મુખપૃષ્ઠ
પ્રકાશકનું નિવેદન
૧. વેદોનો કેન્દ્રવર્તી વિચાર
૨. ભારતીય સાધુ
૩. પ્રિન્સિઝ હૉલમાં હિંદદેશીનું પ્રવચન
૪. ક્રિશ્ચિયન કોમનવેલ્થ
૫. ભારતીય તત્ત્વજ્ઞાન અને પાશ્ચાત્ય સમાજ
૬. પ્રેતવિદ્યા અને વેદાંતદર્શન
૭. ઇંગ્લેંડમાં સ્વામી વિવેકાનંદ
૮. સંસ્કૃતિના અંગ તરીકે વેદાંત
૯. સૃષ્ટિની ધારણા
૧. વેદોનો કેન્દ્રવર્તી વિચાર
વિવેકાનંદ ઇન ઇંડિયન ન્યૂઝ
પેપર્સ, પૃ. ૩૦.
(ધ ઇંડિયન મિરર, જુલાઈ ૨૦,
૧૮૯૪, સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા, ૨.૫૮૯)
વેદોના કેન્દ્રવર્તી વિચારને
સ્વામી વિવેકાનંદે અમેરિકામાં નીચે પ્રમાણે સમજાવ્યો હતોઃ
“મારે નમ્રપણે કહેવું જોઈએ કે એકેશ્વરવાદમાં પ્રકૃતિથી
પર વ્યક્ત બ્રહ્મના સ્વીકારમાં બૌદ્ધિક વિકાસની પરાકાષ્ઠા રહેલી છે તેમ માનનારાઓથી
હું જુદો પડું છું. હું માનું છું કે અજ્ઞાતને ઓળખવાના આરંભના પ્રયાસો એ છે જે માનવરૂપધારક
પ્રકારના છે, જેની પર માનવચિત્ત અથડાતું જઈ ચડે છે. માનવબુદ્ધિ અને રિવાજનો અંતિમ પરિતોષ
જે સર્વ છે તે વૈશ્વિક તત્ત્વના સાક્ષાત્કારમાં છે અને આ વિચાર વેદોમાં છે તેનો પુરાવો
મારી પાસે છે અને એ સંખ્યાબંધ દેવો અને સ્તુતિઓના હોવા છતાંયે. નિરાકાર સર્વ, સત્નો,
એટલે કે અસ (esse) અથવા અસ્તિત્વનો, આત્માનો અને બ્રહ્મનો વિચાર ઉપનિષદોમાં છે અને દર્શનોમાં
તે વધારે સમજાવવામાં આવ્યો છે, તે વેદોનો જ કેન્દ્રવર્તી વિચાર છે એમ નહીં પણ તે સમગ્ર
હિંદુ ધર્મનો બીજરૂપ વિચાર છે.” (મૂળ સ્રોત જણાયો નથી.)
૨. ભારતીય સાધુ
(ન્યૂ ડિસ્કવરીઝ, વૉ. ૩: ૨૪૬-૪૭, સ્વામી વિવેકાનંદ
ગ્રંથમાળા, ૨.૫૮૯)
(સ્ટેન્ડર્ડ, ઓક્ટોબર ૨૩,
૧૮૯૫)
સ્ટેન્ડર્ડ જણાવે છે કે
રામમોહન રાયના સમયથી એક કેશવચંદ્ર સેનને બાદ કરતાં ગઈકાલે રાતે પ્રિન્સના હૉલમાં પ્રવચન
આપનાર બ્રાહ્મણ સિવાય અંગ્રેજ વ્યાસપીઠ પર બીજી કોઈ વધારે રસપ્રદ ભારતીય વ્યક્તિ જોવા
મળતી નથી...
વેદાંત શાખાના ઈશ્વરની
સર્વવ્યાપકતાનું દર્શન કરાવતું એ પ્રવચન (‘આત્મજ્ઞાન’ - આ પ્રવચનની શબ્દશઃ નોંધ ઉપલબ્ધ
નથી) તદ્દન નિર્ભય અને ખૂબ પ્રભાવશાળી હતું અને સ્વામીએ પોતાના વિચારમાં યોગ શાખાના
નૈતિક તત્ત્વનો સમાવેશ કરી લીધો હતો એમ એમના પ્રવચનના અંતભાગ પરથી જણાતું હતું; એ યોગ
શાખામાંના આત્મપીડનની વકીલાત એમણે કરી ન હતી પણ ભૌતિક કહેવાતી બધી સુખસગવડોના ત્યાગ
પર તેમણે ભાર મૂક્યો હતો અને કહ્યું હતું કે પૂર્ણ નિર્ગુણ બ્રહ્મ સામે એકરૂપ થવાનું
એ જ એકમાત્ર સાધન છે. આ સદીના આરંભમાં થયેલા ભૌતિકવાદના સ્થૂળ વિકાસના ઉલ્લેખથી પ્રવચનનો
આરંભ કરવામાં આવ્યો હતો, પછી થયેલા અધ્યાત્મ વિચારના વિકાસે એ ભૌતિકવાદને થોડો સમય
માટે કેવો ઠેલી કાઢ્યો હતો તે તેમણે જણાવ્યું હતું. પછી એમણે જ્ઞાનની ઉત્પત્તિ અને
તેનાં લક્ષણોની વાત કરી. કેટલેક અંશે આ મુદ્દા પરના એમના વિચારો શુદ્ધ ફિકટેવાદનું
લગભગ પુનઃકથન હતું. પણ એવી ભાષામાં અને એવાં દૃષ્ટાંતો સાથે એ રજૂ થયા હતા કે કોઈ જર્મન
સર્વાતીતવાદીએ એમ કર્યું હોય. બહિર્ ભૌતિકવાદી જગત હોવાનો એમણે સ્વીકાર કરતાં કહ્યું
કે ભૌતિક દ્રવ્ય શું છે તે એ પોતે જાણતા નથી. મન સૂક્ષ્મતર દ્રવ્ય છે તેમ એમણે કહ્યું
અને એની પાછળ મનુષ્યનો આત્મા રહેલો છે; એ સ્થિર છે, દૃઢ છે અને એની સમક્ષ બાહ્ય પદાર્થો
સતત પસાર થયા કરે છે. એ આત્મા અનાદિ અને અનંત છે - અર્થાત્ એ શાશ્વત છે. તે એ જ પરમાત્મા
છે. વ્યક્તિ અને સમષ્ટિની એકરૂપતાનું, ઈશ્વરની સર્વવ્યાપકતાનું આ દર્શન તેમણે ઊંડી
સમજથી અને દૃષ્ટાંતોની સમૃદ્ધિથી અને ખૂબ સૌંદર્ય, ગાંભીર્ય અને નિષ્ઠાભરી ભાષામાં
રજૂ કર્યું. એમણે કહ્યું કેઃ
“વિશ્વમાં એક જ આત્મા છે,
‘તમે’ અને ‘હું’ નથી, બધું વિવિધતાપૂર્ણ એકતામાં સમાવિષ્ટ છે, એ છે અનંત અસ્તિત્વ
- ઈશ્વર.”
એમાંથી પછી આત્માના અમરત્વની વાત નીકળી અને ઉચ્ચતર
આવિષ્કારો અને પૂર્ણતા તરફ જતા અવતારોની વાત આવી. અગાઉ કહ્યા પ્રમાણે વીસ મિનિટનું
એમનું વકતવ્ય ત્યાગના સિદ્ધાંતનું કથન હતું. પ્રવચન દરમિયાન કારખાનાં,
યંત્રો અને અન્ય શોધો અને પુસ્તકો વિશે તેમણે ખૂબ આકરી ટીકા કરતાં કહ્યું કે “બુદ્ધના
કે ઈશુના પાંચ શબ્દોથી જગતને થયો છે એટલો લાભ પણ આ સૌ થકી થયો નથી.” પ્રવચન કશી તૈયાર
સામગ્રી વિના અપાયું હતું અને કશા જ અચકાટ વગર પ્રસન્ન અવાજમાં અપાયું હતું.
૩. પ્રિન્સિઝ હૉલમાં હિંદદેશીનું પ્રવચન
(ન્યૂ ડિસ્કવરીઝ, વૉ. ૩: ૨૪૮; આની પહેલાં રજૂ થયેલું
સ્ટેન્ડર્ડમાં ઉલ્લેખિત પ્રવચન જ આ છે. સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા, ૨.૫૯૧)
(લંડન મોર્નિંગ પોસ્ટ, ઓક્ટોબર
૨૩, ૧૮૯૫)
આ દેશની મુલાકાતે આવનાર ભારતીય યોગી સ્વામી વિવેકાનંદે
ગઈકાલે રાતે પ્રિન્સિઝ હૉલ પિકેડિલીમાં ‘આત્મજ્ઞાન’ના વિષય પર પ્રવચન આપ્યું હતું.
જે વ્યક્તિ સંસારનો ત્યાગ કરી જાતને જ્ઞાન અને ભક્તિમાં રત રાખે તે યોગી, એમ તેમણે
સમજાવ્યું. બે વર્ષ પહેલાંની શિકાગોની વિશ્વધર્મપરિષદમાં વેદાંત દર્શન વિશે પોતાનો
અભિગમ રજૂ કરવા માટે સ્વામી વિવેકાનંદે મૂળમાં દેશ છોડ્યો હતો અને ત્યારથી એ જ વિષય
પર અમેરિકામાં વ્યાખ્યાનો આપવાના કાર્યમાં એ વ્યસ્ત છે. કાલ રાતના પોતાના પ્રવચન દરમિયાન
તેમણે કહ્યું કે ઓગણીસમી સદીની વિદાયના આ દિવસોમાં વૈજ્ઞાનિક વિચારણાનું લોલક પાછળ
ખસ્યું છે કારણ કે જગતભરમાં લોકો પ્રાચીન ગ્રંથોમાં પાછા વ્યસ્ત થઈ રહ્યા છે અને પુરાણાં
ધાર્મિક સ્વરૂપો ફરી આગળ આવી રહ્યાં છે. કેટલાયને આમાં પતન દેખાય છે, બીજા કેટલાકને
એમાં વહેમનો બકવાસ દેખાય છે પરંતુ વિજ્ઞાનના અભ્યાસીને એમાં ભવ્ય ભાવિના લાભની આગાહી
વર્તાય છે. પછી થોડા લંબાણપૂર્વક વ્યાખ્યાતાએ પોતે પ્રબોધે છે તે દર્શનશાસ્ત્રની શાખાનું
થોડું વર્ણન કર્યું અને એમાં ઉદ્ભવતા ધર્મના ત્રણ તબક્કાઓ દર્શાવ્યા. એમની ભાષામાં
સારી પ્રવાહિતા હતી અને થોડા નાના શ્રોતાસમૂહે એમને ધ્યાનપૂર્વક સાંભળ્યા હતા.
૪. ક્રિશ્ચિયન કોમનવેલ્થ
(ન્યૂ ડિસ્કવરીઝ, વૉ. ૩: ૨૬૭-૬૯, સ્વામી વિવેકાનંદ
ગ્રંથમાળા, ૨.૫૯૧)
(ક્રિશ્ચિયન કોમનવેલ્થ, નવેમ્બર
૧૪, ૧૮૯૫)
સાઉથ પ્લેસ ચેપલ પ્રવચન
ગયા રવિવારે સવારે સાઉથ
પ્લેસ ચેપલમાં મળેલા ભાવિકોને ‘વેદાંતની નીતિનો પાયો’ એ વિશે સંબોધન કર્યું. (લંડનમાં
નવે. ની ૧૦મી તારીખે અપાયેલા આ વ્યાખ્યાનની શબ્દશઃ નોંધ ઉપલબ્ધ નથી.)
સ્વામીએ સમજાવ્યું કે નીતિની જે પદ્ધતિની રજૂઆત પોતે
કરી રહ્યા હતા તેમાં કર્મનું પ્રેરકબળ ઇહલોક કે પરલોકમાં કશા લાભનું કે અહીં કે પરલોકમાં
શિક્ષાના ભયનું નથી. “આંતર્પ્રેરણાને જોરે જ આપણે કર્મ કરવું જોઈએ, કર્મને ખાતર કર્મ
અને ફરજને ખાતર ફરજ બજાવવી જોઈએ.’ ઈશુના ધર્મના ખ્યાલ કરતાં નીતિનો આ ખ્યાલ ચડિયાતો
હોવાનો દાવો કરવામાં આવે છે અને તેથી કેટલાક કહેવાતા ખ્રિસ્તીઓ બૌદ્ધ ધર્મથી કે બીજા
કોઈ પૌરસ્ત્ય દર્શનથી અંજાઈ ગયા છે. પરંતુ ખ્રિસ્તી ધર્મનો અર્ક એ છે કે તમારામાં રહેલા
સ્વર્ગીય રાજ્ય વડે તમારાં કૃત્યો પ્રેરાયાં હશે તો પરિણામે સ્વર્ગ સાંપડશે પણ બહાર
વસતા સેતાનથી પ્રેરાઈ તમે કાર્ય કરશો તો તમે નરકે જશો. સ્વામી સૂચવતા જણાતા હતા તે
પ્રમાણે સાચો ખ્રિસ્તી શિક્ષાના ભયથી કશું કરતો નથી પણ સાથોસાથ એ બધાં કર્મોના વિપાકને
તો એ જુએ જ છે....
૫. ભારતીય તત્ત્વજ્ઞાન અને પાશ્ચાત્ય સમાજ
(વિવેકાનંદ ઇન ઇંડિયન ન્યૂઝ પેપર્સ, પૃ. ૮૫-૮૬. સ્વામી
વિવેકાનંદ ગ્રંથમાળા, ૨.૫૯૨)
(ધ ઇંડિયન મિરર, ડિસેમ્બર
૧, ૧૮૯૫)
બલૂન સોસાયટીની અઠવાડિક સભામાં સ્વામી વિવેકાનંદે
‘વેદાંતના પ્રકાશમાં માનવ અને સમાજ’, એ વિષય પર પ્રવચન આપ્યું હતું. (સ્વામી વિવેકાનંદે
જણાવ્યા પ્રમાણે, ‘ઇંડિયન ફિલોસોફી એન્ડ વેસ્ટર્ન સોસાયટી’, એ વિષય હતો. વ્યાખ્યાનની
શબ્દશઃ નોંધ ઉપલબ્ધ નથી. જુઓ ન્યૂ ડિસ્કવરીઝ, વૉ. ૩: ૨૬૨.) પોતાના સંપ્રદાયનો લાલ અંચળો
સ્વામીએ પહેર્યો હતો. એક પણ ચબરખી વિના એક કલાક કરતાં વધારે સમય સંપૂર્ણ અને પ્રવાહી
અંગ્રેજીમાં એ બોલ્યા હતા. સામાજિક વ્યવસ્થામાં ધર્મ અદ્ભુત પરિબળ છે તેમ એમણે કહ્યું
હતું. વિજ્ઞાનનો મોટામાં મોટો ફાયદો જ્ઞાન હોય તો ઈશ્વરના, આત્માના, મનુષ્યના સ્વભાવનું
જ્ઞાન આપનાર ધર્મના અધ્યયન કરતાં મહાન શું હોઈ શકે? આખા જગત માટે એક જ ધર્મનું હોવું
કેવળ અશક્ય નહીં, ભયાવહ પણ છે. સમગ્ર ધાર્મિક ચિંતન એક જ કક્ષાએ રહે એ ધાર્મિક ચિંતનનું
મૃત્યુ જ થશે; વૈવિધ્ય જ જીવન છે. ધર્મના ચાર પ્રકારો છેઃ (૧) કર્મમાર્ગી (૨) ભાવનાપ્રધાન
(૩) રહસ્યવાદી અને (૪) તત્ત્વદર્શી. દરેક માનવી પોતાના પ્રકારને દુર્ભાગ્યે એવો તો
ચીટકી રહ્યો છે કે જગતમાં શાનું અસ્તિત્વ છે તે જોવાની દૃષ્ટિ જ એની પાસે ન રહી. બીજાઓને
પોતાના જેવા - પોતાના સંપ્રદાયના - જ કરવા એ મથામણ કરવા લાગ્યો. જુદાં જુદાં લક્ષણોને
વિકસાવવાની તક આપે તે ધર્મ જ પૂર્ણ કહેવાય. વૈદિક ધર્મે બધાંનો સ્વીકાર કર્યો હતો અને
પોતાના સ્વભાવ અનુસાર દરેકને પસંદ કરવાની છૂટ હતી. પછી ચર્ચા થઈ હતી.
૬. પ્રેતવિદ્યા અને વેદાંતદર્શન
(ન્યૂ ડિસ્કવરીઝ, વૉ. ૪: ૨૨૯-૩૦. સ્વામી વિવેકાનંદ
ગ્રંથમાળા, ૨.૫૯૩)
(લાઈટ, જુલાઈ ૪, ૧૮૯૬)
વેદાંત ફિલસૂફીના પ્રચાર
માટે સ્વામી વિવેકાનંદ લંડન આવે છે અને અમે પ્રથમ સાંભળ્યું ત્યારે અમને આશા હતી કે
એમનો બોધ પ્રેતવાદીઓની શ્રદ્ધાને દૃઢ કરશે, એટલું જ નહીં પણ એમની સંખ્યામાં વૃદ્ધિ
કરશે. અમે આ આશા એ માટે રાખી હતી કે હિંદુ ફિલસૂફીનું મૂળ તત્ત્વ જ એ છે કે મનુષ્ય
આત્મા છે અને એ દેહધારી છે, નહીં કે મનુષ્ય દેહધારી છે અને એને આત્મા હોય; મોટાભાગનાં
પાશ્ચાત્ય માનસો એટલે સુધી જ જઈ શકે છે...
અમારો અર્વાચીન પ્રેતવિદ્યાનો
પ્રત્યક્ષ નિદર્શનથી પુરવાર કરવાનો પ્રકીર્તિત અધિકાર છે કે દેહથી અલગ પ્રેતાત્મા રહી
શકે છે અને તેથી વેદાંત ફિલસૂફીના પ્રવકતાઓ અને પ્રેતવિદ્યાના ટેકેદારો વચ્ચે સહકારની
આશા રાખવી યોગ્ય ગણાશે એમ લાગતું હતું. પરંતુ આ ઇચ્છનીય સહકાર ટકી રહે એમ અમને લાગતું
નથી કારણ કે તાજેતરમાં ઉચ્ચારાયેલાં સ્વામીનાં કેટલાંક વચનો આ બે પંથો વચ્ચે ભેદ કરવા
કરાયેલાં જણાય છે. (૧૮૯૬ના ઉનાળામાં સેંટ જોર્જીઝ રોડ પર એક ગુરુવારે સાંજે અપાયેલું
વ્યાખ્યાન, જેનો શબ્દશઃ અહેવાલ ઉપલબ્ધ નથી.) વેદાંત ફિલસૂફી શિષ્ય પાસે આદર્શ હેતુ
રજૂ કરે છે! વાસ્તવમાં એ છે ભીતર રહેલા ઈશ્વરના આવિષ્કારથી કશું ઓછું નહીં અને સ્વામીના
જેવી ઊર્જા અને વક્તૃત્વશક્તિ ધરાવતા મનુષ્યથી એ રજૂ થાય ત્યારે એના કરતાં વધારે પ્રભાવક
અને પ્રેરક કશું હોઈ શકે નહીં. અર્વાચીન પ્રેતવિદ્યાનો ઉલ્લેખ કરીને પ્રેતાત્માને બોલાવવા
માટે મળતી બેઠકોની ઘટનાને સ્વામીએ બેધડક ઉતારી પાડી ન હોત તો અમે સ્વામીનો આદર કર્યો
હોત. ધંધાદારી માધ્યમો સાથે અવલોકનાર્થે પોતે બેઠા હોવાનું કહી, સ્વામીજી ઝઘડતા સંભળાતા
નથી. દફનના અવાજો પૂરા થતાં નાના બાળકનો અવાજ સંભળાવા લાગે છે, જે દર્શાવે છે કે અવાજ
દૂરથી આવે છે તે દેખાડવાની કળા એને માટે જવાબદાર છે. આત્માઓ તરફથી મળતા સંદેશા અર્થહીન
છે કારણ કે ‘હું ખુશી મજામાં છું’ અથવા ‘જોનને કેકનો ટુકડો આપો’, એથી કદી આગળ જતા નથી.
આવું વિધાન ‘સ્પિરિટ ટીચિંગ્ઝ’
પુસ્તકના અજ્ઞાનથી જ કરી શકાય. એ પુસ્તક સ્વામી વિવેકાનંદના ઉચ્ચ બોધની સાથે મૂકી શકાય
એમ અમને લાગે છે. પાર્થિવીકરણના ઢોંગની પ્રક્રિયા અને તારના છેડાથી આકૃતિ દોરવાની બાબતો
પણ વિગતે વર્ણવાઈ હતી.
૭. ઇંગ્લેંડમાં સ્વામી વિવેકાનંદ
(વિવેકાનંદ ઇન ઇંડિયન ન્યૂઝ પેપર્સ, પૃ. ૪૯૩-૯૫. સ્વામી
વિવેકાનંદ ગ્રંથમાળા, ૨.૫૯૫)
(ધ બ્રહ્મવાદિન, જુલાઈ ૧૮,
૧૮૯૬)
મહોદય,
થોડાં અઠવાડિયાં પહેલાં
સ્વામી શારદાનંદે આપને લખેલા પત્રની પુરવણીરૂપે ઇંગ્લેંડના સ્વામીના કાર્ય વિશે થોડો
ખ્યાલ મેળવતાં આપને આનંદ થશે એમ હું ચોક્કસ માનું છું. એ સમયે એક રવિવારીય વ્યાખ્યાનમાળા
ગોઠવાઈ હતી અને એનાં ત્રણ વ્યાખ્યાનો અપાઈ ચૂક્યાં છે. ૧૯૧, પિકેડિલીને સરનામે આવેલા
‘રોમન ઇન્સ્ટિટ્યૂટ ઑફ પેઈંટર્સ ઇન વોટર કલર્સ’ની એક ગેલેરીમાં એ વ્યાખ્યાનો ગોઠવાયાં
છે અને પોતાનો હેતુ બર લાવવામાં ખૂબ સફળ થયો છે - જે લોકો એક યા બીજા કારણસર વર્ગ-વાર્તાલાપોમાં
ન પહોંચી શકે તેમને લાભ આપવાનો એ છે. પ્રથમ વ્યાખ્યાનનો વિષય હતો, ‘ધર્મની આવશ્યકતા.’
(જે. જે. ગુડવીનની પ્રકાશિત નોંધ - C.W. ૨.૫૭-૬૯) સ્વામીએ
દાવો કર્યો કે મનુષ્યજાતિનું ભાવિ ઘડવામાં મોટામાં મોટું પરિબળ ધર્મ હતું અને છે. ધર્મની
ઉત્પત્તિની વાત કરતાં એમણે કહ્યું કે (૧) આત્મતત્ત્વ અને (૨) અનંતની ખોજ - ધર્મની ઉત્પત્તિની
આ બંને માન્યતાઓ બંધબેસતી થાય છે એમ એમનું માનવું છે અને એમના મતે એ પરસ્પરની વિરોધી
નથી. કારણ કે મૃતાત્માઓ માટેની ઈજિપ્શ્યનોની અને બેબિલોનિયનોની ખોજ અને ઉષા, સંધ્યા,
આંધિ કે અન્ય પ્રાકૃતિક ઘટનાના પડદા પાછળ ડોકિયું કરવાનો આર્યોનો પ્રયાસ એ બંનેનો સમાવેશ
ઈંદ્રિયાતીતની અને તેથી અનંતની ખોજમાં સમાવેશ થઈ શકે. સમય જતાં આ અનંત અમૂર્ત બની ગયું,
પ્રથમ વ્યક્તિ તરીકે અને પછી એક ઉપસ્થિતિ તરીકે અને અંતે સર્વ અસ્તિત્વના અર્ક તરીકે.
એમના મતે સ્વપ્નાવસ્થા ધાર્મિક અન્વેષણનું પહેલું સૂચન છે અને જાગ્રત અવસ્થા જેવી જ
સ્વપ્નાવસ્થાની સ્થિતિ હંમેશાં રહી છે અને રહેશે; તેમ જાગ્રત કરતાંયે સૂક્ષ્મતર અવસ્થા
હોવાનું અને જાગ્રત અવસ્થા દરમિયાન એ ઊડી જવાનું સૂચન આધ્યાત્મિક અસ્તિત્વની અને ભાવિ
જીવનની તરફેણમાં સ્વીકારવું પડે તેવું છે. એક અર્થમાં આપણી સ્વપ્નાવસ્થામાં જ આપણે
અમરત્વને પામીએ છીએ.
પછીથી, સ્વપ્નો જાગ્રત
અવસ્થાના નરમ આવિષ્કારો છે એ જાણીને, ચિત્તની હજી ઊંચી કક્ષાઓની અન્વેષણા આરંભાતાં
ઊર્ધ્વતર જાગ્રતિ તરફ ધ્યાન જાય છે. આ દશામાં પ્રાપ્ત થયેલી હકીકતો પર આધારિત હોવાનો
બધા ધર્મો દાવો કરે છે. આ વિશે બે અગત્યના મુદ્દાઓ ધ્યાનમાં રાખવાના છેઃ આ રીતે જાણવામાં
આવતી બધી બાબતો એના ઉચ્ચતમ અર્થમાં અમૂર્ત છે અને આ દશાએ પહોંચવા
માટે એ પ્રજા સતત મથામણ કરે છે અને એની તરફની આપણી પ્રગતિમાં રુકાવટ કરનાર પ્રત્યેક
તત્ત્વ આપણને અવરોધક જણાય છે. આ સંઘર્ષને પરિણામે આપણને જ્ઞાન થાય છે કે અનંત સુખ,
શક્તિ કે જ્ઞાનની પ્રાપ્તિ ઇન્દ્રિયો દ્વારા અશક્ય છે અને વિકાસના બીજા માર્ગોની શોધ
આરંભાય છે અને ધર્મની અગત્ય આપણને સમજાય છે. ‘એ યુનિવર્સલ રિલીજન’ એ બીજા વ્યાખ્યાનનો
વિષય હતો. (એની શબ્દશઃ નોંધ સાંપડતી નથી.) ન્યૂયોર્કમાં અપાયેલ એ વ્યાખ્યાન મોટા ભાગના
વાચકોએ સમાચાર પત્રોમાં જોયું હતું તેવું હતું. સ્વામીજીની ‘મારી ભાવિ યોજના’ ગણી શકાય
એવા પ્રવચનની અમે અત્યંત રસપૂર્વક હંમેશાં રાહ જોતા હતા. અમે તેની શ્રેષ્ઠ ઉત્સાહપૂર્વક
નોંધ કરીએ છીએ કે ન્યૂયોર્કમાં હાર્ડમૅન હૉલમાં જેવો પ્રભાવ પાડ્યો હતો તેવું લંડનમાં
અપાયેલ વ્યાખ્યાન પ્રભાવક હતું. ત્રીજું વ્યાખ્યાન ગયે રવિવારે, જૂનની ૨૧મીએ અપાયું
હતું. ‘ધ રીઅલ એન્ડ ધ એપેરંટ મેન’ (જે. જે. ગુડવીનની પ્રકાશિત નોંધ - CW. ૨.૭૦-૮૭) વ્યાખ્યાનનો વિષય હતો. એમાં વિચારની કડીએ કડી લઈ માનવીઓનું અસ્તિત્વ
ઈશ્વરથી ભિન્ન છે અને બીજા વિશ્વથી ભિન્ન છે ત્યાંથી આરંભી એક કરતાં વધારે અનંતના અસ્તિત્વની
અશક્યતાના સ્વીકાર સુધીની શૃંખલા ઊભી કરી અને એના આવશ્યક ફલિતાર્થ તરફ ધ્યાન ખેંચી
જણાવ્યું કે આપણે જેને માનવીઓનું, પશુઓનું, દ્રવ્યનું વિશ્વ કહીએ છીએ તે સાચું એકત્વ
હોઈ શકે નહીં અને સત્ય તો અખંડ અને અવિકારી જ હોય. અને આ ઘટનાત્મક જગત માયા છે એ અને
માયાવી અસ્તિત્વો એવાં આપણે સૌએ એમાંથી પસાર થઈ આપણી સાચી પ્રકૃતિની ખોજ કરવાની છે
- ‘અસ્તિત્વ ધરાવે છે તે સઘળું એક જ છે, વિપ્રો એને અનેક નામે ઓળખે છે.’ પણ આ સિદ્ધાંત
કહીને સ્વામી અટક્યા નહીં; સમાજમાંથી વર્ગભેદનું ધીમે ધીમે દૂર થવું, પૈસો અને સત્તાની
બાબતોમાં વધારે નિઃસ્વાર્થીપણાથી માનવ માનવ વચ્ચેના ભેદો દૂર થવા જેવી આ સિદ્ધાંતની
વ્યવહારુ અસરો તરફ તેમણે અંગુલિનિર્દેશ કર્યો. આવો ધર્મ એટલે વ્યક્તિત્વનો નાશ. એ વિરોધનો
ઉત્તર આપતાં એમણે દલીલ કરી કે જે પરિવર્તનશીલ છે તે સાચું વ્યક્તિત્વ હોઈ શકે નહીં
અને આપણી પાછળ રહેલા સત્યની ક્રમિક શોધ એટલે વ્યક્તિત્વની પ્રાપ્તિ, તેનો નાશ નહીં.
આ પ્રમાણે અપાયેલાં ત્રણ
વ્યાખ્યાનો ભાવપૂર્વક સ્વીકારાયાં છે અને એ ચાલુ રાખવા માટે એટલી બધી ઇચ્છા વ્યક્ત
કરવામાં આવી છે કે બીજાં ત્રણ વ્યાખ્યાનો અપાવાનાં છે.
આપનો સ્નેહાધીન,
(પત્રવ્યવહાર)
૬૩, સેન્ટ જોર્જીઝ રોડ,
લંડન, એસ. ડબ્લ્યુ.,
જૂન ૨૩, ૧૮૯૬
મોટા ભાગે મિ. ઈ. ટી. સ્ટર્ડી
૮. સંસ્કૃતિના અંગ તરીકે વેદાંત
(ઇંગ્લેન્ડમાં રીજવે ગાર્ડન્સમાં
આવેલી એરલી લોજમાં આપેલા ભાષણનો સારાંશ, સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા, ૨.૫૯૭)
વસ્તુઓની માત્ર સ્થૂળ અને
બાહ્ય બાજુ જોઈ શકનારા લોકોને ભારતીય પ્રજા, એક પરાજિત અને પીડિત, એક સ્વપ્નસેવી અને
ફિલસૂફ પ્રજા દેખાશે. પરંતુ એ લોકોની એટલું પારખવાની શક્તિ નથી કે અધ્યાત્મ ક્ષેત્રમાં
ભારત વિશ્વ વિજયી છે. બેશક, એ ખરું છે કે જેમ અત્યંત ક્રિયાશીલ પાશ્ચાત્ય માનસ પૂર્વની
અંતર્નિરીક્ષણ અને ધ્યાનપરાયણતા આદિના મિશ્રણથી લાભ મેળવે, તેમ પ્રાચ્ય માનસ થોડીક
વધુ ક્રિયાશીલતા અને ઉદ્યમ પરાયણતાથી ફાયદો ઉઠાવે. છતાં પ્રશ્ન ઊઠે છે કેઃ જ્યારે બીજી
પ્રજાઓ નાશ પામે છે ત્યારે, આ પીડિત અને દુઃખી પ્રજાઓ, હિંદુઓ અને યહૂદીઓ (જે બે પ્રજાઓમાંથી
જગતના બધા મહાન ધર્મો ઉત્પન્ન થયા છે) ટકી રહી છે. તેની પાછળ રહેલી શક્તિ કઈ છે? આધ્યાત્મિક
શક્તિ એ એક જ કારણ હોઈ શકે. શાંત હિંદુઓ હજી ટકી રહ્યા છે; યહૂદીઓ પેલેસ્ટાઈનમાં રહેતા
તેનાં કરતાં આજે સંખ્યામાં વધુ છે. ભારતીય તત્ત્વજ્ઞાન સમગ્ર સભ્ય જગતમાં પ્રસરે છે
અને પ્રસરવાની સાથે સુધારો કરીને ઓતપ્રોત થતું જાય છે. એ જ પ્રમાણે પ્રાચીન કાળમાં,
યુરોપને કોઈ ઓળખતું નહિ તે જમાનામાં ભારતનો વેપાર આફ્રિકાના કિનારાઓ પર પહોંચેલો હતો
અને જગતના બીજા ભાગો સાથે તેણે વહેવાર સ્થાપેલો હતો. આ રીતે હિંદીઓ પોતાના દેશની બહાર
ગયા નથી એ માન્યતા ખોટી ઠરે છે.
તેમજ, એ પણ નોંધવા જેવું
છે કે પરદેશી સત્તાનો હિંદ પરનો કબજો એ સત્તાના ઇતિહાસમાં પલટો લાવનારો નીવડ્યો છે.
એથી એને સંપત્તિ, સમૃદ્ધિ, સત્તા અને આધ્યાત્મિક વિચારો મળ્યા છે. જ્યારે પશ્ચિમવાસી
પોતે કેટલી સંપત્તિ મેળવી શકે અને ભોગવી શકે એનું માપ કાઢવાનો પ્રયાસ કરે છે, ત્યારે
પ્રાચ્ય માનવ જાણે કે એથી ઊલટો માર્ગ લેતો અને કેટલી ઓછી ભૌતિક સંપત્તિથી પોતે ચલાવી
શકે એ માપ કાઢતો દેખાય છે. વેદમાં એ પ્રાચીન પ્રજાનું ઈશ્વરને પહોંચવાના પ્રયાસનું
પગેરું મળી આવે છે. ઈશ્વરને શોધવાના એમના પ્રયાસમાં જુદી જુદી ભૂમિકાએ તેઓ પહોંચ્યા
હતા. પિતૃપૂજનથી આરંભ કરીને, અગ્નિ દેવતાની ઉપાસનાથી આગળ વધતાં, વજ્રધારી ઇંદ્ર તથા
દેવાધિદેવ વરુણની ઉપાસનાએ પહોંચ્યા. ઈશ્વર વિશેના આ વિચારનો વિકાસ, અનેક દેવોમાંથી
એક ઈશ્વરે પહોંચવા સુધીનો વિકાસ બધા ધર્મોમાં મળી આવે છે. એનો સાચો અર્થ એ છે કે યૂથપતિ
દેવોમાં મુખ્ય એ છે, જે જગતને સર્જે છે, તેનું નિયમન કરે છે અને દરેકના અંતરમાં જુએ
છે, વિકાસની ભૂમિકાઓ અનેકેશ્વરવાદમાંથી એકેશ્વરવાદ તરફ લઈ જાય છે. પરંતુ આવો માનવસદૃશ ઈશ્વરનો વિચાર હિંદુઓને સંતોષી શક્યો નહિ; દિવ્યતત્ત્વના
એ શોધકોને એ ખ્યાલ અતિશય માનવીય લાગ્યો, આથી આખરે તેમણે ઇન્દ્રિયો અને ભૌતિક વસ્તુઓના
બાહ્ય જગતમાં ઈશ્વરને શોધવાનું છોડી દીધું અને પોતાનું ધ્યાન આંતર જગત તરફ વાળ્યું.
આંતર જગત છે ખરું? હોય તો તે શું છે? એ છે આત્મા. એ એક માત્ર એવી વસ્તુ છે કે જેને
વિશે માણસની ખાતરી હોઈ શકે. જો એ પોતાને જાણે તો જ જગતને જાણે, એ સિવાય બીજી રીતે નહિ.
એ જ પ્રશ્ન આદિ યુગમાં, ઋગ્વેદમાં સુધ્ધાં બીજે પ્રકારે પૂછવામાં આવ્યો હતો કે, ‘આદિમાં
કોણ અથવા શું હતું?’ એ પ્રશ્નનો ઉકેલ ક્રમે ક્રમે વેદાંતદર્શને આપ્યો. આત્મા જ હતો.
એટલે કે જેને આપણે નિરપેક્ષ, વિશ્વવ્યાપી નિર્વિશેષ આત્મા કહીએ છીએ, એ તે શક્તિ છે
કે જેનાથી આદિમાં સર્વ કાંઈ વસ્તુ પ્રગટ થઈ છે, થાય છે અને થયા કરશે.
જેમ વેદાંત તત્ત્વજ્ઞાનીઓએ
આ પ્રશ્નનું નિરાકરણ શોધી કાઢ્યું, તેમ સાથોસાથ તેમણે નીતિશાસ્ત્રનું મૂળ પણ શોધી કાઢ્યું.
બધા ધર્મોએ નીતિના નિયમોનો ઉપદેશ તો આપ્યો છે કે, ‘હિંસા ન કરો. કોઈને પીડા ન આપો.
તમારા પાડોશીને પણ તમારી પોતાની પેઠે જ ચાહો’, વગેરે. છતાં એમાંના એક્કેયે એનું કારણ
આપ્યું નથી. મારા પાડોશીને મારે શા માટે પીડા ન પહોંચાડવી? આ પ્રશ્નનો કોઈ સંતોષકારક
આખરી ઉત્તર મળતો ન હતો. છેવટે કેવળ શાસ્ત્રોનાં વિધાનોથી સંતોષ ન માનનારા હિંદુઓની
આધ્યાત્મિક વિચારદૃષ્ટિમાંથી એનો ઉકેલ નીકળી આવ્યો. હિંદુ એમ કહે છે કે આ આત્મા નિરપેક્ષ
સર્વવ્યાપક અને તેથી અનંત છે. અનંત બે ન હોઈ શકે, કારણ કે બેઉ એકબીજાને મર્યાદિત કરે,
બેઉ પરિમિત થઈ જાય. વળી દરેક જીવ એ સર્વવ્યાપી અનંત આત્માનો અંશ છે; એથી પોતાના પાડોશીને
ઈજા પહોંચાડવામાં માણસ ખરું જોતાં પોતાને જ ઈજા પહોંચાડે છે. બધા નીતિનિયમોના સિદ્ધાંતોના
પાયામાં આ તાત્ત્વિક સત્ય રહેલું છે. ઘણી વાર એવું માનવામાં આવે છે કે માણસ પોતાના
પૂર્ણત્વે પહોંચવાના પ્રયત્નમાં અસત્યમાંથી સત્યમાં જાય છે, એક વિચારમાંથી બીજા વિચારમાં
પ્રવેશે ત્યારે તેણે ખસૂસ રીતે પહેલાનો અસ્વીકાર કરવો પડે. પરંતુ કોઈ પણ અસત્ય, સત્ય
તરફ લઈ જઈ શકે નહિ. જીવ પોતાની જુદી જુદી ભૂમિકાઓમાંથી પસાર થતાં થતાં એક સત્યમાંથી
બીજા સત્ય તરફ જઈ રહ્યો હોય છે. એટલે દરેક ભૂમિકા સાચી હોય છે; એ નીચલી કોટિના સત્યમાંથી
ઉચ્ચ કોટિના સત્ય પ્રતિ જઈ રહ્યો છે. આ મુદ્દો નીચેના ઉદાહરણથી સમજાવી શકાય. એક માણસ
સૂર્ય તરફ પ્રવાસ કરી રહ્યો છે; તે અમુક અમુક કક્ષાએ ફોટા લેતો જાય છે. તેમાં પહેલો
ફોટો બીજાથી અને બીજો ત્રીજાથી એમ ઠેઠ સૂર્ય સુધીના બધા ફોટાઓ કેવા જુદા જુદા લાગે!
પણ એ બધા ફોટા, જો કે એકબીજાથી મહદ્ અંશે જુદા પડતા હોય તો પણ સાચા
છે, માત્ર દેશ અને કાળમાં થયેલા ફેરફારને કારણે તે જુદા જુદા દેખાય છે. આ સત્યની ઓળખને
પરિણામે હિંદુઓ નીચામાં નીચાથી માંડીને ઊંચામાં ઊંચા બધા ધર્મોનું સનાતન સત્ય સમજવાને
શક્તિમાન થયા છે; અને પરિણામે એ એક માત્ર પ્રજા એવી બની છે કે જેની અંદર કદી પણ ધર્મને
નામે અત્યાચાર થયા નથી. આજે મુસલમાનોથી તજાયેલી અને ભુલાઈ ગયેલી એક મુસ્લિમ સંતની દરગાહને
હિંદુઓ પૂજી રહ્યા છે. એવાં તો કેટલાંય ઉદાહરણો ટાંકી શકાય કે જેમાં એ જ ઉદાર ભાવના
મૂર્તિમંત જોઈ શકાય.
સમસ્ત માનવજાત જેની શોધમાં છે એ ધ્યેય - એકતાનો પત્તો
લાગ્યો નહિ ત્યાં સુધી પૂર્વના લોકોનાં મન સંતોષ પામી શક્યાં નહિ. પશ્ચિમનો વૈજ્ઞાનિક
અણુ કે પરમાણુમાં એકતાને શોધી રહ્યો છે. જ્યારે એને એ મળશે, ત્યાર પછી એને એથી આગળ
શોધવાનું કશું બાકી રહેશે નહિ. તે જ પ્રમાણે જેને પરમાત્મા કહેવામાં આવે છે એ સર્વ
આત્માઓનું ઐક્ય જ્યારે આપણે શોધી શકીશું, ત્યાર પછી આગળ વધવાનું આપણે રહેશે નહિ. એ
સ્પષ્ટ થાય છે કે ઇન્દ્રિયગોચર જગતમાંનું સર્વ કાંઈ એ એક આત્મા વસ્તુની અભિવ્યક્તિ
છે. જ્યારે વૈજ્ઞાનિક વિચારે છે કે જે અણુઓ લંબાઈ - પહોળાઈ વિનાના છે છતાં જ્યારે એકઠા
મળે છે ત્યારે લંબાઈ - પહોળાઈ અને વિસ્તારનાં કારણરૂપ બને છે, ત્યારે વૈજ્ઞાનિકને,
અધ્યાત્મવિજ્ઞાનને માનવાની જરૂર ઊભી થાય છે; જ્યારે એક અણુની બીજા અણુ ઉપર ક્રિયા થાય
છે ત્યારે કંઈક માધ્યમની જરૂર હોય જ છે. એ માધ્યમ શું છે? એ એક ત્રીજો અણુ હશે. જો
એમ હોય, તો પણ પ્રત્યુત્તર વિનાનો સવાલ તો ઊભો જ રહે છે કે આ બે અણુઓ પેલા ત્રીજા ઉપર
ક્રિયા કેવી રીતે કરે છે? દેખીતી રીતે જ આ અસંભવ બધાં ભૌતિક વિજ્ઞાનો માટે જરૂરનાં
ગૃહીત તરીકે માની લીધેલા સિદ્ધાંતમાં આ શબ્દોમાંનો વિરોધ જોવામાં આવે છે; દા.ત. બિન્દુ
એટલે લંબાઈ, પહોળાઈ, જાડાઈ કે કદ વગરનું કંઈક અને લીટી એટલે પહોળાઈ વગરની લંબાઈ, આ
બેઉ દેખાય નહિ તેમ ખ્યાલમાં પણ આવી શકે નહિ. શા માટે? કારણ કે એ ઇન્દ્રિયોના ક્ષેત્રમાં
આવતા નથી; એ અધ્યાત્મક્ષેત્ર માંહેના વિચારો છે. એટલે આપણે જોઈએ છીએ કે ઇન્દ્રિયોના
બધા અનુભવોને જે આકાર આપનાર છે તે આખરે તો મન છે. જ્યારે હું એક ખુરશી જોઉં છું, ત્યારે
હું જે જોઉં છું તે ખરેખરી મારી આંખોની બહાર રહેલી ખુરશીને નથી જોતો, પરંતુ બહારનું
કંઈક અને તે ઉપરાંત અંદર પડેલી માનસિક છબી પણ જોઉં છું. આ રીતે જડવાદીને પણ છેવટે તો
અધ્યાત્મવાદ તરફ તણાવું જ પડે છે.
૯. સૃષ્ટિની ધારણા
(ન્યૂ ડિસ્કવરીઝ, વૉ. ૫: ૧૯૨-૯૪. સ્વામી વિવેકાનંદ
ગ્રંથમાળા, ૨.૬૦૧)
(લોસ એન્જેલસ હેરોલ્ડ, ડિસેમ્બર
૧૩, ૧૮૯૯)
એકેડેમી ઑફ સાયન્સિઝ સમક્ષ
સ્વામી વિવેકાનંદનું વ્યાખ્યાન
સધર્ન કેલિફોર્નિયા એકેડેમી
ઑફ સાયન્સિઝના ઉપક્રમે ગઈકાલે સાંજે યુનિટી ચર્ચમાં બ્રહ્માંડ અથવા વિશ્વ સંબંધી વૈદિક
ધારણા (કેલિફોર્નિયામાં સ્વામી વિવેકાનંદનું આ બીજું વ્યાખ્યાન હતું અને એની અક્ષરશઃ
નોંધ મળતી નથી. ૧૮૯૬માં ન્યૂયોર્કમાં સ્વામીજીએ આપેલ બે પ્રવચનો ‘બ્રહ્માંડ સમષ્ટિ’
અને ‘બ્રહ્માંડ વ્યષ્ટિ’ સરખાવવા જેવાં છે. C.W.2)
વિશે હિંદના વતની સ્વામી વિવેકાનંદને સાંભળવા મોટો સમુદાય એકઠો થયો હતો...
વિષયપ્રવેશ કરતાં વક્તાએ
જળપ્રલયની પૌરાણિક કથાની વાત કરી હતી; બેબિલોનિયન, અસીરિયન, ઇજિપ્શ્યન અને બીજી પ્રજાઓમાંની
એ પુરાણકથા હિબ્રૂ પુરાણકથાને મળતી છે. એ બતાવે છે કે બધી પ્રજાઓ સૃષ્ટિની ઉત્પત્તિ
સંબંધમાં એક મત ધરાવે છે.
“સૂર્યની અને પ્રાકૃતિક
બળોની પૂજામાં પ્રકૃતિનાં રહસ્યો સમજાવવાના પ્રાચીન પ્રજાના પ્રયત્નો જોઈ શકાય છે.
ઊર્જાનો માનવીનો પ્રથમ ખ્યાલ માનવી પોતે હતો. કોઈ પથ્થર પડ્યો ત્યારે એણે એ પથ્થરમાં
કશી શક્તિ ન જોઈ પણ એની પાછળ રહેલો સંકલ્પ જોયો અને એણે એવી ધારણા કરી કે સમગ્ર સૃષ્ટિનું
સંચાલન સંકલ્પોથી થાય છે. ધીમે ધીમે આ સંકલ્પો એક થવા લાગે છે અને વિજ્ઞાન ઊભું થવા
લાગે છે. બહુસંખ્ય દેવો દૂર થાય છે અને તેમને સ્થાને એકત્વ આવે છે અને આજે અર્વાચીન
વિજ્ઞાન એ એક ઈશ્વરને પણ હટાવે તેવો ભય ઊભો થયો છે. વસ્તુઓની પોતાની પ્રકૃતિ વડે જ
વિજ્ઞાન તેમને ઓળખાવવા અને વિશ્વને આત્મનિર્ભર કરવા માગે છે.
સંકલ્પો ધીમે ધીમે દૂર
થવા લાગ્યા અને એમને સ્થાને સંકલ્પ આવ્યો. વિકાસની આ પ્રક્રિયા જગતની બધી પ્રજાઓમાં
થઈ તે રીતે હિંદમાં પણ થઈ. બીજા દેશોના લોકોના વિચારો અને દેવો જેવા જ વિચારો અને દેવો
હિંદવાસીઓના હતા પણ હિંદમાં એ માત્ર ત્યાં અટક્યા નહીં. જીવન જ જીવન પેદા કરી શકે અને
મૃત્યુ તેમ કરી શકે નહીં તે જ્ઞાન હિંદવાસીઓને થયું. ઈશ્વર વિશેની આપણી સંકલ્પનાઓ એકેશ્વરવાદ
સુધી જાય છે. બીજે બધે માનવબુદ્ધિ ત્યાં અટકી જાય છે અને આપણે એને અંતિમ સત્ય બનાવી
બેસી જઈએ છીએ. પણ ભારતમાં એમ થતું નથી. આપણી આસપાસ આપણે જે ઘટનાચક્ર જોઈએ છીએ તેને
વિરાટ સંકલ્પ પણ અટકાવી શકે નહીં. માનવીમાં પણ સંકલ્પની પાછળ
કામ કરતાં પરિબળો છે. લોહીના પરિભ્રમણ જેવી સામાન્ય બાબતમાં પણ સંકલ્પ - કે ઇચ્છાશક્તિ
- પ્રેરક બળ નથી.
“આપણે ઈશ્વરને આપણા જેવો
વ્યક્તિરૂપે જ કલ્પ્યો છે, માત્ર અનંતગણો મહાન એ છે અને જગતમાં ભલમનસાઈ અને દયા અને
સુખ છે માટે આ ગુણો ધરાવતું અસ્તિત્વ પણ હોવું જોઈએ પણ જગતમાં અનિષ્ટ પણ છે. હિંદુ
ચિત્ત એટલું તો દર્શન-પ્રભાવિત છે કે એક સારા અને બીજા ખરાબ એમ બે ઈશ્વરોનું અસ્તિત્વ
એને સ્વીકાર્ય નથી. ભારત એકત્વના વિચારને વળગી રહ્યું. મારે માટે અનિષ્ટ શુભ હોય તે
બીજા માટે અશુભ હોય. આપણે સૌ એક સાંકળના અંકોડાઓ છીએ. એટલે પછી ઉપનિષદોનું ચિંતન આવે
છે; એ ૩૦૦,૦૦૦,૦૦૦ માનવીઓનો ધર્મ છે. પ્રકૃતિ એક એકમ છે; સર્વ અસ્તિત્વમાં એકતા છે
અને ઈશ્વર અને પ્રકૃતિ સમાન છે. હિંદનું આ તત્ત્વજ્ઞાન હિંદની બહારના જગતમાં પ્રસિદ્ધ
છે.
“ભારતની ફિલસૂફીની અસર
ન પ્રકાશિત કરતો હોય એવો જગતમાં એકેય ધર્મ કે ફિલસૂફી નથી અને કેથલિક ચર્ચનો પણ તેમાં
જ સમાવેશ થાય છે. જેને નવી શોધ કહેવામાં આવે છે તે શક્તિનો સંગ્રહ પિતા (પ્રાણ?) તરીકે
હિંદમાં જાણીતો છે. જે કંઈ છે તે એમાંથી જ ઉદ્ભવે છે. બ્રહ્મે (પ્રાણે?) કશાકમાં શક્તિનો
સંચાર કરવો જોઈએ અને એને લોકો ‘ઈથર’ - આકાશ - કહે છે. ઘન, પ્રવાહી કે જ્યોતિર્મય ગમે
તેની ઉપર બ્રહ્મ (પ્રાણ?) આંદોલિત હોય, તે એ ઈથર - આકાશ જ - છે. બધાની શક્તિ સંગ્રહરૂપે
ત્યાં છે. હવે પછીના યુગમાં બ્રહ્મ (પ્રાણ?) વધારે ને વધારે આંદોલિત થશે.
“આમ ભારતીય શાસ્ત્રોની આ વિચારણા અર્વાચીન વિજ્ઞાનની
ખૂબ નિકટની છે. અર્વાચીન ઉત્ક્રાંતિએ પણ એ જ વિચાર અપનાવ્યો છે. ગૌરવમાં જુદા ભાસતા
આપણા દેહો એક જ સાંકળની કડીઓ છે. એક વ્યક્તિમાં બીજી વ્યક્તિઓની બધી શક્યતાઓ પડેલી
છેે. જીવંત અસ્તિત્વ સમગ્ર જીવનની શક્યતા ધરાવે છે પરંતુ પર્યાવરણ માગે તેને જ એ વ્યક્ત
કરી શકે છે. અર્વાચીન વિજ્ઞાન અતિ અદ્ભુત ધારણાઓ બાંધે છે. પ્રબોધક તરીકે મને જે સૌથી
વધારે આકર્ષે છે તે સર્વ ધર્મોની (જીવનની?) એકતા છે. છોડમાં છે તે જ જીવન વ્યક્તિમાં
છે એમ હર્બર્ટ સ્પેન્સર કહે છે ત્યારે હિંદુ ધર્મને ઓગણીસમી સદીમાં એક સૂર મળ્યો છે.
Post a Comment