જૂના સમયમાં એક શહેરમાં એક ઝવેરી રહેતો હતો. અકાળે તેનું મૃત્યુ થઈ ગયું. તેના પરિવારમાં તેની પત્ની અને એક દીકરો હતો. ઝવેરીના મૃત્યુ પછી તેમના પરિવારમાં પૈસાની તંગી આવી ગઈ. એક દિવસ માતાએ પોતાના દીકરાને હીરાનો એક હાર આપ્યો અને કહ્યું, "આને તારા કાકાની દુકાને જઈને વેચી આવ, આનાથી જે પૈસા મળશે તે આપણને કામ આવશે."
છોકરો હાર લઈને તેના કાકાની દુકાને પહોંચ્યો. કાકાએ હાર જોયો અને કહ્યું, "બેટા, અત્યારે બજાર ખૂબ મંદું ચાલી રહ્યું છે, આ હારને પછી વેચજે. જો તારે પૈસાની જરૂર હોય તો અત્યારે મારી પાસેથી લઈ લે. તું ઈચ્છે તો કાલથી મારી દુકાને કામ પર પણ આવી શકે છે."
છોકરાએ કાકાની વાત માની લીધી અને બીજા દિવસથી તે કાકાની દુકાને કામ કરવા લાગ્યો. સમય જતાં તે છોકરો પણ હીરાની સારી પરખ કરતા શીખી ગયો. તે સાચા અને નકલી હીરાને તરત જ ઓળખી લેતો હતો.
એક દિવસ તેના કાકાએ કહ્યું, "અત્યારે બજાર ખૂબ સારું ચાલી રહ્યું છે, તું તારો પેલો હીરાનો હાર વેચી શકે છે."
છોકરો તેની માતા પાસેથી એ હાર લઈને દુકાને આવ્યો અને કાકાને આપ્યો. કાકાએ છોકરાને કહ્યું, "હવે તો તું પોતે પણ હીરાની પરખ કરી જાણે છે, આ હારને જોઈને તું પોતે જ એની કિંમતનો અંદાજો લગાવ. એટલે તું જ આ હારની પરખ કર." છોકરાએ હારને ધ્યાનથી જોયો તો તેને ખબર પડી કે હારમાં તો નકલી હીરા લાગેલા છે અને આની કોઈ કિંમત જ નથી!
છોકરાએ કાકાને બધી વાત જણાવી તો કાકાએ કહ્યું, "હું તો શરૂઆતથી જ જાણતો હતો કે આ હીરા નકલી છે, પણ જો મેં તે દિવસે તને આ વાત કહી હોત તો તું મને જ ખોટો સમજત. તને એવું જ લાગત કે હું આ હાર હડપ કરવા માંગું છું, એટલા માટે આને નકલી કહી રહ્યો છું. તે સમયે તને હીરાનું કોઈ જ્ઞાન નહોતું. મુશ્કેલ સમયમાં અજ્ઞાનતાના કારણે આપણે અવારનવાર બીજા લોકોને જ ખોટા સમજી બેસીએ છીએ."
બોધપાઠ (શિક્ષણ):-
વિપરીત એટલે કે ખરાબ સમયમાં આપણા પર નકારાત્મકતા (Negative) હાવી થઈ જાય છે અને આપણી વિચારવાની-સમજવાની શક્તિ નબળી પડી જાય છે. આવી સ્થિતિમાં ઉતાવળે લીધેલા નિર્ણયોથી નુકસાન થઈ શકે છે અને સંબંધો પણ બગડી શકે છે. એટલા માટે જ મુશ્કેલ સમયમાં હંમેશા ધીરજથી કામ લેવું જોઈએ.
આજની પ્રેરણા
જીવનમાં દરેક વ્યક્તિને મહત્વ આપવું જોઈએ, કારણ કે જે સારા હશે તે સાથ આપશે અને જે ખરાબ હશે તે એક સબક (શીખ) આપશે.
આજથી આપણે.. બધાને મહત્વ આપીએ.

Post a Comment