, અને તે બચી જાય ત્યારે તેઓને બેહદ હર્ષ થતો. એ પ્રમાણે એક કલાક સુધી રમત ચાલી પણ બેમાંથી એકનો જય થયો નહી. તે બંને પશુઓ ઘણાં ખીજવાયાં, અને પોતાનો તમાશો જેમ બને તેમ જલદીથી પુરો થાય એવી રીતે ઘણાં જુસ્સાથી એક એકની સામાં થયાં, અંતે વાઘ હાથીના સપાટામાં આવી ગયો, તેને તુરત સુંઢમાં પકડ્યો અને તેના શરીર ઉપર એક પગ મુકી તેને ચીરી નાંખ્યો. એ ભયંકર તમાશો જોવાથી લોકોના મનમાં દયા ઉત્પન્ન થવાને બદલે તેઓ ઘણા જ ખુશી થયા, અને જાણે કોઈ દુશમન ઉપર મોટી ફતેહ મેળવી હોય તેમ તેઓએ જયજયકારની બુમ પાડી. પછી લોક પોતપોતાને ઘેર ગયા. હાથીના માવતને માટે સરપાવ થયો, પાદશાહી મહેલમાં પાછો રંગ મચી રહ્યો, અને ચોગાન જેવું હતું તેવું સાફ થઈ રહ્યું.

રાતની વખતે શેહેરની શોભાનું વર્ણન થઈ શકે એવું ન હતું. શાહજાદાની સાલગિરી તેથી તે શેહેર બહાર દરવેશ સીદી મૌલાની કબર ઉપર ફુલ ચઢાવવાને સ્વારી સહિત તે રાત્રે જવાને હતો. એ દરવેશના મોતથી અલાઉદ્દીન પાદશાહ થયો, તે જીવતો હતો ત્યારે તે ઘણો ચમત્કારી પુરૂષ ગણાતો હતો; અને મુઆ પછી તેની માનતા ચાલવા લાગી તેથી તે પીરની સંખ્યામાં દાખલ થયો. શેહેરમાં રોશની કીધેલી હતી, તેમાં વિશેષે કરીને જે રસ્તેથી સ્વારી જવાની હતી ત્યાં દીવાનો ભભકો એટલો બધો હતો કે ત્યાં આગ લાગી હોય એટલું અજવાળું થઈ રહ્યું હતું. મોટા અમીર લોકોના મહેલમાં પણ માંહેથી તથા બહારથી ઘણી જ રોશની કરવામાં આવી હતી, અને આગળ હોજ ઉપર જે દીવાએ મુકેલા હતા તથા તે ઉપર ચોતરફ કુલોના હાર બાંધેલા હતા તેનું પ્રતિબિમ્બ પાણીમાં પડતું તેથી ઉપર તથા નીચે બંને ઠેકાણે ઝળઝળાટ થઈ રહ્યો હતો. દુકાનો ઉપર પણ રોશનીની સાથે ફુલોનાં તોરણ બાંધેલાં હતાં. વળી આખે રસ્તે ચીનના કારીગરોની બનાવેલી આતસબાજી મંગાવેલી હતી તેમાંથી તરેહતરેહવાર ઝાડો થોડે થોડે અંતરે દાટેલાં હતાં. રસ્તામાં લાખો લોકો ઘણાં સુન્દર પોશાક પહેરીને ફરતા હતા, હિન્દુઓ બીચારા બીહી બીહીને રસ્તાની બાજુએ ચાલતા હતા. મુસલમાન ફકીરોનાં ટોળેટોળાં લોકોને હડસેલો મારતાં તથા બીજી રીતે ઉપદ્રવ કરતાં જતાં હતાં. પઠાણ લોકો જેઓનું રાજ્ય હતું, તેઓ ઘણા ડોળથી પતરાજીની સાથે ધીમે ધીમે ડગલાં ભરતા હતા. મુસલમાન સવારો ઘોડા નચાવતા તથા કુદાવતા અને કોઈ માણસ છુંદાશે તેની પરવા ન રાખતાં રસ્તાઓમાં લોકોને આણીગમ તેણીગમ દોડાવતા હતા. સિપાઈ લોકો પણ ઘણી બેપરવાઈથી હારની હાર લોકોને હડસેલતા જતા હતા. થોડાએક મોગલ લોકો જેઓનો ચઢતો દહાડો હજી આવ્યો ન હતો તેઓ ભરાતા ભરાતા તથા ગુપચુપ વાત કરતા ચાલ્યા જતા હતા. અમીર તથા પૈસાવાળા મુસલમાન લોકો ઘોડા, હાથી, પાલખી અથવા ગાડીઓમાં બેસીને દોડાવતા આગળ જઈ કોઈ સારે ઠેકાણે ઉભા રહેતા હતા. એ પ્રમાણે સઘળે રસ્તે એટલી તો ભીડ થઈ રહી હતી કે લોકોનાં માથાં ઉપરથી થાળી ચાલી જાય તો પણ નીચે પડે નહી.

થોડી રાત ગયા પછી સવારી નીકળી. આગળ ડંકા, નોબત તથા નિશાનવાળાઓ ઘોડા, હાથી તથા ઉંટ ઉપર બેસીને આવ્યા. પછી સવારો, સિપાઈઓ વગેરેનાં ટોળેટોળાં વગર બંદોબસ્તે ચાલતાં હતાં. છેલ્લે શાહજાદાનો હાથી આવ્યો તે ઘણો જ શણગારેલો હતો. તેના ઉપર સોનેરી ઝુલ હતી તથા હીરામાણેકનાં ઘરેણાં તેને ઘાલેલાં હતાં. શાહજાદાનો શણગાર પણ તેવો જ ઉમદા હતો. તેણે ઘરેણાં ઘાલેલાં હતાં એમ કહીએ તો ખોટું પડે, તેને ઘરેણાંવડે લાદેલો હતો, અને મહમૂદ ગઝનવી, શાહબુદ્દીન ઘોરી ઈત્યાદિ જે મોટા પાદશાહો થઈ ગયા તે કરતાં પણ અલાઉદ્દીને વધારે દોલત હિંદુસ્તાનમાંથી લૂંટફાટથી મેળવી હતી તે આ વખતે જણાઈ આવતું હતું. હીરા, મોતી, માણેક તો રેતીના કાંકરાની પેઠે વાપરેલાં હતા. સોનું તો તેના મનને પીતળ, અને રૂપું તો કલાઈ જેવું ગણાતું હતું. એ સઘળાની પાછળ છુટી આતશબાજીનાં ગાડેગાડાં ભરેલાં ચાલતાં હતાં. દીવાઓની રોશની તથા આતશબાજીના અજવાળાથી શાહજાદાનાં ઝવેરો જે ઝેબ મારતાં તથા તેઓમાંથી જે ઝળકાટ નીકળતો તેથી તેનું શરીર સૂર્યના બિંબ જેવું દેખાતું એટલે તેની સામું જોવાને કોઈની આંખમાં કૌવત ન હતું. એ પ્રમાણે સવારી મોટા બજારમાં આવી. સઘળા તમાશગીતરોમાંનાં અર્ધા તો ત્યાં જ એકઠા મળેલા હતા, તે સિવાય ગાડી, ઘોડા, હાથીની કાંઈ ખોટ નહતી, વળી રસ્તો ઘણો સાંકડો તથા આતશબાજીનાં ઝાડ ઘણાં પાસે દાટેલાં તેથી પહેલું જ ઝાડ છુટતાં લોકોમાં કચડાકચડી થઈ અને જો લોકો એકદમ ઓછા નહી થાય તો ફક્ત ભીડાભીડથી જ કેટલાએક મરી જશે, એવી દહેશત લાગવા માંડી. પણ કમનસીબે બીજું ઝાડ જે સળગાવ્યું તે ફાટ્યું અને તેમાંથી જે તોટા તથા હવાઈ છુટી તે કેટલીએક સવારીના લોકો ઉપર, કેટલીએક તમાશગીરો ઉપર, અને કેટલીએક પાછળનાં આતશબાજીનાં ગાડાંમાં પડી. તે વખતે તમામ લોકોમાં ઘણો ગભરાટ થયો, પાછલાં ગાડાંમાંથી જે આતશબાજી સળગી તે સઘળી ઉડીને લોકો ઉપર પડી તેથી હજારો માણસોનાં પાઘડી લુગડાં સળગી ગયાં. લોકો નાસવાનું કરે પણ કાંઈ થાગ લાગે નહી. એકેકને અડક્યાથી તથા દબાયાથી કેટલાએકનાં લુગડાં હોલવાઈ ગયાં, પણ બીજાઓનાં સળગ્યાં. લોકો મારામાર કરી, તથા જેઓની પાસે હથીયાર હતાં તેઓ તલવાર, કટાર, ખંજર લોકોના શરીરમાં ઘોંચી બહાર મેદાનમાં પડવાનું કરે, પણ લોકોનો જે કોટ થઈ રહેલો તેમાંથી નીકળાય નહી. બળવાના તથા છુંદાવાના દરદથી લોકો ચીસાચીસ પાડવા લાગ્યા. ઘરડા, અશક્ત તથા બાળક બીચારા ભોંય ઉપર પડી રગદોળાતા તેઓ બુમાબુમ પાડતા, તેમાં તોટા, હવાઈ, ફટાકા વગેરેનો સણસણાટ તથા ફડફડાટ થઈ રહ્યો હતો તેથી તે સ્થળ એક રણસંગ્રામના જેવું થઈ રહ્યું, વળી અધુરામાં પુરા ઘોડાઓ ચમકી તથા હાથીઓ ઘેલા થઈ લોકોમાં દોડવા તથા કુદવા લાગ્યા. તેઓએ પોતાના સવારોને પાડી નાંખ્યા, અને આવો લાગ ફરીથી મળશે નહી એવો જાણે વિચાર કરી જોરથી વગર મતલબે આણીગમ તેણીગમ દોડવા તથા લોકોને પગતળે છુંદી નાંખવા લાગ્યા. ધનવાન અને નિર્ધન, જુવાન ને ઘરડા, શેઠ અને ચાકર, અમીર અને ફકીર એ સઘળામાં કાંઈ અંતર રહ્યો નહી. તેઓ સઘળા એકસરખા ધુળમાં ૨ગદોળાયા, જેઓ સવામણની તળાઇ ઉપર સુતા, જેએાને ચંપી કરનાર ખિદમતગાર હતા, જેઓને વા નાંખનાર ચાકરો હતા, સારાંશ જેએાને કોઈ દહાડો ઉનો વા લાગેલે નહીં તેઓ હમણાં ધુળ ઉપર પડેલા હતા, તથા તેઓનાં આખાં શરીર ઉપર એટલી તો ચંપી થતી હતી કે હવે ફરીથી તેઓના જન્મારામાં તેઓને ચંપી કરનારાઓનો ખપ પડવાનો ન હતો.

અત્યાર સુધી શાહજાદાના હાથીને તેના માવતે તથા બીજા ચાકર નફરોએ એવો જોરથી પકડી રાખ્યો હતો કે તેના ઉપર આગના ગોટા પડતા તો પણ તેનાથી એક તસુ પણ ખસાતું નહતું. શાહજાદાના કીમતી પોશાકમાં ઠેકાણે ઠેકાણે બાકાં પડ્યાં, અને આસપાસના લોકોની મહેનત ન હોત તો તે પણ બળીને કોયલો થાત. પણ એ પ્રમાણે ઘણી વાર નભ્યું નહી. એક મોટો આગનો ગોળો હાથી ઉપર પડતાં જ તે ગાંડો થઈ ગયો અને એટલું જોર કરીને આગળ ધસ્યો કે બીજા લોકો સઘળા પાછળ પડી ગયા, હાથીએ છુટાં થતાં જ માવતને સુંઢવતી લોકોની વચ્ચે ઉડાવી દીધો. પછી સ્વતંત્ર થઈ લોકોમાં તેણે દોડવા માંડ્યું, તેથી ઉપરને મેઘાડંબર ઢીલો પડી ગયો, અને હમણાં પડશે, એમ દેહેશત લાગવા માંડી. શાહજાદાનાં કપડાં સળગવા લાગ્યાં અને ત્યાં કોઈ મદદગાર ન હોવાથી તેનું આવું અકાળ મૃત્યુ નિશ્ચય આવ્યું એમ સૌને જણાયું, પણ જેને સાહેબ રાખનાર તેને કોણ મારી શકે ? શાહજાદો ગભરાયો તો ઘણો, જો ઉપર બેસી રહે તો બળીને મરે એ નક્કી, જો ભુસકે મારી નીચે પડે તો ભીડમાં કચરાઈમરે એ પણ નિશ્ચય. આવે વખતે જ્યારે સૌસૌને પોતાના જીવની ફિકર પડેલી તે વખતે શાહજાદો અને ફકિરજાદો બંને એક બીજાને મન સરખા, હમણાં મારી કોઈ સંભાળ લેવાનું નથી, એવો વિચાર કરી પરમેશ્વરની તેણે બંદગી કીધી, પણ તે કરવામાં જ તેનાં લુગડાં ફરીથી સળગ્યાં, અને તે બળતું તેના શરીર ઉપર ઝડપથી પથરાતું હતું એટલામાં એક જુવાન શખસ ભીડમાંથી ઘણું જોર કરી બહાર નીકળ્યો, હાથી આગળ ગયો, અને કેટલાએક લેાકેાના ખભા ઉપર ઉભા રહી એક છલંગ મારી તેણે શાહજાદાને પકડી લીધો, અને તેઓ બંને પાછા ભોંય ઉપર પડ્યા. પરમેશ્વરના કરવાથી ત્યાં આગળથી લોકો આ બનાવથી આશ્ચર્ય પામીને ખસી ગયલા તેથી, ત્યાં ખાલી જગ્યા રહેલી માટે તેઓને કાંઈ નુકસાન લાગ્યું નહીં. શાહજાદાને બચાવનાર તેને પકડી પાછો ઉઠ્યો, અને જેટલા જોરથી તે માંહે આવ્યો હતો તેટલું જોર કરી બહાર નીકળી ગયો. બજાર બહાર એક ખુલ્લી જગ્યા હતી ત્યાં તેઓ બંને મરવા જેવા થઈ પડ્યા. શાહજાદો મરવાના ધાકથી, આ સઘળી ગડબડાટથી, તથા અકળામણથી બેશુદ્ધ થઈ ગયો. તેને બચાવનાર પણ ઘણી મહેનતથી, મનના જુસ્સાથી, પોતાનું ધારેલું કામ વગર જોખમે પાર પડ્યું તેના હર્ષથી, તથા તેણે જે કામ કીધું તેનાં પરિણામ સારાં તથા ધાર્યા પ્રમાણે નિપજશે એવી ઉમેદથી બેભાન થઈ પડ્યો. થોડી વાર પછી થંડા પવનની અસરથી બંને એકી વખતે જ જાગૃત થયા. તે વખતે શાહજાદાનું અંતઃકરણ ઉપકારથી ભરાઈ આવ્યું, અને તેના જોસમાં તે તેના જીવ બચાવનારને ભેટ્યો, અને તે જે માગે તે આપવાનું વચન આપ્યું. માધવને (શાહજાદાને બચાવનાર તે જ હતો) હર્ષનાં આંસુ આવ્યાં, અને પોતાનો દિલ્હી આવવાનો ફેરો સફળ કરવાના તથા તેના હૈયામાં વેર દેવી હતી તેને બલિદાન આપી તૃપ્ત કરવાના ઈરાદાથી તેણે માત્ર પાદશાહ અલાઉદ્દીનની એક વાર મુલાકાત માગી. શાહજાદાએ તે ઘણી ખુશીથી કબુલ કીધું, તેનું નામ ઠામ લખી લીધું; તથા બીજે દિવસે સવારે તેને વાસ્તે હાથી, ઘોડા, સવાર વગેરે મોકલી ધામધુમથી પાદશાહની હુઝુરમા બોલાવવા, અને ત્યાં કાંઈ મોટું ઈનામ અપાવવા શાહજાદાએ કબુલાત આપી. એટલામાં શાહજાદાનાં માણસો આવ્યાં તેઓ તેને લઈ ગયાં. લોકો પોતપોતાને ઘેર ગયા. સવારી પાછી વળી, માધવ પોતાને ઉતારે ગયો, અને આખી રાત મોટી મોટી મશાલો સળગાવી લોકોએ પોતાના મરતા તથા મુએલા સગા તથા મિત્રોને શેાધ્યાં કીધું.

માધવને તે રાત્રે જરા પણ ઉંઘ આવી નહી. શાહજાદાને બચાવવાનો વિચાર શી રીતે સુઝયો, આટલી અથાગ ભીડમાંથી હાથી પાસે શી રીતે જવાયું, તથા શાહજાદાને લઈને શી રીતે મળવું, ત્યાં શી વાત કરવી, મારે માટે શું માગી લેવું, પાદશાહ મારી વાત કબુલ કરશે કે નહી, આ સઘળા વિચાર તેના મનમાં આવ્યા કીધા, તેથી સવાર થતાં કાંઈ જ વાર લાગી નહી. તેણે ઉઠીને સ્નાન કીધું, અને જે ઉંચામાં ઉંચો પોશાક પોતાની સાથે લાવ્યો હતો તે પહેર્યો. એટલામાં પાદશાહની તરફથી હાથી તથા સવાર તેને તેડવાને આવ્યા. માધવ ઘણા હર્ષમાં તથા મોટી ધામધુમની સાથે પાદશાહના મેહેલમાં ગયો. ત્યાં થોડી વાર રાહ જોયા પછી તેને પાદશાહની હુઝુરમાં દાખલા કીધો. આગલા દહાડાની તમામ હકીકતથી પાદશાહ સારી પેઠે વાકેફ હતો તેથી માધવને તે વાત કહેવી પડી નહી. માધવને બેસવાની જગ્યા આપીને તેનું નામ, જાત, ધંધો તથા આગળ તેણે શાં શાં કામ કીધાં તે સઘળું પૂછયું, તે ઉપરથી તેણે તે દહાડા સુધીનો પોતાનો સઘળો અહવાલ કહી સંભળાવ્યો, અને છેલ્લી વારે બોલ્યોઃ “જહાંપનાહ! આખા હિન્દુસ્થાનમાં ગુજરાત જેવો કુળવાન તથા દ્રવ્યવાન પ્રાંત બીજો કોઈ નથી. તે હિન્દુસ્થાનનું કાચું સોનું છે. તેમાં સઘળી જાતની પેદાશ થાય છે. તેની તમામ જમીન ખેડાય એવી છે. નદીનાળાંથી ભરપૂર છે. તેમાં ઘણું સુન્દર વન છે. તેમાં રળિયામણા પહાડો છે. સારાંશ કે તે આ લોકમાં દેવલોક જેવું છે. ત્યાંનો રાજા કરણ વાઘેલો દુષ્ટ, કૃતઘ્ની, તથા હઠીલા સ્વભાવનો છે, તેથી તેના ઉપર લોકોની જરા પણ પ્રીતિ નથી. રાજ્ય અસલ તો બળવાન હતું પણ હાલ કેટલીએક મુદત થયાં તે નિર્બળ થઈ ગયું છે. ખંડિયા રાજાઓ ખંડણી બરાબર આપતા નથી. સામંત લોકો અસંતોષી છે. સિપાઈઓના પગાર ચઢેલા રહે છે તેથી તેઓ પણ નાખુશ રહે છે. દેશમાં બીજા લોકોમાં શૂરાતન રહેલું નથી, મારા ઉપર લોકોની પ્રીતિ છે, મારા ઉપર જે જુલમ ગુજાર્યો છે તે ઉપર લોકો ત્રાસ ખાય છે; હજી રાજ્યમાં મારા ઘણા મિત્રો છે, આપના ત્રાસથી બીજા રજપૂત રાજાઓ થરથરી ગયા છે. તેથી આ સમયે તેઓ પણ તેને સહાય થશે નહીં, બલકે તેના લશ્કરનો કેટલોએક ભાગ મારે લીધે આપણને આવી મળશે, માટે ગુજરાત જીતવું કાંઈ જ મુશ્કેલ નથી. આપને મન તો તે છોકરાંની રમત છે. તેથી મારી અરજ એટલી જ છે કે તે દેશ સર કરવો, અને તેનો સૂબો ગમે તેને મુકરર કરવામાં આવે તોપણ તેના હાથ નીચે મુખ્ય કારભાર મને સોંપવો.”

અલાઉદ્દીને પોતાનું નામ બીજો સિકંદર રાખ્યું હતું, અને તે નામ તેણે સિક્કા ઉપર કોતરાવ્યું હતું તેથી તેને અસલ રૂમી સિકંદરની પેઠે દેશો જીતવાનો ઘણો શોખ હતો. માટે જ્યારે આવો વખત આવ્યો ત્યારે તેનો ઉપયોગ કર્યા વિના તેને જવા ન દેવો, એવો તેણે નિશ્ચય કીધો. એણે માધવની સઘળી વાત કબુલ રાખી. થોડી મુદ્દતમાં ગુજરાત જીતવાનું વચન આપ્યું, અને તેને કેટલુંએક દ્રવ્ય આપીને વિદાય કીધો.

પ્રકરણ ૭ મું.

પાટણથી સિદ્ધપુર અને ત્યાંથી અંબાભવાની, આબુ, મેવાડ, મારવાડ વગેરેમાં થઈને દિલ્હી શેહેર આપણે જોયું; ત્યાંની શોભા, પાદશાહની રીતભાત તથા રાજ્યનીતિ સઘળું આપણા જાણ્યામાં થોડુંએક આવ્યું. હવે પાછા આપણે અણહિલપુર પાટણના કરણઘેલા રાજાની ભેટ લઈએ અને જેટલી વાર આપણે તેનાથી આઘા હતા તેટલી વારમાં શા શા બનાવો બન્યા તેનું ટુંકમાં વર્ણન કરી આગળ શું બને છે તેથી વાંચનારાઓને વાકેફ કરીએ.

રૂપસુન્દરીનું હરણ થયું, કેશવ માર્યો ગયો, તેની સ્ત્રી ગુણસુન્દરી તેની પાછળ સતી થઈ, તથા માધવ રાજ્યમાંથી નાશી ગયો, એ સઘળા બનાવો એક વારે થયા તેથી શહેરના લોકોના મન ઉપર ઘણી જ અસર થઈ. જ્યાં જુઓ ત્યાં એની એ જ વાત થતી હતી, અને આગળ શું નિપજશે તે વિષે લોકોમાં ભારે દહેશત પેઠેલી હતી; અને તે કંઈક ખરી પણ પડી. ઉપલી સઘળી હકીકત બની ત્યાર પછી ત્રીજે દહાડે રાત્રે શેહેરમાં મોટી આગ લાગી, અને તેને જેમ જેમ છાંટતા ગયા તેમ તેમ બીજાં નવાં ઘરો સળગતાં ગયાં. લોકો ઘણા ભયભીત થયા, કેટલાએક લોકો કહેવા લાગ્યા કે, આ તો દેવકોપ થયો. કેટલાએક બોલવા લાગ્યા કે અમે આકાશમાં ઉડતાં માણસોને આગ લગાડતાં જોયાં. આગ તો ઘણી મહેનતથી છંટાઈ, પણ એ બનાવ બનવામાં કાંઈ ચમત્કાર છે, એમ લોકોને થોડી વારમાં ખાતરી થઈ. કેટલાએક લોકોની બારીએ રાતની વખતે મોટા મોટા પથ્થરો અથડાયા; કેટલાએકનાં ઘરમાં રાંધેલું ધાન બદલાઇને નરક થઇ ગયું; કેટલાએકનાં ઘરમાં કુવાનાં પાણી બદલાઈને લોહે જેવાં થઈ ગયાં, રાત્રે મોટી મોટી ચીસો સંભળાવા લાગી; કોઇથી દીવા થયા પછી બહાર નીકળાય નહી. ઘણાએકનાં ઘરમાં બઈરીઓ ધુણવા લાગી; અને વારે વારે શહેરમાં આગ લાગ્યાં કરવા માંડી. એ પ્રમાણે પૂરમાં હાહાકાર થઈ રહ્યો. રાજાના મહેલમાં પણ ઘણી ઉથલપાથલ થઈ ગઈ, અને એક દહાડો કરણની માનીતી સ્ત્રી જાંજમીર તળાજાની ફુલારાણી ઘણા જોસથી ધુણવા લાગી, તથા તેનામાં એટલું તો સામર્થ્ય આવ્યું કે ભલભલાની તેની પાસે જવાની હિમ્મત ચાલે નહી. સઘળાઓની હવે ખાતરી થઈ કે કોઈ મોટું જોરાવર ભૂત શેહેરમાં આવ્યું છે, અને તે સઘળાઓને આવી રીતે ઉપદ્રવ કરે છે. હવે ભુવા, જતિ વગેરે મંત્ર જાણનારાં લોકની રોજી જાગી. તેઓ ઠામે ઠામ ભૂતને બોલાવવા લાગ્યા; શેહેરના સઘળા દરવાજા ઉપર ખીલા ઠોક્યા; ચકલે ચકલે ઉતાર મૂક્યા, જગાએ જગાએ કાપેલાં તથા સિંદુર ચોપડેલાં લીંબુઓ રઝળતાં પડ્યાં, તથા ઘેરઘેર મંત્રેલા અડદના દાણા વેરાવા લાગ્યા. ઘણા લોકોએ ઘરમાં સરસિયાના દીવા બાળવા માંડ્યા; પણ ભૂત શેહેરમાંથી ગયું નહી, તથા તેની પીડા પણ ઓછી થઈ નહી. જ્યાં જ્યાં ભૂત ધુણાતું ત્યાં ત્યાં તે પોતાનું નામ બાબરો કહેતું હતું, તેથી આખા શેહેરમાં એક જ ભૂત છે એમ સાબિત થયું. લોકો ઘણા ત્રાસ પામ્યા અને સઘળે ઠેકાણે અને સઘળી વખતે એના એ જ વિષય ઉપર ચર્ચા ચાલી રહી. એક દહાડો સવારે શેહેરની આગળ એક કુવા ઉપર બઈરીઓ પાણી કાઢતી હતી તે વખતે એક દમ કુવામાં એક મોટો ધબાકો થયો, અને તે સાંભળતાં જ સઘળી બઈરીઓ જીવ લઈ નાશી ગઈ. તેઓમાંની એક કુવામાં પડી, અથવા તેને કોઈએ ફેંકી દીધી, એમ કહીએ તો ચાલે. લોકો ઘણા એકઠા થયા, પણ કોની માએ શેર સુંઠ ખાધી હોય કે તે ડુબતી બઈરીને બહાર કાઢે. બાબરા ભૂતે તેને ફેંકી દીધેલી એટલે કુવામાં ઉતરવાની કોઈની હિંમ્મત ચાલે નહીં. એટલામાં ત્યાં એક રજપૂત સવાર આવી પહોંચ્યો. તેણે આ વાત સાંભળતાં જ પોતાના હાથમાં એક સવામણનો ભાલો હતો તે તેની સાથેના એક માણસને આપ્યો, પોતાનાં લુગડાં ઝટ વારમાં કાઢી નાંખી કુવામાં ઉતરી પડ્યો, અને સહેજ વારમાં તે બઇરીને હસહસતી લઈ ઉપર આવ્યો. આ રજપૂતનું પરાક્રમ જોઈ સઘળાએ ઘણા વિસ્મિત થયા, અને તે જીવતો બહાર નીકળ્યો તેથી તેઓ ઘણા હરખાયા. તે બઇરીનો ધણી તથા તેનાં માબાપ તે જગાએ આવી પહોંચ્યાં હતાં, તેઓએ તે રજપૂતનો ઘણો ઉપકાર માન્યો, અને તેને પણ પોતાને ઘેર પરોણા દાખલ તેડી ગયાં. રજપૂતને પણ કોઈ ઉતારો શોધવો જ હતો તેથી તેણે તેઓને ઘેર જવાનું કબુલ કીધું, અને લોકો સઘળા તે જગાએથી વેરાઈ ગયા.

તે બઈરીને ઘેર પહોંચ્યા પછી પેલો રજપૂત સવાર ઘણાં ઉંડા વિચારમાં પડ્યો. કરણ રાજાને શી રીતે મળવું, એ વિષે કાંઈ તદબાર શોધી કાઢવામાં તેનું મન હમણાં લાગેલું હતું, ઘરધણીએ રસોઈ તૈયાર કરાવી તેને જમવાની વિનંતિ કીધી; અને જમતાં જમતાં પોતાના પરોણા આગળ હમણાં થોડા દહાડામાં થયલી સઘળી હકીકત વિગતવાર કહી સંભળાવી. બાબરો ભૂત જે શેહેરમાં ખરાબી કરતો હતો, તથા રાજાની કુલારાણીને તે વળગેલો હતો, એ વાત તેણે વિસ્તારીને કહી. રજપૂત આ સઘળું સાંભળી ઘણો હરખાયો, અને કોઈ મોટું પરાક્રમ કરી રાજાની નજર તળે આવવું, અને પછી પોતાની સઘળી વાત તેની આગળ કહેવી એવો તેણે ઠરાવ કીધો. બાબરા ભૂતને મારી, ફુલારાણીને તેના જુલમથી બચાવવી, એ જ કામ હમણાં તેને કરવા લાયક હતું, માટે ગમે તે ઉપાય કરવાનો તેણે નિશ્ચય કીધો. પણ તે થાય શી રીતે ? તે નાનપણમાં એક ભૂતનો મંત્ર શીખેલો હતો, અને તે ખરો છે, એમ તેણે ઘણીએક અજમાયશથી નક્કી કર્યું હતું, પણ તેણે તે ઘણી મુદત થયાં અજમાવ્યો ન હતો, તેથી હાલ તેની અસર થશે કે નહી એ સંબંધી તેને ખાતરી ન હતી, હવે કાળી ચૌદશને બે ત્રણ દહાડા બાકી રહ્યા હતા તેથી એ મંત્રને તે દહાડે મધ્યરાત્રીએ સાધવાનો તેણે મનસુબો કીધો. સઘળો સામાન તૈયાર કીધો, અને કાળી ચૌદશની તે રાહ જોતો બેઠો.

કાળરાત્રીને એક પહોર ગયો તે વખતે અણહિલપુરનું સ્મશાન ઘણું ભયંકર દેખાતું હતું. સઘળે અંધકાર વ્યાપી રહ્યો હતો. એક તો વદ ચૌદશની રાત એટલે અંધારૂં તો હોય જ, તે સાથે વળી આ વખતે તો ઘન ઘોર થઈ રહ્યું હતું. આકાશમાં કાળાં વાદળાં છવાઈ ગયલાં હતાં, તથા ઝરમર ઝરમર વરસાદ વરસતો હતો. વિજળીના ચમકારા વખતે વખતે થતા, તેમાં સરસ્વતીનું કાળું પાણી તથા કાંઠા ઉપર ઉગેલાં ઘણાંએક ઝાડ તથા નાની નાની દેહેરીઓ, દેવડીઓ, તથા મોટાં શિવાલયો દેખાતાં હતાં. વિજળી થયા પછી ભયાનક કડાકા સંભળાતા હતા, તથા વખતે વખતે પવન એવા જોરથી વાતો હતો કે ઝાડની ડાળીઓ ભય સાથે તથા એક બીજા સાથે અથડાતી હતી, ઢોરોનાં સૂકાં હાડકાં મસાણમાં સડ્યાં કરતાં હતાં તેમાંથી ફાસફરસ નીકળી ખુલ્લી હવાને લાગતાં તેમાં મોટાં ભડકાં થતાં, તથા કીચડવાળી ભોંયમાંથી એક જાતનો વાયુ નીકળી તે પોતાની મેળે સળગતો, અને અંતરિક્ષમાં તેનાં ભડકાં ઉડ્યાં કરતાં, એ બળતાં ઉપર વરસાદના ઝીણા ઝીણા છાંટા પડતા ત્યારે તેમાંથી એક જાતનો છણછણાટ થતો સંભળાતો હતો, ત્યાં કોઈ પણ પ્રાણી નજરે પડતું ન હતું. નદીને સામે કાંઠે તેમ આ કાંઠે પણ આઘે આઘે કેટલાએક માછીઓ પોતાની હોડીઓ લંગરવાર કરી મોટાં તાપણાં સળગાવી તેની આસપાસ બેઠા હતા. કંસારીનો ઝીણે શબ્દ તથા દેડકાનો બેસુરો અવાજ કાને પડતો હતો. એવી ભયંકર જગાએ તથા એવા ભયાનક વખતે વિજળીના તેજથી એક માણસ નદીના કિનારા ઉપર ફરતો દેખાતો હતો, તે જોઈ તેની હિમ્મતનાં વખાણ કર્યા વિના કોઈથી રહેવાય જ નહી, વિજળીનો એક મોટો ચમકારો થયો એટલે માલમ પડ્યું કે એ ફરનાર માણસ પેલો રજપૂત સવાર જેણે તે દિવસે કુવામાંથી બઈરીને કાઢી હતી તે જ હતો; અને તે આ વખતે તથા આ જગાએ શા માટે આવ્યો હતો, તેની અટકળ પણ થઈ શકશે. આસપાસના દેખાવથી જરા પણ ડર ખાધા વિના જાણે ધોળે દિવસે પાટણના રસ્તા ઉપર તે ફરતો હોય એમ બેધડક તથા વગર બીહીકે ચાલતો હતો, અને કોઇ વસ્તુ શોધતો હોય એમ લાગતું હતું. કેટલીક વાર ચાલ્યા પછી તે એક જગાએ અટક્યો, અને ત્યાં ઉભો રહી પોતાની પાસે એક નરાજ હતી તે વડે ત્યાં ખોદવા લાગ્યો. આશરે એક ઘડી સુધી ઘણા જોરથી ખેાદ્યા પછી તે અટક્યો; નરાજ જમીન ઉપર મૂકી દીધી, અને પોતાના ધોતિયા વડે મ્હોડા ઉપર પરસેવાનાં મોટાં મોટાં ટીપાં બાઝ્યાં હતાં તે લુછી નાંખ્યાં. તેણે કમર તાણીને બાંધી, અને તે ખાડામાં નીચે ઉતરવા જાય છે એટલે એક ચીસ અને પાણીમાં મોટો ધબાકો તેણે સાંભળ્યો. તે જ વખતે તે ત્યાંથી છલંગ મારી દશ કદમ પાછળ પડ્યો, અને ભયથી થરથર ધ્રુજવા લાગ્યો. તે આ વખતે એક ક્ષણ વાર પણ ભયને વશ થયો ખરો, તોપણ તે છેક હિમત હાર્યો નહી. તે લાગલો જ કિનારા ઉપર ગયો, અને ત્યાં જુએ છે તો એક સુસવાટ એક કુતરાને પકડી પાણીમાં ઘસડતી તેની નજરે પડી, કુતરાએ બહાર નીકળવાને ઘણાયે પછાડા માર્યા, પણ પાણીમાં તેનું જોર ચાલ્યું નહી, અને તેનો શત્રુ પોતાની મીનમાં હતો તેથી થોડી વારમાં તે બિચારો પાણીમાં ગરક થઇ ગયો. આ બનાવ જોઈ તેને પાછી ધીરજ આવી, અને તે ફરીથી ખાડા આગળ ગયો. નીચે ઉતરીને તે એક મુડદું લઇ બહાર આવ્યો, પણ તે મુડદું કેવી સ્થિતિમાં હતું ? તેમાંથી ઘણું ખરૂં માંસ ખવાઈ ગયું હતું, બધે મોટા મેાટા કીડા ખદબદતા હતા; આંખની જગાએ બે મોટા ખાડા પડી ગયા હતા; નાક અર્ધું ખવાઈ ગયું હતું; ખોપરી બહાર નીકળેલી હતી; માંસના લોચામાંથી ઘણી જ દુર્ગધ નીકળતી હતી, તથા શરીરનાં સઘળાં હાડકાં ઉઘાડાં જણાતાં હતાં. તે મુડદા ઉપરના કીડા તેના શરીરને વળગ્યા, અને વિજળીના અજવાળાથી જ્યારે તેણે તે બીહામણું પ્રેત જોયું ત્યારે તુરત તે તેના હાથમાંથી પડી ગયું. પોતાના શરીરમાં સળવળાટ થઈ રહ્યો હતો, તે ઉપરથી મુડદાના કીડા તેનાં લુગડાંમાં ભરાયા હશે, એમ જાણી તેણે તે સઘળાં ઉતારી ખંખેરી નાંખ્યાં, અને તેને પાછાં પેહેરી તે મુડદાને પગ વતી હડસેલતો કિનારા ઉપર લઇ ગયો. તેનો વિચાર તેને ધોઈ નાંખી સાફ કરવાનો હતો, પણ જેવો તે તેને પાણીમાં ગબડાવે છે એટલે તેના પગે કોઈ જાનવરે બચકું ભર્યું. રજપૂત તો દરદથી બે હાથ ઉંચે ઉછળ્યો, અને પાછો તેને જોવા જાય છે તો મુડદું તેને ઘસડાતું લાગ્યું. તે જ વખતે ત્યાં એક મોટો ભડકો થયો; અને તે તેના શરીર ઉપર વિંટળાઈ જશે, એમ લાગ્યાથી તે ત્યાંથી ઉભી પુંછડીએ નાઠો. મુડદું તો ઘસડાતું ચાલ્યું. તેની પાસે જવાની તેની હિમત ચાલી નહીં. હાય ! સઘળી મેહેનત નિષ્ફળ ગઈ, આ તો કોઈ ભૂત અથવા પિશાચ તેને લઈ જાય છે, હવે હું શું કરું ? એમ રજપૂત ઉભો ઉભો વિચાર કરવા લાગ્યો, પણ તેણે પોતાનું અંત:કરણ પથ્થર જેવું કઠણ કીધું હતું; બીક તે ઘેર મુકી આવ્યો હતો; તથા ગમે તે થાય તો પણ પોતાનું કામ પાર પાડ્યા વિના તે ઠેકાણેથી ન જવાનો દૃઢ નિશ્ચય કીધો હતો, તેથી તે પોતાની નામર્દાઇથી શરમાયો, અને તે મુડદાને પકડી લાવવાને તે આગળ ધસ્યો. વિજળીનો એક મોટો ચમકારો થયો તેમાં તેને માલમ પડ્યું કે મુડદાને ઘસડનાર તો એક શિયાળવું હતું. હવે તેની દેહશત ઉડી ગઈ. તેને પગે એક પથ્થર અથડાયો તે ઉંચકી લઈ જે દિશા તરફ મુડદું ઘસડાતું હતું તે દિશા તરફ જોરથી ફેંક્યો. એક મોટી ચીસ સંભળાઈ, કોઈ દોડતા જનાવરનાં પગલાં કાને પડ્યાં, ને મુડદું ઘસડાતું બંધ થયું. ત્યાં જઈ તેને પાછું પાણીમાં તેણે હડસેલી મૂકયું અને તેને સુસવાટ ઘસડી ન જાય માટે પોતે ત્યાં ઉભો રહ્યો. પાણીમાં વારેવારે ધબાકા થયાં કરતા હતા. માછલાંની પાંખમાંથી ચળકાટ વખત થતો, અને વખતે સાપની ડોંખલી પાણી આગળથી સંભળાતી હતી. થોડી વાર ઉભા રહ્યા પછી તેને લાગ્યું કે હવે મુડદા ઉપરના કીડા ધોવાઈ ગયા હશે, તથા તે ઉપરનું મટોડું તથા કચરો સાફ થયો હશે. રાત થોડી અને વેશ ઘણા, માટે તેને ઘણી ચટપટી થતી હતી, અને પોતાની ધારેલી મતલબ પાર પડશે કે નહી, એ વાતની ફિકરથી તેને સઘળું કામ ઉતાવળથી કરી નાંખવાની ઘણી આતુરતા હતી. મુડદાને હાથમાં લીધું પણ તે એટલું તો થંડુંગાર થઈ ગયું હતું કે તે તેના શરીરને લાગતાં જ તેને કંપારી છુટી, તેનાં ગાત્ર શિથિલ થઈ ગયાં, અને તે સંધિવાયુ થયો હોય તેમ તેના હરેક સાંધામાં કળતર થવા માંડયું, અને તેનાથી એક પગલું આગળ મુકાયું નહી. હવે શું કરવું ? હિમ્મત, હિમ્મત, બીજો કાંઈ ઈલાજ નહોતો. મનમાં આવેશ લાવી તેણે એક છલંગ મારી, અને જીવ લઈને નાસતો હોય તેમ દોડી એક નાના દેહેરા આગળ ચત્તોપાટ પડી ગયો. પાછું મન ઠેકાણે આણ્યું, બીહીકને મનમાંથી ઝટ કાઢી નાંખી, અને ઉભો થઈને તે મુડદાને લઈ તે દેહેરામાં પેઠો. ત્યાં તેણે સઘળો સામાન આગળથી જ તૈયાર રાખ્યો હતો. હવે પોતે પણ નાહવું જોઈએ, માટે લુગડાં ઉતારી પાછો ઘાટ ઉપર ગયો. આ વખતે તેનું ચિત્ત શાંત હતું તેથી તેને કાંઈ દેહેશત લાગી નહી. તેણે મંત્ર ભણી સ્નાન કીધું, અને ભીને ધોતિએ પાછો દેહેરામાં આવ્યો. ત્યાં તેણે ચકમક પાડી દેવતા તૈયાર કીધો, અને એક કોડીયામાં સરસિયું પૂર્યું હતું તથા તેમાં વાટ તૈયાર રાખેલી હતી તે સળગાવી, ચાર દિશાએ મંત્રેલાં લીંબુ કાપી સિંદુર ભરી મૂકયાં; ચાર ખુણે ખીલા દાટ્યા; અને ચોતરફ મંત્ર ભણી અડદ વેર્યા; પછી સઘળી વાતની આગળથી તૈયારી કરી કપાળે સિન્દુરની આસકા કીધી; શરીરના કેટલાએક ભાગ ઉપર હનુમાનની મળી ચોપડી; હાથે કેટલાંએક તાવીજ બાંધ્યાં; તથા ગળે એક મોટું માદળીયું પેહેર્યું. એ પ્રમાણે ભૂત, પ્રેત, પિશાચ, શંખણી, યક્ષણી, વગેરે બલાની સામાં હથિયાર બાંધી તેણે તે મુડદાનું આસન કીધું, અને તે ઉપર ઘોડો ફલંગીને બેસી મંત્રનો જપ કરવા લાગ્યો. તે હમણાં પોતાના કામમાં એટલો તો તલ્લીન થઈ ગયો હતો કે તેને આસપાસનું કાંઇ પણ ભાન રહ્યું ન હતું; તેમ દેહેશત ઉપજાવે એવું તો કેટલીએક વાર સુધી કાંઈ બન્યું પણ નહી. માત્ર પવન વધારે જોરથી વાવા લાગ્યો; વિજળીના ચમકાટ વધારે તેજસ્વી થવા લાગ્યા, કડકડાટ કાન બેહેર મારી જાય એવા સંભળાવા લાગ્યા; વરસાદનું એક મોટું ઝાપટું આવ્યું, હવે અન્ધકાર વધારે ભયંકર થઈ ગયો. પણ આ સઘળા સૃષ્ટિના ભયાનક દેખાવથી તે રજપૂતના મન ઉપર કાંઈ પણ અસર થઈ નહીં. તે તે પોતાનો જ૫ કર્યો જ ગયો. પણ ઘણી વાર સુધી તે કામ નિર્વિઘ્ને ચાલ્યું નહી. જે મુડદા ઉપર તે બેઠો હતો તે તેની નીચેથી હાલવા તથા થોડી વારમાં ઉછળવા લાગ્યું. મુડદા સાથે તે પણ ઉછળતો ગયો અને તેના પગ વડે તે મુડદાને એવી તે તેણે ચુડ ભેરવી કે તે તેની પાસેથી છટકી શકયું નહીં. જ્યારે આ પ્રમાણે તે નાસવાનું કરતું હતું, પણ તેનાથી નીકળી જવાતું ન હતું, તે વખતે ત્યાં ચીસાચીસ તથા બરડાબરાડ થઈ રહી. હજારો ભૂતો તેની આગળ નાચવા કુદવા લાગ્યાં; કેટલાંએક ખડખડ હસવા લાગ્યાં; કેટલાંએક તેને મારવા આવતાં હોય તેમ પાસે આવવા લાગ્યાં; કેટલાંએક આઘેથી ધમકી આપવા લાગ્યાં. કેટલાંએક મોટાં વિક્રાળ મ્હોડાં કરી તેને બીહવડાવતાં હતાં, ચુડેલો તથા વંત્રીઓ માથે ધગધગતા અંગારાવાળી સગડી લઈને ત્યાં શોરબકોર કરી રહી હતી; ઘણા જ ભયંકર રાક્ષસો, ભેંસાસુરો ઈત્યાદિ ત્યાં આવી તે રજપૂતને ખાઈ જવાનો પ્રયત્ન કરતા હતા. પણ તે સઘળું વ્યર્થ ગયું. રજપૂત મનમાંથી બીધો તો ખરો; તેના શરીર ઉપરના સઘળા નિમાળા ઉભા થયા; તેની ચામડી ઉપર મરતી વખતના જેવાં શીત આવ્યાં; આખે અંગે જાડો ચીકણો પરસેવો વેહેવા લાગ્યો; તથા છાતી પણ ઘણા જોરથી ધબકવા લાગી. કોઈ કોઈ વાર તેનાથી બુમ પાડી દેવાશે એમ તેને લાગ્યું. દોડવાની તો કયાંથી, પણ ત્યાંથી એક તસુ પણ ખસવાની તેનામાં શક્તિ રહી ન હતી. પણ તેણે પોતાનું મન આવે બારીક વખતે એવું સાવધ રાખ્યું કે તે તેનું કામ કરી શક્યો. તેના જપમાં ઘણી હરકત પડવા દીધી નહી. મુડદું વધારે જોરથી ઉંચે ઉછળવા લાગ્યું. ભૂતપ્રેતની ભયંકર ચીસો તથા જપના કામમાં ભંગાણ પાડવાની તેઓની મહેનત વધારે વધારે થતી ગઇ, પણ તે રજપૂતે પોતાની આંખ આંધળી તથા કાન બેહેરા જેવા કરી નાંખ્યા હતા તેથી તેણે તેઓની કાંઇ દરકાર કીધી નહી. તેણે બધી દિશાએ આગળથી એવો પાકો તથા મજબુત બંદોબસ્ત કરી રાખ્યો હતો કે એ સઘળાં મલિન પ્રાણીઓથી તેની પાસે અવાતું ન હતું. એ પ્રમાણે ત્રણ કલાક કામ જારી રાખ્યું, અને પોતાનો મંત્ર એકસો ને આઠ વાર જપી રહ્યો.

મંત્ર જપાઈ ચુક્યો, અને તેની સાથે રાતનો અમલ પણ ઉતર્યો. અરૂણનો ઉદય થયો, દીવાનું તેજ ઝાંખું પડ્યું; વસ્તુઓ થોડી થોડી દેખાવા લાગી; અને આખી સૃષ્ટિનું રૂપ જાણે બદલાઇ ગયું. થોડીએક વાર થયાં વરસાદ બંધ પડ્યો હતો, વાદળાં વિખેરાઇ ગયાં હતાં; અને થોડો થોડો પવન વાતો હતો, તેથી એકાએક તેઓ એક પછી એક નાસાનાસ કરી રહ્યાં હતાં. વિજળી બંધ થયલી હતી, તથા ગર્જના સંભળાતી ન હતી. સઘળાં ઝાડપાન લીલાં કુંજાર જેવાં દેખાતાં હતાં. અને નાના પ્રકારનાં ફુલોમાંથી સુવાસ ચોમેર પથરાઈ રહેલો હતો. એવે સમયે તે રજપૂત દેહેરાની બહાર નીકળ્યો. તેણે તેની ખાંધ ઉપર સામાનની ઝોળી નાંખી હતી, અને એક લાકડી હાથમાં રાખી તે આગળ ચાલ્યો. તેણે કોઈ મોટું સંકટ ભોગવ્યું હોય, તેના માથા ઉપર કોઇ ભારે આફત આવી ગઈ હોય એમ તેનું મ્હોડું ફિકું, તેજ ઉડી ગયલું, તથા ચિંતાતુર દેખાતું હતું. પોતાનું ધારેલું કામ પાર પડ્યું, એ જાણીને તેના અન્તઃકરણમાં ઘણો આનંદ થયો હતો. તો પણ હજી સુધી ભયની અસર તેના મન ઉપર એટલી તે ચોંહોંટેલી હતી કે તે હર્ષને બહાર નીકળવાનો વખત મળ્યો ન હતો. તે ઘણા ઉંડા વિચારમાં પડી આસપાસ શું છે તે જોયા વગર મોટાં મોટાં ડગલાં ભરી ઝડપથી ચાલતો હતો. તેના મનની આવી અવસ્થા પણ ઘણી વાર ટકી નહી. શેહેરના કોટ આગળ તે જ્યારે આવી પહોંચ્યો ત્યારે એક કુવા આગળ એક બઈરી પાણી ભરતી હતી. તે વખતે તે રજપૂતને ઘણી જ તરસ લાગી હતી તેથી તેણે તે બઈરી પાસે જઈ પાણી માગવાનો ઠરાવ કીધો. તે તેની આગળ જઈ કેટલીક વાર ઉભો રહ્યો. પણ તે સ્ત્રીએ તેની સામે પણ જોયું નહી. આવી તેની બેપરવાઇથી રજપૂતને ઘણો ક્રોધ ચઢ્યો, અને તેણે બુમ પાડી પાણી માગ્યું. પણ કુવો સાંભળે તો તે સાંભળે. રજપૂતે ધાર્યું કે એ બઇરી બેહેરી હશે તેથી તેણે તેનો હાથ પકડ્યો, અને તેને હલાવવા જાય છે એટલામાં તે બઈરી તાડ જેવી લાંબી થઇ ગઇ. રજપૂત તો તેને જોઈ ગગડી ગયો, અને તે એટલો તો ભય પામ્યો કે, તેનાથી એકે તરફ નસાયું નહી. થોડી વાર ઉભી રહી તે સ્ત્રી બોલીઃ “કેમ રે રજપૂતડા ! પાણી જોઈએ છે?” થોડી વારમાં તે રજપૂતમાં પાછી હિમ્મત આવી. એક બઈરીથી તે આટલો બીધો તેથી તેના મનમાં ઘણું શરમાયો, અને નામરદાઇનો કલંક ખસેડવાને તેણે જુસ્સાથી જવાબ દીધો: “રાંડ ! તું ગમે તે હોય તેથી હું કાંઈ બ્હીવાનો નથી. હું ક્ષત્રી બચ્ચો છું. મારા બાપદાદાઓએ મોટાં મોટાં યુદ્ધ કીધેલાં છે. તેઓ કોઈથી ડરતા નહતા. માટે જો હું તારા જેવી રેંજીપેંજીથી બીહું તો હું મારા બાપદાદાનો ખરો છોકરો નહી. ત્હારૂં માથું સ્વર્ગને અડકે, અને તારા પગ પાતાળે પહોંચે તો પણ તું આખરે અબળા અને હું તે રજપૂત શૂરવીર કહેવાઉં. માટે તું ગમે તેવો વેશ ધારણ કરશે, તું ગમે તેટલી લાંબી પહોળી થશે, અને ગમે તેટલા ચાળાચસકા કરશે, તો પણ હું લગાર ડરવાનો નથી. હું તારી પાસેથી ભલમનસાઈથી અથવા બળાત્કારે પણ પાણી પીશ. પછી જે થાય તે ખરૂં.”

પેલી સ્ત્રીને આ સઘળી વાત સાંભળીને ઘણી નવાઈ લાગી, અને તેના મનમાં તે પુરૂષનાં વખાણ કરવા લાગી. પણ હજી પણ વધારે તેની પરીક્ષા કરવાને તે બોલી :– “અલ્યા વેંહેંતિયા ! તું મારા હાથને તો પોહોંચાતો નથી ને બળાત્કારે પાણી તે શી રીતે લઈશ, એ જોવાની મને ઘણી જ ઈચ્છા છે.”

આખી રાત આથી વધારે ભયાનક દેખાવો જોયા, આથી વધારે બીહામણાં ભૂતપ્રેતથી બીધો નહીં, અને આ પ્રસંગે ડરવું એ તો બાયલાનું કામ, એમ જાણી તે રજપૂતે પોતાના હાથમાંની ડાંગ ફેરવીને એવા જોરથી તે સ્ત્રીના પગમાં મારી કે તે તુરત ભોંયપર ચત્તીપાટ પડી, તેનું રૂપ બદલાઈ એક સ્વર્ગની રંભા જેવું થઈ ગયું. તેની ખુબસુરતી ખરેખરી દેવાંગના જેવી દેખાઈ, અને તેની આંખમાંથી બોરઓર જેવડાં આંસુ પડવા લાગ્યાં, તો પણ તેનો પોતાનો એક હાથ લાંબો રાખી પાણીનું બેહેડું પકડી રાખ્યું, ફરીથી તેણે તેની પાસેથી પાણી લેવાનું કીધું, પણ પાછો તેનો હાથ ઉંચો ચઢવા લાગ્યો. રજપૂત ઘણું આશ્ચર્ય પામ્યો, અને તેના હાથ ઉપર ડાંગનો એક બીજો ઘા મારીને બેહેડું નીચે પાડવાનો તેણે વિચાર કીધો પણ આવી નાજુક રૂપાળી સ્ત્રીનો કેવળ ગર્ભ જેવા હાથપર ઘા તે કેમ કરાય ? અબળા ઉપર હાથ કરવો એ ક્ષત્રીનો ધર્મ નથી, એમ જાણી તે ત્યાં ઉભો થઈ રહ્યો. તે સ્ત્રીએ તેના મનના વિચાર પારખ્યા અને તે ખરેખરો રજપૂતના નામને યોગ્ય છે, તથા તેણે કદી નહી જોયલો એવો તે નર છે, એવી તેની ખાતરી થઈ. પણ હજી તેને વધારે કસવાની તેની ધારણા હતી. તેણે તુરત પોતાનું રૂપ બદલ્યું અને એક છલંગ મારી રજપૂતની ગળચી પકડી તેને નીચે પાડ્યો. હવે કંઈ તે રૂપાળી નાજુક અબળા દેખાતી ન હતી, પણ તેનો દેખાવ એક બીહામણ રાક્ષસ જેવો હતો. હવે દયા લાવવાને વખત ન હતો. હવે હાથ બંધ રાખવાની જરૂર ન હતી. તેણે તે રાક્ષસનો હાથ છોડવવાને ઘણી મેહેનત કીધી, પણ વ્યર્થ ગઈ. ગળું વધારે વધારે દબાવા લાગ્યું, અને શ્વાસના રોકાણથી તેને એટલો ગુંગળાટ થયો કે તેની આવરદાની દોરી હમણાં તુટશે, એમ તેને નક્કી થયું. તેણે તેની આગળ યમના દૂત જોયા, એને તેના આત્માને પકડી જનારાં પોતાનું કામ જલદીથી કરી નાંખવાને તૈયારી કરતા હોય એમ તેને લાગ્યું; તેના હોંશ તો સઘળા ઉડી ગયા હતા, પણ કુદરતે છેલ્લો બચાવ કરવાને વાસ્તે પોતાનું સઘળું સામર્થ્ય વાપર્યું. તેણે આ છેલ્લી વખતે એટલું તો જોર કીધું કે તે સ્ત્રીનો હાથ છટકાવી દીધો. અને એક છલંગ મારી તે તેના ઉપર ચઢી બેઠો, પાછું તે સ્ત્રીનું રૂપ બદલાઈ અપ્સરા જેવું થઈ ગયું, પણ આ વખતે તેના હાથમાંનું બેહેડું મુદ્દલ જોવામાં આવ્યું નહી, તે રજપૂતે આ વખતે તેના અનુપમ રૂપ સામું જોયું નહીં; આ વખતે તેને તેના ઉપર દયા આવી નહી, અને આ વખતે તેણે પોતાના ક્ષત્રીધર્મ ઉપર વિચાર કીધો નહી. ઉપર ચઢી બેસતાં જ તેણે તે સ્ત્રીનો ટોટો એવા જોરથી દાબ્યો કે તેના શરીરનું તમામ લોહી તેના મ્હોં ઉપર પથરાઈ ગયું. તે સ્ત્રીનો મરણકાળ હવે પાસે આવ્યો, એમ જણાયું; તેની જીભ તેના મ્હોંમાંથી બહાર નીકળી પડી, તેના મ્હોંમાંથી ફીણના ગોટેગોટા નીકળવા લાગ્યા, તેની આંખોના ડોળા બહાર લબડી ગયા; તથા તેને આખે શરીરે આચકા આવવા માંડ્યા. આવી વખતે જ્યારે તે રજપૂતને ખાત્રી થઈ કે હવે રાંડનું મોત પાસે આવ્યું તે વખતે તે સાપની પેઠે તેની પાસેથી છટકી ગઈ, અને તેની સામે પોતાના અસલ રૂપમાં આવી ઉભી રહી, રજપૂત તેને જોઈ ઘણું ચીડાયો. અને તે કોઈ દેવલોકની રંભા છે એમ તેણે નક્કી જાણ્યું. થોડી વાર ચુપ રહ્યા પછી તે સ્ત્રી બોલી: “અલ્યા રજપૂત ! તને ધન્ય છે. તું ખરેખરો ક્ષત્રીવંશનો છે. હું ઘણાં વર્ષ થયાં કોઈ શુરા રજપૂતને શોધું છું, પણ અત્યાર સુધી તેવો મને જડ્યો ન હતો. હમણાં મ્હારી ખાતરી થાય છે કે જેવો મ્હારે જોઈએ છે તેવો જ તું છે, તું મ્હને હજી ઓળખતો નથી. આટલી વારમાં તારી ખાતરી તો થઈ હશે કે હું કાંઈ આ લોકની સ્ત્રી નથી, હું અંબાભવાનીની એક જોગણી છું. હું એક શક્તિ છું. પણ માનવીઓનો સંસાર કેવો છે તે જાણવા સારૂં હું પૃથ્વી ઉપર ઘણી મુદત થયા ફર્યા કરૂં છું. મારે કોઇ વર વરવાની ઈચ્છા છે, અને તારા જેવો મને ધણી મળે તો હું ઘણો સંતોષ પામું. માટે હું તારા ઉપર પ્રસન્ન થઈ છું, અને તારે ઘેર આવી તારી પરણેલી સ્ત્રી તરીકે રહેવાને ખુશી છું. માટે મારી વિનંતિ કબુલ રાખી મારી સાથે હમણાં જ લગ્ન કર, એટલે હું તને કશી વાતે ખોટ પડવા દઈશ નહી, તથા બધી રીતે તને સુખી કરીશ.”

તે રજપુત, શક્તિની આ સઘળી વાત સાંભળીને ઘણો હરખાયો, તથા જ્યારે લક્ષ્મી ચાંલ્લો કરવા આવી ત્યારે મ્હોડું ધોવા જવું એ મૂર્ખાઈનું કામ, એમ ધારી તે તેને પગે પડ્યો, અને મોટા હર્ષની સાથે તેણે તેનો હાથ પકડ્યો. તેણે જાણ્યું કે હવે ખરેખરે મારા ભાગ્યનો ઉદય થયો; હવે મારા ઉપર પરમેશ્વર રાજી થયા; હવે મ્હારૂં ધારેલું કામ પાર પડશે, અને હવે મને કોઈ રીતે દુ:ખ થશે નહી. રજપુત તથા શક્તિ બંને ઉતારે ગયાં, અને પછી તે પોતાને વાસ્તે એક મોટું ઘર ભાડે રાખવા શહેરમાં ફરવા ગયો. કેટલીએક પુછપરછ કીધા. પછી તેણે એક સારો મહેલ શોધી કાઢ્યો, ત્યાં તે તથા શક્તિ તે જ દહાડે જઈ રહ્યાં.

હજુ સુધી શક્તિએ તેના પતિને તેની આગલી કાંઈ પણ વાત પૂછી ન હતી. તેના ચહેરા ઉપરથી, તેના બોલવા ઉપરથી, તથા તેની હિંમત અને બીજા રજપૂત નામને યોગ્ય એવા ગુણ ઉપરથી, તેના સમજવામાં આવ્યું હતું કે તે કોઈ સાધારણ માણસ નહીં, પણ કોઈ રાજવંશી હોવો જોઈએ. પણ તેનાં માબાપ કોણ તથા કેવાં છે; તે જીવે છે કે મરી ગયાં છે, તેને પોતાનો દેશ શા સારૂ છેડવો પડ્યો, તથા પાટણમાં આવી તેણે શું કરવા ધાર્યું છે, એ સઘળી વાતથી વાકેફ થવાને તે ઘણી આતુર હતી. જ્યારે રાત પડી, અને બંને વાળુ કરી નિરાંતે એકઠાં બેઠાં ત્યારે ઉપલી સઘળી વાત તેની પાસેથી કઢાવવાનો પ્રસંગ આવ્યો.

શક્તિ- હું કોણ છું, અને તમને વરવાની મારી શી મતલબ છે, એ સઘળું મેં તમને કહી સંભળાવ્યું છે, પણ તેની સાથે તમે કોણ છો તે વિષે મેં કાંઈ તજવીજ કીધી નથી. વગર તપાસે મેં તમારી સાથે લગ્ન કીધું છે, માટે તમારી અવસ્થા જાણવાની મારી જિજ્ઞાસા પૂરી પાડો. હું તમને જેવો ગણું છું તેવા જ તમે તમારી હકીકત ઉપરથી નીકળી આવશો એવો મને પાક્કો ભરોસો છે, માટે તમારી હકીકત માંડીને કહો, એટલે જણાશે કે મારી કીધેલી અટકળ ખોટી નથી.

રજપૂત– અગર જો તું મને વગર એળખાણે પરણેલી છે; (મારાથી તું કેહેવાય છે માટે ક્ષમા કરજે – જો, કેમકે હવે આપણો ધણી ધણીયાણીનો સંબંધ થયો છે એટલે લોકાચાર પ્રમાણે મારે તમારી સાથે બેલતાં “તું” શબ્દ વાપરવો જોઈએ.) તે મારી રીતભાત, ગુણ, સ્વભાવ, રૂપ, રંગ વગેરેથી અનુમાન તો કીધું હશે કે હું કોઈ હલકો માણસ નથી, તો પણ મારી વાત સવિસ્તર કહેવાથી તારી વધારે ખાતરી થશે, અને તું મને વગર પૂછપરછે પરણી છે તે બાબતનો તને કદી પસ્તાવો કરવો પડશે નહી. પહેલાં તો મ્હારૂં નામ હરપાળ છે, મ્હારો બાપ કચ્છ દેશના કિરંતીગઢનો રાજા કેસર નામે હતો; અને મારી મા આ ગુજરાત દેશના કરણ વાઘેલા રાજાની માની બેહેન હતી. એ ઉપરથી તને હવે નક્કી થયું હશે કે મ્હારૂં કૂળ નીચું નથી. હું રાજાનો છોકરો છું અને કરણ રાજાનો માશીનો દીકરો ભાઈ થાઉં છું પણ એટલા જ ઉપરથી હું કાંઈ આબરૂ માનતો નથી. રાજાનો છોકરો તો કોઈ મૂઢ પણ હોય, અને કરણની માશીનો છોકરો તો કોઈ કાયર, અધમ પુરૂષ પણ હોય. હું મારા દાદાની વાતથી શરૂ કરી મારા બાપની હકીકત કહી સંભળાવીશ, અને તેઓએ કેવાં પરાક્રમ કીધાં છે તે તને બતાવીશ. હજી મારી ઉમર નાની છે અને મ્હારું શૂરાતન દેખાડવાનો વખત આવ્યો નથી, તથા કાંઈ પરાક્રમ કરી નામ મેળવવાનો હજી પ્રસંગ પડ્યો નથી, તોપણ મને નક્કી છે કે સિંહનાં બચ્ચાં તો સિંહ જેવાં જ નીવડે, કહેવત છે કે “મોરનાં ઇંડાં ચિતરવાં ન પડે.” માટે જ્યારે વખત આવશે ત્યારે હું પણ મોટું નામ મેળવી મારા બાપદાદાના નામને વધારે ઝેબ આપીશ. બાપ કરતાં બેટો સવાયો ન નીકળું તે મ્હારૂં નામ : હરપાળ નહીં. હવે હું મ્હારું ટાહેલું ચલાવું છું. મારો દાદો નામે વેહિયાસ કચ્છમાં કિરંતીગઢમાં રાજ્ય કરતો હતો, તે રાજ્ય તેના બાપ દાદાથી તેને ઉતરેલું હતું, અને તેઓ મકવાણા કહેવાતા હતા. જ્યારે મારા દાદાનો અંતકાળ પાસે આવ્યો ત્યારે તેનો જીવ કેમે કર્યો જાય નહી, તેનાં છોકરાં તથા સગાંવહાલાંઓએ ઘણીક બાધા લીધી, તથા કેટલાંએક વ્રત કરવાનું વચન આપ્યું, પણ કાંઈવળ્યું નહી, ત્યારે તેના છોકરા કેસરે તેને પૂછયું: “બાપા ! તમારો આત્મા તમારો દેહ શા માટે છોડતો નથી? તમારા મનમાં જે હોય તે મને કહી દો, અને હું જો તમારા પેટનો હોઈશ તો ગમે તેમ કરી તમારી મરતી વખતની આજ્ઞા બજાવીશ.” ત્યારે વેહિયાસે જવાબ દીધો; “સામૈયું કરીને એક શેહેર છે, તેમાં મારો કટ્ટો શત્રુ હમીર સુમરો રાજ્ય કરે છે. જે તેની ઘોડારમાંથી તેના સવાસો ઘોડા લઈ આવી ત્રયોદશાને દિવસે ભાટ લોકોને બક્ષીસ કરવાનું વચન આપો તો જ મારો જીવ જાય.” તે વખતે વેહિયાસના ભાઈઓ તથા ભત્રીજા તેની આસપાસ ઉભા હતા, પણ તેઓમાંથી કોઈએ જવાબ આપ્યો નહી. તે વેળા કેસરની વય કાચી હતી તે પણ તે મેદાન પડ્યો, અને આગળ આવી પોતાના બાપના હાથમાં પાણી મૂકયું, અને વચન આપ્યું કે હું તમારી આજ્ઞા પાળીશ. આ વાત સાંભળતાં જ વેહિયાસ દેવલોક પામ્યા. જ્યારે ત્રયોદશાનો દહાડો પાસે આવ્યો ત્યારે કેસરે પોતાના બાપનો શોક મુકી દીધો; પાઘડી બાંધી, અને પોતાનાં સગાંને સામૈયુ નગરની સામા લડવા જવાને બોલાવ્યાં, પણ કોઇ આવ્યું નહી. કેટલાએક બોલ્યા કે તારાં જેવા આજકાલના છોકરા સાથે જાણી જોઇને મરવા કોણ આવવાનું છે ? જ્યારે સઘળાએાએ એ પ્રમાણે ના કહી ત્યારે કેસર જરાપણ નાહિંમત થયો નહી. તેણે પોતાના જ સામર્થ્ય ઉપર વિશ્વાસ રાખ્યો; કેહેવત છે કે “આપ સમાન બળ નહીં, અને મેઘ સમાન જળ નહીં.” તેના હાથ એટલા તો લાંબા હતા કે તે તેના ધુંટણની નીચે પહોંચતા; તે સવામણ વજનનો ભાલો એક હાથે પકડતો; તે ધનુષ્ય બાણ નિરંતર બાંધી જ રાખતો; અને તેને બેસવાનો ઘોડો વિષ્ણુના ગરૂડ જેવો હતો. તેણે સામૈયું ઉપર ચઢાઈ કીધી, અને ત્યાંથી સવાસો ઘોડા લઇ આવ્યો, અને પોતાના બાપના તેરમાને દહાડે ભાટોને આપી પોતાનો બોલ પાળ્યો. આ પરાક્રમ કીધા પછી કેસરે રાજ્ય જોશીને બોલાવી મંગાવ્યા, અને પોતાનું આવર્દા પૂછયું. જોશીએ તેની જન્મોત્રી તપાસી ઘણી દિલગીરીથી કહ્યું કે તમારૂં આયુષ્ય ટુંકું છે. આ સાંભળી કેસર બોલ્યો કે જો હું મારા ઘરના ખુણામાં મરી જઈશ તે મને કોઈ ઓળખશે નહીં, પણ જો હું યુદ્ધમાં પડીશ તે મારૂં નામ પ્રસિદ્ધ થશે. એવું વિચારી તેણે ફરીથી સામૈયુ ઉપર ચઢાઈ કીધી, અને મેની નદી આગળ હમીરનાં સાતસેં ઉંટ ચરતાં હતાં તે સઘળાંને લઈ ગયો, અને કિરંતીગઢનાં ભાટોને વેંહેંચી આપ્યાં. આટલું આટલું કીધા છતાં પણ હમીરને કાંઈ ગુસ્સો લાગ્યો નહી, તથા તેણે વેર લેવાને કેસર ઉપર લશ્કર મોકલ્યું નહીં. જ્યારે તે આ સઘળું અપમાન ધીરજથી ખમી રહ્યો અને 'ધોલ મારી તો ધુળ ઉડી ગઈ' એમ માન્યું, ત્યારે કેસર ત્રીજીવાર લડવાને નીકળ્યો. જે દહાડે તે સામૈયું નગર આગળ પોંહોંચ્યો તે દહાડો દસેરાનો હતો માટે હમીરની વહુ તથા છોકરી રથમાં બેશી એશઆરામ કરવાને બાગમાં જતી હતી. કેસર તે બાગમાં પેસી તેઓને ખેંચી ગયો, અને તેઓની સાથે સવાસો સુમરી સ્ત્રીઓને પણ તે લઈ ગયો. હવે હમીર જાગ્યો, અને તેણે કિરંતીગઢમાં પોતાનાં પ્રધાનને મોકલ્યો. એ પ્રધાને આવી કેસરને કહ્યું કે જે સ્ત્રીઓને તમે લઈ આવ્યા તે સઘળી હમીર રાજાની વહુ તથા બેન છે અને હમણાં તેઓ તમારે ઘેર આવેલાં છે, માટે જેમ પીહેરથી સાસરે વળાવેલી સ્ત્રીઓને પૈસા, લુગડાં સાથે મોકલવામાં આવે છે તેમ તમારે પણ તેઓને તે પ્રમાણે વળાવવાં જોઈએ. પ્રધાનનું આ બોલવું સાંભળીને કેસર ખડખડ હસ્યો, અને બોલ્યો કે એ સ્ત્રીઓ તો હવે અમારી મિલકત થઈ ચુકી, માટે તેમને પાછી આપવામાં આવશે નહીં. એ સઘળી તો હવે મારી ધણિયાણી થઈ, આ જવાબ લઈને પ્રધાન સામૈયુ ગયો. પછી કેસરના જેટલા સગા કિરંતીગઢમાં હતા તેઓ સઘળાને તેણે તેડાવ્યા, અને એકેકને એક સુમરી સ્ત્રી આપી દીધી. પોતાને વાસ્તે તેણે ચાર રાખી, અને બીજી ઘણી તેને રાણી હતી તેમાં ઉમેરો કીધો. એ પ્રમાણે દશ બાર વર્ષ વહી ગયાં, પણ લડાઈ બંધ પડી નહીં એટલા વખતમાં તેને તથા તેના પિત્રાઈને સુમરી સ્ત્રીઓને પેટે અઢાર દીકરા જન્મ્યા. કેસરને ફરી લડાઈ કરવાનું મન થઈ આવ્યું, ત્યારે તેણે હમીરને કહેણ મોકલ્યું, અત્યાર સુધી જ્યારે જ્યારે કેસર હમીરને કેહેતો કે, 'આવ, પડોસી લડીએ', ત્યારે હમીર જવાબ દેતો કે લડે મારી બલા, પણ આ વખતે તો તેણે કેસરને કહેવડાવ્યું કે તારી સાથે યુદ્ધ કરવા આવવાનું મને ઘણું મન થાય છે, પણ કિરંતીગઢના રાજ્યમાં ખાર સિવાય બીજું કાંઈ નથી, ત્યારે ત્યાં આવ્યા પછી મારા લશ્કરને ખાવાનું કયાંથી મળે એ મને મોટી ફિકર છે. આવું કેહેણ જયારે હમીરે મોકલ્યું ત્યારે તેના જવાબમાં કેસરે કહેવડાવ્યું કે જો તું મારા રાજ્યમાં આવશે તો તારા લશ્કરના ખોરાકને વાસ્તે હું એક હજાર વીંઘા જમીનમાં ઘઉં રોપાવીશ. પછી હમીર એક મોટું લશ્કર લઈ કિરંતીગઢ તરફ આવ્યો, અને તેની તથા કેસરની વચ્ચે ઘણી લડાઈ થઈ. ઘણા રજપૂતોના પ્રાણ ગયા, અને ઘણીએક રીતે આખા રાજ્યની ખરાબી થઈ આખરે એક મોટી લડાઈ થઈ તેમાં કેસર પાતે, તથા મારા સિવાય તેના સઘળા છોકરા માર્યા ગયા. મારા કાકા તથા પિત્રાઈ ભાઈઓ સઘળા રણસંગ્રામમાં પડ્યા, કિરંતીગઢને હમીરે બાળી જમીનદોસ્ત કરી નાંખ્યું; અને સુમરી રજપૂતાણીઓ પોતાના સ્વામીઓની સાથે ચિતામાં બળી મુઈ. એ પ્રમાણે મારા કુટુમ્બનો નાશ થયો; એ પ્રમાણે અમારૂં નસંતાન ગયું; એ પ્રમાણે અમારૂં રાજ્ય ધુળધાણી મળી ગયું, અને એ પ્રમાણે સઘળાનો અંત આવ્યો. હવે હું જ માત્ર જીવતો રહ્યો તે એકલો શું કરું માટે મેં આણીગમ તેણીગમ ફર્યા કીધું, પણ કોઈ રાજાએ મારો પક્ષ ધર્યો નહી. મેં કોઈ રાજાની પાસે જઈ ત્યાં મોટાં પરાક્રમ કરી નામ કરવાનો નિશ્ચય કર્યો, અને ગુજરાતનો કરણ રાજા મારી માશીનો દીકરો થાય છે એમ જાણીને તેને મળવાને થોડા દહાડા ઉપર હું પાટણ શેહેરમાં આવ્યો. ઈહાં આવતાં જ મેં બાબરા ભૂતની વાત સાંભળી વીચાર કીધો કે બાબરા ભૂતને શેહેરમાંથી કાઢીશ તો રાજા મારા ઉપર ઘણો પ્રસન્ન થશે, અને આખા શેહેરમાં બલકે આખા ગુજરાતમાં મારી પ્રતિષ્ઠા વધશે, પછી હું તેને મારૂં સગપણ જણાવીશ, અને હું સુખેથી ઈહાં રહીશ. હું નાનો હતો ત્યારે ભૂત કાઢવાનો એક મંત્ર શિખેલો હતો, અને તે વડે મેં ઘણાંએક કાઢ્યાં પણ હતાં, પણ આ બાબરો ભૂત ઘણો બળવાન છે એમ જાણી તે મંત્ર ફરીથી સાધવાને હું ગઈ રાત્રે સ્મશાનમાં ગયો, ત્યાં મુડદા ઉપર બેસી જપ કીધો. હજારો ભૂત, પિશાચ, વંત્રી વગેરે મલીન પ્રાણીએાએ મને બીહીવડાવ્યો, તો પણ મેં મારૂં કામ કરી લીધું. પછી ત્યાંથી પાછા આવતાં તારો મેળાપ થયો, અને તેનું પરિણામ એ થયું કે આપણે બે આ ઠેકાણે પાસે પાસે બેઠાં છીએ. હવે જ્યારે ફુલારાણીને ભૂત આવશે ત્યારે હું કોઈ ભુવાનો વેશ લઈ કરણના મહેલમાં જઈશ, અને ઈશ્વર કૃપાથી તથા તારી મદદથી બાબરા ભૂતનું કાસળ કાઢીશ.

શક્તિ- તમારી સઘળી હકીકત જાણી મને ઘણો આનંદ થયો, અને મને પાક્કી ખાતરી થઈ કે તમને જેવા ધાર્યા હતા તેવા જ છો. મેં જે તમારી સાથે સંબંધ કીધો છે તેથી હું હવે જરાપણ પસ્તાવાની નથી. તમારૂં ધારેલું કામ પાર પડશે, તમે બાબરા ભૂતને જીતશો; એમાં હિંમતનું માત્ર કામ છે. પણ હું તમને એક શિખામણ દઉં છું તે ખુબ યાદ રાખજો. તે તમને ઘણી કામ લાગશે, અને જો નહી માનો તો કદાપિ તમારા મંત્ર છતાં પણ તમારો જીવ જશે. તે શિખામણ એ છે કે જો બાબરો ભૂત તમારી સાથે બહાર નીકળી લઢવા આવે તો તુરત તેની ચોટલી પકડી લેજો, એટલે તેનું જોર કાંઈ ચાલશે નહી, અને તે તમને તુરત વશ થશે.

બીજે દહાડે સવારે તેઓ ઉઠ્યાં, અને રસોઈ કરી બંનેએ મિષ્ટાન્ન લીધાં. પછી તેઓ બેઠાં હતાં એટલામાં શેહેરમાં બુમ ચાલી કે ફુલારાણીને બાબરો ભૂત વળગ્યો છે, અને તે ઘણું તોફાન કરે છે. હરપાળ એ સાંભળીને તુરત ઉઠ્યો, અને એક હિન્દુસ્તાની માણસના જેવો પોશાક પહેરી રાજમહેલમાં જવા નીકળ્યો. શક્તિએ તેને આશીર્વાદ દીધો, અને ચોટલી પકડવાની વાત તેને ફરીથી યાદ દેવડાવી. કરણના મહેલમાં કોઈપણ ભુવાને જવાને કાંઈ હરકત પડતી નહતી, તેથી હરપાળ વગર અડચણે માંહેના મહેલમાં દાખલ થયે, અને જે ઓરડામાં કરણ બેઠો હતો ત્યાં જઈ તેણે રાજાને જુહાર કીધો. કરણે તેને તેનું નામ, ઠામ ને કામ પુછતાં જ તે બોલ્યો: “ મહારાજ, હું લખનેર શહેરનો ભુવો છું, હું સઘળા જંત્રમંત્રમાં પ્રવીણ છું. હું મારણ, મોહન, વશીકરણ, ઉચાટણ, સતંભન, આકર્ષણ, વગેરે ઘણીએક મેલી વિદ્યામાં કુશળ છું. હું બુદ્ધિકેદારનાથથી તે સેતુબંધ રામેશ્વર સુધી અને દ્વારિકાથી જગન્નાથપુરી સુધી સઘળા ભરતખંડમાં ફરી આવ્યો છું, મેં આખી પૃથ્વીના મુખ્ય મુખ્ય જાદુગરો તથા ભુવાઓ સાથે મેળાપ કીધેલો છે, અને તેઓ સઘળાના મંત્ર હું જાણું છું. પણ તેટલાથી હું સંતોષ પામ્યો નથી. સઘળે ઠેકાણે પ્રવાસ કીધા પછી હું છેક પૂર્વમાં કામરૂદેશના સ્ત્રીઆ રાજ્યમાં જઈ પહોંચ્યો. ત્યાં મને ત્યાંની રાણીએ રાખ્યો. દહાડે પોપટ અને રાત્રે પુરૂષને આકાર રોણું સાથે ત્રણ વર્ષ રહ્યો અને ત્યાંથી સર્વોત્કૃષ્ટ, મંત્ર શાસ્ત્ર શીખી લાવ્યો, હું ત્યાંથી છળ ભેદ કરી નાસી આવ્યો, અને આપના રાજ્યમાં ફરતો હતો એટલે મેં બાબરા ભૂતની વાત સાંભળી. ગુજરાત સરખા મોટા રાજ્યમાં એવો એક ભૂત કાઢનાર કોઈ ઈલમી આટલા દહાડા થયાં મળતો નથી તે જોઈને મને ઘણું આશ્ચર્ય લાગ્યું, અને તમારા, તમારી ફુલારાણી, તથા નગરના સઘળા રેહેવાસી ઉપર ઘણી દયા આવી. હું ઈહાં આવ્યો, અને ભૂતનો નાશ કરવાને હું આપની હજુરમાં આવ્યો છું, માટે મને મારી વિદ્યા અજમાવવા દેશો તો હું એક પલકમાં તે ભૂતની નસલ કાઢીશ.”

કરણ આ જાદુગરની વાત સાંભળીને દિંગ થયો, અને અત્યાર સુધી કોઈ આવો ભુવો આવ્યો નથી, તથા તે બાબરા ભૂતને કાઢશે જ એમ જાણીને તેનું સન્માન કીધું, અને તેને ફુલારાણીના ઓરડામાં લઈ જવાને ચાકરોને હુકમ કીધો, હરપાળ ત્યાં ગયો, ને જોયું તો આસરે સો બ્રાહ્મણો હારબંધ બેસી ચંડીપાઠના મંત્ર ભણતા હતા, બીજા ઓરડામાં ઘણાક હિન્દુ તથા જૈન ભુવા, જતિઓ ધંતરમંતર કરતા હતા, પણ તેઓમાંથી કોઈની ફુલારાણીના ઓરડામાં જવાની છાતી ચાલતી નહતી. હરપાળને જોઈ સઘળાએાએ પોતપોતાનું કામ મૂકી દીધું. અને કોઈ મોટો ઇલમી હિંદુસ્તાનથી આવ્યો છે તે એ જ છે, એમ જાણી તે શું કરે છે તે જોવા તેની પાસે તે સઘળા આવી ઉભા રહ્યા. હરપાળે ઘણી હિંમત ધરી ફુલારાણીના ઓરડાનાં કમાડ ઉઘડાવી નાંખ્યાં, અને માંહે જોયું તે તેને ખાટલા ઉપર બેઠેલી દીઠી. તેની આંખ લાલ હિંગળોક વર્ણી હતી, તથા તે એવી સ્થિર એકી નજરે જોયાં કરતી હતી કે તેનાં પોપચાંનો પણ પલકારો થતો નહતો. તેનું મ્હોડું ફિકું અને બીહામણું થઈ ગયું હતું. અને તેનું રૂપ એવું તો ઉગ્ર દેખાતું હતું કે આ વખતે તે શક્તિ દેવીના જેવી લાગતી હતી. તેની કાન્તિ ઘણી જ નાજુક હતી, તથા તેની વય આસરે વીશેક વર્ષની હશે, એમ અટકળથી લાગતું હતું, આવી રીતે તેને બેઠેલી જોઈ હરપાળને હિંમત આવી, અને તેણે થોડાક અડદના દાણા હાથમાં લઈ મંત્ર ભણી તેના ઉપર છાંટ્યા. જેવા તે દાણા ફુલારાણી ઉપર પડ્યા કે તે જ વખતે તેમાં ભરાયલે ભૂત જાગૃત થયો, અને એક છલંગ મારી એવા જોરથી તે ભોંય ઉપર પડ્યો કે સઘળી જમીન ધ્રુજી ગઈ. તેની સાથે તેણે એવી તે મોટી ચીસ પાડી કે તેથી આખો મેહેલ ગાજી રહ્યો, અને શહેરના પણ ઘણાએક ભાગમાં તે સંભળાઈ. હવે વખત બારીક આવ્યો. બાબરો ભુત (હવે આપણે ફુલારાણીને એ નામથી લખીશું.) હરપાળની સન્મુખ આવી ઉભો રહ્યો, અને તેને પકડવાનું કીધું એટલે તેણે બીજા દાણા મંત્રીને તેના ઉપર નાંખ્યા. આ વખતે તે પાછો તે ખસ્યો, પણ તેણે પોતાનું ખરેખરૂં વિકાળ સ્વરૂપ પ્રકાશયું. આસપાસ ઉભા રહેલા બીજા લોકો ભૂતનું આ રૂપ જોઈને નાઠા. હરપાળ એકલો ઉભો રહ્યો, અને મોટા અવાજે તેને પૂછયું કે, “ તું કોણ છે, અને તું શા કારણ સારૂ અણહિલપુરના રહેવાશીઓને, તેના રાજાને તથા રાણીને આટલો બધો ઉપદ્રવ કરે છે?” આ સાંભળી બાબતો ખડખડ હસવા લાગ્યો, અને એક મોટી ગર્જના કરી બોલ્યોઃ “સાંભળ રે માનવી ! હું કોણ હતો તે મેં હજુ સુધી કોઈને કહ્યું નથી, તથા કોઇને કહેવાનો મારો વિચાર ન હતો, તો પણ તું કોઈ મોટો ઈલમી જણાય છે, માટે તારી આગળ હું કહું છું. તું કોઈ પરદેશી જેવો જણાય છે, માટે તારી આગળ હું સઘળી વાત યથાસ્થિતિ કહીશ, અને પછી તું ન્યાય કરજે કે હું જે કરૂં છું તે વાજબી કે ગેરવાજબી છે. હું મારા પાછલા ભવમાં નાગર હતો, અને મારો ભાઈ માધવ આ દુષ્ટ, ચંડાળ, કૃતઘ્ની રાજાનો પ્રધાન હતો. મારી ભાભીને એ પાપી રાજા બળાત્કારે લઈ ગયો, અને તેનો બચાવ કરવામાં મારો પ્રાણ ગયો. મારી સાથે મારી સ્ત્રી સતી થઈને બળી મુઈ તેથી અમારી અસદ્ગતિ તો થાય જ નહી, પણ વેર વાળવાને મેં યમ રાજાની આજ્ઞા લઈ ભૂતનું રૂપ ધારણ કીધું, અને રાજાની માનીતી રાણીને વળગ્યો છું. રૈયતને દુ:ખ તે રાજાને જ સમજવું, એમ જાણી હું તેઓને પણ પીડું છું, એને જ્યારે મારું વેર તૃપ્ત થશે ત્યારે હું મારી મેળે જ આ મારા દેહનો ત્યાગ કરીશ, અને કૈલાસ લોકમાં વાસ કરીશ.”

હરપાળે આ સઘળી વાત સાંભળી લીધી, અને ભૂતનું કામ વાજબી છે એમ તેને જણાયું, પણ તે વાજબી કે ગેરવાજબી ગમે તેવું હોય તો પણ તેને કાઢવામાં તેનો સ્વાર્થ રહેલો હતો તેથી તે બોલ્યો: “અલ્યા બાબરા ! હવે બસ થયું, હવે આ રાણીને તથા આ શહેરના લેાકેાનો કેડો છોડ અને તું તારે ઠેકાણે જા; જો ભલમનસાઈથી નહીં માને તો બળાત્કારે હું તને કાઢીશ, માટે આબરૂથી જા.” પણ હરપાળની વાત બાબરાએ ગણકારી નહીં. તે પાછો નાચવા, કુદવા, તથા બરાડા પાડવા લાગ્યો. હરપાળે ત્રીજી વાર અડદના દાણા મંત્રીને તેના ઉપર નાંખ્યા એટલે તે પાછો ગાંડો થયો, અને ઘણા જુસ્સાથી આવી તેણે તેનું ગળું દાબ્યું. બંને જણા ભોંય ઉપર પડ્યા, ત્યાં શોરબકોર થઈ રહ્યો, તેઓ બંને જમીન ઉપર ગબડ્યાં; અને વખતે એક ઉપર અને વખતે બીજો ઉપર એમ ઉથલપાથલ થવા માંડી. આટલી વાર સુધી તે બાબરો રમત કરતો હતો, તેણે તેનું પૂરું જોર અજમાવ્યું નહતું. પણ હવે જ્યારે મારામારી ઉપર વાત આવી, અને લડાઈ બંધ કરવાને ઘણું સમજાવ્યા છતાં હરપાળે માન્યું નહીં, ત્યારે બાબરો ઉભો થયો, તેણે હરપાળને પોતાના એક હાથમાં ઉંચકી લીધો અને તેને ભોંય ઉપર પછાડી મારી નાંખવાની ધમકી આપી. હરપાળ કાંઈ બીધો નહીં, તે હવામાં ઉંચો ઉછળ્યો, અને ભોંય ઉપર પછડાવાની તૈયારીમાં હતો એટલે તેણે ચાલાકીથી તેનો હાથ પકડી લીધો, અને તેના શરીરને બાથ ભીડી દીધી, હવે બાબરાએ તેનું ગળું પકડ્યું, અને તેને એવા જોરથી દાબ્યું કે તેને પ્રાણ તત્કાળ નીકળી જાત, પણ આ વખતે તેને શક્તિની શિખામણ યાદ આવી, અને તેણે મહા મહેનતે એક છલંગ મારી બાબરા ભૂતની ચોટલી જોરથી હાથમાં પકડી લીધી, તે જ ક્ષણે બાબરો નરમ ઘેંસ થઈ ગયો, વાઘનો એકદમ બકરી થઇ ગયો; તે એક ગરીબ ગાયની પેઠે ઉભો રહ્યો. 'છોડચોટલી' એટલું જ તેનાથી બોલી શકાયું, હરપાળને હવે જીવમાં જીવ આવ્યો, અને બાબરો અંતે જીતાયો એ જોઈને તેના હૈયામાં હર્ષ માયો નહી. બાબરા સામું જોઈ તે બોલ્યોઃ-“હવે નીકળો બચ્ચા ! હવે ખરેખરા દાવમાં આવ્યા છો. હવે સપડાઈ ગયા છો, માટે શરણ થાઓ.” બાબરો છેક લાચાર થયો, અને દેશ છોડી જતાં રહેવાનું કબુલ કીધું, પણ હરપાળની મરજી તેને ગુલામ કરી લેવાની હતી માટે તે બોલ્યો કે જો મારાં સઘળાં કામમાં મારે જ્યારે તારી સહાયતા જોઈએ તે વખતે તુરત હાજર થઈ મને સહાય થવાનું વચન આપે તો જ હું તને જવા દેઊં. બાબરાએ એ શરત કીધી કે જ્યારે તું મને કાંઈ કામ સોંપશે નહી ત્યારે હું તને ખાઈ જઈશ. હરપાળે કહ્યું, 'કબુલ..?' પછી તેણે એક સીસો મંગાવી તેમાં ઉતરવાનું બાબરાને કહ્યું. હવે તે છેક નિરાશ થઈ ગયો હતો, તથા તેનું કાંઈ ચલણ રહ્યું નહતું, તેથી તે સીસામાં ઉતર્યો. પછી તેને બંધ કરી તે ઉપર લાખ ચોડી મંત્ર ભણીને છાપ મારી, અને તે સીસો લઈ કરણ રાજાની આગળ આવી ઉભો રહ્યો. અત્યાર સુધી જે જે હકીકત બની તે સઘળાથી કરણ વાકેફ થયો હતો, અને તેનો હર્ષ ઉભરાઇ જતો હતો; તે હરપાળને પગે પડ્યો, અને તે જેટલા રૂપિયા માગે તેટલા આપવાનું તેણે કબુલ કીધું.

હવે હરપાળને બોલવાનો વખત આવ્યો. તે હાથ જોડી રાજા આગળ ઉભો રહ્યો, અને પોતાની સઘળી વાત તેણે અથથી ઈતિ સુધી કહી. આ વાત સાંભળીને કરણને ઘણું આશ્ચર્ય લાગ્યું, અને કેટલીએક વાર સુધી તે તેણે તે સાચી માની નહીં. જ્યારે હરપાળે કસમ ખાઈને તેની ખાત્રી કીધી ત્યારે કરણને ઘણોજ આનંદ થયો, અને આંખમાં હર્ષનાં આંસુ લાવી તેને ભેટી પડ્યો. મહેલમાં સઘળે તે વાત પથરાઈ, અને ત્યાંથી સઘળા સમાચાર શહેરમાં ફેલાયા. ઘેર ઘેર આનંદ થઈ રહ્યો, અને કરણના માશીના દીકરા હરપાળે બાબરા ભૂતને શહેર બહાર કાઢ્યો તેથી લોકો ઘણા ખુશ થયા. એક મોટી સવારી કાઢી સીસાને આખા શહેરમાં ફેરવ્યો અને તેને ગુજરાતની સરહદ બહાર મોકલાવી દીધો. પછી કરણે હરપાળને એક મોટો સરપાવ આપ્યો, તેને પોતાના દરબારમાં સામંત કરી ઠેરવ્યો અને પોતાની સાથે મહેલમાં તેને રાખવાનો ઘણો આગ્રહ કીધો. પણ હરપાળે પોતાની નવી સ્ત્રીની સાથે જુદા ઘરમાં રહેવાની ખુશી જણાવી તે ઉપરથી રાજાનો એક બીજો મહેલ શહેરમાં હતો તે તેને સ્વાધીન કીધો; અને તેને ઘણી ધામધુમ સાથે તેના નવા ઘરમાં વદાય કીધો.

પ્રકરણ ૮ મું.

બાબરા ભૂતના ત્રાસથી તથા ઉપદ્રવથી કરણ રાજા, ફુલારાણી તથા રાજમહેલના સઘળા લોકો, અને પાટણના સર્વ રહેવાસીઓ છુટ્યા, તેથી બેસતા વર્ષને દહાડે સઘળે આનંદ થઈ રહ્યો. ઘેરઘેર ખરી દીવાળી તો તે જ દહાડે થઈ, અને લોકો ઘણાં ઉમંગથી સવારના પહોરમાં એક બીજાને જુહાર કરવા, બોહોણી લેવા તથા અન્યોન્ય ભેટ લેવા ઘણાં ઊંચા વસ્ત્ર પહેરીને નીકળ્યા. તે વખતે પોતાના મહેલમાં હરપાળ તથા શક્તિ દેવી ઉલ્લાસથી વાત કરતાં હતાં, રાજાના દરબારમાં જવાની તૈયારી કરવામાં પડ્યાં હતાં, તથા કરણ રાજા જો કાંઈ ઈનામ આપવાનું કહે તો શું માગવું તે વિષે ખાનગી ગોઠડી કરતાં હતાં.

આસરે દોહોડ પોહોર દહાડે દરબાર ભરાવા લાગ્યું. દશેરાને દહાડે જેઓ મળ્યા હતા તેઓની સાથે આ વખતે પુરના મુખ્ય વ્યાપારીઓ તથા બીજા શ્રીમંત લોકો પણ દરબારમાં બિરાજેલા હતા. હરપાળ પણ ઘણાં ભભકાદાર લુગડાં પહેરીને આવ્યો. તેને રાજાએ પોતાના જમણા હાથ તરફ પાસે બેસાડ્યો. જુહારનું તથા તે દહાડાનું બીજું કામ થઈ રહ્યા પછી કરણે હરપાળની તરફ જોયું, તેણે જે મહાભારત કામ કીધું તેને માટે તેને શાબાશી સાથે ઉપકાર માન્યો, અને એ કામનો ઘટતો બદલો તો તે આપી શકે તેમ નહતું તથાપિ જે કાંઈ તે માગે તે ઘણી ખુશીથી તેને આપવાનું તેણે કબુલ કીધું, હરપાળે ઉઠી રાજાને સાષ્ટાંગ દંડવત્ કીધા, અને હાથ જોડી એટલું જ માગી લીધું કે એક રાતમાં જેટલાં ગામ ઉપર તોરણ બંધાય તે સઘળાં મને ઈનામમાં આપવાં.

હરપાળ એટલું જ માગશે એમ કરણને આશા નહતી; એથી વધારે ઇનામ માગી લેશે એમ તેને ફિકર હતી. પણ હમણાં જ્યારે તેણે હરપાળની વિનંતી સાંભળી ત્યારે તે ઘણોજ ખુશ થયો, અને એક રાતમાં તો ઘણાંજ થોડાં ગામો પર તોરણ બંધાઈ શકાશે, એમ ધારી તેણે તેની અરજ તુરત કબુલ કીધી. દરબાર બરખાસ્ત થયા પછી હરપળ પોતાને ઘેર ગયો, અને સઘળું બન્યું હતું તે પોતાની વહુને કહ્યું. હવે રાત્રે જેમ બને તેમ વધારે ગામો ઉપર તોરણ બાંધી શકાય એવી ગોઠવણ કરવાના કામને વાસ્તે એકલી શક્તિ દેવી બસ હતી. પણ માત્ર તેમનાથી જ તે કામ મનમાનતી રીતે થઈ શકશે એવો પાકો ભરોસો હરપાળને આવ્યો નહી. થોડેએક વિચાર કીધા પછી તેને બાબરો ભૂત યાદ આવ્યો. જ્યારે જરૂર પડે ત્યારે તેને મદદ કરવાનું ભૂતે કબુલ કીધું હતું, અને વળી જો તેને કાંઈ કામ સોંપવામાં નહી આવે તો તે તેને ખાઈ જશે એવી તેની સાથે શરત થઈ હતી. તેથી બાબરાને એકદમ બોલાવી મંગાવી તેને પણ શક્તિની સાથે સામેલ રાખવો એવો તેણે ઠરાવ કીધો. બાબરાનું ધ્યાન ધરતાં જ તે તુરત હરપાળ આગળ આવી ઉભો રહ્યો, અને તેની સઘળી વાત સાંભળી લીધી. એક તો તે હરપાળને પૂરતી રીતે મદદ કરવાને બંધાયલો હતો, અને બીજું તેને વધારે મદદ કરવાથી કરણનું નુકસાન વધારે થશે, અને તેથી તેના મનનું ધારેલું વેર કંઈક લેવાશે એ બંને વિચારથી તે ઘણો ખુશ થયો, અને દીવા થતે પોતાની સાથે બીજા મદદગાર ભૂતોને લઈને હાજર થવાને વચન આપ્યું. કબુલ કીધેલે વખતે તે સવા લાખ ભૂતને તેડીને આવ્યો, અને શક્તિદેવીને સાથે લઈ તેઓ સઘળાં તોરણ બાંધવા નીકળ્યાં.

બીજે દહાડે સવારે કરણે પોતાના પ્રધાનને એક સાંઢણી આપીને કેટલાં ગામે ઉપર તોરણ બંધાયાં તેની તપાસ કરવાને મોકલ્યો. આગળ જતાં માલમ પડ્યું કે પહેલું તોરણ પાટડી ઉપર રાત્રે નવ વાગતે બંધાયું, પછી તેના તાબાનાં છસો ગામો ઉપર તોરણ બંધાયાં, અને સવારના ચાર વાગતાં સુધીમાં કુલ બે હજાર ગામો ઉપર તોરણ બંધાયાં. પ્રધાન ઘણો ગભરાયો, અને ધાર્યું કે આ તો હરપાળે ગજબ કર્યો. તેણે તે ગામોની એક ટીપ કીધી, એને કરણને આપી, એ ટીપ વાંચીને તેને જે ક્રોધ ચડ્યો, તથા આશ્ચર્ય લાગ્યું તેનો વિચાર માત્ર કરી લેવો. બે હજાર ગામ ઇનામમાં આપવાં ! શું બાબરા ભુતને કાઢવાને બે હજાર ગામનું ઈનામ ? અરે કેશવને મારતાં બે કોડી પણ ખર્ચ થયો નથી, અને તેના મરી ગયા પછી તેના ભૂતને ગામ બહાર કાઢવાને આટલી મોટી બક્ષિશ કરવી ? ગુજરાતના કોઈ પણ રાજાએ આટલી મોટી જાગીર કોઈને આપી નથી, કોઈ પણ રાજાએ પોતાના પ્રાણ બચાવનારને પણ આટલું મોટું ઈનામ આપી દીધું નથી, તો આજે એક પ્રેતને શહેર બહાર હાંકી કાઢનારને મારે આટલું ઈનામ આપવું પડે છે ? હું વચનથી બંધાયો છું; મેં મારો કોલ આપ્યો છે, અને રાજાનું વચન કદી પણ મિથ્યા થવું ન જોઈએ. વળી હરપાળ મારી માશીને દીકરો છે તેથી એને આપવાથી મને જરા સંતોષ થાય છે. હવે ગમે તેમ મન વાળવું ખરું પૂછો તે મારા દહાડા જ વાંકા બેઠા છે, અને મારા સઘળા ગ્રહો એ ગામ જવા માંડ્યું છે, અને મારી દુર્દશા થવાનો સમય પાસે આવતો જાય છે. હવે, વધારે વિચાર કરવાથી સારું ફળ નથી, માટે બક્ષિશનામા ઉપર સહીમોહોર કરી આપવાં.

તે જ દહાડે રાત્રે કરણ જયારે ફુલારાણીના મેહેલમાં ગયો ત્યારે તેની ઉદાસ વૃત્તિ જોઈને રાણી ઘણી જ દિલગીર થઈ. ભૂતનો ઉપદ્રવ મટવાથી તે ઘણી જ ખુશ થઈ હતી, અને આ રાત તેણે તેના ધણી સાથે આનંદમાં કાઢવાનો ઠરાવ કીધો હતો, પણ કરણના મ્હોડાએ તેના ઉલ્લાસ ઉપર ટાઢું પાણી રેડ્યું. પોતાના સ્વામીની દિલગીરીનું શું કારણ છે તેની તજવીજ રાણીએ કરવા માંડી, પણ ઘણીએક વાર સુધી કરણે તેની આગળ પોતાનું મન ખોલ્યું નહી, પણ સ્ત્રીહઠ આગળ પુરૂષ ઘણી વાર લાચાર થઈ જાય છે તેમ કરણ પણ આ વખતે થયો, તેને પોતાની મરજી ઉપરાંત તેની સ્ત્રી આગળ પોતાના ખેદનું ખરું કારણ બતાવવાની જરૂર પડી, ફુલાદેવી સઘળી વાત સાંભળીને ઘણું આશ્ચર્ય પામી, પણ રજપૂતાણી તેના ડહાપણ તથા સમયસૂચકતાને માટે પ્રસિદ્ધ છે. તેને એક ઉપાય તુરત સુઝ્યો, અને તે બોલી: “મારા સ્વામી ! તમે જરા પણ એ વિષે ફિકર રાખશો માં. હું હરપાળની દૂરની સગી થાઊં છું, તે મને બેન કહે છે, માટે આવતી બળેવે જ્યારે તેને રાખડી બાંધીશ, ત્યારે તેમાંથી ઘણાંએક ગામ માંગી લઈશ.” કરણ આ તદબીર સાંભળીને હરખાયો તો ખરો, પણ તેને લાગલું જ યાદ આવ્યું જે હરપાળ તો કાલે સવારે પાટડી જાય છે, અને ત્યાંથી તે પાછો આવવાનો નથી. ફુલારાણીએ આ પણ તેની ચિંતા મટાડી, તેણે પોતાના ચાકરને બોલાવી પોતાનો રથ જોડાવી મંગાવ્યો, અને લુગડાં ઘરેણાં પહેરી તેમાં બેસી હરપાળના મહેલમાં ગઈ.

હરપાળ તે વખતે જાગતો હતો તેથી તેની મુલાકાત સહેજ થઈ. માંહેમાંહે ખબર અંતર પૂછી, અને બાબરા ભૂતને કાઢી તેને મહા વેદનામાંથી ઉગારી તેને વાસ્તે તેનો ઘણો જ ઉપકાર માન્યો. આગળ વાતચિત કરતાં જ્યારે ફુલારાણીને જણાયું કે હરપાળ બીજે દહાડે સવારે પોતાના ઈનામી ગામ ઉપર જનાર છે ત્યારે તે બોલીઃ “ભાઈ ! તું તો જાય છે, પછી મારી કોણ બરદાસ્ત લેશે ? મારાં માબાપ તો મરી ગયાં છે તે તું જાણે છે, આખા જગતમાં મારે પીહેરનો સગો તું જ માત્ર છે, માટે જ્યારે તું જઈશ ત્યારે તે તરફનું કામ કોણ કરશે ? તથા તે તરફનો વહેવાર કોણ સાચવશે ? માટે ભાઈ ! જતા પહેલાં મારો કાંઈ બંદોબસ્ત કર, મારા ખરચને વાસ્તે કાંઈ કરતો જા.” આ સઘળું સાંભળીને હરપાળ ઘણું ગુંચવાયો, પણ તે લાચાર; તે હવે શું કરી શકે ? તેણે તેને પહેલાંથી બેન કહેલી એટલે હવે સગપણનો ઈનકાર પણ કેમ કરાય ? અને તેનું વાજબી માગણું આપ્યા વિના કેમ જવાય ? માટે જીવ કઠણ કરીને ત્યાંથી ઉઠી એક કાગળ તથા લખવાનાં બીજાં સાધન લઈ આવ્યો, અને ભાલનાં પાંચસેં ગામ તેને લખી આપ્યાં, ફુલારાણી બક્ષિશનામું લઈને થોડીવાર બેસી વદાય થઈ અને કરણને કાગળ આપ્યો.

બે હજાર ગામોમાંથી પાંચસે પાછા આવ્યાં, એટલા ઉપરથી કાંઈક સંતોષ માનવા જેવું હતું ખરું, પણ પંદરસેં ગામો ગયાં તે કાંઈ થોડું નુકશાન નહતું. હવે બીજો કંઈ ઉપાય નહતો તેથી તેણે જેમ તેમ મન વાળી ફુલારાણી સાથે તે રાત કાઢી. તે વખતે હરપાળ તથા શક્તિ ઘણી ઉંડા વિચારમાં પડ્યાં હતાં. બાબરા ભૂતને કાંઈ કામ સોંપવામાં ન આવે તો તે તેને ખાઈ જાય એવી તેણે શરત કીધી હતી, માટે પાટડી જતાં પહેલાં કાંઈ એવું કામ તેને આપવું કે તેનો પાર જ આવે નહીં. તે શું આપવું તે બાબત તેઓ વિચાર કરતાં હતાં. આખરે શક્તિને એક યુક્તિ સુઝી. તેણે બાબરા ભૂતને બોલાવવાને હરપાળને કહ્યું. બાબરો તુરત હાજર થયો. તેને એક મોટો લાંબો વાંસ લાવવાને શક્તિએ હુકમ કીધે. ભૂત તેવો એક વાંસ તુરત લાવ્યો. તેને ભોંયમાં દટાવ્યો, અને તે ઉપર ચઢવું અને પાછા ઉતરવું, પાછું ચઢવું ને ઉતરવું એ પ્રમાણે કર્યા કરવાને તેણે ભૂતને હુકમ કીધો. અને ફરમાવ્યું કે જ્યારે એમ ચઢ ઉતરનું કામ પુરું થાય ત્યારે બીજું કામ લેવાને મારી પાસે આવવું, એ પ્રમાણે બાબરા ભૂતનો નિકાલ થયો.

એ વાત બન્યાને એક મહીનો વીતી ગયો. હવે કરણ છેક નવરો પડ્યો, હવે તેને કાંઈ અગત્યનું કામ કરવાનું રહ્યું નહી, તેથી તેના મનનું જોર તેના શરીર ઉપર ચાલ્યું, અને તેની મનોવૃત્તિએ સઘળી પ્રબળ થઈ. પોતાના રાજ્યની ટુંકી મુદતમાં જે જે કામો તેણે કીધાં હતાં તે ઉપર તે વિચાર કરવા લાગ્યો. હવે પસ્તાવાનો કીડો તેના કલેજામાં પેદા થયો, અને તેને ધીમે ધીમે કોતરવા લાગ્યો. તેને ખાવું, પીવું તથા બીજી કોઈ તરેહનો એશઆરામ જરા પણ ગમે નહી; રાત્રિએ નિદ્રા આવે નહી, અને જો થોડી વાર કાંઈ ભાંગી તુટી ઉંઘ આવે તો ઘણાંએક ભયાનક સ્વપ્નાં આવી ઉંઘ તથા આરામનું ખંડન કરે. દસેરાની રાતની વંત્રીઓ, તેઓને આપેલે કોલ, તેને દીધેલી શિખામણ, ગુણસુન્દરીનો મરતી વખત પહેલાનો દેખાવ, શહેરના દરવાજા આગળ તેને તથા આખા રાજ્યને તેણે દીધેલો શાપ, તેની બળતી વખતની ચીસ તેના સાંભળ્યામાં આવી એવી કલ્પના, કેશવ બાબરો ભુત થઈ ફુલારાણીને વળગ્યો તથા આખા પુરને ભારે ઉપદ્રવ કીધો તે, એ સધળું વારે વારે અનુક્રમે તેના મનમાં રાત દહાડો આવ્યાં જ કરતું હતું. રોજ રોજ જ્યારે મધ્ય રાત્રે મનના ઉકળાટથી તથા ઉંઘ ન આવવાથી ઉત્પન્ન થતી અકળામણથી અર્ધો ઉંઘતો, અર્ધો જાગતો સુતેલો હોય તે વખતે કેશવ તથા ગુણસુન્દરી બંને તેની આગળ જાણે ઉભાં રહેતાં અને જે દુષ્ટ કામોથી તેઓનો પ્રાણ ગયો તેને વાસ્તે તેઓ રાજાને એટલો તો ઠોક પાડતાં કે તેને આખે શરીરે ઝરી છુટતી; બધું અંગ ઠંડુંગાર થઈ જતું, અને શુદ્ધિ આવતાં જે પશ્ચાત્તાપ તથા અંત:કરણને ભારે કષ્ટ થતું તેની તે કલ્પના જ માત્ર થઈ શકે. એવું મહાભારત દુ:ખ તેને સહેવું પડ્યું, અને તેની અસર તેના શરીર તથા મન ઉપર પણ જણાઈ આવી. આગળ તેનું જે બળવાન શરીર હતું તે ધીમેધીમે ઘસાવા લાગ્યું. તેનું લોહી લાલચોળ હતું તે ફિકું પડવા લાગ્યું, તેના ગાલ બેસી ગયા. તેની આંખ ઉંડી ખાડામાં પેસવા લાગી. તેનો ચહેરો આગળ જે નિશ્ચિંત તથા હસમુખો હતો તે ઉપર ચિંતા આવી બેઠી, અને તે ઉંડા વિચારમાં પડેલો હોય એમ હમેશાં દેખાવા લાગ્યો. તેની રાણીઓએ તેને અંગમોહથી, ચતુરાઈથી, તથા બાહ્ય વસ્તુઓની સહાયતાથી દિલગીરીમાંથી કાઢવાને ઘણા પ્રયત્નો કીધા, પણ સઘળા વ્યર્થ ગયા. જે રૂપસુન્દરીને વાસ્તે તેના ઉપર આ સઘળું દુ:ખ આવી પડ્યું, જેને વાસ્તે તેણે આ લોકમાં અપજશનો ગાંસડો બાંધ્યો, અને પોતાના રાજ્યને તથા શરીરને જોખમમાં નાંખ્યું, જે રૂપસુન્દરીને વાસ્તે તેણે પોતાના અમર આત્માને અક્ષય દુઃખના ખાડામાં નાંખ્યો, અને આ ક્ષણભંગુર જગતમાં હલકી જાતનું અનિશ્ચિત સુખ મેળવવામાં પરલોકમાંના સર્વોત્કૃષ્ટ, અમર્યાદ, અનંતકાળ સુધી પહોંચે એવાં અચળ સુખ ઉપરથી હાથ ઉઠાવ્યો, તે રૂપસુંદરીને પણ એક ખુણામાં રહેવા દીધી, અને તેની અપ્સરા જેવી કાન્તિ તથા પરી જેવા વદનને જોવાથી જે અપાર સંતોષની તે આશા રાખતો હતો, તે પુરી ન પડતાં ઉલટી તે નજરે પડતાં જ, બલકે તેનો વિચાર મનમાં આવતાં જ, તેને ઘણો જ સંતાપ ઉપજવા લાગ્યો. હાય હાય ! રૂપસુન્દરી ! રાજાની સાથે સમાધાન કરતી વખતે તેણે તેને મોટાં મોટાં સુખની જે આશા આપી હતી તથા પોતાની પટરાણી કરવાનું તેણે જે વચન આપ્યું હતું તે સઘળું પાણીના પરપોટાની પેઠે ફુટી ગયું, તું રાજ્ય મહેલના એક ખુણામાં પડી રહી, અને રાજાએ તને ન માની, એટલે આખા મહેલમાં તું શૂન્ય જેવી થઈ પડી.

માણસનું મન કેવું ચળ તથા અનિશ્ચિત છે ! જ્યાં સુધી તેને કોઈ વસ્તુ મળી નથી ત્યાં સુધી તેના ઉપર તેને અતિ ઘણો મોહ રહે છે, એને તે તેને મેળવવાને તન, મન, અને ધન સઘળું અર્પણ કરવાને તૈયાર થાય છે, અને મળ્યા પછી કેવું જતન કરી તેનો કેવો ઉપભેાગ કરીશ, તે વિના મારાથી એક ઘડી પણ જીવાશે નહી, અને આટલા દહાડા તે વગર ચાલ્યું એ કેવું આશ્ચર્ય, એવા અનેક વિચાર કરે છે. પણ તે એક વાર મળી એટલે તે તુચ્છ જેવી તેને દેખાય છે, તેની કિંમત પાણીના રેલાની પેઠે ઉતરી જાય છે, અને જે આઘેથી હીરો દેખાતો હતો તે પાસે આવવાથી એક કાચનો કડકો ઠર્યો તેથી તે બીજી નકામી વસ્તુઓમાં ભળી જાય છે, અને જેમ એક નાનું છોકરું રડીને એક રમકડું લે છે, અને તે મુકી બીજાને લેવાનું કરે છે, તેમ તેનું મન તે વાત ઉપરથી બીજી નવી વાત ઉપર દોડે છે. એ પ્રમાણે ફોકટ શ્રમ કરવામાં તેનું આખું આયુષ્ય વહી જાય છે, અને જે સુખ મેળવવાને તે તેનો અમૂલ્ય અવતાર અર્પણ કરે છે તે સુખ એક ભૂતના તાપણાની પેઠે આઘું જ જતું જાય છે.

કરણ રાજાને એ પ્રમાણે જ થયું. તેની જીંદગીના રસ્તા ઉપર તોફાન તથા અન્ધકાર આગળ આવવાનાં છે એમ તે જાણતો નહતો, તો પણ જેટલું દર્દ તેને હમણાં લાગતું હતું તે એટલું તો તીવ્ર હતું કે તે પોતાની જીંદગીથી છેક કંટાળી ગયો, અને દુ:ખની સામા થવાને તથા પાછું હડસેલવાને જુવાનીમાં જે ગુણ હોય છે તે તેનામાં દબાઈ ગયલો, તેથી પૂર્વે કેટલાએક રાજાએ એ કીધું હતું તે પ્રમાણે દુનિયાનો ત્યાગ કરી કોઈ પવિત્ર સ્થળે જઈ એકાંતવાસ કરી જગતની ચિંતાથી વિરક્ત થઈને પરમેશ્વરની ભક્તિમાં બાકી રહેલો આવરદા કાઢવાનો તેણે નિશ્ચય કર્યો. પણ હજુ તેનું મન સંસારની માયાની જાળમાંથી છુટું થયું નહતું, હજી તે સંસારના મોહથી છેક કાયર થયો નહોતો; હજુ તેના મનમાં રાજ્યપાટ ચલાવવાની, વિષયાદિ સુખ ભોગવવાની ઈચ્છા પ્રબળ હતી, તેથી દુનિયાનો ત્યાગ તેનાથી થયો નહીં. હમણાંનું દુ:ખ જલદીથી જતું રહેશે, આગળ ઘણું સુખ થશે, મનને વિષે જે અંધકાર, હમણાં આવીને ઠસેલો છે, તે વેરાઈ જઈને ત્યાં ભરપુર અજવાળું પ્રકાશશે એની તેને આશા હતી, અને એ આશાને જેશી લોક ઉત્તેજન આપતા હતા, તેના મહેલમાં રોજ રોજ જોશીઓનાં ટોળે ટોળાં આવતા હતાં, અને તે લોકોની કમાઈ તે વખતમાં એટલી તો વધી ગઈ હતી કે સઘળા બ્રાહ્મણો તથા જતિઓનું મન બીજી વિદ્યાઓ પડતી મુકી જ્યોતિષ શાસ્ત્રનો થોડો ઘણો અભ્યાસ કરવા ઉપર દોડ્યું. તેની જન્મોત્રી જોવાતાં જોવાતાં, તથા ઘણાએકના હાથમાં જવાથી ફાટીને ચીથરા જેવી થઈ ગઈ, અને અગર જો કોઈ વૈદ્ય અથવા સુરઈયો તે ફાટેલા કાગળને વાસ્તે એક પૈસો આપતાં પણ આચકો ખાય, તો પણ જોશીએાએ સ્વાર્થરૂપી ચસ્માં તેઓની આંખે પહેરેલાં તેથી તેઓને તો તે ચીથરીયા કાગળના કટકામાં કુબેરના ભંડાર જેટલી સમૃદ્ધિ, રાજા કરણ જેટલી ઉદારતા, રાજા વિક્રમ જેટલો પરોપકાર, યુધિષ્ટિર જેટલી સત્યતા, ભીમ જેટલું અંગબળ, અને અર્જુન જેટલું પરાક્રમ દેખાતું હતું. જયારે ઘણા માણસો એકની એક જ વાત એક માણસને કહ્યા કરે ત્યારે તે છેતરાઈને સાચું માને એમાં કાંઈ ઘણું આશ્ચર્ય નથી. દુનિયામાં ઘણીએક વાતો ઘણાના કહેવા ઉપરથી જ સાચી મનાય છે, ત્યારે જેઓ જ્યોતિષ શાસ્ત્ર સાચું માને, તેઓ આવા આધાર ઉપરથી કહેલી વાત સહેલથી માન્ય કરે એમાં શી નવાઈ ? વળી જે વાત આપણને અનુકૂળ હોય તથા માનવી ગમે તે ઉપર, પ્રતિકૂળ તથા માનવાને અણગમો થાય એવી વાત કરતાં આપણો વધારે જલદીથી વિશ્વાસ બેસે છે, તેથી કરણ રાજાએ જોશીઓના કહેવા ઉપર ભરોસો રાખ્યો, તથા તેઓનાં વચન સાચાં માનીને ખોટી અાશાથી તેણે પોતાના મનને દિલાસો આપ્યાં કીધો, અને મહારણમાં થાક તથા તરસથી કષ્ટાતો મુસાફર મૃગજળ જોઈને પાણીની આશા રાખી ચાલ્યો જ જાય છે, તેમ કરણ રાજાએ આગળ ઉપર સારાની ઉમેદ રાખી સંસારરૂપી પ્રવાસમાં શાંત મનથી ચાલવાનો નિશ્ચય કીધો.

પણ કરણના અંતઃકરણમાં પશ્ચાત્તાપનો કીડો હજી જીવતો હતો. તે તેને નિરંતર કોતરી ખાતો હતો, તથા દુષ્ટ કર્મનો અગ્નિ તેનામાં હોલવાયો ન હતો. તે તેના શરીરને બાળ્યાં જ કરતો હતો. તેનો ઉપાય જોશીઓના હાથમાં નહતો, જોશીઓનું કામ ભવિષ્ય કાળને લગતું હતું, વર્તમાન કાળને લગતું નહતું, તેથી જોશીઓ સિવાય બીજા લોકોનું પણ તેને કામ પડ્યું. દરરોજ પુરાણીઓ એના જેવી અવસ્થામાં આવી પડેલા તથા ત્યાર પછી સુખી થયેલા રાજાઓની કથા કરી દૃષ્ટાંતરૂપી ઉપદેશ આપી દિલાસો આપતા હતા. પવિત્ર વેદના શબ્દ કાને જ માત્ર પડે તો તેથી અઘોર પાપ સુકા વાંસની પેઠે બળી જાય, તથા મુક્તિ થાય, એવો ભરોસો આપીને વેદિયા બ્રાહ્મણો તેના મહેલમાં વેદનાં પારાયણ કરતા હતા. શાસ્ત્રી લોકો બ્રહ્મહત્યા સુધીનાં પાપનાં જુદાં જુદાં પ્રાયશ્ચિત્તે બતાવી તે પ્રમાણે રાજા પાસે કરાવી ઘણા પૈસા તેની પાસેથી કઢાવતા હતા. ગોદાન, પ્રાજાપત્ય, આદિ બીજી ઘણી દક્ષિણા બ્રાહ્મણેને મળવા લાગી, એટલું કીધા છતાં પણ રાજાને શાંતિ થઈ નહી તેથી ધીમે ધીમે તેનો વિશ્વાસ શાસ્ત્રના ઉપાયો ઉપરથી ઉઠવા લાગ્યો. તે જોઈને બ્રાહ્મણે ઘણા ગભરાયા, અને આવો વખત જતો રહેશે તો ફરીથી પાછો આવવાનો નથી એમ જાણીને તેઓ ઘણા ચિંતાતુર થયા. તે વખતે થોડાએક વૃદ્ધ બ્રાહ્મણો રાજા પાસે ગયા, અને જે જે ક્ષેત્રો તથા પવિત્ર સ્થળો શાસ્ત્રમાં કહેલાં છે તથા લોકોમાં મનાય છે તે સઘળાંનાં મહાત્મ્ય કહી સંભળાવ્યાં, અને અંતે એવું કહ્યું કે કાશી, ગયા, પ્રયાગ, વગેરે બીજાં ક્ષેત્રો તો ઘણું દુર પડ્યાં, અને ત્યાં આપ જેવા રાજાઓથી જવાય એવું નહીં, તેથી આપણા રાજ્યમાં તથા પાડોસમાં સરસ્વતીને કાંઠે શ્રીસ્થળ (સિદ્ધપુર) ક્ષેત્ર છે તેને મહિમા ઘણો છે, માટે ત્યાં જઈ સરસ્વતીમાં સ્નાન કરવું, અને દેહશુદ્ધ પ્રાયશ્ચિત્ત કરી રૂદ્ર મહકાળેશ્વરનાં દર્શન કરવાં, એટલે દેહનું સાર્થક થશે, તથા મુક્તિનું સાધન મળશે એટલું જ નહી પણ હાલમાં આપના મન વિષે જે ઉકળાટ છે તે શાન્ત થઈને સ્વચ્છ તથા નિર્મળ થશે. થોડીવાર રાજ્યધાનીની બહાર જવાથી રાજ્યને કાંઈ નુકશાન થવાનું નથી. માટે અમારી સલાહ જો માન્ય કરો તો શ્રીસ્થળની યાત્રાએ જાઓ. યાત્રાઓમાં દેવદર્શનથી જે લાભ થાય છે તે એક કોરે મુકીએ તો પણ તેથી મન ઉપર ઘણી સારી અસર થાય છે. જુદી જુદી યાત્રાઓના મહિમા યાત્રાળુ લોકોએ સાંભળ્યા હોય તેથી તેઓને આગળથી જ નક્કી હોય છે કે ત્યાં જવાથી આપણાં સઘળાં પાતકોનો નાશ થશે, અને જ્યારે એ પ્રમાણે મનનો નિશ્ચય હોય ત્યારે ત્યાં ગયા પછી શાંતિ થયા વિના રહેતી જ નથી. કલ્પનાથી મન તથા શરીર ઉપર ઘણી સત્તા છે ઘણી જોરાવર કલ્પનાથી માણસને મંદવાડ આવે છે, તથા આવેલો મંદવાડ જાય છે. ઘણી જોરાવર ક૯પનાથી ન હોય એવી વસ્તુઓ આપણા જોવામાં, તથા ખોટા અવાજ આપણા સાંભળવામાં આવે છે, તેથી સઘળી જ્ઞાનેંદ્રિયો છેતરાય છે, તથા આખા જગતમાં નાના પ્રકારના વહેમ તથા ખોટા વિચાર ચાલે છે. કલ્પનાથી જ માણસ વખતે ઘેલો થઈ જાય છે, અને કલ્પનાની સત્તા વડે જ તે બેશુદ્ધ થઈ નિદ્રાવસ્થામાં પડે છે એ સિવાય કલ્પનાની શક્તિ બીજી ઘણીએક રીતે ચાલે છે, માટે જે શ્રીસ્થળના મહિમા ઉપર પુરો ભરોસો રાખી ત્યાં જશો તો કલ્પનાની સત્તા વડે જ મનની શાંતિ થશે, વળી જગાના ફેરફારથી પણ ઘણું કાર્ય થાય છે, જો શરીરના રોગી લોકોને જગા ફેર થવાથી ઘણીવાર આરામ થાય છે તો મનના રોગીઓનું દુઃખ તેમ કીધાથી શામાટે નિવારણ નહીં થાય? વળી જેઓને પશ્ચાત્તાપની મહા પીડા નડે છે, તેઓને જગા બદલવાથી ઘણો ફાયદો થયા વિના રહેતો નથી. જગતમાં જે જે વસ્તુઓનું આપણને જ્ઞાન થાય છે, તેની પ્રતિમા આપણા સ્મરણ સંગ્રહસ્થાનમાં રહેલી હોય છે. પણ ત્યાં તેઓ એકલી હોતી નથી, હરેક પ્રતિમાને વિંટલાયલી કેટલીએક હકીકત હોય છે તે સુખદાયક અથવા દુઃખદાયક હોય તોપણ જ્યારે વિચારશક્તિ વડે તેઓમાંથી એક પ્રતિમા તે સંગ્રહસ્થાનમાંથી બહાર નીકળે છે એટલે તેને લગતી હકીકત પણ તેની સાથે એકદમ બધી ધસી આવે છે. જ્યારે પરદેશમા સ્વદેશ યાદ આવે છે ત્યારે તેની સાથે આપણાં માબાપ, સગાંવહાલાં, ઓળખીતા લોકો મિત્રો, આપણો નાનપણનો વખત, તેની ખુશી, જુવાનીનો વખત, તેમાં ભોગવેલાં સુખ, એ વગેરે હજારો વાતો તેની સાથે ધસી આવે છે, અને તેમાંની કેટલીએકથી આપણને સુખ અને કેટલીએકથી દુ:ખ ઉત્પન્ન થાય છે તેમ જ માણસે જ્યાં ખુન કીધેલું હોય ત્યાં તે રહે તો તે જગા ઉપરથી જ ખુન વિષેના ભયંકર વિચારે તેના મનમાં નિરંતર આવ્યાં કરે; અને તેથી તેને જરા પણ સુખ શાંતી વળે નહીં. એથી ઉલટું તે જો તે જગા છોડીને બીજે ઠેકાણે જાય તે ત્યાંની નવી વસ્તુઓની પ્રતિમા તથા તેઓની સાથેની નવી હકીકતો સ્મરણસ્થાનમાં આવી ભરાય, અને તેમ થતાં નીચે દબાયેલી પ્રતિમાઓને ઉપર આવવાનું કઠણ પડે, તેથી તેઓ કોઈ કોઈ વાર જ નીકળી આવી તેને ઉપદ્રવ કરે. એવી રીતે નવી પ્રતિમાઓનો સંગ્રહ વધારે વધારે થવાથી જુની ઉપર ભાર વધારે થાય, અને તેઓ વધારે દબાતી જાય, અને તેનું પરિણામ એ થાય કે મનને વધારે સુખ તથા શાંતિ થતી જાય, એવો જગા બદલવાને મહાત્મ્ય છે. વળી પ્રાચીન કાળના મહર્ષિઓએ જે જે ક્ષેત્ર તથા યાત્રામાં તીર્થ પસંદ કીધેલાં છે તે રમણિય તથા ચિત્તાકર્ષક સ્થળ જોઈને જ કીધેલાં છે. પ્રાચીન કાળથી પ્રસિદ્ધ થયેલી નદીઓ ઉપર જે જે જગા છે તેઓમાંથી કેટલીએકમાં યાત્રા ભરાય છે. સૃષ્ટિમાં જે સઘળી વસ્તુઓ છે તેમાં નદીએ ઘણી જ ચમત્કારી છે. વરસાદનું પાણી કોઈ ડુંગરના પોલાણમાં એકઠું થઈ તેમાંથી ઉભરાઈને વહે, અને તે ધીમે ધીમે મોટી થઈ આગળ ચાલે, તથા લાખો લોકોના પ્રાણનો આધાર થઈ પડે છે, તે જોવાથી માણસનું મન ઘણું વિસ્મિત થાય છે, નદીથી તેના કાંઠા ઉપરનાં શહેરના લોકોને પાણી પુરું પડે છે, તથા આસપાસનાં ખેતરોમાં પાણી સીંચાય છે એટલું જ નહી, પણ હિંદુ લોકોને અગત્ય કરીને બ્રાહ્મણેને સ્નાનસંધ્યાદિ કર્મો કરવાને તે ઘણી કામની થઈ પડે છે. વળી મોટાં વહાણ ચાલે એવી નદીઓથી વ્યાપારની વૃદ્ધિ થઈ તે ઉપરનાં શહેરોની આબાદીમાં વધારો થાય છે, તથા એક સ્થળની નવાઈની તથા વધારાની જણસો બીજે સ્થળે લઈ જઈ શકાય છે. નદીના જુદા જુદા ઘાટ આગળ ઘણાએક લોકો નહાતા હોય, ઘણીએક સ્ત્રીઓ પાણી ભરતી હોય, કેટલીએક સ્ત્રીઓ લુગડાં ધોતી હોય, કેટલાએક બ્રાહ્મણો સાંજ સવાર સંધ્યાદિ કર્મ કરતા હોય, તે વખતે કાચ જેવા નિર્મળ પાણી ઉપર પવનની લહેરથી નાનાં મોજાં થતાં હોય, સામા કાંઠા ઉપર ઝાડો આવી રહ્યાં હોય, વચમાં હોડીઓ તથા વહાણો ખલાસી સહિત ડોલતાં હોય, તે જોઈને મનને શાંતિ તથા આનંદ ઉપજે છે. વળી નદીને જોવાથી માણસને તેનો સંસાર યાદ આવે છે, જેમ નદી પહાડમાંથી નીકળતી વખતે નાની હોય છે તથા બહાર પડ્યા પછી થોડેએક સુધી તે ફુલેમાં તથા કાંકરામાં રમતી રમતી જાય છે, તેમ માણસ બાલ્યાવસ્થામાં હોય છે. નદી આગળ ચાલ્યા પછી તેમાં બીજી નદીઓ આવીને મળે છે, તેમ માણસે મોટા થયા પછી ઘણા જોડે સંબંધ બાંધે છે. નદી વધારે આગળ ચાલ્યા પછી એટલી મોટી થાય છે કે તે ઘણાંએક માણસોને ઘણી અગત્યની થઈ પડે છે, તથા તે ઉપર વહાણોના ફરવાથી વ્યાપાર ચાલે છે તથા માણસના સુખને તથા શેખને વાસ્તે જે વસ્તુઓ જોઈએ તે સઘળી પુરી પાડે છે, તેમ માણસ ભર જુવાનીમાં બીજાઓને ખપ લાગે છે તથા ભારે ભારે કામે માથે લે છે, અને નદી જેમ છેલ્લીવારે અમર્યાદ સમુદ્રને મળી જાય છે, તેમ માણસ પણ અંતે લય પામી તેનું અંતવાન આયુષ્ય અનંતકાળ સાથે મળી જાય છે. માટે નદીઓ જોયાથી માણસની જીંદગી ઉપર તેના વિચાર દોડે છે, તથા પરમેશ્વરના એક મોટા કામ આગળ શુન્ય જેવો તે થઈ જાય છે. કેટલાંએક તીર્થ મોટી ઝાડી તથા મહા વનમાં હોય છે, ત્યાં ઝાડોની ઘટામાં એકાંતપણાનો વાસો હોય છે. વળી એવે કેટલેક ઠેકાણે મોટા મોટા પર્વતો આવી રહેલા હોય છે. એવી રળીયામણી જગામાં કોના મનમાં ભક્તિ આવ્યા વિના રહે ? જ્યાં ઈશ્વરે બે હાળે હાથે પોતાની ઉદારતા વાપરેલી છે, જ્યાં જગત્કર્ત્તાનાં મોટાં કામો માણસનાં હલકાં તથા નબળાં કામોની જાણે મશ્કરી કરતાં હોય એમ લાગે છે, જ્યાં ઘણી એક તરેહની સૃષ્ટિની શોભા એકઠી મળેલી હોય છે, જ્યાંની ભૂમિ એવી તો પવિત્ર તથા દેવતાઈ જણાય છે કે ત્યાં કાંઈ દુષ્ટ કામ કરતાં જ માણસને ત્રાસ લાગે છે, તથા જેનો નમુનો લઈ પૃથ્વી ઉપરના કેટલાએક જંગલી લોકોએ પોતાનું સ્વર્ગ કલ્પેલું છે, એવાં રમણિક તથા પવિત્ર સ્થળોમાં માણસને પોતાનું તુચ્છપણું તથા હલકાઈ સમજાય, પોતાના કરતાં અતિ ઘની બળવાન કોઈ બીજી શક્તિ છે એમ તે જાણે, તથા તે શક્તિ આગળ નમ્રતા પકડી તેને નમીને તેને પોતાનો દેહ તથા આત્મા સોંપે, તેની બેહદ સ્તુતિ કરે, તેના ઉપર દૃઢ વિશ્વાસ રાખી ભક્તિમાં વધારો કરે, તથા જે થાય છે તે તેની ઇચ્છાથી જ થાય છે એમ ખાતરી કરી ધૈર્ય તથા શાંતિ મનને વિષે રાખે, એમાં કાંઈ આશ્ચર્ય નથી.” ઘરડા બ્રાહ્મણોએ ઉપર પ્રમાણે યાત્રાનો મહિમા રાજા આગળ કહી સંભળાવ્યો.

ઉપલી સઘળી વાત સાંભળીને કરણના મન ઉપર ઘણી અસર થઈ અને તેણે તે જ વખતે સિદ્ધપુરની જાત્રાએ જવાની તૈયારી કરવાનો હુકમ કીધો. બે ત્રણ દહાડા પછી થોડાંએક માણસ લઈ તથા કાંઈ પણ ધામધુમ કર્યા સિવાય રાજા કરણ સિદ્ધપુર જવાને નીકળ્યો. સિદ્ધપુરમાં ઘણાં શૈવ તથા જૈન દેવસ્થાનો હતાં, તેઓમાં શૈવ દેવસ્થાનો ઉપર ધજા ચઢતી, પણ કેટલાંક વર્ષ થયાં જૈન દેહરાં ઉપર ધજા ચઢાવવાની મના થયેલી હતી તે છતાં પણ જ્યારે મોતીશાને દિલ્હીથી પાછા આવ્યા પછી કારભાર મળ્યો ત્યારે તેની હિમાયત ઉપરથી, તથા તેની છાની ઉશ્કેરણીથી તેઓના ઉપર ધજા ચઢાવવા માંડી. આ જોઈને બ્રાહ્મણોને ઘણો જ ક્રોધ ચડ્યો ને તેઓએ એ બાબત રાજાની આગળ ફરિયાદ કીધી, પણ મોતીશાએ યુક્તિ કરી તેઓનું કાંઈ ચાલવા દીધું નહી, રાજા હવે તેમના ગામમાં આવ્યો, અને તેમનું હવે નક્કી કામ પડશે એવું જોઈ તેઓએ ઠરાવ કીધો કે જ્યાં સુધી રાજા જૈન દેવસ્થાન ઉપરથી ધજા ઉતરાવે નહી ત્યાં સુધી તે સવા લાખ સોનાની મહોર દક્ષિણા આપે તો પણ કોઈ રીતની ક્રિયા તેઓએ તેને કરાવવી નહી. બીજે દહાડે સરસ્વતી નદીમાં સ્નાન કરી દેહશુદ્ધ પ્રાયશ્ચિત્ત કરવાને રાજાનો મનસૂબો હતો, અને તે કારણસર તેણે ગામના મુખ્ય બ્રાહ્મણોને બોલાવ્યા, અને તેઓની આગળ પોતાનો વિચાર કહ્યો, બ્રાહ્મણે એ દૃઢતાથી જવાબ દીધો કે શિવમાર્ગી રાજાના રાજ્યમાં જૈન ધર્મવાળાઓએ પોતાનાં દેવસ્થાનો ઉપર હુકમથી ઉલટા ચાલીને ધજા ચઢાવી છે તે ઉતરાવવાને અમે ફરિયાદ કીધી, પણ તમારા જૈન મંત્રીની સલાહથી તમે અમારી વાત ઉપર ધ્યાન આપ્યું નહી, માટે જ્યાં સુધી અમારી વિનંતિ કબુલ કરવામાં આવશે નહી ત્યાં સુધી અમારામાંથી એક પણ આપને કોઈ જાતની ક્રિયા કરાવશે નહી.

બ્રાહ્મણોનું આવું બોલવું સાંભળીને રાજા ઘણો કોપાયમાન થયો, અને તેણે બ્રાહ્મણોને અપમાન કરી કાઢી મૂકયા. પછી એ સઘળી હકીકત તેણે મોતીશાને કહી, તે વખતે મોતીશાએ જોયું કે હવે લાગ આવ્યો, એમ જાણીને તેણે બ્રાહ્મણો ઉપર જુલમ માંડ્યો, તથા તેઓનાં દેવસ્થાનના અંગના હક્ક ખોટા કરવા તરફ લક્ષ લગાડ્યું. એ જ વખતે તેણે રાજાને જૈન માર્ગમાં લાવવાને ઘણાએક પ્રયત્નો કીધા તથા સઘળે ઠેકાણેથી ઘણા પ્રવીણ જતિઓને બોલાવી મંગાવ્યા. તેઓએ વાદવિવાદ કરી તથા બંને ધર્મને મુકાબલો રાજા આગળ કરી દેખાડી તેને આદિનાથનો ભક્ત કરવાને ઘણો શ્રમ કીધો, પણ રાજામાં ધર્મ સંબંધી જુસ્સો થોડો હતો, તથા તેણે એકતરફી સઘળી વાત સાંભળી હતી, તેથી તેના મન ઉપર કાંઈ અસર થઈ નહીં, જ્યારે જતિઓએ તેનું માથું ઘણું ફોડાવ્યું ત્યારે તેણે બંને પક્ષોના ભણેલા લોકોની સભા કરી વાદવિવાદ કરાવવાનો વિચાર જણાવ્યો, તે તેઓએ કબુલ કીધું. પછી ગામમાંના સઘળા બ્રાહ્મણોને સભામાં આવવાનાં નિમંત્રણ કીધાં, અને મુકરર કીધેલે દહાડે ઘણા બ્રાહ્મણો તથા જતિઓ એકઠા થયા. રાજા એક ઉંચા આસન ઉપર બેઠો. મોતીશા તથા બીજા મોટા કારભારીએ તેની પાસે હારબંધ બેઠા, અને રાજાની સાથેના તથા ગામમાંના બીજા લોકો પાછળ ઉભા રહ્યા. સઘળા બેઠા પછી, બંને પક્ષ વચ્ચે ધર્મ સંબંધી વાદવિવાદ ચાલવા માંડ્યા. શૈવ માર્ગીએાએ જૈનધર્મનું ખંડન કરવા બની શકે તેટલા પ્રયત્નો કર્યા, જતીઓ પણ પોતાનો ધર્મ સાચો છે એમ સિદ્ધ કરવા સૃષ્ટિની ઉત્પત્તિ વગેરે વિષયો ઉપર વિવેચન કરવા લાગ્યા.

તકરાર ઘણી લાંબી ચાલી, અને તેનો પાર જલદીથી આવશે નહી એમ જાણી કરણ રાજા વચ્ચે બેલી ઉઠ્યો:–“ હવે બસ થયું. એ ભાંજગડથી મારું માથું દુખવા આવ્યું. વધારે સાંભળવાની મારી ખુશી નથી, પરમેશ્વરે મને શિવમાર્ગી માબાપને પેટે જન્મ આપ્યો તેથી હું તો તે જ ધર્મ પાળીશ. મારે જૈનધર્મનું કાંઈ કામ નથી. સઘળા ધર્મ ખરા છે, જે ધર્મમાં આપણે અવતર્યા હોઈએ તે જ જે બરાબર પાળીએ તો પરમેશ્વર પ્રસન્ન થાય.”

જતિઓથી પોતાનું ધારેલું કાર્ય સિદ્ધ થયું નહી તેથી તેઓ દિલગીર તથા ઉદાસ થઈને ઉઠ્યા, અને આવી ખાતરી કરી આપે એવી તેઓની તકરાર છતાં પણ રાજાના મન ઉપર કાંઈ અસર થઈ નહી, તેથી તેની અતિ સ્થૂલ બુદ્ધિ ઉપર અફસોસ કરીને ઘેર ગયા. મોતીશાનું લોહી પણ ઉડી ગયું, અને જે જતિયો ત્યાં મળેલા હતા, તેઓની મૂર્ખાઈને ધિક્કાર કરી ત્યાંથી ચાલ્યો ગયો, બ્રાહ્મણોએ એ પ્રમાણે જય મેળવ્યો તેથી તેઓનો હર્ષ માતો નહતો. રાજાએ તે જ વખતે જૈન દેવસ્થાન ઉપરથી ધજા ઉતરાવી નાંખવાની આજ્ઞા કીધી, અને તેમ કરી આવા બારીક વખતે તેણે તેની રૈયતના મોટા ભાગનું મન ઉંચું કીધું. બ્રાહ્મણોને મોટી મોટી દક્ષિણા આપી, અને તેઓએ તેને દેહશુદ્ધ પ્રાયશ્ચિત્ત કરાવ્યું. પછી રાજા રૂદ્ર મહાકાળેશ્વરનાં દર્શન કરવા પગે ચાલતો નીકળ્યો, રસ્તામાં થોડેક આગળ ચાલે છે એટલામાં એક ટોળું જોઈ તે અટકયો. અને આ ભીડ શાથી થઈ છે તેની તજવીજ કરવાને તે ત્યાં ઉભો રહ્યો, તપાસ કરતાં તેને માલમ પડ્યું કે જે વાણિયાના ઘર આગળ લોકો મળ્યા હતા તે વાણીયાએ પોતાનો એક છોકરો પરણાવવાને બે હજાર રૂપિયા જેઠાશા શાહુકાર પાસેથી લીધા હતા. એ વાણિયોયે ઘણો વિષયી હતો તેથી તેણે ઘણાનું દેવું કીધેલું હતું, અને તે સઘળું વાળવા જેટલી તેની પાસે મિલકત નહતી, તેથી જેઠાશાએ તેને બે હજાર રૂપિયા ધીરતાં આચકો ખાધો. હવે છોકરો તો પરણાવવો જોઈએ, અને તેમાં ખરચ પણ ન્યાતમાં મોટાઈ મેળવવાને વાસ્તે સારો કરવો જોઈએ, તેથી તે વાણિયો કોઈ સારો જામીન શોધવા નીકળ્યો, પણ કોઈએ તે દેવાળીયાની બાંહેધરી કીધી નહી; ત્યારે તે લાચાર થઈને એક ભાટ પાસે ગયો, અને તેને જામીન થવાને વિનંતિ કીધી. ભાટ લોકોનો પૈસા કદી ખોટા થતા નથી, તથા તેઓ ગમે તે ઉપાયથી પિતાનું માગણું વસુલ કરી શકે છે, તેથી ભાટે જામીન થવાને કબુલ કીધું, અને જેઠાશા પાસેથી પૈસા અપાવ્યા. વાણિયાએ ઘણી ધામધુમથી લગ્ન કીધાં, ન્યાતમાં ઘણી સારી જમણવાર કીધી, લાહણું પણ કીધું, અને એ પ્રમાણે બે હજાર રૂપિયા ઉડાવી દીધા. રૂપિયા ઉપર તો વ્યાજ ચઢવા લાગ્યું પણ તે વાતની વાણિયાને કાંઈ ચિંતા ન હતી. તેને રૂપિયા પાછા આપવાનો વિચાર જ ન હતો. કેટલેક વર્ષે બે હજારના ચાર હજાર થયા, એટલાથી વધારે રૂપિયા લેવાશે નહીં, એમ જાણીને જેઠાશાએ ફરિયાદ કીધી, અને વાણિયા પાસે તો પૈ મળે નહી, તેથી તેના જામીન ભાટ પાસેથી તે સઘળા પૈસા વસુલ કીધા, હવે તે પૈસા પેલા વાણિયા પાસેથી લેવાના ભાટને રહ્યા. ભાટે રોજ રોજ ઉઘરાણી કીધી, પણ વાણિયો ક્યાંથી આપે ? તેથી તેણે છેલ્લો નાગો જવાબ દીધો. ભાટ લોકો ઘણું કરીને પોતાના લેહેણાની ફરિયાદ સરકારમાં કરતા નથી તેથી, તે ભાટે પણ કીધી નહી; અને કરત તો પણ તે વાણિયા પાસે શું લેવાનું હતું ? તેથી તે તેને બારણે બેઠો, અને ત્રણ દહાડા સુધી પોતે અન્નજળ લીધું નહી, તથા વાણિયાને અપવાસ કરાવ્યો. મોહોલ્લાના લોક ઘણા કાયર થયા અને ભાટ પોતાના ધારા પ્રમાણે તે ઠેકાણે આપઘાત કરશે તો આખો મોહોલ્લો ગોઝારો થશે, એમ જાણી વાણિયાને ઘણો સમજાવ્યો, અને અંતે ટીપ શેહેરમાં ફેરવી ચાર હજાર રૂપિયા એકઠા કરી ભાટને આપવાનું કહ્યું, પણ તે વાણિયો જડ થઈને બેઠો, અને ભૂખ્યો મરી જાઉ પણ એક પૈસો એ ભાટને આપું નહીં, અને મારી તરફથી કોઈને આપવા પણ દઉં નહીં, એવો તેણે નિશ્ચય કીધો. લોકો સઘળા લાચાર થયા, અને ભાટને તેઓએ વાણિયાનો ઠરાવ કહ્યો, તે સાંભળતાં જ ભાટ પોતાની સાથે તેની હેંસી વર્ષની ઘરડી મા લાવ્યો હતો તેનું તલવારના એક ઘાએ માથું ઉડાવી નાંખ્યું, તો પણ વાણિયે હઠ્યો નહી. ત્યારે તે ભાટે ઘણા જુસ્સામાં આવી પોતાના એકના એક બાર વર્ષના છોકરાને બોલાવ્યો, અને તેના પેટમાં કટાર ખોંસી મારી નાંખ્યો, પછી તેનું વેહેતું લોહી ખોબામાં લઈને વાણિયા ઉપર છાંટયું, અને બોલ્યોઃ “અરે ચંડાળ ! આ ભોગ લે, અને જેમ મારો નિર્વંશ ગયો તેમ તારો જજો, તારો પરણેલો છોકરો પણ એમ જ મરજો, અને તું પણ અથડાઈ અથડાઈ મહાદુઃખ પામી પીલાઈ પીલાઈને મરશે.” સઘળા લોકો થરથર ધ્રુજવા લાગ્યા, પણ વાણિયાના વજ્ર જેવા હૈયા ઉપર કાંઈ અસર થઈ નહી. ત્યારે હવે ભાટ પોતાનો જીવ કાઢવાને તૈયાર થયો. તે જ વખતે રાજા કરણ ત્યાં આવી પહોંચ્યો. ભાટે રાજાને જોઈ તેનું દુઃખ નિવારણ કરવાને કહ્યું, પણ રાજાએ તેની વાત ઉપર કાંઈ ધ્યાન આપ્યું નહી. તેથી ભાટમાં વાઘ જેટલો જુસ્સો આવ્યો, અને ગાંડા જેવો થઈ એક છલંગ મારી વાણિયાના ઘરમાં ગયો, અને તુરત તે વાણિયાનું તથા તેના બાળક નિર્દોષ છોકરાનું મુડદુ ઘરમાંથી ઘસુડીને બહાર કાઢયું, અને ભોંય ઉપર નાંખીને પોતાના પેટમાં ખંજર મારી તુરત પડ્યો. આ સઘળાં કામો તેણે એવી ઝડપથી કીધાં કે લોકોને તેને અટકાવવાને વખત મળ્યો નહી, અને તેઓ સઘળા જડ થઈ ઉભા જ રહ્યા. વાણિયો તથા તેનો છોકરો તો તુરત મરી ગયા, પણ ભાટનો જીવ જલદીથી ગયો નહી. તેણે પછાડા મારવા માંડ્યા, અને શરીરના તથા મનના કષ્ટથી તેને ઘણી જ અકળામણ થવા માંડી, તેની ચોતરફ ફરતી આંખ રાજા તરફ ગઈ એટલે તેને વધારે દરદ થયું, અને જેટલો ક્રોધ તેનામાં બાકી રહ્યો હતો તેટલો મ્હોં ઉપર લાવી બોલ્યો “હે દુષ્ટ રાજા ! બ્રહ્મહત્યા કરતાં પણ ભાટની હત્યા વધારે છે, તે ઈહાં ઉભા રહીને તારી રૈયતના પ્રાણ જતા જોયા. ધુળ પડી તારા ક્ષત્રીપણા ઉપર, અને બળ્યું તારૂં રાજ્ય, તું રજપૂત થઈને તારાથી નિરપરાધી ભાટને બચાવ થયો નહીં. આજે જેટલા મુઆ તેટલાનું પાપ સઘળું તારે માથે. તું જે કામને સારૂ ઇહાં આવ્યો છે તે કામ સફળ થવાનું નથી, તું વન વન રઝળીશ, તારા ઘરનાં માણસ તને છોડીને જતાં રહેશે. અને તું ક્યાં મરીશ તે કોઈ જાણવાનું નથી.” એટલું કહી ભાટ ચત્તોપાટ પડી ગયો, અને તેનો આત્મા પોતાનું માગણું વાણિયા પાસેથી વસુલ કરવાને સારૂ ઈનસાફના છેલ્લા દરબારમાં ફરિયાદ કરવા ગયો.

ભાટનો શાપ સાંભળીને રાજાને એટલું તો કષ્ટ થયું કે તે બેશુદ્ધ થઈને ભોંય ઉપર પડ્યો, તેને તેના માણસો તુરત ઉંચકી લઈ પાછા મેહેલમાં લઈ ગયા, જયારે તેને શુદ્ધિ આવી ત્યારે આસપાસ બેઠેલા બ્રાહ્મણોએ ભાટનો શા૫ બાળી નાંખવાને શાસ્ત્રમાંથી કાંઈ પ્રાયશ્ચિત્ત શોધી કાઢી તે કરાવવાનું વચન આપ્યું, રાજાને તે સાંભળીને શાંતિ થઈ, અને તેના મનને દિલાસો મળ્યો. પણ એટલામાં પાટણથી એક દોડતો જાસુસ આવ્યો, તે રાજાના ઓરડામાં ધસી આવી શ્વાસ ખાધા વિના બોલ્યો –“રાજાધિરાજ ! એવી સઘળે ઠેકાણેથી ખબર આવી પહોંચી છે કે તુરકડા લોકો મોટું લશ્કર લઈ રાજ્યની હદ ઉપર આવ્યા છે, અને તેઓનો વિચાર આખું રાજ્ય જીતવાનો છે. તેમની સાથે આપણો માજી પ્રધાન માધવ છે. તેઓએ કેટલાંએક ગામ માર્યા છે, તથા લોકો ત્રાસ પામીને અહીંથી તહીં દોડે છે.” તુરક લોકો ગુજરાત જીતવા આવ્યા તેથી હવે મોટી લડાઈઓ થશે એ વિચારથી જ કરણનું ક્ષત્રીય લોહી ઉકળવા લાગ્યું, અને તે ઘણી હિમ્મત પકડી બોલ્યોઃ– “એ મ્લેચ્છ લોકોને ગુજરાતની ધરતીમાં દટાવું સરજીત હશે તેથી કાળ તેએાને લલચાવીને ઈહાં લાવ્યો હશે. હજી મેં કાંચળી પેહેરી નથી, હજી રજપૂત લોકોએ તેઓનું શુરાતન ખોયું નથી, હજી દેશમાં હિંમતવાન માણસો છે, ગુજરાતના રાજાને લશ્કરી ખેાટ નથી, મજબુત કિલ્લાઓ પણ પુષ્કળ છે, માટે તેઓને આવવા દો, હું તેઓથી જરા પણ બીહીતો નથી, મારા હાથ શત્રુને મારવાને ચવળે છે, તથા મારી તલવારને લોહી મળ્યું નથી તેથી તેને ઘણી તરસ લાગી છે, વાહ ! વાહ ! હવે વખત આવ્યો છે. હું કેવો છું તે રણસંગ્રામમાં આખા જગતને દેખાડી આપીશ, જો એ પ્રમાણે ન બન્યું હોત તો મારૂં નામ આગળ ચાલત નહી. જે થયું છે તે ઠીક છે, સઘળો સામાન તૈયાર કરો, કાલે ઈહાંથી કુચ કરીશ, અને પાટણ જઈને યુદ્ધ કરવાને સઘળો બંદોબસ્ત કરીશ.”

પ્રકરણ ૯ મું.

ગુજરાતની સરહદ ઉપર અલાઉદ્દિન ખિલજીનું લશ્કર છાવણી નાંખીને પડ્યું હતું. લશ્કરની સંખ્યા, તથા તેના મુખ્ય સરદારના અધિકાર, જે દેશ જીતવાનો હતો તેના મહત્વને લાયક જ હતા. છાવણીમાં એક લાખ સવાર, પંદરસેં હાથી, વીસ હજાર પાયદળ, તથા પીસતાળીસ મોટા સરદારો હતા. ગુજરાત જો જીતાય તો તેનું રાજ્ય ચલાવવાનું કામ અલફખાં જે પાદશાહનો ભાઈ હતો, અને આ સઘળા લશ્કરનો મુખ્ય સરદાર હતો તેને સોંપેલું હતું. તેના હાથ નીચે સઘળો કારભાર માધવને સોંપવો એવો બંદોબસ્ત કીધેલા હતો, અને પાદશાહનો વજીર નુસરતખાં લશ્કરની સાથે આવેલો હતો, પણ દેશ સર થયો એટલે તેને દિલ્હી પાછા જવાનો હુકમ હતો. છાવણી એક મોટા શેહેર જેવડી હતી, જેટલાં લડનારાં માણસો ઉપર ગણાવ્યાં, તે સિવાય બઈરાં, છોકરાં, દુકાનદાર, ચાકરો તથા બીજાં ઘણાંએક નકામાં માણસો છાવણીમાં રહેતાં હતાં. વળી ઘોડા, હાથી, ઉંટ, વગેરે લડાઈમાં તથા ભાર વહેવામાં ઉપયોગી જાનવરો લાખો હતાં, તેમાં ઘરોને બદલે તંબુ, ડેરા, રાવટી, વગેરે એક ઠેકાણેથી બીજે ઠેકાણે લેઈ જવાય એવી રહેવાની જગા હતી. મોટા સરદારો તથા અમીરોના તંબુઓ કિનખાબના, ઝરીના, તથા બીજાં કિમતી લુગડાંના હતા, અને તેઓ પણ શોભાયમાન દેખાતા હતા, ઠેકાણે ઠેકાણે બજાર ભરાતી, તેમાં માંડવા નાંખી દુકાનદારો જુદી જુદી જાતનો માલ વેચતા હતા, છાવણીમાં હમેશાં લોકોની ભીડાભીડ રહેતી, અને રાતને વખતે રોશનીથી ત્યાં મોટી આગ લાગી હોય એમ દેખાતું હતું, થોડી રાત વહી ગયા પછી સઘળા દીવા ઘેર કરવામાં આવતા, તથા છાવણીની આસપાસ મોટાં મોટાં બળતાં કરી ચોકીદાર લોકો જાગતો પહેરો રાખતા હતા. એવી રીતે અલાઉદ્દીનનું લશ્કર ગુજરાત તથા મેવાડની સરહદ ઉપર પડેલું હતું. છાવણીની વચ્ચોવચ જે ભભકાદાર તંબુઓ હતા તેમાંથી એક ઝરીના મોટા તંબુમાં ત્રણ માણસ ઘણા ઉંડા વિચારમાં બેઠેલા હતા, તેઓ પાટણના રસ્તામાં જે જે ગામ, નદી, વગેરે આવે તે એક કાગળ ઉપર માંડતા હતા, તથા મુખ્ય રાજ્યધાનીના શેહેરમાં કયે રસ્તે જવું, તથા ક્યાં ક્યાં મુકામ કરવો તેની તે નકશા ઉપર તેમણે નિશાની કીધી હતી. માધવે ગુજરાતના મંડળેશ્વર તથા મોટા સામંતોને ફોડવાને ગુપ્ત જાસુસો મોકલ્યા, લોકોની પ્રીતિ રાજા ઉપરથી ઉઠાવીને પોતાની તરફ તેઓને ખેંચી લેવાની ઘણી મહેનત કીધી, તથા મુસલમાન લોકો કરણ રાજાને ગાદી ઉપરથી ઉઠાડી મુકી બીજો નવો રાજા નીમી સઘળો રાજ્યકારભાર મને સોંપશે, અને તેઓ પાછા પોતાને દેશ જશે, ને પછી હું મારા મદદગાર લોકોને ઘણો જ લાભ કરી આપીશ એમ લોકને સમજાવવાને ઘણા પ્રયત્ન કીધા, પણ તે સઘળા નિષ્ફળ ગયા, માત્ર ત્રણસેં ને સાઠ સ્વાર તેને આવી મળ્યા પણ તે ઉપરથી માધવ અથવા અલફખાં બેમાંથી કોઈ નિરાશ થયો નહી. તેઓએ ગુજરાતના લોકોની સહાયતા ઉપર ભરોસો રાખ્યો ન હતો, એટલું જ નહી પણ માધવના કહ્યા છતાં પણ કોઈ મદદ કરશે નહી એમ આગળથી જ ધારીને તેઓએ બોહોળું લશ્કર તથા લડાઈનો સઘળો સામાન સાથે રાખ્યો હતો. ગુજરાત જીતવામાં જુદા જુદા માણસોનો જુદો જુદો સ્વાર્થ હતો, પાદશાહી રાજ્યમાં વધારો થાય, અને પોતાના ભાઈ અલાઉદ્દીનનું રાજ્ય વિસ્તાર પામે, અને તે સઘળું કદાચ કોઈ દહાડો પોતાના હાથમાં આવે એટલો અલફખાંને ફાયદો હતો. નુસરતખાને લાભ એટલો જ હતો કે પોતાની બહાદુરી તથા હોશિયારી વડે ગુજરાત સરખો મોટો ફળવાન પ્રાંત જીતાય તો પાદશાહ ઘણો ખુશ થાય, તેના ઉપર મેહેરબાની વધે, તેની વજીરાતનો પાયો વધારે મજબુત થાય, અને પોતાની કીર્તિ જો દેશમાં ફેલાય તો કોઈ વખત રાજ્યની ઉથલપાથલમાં તેને તખ્ત મળવાનો લાગ આવે, માધવની મુખ્ય મતલબ કરણ રાજા ઉપર વેર લેવાની હતી, અને તેમ કરતા કદાપિ ગુજરાતનું રાજ્ય ઉંધું વળે, ને રાજા પદભ્રષ્ટ થાય, અથવા લડાઈમાં માર્યો જાય, અને તેની પછી ગમે તે પોતાના દેશ ઉપર રાજ્ય ચલાવે તોપણ તેની મુખ્ય મતબલ પાર પડે એટલી જ તેને ખુશી હતી. વળી તેને રાજ્યકારભાર મળવાની પણ ઉમેદ હતી, તેથી તે ઘણીએક વખતે ઉમંગમાં દેખાતો હતો. છાવણી બીજે દહાડે સવારે ઉઠવાની હતી તેથી અલફખાં, નુસરતખાં, તથા માધવ એ ત્રણે રાત્રે નવ કલાકે મસલત કરવા બેઠા હતા.

અલફખાં – માધવજી, તમારા ધાર્યા પ્રમાણે કરણ રાજા કેટલું લશ્કર એકઠું કરશે ? પાટણ જતાં સુધી રસ્તામાં કાંઈ અડચણ નડશે કે નહીં ? તે બહાર નીકળીને લડાઈ કરશે કે શેહેરના દરવાજા બંધ કરી કિલ્લામાં ભરાઈ બેશી રહી શેહેર આગળ આપણને રાહ જોવડાવશે ? તમે રાજાની ચાલથી, કિલ્લાની મજબુતીથી, ઈહાંના લોકોની બહાદુરીથી, તથા રાજાના લશ્કર તરફનું કેટલું જોર છે એ સઘળાથી વાકેફ છો, માટે તમારાથી એ ખબર પાકી મળશે.

માધવ – કરણ રાજા મારો કટ્ટો વેરી છે, તેણે મને બધી રીતે પાયમાલ કરી નાંખ્યો છે; તોપણ તે બહાદુર નથી એમ મારાથી કહી શકાતું નથી. રજપૂત લોકોમાં શૂરાતનની કાંઈ કસર હોતી નથી, તે પ્રમાણે કરણમાં પણ શૌર્ય ઘણું છે. તેનામાં ભયનું તો નામ જ નથી, તે ભયને ઓળખતો જ નથી; લડાઈથી તે ઘણો આનંદ પામે છે, અને અગરજો હજુ સુધી તેની હિમ્મત કોઈ પણ લડાઈમાં કસાયલી નથી, અગરજો તેની સઘળી બહાદુરી હજૂ સુધી તેના શબ્દોમાં જ રહેલી છે, કંઈ કામમાં વપરાયલી નથી, તોપણ જ્યારે પ્રસંગ પડશે ત્યારે તે નામરદ ઠરવાનો નથી, તેની બહાદુરીનાં આપણને પણ વખાણ કરવા પડશે. પણ પરમેશ્વરની મેહેરબાનીથી તેનામાં જોઈએ તે કરતાં પણ વધારે શૂરાતન છે તેથી જ્યારે આપણું લશ્કર ગુજરાતમાં પેંસશે, તથા પાટણથી થોડેએક દૂર આવી પહોંચશે, એટલે તે લડાઈ કરવાને એટલો બધો આતુર થઈ જશે કે પાટણનો મજબુત કિલ્લો મૂકી બહાર મેદાનમાં યુદ્ધ કરવાને નીકળશે, એટલે કિલ્લાને ઘેરો ઘાલવાની મહેનત આપણને કરવી પડશે નહી. શેહેર આગળ જરા પણ ખોટી થવું પડશે નહી, તથા અનાજ પાણીની તંગી વેઠવી પડશે નહીં, જે થશે તે લડાઈમાં થશે, જો ઈશ્વરની કૃપાથી લડાઈમાં ફતેહ મળી તો આખો ગુજરાત દેશ જીતાયો એમ જાણવું. લડાઈના કામમાં તે બીજા લોકોની સલાહ માનશે નહીં, તે પોતાના જુસ્સાથી ઘસડાયો જશે, અને અંતે રણસંગ્રામમાં તે માર્યો જશે; અથવા મરણતોલ જખમી થશે ત્યાંસુધી તે લડાઈ બંધ પાડશે નહી. પાટણમાં ઘણાએક શુરા અને શાણા સામંતો છે, વળી તેનો વાણિયો મંત્રી પણ ધૈર્યવાળો તથા અગમ બુદ્ધિમાન છે. તેઓની શિખામણ જો રાજા સાંભળશે તો તે પાટણના કિલ્લામાં જઈને ભરાશે, અને તે કિલ્લો ઘણો જ મજબુત છે, તથા કિલ્લો લેવાનો સામાન આપણી પાસે જોઈએ તેટલો નથી, અને એ રીતે ગુજરાતના સઘળા કિલ્લા એક પછી એક લેવા પડે તો આપણી કમબખ્તી જાણવી; અન્નપાણીની ઘણી ખોટ પડશે, આપણી સાથે જે બોહોળું લશ્કર છે તેને જોઈએ તેટલો ખોરાક પૂરો પડશે નહી, ત્યારે તેઓમાંથી ઘણાએક ભૂખે મરી જશે, અને બીજાઓ એટલા તો નારાજ થઈ જશે કે તેઓને ઈહાં રાખવા ઘણું મુશ્કેલ થઈ પડશે, અને રહ્યા તોપણ તેમનું લઢવા તરફ ઘણું દિલ રહેશે નહી. ગામના લોકો તથા રાજાનું લશ્કર તેઓને હેરાન કર્યા કરશે, અને અંતે કાયર થઈ આપણને ગુજરાત છોડી જવું પડશે, તે વખત પાદશાહના અધીરા તથા ઉતાવળીયા સ્વભાવથી, તેનું ધારેલું કામ પાર પડ્યું નહી તેની નાઉમેદીને લીધે તેને જેટલો ક્રોધ ચડશે તેથી, લશ્કરમાં માણસ તથા પૈસા તરફથી ખરાબી થવાને લીધે પાદશાહના મન ઉપર જે અસર થશે તેથી, તથા પાદશાહનો કોઈ વખત પણ પરાજય થયો નથી, તથા ધારેલું કામ નિષ્ફળ ગયું નથી, છતાં આ વખતે જો તેની હાર થાય તો તેનું નામ તુટી જાય, તેની આબરૂમાં ખલેલ પહોંચે, તેની શક્તિ વિષે તેના તાબાના રાજા ઓના મનમાં હલકા વિચાર આવે, અને તેમ થવાથી રાજ્યમાં સઘળે ઠેકાણે બંડ થાય, અને તે જોઈને કોઈ અમીર અથવા બીજો શખ્સ ઉભો થઈ પાદશાહની ગાદી છીનવી લે, બલકે તેની જીંદગીને પણ નુકસાન લાગે, એ સઘળાં પરિણામો પર નજર પહોંચાડી પાદશાહને કેટલી દિલગીરી થાય તથા તે દુ:ખના આવેશમાં તે જે કરે તેથી આપણને કેટલો ભય લાગવાનું કારણ થઈ પડે તેનો ખ્યાલ માત્ર કરવો. પણ એ સઘળું મારી અલ્પ બુદ્ધિ તથા ટુંકા અનુભવ પ્રમાણે બનવાનું નથી. રાજાનો સ્વભાવ ઘણો હઠીલો છે તેથી તેણે જો એક વાર લડાઈ કરવાનો અને તેમાં પોતાનું શૌર્ય દેખાડવાનો ઠરાવ કીધો તો ગમે તે થશે તોપણ તેમાંથી તે ફરવાનો નથી અને જો એકવાર મેદાનમાં યુદ્ધ થાય તો જય મળવાનો વધારે સંભવ છે, અને તેમ જ થશે તેવી આશા પણ રાખવામાં આવે છે. રાજા જો લશ્કર એકઠું કરવાની ધીરજ રાખે તો ઘણું મોટું જોરાવર સૈન્ય તેની પાસે થાય. બધા મંડળિક રાજાઓ પોતપોતાનાં માણસો લેઈને આવે, પણ હવે આપણે કરણને વખત આપીશું નહીં. આપણે જલદી જલદી કુચ કરી રાજ્યધાનીના શેહેર ઉપર જવું, એટલે તે મંડળિક રાજાઓથી પોતાના સીપાઈઓ એકઠા કરી રાજાને મદદ કરવાનું બની આવશે નહી. કરણ તેઓની રાહ જોવાનો નથી, પોતાની શક્તિ ઉપર તેને એટલો બધો વિશ્વાસ છે તથા આપણા ઉપર તેને એટલો તો ધિક્કાર છે કે તે મદદની રાહ ન જોતાં લડાઈ કરવાને તૈયાર થશે, તેના ઘણાએક મંડળેશ્વર છે તેઓ પોતાના તાબાનાં માણસોને લઈને આવશે, તેમને તથા પોતાના ખાસ લશ્કરને લઈ રાજા લડાઈમાં આવશે. લશ્કરની બહાદુરી વિષે કહેવાની જરૂર નથી. આપણા લશ્કરે રજપૂત સીપાઈઓની સાથે ઘણીએક વખતે યુદ્ધ કીધેલું છે. તેઓની હિંમત, લડવાની રીત વગેરેથી તે સારી પેઠે વાકેફ હશે. બહારથી સહાયતા મેળવવાનો તેને સંભવ નથી. દેવગઢનો રાજા આપણાથી એટલો તો ત્રાસ પામ્યો છે, તથા તેનો એટલી બધી વાર પરાજય થયલો છે કે તે આ વખત માથું ઉઠાવવાની હિમ્મત ચલાવશે નહી. વળી તે આપણા પાદશાહનો ખંડીયો રાજા છે એટલે આપણી સામે થવાનો તેનો ધર્મ નથી. રાજ્યસ્થાનમાંના ઉદેપુર, જોધપુર, અજમેર, ઈત્યાદિ સંસ્થાનોના રાણા, રાજાઓ પોતાના જાતભાઈને મદદ કરવાને આવશે નહીં, જ્યારે ઘોરીશાહે દિલ્હીના પૃથુરાજ ઉપર ચઢાઈ કીધી તે વખતે જેમ બીજા રજપૂત રાજાઓ તેને સહાય થયા હતા તેમ આ વખતે કરણને મેવાડ, મારવાડ અથવા બીજા કોઈ રજપૂત સંસ્થાનના રાજા તરફથી પૈસા અથવા લશ્કરની મદદ મળશે, એવો સંભવ નથી. તે રાજાઓએ સુંઠનો સ્વાદ ચાખ્યો છે. આજ ઘણાંએક વર્ષ થયાં પાદશાહે પોતે જાતે તેઓની સાથે લડાઈ ચલાવી છે, તેમાં તેઓની ઘણી ખરાબી થઈ છે. તેઓ આપણા લશ્કરનું બળ અનુભવથી જાણે છે, તથા તેથી તેઓ ઘણું બીહે છે. વળી કરણને મદદ કરી તેઓ પાદશાહની ઈતરાજી કરાવશે નહી. કરણ પણ એટલો અહંકારી છે, તથા તેને પોતાના બળ ઉપર એટલો વિશ્વાસ છે કે તેઓની સહાયતા માગશે નહી. માગશે તો પણ તે મળવા જેટલો હવે વખત રહ્યો નથી. વળી જો તેઓની મદદથી કરણ જય પામે તો પ્રતિષ્ઠા સઘળામાં વહેંચાઈ જાય, અને થોડો ભાગ જ કરણને મળે. પણ તેમ થાય તેમાં કરણ નાખુશ છે, તેને સઘળી આબરૂ પોતાને જોઈએ છીએ, તેથી તે પોતે એકલો જ વગર મદદે લડશે એવો સંભવ છે. પછી તો શિવજી જાણે, પાટણ જવાના રસ્તામાં કાંઈ હરકત નડે એવું નથી, વચ્ચે કાંઈ મોટા પહાડ અથવા મજબુત કિલ્લા આવતા નથી. દેશ સઘળો પાધર છે. ગામ ઘણાં મોટાં તથા પૈસાવાળાં છે; તથા અન્ન પાણી પણ પુષ્કળ મળશે તેથી રસ્તામાં આપણને કશી વાતની આપદા પડવાની નથી.

માધવની આટલી વાત સાંભળીને અલફખાંનું મન સંતોષ પામ્યું, અને રાત વધારે વહી ગઈ, એમ જાણી માધવને પોતાના તંબુ ઉપર જવાની રજા આપી, તે વખતે છાવણીમાં સઘળું ચુપાચુપ હતું. બીજે દહાડેથી કુચ થવાની હતી, તથા લડાઈનો સમય પણ પાસે આવ્યો હતો એમ જાણીને આગળથી થાક ખાઈ લેવાને ઘણાએક તે દહાડે રોજ કરતાં વહેલા સુઈ ગયા હતા. તો પણ ઠેકાણે ઠેકાણે ચોકીદાર સીપાઈ તાપણાની આસપાસ ઘણાએક ટોળાં વળીને તાપવા તથા વાતચીત કરવા બેઠા હતા, તેઓ સઘળાની વાતનો વિષય ગુજરાત જ હતો. તેઓ જ્યાં જ્યાં ગયલાં ત્યાં ત્યાં જય મેળવેલો, અને કોઈ વખત પણ પોતાનું કામ સિદ્ધ કીધા વિના આવેલા નહીં તેથી તેઓને પોતાના બળ ઉપર જોઈએ તે કરતાં વધારે ભરોસો હતો. માટે આ વખતે ગુજરાત જીતાશે એ વિષે તેઓને જરા પણ શંકા નહોતી. તેઓમાંથી જેઓ ઘણા નિમાજી તથા ધર્માંધ હતા તેઓ ગુજરાત જીત્યા પછી ત્યાંના સઘળા લોકોની પાસે બર હક્ક મનાવવાને એટલા તો આતુર હતા કે તેઓ રાત દહાડો પરમેશ્વરની પ્રાર્થના કર્યા કરતા કે તે સર્વ શક્તિમાન આ કાફર દેશને પાકદીનવાળાના હાથમાં આપે, તેઓના મનનો અંધકાર દૂર કરે, અને તેમાં મુસલમાની ધર્મનું તેજસ્વી કિરણ પ્રકટ કરે, તથા સઘળી મૂર્તિઓ, અને લોકોને અલ્લાતાલાથી દૂર કરવાને સેતાને જે જે તદબીર કીધેલી છે તે સઘળી પાયમાલ થઈ જાય. તેઓના મનમાં દૃઢ વિશ્વાસ હતો કે આ ઉંચી તથા ઉમદા મતલબ પાર પાડવાને જ માટે પરમેશ્વર આપણને ફતેહ આપશે, તથા કાફર લોકોનું જોર તોડી પાડશે, પણ લશ્કરમાં સઘળા લોકો એવા ન હતા. ઘણાએક તો ઘેર ભૂખે મરતા હતા, અને પૈસા લુંટવાના હેતુથી જ તેઓ પોતાનાં બઈરાં છોકરાંને છોડીને આટલે દૂર પોતાનો જાન જોખમમાં નાંખી આવ્યા હતા. તેઓનો વિચાર પૈસા ઉપર જ હતો. રાત્રે તેઓ સુતા ત્યારે સ્વપ્નામાં ગુજરાતના રાજા, વ્યાપારી, તથા બીજા લોકોની અગણિત દોલત તેઓના જોવામાં આવતી. અને સોના, રૂપા, મોતી, તથા જવાહેરના ઢગલામાં તેઓ પોતાના હાથ ઘાલી જેટલું જોઈએ તેટલું તેમાંથી લીધા પછી પાછા દેશ જઈને મોટી હવેલીઓ બાંધવામાં, ગુલામો વેચાતા લેવામાં, ઝનાનામાં ઘણો વધારો કરવામાં, તથા બીજી રસાયત ભોગવવામાં સઘળી દોલત ખરચીશું, એમ તેઓ ઉંઘમાં પણ વિચાર ક૨તા હતા.

ઉપર થયલી સઘળી વાત ઉપર વિચાર કરતો ઘણી ઉદાસ વૃત્તિમાં માધવ પોતાના તંબુ ઉપર જતો હતો. તેણે ત્યાં જઈ સુવાને ઘણાં ફાંફાં માર્યા, પણ નિદ્રા દેવીએ તેના ઉપર મેહેરબાની કીધી નહી. તે બિછાના ઉપર પછાડા મારવા લાગ્યો, અને તેની આખી જીન્દગીનું ચિત્ર એક તખ્તા ઉપર ચીતરાઈને તેની આંખ આગળ આવ્યું, તેને પોતાનાં માબાપ યાદ આવ્યાં, તેની નાનપણની રમત તથા સોબતીઓ અાંખ આગળ આવ્યા; તેની જુવાની થતાં જે જે ઉમેદ તેના મનમાં આવી હતી, તથા જે જે શેખશલ્લીના વિચાર તેણે કીધા હતા તે સઘળા એક પછી એક તેના સ્મરણસ્થાનમાંથી નીકળતા ગયા. તે પાટણમાં આવ્યો તે વખતે નિર્દોષ હતો, અને આ વખતે તેના મનમાં કેટલા ઉલટા સુલટા વિચાર હારબન્ધ આવતા, તથા કેવું ભયંકર તોફાન થઈ રહેલું હતું ? જુવાનીનો રમણિક તથા આશાથી ભરપૂર વખત ગયો તે ફરીથી આવવાનો નથી. પાટણમાં થોડી વાર રહ્યા પછી તેની આશા સફળ થતી ગઈ, તે દરજ્જે ચઢતો ગયો, અને છેલ્લી વારે કરણને ગાદીએ બેસાડીને તેનો મંત્રી થયો, એ સઘળું હમણાં જ બન્યું હોય એમ તેને જણાયું. પછી આફતો આવી પડી, પોતાની પદ્મિની જેવી સ્ત્રી રૂપસુન્દરીને રાજા લઈ ગયો; તેનો નાનો ભાઈ કેશવ તે ગડબડાટમાં માર્યો ગયો; તેની ભાભી ગુણસુંદરી સતી થઈ તથા તે પોતે પોતાનો હોદ્દો છોડી એક ચોરની પેઠે સંતાતો રાજ્ય છોડી ઘણાંએક સંકટ ભોગવી દિલ્હીમાં આવ્યો. દિલ્હીમાં જે બનાવ બન્યો તે, તેની પાદશાહ સાથે મુલાકાત, પાદશાહની ગુજરાત જીતવાની કબુલાત, એ સઘળું તેને એકદમ યાદ આવ્યું ત્યારે તેની છાતી ભરાઈ આવી, અને મનમાં એટલે તે ઉકળાટ થઈ આવ્યો કે તે આ વખતે એક નાના છોકરાની પેઠે મોટે અવાજે પુષ્કળ રડ્યો, પોતાના દેશ ઉપર મ્લેચ્છ લોકોને લઈ આવ્યો તેથી તેના મનમાંનું વેર તો તૃપ્ત થયું, પણ તેના અંત:કરણમાં તેના આવા કામથી ઘણો પસ્તાવો થયાં કરતો, તથા ઘણી જ શરમ લાગ્યાં કરતી હતી. જગતના ઇતિહાસ ઉપરથી જણાય છે કે એ પ્રમાણે કરવામાં માધવ કાંઈ એકલો નહતો. અસલના વખતમાં બ્રિટન દેશમાં વારટિજર્ને જર્મનીથી સાકસન લોકોને, અને સ્પેનમાં કાઉંટ જુલિયને આફ્રિકાથી મુસલમાન સરદાર મુસાને પોતાના રાજા ઉપર માધવન જેવા જ કારણને વાસ્તે વેર લેવાને તેડાવ્યા હતા. તે સિવાય સ્ત્રીહરણને લીધે ઘણાએક માણસોએ, રાજાની ખરાબી કરવા, પોતાના દેહને તથા લોકોને પરાયા લોકોને હાથ તાબે થવા દીધા હતા, પોતાની સ્ત્રીના પતિવ્રતાપણાનું અભિમાન એવું જ હોય છે; તે ભંગ કરનાર ઉપર જુસ્સો પણ એવા જ પ્રકારનો હોય છે, તથા વેર પણ માણસના અંતઃકરણ ઉપર એટલા જ જોરથી અમલ ચલાવે છે. એ સઘળા માણસો પોતાનું વેર લીધા પછી પસ્તાય છે, ત્યારે માધવને ઉપર પ્રમાણે પશ્ચાત્તાપ થાય એમાં શું આશ્ચર્ય ? માણસના મનના બંધારણનો સ્વાભાવિક ધર્મ છે કે જ્યારે કોઈપણ એક વિચાર ઘણો પ્રબળ થાય છે ત્યારે તે બીજી સઘળી વૃત્તિઓને નિર્બળ કરી નાંખે છે. એ વખતે બીજી વૃત્તિઓનું કંઈ ચાલતું નથી, પણ જ્યારે તે બળવાન વિકાર શાંત થાય છે ત્યારે તેનું જોર નરમ પડે છે, અને તેથી તે નીચે બેસે છે, અને બીજા જે વિકારો દબાયેલા હતા તેઓ સઘળા જોર પકડી ઉપર આવે છે, તેણે કરીને તે માણસને પાછળથી ઘણું દુ:ખ થાય છે. એ પ્રમાણે માધવને બન્યું. અને સિદ્ધપુરના રૂદ્રમાળાની પગથાર ઉપર તે રાત્રે ફરતો હતો તે વખત વેરે તેનું મન વશ કીધું હતું અને તેના મનની આંખ આંધળી થઈ હતી, પણ હવે તેની મતલબ પાર પડી, અને રાજા કરણ ઉપર મનમાનતી રીતે વેર લેવાનો સમય પાસે આવ્યો ત્યારે ડાહ્યા વિચારો આવવા લાગ્યા. તેમાનાં આટલી વાર સુધી દેશાભિમાન તથા ધર્માભિમાન દબાઈ ગયાં હતાં, પણ તેઓનો બિલકુલ નાશ થયો ન હતો. હવે જે ગુજરાત દેશમાં તેનો જન્મ થયો, જે દેશમાં તેની બાલ્યાવસ્થા ખુશી તથા આનંદમાં ગઈ, જે દેશમાં તેની જુવાનીમાં તેની ઉગતી આશાની કળીઓ ફુટી, અંતે ફાટીને તે ઉપર ફુલ આવ્યાં, જે દેશમાં તેની ન્યાતજાત, સગાંવહાલાં, એાળખીતા, મિત્રો રહેતા હતા, જે દેશમાં તેણે રાજ્યનો કારભાર ચલાવ્યો હતો, જ્યાંના રહેવાશી પોતાના સ્વદેશી કહેવાતા, જેઓ તેને એક વાર પોતાના પિતા સમાન ગણતા હતા, જેઓનું રક્ષણ કરવું તથા જેઓના સુખમાં વૃદ્ધિ કરવી એ તેનો મુખ્ય ધર્મ છે એમ તે જાણતો, તે દેશ તથા તે રહેવાશીઓનું સ્વતંત્રપણું હરી લેવા, દેશી રાજાને ઉઠાડી મૂકી પારકા રાજાનું રાજ્ય સ્થાપન કરવા, પોતાના દેશીઓને પગે બેડી પહેરાવવા, તથા હમેશ સુધી ગુજરાતને ગુલામગીરીની હાલતમાં નાંખવાનો તેણે ઉપાય કીધો તે વિચારથી તેને મહા કષ્ટ થતું વળી ધર્મ તરફથી પણ તેને થોડો પશ્ચાત્તા૫ નહતો, અગર જો શૈવમાર્ગી તથા જૈનમાર્ગીઓ નિરન્તર લઢી મરતા હતા, અગર જો હિંદુ તથા જૈન લોકોના જુદા જુદા પંથો, ઉંદર-બીલાડીની પેઠે એકેક ઉપર વૈરભાવ રાખતા, તથા જે જોરાવર હોય તે કમજોરને મારવાને પ્રયત્ન કરતા, અગર જો રાજાઓ પોતપોતાના મતથી વિરુદ્ધ માનનારા સઘળા લોકોને ઉપદ્રવ કરતા, તથા જુલમ કરી તેઓને તોડી પાડવાને મહેનત કરતા હતા, તો પણ તે સઘળી જુદી જ વાત હતી. તેઓ સઘળી એક ઝાડની શાખાઓ હતી. પણ હમણાં તો હિન્દુઓના કટ્ટા શત્રુ તુરક લોકો ગુજરાત ઉપર આવેલા હતા, તેઓના ધર્મને ઉપર કહેલા સઘળા ધર્મ સાથે કાંઈ પણ સંબંધ ન હતો; બલકે હરેક ધર્મસંબંધી તથા વ્યાવહારિક બાબતોમાં હિન્દુ તથા મુસલમાન ઉલટા જ ચાલતા હતા. મૂર્તિના નામ ઉપર તેઓને ઘણો દ્વેષ હતો, શિવનું લિંગ, માતાની પ્રતિમા, તથા બીજા હિન્દુ દેવની મૂર્તિઓ, તથા આદિનાથ તથા પારસનાથની મૂર્તિ, એ સર્વે તેઓની નજરમાં સરખી જ હતી તેઓનો મત કુરાન કે તલવાર; અથવા દયા લાવે તો સુન્નત કે જઝિયો. ધર્મ ઉપર તો જુલમ થવાનો જ, અને કોઈ દહાડો તેનો લય પણ થાય. દેવસ્થાનની મસજિદ થઈ જાય; જ્યાં હમણાં ઘંટ વાગતા તથા શંખનાદ થતા ત્યાં કોઈ વખત મુલ્લાં બાંગ પોકારે જે અધિકાર હમણાં બ્રાહ્મણો ભોગવતા તે હવે પછી મુલ્લાં તથા સૈયદ ભોગવે; તથા જ્યાં હમણાં “રામરામ” તથા “શિવશિવ” એ શબ્દ સંભળાતા ત્યાં “ અલ્લા અલ્લા” તથા પેગંબરનું નામ સંભળાય, એ કાંઈ થોડી વાત ન હતી. જે ધર્મમાં માણસ જન્મ્યો હોય, જેમાં તે ઉછર્યો હોય, જેનો ઉપદેશ નાનપણથી તેના કાનમાં પડ્યો હોય, જેમાં તેણે આ લોકની આશા બાંધી હોય, સારાંશ કે જે ધર્મની સત્યતા ઉપર તેને દૃઢ વિશ્વાસ હોય, તે ધર્મ ઉપર તેને પોતાના દેહ જેટલી પ્રીતિ બંધાય છે તે ધર્મને નુકસાન લાગે તો પોતાના શરીરને તેટલું લાગ્યું એમ તે માને છે, અને ઘણેક પ્રસંગે તે ધર્મને વાસ્તે મહાભારત દુઃખ વેઠવાને તત્પર થાય છે, અને કોઈ વાર તે ધર્મને અર્થે પોતાનો પ્રાણત્યાગ કરવાને પણ આચકો ખાતો નથી. માણસના અન્તઃકરણ ઉપર ધર્મની આટલી સત્તા છે ત્યારે માધવને તે વખતે જે કષ્ટ થતું હતું તે કેવળ સ્વાભાવિક જ હતું. વળી લડાઈની આફત તથા ખરાબી સઘળા જાણતા હશે જેઓને તે વીતી નહી હોય તેઓએ તે બાબે સાંભળ્યું હશે, અથવા તેઓ કલ્પના કરી શકતા હશે. આવા સુંદર રળિયામણા તથા ફળવાન ગુજરાતને ઉજજડ કરી નંખાવવું, તેના રહેવાશીએાને કતલ કરાવવા, તથા લોકોનું જે દ્રવ્ય તથા મૂલ્યવાન વસ્તુઓ તેઓએ શ્રમ કરી મેળવ્યાં હોય તથા ઘણું જતન કરી જાળવ્યાં હોય તે સઘળાં પારકે હાથે લુંટાવા દેવાં, તથા તે સિવાય બીજી ઘણીક આફતો જે લડાઈથી દેશ ઉપર પડ્યા વિના રહેતી નથી તે સઘળી ગુજરાત ઉપર લાવવામાં સાધન થવું, એ વિચારથી જ માધવને ઘણી બેચેહેની થતી હતી, તથા તેની નિદ્રાનો અટકાવ થતો હતો.

સવાર પડી એટલે છાવણીમાં ગરબડાટ થઈ રહ્યો. સઘળાં કુચ કરવાને તૈયાર થયા, અને સૂર્ય ઉગ્યા પછી તુરત લશ્કર આગળ ચાલ્યું. શત્રુનાં લાખો માણસો એ પ્રમાણે ગુજરાત ઉપર તીડનાં ટોળાંની પેઠે પડ્યાં, અને તે નુકશાનકારક જીવડાંની પેઠે તેઓના રસ્તામાં જે કાંઈ આવ્યું તેને ખરાબ તથા પાયમાલ કરતા ગયા. તે વખતે હોળીના દહાડા હતા. શિયાળો અને ઉનાળો દેશપર સત્તા ચલાવવાને લડી મરતા હતા, અને લડી લડીને થાકીને તેઓએ સમાધાન કીધું હોય એમ જણાતું હતું. દિવસે ઉનાળાનો તથા રાતે શિયાળાનો અમલ ચાલતો હતો. ખેતરમાં રવી, એટલે શિયાળાનો પાક હતો તેની કાપણી કરવામાં આવી હતી, અને તેથી તેમાં ખુંપરા સિવાય બીજું કાંઈ જોવામાં આવતું ન હતું. ખેડુત લોકો પોતાની મેહેનતથી પરવારેલા હતા, તથા ખળીમાંના અનાજની પણ ધારાપ્રમાણે વહેંચણ થઈ હતી. આંબાના ઝાડો ઉપર મોર આવેલા હતા, તથા તે ઉપર કોયલ મધુરા સ્વરથી વસંતઋતુને આદરમાન આપતી હતી. ગામોમાં છોકરાં મોટેથી અપશબ્દો બોલીને તથા નિર્લજ ચાળા કરીને હોળી માતાને પ્રસન્ન કરવાનો યત્ન કરતાં હતાં, તથા મોટી ઉમરના માણસો પણ ઘણીવાર તે છોકરાએાની સાથે હોળીની બેશરમ રમતમાં સામેલ થતા હતા. ઘણે ઠેકાણે ફાગ ખેલવાને કેસુડીના ફુલનો રંગ, ગલાલ, અબીલ, ઈત્યાદિ તૈયાર કરી રાખ્યાં હતાં. પણ તે વર્ષે ગુજરાતમાં તેના એક બાળકના કૃત્યથી જુદી જ રીતની હોળી ખેલાવાની હતી. હોળી માતાને આ વખતે ઘણી ભૂખ લાગી હતી, અને તે શાંત કરવાને હજારો માણસનો ભક્ષ લેવાનો મનસુબો તેણે કીધો હતો. જ્યાં લોહી જેવા રાતા રંગના પ્રવાહની રેલ ચાલવાની ત્યાં કેસુડીના રંગની શી જરૂર ? તથા ગુલાલ અબીલ શા કામનાં ! આ વર્ષે કાંઈ સ્ત્રીપુરૂષ હેતથી ફાગ ખેલવાનાં ન હતાં, તેને બદલે લાખો હિન્દુ તથા મુસલમાન સામસામા આવી એક ભયંકર હોળી રમવાના હતા. તેમાં પ્યારને બદલે દ્વેષ, તથા મોહને ઠેકાણે વેર હતું. હોળીના ઉત્સવના દિવસ આવ્યા જાણી લોકોમાં જે આનંદ ઉપજવો જોઈએ તેને બદલે આ વખતે તે તેઓના હૈયામાં ભડભડ હોળી બળવા લાગી હતી. શત્રુનું લશ્કર પાસે આવતું સાંભળીને, તથા કરણ રાજાએ પોતાનું સૈન્ય તૈયાર કરવા માંડ્યું તે જોઈને, જ્યાં ત્યાં સઘળે ઠેકાણે હાહાકાર થઈ રહ્યો હતો. શહેરના તથા ગામોના દરવાજા દિવસને વખતે પણ બંધ રાખવામાં આવતા હતા; ઢોરોને શેહેર તથા ગામોની માંહે ચરાવવા માંડ્યાં હતાં; સઘળા મરદો લડવાને અથવા ન્હાસી જવાને તૈયાર થઈ રહી બુકાની બાંધીને ફરવા લાગ્યા હતા; સઘળાં સ્ત્રીપુરૂષો ઘણાં દુ:ખી તથા ચિન્તાતુર દેખાવા લાગ્યાં હતાં. ગામડાંના લોકો પોતાનું અનાજ તથા જે થોડા ઘણા પૈસા હતા તે સઘળા દાટીને, તથા કુવા અને વાવો બની શકે તેટલાં પુરી નાંખીને, પોતાનાં ગામ ઉજડ કરી આગળ ચાલ્યા જતા હતા. એ રીતે જેમ જેમ પાદશાહી લશ્કર આવતું ગયું તેમ તેમ નાસતા લોકોનો સમુદાય વધતો ગયો. બાળક, જુવાન, અને ઘરડા, સ્ત્રીઓ, તેમ જ પુરૂષો, પોતાનાં પ્યારાં ગામોને બળતાં જોતાં, રડતાં તથા શોક કરતાં આગળ ચાલતાં. તેઓમાંથી ભુખ, તરસ તથા પૈસાની તંગી અને એવાં બીજાં કારણેથી રસ્તામાં સેંકડો મુડદાં થઈ અથવા માંદાં થઈ પડતાં, અને પાછળ શત્રુ પાસે જ હોવાથી તેઓને તેમનાં તેમ મુકી બીજાં પાટણમાં જલદીથી જઇ પહોંચવાને દોડાદોડ કરી રહ્યાં હતાં. જેઓ રાજાના લશ્કરમાં લડવાને ગયા હતા તેઓ પણ ઘણા જ દુઃખનું કારણ થઇ પડ્યા હતા. કોઇ ઘરડી ડોશી જેનો એકનોને એક છોકરો લડાઈ ઉપર ગયો હતો તે જીવતો પાછો આવશે કે નહીં એ શંકાથી તે બિચારી નિરંતર રડ્યાં જ કરતી, તથા તે મરશે તો તેનું આવી દુર્બળ અવસ્થામાં કોણ ગુજરાન કરશે; એ દુઃખથી તેનું અન્તઃકરણ વીંધાઈ જતું હતું. કેટલાએક તે ડોસાડોશીઓની ઘડપણની લાકડી તથા આંધળાની આંખ જેવા છોકરા લડવા ગયેલા તેથી તેઓ બિચારાં ઘણાંજ શોકાતુર દેખાતાં હતાં. કેટલીએક સ્ત્રી પોતાના ભાઇભત્રીજા વગેરેને વાસ્તે દુઃખ કરતી હતી. કેટલીએક જુવાન સ્ત્રીઓ જેઓ તુરત પરણી હતી, જેઓએ સંસારનું સુખ માત્ર ચાખવા માંડ્યું હતું, જેઓ ધણીધણીઆણીને સાંકળી દેનાર છોકરાંરૂપી બંધનથી બંધાયાં ન હતાં, જેઓની દુનિયાની ખુશી હજી ઉગતા સૂરજની પેઠે ક્ષિતિજમાં જ હતી, જેઓની સંસારને લગતી હજારો આશાઓ મનમાં જ ફક્ત રહેલી હતી, તે સ્ત્રીઓના ભર્તાર લડાઈ ઉપર ગયેલા તેથી તેઓના ભવિષ્ય ઉપર એક અન્ધારો પડદો વળ્યો, તેઓની આશા મનમાં ને મનમાં જ રહી ગઈ, તથા તેએાના સુખના સૂરજ ઉપર એક મોટું વાદળું ફરી વળ્યું હતું. બીજી કેટલીએક કન્યાઓ જેઓ હજી પરણેલી ન હતી, પણ જેઓના ધણી નક્કી થયલા હતા, તેઓ જ્યારે હસ્તમેળાપ કીધા વિના મ્લેચ્છ તુરકડા સાથે તલવારની રમત રમવા ગયા, ત્યારે તે બિચારી અબળાના દુઃખનો કાંઈ કાંઠો જ ન હતો. તેઓનું સંસારી સુખ તો સ્વપ્નામાં જ આવ્યું અને ગયું; તેઓની પ્રીતિની ઉગતી કળીઓ લડાઇરૂપી હિમ પડવાથી બળી ગઈ; તેઓની આગળની આશા તો ભવિષ્ય ઉપર રહી, અને હવે પછી તેઓનું શું થશે તેની વાંચનારાઓએ જ કલ્પના કરી લેવી. સુખમાં એ પ્રમાણે ભંગાણ પડ્યું, સુખદાયક તડકામાં એકાએક વાદળ ચઢી આવ્યું, અને ભયાનક વીજળી તથા ગડગડાટ સહિત વરસાદનું એક મોટું ઝાપટું આવવાનો સમય આવ્યો.

હવે પાટણ શહેરમાં કેવી ગડમથલ થઈ રહી હતી તે ઉપર આપણે નજર કરીએ. લશ્કરમાં જેઓ ગયા હતા તેઓનાં માબાપ, છોકરાં, ધણિયાણી તથા બીજાં સગાં સમ્બન્ધીએાને ઉપર બતાવ્યા પ્રમાણે દુ:ખ થયું હતું. મોટા મોટા વેપારીઓ જેએાએ છળભેદથી તથા હિમ્મત ચલાવી સાત પેહેડી સુધી પહોંચે એટલું ધન ચાંચવે પાવડે ઉસેડ્યું હતું, તે ધન જોઈને તેઓની આંખમાંથી આંસુની ધાર ચાલતી, અને તેનું શું થશે તે બાબત તેઓ મહા ફિકરમાં પડ્યા હતા. તેઓએ ભોંયમાં મોટા ખાડા ખોદીને સઘળી તેઓની દોલત દાટી, અને આગળ શું થાય છે તેની રાહ જોતા બેઠા. સઘળા નાના વેપારીઓએ પણ એ જ પ્રમાણે કીધું. દુકાનદારો પોતપોતાના દેવની ભક્તિ કરવા લાગ્યા, અને મ્લેચ્છ શત્રુનો એકદમ નાશ થાય, રાજાનો જય થાય, ધર્મનું રક્ષણ થાય, અને ગુજરાતનું દેશી રાજ્ય કાયમ રહે, તેને માટે ધર્મને લગતા હજારો ઉપાયો સઘળા કરવા મંડી પડ્યા હતા. એ પ્રમાણે સઘળા લોકોમાં ચિન્તા પથરાયલી હતી, તોપણ શેહેરમાં કેટલાએક લોકો ઘણા આનંદમાં દેખાતા હતા. જેઓની પાસે કાંઈ નહતું, એટલે જેઓને લુંટાવાનો કંઈ ભય નહતો, જેઓને આવી ઉથલપાથલમાં ઘણો લાભ મળવાની ઉમેદ હતી, તથા જેઓ દેશની દોલત સામાન્ય મિલકત માનતા, અને પારકા તથા પોતાનામાં કાંઈ ભેદ ન ગણતા, જેઓ વગર મહેનતે પોતાનું ગુજરાન ચલાવતા, તથા મધપુડારૂપી જગતમાં આળસુ મધમાખીઓની પેઠે બીજાનું મેળવેલું મધ પોતે ખાઈ જતા, તેઓને આ વખતે ખુશીનો કંઈ પાર જ ન હતો. તેઓની તો ખરી મોસમ આવી હતી, અને તેનો લાભ લેવાને તેઓ તૈયાર થઈ બેઠા હતા. શહેરમાં આસપાસનાં ગામોના લોકો આવી ભરાયા હતા, તથા સઘળું લશ્કર પડ્યું હતું તેથી તેમાં તલ પડે એટલી જગા રહેલી નહતી. ઘણાએક લોકો મેદાનમાં પડ્યા હતા, કેટલાએક લોકો માંડવા બાંધીને તેમાં રહ્યા હતા, અને કેટલાએકે ઘણાં ભારે ભાડાં આપી ઘરો લીધાં હતાં. સઘળા લશ્કરને ડેરાતંબુઓ તાણીને તેમાં રાખેલું હતું. એ પ્રમાણે પાટણ સઘળું ખીચોખીચ ભરાઈ ગયું હતું. તે સઘળાઓને ખાવાનું જોઇએ તેથી સઘળી ખાવાની જણસોનો ભાવ ઘણો જ વધી ગયો હતો, અને તેને લીધે બીજી સઘળી વસ્તુઓ પણ તેવી જ મોંઘી વેચાવા માંડી હતી. એવી મોંઘવારીને લીધે ગરીબ લોકો ઘણું દુઃખ પામવા લાગ્યા, અને કેટલાએક ભુખથી મરવા જેવા થયા. દુઃખના ઢગલા ઉપર ઢગલા વળ્યા, તેથી સઘળા લોકો લડાઈનો જેમ બને તેમ જલદીથી અંત આવે તે જોવાને ઘણા આતુર હતા.

દરબારમાં પણ ખળભળાટ થઈ રહ્યો હતો. સઘળા મંડળેશ્વરો પોતપોતાના તાબાનાં માણસો લઇને આવ્યા હતા. મંડળીક રાજાઓને મદદ લઇ આવવાને જાસુસો મોકલ્યા હતા; પણ તેઓને આવતાં વાર લાગશે એમ જાણીને તેઓની તરફથી રાજાએ ઘણો ભરોસો રાખ્યો ન હતો. બહારના જુદા જુદા સ્વતંત્ર રાજાઓના સંધિવિગ્રહિક લોકોએ પોતાના રાજાઓને લખવાને કબુલાત આપી હતી; પણ એવા સાતપાંચની મદદથી લડાઈમાં જય મેળવવો એમાં કાંઈ પ્રતિષ્ઠા નહી, તેમ જ લડાઈમાં બહાદુરી બતાવી પોતાનું નામ અમર કરી લેવાની કરણ રાજાની ઇચ્છા હતી, અને જો બહારથી સહાયતા આવે તો તે ઇચ્છા પાર પડે નહી, તેથી તે સંધિવિગ્રહિક લોકોનો ઉપકાર માની તેઓની તરફની મદદ લેવાની તેણે ના કહી હતી. રાજા કરણ ઘણા જ ઉમંગમાં હતો. તેની સર્વ શક્તિઓ જે આજલગી વાપરવામાં ન આવ્યાથી નિદ્રાવશ થઈ ગઈ હતી, તે સઘળી હવે જાગૃત થઈ. રાજ્યકારભારમાં તેની સુસ્તી જણાતી હતી તે હવે ઉડી ગઈ. જેમ માછલી પાણીમાં, પક્ષી હવામાં, તથા ભૂચર પ્રાણીઓ જમીન ઉપર જ પોતપોતાનું બળ બતાવી શકે છે, પણ તેઓને તેમની નીમેલી જગામાંથી બહાર કાઢ્યાં એટલે તેઓ નિર્બલ દેખાય છે, તેમ જ્યારે હમણાં લડાઈનો પ્રસંગ આવ્યો ત્યારે જ કરણ રાજાનું ખરું રૂપ પ્રકાશી નીકળ્યું. તેણે લડાઈની સર્વ તૈયારી ધમધોકારે કરવા માંડી, અને તે કામમાં તેણે આખો દહાડો અને રાતનો ઘણોએક ભાગ જાતે મહેનત કીધી, પછી મુસલમાન લોકોનું લશ્કર પાટણની પાસે આવતું જાય છે એમ જાણી તેઓની સાથે લડવા જવાને શહેરમાંથી જલદી કુચ કરવી એવો તેણે ઠરાવ કીધો, પોતાનો મનસુબો અમલમાં લાવતાં પહેલાં તેણે પોતાના સઘળા મંડળેશ્વર તથા મુખ્ય સામંત સરદારોની એક સભા કીધી, તેમાં કેવી રીતે લડાઈ કરવી, તથા રાજ્યનો બચાવ શી રીતે કરવો તે વિષેનો પ્રશ્ન કીધો. તે વખતે સઘળા વૃદ્ધ અને શાણા સરદારોએ તેને સલાહ આપી કે મંડળીક રાજાઓ પોતપોતાનાં લશ્કર લઈને આવે ત્યાં સુધી આપણે પાટણના કિલ્લામાંથી બહાર જવું નહી; એટલા વખતમાં મુસલમાનોનું લશ્કર આવશે; અને શેહેરને ઘેરો ઘાલશે, તો તેઓનો નિશ્ચય નાશ થયો એમ જાણવું. જ્યારે મંડળીક રાજાઓ આવી પહોંચશે ત્યારે તેઓ પાછળથી તેઓના ઉપર હુમલો કરશે, તે જ વખતે આપણે પણ કિલ્લામાંથી નીકળીને આગળથી તેમના ઉપર હુમલો કરીશું, જ્યારે એ પ્રમાણે તેઓ બન્ને તરફથી સપડાશે ત્યારે તેમને બચવું ઘણું મુશ્કેલ થઈ પડશે, અને તેઓ સઘળા નક્કી માર્યા જશે. જો કદાચ આપણી તેમાં હાર થઈ તોપણ પાછાં કિલ્લામાં ભરાઈ જવું બની આવશે. અને ત્યાં રહી આપણે તેઓને થકવી નાંખીશું. તેઓનું લશ્કર મોટું છે ખરૂં, પણ તેઓની પાસે મજબુત તથા મોટા કિલ્લા લેવાનો જોઈએ તેવો તથા તેટલો સામાન નહીં હશે, તેમ એટલા બધા માણસોને ઘણા દહાડા સુધી ખોરાક પણ પુરો પાડી શકાશે નહી, તેથી તેઓના માણસોમાંથી કેટલાએક ભુખે મરી જશે, અને બીજાએ નાહિંમત થઈ જશે, અને અંતે નિરાશ થઈ તેઓને દેશ છોડી જતાં રહેવું પડશે, એવી અમારી સઘળાની સલાહ છે.

આ વિચાર કરણ રાજાને જરા પણ ગમ્યો નહી, તે બોલ્યોઃ “તમારી સલાહ ઘણી ડહાપણ ભરેલી તથા ફાયદામંદ છે ખરી, પણ તે પ્રમાણે ચાલવું આપણા લોકને યોગ્ય નથી. શું આપણે બાયડીઓની પેઠે ઘરમાં ભરાઈ બેસીએ ? શું લડાઈમાં જીતવા જેટલું આપણામાં સામર્થ્ય નથી? જો કદાપિ આપણો એક લડાઈમાં પરાજય થાય તો પણ શું આપણે એવા નિર્બળ થઈ જઈશું કે તેઓની સાથે બીજી લડાઈ કરી શકીશું નહી ? શું રજપૂતોમાંથી પાણી ગયું ? શું તેઓનું શૂરાતન ડુબી ગયું ? શું તેઓ ઘાસ ખાય છે? શું આપણે આળસમાં પડી વાણિયાવેપારીએ જેવા કાયર થઈ ગયા ? આપણી આગળના રાજાએાએ જે શૌર્ય દેખાડ્યું છે તે સઘળું શું વ્યર્થ સમજવું? જો આપણે ક્ષત્રી થઈને રાંડીરાંડ ડોશીની પેઠે ખુણો પકડી બેસીએ તો આપણે પુરૂષ નહી પણ વ્યંડળ જાણવા. રજપૂતોએ શત્રુથી બીહીવું ! એમ કદી થાય નહી, શુર સામંત સરદારો ! આજ તમારી અક્કલ ઠેકાણે નથી, તમે તમારી સ્ત્રીઓની મસલત લીધી હશે, નહી તો રજપૂત થઈ આવાં વચન તમે બોલો નહીં. એ ચંડાળ લોકો એ વગર કારણે એક બ્રાહ્મણના કહેવાથી સુતો સિંહ જગાડ્યો છે, તેઓએ સાપના મ્હોંમાં હાથ ઘાલ્યો છે, કાળને ખીજવી બોલાવ્યો છે, અને મોત પિતાને હાથે માગી લીધું છે, તેઓને દટાવાને પોતાના દેશમાં જગા ન મળવાથી આપણે ઈહાં આવ્યા છે, માટે હવે કાગડા, સમડી, તથા ગીધને મોટી ઉજાણી મળશે, તેઓનું આપંણાં ખેતરો તથા વાડીઓમાં સારૂં ખાતર બનશે, અને વળી આવતે સાલ જ્યારે પાક સારો થશે, ત્યારે તેઓને મારવાને જ જાણે પરમેશ્વરે મોકલ્યા એમ માની ખેડુતે ભગવાનને પાડ માનશે. માટે લડવું ને લડવું. કિલ્લામાં ભરાઈ બેસવું નહી, પણ આપણી તલવાર ઉપર તથા સત્યતા ઉપર ભરોસો રાખી રણસંગ્રામમાં ઉતરવું, પછી જે થાય તે ખરું. બાયડીઓની રીત પકડી જીતવું તે કરતાં લડાઈમાં પડવું એ લાખ દરજજે સારૂં છે.”

સામંતોએ રાજાની સઘળી વાત સાંભળી લીધી, તેઓ પણ રજપૂત હતા, તથા તેઓમાં હિંમતની કાંઈ કસર ન હતી, તેથી તેઓનું લોહી પણ લડાઈની વાત સાંભળીને ઉકળી આવ્યું, અને તેએાની તરફથી હરપાળ ઘણા જુસ્સામાં બોલી ઉઠયો: “રાજાધિરાજ ! તમારી સાથે રણસંગ્રામમાં આવવાને અમને જરા પણ ડર નથી, તેમ કરવામાં અમને ઘણી ખુશી છે, પણ જે કામ કરવું તેમાં પાછળથી દુનિયા આપણ સઘળાને મૂર્ખ કહે એ વાતનો વિચાર કરવો જોઈએ. શત્રુની સામે વર્તવાને હિંમતની સાથે ડહાપણ પણ જોઈએ. લડાઈ કરવામાં કાંઈ હરકત નથી; પણ ન કરે નારાયણ ને જો તેમાં આપણે હાર્યા, અને બીજી વાર લડવાની આપણામાં શક્તિ રહી નહી, તો એક સપાટામાં આખું રાજ્ય આપણા હાથમાંથી જતું રહે, અને પછી ગુજરાતના લોકો સદા આપણી કસુર કાઢે, તથા નિરન્તર આપણી નિંદા કર્યા કરે તે ઉપર વિચાર કરી અમે સલાહ આપી. પણ જો તમને તે પસંદ ન હોય, જો તમારી મરજી મેદાનમાં તેઓની સાથે યુદ્ધ કરવાની હોય, તો અમે સઘળા તૈયાર છીએ. જોશીઓને બોલાવી મુહૂર્ત પૂછવું, અને શુભ દિવસે અત્રેથી કુચ કરવી. અંબામા તથા તેત્રીશ કરોડ દેવતાઓ આપણને સહાય થશે.” એમ કહી તે જોરથી ખંખાર્યો તથા સઘળાએાએ પોતપોતાની મુછ ઉપર તાલ દીધી.

જે દહાડાનું જોશીએાએ મુહૂર્ત આપેલું હતું તે દહાડે સવારે રાજા ટોપ તથા બખતર સજીને તથા લડાઈનાં સઘળાં શસ્ત્ર બાંધીને તૈયાર થયો. સઘળા સરદાર તે જ પ્રમાણે તૈયાર થઈ ઉભા રહ્યા. રાજ્યગોરે રાજાને કપાળે ટીલું કીધું, તથા આશીર્વાદ દીધો. ભાટ લોકો રાજાના મનમાં શૂર ચઢાવવાને કવિત બોલવા લાગ્યા. બારણા આગળ મોતીના સાથિયા પુરાયા ચોગાનમાં સઘળું લશ્કર તૈયાર થઈ ઉભું રહ્યું, દશ હજાર સવાર, પાંચસે હાથી, વીશ હજાર પાયદળ, પાંચસે રથ, એટલાં લડવાનાં સાધન હતાં. કરણ રાજા જ્યારે પોતાના કવચવાળા હાથી ઉપર સવાર થયો, ત્યારે જયજયકારનો નાદ થઈ રહ્યો, શંખનાદ જોરથી થયો; નોબત ગરગડી તથા બીજાં રણસંગ્રામનાં વાજીંત્રો વાગ્યાં. રાજા તથા લશ્કરને જોવાને શેહેરમાં લોકોની અથાગ ભીડ થઈ હતી. તેઓ સઘળા લડાઈના પરિણામને વાસ્તે ઘણા ચિન્તાતુર દેખાતા હતા. રાજાનું સૈન્ય આટલું થોડું જોઈને તેઓને ઘણો ભય લાગતો હતો, અને જેમ હાથીઓના ટોળામાં એક વાઘના બચ્ચાનું અંતે કાંઈ ચાલે નહી, તેમ એ સૈન્ય આખરે કપાઈ જશે, એવી દહેશત લોકોને રહેતી હતી. તો પણ શુરા કરણ રાજાને જોઈને તેઓને ઘણો ઉમંગ આવ્યો. તેનો સાદો લડાઈનો પોશાક તથા શૂરથી ભરપૂર આંખ જોઈને તેઓ સઘળા ઈન્દ્રજીત અથવા અર્જુન જોડે તેનો મુકાબલો કરવા લાગ્યા. રસ્તામાં તેના ઉપર ફુલ તથા ફળની વૃષ્ટિ તેએાએ કીધી. તેના હાથી આગળ ફુલ વેરાતાં ગયાં, તથા તેના જયને વાસ્તે સઘળા લોકોના આશીર્વાદ સહિત, કરણ રાજા શેહેરની બહાર નીકળ્યો. એ પ્રમાણે રાજાએ એક દહાડામાં ઘણા દહાડાનાં તેનાં કામોથી થયલી લોકોની અપ્રીતિ દૂર કીધી. શૌર્ય એ ઘણો વિચક્ષણ ગુણ છે. હજારો અવગુણને ઢાંકી નાંખે છે. અંગબળ તથા હિમ્મતથી લોકો એટલા સાનંદાશ્ચર્ય પામે છે કે એ ગુણ સિવાય બીજા તેઓની નજરમાં આવતા જ નથી. જગતમાં જે જે શૂરા પુરૂશોએ પોતાની બહાદુરીથી દુનિયામાં માત્ર ખરાબી જ કીધી છે તેઓનાં નામનો નાશ થવાને બદલે તેઓ અમર રહી ગયા છે, અને જગતના મહાન ખુનીઓ કેટલાએક દેવની પેઠે પૂજાય છે, અને કેટલાએકનાં નામ દુનિયામાં દીવા જેવાં થઈ પડ્યાં છે. કરણ રાજાએ પોતાના લશ્કર સહિત છાવણી કીધી, તેની બે બાજુએ પહાડ હતા, અને પાછળથી નદી વહેતી હતી. એવે ઠેકાણે સઘળું લશ્કર ગોઠવીને લડાઈની રાહ જોતો તે ત્યાં રહ્યો. ત્રીજે દહાડે મુસલમાન લશ્કર આવી પહોંચ્યું, અને કરણનું લશ્કર ક્યાં પડયું છે તેની અલફખાંને આગળથી ખબર મળી હતી તેથી તે પણ પોતાના લશ્કરની ગોઠવણ કરી લડવાની તૈયારી કરી આવેલો હતો. બપોરની વખતે બંને લશ્કર સામસામાં થયાં. મલેચ્છનું લશ્કર દશગણું મોટું જોઈને રજપૂત સિપાઈએ જરા નાહિંમત થયા, અને એ ભય તેઓમાં કાયમ રહેશે તો લડાઈમાં ઘણાં માઠાં પરિણામ થશે એમ જાણી કરણ આગળ નીકળ્યો, અને સઘળા સિપાઈઓની આગળ તેણે નીચે પ્રમાણે ભાષણ કીધું –

“આજે દાનવો તથા માનવોની વચ્ચે યુદ્ધ થવાનો પ્રસંગ આવ્યો છે, તેમાં દાનવો બળવાન દેખાય છે, તથા તેઓની સંખ્યા ઘણી જ વધારે છે; તો પણ તે દુષ્ટ લોકોને ભગવાન સહાય થશે, એમ તમારે કદી ધારવું નહી. જગતમાં સત્ય છે તે જ ઈશ્વર છે, અને સત્ય આખરે જય પામ્યા વગર રહેતું નથી. એ મ્લેચ્છ તુરકડા લોકોનાં આયુષ્યની દોરી તુટવાનો વખત આવ્યો હશે ત્યારે જ તેઓ ન્યાયાન્યાય વિચાર્યા વિના પારકા દેશને ઉજડ કરવાને મોટું લશ્કર લઈને આવ્યા છે, પણ પરમેશ્વરની કૃપાથી તેઓમાંનો એક પણ તેના સોબતીએાના સમાચાર કહેવાને પાછો પોતાને દેશ જનાર નથી. સત્ય આપણી તરફ છે તેથી પરમેશ્વર પણ આપણા જ પક્ષમાં છે, એમ જાણવું. રણસંગ્રામમાં કેમ લડવું એ રજપૂતોને કહેવાની જરૂર નથી. આપણે સઘળા ક્ષત્રીવંશના છીએ. આપણા વૃદ્ધોએ મોટાં મોટાં યુદ્ધો કીધેલાં છે. કુરૂક્ષેત્રની લડાઈમાં અઢાર દિવસ સુધી લઢ્યા છે તેઓના શુરાતનની કીર્તિ આખા જગતમાં પથરાયેલી છે. તે રજપૂતો પોતાના બાપદાદાનાં નામ બોળી આવા રાની સિપાઈઓથી બીહીશે, એવો જરા પણ સંભવ નથી. આપણે આ સમયે આપણા વહાલા દેશને સારુ લડીએ છીએ, આપણી જાતને વાસ્તે, આપણા ઘરને વાસ્તે, આપણાં બઈરાંછોકરાંને વાસ્તે, આપણી સ્ત્રીઓના પતિવ્રતપણાના રક્ષણને અર્થે, આપણા અનાદિ ધર્મના બચાવને સારુ, આપણને જે જગતમાં વહાલામાં વહાલું છે તેને વાસ્તે યુદ્ધ કરીએ છીએ. એ વાત લડતી વખતે સઘળા મનમાં રાખજો. મરવું તો એક વાર છે જ, માટે રણસંગ્રામમાં શા માટે મોતથી બીહીવું? હું આકાશ તરફ જોઉં છું ત્યારે અપ્સરાઓ શૂરા રજપૂતોને વરવાને ફુલની વરમાળા હાથમાં લઈ તૈયાર થયલી મારી નજરે પડે છે. ખોપરીઓનો હાર કરવાને શિવજી પોતે પધારેલા છે, તથા તેના અગણિત ગણો, ભૂત, પિશાચ, વગેરે મોટી ઉજાણી કરવાને આવેલા છે. જોગણીઓ લોહી પીવાને ઉભી રહેલી છે. દેવતાઓ લઢાઈનું પરિણામ જોવાને તત્પર થઈ રહેલા છે. એ સઘળાઓની સમક્ષ આપણે લડીએ છીએ, તેઓની આંખ આપણી ઉપર છે; માટે રે શૂરા રજપૂતો ! તમારા ક્ષત્રી નામનું આજ સાર્થક કરો. કોઈ વખતે કુતરાએ વાઘને હરાવ્યા હશે, પણ તે તો ચમત્કાર જાણવો, એવું કાંઇ હમેશાં બનતું નથી. માટે ધૈર્ય ધરીને આજ એ ચંડાળ શત્રુઓના કાપી કકડે કકડા કરો; અને તેમ કરી આખા ભરતખંડમાંથી એ તુરકડાઓનો ભય મટાડો.

રાજાનું આવું ભાષણ સાંભળી સઘળા સિપાઇઓને આવેશ આવ્યો અને તેના જવાબમાં એક મોટો પોકાર કરી તેઓએ આખી રણભૂમિ ગજાવી મુકી. તે સાંભળી સઘળા તુર્ક સિપાઈઓ થરથર ધ્રુજવા લાગ્યા. આ વખતે તેઓને હિંમત આપવાને અલફખાં આગળ આવ્યો ને બોલ્યો: “પાકદીનના સિપાઈઓ ! તમે સઘળા પોતાનાં ઘર તથા કુટુમ્બીઓ મુકીને દૂર દેશ આવ્યા છો, તેમ કરવાની મુખ્ય મતલબ બે છે. પહેલી અને સઘળાથી અગત્યની તો એ કે કાફર લોકને ખરા દીનમાં લાવવા, તેઓનાં દેહેરાં તોડી પાડી ત્યાં મસજિદો બાંધવી, તેઓની મૂર્તિઓ ભાંગી નાંખવી, અને “લાઈલાહા ઈલ્ઉલ્લાહ્ મહમ્મદુર્ રસૂલ અલ્લાહ્”નો કલામ સઘળે પથરાવવો. બીજી મતલબ આપણું રાજ્ય વધારવું, આપણી કીર્તિ ફેલાવવી, આપણા પાદશાહની આબરૂ વધારવી તથા આપણી દોલતમાં વધારો કરવો. એ બે મતલબ પાર ન પડે, જો અલ્લાતાલ્લાના હુકમથી આપણી હાર થાય, તો નાસવાની કાંઈ જગા નથી એમ તમારે નક્કી જાણવું. આ ઠેકાણે જીતવું કે મરવું. નાસવાનો કાંઈ લાગ નથી, અને નાસવું શા સારૂ ? શું આપણા સિપાઈઓએ કોઈ ઠેકાણે હાર ખાધેલી છે? શું કાફરોને આપણે હજારો લઢાઈમાં હરાવ્યા નથી ? ત્યારે આ વખત શા સારૂ બીહીવું ? શું કુતરાના ભસવાથી વાઘ ડરે છે ? કદી નહી. માટે રે બહાદુર સિપાઈઓ, આ મુડદાં જેવા લોકો તમારી સામા મરવા આવ્યા છે તેઓને ભાતનાં છાલાંની પેઠે ઉડાવી દો, અને તેઓનો દેશ સર કરી તેઓની અગણિત દોલત તમારે વાસ્તે લઈ લો. જો જો સિપાઈઓ ! ઉપરથી અલ્લાતાલ્લા તથા હઝરત પેગંબર સાહેબ તમારી લડાઈ જોય છે, સઘળા ફિરસ્તાઓ આપણને મદદ કરવાને આવ્યા છે, માટે તેએાએને એબ લાગે એવું કામ આજ કરશે તો કયામતને દહાડે તમારા હાલ ઘણા જ બૂરા થશે.”

મુસલમાન સિપાઈઓનો ધર્મસમ્બન્ધી જુસ્સો બહાર નીકળ્યો તેથી તેઓ “અલ્લા હુ અકબર” એવી મોટી ભયંકર ચીસ પાડી ઉઠયા. તે વખતે કરણ રાજા મોટા આવેશથી બહાર મેદાનમાં આવ્યો, ને અલફખાં તરફ મ્હોડું ફેરવી બોલ્યો “જ્યારે હાથી હાથી લડી મરે છે ત્યારે નાનાં નાનાં ઝાડોનો વગર કારણે ક્ષય થાય છે. તમારા પાદશાહને ગુજરાત લેવું છે અને મારે તે રાખવું છે. પરિણામ જે નિપજશે તેમાં બિચારા સિપાઈઓ ને કાંઈ લાભ થવાનો નથી. ત્યારે તેઓ શા સારૂ માર્યા જાય? માટે તમારામાંથી જે કોઈની માએ શેર સુંઠ ખાધી હોય તો મેદાન પડે. હું ને તે બે એકલા યુદ્ધ કરીશું, જો હું જીતું તો તમારે દેશ છોડી ચાલ્યા જવું, અને હું મરું તો મારું લશ્કર પણ તે જ પ્રમાણે કરશે, અને ત્યારથી આખું ગુજરાત તમારૂં જાણવું.” મુસલમાન લશ્કરમાંથી કોઈએ જવાબ દીધો નહી, તેથી રજપૂત સિપાઈઓએ હર્ષની બુમ પાડી, તે સાંભળી અલફખાં બોલ્યો: “જેવી એ કાફર પોતાની જીન્દગીની કિંમત હલકી ગણે છે તેવી આપણે ગણતા નથી. આપણને આ જહાનમાં મોટાં કામો કરવાને ખુદાએ મોકલેલા છે. તે કામ પાર પાડ્યા વિના આપણે આપણી જીન્દગી વગર જરૂરે ફેંકી દેવી જોઈતી નથી. વળી રાજા મુઆ પછી તેનું લશ્કર લડશે નહી એવો કોને ભરોસો ? માટે ધારા પ્રમાણે લડવું જોઈએ, પછી જે થાય તે ખરૂં.” એટલું કહી સામા લશ્કરને તેની જગાએથી ખસેડવાને તેણે તેના માણસોને હુકમ આપ્યો.

“અલ્લા હુ અકબર'ની ચીસ પાડી મુસલમાન સિપાઇઓ આગળ ધસ્યા, અને રજપૂતોને તેઓની જગાએથી હડસેલવાને ઘણાએક પ્રયત્ન કીધા, પણ તેઓ પહાડની પેઠે જડ થઈ ઉભા રહ્યા. લડાઇ ઘણી ભારે ચાલી. ચોમાસામાં પવનના જોરથી વાદળાં સામસામાં અથડાય છે તેમ તે બંને લશ્કરો અથડાયાં. તલવારોના ખડખડાટથી કાન બેહેર મારી ગયા; તેઓના વિજળીના જેવા ચળકાટથી આંખ ઝંખવાઇ ગઇ; તીર તો આકાશમાં એટલાં ઉડી રહ્યાં હતાં કે તેમાંથી કોઈ પક્ષીથી પણ જવાતું નહી, અને વરસાદની પેઠે તેઓ નીચે પડતાં હતાં, જમીન ઉપર લોહીની રેલ ચાલી; યોદ્ધાઓની ચીસથી ત્યાં કાંઈ પણ શબ્દ સાંભળ્યામાં આવતો ન હતો. એ બધા ગડબડાટની સાથે ઘાયલ સિપાઇઓ ધુળમાં રગદોળાતા હતા, તથા તેઓને તેમના ઘાથી દરદ થતું તે સઘળાના કષ્ટથી તેઓ બુમાબુમ પાડી રહ્યા હતા; બંને તરફના માણસો સેંકડો મુઆ, પણ રજપૂત સિપાઈઓએ પોતાના ધારા પ્રમાણે તથા પોતાના ધર્મ પ્રમાણે પીઠ ફેરવી નહી. કરણમાં જાણે ભૂત ભરાયું હોય તેમ જણાતુ હતું. તેની આંખ ખુનથી ભરેલી લાલચોળ થઇ ગઇ હતી, તે પોતાની તેજસ્વી તલવાર વડે ચોતરફ ફરી વળ્યો, અને જે તેના સપાટામાં આવ્યું તેના બે કકડા કર્યા વિના રહ્યો નહી. એક વાર તેનો હાથી મરી ગયો, ત્યારે તે ઘોડા ઉપર સ્વાર થઇને લડ્યો. તે ઘોડો પણ કતલ થઈ ગયો ત્યારે તે પાયદળ સિપાઈઓમાં સામેલ થયો, અને પોતાના શરીરની કાંઈ ફિકર રાખ્યા વિના એક સાધારણ સિપાઇની પેઠે લડ્યો. જ્યારે રાજાના ઉપર ઘણાંએક તીર પડવા લાગ્યાં, જ્યારે તે એક બે ઠેકાણે ઘાયલ થયો, જ્યારે કેટલાએકે તેને ઓળખીને જાણ્યું કે તે જો વધારે વાર સુધી આ ઠેકાણે રહીને યુદ્ધ કરશે તો બેશક માર્યો જશે, ત્યારે તેને સમજાવીને તેને એક ઘોડો આપ્યો, અને સવારોની હારમાં મોકલી દીધો. રાજાની આવી બહાદુરીથી તેના સામંતો પણ તેવી જ હિંમતથી લડ્યા; અને સાધારણ સિપાઈઓ પણ મરણીયાની પેઠે મોતનો ડર જરા પણ ન રાખતાં પોતાનાં શસ્ત્ર નિર્દયપણે વાપરવા લાગ્યા. મુસલમાન લશ્કરનાં માણસો થાક્યાં; તેઓમાંનાં ઘણાંએકે ધુળ ચાટી; ઘણાંએક જખમી થયાં; પણ રજપૂતો ઉપર કાંઈ અસર થઈ નહીં, તેથી તેઓ હઠીને પાછા પોતાને ઠેકાણે ગયા. થોડી વાર સુધી થાક ખાઈ પાછો તેએાએ ધસારો કીધો, પણ રજપૂત સિપાઈઓ તેઓની ભેટ લેવાને તૈયાર થઈ રહ્યા હતા, અને સૈરન્ધ્રી જાણીને કૈયોકિચક ભીમની સોડમાં ભરાયો હતો તેમ મુસલમાન લોકોને પણ જોઈએ તેવું જ સામા પક્ષથી આદરમાન મળ્યું. પાછું યુદ્ધ પહેલાં પ્રમાણે જ જોરથી ચાલ્યું, પણ કાંઈ થાગ લાગ્યો નહી. સૂર્યદેવતા આ કાપાકાપીથી કંટાળી જઈને તથા પોતાના ભકતોનું દુ:ખ જોઈ કષ્ટ પામીને પશ્ચિમ દિશા તરફથી લાલચોળ મ્હોડું કરી ચાલ્યા ગયા; પૃથ્વી ઉપર અંધકાર પથરાવા લાગ્યો, પક્ષીઓ પોતપોતાના માળામાં જવા લાગ્યાં; તારાઓએ એક પછી એક પોતાનું મ્હોડું બતાવ્યું; કમળનાં ફુલો બંધ થઈ ગયાં, અને જે મુસાફરો ગામમાં તે વખતે આવ્યા તેઓએ ત્યાં જ રાતનો વાસો કીધો. લડનારાઓથી એક બીજાનું મ્હોં જોઇ શકાતું ન હતું;એટલામાં ચંદ્રમાનો પ્રકાશ થયો.અજવાળું તો થોડું પરમેશ્વરની તરફથી આવ્યું, પણ લડવાનું સામર્થ્ય શત્રુઓમાં હમણાં રહ્યું ન હતું તેથી તેઓ પાછા પોતપોતાને ઠામે ગયા, અને રાતે લડાઈ બંધ રાખવાનો તથા સવારે ઝળઝળું થતાં પાછો તેનો આરંભ કરવાનું અલફખાંએ કરણ રાજાને કહેણ મોકલ્યું. રજપૂતો પણ ઘણા જ થાકી ગયલા હતા, તેઓને થોડાએક આરામની ઘણી જરુર હતી તેથી એ પ્રમાણે તેઓએ કરવાનું કબૂલ કીધું.

રાત ચાંદરણી હતી, રૂપાનાં પતરાં જેવું ચાંદરણું ખીલી રહ્યું હતું. પણ તે વેળા જમીન ઉપર કેવો ભયંકર દેખાવ જોવામાં આવતો હતો ! એક મોટા મેદાન ઉપર હજારો માણસ વિક્રાળ મ્હોંવાળાં મુએલાં પડેલાં હતાં, અને તે ઉપર જ્યારે ચાંદરણું પડતું, અને તેઓનાં મ્હોં ઉપર મૃત્યુથી ઉત્પન્ન થતા ફિકા રંગની સાથે અજવાળાનો રંગ મળતો, ત્યારે તેઓ ખરેખર ભયાનક દીસતાં હતાં. ઘાયલ લોકો ચીસાચીસ પાડતા, તેઓને પોતપોતાનાં માણસો લઈ ગયાં, અને તે ઠેકાણે જે ઓસડવેસડ થઈ શકે તે લગાડવામાં આવ્યું. લોહીની તો નીક ચાલી રહેલી હતી, અને તેનો લાલ રંગ બદલાઈને કાળો થઈ ગયો હતો. ગીધ, સમડી, કાગડા વગેરેને સારુ જે મીજબાની પાથરેલી હતી તેનો ઉપભોગ કરવાને તેઓ તે વખતે ત્યાં ન હતાં, પણ વનવાગળાં ઉંચાં ઉડ્યાં કરતાં, ઘુડો પાસેનાં ઝાડ ઉપરથી અપશકુનવાળો તથા ભયાનક શબ્દ કાઢ્યાં કરતાં, અને શિયાળવાં મુડદાંની ગંધથી ત્યાં આવીને મુએલાં માણસોનો આરામ ભંગ કરતાં હતાં. સઘળું ચુપાચુપ હતું, અને લશ્કરમાંથી કાંઇ પણ મોટો અવાજ આવતો નહતો. એટલાં બધાં માણસો એક એકનો પ્રાણ લેવાને એકઠાં થયાં હતાં, તેઓ આ રાતના દેખાવથી બીહીને, મોત તેઓની પાસે થઇને ફર્યા કરતું તેથી ડરીને, તથા આવી શાંત રાતની વખતે અવાજ કરવાથી રાત્રીના દેવોને ઉપદ્રવ થાય તે ન કરવાને સઘળાં મુગાં રહેલાં હતાં. માત્ર કંસારી બેાલ્યાં કરતી તથા શિયાળવાંને ઉજાણીનું પર્વ હાથ લાગ્યું તેથી તેઓએ બુમાબુમ પાડી મુકી હતી. મુસલમાન લોકોએ પોણી રાત નિમાજ પઢવામાં કાઢી. રજપૂત લશ્કરમાં તે વખતે મહાભારત વંચાતું હતું. અને કુરૂક્ષેત્રની લડાઇમાં જે જે શૂરાતનનાં કામો કરવામાં આવ્યાં હતાં તેમાં વિશેષે કરીને ભીમનાં પરાક્રમોની વાત વંચાવાથી સઘળા ખરા રજપૂતોનું લોહી ઉકળી આવ્યું હતું. તે સિવાય ભાટ લોકોએ આગલા ક્ષત્રી રાજાઓની લડાઈનાં કવિત કહી સંભળાવી સઘળાઓમાં શુર ઉત્પન્ન કીધું હતું. હવે એક પોહોર રાત બાકી રહી. ચંદ્રમા અસ્ત થયો, અને અંધારાનું પ્રાબલ્ય થઈ રહ્યું. મુસલમાન લોકોનાં વચન ઉપર ભરોંસો રાખી રજપૂત લોકોએ હજી લડવાની તૈયારી કીધી ન હતી. જેવા તેઓ લડાઈના કામમાં પ્રામાણિક તથા વચન પાળનારા હતા તેવા તેઓના શત્રુ હશે એવો વિશ્વાસ રાખ્યાથી તેઓ છેતરાયા. મલેચ્છ તુરકડા મતલબ ઉપર માત્ર નજર રાખતા, તે મતલબ હાંસલ કરવાને ગમે તેવા ઉપાય કરવા પડે તે વિષે તેઓને જરા પણ ફિકર નહતી. જ્યારે રજપૂત સિપાઈઓ ઉપર વર્ણવેલા કામમાં પડેલા હતા તે વખતે ખબર આપ્યા શિવાય મુકરર કરેલા વખતની પહેલાં મુસલમાન સિપાઈઓ તેઓના ઉપર તુટી પડ્યા. રજપૂતો લડવાને બિલકુલ તૈયાર નહતા તેથી તેઓમાં ભંગાણ પડ્યું લશ્કરમાં તુટ પડી; સઘળે ઠેકાણે ગરબડાટ થઈ રહ્યો, અને અંધકારમાં મિત્ર કે શત્રુ કોઈ એાળખાયા નહીં. “અલ્લા હુ અકબર” એ બુમ સંભળાય ત્યારે રજપૂત સિપાઈઓ કપાઈ જતા એમ જણાતું. એવી “અલ્લા હુ અકબર”ની બુમ ઘણી વાર સંભળાતી હતી. કરણ રાજાએ પોતાના લશ્કરને ગોઠવવાની ઘણી મહેનત કીધી, પણ વ્યર્થ ગઈ. કાપણી કરનારા ખેડુતો દાતરડાંથી જેમ અનાજ કાપે તેમ રજપૂતો તે રાતે કપાઈ ગયા. રાજાનો ઘોડો વળી મરી ગયો એટલે રાજાએ ઉભા રહી લડવા માંડ્યું; પણ હવે જય મળે એવી આશા નહતી. એક તલવારના ઘાથી તેનાં પાંસળાં કપાયાં, અને લોહી વહેવાથી અશક્ત થઈને તે ભોંય ઉપર પડ્યો. એ અવસ્થામાં તે કપાઈ મરણ પામત, પણ દૈવયોગે તે વખતે ઝાંખું ઝાંખું અજવાળું પડયું, અને તેનું મ્હોં શ્રી હરપાળે તુરત ઓળખ્યું. રાજા જીવતો રહેશે તો ગયલું રાજ્ય કોઈ દહાડે પણ પાછું હાથ લાગશે, એવા વિચારથી તેણે બેશુદ્ધ રાજાને ઉંચકી લીધો, અને એક ઝડપદાર સાંઢણી ઉપર બેસી ચાલતો થયો. સવાર પડી એટલે રજપૂત સિપાઇની ખરેખરી અવસ્થા જણાઈ. રાતે અંધારાંમાં કેટલાએક સિપાઈઓ નાશી ગયા હતા. ઘણાએક તો માર્યા ગયા હતા; અને બાકી રહ્યા તેઓ જીવની આશા છોડી ભારે જોશથી લડતા હતા. લડાઇના આરંભની વખતે કરણે પાસેના ગામમાં થોડાએક સામંતો તથા કેટલુંએક લશ્કર રાખી મુકયું હતું, અને આખરની વખતે તેઓ ઘણું કામ લાગશે એવી તેણે આશા રાખી હતી; પણ જ્યારે તેઓએ જાણ્યું કે કરણ રાજા દેખાતા નથી, એટલે તે બેશક માર્યો ગયો હશે, લશ્કર સઘળું કપાઈ ગયું, અને જીતવાની હવે કોઈ આશા નથી, ત્યારે તેઓએ વિચાર કીધો કે હવે લડવા જવું એ તે પતંગની પેઠે દીવામાં ઝંપલાવવા બરાબર છે, માટે ખરેખર મરવા જવામાં શો ફાયદો ? જે જીવે છે તેને આશા છે; જે જીવે છે તે ફરીથી લડી શકે છે, અને જે જીવે છે તે કોઇ વખત પણ પોતાનું ધારેલું કામ સિદ્ધ કરી શકે છે, માટે નકામું શામાટે મરવું ? કોઈ પણ અનુકુળ પ્રસંગ આગળ આવશે તે વખતે જય મેળવીશું, અને ત્યાં સુધી એ તુરકડાઓને જરા પણ ચહેન વળવા દઈશું નહી, તેઓને રાત દહાડે ઉપદ્રવ કર્યા કરીશું, માટે ગુજરાતની હદ બહાર જતાં રહેવું એમાં જ ડહાપણ છે, એમ કહી તેઓ ઘોડા ઉપર સવાર થયા, અને કમનસીબ તથા રંડાયલા અણહિલપુર પાટણ ઉપર નજર કરી ઘણા જ જોશથી રડ્યા, તેઓ બોલ્યા: “રે ગુર્જરદેશ ! રે અમારી જન્મભૂમિ ! તારા ઉપર કેવી મોટી આફત આવી પડી છે? તારા છોકરાઓને પારકા લોકોએ મારી નાંખ્યા, તારા ભર્તારનો પણ એ જ દુષ્ટ લોકોએ પ્રાણ લીધો. અરે અમારી મા ! તેં અમને ઉછેરીને મોટા કીધા; તેં અમને શુરાતન આપ્યું, અને જ્યારે તારા ઉછેરીને મોટા થયલા છેકરાઓ કપાઈ ગયા, તારો લાડ લડાવનાર ધણી મરણ પામ્યો, અને તને દુષ્ટ રંડાપો આવ્યો, ત્યારે તું શા માટે પોકેપોક મુકીને રડતી નથી? તારું હૈયું શું વજ્ર સરખું થઈ ગયું છે ? તને શું રડવું આવતું નથી ? શું તારી મરજી પુનર્લગ્ન કરવાની છે ? શું આ દુષ્ટ મ્લેચ્છ તુરકડાઓનો પાદશાહ જેના હુકમથી તારું નસંતાન ગયું, તથા તને વિધવાવસ્થા પ્રાપ્ત થઈ, તે ખુની ઘોઝારા પાદશાહને તું વરવાનો મનસુબો કરે છે ? રે દુષ્ટ ! રે ચંડાળ! તું અમારી મા નથી, અમે કોઈ દહાડો પણ સાવકા બાપના હાથ નીચે રહેવાના નથી; અને તને એક ઘડી પણ વિરામ થવા દેવાના નથી, તારા નવા ધણીને જરા પણ શાતા વળવા દેઈશું નહી, તું શામાટે બોલતી નથી ? જો અમારા કહેવા પ્રમાણે તારો વિચાર નહી હોય તો તેઓ સઘળાને ગળી શામાટે જતી નથી ? હાય હાય રે હિન્દુ ધર્મ ! અને હાય હાય રે હિન્દુરાજ ! તમારા બંનેનો આજે અંત આવ્યો, દેવો સઘળા ઉંઘી ગયા. તેઓથી પોતાનું રક્ષણ થતું નથી તે આપણું શું કરવાના છે? પણ વનરાજ, મુળરાજ, સિદ્ધરાજ, કુમારપાળ, સઘળા ક્યાં ગયા ? તેઓ પોતાનાં છોકરાંની વહારે કેમ ધાતા નથી ? પણ સઘળાએાએ મળીને સંપ કીધો છે. સઘળાએાએ આ ગુજરાતનું રાજ્ય પારકે હાથ જવા દીધું છે, ઈશ્વરની એમ જ મરજી હશે, તેમાં આપણું શું ચાલવાનું છે? આપણાથી તો એટલું જ થઇ શકે છે કે દેશ મેહેલીને જતાં રહેવું. માટે ચાલો, ગુજરાતને છેલ્લા રામરામ.” એમ કહી તેઓએ પોતાના ઘોડા દોડાવી મુક્યા, અને પાયદળ સિપાઇઓ ઝડપથી કુચ કરી ચાલ્યા, અને જ્યાંસુધી તેઓએ ગુજરાતના રાજ્યની સરહદ વટાવી ત્યાંસુધી તેઓ અટક્યા નહી, તેમ રસ્તામાં અન્નજળ પણ ચાખ્યું નહી.

પ્રકરણ ૧૦ મું.

કરણ રાજા પડ્યો, તેનું લશ્કર સઘળું કપાઈ ગયું, તથા તુરકડાઓનું સઘળું સૈન્ય પાટણ ઉપર આવે છે એ દુ:ખદાયક સમાચાર સાંભળીને શેહેરમાં હાહાકાર થઈ ગયો. દ્રવ્યવાન લોકો પોતાની દોલતની ફિકર કરવા લાગ્યા, તથા અધિકારી વર્ગ પોતાના અધિકારની ચિંતામાં પડ્યો. જેઓનાં સગાંવહાલાં તથા મિત્રો રણસંગ્રામમાં માર્યા ગયાં તેઓના દુ:ખની તે કાંઈ સીમા ન હતી. કેટલીએક ઘરડી ડોશીઓ તથા ડોસાઓ પુત્ર રહિત તથા નિરાધાર થઈ બેઠાં; કેટલાંએક નાનાં છોકરાં બાપ વિનાનાં થયાથી નિરાશ્રિત થઈ ગયાં, કેટલીએક જુવાન સ્ત્રીઓને વિધવાવસ્થા પ્રાપ્ત થઈ, કેટલીએક તરૂણીએાના ધારેલા ભર્તાર દેવલોકમાં અપ્સરાએાને વર્યા; અને કેટલાંએક સ્ત્રીપુરૂષના ભાઈ તથા મિત્રોએ આ જગતનો અનિત્ય સંબંધ તોડી નાંખ્યો; શેહેરમાં સઘળે રડારડ થઈ રહી; મોટા મોટા મહેલ કે નીચાં નીચાં ઝુંપડાં સઘળાંમાં દુ:ખ તથા શોકના શબ્દ સંભળાવા લાગ્યા. રાજાના મેહેલમાં એક અન્દરના ઓરડામાં કરણની સઘળી રાણીઓ એકઠી થઈ. તેએામાં આકાશમાં જેમ ચન્દ્ર સૂરજ પ્રકાશે છે, તેમ રૂપસુંદરી તથા કૌળારાણી પ્રકાશતી હતી. રૂપસુંદરીનું વર્ણન આપણે કીધેલું છે, તે આ વખતે પહેલાંના જેવી જ રૂપાળી હતી, પણ તેને આટલા દહાડા સુધી મેહેલના એક ખુણામાં રાખી મુકી, તથા તેટલી મુદત સુધી તેને શરીરનું તથા મનનું કાંઈપણ સુખ મળ્યું નહી, તેમ જ તેનો વર તથા કુટુંબ તરફનું જે દુ:ખ પડ્યું હતું તે વિસારવાને રાજાની તરફથી કાંઈ કરવામાં આવ્યું ન હતું, એ સઘળાં કારણોથી તેના મ્હોંડા ઉપર ફિકાશ આવેલી હતી, તથા તેનો ચેહેરો જરા ઝરડાઈ ગયલો દેખાતો હતો. પણ કૌળાદેવી જે રાજાની પટરાણી હતી તેના રૂપનું તે વર્ણન થઈ શકે એવું ન હતું. જે જે ખુબસુરત સ્ત્રીઓ ચિત્રકારોએ તથા પ્રતિકમાકારકોએ કલ્પેલી છે, ઇટલી દેશના ચિતારાઓએ તથા મૂર્તિકારકોએ ઈસા પેગંબરની પવિત્ર મા મરિયમની તસવીર તથા મૂર્તિઓ બનાવેલી છે, જે જે અતિ રૂપવંતી સ્ત્રીઓને કવિરાજોએ પોતાના મનમાંથી ઉત્પન્ન કરીને જગતને દેખાડેલી છે, તે તે જાતનું સૌન્દર્ય કૌળારાણીમાં હતું. તફાવત માત્ર એટલો જ કે તેનું રૂપ ક્ષત્રીની સ્ત્રીને, એટલે રજપૂતાણીને યોગ્ય હતું. આખા ભરતખંડમાં તેના રૂપનો જોટો ન હતો. તેમાં આ વખતે તે મહાશોકમાં બેઠી હતી તેથી તેની ખુબસુરતીમાં ઘટાડો થવાને બદલે તેનું તેજ વધારે પ્રકાશતું હતું, ઈશ્વરની કારીગરી કેવી ચમત્કારિક છે ! તેના શરીરનો ઘાટ એવો સંપૂર્ણ હતો કે કોઈ પણ માણસ, પછી તે જુવાન કે વૃદ્ધ ગમે તે હોય, તોપણ તેને આખા દહાડા સુધી નિરખ્યાં જ કરે તો પણ તે ધરાય નહી, અને તેને ભૂખ કે તરસ કાંઈ લાગે નહી એવી કૌળારાણીની પાસે બે છોકરીએ ઉભી હતી, અને મુરઘીનાં બચ્ચાંને મારવા બાજ ઉંચે ઉડતાં ઉડતાં તલપ મારે છે તે વખતે બચ્ચાં જેમ તેની માની પાંખ નીચે ભરાઈ જાય છે, તથા તેના શરીરને દબાઈને ઉભાં રહે છે, તેમ આ પ્રસંગે તે છોકરીઓ તેની માની સ્હોડમાં દબાઈને ભયભીત થયલી ઉભી રહેલી હતી. તેઓમાંથી મોટી કનકદેવીની ઉમર આઠ તથા નાની દેવળદેવીની ઉમર ચાર વર્ષની હતી; પણ તેઓના શરીરનો ઘાટ તેઓનાં વર્ષ પ્રમાણે જેટલો હોવો જોઈએ તે કરતાં કાંઈક વધારે ખીલેલો હતો. તેએાનું રૂપ તેઓની માના જેવું જ હતુ, માત્ર તેએાના મ્હોં ઉપર બાલ્યાવસ્થાનું નિર્દોષપણું પ્રત્યક્ષ જણાઈ આવતું હતું, તથા તેઓના નિમાળા હજી સોનેરી હતા તથા તે ઉપર કાળાશ હજી ઘણી આવી ન હતી. એટલો જ તફાવત તેઓ તથા તેઓની માની વચ્ચે હતો.

સઘળી રાણીઓ શોકાતુર થઈ બેઠેલી હતી, તથા હવે શું કરવું તે કૌળારાણીના મ્હોંમાંથી સાંભળવાને રાહ જોતી હતી રૂપસુન્દરીના વિચાર તે વખતે જુદા જ હતા. તેને કરણ રાજા સાથે કાંઈ પ્રીત થયલી ન હતી, તેથી તેના મોતથી તે બીજી રાણીઓની પેઠે દિલગીર જણાતી ન હતી. ઉલટી તેના વર માધવને પાછો આવેલો સાંભળીને, તથા આ જય મળ્યાથી તે પાટણમાં જલદીથી આવશે, અને તેને મુખ્ય કારભાર પાછો મળશે, પછી તે પાછી તેની પાસે જશે, અને કેટલુંએક પ્રાયશ્ચિત કરાવી તે તેને રાખશે, એવી આશાથી તો તેના મનમાં ખુશી થઈ હતી. પણ બીજી રાણીઓની અવસ્થા જુદી જ હતી. તેઓએ કરણ રાજાની પ્રીતિ ચાખી હતી. સ્ત્રીજાતિની આબરૂ વિષે તેઓના વિચારો ઘણા ઉંચા પ્રકારના હતા, તથા રજપૂતાણીઓએ પોતાના ભર્તાર મરી ગયા પછી શું કરવું તે વિષેના તેઓના અભિપ્રાય જુદા જ હતા. કૌળારાણી થોડી વાર વિચાર કરી બેલી: “અરે મારી બેહેનો ! આજ આપણા સુખનો સૂર્ય અસ્ત પામ્યો; આજ આપણો ભર્તાર, આપણું શિરછત્ર, આપણું પ્રતિપાલન કરનાર, તથા આપણા માથાનો મુગટ રણક્ષેત્રમાં પડ્યો, તથા તેને જીતનાર તુરકડા મ્લેચ્છ લોકો થોડી વારમાં પાટણ શહેરમાં આવી પહોંચશે. આજ આખું ગુજરાત તથા આપણે સઘળાં રંડાયાં. રંડાયાં ! એ શબ્દ સાંભળતાં સૂર્ય દેવતા તું તારૂં મ્હોંડું શા માટે સંતાડતો નથી ? અને કરણ રાજા પડ્યો એ વાત પ્રસિદ્ધ કરવાને જગતમાં અન્ધકાર શા માટે વર્તાવતો નથી? એ શબ્દ સાંભળતાં, અરે ઈંદ્રરાજા ! તું લોહીનો વરસાદ શા માટે વરસાવતો નથી ? અને રૂપ તથા શક્તિમાં તારે બરોબરીયે આજે મુઓ તેનો શોક શા માટે બતાવતો નથી? એ શબ્દ સાંભળીને રે શેષનાગ ! તું ધ્રુજીને ધરતીકંપ શા માટે કરતો નથી? તથા તારા ઉપર આવા શૂર રજપૂતોનાં મુડદાંઓનો આવો મોટો ભાર પડ્યો છે તે તને અસહ્ય લાગે છે, એમ શા માટે જણાવતો નથી ? એ શબ્દ સાંભળીને ગુજરાતના પર્વતો ! તથા સઘળી નિર્જીવ વસ્તુઓ ! તમે શા માટે રડતાં નથી ? તથા અમારા દુ:ખમાં શા માટે ભાગીયાં થતાં નથી ? અરે ! એ શબ્દ સાંભળીને પશુપક્ષીઓ, જીવજંતુઓ, અને સઘળાં પ્રાણીઓ ! તમે આનંદમાં ફરતાં કેમ દેખાઓ છો ? તમારો સ્વામી રાજા કરણ માર્યો ગયો તે ખબર તમે સાંભળી નથી ? અથવા સાંભળી હોય તો તમારાં અન્તઃકરણ એટલાં બધાં વજ્ર જેવાં છે ? અરે પથ્થરોએ પણ આંસુ ઢાળવાં જોઈએ: પણ હું ભુલું છું. આપણે હવે મિથ્યા શોક શા માટે કરવો જોઇએ? આપણે રજપૂતાણીઓ છીએ. આપણી નસોમાં ક્ષત્રિયનું લોહી જુસ્સાથી વહે છે. આપણી જાતે શૂરા રજપૂતોને ઉદરમાં રાખ્યા છે, તથા આપણે હિમ્મતથી ભરપૂર દુધે બહાદુર લોકોને ધવડાવ્યા છે, તે શું આપણે બેઠાં બેઠાં ઈહાં રડ્યાં કરીશું? શું આપણને આપણી પ્રતિષ્ઠા વહાલી નથી? શું આપણે આપણા પતિવ્રતપણાનું રક્ષણ કરવું નથી ? શું આપણે ઈહાં બેસી રહી રજપૂતાણીના નામ ઉપર કલંક લગાડવો છે? શું આપણી અવસ્થામાં આવી પડેલી જે રાણીઓ પૂર્વ થઈ ગયેલી છે તેઓનાં કૃત્યો આપણને માલમ નથી ? માટે હવે આંસુ લુછી નાંખો; હવે હૈયાં કઠણ કરો, આપણા ઉપર આવી પડેલાં દુ:ખ વિસરી જાઓ; અને હવે પછી શું કરવું તે ઉપર વિચાર કરો. મુસલમાન લોકો શેહેરની લગભગ આવ્યા હશે; તેઓ આપણા પવિત્ર એકાંત ઓરડામાં પ્રવેશ કરશે; તેઓ આપણા ઉપર દુષ્ટ નજર તાકશે; આપણાં અંગ ઉપર ઝબરદસ્તી કરે એવા તે દુષ્ટ ચંડાળો તેઓ નહીં હશે, પણ કદાપિ હોય એવો આગળથી વિચાર રાખવો; તેઓના સરદાર આપણું રૂપ જોઈ આપણા પર મોહ પામે, આપણને પરણે; અને આપણા એક ભવમાં બે ભવ થાય; આપણો ધર્મ આપણને ત્યાગ કરવો પડે; તથા એ મ્લેચ્છ લોકોની રીતભાત આપણને પાળવી પડે; એ સઘળું ન થવા દેવાને માટે આપણે શું કરવું જોઇએ તે વિષે સઘળાંએાએ પોતપોતાનો અભિપ્રાય આપવો જોઇએ.”

બીજી સઘળી રાણીઓ એક અક્ષર બોલી નહી, તથા કૌળારાણી જે કરે તે પ્રમાણે કરવાને તેઓએ પોતાનો ઠરાવ જણાવ્યો, તે ઉપરથી તે પટરાણી મોટા આવેશથી, રજપૂતના શૂરાતનથી, તથા ક્ષત્રીઓનું લોહી મ્હોં ઉપર લાવીને ધીમેથી પણ દૃઢતાથી, બોલી: “મરવું, મરવું, અને મરવું. એ વિના બીજો કાંઇ ઉપાય નથી. મરવામાં કાંઇ મોટી વાત નથી. એક વાર તો મરવું જ છે, ત્યારે હમણાં મરવામાં શી ચિન્તા છે ? જ્યારે આપણે આવી દશા થઇ છે, ત્યારે મૃત્યુમાં શો ભય છે ? જ્યારે હવે પછી કેવી અવસ્થા આપણી થશે એ વિષે આપણને શંકા ઉત્પન્ન થઈ છે, અને દુર્દશા આવશે એવો સંભવ લાગે છે, ત્યારે જીવવા કરતાં મરવું હજાર દરજજે સારું છે. આ જગતમાં આપણે જન્મીએ છીએ અને મરીએ છીએ. જે ટુંકી મુદ્દત આપણે આ દુનિયામાં વાસો કરીએ છીએ તેટલી ટુંકી મુદ્દતમાં આપણે સૌ પોતપોતાનું કામ કરી લઇ આપણો મુકામ ઉઠાવીએ છીએ. અને ગયા પછી શું રહી જાય છે ? કરોડો માણસ જગતમાં આવ્યાં અને ગયાં, તેઓની નામનિશાની કાંઈ રહેલી છે ? તેઓ પૃથ્વી ઉપર થઈ ગયાં તેનાં ચિહ્નો નજરે પડે છે ? સઘળાંનાં નહી. ઘણાંખરાં તો કાળની મોટી રેલમાં ઘસડાઇ ગયાં, અને તેઓ હતાં જ નહીં એમ લાગે છે; પણ થોડાંએક તો દરિયામાંના ખડકની પેઠે મજબુત ઉભાં છે, અને તેઓ ઉપરથી કાળરૂપી રેલ જોરથી ચાલી ગઇ તો પણ તેઓના પાયા હજી રહેલા છે, અને અનંત કાળ પર્યંત તેઓ અચળ રહેશે. એ પાયા રહી ગયા તે શું ? તેઓના નામ, તેઓની આબરૂ. સારૂં નામ એક અમુલ્ય વસ્તુ છે; તેની કિમ્મત આખા જગતના સોના, રૂપા, હીરા, મોતી, વગેરે ઝવેરાત કરતાં ઘણી જ વધારે છે. જેની પાસે સારૂં નામ છે તેના જેટલો શ્રીમંત બીજો કોઇ નથી. બીજી સઘળી દોલત નાશવંત છે, પણ સારૂં નામ અમર છે. બીજી દોલત તો ખુટી જાય છે; અને તે દોલત મેળવનારનું નામ એક બે પેહેડી પછી નાશ પામે છે; પણ સારૂં નામ ધ્રુવના તારાની પેઠે અચળ રહે છે. દુનિયામાં લોકો પોતાના વંશવડે જ આ લોકમાં અમર રહેવાની આશા રાખે છે, તે ખોટી છે; એ પ્રમાણે તો એક અથવા ઘણું તો બે પેહેડી સુધી તે ઓળખાય છે; પણ પછી તેનું મીડું વળ્યું. તે હતો અને નહી હતો એ સરખું જ થાય છે; પણ સારૂં નામ એ તો જગતને એક મોટો વારસો આપી જવા જેવું છે. સારા નામવાળાનું સ્મરણ કાયમ રાખવાને વંશની જરૂર નથી, તે તો અન્ધકારમાં સૂર્યના એક કિરણની પેઠે પ્રકાશ્યા કરશે. સારૂં નામ અથવા આબરૂ એ એક મોટી વસ્તુ છે. સઘળાને તે પારસમણી મેળવવાની આતુરતા હોય છે; સઘળાઓ તે અમુલ્ય હીરો પ્રાપ્ત કરવા મહેનત કરે છે; પણ સઘળાના પ્રયત્ન સફળ થતા નથી. જેઓએ પોતાના અંગની, મનની, અથવા નીતિની શક્તિવડે જગતમાં મોટા તથા અગત્યના ફેરફાર કીધા છે તેઓનાં નામ અમર રહી ગયાં છે. વળી જેઓએ અસાધારણ કામ કીધાં છે, એટલે જેઓએ સત્યને વાસ્તે અથવા આબરૂને વાસ્તે પોતાનો દેહ અર્પણ કીધો છે, તેઓનાં નામ તેઓના દેશના અને વખતે આખી દુનિયાના ઇતિહાસમાં સોનેરી અક્ષરે કોતરાયલાં છે. જગતમાં નામ મેળવવા ખાતર મરવું કોણ કબુલ નહી કરે ? જે માણસ થોડા દહાડા વધારે દુનિયાની જંજાળ તથા ફિકર ખમવા સારૂ પોતાનું સારૂં નામ જવા દે છે, પોતાની આબરૂ ખોવાનું કબુલ કરે છે, તે ખરેખરો અધમ જાણવો; તેનાં કોઈ પણ વખાણ કરતું નથી, અને જ્યારે તે મરે છે ત્યારે જેમ વાડીમાંથી નકામા છોડવા નીંદાઈ જાય છે, અને તે છુંદાઈ જાય છે; જેમ કીડો ભોંય ઉપર ઘસડાતો ઘસડાતો ચાલતાં પગતળે કચરાઈ જાય છે, તેને કોઈ ગણતું નથી; જેમ એક પશુ જંગલમાં મરી જઇ સડ્યાં કરે છે, તેમ તે હતો જ નહીં એવો થઈ જાય છે, અને દરિયાના કિનારા ઉપરની રેતીમાંનો એક દાણો ઉડી જવાથી કાંઇ ખોટ જણાતી નથી, તેમ જગતમાં માણસની કુલ સંખ્યામાંથી તે ઘટેલો કોઈને લાગતો નથી. તેને કોઈ આબરૂ આ૫તું નથી, તેને વાસ્તે કોઈ રડતું નથી, અને તેની કીર્તિ વધારવાને કવિ તેની કવિતા બનાવતા નથી. સઘળાં માણસો આ પૃથ્વી ઉપરની ટુંકી મુસાફરીથી તૃપ્ત થતાં નથી, તેઓને ઘણાં વર્ષ પર્યંત આ દુનિયામાં જીવવાની ઇચ્છા હોય છે, અને જ્યારે તેઓ એટલી મુદ્દત સુધી જગતમાં ટકી શકતા નથી; ત્યારે થોડાં વર્ષ પૃથ્વી ઉપર ને બાકી રહેલાં વર્ષો માણસોના સ્મરણસ્થાનમાં જીવવાને પ્રયત્ન કરે છે. માણસની નજર હમેશાં ભવિષ્ય ઉપર દોડે છે, અને ગમે તેવો હલકો માણસ હોય તો પણ પોતાનું નામ અમર રહે એવી તેનામાં સ્વાભાવિક ઇચ્છા હોય છે. એ સઘળાં કારણોથી આપણે સઘળાંએાએ મરવું જોઈએ, અને તેમ કીધાથી આપણાં નામ શૂરી સ્ત્રીઓ જેઓએ સ્વાત્માર્પણ કરી પોતાની પ્રતિષ્ઠા વધારી છે તેઓની ટીપમાં ઉમેરાશે; માટે આ મેહેલમાં આગ લગાડી મૂકવી, અને આપણે સઘળાંએ એમાં રહી બળી મરવું.”

મરવાની ભયંકર રીતથી કોઈ પણ રાણીનું મન ત્રાસ પામેલું દેખાયું નહી. સઘળાંએ પોતાની તે પ્રમાણે કરવાની ખુશી દેખાડી. તે ઉપરથી સઘળી રાણીઓએ પોતાના દેહ અર્પણ કરવાની તૈયારી કીધી. કૌળાદેવીએ પેહેલો વિચાર પોતાની કુમળી વયની બે દીકરીઓને વાસ્તે કીધો. એ બીચારી નાની ઉમરમાં દુનિયાનું કાંઇ પણ સુખ ભોગવ્યા વિના આવી રીતે મૃત્યુ પામે એ વાત તેમની માની નજરમાં યોગ્ય લાગી નહી. વળી તેઓના જીવવાથી તેઓની પ્રતિષ્ઠાને કાંઈ હાનિ પહોંચે એમ ન હતું, એ પ્રમાણે વિચાર કરી તેણે પોતાના એક ખાસ ચાકરને બોલાવી તેને તે છોકરીઓને સોંપી અને તેઓને પોતાના બાપ પાસે લઇ જવાને કહ્યું. આટલીવાર સુધી તેનામાં હિમ્મત રહેલી હતી. તેને પોતાના મરવા તરફનું કાંઇ પણ દુઃખ ન હતું; પણ પોતાની પ્રાણ સમાન વહાલી છોકરીએાનો વિયોગ થવાનો સમય આવ્યો, ત્યારે તેનું હૈયું ફાટી જવા જેવું થયું, અને તેની આંખમાંથી આંસુઓની નદી વહેવા લાગી, તેની છાતી ભરાઈ આવી, અને તે કેટલીએક વાર સુધી પોકેપોક મુકીને રડી. આ બહાદૂર રજપૂતાણી નાની છેકરીની પેઠે રૂદન કરવા લાગી, તથા શોકવૃત્તિને વશ થઈ ગઈ તે ઉપરથી કોઈએ તેની નિંદા કરવી નહી, અથવા તેની હિંમત વિષે પણ હલકો વિચાર આણવો નહી. સઘળું જગત પ્રીતિના પાશથી બંધાયલું છે, તેમાં માની છોકરાં ઉપરની પ્રીતિથી તો આડોઆંક છે. ક્ષુદ્ર જીવથી તે શ્રેષ્ઠ માણસ સુધી પ્રાણી માત્રમાં જગકર્તા ઈશ્વરે માના અન્તઃકરણમાં છોકરાં ઉપર ઘણું જ હેત મૂકેલું છે. જે સ્ત્રીઓ ઘણી નિર્દય હોય છે, જેઓનાં મન ઉપર પારકાનું દુઃખ જોવાથી કાંઈ પણ અસર થતી નથી, એવી વજ્ર હૈયાની સ્ત્રીઓ પણ પોતાનાં છોકરાં ઉપર ઘણી જ નરમાશ રાખે છે; તેઓનું દુ:ખ જોઇ તેઓ ઘણી પીડાય છે, તથા તેઓનું રક્ષણ કરવાને પોતાના પ્રાણને જોખમમાં નાંખે છે, તે પ્રમાણે કૌળારાણી જો કે પોતે જાતે મૃત્યુથી જરા પણ ડરતી ન હતી, તો પણ પોતાની નાની છોકરીઓની નિરાશ્રિત અવસ્થા, તેઓથી જુદાં પડવાનું કષ્ટ, તથા તેઓની નિર્ભયતાને વાસ્તે દેહેશત, એ સઘળી હકીકત ઉપરથી તેની આંખમાંથી આંસુની ધારા વહેવા લાગી, એમાં શું આશ્ચર્ય ? એ આંસુથી સિદ્ધ થયું કે તેનું અન્તઃકરણ ઘણું કોમળ હતું, તથા તે આંસુઓથી તેના સ્ત્રીજાતીય સ્વભાવને શોભા તથા પ્રતિષ્ઠા મળી. છોકરીઓને વદાય કરતી વખતે તે બોલી: “અરે મારી પરમપ્રિય દીકરીઓ ! અરે મારી આંખની કીકીઓ, તથા હૈયાના હાર, તમને મેં મારા ઉદરમાં નવ માસ સુધી ઘણી પીડા ભોગવી રાખી, તમને ઘણા દેહ કષ્ટની સાથે ઉછેરી. તમને એક ઘડી પણ મારાથી વેગળી કીધી નથી. તમારૂં સુંદર વદન નિહાળતાં મને અતિ આનન્દ ઉપજતો. તમારૂં કાલું કાલું બોલવું સાંભળીને મારો આત્મા ખુશીથી ભરપૂર થતો. તમારા સુખથી હું સુખી, અને તમારા દુઃખથી હું દુઃખી થતી. મારા વિના તમારી કોણ સંભાળ રાખશે? બીજું કોણ તમને લાડલડાવશે? બીજું કોણ તમને તમારી માગેલી વસ્તુ તુરત પુરી પાડશે ? અને તમે જ્યારે બાલ્યાવસ્થામાંથી નીકળીને યુવાવસ્થામાં આવશો ત્યારે તમારી તપાસ કોણ રાખશે ? તમને સીધો રસ્તો કોણ બતાવશે ? તથા જુવાનીની અગણિત લાલચમાં પડતાં અટકાવવાને તમને સારી સલાહ કોણ આપશે ? પણ હવે બસ થયું. છોકરીઓની તરફથી ઘણી ફીકર કરવામાં મારો આગલો વિચાર અમલમાં આવતાં અટકશે, માટે હવે જાઓ. તેત્રીશ કરોડ દેવતાઓ તમારું રક્ષણ કરો; જગદમ્બા તથા તેની જોગણીઓ તમારી આસનાવાસના કરો, તથા તમારા ઉપર માના જેટલી પ્રીતિ રાખી તમને સારી પ્રેરણા કરી તમારાં કુળની પ્રતિષ્ઠા જાળવો એ મારી પ્રાર્થના છે.” તેનાથી વધારે બોલાયું નહીં. છોકરીઓ તેને ચુડ ભેરવીને ઉભી રહી, પણ તેઓને જોર કરી તરછોડી નાંખી, અને ચાકરને તેઓને જલદીથી લઈ જવાનો હુકમ કરી કૌળારાણી ત્યાંથી આંખ મીચી તથા કાન બંધ કરી ચાલી ગઈ. સઘળી રાણીએાએ પોતપોતાના કામકાજનો બંદોબસ્ત કરી લીધો. પછી મેહેલના જે ભાગમાં જલદીથી બળે એવા પદાર્થો હતા ત્યાં એક મોટો કાકડો સળગાવી મૂક્યો. રાજ્યમેહેલ સળગવા લાગ્યો, લાકડાં કડકડાટ કરી પડવા લાગ્યાં; બળતાંએ છાપરાંના એક ભાળને પકડ્યો; નળીયાં ઉપરથી નીચે પડવા લાગ્યાં; ધુમાડાના ગોટેગોટ ચાલ્યા; અને તાપના ભડકા ઓરડામાં ઉન્મત્તાઈથી રમત રમવા લાગ્યા. બહાર લોકોનું મોટું ટોળું મળ્યું. તેઓ પાણીના ઘડા, કુહાડા તથા આગ હોલવવાનો તથા ઘર તોડી પાડવાનો સામાન લઈને આવ્યા; પણ આગનું જોર વધી ગયું, અને જે મેહેલ પાટણ શેહેર વસાવતી વખતે વનરાજે બાંધેલો, જે મહેલમાં મુળરાજ, સિદ્ધરાજ, કુમારપાળ, ભીમદેવ, ઇત્યાદિ રાજાઓ જન્મ્યા, તથા મુઆ, જે મેહેલમાં જયના આનંદકારક શબ્દ ઘણી વાર સંભળાયલા અને જેમાં પરાજયને લીધે વિલાપ તથા શોક ઘણીએક વાર થયેલો, જે મેહેલે રાજ્યના નાના પ્રકારના ફેરફાર જોયલા, અને જેણે આશરે સાડી પાંચસેં વર્ષ, વાયુ, વૃષ્ટિ, તથા કાલચક્રના અનેક સપાટો ખમેલા, તે મેહેલ આજે અગ્નિદેવને ભેટ્યા; અને જેમ દેહરૂપી ઘરનો ધણી બહાર નીકળી ગયા પછી તેને અગ્નિદાહ કરવામાં આવે છે, તેમ તે રાજ્યમેહેલનો ધણી રાજા કરણ તેનો ત્યાગ કરી ગયે ત્યારે તેણે પણ અગ્નિમાં પ્રવેશ કીધો, પણ રાણીએ એ સારું નામ પ્રાપ્ત કરવાને તથા આબરૂ મેળવવાને જે પ્રયત્ન કીધે તે નિષ્ફળ જવાનો હતો; પૃથ્વી ઉપરના તેઓના પ્રવાસની મુદ્દત હજી પુરી થયેલી ન હતી, તેઓનું કામ હજી બાકી રહેલું હતું, હજી તેએાને સુખદુઃખનો સ્વાદ વધારે ચાખવાનો હતો, તેથી એવું બન્યું કે જે વખતે આગનું જોર ભરપુર ચાલી રહ્યું હતું, તથા રાણીઓને પોતાની ધારેલી મતલબ જલદીથી પાર પડશે એવી આશા હતી, તે વખતે મુસલમાન લોકોનું લશ્કર શેહેરમાં આવી પહોંચ્યું, અને તે સઘળું બળતા મેહેલ આગળ આવી ઉભું રહ્યું. ગુજરાત જીતવાની એક મતલબ ત્યાનું અગણિત દ્રવ્ય હરણ કરવાની હતી, તેથી જો મેહેલ બળી જશે તો તે માંહેના સઘળા ખજાનાનો નાશ થશે એ બીહીકથી અલફખાંએ આગ તુરત હોલવી નાંખવાનો પોતાના સિપાઈઓને હુકમ કીધો. તે વખતે હજારો માણસો મેહેલ ઉપર તુટી પડ્યાં, અને આગની ગડબડાટમાં લુંટવાનો સારો વખત મળશે એવી ઉમેદથી ઘણા જોરથી કામે વળગી ગયાં. જોતજોતામાં તેઓએ મહેલનો બળતો ભાગ તોડી નાંખ્યો, અને પાણીનાં વાસણ પાસેનાં ઘરમાંથી લાવી આગ હોલવવા લાગ્યાં. થોડી વારમાં અંદર જવાનો રસ્તો થયો, અને થોડા બહાદૂર મોતને ન ગણનારા સિપાઈઓએ મેહેલમાં પેસી રાણીઓને તથા બીજાં કેટલાંએક માણસોને ખેંચી બહાર કાઢ્યાં, અને પડેલી આખડેલી વસ્તુઓ જે હાથમાં આવી તે લઈ આગળ ચાલ્યા. આ વખતે કૌળારાણી છેક નિરાશ થઈ ગઈ, તથા શત્રુના હાથમાં પડવાની ફિકરમાં પડી, પણ તેણે હિંમત મૂકી નહીં, તે એક ઓરડામાં ભરાઈ, અને તેને માંહેથી બંધ કીધો. પછી જલદીથી તેણે સ્ત્રીને વેશ કાઢી નાંખીને પુરૂષનાં વસ્ત્ર પહેર્યા, પોતાની ખુબસુરતી ઢાંકવાને વાસ્તે મ્હોં ઉપર રંગ લગાડ્યો, અને તેનું રૂપ બદલી નાંખીને અને ઢાલ તરવાર બાંધીને ઓરડાની બારીએ ઉભી રહી. ત્યાં આવીને “બળું છું રે બળું છું” એવી બુમ પાડી, તે ઉપરથી નીચેના સિપાઈઓએ દયા લાવીને એક સીડી મૂકી, તે ઉપરથી તે નીચે આવી. તે કોઈ રાજાનો ખવાસ હશે એમ જાણી તેના ઉપર કોઈએ ધ્યાન આપ્યું નહી, અને તે વખતે સઘળાઓનું મન મેહેલ લુંટવા તરફ હતું, તેથી તેઓએ બીજી કશી વાત ઉપર લક્ષ આપ્યું નહી. થોડી વાર આણીગમ તેણીગમ ફરીને તે ત્યાંથી જતી રહી, અને એક તેના ઓળખીતા રજપૂત પાસે જઈ તેનો ઘોડો માગી લીધો. તે ઘોડો ઘણો તેજસ્વી તથા જલદ હતો તે ઉપર સ્વાર થઈ તથા રસ્તામાં કોઈ ઉપદ્રવ ન કરે માટે રજપૂતનો વેશ બદલી મુસલમાનનો વેશ ધારણ કરી શહેરના દરવાજા બહાર તે સહેલથી ચાલી ગઈ.

રાજ્યમેહેલ જલદીથી છંટાઈ ગયો. બીજી રાણીઓ જીવતી નીકળી, સઘળો ખજાનો સહીસલામત હાથ લાગ્યો. અને શેહેરમાં સઘળી વાતે બંદોબસ્ત કરી અલફખાંએ અલાઉદીન પાદશાહની તરફથી ગુજરાતનું રાજ્ય કરવા માંડ્યું, રૂપસુંદરી માધવને જઈને મળી. ઘણા દહાડાના વિયોગ પછી તે ધણી ધણિયાણી પાછાં મળ્યાં. તેઓ ભેટ્યાં, રડ્યાં, તથા હર્ષનાં બીજાં સઘળાં ચિહ્‌નો તેઓએ દેખાડ્યાં. વરવહુનો સંબધ એવી રીતનો છે, અને જ્યારે તેઓની વચ્ચે નાનપણથી પ્રીતથી મજબુત ગાંઠ બાન્ધાયલી હોય છે ત્યારે તે છુટવી ઘણી મુશ્કેલ થઈ પડે છે, મૃત્યુની તલવારથી જ્યારે તે કપાઈ જાય છે ત્યારે બેમાંથી જે જીવતું રહે છે તેના અંત:કરણની દોરી કોઈ વાર જોરથી તુટી જાય છે, અને તે વખત જે ભારે કષ્ટ થાય છે તેનો વિચાર જેને દુ:ખ વીત્યું હોય તે જ કરી શકે. માધવની બાબતમાં તે ગાંઠ કાંઈ તુટેલી ન હતી, પણ તુટ્યા બરોબર હતી. રૂપસુંદરીને કરણ લઈ ગયો તેમાં તેની તરફનો કાંઈ વાંક ન હતો, તે માધવને સારી પેઠે માલમ હતું. બંનેના વિયોગમાં માધવનું દિલ રૂપસુંદરી ઉપરથી ઉતરી ગયું ન હતું, પણ તેને પાછી મેળવવાની તથા તેના હરણ કરનારનું વેર લેવાની તેની આતુરતા જે પ્રમાણે પ્રબળ થતી ગઈ તે પ્રમાણે તેનું તેની ધણિયાણી ઉપરનું હેત પણ વધતું ગયું. આટલી જલદીથી તથા સેહેલથી તેને પોતાની પ્રિયા મળશે એવી આશા ન હતી, જ્યારે રૂપસુંદરી આગળના જેટલા જ હેતથી તેને ભેટી, ત્યારે તેના હર્ષનો કાંઠો રહ્યો નહી. રૂપસુંદરીના પ્યારમાં પણ કાંઈ ફેરફાર થયલો ન હતો. જેટલી હોંસથી રાજા કરણે તેને પોતાના મહેલમાં બળાત્કારે પકડી મંગાવી, તથા જેટલો પ્યાર તેને જોવાથી રાજાના મનમાં આવ્યો હતો, તે હેાંસ તથા પ્યાર જો પાછળ પણ કાયમ રહ્યાં હોત, તો તે માધવ પર આટલી પ્રીતિ રાખત કે નહી એનો જવાબ આપવો કઠણ છે. પણ જ્યારે તેના અન્તઃકરણમાંની પ્રીતિનું નિર્મળ ઝરણ પોતાનો માર્ગ બદલીને બીજી દિશાએ વહ્યું ન હતું, તથા તેના હેતના ખજાનાનો ભાગીદાર થવાને કોઈ બીજાએ દાવો કીધો, ન હોતો; ત્યારે તે ઝરણે માધવની તરફ જ અસલ માફક વહ્યાં કીધું, અને તેનું હેત માધવ ઉપર કાયમ રહ્યું એટલું જ નહી, પણ તે પાસે ન હોવાથી તેમાં વધારો થયો. એવી સ્થિતિમાં તે બંને મળ્યાં, અને તેઓનું અસલનું હેત તેટલા જ જોરથી પાછું આવ્યું. માધવે શાસ્ત્રીઓની સભા કીધી, અને બ્રાહ્મણની સ્ત્રીનો રજપૂત સાથે બળાત્કારથી સંસર્ગ થયો તેનો દોષ નિવારણ કરવાનું પ્રાયશ્ચિત્ત તેઓની પાસે શોધી કઢાવ્યું. પછી તે પ્રમાણે સઘળી ક્રિયા રૂપસુંદરી પાસે કરાવી, બ્રાહ્મણોને મન માનતી દક્ષણા આપી, અને લાડુનું ભોજન કરાવી, સઘળા બ્રહ્મદેવને સંતોષ્યા. હવે બીજી કાંઈ હરકત રહી નહી તેથી માધવ તથા રૂપસુંદરીએ પાછો પોતાનો ધણીધણિયાણીને સંબંધ જારી કીધો. એ પાછા મળેલા સુખની યાદગીરીને વાસ્તે માધવે વર્તમાન નગર (વઢવાણ)માં એક વાવ બંધાવી તે હજી તેના નામથી ઓળખાય છે.

ગુજરાત સઘળું એક લડાઈમાં જીતાયું તે સમાચાર પાદશાહને હવે કહેવડાવવાના હતા, પણ એકલી ખબર મોકલ્યાથી અલાઉદ્દીન જેવો પાદશાહ પ્રસન્ન થશે નહી એવું અલફખાંને નક્કી હતું, તેણે ગુજરાતની કાંઈ નવાઈની વસ્તુ મોકલવી જોઈએ, અને બ્હાના દાખલ કેટલોએક તે દેશનો ખજાનો પણ મોકલવો જોઈએ. અલાઉદ્દીનનો સ્વભાવ વિષયી હતો, તે અલફખાંને સારી પેઠે માલમ હતું; માટે કોઈ અતિ રૂપાળી સ્ત્રી પાદશાહને જો નજર કરાય તો તેના જેટલો બીજા કશાથી તેને સંતોષ વળે નહીં એમ તે અનુભવથી જાણતો હતો, કરણ રાજાની પટરાણી કૌળારાણીની ખુબસુરતી આખા ભરતખંડમાં પ્રસિદ્ધ હતી. રૂપમાં તથા બીજી હોશીઆરીમાં તે અનુપમ હતી, તથા તેની કીર્તિ દિલ્હી સુધી ફેલાઈ હતી. એવી કૌળારાણીને દિલ્હીમાં પાદશાહ પાસે મોકલવાને અલફખાને ઠરાવ કીધો, અને તે મતલબસર તેણે તેની સઘળે ઠેકાણે શોધ કરાવી, જ્યારે સઘળી તેની તપાસ વ્યર્થ ગઈ અને જ્યારે તેને બીજી રાણીઓથી ખબર મળી કે કૌળારાણી તો શેહેર મૂકીને જતી રહી, ત્યારે તે ઘણો નિરાશ થયો, અને હવે શું કરવું તે તેને સુઝ્યું નહીં. આટલા મોટા લશ્કરમાંથી તથા બળતા મેહેલમાંથી તે શી રીતે નાસી ગઈ, ને તે ક્યે રસ્તે અને કયાં ગઈ, તેના કાંઈ પણ સમાચાર તેને મળ્યા નહી. પણ તેટલા ઉપરથી અલફખાં હિંમત હાર્યો નહી પણ તે જ્યાં હોય ત્યાંથી તેને પકડી આણવાને તેણે ચોતરફ સવારો મોકલ્યા.

જ્યારે અલફખાં કૌળારાણીની રાહ જોતો હતો તે વખતે તે એકલી ઘોડા ઉપર બેસીને પોતાના બાપના દેશ ઝાલાવાડ તરફના રસ્તા ઉપર ઘણી ઉતાવળથી મુસાફરી કરતી હતી. રૂપ હોવાથી જે દહેશત સ્ત્રી જાતને હોય છે તે કૌળારાણી ઉપર આવી પડી. તે મહા ફિકરમાં પડી, ઘોડો દોડાવતી દોડાવતી આગળ જતી હતી, પણ તેનું રૂપ જણાઈ આવશે એવી તેને ક્ષણે ક્ષણે ધાસ્તી પડતી. વેશ બદલ્યો હતો તે છતાં પણ તેને કોઈની સામું જોવાની હિમ્મત નહીં હતી તે ધોરી રસ્તો મૂકી આડે અવળે ઠેકાણેથી જંગલ, પહાડ, તથા વિકટ રસ્તે જતી હતી, તે કોઈ પણ ગામમાં વાસો કરતી ન હતી; પણ કોઈ જંગલમાં એકાંત સ્થળ જોઈ ત્યાં રસોઈપાણી કરી બપોર ગાળતી, તથા તેવે જ ઠેકાણે રાત્રે વાસો કરતી. જે બાગબગીચામાં રહેતી, જેની આગળ રોજ ફુવારા ઉડી રહેતા, જેને ઠંડક કરવાને ખવાસો રોજ પંખા નાંખ્યા કરતા, જેને શરીરે ચંદન અરગજાનો લેપ થતો, તેને હમણાં ફાગણ મહીનાના બપોરનો સખત તડકો ખમવો પડ્યો, જે હમેશાં સુખપાલમાં બેસીને ફરતી તેને ઘોડાની સખત સ્વારી કરવી પડી. જે સવામણ રૂની તળાઈમાં સુતી, તથા જેને નિદ્રા લાવવાને હજારો ઉપાય કરવા પડતા તેને હમણાં ભોંય ઉપર સુકાં પાતરાં ઉપર, અથવા વખતે ઝાડ ઉપર સુવું પડ્યું, અને ત્યાં તેને રાજપલંગ કરતાં મીઠી ઉંઘ આવતી, જે રોજ પકવાન અને બીજાં મિષ્ટ ભોજન આરોગતી તે હમણાં વનફળ અથવા કાંઈ હલકું પાતળું ખાઈને દેહને આધાર આપતી. જેને જરા પણ કામ કરવું પડતું ન હતું, જેનો હુકમ બજાવવાને સેંકડો ખિદમતગારો રજુ રહેતા તેને હાથે રાંધવું પડતું, તથા બીજું સઘળું કામકાજ કરવાને પોતાની જાત સિવાય બીજું કોઈ ત્યાં ન હતું. કેટલાએક દહાડા સુધી એ પ્રમાણે મુસાફરી કરતાં કરતાં એક મોટા અરણ્યમાં તે જઈ પહોંચી, તે જંગલ ઘણું ઘોર તથા બીહામણું હતું, તેમાં ઝાડો તો એટલાં હતાં કે ખરે બપોરે ત્યાં તડકો આવી શકતો નહી, તથા ઝાડોની ઘટાથી ત્યાં સદા અન્ધકાર રહેતો. આગળ પાછળ નાના મોટા ડુંગરો હતા, તથા તેમાંથી નિર્મળ નદીઓ વહેતી હતી. પવનથી ઝાડનાં પાતરાં હાલતાં તેથી ત્યાં નિરંતર શબ્દ થયા જ કરતો, તેની સાથે જ્યારે રાત પડતી ત્યારે શિયાળવાં મોટે અવાજે રડતાં, વાઘ બરાડા પાડતા, તથા બીજાં જંગલી પશુઓ જુદા જુદા અવાજ કરી રાતને ભયંકર કરી નાંખતાં. એવા જંગલમાં કૌળારાણી ભયભીત થઈ ભટકતી અને દેહેશતને લીધે તેનું શરીર વખતે વખતે થરથર ધ્રુજતું. તેને રાની પશુઓથી એકલો ડર હતો એમ ન હતું. તે ઓળખાઈ આવે, અને તેને પકડીને પાછા પાટણ લઇ જઈ મ્લેચ્છ લોકોના સરદારને કોઇ સ્વાધીન કરે તે પણ દેહેશત તેને હતી; વળી તેને ચોરની તરફથી પણ ઘણી ધાસ્તી હતી. એક તો તેના અંગ ઉપર ઘણાં કિમતી ઘરેણાં છુપાવીને રાખેલાં હતાં તે લઈ જવાની લાલચથી ચોર લોકો તેનો કદાપી જીવ લે; અને બીજું તે સ્ત્રી હતી, અને પુરૂષને વેશ માત્ર લીધેલો હતો, તે વેશ નીકળી ગયા પછી તેની ખરી જાત ઉઘાડી પડી આવે, તથા દુષ્ટ લોકો તેને ઉપદ્રવ કરે, તથા તેની પવિત્ર કાયાને ભ્રષ્ટ કરે એ પણ તેને ઘણી ફિકર હતી. એ પ્રમાણે તેને ચોતરફથી ચિંતા વળગેલી હતી. તો પણ તેણે હિંમત તથા ધૈર્ય રાખી આગળ ચાલ્યાં જ કીધું; તથા રસ્તામાં આવતા કોઈ પણ ગામમાં અટકી નહી. સારા ભાગ્યે તેણે મુસલમાનનો વેશ ધારણ કીધેલો હતો. તે વખતે તે લોકોનો એટલો બધો ત્રાસ પડી ગયલો હતો કે રસ્તામાં કોઈએ તેનું નામ પૂછયું નહીં. એથી ઉલટું તે જ્યાં જ્યાં ગઈ ત્યાં ત્યાં તેને માન પ્રતિષ્ઠા મળતાં ગયાં; તથા તેને જે જોઈતું તે સઘળું તેના ડરથી લોકો તુરત આણી આપતાં. પણ એ પ્રમાણેનું નિરાંતપણું ઘણા દહાડા સુધી કાયમ રહ્યું નહીં. જ્યારે તે જંગલ વટાવાની તૈયારીમાં હતી, અને જ્યારે તેની સઘળી દેહેશત તથા ફિકર ચિંતા મટવા ઉપર આવી હતી, તે વખતે એક દહાડો જળ વજળ દહાડો રહ્યો હતો તેવામાં તેની સામે દશ માણસનું ટોળું આવી ઉભું રહ્યું. અને “ લુગડાં ઉતાર ” એવી રીતે તેને મોટે સાદે કહ્યું, કૌળારાણીના શરીરમાંનું તમામ લોહી પાછું હઠીને અન્તઃકરણમાં જઈ રહ્યું, અને ઘોડા ઉપરથી હમણાં પડી જશે એવો વખત આવ્યો. પણ તેણે તે વખતે રજપૂતાણીનું નામ રાખ્યું. હિમ્મત પકડીને તે ઘણી ધરપતથી બોલી: “હું મુસલમાન સવાર છું. અમારા લોકોએ તમારા કરણ રાજાને હરાવ્યો, તથા કતલ કીધો છે; અમે આખું ગુજરાત તાબે કીધું છે; અને અમે હમણાં સઘળા મુલકના ધણી છીએ, અમારા સરદાર સાહેબે મને ગુજરાત સર કીધાના સમાચાર દિલ્હીના પાદશાહ અલાઉદ્દીન ખિલજીને પહોંચાડવા મોકલ્યો છે. હું પાદશાહી કામ ઉપર જાઉં છું. માટે જે તમે મને ઈહાં રોકશો, મને લુંટશો, બીજી રીતે ઉપદ્રવ કરશો, અથવા મારો જાન લેશો તો તમારી કમબખ્તી આવી એમ જાણવું. તમે પાદશાહને ઓળખો છો ? તે આખી જહાનનો રાજા છે. જો તમે તેના માણસને છોડશો તો તમે આકાશ, પૃથ્વી કે પાતાળ ગમે ત્યાં હશો તોપણ ત્યાંથી તે તમને શોધી કાઢશે; તમારાં ઘરબાર બાળી મૂકશે, તમારાં બઈરી છોકરાંને કાપી નાંખશે; અને તમને પણ રીબી રીબીને મારી નાંખશે. માટે દૂર રહો, અને મને તાકીદથી જવા દો, મારી પાછળ બીજા કોઈ આવે તેને ગમે તે કરજો, પણ જો તમને તમારી તથા તમારાં વહાલાંઓની જીન્દગી પ્યારી હોય તો મને છેડશો માં.” આ ધમકીથી ચોરના મન ઉપર જરા પણ અસર થઈ નહી કૌળારાણીના આ ધર૫તના શબ્દ પવનમાં ઉડી ગયા, અને તેથી દેહેશત ખાવાને બદલે આ રાનના પુત્રો ખડખડ હસી પડ્યા. તેઓમાંથી એક આગળ આવી બોલ્યો, “અમારા મનને હિન્દુ અને મુસલમાન, પાદશાહનો માણસ કે ગામનો રાવણીઓ, એ સઘળા સરખા છે. અમે કાંઇ માણસને જોતા નથી, પણ તેની પાસે જે હોય છે તે ઉપર ધ્યાન આપીએ છીએ. તમારા પાદશાહને અમે એાળખતા નથી, અને ઓળખવો પણ નથી. તે અલુદીન ખીચડી કે અલુદીન ઘી ગમે તે હોય તેની અમને શી ચિન્તા છે; અને તે અમને મારી નાંખશે તેની અમને કાંઈ ફિકર નથી, અમે મોતની પડોશમાં રહીએ છીએ, અમે તો મોતની સાથે હળી ગયલા છીએ; મોત તો અમારો સોબતી છે, તેથી અમે તેનાથી જરા પણ ડરતા નથી. તારા પાદશાહથી અને બીજા કોઇથી મોત કરતાં બીજું શું વધારે થઈ શકવાનું છે, માટે ઉતાર લુગડાં, નહી તો બળાત્કારે લઈ લઈશું.” હજી કૌળારાણીએ લુગડાં ઉતારવાની આનાકાની કીધી તેથી તે ચોરને ગુસ્સો ચઢ્યો અને તેઓએ પાસે આવીને તેને ઘોડા ઉપરથી પાડી નાંખી, અને તેનાં લુગડાં કાઢવા માંડ્યાં. ઉપરનું વસ્ત્ર ખસેડતાં મોતી તથા હીરાના હાર જોઇને ચોરોને ઘણું આશ્ચર્ય લાગ્યું, પણ તેવામાં તેનામાં જ્યારે સ્ત્રીનાં લક્ષણ તે ભીલ લોકોએ જોયાં ત્યારે તેઓ એવા તો વિસ્મિત થયા કે ત્યાં હવે શું કરવું તેનો વિચાર કરતા જ ઉભા રહ્યા. કૌળારાણી બેશુદ્ધ થવા જેવી થઇ ગઇ અને અકળામણમાં તે બોલી ઉઠી: “ શિવ શિવા શિવ ! રે ભગવાન ! આ શી અવસ્થામાં આવી પડી છું ! હું કોણ અને આ ભીલ લોકો કોણ ! કોઈ વખત ઉપર તેઓ મારી સામું પણ જોઇ શકતા ન હતા, અને આજે તેઓ મારું આટલું અપમાન કરે છે. અરે મારા ભર્તાર ! અરે કરણ રાજા ! તું શા માટે જ્યાં હોય ત્યાંથી આવીને તારી પરમ પ્રિય સ્ત્રીનું રક્ષણ કરતો નથી ? અરે યમરાજા ! જો મારો ધણી તારી હદમાં હોય તો તેને ત્યાંથી જલદીથી મોકલી દે કે તેની પટરાણીને આ વખતે તેની તલવારના જોરથી આ દુષ્ટ ચોરોના હાથથી મૂકાવે.”કૌળારાણીના આ શબ્દ સાંભળીને ભીલ લોકો ત્રાસ પામ્યા, અને તેઓના મનમાં ખાતરી થઈ કે એ કરણ રાજાની રાણી હશે, તેના દરજ્જા ઉપરથી તથા તેના શરીર ઉપર જે ઘણાં મૂલ્યવાન ઘરેણાં હતાં તે ઉપરથી, જો તેઓના નાયકને ખબર કીધા વિના તેને લુંટી લે, અને સઘળો માલ પોતે રાખે તો નાયક ઘણો કોપાયમાન થાય, અને કાયદો તોડવાની તેઓને ભારે શિક્ષા થાય, એ વિચારથી તેઓએ તેને નાયક પાસે લઈ જવાનો ઠરાવ કીધો. પણ તેઓમાંથી એક જે બીજા કરતાં વધારે લોભી હતો તેને એ વાત ગમી નહી. નાયક પાસે લઈ જઈશું તો તે સઘળું લઈ લેશે, અને તેઓને તેમાંથી ઘણું થોડું મળશે એ વિચારથી તેણે તેના સોબતીઓને કહ્યું –“શું જોયા કરો છો ? તેનું માથું કાપી નાંખો, સઘળાં લુગડાં ઘરેણાં ઉતારી લો; અને તેના મડદાને કોઈ ઠેકાણે ફેંકી દો, નાયક પાસે લઈ જવામાં આપણને શો ફાયદો છે?” બીજા ભીલ લોકોનો અભિપ્રાય તેના જેવો ન હતો. એક સ્ત્રી અને તે વળી આવી મોટી રાણી તેને નકામી મારી નાંખતાં તેઓનું દીલ ચાલ્યું નહી. વળી ઘરેણાં એટલી બધી કિમ્મતનાં હતાં કે વેચવા જવાથી પકડાઈ જવાય, અથવા એ વાત છાની રહે નહીં, એવી તેઓની ખાતરી હતી, માટે તેઓએ તેઓના સોબતીની વાત કાને ધરી નહીં. તેઓ કૌળારાણીને માનપૂર્વક ઉંચકી ઘોડા ઉપર બેસાડી પાસેના ગામમાં તેઓના નાયકના ઘરમાં લઈ ગયા.

નાયક એક ઝુંપડામાં એક ખાટલા ઉપર બેઠેલો હતો. તેની ઉમર ત્રીશ અને ચાળીશની વચ્ચે હતી, પણ તેનો ધંધો ભટકવાનો, તથા જોર વધારે એવો હોવાથી તે પચીશ ત્રીશ વર્ષની વચ્ચેની ઉમરનો હોય એવડો દેખાતો હતો. નાયકને રામ રામ કરી સઘળા ચેારોએ કૌળારાણીની પેહેલેથી તે છેલ્લે સુધી તમામ હકીકત કહી, અને તેને સ્વાધીન કીધી. નાયકે ચોરોને ઘણી શાબાશી આપી, અને થોડા દહાડા પછી તેઓને ભાગ આપવાની કબુલાત આપીને તેઓ સઘળાએાને વદાય કીધા.

જ્યારે નાયક એકલો રહ્યો ત્યારે તેણે કૌળારાણીની તરફ જોયાં કીધું. તેના મનમાં અનેક વિકારો થવા લાગ્યા અને તેની સાથે લગ્નથી જોડાઇ તેને સુખી કરવા તે કૌળારાણીને સમજાવવા લાગ્યો. કૌળાદેવી બીચારી નિરાધાર હતી. તે વખતે તેની વહારે ધાય એવું કોઈ નહોતું તેથી તે કાંઈ પણ બોલ્યા વિના ઉભી રહી. રાત પડી અને નાયક રોજ કરતાં કાંઈક વધારે અફીણ ખાઈ સુતો તે જોઈ કૌળાદેવી ઉઠી અને જગદંબાની સ્તુતિ કરી પોતાની પાસે ખંજર સંતાડી રાખ્યું હતું તેવડે તે નાયકને કારી જખમ મારી તેને પળવારમાં યમ શરણ મોકલી દીધો. પછી પોતે નાયકનાં લુગડાં પેહેરી વાડામાં ગઈ. ત્યાં તેના ઘેાડામાંથી એક સારો જલદ ઘોડો પસંદ કરી તે ઉપર સ્વાર થઈ રાત્રે ને રાત્રે આગળ ચાલી. નાયક જાણીને તેને કોઈએ હરકત કીધી નહી, અને સવારે જ્યારે નાયકના ઘરનાં માણસોને તેના મોતની ખબર પડી, અને ત્યાર પછી તે ખબર આખા ગામમાં પથરાઈ, અને ગામના કેટલાએક લોકો કૌળારાણીને પકડવાને નીકળ્યા, ત્યારે તે ઘણે આઘે ચાલી ગઈ હતી. કૌળારાણીને ખાતરી હતી કે સવારે ગામના લોકો તેની પાછળ લાગશે, અને જો તે આગળ ચાલ્યાં કરશે તો કોઈ દહાડો પણ તે પકડાઈ જશે. એ દેહેશતથી એક ગામ આવ્યું ત્યાંના રાજા પાસે થોડા દહાડા સુધી રહેવાનો તેણે ઠરાવ કીધો. રાજાની આગળ તેણે પોતાની સઘળી હકીકત કહી, અને તે સાંભળીને તેને એટલી તો દયા આવી કે પોતાને માથે ભારે જોખમ ખમીને તેને રાખવાનું તેણે કબુલ કીધું, સંકટમાં આવી પડેલા માણસોને સહાયતા ન કરવી એમ કેમ થાય ? તેમાં વળી આશ્રય માગનાર સ્ત્રી એટલે ના કહેવી એ તો મુશ્કેલ જ.

જ્યારે કૌળારાણી તે ગામમાં શત્રુના ભયથી બચી, તે વખતે ભીલના નાયકના માણસો ઘોડા ઉપર બેસીને તેને પકડવાને આવતા હતા. એ ભીલ લોકોને, અલફખાંએ પણ તે જ કામને માટે મોકલેલા સવારો મળ્યા. તે બંને ટોળાનાં માણસોએ માંહેમાંહે વાતચિત કરવા માંડી તે ઉપરથી મુસલમાન સવારોની ખાતરી થઈ કે જે રાણીને તેઓ શોધે છે તે જ નાયકને મારનાર છે. એ સઘળા તે ગામ તરફ ચાલ્યા, પણ રસ્તામાં તેઓ બન્નેની વચ્ચે મોટી તકરાર થઈ. જો કૌળારાણી પકડાય તો તેને પોતાના ગામમાં લઈ જવી, અને નાયકનાં બઈરાંછોકરાંની સમક્ષ તેનો રીબીરીબીને પ્રાણ લેવો એવો તે ભીલોનો મનસુબો હતો. મુસલમાન સવારોને એવો હુકમ મળેલો હતો કે તેને જીવતી પકડીને અલફખાંની રૂબરૂ રજુ કરવી. હવે એ બે વાત શી રીતે બને? માટે તેઓ માંહેમાંહે તકરાર ઉપરથી ગાળાગાળી ઉપર આવ્યા, અને તેમ કરતાં મારામારી ઉપર વાત આવી ગઇ. બંને તરફના કેટલાક માણસો કપાઇ ગયા, અને જો બંને તરફ બે વૃદ્ધ માણસો વચ્ચે પડ્યા ન હોત તે તેઓ સઘળા ત્યાં અનંતકાળ પણ વાસ કરત; કૌળારાણી સુખેથી પોતાના બાપ પાસે જઈ પહોંચત; અને અલફખાં ઘણો જ નાઉમેદ થઈ જાત. પણ એમ થવા દેવાની ઈશ્વરની મરજી ન હતી. બે વૃદ્ધ માણસોએ એવું સમાધાન કીધું કે જે લોકો તેને પહેલી પકડે તેઓ તેને લઈ જાય. બંને તરફના માણસોએ એ વાત કબુલ કીધી, પણ મુસલમાન સવારો મનમાં ભીલો ઉપર ઘણાં ખીજવાઈ રહેલા હતા, અને જે કદાપિ રાણી ભીલોના હાથમાં આવશે તો તેઓ તેને લઇ જશે, તેઓની સઘળી મહેનત નિષ્ફળ જશે, તથા અલફખાંને ખુશ કરી પોતાનો ફાયદો કરી લેવાનો આવો પ્રસંગ ફરીથી આવશે નહી, એ સઘળી વાત ઉપર નજર રાખીને તેઓએ ભીલ લોકોને નક્કી કરવાને નિશ્ચય કીધો. પછી એક રાત્રે જ્યારે તેઓ સઘળા સુતેલા હતા, તે વખતે મુસલમાન સવારો સંકેત પ્રમાણે એકદમ ઉઠ્યા, અને સઘળા ભીલ લોકોને કતલ કીધા. એ નિર્દય કામ ઉંઘતાં માણસો ઉપર કીધા પછી તેઓ ગામમાં પેંઠા, અને ત્યાં રાણીની તજવીજ કરવા લાગ્યા. દૈવયોગે એવું બન્યું કે રાજાના હજામને તેઓએ તે બાબદ પુછ્યું. સઘળા દેશોમાં હજામની જીભ ઘણી લાંબી તથા પેટ ઘણું નાનું હોય છે, તે પ્રમાણે તેણે તેઓને કહી દીધું કે ઈહાંના રાજાના મહેલમાં એક બે દહાડા થયાં એક પરેાણો આવેલ છે તેને રાજાજીએ ઘણો સત્કાર કીધેલો છે. સવારોને નક્કી થયું કે એ જ કૌળારાણી હશે તેથી તેઓએ રાજાને તુરત સંદેશો મોકલ્યો કે જે નવો માણસ તેની પાસે આવેલો છે તેને અમારે સ્વાધીન કરવો શરણાગતને શત્રુના હાથમાં આપી દેવો એ સમાન બીજું કાંઈ મોટું પાપ નથી એમ સમજીને, તથા કૌળારાણીએ ઘણા કાલાવાલા કીધા તેથી દયા લાવીને રાજાએ થોડી વાર આનાકાની કીધી, પણ જ્યારે સવાર લોકોના ઉપરીએ ફરી કહેવડાવ્યું કે અમારા કહેવા પ્રમાણે એકદમ કરશો નહી તે આખું પાદશાહી લશ્કર તમારા ગામ ઉપર તુટી પડશે, તમારું સઘળું રાજ્ય ઉજડ કરશે, અને તમને ગાદીએથી ઉઠાડી મુકશે, ત્યારે તે રાજા ભય પામ્યો, અને કૌળારાણીને એ સઘળી વાત સમજાવીને કહી. તેણે તે ગામમાંથી નાસી જવાનો ઠરાવ કીધો. પણ જો તે એ પ્રમાણે કરે તો મુસલમાન લોકોના મનમાં એવું આવે કે તેણે તેને જાણી જોઈને જવા દીધી અને તેઓ તેના ઉપર તેઓનો સઘળો ક્રોધ કાઢે, તેથી તેણે દરવાનોને હુકમ આપ્યો કે જે અજાણ્યો માણસ ગામ બહાર જવાનું કરે તેને પકડી પાદશાહી સવારોના ઉપરિને સ્વાધીન કરવો. તે પ્રમાણે જ્યારે કૌળારાણી તે રાત્રે ગામ બહાર જવાનું કરતી હતી તે વખતે દરવાને તેને પકડીને તે ઉપરિને સોંપી દીધી. તે મરદના વેશમાં બઈરી છે એ જાણવામાં કાંઈ મુશ્કેલી પડી નહી, અને જ્યારે એ પ્રમાણે નક્કી થયું ત્યારે તે કરણ રાજાની નાસી ગયેલી રાણી સિવાય બીજું કોઈ નહીં હોય એમ તેઓની ખાતરી થઈ, પોતાની મહેનત સફળ થઈ, તથા અલફખાં તેઓના ઉપર ઘણો પ્રસન્ન થશે એવી ઉમેદથી તેઓ કૌળારાણીને લઈ ઘણી ઝડપથી પાટણમાં આવી પહોંચ્યા. કૌળારાણી જીવતી હાથ આવી, તથા તેને અલાઉદ્દીન પાદશાહ પાસે મોકલીશ તો તે ઘણો ખુશ થશે એ વિચારથી અલફખાંના મનમાં હર્ષ માયો નહી. કૌળારાણીને બીજે દહાડે રાજમહેલમાં લાવ્યા, અને ત્યાં તેને બીજી રાણીઓ પાસે એળખાવી. તેની ચામડીને રંગ તડકાથી શામળો પડી ગયો હતો, તથા તેણે જે મ્હોંડા ઉપર રંગ લગાડ્યો હતો તેની અસર હજી સુધી કાયમ હતી, તેથી તેની ખુબસુરતી અલફખાંના સાંભળ્યા પ્રમાણે જણાઈ નહી, બીજી રાણીઓના કહેવાથી તેને એક મહિને મહેલમાં રહેવા દીધી; અને એ પ્રમાણે થવાથી તેની મરજી વિરૂદ્ધ તેનું સુંદર રૂપ પાછું આવ્યું. મહીનો વીત્યા પછી અલફખાંએ તેને જ્યારે જોઈ ત્યારે તેનામાં આવો ફેરફાર થયલો જોઈને તે ઘણો જ આશ્ચર્ય પામ્યો, અને તેની અપ્સરા કરતાં પણ વધારે રૂપાળી કાંતિ જોઈને તેનો જીવ ઘણો આકુળવ્યાકુળ થયો, તેની આગળ તે સૌન્દર્યના એક માનવી અવતાર, આરસની એક પુતળી જેવી ઉભી રહી, તેને અલાઉદ્દીન પાદશાહ પાસે મોકલી દેવાનો તેનો મનસુબો છે તે તેને કહી સંભળાવ્યો, અને દિલ્હીમાં જઈ પાદશાહના ઝનાનખાનામાં મુખ્ય રાણીની મિસાલે રહેવા જવાની તૈયારી કરવાને તેણે કહ્યું. કૌળારાણી માઠામાં માઠા સમાચાર સાંભળવાને તૈયાર જ હતી, તેથી આ વાત જાણતાં જરા પણ તે ગભરાઈ નહીં, પણ ડોકું હલાવીને પોતાના ઓરડામાં ચાલી ગઈ, થોડા દહાડા પછી શેહેરમાં એક મોટી ધામધુમની સાથે સવારી નીકળી ત્યારે જ પાટણ શેહેરના લોકોએ જાણ્યું કે ગુજરાતની રાણી, અતિ રૂપાળી કૌળાદેવી, મ્લેચ્છ પાદશાહનો મેહેલ શણગારવા જાય છે. લોકો તે સવારી જોવાને કોઈ બહાર આવ્યા નહી. સઘળા ઘણા મોટા શોકમાં પડ્યા. કૌળારાણીનું અન્તઃકરણ લોકોની પ્રીતિ જોઈને ભરાઈ આવ્યું, અને પોતાની જન્મભૂમિ હવે છોડવાનો વખત આવ્યો, એ દુ:ખથી તેના મન ઉપર એવી તે અસર થઈ કે તે ઘણા જોરથી રડી, અને નીચે પ્રમાણે તેણે વિલાપ કીધો-

લલિત છંદ.

કરણ રાજ ! તું, ક્યાંહ રે ગયો; નગર છોડીને, શીદ રે રહ્યો;

કરમ ફુટિયું, પ્રાણ જાય રે, સુખ સદા ગયું, હાય હાય રે.

તુજ વિના હવે, અન્ન ના ગમે, મન તણી મહા, વેદના દમે;

દરદ તાહરૂં, ના ખમાય રે; સુખ સદા ગયું, હાય હાય રે.

કરમની કથા, જાય ના કથી, દુઃખ સમુદ્રનો, પાર તે નથી;

ફિકર ચિત્તમાં, ના સમાય રે; સુખ સદા ગયું, હાય હાય રે.

કનકદેવલી ? ક્યાંહ રે હશે; રઝળતી મુકી, ક્યાં હવે જશે;

ધીરજ છાતીમાં, ના રખાય રે, સુખ સદા ગયું, હાય હાય રે.

રજપૂતો ! તમે, ન્યાત જાત રે, સકળ સ્નેહિઓ, માત ભ્રાત રે;

વિરહ તે તણો, કેમ થાય રે, સુખ સદા ગયું, હાય હાય રે,

પરમ પ્રિય જે, બાપ તેમણે; કસર ના કિધી, મૂજ કારણે;

વચન મીઠડાં, ના ભુલાય રે, સુખ સદા ગયું, હાય હાય રે.

ગૂર્જર દેશ ! રે, જન્મભૂમિ તું; અવતરી ત્યહાં, પાંપણી જ હું;

અધમ લોકને, હાથ જાઉં રે, સુખ સદા ગયું, હાય હાય રે.

ધરમ મૂકિને, મ્લેચ્છ થાઉં છું; કુળવિચાર સૌ, છોડી જાઉં છું;

તુરકડા વચ્ચે, ના વસાય રે; સુખ સદા ગયું, હાય હાય રે.

ઘરધણી મુઓ, દીકરી ગઈ; નગર છોડિઉં, ભ્રષ્ટ તો થઈ;

અખુટ પાપ તે, ના કપાય રે, સુખ સદા ગયું, હાય હાય રે.

અખિલ વિશ્વમાં, તું જ જે ધણી; અકળ ઈશ જે, છે દયા ઘણી;

તુજ કૃપા થકી, શાંતિ થાય રે, સુખ સદા ગયું, હાય હાય રે.

પ્રકરણ ૧૧ મું.

સૃષ્ટિમાંનાં ઘણાં રમણિય સ્થળો જ્યાં અપ્સરાઓ પણ રમવા આવે, તથા સ્વર્ગવાસીઓને પણ વાસ કરવો ગમે, એવા એક રળિયામણા સ્થળમાં એક કિલ્લો બાંધેલો હતો, અને તેની નીચે એક સુંદર નાનું શહેર વસેલું હતું, એ શેહેરની ચોતરફ ઉંચા ઉંચા પહાડોનો કોટ થઈ રહેલો હતો; અને તેમાંનાં ઘરો વચલા પોલાણમાં ચઢતાં ઉતરતાં ઘણાં જ ખુબસુરત હારબંધ બાંધેલાં હતાં. આ શેહેરનું પહાડોને લીધે પરમેશ્વર તરફથી રક્ષણ થયેલું હતું, તો પણ તેનો વધારે બચાવ કરવા સારૂ તેની આસપાસ ફરતે ઘણા મજબુત પથ્થરનો કોટ હતો, અને તેની સાથે વળી એક ઉંચી ટેકરી જેની નીચે સઘળું શેહેર આવી રહ્યું હતું, તે ઉપર એક કિલ્લો બાંધેલો હતો. એ શહેરનું નામ બાગલાણ હતું, અને તે દેવગઢના રાજા રામદેવના તાબામાં હતું. કિલ્લો ઘણો મજબુત તથા શોભીતો હતા, અને તેમાં રહેવાને સારુ ઘણો વગ હતો, વળી તેની આસપાસની જગા પણ એવી શોભાયમાન હતી કે તેનું યથાસ્થિત વર્ણન કોઈ મોટા કવિની કલ્પનાશક્તિથી પણ થઈ શકે નહી. ચોતરફ ઉંચા ઉંચા પહાડો હતા અને તેઓ સૂર્યોદય અથવા સૂર્યાસ્ત થતી વખતે એવા તો મનોહર લાગતા કે તે જોવાને જેટલો શ્રમ તથા પૈસો ખરચ કરીએ તેટલો સઘળો વળી જાય. તેઓના ઉપર પુષ્કળ ઝાડી હતી, અને સાગ, આંબા વગેરે ઝાડો નાટકશાળાની બેઠકની પેઠે એક ઉપર એક ઉગેલાં હતાં તે જોઈને આંખને આનંદ તથા સંતોષ ઉપજતો હતો, એ ઝાડીઓમાં વાઘ, રીંછ વગેરે રાની પશુઓ નિરંકુશ અમલ ચલાવતાં હતાં, અને તેઓના રાજ્યપદ વિષે તકરાર લેનાર માણસ ત્યાં કવચિત જ આવતું હતું, નાનાં મોટાં પક્ષીઓ ઘણા ભરપૂર નાદથી તે સ્થળને ગજાવી મુકતાં, અને તેઓનાં સુંદર રંગબેરંગી પીંછાનો ઝળકાટ તડકામાં પડતો તે જોઈને ઈશ્વરની લીલાથી મન વિસ્મિત થયા વિના રહેતું જ નહીં. વળી ઠેકાણે ઠેકાણે નાની નાની નદીઓ વહેતી હતી, અને જ્યારે તેઓ ઉંચી જગાએથી ઉતરતી, અને પથરાઓ ઉપર અથડાતી, નાના છોડવા તથા પુલોને છુંદતી, તથા પહાડોના ઘસારાથી કાળા નાના કાંકરાએામાં રમતી આગળ ચાલતી, ત્યારે તેમની સ્થિતિ જોઈને આપણને આપણી બાલ્યાવસ્થા યાદ આવ્યા વિના રેહેતી નહી, બીજી કેટલીએક નદીઓ ઉંચા ટેકરાઓ ઉપરથી નીચે પડતી તેના મોટા ધોધવાથી ગર્જના થઈ રેહેતી, તેના ઉપર ફીણના જે ગોટા આવતા, અને તેના ઉપર જ્યારે સૂર્યનાં કિરણ પડતાં ત્યારે તેઓનું વક્રીભવન થઈને તેઓમાંના સાત જુદા જુદા રંગો છુટા પડીને ઈદ્રના ધનુષ્ય જેવો આકાર ત્યાં થતો તે ઘણો જ આશ્ચર્યકારક લાગતો હતો. એવા ધોધવાઓ નીચે પડીને આગળ વેહેતા, કેટલાએક નીચે પડી ત્યાં એકઠા થઈ રેહેતા, એટલે ત્યાં નીતર્યું કાચ જેવું તળાવ બનતું, અને કેટલીએક નદીએાના જુસ્સાથી જમીન ઘસાઈને ત્યાં મોટી મોટી ખાઈઓ થતી, અને તેમાંથી તેઓ વિજળીને વેગે દોડતી. જ્યારે ચોમાસામાં અષાડ મહિનામાં વાદળાંથી ઘોર ઘટા થઈ રહેતી, તથા વિજળીના ચમકારા અને મેઘગર્જનાના કડાકા થતા ત્યારે તે જગાનો દેખાવ ખરેખરે દબદબા ભરેલો તથા ભયાનક થઈ રેહેતો હતો. વાદળાં તો જાણે આપણા પગ નીચે ગોટા ને ગોટા અથવા ધુમસની પેઠે પથરાયલાં દેખાતાં હતાં, અને તેઓ પીગળીને પાણીનાં ટીપાં થઈ નીચે પડતાં તે આપણને લાગતું જ નહી, વિજળી ઝાડ અથવા ટેકરીઓની ટોચથી ખેંચાઈ આવીને પડતી તે વખતે પથ્થરોના ફાટવાથી તથા ઝાડોના પડવાથી મોટા મોટા અવાજ થતા હતા, વળી ગર્જનાના શબ્દ પણ એક પહાડ ઉપર અથડાઈ બીજા ઉપર પડતા; અને ત્યાંથી અથડાઈ ત્રીજાને લાગતા, અને એવી રીતે થયાથી ગડગડાટના કડાકા ને કડાકા કેટલીએક વાર સુધી પહોંચ્યાં જ કરતા. વરસાદ પણ ત્યાં એટલો બધો વરસતો કે તેનો ખ્યાલ મેદાનમાં વસનારાઓથી થઈ શકે નહી. એ સઘળું પાણી એકઠું થઈ નદીઓમાં વહેતું તેથી તે સઘળાં ઝરણો ભરપૂર થઈ જતાં હતાં. ઉનાળાના સખત તાપથી ઝાડો બળી ગયેલાં હોય, પથ્થરો તપી ગયલા હોય, તથા પહાડો જે ખાવા ધાતા હોય એમ દેખાતા હોય, ત્યાં સઘળે લીલું કુંજાર થઈ રહેતું. ઝાડો ઉપર આકાશમાંથી વૃષ્ટિ રૂપી અમૃત પડતું, તેથી તેઓ સજીવન થઈ, પાછાં પ્રફુલ્લિત થઈ શોભાયમાન દેખાતાં, તથા પાણીનો પુષ્કળ મારો હોવાથી સઘળે થંડક થંડક થઈ રેહેતી, તથા શીતળ વાયુથી અગણિત ફુલેાની સુગંધ ઘસડાઈ આવતી. 'ડુંગરા દૂરથી રળિયામણા' એ જે કેહેવત છે તે તે વખતે ખોટી પડતી. અને તેઓ આઘેના કરતાં પાસેથી વધારે રળિયામણા દેખાતા હતા. એવી જગાએ જે કિલ્લો હતો તેની છેક અંદરના ઓરડામાં બે જણાં બેઠાં બેઠાં વાત કરતાં હતાં.

એ બે જણમાંથી એક પુરૂષ તથા એક સ્ત્રી હતી પુરૂષ હતો તેની ઉમર ચાળીશ વર્ષની લગભગ હતી, પણ તેટલા કાળની અસર સાધારણ માણસના શરીર ઉપર જોવામાં આવે છે તે કરતાં તેની ઉપર વધારે દેખાતી હતી. કોઈ પણ તનદુરસ્ત માણસની જુવાની ચાળીશ વર્ષે જતી રેહેતી નથી, અને કેટલાએક દેશમાં તો તે વખતે માણસ ભરજુવાનીમાં ગણાય છે. પણ તે પુરૂષનાં વર્ષ વધારે ઝડપથી દોડ્યાં હતાં, તથા કાળચકનો ઘસારો તેના ઉપર વધારે થયો હતો. તેનું શરીર પ૦ અથવા પપ વર્ષની ઉમરના માણસના જેવું દેખાતું હતું. ઘણી ચિન્તાથી તેના ગાલ બેસી ગયલા હતા, તથા સર્વાંગે નિમાળા સફેદ થઈ ગયા હતા, તો પણ તેની આંખમાથી જુસ્સો હજી મરી ગયલો ન હતો, અને તેના બંને ડોળા અગરજો ઉંડા પેઠેલા હતા તો પણ તેઓમાં હજી શુરાતનનું તેજ હતું. તેની શિકલ ઉપરથી હજી જણાતું હતું કે તેનામાંથી તેનો અવિચારી હઠીલો સ્વભાવ ગયલો ન હતો. તેને સધળો દેખાવ માન આપવા યોગ્ય હતો, અને તેણે કોઈ વેળા સારા દહાડા જોયા હોય એમ તેને જોતાં જ જણાતું હતું.

એ માણસ કોણ હતો તે વાંચનારાઓએ જાણ્યું તે હશે, તેને છેલ્લી વાર મળ્યાને આજે લાંબાં નવ વર્ષ થયાં હતાં, તો પણ ઉપલા ટુંકા વર્ણનથી તે ઓળખાઈ આવ્યો હશે. તે ઓપણો મિત્ર કરણ વાઘેલો ગુજરાતનો છેલ્લો રજપૂત રાજા હતો, જે દહાડે પાટણની પડોશમાં રજપૂત સૈન્ય કપાઈ ગયું, જે દહાડે મ્લેચ્છ લોકો જય પામી આખા ગુજરાતનું રાજ્ય લઈ બેઠા, જે દહાડે માધવનું વેર તૃપ્ત થયું, અને જે દહાડે ગુજરાતના શૂરા સામંતો અણહિલપુરને છેલ્લા રામરામ કરી ઘોડા દોડાવી મૂકી દેશ છેડી ચાલ્યા ગયા, તે દહાડે કરણ મરણતોલ ઘાયલ થયો, અને તેને ઓળખીને હરપાળ તેને સાંઢણી ઉપર બેસાડીને ગુજરાતની સરહદપાર લઈ જવાને નીકળ્યો, એ સઘળું આપણે કહી ગયા છીએ. જ્યારે કરણ બાગલાણ શેહેર આગળ આવ્યો ત્યારે તે થાકથી તથા ઘાથી એવો અશક્ત થઈ ગયેા હતે કે તેનું આવર્દા પુરૂં થવા આવ્યું છે, એમ જાણી હરપાળે તેને તે શેહેરમાં રાખ્યો, અને તેની એવી અવસ્થાના સમાચાર રામદેવને દેવગઢમાં કેહેવડાવ્યા. નિર્બળને આશ્રય આપવો એ રજપૂતનો તથા તે વખતના રાજાઓનો મુખ્ય ગુણ હતો; અને અગરજો તેને દિલ્હીના પાદશાહને ઘણો ધાક હતો, અને તેને આશ્રય આપ્યાથી અલફખાંને ઘણો ક્રોધ ચઢશે એમ તે નક્કી જાણતો હતો, તો પણ આવી વખતે મહાપાપથી દુર્દશામાં આવી પડેલા, તેના કરતાં સઘળી વાતે શ્રેષ્ઠ, એવા ગુજરાતના રાજાને મરવાને નિરાંતની જગા આપવાની તેનાથી ના કેહેવાઈ નહી. ત્યાં રહેવાની રજા મળી એટલે તેને તે કિલ્લામાં રાખ્યો, અને જે વૈદ્યો મળી આવ્યા તેઓના ઉપચાર કરવામાં આવ્યા, પણ ઘા ઘણા કારી વાગેલા, તથા તેના મનમાં મહાભારત તોફાન ચાલતું, તે સાથે આ સઘળા બનાવથી તેની નિદ્રા અથવા આરામનો પણ નાશ થયો હતો, તેથી અગરજો મોત તો અટક્યું તોપણ પીડા ઘણી જ વાર પોંહોંચી, અને વૈદ્યોના ઉપાય તેના ઘા ઉપર કેટલીએક વાર સુધી તો બિલકુલ ચાલ્યા જ નહીં. જ્યારે તે શરીરની તથા મનની પીડાથી ટળવળતો તથા બરાડાબરાડ પાડતો હતો, જ્યારે તે મહા વ્યથામાંથી છુટવાને સારૂ ક્ષણે ક્ષણે મૃત્યુની પ્રાર્થના કરતો હતો, તે વખતે પરમેશ્વરે તેની સામું જોયું, તેને આટલું કષ્ટ જોઈને પરમ દયાળુ ઈશ્વરને કરૂણા આવી. તેના દુ:ખરૂપી અરણ્યમાં સુખનો પાણીને ઝરે દેખાયો. તેની અવસ્થાના અધિકારમાં શાંતિનું કિરણ પ્રકાશ્યું. તેની દુર્દશાની તપેલી ભોંય ઉપર દિલાસારૂપી ઓસનાં ટીપાં પડ્યાં, અને આફતનો શેતાન તેને ઉપદ્રવ કરતો હતો તેમાંથી તેનું રક્ષણ કરવાને બે ફિરસ્તા જાણે આકાશમાંથી ઉતર્યા.

જ્યારે કૌળારાણીએ મેહેલને આગ લગાડી ત્યારે તેની બે નાની દીકરીઓ કનકદેવી તથા દેવળદેવીને તેણે એક ચાકરને સોંપી પોતાના બાપ પાસે ઝાલાવાડમાં મોકલી હતી. રસ્તામાં તે ચાકરને ખબર મળી કે કરણ રાજા હજી જીવે છે, તથા તે બાગલાણમાં રહેલો છે, તે સાંભળીને તેણે તેનો રસ્તો બદલ્યો, અને તેના મહાભારત દુઃખમાં તેની પુત્રીઓના મેળાપથી તેને જે સુખ થશે તે ઉપર વિચાર કરીને, તથા છોકરીઓ ઉપર માના બાપ કરતાં પોતાના બાપનો વધારે હક્ક છે, એમ જાણીને તેઓને તેની પાસે લઈ જવાને નીકળ્યો. રસ્તામાં ઘણીએક અડચણો ભોગવીને તથા ઘણાંએક સંકટોનું નિવારણ કરીને અંતે તે બાગલાણના કિલ્લા પાસે સહીસલામત પહોંચ્યો, અને કરણ રાજાની બે બાથમાં તેની કુમળી વયની બે દીકરીઓ ભરાઈ. આવી વખતે આવી અવસ્થામાં બાપ તથા દીકરીઓનો મેળાપ થયો તે વખતે તે દુર્ભાગ્ય રાજાને જે બેહદ આનંદ થયો તેનું વર્ણન થઈ શકતું નથી. મોટી છોકરી આઠ વર્ષની હતી, તે ઘરમાં સઘળું સ્ત્રીનું કામકાજ કરતી, અને તેની સંભાળથી તથા તેની ઘરબાબતની સઘળી ગોઠવણથી કરણ રાજાના ઘા ધીમે ધીમે રૂઝાવા લાગ્યા, અને તે કેટલીક વાર પછી બિલકુલ સારો થયો, માણસના સુખને વાસ્તે બઈરાં કેટલાં અગત્યનાં થઈ પડે છે તે જ્યાં તેમની ખોટ પડે ત્યાં જ જાણવામાં આવે છે, તેઓનો ઉપયોગ ઘણા લોકો બરાબર સમજતા નથી, તથા તેઓની કિમ્મત જોઈએ તેટલી તેઓ કરતા નથી, પુરૂષ અને બઈરીના ગુણોમાં પરમેશ્વરે મોટો તફાવત રાખેલો છે. અગરજો કેટલાએક માણસોમાં બઈરાના ગુણો અને કેટલીક સ્ત્રીઓમાં માણસના હોય છે, તો પણ તેઓ સાધારણ નિયમથી ઉલટાં છે. સામાન્ય નિયમ તો એવો છે કે પુરૂષોમાં કામકાજ કરવાના અને એવા બીજા સખત ગુણો હોય છે, અને સ્ત્રીઓમાં સહન કરવાના અને નરમ ગુણો માલમ પડે છે. દયા, મનની કોમળતા, ધૈર્ય, વગેરે બીજાને સુખી કરવાને જરૂરના ગુણો ઘણું કરીને સ્ત્રીવર્ગમાં વધારે હોય છે. એ જ કારણને લીધે તેઓ ઘર ચલાવવાને તથા પોતાના ધણીને સુખ ઉપજાવવાને વધારે લાયક છે. જ્યારે માણસ કોઈ આફતમાં આવી પડે છે ત્યારે તેને બઈરી સિવાય બીજું કોઈ શાંત કરી શકતું નથી. જ્યારે તેના મનમાં જુસ્સો ચઢી જાય છે ત્યારે તેની મનો વૃત્તિઓને નરમ પાડવાને તેને જ ઈશ્વરે સજેલી છે; પણ વિશેષે કરીને જ્યારે તેના ઉપર મંદવાડ આવી પડે છે, જ્યારે તેની એક નાના બાળકની પેઠે બરદાસ્ત લેવી પડે છે, જ્યારે તેનો સ્વભાવ એવો ચીઢિયો થઈ જાય છે કે તેનો બોલ બીજા કોઈ સાંખી શકતા નથી, તે જ વખતે બઈરીનું ખરેખરું કામ પડે છે, તે જ વખતે તેની ખરી કીમત થાય છે, અને તે જ વખતે તેનું દુઃખ મટાડવાને પરમેશ્વરે તેને મેકલી હોય એમ પુરૂષને લાગે છે તેની ચાકરી કરવાની રીતથી જ અર્ધું દરદ ઓછું થાય છે. તેના મધુર શબ્દો રામબાણ ઓસડ જેવા થઈ પડે છે, અને તેના નરમ હાથ શરીર ઉપર ફરે છે એટલે જ ઘણી ઠંડક થાય છે; માણસને તેની જીંદગીના હરેક ભાગમાં સ્ત્રીથી સુખ મળે છે. નાનપણમાં તેને માની ઘણી જ જરૂર હોય છે, બલકે તેના આવર્દાનો આધાર ઘણું કરીને તેની મા અથવા એવી બીજી કોઈ સ્ત્રી હોય છે, મોટપણે તેની પાની વડે તે સંસારરૂપી સાગરમાં વધારે ચેહનથી સફર કરી શકે છે, અને જે કમનસીબથી તેની સ્ત્રી તેના પહેલાં મરણ પામે તો કેટલુંક સ્ત્રીનું કામ તેની છેકરી ચલાવી શકે છે, કરણ રાજાને પણ તે જ પ્રમાણે થયું. કનકદેવીનું સઘળું લક્ષ પોતાના બાપને આરામ કરવા તરફ તથા તેની પીડા જેમ બને તેમ ઓછી કરવા તરફ હતું, અને તેમ કરવા સારૂ તેની ઉમર પ્રમાણે તેનાથી જેટલો બની શક્યો તેટલો તેણે શ્રમ કીધો, અને પરમેશ્વરની કૃપાથી તે સઘળો સફળ થયો. નાની છોકરી જે દેવળદેવી હતી તે તે વખતે માત્ર ચાર વર્ષની હતી, તથા તેનાથી પોતાની બેહેનના જેવું કામ થઈ શકતું નહતું, તો પણ તેના બાળપણના જુદા જુદા ખેલથી, તેમના કાલાકાલા બોલથી, તથા ખરા દીલથી પોતાના બાપને ખુશ કરવાનો તે જે પ્રયત્ન કરતી હતી તેથી કરણ રાજાને અર્ધો આરામ થયો. એ બે છોકરીઓ તેના બાપને ખરેખરાં રત્નો હતાં, અને અગરજો તેણે દુનિયામાં સઘળું ખેાયું હતું તોપણ તે મોટો ખજાનો તેને નસીબે રહી ગયો હતો. તેઓ તેના ઘા ઉપર ઠંડા મલમના જેવી હતી. જેમ ભુખ્યાને અન્ન, જેમ તરસ્યાને પાણી, જેમ દર્દીને ઔષધ, તેમ કરણ રાજાને એ બે છોકરીઓ હતી. જેમ જેમ સઘળી દુનિયાએ તેનો વધારે ત્યાગ કીધો, તેમ તેમ તેઓએ તેને પ્રેમની જાળમાં વધારે સાંકળી લીધો. જ્યારે બીજા લોકો તેને આડી અાંખે જોવા લાગ્યા તે વખતે તેઓ પ્રીતિથી ભરપૂર નેત્રથી તેને નિહાળતી હતી. જ્યારે તેના ખોટા મિત્રો લીલા વનનાં સૂડાની પેઠે ઉડી ગયા ત્યારે ઈશ્વરે તેને શુદ્ધ પ્રેમવાળી પુત્રી મેળવી આપી. અને જ્યારે તેના ચાકરો, સિપાઈઓ, વગેરે કામ કરનારા જતા રહ્યા ત્યારે તેને ભાડુતીએણ નહી પણ ખરા હેતવાળી મદદ કરનાર પુત્રી આવી મળી.

એ પ્રમાણે કરણનું સુખ માત્ર પાંચ વર્ષ સુધી પહોંચ્યું, પરમેશ્વરની ગતિ અકળ છે, તથા તેનાં કામોનાં કારણો શોધી કઢાય એવાં નથી. આટલું બધું સંકટ ભોગવ્યા પછી કરણ રાજાને જે થોડું સુખ મળ્યું તે તેને ઘણી મુદ્દત સુધી અથવા તેના જીવતાં સુધી પહોંચશે એવી આશા રાખવામાં આવે, અને ઈશ્વર મરતાને વધારે મારશે નહી એવી કલ્પના થાય; પણ એ આશા તથા ક૯પના ઘણી વાર ખેાટી પડે છે. માણસ ઉપર જ્યારે દુ:ખ આવી પડે છે ત્યારે ઘણું કરીને સામટું જ આવી પડે છે, અને એ સઘળી આફતોમાં જે માણસ પોતાનું ધૈર્ય છોડતો નથી, તથા પરમેશ્વર ઉપરનો જેનો દૃઢ વિશ્વાસ, જરા પણ ડગતો નથી તે માણસ ખરેખરે ધર્મી, તથા તે જ ખરેખરો ઈશ્વરનો ભક્ત જાણવો, માણસના વિશ્વાસની તથા ભક્તિની એ પ્રમાણે પરમેશ્વર પરીક્ષા લે છે તેમાંથી ઘણા જ થોડા પસાર થાય છે. હમણાં તો કરણ રાજાનો વારો આવ્યો, અને જે વખતે તેનાં આગલાં દુઃખોના ઘા પૂરેપૂરા હુજુ રૂઝાયા નહતા, તથા જે વખતે સુખનો જરા સ્વાદ ચાખવા માંડ્યો હતો, તે વખતે તેને એક બીજો કારી જખમ લાગ્યો. મોતના દૂત તેના એકાંત કિલ્લા ઉપર ઉતર્યા, અને એક ઝપાટો મારી તેની વ્હાલી છોકરી કનકદેવી જે હમણાં તેર વર્ષની થઈ હતી, જે તેનાં સઘળાં સુખનું મૂળ હતું, જે તેની નિર્બળ અવસ્થાનો આધાર હતો તેને ઘસડી ગયા. આ અકસ્માત આવી પડેલા દૈવકોપથી કરણને જે મહાવ્યથા થઈ તેનું વર્ણન કરવાની કાંઈ જરૂર નથી. તે યથાસ્થિત થઈ શકે પણ નહી; ને થાય તો પણ તેથી વાંચનારાઓને સંતા૫ માત્ર ઉપજે, તેથી તે ઉપર પડદો ઢાંકી દઈ બીજાં ચાર વર્ષ કુદી જઇને ઈ૦ સ૦ ૧૩૦૬ ના વર્ષના અષાડ મહીનામાં જે બનાવ બન્યો તેનું વર્ણન કરીએ છીએ.

તે વખતે એવું બન્યું કે બાગલાણથી આશરે દશ કોશ ઉપર એક વાઘ અને વાઘણે રાહ પાડી. તેઓએ આસપાસનાં ગામોનાં ઢોર એટલાં તો મારી નાંખ્યાં, તથા લોકમાં એટલો તો ત્રાસ પાડ્યો કે તેને મારવાને ગામેગામથી લોકો એકઠા થયા; પણ તે એવાં વિક્રાળ, જોરાવર તથા ચપળ હતાં કે તેમને મારવામાં કેટલાએક લોકોના પ્રાણ ગયા તો પણ તેમાંથી એક પણ મુવું નહીં. એ વાઘોની વાત દેવગઢના રાજાને કાને પડી, તેથી તેણે પોતાના બે છોકરા ભીમદેવ તથા શંકળદેવને તેમને મારવાને તથા લોકોને નુકશાન થતું બચાવવાને મોકલ્યા. ભીમદેવની ઉમર આશરે ૨૫ વર્ષની હતી, અને બહાદુરીમાં તે રજપૂતના નામને એબ લગાડે એવો ન હતો, બીજો શંકળદેવ હતો તે રૂપમાં તથા શૂરાતનમાં ઈંદ્રના જેવો હતો, અને તેના ગુણો તથા સ્વભાવ ઉંચી જાતના રજપૂતને શોભા આપે એવા હતા. તે હજુ પરણેલો નહતો, અને તેના ચિત્તને આકર્ષણ કરે એવી કોઈ સુંદરી તેના જોવામાં હજુ આવી ન હતી. તેઓ બંને હાથી ઉપર સવાર થઈ બાણ, ભાલા વગેરે શસ્ત્ર સજી કેટલાંક માણસો સાથે લઇ નીકળ્યા; અને બે દહાડે બાગલાણની પડોસમાં તેઓએ મુકામ કીધો. કરણ રાજાને પણ શિકારનો ઘણો શોખ હતો, તથા એવાં કામોમાં પડ્યાથી તેના દુ:ખમાં થોડી વાર ઘટાડો થશે એમ જાણીને તેઓએ તેને સંદેશો મોકલ્યો, અને પોતાની સાથે આવવાની તેને વિનંતિ કીધી. કરણરાજાએ પણ કાંઈ કામ જડે તો તેમાં પડી કાળ નિર્ગમન કરવાનો ઠરાવ કીધો હતો, તથા જે કામોમાં શૂરાતન દેખાડવાનો પ્રસંગ આવે તે કામો ઉપર તેને ઘણો શોખ હતો, તેથી શિકારમાં જવાને તેણે કબુલ કીધું. તેણે હજુ સુધી દેવળદેવીને વીહીલી મુકી નહતી, તેથી તેને એકલી રાખીને જતાં તેનું મન માન્યું નહીં. તેણે દેવળદેવીને પોતાની સાથે લીધી, અને હથિયાર બાંધીને તે ભીમદેવ તથા શંકળદેવને જઈને મળ્યો. પછી તેઓ સઘળા જે જંગલમાં પેલા વાઘો હતા ત્યાં ગયા; અને એક માંડવો તૈયાર કરાવીને તે ઉપર દેવળદેવી તથા કેટલાંએક માણસોને રાખી કરણ તથા દેવગઢના બે રાજપુત્રો જંગલમાં આગળ ચાલ્યા. ગામના કેટલાએક લોકોએ ઘાડી ઝાડી તથા કોતરો આગળ જઈ મોટા અવાજ કીધા, અને વાઘને ભય પમાડીને બહાર કાઢવાને ઘણીએક તરેહના પ્રયત્નો કીધા. એટલામાં કીકીયારી કરી વાઘ એક છલંગ મારી બહાર નીકળ્યો, અને એક પંજાના સપાટાથી ગામના એક માણસને મરણતોલ કરી ભોંય ઉપર પાડ્યો, એટલે બધા જીવ લઇને નાઠા. તેએામાંથી એકની ગરદન પકડી તેને પણ મારી નીચે પાડ્યો, તે વખતે કરણે એક તીર માર્યું પણ તેની ચપળતાને લીધે જ્યાં તાકીને માર્યું હતું ત્યાં ન વાગતાં તેને પુંછડી આગળ જખમ લાગ્યો. વાઘે ખીજવાઈને દોડ કીધી તે વખતે ત્રણ રજપૂતો સિવાય સઘળા નાસવા લાગ્યા. વાઘે આવી ભીમદેવના હાથી ઉપર તલપ મારી, અને જો તે જ ક્ષણે શંકળદેવે એક તીર મારી વાઘને પાછો પાડ્યો ન હોત તો તે હાથીનો નિશ્ચય કાળ આવત, અને ભીમદેવની શી દશા થાત એ કહેવાય નહીં. પણ શંકળદેવના તીરનો ઘા તેના કલેજામાં વાગ્યો તેથી તે પડ્યો. તે જ વખતે ભીમદેવે નીચે ઉતરીને તેના મ્હોંમાં એક ભાલો માર્યો, તેની સાથે લોહીનો ધોધવો તેના મ્હોંમાંથી નીકળ્યો, અને એક ભયંકર ચીસ પાડી તે જોરાવર વાઘ, તે વનના પશુઓનો રાજા, તે પ્રાણઘાતક પશુ, તે અગણિત હિંસા કરનારૂં જાનવર મુડદું થઈ ચતુપાટ પડ્યું. પણ તેની મરતી વખતની ચીસથી આખું રાન ગાજી રહ્યું, અને તેનો અવાજ એક ભાગમાં તેની માદા પડેલી હતી ત્યાં સંભળાયો. પોતાના સ્વામીનો કોઇએ પ્રાણ લીધો તેનું વેર લેવાને કોધના આવેશથી તેણે છલંગ મારી અને વિજળીને વેગે દોડતી આવી. તેને મારવાને કોઈને વખત મળ્યો નહી, એટલામાં તો તે માંડવા સાથે અથડાઈ, અને તેના ધણીને મારનાર માંડવા ઉપરના માણસો હશે એમ ધારી તેના એક ટેકાને તે વળગી. વાઘમાં જોર અતીશય હોય છે, અગરજો કે તે ઝાડ ઉપર ચઢી શકતો નથી, તોપણ કોઈ નબળા પાતળા ઝાડને તેના ઘણા જ સામર્થ્યવડે તે તોડી પાડી શકે છે. આ વખતે વાઘણે તે માંડવાના એક ટેકાને એટલા જોરથી આચકો માર્યો કે તે આખો માંડવો એક મોટા અવાજ સાથે નીચે કકડી પડ્યો. તે ઉપર જે માણસો હતાં તેઓમાંથી કેટલાંક જીવ લઈને નાઠાં, કેટલાંએકનાં શરીર આટલે ઉંચેથી પડવાથી એવાં તો બેહેર મારી ગયાં કે તેઓથી તુરત ઉઠાયું જ નહી, અને બાકીનાં ભયથી એવાં બેભાન થઈ ગયાં કે તેઓને શું બન્યું તેની કંઈ ખબર રહી નહી. વાઘણે પોતાના પંજાવડે એક બે માણસોને સખત જખમી કીધાં, અને દેવળદેવી બાહોશ જેવી પડી હતી તે ઉપર તલાપ મારવાની તૈયારી કીધી. પણ જ્યારે આ પૃથ્વી ઉપરની અપ્સરા, આ નિર્દોષ છોકરી, આ કરણ રાજાના જીવનો આધાર જીન્દગી અને મોતની હદ ઉપર આવી પડી હતી, બલકે જ્યારે તે મૃત્યુના અગાધ કરાડા ઉપર નિમાળાને આધારે લટકેલી હતી, જ્યારે તેને મદદ કરે એવું કોઈ દેખાતું ન હતું, તે વખતે પાસેની ઝાડીમાંથી એક માણસે આવી તે વાઘણ ઉપર તલવારનો ઘા કીધો, અને જેવી તે પાછી ફરી તેના ઉપર હુમલો કરવાનું કરે છે એટલામાં તેના મ્હોંડાની વકાશમાં તેણે ભાલો એવા જોરથી ખોસી ઘાલ્યો કે તે તેના દાંત પાડી નાંખીને તેના તાળવામાં ભોંકાયો. એ ઘા તેને વાસ્તે બસ હતો. એક મોટી ભયાનક ચીસ પાડી તે તમરી ખાઈ નીચે પડી, અને પડતાંને વાર તેના તલવાર વતી તે માણસે કડકે કડકા કરી નાંખ્યા. જોખમનો વખત તો ગયો; મોતનું વાદળું ઘસડાઈ ગયું; ભરદરિયાના ભારે તોફાનમાંથી વહાણ લગભગ ભાંગી પડતું બચ્યું; તો પણ આવા અચાનક મોતના ભયથી તેને જે આચકો લાગ્યો હતો, તેની અસર જલદીથી જતી રહી નહી. દેવળદેવી કેટલીએક વાર બેશુદ્ધ રહી, અને તેને જાગૃત કરવાને ગમે તેટલા ઉપાય કામે લગાડ્યા તો પણ તેથી કંઈ વળ્યું નહી. કરણ તો પોતાની અતિ વહાલી છોકરીને આવી અવસ્થામાં જોઈને ઘેલા જેવો થઈ ગયો, અને તેનાથી તો તેને શુદ્ધિમાં આણવાને કાંઈ બન્યું નહી. શંકળદેવનું સઘળું તન અને મન એ કામમાં લાગેલું હતું, અને તેની મેહેનત તથા અગણિત યુક્તિઓને લીધે જ તેને પાછી શુદ્ધિ આવી જે વખતે દેવળદેવીએ આંખ ઉઘાડી, ત્યારે તેના પ્રાણ બચાવનાર શંકળદેવ ઉપર તેણે પોતાની નજર માંડી. તેટલી નજર જ શંકળદેવના મનનું હરણ કરવાને બસ હતી. તેની આંખમાં ઉપકાર તથા પ્રીતિ એ બંને એકઠાં મળેલાં હતાં, તેની અસર જલદીથી થઈ ગઈ. ધનવંત્રી તથા લુકમાન હકીમોએ ઔષધનાં જુદાં જુદાં મિશ્રણો કીધાં હશે, તેઓની અસર પણ આવી તત્કાળ થઈ નહીં હોય. એ દૃષ્ટિ પડ્યા પછી શંકળદેવની આખી જીન્દગી જ બદલાઈ ગઈ; તે એક નવો જ માણસ થયો; અને નવા નવા વિકારો તેના મનમાં એક પછી એક આવવા લાગ્યા. તે સઘળાની એકઠી થયલી અસર તેનાથી ખમાઇ નહીં. તેથી તે ગભરાટમાં ત્યાંથી નાસી ગયો અને એક ઝાડને ઓથે બેસી સ્વપ્નવત્ અવસ્થામાં કેટલીએક વાર સુધી પડી રહ્યો.

વાઘ તથા વાઘણ મરાયાં, અને દેવળદેવીના હોશ ઠેકાણે આવ્યા, એટલે ત્યાં વધારે વાર રહેવાનું કાંઈ પ્રયોજન રહ્યું નહી, તેથી તેઓ સઘળાઓએ કુચ કીધી. ગામડાંના લોકો ખુશ થઈને પોતાને ઘેર ગયા. કરણ તથા દેવળદેવી બાગલાણના કિલ્લામાં ગયાં, અને ભીમદેવ તથા શંકળદેવ દેવગઢ તરફ વળ્યા. દેવળદેવીના હૃદયમાં શંકળદેવની અનુપમ મૂર્તિ કોતરાઈ હતી, તે પોતાના પ્રીતમનાં દર્શનને માટે રાત દિવસ ચિન્તાતુર દેખાતી અને તેના વિયોગથી શોકમાં જ નિમગ્ન રહેતી હતી. શ્રાવણ માસના એક ખુશનુમા દિવસે દેવળદેવી પોતાની વાડીમાં શંકળદેવ વિષે જ વિચાર કરતી હતી, એટલામાં વાડીના કોટ ઉપરથી એક માણસે ભુસકો માર્યો હોય એમ લાગ્યું અને દેવળદેવી તે તરફ જોય છે તો તેની સમક્ષ તેના પ્રાણથી પણ અધિક વહાલા શંકળદેવને ઉભેલો દીઠો. થોડી વાર સુધી તે બંને જણાં પ્રેમના આવેશથી સ્તબ્ધ બની એકબીજાની સામું ટગર ટગર જોતાં ઉભાં રહ્યાં. પણ પછી તરત જ તેઓ બંને પાસે ઉભાં અને સૂર્ય તરફ દૃષ્ટિ કરી પોતાનો પવિત્ર પ્રેમ અચળ રાખવા બંને જણે પ્રતિજ્ઞા લીધી. શંકળદેવ પછી પોતાની વહાલીને દુઃખસાગરમાં ડુબતી મુકી ત્યાંથી ચાલી નીકળ્યો.

ચેહેન તથા નિશ્ચિન્તપણામાં દહાડા જતાં વાર લાગતી નથી, તેમ દેવળદેવીને થયું. તેના પ્રાણપ્રિયની સાથે મેળાપ થયો તે જાણે ગઈ કાલે જ થયો હોય એમ તેને લાગતું હતું. એટલામાં એક દહાડો દેવગઢથી એક ભાટ તથા રાજગોર બાગલાણના કિલ્લામાં આવ્યા. કરણ રાજાએ તેઓનો ઘણો સત્કાર કીધો, અને તેઓને આવવાનું કારણ પૂછયું, ભાટે કેટલીએક ભાટાઈ કીધા પછી દેવગિરિના રાજ્યનો વિસ્તાર, તેની દોલત વગેરે વૈભવનાં ઘણા વિસ્તારે વખાણ કીધાં. અને પછી શંકળદેવને યુધિષ્ઠિર, અર્જુન, વિક્રમ, ભોજ, આદિ ઘણા એક નામાંકિત, સદ્દગુણી, તથા પરાક્રમી રાજાઓની ઉપમા આપી, અને વાઘના શિકારના દહાડાથી તે વાડીના મેળાપના દહાડા સુધી જે જે બન્યું હતું તે વર્ણવ્યું, દેવગઢના રાજા સાથે સંબન્ધ કરવાથી જે જે લાભ થશે તે સઘળા કહી સંભળાવ્યા, અને છેલ્લે શંકળદેવને વાસ્તે દેવળદેવીની માગણી કીધી.

કરણ રાજાને આ ભાટની વાત સાંભળીને ઘણો ક્રોધ ચઢ્યો. તેના મ્હેાં ઉપર લોહી ચઢી આવ્યું, અને તે રીસે ભરાઈને બોલ્યો: “અરે! ભાટજી ! જો કે હું મારું સઘળું રાજ્ય ખોઇ બેઠો છું, મારી પરમ પ્રિય સ્ત્રીને બળાત્કારે દિલ્હીના મ્લેચ્છ પાદશાહ પાસે ઘસડી ગયા છે, નિર્ધન, અશક્ત તથા રામદેવના આશ્રયમાં આવી રહ્યો છું, તો પણ હજી તમે ધારો છો એટલે અધમ થયો નથી. હજી મારામાંથી રજપૂતનું લોહી ગયલું નથી. હજી મારે ક્ષત્રીનો ટેક કાયમ છે; માટે તમારા કહેવા પ્રમાણે હું કદી કરનાર નથી. શું વાઘેલા રજપૂતે પોતાની કન્યા એક મરેઠા સાથે પરણાવવી ? શું હંસણીને કાગડાના ટોળામાં ભેળવવી? શું ગાયને ગધેડામાં સામેલ કરવી ? એ કદી થનાર નથી. તમારો રાજા ગમે તેવો મોટો હશે, તમારું રાજ્ય ગમે તેટલું બળવાન, ધનવાન તથા વિસ્તીર્ણ હશે, તથા શંકળદેવમાં સઘળા દેવતાના ગુણો એકઠા થયા હશે, તો પણ તે મરેઠો, તે રજપૂતની કન્યા વરવાને યોગ્ય નથી. મારા પડતા દહાડામાં સઘળા મારૂં અપમાન કરે છે; હવે છેલ્લો વારો રામદેવનો આવ્યો. તેણે પણ હવે કાંઈ કસર રાખી નહી. હજી મારામાં સામર્થ્ય છે, હું જીવું છું, અને જ્યાંસુધી આ દેહમાં પ્રાણ છે ત્યાં સુધી મારા નામને, મારા કુળને, તથા મારી જાતને કદી કલંક લગાડવા દઈશ નહી. આ ઉંચા કુળની કન્યા નીચ કુળના વરને પરણાવું ? મારા ઉપર આથી વધારે આફત આવી પડે, મને કાપીને કડકા કરે, તો પણ હું એમ થવા દઉં નહીં. અમારા લોકો પુત્રીના જન્મથી ઘણો શોક કરે છે તે વાજબી છે. તેઓ પોતાની આબરૂને ડાઘ ન પડવા દેવાને કુમળા બાળકની હત્યા કરે છે તેમાં તેઓનો કાંઈ વાંક નથી. મરેઠા જોડે રાજકન્યાનાં લગ્ન કરવાં ? આકાશ તુટી પડે, પૃથ્વી રસાતાળ જાય, તો પણ હું તેમ થવા નહી દઉં. માટે તમારા રાજાને કહેજો કે તમે મારું ઘણું જ અપમાન કીધું છે, તમારી આશા કદી સફળ થવાની નથી; તથા તમારું બોલવું કદી પ્રમાણ થવાનું નથી. શંકળદેવ તથા દેવળદેવીએ ગુપ્ત રીતે લગ્ન કીધાં હશે તે રદ છે. દેવળદેવીનો મારી રજા સિવાય કાંઈ પણ પ્રતિજ્ઞા કરવાને અખતિયાર નથી. તે હજી નાદાન છે તેથી તેનું કીધેલું મંજુર થાય નહીં, માટે મારી સાફ ના છે. તમે ઘણું કરશો તો મને આ જગાએથી કાઢી મૂકશો, પણ તેથી હું બીહીતો નથી. ચોખંડ પૃથ્વી પડી છે તેમાં ગમે તે એક ખુણામાં પડી રહી મારો આવર્દા પુરો કરીશ; પછી મારા મુઆ પછી જે કરવું હોય તે કરજો.” એટલું કહી તેણે ભાટ તથા રાજ્યગોરને વદાય કીધા.

પ્રકરણ ૧૨ મું.

અરે ભગવાન ! તું કીડીને કુંજર, તથા તરણાનો મેરુ કરી શકે છે, તારી ગતિનો પાર કોઈ પામી શકતું નથી." એ પ્રમાણે દિલ્હીના સરિયામ રસ્તા ઉપર એક મોટા મહેલ આગળ કોઈ હિન્દુ નામે બિહારીલાલ ઘોડા ઉપર બેસીને આવ્યો તે તે મહેલ જોઈને બોલ્યો. તે બીચારો મહાસંકટમાં આવી પડ્યો હતો, અને તેમાંથી છૂટવાનો ઉપાય કરવાને ત્યાં આવ્યો હતો. સઘળા કાફર હિન્દુઓ મુસલમાન ધર્મ ન માને તો શરેહ પ્રમાણે તેઓની પાસેથી જઝીઓ કર લેવામાં આવતો હતો. એ કર આપવામાં જેઓ હરકત કરતા, અથવા કાંઈ દગો કરી તે જેટલો જોઈએ તે કરતાં ઓછો આપતા, તેઓને ભારેમાં ભારે દેહાંતદંડની શિક્ષા કરવામાં આવતી હતી. બિહારીલાલે ઘરમાંનું એક માણસ છૂપાવી ઓછો જઝીઓ આપ્યો એવું તેના ઉપર તોહમત આવ્યું હતું, અને અગરજો તે બિલકુલ પાયા વગરનું હતું, અગરજો તે નિરપરાધી હતો, તથા એ સઘળું કામ જઝીઆના ઉઘરાતદારની દુશ્મનીને લીધે ઉઠ્યું હતું, તો પણ જે રાજ્યમાં હિંદુઓ ઉપર દ્વેષ, જ્યાં ઈનસાફનો કાંટો પૈસાવડે ગમે તેણી ગમ નમે, અને જ્યાં સરકારને જે વાતથી નુકશાન થાય એવી વાતમાં ન્યાયાધીશો રૈયતની વિરૂદ્ધમાં ફેંસલો કરે એ નિશ્ચય, ત્યાં બિહારીલાલ પોતે નિર્દોષ છતાં પોતાના જાનમાલની મોટી ધાસ્તીમાં રહે એમા કાંઈ આશ્ચર્ય ન હતું. ધાસ્તી તો શું પણ તેના મનમાં નક્કી હતું કે જો આ પ્રસંગે ઘટતા ઉપાય કરવામાં આવશે નહી તો વધારે દહાડા જીવવાની આશા જ રાખવી નહી. પણ પરમેશ્વરની મેહેરબાનીથી એવા અન્યાયી, જુલમી રાજ્યમાં શિક્ષામાંથી બચવાનો એક મોટો ઉપાય હોય છે, અને જ્યાં સુધી તે ઉપાય કરવો આપણા અખતિયારમાં હોય છે ત્યાં સુધી જીન્દગી સલામત છે એમ કહી શકાય છે. એ ઉપાય પૈસા છે, 'જર ચાહે સો કર,” એ કહેવત કેટલીએક વાતોમાં ખરી પડે છે. જરવાળો માણસ ખરા અથવા ખોટા ગુનાહમાંથી એ સાધનથી બચી શકે છે, એટલું જ નહી પણ તે ગુનાહ કોઈ બીજા ઉપર ઢોળી શકે છે, એવે ઠેકાણે જેઓ ગરીબ એટલે અશક્તિમાન, સાધનરહિત, હોય તેઓની ખરેખરી કમબખતી થાય છે. તેઓ પોતાના ઉપરના ખરા અથવા ખોટા અપરાધની શિક્ષા ભોગવે છે એટલું જ નહી પણ બીજા શ્રીમંત લોકોના અપરાધની સજા ઘણી વખતે તેઓને ખમવી પડે છે. તેઓનો બેલી તો પરમેશ્વર જ છે, અને તેઓ જીવતા રહે એ જ આ જગતના તથા તેમના દેશના પાદશાહનો મોટો પાડ એમ તેઓએ માનવું જોઈએ. બિહારીલાલ મોટો વ્યાપારી હતો, અને તેણે થોડાંએક વર્ષમાં ઘણું દ્રવ્ય મેળવ્યું હતું, પણ રાજ્યના જુલમને લીધે તેનાથી તે દ્રવ્યનો ઉપભેાગ થઈ શકતો ન હતો. સરકારનાં માણસોની ગીધ જેવી નજર તેના ઉપર ન પડે માટે તે એક ખુણામાં એક નાના સરખા ઘરમાં રહેતો હતો. ખાવા જેટલો પૈસો બહાર રાખી તેણે પોતાની સઘળી દોલત ભોંયમાં દાટી મૂકી હતી; અને એવાં નઠારાં લુગડાં પહેરીને તે ફરતો તથા ઘરમાં એવો થોડો ખરચ રાખતો હતો કે તેની પાસે પૈસો છે એવો શક કોઈને ઘણી જ મુશ્કેલીથી આવે, પણ પૈસાની બાબતમાં જુલમી સરકારની ઘ્રાણેન્દ્રિય ઘણીજ તીક્ષ્ણ હોય છે. જેમ કેટલાએક શિકારી કૂતરા ભોંયમાં દર કરી ભરાયલાં સસલાંને સુંઘવાથી બહારથી પારખે છે, જેમ મુડદાંની વાસ ગીધ તથા સમડીને ઘણે દૂરથી લાગે છે, તથા જેમ મંકોડા સાકરની પીમળ ગમે ત્યાંથી એાળખી કાઢે છે, તેમ તેના દાટેલા ધનની ગંધ સરકારના નાકમાં પહોંચી, હરેક માણસને કોઈ પણ શત્રુ હોય છે, અને વળી જો તેની અવસ્થા સારી હોય તો કેટલાએક તેની અદેખાઈ કરનાર હોય છે, તેઓને પોતાનું વેર લેવાને, અથવા અદેખાઈના તાપ હોલવવાને, બીજો કાંઈ ઉપાય જડતો નથી, ત્યારે તેની પાસે અખૂટ દોલત છે એવી સરકારમાં ખબર આપે છે. પછી તે ખબર ખરી હોય કે ખોટી તેપણ તેના ઘર ઉપર બીજે દહાડે પેહેરો આવવાનો, તેના માલની જપ્તિ થવાની, તે કોઈ અન્યાયને માટે સરકારમાં ઘસડાવાનો, તોહમત તેના ઉપર સાબિત થવાનું, સજા કરતી વેળા જાણી જોઈને ભાંજગડ કરવા કેટલાએક પડવાના, તેની પાસે વધારે દોલત છે એ જ તેનો મોટો દોષ એમ તેની ખાતરી થવાની, તથા અન્તે તેની દોલતનો અર્ધો ભાગ અથવા વખતે તેથી પણ વધારે ઘણીએક રકજક તથા તકરાર પછી તેને આપવો પડવાનો. એમાં કાંઈ સંશય જેવું નથી. આવા ખાનગી દુશ્મનો તથા અદેખા લોકો એ કામને વાસ્તે જાણે બસ ન હોય તેમ સરકારના તરફથી ગુપ્ત જાસુસો પણ શહેરમાં ફર્યા કરતા હતા. તેઓ દિલ્હીના હરેક ભાગની, હરેક મમોહલ્લાની, તથા હરેક ઘરની બાતમી રાખતા હતા, અને કોઈ પણ શિકાર તેઓને મળ્યો એટલે તુરત તેના ઉપર પંઝા લાંબા કરી તેઓ તલપ મારતા હતા. એવે વખતે જે માણસ તે જાસુસને રાજી રાખવાને તથા તેનું ગજવું ભરવાને આનાકાની કરે તેની ખરેખરી કમબખ્તી જાણવી. તે હોલામાંથી બચવા જતાં ચુલામાં પડે છે, તેને બકરી કાઢતાં ઉંટ પેસે છે; અને આખરે તેને સરકાર તથા જાસુસ એ બંનેને ટાઢા પાડવા પડે છે. બિહારીલાલની દોલતની વાસ સરકારને પડી હતી, અને તે ખબર કરનાર જઝીયાનો ઉઘરાતદાર હતો. પોતાની સાચવટ ઉપર ભરોસો રાખી, તથા એવા લોકોનો જુલમ અટકાવવાના હેતુથી, તેણે ઉઘરાતદારને ખુશ કીધો નહી, અને તેનું પરિણામ એ થયું કે, થોડા દહાડામાં તેના ઘર ઉપર જપ્તિ બેઠી, તેનાં બઈરીછેકરાંને એક એરડામાં ગોંધ્યાં, તથા તેને ગુનાહગારની પેઠે બાંધીને સરકારમાં લઈ ગયા. તે દહાડે તો તે હાજર જામિન આપીને છૂટ્યો; પણ હવે શું થશે એ વાતની તેના મનમાં ઘણી જ ચિન્તા રહી. તેને પોતાની જાતને વાસ્તે એટલી બધી ફિકર હતી એમ કાંઈ ન હતું. પોતાનો વહાલો પૈસો જે તેણે ઘણે શ્રમે, ઘણાં સંકટ ભોગવીને, તથા મોટાં જોખમ માથે લઈને મેળવ્યો હતો તે સઘળો એક પળમાં ઉડી જશે. અને તેનાં બઈરાંને માથે પણ મહાભારત દુઃખ આવી પડશે, અને તેના આવા કામને લીધે તેઓને પણ સજા થશે, એ વિચારથી તેનાં અન્તઃકરણને તીક્ષ્ણ બાણ વાગતાં હતાં. જે પ્રમાણે માબાપના રોગ છોકરાંને વખતે ઉતરે છે; તથા જે પ્રમાણે માબાપનાં કીધેલાં કામોનાં ફળ દુનિયામાં વખતે છોકરાંને ચાખવાં પડે છે તે પ્રમાણે અન્યાયી, જુલમી, તથા આપ અખતિયારી રાજાના હાથ નીચે માબાપના ગુનાહની સજા છોકરાંને ભોગવવી પડે છે એટલું જ નહીં, પણ તેઓનાં છોકરાં તથા નિકટના સંબંધીઓને પણ તેમાં વખતે સામેલ કરવામાં આવે છે. એવી બારીક હાલતમાં બિહારીલાલ આવી પડ્યો હતો. વાઘ જેવાના સપાટામાંથી પણ કોઈ વાર બચાય, પણ સરકારની એવી ચુગલમાંથી સહી સલામત છુટવું, એ તો ઈશ્વરી ચમત્કાર જાણવો. કરોળિયાની જાળમાં કોઈ માખી સપડાય છે ત્યારે તે કેટલીએક વાર સુધી તરફડિયાં મારે છે, તેમાંથી જો પાંખ અથવા પગ તુટતાં પણ બહાર નીકળાય તો તેનું મોટું ભાગ્ય જાણવું, નહી તો તે કરોળિયો આઘે બેસીને તેના પછાડા તાકીને જોયાં જ કરતો હોય છે, અને જ્યારે તેનો ભક્ષ થાકીને નરમ પડે છે એટલે તે ધીમે ધીમે આવી તેની જીન્દગીનો અન્ત આણે છે. તે પ્રમાણે બિહારીલાલ બીચારો સરકારની મહાજાળમાં ફસાયો હતો, અને તેમાંથી હવે નીકળવાને પછાડા મારતો હતો. તેની ચુક માત્ર એટલી જ હતી કે તેણે જમાનો, દેશની હાલત, તથા રાજનીતિ બરાબર તપાસી નહી. સાચવટ તથા પ્રમાણિકપણા ઉપર ભરોસો રાખી, તથા તેને ખડકના જેવાં અચળ સમજીને તેઓને અઢેલીને તે ઉભો રહ્યો, પણ તે એટલું સમજ્યો નહી કે સાચવટ તથા પ્રમાણિકપણું આ દુષ્ટ જગતમાં ઘણે પ્રસંગે માણસને દુનિયા તરફના નુકશાનથી બચાવી શકતાં નથી, તથા આ તોફાની ભવસાગરમાં તો ખડકો કેટલીએક વાર ખસી જાય છે, અને તેઓના ઉપર વિશ્વાસ રાખી તેને વળગી રહેનારા માણસ ઉછળતાં મોજાંમાં ઘસડાઇ જાય છે. જો સાચવટ તથા પ્રમાણિકપણા ઉપર પાકો ભરોસો રાખવો હોય તો દુનિયા તરફની ખરાબીથી કદી પણ બીહીવું નહી. તેમણે નક્કી મનમાં સમજવું કે આ બે અમૂલ્ય ગુણ પકડી રાખ્યાથી દુનિયામાં કદાચ તેમના ઉપર ગમે તેટલી આફત પડે, તેમની પાયમાલી થઈ જાય, અથવા વખતે જાનની પણ ખુઆરી થાય, તોપણ આ પ્રપંચી દુનિયાનો ત્યાગ કીધા પછી પરલોકમાં સર્વ શક્તિમાન તથા સઘળાં સારાં કામોનો તથા સઘળા શ્રેષ્ઠ ગુણોનો બદલો આપનાર પરમેશ્વરની તરફથી અક્ષય સુખની પ્રાપ્તિ થયા વિના રહેશે નહીં, એ વાત ઉપર નજર રાખીને તથા એ ગુણો સારા જ છે માટે હમણાં તેઓથી ગમે તેવાં માઠાં પરિણામ નિપજે તેની દરકાર ન કરતાં તે ગુણો પાળવા જ એમ તેમણે મનમાં નક્કી રાખવું. એ સદ્દગુણોને લીધે દુનિયામાં પણ ઘણા લાભ થાય છે. પણ તે લાભ ઉપર એટલો વિશ્વાસ રાખવો નહી. જે માણસ આ જગતમાં ફાયદાને માટે જ સદા ચરણે વર્તે છે તેનો ટેકો ઘણો નબળો છે. સદ્દગુણી માણસો ઉપર ઘણી વિપત્તિઓ આવી પડે છે. તેઓને પણ જગતમાં સામાન્ય નિયમો લાગુ પડે છે, તેઓને પણ હમેશાં લાભ જ થાય એમ બનતું નથી; ત્યારે સાચવટ અને પ્રમાણિકપણે ચાલનાર એવી આશા રાખે કે એ પ્રમાણે વર્તવાથી પરમેશ્વર તેના ઉપર મહેરબાન થઈ તેને હમેશાં સુખી રાખશે, તેની ઉમેદ હમેશાં બર લાવ્યાં કરશે, તથા તેને માથે કોઈ દહાડો પણ આફત આવી પડશે નહી, તો તે ઘણો નાઉમેદ તથા નિરાશ થઈ જાય છે; અને તેનું પરિણામ એ થાય કે તેના મનમાં બેમાંથી એક વાતની શંકા ઉત્પન્ન થાય છે, એક તો એ કે પરમેશ્વર ઈનસાફી નથી; તે આંધળો થઈ બેઠો છે, તથા સારાંનઠારાં માણસોમાં કાંઈ ભેદ ગણતા નથી માટે તેના ઉપર પ્રીતિ રાખવાથી, તેના ઉપર દૃઢ વિશ્વાસ રાખવાથી, તથા સારાં કામોના બદલાની તેની તરફથી આશા રાખવાથી કાંઈ ફળ નથી; અથવા તેને એવી ખાત્રી થાય છે કે સારાંનઠારાં કામોમાં કાંઈ ભેદ નથી. નઠારાં કામનો નઠારો અને સારાં કામનો સારો બદલો મળશે એ ખોટું છે; એ એક જુઠી લાલચ અસલના વખતમાં ડાહ્યા લોકોએ આપેલી છે, તથા નઠારાં કામ કરતાં લોકોને અટકાવવાને વ્યર્થ ધમકી બતાવેલી છે; જે મૂર્ખના મનમાં એ પ્રમાણે શંકા ઉત્પન્ન થાય છે તેમાં ખરેખરો તેનો વાંક છે, પરમેશ્વરનો નથી. અગરજો જગતના નિયમ એવા બનાવેલા છે કે સદ્ગુણીને ઘણી વાર લાભ થાય છે, તોપણ તેઓનાં સારાં કામોનો બદલો આ લોકમાં મળે એવો પરમેશ્વરનો હેતુ નથી. માટે પરલોકમાં સારાં ફળ ભોગવવાની ઉમેદથી જ તથા સદ્દગુણનો બદલો સદ્દગુણ જ છે એમ જાણી જે લોકોને સદ્ગુણે આચરવું હોય તેઓએ દુનિયા તરફના લાભ ઉપર નજર રાખવી નહીં. જે દેશની સ્થિતિ એવી હોય કે સાચવટ રાખ્યાથી જાનમાલને નુકશાન પહોંચે તો તે દેશ છેડીને જતા રહેવું, અથવા ત્યાં રહી સાચવટને આપણે દેહ, માલમતા, અથવા આપણી વહાલામાં વહાલી વસ્તુઓ જરૂર પડે તો અર્પણ કરવી, પણ સાચવટ કદી છોડવી નહી એવી નીતિ છે. શું બકરી પોતાના નિર્દોષપણા ઉપર વિશ્વાસ રાખી ઉભી રહે તો વાઘ તેને માર્યા વિના રહેશે ? શું ચકલી પોતાની ગરીબાઈ તથા નિરપરાધીપણા ઉપર ભરોસો રાખી નિશ્ચિન્ત બેસે તો શકરો તેને તલ૫ મારી લઈ નહીં જાય ? એ તો સુષ્ટિના નિયમ પ્રમાણે થશે જ. બિહારીલાલને એ વાતનું જ્ઞાન ન હતું, અથવા તે વખતે તે ભુલી ગયો હતો. હવે જ્યારે તે આવી આફતમાં આવી પડ્યો, ત્યારે કેટલાએક દુનિયાદારીમાં ડાહ્યા તથા વખત પ્રમાણે ચાલનારા તેના મિત્રો તેને આવી મળ્યા, અને તેને કેહેવા લાગ્યા, “હવે બાળો તમારી સાચવટ, આવડા મોટા થયા તો પણ બરાબર અક્કલ આવી નહી, ભાઈ ! જેવો દેશ તેવો વેશ રાખવો, અને સમય પ્રમાણે વર્તવું, તે દહાડે જો અમારી સલાહ પ્રમાણે પેલા ચંડોળ ઉઘરાતદારનું મ્હોં પૂર્યું હોત તો આ દહાડો કદી આવત નહીં. પણ તે દહાડે તો સાચવટ ઉપર ગયા ! હવે તમારી સાચવટ કેમ મદદ કરી શકતી નથી ? જો તે દહાડે માન્યું હોત તે થોડે પતત. હવે પૈસા પણ વધારે ખરચવા પડશે, અને તેમ કીધા પછી પણ કામ સિદ્ધ થશે એવી પાકી આશા નથી. સાચવટ ! જો સાચવટ રાખવી હોય તો દુનિયામાં શામાટે રહો છો ? વેરાગી અથવા સંન્યાસી થઈ જાઓ. પછી તમારૂં ડહાપણ ચલાવજો.” આ બધા ઠોક બિચારા નિર્બળ મનના બિહારીલાલે સાંભળી લીધા; અને ઘણું પસ્તાઈને તેઓની સલાહ માથે ચઢાવી કેટલાક પૈસા સાથે રાખીને ઉપર કહ્યા પ્રમાણે તે એક મહેલ આગળ ઉભો રહી, આ પ્રકરણને મથાળે જે શબ્દો લખ્યા છે તે બોલ્યો.

જ્યારે અલફખાંએ પાટણ શહેર લીધું, ત્યારે તેના સંભાળવામાં આવ્યું કે ખંબાતમાં ઘણા દ્રવ્યવાન વ્યાપારીઓ છે તે ઉપરથી લુંટની આશાથી સઘળું લશ્કર તે શેહેર ઉપર ચઢ્યું. ત્યાં જઈ તે શેહેર લીધું તથા ત્યાંના તમામ ધનવાન લોકોનાં ઘરો લુંટી લીધાં. એ લુંટમાં અલફખાંએ એક ખુબસુરત ગુલામને પકડ્યો. તે એક વ્યાપારીના તાબામાં હતો, અને તેને ખેાજો કરીને તેના ઝનાનખાનાની ચોકી કરવા ઉપર રાખ્યો હતો. જ્યારે તે ખંબાતમાં હતો ત્યારે તે ખોજો કાફુર એ નામથી ઓળખાતો હતો, અને તેનામાં રૂપ સિવાય બીજા ઘણા ગુણો હતા. પોતાનો સ્વાર્થ સાધવાને તથા દુનિયામાં મોટી પદવી મેળવવાને જે જે ગુણો જરૂરના છે તે સઘળા તેનામાં હતા. તેનામાં કેટલાએક સારા તેમ કેટલાએક નઠારા પણ ગુણો હતા. જે જે કામોની સાથે તેના સ્વાર્થને સંબન્ધ ન હોય તે તે કામોમા તે સારા ગુણો વાપરતો, અને તે વખતે તેનામાં દુર્ગુણ એક પણ હોય એમ કોઈને લાગતું નહી; પણ જ્યારે તેની મતલબ પાર પાડવાની હોય, જ્યારે પોતાનો સ્વાર્થ સાધવા કાંઈ પણ કામ કરવાનું હોય અથવા પોતાને કાંઈ ફાયદો થતો હોય, ત્યારે ગમે તેવું દુષ્ટ કામ હોય તોપણ તે કરતાં જરા પણ આચકો ખાતો નહીં. એ પ્રમાણે તે બે જાતને માણસ હતો, જ્યાં સુધી તે ગુલામગીરીમાં રહ્યો ત્યાં સુધી એ સઘળા ગુણો વાપરવાને તેને પ્રસંગ આવ્યો નહી; પણ તેનું ભાગ્ય ખુલવાનું તેથી તે મુસલમાન લશ્કરના હાથમાં પડ્યો અને તે દેખીતો ખુબસુરત હતો તેથી જો તેને પાદશાહ પાસે નજર દાખલ મોકલવામાં આવે તો તે ઘણો ખુશ થાય એમ જાણી તેને દિલ્હી મોકલવાનો અલફખાંએ ઠરાવ કીધો, તેને કૌળાદેવી સાથે અલાઉદ્દીન પાસે મોકલ્યા. ત્યાં તે પાદશાહને ઘણો પસંદ પડ્યો. છેક હલકી પદવી ઉપરથી ચઢતાં ચઢતાં આ વખતે તે અલાઉદ્દીનનો માનીતો થઈ પડ્યો હતો. આપણા દેશી રાજ્યદરબારમાં જે ખટપટ, કાવતરાં, તથા દગાફટકા ચાલે છે, તે સઘળામાં તે ઘણો કુશળ હતા, અને તેણે પોતાની તદબીર તથા ચતુરાઈથી રાજાના મન ઉપર એટલી તો સત્તા મેળવી હતી કે રાજા તેને વશ થઈ ગયો હતો, તે જ જાણે પાદશાહ હતો, અને સઘળા મોટા અમીર ઉમરાવોને આ ખેાજા કાફુરને માન આપવું પડતું હતું તેથી તેઓને ઘણું માઠું લાગતું હતું, તથા તેઓ તેની ઘણી અદેખાઈ કરતા હતા. દ્વેષમાં સઘળા તેને “હજાર દીનારી ” કહેતા હતા, કેમકે અસલ તેને હજાર દીનાર આપીને વેચાતો લીધો હતો. તેનું ચલણ એટલું તે હતું કે કેટલાંએક કામ તે પોતે પાદશાહને પૂછ્યા સિવાય પણ કરતો, અને આવી તેની ચઢતી કળાથી તેના મનમાં એટલો લોભ ઉત્પન્ન થયો હતો કે શાહના મુઆ પછી પોતે તખ્ત ઉપર બેસવા સારૂ ઉમેદ રાખતો હતો બલકે તે પોતાના સ્વાર્થ આગળ એટલો અાંધળો થઈ ગયો હતો કે જેણે તેના ઉપર આટલા બધા ઉપકાર કીધા હતા, તથા જેણે તેને ધુળમાંથી ઉઠાવી લઈને એક મહેલમાં બેસાડ્યો હતો, તેની જ તરફ અપકાર કરીને જીવતાં પણ પોતે તખ્તનશીન થવાને ઉદ્યોગ કર્યા કરતો હતો. તે ખોજા કાફુર હજાર દીનારીના મેહેલ આગળ બિહારીલાલ ઉભો હતો અને તેને દ્રવ્ય આપી સંતોષીને આવી પડેલી આફતમાંથી બચવાની તે ઉમેદ રાખતો હતો.

ઘોડા ઉપરથી ઉતરીને દરવાજામાં બિહારીલાલ પેંસવા જાય છે એટલે દરવાને તેને રોક્યો, અને એક હડસેલો મારી તેને ફેંકી દેવાની તૈયારીમાં હતો એટલામાં તેણે તેનો જુસ્સો સોનેવતી નરમ પાડ્યો. આગળ જતાં ઘણા સિપાઈએ તેને વિંટળાઈ વળ્યા. તેઓ સઘળાને તેણે સોનાના પ્રસાદથી સંતોષ્યા. પછી કેટલાએક મેહેતાઓને પણ પાનસોપારી મળ્યાં, એટલું સોનું જ્યારે વપરાયું ત્યારે તેને બેસવાની જગા મળી, અને એક સિપાઈએ માંહેના ઓરડામાં કાફુર એક દર્વેશ સાથે વાત કરતો હતો ત્યાં જઈ બિહારીલાલ આવ્યાની વાત જાહેર કીધી. કાફુરનું નાક પણ પૈસા સુંધી સુંધીને ઘણું તીવ્ર થયલું હતું, તેથી તેણે બિહારીલાલના પૈસાની ગંધ પારખી અને દર્વેશને થોડી વાર સબુર કરવાનું કહી તે બહાર આવ્યો. બિહારીલાલને આગળથી ભણાવી મૂકયો હતો તે પ્રમાણે કાકુરને જોતાં જ તેણે પાઘડી માથા ઉપરથી ફેંકી દીધી અને લાંબે થઈ પગે લાગીને રડી પડ્યો. પણ રૂદનના શબ્દથી પિગળે એવું કાફુરનું અન્તઃકરણ કોમળ ન હતું. તેના હૈયા ઉપર તો જુદી જ રીતે અસર થતી હતી, અને જ્યારે સોનાનો ખણખણાટ તેને કાને પડતો ત્યારે જ તે ઈંદ્રિયદ્વારે તેના હૃદય પર અસર થતી. જ્યારે રડવાથી તેનું કામ થવાને બદલે ઉલટો કાફુર ગુસ્સે થયો ત્યારે તેણે પોતાની પાસે જે એકસો સોનાની અશરફીની કોથળી હતી તે તેની પાછળ ખાલી કીધી, અને “મારો જે અપરાધ થયો હોય તે ક્ષમા કરો,” એટલું જ તે બોલી શકયો. કાફુરે તે અશરફીના ઢગલા તરફ જોયું, પણ તે ઘણો નાનો લાગ્યો તેથી તે ઉપર પગની ઠેસ મારી તેને વેરી નાંખી, ક્રોધથી બોલ્યો: “ કાફર ! ચંડાળ ! હરામખોરી કરી કરોડો રૂપીઆ પચાવ્યા છે, અને નાના છોકરાને સમજાવવા આવ્યો હોય તેમ આટલી અશરફી મૂકીને પોક મૂકે છે. હું કાંઈ કરી શકતો નથી. પાદશાહ પાસે સઘળું કામ ગયલું છે જો અપરાધ સાબીત થશે તો મોત સિવાય બીજી કાંઈ શિક્ષા નથી.” બિહારીલાલે ઘણા કાલાવાલા કીધા, પણ કાંઈ પણ કામ થતું નથી એમ જોઈને તેણે તેવી જ એક બીજી કોથળી પણ ખાલી કીધી; પણ સઘળું વ્યર્થ ગયું. કાફુર તો તેના નામ પ્રમાણે ખરેખરે કાફર હતો. આવા રૂપની સાથે તેનામાં આવું દુષ્ટ અન્તઃકરણ હશે એમ કોઈના ધાર્યામાં આવે નહીં, તે તો ઇંદ્રવારણાનું ફળ. તેથી જ્યારે બિહારીલાલે એવી પાંચ કોથળી ઠાલવી ત્યારે જ તેનો ચેહેરો નરમ પડેલો દેખાયો, અને ત્યારે જ તેણે બિહારીલાલને વચન આપ્યું કે હવે તારા માથાના એક વાળને પણ નુકસાન પહોંચશે નહી. બિહારીલાલ ત્યાર પછી ઘણો હરખાતો હરખાતો બહાર ગયો, અને કાફુર પણ ખુશ થઈ ચાકરને તે થેલીઓને ખજાનામાં મૂકવાનો હુકમ કરી, દર્વેશ પાસે ગયો, દર્વશે આ સઘળું બન્યું તે છાનાંમાનાં જોઈ લીધું, અને પૈસાને વાસ્તે એક કાફર હિંદુ ઉપર દયા કીધી, જરની ખાતર પાક મઝહબનું એક ફરમાન તોડી જઝીઓ કર માફ કીધો, એ જોઈને કાફુર ઉપર તેને ઘણે ગુસ્સો ચઢ્યો.

જ્યારે મલેક કાફુર તેની પાસે આવી બેઠો ત્યારે તેણે જે કામ કીધું તે મુસલમાન ધર્મના ફરમાનની વિરૂદ્ધ કીધું એમ ઘણા ક્રોધથી જણાવ્યું, દર્વેશ સાહેબે હિન્દુધર્મની ઘણી નિન્દા કીધી અને એવા ધર્મ પાળનારા એક નાપાક માણસનો ગુન્હો માફ કરી ખુદાની નજરમાં પોતે જ ગુન્હેગાર ઠર્યો એમ સાબીત કરી આપ્યું. અનેતે કાફુરે તે ગુસ્સે થયેલા દર્વેશને પાંચશે અશરફમાંથી અડધો ભાગ આપી શાંત કર્યો. તે ધર્મગુરૂ તે અશરફી ગાંઠે બાંધી અન્તઃકરણથી કાફુરને આશીર્વાદ દેતો ત્યાંથી ચાલ્યો ગયો અને મલેક કાફુર પણ દરબારમાં જવાની તૈયારી કરવા લાગ્યો. હવે બિહારીલાલ મોતના સપાટામાંથી તથા એથી વધારે બીજી મોટી આફતમાંથી બચી ગયો તેથી તેના હૈયામાં હર્ષ માયો નહી. તે રસ્તામાં જેવો હવામાં ચાલતો હતો, પણ જ્યારે તે દિલ્હીના મોટા ચોગાનમાં આવ્યો, ત્યારે એક ભયંકર દેખાવ તેની નજરે પડ્યો. આ વખતે મોગલ લોકો હિન્દુસ્તાન ઉપર હમેશાં હુમલો કર્યા કરતા હતા, તથા રાજ્યને નિરંતર ઉપદ્રવ કરતા હતા, ઐબકખાં કરીને એક મોગલનો સરદાર, હજાર બળવાન સવાર તથા એથી વધારે બીજાં માણસો લઈને હિંદુસ્તાન ઉપર આવ્યો, અને મુલતાન શેહેર ઉજડ કરીને સિવાલિક પહાડો આગળ છાવણી નાંખીને પડ્યો. એ લોકો ઉપર પાદશાહી લશ્કરે હુમલો કીધો, અને ઘણાંએક માણસને કાપી નાંખી તેઓને હરાવ્યાં. જેઓ જીવતાં રહ્યાં તેઓ જંગલમાં તરસ તથા ઉના પવનથી મરણ પામ્યાં, અને તેઓના લશ્કરમાં ત્રણ હજાર માણસો કેદ પકડાયાં તે સિવાય એક પણ આદમી જીવતો રહ્યો નહી, ઐબકખાં અને એ ત્રણ ચાર હજાર કેદીઓને દિલ્હીમાં લઈ આવ્યા; અને તેઓ સઘળાને એકદમ મારી નાંખવાને ત્યાં તૈયારી થઈ રહી હતી. પોતાનાં માણસોની શી દશા થાય છે તે જોવાને ઐબકખાંને એક પ્રસિદ્ધ ઠેકાણે બાંધીને બેસાડેલો હતો. સઘળા મોગલ લોકોનાં બઈરાંછોકરાં જે પકડાયાં હતાં તેઓને જુદે જુદે શેહેર મોકલીને બજારમાં હરરાજ કરી ગુલામ દાખલ વેચી નાંખ્યાં હતાં; અને તેઓના મરદોને ઘણી દુષ્ટ રીતે મારી નાંખવાને પાદશાહનો હુકમ થયો હતો. તે ત્રણ હજાર માણસોની ત્રીશ ત્રીશની સો ટુકડી કીધી, અને તે ટુકડીઓને આઘે આઘે રાખી, પછી ત્યાં સો ગાડાં આણ્યાં, તથા સો જોરાવર હાથીઓને લાવી તેઓને દારૂ પાઈને ઘણા જ મસ્ત કીધા પછી સો જલ્લાદોએ આવીને તેઓએ એક એક ટુકડી તથા એકેક હાથી લઈ લીધો, અને એકેક માણસને હાથીના પગતળે છુંદાવી નાખી બધાંને મારી નાંખ્યા. એ પ્રમાણે થોડાએક વખતમાં ત્રણ હજાર ઈશ્વરના પેદા કીધેલા માણસોના પ્રાણ આ રાક્ષસી દુષ્ટ ચંડાળ પાદશાહે લેવડાવ્યા. ત્રણ હજાર માણસને આવી ક્રૂર રીતે મારી નાંખ્યા એ વિચાર કીધાથી જ શરીરમાંનું સઘળું લોહી ઠરી જાય, એ સ્વાભાવિક છે. ગાંડા મસ્ત થયલા સો હાથીઓને આવી રમત મળી તેથી મગ્ન થઇ તેઓ વખતે વખતે બરાડ પાડતા હતા. તે અવાજો, તે બિચારા કેદીઓ તેના મોટા તથા ભારે પગના દબાણથી કચડાઈ જતા હતા તેઓનું કષ્ટ તથા તેઓની તે વખતની ચીસાચીસ, જેઓને મરવાનો વારો આવ્યો ન હોતો તેઓનાં ચિન્તાથી તથા ભયથી લોહી ઉડી ગયેલાં મ્હોડાં, તેઓનો નિરાશ દેખાવ, તથા બેબ્હાકળી આંખો, કેટલાએક નબળા મનના મોગલોની આવા દુષ્ટ મોતના ધાકથી થયલી દયામણી શિકલ, તથા પોતાનો દેશ, બઈરી, છોકરાં, સગાંવહાલાં, એ સઘળાં યાદ આવ્યાથી તેઓની આંખોમાંથી વહેતી આંસુની ધાર, તથા પોતાના મન ઉપર અખતિયાર ન રહેવાથી કેટલાકનું ડુસકાં ભરીને રડવું, એ સઘળાંની કલ્પના માત્ર કરો. પછી કોણ એવો વજ્ર હૈયાનો હશે કે તેને દયા આવ્યા વિના રહેશે ? અને કોના નિમાળા ઉભા નહી થાય ? પણ આટલી બધી ક્રુરતા એ નિર્દય પાદશાહને બસ લાગી નહી. થોડેક દૂર કેટલાએક કસાઈઓ બેઠેલા હતા, તેઓ મરી ગયલા મોગલોની ખોપરીઓ કાપીને કાઢી લેતા હતા, અને તેઓને ગાડાંમાં ભરતા હતા. આ તમાસો જોઈને બિહારીલાલને ઘણો કમકમાટ ઉપજ્યો. તોપણ એ ખોપરીઓને શું કરે છે એ જાણવાની આતુરતાથી તે સઘળાં ગાડાં ભરાયા પછી તેઓની પાછળ તે ગયો. એ સઘળાં ગાડાં દિલ્હીના બુદાયુન દરવાજા આગળ ખાલી કીધાં, અને ત્રણ હજાર ખોપરીઓને એક ઉપર એક ગોઠવીને તેઓનો એક ઉંચો સ્તંભ બનાવ્યો.

એ ભયંકર કામ પૂરું થયું, એટલે લોકોનું એક મોટું ટોળું તે રસ્તે આવ્યું, તેમાં એ મોગલનો સરદાર ઐબકખાં ઘોડા ઉપર બેઠેલો હતો. તેના હાથ બાંધેલા હતા, તથા પગે ઘણી ભારે બેડીઓ જડેલી હતી. એ લોકોના ટોળામાં બિહારીલાલ પણ સામેલ થયો, અને તેઓ સઘળા નદી કીનારે ગયા, ત્યાં પહોંચ્યા પછી તમાસગીર લોકો જમુનાને કાંઠે હારબંધ ઉભા રહ્યા, અને ઐબકખાંને એક હોડીમાં બેસાડ્યો, અને તેમાં પાદશાહનાં માણસો બેઠાં. ઐબકખાંની ઉમર આશરે પાંત્રીસ વર્ષની હતી, અને તેનું શરીર પણ ઘણું જોરાવર હતું. પણ હમણાં તો તેની સઘળી ઉમેદ ભાંગી ગઈ હતી; તેનું લશ્કર હારી ગયું હતું; તેને મહા સંકટ વેઠવું પડ્યું હતું; તેનાં ઘણાંએક માણસો ભુખ તરસથી માર્યા ગયાં હતાં; તે દુશ્મનના હાથમાં પકડાયો હતો; તેને દિલ્હીમાં ઘણાં અપમાન સાથે લાવ્યા હતા, તેણે તેની નજરે પોતાના જાતભાઈઓને, પોતાના જુના તથા નિમકહલાલ સિપાઈઓને આવા દુષ્ટ મોતે મરતા જોયા હતા; પોતાને પણ મરવાની સજા થયલી હતી; અને હમણાં મોત તેની પાસે આવી ઉભું રહેલું હતું, એ સઘળાં કારણોથી તે છેક નંખાઈ ગયલો માલમ પડતો હતો. તે મરવાથી જરા પણ બીહીતો ન હતો. પણ પોતાની તથા પોતાના લશ્કરની આ દશા થઈ તેથી માવરાઉન્‌નહર, એટલે સ્વતંત્ર તાતાર દેશના પાદશાહ અમીર દાઉદખાંથી અમીર બેગ તથા ખાજા તાશના મૃત્યુનું વેર લેવાયું નહી, એ વાતથી તેને ઘણું જ દુ:ખ થતું હતું. પણ હવે તે શું કરે ? લાચાર. હોડી પવનના જોરથી જમુના નદીમાં આગળ ચાલી અને જ્યારે તે વચ્ચોવચ્ચ આવી, ત્યારે તેને અટકાવીને ત્રણ ચાર માણસોએ ઐબકખાંને ઉંચકીને નદીનાં ઉછળતાં મોજાંમાં ફેંકી દીધો. તે બીચારાના હાથ બાંધેલા, પગે બેડી, એટલે, તેનાથી તરી તો કયાંથી શકાય ? તે પછાડા પણ મારી શક્યો નહી. પોતાના અંગબળ વડે તે એક વાર ઉંચો આવ્યો, અને આ દુનિયા ઉપર છેલ્લી નજર કરી સઘળાને રામરામ કરી લીધા; પણ તુરત તે નીચે ગયો, અને તેના ઉપરનું પાણી થોડી વાર સુધી હાલ્યા પછી પાછું સ્થિર થઈ ગયું. એ પ્રમાણે આ કમનસીબ સરદાર મરણ પામ્યો. જમુના નદીનું પાણી તેની કબર થઇ. અને કાલિન્દીનું કાળું નીર તેની લાશ ઉપર ફરી વળ્યું. તેણે મરતી વખત એકપણ ચીસ પાડી નહી, પણ ચુપકીથી તેનો આત્મા તેના ક્ષણભંગુર દેહનો ત્યાગ કરી ચાલ્યો. તમાસગીર લોકોના મન ઉપર આ ભયંકર મોત જોઇને કાંઈ પણ અસર થઈ નહીં. અગર જો તેઓ એવા રાક્ષસ ન હતા કે તેઓ આ તમાસો જોઇને ખુશીની બુમ પાડે, તોપણ કસાઈને બકરું કપાતું જોવામાં જેટલી બેપરવાઈ હોય છે તેટલી જ બેપરવાઈ તેઓને હતી. પણ એમાં તેઓને કાંઈ વાંક ન હતો. જેને જે જોવાની ટેવ પડી જાય છે તે જોવાથી તેના મનપર કાંઈ પણ અસર થતી નથી. તે વખતમાં દિલ્હીમાં એવા તમાસા વારેવારે જોવામાં આવતા હતા, તેથી તેઓની દયાની વૃત્તિ બેહેર મારી ગઈ હતી, અને ભયાનક દેખાવો જોવામાં માણસના મનને જે કમકમાટ તથા આચકો લાગે છે તે મહાવરાથી બીલકુલ જતો રહ્યો હતો. સરકારનાં માણસો પોતપોતાને કામે લાગ્યાં, તથા લોકો અને તેમાં બિહારીલાલ પણ ઘેર ગયા.

આવી રીતે સખતી કીધાથી રાજ્યમાં ફાયદો થતો હશે, એમ કોઈના મનમાં આવે તો તેની મોટી ભુલ છે. દુનિયામાં જોરજુલમથી તથા સખ્તીથી લાભને બદલે હાનિ થાય છે. મોગલ લોકોએ અલાઉદ્દીન પાદશાહના વખતમાં ઘણીએક વાર હિન્દુસ્તાન ઉપર ચઢાઇ કીધી; સઘળી વાર તેઓ હાર્યા, એક કરતાં વધારે વાર તેઓ પકડાયા; તેઓના ઉપર ઘણીએક રીતે જુલમ કરવામાં આવ્યો, તેઓનાં બઈરીછેકરાંને વેચાવી નાંખ્યાં, તથા તેઓને પણ નિર્દય રીતે મારી નાંખ્યા; આ વખતે પણ આવી રીતે તેઓની દુર્દશા થઇ હવે કોઇના મનમાં આવશે કે તેઓ ફરીથી રાજ્યને ઉપદ્રવ કરશે નહીં, પણ જે વખત ઉપર લખેલો બનાવ બનતો હતે તે વખતે બાલમંદ કરી એક બીજા મોગલ સરદારે દેશ ઉપર હુમલો કીધો હતો, અને તેની સામે પાદશાહે એક બીજું લશ્કર મોકલ્યું હતું.

જ્યારે બિહારીલાલ પોતાને ઘેર જતો હતો ત્યારે કાફુર સવારી સાથે પાદશાહી દરબારમાં જતો હતો. કાફુર હમણાં રાજ્યમાં સૌથી શ્રેષ્ઠ હતો. તે બાદશાહનો એવો તો મુછનો બાલ હતો, તથા તેના મન ઉપર તેણે એટલી બધી સત્તા મેળવી હતી કે તે ચાહે તે કરી શકતો હતો. તેણે મોટામાં મોટી પદવી મેળવી હતી, પણ તે છતાં તે સુખી ન હતો. રાજાની જે પ્રીતિ તેણે સંપાદન કીધી હતી તે કાયમ રાખવાને, તથા પાદશાહના સ્વછંદી અને ચળ સ્વભાવને લીધે તેને જે નિરંતર ચિન્તા થયાં કરતી હતી, તથા અમીર ઉમરાવોને આવા નીચ ગુલામ, આવા આજકાલના ચઢેલા શખ્સને પાદશાહ જેટલું માન આપવું પડતું હતું, તેથી તેના ઉપર જે કંટાળો, ક્રોધ તથા અદેખાઈ આવતી હતી, અને તેને લીધે તેઓ તેની ઉંચી પદવી ઉપરથી તેને ઢોળી પાડવાને તથા તેનો અન્ત આણવાને પણ હજારો યુક્તિઓ કર્યા કરતાં હતા, તેને અટકાવવાને તેને હમેશાં ચોકસી રાખવી પડતી. એથી જે તેના સુખમાં ઘટાડો થતો હતો તે એક કોરે મૂકીએ તોપણ તેને અસુખ થવાને બીજાં બે મોટાં કારણો હતાં. એક તો એ કે તેના લોભની તથા અસંતોષની વૃત્તિ ઘણી પ્રબળ થઈ ગઈ હતી. આટલી બધી વાર સુધી તેનાં ધારેલાં કામો તથા રાખેલી આશા સફળ થયાં કીધી તેથી ઇચ્છાનું જોર ઘટવાને બદલે ઉલટું વધ્યું. તેના અન્તઃકરણમાં લોભનો કીડો મોટો થયો, અને તેનું કલેજું કોતરી ખાવા લાગ્યો. તેને હવે પાદશાહ થવાનો લોભ થયો, અને તેની નજર હવે તે નિશાન ઉપર ગયાં કરતી હતી. પણ પાદશાહ થતા પહેલાં તેણે પ્રસિદ્ધ થવું જોઈયે; તેણે કોઈ પ્રકારે નામ મેળવવું જોઈએ, તેણે કોઈ પણ પરાક્રમ કરી લોકોમાં ઘણું માન મેળવવું જોઈએ; અને આવા અજ્ઞાન લોકોમાં શૂરાતન દેખાડવાથી જ તથા બહાદુરીનાં કામો કીધાથી જ પ્રસિદ્ધ થવાય, નામ મેળવાય, તથા પ્રતિષ્ઠા સંપાદન થાય. અત્યાર સુધી તેણે કાંઈ બહાદુરીનાં કામ કીધાં ન હતાં, તેણે આ માટે મરતબો ફક્ત નરમાશથી તથા કાવતરાં કરી મેળવ્યો હતો. તેનું કુળ આવું નીચું હતું, તેની અવસ્થા કનિષ્ઠમાં કનિષ્ઠ ગુલામગીરીની હતી, તે પોતાનું રૂપ સુધારવાને હમેશાં ઉપાયો કર્યા કરતો હતો; તેણે ઝનાનખાનામાં તેની જીન્દગીનો કેટલોએક ભાગ કાઢ્યો હતો, તથા તે ખોજો હતો તે ઉપરથી તેના શૂરાતન વિષે લોકોના મનમાં માટે શક હતો, અને જ્યાં સુધી તે શક કાયમ રહે ત્યાં સુધી તેની ધારેલી મતલબ પાર પાડવામાં મોટી હરકત પડે એમ સમજીને તેણે પોતાનું ખરું સ્વરૂપ લોકોને દેખાડવાને, પોતાની સ્વાભાવિક હિંમત તથા બહાદુરી પ્રકટ કરવાનો, તથા પોતાના નામ ઉપરનો આ કલંક ધોઈ નાંખવાનો ઠરાવ કીધો હતો. ઇતિહાસ ઉપરથી માલમ પડે છે કે ખેાજાઓ પુરૂષનાં લક્ષણથી રહિત હોય છે તો પણ તેઓમાં હમેશાં નામર્દાઈ હોય છે, અથવા તેઓ નાહિમ્મત હોય છે, એમ કાંઈ હોતું નથી. નારસીસ અને બીજા કેટલાએક ઝનાનખાનાના રખેવાળેાએ મોટાં શૂરાં કામો કીધેલાં છે, તેઓમાં બહાદુરીની કોઈ કસર ન હતી. તે જ પ્રમાણે કાફુરને હતું. માટે તેનામાં જે જવાહિર હતું તે દુનિયાને દેખાડી આપવાને કોઈ પણ લડાઈ ઉપર ચઢવાનો તેણે નિશ્ચય કીધો.

એ પ્રમાણે વિચાર કરતો કરતો કાફુર પાદશાહી મહેલમાં ગયો, અને પાદશાહ ક્યાં છે એ વાતની તેણે તજવીજ કીધી. તે વખતે અલાઉદ્દીન ઝનાનખાનામાં બેઠેલો હતો, પણ કાફુરને બેગમોને જોવાને તથા તેઓની સાથે વાતચિત કરવાને કાંઈ હરકત નહતી, તેથી તે પણ ઝનાનખાનામાં ગયો. તે જઈને જુએ છે તો અલાઉદ્દીન ભેાજન કરવાને બેઠો હતો. તેની આગળ મેજ ઉપર નાના પ્રકારના દારૂના સીસા પડેલા હતા, તથા પ્યાલાંઓ વારાફરતી ભરાતાં હતાં. તેની પાસે તેની કૌળારાણી બેઠેલી હતી, અને તેઓ બંને અતિ આનંદમાં વાતચિત કરતાં હતાં, તથા રાતા ચળકતા પ્રવાહીઓનો ઘણી છુટથી ઉપયોગ કરતાં હતાં. કૌળારાણીને આપણે છેલ્લી જોઈ તે કરતાં હમણાં કાંઈ બદલાઈ નહતી. ઉલટી રજપુતાણીનો પહેરવેશ બદલી તેણે હમણાં પઠાણની બઈરીનો પોશાક પહેર્યો હતો, તથા ઘણાં ઉમદા અને કિમતી જવાહિરો પહેરેલાં હતાં, તેથી તે વધારે ખુબસુરત દેખાતી હતી, તથા તેનું હુરીના જેવું રૂપ વધારે પ્રકાશી નીકળતું હતું. ગુજરાત છોડતી વખતે તેને જે દુ:ખ ઉપજ્યું હતું તે ધીમે ધીમે ઘસાઈ ગયું હતું. દુ:ખનું ઓસડ જે દહાડા તેણે તેના મન ઉપર મોટો ફેરફાર કર્યો હતો, અને ટેવ જે માણસને હરેક સ્થિતિ સાથે અનુકૂળ કરી આપે છે તેણે હવે તેની મદદે આવીને તેને તેની આ નવી અવસ્થાની સાથે સમાધાન કરાવ્યું હતું. એટલા ઉપરથી કોઈએ એમ ધારવું ન જોઈએ કે તેનું આગલું દુઃખ ખોટું હતું, તથા તેણે જે વિલાપ કીધો તે ઢોંગ હતો. માણસને માથે જ્યારે દુઃખ પડે છે ત્યારે ખરેખરી દિલગીરી થાય છે, પણ પરમેશ્વરે દુઃખી માણસ ઉપર દયા લાવી તેનું મન એવું તો સ્થિતિસ્થાપક કીધેલું છે કે થોડી મુદત સુધી ઘણામાં ઘણો સંતાપ ભોગવી કેટલીક વાર પછી આશાની સહાયતાથી તે પોતાની અસલ સ્થિતિ ઉપર આવી જાય છે. જો પરમ દયાળુ ઈશ્વરે એમ કીધું ન હોત, જો માણસનું દુ:ખ વખત જવાથી નરમ પડતું ન હોત, તો તે ખરેખરે દુ:ખી અભાગીયો થઈ પડત, તેનું આખું આવર્દા દિલગીરીમાં જ જાત, અને તેથી દુનિયાનો ઘણી મુદ્દત ઉપર અન્ત આવ્યો હોત. અગર જો કેટલાએકનું મન એવું જડ હોય છે કે તેમાં દિલગીરી જડમૂળ ઘાલીને વસે છે, તથા તેથી તેઓ દેહત્યાગ કરે છે, તો પણ એવા થોડા છે. તેઓ જગતના નિયમથી બહાર છે. કૌળાદેવી તેવી ન હતી, માટે તેને ઠપકો દેવો એ અયોગ્ય ગણાય. કાફુરે કેટલીએક વાત કીધા પછી ખંડિયા રાજાઓનો વિષય કાઢ્યો, અને દેવગઢનો રાજા રામદેવ પોતાના સામર્થ્ય ઉપર ભરોસો રાખીને આજ ત્રણ વર્ષ થયાં ખંડણી આપતો નથી, એ આપણું મોટું અપમાન થાય છે, માટે તેને ભારે સજા થવી જોઈએ, તેના ઉપર એક મોટું લશ્કર મોકલવું જોઈએ, અને જો આપની રજા હોય તો હું તે લશ્કર લઈને જલદીથી તેને ઠેકાણે લાવી તેની પાસેથી ચઢેલી ખંડણી વસુલ કરી લાવું, એટલું જ નહી પણ ત્યાંની અગણિત લક્ષ્મી ઘસડી લાવી આપની સેવામાં રજુ કરું. એ કામ કરવાથી બે ફળ થશે. એક તો આપણી દોલતમાં તથા સત્તામાં વધારો થશે, આપણી બહાદુરી પ્રકટ થશે, અને આપણા નામનો ત્રાસ હિન્દુસ્તાનમાં ફેલાશે. લોકો જોશે કે આપણે હજુ લડાઇથી થાકી ગયા નથી; આપણી પાસે લશ્કર, દ્રવ્ય તથા લડવાનાં બીજાં સાધનોની હજી કાંઈ ખોટ નથી, તથા આપણે હજી આપણી મેળવેલી સત્તા વધારવાનો તથા કાયમ રાખવાનો અને બળવાખોરોને ભારે સજાઓ પહોંચાડવાને સમર્થ છઈએ. બીજું ફળ મારી જાતને થશે. ઈહાંના અમીર લોકો મને ધિક્કારે છે, હું ખોજો છું તેથી તેઓ એમ સમજે છે કે હું સ્ત્રીઓનાં કામ કરવાને જ માત્ર લાયક છું, અને મારામાં કાંઇ શૂરાતન નથી. તેઓને મારે ખાતરી કરી આપવી છે કે અગર જો પરમેશ્વરે મને નીચ કુળમાં જન્મ આપ્યો છે, મારી પાસે ગુલામગીરી કરાવી છે, મારામાંથી પુરૂષાર્થ લેવડાવી લીધું છે, મને અબળાઓનું રક્ષણ કરવાનું કામ સોંપ્યું છે, તોપણ તે પરવરદિગારે જોઈએ તેટલી હિંમત તથા બહાદુરી મને બક્ષેલી છે, અને જેમ હું દરબારનું કામ હોશિયારીથી કરી શકું છું, તેમ લડાઇ ઉપર લશ્કર પણ લઇ જઇ શકું છું; માટે જહાંપનાહ ! આપના ગુલામની અરજ કબુલ રાખી એક મોટું લશ્કર તૈયાર કરાવવું જોઈએ અને તેની સરદારી મને આપીને મને દેવગઢ ઉપર મોકલવો જોઇએ.

કાફુરનું આ બોલવું સાંભળીને પાદશાહને ઘણી ખુશી થઇ, અને તેના માનીતા કાફુરની કોઈપણ નજીવી અરજ તે કદી નામંજુર કરતો ન હતો તે આવી મોટી તથા તેને ગમતી વાત શી રીતે નાપસંદ કરે ? વળી દેવગઢ ઉપર ચઢાઈ કરવાથી કાફુરે બતાવ્યા તે પ્રમાણેના ઘણા લાભ ન થાય તો પણ એકલી નકામી, વગર જરૂરની લડાઈ હોરવાનો પણ તેને ઘણો શોખ હતો; લડાઇનું નામ સાંભળીને તે જાગૃત થઈ જતો; તેની નસોમાં લોહી વધારે જુસ્સાથી વેહેતું; તથા તેમાં ઝંપલાવી પડવાને તે તુરત તૈયાર થઈ જતો. તેને લડાઈમાં જાતે જવાની મરજી થઈ, પણ કાફુરના કાલાવાલા ઉપરથી તેણે તે વિચાર છોડી દીધો અને તેને મોકલવાનું કબુલ કીધું.

કૌળાદેવીએ જ્યારે આ વાત સાંભળી, અને દેવગઢ તથા રામદેવનાં નામ તેને કાને પડ્યાં, ત્યારે તેનું આગલું સઘળું દુઃખ યાદ આવ્યું, અને તેની આંખોમાં આંસુ ભરાઈ આવ્યાં. તેનો આગલો ધણી કરણ બાગલાણમાં છે એવી તેને ખબર હતી; તેની મોટી છોકરી કનકદેવી મરી ગઈ તે પણ તે જાણતી હતી; અને તેની નાની છોકરી દેવળદેવી તેના બાપની પાસે છે, એમ તેને માલુમ હતું. પાદશાહની પાસે રહેવામાં પોતાને ઘણી તરેહનું સુખ હતું તો પણ તેને વખતે ઘણું એકાંતપણું લાગતું, અને ઘણી વાર ઉદાસ રેહેતી. બઈરાંને છોકરાં પોતાની પાસે રાખવાં ઘણાં ગમે છે, તે પ્રમાણે કૌળાદેવીને પોતાની મોટી થયેલી, તેર વર્ષની છોકરીને બોલાવવાનું ઘણું મન હતું. માની છોકરાં ઉપર ઘણી પ્રીતિ હોય છે, તેની સાથે તેઓ એવું સમજે છે કે છોકરાં ઉપર માના જેટલું બાપનું હેત હોતું નથી, અને તેઓના ઉપર બાપના કરતાં માનોને વધારે હક્ક હોય છે. દેવળદેવીને વાસ્તે તેને જે પ્યાર હતો તેથી તે એવી તો આંધળી થઈ ગઈ કે તેને બેલાવવાથી તેના ભર્તાર કરણને જે દુ:ખ થશે, તથા તેને દીકરીના જવાથી, નિરાધાર થઇ જવાથી, અને ઘણી મુદ્દતની બાપ અને છોકરીની વચ્ચે મજબુત બન્ધાયલી પ્રીતિ તુટવાથી જે સન્તાપ થશે તે સઘળું આ વખતે તે ભુલી ગઈ. તેણે અલાઉદ્દીનને વિનંતિ કીધી કે જ્યારે કાફુર દેવગઢ સુધી જાય છે ત્યારે બાગલાણમાં મારી તેર વર્ષની એક દેવળદેવી નામની છોકરી છે તેને લઈ આવવાનો કાફુરને હુકમ આપવો જોઈએ. અલાઉદ્દીનને આ અરજ ઘણી માકુલ જણાઈ નહીં, તો પણ પોતાની વહાલી રાણીને ખુશ કરવાને તેણે કાફુરને દેવળદેવીને લાવવાનો હુકમ કીધો. કાફુરે એ હુકમ માથે ચડાવ્યો, અને તેને ન લાવું તે મારૂં માથું આપવું એવું વચન આપ્યું.

બીજે દહાડે એક મોટું દરબાર ભરી ત્યાં પાદશાહે પોતાને હાથે કાફુરને માટે શિરપાવ તથા ખિલઅત આપ્યાં, અને હવે પછી તેને નાયબ મલેક કાફુર કહેવો, તથા સઘળા અમીર ઉમરાવોએ તેને પોતાના જેટલું જ માન આપવું એવો હુકમ કીધો. પછી એક મોટું લશ્કર તૈયાર કરાવ્યું, અને થોડા દહાડામાં દિલ્હીમાં પાદશાહની રૂબરૂ એક લાખ સવાર આવી ઉભા રહ્યા. એ લશ્કરની સરદારી નાયબ મલેક કાફુરને સોંપી, અને તેના હાથ નીચે ખાજા હાજી નામના એક ઘણા સદ્ગુણી માણસને નીમ્યો. તે લશ્કર દિલ્હીથી ઈ૦ સ૦ ૧૩૦પ માં દક્ષિણ દેશ જીતવાને નીકળ્યું. આ મોટા સૈન્યની સાથે ઘણાએક નામાંકિત અમીરો હતા, તથા તેને મદદ આપવાને માળવાના સુબા અયનુલમુલ્ક મુલતાનીને હુકમ થયો હતો, તથા ગુજરાતના સુબા અલફખાંને પણ લશ્કર લઈ મલેક કાફુર જોડે એકઠા થવાનું લખ્યું હતું. કાફુરે પાદશાહની છેલ્લી રજા લીધી, અને તેના જવાથી તથા લડાઈના સપાટામાં તે કદાચ મરણ પામે એ વિચારથી પાદશાહે ઘણી દિલગીરી બતાવી. આ વખતે પણ દેવળદેવીને લાવવાનું તેણે યાદ દેવડાવ્યું, અને જો તેને નહી લાવે તો મારા ક્રોધને લીધે મારાથી જે થઈ જશે તેને હું જવાબદાર નથી, એમ કહી સંભળાવ્યું.

પ્રકરણ ૧૩ મું.

જુવાન પુરૂષ અથવા સ્ત્રી જે પેહેલી જ વાર પ્રીતિ બાંધે છે તેમાં અટકાવ થવાથી તેને જે દુ:ખ ઉપજે છે તે સૌથી આકરૂં છે. એમ થવાથી તેનું હૈયું ફાટી જાય છે; તેના શરીરમાં અવ્યવસ્થા થઇ જાય છે અને દુનિયા સ્મશાન જેવી ઉદાસ લાગે છે. તેને કાંઈ કામ ધંધો સુઝતો નથી; અને જો તે જગાનો ફેરફાર કરી અથવા બીજી કોઈ પણ રીતે તે બાબતના સઘળા વિચારો ખસેડી નાંખે નહી તો તેની ખરાબી થઈ જાય છે. જ્યાં પ્રીતિમાં થોડી મુદ્દત સુધી પોંહોંચે એવો જ અટકાવ થયો હોય, જ્યાં નિરાશાના અંધકારમાં આશાનું કાંઈ પણ ઝાંખું કિરણ આવતું હોય ત્યાં તો ધીરજ રાખી શકાય છે, તથા વખતે તેથી વધારે કાંઈ અસાધારણ પ્રયત્ન પણ થઈ શકે છે; પણ જ્યાં આશાનું ઢાંકણું દેવાયું ત્યાં સુખનું ઢાંકણું દેવાયું એમ સમજવું. ઘણાએક પુરૂષો જ્યારે એવી અવસ્થામાં આવી પડે છે ત્યારે દેશાટન કરે છે, અને ત્યાંના નવા નવા પદાર્થો જોવાથી, નવાં નવાં કામોમાં પડવાથી, તથા વખતે કોઈ નવી સુંદરીના સમાગમમાં થતા સુખથી આગલું દુઃખ નિવારણ કરી શકે છે.પણ સ્ત્રીઓને એ પ્રમાણે થવું કઠણ પડે છે. તેઓનું અન્તઃકરણ વધારે નરમ હોય છે, તથા તેઓનાં હૈયાં ઉપર મીણની પેઠે પ્યારની છાપ વધારે મજબુત બેસી જાય છે તે જલદીથી ભુસાઈ જતી નથી;તેઓને બીજા દેશમાં અથવા બીજા શહેરોમાં ફરવા જવાનું ઘણી વખતે બની આવતું નથી, તથા નવી વાત ગ્રહણ કરી જુની વાત વિસારી નાંખવાને ક્વચિત જ પ્રસંગ આવે છે; તેઓ મુંઝાયાં કરે છે, તેઓ બળ્યાં કરે છે, તેઓ જે નાજુક પ્રકૃતિનાં હોય ત્યારે તો તેમનાં શરીરમાં રોગ પ્રવેશ કરે છે અને ક્ષયરોગથી તેઓનો અન્ત આવે છે. એ પ્રમાણે કાંઈ હમેશાં જ બનતું નથી, તે પણ પ્રીતિમાં આશાભંગ થવાથી પુરૂષો કરતાં તેમને વધારે દુઃખ થાય છે.

કરણે શંકળદેવનું માગું પાછું વાળ્યું ત્યારથી દેવળદેવીના સુખનો સૂર્ય અસ્ત પામ્યો. આશાને લીધે જે ઉમંગ તેને થયેલો તે જતો રહ્યો. તેના મ્હેાં ઉપર ઉદાસીનું વાદળું ફરી વળ્યું, તેનું શરીર ગળવા લાગ્યું; તથા ધીમે નાશકારક તાવ તેના શરીરમાં દાખલ થયો. તેનું ખુશકારક હસવું બંધ પડી ગયું; તેના રાગમાંથી સઘળી મીઠાશ ઉડી ગઈ; તેની વાણીની મધુરતા જતી રહી; અને જ ખુલ્લા દિલથી તથા ઉલ્લાસથી તે ચાલતી તે ચાલ હવે બિલકુલ બદલાઈ ગઈ. આ સઘળા ફેરફાર જોઈને કરણને પણ ઘણી દિલગીરી થઈ. પૈસા, વ્હાલ અને બીજા ઘણાએક ઉપાયોથી તેની અસલ સ્થિતિ પાછી લાવવાને તેણે ઘણાં ફાંફાં માર્યા; પણ જેનું માથું દુઃખે તેના પેટ ઉપર ઓસડ ચોપડવાથી શો ફાયદો? જેના કલેજામાં ઘા લાગેલો તેને બહારના ઉપાય શી રીતે કામ લાગે ? જ્યાંસુધી તેના અન્તઃકરણમાંનો કીડો જીવતો રહે ત્યાંસુધી જે જે ઉપાય કરે તે સર્વે વ્યર્થ જાય જ.

એવી ઉદાસ વૃત્તિમાં આવી પડેલી પુત્રીની સાથે કરણ રાજા એક દહાડો બેઠો હતો, તથા તેની દિલગીરી કાઢી નાંખવાને તેને શિખામણ દેતો હતો, એવામાં એક મુસલમાન અમીર કેટલાંએક માણસ લઈને બાગલાણના કિલ્લામાં આવ્યો. અકસ્માત આવો માણસ આવી રીતે તેના એકાંત રહેવાના ઠેકાણામાં આવ્યો તે જોઈને કરણ રાજાને મોટું આશ્ચર્ય લાગ્યું, તથા તેના જીવને મોટી ફાળ પડી. એ નવતર આવનારથી કાંઈ માઠાં જ પરિણામ નીવડશે એવી તેને સ્વાભાવિક પ્રેરણા થઈ આવી, અને હવે શી વધારે ખરાબી થશે એ વિચારથી તેણે એક મોટો નિશાસો મૂક્યો. તેને સઘળી ફીકર પોતાને પુત્રીને વાસ્તે હતી. એ અમૂલ્ય રત્નને કોઈ લુંટારો લઇ જશે એ તેને મ્હોટી દેહેશત હતી. પોતાને વાસ્તે તેને જરા પણ ધાસ્તી ન હતી. તેના ઉપર તો દુઃખના એવા અને એટલા ઢગલા આવી પડ્યા હતા કે એ કરતાં વધારે દુ:ખ તેની કલ્પનામાં પણ આવતું ન હતું. લુંટાયલાને ભય શેનો? તેણે સર્વસ્વ ખોયું હતું; હવે જવાનું કાંઈ બાકી રહ્યું ન હતું. કાંઈ પણ પુછપરછ કર્યા વિના તે અમીર કરણની રેહેવાની જગા ઉપર આવ્યો, ઘોડા ઉપરથી તે ઉતરી પડ્યો, પોતાનાં માણસોને કિલ્લાના જુદા જુદા ભાગમાં રહેવાને મોકલી દીધાં; ઘોડા સઘળા ઘોડશાળામાં બંધાવી દીધા અને પોતે એકલો રજપૂતની આબરૂ તથા મોટા મન ઉપર વિશ્વાસ રાખી ઘરમાં પેંઠો. કરણે તેને અન્દરના ઓરડામાં આવવાની રજા આપી; પોતાની છોકરીને એક બીજા એરિડામાં મોકલી દીધી, અને તે અમીરનું સન્માન કરી ઉભા થઈને તેને બેસવાની જગા આપી. મુસલમાન લોકો ઘણું કરીને બોલવામાં ઘણા હોંશિયાર તથા વાચાળ હોય છે, તેઓની બોલીમાં એક જાતની નરમાશ તથા મિઠાશ હોય છે, તેઓ ઘણી નમ્રતાથી તથા લાયકીથી બોલે છે, તેથી તે અમીરને પોતાની ધારેલી વાત એકદમ કાઢવામાં કાંઈ મુશ્કેલી પડી નહી, અને તે વાત તેણે એવી ચતુરાઈથી ચલાવી કે કરણ તેના દુઃખથી ઘણો ચીઢીયો થઈ ગયો હતો તો પણ તેણે તેની વાત અથથી ઈતિ સુધી ધીરજથી સાંભળી લીધી. તે બોલ્યોઃ “હું સઘળી જહાંનનો પાદશાહ અલાઉદ્દીન જેનું તખત દિલ્હી શહેરમાં છે તેના દરબારનો અમીર છું. દેવગઢનો રામદેવ રાજા ત્રણ વર્ષ થયાં ખંડણી આપતો નથી, તથા દક્ષિણના બીજા રાજાઓ પાદશાહને નામના જ માત્ર તાબે હોય એમ વર્તે છે. તેઓના ઉપર સત્તા કાયમ બેસાડવાને પાદશાહે એક મોટું લશ્કર મોકલ્યું છે. તેની મતલબ આખો દક્ષિણ દેશ જીતવાની છે. અમારું લશ્કર કેવું બળવાન હોય છે તથા તે કેવાં કેવાં કામો કરી શકે છે તે તો હવે તમારી આગળ કહેવાની જરૂર નથી. તેનાં પરાક્રમનો વિસ્તાર કરવાને હું ચાહતો નથી, કેમકે તેમ કીધાથી તમારું દુ:ખ તાજું થઈ આવે. એ લશ્કરની સંખ્યા અગણિત છે, તેમાં માત્ર એક લાખ સ્વાર છે, તેનો સરદાર નાયબ મલેક કાફુર છે, તે ઘણો આગ્રહી, શૂરો, તથા લડાઈના કામમાં પ્રવીણ છે. તેની સાથે બીજા ઘણાં બુજર્ગ, દાના, તથા લડાઈના કામમાં ઘણા માહિતગાર એવા અમીર લોકો મસલતદાર છે. તેઓની છાવણી હાલમાં ખાનદેશમાં સુલતાનપુરમાં છે. ત્યાંથી કાંઈ સંદેશો કહેવાને મલેક નાયબ કાફુરે પાદશાહ અલાઉદ્દીનના હુકમથી મને મોકલ્યો છે. તે સંદેશે શો છે તે હું તમને જણાવું છું. તમને ખબર તે હશે કે તમારી રાણી કૌળાદેવી હાલમાં પાદશાહના જનાનખાનામાં મુખ્ય દરજજો ભોગવે છે. તે પટરાણી થઈ પડી છે; તેની સત્તા પાદશાહ ઉપર ઘણી છે, અને પાદશાહ તેને કોઈ વાતની ના કહી શકતો નથી. એ કૌળારાણીને બે દીકરીઓ હતી તેમાંથી એક મરી ગઈ છે, બીજી તેર વર્ષની જેનું નામ દેવળદેવી છે તે તમારી સાથે રહે છે. તેની માને તેના વિના જરા પણ ગમતું નથી. તે બેને ઘણાં વર્ષ થયાં વિયોગ થયો છે, તેથી તેને મળવાને સુલતાન ઘણાં આતુર છે. અલબતાં તમારા કરતાં તેનો છોકરી ઉપર વધારે હક્ક છે, તેને પોતાની છોકરી ઉપર એટલો તો હજી પ્યાર છે કે તેના વિના તેની તબિયતમાં બિગાડ થશે; વળી તે છોકરી ઈહાં છે તે કરતાં પાદશાહની પાસે મોટા દરબારમાં સુલતાના સાહેબની સાથે રહેશે તો વધારે સુખી થશે, બેગમ સાહેબે પાદશાહ આગળ દેવળદેવીને તેડાવવાની ઘણી જ ખાહેશ દેખાડી છે. પાદશાહે તેની અરજ મંજુર કીધી છે અને તે પ્રમાણે મલેક કાફુરને એવો હુકમ કીધો છે કે જો દેવળદેવીને જીવતી દિલ્હી નહી લાવે તો તેનું માથું કાપી નાંખવામાં આવશે. એ પ્રમાણે પાદશાહે સખત હુકમ કીધો છે. માટે તમારે તે છોકરી આપ્યા વિના છુટકો નથી, માટે જો તમે તમારી દીકરીનું સુખ ચહાતા હો તો આનાકાની કીધા વગર મને આપી દો, હમણાં તેની ઉમર એટલી છે કે તેને માની સંભાળની ઘણી જ જરૂર છે તેને પણ હમણાં માની ખોટ લાગતી હશે તે ત્યાં જવાથી પુરી પડશે, હમણાં તે અન્ધારામાં એક ખુણામાં સંતાઈ રહી છે તેને અજવાળામાં લાવી તેનું સુંદર ચિત્તાકર્ષક રૂપ જગતમાં પ્રસિદ્ધ કરવું જ જોઈએ, હમણાં તે અમૂલ્ય પાણીદાર રત્ન અગાધ અંધાર મહાસાગરના ઉંડા કોતરમાં પડી રહ્યું છે તેને કોઈ ચોકસીને આપી કોઈ વીંટીમાં જડવું જ જોઈએ. હમણાં તે એક ખુબસુરત ખુશબોદાર ફુલ જંગલમાં ઉગેલું છે, અને તેની સુગંધ નકામી વેરાઈ જાય છે તેને બદલે કેઈ માળીને ત્યાં લાવી કોઈ ગોટાની વચ્ચોવચ મૂકવું જ જોઈએ. તમે તેને ઈહાં રાખીને શું કરશો ? તેની આ વયે નિરંતર તમને જ જોયાં કર્યાથી તેને સંતોષ કેમ થાય ? તમારા જેટલી વૃદ્ધ ઉમરને માણસ તે તેને યોગ્ય સોબતી શી રીતે થઈ શકે ? જ્યાં સુધી દેવળદેવી તમારી પાસે છે ત્યાં સુધી તે ટોળામાંથી જુદી પડેલી હરણી જેવી છે, પાણીમાંથી બહાર કાઢેલી માછલીના જેવી છે, જો તમે તેને પાણીમાં પાછી નહી મૂકી દો તો તે ટળવળીને મરી જશે. તમે એક પતંગને દીવા પાસેથી આધું કીધું છે તે ત્યાં રહેશે ત્યાં સુધી તેને સુખશાતા કેમ વળશે ? તમે વાડીમાંથી એક ફુલનો રોપો મારવાડનો રેતીના રણમાં રોપ્યો છે તે ત્યાં પાણી વિના કેમ ઉછરશે ? વાડીનાં ફુલોમાં રમનારી પોપટીને તમે ત્યાંથી ખસેડીને ઘરમાં મૂકી છે ત્યાં તેને ખુલ્લા તડકામાં ઉડવાને બદલે ભોંય ઉપર ચાલવાનું મળે તેથી તે કેમ રાજી થશે ? માટે મારા કહ્યા પ્રમાણે કરો. જો તમે એમ કરશો તો તમને પણ ઘણે ફાયદો થશે, તમને કદાપિ એ શરતથી તમારૂં રાજ્ય પાછું મળશે, તમને ખંડણી તો બીજા રાજાઓની પેઠે આપવી પડશે તો પણ તમે રાજા કહેવાશો; તમારૂં ગયલું સુખ સઘળું પાછું મળશે, પાદશાહ તમારા ઉપર ઘણી મેહેરબાની રાખશે, અને આવી દુર્બળ કંગાળ અવસ્થામાં રહેવાને બદલે તમે સઘળી વાતે પહેલાંના જેવા સુખી થશો. આવો વખત ફરીથી આવવાનો નથી; એક તેર વર્ષની બાળકીના બદલામાં લાખો રૂપીયા તમને મળે છે, થોડુંએક નુકશાન વેઠ્યાથી બેસુમાર લાભ થાય છે, માટે એ વાત ઉપર પાકો વિચાર કરીને જવાબ દેજો. ઉતાવળ કરવાનું કાંઈ કામ નથી. લક્ષ્મી ચાંલ્લો કરવા આવી છે, ત્યારે મ્હેાં ધોવા જશો માં. તમે રાજવંશી છો, તમે કેટલાંએક વર્ષ સુધી એક મોટા દેશ ઉપર રાજય ચલાવ્યું છે, માટે તમને વધારે કહેવાની જરૂર નથી, હું તમારી તરફથી નકારની તો આશા રાખતો જ નથી; પણ જો કદાચ તમારા દુર્ભાગ્યને લીધે, તથા પડતા દહાડામાં માણસની અક્કલ ઉંધી થઈ જાય છે તેને લીધે જો તમે ના કહેશો તો થોડે અંતરે એક મોટું સૈન્ય તૈયાર છે તે ઈહાં આવી બળાત્કારે તે છોકરીને પકડી જશે પછી તમારું કાંઈ ચાલવાનું નથી અને તેમાં તમારી શોભા પણ રહેશે નહી.”

આટલી વાત સાંભળતાં સાંભળતાં જ કરણને વારે વારે ક્રોધનો આવેશ તો આવતો હતો, પણ તેણે અત્યાર સુધી તેના મન ઉપર અંકુશ રાખ્યો હતો, હવે જ્યારે તેને બેલવાનો વારો આવ્યો ત્યારે તેનું મન તેને વશ રહ્યું નહી. તેણે જુસ્સાથી જવાબ દીધો-“અગર જો આસમાન તુટી પડે, અગર ધરતી રસાતાળ જાય, અગર પાદશાહ પોતે તથા તેથી પણ વધારે ખુદ પરમેશ્વર મારી પાસેથી એ છોકરી માગવા આવે તો પણ હું તેને ખુશીથી તો કદી આપું નહી. હું હમણાં એવી અવસ્થામાં છું કે મને કોઈ માણસનો ડર રહ્યો નથી. મેં મારું સઘળું સર્વસ્વ ખોયું છે. હવે મારી પાસે જવાનું બાકી રહ્યું નથી. મારા ઉપર સઘળી જાતની આફત પડી ચુકી છે. હવે વધારે અથવા એથી મોટી આફત બીજી છે જ નહી. તેથી હું તમારા પાદશાહથી, તમારા મલેક કાફુરથી તથા તેના અગણિત લશ્કરથી જરા પણ બીહીતો નથી. હજુ રજપૂતો એટલા અધમ થઈ ગયા નથી, હજુ તેઓમાં આબરૂનો છેક નાશ થઈ ગયો નથી, હજુ તેઓમાંથી જાતનો તથા કુળનો અહંકાર એટલો ગયો નથી કે તેઓ પોતાનું રક્ષણ, પોતાનો લાભ, પોતાનું સુખ, પોતાની દીકરી પારકાને આપીને માગે ના, ના, એવો દહાડો હજુ આવ્યો નથી, અને આવતાં ઘણી વાર છે. છોકરીને મ્લેચ્છ પાદશાહને આપું? તેને દુષ્ટ ચંડાળ લોકોને સોંપું ? તેને તેના બાપના કટ્ટા શત્રુને, તેના બાપનું વગર કારણે રાજ્ય હરણ કરનારને, તેને આવી દુર્દશામાં લાવનારને ત્યાં મોકલું ? એમ કદી થનાર નથી, જયાં લગી આ ઘટમાં પ્રાણ છે, જ્યાં સુધી આ શરીરમાં રૂધિર વહે છે, જ્યાં સુધી તલવાર પકડવાને આ હાથ સલામત છે, ત્યાં સુધી હું એ છોકરીને મારા હાથમાંથી જવા દેવાનો નથી. તેને લેતાં પહેલાં તેના રક્ષણને અર્થે મારો પ્રાણ અર્પણ કરવાને તૈયાર છું. મારા મોત પછી તેનું જે થાય તે ખરૂં, પણ શું કરણને વાસ્તે જગતમાં એમ કહેવાશે કે તેણે જીવતાં પોતાના સ્વાર્થને સારૂ પોતાની છોકરી વેચી? કદી નહીં. હું તેને મારે હાથે કાપી નાંખીશ; એ કુમળું ફુલ અપવિત્ર તથા અધમ હાથમાં જાય તે કરતાં હું તેને તોડી નાંખીશ; એ પાણીદાર અમૂલ્ય મોતી કોઈ નીચના શરીરને શણગારે તે કરતાં હું તેને ભાંગી ચૂરેચૂરા કરી નાંખીશ. એ વાતની અમને રજપૂતને કાંઈ શરમ નથી. તેથી અમારી કાંઈ અપ્રતિષ્ઠા થવાની નથી. તે તો અમારો અસલથી ચાલ્યો આવેલો સંપ્રદાય જ છે. અમે તો અમારા કુળની લાજ રાખવાને તથા હલકા માણસને અમારી કન્યા આપવી ન પડે માટે છોકરીઓને જન્મતાં જ દુધપીતી કરીએ છીએ. મેં તેને જીવતી રાખી, મ્હોટી થવા દીધી, એ જ મેં ભૂલ કીધી. પણ હજી શું ગયું છે? એક તલવારના ઘાથી ધારેલું કામ બની આવશે. એક ઘાથી મારી, મારા કુળની, મારી જાતની, મારા દેશની આબરૂ રહેશે. એક ઘાથી તમારા પાદશાહની ઉમેદ અફળ થશે. અને એક ઘાથી મારી છોકરી અપવિત્ર થતી બચશે. અરે ચંડાળ, દુષ્ટ, પાપણી કૌળાદેવી! હવે તને રાણી શા માટે કહું? અરે ! મ્હેં તને કેટલું સુખ દીધું છે ? મેં તને કેટલાં લાડ લડાવ્યાં છે? મેં તારો મ્હોંમાંથી પડતો બોલ ઝીલ્યો છે, મેં તને પટરાણી બનાવી હતી તે સઘળાનો બદલો તું આજ બહુ સારો લેવા નીકળી છે ? તને એ જ યોગ્ય છે ! અરે ! તું તારા ધણી, તારી છોકરી, માબાપ, સગાંવહાલાં, ન્યાતજાત, દેશ, એ સઘળું છોડીને ધર્મથી ભ્રષ્ટ થઈ. એક મ્લેચ્છ પાદશાહના ઝનાનખાનામાં મહાલે છે, તું જીવતા વરે બીજાને વરી, તેં એક ભવમાં બે ભવ કીધા, તું હમણાં એક દુષ્ટ અધર્મી પુરૂષની બાથમાં પૈસાને લોભે ભરાઈ છે, અને સઘળી જાતનાં સુખ ભોગવે છે, તેની હું અદેખાઇ કરતો નથી; પણ તું મારી જરા પણ દયા રાખતી નથી, તું મારી અવસ્થા જોતી નથી, તું મારા અથાગ દુ:ખ ઉપર કાંઈ પણ નજર કરતી નથી; તું કેવી સ્વાર્થી કે તને એટલાં બધાં સુખ છતાં છોકરીનું પણ સુખ જોઇએ છીએ, અને હું સઘળી રીતે પાયમાલ થઈ ગયલો, હું આ મઠમાં સાધુની પેઠે દુનિયાનો તથા સુખનો ત્યાગ કરી બેઠેલો; હું એક છોકરી ઉપર મારા થોડા સુખને વાસ્તે આધાર રાખી રહેલો, તેટલું પણ સુખ તું મારી પાસેથી લઈ લેવા માગે છે ? અરે ભુંડી ! તારી છોકરી આવવાથી તારા સુખમાં તો તેથી ઘણો જ થોડો વધારો થવાનો છે, પણ હું તો તેના વિના ટળવળીને રઝળી રખડીને મરણ પામીશ. તે સઘળું પાપ તારે માથે. અરે દુષ્ટ ! તું દુખીયાને વધારે દુખીયો કરવા ચાહે છે, તને કોઈ દહાડો સુખ થવાનું નથી. તું પણ મારી પેઠે દુ:ખી જ થશે. હમણાં તો તારા સુખના મધ્યાહ્‌નનો સૂર્ય છે, પણ કોઇ વખત પણ સાંજ પડશે, કોઇ વખત પણ તે અસ્ત થશે, અને પછી ઘોર અંધારૂં થઈ જશે. પણ હું મિથ્યા શોક શા માટે કરું છું ! અને આ સંદેશો લાવનારને શા માટે ખોટી કરું છું ? તમે અમીર સાહેબ ! જઈને તમારા સરદારને કહો કે જ્યાં સુધી હું જીવતો છું ત્યાં સુધી દેવળદેવીને કદી આપનાર નથી. તમારાથી જે થાય તે સુખેથી કરી લેવું.”

પેલા અમીરે જોયું કે તેની સાથે વધારે વાત કરવામાં કાંઈ ફળ નથી, અને તે એવો ગુસ્સા ઉપર ચઢી ગયો છે, તથા એવા હઠીલા સ્વભાવનો દેખાય છે કે નરમ ઉપાયથી માનવાનો નથી તેથી તે વધારે બોલ્યા સિવાય ઉઠી ગયો, અને તેણે જતી વખતે કરણને એટલું જ કહ્યું-“હજી વખત છે, કબુલ કરવું હોય તો હજી કરો. હું જઇને આ પ્રમાણે સઘળી હકીકત નાયબ મલેક કાફુરને જાહેર કરીશ. તે બધું લશ્કર લઇને તમારા ઉપર ચઢી આવશે, અને બળાત્કારે દેવળદેવીને લઇ જશે, અને હમણાં તેને રાજીખુશીથી આપવાથી જે લાભ થશે તે તે વખતે થવાનો નથી માટે પછી પસ્તાશો તેથી વિચાર કરો.” કરણ રાજાએ કાંઇ જ જવાબ દીધો નહીં તે ઉપરથી જણાયું કે હજી તે કબુલ કરતો નથી, તથા પોતાની હઠીલાઈ મૂકતો નથી તેથી તે અમીર ત્યાંથી ચાલ્યો ગયો અને કરણનો જવાબ સુલતાનપુર જઈ મલેક કાફુરને કહ્યો. આ જવાબ સાંભળીને કાફુર ઘણો ગુસ્સે થયો, અને બે ત્રણ દહાડા પછી બીજો માણસ પાછો કરણની પાસે તેણે મોકલ્યો; તે પણ તે જ જવાબ લઈને પાછો આવ્યો. પાદશાહનો હુકમ થયેલો એટલે દેવળદેવીને લાવવી તો જોઇએ. અલાઉદ્દીને તેને બે ત્રણ વાર ટોકી ટોકીને કહ્યું હતું. તેણે તેને લાવવાનું વચન આપ્યું હતું, તથા તે જે હાથમાં નહી આવે તો કૌળારાણી કોપાયમાન થશે, અને તેની સત્તા પાદશાહ ઉપર એટલી તો છે કે તેના કહેવાથી તે પણ ક્રોધાયમાન થશે, અને તે જ્યારે રોશે ભરાયો ત્યારે આપણું માથું સલામત રહેશે નહી એવી કાફુરને પક્કી ખાતરી હતી. પણ એ કામ કાફુરને એટલું તો હલકું લાગ્યું કે પોતે બાગલાણ ઉપર સઘળા લશ્કર સાથે જઈ ત્યાં વખત ખોવો એ તેને જરૂરનું લાગ્યું નહી. દક્ષિણ દેશ જીતી ત્યાંથી અગણિત દોલત લુંટી લાવવી, તેમાંથી કેટલોએક ભાગ સિપાઈઓને, સરદારોને, તથા તેની સાથે આવેલા અમીરોને વહેંચી આપવો અને બાકી રહેલો ઘણો ભાગ કોઈ દહાડો તખ્ત મેળવવાને કામ આવે માટે પોતાને સારૂ રાખવો એ તેની મુખ્ય મતલબ હતી. તે ઉપર જ તેની નજર હતી. ત્યારે આવા હલકા કામમાં ગુંથાવાથી શું ફળ ? તે કામ બીજાઓ પણ કરી શકે માટે તેણે જાતે શા માટે તસ્દી લેવી જોઈએ ? એવો વિચાર કરી તેણે ગુજરાતના સુબા અલફખાંને લખી મોકલ્યું કે, તમારે એક મોટું લશ્કર લઈ અમારી છાવણીમાં જેમ બને તેમ જલદીથી આવી મળવું. વળી તમારે બાગલાણને રસ્તે આવવું, અને ત્યાં કરણ રહે છે તેની પાસેથી ગમે તે ઉપાયથી અને જરૂર પડે તો લડાઈ કરીને પણ તેની છોકરી દેવળદેવીને જીવતી પકડી ઘણી આબરૂની સાથે અમારી પાસે લાવવી. જો એ છોકરી તમારે હાથ આવશે નહીં, જો તે તમારા હાથમાંથી છટકી જશે, અથવા તમે તેને જવા દેશો, તો પાદશાહની તમારા ઉપર ઘણી જ ઈતરાજી થશે. અને તમારે પછી તમારો જીવ ખોવાની જ તૈયારી રાખવી. એ પ્રમાણે અલફખાં ઉપર પાટણ ખત મોકલીને મલેક કાફુરે સુલતાનપુરથી પોતાની છાવણી ઉઠાવી. આણીગમ કરણ રાજા પણ ઉંડા વિચારમાં પડ્યો. હવે શું કરવું તે તેને સુઝયું નહી, છોકરી આપવાની ના કહી તેથી મ્લેચ્છ લશ્કરનો સરદાર ગુસ્સે થશે; એમાં કાંઈ શક ન હતો, સાંભળ્યા પ્રમાણે અલાઉદ્દીન ઘણો ક્રૂર સ્વભાવનો હતો. તે કદી પોતાનો હુકમ ફેરવતો નહી. તેના કહેવા પ્રમાણે જો કામ ન થાય તો તે એટલો કોપાયમાન થતો કે જે શખસની તે ગફલત થઈ હોય તે પછી અમીર હોય કે ફકીર હોય તોપણ તેને પોતાના જાન ઉપરથી ફારગતી અપાવતો. માટે તેનો હુકમ અમલમાં લાવ્યા વગર કોઇથી પણ ચાલતું નહી. થોડી મુદ્દતમાં સઘળું લશ્કર આ કિલ્લા ઉપર તુટી પડશે ત્યારે શું કરવું? લડાઈ તો શી રીતે કરાશે ? માણસ નથી, પૈસા નથી, તથા બીજી સામગ્રી પણ નથી. અરે પરમેશ્વર ! તું મારા રંક ઉપર દયા લાવીને જો. શું મારે અંતે દેવળદેવીને આપી દેવી પડશે ? અરે એ વિચારથી જ મારી કાયા થરથર ધ્રુજે છે, તથા મારા મનમાં ઉકળાટ થઈ આવે છે. પણ હવે આળસુ બેસી રહેવાનો વખત નથી. હવે કાન ફફડાવીને જાગૃત થવું જોઈએ. હવે પ્રારબ્ધ ઉપર બેસી રહેવામાં મૂર્ખાઇ છે. જો હું મહેનત કરીશ તો પરમેશ્વર મને મદદ કરશે; જો હું આળસુની પેઠે નશીબ ઉપર બેસી નહી રહેતાં કાંઈ પ્રયત્ન કરીશ તો દેવતાઓ એક કુમળી અબળાની વહારે ધાશે. જો હું યથા સામર્થ્ય કાંઇ ઉપાય કરીશ તો કોઈ પણ આ બીચારી નિર્દોષ પશુને વાઘના પંજામાંથી છોડાવશે. માટે આળસ ! તું જા; નશીબ ! તું દૂર બેસ; અને મારી વહાલી ઢાલ તલવાર તથા ધનુષ્ય બાણ ! તમે મારી પાસે આવો. તમારું કામ હવે પડ્યું છે, માટે તમે મારા સંકટમાંથી મને ઉગારો, અને મારી પરમ પ્રિય દીકરીનું સુખ મને કાયમ રખાવો. હજી ગુજરાતમાં ઘણાએક શૂરા સામંતો અંગીઠીમાંના અંગારાની પેઠે રાખમાં દબાઈ રહેલા હશે; હજી ઘણાએક બહાદૂર રજપૂતો દુશ્મનોનું લોહી પીવાને તરસ્યા હશે. હજી ગુજરાતમાં કેટલાએક લોકોના મનમાં મુસલમાનો ઉપર વેર લેવાનું હશે. હવે વખત આવ્યો છે. શું તેઓ એવા નિમકહરામ થઈ ગયા હશે કે આ વખતે તેઓના જુના, દુઃખમાં પડેલા રાજાની મદદે નહી આવે ? શું તેઓના મનમાંથી શરમ તથા આબરૂ એટલી જતી રહી હશે કે પોતાના દેશનો બચાવ નહી કરે ? શું તેઓને પોતાના દેશ ઉપરથી એટલી બધી પ્રીતિ ઉડી ગઇ હશે કે તેઓ નામરદ હીચકારાની પેઠે પારકા દુષ્ટ મ્લેચ્છ લોકોનો જુલમ મુગા મુગા ખમ્યાં કરશે ? શું આવી વખતે તે ચંડાળ લોકો ઉપર વેર લેવાને મારી સાથે સામેલ થશે નહી ? હું ધારૂં છું કે હજી એવો વખત આવ્યો નથી, હજી છેક લોકોમાંથી પાણી ગયું નથી; માટે મારા ઉપર જે આફત આવી પડી છે તેની તેઓને ખબર કરવી, તથા આવી વખતે મારી મદદ કરવાને સઘળા રજપૂતોને વિનંતિ કરવી.

એ પ્રમાણે વિચાર કરી કરણ રાજાએ કેટલાએક લેાકેાને પત્ર લખ્યા, અને ગુજરાતમાં સઘળે ઠેકાણે જાસુસો મોકલ્યા. થોડા દહાડા ગયા એટલે હથિયારબંધ રજપૂતો બાગલાણમાં આવવા લાગ્યા. કેટલાએક સામંતો પોતાના વગના માણસોને સાથે લઇને આવ્યા, અને એ પ્રમાણે એક મહીનામાં પાંચ હજાર માણસ એકઠાં થયાં, ધન્ય છે એ રજપૂતોને ! શાબાશ છે બીજા લડવા આવેલા લોકોને ? આ લડાઇમાં જીતવાની ઘણી જ થોડી આશા હતી; હારવાનો સંભવ ઘણો જ હતો; મોત તેઓના મ્હોં સામું તાક્યાં કરતું હતું; એવું છતાં પણ આ બહાદૂર લોકો પોતાના જીવની આશા મૂકીને મોતને મળવા સારુ પોતાનાં ઘરબાર, બઈરી, છેકરાં વગેરેને મૂકીને પોતાના જુના રાજાને મદદ કરવા આવ્યા ! કરણ હમણાં કાંઈ રાજા ન હતો, તેની તરફથી તેઓને કોઈ રીતનો ભય કિંવા લાભ ન હતો, તે કાંઇ તેઓને પગાર આપવાનો ન હતો, તેની તરફથી તેઓને કાંઈ પણ પ્રકારની આશા ન હતી, તેની પાસે તેઓને કશી વાતે નુકશાન પોહોંચાડવાની શક્તિ ન હતી, તે છતાં તેઓ શા માટે આવ્યા ? ફક્ત રાજા ઉપર પ્રીતિ, ફક્ત પોતાના દેશનું અભિમાન. અને ફક્ત પોતાના દેશીને સહાય થવાની ઉત્તમ વૃત્તિ. અરે ! એ સઘળું હમણાં આપણા દેશમાંથી જતું રહ્યું છે ! અને તે જવાથી જ આપણા લોકો આજ પરતંત્ર થયા છે. પાંચ હજાર લશ્કર આટલી ટુંકી મુદતમાં એકઠું થશે, એવું કરણના સ્વપ્નમાં પણ નહતું પણ જ્યારે તેણે એ સઘળા લડવાની હોંસથી ભરપૂર તથા તેની ઉપર આવી પ્રીતિ રાખનારા માણસોને આવેલા જોયા ત્યારે તેના હૈયામાં હર્ષ માયો નહીં, તેનામાં લડાઈને જુસ્સો પાછો આવ્યો અને તે પાછો રાતદહાડો લડાઈની તૈયારી કરવા મંડી ગયો. કિલ્લામાં જે કાંઈ ભાંગેલું તુટલું હતું તે તુરત સમરાવી દીધું. જંગલમાંથી ભાથાના ભારે ભારા મંગાવ્યા, તીરોની અણી કાઢવાને સઘળા લુહારોની દુકાનમાં ભઠ્ઠી તથા હથોડા ધમધોકાર ચાલવા માંડ્યા, ખાનદેશથી વણજારાઓને બોલાવી બાગલાણના રહેવાસી તથા સઘળા સિપાઈઓ તથા તેઓની સાથે આવેલાં સઘળાં માણસોને લાંબા વખત સુધી ચાલે એટલું અનાજ ભરાવવા માંડ્યું, અને બાકીનું વખતે વખતે પુરૂ પાડવાનો તેઓની સાથે બન્દોબસ્ત કીધો. આ વખતે કરણે પોતાનો હઠીલો સ્વભાવ, જરા મૂકી દીધો તથા એકલા પોતાના મત પ્રમાણે જ ચાલવું એ જે તેની નુકસાનકારક ટેવ હતી તે હાલ છોડી દીધી. સઘળા કામમાં તે પોતાના સામંતોની સલાહ લેવા લાગ્યો, અને ગમે તેવો હલકો સિપાઈ હોય તો પણ તેને બોલવાની તેણે રજા આપી, અને તેનો અભિપ્રાય ખોટો હોય તો કરણ તેને તકરારથી ખાતરી કરી આપતો અને જો ખરો હોય તો તેને સ્વીકાર કરી તે પ્રમાણે ચાલતો. જો આવી વર્તણુક તેણે પહેલાં રાખી હોત તો તેનું રાજ્ય કદાપિ જાત નહીં, અથવા જાત તો ઘણી મુદતે તથા શ્રમ કરાવીને તથા દુશ્મનોની ઘણી ખરાબી થયા પછી જાત. પણ માણસ ઘણું કરીને અનુભવથી ડાહ્યું થાય છે, તે ઠોકરો ખાઈને જ શીખે છે. પહેલવહેલાં જ વિચાર કરી સાચે રસ્તે ચાલનારા તથા ખરી રીતે કામ કરનારા થોડા જ હોય છે. તો પણ હમણાં કરણે જે ડહાપણ વાપર્યું, તથા જે યોગ્ય રીતે સઘળું કામ કીધું, તેનાં ફળ કેટલીએક વાર સુધી સારાં નીપજ્યાં, અને તેની અસર બીજાં જુદાં જ કારણો જે તેના હાથમાં બિલકુલ ન હતાં તેઓથી જ તુટી. જ્યારે કરણ આવી રીતે લડાઈ કરવાની તૈયારીમાં પડેલો હતો તે વખતે આપણે જરા પાટણ તરફ નજર કરીએ. નવ વર્ષ થયાં તે શેહેર મુસલમાનોના હાથમાં આવેલું હતું, એટલી ટુંકી મુદ્દતમાં પણ તેમાં ઘણો ફેરફાર થઈ ગયો હતો. દિલ્હીથી જે જુદા જુદા સુબાઓ ત્યાં મોકલવામાં આવ્યા હતા તેઓ પાદશાહની નજરથી દૂર પડેલા તેથી ઘણો જ જુલમ લોકો ઉપર કરતા હતા, તેઓને તેમની નોકરી કેટલી મુદ્દત પહોંચશે, એ વાતનો જ નિશ્ચય ન હતો. નોકરીમાંથી કાઢી મૂકયા પછી ઘણું કરીને તેઓની પાસેથી એવો તે ભારે દંડ પાદશાહ લેતો કે જો તેઓ એકલા પોતાના પગાર ઉપર જ રહે તો ચાકરી કીધા પછી પ્રામાણિકપણે મેળવેલી સઘળી દોલત તેઓની ઘસડાઈ જાય. તેઓ જુલમ કરી રૈયત પાસેથી લાખો રૂપિયા ખાઈ જાય છે એવો પાદશાહના મનનો સિદ્ધાંત હતો. તેમાં જે કોઈ વ્યાજબી રીતે ચાલે તે પણ તે લુચ્ચો ગણાય, અને તેની અવસ્થા પણ લુચ્ચાના જેવી જ થાય ત્યારે પ્રામાણિકપણે કોણ ચાલે? પાદશાહના આ દૃઢ વિચારનું પરિણામ એટલું જ થયું કે દેશની આમદાની સરકારને એાછી થઈ. રૈયત પાસેથી ઘણાં જ વધારે પૈસા લેવામાં આવ્યા, અને તે પૈસા સુબાના ખાનગી ખજાનામાં ભરાયા, જમીન ઉપર મહેસુલ વધારી દીધું અને ખેડુતો ભુખે મરવા લાગ્યા, તથા તેઓના ઉપર ઘણો જ જુલમ ગુજરવા લાગ્યો, વેપારની વસ્તુઓ ઉપર જકાત પહેલાં કરતાં ચેાગણી થઈ તેથી વ્યાપાર પણ તુટવા લાગ્યો, વેપારીઓને ઘણું નુકશાન પહોંચ્યું, અને શેહેરમાંથી દોલતનો પણ ઘટાડો થયો. સહેજ અન્યાયને માટે સારા સારા આબરૂદાર લોકોને પકડી મંગાવી તેઓને એટલી તો દેહશત આપવામાં આવતી, તથા વખતે તેઓના શરીરને ભયંકર યંત્રો વડે એટલું તે દુઃખ દેવામાં આવતું કે તેઓ આવી અવસ્થામાંથી છૂટવાને માગે તેટલું અથવા ઘણામાં ઘણું આપી શકાય તેટલું દ્રવ્ય આપીને મુગે મ્હોંએ ઘેર જતા, જે લોકોએ પૈસો મેળવી સંગ્રહ કીધો એવો તેઓના ઉપર શક આવે, અથવા જેઓ પોતાની આબરૂને ઘણી પ્યારી ગણે છે એવી બે લોકમાં વાત ચાલે કે તેઓના ઉપર જુઠાં તોહોમ્મત મુકીને તેઓની ઘણી ગેરઆબરૂ કરવામાં આવતી, અને જ્યારે તેઓ સુબાનું ગજવું ભરી આપતા ત્યારે જ તેઓનો છૂટકો થતો. બીજી ઘણી એક જાતના પહેલાં સાંભળવામાં ન આવેલા કરો લોકો ઉપર બેસાડ્યા; તેઓમાં જઝીયાથી, તેને ઉઘરાવવાની ક્રૂર તથા સખત રીતથી, અને ઉઘરાતદારની લુચ્ચાઈ તથા જુલમથી લોકો ત્રાહ્ય ત્રાહ્ય કરવા લાગ્યા. પ્રજાની મિલકત તથા જીંદગી જરા પણ સલામત ન હતાં. તેઓનો વીમો લાખો રૂપીઆના 'પ્રીમિઅમે' પણ કોઈ ઉતારે નહીં. જે દહાડો જાય તે ગનીમત, જે પૈસા સલામત રહ્યા, જે જીવતા સુધી તેની પાસે રહ્યા તે જ તેના, અને રાત્રે સુઈને બીજે દહાડે સહીસલામત ઉઠે ત્યારે જ એક દહાડો જીવ્યા એમ કહેવાય. એ પ્રમાણેનો જુલમ ચાલી રહેલો હતો. રજપૂતાના રાજ્યમાં બઈરાઓને ફરવા હરવાની છૂટ હતી તે સઘળી જતી રહી. જે બઈરી ખુલ્લી રીતે રસ્તામાં ફરે તેને મુસલમાન લોકો તે ગમે તેવી આબરૂદાર હોય તો પણ કસબણ સમજતા હતા, અને તેનું ઘણું અપમાન કરતા હતા, તેથી બીચારાં બઈરાનું તે સુખ પુરું થયું; તેઓ સઘળે ઠેકાણે કેદીની પેઠે ગોંધાયાં; આબરૂદાર લોકોના ઘરમાં જનાનખાનાનો હોજલ પડદો પળાવા લાગ્યો; અને એ પ્રમાણે થવાથી બઈરાંની રીતભાતમાં તથા ચાલચલણમાં પણ માઠો ફેરફાર થવા લાગ્યો. ગરીબ લોકનાં બઈરાં જેને જાતે રળવાની ફિકર હતી, તથા જેને બહાર ફર્યા હર્યા વિના ચાલે નહી એવું હતું, તેઓ જ માત્ર ઘણી લાચારીથી બહાર ખુલ્લાં નીકળતાં, તે બીચારાંને પણ ઘણી દેહશત રહેતી, અને તેઓમાંથી કદાપિ કોઈ દેખાવડું હોય તે તેની ખરેખરી કમબખતી જ જાણવી. તે બાપડીની તે ડગલે ડગલે ફજેતી. ધર્મને પણ એજ પ્રમાણે ધક્કો લાગ્યો, તેનું પણ એ જ પ્રમાણે અપમાન થવા લાગ્યું. સવારના પોહોરમાં જ્યારે મસજીદોમાંથી મુલ્લાં બાંગ પોકારે ત્યારે કોઈ પણ દેવસ્થાનમાં ઘંટ, શંખ, વગેરે બીજાં વાજીન્ત્રો વગાડવાની ઘણી સખત મનાઈ કરવામાં આવી હતી, મસજીદ આગળ કોઈ પણ હિન્દુઓ વાજીન્ત્ર વગાડે તો તેને ભારે શિક્ષા થતી હતી. મુસલમાન લોકોને ધર્મ સંબંધી કોઈ પણ કામમાં ભોગ જોગે કોઈ હિન્દુ હરકત કરે તો તેણે તો પોતાના જીવની આશા છોડી જ દેવી. એથી ઉલટું, હિન્દુઓના ધર્મ સંબંધી સઘળાં કામોમાં હરકત કરવાની હરેક મુસલમાનને રજા હતી. રજા સ્પષ્ટ તો આપેલી નહી, પણ તેવી હરકત કરનારને કાંઈ પણ સજા થતી નહી. એટલે તેમ કરવાથી રજા મળેલી હોય તેના જેવું જ હતું. હિન્દુઓથી ખુલ્લી રીતે કોઈ પણ ક્રિયા થઈ શકતી નહી, કેમકે છેક સુબાથી તે એક હલકા મુસલમાન ઝાડુ કાઢનાર સુધી સઘળાને ખાતરી હતી કે હિન્દુઓનો ધર્મ પાખંડી, શેતાનનો બનાવેલો, તથા જેમ બને તેમ જલદીથી જડમૂળથી ઉખેડી નાંખવા જેવો છે. એવા ધર્મને હરકત કરવામાં, તથા જોર જુલમથી હિન્દુના મ્હોંમાં થુંકીને તથા બિસમિલ્લા બોલાવીને તેને મુસલમાન કરવામાં મોટો સવાબ છે, એમ તેઓ માનતા, રોજ રોજ કેટલાએક હિન્દુઓ પૈસાની તથા આબરૂની લાલચથી મુસલમાન થતા. કેટલાએક તો લોકો ઉપર જુલમ કરી શકાશે એવા વિચારથી તથા રાજ્ય કરનાર વર્ગમાં ભળી જવાથી મોટો અધિકાર મળશે, તથા હિન્દુ તરીકે તેમના ઉપર જે જુલમ ગુજરતા હતા તે બધામાંથી છૂટા થવાશે, એ મતલબથી જ પોતાનો ધર્મ છોડીને દીન મહમ્મદનું નામ ધારણ કરતા હતા. કેટલાએક બીચારાને તો મુસલમાનો પકડીને બળાત્કારે વટાળતા, અને કેટલાએકને તો લાલચ આપી બિસમિલ્લા બોલાવતા, પછી તેઓ ભીખ માગીને ખાતા અને મસજિદોમાં સુઈ રહેતા.

હિન્દુઓના દેવની તથા દેવસ્થાનોની અને તેઓની સાથે તેઓના પૂજારીઓ તથા બ્રાહ્મણોની પણ તેવી જ દુર્દશા થઈ. દેવસ્થાનોના અંગના ઘણાએક હક્કો સુબાએ છીનવી લીધા, પૂજારીઓને પૂજા બદલ જે મળતું તે બંધ કીધું, બ્રાહ્મણોને જે હક્ક તથા વર્ષાસન આગલા હિન્દુ રાજાઓએ કરી આપ્યાં હતાં તેઓમાંનાં ઘણાં ખરાં અટકાવ્યાં, દેવોને સઘળે ઠેકાણે અપમાન થવા લાગ્યું, કેટલેએક ઠેકાણેથી તેઓનાં દેહેરાંમાંથી તેઓને કાઢી ફેંકી દીધા, તેઓનાં દેવાલય ઉપરને હજારો વર્ષનો ભોગવટો રદ કીધો, ઘણાંએક દેહેરાંઓ ભાંગી નાંખી તથા કેટલાંએકમાં થોડો ઘણો ફેરફાર કરી તેઓની મસજિદ બનાવી, અને જ્યાં ઘંટાનો અવાજ તથા શંખનાદ સંભળાતો હતો ત્યાં મુલ્લાં બાંગ પોકારવા લાગ્યા. બીજે કેટલેક ઠેકાણે ખાનગી લોકોનાં ઘરો તોડી પાડીને ત્યાં મસજિદો બાંધી, શેહેરની વચ્ચોવચ એક ઘણું જ શોભાયમાન તથા મોટું પંકાયેલું મહાદેવનું દેવસ્થાન હતું તે અલફખાંએ તોડાવી પાડીને ત્યાં જુમા મસજિદ બંધાવી. તે ઘણી જ મોટી તથા રોનકદાર હતી. તે ધોળા સંગેમરમરની બાંધેલી હતી, તથા તેમાં સ્તંભો એટલા બધા હતા કે તેઓને ગણવામાં ભુલ પડ્યા વિના રહે જ નહીં. એ મસજિદ તુટેલી ભાંગેલી હજી પણ છે. એ ઠેકાણે અલફખાં તથા મોટા મોટા અધિકારીઓ નિમાજ પઢવાને આવતા હતા.

એ પ્રમાણે આરંભમાં જ મુસલમાન લોકોએ હિન્દુ ઉપર જુલમ કીધો. જૈનમાર્ગી તથા શૈવમાર્ગીઓ બંને પોતાનું આદ્ય વેર ભૂલી જઈને એકઠા થઈ બંનેના ધર્મની આવી ખરાબી જોઈને અફસોસ કરવા લાગ્યા. જુલમની ફરિયાદ તે કોને કરે ? દિલ્હી તો ઘણું વેગળું પડ્યું, ત્યાં જઈ શી રીતે કરાય ? માટે જ્યારે તેઓને ફરિયાદ કરવાની જગા રહી નહી ત્યારે હરેક જુલમને પ્રસંગે પહેલાં તો તેઓ હુલ્લડ ઉઠાવવા લાગ્યા, પણ મુસલમાનેનું લશ્કર પાસે જ હતું તે તેઓના ઉપર તુટી પડતું, અને જરા પણ દયા રાખ્યા વિના તેઓને ઘાસની પેઠે વાઢી નાંખતું, આખરે તેઓનું કંઈ વળતું નહી. મફતના હજારો માર્યા જતા, અને એ પ્રમાણે સામે થવાથી જુલમ તો વધતો જતો, તેથી તેઓ ધીમે ધીમે બકરાં જેવા થઈને બેઠા. તેઓનો જુસ્સો નરમ પડી ગયો, તેઓનું શુરાતન નબળું પડવા લાગ્યું, અને તેઓની તલવાર તથા બીજાં લડાઈનાં શાસ્ત્રો કટાવા લાગ્યાં, બીચારા હિન્દુઓ ભાજી ખાઉ જેવા થઈ ગયા. લડવાને બદલે બડબડવાનું કામ વધારે ચાલ્યું. જેમ જેમ તલવાર કટાતી ગઈ તેમ તેમ જીભ વધારે તેજ થતી ગઈ, અને ગુલામગીરી તથા જુલમ ઘણા દહાડા મુંગા મુંગા સહન કરવાથી જુઠું બોલવાની ટેવ, ઢોંગ, લુચ્ચાઈ, હલકાઈ, નબળાઈ, આળસ વગેરે ઘણાએક દુર્ગુણો એ લોકમાં આવ્યા. પરદેશી જુલમી રાજ્યમાં રહેવાથી એ સઘળા દુર્ગુણો આવ્યા વિના રહેતા જ નથી તે પ્રમાણે હિન્દુઓને થયું, અને તેઓનાં મન પર એટલા તો જોરથી ચાંહોટ્યા કે તેઓની અસર આજ પાંચસેં વર્ષ થવા આવ્યાં તો પણ છેક ગઈ નથી.

મલેક કાફુરનો હુકમ અલફખાંને પોહોંચતાં તેણે લડાઈની તૈયારી કરવા માંડી, અને થોડી મુદ્દતમાં તેણે દશ હજાર માણસ એકઠાં કીધાં. એટલું લશ્કર લઈને તે પાટણ શહેરથી નીકળ્યો. કરણ રાજા જ્યારે નવ વર્ષ ઉપર એવા જ કામને સારૂ પાટણ શહેરમાંથી છેલ્લી વારે ગયો ત્યારે લોકોને જેવો ઉમંગ હતો તથા તેના વિજયને વાસ્તે જેવી આતુરતા લોકોએ બતાવી હતી તેવું આ વખતે કાંઈ જ જોવામાં આવ્યું નહીં. રસ્તામાં લશ્કરના માણસો સિવાય બીજું કોઈ ન હતું. કોઈએ તેઓને આશીર્વાદ દીધો નહી, તથા કોઈએ પરમેશ્વર પાસે તેઓનો જય પણ માગ્યો નહી. લોકો ઘણા દિલગીરીમાં હતા, અને અંતઃકરણમાં એવું ચાહતા હતા કે એ સઘળું લશ્કર ધુળધાણી મળી જાય તો સારું, તેઓ માજી રાજાને રોજ રોજ સંભાર્યા કરતા હતા. અને તેને લીધે તેઓની કરણ ઉપર એટલી તો પ્રીતિ વધી ગઈ હતી કે તેની પ્યારી કુંવરી મુસલમાનોને હાથ ન જાય, તથા કરણની અને તેની મદદે ગયલા રજપૂતોની અને તમામ હિન્દુ લોકોની આબરૂ રહે એમ ઇચ્છતા હતા. પણ તેઓને આશા ઘણી થોડી હતી; તેઓ અલ્લાઉદ્દીન પાદશાહનો સ્વભાવ સારી પેઠે જાણતા હતા, તેઓને ખબર હતી કે જે વાત પાદશાહ મન ઉપર લેતો તે વાત તે પાર પાડ્યા વિના રહેતો જ નહીં; તેઓને માલુમ હતું કે મુસલમાનોનું સામર્થ્ય ઘણું હોવાથી જો આ લશ્કરથી ધારેલું કામ બનશે નહી તો બીજું લશ્કર મોકલશે અને કરણની પાસે તો થોડાં માણસો હતાં, તેથી તેઓ જો કપાઈ ગયાં તો તેઓની જગાએ બીજાં આવવાનાં નથી, તથા તેની આવી પડતી હાલતમાં તથા તેના શત્રુઓની આવી ચઢતી અવસ્થામાં કોઈ રાજારાણા પણ તેને મદદ કરવાના નથી તેથી નિરાશ થઇને તેઓ પરમેશ્વર ઉપર ભરોસો રાખીને શું થાય છે, તે જાણવાની રાહા જોઈ બેશી રહ્યા.

એક મહીનામાં અલફખાં પોતાના લશ્કર સહિત બાગલાણ જવાના બે પહાડો વચ્ચેના એક સાંકડા રસ્તા આગળ આવ્યો. આગળ આપણે કહેલું છે કે બાગલાણની ચોતરફ મોટા ઉંચા પહાડો હતા, અને તે શહેરમાં જવાના ચાર દિશાએ ચાર રસ્તા હતા. એ રસ્તાઓ બે ઉંચા પહાડોની વચ્ચે થઈને હતા, અને તેઓ એવા તે સાંકડા હતા કે તેમાંથી ચાર પાંચ માણસો અને કેટલેક ઠેકાણે ઘણામાં ઘણાં દશ માણસો સાથે એક હારમાં ચાલી શકે, એ પ્રમાણે હોવાથી તેઓને બચાવ કરવો, એ સહેલું કામ હતું. એવે ઠેકાણે થોડા બહાદુર માણસો ઉભા રહે તો તેમનાથી દસ ગણાં માણસોને આવતાં તેઓ રોકી શકે. વળી પહાડોની ટોચ ઉપરથી બીજાં માણસો નીચેના લશ્કર ઉપર પુષ્કળ માર ચલાવી શકે અને નીચેના લોકો ઉપલાઓને ઘણું નુકશાન કરી શકે નહી, એ જ પ્રમાણે થરમૉપિલી આગળ થોડા જ યુનાની લોકોએ અસંખ્ય ઈરાનીઓને રોક્યા હતા, અને એ જ પ્રમાણે હમણાં ત્રણસેં રજપૂત સિપાઈઓએ પણ અલફખાંનું તમામ લશ્કર અટકાવ્યું.

કરણે પહાડોમાં થઈને બાગલાણમાં આવવાના સઘળા રસ્તા સાચવવા માણસો રાખ્યાં, અને એ પ્રમાણે નાકાબંધી કરી પોતે થોડાંએક માણસો સાથે રાખી પહાડોનાં મથાળાં ઉપર ફર્યા કીધું. જ્યારે તેને ખબર પડી કે ફલાણે નાકે દુશમન આવ્યા ત્યારે તે રસ્તાની બે બાજુ ઉપરના બે પહાડોની ટોચ ઉપર પોતાના માણસોને રાખી ઉભો રહ્યો. લડાઈને વાસ્તે સઘળી ગોઠવણ કીધી, તથા જુદા જુદા સામંતેાએ શાં શાં કામ કરવાં, લડાઈનો શી રીતે પ્રારંભ કરવો, શી રીતે તેને ચલાવવી, કોણે કોને મદદ આપવી, વગેરે ઘણોએક બંદોબસ્ત કીધો, અલફખાંએ થોડેક દૂર છાવણી નાંખી એક જાસુસ કરણની પાસે મોકલ્યો. અને તેને કહેવડાવ્યું કે “તમારે તમારી છોકરી જલદીથી અમારે સ્વાધીન કરી દેવી, એટલે અમે તમને કાંઈ પણ ઉપદ્રવ કીધા સિવાય પાછા ફરીશું, અને તેમ કીધાથી અમારા માણસનો, પૈસાનો, તથા વખતને જે બચાવ થશે તેને બદલો અપાવવાને અમે અમારા મુખ્ય સરદાર નાયબ મલેક કાફુરને તમારે વાસ્તે ભલામણ કરીશું. તે આ વાત પાદશાહને જણાવશે એટલે તમને માટે ફાયદો થયા વિના રેહેશે નહીં. માટે જો તમને તમારો તથા તમારા માણસોનો જીવ વહાલો હોય, જો તમારે આ નિષ્ફળ પ્રયત્ન કરવામાં પૈસા નકામા નાંખી ન દેવા હોય, અને તમારે જો સુખેથી રહેવું હોય તો અમારા કેહેવા પ્રમાણે તરત અમલ કરો, તમે અમથાં મોતનાં ફાંફાં મારો છો. તમે શું એમ ધારો છો કે તમારાં મુઠીમાં સમાય એટલાં માણસથી અમારૂં લશ્કર જીતાવાનું છે ? શું એક મોટી જોરાવર નદીનું પૂર હાથે વતી અટકાવી શકાશે ? આસમાન તુટી પડશે તેને પગે વતી ઝીલી લઈ પોતાનાં બચ્ચાંનું રક્ષણ કરવાની મતલબથી ટીટોડી ઉંચા પગ રાખી સુવે છે તેના જેવી બેવકુફી તમારામાં છે, એમ હોવું જોઈએ તો નહીં, માટે ડાહ્યા થાઓ; વિચાર કરો; અને કોઈ બે અક્કલ, વિચાર વગરના માણસની શિખામણ ઉપરથી તમે આ મુડદાંઓ એકઠાં કરી મોત માગી લ્યો છો, બળતી આગમાં ઝંપાલાવાનું કરો છો, તથા કાળને વગર બોલાવે મળવા જાઓ છે, એ કામ એક કોરે મૂકો. જો તમે લડવા લાયક શત્રુ હોત તો તમારી સાથે હાથ મેળવવા અમે જરા પણ આચકો ખાત નહી. પણ તમારી આવી હાલતમાં તમારી સાથે લડતાં અમને શરમ લાગે છે, અમને ધિઃકાર આવે છે, અમને તમારી ઉપર દયા આવે છે. વળી તમને જીતવામાં આબરૂ શી ? સિંહે એક ઉંદર માર્યો એમાં કાંઈ સિંહની પ્રતિષ્ઠા વધતી નથી, માત્ર ઉંદરનો જીવ જાય છે. એક પેહેલવાને એક નાના બાળકને માર્યું તેમાં પહેલવાનની શોભા શી ? માટે આ લડાઈનો ઢોંગ મુકી દો, એવી છોકરાંની રમતથી અમે ડરવાના નથી. અમારા કહ્યા પ્રમાણે દેવળદેવીને આપી દો, મોડા કે વહેલાં એમ કીધા વિના તો છૂટકો નથી ત્યારે ભુંજીને વાવતા માં. જે કર્યા વિના ચાલે જ નહી તે તુરત કરવામાં ઘણો લાભ છે માટે તમારો શો જવાબ છે તે જલદીથી કહો.”

કરણ બોલ્યોઃ “અમે રજપૂત મોતથી બીહીતા નથી. અમે મરવાને જ આવેલા છીએ, તે જીવતા પાછા ઘેર જવાના નથી. અમે તમને, તમારા પાદશાહને, તમારા લશ્કરને ધિઃકારીએ છીએ, અમને સહાય કરનાર પરમેશ્વર છે. અમે એક તેનો ભરોંસે તથા સત્યને આધારે લડીએ છીએ. પછી જો હારીશું તો અમારાથી જેટલું બન્યું તેટલું કીધું એટલો જ અમને સંતોષ થશે. માટે જ્યાં સુધી અમે જીવતા છીએ ત્યાં સુધી દેવળદેવીને અમે કદી તમારે સ્વાધીન કરનાર નથી. કદી નહી, કદી નહી, કદી નહી, જો લેવી હોય તો આવીને લઈ જાઓ. એટલો જ મારો જવાબ છે, તે જેણે તમને મોકલ્યા હોય તેમને પહોંચાડજો.”

જાસૂસે જઈને અલફખાંને કરણનો જવાબ સંભળાવ્યો, તે ઉપરથી અલફખાંને ઘણોજ ક્રોધ ચઢ્યો, અને તેણે એકદમ કુચ કરી આ જુઠી હિંમતવાળા ઘેલા રજપૂતડાઓને મારીને હાંકી મૂકવાનો લશ્કરને હુકમ કીધો. મુસલમાન સીપાઇઓ સહેજ જીત મળશે, એવો પૂરો ભરોસો રાખી તથા કોઈક્ષુદ્ર પ્રાણીને પગતળે છુંદી નાંખવું હોય એટલી બેપરવાઈ રાખીને આગળ ચાલ્યા. પણ જ્યારે તેઓએ રજપૂતો પાસે નાકું છેડાવવાનો પ્રયત્ન કીધો ત્યારે તેઓને તેઓની ભૂલ માલમ પડી, દુશ્મન કાંઈ ધિ:કારવા લાયક ન હતા, પાસે આવતાં જ રજપૂતોએ એવો તાકીને તેઓના ઉપર બાણનો માર ચલાવ્યો કે મુસલમાન સીપાઈઓની હાર તુટી, તેઓ આશ્ચર્ય પામી ઉભા રહ્યા, અને આગળ જવાની તેઓમાં હિંમત રહી નહી. અલફખાંએ તેઓની હિમ્મત જાગૃત કરવાને ઘણી મહેનત કીધી, તથા તેઓને ઘણા સમજાવ્યા, પણ આ પહેલા જ સપાટાથી તેઓમાં એવી તો દેહેશત ભરાઈ ગઈ તથા આટલાં થોડાં માણસોની હિંમત જોઈને તેઓ એવા તે વિસ્મિત થયા કે તેઓ થોડી વાર સુધી જડ ભરતની પેઠે ઉભા જ રહ્યા, અને પછી એકાએક તેએાએ પીઠ ફેરવી નાસવા માંડ્યું, અલફખાં ઘણો ગુસ્સે થયો, પણ લાચાર, તે શું કરે ? તોપણ તેઓ થોડેક સુધી નાઠા પછી તેણે તેઓને અટકાવ્યા, તે દહાડો તો જવા દીધો, પણ બીજે દહાડે પાછી ચઢાઈ કીધી. આ વખતે પહાડ નીચેનાં માણસોએ આગલા દહાડાની પેઠે બાણની વૃષ્ટિ કીધી, પણ તેથી મુસલમાને ઉપર ઘણી અસર થઈ નહી. તેઓ આગળ વધ્યા જ ગયા. રજપૂતોને પાછા હઠવું પડ્યું, અને જેમ જેમ તેઓ પાછા હઠતા ગયા તેમ તેમ મુસલમાનો આગળ વધતા ગયા. જ્યારે તેઓ સાંકડી નાળમાં ફસાઈ ગયા ત્યારે રજપૂતોએ અટકી પડવા માંડ્યું અને ઉપરથી કરણના માણસોએ તીરનો માર નીચે ચલાવ્યો. મુસલમાનેએ આવું ધાર્યું ન હતું. તેઓના ઉપર બે તરફથી હુમલો એક્કી વખતે થયો. જો ઉપરના શત્રુ સામે પોતાનો બચાવ કરવા જાય તો નીચેના માણસે તેઓને ભાલેવતી વીંધી નાંખે. અને એથી ઉલટું કરવા જાય તે ઉપરથી તીરને વરસાદ વરસે. એ પ્રમાણે થવાથી મુસલમાન સીપાઈઓ ઘણાં અકળાઈ ગયા. તેઓની એકેક હારમાં પાંચ કરતાં વધારે માણસ રહી શકે એટલી જગા નહી હોવાને લીધે તેઓનું કાંઈ જોર ચાલ્યું નહીં. તેઓમાંથી ઉપરાઉપરી માણસો મરવા લાગ્યાં, અને આગળ કાંઈ થાગ લાગશે નહીં, એવું વિચારીને તેએા વેરાઈ ગયાં; તેઓમાં ભંગાણ પડ્યું, તથા છૂટક છૂટક સઘળાં નાસવા લાગ્યાં, આવી અવસ્થામાં રજપૂતોએ એક ધસારો કરી દુશમનના ઘણાએકને કાપી નાંખ્યા, અને પાછા પોતાને નાકે જઈ ઉભા રહ્યા. જો કરણ રાજાએ દોડ કીધી હોત તો તેની મોટી મૂર્ખાઈ થાત. કેમકે તે મેદાનમાં પડત અને તેના દુશ્મન પાછા ફરીને તેને સપડાવત તો તેની ખરાબી થયા વિના રેહેત નહીં. પણ આ વખતે પહેલાંના જેટલી તેણે બહાદૂરી તો બતાવી પણ તેની સાથે ડહાપણ વધારે વાપર્યું. જો એટલું ડહાપણ તે વખતે વાપર્યું હોત, જો હમણાંની પેઠે તે બીજા અનુભવી તથા પ્રવીણ શૂરા સામંતેાની સલાહ પ્રમાણે ત્યારે ચાલ્યો હોત તો તેને આ દહાડો આવત નહી. આ વખતે તેના ડહાપણનું ફળ એ થયું કે મુસલમાન લશ્કરનું કાંઈ ચાલ્યું નહીં. તેઓ રોજ રોજ તેના ઉપર હુમલો કરતા. પણ હરેક વખતે હાર ખાધા વિના તેઓ પાછા જતા નહી, મુસલમાન સીપાઈઓ ઘણા ગભરાયા તથા ચીઢવાયા. તેઓનો સરદાર પણ ઘણો ગુસ્સે થયો, અને જય પામ્યા સિવાય ત્યાંથી જવું નહીં, એવો તેણે પક્કો ઠરાવ કીધો. પણ તેનાં માણસો ઘણાં મરાયાં, બાકી રહેલાં નિરાશ તથા નાહિમ્મત થઈ ગયાં. અને બીજા સીપાઈઓ એકઠા કરવાને તેણે જે મેહેનત કીધી તે હજી સુધી પાર પડી નહી. તેને ઘણી જ શરમ લાગી, તથા આટલાં થોડાં માણસને તેનાથી હાંકી કઢાતાં નથી, એ વાત જો મલેક કાફુર અથવા પાદશાહ જાણશે તો તેની કેવી ફજેતી થશે, તથા આગળ જે જે પરાક્રમો કરી તેણે કીર્તિ મેળવી હતી, તે સઘળી આ સેહેજ વાતમાં ડુબી જશે, એવી ચિંતા થવા લાગી. તેણે ઘણાં ફાંફાં માર્યા, તેણે લશ્કર ઉપાડી છાનામાના બીજા રસ્તાઓમાંથી જવાનું કીધું, પણ જ્યાં જ્યાં તે ગયો ત્યાં ત્યાં તેની સામે તૈયાર થયેલા રજપૂતો લડવાને નીકળ્યા, અને કરણ પણ પોતાના માણસોની સાથે બહુરૂપી અથવા ભૂત હોય તે પ્રમાણે રસ્તાને મથાળે માલમ પડ્યો. એ પ્રમાણે બે મહીના સુધી કરણ રાજાએ ઘણા ડહાપણથી તથા બહાદુરીથી લડાઈ ચલાવી, અને અલફખાંએ ગમે તેટલા પ્રયત્ન કીધા તો પણ તેને કોઈ પણ રસ્તે બાગલાણ આવવા દીધો નહીં. મુસલમાન સીપાઈઓ થાકી ગયા, અને તેઓનાં ઘણાંએક માણસો માર્યા ગયાં હતા તેથી અલફખાંએ ઠરાવ કીધો કે જ્યાં સુધી નવા બોલાવેલા સીપાઈઓ આવી પોંહોંચે ત્યાં સુધી લડાઈનું કામ બંધ રાખી એક ઠેકાણે છાવણી નાંખીને રેહેવું. એ ઠરાવથી કરણને પણ મોટો ફાયદો થયો. તે પણ લડી લડીને કાયર થઈ ગયો હતો; તેને ઘણા એક જખમ વાગ્યા હતા, તથા લડાઈની થાક તથા ફિકર ચિંતાથી તેનું મન બેબાકળું થઈ ગયું હતું. તેને આરામ લેવાની ઘણી જ જરૂર હતી, તેનાં માણસો અસલ પાંચ હજાર હતાં તે મરતાં તથા ઘાયલ થતાં માત્ર બે હજાર રહી ગયાં હતાં. તેઓ પણ ઘણાં અશક્ત થઇ ગયાં હતાં, માટે જે થોડો વિરામ મળ્યો તેથી બન્ને તરફનાં માણસોને ફાયદો થયો, હવે કરણ રાજાએ પોતાની વ્યવસ્થા ઉપર વિચાર કરવા માંડ્યો અને આગળ પાછળની તમામ હકીકત જોતાં તેના મનમાં ઘણી ઉદાસી ઉત્પન્ન થઈ. જે બે હજાર માણસ રહી ગયાં તેમાં ઘટાડો થયાં કરવાનો, વધારાની તો તેને કદી આશા ન હતી; એથી ઉલટું તેને ખબર હતી કે મુસલમાનોના લશ્કરમાં જલદીથી વધારો થવાનો હતો, અને જ્યારે તેઓની મદદે નવા સીપાઈઓ આવશે ત્યારે પોતાનાં થોડાં રહી ગયેલાં માણસો તેની સાથે લડી શકશે નહી, એવી તેને ખાતરી હતી. અંતે તેઓ બાગલાણનો કિલ્લો સર કરવાના, અને તેને અંતે તેઓ બળાત્કારે દેવળદેવીને લઈ જવાના એ પણ નિશ્ચય હતું. લડવાથી માત્ર દહાડા નીકળે છે; બીજો કાંઈ ફાયદો નથી. તેના હાથ નીચેના સીપાઈઓને પણ મરવા સિવાય બીજી કાંઈ આશા ન હતી, અને મરવાની સાથે પણ જે કામને વાસ્તે મુસલમાન લોકો આવેલા છે તે સિદ્ધ કીધા વિના તેઓ પાછા જવાના નથી, એવી તેમના મનની ખાતરી હતી.

હવે કરણે શું કરવું ? લડી લડીને પોતાનાં માણસોનાં નકામા જીવ ખોવડાવવા, પોતે પોતાને હાથે મરવું કે લડાઈનો અંત આવે; અથવા પોતાની પુત્રી દેવળદેવી જે આ લડાઈનું સઘળું કારણ હતું તેને તેણે મારી નાંખવી કે પછી લડાઈ આગળ ચલાવવાની મતલબ રહે નહી. એ ત્રણે રસ્તા ભયંકર હતા. લડવાથી કાંઈ ફળ ન હતું. તેમાં માત્ર માણસો તરફનું નુકશાન થયાં કરતું. પોતાના હાથે તો કેમ મરાય ? એ વાત પણ કરણને ગમે નહીં. આપઘાત કરવામાં ઘણું પાપ છે, એમ તે જાણતે હતો; અપઘાત કરવાથી નરક કુંડમાં પડાય એમ તેણે સાંભળ્યું હતું તથા આપઘાતથી લોકોમાં અપકીર્તિ થાય એ નક્કી હતું. વળી જે નર જીવે તેને સઘળું મળે; મુઆ પછી સઘળી આશા છોડવાની છે; માટે આપઘાત તો કરવો નહીં. હવે દેવળદેવીને મારી નાખ્યા સિવાય બીજો કોઈ ઉપાય રહ્યો નહી. એ કામ ઘણું દુષ્ટ, ભયંકર, અસ્વાભાવિક તથા ચંડાળને લાયક, તો પણ તેવું કામ કરવાને રજપૂતોને થોડી જ ફીકર હોય છે. તેઓના તો આબરૂ વિષે ઘણા જ વિલક્ષણ વિચાર હોય છે, જે વાતમાં તેઓએ આબરૂ માની લીધી તે વાતમાં ગમે તેવું ક્રૂર કામ કરવું પડે તો પણ તેઓ જરા પણ આચકો ખાતા નથી. વળી તેના વિચાર પ્રમાણે સ્ત્રી જાતિને આબરૂ સૈૌથી વધારે પ્યારી હોવી જોઈએ, અને તેઓના ભાટચારણના રાસા તથા દંતકથા ઉપરથી જણાય છે, કે ઘણાંક બઈરાંએ આબરૂનું પ્રતિપાલન કરવાને જ પોતાનો વહાલો પ્રાણ અર્પણ કરેલો છે. માટે આવી વખતે દેવળદેવીએ પણ મુસલમાનોના હાથમાં પડવા કરતાં પોતાને હાથે પોતાનો પ્રાણ કાઢવો જોઈએ, અને જ્યારે તે પોતાની મેળે તેમ કરતી નથી, ત્યારે કોઈએ તેને વાસ્તે તે કામ કરવું જોઈએ.

એ પ્રમાણે એક રાત્રે કરણ પોતાના મનમાં વિચાર કરતો હતો. ઘરમાં સઘળાં ચુપાચુપ સુઈ ગયલાં હતાં. એક દીવો માત્ર ઝાંખો ઝાંખો બળ્યાં કરતો હતો, અને મધ્યરાત્રને સમયે તેનો સુવાનો ઓરડો જાણે ખાવા ધાતો હોય એવો દેખાતો હતો. એવે વખતે વિચાર કરતાં કરતાં એટલો તો તે જુસ્સા ઉપર ચઢી ગયો, તથા તેને એટલું તો શૂર ચઢી આવ્યું કે પથારી ઉપરથી એક છલંગ મારી તે કૂદી પડ્યો અને પોતાની તલવાર ખેંચી જે ખાટલા ઉપર દેવળદેવી સુતેલી હતી ત્યાં જઈને ઉભો રહ્યો. દેવળદેવી ભર નિદ્રામાં સુતેલી હતી. તેના સુંદર કેશ છુટા વખેરાઈ ગયલા ગમે તેમ પડેલા હતા. તેની ચળકતી આંખો ઉપર પોપચાં અડધાં બીડાયલાં હતાં, તે રાત્રે જેમ કમળના પુલની પાંખડીઓ બંધ થાય છે તેના જેવી દેખાતી હતી. તેના ઓઠ જરા જરા આઘા રહેલા હતા, તેમાંથી તેનો ખુશબોદાર શ્વાસ નીકળતો હતો, અને એક ખીલેલા ગુલાબની પેઠે તેઓ મન્દમન્દ હસતા હોય એમ દેખાતા હતા. તેનું આખું શરીર નિદ્રાને વશ થઈ બેભાન પડ્યું હતું. અને તેનું સુંદર વદન નિર્દોષપણાને લીધે આનન્દમાં દેખાતું હતું. તે સ્વર્ગથી ઉતરી આવેલી અપ્સરાના જેવી લાગતી હતી, તેને માત્ર જોવાથી જ ગમે તેવા ખુની માણસનું પણ ખુન ઉતરી જાય, આવા પરલોકના પ્રાણીને ઉપદ્રવ સરખો પણ થાય નહી તો પછી તેને મારવાને કયા દુષ્ટ ચંડાળનો હાથ ઉપડે ? વળી આ ઠેકાણે તો તેનો બાપ જ ખુની હતો. તે બંનેની વચ્ચે સહવાસથી ઘણો જ ગાઢો પ્યાર બંધાયલો હતો. જેથી જ્યારે કરણે તેની ઉંઘતી દીકરીનું મ્હોં જોયું એટલે તુરત તેના હાથમાંથી તલવાર નીચે પડી ગઈ અને તે ત્યાં સ્તબ્ધ થઈને ઉભો રહ્યો. અરે ! હું કેવો રાક્ષસ ! હું કેવો રાની પશુ ! કે આવું નિર્દય કામ કરવા તૈયાર થયો હતો. અરે પરમેશ્વર ! તેં ઠીક વખતે મને રોક્યો, નહી તો આજ હું મારી આ તલવાર મારી છોકરીના અંત:કરણમાં ખેાસત. શિવ ! શિવ ! શિવ ! રે ભગવાન ! હું આ શું કરતો હતો ? શું હું મારે હાથે મારૂં વાવેલું કુમળું ઝાડ કાપી નાંખતો હતો ? શું મારે હાથે મારી જીન્દગીનો આધાર તોડી નાંખતો હતો ? તે કરતાં તેને શંકળદેવને પરણાવવામાં શી હરકત છે? તેને તેની સાથે પરણવું બહુ ગમે છે; શંકળદેવને વાસ્તે હરઘડી હિજરાયાં કરે છે; તેણે શંકળદેવના વિયોગથી પોતાની સઘળી કાયા ગાળી નાંખી છે ત્યારે જો હું તેને દેવગઢ પરણાવું તો લડાઇ પતી જાય. દેવગઢનો રાજા તેનું રક્ષણ કરવાને સમર્થ છે, અને તેને તો જુદા કારણને સારૂ અલાઉદ્દીનના લશ્કર સાથે યુદ્ધ કરવું જ છે. માટે તેની સાથે એ છોકરીનું લગ્ન કરવું. તેની જાત હલકી તો છે ખરી, તે મરેઠો છે માટે તેની પદવી રજપૂતોના જેટલી તો નથી તો પણ તેઓ યાદવ છે; અને આવી લાચારીને વખતે કુળ જોવામાં કાંઈ ફાયદો નથી ઉલટું નુકસાન છે. માટે શંકળદેવ તથા દેવળદેવીએ જે ખાનગી લગ્નની પ્રતિજ્ઞા કીધી છે તે મારે મંજુર છે. એ ઠરાવથી તેને શાંતિ થઈ, અને તેના મનનું તોફાન નરમ પડી, તેને ઉંઘ આવી.

આ વાત બન્યા પછી થોડેક દહાડે કરણની છાવણીમાં એવી બુમ ચાલી કે દેવગઢ તરફથી એક લશ્કર આવે છે. તે કોનું હશે એ ન જાણવાથી કરણના સીપાઈઓમાં ઘણો ગભરાટ થયો, અને તેઓના મનમાં એવો સંદેહ ઉપજ્યો કે જે લશ્કરની મુસલમાન લોકો રાહ જોય છે તે એજ હશે. તેથી તેઓ સઘળા તેને અટકાવવાને તૈયાર થઇ ગયા. અલફખાંએ એવું ધાર્યું કે મને જતાં વાર લાગી તેથી મલેક કાફુરે મને આ મદદ મોકલી હશે તેથી તેનાં માણસો ઘણાં ખુશ થયાં, અને આ નવા આવનારાઓને આદરમાન આપવાને તેઓ સઘળા તત્પર થઈ રહ્યા. જ્યારે તે લશ્કર થોડું પાસે આવ્યું ત્યારે એવું માલમ પડ્યું કે, એ તો ભીમદેવ થોડાંએક માણસે લઈને આવે છે, પણ તેની આવવાની શી મતલબ હશે તે કોઈના જાણ્યામાં આવ્યું નહી. અલફખાંનને હવે નક્કી થયું કે જેઓ આવે છે તેઓ તેના મદદગાર નથી પણ ઉલટા શત્રુ છે માટે તેઓને અટકાવી પાછા વાળવા જોઈએ, અને તે કારણસર તેણે પોતાનાં થોડાં માણસો આગળ મોકલ્યાં. કરણ પણ ઘણા સંદેહમાં પડ્યો. ભીમદેવની લશ્કર લઇને આવવાની શી મતલબ હશે? શું તેનો વિચાર દેવળદેવીને બળાત્કારે લઇ જવાનો હશે ? જો એમ હશે તે પહેલાંથી જ હું તેને મારી ખુશી બતાવીશ, પછી તે શામાટે જોર કરશે ? શું તેનો વિચાર ફરીથી દેવળદેવીનું માગું કરવાનો હશે ? એમ હોય (હોય તો કેવું સારૂં ) તો હું તેના ઉપર જાતે મોટો ઉપકાર કરતો હોઉં એવું દેખાડી કેટલીએક શરતે તેની વાત કબુલ કરીશ. તે અલફખાંને મદદ કરવાને તો આવ્યો નહી જ હશે તેને અને અલાઉદ્દીન પાદશાહને તો કટ્ટુ વેર છે પણ હવે તે આવશે ત્યારે સઘળી વાત જલદીથી જણાઈ આવશે.

ભીમદેવે પોતાની સામે લડવાને મુસલમાનોનું એક લશ્કર આવે છે એમ જાણીને, તથા લડાઈ કરી વખત ખોવાની તેની ખુશી ન હતી તેથી પોતાનો રસ્તે બદલ્યો, અને એક અજાણે માર્ગથી પોતાનું લશકર લઇ જઈ જલદીથી કરણની છાવણીમાં જઈ પોંહોંચ્યો. મુસલમાન લોકોની ટુકડી ઘણે આગળ ગઈ, પણ ભીમદેવનાં માણસોને કંઇ દીઠાં નહીં, આસપાસનાં ગામના લોકોએ ખોટી ખબર આપી તેઓને આણીગમ તેણીગમ ઘણા રઝળાવ્યા, અને પછી તેઓ જ્યારે કટ્ટી ઝાડીમાં સપડાઈ ગયા ત્યારે તેઓના ઉપર ગામડીયા તથા પહાડી લોક તુટી પડ્યા. આવે વખતે થોડાએક મુસલમાન લોકો શું કરે ? તેઓને નાસવાનો કાંઇ રસ્તો જડે નહી, ચોતરફથી ઘેરાઈ ગયા તેથી તેઓ નિરાશ થઈ મારીને મરવું, એવો નિશ્ચય કરી લડવાને ઉભા રહ્યા. પણ શેરને માથે સવાશેર, અજાણે ઠેકાણે ઝાડી અને પહાડોની વચ્ચેવચ આવી ગયેલા અને દુશ્મન એક પણ જણાય નહીં, પણ તેઓનાં તીરને વરસાદ માથા ઉપર વરસ્યાં જ કરે, તેથી એક બે દહાડામાં તેઓ સઘળા માર્યા ગયા, અને તેઓમાંથી એક પણ પોતાના સોબતીઓની ખબર કરવાને અલફખાંની પાસે જઈ શકયો નહી.

ભીમદેવનું કરણે ઘણું સન્માન કીધું તથા તેને પરોણો જાણી પોતાની પાસે રાખ્યો, રસ્તાની મુસાફરીથી જે થાક લાગ્યો હતો તે ઉતર્યા પછી ભીમદેવે દેવળદેવીની વાત કાઢી, અને કરણને સમજાવીને કહ્યું કે “શંકળદેવ તથા દેવળદેવીની વચ્ચે અસાધારણ પ્યાર બંધાયેલો છે. શંકળદેવ દેવળદેવી વિના ક્ષયરોગમાં પડ્યો છે; અને તેને જો તે નહી મળશે તે તેનું નક્કી મૃત્યુ થશે, દેવળદેવીને પણ તે જ પ્રમાણે તેને વાસ્તે લાગતું હશે. હવે તેઓને પરણાવવામાં તમારી તરફથી શી હરકત છે? કુળની. બીજી કાંઈ નથી. પણ તમે મારા અભિપ્રાય પ્રમાણે એવા મુર્ખ નહીં હો કે એવી જુજ વાતને વાસ્તે તમારી છોકરીના સુખનો નાશ કરશો, તથા તમને થતા લાભ મૂકી દેશો. કુળની વાત ઘણી જ નજીવી છે. જેવા તમે રજપૂત તેવા અમે યાદવ છીએ. માટે એ લગ્ન કરવામાં તમને કાંઈ કલંક લાગવાનું નથી; પણ ફાયદા કેટલા થશે એને તે વિચાર કરો. આ સઘળી લડાઈ દેવળદેવીને વાસ્તે છે. જો અલફખાંને ખબર થશે કે જે રાજકન્યા લેવા આવ્યા છીએ તે તો બીજાના હાથમાં જઈ ચુકી તો તે તુરત છાવણી ઉપાડી અમારી સાથે લડવાને આવશે, પછી અમે છીએ અને તેઓ છે. વળી અમે તમને માણસની તથા પૈસાની મદદ કરીશું, એટલે જ્યાં સુધી મારાથી દેવળદેવીને લઈને દેવગઢ પહોંચાશે નહી ત્યાં સુધી આપણે બચાવ કરી શકીશું. માટે મારી વાત કબુલ કરો.”

કરણને એ સઘળું સાંભળવાની આશા જ હતી, તથા તેને શો જવાબ દેવો, એ પણ તેણે આગળથી નક્કી કરી રાખેલો જ હતો. તેપણ તે બહારથી ઘણો દિલગીર જણાયો, અને થોડી વાર સુધી જવાબ દેવામાં આનાકાની કીધી. પણ જ્યારે તેના ભીમદેવે ઘણા કાલાવાલા કીધા, ત્યારે તે બોલ્યોઃ “તમે કહો છો તે સઘળું ખરું છે, તમારા ભાઈ સાથે મારી દીકરીનું લગ્ન કીધાથી તમે ફાયદા બતાવો છે તે મને થાય તો ખરા, પણ કુળની વાત ઉપરથી જ મારૂં મન આચકો ખાઈ જાય છે. હલકા કુળમાં છોકરીનાં લગ્ન કરવાં એમાં અમે ઘણામાં ઘણી ગેરુઆબરૂ માનીએ છીએ, પણ જો શંકળદેવને નહીં પરણાવું તો તે મ્લેચ્છ તુરકડાએાના હાથમાં પડશે, એ પણ વિચારવું જોઈએ. તમને અમે હલકા ગણીએ છીએ. તો પણ તમે મુસલમાનો કરતાં લાખ, કરોડ દરજજે સારા છો, માટે બેમાંથી તમારી સાથે સંબંધ કરવો વધારે સારો છે, એમ સમજી તમારી વાત કબુલ કરૂં છું. પણ તમારાથી એ દેવળદેવીને ઈહાંથી શી રીતે લઈ જવાશે ? અલફખાંની મદદે એક મોટું લશ્કર એક બે દહાડામાં આવનાર છે, તે આવે તેની અગાઉ તમારે ઈહાંથી જવું જોઈએ. હું પણ તમારી સાથે આવીશ, અને તમારી લડાઈમાં સામેલ થઈ મારાથી બનશે એટલી મદદ કરીશ. માટે હવે ઉતાવળથી દેવળદેવીને લઈને આપણે સઘળાએ કોઈ આડે અવળે રસ્તે બહાર નીકળી જવું જોઈએ. દેવગઢ પહોંચ્યા એટલે પા૨ ૫ડ્યા, ”

પ્રકરણ ૧૪ મું.

કરણ રાજાની છાવણીમાં ભીમદેવ આવ્યો, અને તેને અટકાવવાને મોકલેલાં માણસોનું શું થયું એ વાતની કાંઈ ખબર પડી નહી, ત્યારે અલફખાને ઘણી ચિન્તા થઈ. તેણે પોતાના સીપાઈઓના શા હવાલ થયા, એ વાતનો નિશ્ચય કરવાને ઘણાંએક માણસને મોકલ્યાં, પણ તેઓની ખબર હાથ લાગી નહીં. ચાર પાંચ દહાડા વહી ગયા, પણ કોઈ રીતના સમાચાર મળ્યા નહી, તેની પાસેનું લશ્કર બે મહીના લગી લડવાથી તથા આ માણસોના ગુમ થવાથી ઘણું જ ઓછું થઈ ગયું, તેઓને પોતાનું કામ સેહેલથી કરી લેવાની જે આશા હતી તે નિષ્ફળ ગઈ તેથી તેઓ ઘણાં નાહિંમત થઈ ગયા, અને અલફખાં ઉપર સઘળા બડબડવા લાગ્યા. એથી ઉલટું, કરણના લશ્કરમાં ભીમદેવના આવવાથી વધારો થયો, તેઓને આવી વખતે મદદ આવી મળી એ જાણે ઈશ્વરની તરફથી મોટી કૃપાનું ચિહ્ન મળી આવ્યું હોય એમ જાણીને તેઓ ઘણા ખુશી થયા, અને તેઓની લડવાની હોંસ વધારે જાગૃત થઈ, હવે ભીમદેવ દેવળદેવીને જલદીથી લઈ જશે એટલે લડાઈનું કારણ બંધ થશે, એમ જાણી તેઓ ઘણા ઉમંગમાં આવ્યા.

આ વખતે અલફખાંની અવસ્થા કોઈ હલકામાં હલકો સીપાઈ પણ અદેખાઈ ન કરે એવી થઈ હતી, તથા તેના મનમાં જે ફિકર તથા ઉદાસી ઉત્પન્ન થઈ તે એવી હાલતમાં જે માણસ પડેલાં હોય તે જ જાણે. તેણે આટલી ઉમરમાં મોટી મોટી લડાઈઓ કરીને જે કીર્તિ મેળવી હતી તે આવી હલકી લડાઈમાં સઘળી એકદમ ધોવાઈ જવા બેઠી. એક સપાટામાં આખું ગુજરાત જીતી લેવાથી તેણે જે નામ મેળવ્યું હતું તે ઉપર પાણી ફરી વળવાનો વખત આવ્યો. પાદશાહનો સંબંધી હોવાને લીધે તથા પોતાનાં મોટાં પરાક્રમને લીધે જે તેણે મોટામાં મોટી પદવી સંપાદન કીધી હતી તે પદવી ઉપરથી આવી ધુળ ગજાની વાતને વાસ્તે ગબડી પડવાનો પ્રસંગ આવ્યો, અને જો દેવળદેવીને ભીમદેવ દેવગઢ લઈ જશે, જો તે શંકળ દેવની સાથે પરણશે, તેમ થવાથી તે કદી હાથ આવશે નહી, અથવા તેને પકડવામાં ઘણી ઢીલ થશે, જો તેથી કૌળારાણી કોપાયમાન થશે, અને તે પોતાની સત્તા પાદશાહ ઉપર ચલાવશે, તો પાદશાહનો સ્વભાવ એવો હતો કે તેનો આવો નિકટનો સંબંધ છતાં, તેની મોટી પદવી છતાં, તથા તેની આગલી ચાકરી ઉપર નજર રાખતાં છતાં, તેની જીંદગી તથા માલમીલકત તથા કુટુંબ કબીલો સલામત રહેશે નહી એ વાતની તેને પક્કી ખાતરી હતી. એ સઘળા વિચારથી અલફખાં શોકાતુર થઈને બેઠો હતો, એમાં કાંઈ આશ્ચર્ય ન હતું, હવે એક વાત પર સઘળી આશા રહી હતી. તેની આબરૂ તથા જીંદગી એક દોરા ઉપર ટંગાયેલી હતી. જો છેલ્લી વારે પાસો સવળો પડે તો સઘળી રમત મનમાનતી રીતે પાછી ઠેકાણે આવે, જો પરમેશ્વર તેના ઉપર આ વખતે રહેમ કરે તો જ તે જીવતો રહે. તેણે બીજા સીપાઈઓ એકઠા કરવાને જે માણસો મોકલ્યાં હતાં તેઓ હજી પાછાં આવ્યાં ન હતાં. નવા સીપાઇઓ જલદીથી આવી પહોંચશે એવી તે ઘડીએ ઘડીએ આશા રાખતો હતો, અને એ મદદ જેમ બને તેમ તાકીદથી આવે તેને માટે તે ખુદાતાલાની રોજ બંદગી કરતો હતો. કેટલાંક કાર્યનાં કારણો ઈશ્વરે માણસોથી ગુહ્ય રાખ્યાં છે. ઈશ્વરે અલફખાંની પ્રાર્થના સાંભળવી તથા મંજુર કરવી, મુસલમાનોનું જોર વધારવું, તથા હિંદુઓને છુંદવા એ તેમાંનું એક કાર્ય હતું. તેનો આ હેતુ કોઈ ડાહ્યા જ કારણથી નિર્માણ થવો જોઈએ. અલફખાંની જીંદગી તથા કીર્તિ સલામત રહેવાની, શંકળદેવને વાસ્તે દેવળદેવી સર્જીત નહી હોવાની, દેવળદેવીના ઉપર પણ કેટલીએક આફત આવી પડવાની, તે પણ તેની માની પેઠે મ્લેચ્છ લોકોના હાથમાં જવાની, અને તેનું અંતે અકાળ તથા દુઃખદાયક મૃત્યુ થવાનું, કરણ તેના મનમાં જે વિચાર કરતો હતો કે મારા ઉપર હવે વધારે દુઃખ પડી શકવાનું નથી તે વિચાર ખોટો પાડવાનો, તેની આફતને ઘડો હજી ભરાયો ન હતો તે છલાછલ ભરાવાને, તેની વહાલી છોકરી તેના હાથમાંથી જવાની, તે મ્લેચ્છ વરને વરવાની, તથા તેને રઝળી રખડીને મરવાનું, એ સઘળું નિર્માણ થયેલું તેથી જ એક સાંજરે ક્ષિતિજમાં ધુળના ગોટેગોટા જણાયા, અને થોડા કલાકમાં અલફખાંની છાવણીમાં હિમ્મત તથા હોંસથી ભરેલા પાંચ હજાર તાજા લડવૈયા આવીને મળ્યા, તે વખતે અલફખાંને જે બેહદ આનંદ થયો તેનું વર્ણન કરી શકાતું નથી, આખા લશ્કરમાં જયજયકારની બુમ ચાલી; અને તેઓએ એક મોટી ફતેહ મેળવી હોય તેટલી ખુશી તથા આવેશ સઘળા મુસલમાન સીપાઈઓમાં પેદા થયો.

આ નવાં માણસો આવ્યાં એટલે તાકીદથી તથા ધમધોકાર કામ ચલાવવું, એવો અલફખાંએ નિશ્ચય કીધો તેણે લડવાની સઘળી તદબીર મનમાં ગોઠવી, તથા બીજે દહાડે તેને અમલમાં લાવવાને સઘળા લશ્કરી અમલદારોને હુકમ આપ્યો. તેણે પેહેલું કામ એ કીધું કે બાગલાણમાંથી નીકળવાના પહાડના જે જે રસ્તા હતા તે સઘળા બંધ કરવાને થોડાં થોડાં માણસો મોકલ્યાં, અને લશ્કરનો મોટો ભાગ પોતાની સાથે લઈને તે કરણના લશ્કર સામે ચાલ્યો. કરણ રાજા ઘણા આનંદમા પોતાની છાવણીમાં ફરતો હતો. મુસલમાનોનું લશ્કર એક ઠેકાણે પડી રહેલું હતું તેનું કારણ તેઓનું કમજોર હતું, એમ તે સારી પેઠે જાણતો હતો. પોતાનાં તથા ભીમદેવનાં માણસો એકઠાં મળવાથી દેવળદેવી સહીસલામત દેવગઢ પહોંચશે એવી તેની ખાતરી થઈ હતી. લડાઈ પૂરી થશે, અને દુશ્મનોની ઉમેદ નિષ્ફળ જશે એ વિચારથી તે ઘણો ખુશ થતો હતો, અને અગર જો એક હલકા કુળના મરેઠા સાથે પોતાની છોકરીને પરણાવવી પડે છે, એ વાત યાદ આવ્યાથી તેને ઘણો સંતાપ થતો હતો તો પણ પરદેશી મ્લેચ્છ કરતાં તે ઘણો સારો એટલાથી જ તેના મનનું સમાધાન થતુ હતું. તેનાં માણસો પણ તેટલા જ ઉમંગમાં હતાં, તેઓ લડાઈથી છેક કંટાળી ગયાં હતાં. અને અગર જો તેઓ રજપૂત હોવાને લીધે તથા આબરૂ વિષે તેઓના ઘણા ઉંચા વિચાર હોવાને લીધે કરણને મૂકીને તેઓથી જતાં ન રહેવાયું, તો પણ આબરૂની સાથે પાછા ઘેર જવાનો હવે વખત આવ્યો તેથી તેઓ ઘણાં આનંદમાં હતા. કુચ કરવાની તૈયારી થઈ, છાવણી ઉપાડવાનો હુકમ મળ્યો; સઘળા સીપાઈઓએ પોતપોતાનો સામાન તૈયાર કીધો, દેવળદેવી પોતાનાં કીમતી વસ્ત્ર તથા શણગાર સજી ઘોડા ઉપર સવાર થઈ, કરણ અને ભીમદેવ પણ તે જ પ્રમાણે લડવાનો સામાન સાથે લઈને લશ્કર જોડે ચાલ્યા; પણ તેઓ થોડેક દૂર ગયા એટલે એક જાસુસ દોડતો દોડતો તેઓની પાસે આવ્યો, અને શ્વાસ ખાધા વિના કરણ તથા ભીમદેવને સમાચાર કહ્યા કે “અલફખાંના લશ્કરમાં બીજાં નવાં પાંચ હજાર માણસો હમણાં જ ઉમેરાયાં છે, તેણે સઘળાં નાકાં ઘેરી લીધાં છે, તથા આપની સાથે લડવાને તે પોતે આવે છે.”

“અરે પાપી ! આવી ખબર ક્યાંથી લાવ્યો ? ” એ અક્ષર જાસુસની ખબર સાંભળતાં જ કરણના મ્હોંમાંથી નીકળી ગયા, આખું લશ્કર ત્યાં સ્થિર થઈ ઉભું રહ્યું. સઘળાના શરીર ઉપરથી લોહી ઉડી ગયું. કરણ અને ભીમદેવ તો મૂઢની પેઠે ઉભા થઈ રહી એક બીજાની તરફ એકી નજરે જોવા લાગ્યા. દેવળદેવી ઘોડા ઉપરથી બેહોશ થઇને પડી જાત, પણ એક સીપાઇએ તેને પકડી લીધી. તે તો ઘેલી જેવી જ થઈ ગઈ. સઘળાઓને એક વિજળીને આચકો લાગ્યો હોય તેમ તેઓ સ્થિર થઈ ગયા. કોઈએ તેમના ઉપર સ્તંભન મંત્ર અજમાવ્યો હોય તે પ્રમાણે તેઓ સઘળા પથ્થરનાં પુતળાંની પેઠે જડ જેવા ઉભા રહ્યા. લશ્કર સઘળું ચુપાચુપ થઈ ગયું. કોઈ બોલે પણ નહી, અને ચાલે પણ નહી. આવી અવસ્થામાં આવી પડવાનું કારણ કાંઈ તેઓની નામરદાઈ હતું, એવું કદી કોઈએ એક ક્ષણ વાર પણ મનમાં આણવું નહી. રજપૂત સીપાઈઓ લડાઈથી કદી બીહીતા નથી; લડવામાં તેઓ ઘણી ખુશી માને છે; લડવું એ તેમનો ધર્મ સમજે છે; લડાઈમાં મરવાથી દેવલોક પ્રાપ્ત થાય છે, તથા અપ્સરાઓ તેમને વરે છે એવો તેમનો મત છે, લડાઇ એ એક જાતની રમત છે, એમ માનવાની તેઓને નાનપણથી ટેવ હોય છે; એથી ઉલટું લડાઈથી બીહીવામાં તેઓ ઘણી નામોશી ગણે છે, લડતાં પાછાં ફરવામાં તેઓ મોટી ગેરઆબરૂ માને છે, માટે આ વખતે તેઓ સ્થિર થઈને ઉભા રહ્યા તેનું કારણ લડવાની બીહીક શિવાય કાંઈ જુદું જ હતું. તેઓ તો આ બનાવથી મૂઢ જેવા થઈ ગયા હતા. જે ઉમેદ તેઓએ બાંધી હતી તે સઘળી બિલોરી કાચની પેઠે ફૂટી ગઈ. જે વસ્તુ તેઓના હાથમાં આવી ચુકેલી માનતા હતા તે છટકી ગઇ; તથા જે કામ પાર પાડવાની તૈયારી ઉપર આવેલું હતું તે સઘળું ઉંધું થઈ ગયું; એ બધું એકી વારે વગર ધાર્યે બન્યું તેથી તેઓનાં મનને આચકો લાગ્યો હતો.

કરણે ત્યાં જ પોતાના લશ્કરને અટકાવવાનો હુકમ કીધો, અને હવે શું કરવું તે વિષે વિચાર કરવાને પોતે, ભીમદેવ તથા બીજા વૃદ્ધ તથા અનુભવી સામંતો એક ઠેકાણે મળ્યા. નવા આવેલા સીપાઇઓ તથા તેઓના આવવાને લીધે નવી હિમ્મત પકડેલા મુસલમાનોની સાથે, લડાઈથી થાકેલા તથા નાહિમ્મત થઈ ગયેલા, હોંસ વિનાના રજપૂતો વડે લડવું એ કામ તેઓને જોખમ ભરેલું લાગ્યું. વળી જો હાર થાય તો ઘણાંએક માણસ કપાઈ જાય, તેની સાથે દેવળદેવી કદાચ દુશ્મનોના હાથમાં પડે એ વિષે ભીમદેવને ઘણી દેહેશત હતી, માટે હમણાં લડાઈ કરવાની વિરૂદ્ધ તેણે પોતાનો અભિપ્રાય આપ્યો. બીજા સામંતોએ પણ એવી જ સલાહ આપી કે “લડવામાં કંઈ ફાયદો નથી.” હવે શું કરવું ? બાગલાણના કિલ્લામાં જઈને ભરાઈ બેસવા સિવાય બીજો કાંઈ ઉપાય ન હતો. તેમ કરવામાં ફાયદો એટલો જ કે, જો લડવાનું યોગ્ય લાગે તો કિલ્લામાંથી બહાર નીકળી લડી શકાય, અને જો હાર થાય તો પાછા કિલ્લામાં જઈ શકાય; અને ફરીથી યુદ્ધ કરવાનું બની આવે. એ પ્રમાણે કરવામાં અગર જો થોડી નામરદાઈ હતી, અગર જો પાછળ ભરાઈને માર મારવો એ તેઓની નજરમાં કાયર પુરુષનું કામ હતું, તોપણ આવી વખતે તેઓની અવસ્થામાં એ જ સારામાં સારો રસ્તો તેઓને જણાયો, મરીને શું કરવું? 'જે આજે લડીને નાશી જાય તે કાલે લડવાને જીવતા રહે' એ કેહેવત પ્રમાણે ચાલવાનો તેઓએ નિશ્ચય કીધો, પણ કિલ્લામાં ભરાઈ રહેવામાં એક મોટો ગેરફાયદો હતેા. બાગલાણ ગામ કાંઈ મોટું ન હતું, ત્યાંના વેપારીઓ મોટા તથા દ્રવ્યવાન ન હતા; તેની આસપાસ કાંઈ ઘણાં ગામો ન હતાં; પાસેનાં ખેતરોમાં અનાજ પુષ્કળ પાકતું ન હતું; લોકો જે અનાજ વાપરતા હતા તે આઘેથી આવતું હતું; શેહેરમાં ખાનગી લોકો પાસે કાંઈ અન્નનો ઘણો સંગ્રહ ન હતો; તથા દુકાનોમાં માલ જોઈએ તેટલો ન હતો. જો શેહેરના લોકોમાં ઉમેરો ન થાય તો આશરે બે ત્રણ મહીના સુધી ચાલે એટલું અનાજ હતું, પણ જયારે લશ્કરનો પડાવ શેહેરમાં થાય ત્યારે એક મહીનો પણ પહોંચે એટલો માલ નીકળવો મુશ્કેલ પડે. માટે જે કરવું તે એક મહીનાની મુદતમાં કરી લેવું અને મુસલમાનોને મારી હઠાવવા અથવા તેઓને કાયર કરી થકવીને પાછા કાઢવા, પણ જો એ બેમાંથી એક પણ કામ તેટલી ટુંકી મુદતમાં બની ન શકે તો પછી શી અવસ્થા? જો મુસલમાનો જય મેળવીને કિલ્લો સર કરે, અથવા કિલ્લા આગળ ધીરજથી પડી રહે અને શેહેરમાં અનાજ આવતું બંધ કરે અને તેથી ભુખમરાને લીધે આપણને શરણ થવાની જરૂર પડે; ત્યારે કેમ કરવું ? નાસવાનો રસ્તો કદાચ રહે નહીં; પણ સઘળી હકીકત ઉપર વિચાર કરતાં તેઓ સઘળાએ જલદીથી પાછા ફરી કિલ્લામાં જવાનો એકમતે ઠરાવ કીધો.

ઉપર પ્રમાણે હુકમ થતાં જ સઘળું લશ્કર ભારે દિલગીરીની સાથે પાછું ફર્યું અને યમના રાજ્ય તરફ જતા હોય તેવી મનોવૃત્તિ રાખીને તથા જીવવાની સઘળી આશા છોડી દઈને, અને બઈરી છોકરાં તથા બીજાં સબંધીઓને વિસારી દઈને તેઓ આગળ ચાલ્યા. અને સઘળા વિચારમાં તથા ફિકરમાં ગરક થઈ ચુપાચુપ ચાલતા હતા. પાછળ અલફખાંનું લશ્કર ઘણુ ઉમંગમાં તથા જય મેળવવાને પક્કો ભરોસો રાખી કુચ કરતું હતું. તેઓને પણ અનાજની તાણ હતી, પણ તેઓએ અનાજ પૂરું પાડવાને વેપારીઓ જોડે બંદોબસ્ત કીધો હતો, સઘળાં નાકાં તેઓના હાથમાં આવ્યાં એટલે તેઓની છાવણીમાં વણજારને આવવાની કોઈ હરકત રહી ન હતી, તેની સાથે વળી તેના રસ્તામાં તથા તેની આસપાસ જે જે ગામે આવતાં ત્યાં જઈ સઘળું અનાજ લુંટી લાવતા તે તેઓને મુસાફરીમાં કામ લાગતું હતું. વળી તેણે સઘળાં ગામોના લોકોને સમજાવીને શેહેર તરફ હાંકી મૂકયા, અને તે લોકોને પણ અનાજ ગયા પછી જીવવાનો કશો આધાર રહ્યો નહી, તેથી તેઓ પણ પોતાનાં બઈરાં છોકરાં તથા સાથે લઈ જવાય એવી માલમતા જોડે રાખી બાગલાણ તરફ જવાને નીકળ્યા, અને કરણ કિલ્લામાં પહોંચ્યો નહી એટલામાં તો તેઓ શેહેરમાં દાખલ થઈ ગયા. એ પ્રમાણે તે શેહેર લશ્કર સિવાયના માણસોથી ખીચોખીચ ભરાઈ ગયું, પછી એક બે દહાડામાં કરણના લશ્કરે શેહેરમાં પડાવ નાંખ્યો, અને કિલ્લાને તથા શેહેરને બચાવ કરવાને સઘળી તૈયારી કરવા માંડી. લુહારની દુકાનો જાગૃત થઈ ગઈ; ભાલાઓ, તીરનાં ભાલુડાં, બખતર વગેરે હુમલો તથા બચાવ કરવાનાં શસ્ત્રો તૈયાર થવા માંડ્યાં, તથા શેહેરમાંના જુવાન પુરૂષોએ પણ જરૂર પડે તે લડવાને વાસ્તે સામગ્રી કરવા માંડી. એ પ્રમાણે ચાર પાંચ દહાડા વીત્યા એટલે અલફખાંનું લશ્કર પણ શેહેરના કોટ આગળ થોડે દૂર છાવણી નાંખીને પડ્યું, અને દુશ્મનોના મારથી પોતાનો બચાવ કરવાને પાકાં કામ બાંધવાનો તેમણે આરંભ કીધો. તેઓ ધીરજ રાખી લાંબી મુદત સુધી છાવણી નાંખીને ત્યાં જ રહેવાના હોય એવી રીતે તેઓએ પાકાં કામ બાંધવા માંડ્યાં, તથા બીજી રીતનો બંદોબસ્ત કરી દીધો, તે ઉપરથી એવું જણાતું કે તેઓને કંઈ ઉતાવળ ન હતી, જે કામને સારૂ તેઓ ત્યાં આવ્યા હતા તે કામ પાર પડ્યા વિના ત્યાંથી એક તસુ પણ પાછા ન ખસવાનો તેઓને દૃઢ નિશ્ચય માલમ પડતો હતો. તેઓ હુમલો કરવાને આગળ ધસતા ન હતા, માત્ર શત્રુઓથી પોતાનો બચાવ કરતા હતા. અલફખાંનો ઈરાદો લડાઇ કરી માણસો તરફનું નુકશાન વેઠવાનો ન હતો. તે સારી પેઠે જાણતો હતો કે શેહેરમાંથી થોડા દહાડામાં અનાજ ખુટી જશે, એટલે માંહેમાંહે લુંટ ચાલશે, અને છેલ્લી વારે વગર સુરતે તાબે થવાની તેઓને જરુર પડશે, માટે તેની મુખ્ય મતલબ શેહેરમાંનું અનાજ ખુટાડવાની હતી, અને તેથી તેણે સઘળાં નાકાં બંધ કીધાં, અને શેહેરમાં એક દાણો પણ અનાજ જઈ ન શકે, એવો બંદોબસ્ત કીધો. એ કીધા પછી ધારેલું કામ વગર મહેનતે અને વગર લડાઈએ અને કોઈ રીતે નુકશાન ખમ્યા સિવાય કરી લેવાના અવસરને વાસ્તે શાંત મન રાખી રાહ જોતો બેઠો.

શેહેરમાં ગયા પછી કરણને માલમ પડ્યું કે અનાજને વાસ્તે જે ધાસ્તી રાખવામાં આવી હતી તે ખરી હતી. અત્યારથી જ અનાજ મોંઘું થઈ ગયું, અને થોડા દહાડામાં દુકાનોનો માલ ખપી જશે એમ દેખાયું. આખા શેહેરમાં એ બાબત શોરબકોર થઈ રહ્યો; કરણે પણ જોયું કે જેમ બને તેમ જલદીથી મુસલમાનો ઉપર હુમલો કરવો જોઇએ અને જો લાગ ફાવે તો તેઓમાંથી નીકળી જવું જોઇએ. એક ઘોર અંધારી રાત્રે કલાક બેને સુમારે કરણ પોતાના લશ્કર સુધાં કિલ્લાની બહાર નીકળ્યો. તે વખતે કંસારીના અવાજ સિવાય સઘળું ચુપચાપ હતું. વખતે વખતે ઝાડીમાંથી કોઈ રાની પશુનો અવાજ સંભળાતો હતો, અથવા આસપાસનાં નદીનાળાં આગળ શિયાળવાં ભુંકતાં હતાં, તે શબ્દ કાને પડતો હતો. આકાશમાં ચન્દ્રમા નહીં હતો. અને તારાઓથી જે થોડું અજવાળું પડતું હતું તેમાં ઝાડો તથા ટેકરીઓના ઓળા પડવાથી તેટલો થોડો પ્રકાશ પણ ઝાંખો થઇ ગયો હતો. ડગલે ડગલે સીપાઈઓ ઠોકર ખાતા હતા, પણ રસ્તાના જાણનાર ભોમીયા સાથે હતા તેથી આવી અન્ધારી રાત્રે તેઓ ચાલી શક્યા. થોડેક આગળ ચાલ્યા એટલે તેઓએ દુશ્મનની છાવણી દીઠી. તેને ઓળખવાની નિશાની એટલી જ હતી કે તેની આસપાસ ચોકીદાર લોકોએ મોટાં મોટાં તાપણાં સળગાવ્યાં હતાં. તેનાં અજવાળાને સુમારે તેઓ આગળ ચાલ્યા, અને શત્રુની છાવણી આગળ લગભગ આવી પહોંચ્યા. તે વખતે સઘળા મુસલમાનો ભરનિદ્રામાં પડેલા હતા, જે કોઇ જાગતું હતું તે પણ સુઈ રહેલું હતું. કરણે પોતાના લશ્કરની ગોઠવણ કીધી, તથા અન્ધારામાં કેમ લડવું એ બાબે સઘળા હુકમ જુદા જુદા સરદારોને આપી દીધા. પછી પેહેલો જે પહેરેગીર તેઓને મળ્યો તેને તુરત ઠાર માર્યો. પણ તેમ કરવામાં એવું બન્યું કે તેણે મરતી વખતે મોટી ચીસ પાડી, તેથી પાસેના પહેરગીર જાગી ઉઠ્યા, અને બળતાંના અજવાળા ઉપરથી સાફ માલમ પડ્યું કે રજપૂતોનું તમામ લશ્કર તેઓના ઉપર આવી પડયું છે આ વાત માલુમ પડતાં જ છાવણીમાં તેઓએ દોડાદોડ કરી મુકી, અને સઘળે ઠેકાણે શત્રુના આવવાની ખબર પહોંચાડી દીધી. મુસલમાનોમાં ગડબડાટ થઈ ગયો; સીપાઈઓ ઝપાઝપ ઉઠીને હથીયારબંધ થઈ ગયા; અલફખાં તુરત બહાર આવ્યો, અને પોતાના માણસોની વ્યવસ્થા કરવાને તેણે ઘણી મેહેનત લીધી. એટલા વખતમાં રજપૂતોઓ જે જે મુસલમાન તેઓના હાથમાં આવ્યા તેઓને કાંઇ પણ દયા લાવ્યા વગર કાપી નાંખ્યા. એ પ્રમાણે આખું લશ્કર ચીરીને કરણના માણસો બહાર જઇ શકત પણ અલફખાંએ ઘણા થોડા વખતમાં લશ્કરની ગોઠવણ કીધી, અને દુશ્મનને અટકાવવાને ધીરજથી ઉભો રહ્યો. જો આ વખતે રાત અજવાળી હોત તો કરણ તથા દેવળદેવી સહેજ શત્રુના સપાટામાંથી બચી જઈ શકત; પણ આ વખતે અન્ધારાને લીધે તેઓથી ઝડપ થઈ શકી નહી, અને તેથી દુશ્મનોને સામા થવાનો વખત મળ્યો, મુસલમાનોનાં સેંકડો માણસ આ રાત્રે કપાઈ ગયાં તેથી અલફખાંનાં તમામ માણસોને ઘણું શૂર ચઢયું, તેઓમાં ક્રોધનો આવેશ આવ્યો, અને તેથી તેઓએ એવો ઠરાવ કીધો કે મરતાં સુધી રજપૂતોને કદી રસ્તો આપવો નહી, જ્યારે કરણનું લશ્કર તેઓની પાસે આવ્યું, ત્યારે તેઓને આદરમાન આપવાને તૈયાર છે, એમ જણાવવાને તેઓએ એકી વખતે અને એકે સ્વરે “અલ્લાહુ અકબર” ની જોરથી બુમ પાડી. તેની સામા રજપૂતોએ “હરહર મહાદેવ” નો પોકાર કીધો. તે વખત ઘણો જ ભયંકર હતો. બંને લશ્કરના અવાજથી તે સઘળી જગા ગાજી રહી, અને પાસેના ડુંગરોમાંથી તેનો પડઘો પડયો. પાછળથી મરતા અને ઘાયલ થયલાં માણસો રડતાં હતાં, તથા દરદને લીધે ચીસાચીસ પાડતાં હતાં તે આ મોટા અવાજમાં ધીમું ધીમું સંભળાતું હતું. અન્ધારામાં તલવારનો ચળકાટ વિજળીની પેઠે દેખાતો હતો. વળી તે વખતે વાતાવરણમાં પણ જાણે એક યુદ્ધ થઈ રહ્યું હતું. ચોદિશાએથી પવનના સપાટા સામસામા અથડાતા તેને લીધે ઝાડોના હાલવાથી પણ ઘણો અવાજ થતો હતો. વનમાં ઝાડની ડાળીઓ ભાંગી પડતી તેના કડાકા સંભળાતા હતા. સુકાં પાતરાં ચોતરફ ઉડતાં તેનો પણ ખડખડાટ થઈ રહ્યો હતો; અને ધુળ, પાતરાં, તથા બીજી હલકી વસ્તુઓ વંટોળીચામાં ઘસડાઈને ઉપર જતી હતી તેથી હવા સઘળી કચરાથી ભરાઈ ગયલી હતી. આવી વખતે રાની પશુઓનો શબ્દ તો ડુબી જ ગયો; નગારખાનામાં તતુડીનો અવાજ કયાંથી સંભળાય ? એવી રીતે ત્યાંનો દેખાવ થઈ રહ્યો હતો. ત્યાં વિવેક બુદ્ધિવાળાં માણસો, જેઓને ખરૂં ખોટું સમજવાની શક્તિ આપેલી છે, જેઓની વચ્ચે કેટલીક તરેહનો સંબંધ રહેલો છે, તથા જેઓએ એક બીજાને પોતાના ભાઈઓ જેવા ગણવા જોઈએ એવો જગતકર્તાનો નિયમ છે, એવાં માણસો એકએકનો જીવ લેવાને તૈયાર થયલાં હતાં, તેઓ સઘળાંમાં એક જાતનો શેતાન ભરાયલો હતો. તેઓનાં મનમાં એક મોટું તોફાન થઈ રહ્યું હતું, અને સઘળા સારા ગુણો તથા વૃત્તિઓ દબાઈ જઈને તેઓને ઠેકાણે માણસના ઘણામાં ઘણા દુષ્ટ તથા નાશકારક વિકારો પ્રબળ થઈ ગયા હતા, તેઓમાંથી હમણાં માણસપણું ગયું હતું; તેઓમાં પ્રેરણાનું જોર વધી ગયું હતું; માણસ અને કનિષ્ટ પ્રાણીઓમાં જે અંતર છે તે જતું રહ્યું હતું વિવેકબુદ્ધિ સમાઈ ગઈ હતી; અને તેઓ તે પ્રસંગે રાની હિંસક પશુએાના જેવાં થઈ ગયાં હતાં. જગતનું હિત ચહાનારા લોકો લડાઈને ઘણી જ ધિક્કારે છે એમાં કાંઈ આશ્ચર્ય નથી. એક એકનું ક૯યાણ કરવું એ હેતુથી માણસને પરમેશ્વરે નિર્માણ કીધાં છે, તથા તેઓને સમુદાય બાંધી રહેવાની પ્રેરણા આપી છે તે હેતુ લડાઈથી નિરર્થક થઈ જાય છે, સ્વરક્ષણને માટે જ લડાઈની ખરેખરી અગત્ય છે, તે પણ પોતાના બચાવને માટે લડવું પડે એ કાંઈ થોડું ખેદકારક નથી. સુષ્ટિમાં ઘણી વાર યુદ્ધ થતાં જોઈએ છીએ તે ઉપરથી સિદ્ધ થાય છે કે માણસનો સ્વભાવ જેવો જોઈએ તેવો થયો નથી. આ લડાઈ પણ ઘણી ગેરવાજબી હતી. એક માણસની છોકરીને બળાત્કારે તેની પાસેથી લઈ લેવી એ ન્યાયથી ઉલટું હતું, પણ જ્યાં “જેની તેગ તેની દેઘ” ત્યાં ન્યાયાન્યાય કોણ સમજે ? હવે લડાઈ વાજબી અથવા ગેરવાજબી ગમે તેવા કારણથી ઉઠી તે વાતમાં કાંઈ સાર નથી, તેનાં પરિણામો શાં થયાં તે તપાસવા લાયક છે.

દરિયામાં ભારે તોફાનની વખતે મોટાં પહાડ જેવાં મોજાં અથડાય છે, અથવા આકાશમાં જોસવાળા પવનથી ઘસડાતાં બે વાદળાં સામસામાં આવી મળે છે, તેમ કરણનું તથા અલફખાંનું લશ્કર એકેકને ભેટયું, પણ એ ભેટવું કાંઈ લાડનું ન હતું. એ તે 'ભીમભાઈનાં લાડ' જેવું ભેટવું હતું. છેક પાસે આવી ગયલા તેથી તીરકામઠાં બિલકુલ નકામા થઈ પડ્યા હતા. તેઓ ભાલા, તલવાર અને વખતે ખંજર કટાર, વગેરે ટુંકાં હથીયારોવડે લડતા હતા. એકએકના ઉપર દયા લાવી પ્રાણ ઉગારવાના તેએાએ સમ ખાધા હતા. મારવું અને મરવું, એ જ વાત મનમા રાખીને તેઓ લડતા હતા. “અલ્લાહુ અકબર” એક તરફથી ને “હરહર મહાદેવ ” બીજી તરફથી વારેવારે સંભળાતાં હતાં. તલવાર, ભાલા, વગેરેને ખડખડાટ થઈ રહ્યો હતો. સેંકડો માણસ ઘાસની પેઠે કપાઈ જતાં હતાં. તે કરતાં પણ વધારે માણસ ઘાયલ થઈને પડતાં તેઓ તેમના સોબતીના પગ નીચે છુંદાઈ જતાં હતાં, અથવા તેઓને તેમના સાથીઓ બાજુ તરફ ફેંકી દેતા હતા ત્યાં તેએા પડ્યા પડ્યા બરાડા બરાડ પાડતાં હતાં. એ પ્રમાણે મારામારી તથા કાપાકાપી ત્રણ કલાક સુધી ચાલી; પણ તેટલા વખતમાં બેમાંથી કોઈ પાછું હઠ્યું નહી. સવાર પડવા આવી, રાતનો અમલ ઉતરી ગયો, પૂર્વ દિશાએ અરૂણનો પ્રકાશ દેખાવા લાગ્યો, વાદળાંનો રંગ તેણી તરફ ઘણો જ સુન્દર રતાશ પડતો થઈ ગયો, તારાઓ એક પછી એક પોતાનું મ્હોં છુપાડવા લાગ્યા, અને આસપાસની સઘળી વસ્તુઓ ધીમે ધીમે અન્ધકારમાંથી નીકળવા લાગી. થોડી વાર પછી જ્યારે સૂર્ય ઘણા દબદબાથી પૂર્ણ બિંબ સાથે બહાર આવ્યો, ત્યારે એક ભયાનક તથા હૃદયભેદક દેખાવ નજરે પડયો; રણભૂમિમાંથી લોહીની નીક વેહેતી હતી; કેટલેક ઠેકાણે લોહીનાં ખાબોચીયાં ભરાઈ રહ્યાં હતાં; સામસામાં લશકર વાઘ અથવા વરૂનાં બે ટોળાંની પેઠે ગુસ્સાથી તથા ક્રુર પણાથી લડતાં હતાં; બંને તરફનાં મરી ગયલાં માણસો જુદે જુદે ઠેકાણે તથા જુદી જુદી રીતે જમીન પર પડેલાં હતાં, કેટલાએકનાં મ્હોં વકાસેલાં હતાં; કેટલાએકની અાંખ ઉઘાડી રહી ગઈ હતી; કેટલાએકની શિકલ તેએાના મરતી વખતના કષ્ટને લીધે વિક્રાળ થઈ ગયલી હતી; કેટલાએકનાં અવયવો કપાઈ ગયલાં આઘાં પડેલાં હતાં. અને કેટલાંએકનાં માથાં વગરનાં ધડ રઝળતાં હતાં. તે જ પ્રમાણે ઘાયલ થયલા લોકો ભોંયપર ટળવળતા હતા. તેઓની ચાકરી કરનાર કોઈ નહી, તથા તેઓને ત્યાં જે જોઈએ તે આપનાર કોઈ મળે નહીં. કોઈ તેના ઘા ઉપર હાથ ફેરવનાર નહી, કોઈ તેને મીઠાં વચન કહી જીવને આરામ આપનાર અથવા દરદમાં દિલાસો આપનાર નહી; તેના ઘા ઉપર ઓસડ ચોપડનાર અથવા કોઈપણ રીતે તેની વેદના કમી કરનાર મળે નહી, એટલે બિચારા પોકેપોક મૂકી રોતા હતા; આવી દુ:ખદાયક અવસ્થામાંથી પરમેશ્વર તેઓને જલદીથી આ પાર કે પેલે પાર આણે માટે તે દીનદયાળ પ્રભુની સ્તુતિ કરતા હતા, તથા કેટલાએક આવા દુ:ખમાં પોતાની મા તથા બાપને સંભારતા હતા. યુદ્ધ કરવામાં શૌર્ય આણવાને બંને તરફવાળાઓ વાજીંત્રો વગાડતા હતા. જ્યારે સકળ સંસારમાં આનંદકારક પ્રભાત પડી હતી તે વખતે આ ઠેકાણે શોકના શબ્દ આ પ્રમાણે સંભળાતા હતા. જ્યારે આસપાસની નિર્જીવ વસ્તુઓ રળિયામણી દેખાતી હતી તે વખતે આવો ભયંકર તમાસો તે ઠેકાણે બની રહ્યો હતો; અને જ્યારે પશુ, પક્ષી આદિ બીજાં કનિષ્ટ પ્રાણીઓ ઉમંગભર ઉઠી પોતાનો ખોરાક શોધવાને, અથવા બીજા કાંઈ કામસર, અથવા ફક્ત ગમતને માટે ખુશીમાં કલ્લોલ કરતાં આણીમેર તેણીમેર ફરતાં તથા ઉડતાં હતાં, તે વખતે માણસ– વિવેકબુદ્ધિવાળાં, ખરૂંખોટું તથા પાપપુણ્ય સમજનાર, અમર આત્માવાળાં, સૃષ્ટિમાં સર્વોત્કૃષ્ટ પ્રાણી તથા જગતનું ધણીપણું ચલાવનાર– એવાં માણસો એક એકનો પ્રાણ લેતાં હતાં, તથા પશુતુલ્ય થઈ માણસનું મહત્વ ખોઈ તેના પેદા કરનારનું અપમાન કરતાં હતાં, તથા તેનો એક મોટો અગત્યનો તથા પવિત્ર હુકમ તોડતાં હતાં.

અજવાળું પડતાં જ બંને લશ્કરવાળાને પોતપોતાને થયેલું નુકશાન માલુમ પડયુ, અને રજપૂતો મુસલમાનો કરતાં થોડા માર્યા ગયા હતા તોપણ તેઓની અસલ સંખ્યા ઓછી હતી તેથી તેઓને ખેાટ વધારે જણાઈ, તથા તેઓ ઘણા ઘટી ગયલા દેખાવા લાગ્યા. દેવળદેવી પણ લશ્કરની સાથે હતી, અને તેને પાછળ રાખેલી હતી. પણ ભીમદેવને તેને વાસ્તે ઘણી ફિકર લાગ્યાં કરતી હતી. એટલામાં અલફખાંએ એક તદબીર કરી રાખી હતી તે અમલમાં આવી. તેણે રાત્રે કેટલાંએક માણસને આઘાં રાખ્યા હતાં. તેઓ હમણાં લડવાને આવ્યાં. તેઓને જોઈને રજપૂત સીપાઈઓના પેટમાં ભારે ફાળ પડી. તેઓને લાગ્યું કે જે પ્રમાણે એ માણસો આવ્યાં તે પ્રમાણે થોડીવાર પછી બીજાં તાજાં માણસ આવશે, અને એવી રીતે તેઓ કદી થાકવાનાં નથી. એથી ઉલટું તેઓમાં કોઈ વધારો થશે એવો સંભવ ન હતો; પણ ઉલટો તેઓમાંથી ઘટાડો થયાં કરતો હતો; એવું છતાં જ્યારે અલફખાંના લશ્કરને મદદ મળી ત્યારે તેઓ ઘણા ગભરાયા, તેએાએ જીતવાની સઘળી આશા છોડી દીધી, અને તેમને હાર્યા જેવું જણાયું. ભીમદેવને આ વખતે દેવળદેવીને વાસ્તે ચિન્તા વધી; અને તેના રક્ષણને માટે તે એટલો અધીરો થઈ ગયો કે તેણે પોતાનો ક્ષત્રિય ધર્મ ભૂલી જઈને પાછા કિલ્લા તરફ ફરવાને પોતાના માણસોને ફરમાવ્યું. તેઓને પણ એટલું જ જોઈતું હતું માટે જ્યારે આવી રીતે તેઓને પોતાના સરદાર તરફથી પાછા ફરવાની આજ્ઞા થઈ એટલે તુરત તેઓ બંદોબસ્તની સાથે પાછા હઠ્યા, અને શેહેર તરફનો રસ્તો પકડયો. તેઓને જોઈને તમામ રજપૂત લશ્કરે પોતાની પીઠ ફેરેવી અને ભીમદેવનાં માણસોની સાથે તેઓ પણ ચાલ્યા. જ્યારે એવો જ જુવાળ બેઠો ત્યારે તેને કોણ અટકાવી શકે? ઘેટાંના ટોળાંમાંથી એક ઘેટું જે રસ્તે જાય તે રસ્તે બીજાઓ પણ ચાલ્યા વિના રહેજ નહીં એવો નિયમ છે, તે જ પ્રમાણે લશ્કરમાં થોડા નામરદ તથા બીહીકણ લોકો નાસવા માંડે એટલે બીજાઓને ચેપ ઉડે છે, અને તેઓને પણ તેઓના સોબતીની પેઠે કરવાનું વલણ થઈ આવે છે. કરણનું લશ્કર જલદીથી બાગલાણ તરફ વળ્યું, અને તેઓની પાછળ મુસલમાનોએ દોડ કીધી. રજપૂતો નાસતા ગયા, તથા પાછા ફરી ફરીને દુશમનોની સામા લડતા ગયા. એમ કરવામાં તેઓનાં ઘણા માણસો કપાઈ ગયાં, અને કિલ્લામાં પેસતાં પહેલાં એક સાંકડી નાળ હતી તેમાં તેઓ આવ્યા ત્યાંથી મુસલમાનો અટકયા તેઓ રજપૂતોની પાછળ વધારે આવ્યા નહી. તેઓ પોતાની છાવણીમાં પાછા ગયા, અને રજપૂતો થાકેલા, અથડાયલા, તથા હાર અને માર ખાધેલા બાગલાણ શેહેરમાં પેંઠા, મુસલમાનોએ તેઓને વધારે ઉપદ્રવ કર્યો નહી, પણ તેઓએ શેહેર તમામ ઘેરી લીધું હતું તેથી કોઈ પણ માણસ તેમાંથી બહાર જઈ શકતું નહી, તથા કોઈ તેમાં આવી શકતું નહી. શેહેરમાં અનાજ ન જવા દેવાનો ઘણો જ પાકો બંદોબસ્ત રાખ્યો હતો. રજપૂતો શેહેરમાં જઈને ઘણા જ ઉદાસ તથા શોકાતુર થઈને પડી રહ્યા, હવે તેઓને વધારે વાર લડવાની હિમ્મત રહી નહી. તેઓનો ઉમંગ જતો રહ્યો, તથા તેઓ નિરાશ થઈ ગયા. આ વખતે જો શેહેર ઉપર મુસલમાનો હુમલો કરે તો શું કરવું? લશ્કર તો વધારવું જોઈએ, અને જો બની શકે તો દુશ્મનોના ઉપર આવો બીજો હુમલો પણ કરવો. શેહેરમાં પડી રહેવાથી અનાજ ખપાવી દેવું, દુકાળને વેહેલો આણવો તથા શત્રુને શરણે જવાનો પ્રસંગ ઉતાવળથી લાવવો, એવી તરેહના બીજા ઘણા ગેરફાયદા હતા. જો લડવાને બહાર જવાય અને રાતની વખતે છાપો મરાય, તો કદાચ નાશી જવાનો પ્રસંગ મળે, અને એ પ્રમાણે સઘળાં માઠાં પરિણામોનું એકદમ નિવારણ થાય. વળી એ પ્રમાણે કીધાથી દુશ્મનોનાં ઘણાંએક માણસો માર્યા જાય, તથા તેઓ થાકી જઈ લડાઈથી કંટાળીને મુકામ ઉઠાવી ચાલ્યા જાય. એટલા માટે શહેરના રહેવાસીમાંથી જે જે જુવાન તથા લડવાના સામર્થ્યવાળા હતા તેઓને લશ્કરમાં સામેલ કરવાને કરણે ઘણી મહેનત કીધી. પણ તેઓમાંના ઘણા જ થોડા લડવાને તૈયાર થયા, તેઓને લડાઈમાં જવાની ટેવ ન હતી, તેઓએ રણસંગ્રામ ક્વચિત જ જોયેા હતો; તેઓના શહેર ઉપર તેઓના વખતમાં કોઈએ ચઢાઈ કરી ન હતી તેથી તેઓને લડવાનો બિલકુલ મહાવરો ન હતો; તેઓનું શૂરાતન પ્રકટ થયલું ન હતું, માટે ઘણાએકે જુઠાં બહાનાં કાઢયા, કેટલાએક સંતાઈ બેઠા, અને કેટલાએકે તે શરમ મૂકી સાફ ના જ કહી. તેઓ સઘળા કરણના ઉપર ગુસ્સે થયેલા હતા, તેઓના શેહેર ઉપર આ આફત આવી પડી તેનું કારણ કરણ છે, એમ જાણીને તેઓ રાત દહાડો તેને અંત:કરણથી ગાળો દેતા હતા. શેહેરમાં અનાજની ઘણી જ મોંઘવારી થઈ ગઈ હતી, તથા બીચારા સેંકડો ગરીબ લોકો મરી જતા હતા તેઓ કરણ તથા દેવળદેવી ઉપર નિસાસો મૂકતા હતા, શેહેરમાંના જે જુવાન લોકો લડવાને તૈયાર થયા હતા તેઓનાં માબાપ તથા બઈરાં છોકરાં પણ કરણને શાપ દેતાં હતાં, જે નવાં માણસો કરણના લશ્કરમાં ઉમેરાયાં તેથી કાંઈ તેમાં ઝાઝો વધારો થયો નહી, માટે ભીમદેવે શહેરનાં મુખ્ય મુખ્ય માણસોને પોતાની પાસે બોલાવ્યાં, ને તેઓને સમજાવ્યું કે “હાલ જે લડાઈ ચાલે છે તે કરણ રાજા ઉપર નથી, પણ તે તો દેવગઢના રાજા રામદેવજી, જે તમારા સઘળાના રાજા છે, તેના ઉપર ચાલે છે, કેમકે તમે સઘળા જાણો છોકે લડાઈનું કારણ દેવળદેવી છે; તેને મ્લેચ્છ લોકોને પોતાને વાસ્તે લઈ જવી છે, પણ તે તો આપણા શંકળદેવની સાથે પરણી ચુકી છે, માટે તે તમારી રાણી છે તમારે તમારી રાણીના બચાવને વાસ્તે લડવાનું છે, તમારે તમારા રાજાની પ્રતિષ્ઠા રાખવાની છે, અને આજે જો તેઓ તમારા રાજાના ઘરની રાણી લઈ જશે તો કાલે તમારાં ઘરનાં બઈરાંને ઘસડી લઈ જવામાં તેમને શી હરકત પડશે ? માટે તમે તમારા લોકોનું, તમારા દેશનું તથા તમારા રાજાનું જરા અભિમાન રાખો, અને જે હવે પછી તમારી રાણી થવાની છે તેને શત્રુઓના હાથમાં પડતી બચાવો. શું દુનિયામાં એમ કહેવાશે કે દેવગઢના રાજ્યના લોકો એવા હીચકારા હતા કે તેઓએ પોતાની રાણીને પોતાના દેશમાંથી પારકા દેશમાં લઈ જવા દીધી ? એમ થાય તો તે મોટામાં મોટી ગેરઆબરૂ સમજવી. પણ મને આશા છે કે તમે સઘળા એવા અધમ નથી કે એમ થવા દઈ તમારું નામ જગતમાં ડુબાવશો, માટે જાગૃત થઈ જાઓ. આબરૂને વાસ્તે વિચાર રાખો મરવાની દહેશત છોડી દઈ બઈરાં જેવી ચાલ ચાલતાં શરમાઓ, અને દુનિયાની સઘળી વાત આબરૂ આગળ હલકી ગણીને ઢાલ તરવાર બાંધીને તૈયાર થઈ જાઓ, કોઈ શા માટે જવાબ દેતું નથી ? તમારામાંથી કોઈને જુસ્સો કેમ આવતો નથી ? શું એવો વખત આવ્યો છે કે માણસો જીંદગી ઉપર એટલી બધી પ્રીતિ રાખે કે પોતાના રાજાની તરફથી પણ લડવાની ના કહે ? અરે ! શરમ છે તમને સઘળાને ! ધિક્કાર છે તમને ! ધુળ પડી તમારી જીંદગી ઉપર !” એટલું કહી તે ચુપ રહ્યો, તેને એટલો બધો ક્રોધ ચઢી ગયો કે તેનાથી વધારે બોલાયું નહી.

પણ ભીમદેવનું આ સઘળું બોલવું પવનમાં ઉડી ગયું, એ તો પથ્થર ઉપર પાણી, તેઓ સઘળા જડ થઈને બેસી રહ્યા, કોઈના ઉપર કંઈ અસર થઈ નહીં, તેઓના મનમાં નક્કી હતું કે આ કામમાં જય મળવાનો નથી, માટે જીંદગી શા માટે નકામી ફેંકી દેવી જોઈએ ? પણ જે જીંદગીના ઉપર તેઓને આટલી બધી પ્રીતિ હતી, જે જીંદગીને વાસ્તે તેઓ પોતાની પ્રતિષ્ઠા ખોવા બેઠા હતા, અને જે જીંદગીને વાસ્તે તેઓ પોતાના રાજા આગળ હલકા પડ્યા, તે જીંદગી ઘણી વાર ટકે એવો સંભવ ન હતો, મુસલમાનો સિવાય એક બીજો શત્રુ શેહેર ઉપર ચઢી આવ્યો હતો, તે શત્રુ અદૃશ્ય હતો; તેના સપાટામાંથી બચવું મુશ્કેલ હતું, અને તેના હાથથી મરવામાં કાંઈ પણ આબરૂ ન હતી. એ શત્રુ દુકાળ હતો. જો તેઓએ ભીમદેવના કહ્યા પ્રમાણે કીધું હોત, જો તેઓ સઘળાએ મળીને મુસલમાનો ઉપર હુમલો કીધો હોત, તો કદાચ આ નવા શત્રુના હાથમાંથી તેઓ જીવતા રહેત; તેઓની પ્રતિષ્ઠા કાયમ રહેત; તેઓના રાજાનું કામ થાત, લડાઈનો અંત આવત, અને બીજાં નઠારાં પરિણામોનો અટકાવ થાત, પણ કેહેવત છે કે 'વિનાશ કાળે વિપરીત બુદ્ધિ.' તેઓની મતિ બદલાઈ ગઈ અને તેથી તેઓમાંનાં ઘણાંખરાં ઢોર ને પશુની પેઠે મરણ પામ્યાં; તેઓનાં બઈરાં છોકરાંની પણ તેવી જ અવસ્થા થઈ, અને તેઓની માલમિલકત સઘળી ફના ફાતીઆ થઈ ગઈ.

શેહેરમાં અનાજની ખોટ હતી, એ ઉપર કહેલું જ છે, જ્યારથી શેહેરમાં લશ્કરનો તથા આસપાસના ગામના લોકોનો જમાવ થયો. ત્યારથી જ અનાજ ઘણું મોધું વેચાવા લાગ્યું, અને પહેલવહેલાં તો ગરીબ લોકોનો મરો થયો. લડાઈ જલદીથી પૂરી થશે, અને અનાજ બહારથી આવી પહોંચશે એ આશાથી લોકો ધીરજ રાખી દુઃખ વેઠી બેસી રહ્યા. પણ લડાઈનો પાર આવ્યો જ નહી, અને દુકાનોનો સઘળો માલ ખપી ગયો. સીપાઈઓ તથા બીજા લોકો બુમાબુમ પાડવા લાગ્યા, રસ્તામાં રોજ ઘણા લોકોનાં મુડદાં પડેલાં દેખાતાં હતાં; લોકો છેક નિરાશ થઈ ગયા; અને ભુખના માર્યા ઘેલા જેવા થઈને લુંટવા નીકળ્યા. એક સવારે શેહેરનો તમામ કચરો એટલે હલકા લોકો હથિયાર લઈ નીકળ્યા, અને બધે ઠેકાણે પથરાઈ જઈને લોકોનાં ઘર ફાડી માંહે પેંઠા, તેઓની જોડે લશ્કરના સીપાઈઓ પણ સામેલ થયા, અને દરેક ઘરમાં અનાજનો જે સંગ્રહ હતો તે લઈ ગયા. રસ્તામાં કાપાકાપી ચાલી, લોહી વહ્યું, મુડદાંઓ રસ્તામાં પડયા, અને શોરબકોર સઘળો થઈ રહ્યો. દ્રવ્યવાન લોકો એ ગમે તેટલો અટકાવ કીધો પણ તેમ કરવામાં ઘણાના જીવ ગયા, તોપણ તેઓનું કાંઈ ફાવ્યું નહીં. તેઓના ઘરનું સઘળું અનાજ લુંટાઈ ગયું અને હવે તેઓને ભુખે મરવાનો દહાડો આવ્યો. પણ થોડા દહાડા વહી ગયા એટલે પેલું લુંટેલું અનાજ થઈ રહ્યું એટલે પાછા સઘળા સરખા થઈ ગયા. હવે દુકાળ રાક્ષસે પોતાનું ખરેખરું રૂપ પ્રકાશ્યું, અને હવે ભુખનું દરદ સઘળાંને સરખું લાગવા માંડ્યું, આવી વખતે તે બિચારા લોકોની દુર્દશાનું યથાસ્થિત વર્ણન કરવું ઘણું મુશ્કેલ છે, જે બરાબર થઈ શકે તો તેથી દયાવૃત્તિને ઘણો આચકો લાગે, ને શરીરમાંનું સઘળું લોહી ઠરી જાય, રસ્તામાં લોકોના ચહેરા જોવાથી ચીતળી ચઢ્યા વગર રહે જ નહીં. તે બીચારાં ભુખે મરી ગયેલાં માણસોનાં શરીર લોહી ઉડી જવાથી ધોળાં ફક જેવાં થઈ ગયાં હતાં, તેઓમાંથી માંસ તથા ચરબી પીગળી જવાથી હાડકાં સઘળાં બહાર નીકળી આવ્યાં હતાં; તેઓના ચેહેરા ફિક્કાં સુકાઈ ગયલા, તથા ખડબચડા થઈ ગયલા હતા, અને તેઓ એવા તો બીહામણા થઈ ગયા હતા કે તેઓમાં અને મલીન ભતમાં કાંઈ અંતર રહેલું ન હતું. વળી આ ભયંકર ચેહેરા ઉપર તેઓના મનના સઘળા દુષ્ટ વિચારો બહાર નીકળી આવેલા હતા. દ્વેષ, અદેખાઈ, ક્રોધ, મરવા તથા મારવા વિષે બેપરવાઈ, તથા ભુખમરાથી જ યમરાજાના દરવાજા આગળ આવી પહોંચેલા લોકોમાં જે જે નઠારા ગુણો પ્રકટ થઈ આવે તે સઘળા તેઓના મ્હોં ઉપર સાફ માલમ પડતા હતા. સારાંશ કે તેઓના ઉપર ખુદ મોત આવીને બેઠું હતું, અને જો તે માણસનું રૂપ ધારણ કરે, તો તેનું સ્વરૂપ આ લોકોના જેવું બરાબર થાય. એ તો આપણે તેના બહારના દેખાવનું વર્ણન કીધું; પણ તેઓના મનમાં જે અવ્યવસ્થા થઈ રહી હતી, ભુખને લીધે જે તેઓને મહા વેદના થતી હતી, તેનું વર્ણન તો વૈદકશાસ્ત્રમાં જેઓ પ્રવીણ હોય તેઓ જ કરી શકે તથા જેઓને તે વાતનો અનુભવ થાય તેને જ તેની ખબર પડે. રસ્તે ચાલતાં ચાલતાં કેટલાંએક તમર ખાઈને પડી જતાં, અને તત્કાળ મરણ પામતાં, અથવા તેઓ એક બે દિવસ સુધી તેવી હાલતમાં રીબાયાં કરતાં. જ્યાં સઘળા ઉપર સરખી જ આપદા આવી પડેલી, ત્યાં એકેક ઉપર દયા પણ કોણ લાવે ? તથા તેનું દુઃખ મટાડવાને કોણ ઉપાય કરે ? માટે તેઓ રસ્તામાં બીજાં મુએલાં માણસોની સાથે જીવતાં પડી રહેતાં હતાં. કેટલાંએકથી તો બહાર નીકળાતું જ ન હતું. તેઓ ભુખથી એવાં અશક્ત થઈ ગયાં હતાં કે તેમનાથી ઉઠાતું પણ ન હતું તેઓ ઘરમાં સુતાં સુતાં બરાડા બરાડ પાડતાં હતાં. નાનાં નાનાં છોકરાં રસ્તામાં ટળવળતાં હતાં અને પછાડા મારી મારીને મરી જતાં અથવા મરણતોલ થઈને ભોંય ઉપર પડતાં હતાં, છોકરાંની મા ઘેલી જેવી આણીગમ તેણીગમ દોડતી, અને કડકો રોટલો જે તેણે છુપાવી રાખ્યો હોય તે પોતાનાં હાડપિંજર જેવાં સુકાઈ ગયલાં છોકરાંને ખવડાવતી, અને તેટલો સુકો રોટલો પણ કોઈ હરામખોર આવે તો તેના હાથમાંથી લઈ જાય માટે તે ચોતરફ જોયાં કરતી. કેટલીએક બઈરીઓની નજર આગળ તેઓનાં નાનાં નાનાં કુમળાં બાળક તરફડીને મરી જતાં તેને જોઈ તે બેબાકળા ડોળા કરી મ્હોં ઉઘાડું રાખી ઉભી રહેતી. પોતાને ખાવાને મળે નહી, એટલે દુધ તો કયાંથી જ આવે ? આથી ધાવણાં છોકરાં પીલાઈપલાઈને મરી જતાં હતાં. તેઓના દરદથી તથા ભુખથી તેઓની માની પણ તેવી જ અવસ્થા થતી હતી. ઘરડાં અશક્ત ડોસાઓ તથા ડેાશીઓ પડીપડીને મરતાં હતાં. અને ભર જુવાનીમાં આવેલાં સ્ત્રીપુરૂષો પણ કાળચક્રના સપાટામાં આવી ગયાં હતાં. દુકાળની આગળ બધી જાતનાં, ઉમરનાં, તથા પદવીનાં માણસો સરખાં જ હતાં. મોત ચોતરફ ફરતું હતું. તેના હાથમાં ઘણું કામ આવી પડયું હતું. ગરીબ લોકોનાં મુડદાં રસ્તામાં, ગલીમાં, અને ઘરોમાં, કોહી જતાં હતાં. તેઓને બાળવા જવાની કોઈનામાં શક્તિ રહી ન હતી, તથા જ્યાં સઘળાંને મરવાની ધાસ્તી સરખી જ ત્યાં એક એકને શરમ તથા સંબંધ તો કયાંથી જ રહે ?

હવે અનાજ તો થઈ રહ્યું, અને જીવતાં રહેલાં માણસોને કોઈ પણ જાતનો ખોરાક તો જોઈએ, માટે કેટલાંએક ઝાડનાં ફળ ખાઈને જીવતાં, કેટલાંએકને ત્યાં ગાય ભેંસ હતી તેઓ દુધ પીને પોતાનાં શરીરને આધાર આપતાં, કેટલાંએક ઢોરની પેઠે ઘાસ ખાતાં, કેટલાંએક પાતરાં ખાતાં, વળી બીજાઓ એમાંથી કાંઈ ન મળે ત્યારે ચામડાં કરડતાં, અને વખતે ધુળ ને મટોડું ખાતાં, જે કાંઈ નરમ વસ્તુ ચાવી શકાય તેવી હોય તે સઘળી ભક્ષ કરવામાં આવતી. એ બધાની સાથે પેટનું ભરતીયું થવાને માટે પુષ્કળ પાણી લોકો પીતાં હતાં. આવો નઠારી જાતનો, જેથી પોષણ થઈ ન શકે એવો, વખતે શરીરને નુકસાન પહોંચાડે એવો ખોરાક ખાવાને લીધે, તથા મરી ગયલાં માણસોની સડી ગયેલી લાશોમાંથી જે દુર્ગંધ તથા પ્રાણઘાતક હવા નીકળતી હતી તેને લીધે શહેરમાં મરકી ચાલી. લોકોને તાવ, જીવમાં ચુંથારો, અને અંતે સનેપાત થવા લાગ્યો, અને થોડા વખતમાં મોત આવીને આ સઘળા દુ:ખમાંથી તેઓનો છૂટકો કરવા લાગ્યું. એ પ્રમાણે તે લોકોના ઉપર દુકાળ અને મરકી એ બે આફતો આવી પડી, અને તેથી મૃત્યુનું કામ ઘણું જ ધમધોકાર ચાલવા માંડ્યું, જેઓ કદાચ દુકાળના સપાટામાંથી બચે તેઓ મરકીના ઝપાટામાં ઘસડાઈ જાય. જ્યારે શહેરમાં મરકીએ દેખાવ આપ્યો, ત્યારે તો લોકો છેક નિરાશ થઈ ગયાં, તેઓએ જીવવાની સઘળી આશા છોડી દીધી અને મોતને વાસ્તે ઘણી જ બેપરવાઈ દેખાડવા માડી. પછી રસ્તામાં જે મુડદાં પડે તેને કોઈ ઉઠાવે પણ નહી, અને ત્યાં તેઓ સડ્યાં કરે. ઘરોમાં પણ મુડદાં પડી રહેતાં. શેહેરમાં કાગડા, ગીધ, અને સમડી ધોળે દિવસે મુડદાને પીંખી નાંખતાં, વખતે કુતરાં, બિલાડાં તેઓને ઘસડતાં તથા ફાડી ખાતાં, રાત્રે જંગલમાંથી શિયાળવાં તથા બીજાં હિંસક પશુઓ શેહેરમાં ઉજાણી કરવા આવતાં. ગાય, ઢોર તથા બીજા પાળેલાં જાનવરો ધણી વિના, ખાધા વિના, સંભાળ વિના મરવા લાગ્યાં. તેએાએ પણ શેહેરની દુર્ગંધમાં વધારો કીધો, માણસો તથા તેની સાથે સંબંધ રાખનારાં પ્રાણીઓને આ પ્રમાણે નાશ થતો હતો, અને માંસભક્ષક પશુઓનાં મનને માટે ઉત્સવ થઈ રહ્યો હતો. દુકાળ તથા મરકીને લીધે જેવો લોકોની શરીરની અવસ્થામાં ફેરફાર થયો તેવો જ તેઓની મનની સ્થિતિમાં પણ ફેરફાર થયો હતો. માણસમાં જે દુષ્ટ તથા નઠારા ગુણે હોય છે તેઓ સઘળા આ વખતે પ્રકટ થયા તથા સઘળા સારા તથા ઉંચા ગુણો દબાઈ ગયા. માણસામાંથી માંહેમાંહેની શરમ ઉઠી ગઈ, સગપણનો નાશ થયો, દોસ્તી હોલવાઈ ગઈ; સ્વાર્થ સ્વાર્થ સઘળે ઠેકાણે સઘળાના મનમાં વ્યાપી રહ્યો. માબાપ અને છોકરાંની વચ્ચેનું તથા ધણીધણિયાણી વચ્ચેનું સઘળું હેત નાસી ગયું, એ વખતે કોઈ કોઈનું નહી, સૌને સૌનું લાગ્યું હતું. લોકોના મનમાંથી ધર્મનો અંશ જતો રહ્યો, પરમેશ્વરને તેઓ ભૂલી ગયા. મોતનો ડર તથા મુએલાં માણસને વાસ્તે માન એ બંને જતાં રહ્યાં; આ સઘળી આફત જોવાથી તથા મોત તેઓની પાછળ ડગલાં ભરતું હતું તે વિચારથી ઈશ્વર તરફ મન લઈ જવાને તથા શોકાતુર થઈને શાણપણ તથા ગંભીરતા પકડવાને બદલે તેઓ ઉલટા ખુશી થતા તથા આણીગમ તેણીગમ અતિ આનંદમાં ફરતા દેખાતા હતા. તેઓનાં મગજ ભુખથી ફરી ગયેલાં હતાં. આવી અસ્વાભાવિક વર્તણુક કોઈ બીજા જ કારણને લીધે તેઓએ પકડી હતી. એ ગમે તેમ હોય તો પણ દિવસે અને રાત્રે કેટલાંએક ભૂત જેવાં બીહામણાં માણસોનાં ટોળાં રસ્તામાં મોટે અવાજે તથા ખુશીથી ગાતાં, વાજીંત્રો વગાડતાં, તથા ઘણો શોર કરતાં જતાં હતાં. એ પ્રમાણે કરવામાં તેઓની મતલબ કાંઈ પણ જણાતી ન હતી. તેઓ માત્ર વખત કાઢવાને તથા મોતનો વિચાર દૂર કરવાને ફરતાં હતાં. કેટલાંએક માણસો સનેપાતના જોરમાં બહાર નીકળીને ફરતાં અથવા દોડતાં હતાં, તેઓ ગાતાં, બૂમ પાડતાં અથવા વગર અર્થનું અને વગર મતલબનું બોલતાં. અને છેલ્લી વારે એવા જોરથી ખડખડ હસી પડતાં કે આખો મોહલ્લો ગાજી રહેતો. એ પ્રમાણે શેહેરની અવસ્થા થઈ રહી હતી.

હવે કિલ્લામાં જ્યાં કરણ રાજા, ભીમદેવ, દેવળદેવી તથા મુખ્ય સામંતો અને બીજા સરદારો રહેતા હતા તેઓને વાસ્તે તો કિલ્લાના કોઠારમાં કેટલુંક અનાજ ભરી રાખેલું હતું તેમાંથી થોડું થોડું તેઓ વાપરતા, અને એ પ્રમાણે કસર કરી તેઓએ અનાજ અત્યાર સુધી પહોંચાડ્યું હતું, અને હજી થોડા દહાડા વધારે ચાલે એટલું બાકી રહેલું હતું. લોકોને એ જોઈને ઘણી અદેખાઈ આવતી હતી, અને તેઓને વાસ્તે પોતે મરણ પામે, અને જેઓ લડાઈનાં મુખ્ય કારણ તેઓ જીવતાં રહે એ જોઈને તેઓને ક્રોધ આવતો હતો. પણ તેઓને ગુજરાતના દુર્દશામાં આવી પડેલા દુર્ભાગ્ય કરણ રાજા ઉપર દયા આવતી હતી, તથા પોતાના રાજાના કુંવર ભીમદેવની તેઓ આબરૂ રાખતા હતા, તેથી તેઓએ કિલ્લા માંહેના લોકોનો કશી રીતનો ઉપદ્રવ કીધો નહીં. એ છતાં પણ કેટલાએક ફિતુરી, હલકા, તથા લુચ્ચા લોકોએ કિલ્લા ઉપર હુમલો કરી તેમાંનું અનાજ લુંટી લેવાનો એક કરતાં વધારે વાર નિશ્ચય કીધો, પણ તેઓમાંના વિચારવંત, દયાળુ, તથા રાજનૈષ્ટિક લોકોએ તેમને સમજાવ્યા કે એટલું અનાજ લુંટી લાવ્યાથી શહેરમાંના આટલાં બધાં માણસોને કાંઈ વધારેવાર ફાયદો થવાનો નથી, અને કિલ્લામાંના મોટા માણસો જેઓ દુનિયામાં અગત્યના છે તેઓ મરણ પામશે, તે વાત તેઓના મનમાં ઉતરી, તેથી તેઓ પોતાના ધારેલા કામથી બંધ પડ્યા. પણ તેઓનો ક્રોધ હજુ સુધી શમ્યો નહતો. તેઓની પાસે એક ઉપાય તૈયાર જ હતો. જો તેઓ સઘળા મળી શેહેરના દરવાજા ઉઘાડી નાંખી મુસલમાનેને અંદર આવવા દે તો તેઓના દુ:ખનું તુરત નિવારણ થાય. પણ તેમ તેઓએ કીધું નહીં. એ પ્રમાણે દગલબાજી કરવામાં ઘણી ગેરઆબરૂ છે, એમ તેઓ સારી પેઠે જાણતા હતા. તેમ કરવાથી જે પરિણામો નીપજે તેને વાસ્તે તેઓ ઘણાં દીલગીર હતા. તેટલા માટે જ આટલું બધું કષ્ટ તેઓએ સહ્યું; દુકાળ અને મરકી પોતાના શેહેરમાં આવવા દીધા, પોતાનાં વહાલામાં વહાલાં માણસોને પોતાની નજર આગળ પીલાઈપીલાઈને આવા ભયંકર મોતે મરતાં જોયાં, તથા પોતાના મોતને વાસ્તે પણ કાંઈ દરકાર રાખી નહી. તેઓએ તેઓના હાથમાં રહેલો ઉપાય કામે લગાડ્યો નહી. તેઓનો આ વિચાર જોઈને આપણને ખરેખરું આશ્ચર્ય લાગવું જોઈએ, અને તેમના પ્રતિષ્ઠા જાળવવા વિષેના એવા ઉમદા વિચાર જોઈને આપણે વિસ્મિત થયા વિના રહેતા નથી. આટલી બધી વાર તેઓએ આવા વિચાર રાખ્યા, પણ હવે તેઓનું મન બદલાયું અને કેટલાએક હલકા લોકોએ ઠરાવ કીધો કે હવે શેહેરના દરવાજા ઉઘાડા મૂકી દેવા, અને આ દેવકેાપનો એકદમ અન્ત આણવો. વળી આપણે ઈહાં રહીને પણ શું કરી શકીએ છીએ ? આપણામાં હવે લડવાની કાંઈ શક્તિ રહી નથી. કરણ અને ભીમદેવનું લશ્કર ઘણુંખરું સઘળું મરી પરવાર્યું છે, અને જો કોઈ જીવતા રહ્યા હશે તેઓની અવસ્થા હાલ લડવા લાયક રહી નહી હોય, માટે હવે દરવાજો બંધ રાખ્યાથી ને પડી રહેવાથી વધારે માણસોનો નાશ થાય છે પણ તેથી કાંઈ કામ સિદ્ધ થાય એવો સંભવ નથી. માત્ર તેથી વખત વધારે મળે છે, પણ એટલા વખતના જુજ ફાયદાને માટે માણસોના અમૂલ્ય જાનની ખરાબી થાય, એ કાંઈ વાજબી નથી, એ ઉપરથી તેઓએ ઠરાવ કીધો કે એ સઘળી વાત કરણને જઈને કહેવી, ને તેને કાને નાંખીને એ કામ કરવું.

એ વિચાર પ્રમાણે ઘણાએક માણસો એ કિલ્લામાં જઈ કરણની આગળ સઘળી હકીકત કહી, અને હવે શેહેરમાં શત્રુઓને આવવા દેવાની રજા માગી. કરણે તેઓનો ઉપકાર માન્યો, અને પોતાને તથા પોતાની પુત્રીને વાસ્તે તેઓ આટલી લાંબી મુદત સુધી મહાભારત દુઃખ તથા નુકશાન વેઠીને રહ્યા તેને માટે તેઓને ઘણી જ સાબાશી આપી. કરણને તેઓના ઉપર ઘણી દયા આવતી હતી, અને તેઓ કહે છે તે સઘળી વાત ખરી છે એવી તેના મનમાં ખાતરી થઈ હતી. હવે જીતવાની આશા તો મુદ્દલ રહી જ ન હતી. સીપાઈઓ સઘળા આ જગત છોડીને જતા રહ્યા હતા, અને જીવતા રહેલા આ લોક અને પરલોકની વચ્ચે લટકતા હતા. તેઓ કાંઈ લડવા લાયક રહ્યા ન હતા, તેથી હવે કિલ્લામાં ભરાઈ રહેવું નિરર્થક છે, એમ તેને સાફ જણાયું, અને વધારે માણસોને મરતાં અટકાવવાને માટે તેણે લોકો પાસે એક રાતની મહોતલ માગી, અને બીજે દહાડે દરવાજા ઉઘાડા મૂકવાની તેમને રજા આપી. લોકો તે સાંભળીને સંતોષ પામી ઘેર ગયા, અને બીજા દહાડાની રાહ જોવા લાગ્યા. તેઓ ગયા પછી કરણ ઉંડા વિચારમાં પડ્યો, હવે શું કરવું ? અત્યાર સુધી તેને એવી આશા હતી કે થોડા દહાડામાં કિલ્લામાંનું અનાજ ખપી જશે, એટલે પોતે તથા પોતાની છેકરી બંને એક પછી એક અથવા સાથે ભુખથી મરી જશે, એટલે લડાઈ એની મેળે સંપૂર્ણ થશે. પણ તેમ થવાનો વખત આવ્યો નહી. લોકોએ તેટલી ધીરજ રાખી નહીં, હવે એક રાત વચ્ચે રહી તેમાં કાંઈ તેના ધાર્યા પ્રમાણે થવાનું ન હતું. માટે હવે શસ્ત્ર વડે બેમાંથી એકનો જીવ લીધા સિવાય બીજો કાંઈ ઉપાય રહ્યો નહીં. હવે બેમાંથી કોણે મરવું એ વાતને વિચાર રહ્યો. દેવળદેવીને મારવાનો આગળ કરણે વિચાર કીધો હતો, તેને કાપી નાંખવાને તેણે તલવાર ઉગામી હતી, પણ એ અસ્વાભાવિક કામ કરવા જતાં તેનું મન હઠી ગયું હતું. આવી બાળક છે કરીને શી રીતે મારી નંખાય ? માટે પોતે જ મરવું એ સારું છે, પોતાના જીવવાથી કાંઈ ફળ ન હતું; પોતે ઉમરે પણ પહોંચ્યો હતો, પોતાને સુખના દિવસ પાછા આવશે એવો સંભવ ન હતો; તેથી દુઃખમાં બાકીનાં વર્ષ કાઢવા કરતાં એકદમ આયુષ્યની દોરી તોડી નાંખવી એ સારૂં એમ તેણે નક્કી કીધું, તે રાત્રે બાર વાગતે જ્યારે કિલ્લામાં સઘળા ભર ઉંઘમાં હતા ત્યારે લુગડાં પહેરી એક તેજ તલવાર સાથે રાખીને કિલ્લામાંથી બહાર નીકળ્યો. તેનો દેખાવ જોવાથી જ તુરત જણાઈ આવે કે તે વખતે તે કાંઈ ભયંકર કામ કરવાને જાય છે. તે પોતાની દીકરીને જગાડીને છેલ્લી વાર મળ્યો પણ નહીં, તે પણ તેને અંતઃકરણથી આશીર્વાદ દઈને તથા તેની જીંદગી અને પ્રતિષ્ઠાના સંરક્ષણ વાસ્તે પરમેશ્વરની પ્રાર્થના કરી ત્યાંથી ચાલી નીકળ્યો. બહાર મેદાનમાં પૂર ચાંદરણું ખીલી રહ્યું હતું તેમાં વચ્ચે વચ્ચે ઝાડો તથા ડુંગરેના ઓળા પડ્યા હતા. હવા બિલકુલ સ્થિર હતી, ઝાડનાં પાંદડાં લગાર પણ હાલતાં ન હતાં, સઘળું ચુપાચુપ હતું, તેમાં કરણનાં પગલાં સાફ સંભળાતાં હતાં, તે વખતે વખતે ઈશ્વરનું સ્મરણ કરતો હતો, અને આખી દુનિયાની આ છેલ્લી ભેટ લેતો હતો. થોડીએક વાર સુધી ઉંચી નીચી ભેાંય પર ચાલ્યા પછી તે એક મોટા મહાદેવના દેહેરા આગળ આવી પહોંરયો, તે દેવસ્થાન તે જગોએ,એ ઘણું નામાંકિત હતું, અને તે ઘણું વિસ્તીર્ણ હતું, તે રાત દહાડો ઉઘાડું હતું, અને આ વખતે તેમાં કે તેની આસપાસ કોઈપણ માણસ ન હતું. કરણ તે દેહેરામાં જઈ જ્યાં શિવલિંગ હતું ત્યાં ઉભો રહ્યો, તેણે ત્યાં કેટલીક વાર સુધી એકચિત્તે મહાદેવની સ્તુતિ કીધી, પછી મહાદેવની પૂજા કીધી, અને થોડાંક ફુલ પોતાની સાથે લઈ આવ્યો હતો તે તેના ઉપર ચઢાવ્યાં, પછી તે ઘણા જુસ્સાથી ઉભો થયો, અને તલવાર મિયાનમાંથી કાઢીને પોતાની ડોકે અડકાડી મોટેથી અને જુસ્સાથી બોલ્યો: “ હે મહાદેવ ! હે ભોળાનાથ ! હે શંકર ! હું કેવી આફતમાં આવી પડ્યો છું તે તું સારી પેઠે જાણે છે. તેમાંથી ઉગરવાનો કાંઈ રસ્તો સુઝતો નથી, માટે રે જગતના પ્રલયકર્તા ! આ તારી સમક્ષ મારો દેહત્યાગ કરૂં છું, નહી તો બચવાનો માર્ગ બતાવ.” એટલું કહો તેણે તલવાર આઘી ખસેડી જોરથી ઉગામીને ડોક ઉપર મારવાની તૈયારી કીધી; પણ તેટલામાં કોઈએ તેનો હાથ પકડ્યો હોય એમ લાગ્યું. તેની તલવાર ભોંય ઉપર પડી ગઈ અને આકાશવાણી થતી હોય એમ ઘુમટમાંથી નીચે પ્રમાણે શબ્દ સંભળાયો–“ અરે કરણ રાજા ! તારા દુ:ખનો પાર જ નથી, પણ તું આપઘાત કરીશ માં, જે થાય તે થવા દે, તને કાલે બચવાનો રસ્તો જડશે માટે ધીરજ રાખ.” કરણે એ શબ્દ સ્પષ્ટ સાંભળ્યા, અને તેનો અર્થ પણ તે સમજ્યો. મહાદેવની એ વાણી થઈ એવી ખાતરી તેને થઈ તેથી સંતોષ પામ્યો, અને આકાશવાણી ખરી પડશે એવો પૂરો ભરોસો રાખીને તેણે તલવાર મિયાનમાં ઘાલી, મહાદેવને સાષ્ટાંગ દંડવત કીધા અને પાછો કિલ્લા તરફ ગયો.

બીજે દિવસે શેહેરના કેટલાએક લોકોએ કોટ ઉપર ચડીને સલાહનું નિશાન દેખાડયું. તે ઉપરથી અલફખાંએ પોતાની તરફથી કેટલાંએક માણસોને મોકલ્યાં. તેમની આગળ શહેરના લોકોએ પોતાની સઘળી હકીકત કહી. તેઓની કેવી દુર્દશા થઈ હતી તે સઘળું તેઓને દયા ઉપજે એવી રીતે કહી સંભળાવ્યું. તે આખું શેહેર તેઓને સ્વાધીન કરવાને કબુલ કીધું, પણ એટલી શરત કીધી કે અમારી માલમિલકતને તમારે છેડવી નહીં, તેઓએ કહ્યું કે અમે મરી રહેલા છીએ; હવે મરતાંને મારવામાં કાંઈ આબરૂ તથા મોટાઇ નથી. વળી કરણ રાજા તથા દેવળદેવી તમારા હાથમાં આવશે એટલે તમારું ધારેલું કામ પાર પડશે, પછી શહેરના બીચારા નિરપરાધી લેાકેાને મારી નાંખવામાં તથા તેમની મિલકત લુંટી લેવામાં તમને શો ફાયદો છે? માટે એ વાત તમારા સરદારને કહો, અને જો એ પ્રમાણે કરવાને તમે અભયવચન આપો તો અમે શેહેર તમને આજે સ્વાધીન કરીએ. મુસલમાનોએ સઘળી વાત જઈને અલફખાંને કહી, તેથી તે સરદારને ઘણી દયા આવી અને તેઓની અરજ વાજબી, તથા કબુલ કરવામાં કાંઈ નુકશાન થાય એવી નથી એમ જાણીને શેહેરના લોકોને તે કબુલાત કહી સંભળાવી, અને તે દહાડે રાત્રે શહેરના દરવાજા ઉઘાડા મૂકવાનું ઠરાવ્યું, પેહેલી રાત્રે શહેરના લોકોએ એક દરવાજો ઉઘાડ્યો, અને મુસલમાન લોકો પાસે જ હતા તેઓ ધસારો કરી માંહે પેંઠા. શેહેરમાં પેસતાં જ તેઓ કરણ તથા દેવળદેવીને શોધવા લાગ્યા. રસ્તામાં કેટલાએક મરદો તથા બઈરીઓ તેઓને જોવાને ઉભેલાં હતાં તેઓમાંથી જ કોઈ દેવળદેવી હશે એમ તેઓને વેહેમ જવાથી તેઓ તેમને પકડીને ઘસડવા લાગ્યા અને તેમનું ઘણીએક રીતે અપમાન કરવા લાગ્યા, એ પ્રમાણે તેઓએ ઘણાંએક બઈરાને કીધું. તે તેઓના ધણીથી તથા બીજા માણસોથી ખમાયું નહી, માટે તેઓએ મુસલમાન સીપાઈઓ સાથે પહેલાં તકરાર કીધી; પણ તે તકરારથી કાંઈજ ફાયદો થયો નહી, ત્યારે તેઓએ વળગાઝુમી કીધી, અને તેમ કરવામાં આખરે મારામારી ઉપર આવી ગયા. મુસલમાનોને આટલી મુદત સુધી,શેહેર આગળ પડી રહેવું પડયું, તથા તેઓમાંના ઘણા ખરા માર્યા ગયા, તેથી તેઓ શેહેરના લોકો ઉપર ઘણા ગુસ્સે હતા. તેમાં વળી જ્યારે આ લડાઈ કરવાનો પ્રસંગ આવ્યો, ત્યારે તેઓએ આટલા દિવસનું એકઠું થએલું વેર એકદમ તેઓના ઉપર કાઢવાનો નિશ્ચય કીધો. ત્યાં તલવારો નીકળી, અને કેટલાએક જેઓ દુકાળ તથા મરકીના સપાટામાંથી બચ્યા હતા તેઓ આ લડાઈમાં માર્યા ગયા. જ્યારે આ ગરબડાટ શહેરના મુખ્ય બજારમાં થઈ, તે વખતે કેટલાએક અટકચાળા તથા લુંટવાની ઉમેદ રાખનારા મુસલમાનોએ એક દુકાન સળગાવી મૂકી. એ આગ લાગવાથી સઘળા મુસલમાન સીપાઈઓ ઘણા ખુશ થયા. તેઓને એટલું જ જોઈતું હતું. જ્યારથી અલફખાંએ શેહેરના લોકોની જીંદગી તથા માલમિલકત બચાવવાને અભયવચન આપ્યું, ત્યારથી તે સીપાઈઓ નાઉમેદ થઈ ગયા હતા. તેઓને લુંટ મેળવવાની આશા હતી, અને તે પુરી પડશે એવી આખર સુધી તેઓને ખાતરી હતી, પણ છેલ્લી વારે તે આશા ભંગ થઈ ગઈ એ જોઈને તેઓ ઘણા ખીજવાયા હતા. પણ જયારે આગ લાગી, અને તે હવે પથરાઈને આખા શેહેરમાં ફેલાશે ત્યારે લોકનાં ઘરમાં ભરાવાને તથા તેમાંની દોલત લઈ લેવાને કાંઈ હરકત પડશે નહી, એ ધારણાથી તેએાએ આગ હોલવવાની કાંઈ મેહેનત કીધી નહીં. બલકે શેહેરને બે ત્રણ ભાગમાં થોડાએકે જઈને નાનાં નાનાં ઘરો સળગાવી મૂકયાં. રાતનો વખત, પવન નીકળેલો, કોઈ હોલવનાર મળે નહી. શેહેરમાં થોડાં જ માણસ રહી ગયેલાં અને તેઓ એવાં અશક્ત કે તેઓથી કાંઈ કામ બની શકે નહી, તેથી આગ ઘણા જોરથી ફેલાઈ અને થોડા વખતમાં આખું શેહેર અગ્નિની ઝાળમાં લપેટાઈ ગયું. આ વખતે શહેરનો દેખાવ ઘણો ભયંકર થઈ રહ્યો. ઘરો સઘળાં ઘાસની પેઠે ભડભડ બળવા લાગ્યાં. મુસલમાન સીપાઈઓમાં કાંઈ બંદોબસ્ત રહ્યો નહી, તેઓ સઘળા અલફખાંના હુકમથી ઉલટા ચાલીને બધા શેહેરમાં ફરી વળ્યા, અને જે મોટાં મોટાં ઘરો તેઓની નજરે પડયાં તેમાં પેસીને લુંટફાટના કામમાં પડયા.

આગ એ એક મોટી આફત છે તેમાં વળી બાગલાણ જેવી અવસ્થામાં આવી પડેલા શેહેરમાં આગ, એથી તો આડો આંક જાણવો. કેટલાક મરકીના રોગથી પીડાતા તથા ભુખે અધસસતા થઈ ગયલા લોકો જેઓ ઉઠી શકતા ન હતા તેઓ ઘરમાં ને ઘરમાં જ બળી મુઆ. તેઓને કાઢનાર કોઈ મળે નહી. કેટલાએક પોતાના જીવ બચાવી શકે તેવા હતા તેઓ પોતાનાં બઈરાંછોકરાંને તથા ધન દોલતને છોડીને નાઠા, બઈરીઓ તથા છોકરાં જેટલાં નાશી શકયાં તેટલાં બચ્યાં, બાકીનાં આગમાં ફૂંકાઈ ગયાં, કેટલાએક કીમતી દાગીનાની એક નાની પેટી લઈ બહાર નીકળતા તેઓને રસ્તામાં મુસલમાનો પકડતા, તથા તેઓની પાસે જે હોય તે છીનવી લેતા, જે બીચારા પૈસા વગર ખાલી હાથે મળતા તેઓને પકડીને ખુબ માર મારતા અને તેને ઘેર તેઓને લઈ જવાનું તથા દોલત બતાવવાનું તેની પાસથી કબુલ કરાવતા. જેઓ ઘરમાં પડી રહેતા હતા તેઓને પણ મારફાડ કરી દ્રવ્ય કયાં સંતાડ્યું છે તે દેખાડવાની જરૂર પાડતા. જેઓ પૈસા બતાવે નહી, અથવા જેઓની પાસે પૈસા હોય નહીં તેઓને વહેમ ઉપરથી એટલો માર મારતા કે તેથી તેઓ જલદીથી મરણ પામતા. એ પ્રમાણે શેહેરમાં ગડબડાટ થઈ રહી. જે હિંદુ જાય તેને અટકાવી મુસલમાન સીપાઈ કહેતા કે, “કાફર ! પૈસા દેખાડ.” તે વખતે જે તેઓનું મન ન મનાવે તો તલવાર વડે તેના બે કડકા કરી નાંખતા. અલફખાંનો હુકમ કોઈ માનતું ન હતું તેથી તે ઘણો ચીઢવાઈ ગયો. તેનાથી લશ્કરમાં બંદોબસ્ત રાખી શકાયો નહી, એ જ તેના મનને મોટી નામોશી લાગતી હતી. પણ આ વખતે તો તેના મનમાં એક બીજી મોટી ફીકર હતી તેને દેવળદેવીને હાથમાં લેવાની ઘણી જ આતુરતા હતી. આ સઘળી લડાઇનું કારણ જો છેલ્લી વખતે છટકી જશે તો તે ફરીથી હાથ લાગશે નહી; લડાઇ સઘળી વ્યર્થ જશે; પાદશાહ ઘણો કોપાયમાન થશે, અને તેની જીંદગી રદ જેવી થઈ જશે. તેના મનમાં મોટી ધાસ્તી હતી કે જો આ વખતે તે જતી રહેશે તો તેને અટકાવનાર કોઈ નથી, માટે લશ્કરને પાછું એકઠું કરી તેને જલદીથી શોધી કાઢવી જોઈએ. એક વાર તે હાથ લાગી એટલે પછી શેહેર જેટલું લુંટવું હોય તેટલું લુંટે તેમાં કાંઈ આપદા ન હતી. તેણે સીપાઈઓને સમજાવ્યા, ધમકાવ્યા તથા બીજા ઘણા ઉપાયો કીધા, પણ કોઈ લુંટમાંથી પાછું આવ્યું નહી.

હવે જ્યારે કરણ રાજાને આ સઘળી વાતની ખબર પડી ત્યારે તેને ઘણી જ ખુશી થઇ. તેણે જોયું કે જ્યારે અલફખાંના સીપાઈઓ લુંટવાના કામમાં પડેલા છે ત્યારે નાસી જવાનો સારો લાગ છે. કમળપૂજા કરી રહ્યા પછી જે આકાશવાણી તેણે સાંભળી હતી તે હમણાં ખરી પડશે એમ તેને લાગ્યું, કેમકે તેને પકડનાર તથા હરકત કરનાર કોઈ જ ન હતું. તેણે ત્યાંથી નાસવાની તૈયારી કીધી. અને પોતે, ભીમદેવ, દેવળદેવી તથા થોડાંએક ખાનગી માણસો એટલાં કીલ્લાને પાછલે રસ્તે નીકળ્યાં, અને ઘણા જલદ ઘોડા તૈયાર રાખેલા હતા તે ઉપર સવાર થઈને તેઓ પૂર વેગે દેવગઢ જવાને નીકળી પડ્યાં. રસ્તામાં દુશમનોનું એક પણ માણસ તેઓને મળ્યું નહી તેથી તેઓ નિરાંતે ઝડપથી કુચ કરી આગળ ચાલ્યાં.

જયારે બાગલાણમાં સઘળી દોલત લુંટાઈ રહી ત્યારે મુસલમાન સીપાઈઓ અલફખાંની રૂબરૂ હાજર થઈ ગયા, અને જે તકસીર કીધી હતી તેને માટે તેઓએ માફ માંગી. તે વખતે મધ્યરાત્રિ થઈ હતી, પણ અલફખાં તેઓને લઈને તુરત કીલ્લા તરફ ગયો, પણ અંદર જવાનો રસ્તો કાંઈ જડ્યો નહી. કેટલીએક વાર આણીગમ તેણીગમ ફર્યા પછી તેઓને એક માણસ હાથ લાગ્યું, તે તેઓને કીલ્લાની પાછળની બાજુએ લઈ ગયો ત્યાંના દરવાજા ખુલ્લા હતા તેટલા ઉપરથી અલફખાં નિરાશ થઈ ગયો, અને તેણે તુરત અનુમાન કીધું કે પક્ષીઓ પાંજરામાંથી ઉડી ગયાં. તો પણ કદાચ દરવાજો જાણી જોઇને ઉઘાડો મૂકયો હોય કે ખુલ્લો જોઇ બીજાના મનમાં આવે કે તેમાં કોઈ નહીં હોય, અને તેમ જાણી વધારે ખોળ ન કરે, અને તેઓ તેમાં સંતાઇ ગયાં હોય, માટે જ્યારે આટલે સુધી આવ્યા ત્યારે કીલ્લાની માંહે સઘળે ફરીને જોવું, અને તેઓ ત્યાં નથી એ વાતની પાક્કી ખાતરી કરવી, એ મતલબથી તેઓ કીલ્લામાં પેંઠા, અને મોટી મેાટી મશાલો સળગાવી કીલ્લામાં ખુણેખોતરે સઘળે જોઈ વળ્યા. સવાર થવા આવી પણ કરણ, દેવળદેવી, કે કોઈ ત્યાં માલમ પડ્યું નહી તેથી અલફખાંને ઘણી દીલગીરી તથા ગભરાટ થયો. લગભગ હાથમાં આવેલી દેવળદેવી તેણે ખોઈ. તેની સઘળી મહેનત છુટી પડી. તેણે સીપાઈઓને હજારો ગાળો દીધી. તેઓ લુંટવામાં પડવાથી તેનું કામ સઘળું બગડી ગયું. હવે કેમ થશે ? તેની ખાતરી થઈ કે દૈવ તેની સામા છે અને કરણની સામા લડવું અને દૈવની સામા લડવું બરોબર છે, તેને હમણાં વેહેમ પડવા લાગ્યો કે મારા દહાડા હવે પડતા આવ્યા છે, મારો સૂર્ય અસ્ત પામવા ઉપર આવ્યો છે, માટે મારા કામમાં ધાર્યાથી ઉલટું જ થાય છે. તેના મનમાં હવે નક્કી થયું કે તેઓ ઘણે આઘે નીકળી ગયાં હશે, અને દેવળદેવી એક વાર દેવગઢમાં પહોંચી, અને શંકળદેવને પરણી, એટલે તે સઘળું થઈ ચૂકયું પછી તેમાં કાંઈ ઉપાય ચાલવાનો નથી, તોપણ જ્યાં લગી આશા છે ત્યાં લગી શ્રમ તો કરવો જોઈએ, એમ ધારી તેણે દેવગઢ તરફ જવાનો પોતાના સીપાઈઓને હુકમ કીધો, તેઓ ઘણા જલદીથી આગળ ચાલ્યા, જરા પણ આરામ લેવાને ઉભા રહ્યા નહી. જ્યારે સાંજ પડી, અને થોડું થોડું અંધારું સઘળે પથરાયું, ત્યારે તેઓએ ક્ષિતિજમાં ધુળ ઉડતી જોઈ તે ઉપરથી તેઓએ અનુમાન કીધું કે એ જ કરણનાં માણસો હશે, એમ ધારીને તેઓ વધારે વધારે ઝડપથી દોડ્યા, અને જેમ જેમ પાસે જતા ગયા તેમ તેમ કરણનાં માણસો સ્પષ્ટ દીસવા લાગ્યા, આણીગમ કરણે પણ જોયું કે દુશમન તો લગભગ પાસે આવી ચૂકયા. તેઓ ઘણા થાકી ગયલા હતા તેથી વધારે ઝડપથી જવાને અશક્તિમાન હતા, પણ તેઓને સંતોષ એટલો જ હતો કે હવે રાત પડવા આવી હતી; આગળ ઝાડી ઘણી ખીચોખીચ હતી, તથા રસ્તા ઘણા વિકટ હતા. વળી ગામડાના લોકો જેઓ આ રસ્તાના ભોમીયા હતા તેઓ મુસલમાન લોકોને ભમાવ્યા વિના રહેશે નહીં, એટલે આપણને દેવગઢ જવાને વખત મળશે. અલફખાંએ મશાલ તૈયાર કરાવી એટલા જોરથી કુચ કીધી કે છેક કરણની પાસે તે આવી પહોંચ્યો. આ જ વખત સમાલવાનો હતો. આ વખતે કાંઈ તદબીર કરવામાં નહી આવે તો દેવળદેવી નિશ્ચય મુસલમાનોના હાથમાં પડશે, માટે ભીમદેવ પોતાના માણસો સાથે દેવળદેવીને લઈને એક બાજુ તરફના રસ્તા પર નીકળી ગયો, અને અલફખાંને એકલા કરણની પાછળ જવા દીધો. એ પ્રમાણે કરણ તથા દેવળદેવી જુદાં પડ્યા, એ વાત અલફખાંને માલમ ન હતી, માટે તેણે દેવળદેવીની ઉમેદે કરણની પાછળ દોડ કીધી. રાત અંધારી હતી, ઝાડી ઘણી જ ઘાડી આવી પડી; બંને લશ્કરવાળાઓએ તે રાત્રે ઘણું જ દુઃખ ભોગવ્યું, પણ કોઈ હઠ્યું નહી આખી રાત મુસલમાનોએ ચાલ ચાલ કર્યા કીધું; અને જ્યારે સવાર પડી, ત્યારે તેઓ એક મોટા મેદાનમાં આવ્યા એમ તેમને માલમ પડયું, ત્યાં તજવીજ કરતાં જણાયું કે દેવગઢ ત્યાંથી હવે એક મંજલ દૂર રહ્યું હતું. પણ અફસોસની વાત એટલી જ કે કરણનું કાંઈ ઠામ ઠેકાણું જડ્યું નહી; તેની કોઈ નિશાની નજરે પડી નહી. હવે તો નક્કી થયું કે કરણ દેવગઢ પોંહોંચ્યો હશે, અથવા જલદીથી પોંહેાંચશે, માટે પાછળ દોડવામાં કાંઈ ફળ નથી, માટે છેક નિરાશ થઈ અલફખાંએ ત્યાં મુકામ કીધો અને તપાસ કરવાને ચોતરફ માણસો મોકલ્યાં, આખો દહાડો વહી ગયો તોપણ કાંઈ ખબર મળી નહી. કરણ તો દેવગઢ સહીસલામત આવી પહોંચ્યોં. અને ભીમદેવ આડે રસ્તે પડ્યો હતો તે કેટલેક દૂર જઈ એક ગામમાં મુકામ કરી ત્યાં રહ્યો અને તે ઠેકાણે દુશ્મનોનો આવવાનો સંભવ નથી, એવું જાણીને ત્યાં એક દહાડો થાક ખાઈ બીજે દિવસે ત્યાંથી નીકળવું એવો ઠરાવ કીધો.

પ્રકરણ ૧૫ મું.

બીજે દહાડે સાંજ પડવાની વખતે એક નાના ગામમાં ગડબડ થઈ રહી હતી, ઠેકાણે ઠેકાણેથી ઘોડાનો હણહણાટ સંભળાતો હતો, તથા ચેારા ઉપર ઘણાએક સવારો તથા સીપાઈઓ એકઠા થઈ બેઠા હતા. કેટલાએક નકામા ગામમાં આણીમેર તેણીમેર ફર્યા કરતા હતા. કેટલાએક ગામની બહાર સીમમાં પોતાના ઘોડાઓને વાસ્તે ચારો શોધતા હતા, ગાયો તથા ગોધા ચરીને મસ્તી કરતાં તથા રસ્તામાં કોટેકોટ ધુળ ઉડાવતાં પાછાં ગામ તરફ આવતાં હતાં. ખેડુતો પોતાનાં ખેતરોથી થાકેલા પાકેલા ધીમે ધીમે ઘર તરફ આવતા હતા, તથા તેઓના બળદો રાતનો વિસામો ખાવાને ઘણા આનંદથી સિગડાં ડોલાવતા તથા તેઓને ગળે બાંધેલા ઘુઘરાનો અવાજ કરતા ચાલતા હતા. વખત ઘણો રળિયામણો લાગતો હતો. સૂર્યનારાયણ પશ્ચિમને દરવાજેથી જતા રહેવાની તૈયારીમાં હતા, અને આકાશનો તે ભાગ નાના પ્રકારના રંગથી શોભાયમાન દીસતો હતો, આસપાસનાં ઝાડો તથા ફુલોનો મંદમંદ સુવાસ સઘળે પથરાઈ રહ્યો હતો, તેમાં માત્ર માણસની બેફિકરાઈથી તથા ફુવડાઈથી જ ઉત્પન્ન થતી દુર્ગંધ કોઈ વેળા ભળતી હતી. ગામમાં હરેક ઘરની સામાં એકેક ઉકરડો હતો તેમાં વર્ષોનાં વર્ષ થયા છાણ વગેરે ઘણીએક ગલીચી એકઠી થયાં કરતી હતી, એ ઝેરના ઢગલામાં સડેલી વનસ્પતિ તથા બીજા પદાર્થ કોહ્યાં કરતા, અને તેમાથી જે નાશકારક રજકણો હવામાં ઉડતાં હતાં તેથી લોકોમાં અનેક તરેહના રોગો પથરાતા હતા, તથા તેઓના આવર્દામાં ઘણો ઘટાડો થતો હતો. પણ તે બીચારાં પશુતુલ્ય પ્રાણીઓને એ વાતનું કાંઈ પણ ભાન ન હતું, પોતાના દૈવ ઉપર પાકો ભરોસો રાખીને, જે થાય છે તે ઈશ્વરની તરફથી બને છે એમ સમજીને, તથા તેઓનાં માબાપ છોકરાં, ધણીધણિયાણી, સગાંવહાલાં, વગેરે જેઓ મોતના સપાટામાં તેઓના યોગ્ય વખત પેહેલાં આવી પડેલાં તેનું કારણ કેટલેક દરજજે એ ઉકરડા જ હતા, તથા એ મૃત્યુને કાંઈક હદમાં રાખવું એ તેઓના હાથમાં હતું એ વાત જાણ્યા સિવાય, તેઓ સુખી અજ્ઞાન અવસ્થામાં પોતાના દહાડા કાઢતા હતા. તે ગામના એક નીચા ઘરમાં એક ઓરડામાં તે સાંજરે બે માણસ બેસી ધીમે ધીમે વાતચિત કરતાં હતાં, તેઓમાંથી એક પુરૂષ તથા બીજી સ્ત્રી હતી. પુરૂષની વય આસરે ૪૦ વર્ષની દેખાતી હતી; પણ કેટલાંક કારણોને લીધે તે વૃદ્ધાવસ્થામાં વેહેલો આવી પડયો હોય એમ લાગતું હતું, તેનું શરીર સુકાઈ ગયેલું તથા ચામડીનો રંગ છેક કાળો પડી ગયલો હતો, આખા શરીરે તે ખંજવાળ્યાં કરતો હતો. તેની આંખ લાલચોળ તથા ઉંડી પેસી ગયલી હતી, માથા ઉપર તાલ પડ્યાથી તે કાચના જેવું ચળકતું હતું; અને તે ઉપર આફ્રિકા મહારણમાં લિલોતરીની કોઈ નાની જગા માલમ પડે છે તેમ સફેદ થોડાએક નિમાળા ઉડતા હતા, તેના આખા દેખાવ ઉપરથી જણાતું હતું કે તે કોઈ નઠારા વ્યસનમાં ગરક થવાથી અશક્ત થઈ ગયલો હતો; અને ખરી વાત પણ તેમ જ હતી. તે ભાંગનો પૂરો ગરાડી હતો. આખા દહાડામાં જો તેને આશરે ચાર અથવા પાંચ શેર ભાંગ ન મળે તો તે મરવાતોલ થઈ જાય, પણ એટલી ભાંગથી તે ધરાતો ન હતો. અફીણ, ગાંજો તથા બીજી કેફી વસ્તુઓ પણ રોજ તેના ખપમાં આવતી હતી તેથી આખો દહાડો અમલ કરવા સિવાય તેનાથી બીજું કાંઈ કામ થઈ શકતું ન હતું. આ સઘળાનું પરિણામ એ થયું કે તેનાથી કાંઈ ધંધો રોજગાર થઈ શકતો નહી. ગામમાં ઘામોટપણું કરવામાં જે કાંઈ થોડી ઉપજ આવે તેમાંથી તેની તરફથી કામ કરનાર બ્રાહ્મણને અધોઅર્ધ આપવું પડતું હતું, અને બાકીના અર્ધામાંથી પોતાની સ્ત્રી અને પાંચ છોકરાંનું ગુજરાન કરવું પડતું હતું, તે બીચારો ઘણી કંગાલ અવસ્થામાં હતો, પણ જો તે એકલો હોત તો ગમે તેવી દુર્દશાથી તે સંતોષ પામી પોતાના કાળનો નિર્વાહ કરત, પણ તેની સ્ત્રી ઘણા જ જુદા સ્વભાવની હતી, અને તેના ઠોક તથા ધાકથી નિરન્તર તેને ઉપદ્રવ થયાં કરતો, અને જો કેફના અમલથી તે નિશ્ચિન્ત, તથા સદા આનંદી રહેતો ન હોત તો તેની સ્ત્રીના પૈસાના લોભથી તેનો જલદી અંત આવત, પણ હવે તો તેની બાયડીના ઠોક પણ પવનમાં ઉડી જતા હતા. તેની ગાળ ઘરની ભીંત માને તો તે માને, અને તેના વજ્ર જેવા બોલ તેની હાથી જેવી ચામડી ઉપર અથડાઈને પાછા પડતા હતા. તે સઘળાં કારણોને લીધે તેની બઈરીનો જીવ ઘણો ઉકળી જતો વખતે તેને ક્રોધ એટલો બધો ચઢતો કે પોતાના શરીરને ભારે દુઃખ પહોંચાડતી; ઘણીવાર તે પોતે ભુખી રહેતી; તથા પોતાના ધણીને ભુખ્યો રાખતી, એ વગેરે ઘણેક રસ્તે તેની રીસ ઉભરાઈ જતી. પણ શાંતિ, એ અમૂલ્ય ગુણ તેના સ્વામીમાં જોઈએ તે કરતાં વધારે હતો તેથી આખરે તેનો જ પરાજય થતો. એ ક્રોધાંધ સ્ત્રી શરીરે ઘણી કદાવર હતી. તેના દેખાવ ઉપરથી જ કોઈને ભય ઉત્પન્ન થાય, તેની ઉમર આસરે બત્રીશ વર્ષની હતી. આવી સ્ત્રી જેને હોય તેની ખરેખરી કમબખ્તી જાણવી. જેટલા ગુણો નઠારા ગણાય છે તેઓમાંના ઘણાખરા તેનામાં હતા, ક્રોધ, અદેખાઈ, નિર્દયતા, આદિ બીજા દુર્ગુણોનું તેના મન ઉપર ઘણું પ્રબળ હતું. પણ સૌથી વધારે તેનામાં પૈસાનો લોભ હતો. પૈસાને વાસ્તે તે શું નહી કરે, એ કહી શકાય નહીં. પૈસાને વાસ્તે રાતદહાડો તેનો જીવ બળ્યાં કરતો હતો. પણ ઈશ્વરનો બનાવ એવો બન્યો કે જેટલો તેનો લોભ વધારે તેટલી તેની દરિદ્રતા વધારે હતી. પોતાની અગણિત તૃષ્ણાઓને શાંત કરવાને જોઈએ તેટલા પૈસા તેને મળતા ન હતા એટલું જ નહી, પણ તેને ખાવાપીવાનાં તથા બીજી જીન્દગીને અવશ્ય વસ્તુઓના વાંધા પડતા. એ જ તેને ઘણું ભારે દુ:ખ હતું, અને તેથી જે રીસ તેના મનમાં ઉત્પન્ન થતી તે સઘળી તેના ધણી ઉપર તે કાઢતી. તે દહાડે તેને ઘેર મોટા શ્રીમંત પરોણા આવેલા હતા. ભીમદેવ તથા દેવળદેવી તેઓને ઘેર ઉતરેલાં હતાં. તેઓના દરજજા પ્રમાણે તેઓનું સન્માન કરવું, તેઓને કોઈ પણ પ્રકારે રાજી રાખવાં, એ વિષે તેને ઘણી ચિંંતા થતી હતી. તેને એવી આશા હતી કે જો તેઓ પોતાના રાજકુંવરને ખુશ કરશે તો તેઓ તેને ન્યાહાલ કરી નાંખશે, તથા તેઓનો દહાડો ફેરવી નાંખશે. એ મતલબસર તેણે ઘણીએક ગોઠવણ કીધી; પણ તેટલા ઉપરથી પોતાની ધારેલી મતલબ પાર પડશે, એ બાબત તેને ઘણો શક હતો. માટે આ વખતે કાંઈ તદબીર કરવી જોઈએ. તે શું કરવી એ વિષે તે ઉંડા વિચારમાં પડી હતી. દેવળદેવીના અંગ ઉપર ઘણું કીમતી ઘરેણું હતું તેટલું જ જો હાથ આવે તો જન્મ સુધી પાર પડી જવાય. પણ તે શી રીતે મળે ? મધ્ય રાત્રે તે જ્યારે ભર ઉંઘમાં હોય તે વખત તેને ગુંગળાવી મારી નાંખીને તમામ ઘરેણું ઉતારી લઈ રાતે ને રાતે નાશી જવું અને મુસલમાનોનું લશ્કર પાસે હતું તેથી તેને આશા હતી કે ભીમદેવ તેની શોધ કરવા પાછળ આવશે નહીં. એ વાત ઉપર જેમ જેમ તે દુષ્ટ ચંડાળે વધારે વાર વિચાર કીધો તેમ તેમ તેનું અંત:કરણ વધારે વજ્ર તથા નિર્દય થતું ગયું અને પૈસાના લોભથી તેના મનમાં સઘળા કોમળ વિચાર દબાઈ ગયા.

પણ તે કામ હવે કોણે કરવું ? તેણે પોતાના ધણીને પાસે બોલાવ્યો, અને તેની આગળ સઘળી હકીકત ઘણી અસરકારક રીતે કહી, અને છેલ્લે પોતાનું ધારેલું દુષ્ટ કામ તેની પાસે કરાવવાને તેણે હુકમ કીધો, પોતાની ધણીયાણીમાં પૈસાનો આટલો બધો લોભ હશે, તથા તેને લીધે આવું પાપી કર્મ કરવાને તે કહેશે, એવું હજી લગી તેના મનમાં ન હતું. તેથી આ ધારણા સાંભળીને તેને ઘણું જ આશ્ચર્ય લાગ્યું એટલું જ નહી, પણ તેને ઘણો ક્રોધ ચઢયો, તે બોલ્યો, “અરે! દુષ્ટ ચંડાળણી ! અરે શંખણી ! યુગના માહાત્મયને લીધે તારામાં કેટલું પાપ ભરાયું છે? અરે કસાઈ ! તને આ વિચાર તે કેમ સૂઝ્યો હશે ? અરે મારી પાસે સ્ત્રીહત્યા કરાવવી ? અને તે સ્ત્રી પણ રાજકન્યા, અને આપણા રાજાના પુત્રની સ્ત્રી ? અરરર ! હવે કલિયુગની ભર જુવાની બેઠી. આ કાળમાં પુરૂષો તો દુષ્ટ થઈ ગયા છે; તેઓએ તો સત્ય મૂક્યું; તેઓ પ્રપંચના ઉંડા કુવામાં પડ્યા, તેઓ માયાની મોહજાળમાં ફસાઈ પડ્યા છે; તેઓ પરમેશ્વરનો ભય જરા પણ રાખતા નથી; એ સઘળું તો જોયું છે. પણ સ્ત્રીઓ ! કોમળ હૃદયની સ્ત્રીઓ જેઓ અંધારામાં જતાં બીહે, જેઓ માખી મરતી જોઈને કમકમાટ પામે, જેઓના મનમાં દયા વધારે હોવી જોઈએ, તે સ્ત્રીઓ જ્યારે નિરપરાધી પ્રાણીની હિંસા કરવાનો વિચાર કરે, એથી તો સીમા વળી, અરે ભગવાન! આગળ કેવો કાળ આવવાને છે! તે હું ન જાઉં તો સારૂં. તેની અગાઉ, અરે ભગવાન ! તું મને ઉઠાવી લેજે. રાજદ્રોહ ! સ્ત્રીહત્યા શાસ્ત્રમાં મોટામાં મોટી કહેલી છે. અરે લક્ષ્મીબાઈ ! તેં, જગતમાં સઘળાને વશ કીધાં છે, બીજા બધા દેવો તથા દેવીને મુકીને તારા સેવકો સઘળા થઈ પડ્યા છે. તારે વાસ્તે લોકો ઘણા અધર્મ કરે છે. અરે ! એક સ્ત્રી, વળી તે રાજકન્યા અને તે પણ પરોણાગતના આશ્રયમાં રહેલી, તેની હત્યા કરવાનો વિચાર મારી દુષ્ટ સ્ત્રીને સૂઝ્યો, અને તે ઘોર પાપ મારી પાસે કરાવવાને ધારે છે એથી તો આડો અાંક વળ્યો, હવે જગતમાં રેહેવામાં કાંઈ સાર નથી, હવે તો મારે સંન્યસ્ત ગ્રહણ કરવું જોઈએ, અને આ પાપી પ્રપંચી દુનીઆનો ત્યાગ કરવો જોઈએ, હું એક ગરીબ બ્રાહ્મણ છું, મને મારી ધણીયાણી તરફથી મહા સંતાપ છે, મારું ભરણ પોષણ પણ મુશ્કેલીથી થાય છે; તો પણ આટલાં બધાં દુ:ખની સાથે હું મારા કાળનો નિર્વાહ કરૂં છું. જગતની જંજાળ તથા કલિયુગના દુષ્ટ વિચારોથી વિરક્ત રહેવાને હું રંગપાણી લઉં છું હમેશાં નિશાની લેહેરમાં રહીને સંસારનો મહાસાગર ચેહેનથી તરી જાઉં છું. ભલે આકાશ તૂટી પડે તોપણ આ દુષ્ટ કર્મ, આ ઘોર પાપ હું કદી કરવાનો નથી મારે કાંઈ પૈસાનું કામ નથી, અને મારાથી એ કામ બને એવું નથી.”

રંગમાં ચકચૂર થયલા ભટ આ પ્રમાણે પહેલી જ વાર પોતાની ધણીઆણીની સામું બોલ્યા. ભટે પહેલી જ વાર પોતાની ભટાણીની મર્યાદા તોડવાને હિમ્મત ચલાવી. તે એ પ્રમાણે પોતાની આજ્ઞાનું ઉલ્લંઘન કરશે એવી ભટાણીને આશા ન હતી. અને તેની સાથે તે આવી રીતે ચાલશે એવો તેને વિચાર જ આવ્યો ન હતો. તેને એ વાતની તો પક્કી ખાતરી હતી કે એ કામ તેનાથી થવાનું નથી. તેને તો માત્ર તેની મદદ જોઈતી હતી પણ ઉપર પ્રમાણેનું બોલવું સાંભળીને તેનામાં સુતેલો સેતાન જાગ્યો, તેનામાં નખથી શીખ સુધી ક્રોધની જવાળા ઉઠી; તેનું મ્હોં રીસથી લોહીવર્ણ થઈ ગયું; તેના ડોળા લાલચોળ થયા, તથા આખા શરીર ઉપર તેનાં રૂઆં ઉભાં થયાં. આટલી બધી વાત સાંભળવાની તેનામાં ધીરજ રહો એ જ મોટું આશ્ચર્ય હતું, પણ ક્રોધને લીધે તેની છાતી બંધ થઈ ગઈ અને તેનાથી બોલી શકાયું નહી. પણ જ્યારે ભટ ઉપર પ્રમાણેનું ભાષણ કરી ચુપ બેઠા, ત્યારે ભટાણીનો સઘળો અગ્નિ પ્રદીપ્ત થયો; અને પેહેલો જુસ્સો તો તેણે ગાળ દેવામાં જ ખાલી કીધો, તે બોલી: “અરે ભંગી ! અફીણી ! ગાંજાખેર !અરે દુષ્ટ વ્યસની ! અરે બાયલા! તું પુરૂષને રૂપે સ્ત્રી છે, તને પુરૂષ બનાવવામાં બ્રહ્માની ભૂલ થઈ છે. મારાં કયા જન્મનાં પાપ નડ્યા કે હું તારે પાલવે પડી. મારાં માબાપ આંધળાં હશે કે મારે વાસ્તે આવો ધણી શોધી કાઢ્યો. તને તે મશાલ લઈને શોધી કાઢ્યો હશે. અરે, બીજા મરી ગયા હશે, કે તારે કર્મે હું પડી ? બળતી મશાલે ખરે બપોરે મને કુવામાં નાંખી. તને પરણીને હું શું સુખ પામી છું ? તું તો નિશામાં અાંધળો થઈને પડી રહે છે તે તેં કાંઈ જોયું છે ? બીજાં આપણી ન્યાતમાં બઈરાં કેવાં ફરે છે? લુગડાં ઘરેણાંથી તેઓ ભરપૂર રહે છે. તેઓના સઘળા કોડ તેઓના ધણી પૂરા પાડે છે. તેઓનાં મન રાજી રાખવાને તેઓ સવારથી સાંજ સુધી ગદ્ધાવહિતરૂં કરે છે. તેઓની મરજી સંભાળે છે. તેઓની સાથે હેતથી રહે છે. પણ હું અભાગણી કેવી ? એવું સુખ મારા જન્મારામાં ભોગવ્યું નથી. મારો અવતાર છેક એળે ગયો. મારાં સુખ તો સ્વપ્નામાં જ વહી ગયાં. મારી ઉમેદ તો ઉગતી જ દબાઈ ગઈ. અરે દૈવ ! મારા ઉપર આટલી આફત, આટલું દુ:ખ શા માટે નાંખ્યું ? ધણીધણીયાણીના સુખનો સ્વાદ તો મેં કોઈ દિવસ ચાખ્યો જ નથી; અરે, લુંગડાં, ઘરેણાં તો ક્યાંથી જ ? મુઆનામાં રળવાની શક્તિ નથી; પીટ્યાથી પોતાના પેટનું તે ભરણપોષણ થતું નથી; એ તો મારે લીધે તને, મને, તથા આ મુઅાં નાનાં નાનાં છોકરાંના ભુડકસને કકડો રોટલો મળે છે, તો પછી બીજું શું તું આપવાનો છે? જો હું બેસી રહું, જો હું રાત દહાડો ફીકરમાં રહેતી ન હોઉં, જો હું પેટને સારૂં ફાંફાં મારતી ન હોઉં, તો આપણે સઘળાં ભુખે મરી જઈએ, એ સઘળું એ મુઓ ભૂલી ગયો ? અને આજે મને શીખામણ દેવા બેઠો છે ! કળજુગ ને સતજુગ, બ્રહ્મા ને વિષ્ણુ ! બોલતાં જ આવડે છે ! એ કરતા તું પથ્થર થયો હોત તો હજારો લોકોને ધોવાને કામ લાગત. તેં મનખાદેહ ધરીને શું સાર્થક કર્યું ? પહેલાં પોતાના કુટુંબનું પોષણ તો થતું નથી. ધિક પડી તારા દેહને ! ધુળ પડી તારા અવતાર ઉપર ! અરે, બળ્યું તારું જીવતર કે બઈરીને લીધે તારૂં પેટ ભરે છે. તારા જેવા માણસ જીવતા અને મુએલ બંને સરખા. તું જીવીને શું ઉકાળે છે? આખો દહાડો નિશો કરીને ગધેડાની પેઠે પડી રહે છે. એવા વર કરતાં રંડાપો પણ હજાર ગણો સારો કે દેખવું એ નહી અને દાઝવું એ નહી, તું ખરેખરો મુએલા જેવો છે. તારા ગયા પછી આ ચુડો ફોડી નાખવો, અને આ ચોટલો બોડાવવો તેમાં દુઃખ શું છે? હું તે જીવતા ધણીએ રંડાપો ભોગવું છું. જે કામ તારે કરવાનું છે તે હું કરૂં છું. જો તું ઉદ્યમ કરી કમાતો હોત તે આ દુષ્ટ કામ કદી કરવું પડત નહીં. એ કલિયુગનું પણ માહાત્મ્ય નથી અને કોઈનું પણ માહાત્મ્ય નથી, એ તે તારૂં માહાત્મ્ય છે. હું જાણું છું કે એ મહા પાપ કરવાથી આપણે કોઈ દહાડો છુટકો થવાનો નથી. એ સ્ત્રીહત્યા કરવાથી જમના માર ખાવા છે, અને નરકના કીડા થઈ અવતરવું છે. પણ શું કરવું ? પેટને અર્થે કરવું પડે છે. શું આપણે જીવતાં સુધી દુઃખમાં અને દરિદ્રતામાં દહાડા કાઢવા ? શું આપણે જીવતાં આપણાં છોકરાંને ભુખે મરવા દેવાં ? અરે ગધેડા ! એ બાળહત્યા શું નહી ? આપણાં પેટનાં છોકરાં ભુખે મરે તે આપણે જોયાં કરીએ, અને સ્ત્રીહત્યા ને ધુળહત્યા કર્યાં કરીએ ! શું પૈસા મળશે તો મારે એકલીને ખાઈ જવા છે? તે સઘળાને કામ આવશે, વળી પૈસાને સારૂ પાપ કોણ નથી કરતું? રાજાથી રંક સુધી સઘળા પૈસાને વાસ્તે પ્રપંચ કરે છે. વ્યાપારીઓ જુઠું બોલે છે તથા ઘરાકોને છેતરે છે; સરકારી કારભારીઓ રૂશવત ખાય છે; કારીગર લોકો વખત ચોરે છે તથા વખતે ખરેખરી જણસની ચોરી કરે છે. બીચારા બ્રાહ્મણોને કાંઈ ચોરવાનું નથી, ત્યારે શું કરવું? પૈસા તો જોઈએ ત્યારે આ મહા પાપ કરવાની જરૂર પડે છે. મેં તો તારું મન જોવાને તને કહ્યું. હું જાણું છું કે તારામાં એવું કામ કરવાની શક્તિ નથી. પણ તું જુઠો ઢોંગ કરે છે તે જોઈને મને ઘણો ક્રોધ ચઢે છે. કેહેવત છે કે “અશક્તિમાન ભવેત્ સાધુ ” તારામાં શક્તિ નથી ત્યારે ધર્માત્માપણું જણાવે છે. અત્યાર સુધી પુરૂષનું કામ હું જ કરતી આવી છું, તું તારી પાઘડીને એબ લગાડે છે. તારી પાઘડી ઉતારીને મને આપ, અને આ મારી કાંચળી તું પેહેર. જો એ કામ કરવાની તારી ખુશી ન હોય, તો મુગો મુગો બેસી રહે, કોઈને કહેતો ના. ભટ આ પોતાની સ્ત્રીનું ભાષણ સાંભળીને છક થઈ ગયો; અને શિવ ! શિવ ! કરી ઈશ્વરનું ધ્યાન ધરી પોતાની જગોએ બેસી રહ્યો.

હવે ભટાણીએ રાતને વાસ્તે સઘળી તદબીર ગોઠવવા માંડી; પણ એ સઘળું કરવાની અગાઉ દેવળદેવીના શરીર ઉપર કેટલું ઘરેણું છે તથા તે ક્યાં ક્યાં છે તે પહેલાં જોઈ લેવાની જરૂર હતી; માટે ભટાણી ખુશ ચહેરો રાખીને દેવળદેવીની પાસે જઈને બેઠી, અને બઈરાંની રીત પ્રમાણે વાત કરવા લાગી, કેટલાએક જુદા જુદા વિષય ઉપર વાત કરીને ઘરેણાં વિષે બોલવા માંડ્યું, અને એમ કરતાં તેનું સઘળું જવેર તેણે જોઈ લીધું, તે વખતે રાત પડેલી હતી, અને જમવાની તૈયારી કરવી હતી, માટે ભટાણીએ તુરત રસોઈ કીધી, પણ તેનું મન રાંધવામાં ન હતું, દાળ દાઝી, ભાત બળી ગયો, અને રોટલી કાચી રહી. ભટાણીને રાત્રે એક દુષ્ટ અને ભયંકર કર્મ કરવાનું હતું, તેથી તેનું મન આવું અસ્થિર થઈ ગયું હતું, એમાં કાંઈ આશ્ચર્ય ન હતું. તેના અંતઃકરણમાં જુદા જુદા વિકારોનું તોફાન થઈ રહ્યું હતું કોઈ વાર દયા જય પામે, એટલે દ્રવ્યનો લોભ જોર પકડીને દયાને દાબી નાંખે, કોઈ વાર ધર્મની વૃત્તિ જોર પકડે ત્યારે પોતાની દુર્બળ અવસ્થા તથા પોતાનાં છોકરાંનું દુઃખ યાદ આવી તે વૃત્તિને કચડી નાંખે. એ પ્રમાણે તેના મનમાં ઉથલપાથલ થઈ રહી હતી પીરસવામાં પણ ભટાણીનું ચિત્ત ઠેકાણે ન હતું તેના દુષ્ટ વિચારથી તેને દૂર કરવાને અંત:કરણ તેને ધીમે ધીમે સમજાવતું હતું, પણ તે એકલાની સામા બોલનારા શત્રુ ઘણા હતા. જમનારાઓએ તેને બેબાકળી થયલી જોઈ, તેનું કારણ શું હશે તે ન જાણ્યાથી તેઓ મુગા બેસી રહ્યા. તેઓ સમજ્યા કે એ સ્ત્રીજાત છે માટે પુરૂષને દેખી શરમાય છે; પણ તેના મનનું માપ તેઓથી થઈ શક્યું નહીં. જ્યારે જ્યારે ભટાણીનું મન સ્થિર થતું, ત્યારે ત્યારે તે બોલતી કે આવા રાજકુંવર જેવા મોટા પરોણા અમારા ગરીબ ઘરમાં આવ્યા એ અમારૂં મોટું ભાગ્ય, તથા તેથી અમારું ઝુંપડું પાવન થયું; પણ તેઓની જોઈએ તેવી પરોણાગત કરવાને અમારી પાસે કાંઈ નથી તેથી અમને ઘણી લાજ લાગે છે, અને તેથી મારું મન આકુળવ્યાકુળ થઈ ગયું છે. ભીમદેવ તથા દેવળદેવીએ તેને મીઠાં મીઠાં વચન કહી ધીરજ આપી. આવે વખતે ને આવી જગાએ તેઓએ તેમને રાખ્યાં એ જ તેઓનો મોટો ઉપકાર થયો, અને એ ગુણનો બદલો કોઈ વાર પણ વાળવામાં આવશે, એ રીતે તેને ઘણો એક દિલાસો દીધો પણ જેને પેટમાં દુઃખે તેને માથે ઓસડ ચોપડવાથી શો ગુણ થાય ? એ પ્રમાણે તેઓ બંનેનાં વચન ભટાણીએ સાંભળી લીધાં. પણ તેને નાનપણથી કોઈએ ઉપદેશ કીધો હતો કે રાજાના બોલવા ઉપર ભરોંસો કદી રાખવો નહીં, તેઓ તો “ગરજ સરી એટલે વૈદ વેરી” એવી જાતના લોકો હોય છે માટે ભટાણીને તેઓના બેાલવા ઉપર કોઈ વિશ્વાસ આવ્યો નહી વળી તેનો વિચાર એવો હતો કે નિશ્ચિત વસ્તુ છોડીને જે અનિશ્ચિત વસ્તુ મળવા ઉપર ભરોંસો રાખે છે તેને કેવળ મૂર્ખ જાણવો તેના મનમાં તેના ધારેલા કામમાં કાંઈ મુશ્કેલી લાગતી ન હતી. અને નાસી જઈ બચવા વિષે પણ પૂરી ખાતરી હતી. અરેરે ! માણસની કેવી મૂર્ખાઈ છે ? દુનિયામાં ઘણા ખરા ગુનાહ આ જુઠા વિચારને લીધે જ થાય છે, તે પ્રમાણે ભટાણીના મનમાં આવતું હતું એમાં કાંઈ નવાઈ જેવું ન હતું. જમી રહ્યા પછી સૌ સુવાને ગયાં, અને તેઓને બીજે દહાડે સવારે જલદી કુચ કરવાની હતી તેથી તેઓ સઘળાં વહેલાં સુઈ ગયાં, અને તુરત ઉંઘવાને માટે પછાડા મારવા મંડી ગયાં. ભીમદેવનાં માણસો એકદમ નિદ્રાવશ થઈ ગયાં. ભટ પોતે પણ લાંબા થઈને સુતા, અને નિશામાં ચકચુર થયલા તથી પોતાની વહુની સાથે થયલી સઘળી વાત તેના મગજમાંથી ભુંસાઈ ગઈ અને લેહેરમાં ઉંધી ગયા. છોકરાં સઘળાં સુઈ ગયાં. માત્ર ઘરમાં ત્રણ જણ જાગતાં હતાં. એક તો ભટાણી પોતાના ઓરડામાં એક તલવાર તૈયાર રાખીને બિછાના ઉપર પછાડા મારતી હતી, અને ઘણી જ આતુરતાથી મધ્યરાત્રીના સમયની રાહ જોતી હતી. એક મિનિટ તેને કાળ જેવી લાંબી લાગતી હતી અને તેના મનની અવસ્થા એવી હતી કે તેનું યોગ્ય વર્ણન પણ થઈ શકે નહી. બીજો ભીમદેવ દુશ્મનના હાથમાંથી બચ્યો, તથા પોતાની રાજધાનીમાં બીજે દહાડે સાંજરે પોંહોંચાશે, એ વિચારથી તથા પોતાનું ધારેલું કામ સિદ્ધ થયું અને દેવળદેવીને પોતાના ભાઈ શંકળ દેવને વાસ્તે લઇ જઈશ, એ વાતથી તેને ઘણો આનંદ થતો હતો. તે છતાં પણ એક દહાડો હજી કાઢવો છે, તથા તેટલા વખતમાં કદાપિ શી શી વિપત્તિ આવી પડે તેની તેને ખબર ન હતી તેથી તેને ઉંઘ આવતાં મુશ્કેલી પડતી હતી. તોપણ થોડી વારમાં તે ભર ઉઘમાં પડ્યો. ત્રીજી દેવળદેવીની સ્થિતિ સુખદાયક તથા દુ:ખદાયક એ બંને હતી. અગર જો સાચા તથા પવિત્ર પ્યારનો રસ્તો નિર્વિઘ્ન હોતો નથી, અગર જો તે રસ્તો ઘણો વિકટ તથા ખડબચડો હોય છે, અગર જો ધારેલી ઉમેદ પાર પાડતાં ઘણો વિલંબ લાગે છે, તથા વચમાં ઘણી ઘણી અડચણો નડે છે, તોપણ અંતે સાચા સ્નેહનો જય થાય છે; અંતે વહાલાનો સંયોગ થાય છે; અને અંતે આગલાં સઘળાં દુ:ખના બદલામાં ઘણું સુખ મળે છે. એ વાત ઉપર વિચાર કીધાથી દેવળદેવીના મનને ઘણો દીલાસો મળતો હતો, તથા તેનો જીવ ઘણો ઉલ્લાસમાં હતો. પણ તે બીચારી હજી બાળક હતી, તેને હજી કાંઈ અનુભવ ન હતો. તેણે માત્ર તડકો જ જોયો હતો, છાંયડાનો તો તેને અનુભવ જ ન હતો. દુનિયામાં કેટલી હરકતો નડે છે તે તે જાણતી ન હતી, માટે જેની છબી તેના અંતઃકરણમાં રહી હતી, જેનું તે નિરંતર મનન કર્યા કરતી હતી, જેની સાથે તેણે પહેલે જ પ્યાર બાંધ્યો હતો, તથા જેને તેણે પોતાનું તન, મન, અને ધન અર્પણ કીધેલું હતું તેનો કાલે મેળાપ થશે, એ આતુરતાથી જ તેના જીવને અત્યારે જરા પણ ચેહેન પડતું ન હતું. તે બીચારી દેવળદેવીને કાલે શું થવાનું છે તેની ખબર ન હતી. તે આસપાસની હકીકત પ્રમાણે પોતાના મનની સ્થિતિ રાખતી. ભીમદેવ તથા તેનાં માણસો બહારથી ચિંતા વિનાનાં દેખાતાં હતાં, તેને લીધે તેના મનમાં ધીરજ રહેતી હતી, તથા તેઓની ખુશીની સાથે તેને ખુશી થતી હતી. પોતાના પરમ પ્રિયનું દર્શન, તેની સાથે પેહેલી મુલાકાત, પરસ્પરનો હેતનો ઉભરો, પ્રેમસહિત વાતચીત, તથા આગળ કેવાં સુખ ભોગવવાં છે, તે સઘળું તેની આંખ આગળ રમી રહ્યું હતું. કલ્પનાશક્તિ જોરાવર હોવાને લીધે તેને અતિ સુખ પ્રાપ્ત થતું. પણ અફસોસ ! ભવિષ્ય ઉપર એક ભયંકર કાળો પડદો પડેલો હતો અને પરમ દયાળુ પરમેશ્વરની કૃપાથી તે પડદાની આરપાર તેનાથી જોઈ શકાતું ન હતું, તેથી તેની પેલી ગમ સઘળું સુખરૂપ છે, એવી કલ્પનાથી તે બીચારી પોતાનો કાળનિર્વાહ કરતી, અને આ પ્રમાણે કલ્પેલું સુખ ભોગવવામાં જ તે નિદ્રાને વશ થઈ.

રાતના બે વાગ્યા. રાતનો ભરપૂર અમલ બેઠેલો હતો. ચન્દ્રમા અસ્ત પામ્યો હતો, અને સઘળે ઠેકાણે અંધકાર વ્યાપી ગયો હતો. આખી સૃષ્ટિમાં ચુપાચુપ હતું. માત્ર વખતે વખતે ઘુડ અથવા ચિબડીનો કઠોર શબ્દ કાને પડતો હતો. આ વખત ચોરોને ઘણો અનુકુળ પડે એવો હતો. એ વખત ભૂત, પિશાચ વગેરે મલીન પ્રાણીઓને બહાર ફરવા નીકળવાનો ગણાતો હતો. આ વખતે સદ્દગુણ આરામ પામતો હતો, અને દુર્ગુણ જ માત્ર જાગી ઘડી ગણતો હતો. એવે વખતે ભટાણી જાગૃત થઈને ઉઠી, અને ખુણામાં જે તલવાર સંતાડેલી હતી તે પકડી. તે ધીમે ધીમે જે ઠેકાણે દેવળદેવી સુતી હતી ત્યા ગઇ, અને પોતાના ધારેલા કામને પાર પાડવાની તૈયારી તેણે કીધી. ઓરડામાં સઘળાં ભર ઉંઘમાં હતાં, તેઓની ઘોરથી ઘણો મોટો તથા ભયંકર શબ્દ થઈ રહ્યો હતો, દીવો ઝાંખો ઝાંખો બળતો હતો તે પણ જેટલાં પ્રકાશનાં કિરણ તેમાંથી નીકળતાં હતાં, તેઓમાંથી ઘણાં દેવળદેવીના રૂપવંતા વદન ઉપર પડતા હતાં. આ અંધકાર અને અજવાળાની મર્યાદા ઉપર દેવળદેવી સુતી હતી, અને તેની પાસે ભટાણી હાથમાં નાગી તલવાર લઈને ઉભી હતી. આ કેવો દેખાવ ! આ વખતે કોઈ ચતુર ચિતારો હોય તો તેને પોતાના ચિત્રને માટે એક વિચિત્ર પણ ભયાનક વિષય મળી આવે. એક તરફ એક ભરજુવાનીમાં ફુટતી, રૂપાળી, નિર્દોષ સ્ત્રી ભરનિદ્રામાં ગર્ક થયલી હતી; અને બીજી તરફ એક મધ્યમ અવસ્થાની, ક્રૂર, ચંડાળ સ્ત્રી મહા પાપ કરવાને તત્પર થઇ હાથમાં પ્રાણઘાતક શસ્ત્ર લઈ ઉભી હતી. એક તરફ ઈદ્રની રંભા, અને બીજી તરફ એક શંખણી. એક તરફ કમળલોચની પોતાનાં નેત્રકમળની પાંદડી બીડીને વિશ્રાંતિ લેતી હતી; અને બીજી તરફ લોહીવર્ણ, ફાટેલા ખુની ડોળાવાળી રાક્ષસી દુષ્ટ, વાઘની પેઠે પોતાના શિકાર તરફ તાકતી હતી. એક તરફ સદ્દગુણી, શાંત મનની અબળા નિદ્રાદેવીની બાથમાં ભરાયલી હતી; અને બીજી તરફ સ્ત્રીના નામને એબ લગાડનાર બાયડી અતિ દુષ્ટ કર્મ કરવાને તત્પર થયલી હતી; તેના મનમાં જેમ વાવાઝરડાંથી સાગરનું પાણી ઉછળે છે તેમ ઉથલપાથલ થઈ રહી હતી. આ ભયંકર વખતે તેણે તલવાર ઉગામી તો ખરી, પણ તે નીચે પડતાં વચમાં અટકી ગઈ. ખરે કોઈ સત્યની, કોઈ સદ્ગુણની, કોઈ નિર્દોષપણાની રક્ષણ કરનાર દેવીએ તે શસ્ત્ર પકડી રાખ્યું. ભટાણીનો હાથ નિર્બળ થઇ ગયો, તલવાર હાથમાંથી પડી ગઈ, તેની કાયા શિથિલ થઈ થરથર કાંપવા લાગી; તેને સર્વાંગે પરસેવો છૂટ્યો; અને કપાળ ઉપર પાણીનાં ટીપાં બંધાયાં, તેના મ્હેાં ઉપરથી લોહી ઉડી ગયું, અને જેવો શરીરના બહારના ભાગમાં મોટો ફેરફાર થયો તેવો માંહે પણ થયો. પ્રિય વાંચનાર ! આ ઠેકાણે સવાલ ઉઠશે કે આ શાથી થયું ? અન્ત:કરણના પશ્ચાત્તાપથી જ. ભટાણીએ જો જતાં વાર જ ઘા માર્યો હોત, તો તે દુષ્ટ કામ થઈ ગયું હોત, પણ તેણે આવીને દેવળદેવીનું મ્હેાં કેટલીએક વાર જોયાં કીધું, તેથી ઉંચી વૃત્તિઓને જોર પકડવાને વખત મળ્યો; અન્તઃકરણે પાછો પોકાર કીધો. દેવળદેવીના સુંદર તથા નિર્દોષ મુખમાંથી જે શીતળ કિરણો નીકળ્યાં તેથી ભટાણીના મનની આગ હોલવાઈ ગઈ, અને એ વખત દયા તથા બીજા કોમળ વિકારો મદદે આવ્યા, તેથી ભટાણી બદલાઇ ગયાં. લાગલો જ પશ્ચાત્તાપ ઉત્પન્ન થયો. આ સુંદર કોમળ કાયા ઉપર કઠણ લોઢાનો ઘા કોણ કરી શકે ? આ રૂપાળા ફુલની કળી કોનાથી તોડાય ? આ શોભાયમાન વૃક્ષ ઉપર કુહાડો કેમ મરાય ? તેથી ભટાણી તલવાર પાછી લઈ પોતાની તળાઈ ઉપર સુઈ ગયાં, એમાં કાંઈ આશ્ચર્ય નથી. સદ્ગુણનું આટલું જોર છે, પશ્ચાત્તાપની એટલી અસર છે; પણ તે સઘળું થવાને માટે વખત અવશ્યનો છે. કોઇ પણ દુષ્ટ કર્મ કરવા અગાઉ જો થોડો ઘણો વખત મળે તો તે કર્મ થતું બંધ પડવાનો ઘણે સંભવ રહે છે.

પ્રભાતનું પહોર થવાની લગભગ વેળા થઈ. સૃષ્ટિનું રૂપ બદલાવા માંડ્યું. પક્ષીઓ તથા બીજાં પ્રાણીઓ જાગૃત થઈ પોતપોતાને કામે નીકળ્યાં. ગામનાં કુતરાંઓ ભસવા લાગ્યાં, સવારોના ઘોડાએાએ ખંખારવા માંડ્યું અને ભીમદેવનાં સઘળાં માણસો તૈયાર થઈ કુચ કરવાને નીકળ્યાં. ભીમદેવ પણ પોતાના ઘોડા ઉપર સવાર થયો. દેવળદેવી ઘરમાંથી બહાર નીકળી, અને તેને વાસ્તે જે ઘોડો તૈયાર કીધો હતો તે ઉપર તેણે બેસવા માંડ્યું તે વખતે ભટજી હાથ જોડીને ભીમદેવની આગળ ઉભા રહ્યા. આશીર્વાદના મંત્ર ભણ્યા, અને દક્ષણાને માટે આતુરતા દેખાડી. ભટાણી નીચું માથું રાખીને દેવળદેવીની સામી ઉભી રહી. રાતની વાત યાદ આવવાથી ભટાણીથી દેવળદેવીની સામું જોઈ શકાયું નહી. તેને એટલી તો શરમ લાગી કે જો તે વખતે ધરતી માર્ગ આપે તે તે માંહે પેસી જાય. દેવળદેવી તો તે સવારે ઘણી હસમુખી દેખાઇ, અને ઘણા ઉમંગથી ભટાણીને પાસે બોલાવી તેણે જે ચાકરી કીધી તથા આવે વખતે જે પરોણાગત કીધી તેને માટે તેનો ઉપકાર માન્યો, અને રાત્રે જેટલું જ્વેર તેના અંગ ઉપર હતું તે સઘળું એક દાબડામાં ભરી તેને આપી દીધું, અને તેની સાથે એવું વચન આપ્યું કે દેવગઢ પહોંચ્યા અને ત્યાં ઠરીઠામ થયા પછી તેને પણ ત્યાં બોલાવી લઈશ, અને પોતાની પાસે હમેશાં રાખીશ. ભટને પણ સો સેનાની મોહોરની દક્ષણા મળી, અને વળી રાજધાનીમાં ગયા પછી દરબારમાં બોલાવી તેનો જન્મ સુધી ન્યાહાલ કરી નાંખવાની કબુલાત આપી. આવી રીતે તે દુર્ભાગ્ય દરિદ્રી કુટુંબના સુખના સૂર્યનો ઉદય થયો, તેથી ધણીધણિયાણીને જે અતિ આનંદ થયો તેની વાંચનારાઓએ કલ્પના કરી લેવી. જો ભટજી નિશાના અમલથી સદા આનંદી ન હોત તો આ સુખની અકસ્માત રેલ આવવાથી તેનું મગજ ઘસડાઈ જાત, અને છેક ગાંડો થઈ જાત. તેમજ જો ભટાણીનું મન મજબુત ન હોત તો તે જ વખતે તે હર્ષ સનેપાતથી પડીને મરણ પામત. તેઓનાં મનમાં ઉપકાર ઉભરાઈ જવા લાગ્યો, અને આ ગુણનો કાંઈ બદલો વાળવાને તથા પશ્ચાત્તાપના કીડાને કાંઈ નરમ પાડવાને ભટાણીએ દેવળદેવીની સાથે જવાનો નિશ્ચય કીધો, અને તે બીજી દાસીઓના ટોળામાં પોતાનાં છોકરાંને સાથે લઈ સામેલ થઈ. ભટજી પણ તેની સાથે ચાલ્યા. એ પ્રમાણે સવારી ગામ બહાર નીકળી. ગામના લોકો તેએાને વળાવા આવ્યા, તથા પોતાના રાજકુંવરને વાસ્તે તથા જે તેઓની હવે પછી રાણી થનાર હતી તેના ઉપર તેઓએ ઘણે પ્યાર દેખાડ્યો; તેઓના ઉપર ફુલોની વૃષ્ટિ કીધી; અને ઘરડાથી તે બાળક સુધી સઘળાં માણસોએ પોતાના અંત:કરણથી તેઓને આશીર્વાદ દઈને પરમ કૃપાળુ ઈશ્વર પાસે એટલું માગી લીધું કે તેઓને રસ્તે દુષ્ટ મ્લેચ્છનો અથવા બીજા કોઈનો ઉપદ્રવ થાય નહીં, અને તેઓ સુખરૂપ તથા સહીસલામત રાજનગરીમાં જઈ પોંહોંચે. તેઓમાંથી આશરે સો જુવાનો હથિયારબંધ ભીમદેવની સાથે ચા૯યા અને બાકીના પોતપોતાને ઘેર ગયા.

જ્યારે ભીમદેવની સવારી દેવનગરી તરફ જતી હતી તે વખતે અલફખાં શું કરતો હતો તે ઉપર જરા આપણે નજર કરીએ. જે મેદાનમાં આવી અલફખાં અટક્યો ત્યાં જ તેણે તેના લશ્કરને માટે છાવણી કીધી. થોડી વારમાં તે ઠેકાણે એક ગામ બની રહ્યું; નાના પ્રકારના તંબુઓથી તે જગા શોભી રહી હતી. વચ્ચે એક મોટો બજાર મંડાયેલો હતો. લશ્કરને માટે જે જે અવશ્યનું હતું તે સઘળું ત્યાં આવી પહોંચ્યું હતું, અને અગર જો દુકાનદાર તથા બીજા કેટલાએક લોકોને ફાયદો હતો, અને તેથી તેઓ ઘણા આનંદમાં દેખાતા હતા તો પણ મુખ્ય સરદાર, નાના અમલદારો, તથા ઉંચા વર્ગના સીપાઈઓમાં ભારે દિલગીરી પથરાયેલી હતી. અલફખાંના દુ:ખનો તો કાંઈ પાર જ ન હતો. તેનાં કારણો એવાં તો ખુલ્લાં છે કે તે કહેવાની કાંઈ જરૂર નથી. હવે તે બિલકુલ નિરાશ થઈને બેઠો. હવે કાંઈ જ ઈલાજ રહ્યો નહી, અને હવે પછી શું થશે તેની તેને કાંઈ ખબર ન હતી. હવે આગળ જવામાં કાંઈ ફાયદો ન હતો. દેવગઢ એક મંજિલ દૂર રહ્યું હતું; પણ તે શેહેર ઉપર તેની પાસે જેટલાં માણસો હતાં તેટલાં લઈ જવામાં કાંઈ નફો ન હતો. એટલું જ નહી પણ ઘણું નુકશાન હતું, કેમકે એટલાં મુઠ્ઠીભર માણસો દેવગઢનો રાજા સહેજે કાપી નાંખશે, એમ તે સમજતો હતો, પાછું જવું એ વિના બીજો રસ્તો ન હતો, પણ એ કેવો દુ:ખદાયક વિચાર ! તેના સીપાઈઓ પણ તેવી જ દિલગીરીમાં ગિરફતાર થયા હતા. તેઓની સઘળી મહેનત છૂટી પડી, અને આટલું દુ:ખ તથા સંકટ વેઠ્યા પછી અપયશનો ગાંસડો બાંધ્યો. કાફર હિંદુઓ તેઓ ઉપર હાથ મારી ગયા એથી તેઓ ઘણા ગુસ્સે થયા. જો પોતાના દીનવાળાઓ સાથે લડતાં હાર્યા હોત તો આટલી ફજેતી ન હતી. તેઓ વારે વારે મુછ ઉપર તાલ દેતા હતા, અને તેઓની ચાલ ઉપરથી “મિયાં પડે પણ ટંગડી ખડી ” એ કેહેવત ખરી પડતી હતી. જ્યારે રાત પડી ત્યારે તેઓનાં જુદાં જુદાં ટોળાં બંધાયાં અને મોટાં મોટાં તાપણાં સળગાવી જુદે જુદે ઠેકાણે તેઓ કુંડાળાં વળીને બેઠા, તએમાંથી એક કુંડાળામાં બે સીપાઈઓ નીચે પ્રમાણે વાત કરતા હતા:–

સોભાનખાં-મિયાં ઇબ્રાહીમખાં ! અલ્લા તમને સલામત રાખે, પણ અલફખાંનું પાણી હવે ગયું, પાદશાહની હજૂરમાં તેણે વક્કર ખોયો. એ રંડી ખરેખર હાથમાંથી છટકી ગઈ, પણ અલ્લાના કસમ, એમાં અલફખાંનો કાંઈ વાંક નથી. તેનાથી જેટલી મહેનત થઈ તેટલી તેણે કીધી. સઘળી વાત ખુદાના હાથમાં છે. તેની એ પ્રમાણે જ ખુશી હશે.

ઇબ્રાહીમખાં – વાત તો સાચી કહી. રંડી હાથમાંથી છટકી તો ગઈ, અને તેમાં અલફખાંનો ઘણો કસુર નથી. પણ તેણે થોડી આપણી પણ મસલત કીધી હોત તો સારૂં. તે પોતાની જ અક્કલ પ્રમાણે ચાલ્યો તેમાં આવાં ફળ નીપજ્યાં. હવે તે પાદશાહને શી રીતે મ્હોં બતાવશે ? પણ એ સઘળું કારસ્તાન પેલા ખોજાનું છે. વધારે કહેવાની શી જરૂર છે ? થોડામાં સમજી લેવું, તેણે પોતાને આબરૂ મળવા માટે આ જંગલમાં એક ભુખડી રાજા ઉપર ચઢાઈ કીધી, અને આ જંગલમાં અને પહાડોમાં મુસલમાન લોકોને ફસાવ્યા. ખુદાને માલમ કે એનું પરિણામ શું થશે. પણ હાલ તો બીચારો અલફખાં ગરદન મરાયો. ખુદા ખેર કરે. શું થશે ?

સેાભાન – જ્યારે તમે આગળ વાત ચલાવી ત્યારે તો મારે કહેવું જોઈએ કે એ ખેાજાને તો એ રાંડ સાથે કાંઈ જ નિસબત નથી. એને તો દેવગઢના રાજાને પાધરો દોર કરવો છે, પણ પાદશાહના ઝનાનખાનામાં એક રજપૂતાણી રાંડ છે તેને પાદશાહ વશ થઈ ગયો છે. તે ખરેખરી પરીજાત છે. જેવી બેહેશ્તની હુરી. પાદશાહ તેનામાં ગુલતાન થઈ ગયો છે, એમાં કાંઈ નવાઈ જેવું પણ નથી. ઓરતની વાત જ એવી છે. તે રંડીના કહેવા ઉપરથી અલફખાંને અહીં આવવું પડ્યું. નાસી ગયલી એારત તેની દીકરી થાય છે. તેને દિલ્લીમાં પોતાની પાસે બોલાવવી છે. પાદશાહની વાતજ ન પૂછવી. અલ્લા જાણે, એ જુવાન છોકરીને પાદશાહ શું કરશે? માને પરણીને હવે છોકરી સાથે શાદી કરશે ? અગર નહીં તો શાહજાદા સાથે પરણાવશે ? કાફર લોકોમાં પણ ઘણી ખૂબસુરત ઓરતો છે તે ખુદાએ આપણે જ માટે પેદા કીધેલી છે. પણ જ્યારે પાદશાહ તે સઘળીને પોતાની પાસે ખેંચી લેશે, ત્યારે આપણા જેવા સીપાઈ બચ્ચાને ઓરતો કયાંથી મળશે ? પાદશાહનો પણ જુલમ છે.

મલેક જાફર – (વચ્ચે બોલી ઉઠયો ) કેમ છે મિયાં સાહેબો? કાંઈ અક્કલ ગીરે મૂકી છે? હજરતો ! કાંઈ જીન્દગીથી કાયર થયા છો ? નકામા મોત શા માટે માગી લો છો ? જો આ તમારી વાત પાદશાહના જાણ્યામાં આવશે તો તમારા કડકે કડકા કરી નાંખશે. તમે હજી અલાઉદ્દીન ખિલજીને ઓળખતા નથી, તે સઘળે ખાનગી જાસુસો રાખે છે અને ગમે તેવી છાની વાત થાય તો પણ તેને કાને પડ્યા વિના રહેતી નથી. માટે હમેશાં સમાલીને વાત કરવી જોઈએ. એમાં નફો નથી, ઉલટી હાનિ છે, માટે એ વાત બદલી નાંખવી જોઈએ; બીજી ઘણીએ વાત છે. સોભાન–ઇસ્‌તગ્‌ફેરૂલ્લાહ ! વાત સાચી છે. બીજા વાત કરવી જોઈએ. વારૂ આટલામાં કાંઈ જોવા લાયક જગા છે ? હવે ઈહાં નવરા પડી રહ્યા છીએ, ત્યારે કાંઈ ગમત કરવી જોઈએ.

મ. જા. – સુબાનઅલ્લાહ ! જગા તો એવી બતાવું કે તમે જોઈને ખુશ થઈ જાઓ, ઈહાંથી થોડેક દૂર કાફર લેાકેાનાં દેવળ છે. એવાં સઘળી જહાનમાં નહીં હશે. અલબત મક્કા, મદીનામાં જે આપણી મસ્જીદો છે તેની વાત તો કહેવી જ નહી. વેરૂલ કરીને એક પાસે ગામ છે તેમાં ગુફાઓ છે તેની શી તારીફ કરું ! તે ઉપરની નકશી તથા કોતરેલું કામ તો જોયાં જ કરીએ. હિન્દુ લોકોમાં પણ મોટા કારીગરો થઈ ગયલા છે. એ લોકો ઘણી વાતમાં હોશિયાર છે. એક તેઓનો દીન શેતાનનો બનાવેલ છે, અલહમદુલિલ્લાહ ! ખુદા તેએાને વધારે રોશની આપે.

સોભાન – મિયાં સાહેબ ! એ કોતરોનું થોડું બ્યાન કરો.

મ. જા. – તેઓનું બ્યાન થઈ શકે એવું નથી; જોવાથી જ તેની ખૂબી જણાય. પણ જ્યારે તમારા સઘળાની ખાહિશ છે ત્યારે તેનો એક ટુંકો અહવાલ મારી મગદુર પ્રમાણે હું આપું છું વેરૂલ ગામથી આશરે અર્ધા કોશ ઉપર એક અર્ધ ચન્દ્રાકાર પહાડ છે તેના આગલા ભાગમાં એ ગુફાઓ છે. તેઓ બ્રાહ્મણ, જૈન, તથા બૌદ્ધ લોકોની છે. જમીનની અંદરના દેવળો એટલાં બધાં છે તથા તેઓ એવાં શોભાયમાન છે, તેઓમાંનાં કેટલાંએક એટલાં તો મોટાં તથા ઉંચાં છે, બીજાં કેટલાંએકમાં એવી તો ભાતભાતની નકશી છે, અજાયબ સરખાં પાતરાં, તથા વેલ એવી તો કોતરેલી છે, થાંભલા ઉપર એવી તો બારીક તથા ખુબસુરત નકશી છે, તેઓના ઉપર દેવીની મૂર્તિ એવી તો રમણિક ખોદી કાઢી છે, તથા પૂતળાં એવાં તો મોટાં કદનાં છે કે આપણે એ સઘળું જોઈને ખરેખર તાજુબ થયા વિના રહીએ નહી. કેટલીએક ગુફાઓને બ્રાહ્મણ લોકો ધિક્કારીને ઢેડવાડો કહે છે, તેઓ ચોમાસાના દહાડામાં ઘણી જ રળિયામણિ દેખાય છે, જે કોતર છે તે ઘણું જ મોટું તથા ખૂબસુરત છે, અને તેના આગલા ભાગ આગળથી ચોમાસામાં એક નાની નદી વહે છે એ નદી જ્યાં નીચેના મેદાનમાં પડે છે ત્યાં એક સુંદર પાણીનો ધોધવો થાય છે, અને તેથી દેહેરાં આગળ એક કાચના જેવો નિર્મળ પારદર્શક પડદો થઈ રહે છે. ગુફાના મ્હોં આગળથી તે છેક છેડા સુધી જમીન ઉપર બે પથ્થરની પાટલી સામસામી સીધીને સીધી જડેલી છે તે ઉપર વિદ્યાર્થીઓ, લહીયા, તથા દુકાનદારે બેસે છે, અને વચ્ચે થઈને છેક છેડાની મૂર્તિ આગળ જવાય છે. ઘણું લંબાણ થઈ જાય માટે વધારે બોલતો નથી; પણ એટલાથી જ તે ગુફાઓ કેવી જોવા લાયક છે તેનો તમારે ખ્યાલ કરી લેવો. પણ તે ગમે તેવી સારી હોય તોપણ જોવા શી રીતે જવાય ? અલફખાંની રજા લેવી જોઈએ. હમણાં રજા માગવા કોનાથી જવાય ? અને આવી વખતે આપણે સેર કરવાનો વિચાર કરીએ એ સાંભળીને તે ઘણો ગુસ્સે થશે, અને રજા આપશે નહી એટલું જ નહી, પણ તે આપણને ઘણો સખત ઠપકો દઈ કાઢી મૂકશે. માટે શો વિચાર છે ? સોભાનખાં, ઈબ્રાહીમખાં, તથા બીજા ઘણાએક સીપાઈઓ બોલી ઊઠયા કે આપણે પણ મુસલમાન બચ્ચા છીએ. આપણે લશ્ક૨માં આપણા પાદશાહની ખાતર લડવા આવ્યા માટે તેને કાંઈ આપણે વેચાયા નથી. રજા માગવાની કાંઈ જરૂર નથી. જો આપણે ઘણા જણ સાથે જઈશું તો અલફખાં કે તેનો બાપ શું કરનાર છે ? આપણે સઘળાંને કાંઈ ફાંસી દેવાનો નથી; અને કાઢી મૂકશે તો શી ફિકર છે ? હવે કામ સઘળું થઈ ચૂક્યું છે. આપણે ઈહાં આટલા દહાડા મોટું દુઃખ ભોગવ્યું, તથા ઘણું મુશીબતો વેઠી ત્યારે હવે એક દહાડો સેર કરવાણો નહીં મળે ? હવે જે થવાનું તે થઈ રહ્યું. અલ્લાનું નામ લઈને મોજ કરીએ, ઈહાં ફરીફરીને ક્યાં આવવાના છીએ ? જીવ્યાં કરતાં જોયું ભલું. માટે બસેં ત્રણસેં માણસો એકઠાં થઈ જઈએ; પછી જે થનાર હોય તે થાઓ. રજા લેવાની કંઈ જરૂર નથી. માટે, અત્યારે કોણ કોણ આવવાને રાજી છે તેઓને ચુપકીથી એકઠા કરવા, અને રાત્રે સઘળી તૈયારી કરી રાખી સવાર ન પડે એટલામાં બીજા કોઈ ન જાણે તેમ કુચ કરી ચાલ્યા જવું. એ સિવાય બીજો કાંઈ રસ્તો નથી. વેરૂલની ગુફા જોવા જવાને તે જ રાત્રે આસરે ત્રણસેં માણસ તૈયાર થયા, અને પાછલી રાત્રે ઉઠીને તથા સાથે હથિયાર રાખીને તેઓ સઘળા ચાલતા થયા. એ કામ તેઓએ એવું છાનામાના કીધું કે છાવણીમાંથી કોઈને કાંઈ ખબર પડી નહી, અને જે થોડાએકે જાણ્યું તેઓ કાંઈ પણ બોલ્યા નહીં. આ સેર કરવા નીકળેલી ટુકડી ઘણીએક રમણિક જગાઓમાં થઈને ચાલી. જમીન ઘણી જ ઉચી નીચી હતી. નાના પહાડો વનસ્પતિથી છવાઈ ગયલા હતા, અને ઘણા શેભાયમાન દીસતા હતા. નીચે ખીણોમાં કાચ જેવી નીતરી નાની નદીઓ વેહેતી હતી તે ઉપર જયારે સૂર્ય પ્રકાશ્યો ત્યારે તે શોભાની કાંઈ મણા રહી નહી. સ્‍હવાર કેવી રળીયામણી લાગતી હતી, તેમાં આવા જખ્ખડ સીપાઈઓ જેઓનો સઘળો અવતાર માણસોને ચીભડાંની પેઠે કાપી નાંખવામાં ગયલો, તથા જેઓ દારૂગોળાની પડોસમાં જ રહેલા, અને સૃષ્ટિની લીલા જેઓએ જોયલી જ નહી, તેઓમાંથી જે કોઈને ઈશ્વરનાં સુંદર કામ તપાસવાનો શોખ હોય તો તેને તે સ્‍હવારે અતિ આનંદ થયા વિના રહે જ નહીં, સૂર્યોદય થતાં જ પેહેલાં તો પહાડોની ટોચે ઉપર સઘળો તડકો પડ્યો, હજી બીજી નીચી જગાઓ ઉપર અન્ધારૂં હતું, પણ ધીમે ધીમે નદીઓમાં પાણી પણ ચળકવા લાગ્યાં. ઝાડોનો લીલો રંગ ભભકાદાર જણાવા માંડયો, ઝાડીઓમાંનાં પક્ષીએાએ નાના પ્રકારના મધુર સ્વર કાઢીને આખી જગા ગજાવી મૂકી. વચ્ચે વચ્ચે રાની પશુઓનો કઠોર શબ્દ સંભાળતો હતો. એવી જગામાંથી જોતા જોતા તે લોકો આગળ ચાલ્યા.

હવે ભીમદેવ, દેવળદેવી, સવારો, સીપાઈઓ, દાસ, દાસીઓ, ભટ, ભટાણી, વગેરેનું શું થાય છે તે ઉપર નજર કરીએ. ગામની બહાર નીકળ્યા પછી કેટલેએક દૂર સુધી રસ્તામાં કાંઈ પણ બનાવ બન્યો નહીં. આશાથી ભરપૂર, ભયરહિત તથા ખુશ દિલથી તેઓ ચાલ્યાં જતાં હતાં. દેવળદેવી એક સુંદર તથા જલદ ઘોડા ઉપર બેસીને ઉંડા વિચારમાં ઘોડાની મરજી પ્રમાણે આગળ જતી હતી. તે દહાડો તેની જીંદગીમાં સૌથી મોટો હતો; તે દહાડે તેની સઘળી ઇચ્છા સફળ થવાની તે આશા રાખતી હતી; તે દહાડે તેના પ્રિયતમનું મ્હોં તેને જોવું હતું; તે દહાડાથી તેના સંસારનો આરંભ થવાનો હતો; અને તે દહાડો તેના કલ્પેલા સુખી વખતનો પેહેલો જ હતો. માટે તે દહાડે તેને અતિ સુખની સાથે ઘણી જ ચિંતા મનમાં રહે તેમાં કાંઈ આશ્ચર્ય નથી.

દહાડો ધીમે ધીમે ચઢવા લાગ્યો; અને ખરા બપોર થયા એટલે કેટલેક દૂરથી કોઈ રડતું હોય એવો અવાજ સઘળાએાએ સાંભળ્યો. બપોરની વખતે આવો ભયંકર શબ્દ કાને પડ્યો તેથી સઘળાએા ચમકયા દેવળદેવીએ જાણ્યું કે કોઈ માણસ મોટી વિપત્તિમાં આવી પડેલું છે. અને તેને મદદ કરવાની જરૂર છે, માટે સવારી અટકાવી અવાજ જ્યાંથી આવે છે ત્યાં જવું એવી તેની મરજી થઈ; અને તેણે પોતાની સાથેનાં માણસોને અટકાવ્યાં. ભીમદેવને ત્યાં જરા પણ થોભવાની ખુશી ન હતી. રસ્તામાં આગળ શું થશે તેની કાંઈ ખબર ન હતી, માટે જેમ બને તેમ જલદીથી કુચ કરી શેહેરમાં પોંહોંચી જવું એવો તેનો વિચાર હતો, પણ જ્યારે દેવળદેવી અટકી ત્યારે તેને પણ અટકવાની જરૂર પડી અને તેઓ સઘળા તે બાજુ તરફ વળ્યા. અવાજ વધારે વધારે સાફ સંભળાવા લાગ્યો, અને કેટલેક દૂર ગયા પછી તેઓએ એક ઝાડની નીચે એક બઈરીને બેઠેલી જોઈ, તે બુમ પાડીને રડતી હતી. આ બઈરી દુઃખ તથા દરિદ્રતાનું ખરેખરૂં સ્વરૂપ હતું, તેના શરીર ઉપર જે ફાટાં ચિથરાં ઢાંકેલાં હતાં તેમાંથી તેનું આખું શરીર જણાતું હતું, અને તે ચિથરાં એટલાં તો મેલાં હતાં કે અસલ તેઓ કેવા રંગનાં હશે તે હાલ કહેવું અશકય હતું, તથા તેમાં જુ વગેરે બીજાં જીવડાંઓએ વાસ કીધો હતો. તેના મ્હોં ઉપરથી દેખાતું હતું કે તે કાંઈ મહાભારત દુ:ખમાં આવી પડેલી છે. તે એવી તો બદશિકલ તથા બીહામણી હતી કે તેને જોઈને ધોળે દિવસે પણ બીહીક લાગ્યા વિના રહે નહી. દેવળદેવીનો ઘોડો પાસે આવતાં જ તે એકદમ ઉઠી, અને લગામ પકડી તેને પાછો ઘસડવા લાગી. ઘોડો તો ઘણા વેગે દોડ્યો, અને તેની સાથે પેલી બઈરી પણ દોડતી ચાલી. સઘળા સીપાઈએ તો જડભરત થઈ ઉભા રહ્યા. આ કોઈ પ્રેત, ડાકણ, કે શાકણી હશે, અને તે દેવળદેવીને ઘસડી જઈ કોઈ નદીમાં ડુબાવી દેશે, અથવા બીજી રીતે તેનો પ્રાણ લેશે એ વિષે તેઓને કાંઈ શક રહ્યો નહી, અને તેની આગળ આપણું કાંઈ ચાલવાનું નથી એવી ખાતરી થવાથી તેઓએ તેની પાછળ કાંઈ દોડ કીધી નહી, પણ મુગાં મુગાં જોયાં કીધું, દેવળદેવીનો ઘોડો જયારે ઘણે દૂર નીકળી ગયો, ત્યારે ભીમદેવે હિંમ્મત પકડી પોતાનો ઘોડો પાછળ ફેંક્યો, અને તે એવો તો વિજળીના વેગે ચાલ્યો કે તે દેવળદેવીને પકડી પાડશે એમાં કાંઈ શક રહ્યો નહી. ભીમદેવની પાછળ કેટલાએક સવાર પણ ગયા. ભીમદેવે દેવળદેવીનો ઘોડો આઘે જોયો તેની પાછળ તે ઘણા જોરથી ઘસ્યો. આશરે એક કલાક સુધી દોડ કીધા પછી તેઓ પાસે પાસે આવી ગયા તે વખતે તે રાંડને જોઈને ભીમદેવને એટલો ક્રોધ ચઢ્યો કે પોતાની તલવાર કાઢીને તેને મારી, પણ હવામાં તલવાર મારવી અને તેને મારવી બરોબર, ઘા પડ્યો તો ખરો, પણ હવામાં બઈરી તો એક ભડકું થઈને ઉડી ગઈ, અને ત્યાંથી બે કદમને છેટે આવી પાછી ઉભી રહી, ભીમદેવ રજપૂત બચ્ચો હતો તોપણ આ તમાશો જોઈને તેનાં ગાત્ર શિથિલ થયાં, તેના મનમાં ઘણી દેહેશત ભરાઈ પણ હિંમત કદી હારવી નહીં એ રજપૂતનો પેહેલો તથા મુખ્ય ધર્મ; માટે પાછો સાવધ થઈ તેણે મોટે અવાજે પૂછ્યું – “તું કોણ છે ? તારે દેવળરાણીની સાથે શું કામ છે? તું તને ક્યાં લઈ જતી હતી ? અને તેને શું કરવાનો તારો વિચાર હતો?” બઈરી છેક બદલાઈ ગયેલી હતી, ભડકું થઈને તે ઉડી ગઈ અને પાછી આવી ત્યારે તેમાં બિલકુલ ફેરફાર થઈ ગયેલો હતો. હમણાં તો તે દેવાંગના જેવી રૂપવાળી દેખાતી હતી. તેના મ્હોંની કાન્તિ ઘણી જ સુન્દર હતી. તેણે જરીનાં વસ્ત્ર પહેરેલાં હતાં, તથા તેના અંગ ઉપર ઘણાં અમૂલ્ય તથા શોભાયમાન આભૂષણ હતાં. તેના ચહેરા ઉપર ઉદાસી જણાતી હતી, તથા તેની આંખ દયાથી ભરેલી હતી. ભીમદેવના સવાલનો જવાબ દેવા અગાઉ તેણે ઘણા પ્રેમથી દેવળદેવીના સામુ જોયું, અને જોતાં જ તેની કમળ જેવી આંખમાંથી આંસુઓની બે ધાર ચાલી. તેનું હૈયું એવું તે ભરાઈ આવ્યું કે તેનાથી તુરત બોલાયું નહી. પણ થોડી વાર પછી તેણે આંસુ પોતાનાં કીમતી લુગડાં વડે લુંછી નાંખ્યાં, અને આકાશમાંથી ઓસ જેમ ધીમે પડે છે તેમ ધીમેથી તથા મૃદુ સ્વરે બોલી:– “હું દેવળદેવીની વિધાતા છું. હું અત્યાર સુધી તેનું રક્ષણ કરતી આવી છું. હવે આગળ ભય છે માટે પાછા ફરો, કોઈ ઠેકાણે આજની રાત મુકામ કરી કાલે સવારે જાઓ. મારું કહ્યું માનવામાં જ ફાયદો છે. જો તમારા દુર્ભાગ્યને લીધે હઠ કરી તમે આગળ જશો તો શું પરિણામ નિપજશે તેનો હું જવાબ દેવાની નથી. આ મારી છેલ્લી શિખામણ છે માનવી હોય તો માનો નહી તો હું તો જાઉં છું.” એટલું કહી તે સ્ત્રી અદશ્ય થઈ.

ભીમદેવ તથા દેવળદેવી તે સ્ત્રી અલોપ થયા પછી કેટલીએક વાર સુધી ત્યાં જ ઉભાં થઈ રહ્યાં. અને એક એકની સામું ટગરમગર જોયાં કીધું. શું કરવું તે સુઝે નહીં. એટલામાં પાછળના સવારો ત્યાં આવી પહોંચ્યા તેને જોઈને તે બંનેને હિમત આવી, અને હવે કાંઈ પણ ઠરાવ કરવો જોઈએ એમ તેઓને લાગ્યું. એટલે સુધી આવ્યા પછી જો તેઓ પાછા જાય તો સીપાઈ લોકોમાં તેની બહાદુરી વિષે ઘણો હલકો વિચાર આવે માટે આગળ ચાલવું જોઈએ. વળી ક્ષત્રિયનો ધર્મ એ છે કે કશાથી બીહીવું નહી ત્યારે આ પ્રસંગે ભય શા માટે રાખવો જોઈએ ? તેમાં વળી એક બઈરીથી ડરવું ? એ તો છેક નામરદાઈ માટે દેહેશત છોડી દઈ આગળ કુચ કરવી, દેવળદેવીને પણ પોતાના શંકળદેવને મળવાની એટલી તો આતુરતા હતી કે લેશમાત્ર વિલંબ પણ તેનાથી ખમાય એવું ન હતું, વળી તેની ખીલતી જુવાની હતી, તેવે વખતે ભય મન ઉપર થોડી અસર કરે છે. તેને તે જ દહાડે પોતાના પ્રાણપ્રિયને જોવાની એટલી તો હોંસ હતી કે તે બઈરી પોતાની વિધાતા છે એમ તેણે માન્યું નહી, પણ તે કોઈ વંતરી અથવા મલીન પ્રાણી હશે અને તેણે તેને અમથી ભડકાવી હશે, એમ માનીને તેણે મનમાં સંતોષ માન્યો. એ પ્રમાણે ભીમદેવ તથા દેવળદેવી બંનેની વૃત્તિ જવા તરફ થઈ. તેઓ તુરત પોતાના લશ્કરને જઈ મળ્યાં, અને આ બનાવ જાણે બન્યો જ નથી, એમ જાણી આગળ ચાલ્યાં. કેટલીએક વાર સુધી મેદાનમાં ચાલ્યા પછી તેઓ એક સાંકડી ગલીમાં આવ્યાં. આસપાસ બે ઉંચા પહાડ આવી રહ્યા હતા. એ નાળ ઘણી જ લાંબી હતી તેમાં આગળ જતાં તેઓએ થોડેક દૂર ધુમાડો નીકળતો જોયો. પહેલ વહેલાં તો તેઓએ જાણ્યું કે તે કોઈ ગામડું અથવા ભઠ્ઠી કે પજાવો હશે; પણ જરા આગળ ચાલતાં માણસોનું એક ટોળું રસોઈ કરતું હોય એમ તેઓને લાગ્યું. તેઓની પાસે ગયા ત્યારે તેઓ મુસલમાન છે એમ માલમ પડયું. એ મુસલમાનો વેરૂલની ગુફા જોવા જનારા અલફખાંના સીપાઈઓ જ હતા, તેઓએ પણ જ્યારે કોઈ લશ્કર આવતું જોયું, ત્યારે સઘળા રસોઈનું કામ પડતું મૂકીને જાગૃત થઈ ગયા. સૌએ લુગડાં પહેરીને હથિયાર બાંધી દીધાં, અને શું કરવું તેને મનસુબો કરવા લાગ્યા. થોડી વાર તો ત્યાં ગરબડ સરબડ થઈ ગઈ. રસુલખાં, પીરમહમદ, જાફર, બેહેલીમ, વગેરે તરેહવાર નામની બુમ સંભળાવા માંડી. “અલ્લાહુ-અકબર” ની ચીસ કેટલાએકે પાડી. કેટલાએક સ્થિર ઉભા જ રહ્યા, અને કેટલાએક ફક્કડ લબાડ સીપાઈઓએ પોતાની મોટાઈની તથા બહાદુરીની મોટી વાતો કરવા માંડી. તો પણ તે તડાકા મારવાને વખત ન હતો. કાંઈ પણ દૃઢ સંકલ્પ કરવો જોઈએ. તેઓ તે ફક્ત ૩૦૯ માણસ હતાં, અને સામાવાળા તો તેઓને તેથી બમણા ત્રમણા દેખાયા ત્યારે તેઓની સાથે લડવું કે નહી એ વાતનો નિશ્ચય કરવો જોઈએ. કેટલાએકનો વિચાર લડવું નહીં એમ હતો; પણ કેટલાએક જુવાન તુરક મીરજાંઓનાં મનને હિન્દુનો કશો હિસાબ ન હતો, અને તેઓની હરેક લડાઈમાં ખુદા તેમની તરફથી લડવા આવે છે એવો તેઓનો દૃઢ વિશ્વાસ હતો તેથી તેઓના મનમાં ઘણી હિંમત હતી; વળી લડાઈમાં નાસવું એ મોટી શરમની વાત, અને તેમાં કાફર નામરદ હિન્દુઓથી ડરવું, એ તો કાયરનું કામ માટે ગમે તે થાય તોપણ એક તસુભર પાછા હઠવું નહી. “અલ્લા બેલી ને પીર મદદ ” એવું કહી તેઓ હારબંધ દુશ્મનની મુલાકાત લેવાને ઉભા રહ્યા.

આણીગમ ભીમદેવ પણ મોટી ફિકરમાં પડ્યો. તેને તે રસ્તે કોઈ દુશ્મન મળશે એવું તેણે ધારેલું ન હતું તેથી લડવાની કાંઈ તૈયારી રાખી ન હતી. વળી તેની સાથે દેવળદેવી હતી તેને સહીસલામત દેવગઢ લઈ જવાની તેને ઘણી ફિકર હતી. લડાઈમાં કોણ જાણે શું થાય ? જો હાર થઈ તો આટલું કષ્ટ સહીને તથા શ્રમ કરીને લાવેલી રાણી હાથમાંથી જતી રહે એ વિષે તેને ઘણી ચિંતા હતી. તે વખતે તેને પેલી ચીથરીયા બઈરી યાદ આવી, તથા તેનું કહેલું વચન પણ સાંભરી આવ્યું તેના કહ્યા પ્રમાણે તેણે મુકામ ન કીધો તેને હમણા ઘણો પશ્ચાત્તાપ થયો, અને હવે તે વિધાતાનું ભવિષ્ય ખરું પડશે એવી તેની ખાતરી થઈ, ને તેથી જ તેની સઘળી હિંમત જતી રહી, તેના મ્હોં ઉપરથી લોહી ઉડી ગયું અને તે છેક ઉદાસ થઈ ગયો, હવે શું કરવું ? પાછું તો જવાતું નથી, તેમ દેવગઢ જવાનો બીજો રસ્તો પણ ન હતો માટે લડાઈ કીધા વગર તેને છૂટકો ન હતો. પોતાની તરફ માણસો દુશ્મન કરતાં ઘણાં વધારે છે, તથા શૂર રજપૂતોને ફાટાતુંટા તુરકડાઓને મારી હઠાવતાં કાંઈ વાર લાગવાની નથી એવું કહીને તેણે પોતાના માણસોને હિમ્મત આપવાનું કર્યું. પણ તેનું મ્હોં જ તેના આ ઉત્તેજક શબ્દોને જુઠા પાડતું હતું. તેઓએ ભીમદેવને કોઈ વાર કાયર થયલો જોયો ન હતો, અને જ્યારે તે વખતે તેઓએ તેને નિરાશ તથા હિમ્મત હારેલો દીઠો, ત્યારે તેઓ સઘળાને એકદમ લાગ્યું કે આજે કાંઈ નવતરૂં કારણ છે, અને બધાના હાંજા ગગડી ગયા. તેઓએ બહારથી તો શૂરાતન દેખાડ્યું, પણ તેઓની છાતી ધડકતી હતી, તથા પગ બરાબર ઉપડતા ન હતા. એવી સ્થિતિમાં તેઓ મુસલમાનોની સામે યુદ્ધ કરવાને આગળ ચાલ્યા.

શત્રુઓ તેઓને વાસ્તે તૈયાર જ હતા. તેઓને પાસે આવતા જોઈ મુસલમાનએ “અલ્લાહુ-અકબર” ની જોરથી બૂમ પાડી. એ બૂમ રજપૂતોએ આજ પહેલાં સેંકડો વાર સાંભળી હતી તોપણ આ વખત તેથી તેઓના મન ઉપર ઘણી જ જુદી જાતની અસર ઉત્પન્ન થઈ. બંને લશ્કર સામસામાં મળ્યાં, અને મુસલમાન લોકો થોડા હતા તેપણ કાંઈ પણ દહેશત ખાધા વિના તેઓએ ભીમદેવના માણસો ઉપર ધસારો કીધો, તીરથી વાદળ છવાઈ ગયું, ચીચાચીસ તથા બૂમાબૂમથી કાન બેહેર મારી ગયા. એક તરફ શિરોહીની તથા બીજી તરફ અરબસ્તાનની તલવાર ઉછળી રહી. જુઆરની કાપણી થતી હોય તેમ સામસામેનાં માણસો કપાયાં. તે વખત “ અલ્લાહુ-અકબર” ની બીજી ચીસ સંભળાઈ, અને મુસલમાનોએ વધારે જુસ્સાથી હુમલો કીધો. તેની સામે હિન્દુઓથી ટકાયું નહીં. તેઓમાં ભંગાણ પડયું, ઘણાખરા જુદી જુદી દિશાઓ તરફ નાસવા લાગ્યા, દેવળદેવીના ઘોડાને એક તીર એવું તો જોરથી વાગ્યું કે તે તુરત મરણ પામ્યો, તથા તે પોતે બેહોશ થઈ જમીન ઉપર પડી. તેને લઈ જવાને વાસ્તે તેની દાસીઓ ચોતરફ વિંટળાઈ વળી. એટલામાં મુસલમાન સીપાઈ એાએ આવીને તેને ઘેરી લીધી. કેટલાએક તેની ખૂબસુરતી જોઈને છક થઈ ગયા, અને આ કોઈ બેહેસ્તની હુરી છે એમ તેને માની તેની સામું કેટલીક વાર સુધી તેમણે જોયાં કીધું, કેટલાએકને તો તેને જોઈને એટલો કામવેશ આવી ગયો કે તેને લઈ જઈ પોતાના ઝનાનખાનામાં રાખવાનું મન થયું. કોઈ બુઢ્ઢા સીપાઈએ કહેવા લાગ્યા કે ખુદાએ અમારા ઉપર મહેર કરી આ રંડી ઈહાં મોકલી દીધી છે, અમને રોટલી પકવવાની ઘણી આપદા પડે છે તે આ છોકરી આવે તો મટી જાય. કેટલાએક પૈસાના લોભી એવું વિચારવા લાગ્યા કે જો આ ખૂબસુરત છોકરી અમારા હાથમાં આવે તો દિલ્હીમાં એની ઘણી કિંમત ઉપજે, અને જન્મ સુધી ન્યાહાલ થઈ જવાય. એ પ્રમાણે જુદા જુદા માણસોએ જુદા જુદા અભિપ્રાય બાંધ્યા. “ એક રાંડ અને સો, સાંઢ,” તેના જેવી વાત થઈ, બધાને જ તેને લઈ જવાની મરજી, એટલે પરિણામ એવું થયું કે તેને સઘળા ઘસડવા લાગ્યા, અને એમ કરતાં કરતાં માંહેમાંહે કાપાકાપી ઉપર આવી ગયા. જે તલવાર દુશમન ઉપર ઉછળી હતી તે હમણાં પોતાના જાતભાઈ ઉપર વપરાઈ. એ ગડબડાટમાં એકાદ ઝટકો વાગ્યાથી દેવળદેવી તો ત્યાં જ નક્કી થઈ જાત, અને એવો વખત પણ ઘણી વાર આવ્યો હતો. તેની દાસીઓ રજપૂતોમાં રહેલી તેથી તેનું નામ કહી દેવા કરતાં તેને મરવા દેવી એવું વિચારીને મુંગી મુંગી ઉભી રહી, પણ પેલી ભટાણી જે જોડે હતી તેનાથી ઘણી વાર સુધી ચુપ રહેવાયું નહીં, એક વાર જ્યારે દેવળદેવી સહેજ બચી ગઈ તે વખતે તે બોલી ઉઠી, “અરે મુઆ તુરકડાઓ ! તમે કોને વાસ્તે લડી મરો છો ? તમે આને એળખો છો ? એ તો દેવળદેવી, શંકળદેવની સાથે પરણવાની છે. પીટ્યાઓ ! તમારી લડાઈ બંધ રાખો, અને રાણીને તમારા સરદાર પાસે લઈ જાઓ. દેવળદેવી એ નામ સાંભળતાં જ સઘળાઓએ હથિયાર નાંખી દીધાં, અને આટલી મુદત થયાં જેને માટે લડતા હતા તે હાથમાં આવી એવું જાણી ઘણા રાજી થઈને આ ખુશ ખબર અલફખાંને કેહેવાને એક કાસદ મોકલ્યો. તેઓ પણ દેવળદેવીને એક ઘોડાપર બેસાડી મોટી છાવણી તરફ તાકીદથી લઈ ચાલ્યા. અલફખાંને આ સમાચાર સાંભળીને તથા થોડી વાર પછી દેવળદેવીને નજરે જોઈને જે હર્ષ થયે તેનું વર્ણન થઈ શકતું નથી. તે વખતે તેણે પરમેશ્વરના શુકરાના કીધા; પોતાની પાસે જેટલા પૈસા હતા તેટલા તે માણસોમાં વહેંચી દીધા, અને ત્યાંથી છાવણી ઉઠાવીને દેવળદેવીને સાથે લઈ ગુજરાત જવાને નીકળ્યો.

પ્રકરણ ૧૬ મું.

જીજુવાડાના પાટડી ગામમાં એક મોટો મેહેલ બાંધેલો હતો. તેની એક બારીએ કોઈ સ્ત્રીપુરૂષ બેઠેલાં હતાં. તેઓ બંને પુખ્ત ઉમરે પોંહોંચેલા હતા. તેમાંથી પુરુષનું મ્હોડું ચિન્તાતુર દેખાતું હતું. જ્યારથી અણહિલપુર મુસલમાન લોકોના હાથમાં આવ્યું ત્યારથી ગુજરાતનો પાદશાહી સુબો આસપાસના રજપૂત તથા બીજા હિન્દુ રાજા, ઠાકોર, તથા ગરાસીયાને તાબે કરી તેઓનાં રાજ્ય જપ્ત કરતો હતો, તથા તેઓ ઉપર ભારે ખંડણી બેસાડવાને ચડાઈઓ કરતો હતો. એ લડાઈઓમાં કેટલાંએક નાનાં રાજ્યો ડુબી ગયાં; કેટલાએક રાજાએાએ ખંડણી આપવી કબુલ કીધી; પણ હજી કેટલાએક પોતાના શૂરાતનથી કિલ્લાની મજબુતી વડે તથા લશ્કરના જોરે કરીને એ સુબાની સામે ટકી રહ્યા હતા. પાટડીનો ઠાકોર જે તે મેહેલની બારીએ બેઠો હતો તેણે પણ અત્યાર સુધી પોતાનો બચાવ ઘણી બહાદૂરીથી કીધો હતો પણ હમેશાં સુધી એ પ્રમાણે તેનાથી લડાઈ થઈ શકશે નહી એ બાબત તેને ઘણી ચિન્તા થતી, અને તેથી જ તે મહાભારત ફિકરમાં પડ્યો હતો. તેની સ્ત્રી પણ તેવી જ બહાદૂર હતી, અને તે પોતાના સ્વામીની હિંમત લેશ માત્ર પણ નરમ પડવા દેતી ન હતી. જે ચમત્કારિક રીતે પાટડી તથા બીજાં ગામો કરણ વાઘેલા પાસેથી તેને મળ્યાં હતાં તેમાં કાંઈ દેવતાઈ અંશ હતો. એક રાતમાં બે હજાર ગામને તોરણ કોઈ પણ માણસથી એકલી પોતાની જ શક્તિવડે બંધાઈ શકે નહી, માટે જે અદ્દભુત શક્તિથી એટલાં બધાં ગામો તેને મળ્યાં તે જ શક્તિ તેની તથા તેના વંશની પાસે કાયમ રહેશે, એ પ્રમાણે તેની સ્ત્રી તેને ધીરજ આપતી હતી. એ પ્રમાણે જ્યારે તે બે વાતચિત કરતાં હતાં તે વખતે બહાર ચોગાનમાં કાંઈ ગડબડ થઈ, અને તેઓ બહાર જુવે છે તો એક હાથી છુટો પડી મદોન્મત્ત થઈ, દોડતો તેમણે જોયો, આ વખતે બારી આગળના ચોગાનમાં તેઓના શેડો, માંગુ, શેકડો, એ નામના ત્રણ છોકરા તથા ઉમાદેવી નામની છોકરી રમતાં હતાં, મસ્ત થયેલો હાથી રસ્તામાં જે વસ્તુઓ આવતી તે સઘળીને છુંદતો છુંદતો તે છોકરાં પાસે આવ્યો, અને એકને સુંઢમાં પકડી ઉછાળવાની તથા બીજાને પગતળે ચગદી નાંખવાની તૈયારીમાં હતો, એટલામાં તુરત તે સ્ત્રીએ, એટલે તેઓની માએ, બારીએથી જ પોતાનો એક હાથ એટલો તો લાંબો કીધો કે તેઓ સઘળાંને ઝાલી લીધાં અને મોતના સપાટામાંથી તેઓને તુરત ઉગારી દીધાં. હરપાળ (તે પુરૂષ હરપાળ મકવાણો કરણ રાજાનો માશીનો છોકરો તથા બાબરા ભૂતનો જીતનાર હતો, એ વાંચનારાઓએ જાણી લીધું હશે ) આ તેની સ્ત્રીનું દેવતાઈ પરાક્રમ જોઈને ઘણો જ આશ્ચર્ય તથા આનંદ પામ્યો, અને આ વાતનું હમેશાં સ્મરણ રહેવાને તે ત્રણે છોકરાઓનું નામ ઝાલા (પકડયા) પાડ્યું. એ નામ હજી સુધી તેના વંશના ઝાલા રજપૂતોએ રાખ્યું છે.

જ્યારે તે ગાડા હાથીને ચોગાનમાં નુકસાન કરવાનું કાંઈ મળ્યું નહી ત્યારે તે બહાર દોડ્યો, અને તે રસ્તે એક ગાડું જતું હતું તેને પોતાની સુંઢના એક સપાટાથી ઉડાવી દીધું. ગાડું પડતાં જ ભાંગી ગયું હાંકનાર એક તરફ પડ્યો, અને માંહે બેઠેલો એક પુરૂષ તથા એક સ્ત્રી એક બાજુએ પડ્યા. તે વખતે બળદો ચોંક્યા તેથી તેઓએ એ ગાડાને આગળ ઘસડ્યું, અને તેમ કરતાં તેનું એક પૈડું તે સ્ત્રીપુરૂષના શરીર ઉપરથી ફરી ગયું. પુરૂષનો પગ આ ઘાથી ભાંગી ગયો, તથા સ્ત્રીને સખત વાગ્યું. ઘાના દરદથી તેઓ બંને બેભાન થઈ પડી રહ્યાં. તેઓ મરી ગયાં એમ જાણી ગાડીના હાંકનારે મોટેથી ચીસ પાડી તે ઠેઠ મેહેલનાં માણસોએ સાંભળી. હરપાળે એ દુઃખભરેલી બૂમ સાંભળી શું બન્યું તે જોવાને પોતાનાં માણસો મોકલ્યાં. થોડી વારમાં તેઓ બે માણસોને એક ખાટલા ઉપર સુવાડીને મેહેલમાં લાવ્યાં. આ ભાગ્યહીન અજાણ્યાં વટેમાર્ગુઓને તેઓની આવી અવસ્થામાં આશ્રય આપવો, તથા તેઓની સારાં કરવાની તજવીજ કરવી, તથા જ્યાંસુધી તેઓ આવી અવસ્થામાં રહે ત્યાંસુધી તેઓની ઘટતી બરદાસ્ત લેવી, એ પોતાનો ખરો ધર્મ છે, એમ જાણી હરપાળે તેઓને પોતાના મેહેલમાંના એક એારડામાં સુવડાવ્યાં, તથા ગામના વૈદ તથા મલમપટા કરનાર હજામને બોલાવી મંગાવ્યા. તેઓના ઉપચારથી તેઓને કેટલીએક વારે ભાન આવ્યું, અને જ્યારે તેઓને માલમ પડ્યું કે તેઓ કોઈ અજાણ્યા માણસના ઘરમાં હતાં, તથા તેમને વાસ્તે તે માણસે ઘણી મહેનત કીધી હતી, ત્યારે તેઓના અંત:કરણમાં ઉપકારવૃત્તિ પ્રકટ થઈ, અને ઘરધણીને જોઈએ તેટલો પાડ માનવાને તેઓ ઘણાં અધીરાં થયાં, જ્યારે રાત પડી ત્યારે હરપાળ તેઓના ઓરડામાં આવ્યો, અને તે ઘાયલ માણસ જોડે તેણે વાતચિત કરવા માંડી. ઘાનું દરદ હમણાં ઓછું થયું હતું તેથી તેનામાં બોલવાની શક્તિ આવી હતી. પોતે કોણ હતો, શાં શાં પરાક્રમ કીધાં હતાં, તથા હાલ તેની સ્થિતિ કેવી થઈ ગઈ હતી તે સઘળી વાતથી વાકેફ કરવાને તેણે પોતાની સઘળી જીન્દગીનું વૃત્તાંત હરપાળ આગળ ઘણે વિસ્તારે કહીં સંભળાવ્યું, પોતાના પરોણાને હવે તેણે સારી પેઠે ઓળખ્યો તેથી તેને ઘણી જ નવાઈ લાગી, અને ગુજરાતનો કટ્ટો શત્રુ પોતાના રાજાને પાયમાલ કરનાર, લોકોને મ્લેચ્છ લોકોના હાથમાં આપનાર, તથા પોતાની સઘળી ફિકર તથા દુઃખનું કારણ, પોતાના ઘરમાં આમ દેવયોગે આવી મળ્યો તે જોઈને તેને પગથી માથા સુધી ક્રોધની જ્વાળા ચઢી. તે ઘણો ચીઢીને પગ ઠોકી ઘણા આવેશથી બોલ્યોઃ- “અરે દુષ્ટ ! અરે ચંડાળ ! અરે રાજદ્રોહી ! અરે મહા પાપી ! તેં જે કામ કીધું તેનાં ફળ તેં હવે ચાખ્યાં ! અરે નાગરા ! છેક નફટ નિર્લજ થઈને તારાં અધમ તથા કપટનાં કર્મો તું મારી આગળ કહેવામાં પ્રતિષ્ઠા માને છે ? ધિ:ક તારી દેહને ? ધુળ પડી તારા નામ ઉપર? તું હિંદુ જન્મી તારી જન્મભૂમિ પરદેશી પરધર્મના મ્લેચ્છ દુષ્ટ લેાકેાને તેં વેચી ! અરે શરમ છે તને ! તું તારી માના ગર્ભમાં જ કાં ન મુઓ ? તારો ગર્ભપાત કાં ન થયો ! અથવા તું તારી કુમળી વયમાં શા માટે મરણ ન પામ્યો ! તેં તારી સાત પહેડીનું નામ ડુબાવ્યું ! તેં તારી જાતને એબ લગાડી, તે હિન્દુના નામને શરમ પોંહોંચાડી, તું પથ્થર કાં ન પડ્યો !” એ પ્રમાણે ઘણા આવેશમાં હરપાળે તેના ઉપર ગાળોનો વરસાદ વરસાવ્યો, અને એથી પણ વધારે અપશબ્દો તે વાપરત, અથવા કદાપિ તે તેના ઉપર હાથ પણ ચલાવત, પણ એટલામાં તે ઘાયલ માણસ વચમાં બોલી ઉઠ્યોઃ–

“ખમા બાપજી ! ખમા, જેટલી મને ગાળ દીધી, તથા એથી પણ વધારે દેશો, એ સર્વને હું પાત્ર થયો છું, જેટલા આરોપ તમે મારા ઉપર મૂક્યા છે તેટલા મેં કીધા છે, તથા જે જે બદકામોનો કરનાર તમે મને કહ્યો તેટલાં મારાથી થયાં છે. હું ખરેખર દુષ્ટ, પાપી, ચંડાળ છું. હું વધારે વાર આ લોકમાં જીવવાને લાયક નથી. અને પરલોકમાં પણ ઘણી માઠી સ્થિતિને હું નક્કી પામીશ; પણ હવે હું શું કરૂં ? ભાવિ વાત બની છે. જે થનાર તે થઈ છે, હવે તે ન થયું એમ થનાર નથી પણ તે વખતની મારી સ્થિતિ ઉપર પણ તમારે વિચાર કરવો જોઈએ. મારા ઉપર કેવો ને કેટલો ગજબ પડ્યો હતો તે ધ્યાનમા લેવું જોઈએ. તે વખતે વેરે મને ઉશ્કેર્યો, વેરે મને ગોદા માર્યા, અને આ સઘળાં કામ તે દુષ્ટ વિકારે મારી પાસે કરાવ્યાં. પણ મેં જેવું કીધું છે તેવું જ મારી અવસ્થામાં આવી પડવા છતાં ન કરે એવો કોણ છે? જવલ્લે જ કોઈ નીકળે. પણ મેં મોટી ભૂલ કીધી એ હું કબુલ કરું છું મેં જાતે કરણ ઉપર વેર લીધું હોત તો હું મારી જાતને ગુનાહગાર ન ઠેરવત. પણ મેં કરણ રાજા ઉપર વેર પારકા પાસે લેવડાવ્યું એ ઘણું ખોટું કીધું. અને તેથી આ સઘળી ખરાબી થઈ; અને મને પણ શો ફાયદો થયો છે? જ્યાં સુધી અલફખાં ગુજરાતનો સુબો રહ્યો ત્યાં સુધી તો મેં કારભાર ભોગવ્યો, પણ તે વખતે મારી ખરેખરી સત્તા પહેલાંના જેટલી ન હતી. હું હમેશાં ફિકર ચિન્તામાં રહેતો હતો. અદેખાઈને દુશ્મનીનો તો પાર જ ન હતો, મારે તલવારની ધાર ઉપર ચાલવું પડતું. મારૂં આવર્દા કાચા સુતરે લટકાવેલું હતું; અને તે મારી સઘળી દહેશત અંતે ખરી ઠરી. અલફખાં ગયા પછી નવા સુબાએ મારો કારભાર છીનવી લીધો; મારાં ઘરબાર, માલમિલકત સરકારમાં જપ્ત કીધાં; મારી સ્ત્રી થોડું ઘણું દ્રવ્ય લઈને નાસી ગઈ, અને મને એક સાધારણ ગુનાહગારની પેઠે બંધીખાનામાં નાંખ્યો. મેં છૂટવાને ઘણાએ પ્રયત્ન કીધા, તથા મારી હાલતની ખબર પાદશાહને કાને પહોંચાડવાને ઘણીએ તદબીર કીધી, પણ નગારખાનામાં તતુડીનો અવાજ કોણ સાંભળે ? મારી ફરિયાદ કોઈએ સાંભળી નહી; અને છેલ્લે જ્યારે અમલ બદલાયો ત્યારે ખુશામત તથા કાલાવાલા કર્યાથી મારો છૂટકો થયો. મેં ઘેર જઈ પાટણ શહેર છોડી દીધું અને સિદ્ધપુરમાં મારી સ્ત્રી સંતાઈ રહી હતી તેને સાથે લઈ સોમનાથનાં દર્શન કરી હાલ પાછો આવું છું. એ અઘોર પાપ કીધાં તેનો મને હમણાં ઘણો જ પસ્તાવો થાય છે. રાત દહાડો જરા ચેહેન પડતું નથી; માટે હવે કાશીક્ષેત્રમાં જઈ વિશ્વેશ્વરનું રોજ પૂજન કરી ભાગીરથીમાં સ્નાન કરી ત્યાં બાકી રહેલું આવર્દા પૂરું કરવું, એવો મારો મનસુબો છે, એ કામ પરમેશ્વર પાર પાડે, એને હવે પછીના મારા પશ્ચાત્તાપથી તથા તપશ્ચર્યાથી મારૂં સઘળું પા૫ ધોવાઈ જાય. મને ઈશ્વર તરફથી ઘટતી શિક્ષા થઈ છે, તેથી હું જરા પણ તેની સામે ફરિયાદ કરતો નથી. પરમ દયાળુ ઈશ્વર મને ક્ષમા કરે, રામરામ દાદા! કાલ સવારે હું ઈહાંથી જઈશ માટે તમને જે મારે વાસ્તે શ્રમ થયો છે તે માફ કરજો.”

માધવ અને રૂપસુંદરી ત્યાંથી નીકળી મોઢેરા ગયાં અને ત્યાં સાંજરે ધર્મશાળામાં તેઓએ મુકામ કીધો. વાળું કીધા પછી તેઓ ઘાટ ઉપર જઈ ઉભાં રહ્યાં. તે વખતે આશ્વિન મહીનાની ચાંદણી રાત ખીલી રહી હતી, અને ત્યાં એક માણસ ધીમે ધીમે અને નીચું માથું રાખીને ફરતો હતો; તે વખતે ચાંદરણું રૂપાના પતરાં સરખું પડ્યું હતું; કુંડના સ્થિર પાણી ઉપર અતિશય ચળકાટ પડતો; અને તેમાં બાજુએ પગથીયાં ઉપરનાં નાનાં મોટાં દેહેરાંની છાયા પડતી તેથી તે કુંડ ઘણો રળિયામણો દેખાતો હતો. કુંડ ઉપર એક મહાદેવનું મોટું દેવાલય હતું તેને બે રંગમંડપ હતા; એક દેહેરા સાથે વળગેલો તથા બીજો છુટો હતો, આજુબાજુએ કીર્તિસ્તંભ હતા. આખા દેહેરાની લંબાઈ પોણોસો ગજ તથા પહોળાઈ પચીસ ગજ હતી. અને તેથી ચારગણી લંબાઈ પહોળાઈનો કુંડ હતો.

અગર જો તે વખતે પેહેલી રાત હતી તોપણ સઘળું ચુપાચુપ હતું. પવન પણ પડી ગયલો હતો, અને ઝાડનાં પાતરાંનો જરા પણ ખડખડાટ સંભળાતો ન હતો. ધર્મશાળામાં એક વેરાગી મોટી ધુણી સળગાવીને બેઠો હતો, અને તેની પાસે એક બ્રાહ્મણ હતો, તે બંને ગાંજો ફુંકવાની તૈયારીમાં પડેલા હતા. આ એકાંત સ્થળે જે માણસને તેઓએ ફરતો જોયો તેનો દેખાવ જોઈ લેવા સરખો હતો. તેના માથાના નિમાળા સફેદ બરફના જેવા થઈ ગયા હતા. તેની આંખ ખાડામાં પેસી ગયલી હતી, તથા મુએલા માણસ જેવી થઈ ગયલી હતી. તેમાં કાંઈ પણ તેજ જણાતું ન હતું, તથા તેમાં બુદ્ધિની કાંઈ પણ નિશાની માલમ પડતી ન હતી. તેના ગાલ પણ બેસી ગયલા હતા. આખા ચહેરાનું લોહી પણ ઉડી ગયલું હતું, તેથી તે ફિક્કા રંગનો દેખાતો હતો. આખું શરીર ગળાઈ ગયલું હતું, તેથી તેને વખતે કોઈ નરમ હૈયાનો માણસ જોય તો તેને બીહીક લાગ્યા વગર રહે નહી તે આ લોકનો માણસ હોય એમ લાગતું ન હતું. તે કોઈ કબરમાંથી બહાર નીકળેલો હોય એમ જણાતું હતું. જેવું તેનું શરીર તેવું જ તેનું મન હતું. તેનું માથું ફરી ગયેલું હતું. તેની અક્કલ પોતાનું કામ બરોબર કરી શકતી હોય એમ જણાતું ન હતું. તેની શિકલ તથા ચાલવાની રીત ઉપરથી એવું સહેજે અનુમાન થઈ શકતું હતું કે તે માણસ અસલથી આવો ન હતો. તેણે ઘણો સારો વખત કોઈ વાર જોયો હોય પણ તેના ઉપર કોઈ મોટી આફત આવી પડ્યાથી અથવા, દૈવકોપ થવાથી તેની અવસ્થા આવી બદલાઈ ગઈ હશે, એમ ધરાતું હતું. તે આ વખતે ઉંડા વિચારમાં પડ્યો હતો, અને તે વિચારનો વિષય તેના નિકટના સંબંધનું જ માણસ હતું, તેના કલેજામાં કારી ઘા લાગ્યો હતો, અને તે કાંઈ મહા દુઃખથી તે વખતે પીડાતો હતો.

આ માણસ કોણ છે તે વાંચનારાઓએ ઓળખ્યો હશે, અથવા તેઓએ અટકળ કરી હશે. જો એ બેમાંથી કાંઈ પણ થતું ન હોય તો અમે તેઓને જણાવીએ છીએ કે તે માણસ કરણ ઘેલો હતો. જ્યારે તેણે દેવગઢમાં સાંભળ્યું કે ભીમદેવનું સઘળું લશકર કપાઈ ગયું, તથા દેવળદેવી મુસલમાનોના હાથમાં પકડાઈ, ત્યારે જે દુ:ખ તેને થયું તેનું વર્ણન થઈ શકતું નથી. તેણે કેટલાએક દહાડા સુધી તો અન્ન ચાખ્યું નહી, તથા પાણીનું ટીપું પણ ઓઠે અડકાડ્યું નહી. જે બનાવ અટકાવવાને માટે, તેણે આટલું કષ્ટ સહ્યું, જેને વાસ્તે તે આટલી મુદત સુધી લડાઈ લડ્યો, તથા બેહદ સંકટ વેઠ્યું જેને વાસ્તે તેણે પોતાનો પ્રાણ જોખમમાં નાંખ્યો તથા પોતાનાં ઘણાંએક વહાલાં માણસોને પોતાની નજર આગળ મરતાં દીઠાં, તે જ બનાવ આખરે બન્યો એ કાંઈ થોડી સંતાપ ઉપજાવનારી વાત ન હતી, જે અમૂલ્ય રત્ન તેણે મહા જતનથી ઘરમાં રાખી મૂક્યું, જેને જોવાથી તેને અતિ આનંદ થતો, તથા જે વડે તેને આટલાં મહાભારત દુઃખમાં પણ જીવવું ગમતું હતું, તે રત્ન તેના હાથમાંથી જતું રહ્યું અને તે કોના હાથમાં પડ્યું ? પોતાના ઉંચા કુળનું અભિમાન રાખી તેણે દેવગઢના રાજા સાથે સંબંધ કરવાની ના કહેલી, તથા મ્લેચ્છ લોકોના હાથમાં જાય એ ભયથી જ શંકળદેવને, પોતાનો જમાઈ કરવાને છેલ્લે તેણે ઘણી આનાકાની સાથે કબુલ કરેલું, તે સઘળું વ્યર્થ ગયું તેને જે મોટામાં મોટી દેહેશત હતી તે જ આડે આવી. હવે જીવવું શા સારૂ ? જીવવું કોને વાસ્તે ? અને શું કરવા ? તેણે આપઘાત કરવાને ઘણીએક વાર પ્રયત્ન કીધા, પણ તેને સઘળી વખત કોઈએ રોક્યો. તેને દેવગઢના રાજા રામદેવે ઘણો દિલાસો તથા ધીરજ આપી; તેને અન્ન ખવડાવ્યું, તથા કેટલીએક તદબીરથી તેનું મન પોતાની છોકરી ઉપરથી કઢાવ્યું પણ તે વખતથી તેની અક્કલને નુકસાન લાગ્યું, તે ઉદાસીની પેઠે આખો દહાડો બેસી રહેતો, અને તે વખતથી તે કોઈ દહાડો જરા પણ હસ્યો નહી. આવી અવસ્થામાં તે કેટલીએક મુદત સુધી દેવગઢમાં રહ્યો; પણ એટલામાં મલેક કાફુરનું લશ્કર શહેર આગળ આવ્યું; અને તેને ઘેરો ઘાલ્યો. રામદેવ શંકળદેવને કિલ્લામાં રાખી પોતે ઘણાંએક નજરાણાં લેઈ મલેક કાફુર પાસે ગયો, અને તેને શરણ થયો. પછી રામદેવ કાફુરની સાથે દિલ્હી ગયો. ત્યાં તેને રાયારાયનો ઈલ્કાબ મળ્યો. દિલ્હીના પાદશાહે તેને તેનું રાજ્ય પાછું સોંપ્યું એટલું જ નહી, પણ તેમાં વધારો કરી આપ્યો. તેને નવસારી પરગણું ઈનામ દાખલ આપ્યું, અને તેને ઘેર જવાને લાખ તનખા ખરચને માટે આપ્યા.

એ સઘળો બનાવ જયારે બન્યો ત્યારે કરણ ગુસ્સે થઈને તથા રામદેવ ઉપર કંટાળી જઈને દેવગઢથી ચુપકીથી નાસી ગયો, અને પાંચ વર્ષ સુધી આખા ગુજરાતમાં જુદો જુદો વેશ લઈને ભટક્યો. છેલ્લે તે મોઢેરા ગામમાં આવી પહોંચ્યોં, અને ત્યાંના દેહેરાની એક ધર્મશાળામાં તેણે ઉતારો કીધો.

માધવ તથા તેની સ્ત્રી ઉભાં ઉભાં પોતાના ગયલા વખતની વાત કરતાં હતાં, તથા માણસની જીન્દગીમાં કેટલા બધા ફેરફાર થાય છે તે ઉપર વિચાર કરતાં હતાં. વાતમાં ને વાતમાં કરણનો વિષય નીકળ્યો ત્યારે એ દુર્ભાગ્ય રાજાને વાસ્તે તેઓને ઘણી દયા આવી. “અરે અરે ! જો કરણ રાજા આ વખતે જીવતા હોય અને તેના સાંભળવામાં આવે કે તેની દેવળદેવી તેને વિસરી જઈ પોતાની મા સાથે ઘણા આનંદમાં રહે છે, તથા તેણે પાદશાહના શાહજાદા ખિઝરખાં સાથે લગ્ન કીધું છે તો તેને કેટલું બધું દુ:ખ ઉપજે ? પણ તે બીચારો આ પૃથ્વી ઉપર જ કદાપિ નહી હોય, જ્યાં હોય ત્યાં તેનો સ્વર્ગવાસ થજો.” એ પ્રમાણે માધવ મોટેથી બોલ્યો, તે સઘળા શબ્દ કરણે સ્પષ્ટ સાંભળી લીધા. આ દુ:ખદાયક વાત કરણને કાને પડતાં જ તે બેશુદ્ધ થઈ ભોંય ઉપર પડ્યો, પડવાનો અવાજ સાંભળી માધવ તેની તરફ દોડ્યો, અને જ્યારે તેણે પડેલા માણસનું મ્હોંડું કેટલીક વાર જોયું ત્યારે તે એવો તો ભય પામ્યો કે એક છલંગ મારી પોતાની સ્ત્રીને ઘસડીને ધર્મશાળામાં જતો રહ્યો, અને સઘળો સામાન બાંધી રાતની રાત ત્યાંથી બીજે ગામ જવાને નીકળી પડ્યો.

થોડી વાર પછી જ્યારે કરણને ભાન આવ્યું ત્યારે તેની આંખ લાલચોળ તથા ચેહેરો ગાંડા જેવો થઈ ગયો; અને તેના અંત:કરણમાં સખત ઘા લાગ્યો. દુષ્ટ ચંડાળ છોકરી તેના બાપના કીધેલા ઉપકાર ભુલી જાય, અને તેને કોઈ વાર પણ સંભારે નહી એ કાંઈ જેવું તેવું દુઃખ ન હતું. તેને વાસ્તે તેના આવા હાલ થયા હતા, અને તે વન વન ભટકતે। હતો, અને દેવળદેવી સુખમાં પાદશાહના મહેલમાં રહે, અને જરા પણ ઉદ્વેગ ધરે નહીં; વળી તેની માની સાથે વટલી જાય; અને છેલ્લે તેને ભૂલી જઈને, શંકળદેવનો પ્યાર અંત:કરણમાંથી ભુસી નાંખીને મ્લેચ્છ પાદશાહ, તેના બાપનું રાજ્ય લેનાર, તેના ઘરનું સુખ હરનાર, તેને આટલી બધી વિપત્તિમાં નાંખનારના જ છોકરા સાથે પરણે એ કાંઈ નાનીસુની વાત ન હતી. કૃતઘ્ની છોકરી ! આ દુનિયામાં કોઈ કોઈનું નથી, સઘળાં સ્વાર્થી છે, પ્યાર ફોકટ છે; સંસાર દગલબાજ છે, તથા માયા સઘળી ખોટી છે, એ વાતનો તેને હમણાં નિશ્ચય થયો, જેને વાસ્તે આટલી વાર જીવવું પ્રમાણ હતું તે સઘળાં દગો કરી ચાલ્યાં ગયાં, ત્યારે હવે દુનિયામાં દુઃખે દહાડા કાઢવામાં શું ફળ? માટે હવે નક્કી મરવું જોઈએ. એવો વિચાર કરતો કરતો તે કુંડની પાળ ઉપર ફરતો હતો. પણ મરવું એ કાંઈ સેહેલું નથી. જીન્દગીથી ગમે તેટલા કંટાળી ગયા હોઈએ અને મોત વારે વારે માગતા હોઈએ તો પણ જ્યારે યમરાજાના દૂત ખરેખર આવે ત્યારે આ દેહ કોઈને છોડવો ગમતો નથી. ત્યારે આપઘાત શી રીતે થાય ! પોતાનો જીવ પોતાને હાથે શી રીતે કઢાય ? એજ સંદેહને લીધે તે કુંડમાં એકદમ પડવાને બદલે આણીગમ તેણીગમ ફર્યા કરતો હતો. તેના મનમાં તોફાન અને શાંતિ વારાફરતી થતી હતી. જીવ જ્યારે ઉકળી આવતો ત્યારે તે પડવાની તૈયારી કરતો, પણ એટલામાં મન પાછું શાંત થતું, એટલે પાછો ફરવા માંડતો, એ પ્રમાણે કેટલીએક વાર સુધી ચાલ્યા પછી તેને એકદમ આવેશ ચઢી આવ્યો. અને તે નરમ પડે તેની અગાઉ તે કુંડમાં ભુસકો મારી ઝંપલાવી પડ્યો. પાણીમાં એક મોટો ધબાકો થયો તે રાતની વખતે અને આસપાસ બંધિયાર જગા એટલે તેને પડઘા પડવાથી અવાજ ઘણો મોટો સંભળાયો.

પાસેની ધર્મશાળામાં જે વેરાગી તથા બ્રાહ્મણ ગાંજો ફૂંકતા હતા તેઓ બંનેએ આ ધબાકો સાંભળ્યો, અને તે સાંભળીને તેઓ ચમક્યા. વેરાગી ચલમ પીતાં પીતાં અટક્યો, તે તેને કડવું ઝેર જેવું લાગ્યું તે ગુસ્સામાં આવી બોલી ઉઠયો:–“આવી રાતની વખતે કોણ અભાગિયો પાણીમાં પડ્યો?” કોઈ કુતરો અથવા બીજું કોઇ જનાવર હશે. આ વખતે માણસ તો કોઈ નહીં હોય. ગમે તે હો તો પણ તેણે મારી ચલમનો તાલ ખોવડાવ્યો હવે નિશો ચઢવાનો નથી. આ ઢોરે બધો દહાડો ખરાબ કીધો. આજે સવારે કોઈ ચંડાળનું મ્હોં જોયું હશે કે અમલ કરવામાં આવો એક અટકાવ થયો. એને મરવા દો. હું એને બચાવવા જવાનો નથી.” એવું કહી તેણે પછી ચલમ ભરવા માંડી. પણ જે બ્રાહ્મણ તેની સાથે હતો તે વધારે કોમળ અન્તઃકરણવાળો હતો. તેણે દુ:ખનો સ્વાદ ચાખ્યો હતો. જે દહાડાથી તેની સ્ત્રી દેવળદેવીની સાથે તુરકડાઓના હાથમાં ગઈ તે દહાડેથી તેને ચેહેન પડતું ન હતું. તેણે ઘણોક પ્રવાસ કીધો હતો, અને છેલ્લે થાકી આ ઠેકાણે આવી રહ્યો હતો. તેને પાક્કી ખાતરી થઇ કે કોઈ માણસ પડ્યો હશે અને પોતે બેસી રહે અને એક મનુષ્ય દેહનો નાશ થાય એ ઘોર પાપ પોતાને માથે ન આવે માટે તે ચલમને પડતી મૂકીને ઉઠ્યો, અને કુંડ આગળ ગયો, પાણીમાં જુવે છે તે કોઈ માણસને તરફડીયાં મારતો તેણે જોયો, તેનું માથું માત્ર ઉઘાડું દેખાતું હતું. કરણ પડતાંને વાર નીચે ગયો, પણ તે તુરત ઉપર તરી આવ્યો. તે વખતે સ્વરક્ષણની સ્વાભાવિક પ્રેરણાએ જોર પકડ્યું તે વખતે તે પોતાનો જીવ બચાવવાની આતુરતામાં પોતાનું સઘળું દુઃખ ભુલી ગયો. તેણે પછાડા મારવા માંડ્યા, અને એ પ્રમાણે જોર કરી તે કટલીએક વાર સુધી પાણી ઉપર રહ્યો, પણ તેનું જોર ધીમે ધીમે કમ થતું ગયું; તેના પગમાં ગોટલા ભરાઇ ગયા; તથા તેના હાથ રહી ગયા. તે નીચે પડવા લાગ્યો અને જે વખતે તે બ્રાહ્મણ કુંડની પાળ ઉપર ગયો, ત્યારે તેની ચોટલી માત્ર બહાર દેખાતી હતી. આવી વખતે બ્રાહ્મણને પાણીમાં ભુસકો મારતાં કાંઈ વાર લાગી નહીં. તેની પાસે વધારે લુગડાંની કાંઇ ખટપટ ન હતી. માથે એક ટોપી હતી તે પાળ ઉપર મૂકી દીધી, અને જે ધોતીયું પહેરેલું હતું તે સાથે તે પાણીમાં પડ્યો. સારા ભાગ્યે કરણ અજવાળામાં હતો તેથી તુરત તે બ્રાહ્મણે તેની ચોટલી પકડી અને તેને પોતાની પાછળ ઘસડ્યો. પણ ડુબતા માણસને કાઢવાનું કામ કાંઇ થોડું જોખમ ભરેલું નથી. તેના મનને તો આખું જગત ડુબી જાય છે અને તે પોતાનો જીવ બચાવવાની મહેનતમાં તેના બચાવનારના જીવને જોખમમાં નાંખે છે. કરણે પાણીમાંથી બહાર નીકળતાં બ્રાહ્મણને ચુડ ભેરવી; ને ભટજી જો સારો તરનાર ન હોત તો તેઓ બંનેનું સમચરી એક જ દહાડે આવત. પણ ભટજી આટલા બોજા સાથે પણ થોડુંએક તર્યા અને જ્યારે વધારે વાર ઉપર ટકાયું નહી ત્યારે કરણના હાથને તેણે એવા જોરથી બચકું ભર્યું કે તેણે તુરત પોતાના હાથ છોડી દીધા, પછી એક આચકાની સાથે કરણને ઓવારા ઉપર નાંખ્યો. બ્રાહ્મણે બહાર નીકળી કરણને ઉંચકી લીધો અને વેરાગીની પાસે લાવીને નાંખ્યો. વેરાગી તે વખતે બીજી ચલમ ફૂંકતો હતો તેણે ઘણી બેપરવાઈથી કરણના બેભાન મુડદા જેવા શરીર તરફ જોયું, અને તે પુરો મરી ગયલો છે એમ જાણીને તે બ્રાહ્મણ ઉપર ક્રોધે ભરાઈને બોલ્યો: “અલ્યા બમન ! આ પ્રેતને ઈહાં ક્યાં લાવ્યો ? આ કુંડ તથા ધર્મશાળા ગોજારાં થયાં. એવી પીડાનું ઈહાં શું કામ છે? તેને કોઈ ખુણામાં નાખી આવ, કાલે સવારે ગામમાં ખબર આપીશું એટલે તેનાં કોઈ વહાલાં અથવા એાળખીતાં લઈ જશે; નહી તો તેને અવલ મંજલ પહોંચાડવાનો મહાજન લોકો કાંઈ પણ બંદોબસ્ત કરશે. આ મહાદેવના દેવાલયમાં મુડદાને રાખવું ન જોઈએ. આખું દેહેરૂં અપવિત્ર થાય, અને તેને શુદ્ધ કરવાને ઘણા પૈસા ખરચ લાગશે, અને બીજા લોકો આપણને ઠપકો દેશે. વળી આપણને રાજા પાસે જવું પડશે. ત્યાં કોણ જાણે શું થાય ? તે કુંડમાં શા સારૂં પડ્યો તે આપણને પૂછશે ત્યારે આપણે શો જવાબ દઈશું ? અને જવાબ બરોબર દેવાશે નહી તો રાજાને આપણા ઉપર વેહેમ આવશે. રાજા ગંડુ છે, તેનો શો ભરોસો ? વખતે આપણે કુતરાને મોતે માર્યા જઈએ, અથવા ગામમાંથી બહાર જવું પડે, એટલે આપણી પેદાશ જતી રહે ને આપણે ભુખે મરીએ, માટે એ બલાને તું ઈહાંથી ખસેડ, અને બહાર કોઈ ખુણામાં નાંખી આવ, તું તારું ભીનું ધોતીયું બદલી નાંખ, અને તને સરદી ચઢી ગઈ હશે માટે આ ચલમ તૈયાર છે તે લઇ ગરમ અને તાજો થઇ જા. ચાલ બચ્ચા, વેહેલો થા.”

વેરાગીનું આ બોલવું સાંભળીને બ્રાહ્મણના દિલ ઉપર ઘણી અસર થઈ, જેટલી જેટલી વાત બાવાજીએ બતલાવી તે સઘળી તેને ખરી લાગી, અને તેણે જે કામ કીધું તેનો તેને ઘણો પસ્તાવો થવા લાગ્યો. પણ હવે લાચાર; જે થયું તે થયું. તેના શરીરમાં ટાઢ ઘણી ચઢી ગઈ હતી. ટાઢાં પાણીમાં પડવાથી તેનો સઘળો નીશો ઉતરી ગયો હતો તેથી તેને જરા પણ ચેહેન પડતું ન હતું. ભટજી એક ઘડી પણ અમલના સુમાર વિના કોઈ દહાડે રહ્યા ન હતા, તેથી આવી વખતે બાવાજીને ચલમ ફુંકતાં તથા તેમાંથી તથા પોતાના મ્હોંડામાંથી ધુમાડા કાઢતાં તેણે જોયા ત્યારે તેનો જીવ આકુળવ્યાકુળ થઈ ગયો, તેની આંખે અંધારાં આવ્યાં, અને તેને કાંઈ પણ કામ સૂઝ્યું નહી. જયારે ભટજીને એવું થયું ત્યારે કરણની શી અવસ્થા થઈ હતી તે ઉપર જરા પણ નજર કીધા વિના તેણે કોરૂં ધોતીયું પહેર્યું, અને લાગલો જ ચલમનો એક જોરથી સપાટો માર્યો, અને તે સપાટાની સાથે જ જાગૃત થયો. પછી તેણે દીવો લાવીને કરણને તપાસ્યો તો તેનું શરીર તમામ મરી ગયલા જેવું લાગ્યું પણ હજુ જીવની નિશાની એટલી હતી કે તેની છાતી ધડકતી હતી, અને તેના નાકમાંથી ઉનો શ્વાસ નીકળતો હાથને લાગતો હતો. એટલા ઉપરથી તેને આશા આવી, અને કાંઈ ઉપાયથી તે હોંશીયાર થાય એવી તદબીર તેણે કરવા માંડી, તેણે પહેલાં તો તેના પેટ ઉપર ભાર મૂક્યો, એટલે સુધી કે તે તેના ઉપર બેઠો, એટલે તેના ભારથી આસરે ચાર પાંચ શેર પાણી તેના મ્હોંમાંથી નીકળી પડ્યું. જયારે વધારે પાણી નીકળ્યું નહી ત્યારે તેને પગે દોરી બાંધી અને તેને ઉંધે માથે લટકાવ્યો. એમ કરવાથી પણ કેટલુંએક પાણી તેના શરીરમાંથી નીકળી ગયું. કલાકેક સુધી તેને એ પ્રમાણે ટાંગી રાખ્યા પછી તેને નીચે ઉતાર્યો, અને એક ધાબળીમાં લપેટી ધુણી આગળ રાખમાં સુવાડ્યો.

થોડીએક વારમાં ગરમીની અસર તેના શરીરમાં લાગી. તેણે ધીમે ધીમે શરીર હલાવવા માંડ્યું, અને એમ કરતાં કરતાં આંખ ઉઘાડી, અને છેલ્લી વારે તેને બોલવાનું ભાન આવ્યું.આ પ્રમાણે કરણ જીવતો થયો, તે જોઈને વેરાગી તથા બ્રાહ્મણને ઘણી જ ખુશી થઈ. તેઓની સઘળી દેહેશત મટી ગઈ માટે બાવાજી આનંદભેર બોલ્યાઃ “કેમ બચ્ચા ! તું કોણ છે ? શી જાતનો છે ? શો ધંધો કરે છે? શા સારૂ આ ગામમાં આવ્યો છે? અને કુંડમાં એકાએક પડી ગયો કે જાણી જોઈને ? અને જાણી જોઈને પડ્યો તો તારા ઉપર શું દુ:ખ આવી પડ્યું છે? શું શરીરથી કંટાળી ગયો છે? શું છોકરાં તરફથી દુઃખ છે ? શું બઈરી કોઈ જોડે નીકળી ગઈ ?કે શું વ્યભિચારિણી નીકળી ? કે તારી સાથે હમેશાં લડે છે તેથી કાયર થયો ? શું કાંઈ ધંધામાં ખોટ આવી ? શું પૈસા ચોરાઈ ગયા?” એ પ્રમાણે વેરાગીએ તે ઉપરા ઉપરી કરણને પ્રશ્ન પૂછવા માંડ્યા. અને તેનો પાર ઘણો મોડો આવત, પણ કરણ ગભરાયો. આ બધી વાત એકદમ શી રીતે યાદ રહેશે, તથા તેના જવાબ શી રીતે અપાશે એ વિષે તેને ફિકર થઈ, તેથી તે વચમાં બોલી ઉઠ્યો, અને બાવાને બોલતાં અટકાવ્યા. આ સઘળા સવાલોના પૃથક પૃથક્ જવાબ તો તેણે દીધા નહીં; પણ તેણે પોતાની સઘળી વાત અથથી તે ઈતિ સુધી કહી સંભળાવી પોતાનું ખરૂં નામ તથા અવસ્થા તેણે આટલી વાર તો છુપાવી રાખી હતી; પણ હમણાં તે તેનાથી છાનું રખાયું નહી. તેના મ્હોંમાંથી સઘળી સાચી વાત નીકળી ગઈ. જ્યારે કરણ સઘળું કહી રહ્યો, ત્યારે વેરાગીને તેના ઉપર ઘણી દયા આવી, અને તેનો ઉદ્ધાર કરવાને અર્થે કાંઈ શિખામણ આપવા લાગ્યો. “આ જગત સઘળું મિથ્યા છે સુખ દુઃખ વગેરે આપણા ક્ષણભંગુર શરીરને સંબંધે માની લેવાનાં છે. આત્મા અમર છે, તેને સુખ પણ નથી તેમ દુ:ખ પણ નથી માટે જ્યાંસુધી શરીર ટકે ત્યાં સુધી ઈશ્વર તરફથી જેટલું આવી પડે તેટલું શાંત મનથી સહન કરવું.”

કરણનો અભિપ્રાય તે સંબંધી જુદો જ હતો તોપણ તેના ઉપર જે દુઃખ વિત્યું હતું તે ઉપરથી દેવમાં તેની શ્રદ્ધા દૃઢ બેઠી હતી તેથી નશીબને આધીન થઈ તે વેરાગીના આશ્રમમાં રહ્યો, અને તેની વાતો હમેશાં તેણે સાંભળ્યાં કીધી, પણ તેથી તેના મન પર કાંઈ પણ અસર થઇ નહીં, વાઘને પાંજરામાં ગોંધ્યો હોય ને તે જેમ કંઈક મુદ્દત સુધી નરમ પડેલો દેખાય છે, પણ તેને તક મળતાં, અને પાંજરામાંથી છૂટો થતાં જ તેનો જાતિસ્વભાવ જણાઈ આવે છે, તેમ કરણ પણ ધર્મશાળામાં નિરાંતે રહેતો હતો એમ બહારથી દેખાતું હતું, પણ તેના મનમાં કાંઈ સ્થિરતા ન હતી. તે તક જોતો હતો. તેને એક ઘડી પણ ચેન પડતું નહોતું, તેનું ક્ષત્રીનું લોહી શરીરમાં ઉકળ્યાં જ કરતું હતું. તેનો હાથ તલવાર પકડવાને ઘણો આતુર હતો. તેના શત્રુ મુસલમાન લોકોના ઉપર વેર લેવાને તે ટાંપી રહ્યો હતો. તેને રાત્રે જરા પણ નિદ્રા આવતી ન હતી. તે ઉંઘમાંથી વખતે વખતે ચમકી ઉઠતો હતો, અને “લાવ મારી તલવાર” અથવા “આ દુષ્ટ લોકેાને કાપી કકડા કરી નાંખો” એવી તરેહની ચીસ પાડી ઉઠતો. તેને સ્વપ્નાં પણ એ જ બાબતનાં આવતાં, અને તેમાં તે મુસલમાન સાથે યુદ્ધ કરતો હતો. જ્યારે તેના મનની સ્થિતિ એવી હતી, ત્યારે તે ધર્મશાળામાં આટલી મુદત સુધી પડી રહ્યો, એ જ આશ્ચર્યકારક હતું. પણ સવારે જ્યારે વેરાગી ઉઠયો અને રોજના ધારા પ્રમાણે કરણની સાથે વાત કરવાને તેને શોધવા લાગ્યો, ત્યારે તેને માલુમ પડ્યું કે કરણ ત્યાંથી જતો રહ્યો હતો.

આ વખતે આખા હિંદુસ્થાનના રાજાઓ અલાઉદ્દીનનું નામ સાંભળીને થરથર કાપતા હતા. તેણે તથા તેના સરદારોએ સઘળે એવો તો ત્રાસ બેસાડ્યો હતો કે પાદશાહની સામા કોઈની માથું ઉપાડવાની હિમત ચાલતી ન હતી. મલેક કાફુરે દક્ષિણમાંના કેટલાએક રાજાઓ ઉપર ખંડણી બેસાડી હતી તે તેઓ ચુપકીથી તથા વગર હરકતે આપ્યાં જતા હતા, દેવગઢના રાજા રામદેવની જે અવસ્થા થઈ તે પાછળ બતાવ્યું છે. તેણે મરતા સુધી ખંડણી આપ્યાં કીધી, પણ તેના મુઆ પછી તેની ગાદી ઉપર શંકળદેવ બેઠો, તે અને તેનો ભાઈ ભીમદેવ બંને ઘણા શૂરા ને પરાક્રમી હતા, તથા આ ખંડણી આપવી, એ તેઓને કડવું ઝેર જેવું લાગતું હતું. ગાદી ઉપર બેઠા પછી કેટલીએક વાર સુધી તો તેણે ખંડણી મોકલ્યાં કીધી; પણ ક્ષત્રી થઈને તાબેદારીમાં રહેવું તે કરતાં મરવું સારૂ એવો તેનો અભિપ્રાય હતો, માટે લડવાની સઘળી તૈયારી કરી તેણે ખંડણી આપવી બંધ કીધી. પાદશાહનાં માણસો વર્ષોવર્ષ તે ઉઘરાવવા આવતાં હતાં તેઓને તે વાયદા અથવા અપમાન કરીને કાઢી મૂકતો. વળી પાદશાહનો વડો શાહજાદો, ખિજરખાં દક્ષિણનો સૂબેદાર હતો અને ખંડણી વસૂલ કરવાનું કામ તેનું હતું. અગર જો શંકળદેવ હમણાં બીજી સ્ત્રી પરણ્યો હતો તોપણ તે દેવળદેવીને હજી સુધી વિસર્યો ન હતો. તેની સાથે તેની પહેલી જ પ્રીતિ હતી; અને પેહેલી પ્રીતિથી મન ઉપર વધારે મજબુત અસર થાય છે, તે નિયમ પ્રમાણે તેના અંતઃકરણમાં દેવળદેવીની મૂર્તિ નિરંતર બિરાજેલી રહેતી. તેને મુસલમાન લઈ ગયા તેથી તે લોકોના ઉપર તેને ઘણો ક્રોધ ચઢેલો હતો; પણ લાચાર, તેનાથી કાંઈ થઈ શકે એમ ન હતું. પણ જ્યારે તેણે સાંભળ્યું કે દેવળદેવી સઘળું વિસરી જઈ ખિજરખાંને પરણી ત્યારે તેને ઘણો જ સંતાપ થયો, અને ત્યારથી તેના ઉપર તથા તેના સ્વામી ઉપર કોઈ પણ પ્રકારે વેર લેવાની તક તેણે શોધવા માંડી. આ વખતે જ્યારે તેણે ખંડણી આપવાની બંધ કીધી, ત્યારે તેને નક્કી હતું કે પાદશાહ ખિઝરખાંને દેવગઢ ઉપર ચઢાઈ કરવાને મોકલશે. તે વખતે તેની સાથે ઘણા જુસ્સાથી લડવું, ખિઝરખાંને હરાવવો, અને દેવળદેવીને પાછી પકડીને પોતાની પાસે રાખી લેવી, એ તેના મનની મોટી હોંસ હતી. પણ તેને પાર પાડવી, એ કાંઈ તેના હાથમાં ન હતું. માણસ તો બીચારો એક પછી એક વિચાર કરી છૂટે છે પણ તેનું ફળ હમેશાં જગન્નિયંતા પરમેશ્વરના હાથમાં છે. અલાઉદ્દીન પાદશાહનાં દરબારમાં મલેક કાફુરની કેટલી સત્તા હતી તે વાંચનારાઓના ધ્યાનમાં આવ્યું હશે. તેણે પોતાની હોશિયારી, દગા, ફટકા, તથા બહાદુરીથી સઘળાને તાબે કરી લીધા હતા, તથા પાદશાહના મન ઉપર એટલી તો સત્તા મેળવી હતી કે તેને પૂછ્યા સિવાય તે કાંઈ પણ કામ કરતો નહી, અને કાફુર જે ધારતો તે કામ પાદશાહ પાસે કરાવતો. જેમ જેમ પાદશાહ ઘરડો થતો ગયો, તથા તેના શરીરની તથા મનની શક્તિ ક્ષીણ થતી ગઈ તેમ તેમ કાફુરનું ચલણ વધતું ગયું, અને આ વખતે તો પાદશાહ કાફુરના હાથમાં પુતળા જેવો થઈ ગયો હતો. તે જેમ તેને નચાવતો તેમ તે નાચતો. ખરેખરો પાદશાહ તો મલેક કાફુર જ હતો. મલેક કાફુર પણ આટલી બધી સત્તા મળ્યા છતાં સંતોષ પામ્યો ન હતો. એ તો સ્વાભાવિક છે કે માણસને જેમ વધારે મળે છે તેમ તેને વધારે મેળવવાની ઈચ્છા થાય છે. માણસ કોઈ દહાડો ધરાતો નથી, અને તેની ઇચ્છાનો અંત આવતો નથી. એ જ મલેક કાફુર કેટલાંએક વર્ષ ઉપર ખંભાતમાં ગુલામ હતો, અને તે જ હમણાં એક મોટા, દ્રવ્યવાન અને શોભાયમાન રાજ્યના પાદશાહ જેવો થઈ પડ્યો હતો, એ કાંઈ થોડું હતું? એટલું તેના સ્વપ્નામાં પણ કોઈ દહાડો નહીં આવ્યું હોય તે છતાં પણ હજુ તેની ઉમેદ આગળ વધવાની હતી, અને તેને અલાઉદ્દીન પાદશાહના મરણ પછી તખ્તનશીન થવાની હોંસ હતી. આ ઉમેદ પાર પાડવી કાંઈ અશક્ય ન હતી. તેમાં વિશેષે કરીને પૂર્વ તરફના દેશોમાં એ વાત ઘણી સાધારણ હતી તેથી તેની ઉમેદને ઉત્તેજન મળતું પણ એક કાંટો તેને ઘણો સાલ્યાં કરતો હતો. અલાઉદ્દીનને પુત્ર હતા તે જ્યાં સુધી જીવતા રહે ત્યાં સુધી તેને તખ્ત મળવાની આશા થોડી હતી, માટે તે રાતદિવસ તેમના મોતની રાહ જોતો હતો, અને જ્યારે તેમ અત્યાર સુધી પોતાની મેળે ન બન્યું ત્યારે બળાત્કારે તેમ કરવાનો તેણે નિશ્ચય કીધો, તેના પુત્રની અભક્તિ તથા કપટની વાતોથી તે રોજ અલાઉદ્દીનના કાન ભંભેર્યા કરતો; અને તેથી થોડી ઘણી અસર પાદશાહના મન ઉપર થઈ હતી. રાજાનો શાહજાદાઓ ઉપરથી કંઈક અંશે પ્યાર ઉઠી ગયો હતો, અને જેટલો બાકી રહ્યો હતો તેનો પણ સમૂળ નાશ કરાવવાને તે હમેશાં પ્રયત્ન કરતો હતો. મલેક કાફુરને સારી પેઠે માલમ હતું કે પાદશાહને શૌર્ય ઘણું પ્રિય છે, અને જે કોઈ લડાઈમાં ફતેહ મેળવે છે તેના ઉપર તેને ઘણી મમતા રહે છે, માટે ખિજરખાંને કોઈ પણ લડાઈમાં જવા દેવો નહી અને તેના શૂરાતનની વાત પાદશાહને કાને પડવા દેવી નહી, એ જ તેની મતલબ હતી. તેને ખાતરી હતી કે જો પાદશાહને કાને તેનાં વખાણ જશે તો તેની ગયલી પ્રીતિ તેના ઉપર પાછી આવ્યા વિના રહેશે જ નહીં. એ કારણસર ખિઝરખાંને તેણે કોઈ પણ લડાઈમાં અત્યાર સુધી જવા દીધો ન હતો. અને કોઈ વાર પણ જવા ન દેવો એવો નિશ્ચય કર્યો હતો. એથી ઉલટું તેણે ઘણા એક કામોમાં પોતાનું શૂરાતન દેખાડ્યું હતું. અને તેથી પાદશાહનો પ્યાર તેના ઉપર મજબૂત થયો હતો એટલું જ નહીં, પણ લોકોમાં પણ તે શુરવીરમાં ગણાવા લાગ્યો હતો, અને તેથી કરીને તે બધાનો માનીતો થઈ પડ્યો હતો, તથા તેની સાથે પોતે વ્યંડળ હતો તે બાબતનું કલંક તેણે ધોઈ નાંખ્યું હતું. લોકો તેના સઘળા ગુણથી રાજી હતા. સીપાઈ લોકો પણ તેને ઘણું ચાહતા હતા, તેથી તેની મદદથી કોઈ દહાડો પણ તેની ઉમેદ બર આવે એવો સંભવ હતો. કાકુરે કર્નાટક તથા દ્વાર સમુદ્ર ઉપર છેલ્લી ચઢાઈ કીધી હતી, ત્યાંથી તે ફતેહ પામીને આવ્યો હતો, અને લુંટમાં તે ૩૧૨ હાથી, ૨૦,૦૦૦ ઘોડા, તથા ૯૬,૦૦૦ મણ સોનું તથા જવાહીર, અને મોતીની કેટલીએક પેટીઓ લાવ્યો હતો. પણ તે લડાઈ થયાને કેટલીએક મુદત વીતી ગઈ હતી તેથી તેની કીર્તિ ઝાંખી થવા આવી હતી, એટલામાં બીજી લડાઈ થવાનો પ્રસંગ આવ્યો. તૈલંગણના રાજાએ પાદશાહને કેટલુંએક નજરાણું તથા બસેં હાથી મોકલ્યા, અને તેની સાથે જે કાગળ મોકલ્યો તેમાં તેણે પાદશાહને જણાવ્યું કે મલેક કાફુર સાથે જે તહનામું થયું છે તેમાં ઠેરવેલી ખંડણી આપવાને હું તૈયાર છું. આ કાગળ વંચાયો એટલે મલેક કાફુરે પાદશાહની આગળ ત્યાં જવાનું બીડું ઝડપ્યું. તેણે એ તલંગણના રાજાની ખંડણી વસુલ કરવાનું તથા દેવગઢના અને બીજા રાજાઓ ખંડણી આપવી બંધ કીધી હતી તે પાછી લેવી શરૂ કરવાનું વચન આપ્યું; અને પાદશાહને અરજ કીધી કે મને એક મોટું લશ્કર આપી પાછો દક્ષિણમાં મોકલવો જોઈએ. તેને માલુમ હતું કે દક્ષિણમાં ફરીથી લડાઈ તો થવાની, ખિઝરખાંના તાબાનો મહાલ, દક્ષિણની પાસે હતો તેથી કદાપિ પાદશાહ તેને લડાઈમાં મોકલે, એવી તેને દેહેશત હતી; અને તેમ થવા ન દેવાને તેણે આ અરજ કીધી હતી. પાદશાહને લડાઈની વાત તો ગમતી જ હતી, અને લડાઈ વગર તેને ચેન પડતું ન હતું તેથી કાફુરની વાત સાંભળીને તે ઘણો ખુશ થયો, અને તુરત ત્યાં મોકલવાનું તેણે કબુલ કીધું, એક મોટું લશ્કર એક દમ તૈયાર થયું, અને તે લઈને મલેક કાફુર ઈ૦ સ૦ ૧૩૧૨ માં દિલ્હી છોડી નીકળ્યો.

હવે જ્યારે આ ચઢાઈ કરવાને લશ્કર નીકળ્યું, ત્યારે દેવગઢના દરબારમાં શી હકીકત બની તે ઉપર થોડી વાર નજર કરીએ રામદેવ મરી ગયા પછી શંકળદેવ ગાદી ઉપર બેઠો. તે જ્યારથી રાજા થયો ત્યારથી તે મુસલમાન લોકો ઉપર ઘણો દ્વેષ રાખતો તથા તેને ખંડણી આપવી એ મોટી નામોશી છે, એમ તે સમજતો હતો, તેણે પેહેલા જ વર્ષથી ખંડણી આપવી બંધ કીધી. ભીમદેવનો વિચાર પણ તેવો જ હતો, અને તેઓની આસપાસ જે સામંતો રહેતા તેઓ પણ તેવા જ અભિપ્રાયના હતા. ક્ષત્રી થઈ મ્લેચ્છ લોકને તાબે રહેવું તે કરતાં મરવું હજાર દરજજે સારૂં, એવો વિચાર કરીને ગમે તેવાં પરિણામ થાય તો પણ સામા લડવાનો તેઓએ નિશ્ચય કીધો. એક દહાડે શંકળદેવ, ભીમદેવ તથા તેના શુરા સરદારો દરબારમાં બેઠા હતા. તે વખતે એક જાસુસ ઘણી ઝડપથી હાંફતો હાંફતો ત્યાં આવ્યો, અને રાજાને પગે પડી બોલ્યોઃ “મહારાજ ! દિલ્હીપતિ સુલતાને એક મોટું લશ્કર તૈયાર કીધું છે અને તે લઈને ખેાજો કાફુર આપણી તરફ આવે છે. તેઓની મતલબ તૈલંગણના રાજા પાસે ખંડણી વસુલ કરવાની તથા આપે અને બીજા રાજાઓએ ખંડણી બંધ કીધી છે તે જારી કરવાની છે. મેં તે લશ્કર આવતું જોયું, તે મહારાજને ખબર કરવાને હું દોડતો આવ્યો છું; માટે સાવચેત રહેવું અને તૈયારી કરવી હોય તે કરી મૂકવી.” આ વાત સાંભળીને રાજાના ચેહેરા ઉપર કાંઈ પણ ફેરફાર થયો નહીં, તેને એ પ્રમાણે થશે એવી આશા જ હતી, અને એમ થવાથી તે ઉલટો ખુશ દેખાયો. તે જાણતો હતો કે અત્યાર સુધી જે તેઓની હાર થઈ છે તેનું મુખ્ય કારણ તેના બાપ રામદેવની નામરદાઈ હતી; પણ હમણાં જ્યારે સઘળો અધિકાર તેના હાથમાં આવ્યો છે, અને નામરદાઈની સલાહ આપનાર કોઈ રહ્યું નથી, ત્યારે જય થશે જ એવો તેને પાકો ભરોંસો હતો. વળી તેને લડાઈમાં કીર્તિ મેળવવાની ઘણી હોંસ હતી, તેથી આવો વખત આવેલો જોઈને તેને ઘણો હર્ષ થયો. તેણે તે જાસુસને કેટલુંએક ઈનામ આપવા માંડ્યું, પણ તે હાથ જોડીને બોલ્યોઃ “મહારાજ ! મેં એ કામ ઈનામને વાસ્તે કીધું નથી. હું તમારું શુભ ઇચ્છનાર છું, હું તમારું તેજ વધારે જોવાને ચાહું છું, અને એ મ્લેચ્છ લોકોનો નાશ થાય તે જોવાને હું ઘણો આતુર છું. માટે મહારાજ ! એક મારી વિનંતિ કબુલ રાખવી જોઈએ. મને શસ્ત્ર વાપરવાનો મહાવરો છે. હું ઘણીએક વાર એ દુષ્ટ લોકો સાથે લડ્યો છું, અને હજી વધારે તેઓની સાથે લડવાની મને ઘણી હોંસ છે. એ ચંડાળ લોકોએ મારૂં ઘર પાયમાલ કીધું છે. તેનું તેઓના ઉપર મારે સખ્ત વેર લેવું છે, માટે જો કૃપા કરીને મને થોડાં માણસોની સરદારી સોંપશો, તો હું કેવી રીતનો માણસ છું, તથા કેવી રીતે લડી શકું છું, તે હું બતાવી આપીશ. “મહારાજ ! કાંઈ આચકો ખાતા ના. હું ઘરડો દેખાઉં છું; મારૂં શરીર ગળી ગયલું છે; તથા મારામાં ઘણો દમ જણાતો નથી, પણ એ સઘળું મારા ઉપર પડેલી વિપત્તિને લીધે થયું છે. મારો બહારનો દેખાવ ગમે તેવો હોય તોપણ મારું મન હજી અશક્ત થયું નથી. મારામાંથી હજી શૂરાતન ગયું નથી. મારા અંત:કરણનો જુસ્સો હજી હોલવાયો નથી મેં ઘણી એક લડાઈઓ જોઈ છે, માટે મારી જો અરજ કબુલ કરશો તો મારા ઉપર કૃપા થશે.”

શંકળદેવને તેનો ચેહેરો જોઈને અને તેને આવું બોલતાં સાંભળીને ઘણું આશ્ચર્ય લાગ્યું અને તે ખરેખરો બહાદૂર માણસ હશે એમ જાણીને તેને એક હજાર સવારની સરદારી આપી, પછી તેણે લડાઈ કરવાની તૈયારી કરવા માંડી. પોતાના રાજ્યમાંથી લડનારાં માણસો એકઠા કીધાં. લઢવાનાં શસ્ત્રો તૈયાર કીધાં. શેહેરનો કોટ સમરાવ્યો. શેહેરમાં ઘણું એક અનાજ એકઠું કીધું; અને રોજરોજ સીપાઈઓને હિંમત આપવાને તથા તેઓમાં શૂર ચઢાવવાને પ્રયત્ન કરવા લાગ્યો. પણ એ સીપાઈઓએ મુસલમાનોના હાથથી ઘણીએક વાર માર ખાધેલો હતો, તેઓએ એ મ્લેચ્છ લોકો ઉપર કોઈ દહાડો પણ જય મેળવ્યો ન હતો, માટે તેઓ ઘણા ત્રાસ પામી ગયા હતા. મુસલમાનો ઉપર પરમેશ્વરની મહેરબાની છે એમ તેઓ જાણતા હતા, અને તેઓની સામા લડવું અને જીવ ખોવો, એ બે બરોબર છે એમ તેઓ સમજતા હતા, માટે આવતી લડાઈના વિચારથી તેઓ છેક કાયર થઈ ગયા હતા. પોતાનું મોત નક્કી આવ્યું એમ તેઓની ખાતરી હતી, માટે કેટલાએક સીપાઈઓની લડવાની બીલકુલ ખુશી ન હતી. પણ જ્યારે રાજાએ તેઓને લડવાને બોલાવ્યા, ત્યારે તેઓને આવ્યા વિના ચાલ્યું નહી. તેઓ આવ્યા તો ખરા, પણ લડાઈનો જલદીથી જ અંત આણવો એવો તેઓનો નિશ્ચય હતો. પણ એ વિચાર શી રીતે અમલમાં લાવવો એ મોટી મુશ્કેલી હતી. જો તેઓ લડવાની ના કહે તો તેઓ બાયલામાં ગણાય, તેઓના નામને મોટી એબ લાગે, તથા રાજાની ઈતરાજી તેઓના ઉપર થાય માટે બીજું શું કરવું એ વાતના વિચારમાં તેઓ હતા. પણ તેઓને કાંઈ સુઝ્યું નહી તેઓમાંથી એક સીપાઈ આગળ આવી બોલ્યો, કે રાજાને ઠાર મારવો એટલે લડાઈનું બી બળી જશે, અને જ્યારે મલેક કાફુર આવે ત્યારે નવા રાજા પાસે ધારા પ્રમાણે ખંડણી અપાવવી, એટલે લડાઈનું કારણ રહેશે નહી. સીપાઈની આ વાત સાંભળી પેહેલાં તો કેટલાએક ચમક્યા; કેટલાએક તો સ્થિર ઉભા રહ્યા, કેટલાએકે તે વાત તેઓને પસંદ પડી હોય તેમ ખુશી બતાવી, અને કેટલાએક તે દુષ્ટ વાત સાંભળીને એવા તો ગુસ્સે થયા કે તેઓ તે સીપાઈનું માથું એકદમ કાપી નાંખવા જતા હતા, પણ બીજા બધાએ તેમ કરતાં તેમને રોક્યા. સઘળાઓ વિચાર કરવા લાગ્યા, અને કાંઈ પણ ઠરાવ કીધા વિના પોતપોતાને ઘેર જતા રહ્યા, અને તે છેલ્લા ઉપાય સિવાય બીજો કોઈ સારો રસ્તો નથી, એવી સઘળાએાની ખાતરી થઈ.

બીજે દહાડે સઘળું લશ્કર ધારા પ્રમાણે દરબાર આગળના ચોગાનમાં એકઠું થયું. તેઓ માંહેમાંહે જુદી જુદી જાતની યુદ્ધની તૈયારી કરવા લાગ્યા. કેટલાએક પોતાના ઘોડાને કાવો ફેરવતા હતા; કેટલાએક તેઓને આગળ પાછળ દોડતાં શીખવતા હતા; કેટલાએક બુઠ્ઠા ભાલાવડે જુઠું યુદ્ધ કરતા હતા, કેટલાએક તલવારના પટા ફેરવતા હતા અને કેટલાએક નિશાન માંડીને તે ઉપર તીર મારવાનો મુહાવરો કરતા હતા. એ પ્રમાણે ત્યાં કામ ચાલી રહ્યું હતું, તે વખતે શંકળદેવ રાજા પોતે એકલો, પગે ચાલતો ત્યાં આવ્યો. તેની પાછળ પાછળ તેનો નવો રાખેલો સરદાર ચાલ્યાં કરતો હતો. રાજાને જોઈને આગલી રાત્રે કીધેલે વિચાર તેઓને યાદ આવ્યો. પણ જ્યારે તેઓની નિમકહલાલી ઉપર પાકો ભરોસો રાખી તેને આવતો જોયો, ત્યારે તેઓના મનમાંથી સઘળો ગુસ્સો નરમ પડી ગયો, અને તેની સાથે મરવું અથવા જીવવું એવી સૌને પ્રેરણા ઉત્પન્ન થઈ, પણ એ પ્રમાણેની અસર સઘળાને સરખી થઈ નહીં, કેટલાએકનાં અંતઃકરણ વધારે ક્રૂર હતાં તેઓને જરા પણ લાગ્યું નહીં. કેટલાએક નામરદા હતા, તેઓને રાજાને આવતો જોઈને વધારે બળતું લાગ્યું અને ધારેલો વિચાર અમલમાં લાવવાનો વખત પાસે આવ્યો, એમ જાણી ઘણી ખુશી થઈ. સીપાઈઓમાં ધારા પ્રમાણે કામ ચાલ્યું. એટલો જ તફાવત દેખાયો કે તેઓ સઘળાનાં મન આકુળવ્યાકુળ દેખાયાં. તેઓ નિશાન વારેવારે ચૂકી જતા હતા. સીપાઈઓથી રાજાની સામું નજર ઠેરવીને જોઈ શકાતું ન હતું, અને રાજાએ છેવટ જતી વખત થોડુંએક ભાષણ કીધું ત્યારે હમેશની પેઠે તેઓ સઘળા જયનાદ પાડી ઉઠ્યા નહી. જેઓના મનમાં શૂર ચઢ્યું તેઓ તો બોલી ઉઠયા, પણ કેટલાએક મુંગા રહ્યા, અને નીચું જોઈ ગયા. રાજાને એ સઘળું જોઈને નવાઈ જેવું તો લાગ્યું, પણ કાંઈ બોલ્યા વગર તથા તે ઉપર કાંઈ ટીકા કીધા સિવાય તેણે પાછા ફરવાની તૈયારી કીધી. પણ એટલામાં એક સીપાઈ કાંઈ જાહેર કરવા આવતો હોય એમ ધીમેથી રાજાની પાસે આવ્યો. તેણે કેટલાંએક કારણો બતાવી પાછા ઘેર જવાની રજા માગી, અને રાજા જવાબ દેવા જાય છે એટલામાં એક કટાર તે ચંડાળ સીપાઈએ રાજાના પેટમાં મારી. સારા ભાગ્યે તે વખતે શિયાળાના દહાડા હતા, તેથી રાજાએ અંદરથી રૂદાર ડગલો પહેરેલે હતો તેથી ઘા બરાબર લાગ્યો નહી, પણ તેના આચકાથી તે ભોંય ઉપર પડયો. લશ્કરમાં હાહાકાર થઈ ગયો, પણ તેઓમાંના કેટલાએક આશ્ચર્યતાથી તથા કેટલાએક દુષ્ટ ભાવથી જડભરત જેવા ઉભા રહ્યા, અને તેથી તે ખુનીને બીજો ઘા મારવાનો વખત મળ્યો. ભોંય ઉપર પડેલા રાજા ઉપર બીજો કારી ઘા પડે છે, અને તેના આવર્દાનો અંત આવે છે, એટલામાં પાછળથી તલવારનો ઝળકાટ થયો, અને તે જ ક્ષણે તે ખુનીનું માથું ભોંય ઉપર ગબડયું “વાહ ! વાહ !” “શાબાશ ” “શાબાશ” એ અવાજ એક છેડેથી બીજા છેડા સુધી ઉઠ્યો, રાજા પણ ચમકીને બેઠો થયો, અને જોય છે તો પેલો નવો સરદાર હાથમાં તલવાર લઈને ઉભો છે, અને તેનો શત્રુ જમીન ઉપર તરફડતો પડયો છે. આ સઘળું એટલી તો ત્વરાથી બન્યું કે શંકળદેવના મનને એક સ્વપ્ન જેવું લાગ્યું. તે જીવથી બચ્યો, અને તેને બચાવનાર કોણ? જે તેને ઘરડો ચીમળાઈ ગયલો દેખાતો હતો તે હમણાં જુદી જ તરેહનો લાગ્યો. તેનું રૂપ એટલું તો બદલાઈ ગયું હતું કે તે આ પૃથ્વી ઉપરનો કોઈ માણસ નહી પણ પરલોકમાંથી તેનો જીવ બચાવવાને જ અર્થે આવ્યો હોય એમ તેને લાગ્યું.

તે દહાડાથી રાજા નિરાશ થઈ ગયો. તેની બધી હિંમત જતી રહી, અને મલેક કાફુર આવે તેને ખંડણી આપવાનું તેને મન થયું. પણ હવે તેનો સલાહકારક જુદો હતો. જેણે તેનો જીવ બચાવ્યો તે તે દહાડાથી તેનો ઘણો માનીતો થઈ પડયો હતો. તેને પોતાથી ઉતરતો જ હોદ્દો આપ્યો હતો. તેની પાસે તે નિરન્તર રહેતો હતો અને તેના ઉપર રાજાનો એટલો બધો પ્યાર બંધાઈ ગયેા હતો, તથા તેના વિચાર તથા મસલતને તે એટલું બધું માન આપતો હતો કે તેને પૂછ્યા સિવાય તે કાંઈ પણ કામ કરતો નહી, આ નવો માનીતો પુરૂષ રાજાને લડાઈ કરવાને નિરન્તર બોધ કર્યા કરતો હતો. ક્ષત્રી થઈ મ્લેચ્છને ખંડણી આપવી એ કરતાં મરવું સારૂં, એમ તેના મનમાં રાત દહાડો ઉતાર્યા કરતો હતો અને તેથી રાજાની હિંમત ટકી રહી, તેથી રાજાનો અસલનો ઠરાવ કાયમ રહ્યો, અને તેથી તેણે ખંડણી આપવાનો વિચાર બંધ પાડ્યો, અને યુદ્ધ કરવાની તૈયારી કીધી, એક અઠવાડીયું ગયા પછી એક સવારે શેહેરમાં હાહાકાર થઈ રહ્યો. ગામડાંના લોકો રાત્રે શહેરમાં દોડતાં આવ્યાં, અને તેઓ ખબર લાવ્યાં કે મુસલમાનોનું એક ભારે લશ્કર આવે છે. દુશમન જેમ જેમ આગળ આવતા ગયા તેમ તેમ રાજાના મનમાં વધારે ત્રાસ બેસાડવાને રસ્તામાં જે જે ગામો આવ્યાં તે તે તેઓએ બાળી નાંખ્યાં. ખેતરમાંનું અનાજ બાળ્યું, કાપ્યું, છુંદી નાંખ્યું, અથવા બીજી રીતે તેમાં બગાડ કીધો. લોકોને મારી તો ન નાંખ્યાં, પણ તેઓને શેહેરમાં મોકલી દીધાં, અને એમ કીધાથી તેઓએ ધાર્યું કે જો શંકળદેવ રાજા દેવગઢમાં ભરાઈ બેસશે, તો શેહેરમાં ઘણા માણસો હોવાને લીધે અનાજ ખૂટી પડશે, અને સીપાઈઓને ભુખે મરવું પડશે, એટલે લડાઈનો જલદીથી અંત આવશે. એવી રીતે નુકસાન કરતા તેઓ દેવગઢની નજદીક આવી પહોંચ્યા. શંકળદેવ સવારમાં ઉઠ્યો, ત્યારે આ સમાચાર તેણે જાણ્યા. તેણે તુરત જ પોતાનાં સઘળાં માણસોને એકઠાં કીધાં, અને પોતે બખતર તથા શસ્ત્ર સજી પોતાના કુટુંબની રજા લઈને ઘરની બહાર નીકળ્યો. ભીમદેવ પણ તેની સાથે જ હતો અને પેલો નવો રાખેલો સરદાર અને હમણાં તો રાજાનો માનીતો નનામો પુરૂષ પણ રાજાની પાસે હતો, લશ્કર એકઠું થયા પછી લડાઈનાં વાજીંત્ર સાથે તેઓ આગળ ચાલ્યાં, પણ શેહેરના લોકો રાજાને આશીર્વાદ દેવાને થોડા જ બહાર આવ્યા હતા. તેઓ બારીબારણાં બંધ કરી ઘરમાં ભરાઈ રહ્યા. એક જાતની ઈશ્વરી પ્રેરણાથી અથવા વધારે સાચું કહીએ તો અનુભવથી તેઓને ખાતરી હતી કે શંકળદેવની હાર થશે અને તેથી લડાઈ કરવાના રાજાના આ દુરાગ્રહથી તેઓ નાખુશ હતા, શેહેરની ખરાબી થયા વિના રહેવાની નથી, એ દહેશતથી તેઓ ભયભીત તથા ઉદાસ થઈ ગયા હતા. થોડાંએક માણસોએ રાજા ઉપર ફુલ વધાવ્યાં, તથા પરમ કૃપાળુ ઈશ્વર પાસેથી માગી લીધું કે ક્ષત્રી રાજાનો જય થાઓ, અને મ્લેચ્છ, ચંડાળ લોકોનો સંહાર થાઓ, પણ એવું ઇચ્છનારા તથા એ તેઓની પ્રાર્થના ઈશ્વર માન્ય કરશે, એમ માનનારા થોડા હતા. તે જોઈને રાજાને ઘણી દિલગીરી થઈ, તથા એ વાતથી તેનું અર્ધું શૌર્ય ઓછું થયું. તોપણ તેને આશા હતી કે જે વખતે જય મેળવીશ તો કીર્તિ વધારે થશે, અને હમણાં જેટલી નાઉમેદી છે તેનો જ પ્રમાણમાં મારી પ્રતિષ્ઠા વધશે. એટલા જ ઉપરથી તેના મનને દિલાસો મળતો હતો. તેના સીપાઈઓમાં પણ જોઈએ તેટલી હોંસ ન હતી. તેઓ મરવા જતા હોય તેમ તેઓના મ્હોં ઉપરથી સ્પષ્ટ દેખાતું હતું. તેઓને જીતવાની કોઈ આશા ન હતી. તેઓએ પોતાનાં બૈરાંછોકરાને છેલ્લા રામ રામ કીધા હતા, અને પાછા ઘેર જઈશું એવા કોઈ રીતે ભરોંસો ન હતો. નીકળતાં શકુન પણ સારા થયા નહી, જેશીઓએ સારું મુહર્ત પણ આપ્યું ન હતું, અને અગર જો તેઓ રાજાને મ્હોડે સારી સારી વાતો બોલતા, તોપણ બીજાઓની આગળ રાજ્યની ખરાબી વિષે તેઓએ કહી રાખ્યું હતું. રાજાનો ચંદ્ર સારો નથી, એ પ્રમાણે વહેમ સઘળે પથરાઈ રહ્યો હતો, પણ શાંકળદેવને કાળે ઘેરેલો તેથી તેને કાંઈ સુઝ્યું નહી, અને તેથી આ સઘળી વાતની કાંઈ પણ ફિકર રાખ્યા વિના પોતાના લશ્કર સહિત આગળ ચાલ્યો, અને શેહેરથી કેટલેક દૂર જઈ એક સારી જગાએ ઉભો રહ્યો.

મુસલમાનોના લશકરને પણ આવતાં કાંઈ વાર લાગી નહી. તેઓએ જયારે રાજાનું લશ્કર લડાઈ કરવાને ગોઠવાયલું જોયું ત્યારે તેઓને ઘણો જ આનંદ થયો, અને હવે થોડી વારમાં તે લશ્કરના કડકે કડકા કરી નાંખીશું, એ ખુશીથી તેઓએ એક મોટી ચીસ પાડી. તેના જવાબમાં રજપૂતોએ પણ કિકિયારી કીધી, પણ તેમાં શત્રુના જેટલો જુસ્સો જણાયો નહી. જયારે મલેક કાફુર દુશ્મનના લશ્કરની પાસે આવ્યો, ત્યારે તેણે પોતાનાં માણસોને ઉભાં રાખ્યાં, અને એક માણસને બોલાવી તેને કાંઈ સંદેશો કહી રાજા પાસે મોકલ્યો. તેણે આવીને શંકળદેવને કહ્યું, “હે રાજા ! સઘળી જહાંનના પાદશાહ અલાઉદ્દીન ખિલજીનો મુખ્ય સરદાર નાયબ મલેક કાફુર તમને ખબર કરે છે કે, ઘણાંએક વર્ષ ઉપર તમારૂં રાજ્ય પાદશાહે જીત્યું, અને તમારા ઉપર ઘણી દયા કરી ખંડણી બેસાડી, તે ખંડણી તમારા બાપે એક વાર બંધ કીધી. ત્યારે અમારે ઈહાં ફરીથી આવવું પડયું, તે વખતે તમારો બાપ રામદેવ અમારે શરણ આવ્યો, અને અમને ખંડણી ઉપરાંત કેટલુંક નજરાણું પણ આપ્યું. તમારો બાપ રામદેવ પાદશાહની હજૂરપનાહમાં ગયો, અને તેને રાયારાયને ઈલકાબ આપ્યો, તથા તેને જાગીર પણ આપી. તમારો બાપ પાછો દેવગઢમાં આવ્યો, અને જ્યાં લગી જીવ્યો ત્યાં સુધી તેણે ધારા પ્રમાણે ખંડણી આપ્યાં કીધી. તેના મુઆ પછી તમે ખંડણી બંધ કીધી. તમે જાણો છો કે તૈલંગણના રાજાએ ખંડણી આપવાનું કબુલ કીધું છે, અને તે વસુલ કરવાને અમે જઈએ છીએ; પણ રસ્તામાં તમારી ખબર લેવી, અને તમને સારી શિખામણ આપવી, એ વિચારથી અમે ઈહાં આવ્યા છીએ. ખંડણી આપ્યા વિના તમારે છૂટકો થવાનો નથી, અમે જ્યાં જઈએ છીએ ત્યાંથી અમારી મતલબ પાર પાડ્યા વિના કદી પણ પાછા ફરતા નથી. અમારું લશ્કર કદી હારીને પાછું ફર્યું નથી. માટે હમણાં ડાહ્યા થઈને રાજીખુશીથી ચઢેલી ખંડણી, અમારે ઈહાં આવવાનો ખરચ, તથા તમારા ઉપર જે દંડ ઠેરવવામાં આવે તે સઘળું એકદમ આપો. નહી તો આ તમારૂં લશ્કર એક પલકમાં પાયમાલ કરી નાંખીશું, તમારી રાજધાની બાળી મૂકીશું; તમારા લોકોને કતલ કરી નાંખીશું; તથા બીજી જેટલી ખરાબી અમારાથી થઈ શકશે તેટલી કરીશું. માટે એ સઘળા ઉપર વિચાર કરીને મનમાં વિવેક લાવીને જવાબ આપજો. ઉન્મત્તાઈ કરવાનું કાંઈ કામ નથી. પાછળથી પસ્તાવો કરવો પડે એવું કદી કરશો નહી.” જાસુસની આ વાત સાંભળી તેનો જવાબ રાજા શો આપે છે તે જાણવાને સઘળા સીપાઈઓ તથા સરદારો ઘણા આતુર હતા. રાજાએ તુરત જવાબ દીધો નહી, તેણે વિચાર કરવા માંડ્યો. એટલામાં પેલો નવો રાખેલો સરદાર તેની પાસે ગયો, અને તેની સાથે કેટલીએક વાત કરી તેના મનમાં જે કાંઈ શંકા હતી તે તેણે કાઢી નાંખી. પછી રાજાએ તે જાસુસને જવાબ આપ્યો: “અત્યાર સુધી મારા બાપે જે ખંડણી આપી તે તેણે ઘણું ખોટું તથા નામરદાઈનું કામ કીધું. આટલી વાર સુધી અમારી હાર થઈ તે અમારા પાપને લીધે, તો પણ જ્યાં સુધી અમે ક્ષત્રી કેહેવાઈએ છીએ ત્યાં સુધી અમે કોઈને તાબે રહેવાના નથી. અમારા શરીરમાં અમારૂં શૂરૂં લોહી ઉકળી આવે છે; માટે લડાઈ કીધા વિના ખંડણી આપનાર નથી. જો લડાઈમાં જય થશે તો ઠીક છે, અને જો પરાજય થશે તો જે ઈશ્વરે ધારેલું હશે તે થશે, એટલો જવાબ તમારા સરદારને કહેજો.”

થોડી વારમાં મુસલમાન લશ્કરે હુમલો કીધો, “અલ્લાહુ અકબર ” એ બૂમ સઘળે પથરાઈ ગઈ. તેઓએ પેહેલ વેહેલાં જ તેઓનો જુસ્સો બતાવ્યો. પણ રજપૂત તથા મરાઠા હજી એવા બાયલા થઈ ગયા ન હતા કે પેહેલા જ સપાટામાં હારે. તેઓએ ઘણી જ ધીરજથી લડાઈ કરીને મુસલમાનોને પાછા હઠાવ્યા. રજપૂત સૈન્યમાં પણ રણસંગ્રામના વાજીંત્ર વાગી રહ્યાં હતાં. તેઓના ઘોડા ખંખારતા હતા. માણસોમાં ખુન ભરાઈ ગયું હતું, અને ઘણો શોરબકોર થઈ રહ્યો હતો. બીજી વાર મુસલમાન લોકોએ હુમલો કીધો અને આ વેળા તેઓએ ધસારો ઘણા જોરથી કીધો, પણ રજપૂતો એક પથ્થરના કોટની પેઠે ઉભા રહ્યા હતા તેને ભેદીને તેઓથી પાર જવાયું નહી. તીરથી વાદળ છવાઈ ગયું, તલવારને ઝળકાટ થઈ રહ્યો, અને તેઓ જ્યારે એકએકની સાથે અથડાતી ત્યારે વિજળીની પેઠે ચમકારા થતા હતા. ભાલા લશ્કરમાં ઉછળતા હતા, અને ક્ષણે ક્ષણે ઘણાએક અભાગિયા માણસો ભોંય ઉપર પડતા હતા. લડાઈનો ગડબડાટ, મરતાં માણસોની ચીસ તથા ઘાયલ માણસો રગદોળાઈ જતાં હતાં તેઓનાં દુઃખની બુમોથી તે જગા ખરેખરી ભયંકર થઈ રહી હતી, યુદ્ધ ખુબ જોસમાં મચી રહ્યું હતું. આકાશમાં ગીધ, સમડી, અને કાગડાઓ ઘણા આનંદમાં ઉડતાં હતાં, અને થોડી વાર પછી એક મોટી ઉજાણી તેઓને મળશે એવી તેઓને ખાતરી હતી. લોહીની નીક ત્યાં વેહેવા લાગી. એક તરફથી મુસલમાનોની “અલ્લાહુ અકબર” અને બીજી તરફથી હિંદુઓની “હર હર મહાદેવ” ની ચીસથી આકાશ ગાજી રહ્યું હતું; સઘળા રજપૂત સીપાઈઓ પેહેલાં નિરાશ થયલા જણાતા હતા તોપણ આ યુદ્ધપ્રસંગે તેઓ સિંહની પેઠે લડ્યા. તેઓએ પોતાના નામનું સાર્થક કીધું. તે સઘળાઓમાં ત્રણ માણસનું શૂરાતન વધારે દેખાઈ આવતું હતું. એક તો શંકળદેવ રાજા જેણે બહાદુરીનાં અનેક ચમત્કારિક કામો કીધાં; તેને મારવાને ઘણાંએક માણસોએ પ્રયત્ન કીધા પણ તે સઘળા નિષ્ફળ ગયા, અને તેઓએ પોતાને જીવ ખોયો. બીજો ભીમદેવ. તેણે પણ આ લડાઈમાં મહેનત કરવામાં કાંઈ કસર રાખી નહીં. પોતાનું શરીર અમર હોય એમ તે અગાડી ઉભો રહ્યો હતો. તેના ઉપર તીરને વરસાદ વરસતો હતો, અને તે શી રીતે જીવતો રહ્યો એ જ આશ્ચર્યકારક હતું. પણ સઘળાથી પેલા રાજાના નવા સરદારની બહાદુરી જોવા લાયક હતી. તેનો આ વખતને વાસ્તે જ નવો અવતાર થયો હોય એમ જણાતું હતું. તેનું શરીર જે પેહેલાં અશક્ત દેખાતું હતું તેમાં હમણાં જાણે રાક્ષસે પ્રવેશ કીધો હોય એટલું તેનામાં બળ આવ્યું હતું. તે દુશ્મનના લશ્કરમાં ઘણો જ સંહાર કરતો જતો હતો, અને રાજાની હમેશાં પાસે રહીને તેણે તેનો કેટલીએક વાર જીવ ઉગાર્યો હતો. તેના શરીરમાં ઘણાએક ઘા વાગ્યા હતા; પણ તેના જુસ્સાના આવેશમાં તેને કાંઈ જણાતું ન હતું. મરવું એ જ ઠરાવ કરીને તે લડતો હતો. પોતાના સરદારોને તથા રાજાને યુદ્ધ કરતા જોઈને સીપાઈઓને પણ ઘણું શૂર ચઢ્યું હતું, અને તેઓ મરણીઆ થઈને કતલ કર્યા જતા હતા.

મુસલમાન સીપાઈઓએ આગળથી એવું ધાર્યું ન હતું કે હિંદુઓ આટલી બહાદુરીથી લડશે. તેઓ સહેલથી ફતેહ મેળવવાનું ધારતા હતા, માટે તેઓનો આગ્રહ જોઈને તેઓ ઘણા નાઉમેદ અને જરા નાહિમ્મત થયા. જેમ જેમ તેઓની હિંમત ઓછી થતી ગઈ તેમ તેમ હિંદુઓને જુસ્સો વધતો ગયો, અને તેઓએ એવા જોરથી એક ધસારો કીધો કે મુસલમાનો ગભરાયા, અને તેઓમાં એકાએક ત્રાસ પેઠાથી સઘળા નાસવા લાગ્યા. મલેક કાફુરે તેઓને અટકાવવાને ઘણી મહેનત કીધી, પણ તે સઘળી વ્યર્થ ગઈ. જ્યારે તેઓ એક કોશ સુધી ગયા ત્યારે તેઓને કાફુરે ઘણી મુશ્કેલીથી અટકાવ્યા, અને તેઓની નામરદાઈ ઉપર ઘણા ઠોક પાડ્યા. પણ સીપાઈઓની હવે લડવાની હિંમત રહી નહી. તે વખતે મલેક કાફુરે એક નવી તદબીર કીધી. તેણે તેઓના ધર્મના વિચાર જાગૃત કીધા, અને એક કુરાન ફાડી નાંખીને તેની જુદી જુદી આયતો નિશાન ઉપર ચોઢી, અને એ પ્રમાણે ખુદાતાલાના રક્ષણ નીચે છીએ, અને હવે કોઈ પણ શત્રુ આપણી આગળ ટકી શકશે નહી એવું પોતાના માણસોને સમજાવીને તેણે તેઓને નવી હિંમત આપી. આ ઉપાય સફળ થયો, તેની ધારેલી અસર થઈ સીપાઈઓને પાછું શૂર ચઢ્યું; અને તેઓ પાછા ચાલ્યા. જયારે તેઓ હિંદુઓની પાસે આવ્યા, ત્યારે મલેક કાફુરે નીચા વળીને રસ્તા ઉપરથી થોડીએક ધુળ લીધી, અને એક આયત ભણીને હિંદુઓની તરફ ફેંકી તે બોલ્યો: “દુશ્મન પાયમાલ હોજો.” એટલું બસ થયું, મુસલમાનોએ ત્યાર પછી એવો તે ધસારો કીધો, તથા એવા જોરથી લડ્યા કે હિંદુઓથી ટકાયું નહીં. તેઓની હાર તુટવા માંડી, અને થોડી વારમાં તેઓમાંના એટલાં તો માણસ કપાઈ ગયાં, કે તેઓના મનમાં ત્રાસ પેંસી ગયો, અને તેઓએ પાછાં પગલાં ભરવા માંડ્યાં, તે વખતે શંકળદેવે નીકળીને બુમ પાડી કે 'નાસશે તે બાયલો, હિંચકારો, તથા તેની સાત પેઢીને એબ લગાડનાર સમજવો, માટે આ ઠેકાણે મરવું કે જીતવું.' પણ હવે તો માર ઘણો સખ્ત પડવા લાગ્યો, ઘણા ઘણા સરદારો પડ્યા. સીપાઈઓનો તો મરવાનો સુમાર ન રહ્યો. મલેક કાફુરનો વિચાર રાજાને મારવાનો અથવા જીવતો પકડવો એવો હતો, અને તે કારણથી રાજાના ઉપર ઘણાએક હુમલા થતા હતા પણ તેણે પોતાની તથા તેના માનીતા સરદારની બહાદુરીથી એ સઘળાને હઠાવ્યા. તેની તરફના કેટલાએક સીપાઈઓએ નાસવા માંડયું. અને તેનોન ચેપ બીજાઓને લાગ્યો. લશ્કરમાં ભંગાણ પડી ગયું. શંકળદેવ તેઓની ફરીથી વ્યવસ્થા કરવા લાગ્યો ૫ણ કાંઈ ફાવ્યું નહી. સઘળી તરફથી સીપાઈઓ નાસવા લાગ્યા. તે વખતે બે ત્રણ પઠાણો આગળ ધસ્યા, અને તેઓએ રાજાને પકડ્યો; પણ એટલામાં પાછળથી એક તલવારનો ઘા પડ્યો, અને એક પઠાણનું માથું હેઠે ભોંય ઉપર ગબડ્યું, પણ તે અરસામાં બીજા પઠાણે પાછળ ફરી એક ભાલાના ઘાથી તેના સોબતીના મારનારને ભોંકી દીધો અને તેનો અંત આણ્યો. એ પ્રમાણે રાજા જીવતો પકડાયો; ભીમદેવ ઘાયલ થઈ ભોંય ઉપર પડ્યો. બધું લશ્કર નાસવા લાગ્યું; અને રાજાનો માનીતો શૂરો સરદાર પઠાણના ભાલાના ઘાથી જમીન ઉપર તરફડતો પડ્યો.

પણ તેનાં તરફડીયાં થોડી જ વાર રહ્યાં. થોડી વારમાં આ ઘાયલ થયલા તથા કોચાઈ ગયલા શરીરમાંથી તેને અમર વસનાર ઉડી ગયો, અને તેના સર્વશક્તિમાન પેદા કરનારની હજુરમાં જઈ ઉભો રહ્યો. એ પ્રમાણે ગુર્જર દેશના છેલ્લા રજપૂત રાજા કરણ વાઘેલાનો અંત આવ્યો. વનરાજ, સિદ્ધરાજ, કુમારપાળ, અને એવા શૂરા અને નામાંકિત રજપૂત રાજાઓની ગાદીએ બેસનાર કરણ રાજા એ પ્રમાણે માર્યો ગયો, અને તેની સાથે ગુજરાતનું રજપૂત રાજ્ય ડુબી ગયું તે ફરીથી પાછું ઠેકાણે આવ્યું નહી. વાંચનારાઓ ! આ કરણના શબ ઉપર થોડાં થોડાં આંસુ પાડો, તેના મોત પછી ગુજરાત રંડાયું, તે પારકા દેશના મ્લેચ્છ લોકના હાથમાં ગયું, તેના ઉપર પરદેશી જંગલી લોકોનો જુલમ પડવા લાગ્યો. મહમ્મદ બેગડા અને એવા બીજા અમદાવાદના પાદશાહોએ તેની ઘણી ખરાબી કીધી. મરેઠા લોકોએ તેની ઉપર અતિશય લુંટફાટ કીધી, દેશમાં નાના ખંડિયા રાજાઓ થઈ ગયા, અને એ પ્રમાણે ગુજરાતની છેક દુર્દશા થઈ. ગુજરાતનું સ્વતંત્ર રજપૂત રાજ્ય આ પ્રમાણે લય પામ્યું; ગુજરાતનો મહિમાનો વખત પુરો થયો; તેની ઠેકાણે ઠેકાણે ભાંગી તુટી નિશાની માત્ર રહી ગઈ છે. હજી સિદ્ધપુરની રૂદ્રમાળા, પાટણનું સહસ્ત્રલિંગ તળાવ, અને બીજી ઈમારતો, એ ગયેલા દહાડાની સાક્ષી પૂરે છે, તથા રજપૂતોની એક વાર થયલી ચઢતી કળા દેખાડી આપે છે. પણ એ વાત બન્યાને આજ લાંબી મુદત થઈ છે. કરણ વાઘેલાના મોત પછી સાડી પાંચસે વર્ષ વહી ગયાં છે. તે વખતના અને હમણાંના ગુજરાતમાં ઘણો ફેર પડી ગયો છે. તે રજપૂતો, તે મુસલમાનો, અને મરેઠાએ ક્યાં ગયા ? તેઓની હમણાંની અવસ્થા જુઓ. હમણાંના એદી, અફીણી, નિર્બળ, અક્કલહીન રજપૂતો તે વખતના શૂરા, જોરાવર ને બુદ્ધિમાન રજપૂતોના વંશના છે, એમ કોણ માનશે ? હમણાંના ભૂખે મરતા, અશક્ત, અજ્ઞાન મુસલમાનો, તે વખતના મુસલમાનોની ઓલાદના છે એ માનવું પણ કઠણ પડશે નહી ? અને મરેઠાઓનું પણ નામ જ રહી ગયું છે. તેઓ સઘળા પશ્ચિમ તરફના ગૌર વર્ણના માણસોના હાથ નીચે દબાઈ ગયા છે. ભાટ, ચારણ, અને બીજા રાજ્ય દરબારને લગતા લોકો પણ પહાડ અને જંગલમાં ભટકતા માલમ પડે છે. અંગરેજના એક છત્ર નીચે સઘળું ગુજરાત આવી રહ્યું છે, અને પરમ કૃપાળુ ઈશ્વરની ઈચ્છાથી એ પરદેશી લોકોના હાથ નીચે આ પ્રાંત પાછો મોટો થશે, પાછું કોઈ જુદી જ રીતનું નામ કહાડશે; અને વિદ્યા, કળા અને સુધારો સઘળે પથારાઈને આ રળિયામણો પ્રાંત ઈશ્વરની વાડી, લક્ષ્મીનું ધામ, તથા સદ્ગુણનું સ્થાન થઈ પડશે. અસ્તુ !

સમાપ્ત

Post a Comment

Previous Post Next Post