[પ્રવેશક]
શૈવ, વૈષ્ણવ, જૈન અથવા
સ્વામીપંથી એવા કોઈ એક સંપ્રદાયની અંદર મહિમા પામેલા ધર્મગુરુઓનાં આ વૃત્તાંતો નથી.
અહીં સંઘરવામાં આવ્યાં છે તે, અને હવે પછી સંઘરાશે તે તમામ તો લગભગ બિનસંપ્રદાયી અને
ગ્રામ્ય વસ્તીના નીચામાં નીચા પડ સુધી ઊતરેલા ઈશ્વરપ્રેમી સેવાભાવી સામાન્ય સંતોનાં
બયાનો છે. એનું ‘લોક-સંતો’ એવું નામ બરાબર અર્થવાહી લાગે છે, કેમ કે તેઓ લોકોને રંગે
રંગાયા હતા, અને લોકો તેઓને રંગે. લોક-સમાજના નજીકમાંના નજીક ચોકીદારો તેઓ જ હતા. સાંપ્રદાયિક
સંતો પૈકી જેઓ આ કક્ષામાં આવી શકશે, તેઓને પણ બેશક અત્રે સંઘરવામાં આવશે.
ધાર્મિક વાતાવરણ
સૌરાષ્ટ્ર એટલે મિલન-ભોમ
: શૂરાઓની તેમજ સંત જનોની. સૌરાષ્ટ્ર એટલે પ્રણય-ભોમ : સાંસારિક તેમજ પારમેશ્વરી પ્રેમિકોની.
સૌરાષ્ટ્ર એટલે સમરાંગણ : ધરાકામી તેમજ મુક્તિકામી બન્ને જાતિના લડવૈયાઓનું. આ રસકસભરી
ભોમ પર લોભાઈને જેમ ત્રણ દિશાએથી ક્ષત્રીકુલો ખડગ વીંઝતાં આવ્યાં, ડુંગરિયાળ ગૌચરો
અને અખંડ વહેતી નદીઓથી નજરાઈને જેમ આહીર, ચારણ ને ભરવાડ રબારી માલધારીઓ ગૌધન ઘોળી ઊતર્યા,
તેમ ગરવા ગિરનાર, સોમનાથ અને દ્વારામતીને ધર્મ-આકર્ષણે ભરતખંડના ખૂણેખૂણેથી સંતો પધાર્યા.
ગિરનાર એટલે ગુરુ દત્તની નવ નાથ અને ચોરાસી સિદ્ધોવાળી તપસ્વી-સેનાનું બેસણું, અરધ-ગુપ્ત
અને અરધ-પ્રકટ એવું એક તપોવન : પહાડનો પોતાનો જ દેખાવ કોઈ પલાંઠી વાળી યોગાસને બેઠેલા
ત્રિકાલાતીત યોગી જેવો. પાષાણ, પાણી અને વનસ્પતિના ત્રિગુણ પ્રભાવ તે ગરવા ગિરનારના
; જૈન તીર્થંકર નેમિનાથ, હિન્દુ દેવતા દત્ત ગુરુ, મુસ્લિમ ઓલિયા જમિયલશા અને શક્તિ
જોગણી અંબાજી, એવાં સર્વેનું એ સહિયારું સંગમ-તીર્થ ; એની સર્વદેશીય અસર સારાયે ભરતખંડ
પર ગરવા ગિરનારે છાંટી.
સૌરાષ્ટ્રના આથમણા મહાસાગરને
કિનારે સોમૈયોજી સ્થપાયા. કૃષ્ણચંદ્રના ઉતારા પણ સાગરતીરે મંડાયા. એ બન્ને તીર્થોએ
દીધું દરિયાઈ વાતાવરણ. અને આ ભરતખંડમાં વિરલ એવી સૂર્યદેવની સ્થાપના પણ સોરઠને પાંચાળ
પ્રાંતે ‘સૂરજ દેવળ’ નામે પ્રખ્યાત થઈ. કોઈને ન નમનાર એવા કાઠી-કુલે ત્યાં જઈ એ આકાશી
દેવની સન્મુખ શિર નમાવ્યાં. વરાહ તેમજ વામન અવતારની પ્રતિષ્ઠા પણ સમગ્ર હિંદ ખાતે સોરઠમાં
જડે છે.
લોભાઈ લોભાઈને દૂરદેશવાસી
ભક્તજનો સોરઠમાં ઊતર્યા ; ને એણે પર્યટનનો માર્ગ સમુદ્રને કિનારે કિનારે લીધો. આપણે
ઉગમણે કિનારે જોતા જાઓ : યાત્રિકોની કેડી પડી છે : તળાજા, કોળિયાક, ખારી-મીઠી વીરડી,
ગોપનાથ, પીપાવાવ, વરાહરૂપ, મૂળદ્વારકા, ઉપરગાળે આવેલાં ગુપ્તપ્રયાગ, તુલસીશ્યામ, પ્રભાસપાટણ,
સુદામાપુરી અને ત્યાંથી દ્વારામતી : એ મહાયાન પર તીર્થગામીઓનો સંઘ કંઈ સૈકાથી ચાલ્યો
જ આવે છે. ભક્ત પીપાજી, રહીદાસ, તુળસીશ્યામના દૂધાધારી સ્થાપક વગેરે ઘણા ઘણા ત્યાં
થઈને આવ્યા ને માર્ગે જ્યાં જ્યાં મન ઠર્યાં ત્યાં ત્યાં ધર્મશાળા, સદાવ્રતો કે ગૌશાળાનાં
તોરણ બાંધતા ગયા. અનેક ખાખી બાવાઓનાં બેસણાં પણ એ જ રીતે અહીં બંધાયાં. શ્રીમદ્ વલ્લભાચાર્યના
દેશપર્યટન દરમ્યાન પાવન થયેલી ગણાતી ચોરાસીની મહાપ્રભુજીની ‘બેઠકો’ પૈકી એકસામટી આઠેક
બેઠક તો અહીં સૌરાષ્ટ્રમાં જ ગણાવાય છે.
પરંતુ આપણે તો તેથીયે
જરા જૂની તવારીખમાં ડોકિયું કરીએ : સૌરાષ્ટ્ર પર મહાન અસર પાડીને અહિંસાને રંગે રંગનારો
બોદ્ધ ધર્મ એક વાર અહીં કેવળ રેવતાચળની જ આસપાસ નહિ, પણ છેક પૂર્વ ખૂણામાં તળાજા સુધી
પ્રવર્ત્યો હશે. એભલ-મંડપ અને સાણાનાં ખંડિયરો એની સાક્ષી પૂરે છે.
આમ કેટલાં કેટલાં ધર્મતત્ત્વોનો
પાસ સોરઠનાં લોકોના અંત :કરણો પર બેઠો હશે એ સમજી શકાય છે : યોગીઓના યોગતત્ત્વનો, સોમનાથ-પ્રેમીઓનાં
શૈવતત્ત્વનો, બોદ્ધમતના દયાતત્ત્વનો અને ઈસ્લામની એકોપાસનાનો. ને આ બધી ભાત ઊઠી તેનું
કારણ સૌરાષ્ટ્રની જનપ્રકૃતિ. મુખ્યત્વે પશુધારીઓ : લક્ષ્મીનાં લાલચુ ઓછાં, કુદરતનાં
સંગીઓ, સ્વપ્નાવસ્થ ઊર્મિભર્યાં, ભાવઘેલડાં, શ્રદ્ધાળુ, અંધશ્રદ્ધાળુ, અને વહેમી પણ
સારી પેઠે! વળી દેહમનથી જેમ યુદ્ધ, વેર અને પ્રેમમાં જોરાવર તેમ, અથવા તેથી જ ત્યાગ,
આસ્થા અને ભક્તિ પરત્વે પણ ઉગ્ર આવેશમય. એવી ભોં ઉપર ભક્તિનાં બીબાં ઘાટાં ઊઠ્યાં.
જેમ લક્ષ્મીનાં ઢગલામાં લેટીલેટીને થાકેલા અમેરીકાવાસીઓ કોઈ ધર્મ, કલા કે સાહિત્યના
વ્યાખ્યાન તરફ અથવા આધ્યાત્મિક વાતો તરફ તૃષાતુરોની ધખનાથી ઢળે, તેમ લડાઈઓ, ધાડાં,
રક્તપાત વગેરે વિકટ જીવનક્રમમાં પીડાતાં સૌરાષ્ટ્રવાસીઓ ધર્મની શાંતિ તરફ સહેલાઈથી
વળતાં હતાં.
કેટલીક જાતના સંતો
એ રંગોમાં રંગાઈને પ્રવર્તેલા
સંતોની હવે આપણે વહેંચણ કરવી જોઈએ. હું એ સમુદાયના આટલા ભાગ પાડું છું :
1. લંગોટધારી, ભભૂતધારી
ગિરનારીઓ : ખાખી બાવાઓ : જેના મુકામો મુખ્યત્વે કરીને ગિરનાર ફરતા મળે છે. ધૂંધળીનાથ,
સિદ્ધનાથ, કરેણીનાથ વગેરેની ‘પટ્ટણ સો દટ્ટણ’ જેવી અલગારી કથાઓ અહીં પ્રચલિત છે. તેઓ
સદંતર ત્યાગીઓ હતા. વસ્તીથી નિરાળા ગુફાવાસી કે તરુછાયાના નિવાસી હતા, તપસ્વી હતા.
દુર્વાસાના વારસદાર ક્રોધી પણ હોવા જોઈએ. આજ એનો પંથ અતિ જાલિમ બન્યો છે. એ ગામડાંને
શોષે છે.
2. બિનભજનિક, ધંધાર્થી,
સંસારભોગી સત્પુરુષો : ભેખ પહેરીને એકાંત તપશ્ચર્યા માટે અરણ્યમાં કે પર્વતોમાં ચાલી
નીકળેલા નહિ પણ ગૃહ-સંસાર ચલાવતાં અથવા તો ફક્કડ અવસ્થામાં રહ્યે રહ્યે સુકૃત્યો –
લોકસેવાનાં કૃત્યો કરે, વિકારોને જીતવા મથે.
3. ત્રીજો સમુદાય તે
ભજનિક સંતોનો.
4. ચોથો સમુદાય વાડીના
સાધુઓનો : એટલે કે અંત્યજ ભક્તોનો ; જેમાં રહીદાસ ચમાર, ત્રિકમ ને ભીમ મેઘવાળ, દાસી
જીવણ વગેરે નામો ઝબૂકે છે. એ વેલ તો બહુ ફૂલીફાલી છે. એની ફોરમો સહુથી અનેરી છે. એની
વાણીની તો જાણે ‘ગુપત ગંગા’ ફૂટી નીકળી છે. ‘દાસી જીવણ’નાં ભજનો મીરાંનાં પદોની યાદ
આપે છે. એનો પણ અલાયદો જ વિભાગ કરશું.
બિનભજનિક સંતો
તેઓને ખાસ કોઈ પંથ-સંપ્રદાય
નહોતો. ખાસ કોઈ પૂજા, ક્રિયાકાંડ, ધ્યાન કે સમાધિ નહોતાં. ભક્તિરસમાં તેઓ તન્મય બનેલા
નહોતા. ભજન-સાહિત્યના પણ બહુ ભોગી નહોતા. તેથી જ મોટે ભાગે ભજનની વાણીનો અભાવ. અથવા
દાના ભગત અને શાદૂળ ભગતની વચ્ચે ઘટના બની ગયેલી તે પ્રમાણે વાણીની બહુલતા પ્રતિ કટાક્ષ
પણ ખરો, એટલી સંસ્કારિતા પણ ઓછી : મોટે ભાગે કર્મપ્રધાન હોવાથી વ્યવહારકુશળતા વાપરી
જાણે. તદ્દન પ્રભુમય ન હોવાથી રાગદ્વેષને ક્વચિત્ અધીન બની દુભાય, અંતરમાં ઘવાય, છૂપો
શાપ પણ આપી બેસે ખરા. એને ‘સંતો’ કરતાં ‘સમાજસેવકો’ કહીએ તો ચાલે.
એમનાં સુકૃત્યો ખાસ કરીને
કયાં કયાં? ગૌસેવા અને અન્નદાન.
ગૌસેવા
‘કામધેનુઓની ટેલ’ એ પ્રત્યેક
સંતને દેવામાં આવતો ગુરુમંત્ર હતો. નાનપણથી જ ‘વાછરુ પારવું’ ને ઘોળી ચારવા લઈ જવા
આપવામાં આવતી ‘લાકડી’ એ સંતના દીક્ષાદંડ સમી લેખાતી. ગાયોનાં છાણવાસીદાં ઉપાડવાનો સૂંડો
એની દીક્ષાના પ્રથમ પ્રભાતથી જ એનો સંગાથી બનતો. જાદરા, દાના અને ગીગા કે વિસામણ જેવા
દરેક સિદ્ધિવંત ગણાતા સ્થાપકનો જીવન-પ્રારંભ ગાયોની જ ચાકરીથી થયેલો. દિવસ અને રાત્રિ
ગાયોનાં ચરણ, જળાશયો વગેરેની ચિંતા એ લોકોને બાલ્યાવસ્થાથી જ લગાડવામાં આવતી. એ ગૌસેવા
જ તેઓના ત્યાગવૈરાગ્યની કસોટી ગણાતી. ગીગા જેવા ભક્તનું જીવન એ તામાં તવાઈને શુદ્ધ
કુંદન બન્યું હતું. અને તેઓનો ગાયો પ્રત્યેનો પ્રેમ કેટલી કોટિએ પહોંચ્યો હશે તેના
દૃષ્ટાંતરૂપે આપણે ગોરખા ભગતના જીવનમાં વાંચીએ છીએ કે જ્યારે મોરબીના દરબારી માણસો
પાંચાળમાંથી એની જગ્યાની ગાયો લૂંટી ગયા ત્યારે ગોરખાએ કહ્યું : ‘ભાઈ, વાંસે વાછરુ
સોત દઈ મેલો : નીકર બાપડી કામધેનુ દુવાશે!’
અન્નદાન
ગૌસેવા જેટલું જ તીવ્ર
લાગણીભર્યું કર્તવ્ય તે સદાવ્રતો તેમજ રાંધ્યું ધાન આપવાનું હતું. પોતાને આંગણે આવેલા
હરકોઈ ક્ષુધાતુરોને આહાર દેવો એ સર્વ ધર્મમાં પરમ ધર્મ ગણાતો. જગ્યાઓના આદ્ય સંસ્થાપકો
પ્રથમ તો ઝોળી લઈને રોટલાના ટુકડા માગવા નીકળી પડતા. એમ કરતાં કરતાં તેઓને આંગણે અનાજનાં
ગાડાંની ભેટો આવવા લાગતી. પછી વસતી પોતાના શિર પર લાગા નાખીને દાણા પૂરા પાડતી અને
પછી ધીરે ધીરે જગ્યાઓને જમીનો પણ અર્પણ થતી ગઈ. આ બધી આવકને ભક્ત રાંધ્યા ધાનરૂપે ખેરાતમાં
દઈ દેતો. પોતે ભૂખ્યાને રામરોટી આપે છે એ એનો મોટો આત્મસંતોષ હતો. એ આપવામાં લાયક-નાલાયક
ન જોવાતાં. અન્નદાનમાં ભેદબુદ્ધિ નહોતી રખાતી. કતીકડા જેવા પ્રમાદી બાવાઓ, નિરાધાર
ઘરડાં, લૂલાં, પાંગળાં કે ચેપીલાં કોઢિયાં, રક્તપીતિયાં સહુ સમાન ભાવે આ પોષણ પામતાં.
પરનાતીલાંની કે રોગિયાંની સૂગ રાખવી એ આવી ધર્મજગ્યાઓમાં નામંજૂર હતું. કોઢિયાં પીતિયાં
રસોઈમાં કામે લાગે અથવા પીરસવા ઊઠે તો કોઈથી મોં બગાડી શકાતું નહિ. પરબવાવડીની સંત
દેવીદાસની જગ્યાનું એ બિરદ હતું.
ભજનિક સંતો
એમને આપણે કવિ ભક્તો
કહેશું. ખાસ કરીને કબીરસાહેબની વાણીની અસર તળે આવેલાં એ મીરાં અને નરસિંહના અનુગામીઓ
હતા. લોકસેવાને બદલે સાહિત્યસર્જન એમનો મનપસંદ વિષય હતો. ઊર્મિના આવેશ અનુભવી અપાર્થિવ
મસ્તી (‘એક્ષસ્ટસિ’)માં ચડી જઈને એ ભજનિકો કવિતા જોડતા. અલખ, અગમ, ગગન-જ્યોત, બ્રહ્મઝાલરી
વગેરે તત્ત્વનું ચિંતન કરનારા એ શોધકો (‘સીકર્સ’) હતા. અથવા બધા જ કાંઈ શોધકો નહોતા,
શાબ્દિક અનુકરણ કરનારા પણ હતા. અગમનિગમની ન સમજાય તેવી ઘણી વાતો તેઓનાં કાવ્યોમાં ઊતરતી.
એ પોતે પણ કદાચ સ્પષ્ટ ન સમજે તેવી શબ્દરચના તેઓ કાવ્યોમાં આણતા. એ કવિતા એકલા શુષ્ક
વૈરાગ્યની નહોતી, જીવનની અસારતાનાં જ એકલાં કલ્પાંતો નહોતાં ; પરંતુ એમાં તો આત્માની
સમાધિના સૂર સુધ્ધાં હતા. બ્રહ્મના ભેદ પામવાની તાલાવેલીના, વિરહાકુલ ગોપીના, સૂફી
ફિલસૂફના તેમજ વ્યવહારગામી સુજ્ઞના સૂરોનું એમાં એકીકરણ હતું.
એ કાવ્યમાં કોઈ પંથનો
આગ્રહ નથી, કોઈ દેવતાની સ્તુતિ નથી. પણ શરણાગતિ, મસ્તી, આનંદ-ઉદ્રેક ને પ્રભુવિરહના
ભાવો ગવાયા છે ; જીવનની લોલુપતા, સ્વાર્થાંધતા ને જડતા ઉપર મર્મપ્રહારો પણ છે. ગુરુભક્તિ
પણ સવિશેષ છે.
આ પ્રથમ ખંડમાં તો આપણે
ફક્ત એ પ્રદેશની કોર જ ‘વેલા બાવા’ના વૃત્તાંતમાં દેખીએ છીએ. એમાં ખરેખરો વિહાર તો
હવે પછીના ખંડોમાં કરશું.
આ ભજનિક-સંતોના સંઘમાં
કેટલાક તો ઉદ્યમવંત ઘરબારીઓ જ હતા : જેવા કે મીઠો ઢાઢી, ભોજો ભગત વગેરે. બાકી ઘણાખરા
ઘરબારી છતાં પણ બિનરોજગારી, કેવળ વસ્તીની સહાય પર રહેનારા હતા ; જેવા કે ભાણસાહેબ,
ખીમસાહેબ, રવિસાહેબ વગેરે : કબીરજીની માફક સંસારવાસીઓ હતા, છતાં ભેખધારી કહેવાતા.
આ સોરઠી સંતોની જીવન
ફિલસૂફી શી હતી? તેઓના ચિંતનમાંથી કયો ધ્વનિ ઊઠતો?
પ્રથમ તો તેઓની દૃષ્ટિમાં
ન્યાતજાતોનું ઊંચનીચપણું નાશ પામ્યું હતું. સર્વે મનુષ્યો પ્રભુ અને પૃથ્વીમાતાનાં
સંતાનો હતાં. સર્વને ધર્મ આચરવાનો, ઉપદેશ દેવાનો, મુક્તિ મેળવવાનો અધિકાર હતો. તેથી
જ આપણે તેઓના સંઘમાં આહીર, ચારણ, ગધઈ, કુંભાર, ઢાઢી, કનિષ્ટ મનાતા કોળી, અંત્યજ વગેરે
તમામ જાતના સંતોનો બેધડક સમાવેશ જોઈએ છીએ. મોટા–નાનાની મારામારી મચ્યાનો બહુ ઇતિહાસ
આપણને મળતો નથી.
એ જ ઉદાર વલણ પાપી અને
પતિતો પ્રત્યે અંગીકાર થયેલું જોવાય છે. ઘોરમાં ઘોર પાપાત્માની સામે પણ પરિત્રાણનાં
દ્વાર બંધ થઈ નથી જતાં એ આ સંતોનો સૂર છે. રામડો શિકારી, જાદરો ચોર, વિસામણ લૂંટારો,
જારકર્મ કરી બેસનારી ગધઈ નારી લાખુ, અથવા ગરીબોનાં ગળાં કરનાર વ્યાજખાઉ વાણિયો રવિદાસ
: એ તમામને ‘ચેતી જવા’નો હક્ક મળ્યો છે. તેઓને કોઈ સંતે શાપ આપી નરકની વાટ દેખાડી નથી,
પણ પરિપક્વ થયેલા ફળની માફક, તેઓનાં પાપાચરણની મધોમધમાં પસ્તાવાની એક જ ઘડીમાં આવતાં
તેઓને ચૂંટી લીધા છે. સમાજ પોતાની મરજાદી રૂઢિઓના મિથ્યાભિમાનમાં ચકચૂર થઈ જ્યારે ગધઈ
યુવતી લાખુને એક જ ચારિયદોષને કારણે તિરસ્કાર દઈ કૂવામાં ધકેલતો હતો ત્યારે એ જ વસ્તીમાં
રહેનાર, વસ્તીની જ સખાવત પર નભનાર અને જૂના યુગના સંસ્કારો ધરાવનાર ભગત દાનાએ દુનિયાની
તમા રાખ્યા વિના એ અબળાને ઉગારી, આશરો દીધો, ગર્ભપાલન કર્યું, સુવાવડ કરી, એના ગીગલા
બેટાને રમાડ્યો અને છેવટે ગીગલાને સંતપદ દીધું. પોતે એ ગધઈ માતાની રાંધેલી રસોઈ એની
સાથે એક જ થાળીમાં બેસીને જમ્યા.
એવી જ રીતે આપા દાનાએ
ન્યાતની નિર્દય રૂઢિચુસ્તતા સામે ઉગ્ર લડત કરી બે રાજગર બાળકોને ન્યાતમાં લેવરાવ્યા.
વટાળના સાંકડા વિચારો એનાથી સહન ન થઈ શક્યા. આ રીતે તેઓ, દુનિયાની અંદર રહ્યા રહ્યા
પણ, દુન્યવી સમાજના સાંકડાપણાની સામે ઊઠેલા હતા.
ત્રીજું : સૌરાષ્ટ્રની
ઊતરતી જાતિઓમાં દેવીપૂજાની ઓથે જીવહિંસા પ્રચલિત હતી. અને કાઠી રજપૂત જેવી જાતિઓમાં
માંસાહાર, સુરાપાન વગેરેનું જોર હતું. આ મેલાં દેવદેવીની પૂજા તજાવી પ્રભુભક્તિ અને
સદાચાર પર ઘણા મોટા સમૂહને લઈ જનાર પણ આ સંતવર્ગ જ હતો. જીવહિંસાનું જોર તેઓએ ઘણે મોટે
અંશે તોડ્યું હતું. પશુઓનાં બલિદાન, ભૂવાનાં ધૂણવાં, દોરા ને ધાગા વગેરે વહેમો ટાળી
‘ઠાકર’ અને ‘દયાવાન’ પર પ્રીતિ નિપજાવવાનો તેઓનો પ્રયત્ન હતો.
ચોથું : મોટાં મોટાં
મંદિરો ચણાવી, દિવસ–રાત પથ્થરની પ્રતિમાઓના સાજશણગાર કરાવવા : દિનમાં આઠ વાર આરતી,
શયન કે ઉત્થાનનાં દર્શન કરાવવાં : અન્નકૂટ પૂરવા : પ્રતિમાઓનાં વહાભૂષણ પર દ્રવ્યની
છોળો ઉડાડવી – એ બધા બાહ્ય આચાર આ વર્ગમાં બહુ ભાગે નજીવા જ જોવામાં આવે છે. તેમ સામાન્ય
રીતે પોતાની નિરક્ષરતાને કારણે, તેમજ કર્મમાર્ગી જીવનમાં રોકાણોને પરિણામે, શાસ્ત્રાભ્યાસ,
પુરાણકથાનાં કથન વગેરે તો ભાગ્યે જ તેઓનાં વૃત્તાંતોમાંથી નીકળે છે. જે કાંઈ વાણી હતી
તે અનુભવની, નિરીક્ષણની અને વહેવારની જ હતી, ધર્મના અવગાહનની નહોતી. ઊલટું વિદ્યાભ્યાસ
તેમજ જટિલ ક્રિયાકાંડ સામે તો તેઓનાં ભજનસાહિત્યમાં ઘણા ઉગ્ર કટાક્ષો ઠેર ઠેર નજરે
પડે છે : સ્થૂળ ધર્મવહેવારને તેઓ ઘણી વાર ભાવનારૂપે જીવી કાઢીને ક્રિયાકાંડ પ્રતિ બેપરવાઈ
કેળવતા, જેમ કે—
ઘટડામાં ચાંદો, ઘટડામાં સૂરજ
ઘટડામાં નવલખ
તારા રે
કાચી કેણે ઘડેલી
મોરી કાયા!
અથવા
ગરવાનાં ત્રોવર મારે રોમે રોમે રોપાણાં,
શિખરું રોપાવેલ
મારે શીશ જી,
નવસો નવાણું નદીઉં
અંગડે ઊલટિયું રે,
ગંગા જમના સરસતી
જી.
ગંગાયમુના કે કાશી–કેદારની
યાત્રાઓ ન થાય તો કશી ફિકર નહિ : સદાચરણ પાળનારને તો અંત:કરણમાં જ ગંગા છે, અને ખુદ
ગંગાને પણ પોતાના મળ ધોવા સંતોને ચરણે આવવું પડે છે, એવાં સાદાં જીવનસૂત્રો તેઓ લોકોને
શીખવી ગયા છે.
મેળા
મેળાઓની પ્રથામાં સંતોએ
ઘણું જીવન મેલી દીધું હતું. મેળાને તીર્થસ્થળો સાથે સંધાડી દઈ તીર્થસ્થાન, ભજનકીર્તન,
અન્નદાન અને પોતાની હાજરી વડે ધાર્મિક વિશુદ્ધિનો પાસ આપવાનો એ પ્રયત્ન હતો. એવા નિર્ભય
વાતાવરણને લીધે નર તેમજ નારી, બન્નેનાં વૃંદ ઊમટ્યાં. એ શુદ્ધ વાતાવરણની સાથે સાહિત્ય,
કળા, રમતો, શરીરબળ, હટાણાં, પશુપાલન વગેરે પોષાતાં. મેળાઓની આજે જે ઝડપભેર અધોગતિ થતી
જાય છે, તે પરથી ગમ પડે છે કે જો આ લોકસંતોની જીવનશુદ્ધિ મેળાઓમાં ન સિંચાઈ હોત તો
તેમાં સારાં તત્ત્વો ખીલી શક્યાં જ ન હોત.
સંતોની જગ્યાઓ
પ્રથમ સાદી પર્ણકુટી
કે માટીનું સાદું ભીંતડું : પંથીઓને અથવા પશુઓને માટે પાણી પીવાની કે નાહવાની નાની
કૂઈ કે અવેડી : નિરાધાર ક્ષુધાતુરોને માટે રોટલા માગી લાવવાની એક ઝોળી : એકાદ દૂબળી
‘કામધેનુ’ : આ રીતે જગ્યાનો પાયો રોપાય. પાંચ-પાંચ સાત-સાત ગાઉ સુધી સંતો ઝોળી ફેરવે,
ટુકડા ઉઘરાવે, સહુ સાથે બેસીને ખાય.
પછી લોકો પોતાના ખેડ-વેપાર
પર લાગા કરી આપે : સદાવ્રત ચાલુ થાય : પરગજુ ને ઉદ્યમી પ્રજા પોતાની કમાઈમાંથી ધર્માદાનો
હિસ્સો કાઢી અનાજની ગૂણીઓ કે ગાડીઓ ઠાલવી જાય. રસોડાં વહેતાં થાય. ધેનુઓ વધે, કામ કરનારા
વધે.
તે પછી સંતપુરુષની સિદ્ધિનો
મહિમા દાખવનારા બે-ત્રણ પરચા ચમત્કારો બહાર પડે : વસ્તીની આસ્થા વધે : ઈષ્ટ ફળની સિદ્ધિ
માટે માનતા માની હોય તે પરિપૂર્ણ થતાં લોકો પોતાનાં ગાયો, ઘોડાં, નિર્વંશીઓની ઘરવખરી
વગેરે જગ્યામાં અર્પણ કરી જાય.
એટલે જગ્યાએ ધર્યાં રૂપ
: એક અનાથ-આશ્રમનું અને બીજું ગૌશાળાનું. અપંગો, કોઢિયાં, પીતિયાંઓ, નમાયાં ને નબાપા,
નિરાધારો ને બુઢ્ઢાં, અશક્તો, સાચા ત્યાગીઓ અને જૂઠા એદીઓ, બધાંનો ત્યાં આશરો બંધાયો.
સમાજ કે વહાલામાં વહાલું સગું પણ જેને ન સાચવે તેને આ જગ્યાઓ સાચવતી. વિના સુગાયે એનાં
પાસપરુ ને મળમૂત્ર અહીં ધોવાતાં.
પછી રાજદરબારોએ તો આસ્થાને
વશ બનીને જમીનો આપવા માંડી. પણ મૂળ સ્થાપકો આ પ્રલોભનનું બૂરું પરિણામ સમજતા હતા. તેથી
જ આપા દાના સમા ડાહ્યા પુરુષે આખાંને આખાં ગામડાંનાં દાન સ્વીકારવાની પણ ના પાડેલી.
છતાં બહોળી લોકસેવાની અભિલાષાએ આવા ગરાસો આખરે સ્વીકારાયા. એટલી સેવાનો પરિગ્રહ વધ્યો.
એનું મેલું ફળ મૂળ સંસ્થાપકના
મૃત્યુ પછી તરત આવ્યું. સ્થાપકોએ કાં તો પોતાના અથવા ભાઈભત્રીજાના વંશમાં એ જગ્યાની
સોંપણી કરી, અથવા કોઈ સુપાત્ર ચેલાને બેસાડવાની પ્રથા પાડી.
નવા સંતો સેવક મટીને
ગાદીપતિ બન્યા. છડી, પધરામણી ને સામૈયાની જાળમાં ફસાયા. પૂર્વજે કરેલી કમાઈને જોરે
અંધશ્રદ્ધાળુઓમાં પોતાના જૂઠા પરચાની વાતો ફેલાવી. મૂળ સ્થાપકની દીન મઢૂલીની સન્મુખ
જ મોટા મહેલો ખડા કર્યા. મંદિરોનાં ઈંડાં પણ આસમાને ચડાવ્યાં. વાહનો, રિયાસતો ને વૈભવવિલાસો
વધારી રાજદરબારોની હોડ કરી. જગ્યાને વંશપરંપરાની જાગીરો બનાવી. ને કાં તો જગ્યાના વારસા
માટે લડતા ચેલાઓએ અદાલતે ચડી લાગતીવળગતી રાજસત્તાઓનાં આધિપત્ય સ્વીકાર્યાં, ભેખને નામે
કેવળ ભગવા રેશમની ધજા રહી. ગૌશાળામાં ગાયો ઉપવાસ કરતી ખીલે બંધાઈ રહી. ઘોડહારમાં ઘોડાં
લાંઘણ કરી મૂઆં ને કાં અમલદારોને જ ખપમાં આવ્યાં.
અને ધર્મઘેલડા અંધશ્રદ્ધાળુ
લોકોએ તો ‘ગાયના દૂધ સામું જોઈએ, ગાયના ઓખર સામું કાંઈ જોવાય?’ એવાં નાદાન સૂત્રો પકડી
રાખી આ પાપનાં થાનકોને પોતાની સખાવતો વડે પોષ્યે જ રાખ્યાં. એટલે જ આજે કેટલાંય ધર્મસ્થાનો
પર મહંત નામધારી પામર માનવી વ્યસન, બહુપત્નીત્વ, વિલાસ વગેરેમાં ડૂબી ગયો હોય ત્યાં
સુધી પણ લોકોએ પાતાની સખાવતોના લાગા બંધ નથી કર્યા. આપા દાનાની જગ્યા એ તો કેવળ કુટુંબી
જાગીર જ બની ગઈ છે. સંત દેવીદાસની પરબ-વાવડીની જગ્યા પર એક બાઈએ કુટુંબનું સ્વામીત્વ
જમાવ્યું છે. વીરપુર જલા ભગતની જગ્યા એના કુટુંબીઓને વારસામાં ઊતરી છે. બચી હોય તો
અપવાદરૂપ એકાદ પીપાવાવ જેવી જગ્યા. ઘણા સંત–મહંતોના મઠોનો ઇતિહાસ વધતો–ઓછો શોચનીય છે.
પરચાનાં સત્યાસત્ય
હવે આપણે સોરઠી સંતોના
એક ભ્રમણાજનક અંગ ઉપર આવીએ છીએ. એ અંગ છે પરચાનું, ચમત્કારોનું. ચમત્કારોના થર કેવળ
સોરઠી સંતોના જ નહિ, પણ દુનિયાના લગભગ તમામ પ્રદેશોના પુરાતન સંતોની તવારીખ પર બાઝેલા
જોવાય છે. ખુદ ઈસુ ખ્રિસ્તથી માંડી, અથવા તેનીયે પૂર્વના યહુદી સંતોથી આરંભી ખ્રિસ્ત
ધર્મના અનેકાનેક ઓલિયાઓ – જેમને ‘સેન્ટ્સ’ કહેવામાં આવે છે તેઓના – ચમત્કારો સુવિખ્યાત
છે. ઈસ્લામના ઓલિયાઓનાં ચરિત્રોમાં પણ ‘કરામતો’ની બાજુ હાસ્યજનક હદ લગી ગયેલી વર્ણવાય
છે. દક્ષિણ હિંદના તમિલ તેમજ મહારાષ્ટ્રી સંતોના ચમત્કારો પુસ્તકોમાં સંઘરાયા છે. આપણે
ઘરઆંગણે મીરાંનું વિષપાન, પ્રભુપ્રતિમા સાથે મીરાંની પ્રેમગોષ્ઠિઓ, નરસિંહ મહેતાની
હૂંડીનો શામળ ગિરધારીએ કરેલો સ્વીકાર, કુંવરબાઈનું મામેરું પૂર્યાની, કારાગૃહમાં હાર
પહોંચાડ્યાની, મલ્હાર રાગિણીના પ્રભાવે મેઘ વરસાવ્યાની વગેરે વાતો આવે છે. ને સાહિત્યમાં
એ બધી હકીકતો સત્ય જેવી બની વણાઈ ગઈ છે. એ જ રીતે આ ‘સોરઠી સંતો’ના પહેલા જ પાના પરથી
પરચાની શરૂઆત થાય છે અને તે છેલ્લે સુધી આવ્યા જ કરે છે.
આ ચમત્કારો ને પરચાઓ
શું છે? એ કેવળ નિર્મૂલ છે? મેલી જાદુગરી છે? નજરબંધી છે કે શુદ્ધ સત્ય વસ્તુસ્થિતિ
છે? વાદળીના ધોધમાર વર્ષણ વચ્ચે કોરાં નળિયાં રાખી દેવાં, મરેલાને પાછા પ્રાણ આપવા,
એક નિ:શ્વાસ અથવા શાપ વડે લીલાંને સૂકાં કરી દેવા, જળાશયના નીરમાં અદલાબદલી આણવી, દાતણની
ચીર વાવી વડલો ઉગાડવો અથવા પીપળાની ડાળી કુદરતી રીતે ન કોળે છતાં તેને કોળાવવી, સૂકી
ધરતીનાં પડોમાંથી પાણી ખેંચી પિયાવા રચવા, પશુને વાગેલી ગોળીનાં વીંધ પોતાના દેહમાં
અનુભવવાં વગેરે, એ સર્વ સૃષ્ટિમાં શો ભેદ સમાયેલો છે?
એનો ભેદ પામવાના પ્રયાસો
આ યુગે – વિજ્ઞાનનાં નક્કર સત્યો પર પોતાના પાયા ચણીને બુદ્ધિનું શુદ્ધ આરાધન કરનાર
આ યુગે – પણ કરી જોયા છે. આ મહાયુગની સત્યશોધક વૃત્તિએ કોઈ પણ વસ્તુને કોઈના ભરોસા
પર ન સ્વીકારતાં, પરંપરાની પૂજનીયતાને ઠોકરે વધાવી, દરેક સત્યને પોતાની બુદ્ધિ-તુલાએ
ચડાવી જોખી જોયું છે, અને તે તુલામાં બેસીને જોખાવાની ના પાડનાર ચાહે તેવી પ્રતિષ્ઠાવંત
વસ્તુને પણ ફગાવી દીધી છે.
પરંતુ પ્રત્યેક માન્યતા
અથવા વસ્તુની આવી આવી ઉગ્ર હાજરી લેવાના હકદાર આ મહાયુગે સાથોસાથ પોતાની ચકાસણીનાં
સાધનો પણ બની શક્યાં તેટલાં સૂક્ષ્મ, પારગામી ને બહોળાં વસાવ્યાં છે. એણે પોતાની કોઈ
શોધને કે પોતાના કોઈ નિર્ણયને છેલ્લાં નથી માની લીધાં. આ પંચમહાભૂતોના કેવળ સ્થૂળ સ્વરૂપ
સુધી જ પોતાની દૃષ્ટિમર્યાદા ન માનતાં એણે તો અણદીઠ, અગોચર, ગેબી લેખાતી દુનિયાનાં
દ્વાર પણ ખખડાવ્યાં છે, ને ‘ક્લેરવોયન્સ’, ‘ઑકલ્ટિઝમ’, ‘મેસ્મેરિઝમ’ વગેરે ચાવીઓ શોધી
કાઢી એ ગેબનાં તાળાં ઉઘાડવા મથ્યા છે. એ શોધકો શ્રદ્ધાળુ ધર્મિષ્ઠ નથી, પણ કડક કઠોર
વૈજ્ઞાનિકો છે. એ આર્યવર્ત જેવા પ્રભુઘેલડા ને ધર્મઘેલડા દેશના નિવાસીઓ નથી, પણ પશ્ચિમના
બુદ્ધિપ્રધાન જડવાદમાં જન્મેલા, ઊછરેલા, નિર્દય સત્યશોધકો છે. ને તેવાઓની શોધકતા આસ્તે
આસ્તે પોકારે છે કે આ પંચમહાભૂતનું પૂતળું જે માનવશરીર, તેને અને બહારની પ્રચંડ પંચભૂત
સૃષ્ટિને ઘાટો સંબંધ છે. માનવદેહમાં રમતી માનસિક ને આત્મિક શક્તિઓ એ પંચમહાભૂતની રચના
પર અદૃશ્ય કાબૂ મેળવીને પોતાની ઇચ્છા અનુસાર એની ઘડભાંજ કરી શકે છે. ‘સુપર-હ્યુમન’
અથવા ‘સુપર-નેચરલ’ એવી એ સિદ્ધિ નથી. એ કોઈ આકાશવાસી ઈષ્ટદેવની આરાધના વડે સાંપડેલી
જડીબુટ્ટી અથવા મંત્રસિદ્ધિ નથી ; કેવળ સારા ને નરસા સહુ માણસોની આંતરિક ઇચ્છા કેળવવાથી,
સાંકળવાથી, કુદરતના ગુપ્ત નિયમોનું જ્ઞાન પામવાથી અટલ પરિણામ તરીકે પ્રાપ્ત થતી સિદ્ધિ
છે – વૈજ્ઞાનિક સિદ્ધિના જેવી જ એ સિદ્ધિ છે.
વીજળી, વરાળ, પાણી, વાયુ,
અગ્નિ વગેરે પર વિજ્ઞાનના જાણભેદુએ જે કબજો મેળવી કાઢ્યો, તે જ પ્રકારના કબજાની આ બધી
માનસિક સિદ્ધિઓ છે. તફાવત માત્ર એટલો જ છે કે વિજ્ઞાનવીરોએ પોતાના પરિમિત વિજ્ઞાનના
નિયમોને રીતસર ગોઠવી સર્વગમ્ય સર્વસુલભ બનાવી લીધા, જ્યારે આ ગેબી વિજ્ઞાનને એવા બંધારણપૂર્વકના
નિયમ પર ગોઠવવાનું કાર્ય આ શોધકો હજુ કરી શક્યા નથી. આ બધા વિષયને લગતું સાહિત્ય થિયોસૉફીના
ક્ષેત્રમાં ખેડાયું છે, અને બીજા ઘણાઓ એને ઉકેલી રહ્યા છે. જિજ્ઞાસુઓએ એ સર્વ શોધી
લેવું રહ્યું છે. અહીં તો એના ઉલ્લેખથી જ આપણું કાજ સરે છે.
પરચા અને સંતો
હવે સંતોને તથા આવી ગેબી
સિદ્ધિઓને શો સંબંધ હોઈ શકે, એ સવાલ ઊઠે છે. આના જવાબમાં આપણને જ્ઞાનીઓ એવી સમજ આપે
છે કે સંતો બે પ્રકારના હોય : એક ત્યાગી ને બીજા યોગી.
ત્યાગીનું લક્ષ બહારની
કોઈ શક્તિ-સિદ્ધિઓ મેળવવા ન જતાં કેવળ પોતાના જ મનની શુદ્ધિ કરી લેવાનું, કામ, ક્રોધ,
મદ, મોહ આદિ વિકારો પર વિજય મેળવવાનું છે ; જ્યારે યોગીનો મનોરથ શારીરિક, માનસિક અને
આધ્યાત્મિક સિદ્ધિઓ પ્રાપ્ત કરી પ્રભુને પામવાનો હોય છે.
ત્યાગ સાત્ત્વિકતાને
આરાધે છે. યોગી રાજસી તત્ત્વને ભજે છે. ત્યાગી તો વિકારમુક્ત બની જગતને ચરણે ચગદાઈ
જવા પણ તત્પર રહે છે, જ્યારે યોગી સત્તા પ્રાપ્ત કરી પોતાને દમવા આવનાર દુનિયાને ડારે
પણ ખરો. ત્યાગી મુક્તિનો કામી છે, યોગી શક્તિનો કામી છે. ગૌતમ બુદ્ધ ત્યાગીની કોટિમાં
સંચર્યા હતા. અને તે પછીના ઘણા બૌદ્ધ સાધુઓ શક્તિને માર્ગે વળી તાંત્રિકો બન્યા હતા.
જૈન તીર્થંકરો ત્યાગીઓ હતા, જૈન સાધુએ સદા ત્યાગના જ માર્ગે રહી જિતેંદ્રિય બનવાનું
છે ; પણ તેમાંય યોગનો, તંત્રનો, શક્તિનો ઉપાસક યતિવર્ગ નીકળ્યો હતો. મહાત્મા ગાંધીનો
ત્યાગધર્મ છે. અરવિંદ ઘોષ યોગને પંથે શક્તિના ઝરા શોધે છે. દયાનંદ, સહજાનંદ વગેરે કેવળ
ત્યાગીયે નહિ, પણ બન્નેના મેળ મેળવનાર હતા. દયાનંદનો વૈરાગ્ય જ્યાં જ્યાં એમના વ્યક્તિત્વની
છાપ પાડવા અશક્ત નીવડ્યો હતો, ત્યાં ત્યાં એમણે પોતાનાં નેત્રોનાં તેજ વડે, અવાજના
પ્રતાપ વડે, મક્કમ ઇચ્છાશક્તિની મદદથી માણસોને ડાર્યા છે, ને પોતાનાં વર્ચસ્વ થાપ્યાં
છે. સહજાનંદ ત્યાગમય હતા, છતાં ઘણા મોટા અને જડ પાખંડી સમુદાય પર પોતાનું પરિબળ પાથરવા
માટે એમણે ચમત્કારો બતાવ્યા.
આ સોરઠી સંતમંડલની અંદર
પણ ત્યાગ અને યોગ ઉભયનું મિશ્રણ આપણી નજરે ચડે છે. ખરેખરા વૈરાગ્યમાં ગળી જઈ પ્રભુ-ઇચ્છાને
માર્ગે પોતાનું સમર્પણ કરી દેનારા નિર્વિકારી જિતેન્દ્રિયો તમામ તો એ નહિ જ હોય. પોતાની
ઇચ્છાશક્તિને – ‘વિલપાવર’ને – એ હિંસક પણ બની જાય એટલી હદ સુધી કેટલાકોએ કેળવી હશે.
એટલું પોતાનામાં પ્રભુત્વ – ઈશ્વરી તત્ત્વ – રહેલું હોવાનો કદાચ પોતાનો જ ભ્રમ. હવે,
જન્મથી જ, અથવા તો કહો કે પૂર્વજન્મથી જ, ઇચ્છાશક્તિના ‘વિલ ફોર્સ’ના અથવા ‘સોલ ફોર્સ’ના
– એવા બળિયા મનુષ્યોનું અસ્તિત્વ માનવું કઠિન નથી ; એ માની શકાય એવી વાત છે. એમાં આત્મશ્રદ્ધા
અને પ્રભુશ્રદ્ધા બન્નેની શક્તિ કામ કરી રહી હોય છે. એ શક્તિની વ્યવસ્થિત કેળવણી કદાચ
તેઓને નયે આવડી હોય. એ કેળવણી કુદરતી રીતે જ થઈ ગઈ હોય, અને પોતે એ શક્તિની પ્રાપ્તિને
ઈશ્વરી પ્રસાદરૂપ જ સમજી લીધી હોય. આ દેહે અને ચાહે તે કોઈ માનવીને માટે એ સાધ્ય છે
તેવું તેઓ નયે માનતા હોય અને આવા અજ્ઞાનને પ્રતાપે જ કદાચ તેઓએ પોતાની સિદ્ધિઓનો સ્ફોટ
જગતની સન્મુખ નહિ કર્યો હોય.
એટલે જ આ ચરિત્રમાં કેટલાક
ચમત્કારો ચાહીને અમુક કાજ સાધવા માટે બુદ્ધિપૂર્વક અજમાવેલા લાગે છે. કેટલાકમાં ચમત્કારનો
અંશ ઓછો અને ઇચ્છાશક્તિ, કારુણ્યની ભાવના તથા કાંઈક વિજ્ઞાનતત્ત્વ એ ત્રણેયનો અંશ અધિક
છે. દૃષ્ટાંત તરીકે દાના ભગતે કણબીની દીકરીનું માથું ચાટી ઊંદરીનો વ્યાધિ મટાડયો, એ
ઘટનામાં કશી અપ્રાપ્ય ને ઈશ્વરી સિદ્ધિનું આરોપણ કરવાની જરૂર નથી. એક તો થૂંક પોતે
સામાન્ય રીતે અકસીર ઔષધિનાં તત્ત્વો ધરાવનાર વસ્તુ છે. તેની અંદર એ ચાટનાર પુરુષની
અનંત કરુણા રેડાઈ, અખૂટ પ્રભુશ્રદ્ધા પણ સિંચાઈ ગઈ. અનુકમ્પા અને આસ્થા તો લગભગ દરેક
માનવના જીવનમાં કેવા બળવાન ઉપચારની ગરજ સારે છે, તે આપણા સહુના અનુભવની વાત છે. એ બળ
શક્તિ સામાન્ય જીવદયાના પ્રસંગ કરતા દાના ભગતવાળી આ ઘટનામાં સહસ્રગણી પ્રબળ બની ગઈ
હોવી જોઈએ ; નહિ તો જીભે ચાટવાની ઊર્મિ કદી ન આવે ને આટલા પ્રાબલ્યની તાત્કાલિક અસર
એ છોકરીના માથાના વ્યાધિ પર નીપજે તેમાં કશો અચંબો નથી.
તે જ મિસાલે દાના ભગતે
ઘોડાની જીભ સાંધ્યાનું દૃષ્ટાંત સમજીએ : શરીરશાહીઓ કહે છે કે શરીરના સર્વ ભાગો કરતાં
જીભના પરમાણુઓની રૂઝણ-શક્તિ ઘણી વધુ ત્વરિત છે. એનો જખમ ઝડપથી મળી જાય છે. તે ઉપરાંત
ઘોડાની જીભના ટુકડાના રેવણ વખતે સંત દાનાની દયાશક્તિ પણ તીવ્રતાથી એ જીભનાં પુદ્ગલોને
જોડાવાનું ગુપ્ત જોર આપી રહી હશે, એ કલ્પવું કઠિન નથી. જગતના કોઈ પણ સ્થૂળ સાધન કરતાં
આંતરવૃદ્ધિનું કૌવત ઘણું અધિક હોય છે એ સુવિદિત છે. અંત:કરણની શુદ્ધ દુવા, પ્રભુપ્રાર્થના
ઈત્યાદિનો પ્રભાવ માનવશરીર પર પડે જ છે, એમ બધા કબૂલશે. અને એવો જ પ્રભાવ વનસ્પતિ કે
પશુજીવન પર પડવો જોઈએ એમ માનવું, જગદીશ બોઝની શોધ પછીના આ સમયમાં લગારે કઠિન નથી. પંચમહાભૂતોના
હૃદય-તાર પરસ્પર રણઝણી રહ્યા છે. એક તાર પર જરી કમ્પ થતાં જ અન્ય અનેક તારોને એનાં
આંદોલનો હલાવી શકે છે. માત્ર એ હલનમાંથી સુસંવાદી સંગીત જન્માવવું હોય તો જેમ તારોની
ગોઠવણ આવડવી જોઈએ, તેમ પ્રકૃતિના તમામ તત્ત્વોમાં આપણા હૃદય-સૂરોના ધ્વનિ જગાવવા માટે
પ્રકૃતિ અને આપણા બન્નેના આતમ-તારોની સૂરીલી ગોઠવણ જ આવશ્યક છે.
એ ગોઠવણ તદ્દન સાદી છે.
દૃષ્ટાંત લઈએ : રતા ભક્તને ખોળે રમવા સાવજ આવ્યા. હિંસકોએ હિંસા મેલી સંતના ચરણ ચાટ્યાં.
એમાં કશો ચમત્કાર નથી. ભ્રાતૃભાવના તારોએ ત્યાં મધુરો મેળ લઈ લીધો. એ જ રીતે દાનાના
આતમ-તાર પૃથ્વીના પડ તળે વહેતી સરવાણી સાથે કાં ન મળ્યા હોય? પછી એ સરવાણી બહાર નીકળી
પ્રતિધ્વનિ કાં ન પાડે? એમાં જાદુ કે ચમત્કાર કશુંય નથી. વિશ્વતત્ત્વોની રચના કોઈ ઘણા
તારોવાળા વાદ્ય જેવી છે. એ તારો એકબીજાની પડખોપડખ છે, અનુકમ્પાયમાન છે. પણ એનો મેળ
નથી મળ્યો હોતો. મેળ મળે ત્યારે બેશક એ મનધાર્યાં પરિણામ આપે. અજ્ઞાનીઓ એને પરચા કહે.
ચમત્કારોનાં પરિણામ
એટલે સુધી તો ચમત્કારનું
વૈજ્ઞાનિકપણું આપણે ચર્ચ્યું. અને દલીલ ખાતર અથવા શ્રદ્ધાપૂર્વક માની લઈએ કે કેટલાક
સોરઠી લોકસંતોએ કૃતિના નિયમો સાથે આટલી હદ સુધીની એકતાનતા સાધી હશે, પરંતુ તેથી શું
એ સિદ્ધિનો ચમત્કારરૂપે ઉપયોગ થવો ઘટિત હતો? એનું પરિણામ કેવું આવ્યું છે? પ્રજાના
માનસ પર એની અસર કેવી માઠી નીવડી છે?
સંતોનાં વૃત્તાંતો વાંચતાં
પરચાને લગતી આટલી વાતો તરી આવે છે :
1. એક પછી એક દરેક માણસે
પાતાના ગુરુનો કંઈક ચમત્કાર જોયા પછી જ એનું શિષ્યપદ સ્વીકાર્યું છે. તે સિવાય એ શિષ્યને
ખરો વૈરાગ્ય લાગ્યો જ નથી. ગુરુના એકલા ચરિત્રના ગુણો દેખીને કોઈ ચેલો ખરેખરો મળ્યો
નથી.
2. લોકસમુદાય પણ સંતોના
નર્યા શિયળ-તપને અથવા ત્યાગ-સંયમને નમ્યો નથી. સંતની એકલી સમજાવટ મોટે ભાગે વસ્તીએ
માની નથી, એકલા જ્ઞાનને હૃદયપૂર્વક કાન દીધા નથી. એકલી નિર્વિકાર જીવનદશા જોઈને જનતા
પીગળી નથી. પણ એના કોપનું બૂરું પરિણામ કલ્પી ભય સેવીને સીધાં આચરણ કર્યાં છે, અથવા
એની માનતા માનવામાં ઈષ્ટ ફળની સિદ્ધિ થવાથી એનો પ્રતાપ અંગીકાર કર્યો છે. પરિણામ એવું
આવ્યું કે–
(ક) સંતજીવનની ત્યાગમયતા,
નિર્વિકારતા અને તપશ્ચર્યા કરતાં વધુ મોટો મહિમા પરચા બતાવવાની નીચેરી સિદ્ધિને મળ્યો.
લોકોને ન સમજાયું કે પરચા તો પાર્થિવ વસ્તુ છે, એક જાતનું માનસિક સત્તાબળ છે, મુક્તિનું
સાધન નથી. જેમ એક પાપી માણસ પણ કસરત કરીને અંગબળ ખીલવી શકે છે, તેમ પાપી અથવા સામાન્ય
ચરિત્રનો માણસ પણ પરચાની સિદ્ધિની પ્રાપ્તિ પ્રયત્નો વડે કરી શકે છે. આ વસ્તુ સદંતર
વીસરાઈ ગઈ. પરચા-શક્તિને પ્રજાએ અદ્ભુત માની લીધી.
(ખ) ગુરુશ્રદ્ધાનું મંડાણ
શિયળમય જીવન પર નહિ પણ ભય અને લાલચ પર થયું : ‘ભાઈ! ક્યાંક આપણું ધનોતપનોત કાઢી નાખશે!’
અથવા ‘તો દીકરા દેશે! રોગ મટાડશે! માટે પગે પડો!’ આ હતું લોકમાનસ.
(ગ) પરચા આપવાની શક્તિ
મહિમાપદે સ્થપાયા પછી તો ચાહે તેવા પતિત પુરુષના નામ સાથે પણ કલ્પિત પરચાઓ જોડી લોકોમાં
તેનો પ્રચાર કરવાની કુનેહો વપરાવા લાગી. અમુક સંતે એક માણસને અમુક જાતનો પરચો બતાવ્યો
એવી ગપ અત્યંત સહેલાઈથી ગળી જવાની પ્રકૃતિ ગ્રામ્ય પ્રજામાં રૂઢ થઈ ગઈ છે. એટલે ‘પરચા’
સિદ્ધિની વસ્તુ મટી પાખંડની વસ્તુ બની ગયા, અને એનું સત્યાસત્ય ચકાસવાનું કોઈ સાધન
તો હોઈ શકે નહિ, તેથી પાખંડ જોશભેર પ્રવર્ત્યું.
ઉપર કહ્યા અનર્થોના વિચાર
કરી આપણો સ્પષ્ટ નિર્ણય એક જ હોવો જોઈએ કે પરચા – એ સાચા હોય તોપણ – અતિ અનિષ્ટ વસ્તુ
છે. એ ભલે સિદ્ધિ હો, ભલે કેળવી શકાય તેવી હો, છતાં એ ભ્રામક, વહેમપોષક અને વિપથગામી
મનોદશાની માતા હોવાથી આપણને એ ન ખપે. પરચા-શક્તિના પડદા આડે પાપાચાર ચલાવનાર સિદ્ધોની
નહિ, પણ પરચા-શક્તિ વિનાના ચારિયવંત અને પ્રભુપરાયણ ભક્તોની જ આપણને જરૂર છે. અથવા
તો પરચા-શક્તિ વડે પ્રજા પર અનેકાનેક ઉપકારો કરી શકાતા હોય – જેવા દાના ભક્તે કર્યા
– તો તે ઉપકારો પણ આપણે જતા કરવા જોઈએ ; કેમ કે એ વહેમને તેમજ અંધશ્રદ્ધાને ઉત્તેજે
છે. તેમજ અનર્થ માટે વાપરવાનો પણ ભય છે.
ગોરખો પોતાના જ ઉપર ત્રાસ
વર્તાવનાર દરબાર નાજા કરપડાને એના પરાજયને સમે એને નગ્ન દશામાં પડેલો સાંભળી, લૂગડાંની
પોટલી લઈ એને પહેરાવવા ગયા, અથવા પોતાની ગાયો ચોરી જનારાઓને વાછરડાં પણ મોકલી દેવાની
સૂચના કરી, એવી ક્ષમાભાવનાની પડખોપડખ જ્યારે આપણે સાંભળીએ છીએ કે એણે હોકાની નળી ફૂંકાવાની
થાનમાં બેઠે બેઠે મોરબીનો ગઢ પાડ્યો, ઘોડહાર તોડી, તથા કુંવરને પછાડ્યો, ત્યારે આપણને
બે જાતનો અફસોસ થાય છે : એક તો પોતાની સિદ્ધિના આવા દુરુપયોગ માટે ; ને બીજો આવા કૂડા
સામર્થ્યને નમન કરનાર લોકોને માટે. ગોરખાની સંત તરીકેની મહત્તા તો ઉપર કહ્યા તે પ્રસંગોમાં
ઝળકે છે, એની વેર લઈ શકનારી સિદ્ધિમાં નહિ.
એ જ દૃષ્ટિથી જાદરા ભગતને
તપાસીએ : મેપા ભગતની ચાકફેરણીના પ્રહારો ખાઈને પણ એને મારનારનાં ચરણો ચૂમ્યાં, એ એની
મહાનુભવતા : રાગદ્વેષાદિ શત્રુઓ પરનો એનો વિજય : પછી એણે બકરી જીવતી કરવાના કે મોઘરી
સાટે ગાયો આપવાના પરચા બતાવ્યા તોપણ એનું સંતપણું ઝાંખું નથી જ પડતું.
સાચા કે જૂઠા, પરચા ન
જ જોઈએ, સંસારમાં નંદનવન ઉતારે તોપણ ન જોઈએ. પ્રભુએ પાંચાલીનાં ચીર ન પૂર્યાં હોત તો
તેથી શું એ સતીનું સતીત્વ નિસ્તેજ થઈ જવાનું હતું? પાંચાલીની હજારો પુત્રીઓની શિયળ-લૂંટને
સમયે શ્રી પ્રભુ નથી પધારતા તેથી શું? એ વસ્ત્રહરણનો જવાબ ઈશ્વરી વસ્ત્રપૂરણથી નહિ
પણ ભીમની ગદા વડે અથવા અર્જુનના ગાંડીવ વડે થવો જોઈતો હતો.
નરસિંહ મહેતાને કારાગૃહમાં
હાર ન મળ્યો હોત તો? અથવા કુંવરબાઈનું મામેરું પ્રભુએ ન પૂર્યું હોત તો? તો શું નરસિંહની
ભક્તિમાં ન્યૂનતા ગણાત?
મીરાંનાં વિષ-કટોરા અમૃતમય
ન બન્યા હોત તો શું ઈશ્વરનું અસ્તિત્વ અને મીરાંનું સતીત્વ ખોટું પડત?
ના, એમની નિરાધારતામાં
અને શહીદીમાં જ સંતો તો અમર બને છે. દયાનંદ કે શ્રદ્ધાનંદને પરચા પૂરવાની જરૂર નથી
પડી. ગૌતમ બુદ્ધે પણ કહ્યું હતું કે મારો પ્રભાવ લોકો પર બેસારવા માટે મારે જાદુ
(‘જગલરી, jugglery’) કરવાની જરૂર નથી.
પરચા આપણને ઠગે છે. શુદ્ધાત્મા
ન હોય તે પણ એ સિદ્ધિ પામી શકે છે. મેલાને પણ મળે એવી વિદ્યા છે. ચારિયને બદલે ચમત્કાર
આપણી તુલનાનું ધોરણ બને છે. એનાથી ઉત્પન્ન કરેલી શ્રદ્ધા તે શ્રદ્ધા નથી, ભય છે, સ્વાર્થની
લાલચ છે.
આ ચોપડીમાંનાં ચરિત્રો
આલેખવા બેસતાં, પરચાઓ મારાથી છોડી શકાયા નથી. કંઠસ્થ ઇતિહાસ-સાહિત્યને વફાદાર રહેવા
માટેની મારી એ ફરજ થઈ પડી હતી. સલાહકારોની સલાહ પણ એવી જ પડી. અન્ય પ્રાન્તોમાં ને
દેશોમાં થયેલા આવા સંગ્રહોમાં પણ એ જ પ્રણાલી જોવામાં આવી. એટલે લાગ્યું કે કંઠસ્થ
સાહિત્યના સંપાદકે પોતાની વિવેકબુદ્ધિ પોતાના પ્રવેશકમાં જ વાપરવી રહી. વસ્તુના સંગ્રહકાર્યમાં
તો એના હાથ અમુક રીતે બંધાયેલા જ હોય છે. વળી, ‘પરચા’ એક શાસ્ત્રીય વિષય છે, અભ્યાસનું
અંગ છે. અનભ્યાસી એની સાથે મનફાવતી રમતો રમી શકે નહિ. એના ઉપર ખાસ અભ્યાસી જનોના નિર્ણયો
મેળવ્યા પછી જ એનું સાચજૂઠ નક્કી થઈ શકે. માટે જ મેં એ બધાને આંહીં સંઘરેલા છે.
છતાં એક છૂટ મેં લીધી
છે : પરચાઓના થર પર થર ચડેલા છે, તેમાંથી હું આ સંતોની નક્કર જીવન-મહત્તા વણી લેવા
મથ્યો છું. પણ કેટલીક મહત્તાનું સુવર્ણ એ માટીની સાથે એવું તો એકમેક થઈ રહ્યું છે કે
સાચા કીમિયાગર થકી જ એ જુદું પાડી શકાય. હું એ નથી કરી શક્યો. છતાં નરી માટીને તો મેં
ફેંકી જ દીધી છે. જેટલી ધૂળ સોના સાથે ભળેલી છે, તેટલી જ મારે રાખવી પડી છે. જેટલા
પરચા સંતોની જીવદયા ને જનસેવાના દ્યોતક છે, એટલા જ અહીં સંઘર્યા છે.
1. સંત દેવીદાસ
2. સંત મેક(ર)ણ
3. ‘જેસલ જગનો ચોરટો’
આપો મેપો * આપો રતો * આપો જાદરો * આપો ગોરખો
‘‘એલા મેપા! આ આભમાં
વાદળી ચડી. તારાં નળિયાં ઝટ ઝટ ઢાંકી વાળ્ય. નીકર હજારું નળિયાંનું પાણી થઈ જશે.’’
‘‘આપા રતા! આમાં નળિયાં
ઢાંક્યાં રે’ એમ નથી. વાદળ તૂટું તૂટું થયું છે ત્યાં ઠાકર વિના બીજું કોણ આડા હાથ
દઈ શકે એમ છે? આટલો પથારો શેં ઢંકાય?’’
‘‘માળા મૂરખ! ઠાકર તારો
ક્યાંય સૂઈ રે’શે. આ બીજાં સહુ કુંભારુંએ પોતાનાં નળિયાં ઢાંકી લીધાં એમ ઢાંકી લે,
નીકર તારો ઠાકર સો ગાઉ છેટો રહી જશે.’’
‘‘ના, ના, દરબાર, ઠાકરને
ઢાંકવું હશે તો વાર નહીં લાગે. ને ઠાકરને પલાળવું હશે તો ઢાંક્યાંય રહેશે નહીં.’’
પાંચાળમાં નવું મોલડી
ગામ બંધાય છે. ખોરડાં માળવા માટે નળિયાં પાડવા થાન ગામના કુંભારોને તેડાવ્યા છે. ગામને
પાદર સામટા પચીસ ચાકડા ચાલુ થઈને નળિયાંના હંબાડ ઉતારે છે. પણ હજુ નિંભાડો નથી ખડક્યો,
ત્યાં તો જેઠ મહિનાની કાળી વાદળીએ આભને ઢાંકી દીધું. સહુ કુંભારોએ દોટાદોટ કરી પોતાનાં
કચરિયાં નળિયાં ઢાંક્યાં, પણ એક મેપા નામનો કુંભાર તો માત્ર ઈશ્વર ઉપર જ આસ્થા રાખીને
ઊભો થઈ રહ્યો. એટલાં બધાં નળિયાંના પથારા ઉપર ઢાંકવાનું મેપાની પાસે કંઈ સાધન જ નથી.
મેપા કુંભારની ઈશ્વર ઉપરની આસ્થાની હાંસી કરનાર આપો `રતો તે મોલડી ગામનો કાઠી ગલઢેરો
હતો. ઠાકરની એ ઠેકડી જ કરતો.
એટલી વારમાં તો આકાશ
માથે વીજળીનો કડાકો ગાજ્યો, વાદળી તૂટી. રતા દરબારે હસીને રીડ પાડી : ‘‘લે મેપા, હવે
બોલાવ તારા ઠાકરને, તે છતર ધરે!’’
‘‘ઠાકરને રાખવું હશે
તો એ... આની ઓથેય રાખશે!’’ એટલું બોલીને મેપાએ પોતાના અંગનું કેડિયું ઉતારી નળિયાંની
પથાર ઉપર ફગાવ્યું. અને મે’નાં અનરાધાર પાણી જ્યારે બીજાઓનાં નળિયાં પલાળી તાણી ગયાં,
ત્યારે મેપાનાં નળિયાં ઉપર છાંટો પણ ન પડ્યો ; ચારે કોર છેટેથી જ પાણી ખળેળીને ચાલ્યાં
જાય છે. મેપો આકાશ સન્મુખ બે હાથ જોડીને ઈશ્વરધ્યાનમાં તલ્લીન બનેલો ઊભો છે. અને રતા
કાઠીનું શું થયું? ઈશ્વરી ગેબની અંદરથી એને તો જાણે કે આજ આ કાદવ ખૂંદનાર કુંભારની
મારફત કોઈએ ઇશારો કર્યો. આભનાં નોતરાં ઊતર્યાં :
સદ્ગુરુએ સમજાવ્યું સાનમાં
બહુનામી માર્યાં
બાણ ;
વિચાર કરું તો
વેદના ભારી
એ જી મારે ઝળહળ
પ્રગટ્યા રવિભાણ!
રણક ઝાલરી
ઝણણ વાગી રે!
એ શું મુંને સંત
મળ્યા રે સુહાગી
રણક ઝાલરી
ઝણણ વાગી રે!
એ જી મેં તો જોયું
રે તખત પર જાગી
રણક ઝાલરી
ઝણણ વાગી રે!
વરસાદના પાણીમાં તે દિવસે
જેવી માટી પીગળી ગઈ હતી, તેવા જ ઓગળી ગયેલા અંતરવાળો રતો દરબાર, પોતાની ડેલી છોડીને
હોકો લઈ મેપા કુંભારને ચાકડે આવી બેસવા લાગ્યો. કુંભાર અને કાઠી વચ્ચેના ભેદ એને મન
ટળી ગયા હતા. એણે હાથ લંબાવીને કહ્યું : ‘‘લ્યો ભગત, હોકો પીશો?’’
‘‘અરે આપા! તમે ગલઢેરા,
ને અમે વસવાયાં! તમારો હોકો એઠો કેમ કરાય? આ મારા ગારાળા હાથમાં હોકો બગડશે.’’
‘‘ના ભગત, હવે સૂગ મેલી
દીધી. ગારો ગમવા મંડ્યો છે.’’
એમ હોકો પીવા લાગ્યા.
પછી તો રતા દરબારે મેપાનો હોકો ભરી દેવા માંડ્યો. અને ત્રીજે દિવસે તો મેપાના પગમાં
પડી અરજ કરી : ‘‘ભગત, મને તમારી કંઠી બાંધો.’’
કુંભારની પાસે ભક્તિની
દીક્ષા લઈને કાઠી દરેક મહિનાની બીજના રોજ મોલડીથી આઠ ગાઉ થાન ગામની જાત્રાએ આવતો થયો.
એક દીકરી સિવાય રતાને કાંઈ છોરુ નથી. દીકરીને થાન પાસેના સોનગઢ ગામના એક કાઠી વેરે
પરણાવીને રતો આત્મજ્ઞાનમાં બેસી ગયો છે. એનો ‘માંયલો’ મરી ગયો છે.
એક અધ્ધર શમળી સમસમે
બે’ની મારો સંદેશો
લઈ જા!
મારા દાદાની ડેલીએ
જઈ કે’જે
તમારી દીકરીને
પડિયાં દુઃખ!
દીકરી! દુઃખ રે
હોય તો વેઠીએ!
દીકરી! સુખ વેઠે
છે સૌ!
દાદા! ખેતર હોય
તો ખેડીએ
ઓલ્યા ડુંગર ખેડ્યા
કેમ જાય!
દાદા! કૂવો રે
હોય તો ત્રાગીએ
ઓલ્યા સમદર ત્રાગ્યા
કેમ જાય!
દાદા! ઢાંઢો રે
હોય તો વેચીએ
ઓલ્યો પરણ્યો
વેચ્યો કેમ જાય!
દાદા! કાગળ હોય
તો વાંચીએ
ઓલ્યાં કરમ વાંચ્યાં
કેમ જાય!
‘‘એ આપા જાદરા! અમે તારી
ગા’ કહેવાઈએ. ભલો થઈને મારી ઘોડી પાછી દઈ દે. હું તારા પગુંમાં પડું છું.’’
‘‘ભણેં બાવાજી! તું ઠાલો
મફતનો રગરગ મા, ને ઘોડી તુંહે નૈ મળે. તારે ભેખધારીને વળી રાંગમાં ઘોડું કેવાનું?’’
‘‘અરે આપા, બીજું કાંઈ
નહીં, પણ મેં ને મારાં છોકરાંએ પોંચા કરડાવીને ઘોડીને ઉછેરી છે. એ બાપ, હથેળીમાં પાણી
પાઈ મોટી કરી છે. અને હવે હું માગણી લેવા શી રીતે જાઈશ? મારાં બચળાં ખાશે શું?’’
‘‘હવે ડખ ડખ કરતો ભાગ્ય
ને આસેથી, ગોલકીના! ભાગુ જા, નીકર પરોણો ખાઈશ.’’
પાંચાળમાં થાન નામે ગામ
છે. એ ગામમાં રતાનો જમાઈ જાદરો કાઠી રહે છે. આખા ગામને થરથરાવનાર એ જાદરો આજે એક ગરીબ
બાવાની સુંદર ઘોડી લાવ્યો છે અને અત્યારે બાવાજીની તથા જાદરાની વચ્ચે એ વાતની રકઝક
ચાલે છે. પહેલેથી જ કમાડની આડશે ઊભી ઊભી આપા જાદરાની ઘરવાળી માંકબાઈ રોટલા કરતી કરતી,
એઠે હાથે આવીને આ વડછડ સાંભળતી હતી. પોતાનો ઘાતકી ધણી એ બાવાને સંતાપી રહ્યો છે, એ
દેખીને માંકબાઈનું અંતર કોચવાતું હતું. એમાં પણ જ્યારે જાદરાએ પરોણો ઉપાડીને બાવાને
ઊલટો માર મારવાની તૈયારી કરી, ત્યારે તો કાઠિયાણી કંકુનાં પગલાં દેતી ઓસરીમાં ઊતરી
અને અંતર પિગાળી નાખે એવા મીઠા સૂરે બોલી : ‘‘એ કાઠી! ગરીબની આંતરડી કકળાવ્ય મા ; આમાં
આપણી સારાવાટ નથી. અને એય ભૂંડા! ડાકણ પણ એક ઘર તજે છે હો!’’
‘‘ઈ છે કે ભણેં ભગતડી?
તું ભણેં નાને મોઢે મોટી મોટી વાતું કરવા આવતી સૉ? ઊભી રે’જે, સાધુડી!’’ કહી જાદરો
દોડ્યો. ત્રણ પરોણાના ઘા પોતાની જુવાન કાઠિયાણીના ફૂલ સરીખા સુંવાળા બરડા પર એણે ખેંચી
કાઢ્યા.
‘‘બાઈ, બોન, બાપા, તું
શીદને મારી સિફારસ કરવા આવી? અરેરે, બાપડી કળોયણને કોચવનાર કયે ભવે છૂટશે?’’ એમ કહીને
ન્યાસ નાખતો બાવો ચાલ્યો ગયો.
બીજે જ દિવસે જાદરાના
ચાર બળદમાંથી એક બળદને સર્પે ફટકાવ્યો, અને બળદના પ્રાણ નીકળી ગયા. માંકબાઈને હજુ તો
આગલી જ સાંજે પરોણાની પ્રાછટો પડી છે, છતાંયે એ સતી નારીએ આવીને મીઠે કંઠે પતિને કહ્યું
: ‘‘લે કાઠી, કાઢ્ય કમાણી! કાલ ઓલ્યો બાવો આપણે આંગણેથી ફળફળીને ગયો’તો એનાં ફળ આપણને
મળ્યાં. આપણો લાખેણો ઢાંઢો ફાટી પડ્યો. ગરીબની ધા લેવી સારી નથી! કાઠી! વિચાર વિચાર.’’
જાદરાને તો એક જ વિચાર
કરતાં આવડતું હતું. ફરી વાર એણે પરોણો મારી પોતાની સ્ત્રીનું શરીર સોઝાવી નાખ્યું.
માર મારીને પછી કહ્યું : ‘‘જા ભણેં મોટી સતી! મોલડીએ જઉને તારા ભગતડા બાપ પાસેથી એક
ઢાંઢો લઉ આવ્ય. નીકર ભૂખેં મરું જાશ.’’
એક તો ધણીના સંતાપ, એને
માથે સાસુની કનડગત. ઘંટીનાં બે પડ વચ્ચે દાણો પિસાય તેમ માંકબાઈ કળાઈ રહી છે. સાસુ
નિત્ય ઊઠીને મેણાં મારે છે : ‘‘તારે બાપે કાંઈ કરિયાવર ન કર્યો! ભગતડાની દીકરી પહેર્યે
લૂગડે હાલી આવી! ઘરેણુંગાંઠું હોત તો આ સંધીનું કાંધું તો ભરવા થાત!’’
વારે વારે આવા ધમરોળ
મચે છે, પોતાના ધણીનું ચોરેલ ધન ઘરમાં આવવાથી વારે વારે ઘરમાં મોટી નુકસાનીઓ લાગે છે.
અને હરવખત માંકબાઈ પોતાને પિયર મોલડી જઈને પોતાના પિતા રતા ભગત પાસેથી ખરચીનો જોગ કરી
આવે છે, જ્યારે દીકરી રોતી રોતી જાય, ત્યારે ભક્તિના રંગમાં રંગાયેલો વૃદ્ધ બાપ, માળાના
પારા પડતા મેલતો મેલતો શિખામણનાં ફક્ત એટલાં જ વેણ કહે છે : ‘‘તું જાણે ને તારું તકદીર
જાણે, બાઈ! મેં તો તને ઠાવકાં વર-ઘર જોઈને દીધી, પણ તારા લલાટે લખ્યા કોણ ટાળી શકે?
ખરચી જોતી હોય તો લઈ જા.’’
પણ આજ તો માંકબાઈ ગળોગળ
આવી રહી હતી. શું કરવું તે સૂઝતું નહોતું. મનમાં બહુ બૂરા મનસૂબા ઊપડતા હતા. એવે પ્રભાતને
ટાણે મોલડી ગામની રબારણો થાનમાં ઘી વેચવા ઘીની તાવણો લઈ લઈને આવેલી, તે બધી જાદરાને
ફળિયે બે’નના ખબર કાઢવા આવી.
‘‘માંકબાઈ બે’...ન...ઓ!
ભગતને અને આઈને કાંઈ સમાચાર દેવા છે?’’
પોતાના પિયરની પાંચ રબારણોને
આટલા હેતથી સમાચાર લેવા આવેલી દેખીને માંકબાઈને સાક્ષાત્ માવતર જ મળવા આવ્યાં હોય એવી
લાગણી થઈ ગઈ ને એની છાતી ભરાઈ આવી. એણે કહ્યું : ‘‘ઊભાં રો’. હું તમારી સાથે જ આવું
છું.’’
ઓરડામાં જઈ પોતાની સાસુને
કહ્યું : ‘‘ફુઈ! હું મારે માવતર જાઉં છું.’’
‘‘કાં! એમ જાદરાની રજા
વિના જવાય?’’
‘‘હવે તો રજા નથી લેવી,
ફુઈ!’’
‘‘અરે નવાબજાદી! ઓલ્યો
જમદૂત જેવો હમણાં આવ્યા ભેળો જ તારી વાંસે પડશે અને તારે માથે કેર વર્તાવશે, માટે તું
જાવું રે’વા દે.’’
‘‘ના ફુઈ, હવે તો જે
કરે તે કરવા દેજો, હું હવે આંહીં નથી રે’વાની.’’
આટલું કહી પોતાની બચકી
માથા પર મૂકી, રબારણ બહેનોની સાથે માંકબાઈ મોલડીને માર્ગે પડી. રસ્તામાં એને જંપ નથી,
પેટમાં ફાળ બહુ મોટી છે. ઘડીએ ઘડીએ પાછળ જોતી જાય છે.
આ તરફ જાદરો સીમમાં આંટો
મારી ભૂખ્યોતરસ્યો ફળિયે આવ્યો, ને આવતાની વાર હાકલ દીધી : ‘‘થાળી લાવ મારા માટે.’’
અંદરથી માએ ઉત્તર દીધો
: ‘‘માડી, થોડીક વાર થોભ્ય.’’
‘‘કાં?’’
‘‘માંકબાઈ મોલડી ગઈ છે
ને હું હમણાં રોટલા ટીપી દઉં છું.’’
‘‘મોલડી ગઈ? કોની રજા
લઈને?’’
‘‘મારી.’’
‘‘મને પૂછ્યા વગર? આજ
કાં તો એના કટકા કરું, ને કાં તો ચોટલો ઝાલીને કેડેથી આંહીં ફળિયા સુધી ઢસરડી લાવું
છું.’’ એટલું બોલીને કોપાયમાન જાદરાએ બગલમાં તલવાર લઈ ઘોડી ઉપર રાંગ વાળી. ભાગે તો
આંબવા ન દિયે, ને ભાગતાને બે ભરવા ન દિયે, એવી ઘોડી હતી. સીમાડે પહોંચે છે ત્યાં જ
એણે રબારણોના ઘેરામાં ચાલી જતી પોતાની ગભરુ સ્ત્રીને દેખી. ‘‘ઊભી રે’જે, રાંડ!’’ એવી
ચીસ પાડીને જાદરાએ ઘોડી દોડાવી. બીજી બાજુથી હંસલી જેવી કુમળી કાઠિયાણી પોતાનો જીવ
લઈને નાઠી. આખી સીમના માણસોમાંથી જુવાનો ચસકા કરતા જાદરાને વારવા દોડ્યા, ને ડોસાઓ
ફાળભર્યા જોઈ રહ્યા. પરંતુ સીમના લોકોએ એક કૌતુક જોયું : જાદરાની ને બાઈની વચ્ચે અંતર
ભાંગતું જ નથી. સહુ વાતો કરવા લાગ્યા કે આ તે શી લીલા? આ દોડતાં હરણાંને પણ ઝપટમાં
લઈ લેનાર જાદરાની ઘોડી આજ એક ગભરુડી અબળાને પણ કેમ આંબતી નથી?
બીજાએ કહ્યું : ‘‘ભાઈ,
કોની દીકરી! રતીઅલ નાથની! ગેબી બાવાનો ચેલો આપો રતો!’’
ત્રીજો બોલ્યો : ‘‘અરે
ભાઈ, વાતું થાય છે કે ગેબી બાવાના ભોંયરામાં ચાર જણા ભેળા થઈને ચોપાટે રમે છે : એક
સૂરજ, બીજા વાસંગી, ત્રીજા ગેબી બાવો ને ચોથા આપો રતો. ચારેય જણાને આંતરે ગાંઠ્યું
પડી ગઈ છે. ઈ કાંઈ જેવી તેવી ભાઈબંધાઈ ન કહેવાય.’’
‘‘પણ ત્યારે પ્રથમ આપા
રતાને ગેબી બાવા સાથે ભેટો ક્યાંથી થયો?’’ અજાણ્યા ખેડૂતે ભૂંગળી પીતાં પીતાં પૂછ્યું.
‘‘એવું બન્યું કે દરરોજ
સવારે આપા રતાની વાડીની વાડ્યે એક રામ-છાળી ચરવા આવતી, ને સાંજે ચરીને પાછી ચાલી જતી.
ક્યાં જાતી એ કોઈ ન જાણે. ભગતે એક વાર નીરખીને જોયું કે આ છાળી ગામ ભણી જાવાને બદલે
ડુંગરા ઢાળી કાં હાલી? આપો હાલ્યા વાંસે વાંસે! દી આથમ્યો ત્યારે ડુંગરાની ઊંડી ઊંડી
માળીમાં એક ભોંયરું આવ્યું ને છાળીએ બેં! બેં! એવા બેંકાર નાખ્યા. કહે છે કે એ વખતે
હજારું વરસના જૂના વડલા જેવા જટાધારી જોગંદર ગુફામાંથી બહાર નીકળ્યા. નીકળીને છાળીને
માથે હાથ ઠેરવીને પૂછ્યું : ‘ક્યું આયી, બચ્ચા?’ ત્યાં મહારાજની નજર આપા રતા માથે પડી.
‘‘આપાએ પૂછ્યું : ‘આ
છાળી તમારી છે, મા’રાજ?’
‘‘ ‘હાં બચ્ચા, રામજી
કી હે. ક્યું? તેરા કુછ બિગાડ કિયા?’
‘‘ ‘ના બાપુ, બગાડ તો
કાંઈ કરતી નથી. પણ મેં જાણ્યું કે રેઢી રઝળે છે તે ક્યાંક જાનવર વીંખી નાખશે એટલે આજ
મૂકવા આવ્યો.’
‘‘ ‘રામજી કી બકરી કો
જાનવર નહીં છુએગા, બચ્ચા! ફિકર મત કરો, આવ ગુફા મેં!’
‘‘જોગી આપાને અંદર તેડી
ગયા, છાળીનો એક આંચળ દોહીને એ દૂધનો દૂધપાક કર્યો, અને પછી આપાને દૂધપાક, ખાખરાના પાનના
દડિયામાં દઈને ખવરાવ્યો. ખાતાંની વાર તો આપાને ત્રણેય ભુવનની સૂઝવા મંડી. આ તે દીથી
બેયને ભાઈબંધાઈ.’’
‘‘ઓહોહોહો! એવા પુરુષની
દીકરી માથે આજ દખનાં ઝાડવાં ઊગ્યાં! આપો કેમ કાંઈ ટાળતા નથી?’’’
‘‘આપો પોતાની સિદ્ધાઈને
સવારથ સારુ ન વાવરે, ભાઈ, ન વાવરે.’’
‘‘અને આ માંકબાઈ કોનો
અવતાર છે, ખબર છે?’’
‘‘ના ભાઈ, કોનો?’’
‘‘એ માયાનો!’’
‘‘શી રીતે?’’
‘‘ઈ તો આપો રતો એક દી
ખેતરમાં સાંતી હાંકવા ગયા’તા. જરાક સાંતી ચાલે ને કોશ જાણે જમીન હેઠળ કોક કડામાં ભરાઈ
જાય : ડગલે ને પગલે કોશ ભરાય! આપાને થયું કોત્યક! એણે તે ધરતી ખોદીને જોયું તો માયાના
ચરુ ને ચરુ! માથે ધૂળ વાળી દઈને આપે હાકલ કરી : ‘ભણેં માતા લખમી! તારો લલચાવ્યો હું
નહીં લલચાઉં. હું રતો! હું પરસેવો નિતારીને પેટ ભરનારો! ભલી થઈને મારગ મેલી દે, ને
તેમ છતાં જો તારે પરખા થતી હોય તો પેટ પડીને સંતાપી લે, માવડી!’ એટલે માયા માંકબાઈ
થઈને અવતરી છે!’’
એવી વાતો કરતા કરતા ખેડૂતો
ખંભે ખંપાળી ઉઠાવીને મોલડી ગામ તરફ ચાલ્યા ગયા.
હમણાં જાણે હૈયું ફાટી
જશે એવી, કોઈ ઘવાયેલી સસલીના જેવો શ્વાસ ભરતી દીકરીએ દોડી આવીને ‘મા! મા!’ શબ્દે ચીસો
પાડી પોતાનો દેહ પોતાની માના ખોળામાં પડતો મેલી દીધો છે. માતા એના આખા શરીરે હાથ ફેરવી,
હૈયાસરસી દબાવી લઈ, ‘માડી! શું થયું? શું થયું, મારા પેટ?’ એવે શબ્દે દીકરીને શાંત
પાડે છે, આખા ગામમાં કળેળાટ બોલી રહ્યો છે, માણસોનાં ટોળાં ઊમટ્યાં છે, છતાં પણ ચોપાટમાં
બેઠેલા આપા રતા ભગતના હાથમાં જે માળા ફરે છે, તે તો ફરતી જ રહી છે. એનું અંતર આ દુઃખના
દેખાવથી જરાયે ચળતું નથી. એના મુખ ઉપરની એક પણ રેખા બદલાતી નથી. આવું જડ હૃદય જોઈને
કાઠિયાણીએ બૂમ પાડી : ‘‘અરે ભગત! હવે તો ભગતિની અવધિ થઈ ગઈ. આમ તો જોવો, આ બાળકીને
આખે ડિલે સોટા ઊપડી આવ્યા છે!’’
માળાના પારા પડતા મેલતા
મેલતા પતિદેવ બોલ્યા : ‘‘ભણેં કાઠિયાણી! એમ દીકરી આંસુડાં પાડતી પાડતી સાસરિયેથી નત્ય
ઊઠુને પિયરમાં ભાગુ આવે, એને મન–મોં નો દઈએં. બાકી તો કાણો કરવો? જેવાં આપણાં ભાગ્ય!
ને જેવાં દીકરીનાં લખત!’’
ત્યાં તો કાળઝાળ જાદરો
આવી પહોંચ્યો. આખે શરીરે પરસેવો નીતરી રહ્યો છે, ને આંખમાં લોહી ટપકે છે. શ્વાસે લેવાઈ
ગયો છે. ગામને ઝાંપેથી એને માથે પીટ પડતી આવે છે. ઘોડી દોડાવી દોડાવીને થાકી ગયો છે,
તોપણ બાયડીને આંબી નથી શક્યો, એ વાતની મર્મવેદના પણ એને વીંધી રહી છે. ભગતની ડેલીમાં
પગ મૂકતાં જ એ પાપી અદબથી ચૂપ થઈ ગયો. અને એનાં પગલાં સાંભળતાં જ દીકરી કોઈ શિકારીના
હાથનું સસલું લપાય તેમ, માતાની ગોદમાં લપાઈ ગઈ. જાદરો પોતાનો કોપ મનમાં શમાવીને આપા
રતા પાસે જઈ બેઠો.
‘‘આવ્ય બાપ જાદરા! આવ્ય,
બેસ ભાઈ!’’ એવા મીઠા શબ્દો કહીને ભગતે ભાણેજને પોતાની બાજુમાં બેસાડ્યો. છાશ પીવા ટાણે
બન્ને જણા એક ભાણે જમવા બેઠા. રાતે વાળુ પણ બન્નેએ સાથે બેસીને કરી લીધું. પણ પોતાની
દીકરી ઉપર જુલમ ગુજારવાની વાત ભગતે જરાયે છેડી જ નહીં. જાદરાને પણ લાગ્યું કે મામો
બહુ જ સાગરપેટા છે!
વાળુ કરીને આપા રતાએ
દીકરીને કહ્યું : ‘‘ભણેં ગીગી, બાપ, મુંહે બે ગાભા ગોદડાંના દઉ દે એટલે હું તલને ખેતરે
વાસુ વયો જાઉં.’’
ભાદરવો ઊતરીને આસો બેસતો
હતો. આપા રતાના ખેતરમાં ઊંટ ઓરાઈ જાય એવડા તલ ઊભા હતા. અને એ તલનું રખોપું કરવા ભગત
પોતે જ રાતવાસો જંગલમાં રહેતા હતા.
‘‘અને ભણેં કાઠિયાણી,
જાદરાને આંસે જ પથારી કરું દેજે, હો!’’
‘‘ના મામા, માળે તો તમાળી
હારે આવવો સૅ.’’
‘‘બહુ સારો, લાવ્ય બાપ!
બે બીજાં ગોદડાં.’’
એમ બબે ગોદડાં ખભે નાખીને
અંધારી રાતે મામો–ભાણેજ ખેતરે ચાલ્યા. જઈને ભગતે તો આજુબાજુથી લાકડાં લઈને દેવતા સળગાવ્યો
અને પોતે તાપવા લાગ્યા.
‘‘ભણેં જાદરા, તું તારે
આડે પડખે થઉ જા. મુંહે તો નીંદર નસેં આવતી. મું તો બીઠો બીઠો પરભુની માળા કરીશ.’’
‘પ્રભુ’ એવો શબ્દ સાંભળતાંની
વાર જ દાંત ભીંસવા લાગનાર જાદરો ગોદડાં પાથરીને માટીમાં લાંબું ડિલ કરીને સૂવા લાગ્યો.
થોડી વારમાં તો એને ઘસઘસાટ ઊંઘ જામી ગઈ.
બાવળના વેઢામાંથી અગ્નિની
ગુલાબી ઝાળો નીકળે છે, અને આજુબાજુના આઘેરા ડુંગરા ભગતના અબોલ ભેરુબંધો જેવા ઝળહળી
ઊઠે છે. અલખધૂણીની આસપાસ વીંટળાઈને જુગ જુગના જૂના તપેશ્વરીઓનું ટોળું તાપવા બેઠું
હોય એમ પાંચાળના ડુંગરા યોગાસન વાળીને ચારેય ફરતા બેસી ગયા છે. આસમાનમાં નવ લાખ ચાંદરડાં
પણ આપા રતાની ધૂણીની જ્યોતનાં દર્શન કરતાં ઊભાં છે. આટલા બધા તારલા : આટલા બધા ડુંગરા
: આટલાં બધાં નાનાંમોટાં ઝાડવાં, આસો મહિનાની અંધારી અધરાતે એક જ માનવીનાં ગણ્યાં ગણાય
નહીં તેટલાં બધાં સંગાથી : પણ કોઈ કોઈને કાંઈ કહેતું નથી. સહુ સામસામાં મૂંગી વાણીમાં
ગેબી વાતચીતો કરી રહ્યાં છે. એમ થોડીક વાર વીતી, અધરાત ભાંગી, અને ભગતે જમણે પડખે ડુંગરા
માથે નજર ઠેરવીને ચૌદ ભુવનને જાણે સંભળાવવું હોય એવો સાદ દીધો : ‘‘અરે ભણેં મોતીરામ,
એ...મોતીરામ!’’
‘આં...હાં...ઊંહ!’ એવો
ઘોર અવાજ, પહાડોના પથ્થરે પથ્થરને ધણેણાવી નાખતો ભગતની હાકલના જવાબ તરીકે સંભળાયો.
જાણે કે દૂર દૂર બાવળનાં જાળાંમાંથી કોઈક આળસ મરડીને ઊઠ્યું હોય એવું લાગ્યું. ભગતે
ફરી વાર સાદ દીધો : ‘‘અરે મોતીરામ! ભણેં તાપવા હાલો તાપવા! મઉ થાવ મા, નીકળ સવારે ઠરુને
ઠીકરું થઈ રે’શો. હાલો, હાલો ધૂણીએ બેસુને બેય જણા વાતુના સુગલ કરીએં, હાલો, આમ એકલાં
બેઠે કાંઈ રાત નીકળશે?’’
ભગતનાં વચનો જાણે પોતે
સમજ્યો હોય તેમ એક સાવઝ સામા ડુંગરની ઝાડીમાંથી નીચે ઊતર્યો. કેવું એનું રૂપ! ગોળા
જેવડું માથું : પોણા પોણા હાથની ભૂહરી લટો : ગેંડાની ઢાલ જેવડી છાતી : કૉળીમાં આવે
એવી કમ્મર : થાળી થાળી જેવડા પંજા : એવો સાડા અગિયાર હાથ લાંબો કેસરી ઊતર્યો. માર્ગે
દોઢેક વાંભના પૂંછડાનો ઝુંડો કરીને ફંગોળતો આવે છે. પોણા પોણા ગાઉ ઉપરથી વીસેક ભેંસોની
છાશ ફરતી હોય એવા અવાજે એની છાતી વાગતી આવે છે, ગળું ઘૂમવટા ખાતું આવે છે. બે મશાલો
બળતી હોય એવી બેય આંખો અંધારામાં ટમકારા કરતી આવે છે. મોખરે પોણા પોણા શેરના પથ્થરોની
ચણેણાટી બોલતી આવે છે : અને ‘આં...હું! આં...હું!’ એવી લા નાખીને ભગતથી આઘે ઊભાં ઊભાં
જે ઘડીએ એણે પગની ખડતાલ મારી તે વખતે એક ગાડા જેટલી ધૂળ નાડાવા નાડાવામાં ઊડી પડી.
‘‘આવો! આવો મોતીરામ!
આવો બાપા!’’ એમ કહી ભગત પંપાળવા મંડ્યા. અને સાવઝ નાના ગલૂડિયાની માફક ભગતના પગમાં
આળોટતો હાથપગ ચાટવા મંડ્યો. ભગતે એ પશુના પગ ઝાલીને દાબતાં દાબતાં પૂછવા માંડ્યું
: ‘‘કાં બાપ! નરસંગ! ક્યાંય કાંટો બાંટો તો નસેં લાગો ને?’’
ભગતના પગ ચાટીને અને
ભગતને ખંભે પોતાનું માથું મેલીને સાવઝ પોતાનો થાપો ઊંચો કરે છે. ભગત નાનો ચીપિયો લઈને
એક આંગળી જેવડો લાંબો શૂળો સિંહના પંજા-માંથી ખેંચી કાઢે છે. સાવઝ એ કાંટા કાઢનારા
હાથને અનોધા હેતથી ચાટવા મંડી પડે છે.
‘‘હા, અને ભણેં મોતીરામ!
આજ ગંગારામ કીસે ગો?’’
બીજી બાજુની ઝાડી સામે
મોં માંડીને સિંહ સમજાવે છે કે પોતાનો સાથી એ તરફની ગુફામાં બેઠો છે.
‘‘ઈ સૅ બેઠો છે? ઠીક!’’
એમ કહીને ભગતે સાદ દીધો : ‘‘ભણેં ગંગારામ! એ... ગંગારામ!’’
અવાજ આવ્યો : ‘આં...ઊંહ...આં!’
‘‘એ હાલો હાલો, મોતીરામ
અદા સૅ. હાલો ધૂણી ધખું ગઈ સૅ. હાલો માળા જોગંધર, ઝટ હાલો! નીકર ટાઢ્યાના ઠરુ રે’શો.’’
પૂછડું માથે લઈને બીજો
સિંહ ઊતર્યો : ડુંગરાના પાયા જાણે હમણાં હલમલી હાલશે એવી ત્રાડ દેતો આવ્યો અને બન્ને
સિંહો ભગતના પગ પાસે ગલૂડિયાં આળોટે તે રીતે આળોટવા લાગી ગયા : જાણે પશુ સમજતાં હોય
ને એ રીતે ભગત વાતોએ ચડ્યા. ધૂણીની આસપાસ ત્રણેય તપસ્વીઓનું નાનું મંડળ બંધાઈ ગયું.
ભગત જીભથી બોલે છે, અને સાવઝોની તો આંખો જ કોઈ અગમનિગમનાં વેણ ઉચ્ચરી રહી છે. અનહદના
દરવાજા ઊઘડી ગયા લાગે છે.
વાતોમાં ને વાતોમાં એક
પહોર વીતી ગયો. ત્રીજે પહોરે આભના તારલા જેમ તેજસ્વી બન્યા, બબે ગાઉ આઘેનાં નેહડાં
પાસે કોઈ પહર ચારવા નીકળેલા રબારીઓની ચડતા–ઊતરતા સૂરની મીઠી સરજુઓ સંભળાવા લાગી, વાડીએ
વાડીએ અને ખેતરે ખેતરે તાપણાં બળતાં હતાં તે જેમ ઓલવાતાં ઓલવાતાં અણસરખી જ્વાળાઓ કાઢવા
લાગ્યાં ; ત્યારે બન્ને સાવઝોનાં શરીર સંકોડાવા મંડ્યાં અને બન્ને એકબીજા સામે જોવા
લાગ્યા. ભગત સમજી ગયા.
‘‘કાં બાપ! ટાણો થઉ ગો?
ભલે જાવ, ભૂખ્યા થિયા હશો, એટલે જાવ ચારો કરવા. પણ જોજો હો બાપ! ગવતરીને મારીએ નહીં.
ગવતરી તો મા ગણાય અને તમે તો નરસંગ છો. ખાધાની બીજી જણશ્યું ક્યાં ઓછી છે? જાવ, પાછા
કાલ્ય તાપવા આવજો, હોં!’’
આળસ મરડીને બેય સિંહ
ઊભા થયા. બેય જણાએ ભગતને ખંભે પોતાની ગરદનો ચાંપી, અને ભગતના પગ ચાટીને બન્ને ચાલી
નીકળ્યા. અંધારી અટવી ‘આં...ઊંહ! આં...ઊંહ!’ એવા અવાજે કાંપી ઊઠી. ધીરે ધીરે સિંહના
શોર શમી ગયા. આખરે ઉગમણી દિશા કંકુવરણી થવા લાગી. પંખીના માળા જાણે ઝાડવે ઝાડવે લટકતાં
કોઈ ઈશ્વરી વાજિંત્રો હોય તેમ જૂજવે સૂરે ગુંજી ઊઠ્યા.
જાદરો ઊઠ્યો. પોષ મહિનાની
કડકડતી ઠંડીમાં કૂતરાં જેમ પોતાના ચારેય પગ, પૂંછડી અને મોં પેટાળમાં ગોઠવીને થીજી
ગયાં હોય તેમ જાદરો પણ ટૂંટિયાં વાળીને આખી રાત કૂતરાં-કુંડળ થઈ ગયો હતો. એ જમઝાળ લૂંટારાએ
અધરાતે બે વિકરાળ સિંહોને પોતાના સસરાના પગમાં લોટતા દીઠા હતા. એના રોમેરોમમાંથી પરસેવાનાં
પાણી નીતરી ગયાં. એની કાયા થરથર કાંપતી હતી. નજરોનજર એણે આજ પોતાની સતી સ્ત્રીના બાપની
ગુપ્ત સિદ્ધિ જોઈ લીધી. ઊઠીને, કાંઈ બોલ્યાચાલ્યા વગર, જાદરો પ્રભાતે ભગતના પગમાં જેમ
લાકડી પડે તેમ આખો ને આખો પડી ગયો. ભગત પણ કાંઈ બોલ્યા નહીં. જાણે કાંઈ જાણતા જ નથી.
ખંભે ગોદડાંના ગાભા નાખીને
મામો–ભાણેજ ગામમાં જવા ચાલી નીકળ્યા.
‘‘કીં બાપ જાદરા! અટાણમાં
કાણા સારુ આંટો ખાધો?’’
‘‘મામા, કાલ સાંજે વાછરુ
વગડામાં રહી ગ્યું’તું તે ગોતવા નીકળ્યો’તો.’’
એમ બીજે દિવસ પ્રભાતથી
જાદરાએ રોજે રોજ સોનગઢથી મોલડી સુધીનો પંથ શરૂ કરી દીધો. રોજ અંધારામાં ઊપડે છે અને
મહારાજ ઊગીને સમા થાય તે સમયે મોલડી પહોંચીને ભગતના ચરણમાં માથું ઝુકાવે છે, તરત જ
પાછો વળી નીકળે છે. ભગત ઘણું કહે છે : ‘‘ભણેં ભાણેજ, છાશ પીને પછેં જાજે.’’ પણ જાદરો
રોકાતો નથી. એના અંતરનું બધુંય વિષ જાણે ઊતરી ગયું છે.
એમ રોજ રોજ કંઈક ને કંઈક
બહાનાં બતાવીને જાદરાએ ચાર દિવસ ભગતને ફોસલાવ્યા, પણ પાંચમે દિવસે તો મામાએ કાંડું
ઝાલીને પૂછ્યું : ‘‘ભણેં જાદરા, નત્ય ઊઠુને દસ ગાઉનો પંથ કાણા સારુ કરી રિયો છો! ભણું
નાખ્ય.’’
‘‘કાંઈ નહીં, મામા, તમણાં
દરશન સાટુ!’’
‘‘માળો દરશન! માળો દરશન
કર્યે કાણું વળવાનો? માળો મોઢો તો, બાપ, ખાસડે માર્યા જીમો છે. હવે કાલ્યથી આવીશ તો
માર્યા વન્યા નહીં મેલું.’’
‘‘મામા, મેં તો નીમ લીધો
છે.’’
‘‘નીમ કાણાનો?’’
‘‘રોજ પરભાતે તમણાં દરશન
કર્યા પછી જ મોંમાં દાતણ નાખવાનો.’’
ખડ ખડ ખડ ખડ દાંત કાઢીને
ભગતે કહ્યું : ‘‘જાદરા, ઈમડો બધો દાખડો રે’વા દે. હું તુંહે મારગ દેખાડાં. તાળા જ થાન
ગામમાં મેપો ભગત છે ને મેપો?’’
‘‘મેપો કુંભાર?’’
‘‘હા, ઈ મેપો પરજાપત
છે ને, એને રોજ જઈને પગે પડજે, એટલે હું એમાં આવી રિયો. અમે બેય ગેબી બાવાના ચેલા છીએ.
મેપાને પગે પડ, ઈ તુંહે પરમોદ દેશે.’’
‘‘અરે મામા, તમે આ શું
બોલો છો? મેપો ટપલો મોટો ભગત છે?’’
‘‘હા ભાઈ, મેપો ટપલો.
એનો ટપલો જેને માથે પડે છે, એનાં તો અંતરનાં કમાડ ઊઘડું જાય છે, ભાઈ! તું એની પાસે
જા.’’
અજાયબ થાતો થાતો જાદરો
ચાલ્યો ગયો : મનમાં થયું કે ઓહોહો! કાદવ ખૂંદનાર કુંભાર મોટો ભગત!
થાન ગામના કુંભારવાડામાં,
માખણના પિંડા જેવો મુલાયમ ગારો ચડાવીને, મેપો કુંભાર પોતાની ફેરણી વતી ચાકડો ચક્કર
ચક્કર ફેરવે છે. અને એ માટીના પિંડામાંથી એક પછી એક ઘાટ ઉતારતો ઉતારતો ઈશ્વરનાં ભજનો
લલકાર્યે જાય છે. ચાકડો ફરે છે. તેમાં ચૌદ લોકનું ચક્ર ફરતું હોવાનું દર્શન કરી મેપો
આનંદના ઉછાળા મારે છે. આ બ્રહ્માંડનો ચાકડો ફેરવવા બેઠેલા કોઈ મહાન પ્રજાપતિની લીલા
વર્ણવે છે. અને જેમ જેમ ઘાટ ઊતરતો જાય છે, તેમ તેમ એની જુવાન દીકરીઓ ને જુવાન દીકરા-વહુઓ
એ વાસણો સારી સારીને સુકવવા લઈ જાય છે. કુંભારના કુળની જુવાન વહુ-દીકરીઓ વાનેઘાટે રૂડી
– બહુ જ રૂડી છે. શરીરો ગારામાં ગરકાવ છે, છતાં પણ રૂડપ ઢાંકી રહી શકતી નથી. ફળિયામાં
ગધેડાંનાં નાનાં નાનાં શ્વેતવરણાં ખોલકાં ગેલ કરતાં કરતાં છલંગો મારે છે.
એવે પ્રભાતને ટાણે ગળામાં
માળા નાખીને જાદરો આવી પહોંચ્યો. આવીને કહ્યું : ‘‘ભગત, રામ રામ!’’
‘‘રામ રામ! આપા જાદરા.’’
એમ ભગતે સામા રામ રામ
તો કર્યા, પણ એના અંતરમાં તરત ફાળ પડી : આ કાગડાના મોંમાં આજ ‘રામ’ ક્યાંથી? અને આ
મલકનો ઉતાર આજ મારે ફળિયે શીદ આવ્યો હશે?
વહુ-દીકરીઓ પણ આ અસુરને
દેખી, પોતાનાં નિર્દોષ અધઉઘાડાં શરીરને સંકોડવા લાગી ; આડો સાપ ઊતર્યો હોય તેમ સાવધ
બનીને ચાલવા મંડી. ‘એ પીટ્યાનો તો ઓછાયોયે આપણાં અંગને ન અડવો જોઈએ’, એવી વાતો થઈ રહી.
જાદરો ચુપચાપ બેસીને
ચાલ્યો ગયો. બીજે દિવસે આવ્યો ને ગયો. ત્રીજે દિવસે અને ચોથે દિવસે એ જેવો આવ્યો તેવો
તરત જ એને મેપા ભગતે બાવડે ઝાલ્યો : ‘‘આપા, રોજ રોજ આંહીં શીદ આંટા ખાવ છો?’’
‘‘કાંઈ કામે નહીં, ભગત!
સુવાણે તમારો સત્સંગ કરવા.’’
‘‘સત્સંગ! તારે ને સત્સંગને
શી લેવાદેવા, કાઠી? આવ્યો ઈ આવ્યો, પણ હવે જો આવ્યો છે ને તો આ ફેરણીએ ફેરણીએ વાંસો
ખોખરો કરી નાખીશ. હાલ્યો જા બહાર.’’
‘‘બહુ સારું, ભગત! અંદર
નહીં આવું.’’
એટલા સુંવાળા શબ્દો બોલીને
ચાલ્યો ગયો. બીજા દિવસનું પ્રભાત પડ્યું, મેપા ભગતે ચાકડો ફેરવતાં ફેરવતાં પ્રભાતિયું
ઉપાડ્યું :
રુદિયામાં રે’જો!
એ જી મારા રુદિયામાં
રે’જો!
એ જી સૂરજ વસે
રે વ્રેહમંડ ગોખમાં
તેમ મારા રુદિયામાં
રે’જો!
ભગત ગાતા ગાતા વાસણ ઉતારે
છે અને વહુ–દીકરીઓ વાસણ સૂકવે છે, એવે ટાણે દીકરીએ ખડકીના બારણા ઉપર મીટ માંડીને કહ્યું
: ‘‘આતા, કોક તરડમાંથી છાનુંમાનું ડોકાતું લાગે છે.’’
ચાક-ફેરણી લઈને મેપો
ઊભો થયો. ભજનના સૂર ભાંગી પડ્યા. ધૂંધવાતે હૃદયે ખડકી ઉઘાડી. જુએ તો જાદરો.
કાંઈ પણ બોલ્યાચાલ્યા
વિના, ચાર-ફેરણી ઉગામીને ભગત ઊતરી પડ્યા. ફડ! ફડ! ફડ! એવા ત્રણ સોટા જાદરાની પહોળી
પીઠ ઉપર ખેંચી કાઢ્યા અને ત્રાડ દીધી : ‘‘ચોલટા!’’
કુંભારના હાથના ત્રણ
સોટા પડતાં જાદરો બેવડ વળી ગયો. પણ મોંની એક રેખાયે ન બદલવા દીધી. જેવો હસતો હતો તેવો
જ હસતો રહ્યો.
‘‘જાછ કે નહીં?’’ ફરી
ત્રાડ દીધી.
‘‘નહીં જાઉં. હવે તો
નહીં જ જાઉં.’’
આટલું કહીને ગળગળે કંઠે
જાદરાએ પગમાં પડી, ભગતના ગારાવાળા ચરણો ઝાલી લીધા ; પગ ચાંપવા માંડ્યો.
ભગત ટાઢાબોળ થઈ ગયા.
જાણે ચંદનનો લેપ થઈ રહ્યો હોય ને, એવું કાંઈક પગમાં થવા લાગ્યું. ભગતે જાદરાનું લલાટ
વાંચી લીધું :
‘‘બાપ જાદરા! સીધ્યો?’’
‘‘તમારી દયાથી.’’
બાપ નાના બાળુડાને તેડે
તેમ ભગતે જાદરાને છાતીએ લઈ લીધો અને માથે પોતાનો હાથ મેલ્યો. એની પીઠ પર પોતાનો પંજો
નીમજ્યો, ત્યાં તો જાદરાની સુરતા જગતભરમાં રમવા માંડી. એનો ‘માયલો’ મરી ગયો.
આ જે પ્રભાતના પહોરમાં
જાદરા ભગતના ઘરની પછવાડે રડારોળ થઈ રહી છે. સાંભળનારને પણ આંસુડાં પડે એવા વિલાપ મધરાતથી
મંડાઈ ગયા તે હજુ સુધી અટક્યા નથી. માંકબાઈએ ડેલીએ આવીને પતિને કહ્યું : ‘‘ભગત, આ સાંભળો
છો?’’
‘‘કોણ રૂવે છે?’’
‘‘આપણા ટેલવાની વહુ.’’
‘‘કાં?’’
‘‘એનો પાંચ વરસનો દીકરો
ફાટી પડ્યો. ભગત, મારાથી એના વિલાપ સાંભળ્યા જાતા નથી. હવે તો મારી છાતી હાથ નથી રહેતી.
અહોહો! આપણી ઓથે આવેલાને આવડું બધું દુઃખ?’’
‘‘શું કરીએ, કાઠિયાણી!
લાખ રૂપિયા દીધેય કાંઈ કાયાનો કૂંપો ફૂટ્યો ઈ સંધાય છે? આપણે એના બાળકને શી રીતે બેઠો
કરી શકીએ?’’
‘‘પણ મારાથી એની માનું
રોવું હવે નથી સંભળાતું. તમે આપા મેપા પાસે જાશો?’’
‘‘જઈને શું કહું?’’
‘‘એના પગુંમાં પડો. એણે
ઘણાંય ખોળિયાંમાં પ્રાણ પાછા મેલ્યા છે.’’
હાથમાં માળા લઈને જાદરો
કુંભારવાડે ઊપડ્યો. માંકબાઈ પણ પાછળ પાછળ ગયાં. બેય વર–વહુએ મેપાના ચરણ ઝાલીને ભીંજવી
નાખ્યાં.
‘‘શું છે બાપ? શું છે
ગીગા?’’
‘‘બાપુ! ઓલ્યા કોળીની
બાયડીના વિલાપ મારાથી સાંભળ્યા જાતા નથી. એના છોકરાને બેઠો કરો.’’
‘‘બેટા, મડાં ક્યાંય
બેઠાં થાય?’’
‘‘તમથી શું ન થાય?’’
‘‘પણ બાપ, હું કાંઈ પરભુનો
દીકરો નથી, અને ભગવાનની મરજી હોય તો મરેલાંયે બેઠાં થાય, પણ એકને સાટે બીજું પ્રાણ
દેવા તૈયાર હોય તો!’’
‘‘અરેરે બાપુ! બીજા કોને
લઈ આવીએ? કાંઈ માણસના જીવ વેચાતા મળે છે?’’
ખિજાઈને મેપાએ કહ્યું
: ‘‘એ બાઈ, બહુ પેટમાં બળતું હોય ને, તો પોતાના છોકરાનું આયખું કોળીના દીકરાને દઈ દઈએં!
ઠાલા દયાના ડોળ ઘાલો મા.’’
પોતાનો છોકરો! એનું આયખું!
એવાં વેણ સાંભળતાંની વાર તો ધણી–ધણિયાણી થંભી એકબીજાની સામે ટગર ટગર બન્ને જણાં જોઈ
રહ્યાં. બન્નેના મનની ઢીલપ જોઈને મેપાએ ફરી વાર કહ્યું : ‘‘જાવ બેય જણાં, એકલાં બેસીને
પરિયાણ કરી આવો. એમ પરિયાણ કરતાં કરતાં બપોર કરજો, ત્યાં કોળીનો છોકરો સમશાને સળગી
રહ્યો હશે! જો મારાં વાલીડાં પારકી દયા ખાવા આવ્યાં છે!’’
‘‘પરિયાણ વળી શું કરવું’તું?’’
જાદરો બોલ્યો : ‘‘ઈ છોકરામાં મારો જીવ કાંઈ ગરતો નથી. કાઠિયાણી, તું જાણ ને તારો ગગો
જાણે, પછી મને આળ દેતી નહીં.’’
જનેતાનો જીવ બે ઘડી અકળાયો.
છોકરો નજર આગળ તરવરવા લાગ્યો. હૈયામાં કાંઈક જાણે થઈ ગયું, અને પછી કઠણ છાતી કરીને
જનેતા બોલી : ‘‘બાપુ! મારો છોકરો હું દઈ ચૂકી.’’
‘‘તો જા, લઈ આવ.’’
માતા દોડીને ઘેર ગઈ.
જઈને છોકરાને નવાં ઘરેણાં–લૂગડાં પહેરાવ્યાં. દીકરાને તેડી ભગત પાસે ચાલી. માર્ગે દીકરો
માતાને પૂછે છે : ‘‘હેં માડી, આપણે ક્યાં જઈએ છીએ?’’
‘‘તને પરગામ મેલવો છે,
ભાઈ!’’
દીકરો હરખાતો હરખાતો
માની આંગળીએ વળગીને ચાલ્યો આવ્યો. માએ કહ્યું : ‘‘લ્યો બાપુ, આ છોકરો.’’
બરાબર એ જ ટાણે કોળીના
દીકરાનું શબ લઈને લોકો રોતાકકળતા નીકળ્યા. અને પાછળ એની માતા માથાં પછાડતી ચાલી આવે
છે. ભગતે કહ્યું : ‘‘મડદું રોકી રાખો, ભાઈ!’’
શબ નીચે મુકાવીને ભગતે
જાદરાના નાના દીકરાને કહ્યું : ‘‘બેટા, આ ભાઈ સૂતો છે ને એના કાનમાં નીચે વળીને બોલ,
કે તારા સાટે મને જાવા દે.’’
કોણ જાણે કેવા દેશમાં
રમતો રમવા જાવાનું હશે, એવા ઉમંગે દીકરાએ નીચે વળી કોળીના પુત્રના શબને કાનમાં કહ્યું.
કહેતાં જ એનો જીવ જૂનું ખોળિયું ખાલી કરીને કોળીના છોકરાના શબમાં પેસી ગયો.
છોકરો જાગીને પોતાની
જનેતાને ગળે બાઝી પડ્યો, અને જનેતા વિલાપ છોડીને, ‘બાપુ, તું ક્યાં હતો, બેટા?’ એમ
કહેતી ચૂમીઓના મે’ વરસાવવા લાગી.
પોતાના ટેલવાનું સુખ
નિહાળીને જાદરાની અને માંકબાઈની આંખો ઠરી એ જ ઠેકાણેથી, એ જ સોડ્ય ઓઢાડીને વર–વહુ દીકરાને
ઉપાડી સ્મશાને ચાલી નીકળ્યાં.
‘‘જાદરા!’’ મેપા ભગતે
ભવિષ્ય ભાખ્યું : ‘‘મારા કુળમાં થાશે ઈ બધા તો મલકને ઠોશરાં પૂરશે, પણ તારા વંશના તો
એક પછી એક ઓલિયા દુનિયાને અનાજ પૂરશે. તું તો રામદે પીરનો અવતાર છો, ભાઈ!’’
‘‘હું તો રતા ભગતના પગની
ધૂળ છું, મેપા ભગત! મને એંકાર આવે એવું બોલો મા! મને મારાં પાપ ધોવા દ્યો.’’
‘‘બા પુ! આજ ઘોડાં તરસ્યાં
મરે છે.’’
‘‘કેમ?’’
‘‘આજ પાણી ઘેરવાની વેઠ્યનો
વારો ઓલ્યા મેપા ભગતડાનો હતો. કોઈ દી વેઠ્યે નહોતો આવતો ને આજ ચાહીને લઈ આવ્યા. પણ
મેપાએ તો એક જ માણ્ય ભરી લાવીને ટીપું ટીપું સહુ ઘોડાં પાસે રેડી દીધું છે. બીજી વાર
માણ્ય ભરી જ નથી આવ્યો.’’
‘‘આપણે ફરી વાર ઘોડાં
ઘેરો તો?’’
દરબારના ચાકરોએ ઘોડાહારમાં
કૂંડીઓ ભરી ભરીને પાણી મેલ્યાં, પણ એકેય ઘોડું મોંયે નથી બોળતું. બધાં પાણી પીને તૃપ્ત
બનેલાં ઊભાં છે. ખાસાં મઝાનાં હણહણાટી મારતાં ઘાસ ખાય છે. દરબારને લાગ્યું કે મેપાની
પાસે કોઈ મહાન સિદ્ધિ છે. મેપાને તેડાવીને દરબારે કહ્યું : ‘‘ભગત, તમારા ઘરની વેઠ્ય
આજથી બંધ છે.’’
‘‘ઠાકર તમારું ભલું કરશે,’’
એટલી દુવા દઈને મેપો ચાલ્યો ગયો.
મેપાનું ખોરડું ગરીબ
અને આંગણે રોટલો ઘણો બહોળો અપાય. સાધુસંત ત્યાંથી ભૂખ્યો પાછો નથી ફરતો. મેપાને આશા
આવી કે દરબારની અરજે જઈશ તો વેરો પણ માફ થશે. જઈને દરબારની પાસે સવાલ નાખ્યો : ‘‘બાપ,
વેરો છોડી દ્યો તો પાંચ અતિથિને જમાડ્યાનું પુણ્ય તમારે નામે ચડશે. મારે કાંઈ માયાને
ઘરમાં સંઘરવી નથી.’’
‘‘જોયું બાપુ!’’ પડખિયાઓએ
દરબારના કાન ભંભેર્યા : ‘‘આ વસવાયાંની જાત મહા કપટી! વેઠ માફ કરી ત્યારે વેરો સોત ગળી
જવાની દાનત થઈ! ગોલાં તો દબાવ્યાં જ પાધરાં!’’
‘‘સાચું! ગોલાં તો માર્યેપીટ્યે
જ પાધરાં. વેરો નથી દેતો તે બાંધો એ કમજાતને આ વડલાને થડ.’’
કસકસાવીને રાજનાં માણસોએ
ભગતને વડલાના થડ સાથે ઝકડી લીધા. ભૂખ્યા ને તરસ્યા ભગત બંધાયેલા રહ્યા. ગામમાં કળેળાટ
બોલ્યો. ઈર્ષાળુ હતાં તેને આનંદ થયો.
દરબારના જુલમની વાત છેવટે
જાદરાને કાને ગઈ. ખેતરેથી આવીને ભૂખ્યો જાદરો ભાણા ઉપર બેસે છે ત્યાં જ માંકબાઈએ કહ્યું
: ‘‘કાઠી, ગરુને તો દરબારે બાંધ્યા છે.’’
ભાણું ઠેલીને જાદરા ભગત
ઊભા થયા, ચાલ્યા. છેટેથી એણે એ દેખાવ જોયો. જોતાં એનું દિલ બહુ કચવાયું. મેપા ભગતે
હસતાં હસતાં કહ્યું : ‘‘હાં! હાં! જાદરા! અટાણે ક્યાંઈક અવળું વેણ ન બોલાઈ જાય હોં!’’
‘‘અવળું વેણ તો બીજું
શું, બાપુ! પણ તમને બાંધ્યા તોય હજી આ વડલો કાં લીલો રહ્યો?’’
જાણે પોતાનો અપરાધ કબૂલતો
હોય તેમ વડલો સુકાવા લાગ્યો. એની આખીયે ઘટા ભસ્મ થઈ ગઈ. (આજ એ શાપિત મનાતો વડલો થાનમાં
બતાવાય છે.)
‘‘હાં! હાં! હાં! જાદરા!
જો, ગજબ ન થાય. લાખુંના પાલણહારને માથે પ્રભુનો સેવક ન જાય, હો બાપ! નીકર પીરાણું વગોવાશે,
અને આપણે કાળમુખા કહેવાશું.’’
તે દિવસથી મેપા ભગતના
કુટુંબના વેઠવેરો બંધ થયાં અને આજ સાડા ત્રણસો વરસે પણ બંધ જ છે.1
કું ભાર ભગત મેપાનું
વચન બરાબર ફળ્યું છે. જાદરાનો એક દીકરો પારકા છોકરાને જીવ આપી નાનપણમાં સ્મશાને ચાલ્યો
ગયો. પણ તેને બદલે ઈશ્વરે માંકબાઈના પેટે એક પુણ્યાત્માને અવતાર્યો. એનું નામ ગોરખો
પાડ્યું. ગોરખો તો પ્રભુને ઘેરથી જ જાણે ભેખ પહેરીને આવ્યો હતો. સંસારની રજ એને અડતી
જ નહોતી. બાપનાં ભગવાંને એણે સવાયાં શોભાવવા માંડ્યાં. ગોરખાના બોલ બરછી સરખા સોંસરા
ચાલવા લાગ્યા. બાપની ગાદી થાનમાં જ હતી. તેના ઉપર ગોરખા ભગતનાં આસન મંડાયાં.
ભગતનું થાનક ગામની બહાર
હતું. એક દિવસ સવારે એક ટેલવાએ આવીને ખબર દીધા : ‘‘બાપુ! થાનને પાલટ્યું!’’
‘‘થાન પાલટ્યું? ક્યારે?’’
‘‘રાતમાં.’’
‘‘કોણે?’’
‘‘લખતર દરબારે.’’
‘‘તે કાંઈ ધરશધગાણું
ન સંભળાણું, કાંઈ ઝાટકા ન બોલ્યા, ને થાન બદલાણું?’’
‘‘ભગત, કરપડા દરબારની
તો દેહ પડી, કુંવર નાજા કરપડાને લઈને બાઈ ખૂણો મેલાવા ગયાં, ને વાંસેથી ગામ નધણિયાતું
દેખીને લખતરના ઝાલા બથાવી બેઠા. આમાં કોની પાસે જઈને દાદફરિયાદ કરવી?’’
ભગતનો જીવ આવો અન્યાય
સાંભળીને કોચવાયો. થોડા દિવસ થયા ત્યાં વિધવા બાઈ જુવાન કુંવર નાજા કરપડાને તેડીને
થાનકમાં આવી. બાઈએ આપા ગોરખા પાસે બોર બોર જેવડાં પાણી પાડ્યાં. પણ નાજો કરપડો બોલ્યો
: ‘‘હવે થયું. લખતરને આપણાથી શે પોગાય? સૂરજ સામે ધૂડ ઉડાડવી છે ને?’’
‘‘બોલ મા, બાપ નાજા!
બોલ મા,’’ ભગતે કહ્યું : ‘‘જા બાપ, આ લે આ નાળિયેર. ઠાકર તને થાન પાછું દેશે. ગૌધન
સાંજે ગામમાં આવે ત્યારે તારાં માણસો તેડીને આવજે. જેટલાં શીંગડાં એટલાં બગતરિયાં થાશે.
ઠાકરને ઘેરથી કટક ઊતરશે, મૂંઝા છો શીદ? અનિયા કાંઈ ઠાકર સાંખે નહીં.’’
થાન બદલાણું. લખતરનો
નેજો નીચો પછાડી નાજા કરપડાએ પોતાના બાપની આણ વર્તાવી. ઉલ્લાસમાં ને ઉલ્લાસમાં એણે
એક વાડી ગોરખા ભગતની જગ્યામાં અર્પણ કરી.
ભાદરવો મહિનો ચાલે છે.
એક દિવસ નાજો કરપડો ઘોડે ચડીને સીમ જોવા નીકળ્યો છે. આખી સીમનાં વાડી–ખેતર જોઈને પાછો
વળ્યો, એમાં એક વાડી દેખીને એણે ઘોડી રોકી. મીટ મંડાઈ ગઈ. શ્રીફળ જેવડાં જુવારનાં ડૂંડાં
હીંચકે છે, અને ઊંટ ઓરાઈ જાય એવે ઊંચે સાંઠે જાર ઊભી છે. દિલમાં થયું કે આ શું કૌતુક!
આખી સીમમાં આ એક જ કટકો કાં સોને મઢ્યો?
‘‘આ કોની વાડી?’’
‘‘બાપુ! જગ્યાની.’’
‘‘જગ્યાની ક્યાંથી?’’
‘‘આપણે અરપણ કરેલી છે.’’
‘‘અરે ગોલકીના! આ કંચન
જેવી જમીન સાધુડો ખાશે?’’
આંખ ફાટી ગઈ. પરબારી
ઘોડી આપા ગોરખાની જગ્યામાં હાંકી. પરબારા ભગતને જઈને કહ્યું : ‘‘એલા એય ભણેં કોપીન!
ભાગુ જા આસેથી. વાડીબાડી નહીં મળે. ખબરદાર જો ડૂંડાને હાથ અડાડ્યો છે તો!’’
સાધુડાં બધાં કકળવા લાગ્યાં.
પણ ભગત તો મોં મલકાવીને ઠાવકી મીઠી વાણીમાં એટલું જ બોલ્યા કે ‘‘હશે બાપ, જમીન તો એના
બાપની છે ને! એની છે અને એ લઈ લે છે. આપણને એનો કાંઈ દખધોખો હોય?’’
નાજા કરપડા તરફ ફરીને
ભગતે કહ્યું : ‘‘ભલેં બાપ, તું તારી જમીનનો ધણી છો, પણ ઓલ્યું નાળિયેર તને દીધું’તું.
ઈ તો મારું છે. માટે પાછું દઈ મેલ્ય એટલે અમે હાલી નીકળીએ.’’
‘‘ભણેં લંગોટા! મારું
થાન તે શું ગારાનું છે તે તારા નાળિયેર વગરનું વહ્યું જાશે? આ લે તારું નાળિયેર.’’
નાળિયેર પાછું આવ્યું.
ઠેઠ જૂનાગઢના પડોશમાં રહેતા ખીમા મૈયા નામના મૈયા વંશના આગેવાનને ઓચિંતું સ્વપ્નું
આવ્યું : ‘‘ખીમા! ઠાકર તને થાન દે છે.’’
મૈયાની ફોજ થાન માથે
ચડી. દૈવતહીણ નાજો વગરલડ્યે ભાગ્યો. ગઢ ઠેકીને ભાગવા જાય ત્યાં તો કાછડી કાંગરે ભરાઈ
ગઈ. નવસ્ત્રી હાલતમાં નાજો કોઈ ઝાડની ઓથે બેઠો છે, એવા ખબર જગ્યામાં ભગતને પડતાં જ
તત્કાળ પોતે લૂગડાંની ગાંસડી માથા ઉપર ઉપાડીને ચાલ્યા. નગ્ન નાજાને લૂગડાં પહેરાવીને
કહ્યું : ‘‘બાપ નાજા! અભેમાન કોઈનાં નથી રહ્યાં ; અને નિરપરાધીના નિસાસા લીધ્યે સારાવાટ
ન હોય.’’
સી મમાંથી ધા નાખતા
ગોવાળો જગ્યામાં આવ્યા. આવીને ભગત પાસે કહ્યું : ‘‘આપા! જગ્યાનું ધણ વાળી ગ્યા!’’
‘‘કોણ, બાપ?’’
‘‘મોરબી દરબારનાં માણસું.’’
‘‘કાંઈ વાંધો નહીં, ભાઈ
આયડુ! આપણે તો વાંસે વાછરુંય દઈ મેલો. નીકર માતાજીયું કામધેનુ દુભાશે.’’
એમ કહીને એણે વાછરું
પણ પાછળ મોકલી દીધાં.
લોકો આવી વાતો પણ કરે
છે : બીજો દિવસ થતાં તો મોરબીથી માલ પાછો આવ્યો. ચોરનારાઓ ચેતી ગયા કે ભગતનો જીવ કોચવાશે
તો ઊલટપાલટ કરી નાખશે.
પરંતુ એક ગાય ન આવી.
ભીખો રબારી ધ્રુસકાં મેલીને રોવા લાગ્યો કે, ‘‘બાપુ, મારી ગોરહર ગા રહી ગઈ! મારી ગોરહર
વગર હું નહીં જીવું.’’
ગોરખાએ મોરબી ઠાકોરને
સંદેશો કહેરાવવ્યો : ‘‘ગા વગર આયડુ ઝૂરે છે. ગોવાળ અને ઢોરની પ્રીત્યુંનો વિચાર કરો,
દરબાર! તમને બીજી ઘણીયું ગા મળી રે’શે. અમારી ગોરહરને પાછી દઈ મેલજો.’’
મોરબીનો ઠાકોર ન માન્યો.
ફરી ગોરખે કહેવરાવ્યું : ‘‘દરબારને કહો કે ગોરહરનાં દૂધ નહીં ઝરે, બાપ!’’
તોયે દરબારને ડહાપણ ન
આવ્યું. થાનમાં બેઠાં બેઠાં હોકો પીતા રાયકાને ભગતે પૂછ્યું : ‘‘ભીમડા! તારા હાથમાં
ઈ શું છે, બાપ?’’
‘‘હોકાની ને’ છે, બાપુ!’’
‘‘એનું બીજું નામ શું?’’
‘‘નાળ્ય.’’
‘‘હં બાપ! ઈયે નાળ્ય
: બંદૂકતોપની નાળ્ય જેવી. કર એને મોરબીની ગઢ સામી લાંબી ને માર ફૂંક.’’
ભીમડાએ પહેલી ફૂંક દીધી.
અને ભગત બોલ્યા : ‘‘શાબાશ! મોરબીનો ગઢ તૂટ્યો. હાં, ફૂંક ફરીને!’’
‘‘વાહ! એ...ઘોડાહારના
ભુક્કા! બસ! એ...કુંવર ઊડ્યો!’’
એ દંતકથાનું એક ગીત છે
:
ખરો કાળ ઝમઝાળ ગોરખો ખીજિયો
માલ ગોરખ તણો
ન થાય મીઠો.
ગઝબની ચોટ જાદર
તણો ગોરખો
દેવાતણ આકરો નતો
દીઠો.
કમતિયા કેસરા
એમ જાડા 2 કહે
ફૂલ ઘોડે ચડ્યો
હૈયાફૂટ્યો.
ઘોડાર્યું બાળ્યને
કુંવરને ઉડાવ્યો
રાજ બોળી દિયે
ઝળુ 3 રૂઠ્યો.
પરગણું બધું નડેડાટ
ઉજ્જડ પડ્યું
કોપિયો માળિયા
સરે મટે ક્યાંથો
મોરબી સરે ખુટામણ
નો મટે
મોરબી કૂટતી ફરે
માથો
છૉળાં કંડોળાં
તણી આવેને કરી આળ
મોરબીને સર મહારાજ!
ગજબ ઉતાર્યો તેં ગોરખા!
દાના ભગત
પાં ચાળને ગામે ગામે
દયા અને દાનનો બોધ દેવા જાદરો ભગત એક વાર આણંદપર ભાડલા નામે ગામમાં આવી પહોંચ્યા છે.
જાદરો તો પીર ગણાતો. દુખિયાં, અપંગ, આંધળાં, વાંઝિયાં, તમામ આવીને એની દુવા માગતાં.
એમાં એક કાઠિયાણી, માથે
ગૂઢું મલીર ઓઢેલું, બાવીસ વર્ષના જુવાન દીકરાને લાકડીએ દોરેલો અને આપાની પાસે આવી ઊભી
રહી. ભગતે બેઠેલાઓને પૂછ્યું : ‘‘આ બોન કોણ છે, ભાઈ?’’
‘‘બાપુ, કાળા ખાચરને
ઘેરથી આઈ છે. કાળો ખાચર દેવ થઈ ગયા છે, ને સત્તર વરસ થયાં આઈ આ છોકરાને ઉછેરે છે.’’
‘‘તે દીકરાને દોરે છે
કાં?’’
‘‘બાપુ, છોકરાને બેય
આંખે જનમથી અંધાપો છે.’’
‘‘છોકરાનું નામ?’’
‘‘નામ દાનો.’’
‘‘આંહીં આવ, બાપ દાના
ખાચર, તારી આંખ્યું જોઉં, બાપ!’’
દાનો થડમાં આવ્યો. પડખામાં
બેસીને ભગતે આંખો તપાસી. પછી નાનું છોકરું દાંત કાઢે તેવી રીતે ખડખડાટ હસીને બોલ્યા
: ‘‘બાપ દાના! આટલાં વરસથી ઢોંગ કરીને બિચારી રંડવાળ માને શીદ સંતાપી? તારી આંખ્યુંનાં
રતન તો આબાદ છે, ભાઈ! તું આંધળો શેનો? દલ્લીમાં ઘોડાં દોડતાં હોય ઇ યે તું ભાળછ. તારી
નજરું તો નવ ખંડમાં રમે છે. ઠાકરનું નામ લઈને આંખ્યું ઉઘાડ, બાપ! તારે તો હજી કંઈકને
દુનિયામાં દેખતાં કરવાનાં છે, ઇ કાં ભૂલી જા?’’
દાનાએ આંખો ઉઘાડી. પોપચાંના
પડદા ઊંચા થયા. જગતનું અજવાળું આજ અવતાર ધરીને પહેલી વાર દીઠું. આંખમાં જ્યોત રમવા
લાગી. માતા સામે, સગાંવહાલાં સામે ચારે કોર નજર ફેરવી4 . ત્યાં ભગત બોલ્યા
: ‘‘બાપ, ઊંચે ઈશ્વર સામું જોયું?’’
દાનાએ ગગનમાં નજર માંડી.
ઈશ્વર પ્રત્યે હાથ જોડ્યા. બાવીસ વરસનાં ભરજોબન અને સંસારનાં સુખ માણવાની લાલસા, માની
પ્રીતિ, બાપનો મૂકેલો વૈભવ, બધુંય સર્પની કાંચળીની માફક, પલવારમાં અંગ ઉપરથી ઊતરી ગયાં
; દાનાના મુખમંડળ ઉપર ભગવા રંગની ભભક ઊઠી આવી. એણે જાદરાના પગ ઝાલી એટલું જ કહ્યું
કે, ‘‘બાપુ! હવે મારે ઘેર નથી જાવું. તમારી સાથે જ આવવું છે.’’
‘‘માડી! એક વાર તો હાલ્ય,
તારાં લૂગડાં બાંધી દઉં.’’ બેબાકળી માતાએ દીકરાને બોલાવ્યો.
‘‘હા હા, બાપ દાના! ઘેર
જઈ આવ, પછી તું તારે જગ્યામાં હાલ્યો આવજે.’’
‘‘બાપુ! મા! મારું ઘર
મેં ગોતી લીધું છે. હવે મારે કાંઈ પોટલું બાંધવું નથી. મારે તો મારે સાચે ઘેર જ જાવાનું
પરિયાણ છે.’’
માની આંખમાંથી દડ દડ
પાણી પડવા માંડ્યાં. જાદરા ભગતે માને કહ્યું : ‘‘આઈ! આંસુ પાડછ! કાઠિયાણી થઈને? એકાદ
સાંતી જમીનનાં ઢેફાં સારુ તારો દીકરો ધિંગાણે કામ આવત, તે વખતે તું આંસુ ન પાડત, અને
આજ સંસાર આખાને જીતવા નીકળનારા દીકરાને અપશુકન શીદ દઈ રહી છો, મા? છાની રે’.’’
જુ વાન દાનાએ ભગવાં
પહેર્યાં. ગુરુની આજ્ઞા મળી કે, ‘બાપ! કામધેનુની ચાકરી કરવા મંડી જા.’’
આજ્ઞા મુજબ દાનો ગાયોને
સંભાળવા લાગ્યો. મધરાતે પહર છોડીને માંડવના વંકા ડુંગરાઓમાં એકલો જુવાન ધેનુઓને ચારે
છે. ભમી ભમીને કૂણાં ઘાટાં ખડવાળી ખીણો ગોત્યા કરે છે. ગાયોને ધરવી ધરવીને ભળકડે પાછી
જગ્યામાં આણે છે. પોતે જ તમામ ધેનુઓને દોવે છે. ગમાણમાંથી વાસીદાં વાળી, છાણના સૂંડા
માથે ઉપાડી, રેગાડે નીતરતો જુવાન જોગી છાણાં થાપે છે. વળી પાછો ગાયો ઘોળીને સીમમાં
કોઈએ ન દીઠાં હોય એવાં ખડનાં સ્થળો ઉપર જઈ પહોંચે છે. પાણીના મોટા મોટા ધરામાં ધેનુઓને
ધમારી, વડલાની ઘટા હેઠે બેસાડી, કોઈનાં ગળાં ખજવાળતો, કોઈની રૂંવાડીમાંથી ઝીણી ઇતરડીઓ
કાઢતો, કોઈની બગાંઓ પકડતો, કોઈના કંઠે બાંધવા માટે ફૂમકાં ગૂંથતો, અને કોઈની ખરીએ ને
શીંગડીએ એરડી વાટીને તેલ ચોપડતો બાળો જોગી જ્યારે પોતાની કામધેનુઓને મસ્ત બની વાગોળતી
જોતો ત્યારે એને પણ કોઈ સ્વર્ગીય આનંદનો નશો ચડતો ; નેત્રો ઘેઘૂર બની જતાં અને ગળું
ગુંજવા લાગતું કે –
આજે ગગન લહેરું આવે રે,
ઝીણાં ઝીણાં મોતીડાં
અઝર ઝરે રે.
ગુરુ જાદરા ભગતે સમાત
લીધી અને પછી પાંચાળમાં દુકાળ પડ્યો. સેંજળ લીલી સોરઠ ધરાનાં દર્શન માટે જુવાન દાનો
ધેનુઓનું ધણ ઘોળીને થાનથી ચાલી નીકળ્યો. આવીને એણે ગીરકાંઠાના કાઠિયાઈ ગામ ગરમલીની
સીમમાં ઉતારો નાખ્યો. ત્યાંથી માતાજીઓને (ગાયોને) તુલસીશ્યામ તરફ ઘોળી ગીરના ડુંગરામાં
ગાયોને આંટા દેવરાવ્યા. તુલસીશ્યામ તો વંકે ડુંગરે વીંટળાયેલું, સજીવન ઝરણાંથી શોભતું,
તાતા પાણીના કુંડ વડે ભાવિકોને ઈશ્વરી ચમત્કાર દેખાડતું પ્રભુ-ધામ હતું ; પરંતુ આપા
દાનાનો જીવ ત્યાં ન ઠર્યો. ત્યાંથી નીકળીને જેનગર ગામમાં પહોંચ્યા. ટીંબો સજીવન દીઠો.
ગામના ગોવાળોને પૂછ્યું : ‘‘ભાઈ રાયકા, આંહીં રહું?’’
‘‘રો’ને ભા! અમારે ક્યાં
ખડ વાઢીને ખવડાવવું પડે છે?’’
ગોવાળોની હેતપ્રીત દેખીને
ભગતનો જીવ ગોઠ્યો. ભગત ગાયો ચારવા લાગ્યા.
એક દિવસ પ્રભાતે ગોવાળો
ગામને પાદર ટોળે વળીને ઊભા છે. જાણે કોઈનું છોકરું મરી ગયેલું હોય, એવા અફસોસમાં સહુ
એક પીપળાની લીલી મોટી ડાળ પડેલી તેને ચોપાસ વીંટીને ઊભા છે. અંદરોઅંદર વાતો થાય છે
કે ‘કયે પાપીએ પીપળાની ડાળ કાપી નાખી?’ ‘માતાજીયુંને વિશરામ લેવાની શીળી છાંયડી ખંડિત
થઈ ગઈ.’ ‘અને પંખીડાંનાં લીલાં બેસણાં તૂટ્યાં.’
પીપળો તો પાદરનું રૂપ
હતો. એની ડાળ માથે ઘા પડ્યો, એ તો જાણે માલધારીઓના માથા પર વાગ્યો હતો.
આમ અફસોસ થઈ રહ્યો છે,
ત્યાં આપો દાનો આવી પહોંચ્યા. પીપળો વાઢવાની વાત એને પણ કહેવામાં આવી.
‘‘ભણેં બાપ રાયકાઓ!’’
આપો બોલ્યા, ‘‘યામાં કાણું થઈ ગો? ડાળ્યને ભોંમાં વાવુ દ્યો ને! એકને સાટે બે પીપળા
થાહે!’’
‘‘અરે આપા!’’ માલધારીઓ
હસવા લાગ્યા, ‘‘પીપર, વડલો કે આંબો સંધાયની ડાળ્ય વાવીએ તો ઊગે, પણ કોઈ પીપળાની ડાળ્ય
તે ફરી વાર ચોંટે, ભગત!’’
‘‘કાણા સાટુ નૉ ચોંટે,
બાપ? સંધાય જેમ પીપળાની ડાળ્ય સોત ઊગે! ઠાકરને ઘરે ઇમાં ભેદ હોવે નહીં, માટે ઠાકરનો
નામ લઉને વાવુ દ્યો, ભા! હાલો, ખોદો ખાડો.’’
ખાડો ખોદાયો. તેમાં ભગતે
ડાળ રોપી. ઉપર ધૂળ વાળી ખામણું કરીને દરરોજ પોતે જ પાણી સીંચવા લાગ્યા. દિવસ જતાં ઝપાટાભેર
ડાળ કોળી, પાંદડાંની ઘટા બંધાઈ ગઈ. ચળકતાં પાંદડાં ચંદ્ર–સૂરજનાં તેજ ઝીલીને રાતદિવસ
હસવા લાગ્યાં. ડાળે પંખીડે માળા નાખ્યા.
જે નગર છોડ્યું. ફરી
વાર ગાયો ઘોળીને ગરમલી આવ્યા. બપોરને ટાણે સૂરજ ધખ્યો છે. ગોંદરે ઝાડવાને છાંયે પોતે
ગાના ડિલનો તકિયો કરીને બેઠા છે. ત્યાં સામે એક કણબીની છોકરીને દેખી. છોકરીએ માથા પર
મોશલો ઓઢેલો છે. દાંત ભીંસીને બે હાથે માથું ખજવાળે છે. માથામાં કાળી લા’ લાગી હોય
તેમ ચીસેચીસો પાડે છે. છોકરીથી ક્યાંયે રહેવાતું નથી.
જુવાન દાનો ઊઠીને એની
પાસે ગયો, પૂછ્યું : ‘‘ભણેં બાપ! કેવા સારુ રાડ્યું પાડતી સૉ?’’
પણ જવાબ આપવાનો સમય છોકરીને
ન હતો. એ તો માથું ઢસડતી જ રહી.
‘‘માથામાં કાણું થ્યો
છે, બાપ! મુહેં જોવા તો દે!’’
એટલું બોલીને એણે છોકરીના
માથા પરથી કૂંચલી ઉપાડી ત્યાં તો માથામાંથી દુર્ગંધ નીકળી. આખું માથું ઊંદરડીથી ગદગદી
ગયું છે. અંદર જીવાત્ય ખદબદે છે. પાસપરુના રેગાડા ચાલ્યા જાય છે. વાળનું નામનિશાન પણ
નથી રહ્યું.
આપા દાનાનું અંતર આ નાની
દીકરીનું દુઃખ દેખીને ઓગળી ગયું. એને એકેય દવા આવડતી ન હતી. દવા વિચારવાની ધીરજ પણ
ન રહે એવો કરુણ એ દેખાવ હતો.
‘‘ઠાકર! ઠાકર! દીકરીની
જાત્યને આવડો દઃખ!’’
એટલું બોલીને એણે છોડીનું
માથું ઝાલી લીધું. હાથ પકડી લીધા, અને પોતાની જીભ વતી એ આખા માથાને ચાટ્યું ; એક વાર,
બે વાર ને ત્રણ વાર ચાટ્યું.
છોડીને માથામાં જાણે
ઊંડી ટાઢક વળી ગઈ. એની ચીસો અટકી ગઈ. માથે હાથ ફેરવતાં જ ગૂમડાંનાં ભીંગડાં ટપોટપ નીચે
ખરી પડ્યાં. અને થોડા દિવસમાં તો એ ફૂલસરીખા માથા ઉપર કાળા કાળા વાળના કોંટા ફૂટી નીકળ્યા.
છોડીએ ભગત બાપુના ચરણોમાં
માથું નાખી દીધું. બાપુના પગ ઝાલી લીધા. બાપુના મોં સામે મીટ માંડી રહી. ભગતનાં નેત્રોમાંથી
દયાની અમૃતધારાઓ વરસી રહી છે.
લાંબી સુંવાળી લટો વડે
શોભતી કણબીની બાળકી ભગતના ખોળામાં પડીને પૂછે છે : ‘‘હેં બાપુ! ઓલી મારા માથાની ઊંદરી
ક્યાં ગઈ?’’
‘‘બેટા, ઇ તો હું ખાઈ
ગો!’’ એમ કહીને ભોળિયો ભગત દાંત કાઢે છે.
‘ગા યુંની તો ચાકરી કરી રહ્યો છું. પણ ગરીબગુરબાં ને સાધુસંત મારે આંગણેથી અન્નજળ
વિના જાય છે. ઠાકર ઇ કેમ ખમશે?’
ભગતે સદાવ્રત કર્યું.
દાણાની ટહેલ નાખીને અનાજ ભેળું કરવા માંડ્યું. ગામલોકોએ દળી-ભરડી દેવાનું માથે લીધું.
ગરીબગુરબાં, લૂલાં, પાંગળાં, ઘરડાં, બુઢ્ઢાં, તેમ જ મુસાફર સાધુબાવાઓને દાળ-રોટલા આપવા
લાગ્યા. એક પણ અન્નનું ક્ષુધાર્થી ભૂખ્યે પેટે પાછું જતું નથી. આપા દાનાનો રોટલો મુલકમાં
છતો થવા લાગ્યો.
એમાં દુકાળ ફાટી નીકળ્યો.
‘અનાજ! અનાજ!’ પોકારતો આખો દેશ હલક્યો. દાના ભગતને દ્વારે રાંધણાનો પાર ન રહ્યો. દાળનાં
મોટાં રંઘાડાં ને રોટલાની વીસ–વીસ તાવડી ચાલવા લાગ્યાં. અનાજનાં ગાડાં આવી આવીને આપા
દાનાની કોઠીઓમાં ઠલવાય છે. પણ કોઈને ખબર નથી પડતી કે એ ક્યાંથી આવે છે ને કોણ મોકલે
છે.
દેનાર તો ન થાક્યાં,
પણ દળનાર–ભરડનાર ગામલોકો ગળે આવી ગયાં. ગામને બહુ ભીંસ પડવાથી લોકો બોલ્યાં કે, ‘‘બાપુ!
ફક્ત બામણ સાધુને રોટલા આપો, બીજાં કોઈને નહીં. નીકર અમે પોગી નહીં શકીએ.’’
‘‘અરે ભણેં બાપ!’’ ઓશિયાળા
થઈને આપા દાના બોલ્યા, ‘‘હવે તમારે ગામને દળવોય નહીં ને ભરડવોય નહીં. લ્યો આ પાંચ કોરી.
એના ચોખા લાવો ને ગળ લાવો. આ માતાજીયું મળે છે તે માથે છાંટો ઘી દેશું. એટલે તમારે
મારો હડચો ખમવો નહીં, ઠીક બાપ!’’
દાળ–રોટલાને બદલે ગોળ,
ચોખા ને ઘીનું સદાવ્રત વહેતું થયું. ચોખાનાં છાલકાં બહારથી આવતાં થયાં. ઠાકરે પાંચ
કોરીના ચોખા–ગોળમાં અખૂટ અમી સીંચી દીધાં. કોઈ દિવસ તૂટ આવી નહીં કેમ કે ભગતની આસ્થા
કદીયે ડગી નહીં.
ગરમલીથી ચાલીને એક દિવસ
આપા દાનાએ ચલાળા ગામમાં જગ્યા બાંધી. ત્યાં પણ ગોળ–ચોખાનું અન્નક્ષેત્ર વહેતું કર્યું.
પો તાની ગાયો હાંકીને
દાનો ભગત ગીરમાં સિધાવ્યા છે. એક દિવસ કાળે બપોરે ગાયો તદ્દન નપાણિયા મલકમાં ઊતરી.
માણસોએ બોકાસાં દીધાં : ‘‘બાપુ, પાણીની જોગવાઈ આટલામાં ક્યાંયે નથી.’’
‘‘ભણેં લ્યો બાપ! હું
મોંગળ જઈને પાણીની તપાસ કરાં.’’
આટલું બોલીને ભગત આગળ
ચાલી નીકળ્યા ; ગીરમાં દેવળા નામનું ગામ છે, તેની સીમમાં આવ્યા. જુએ તો ત્યાં દુકાળની
મારી બે-ત્રણ હજાર ગાયો દેશાવરથી ગીરમાં જવા ઊતરી પડેલી છે. ખદબદ ખદબદ થાતી એટલી ગાયો
પાણી વિના ટળવળે છે પણ ગામમાં એવો મોટો પિયાવો નથી. ગાયોની શી ગતિ થશે એવા ઉચાટ કરતા
ગામલોકો પાદરમાં ઊભા છે. આટલી ગાયો આપણે ટીંબે પાણી વિના પ્રાણ છાંડશે તો આપણે ઉજ્જડ
થઈ જાશું, એવી બીકે ગામની વસ્તી ગાયોનાં ભાંભરડાં દેતાં ઓશિયાળાં મોં સામે જોઈ રહી
છે.
ત્યાં બૂમ પડી : ‘‘એ
આપો દાનો દેખાય.’’
ભગત આવી પહોંચ્યા. ગામલોકોએ
કહ્યું : ‘‘બાપુ! આમ જુઓ.’’
‘‘કાં બાપ! આ કાણું?’’
‘‘બાપુ! નવ લાખ ગાયું!’’
‘‘હોહોહો! નવ લાખ માતાજીયું!
ભણેં તવ્ય તો આ ગોકળિયું ભણાય. આ તો નંદજીનો ગામ ગોકળ! વાહ! વાહ! આ તો મોટી જાત્રા
ભણાય.’’
‘‘અરે બાપુ! નવેય લાખ
આંહીં જ ઢળી પડશે. આંહીં પાણી ન મળે.’’
‘‘પાણી ન મળે? ઇ તે કે
દી હોવે, બા? માતાજીને પુન્યપરતાપે ઠાકર પાણી મોકલ્યા વિના રે’ ખરો? ધરતી માતા તો સદાય
અમીએ ભરી છે. કૂડું ભણો મા.’’
એટલું બોલીને ભગતે ચારેય
બાજુએ નજર કરી. અને એણે એક નાનો વોંકળો દીઠો.
‘‘એ લ્યો બાપ! ભણેં આ
રહી નદી! આસે તો નકરો પાણી જ ભર્યો છે ને શું!’’
‘‘અરે બાપુ! ઇ તો ખોટું
નેરડું. નકરી વેળુ. સાત માથોડેય પાણીનો છાંટો ન મળે.’’
‘‘ના બાપુ, ઇમું ભણો
મા. મંડો ખોદવા, ગુપત ગંગા હાલી જાતી સૅ. હાં માળા બાપ! સહુ સંપીને ઉદ્યમ માંડો, એટલે
ઠાકરને પાણી દીધા વન્યા છૂટકો જ નહીં. રોતલને કે દાળદરીને કાંઈ ઠાકર દેતો હોશે, બાપ?’’
પોતે હાથ વતી વેકરો ખોદવા
લાગ્યા, હસતા હસતા ગામલોકો પણ મદદે વળગ્યા. ઘડીમાં તો ત્યાં વેકૂરની મોટી પાળ ચડી.
‘‘એ જુઓ બાપ! લીલો કળાણો.’’
ભીનો વેકરો આવ્યો. કમર
કમર જેટલું ખોદાણકામ થયું. અને પાણી તબક્યું.
‘‘હવે ખસું જાવ બાપ!
અને માતાજીયુંને વાંભ કરુને બોલાવો. હવે ઠાકર પાણી નૈ દ્યે ને કિસે જાસે?’’
આંહીં ગાયોને વાંભ દીધી,
ને ત્યાં જાણે પાતાળ ફૂટ્યું. છાતી સમાણો વીરડો મીઠે પાણીએ છલકાઈ ગયો. પાણીનું વહેણ
બંધાઈ ગયું અને તરસે આંધળી બનેલી ગાયો પાણી ચસકાવવા લાગી. ગાયોનાં શરીર ઉપર હાથ ફેરવતા
ફેરવતા ભગત કહેવા લાગ્યા : ‘‘ભણેં માવડીઉં! કામધેનુ! આ તમારા પરતાપે પાણી નીકળ્યાં.
જમનાજી છલક્યાં. પીવો, ખૂબ પીવો!’’
આજે પણ ‘નવલખો વીરડો’
નામે ઓળખાતું એ અખંડ જળાશય ચાલુ છે. એને લોકો ‘આપા દાનાનો વીરડો’ પણ કહે છે. થોડાં
વર્ષો પર કોઈ ખેડૂતે ત્યાં વાવેતર કરી, એ વીરડાનું પાણી વાળ્યું. એટલે લાખો પશુઓની
તરસ છીપાવતાં એ અખૂટ પાણી થોડા દિવસમાં જ ખૂટી ગયાં. વાવેતર બંધ થયું, એટલે ફરી વાર
વીરડો ચાલુ થયો.
ભા વનગરથી ગધેડાં ઉપર
ચોખાનાં છાલકાં ભરાવીને ભગત ચલાળા તરફ ચાલ્યા આવે છે. પોતે ઘોડી પર છે, અને ગધેડાંને
જોગી લોકો હાંકતા આવે છે. ચૈત્ર–વૈશાખના બપોર ચડ્યા છે. ઊની લૂ વાય છે. બરાબર પાડરશીંગાની
સીમમાં આવતાં માર્ગે એક વાડીના ધોરિયામાં ગધેડાં પાણી પીવા ચડ્યાં. વાડીનાં અખૂટ પાણી
વહ્યાં આવે છે, અને ઉપર સામટા સાત કોસ જૂત્યા છે. સિત્તેર–એંશી વીઘામાં ઉનાળાનો ચાસટિયો
ઊભો ઊભો અખંડ પાણી પી રહ્યો છે. આમ છતાંય ગધેડાં જ્યાં ધોરિયામાં મોં નાખવા જાય છે
ત્યાં તો વાડીમાંથી ચહકા થયા, સાતેય કોશિયાએ કોસ ઊભા રાખીને હાથમાં પરોણા લઈ દોટ દીધી.
ગાળોની ત્રમઝટ બોલાવતાં ગધેડાંનાં મોં ઉપર પરોણાની પ્રાછટ દીધી.
‘‘અરે ભણેં બાપ!’’ દાનો
ભગત આ ત્રાસ જોઈને બોલ્યા, ‘‘બાપડાં પશુડાં તરસ્યાં છે, યાને પાણી પીવા દ્યો ને! કાણાં
સારુ મારતા સૉ?’’
‘‘મારે નહીં ત્યારે શું
ચાટે? કાંઈ તારાં ગધેડાંને પાણી પીવા સાટુ કોસ જોડ્યા છે? કાળ વરસનું પાણી ક્યાં વધારાનું
છે?’’
‘‘અરે ભણેં બાપ! પાણીનો
તૂટો કેવાનો? આ સાત કોસ વહેતા સૅ ને!’’
‘‘તે તારા જેવા મફતિયા
સાટુ કોસ નથી જોડ્યા, બાવા! હાલ્યો જા છાનોમુનો. પાણી નહીં પાવા દઈએ.’’
‘‘અરે ભણેં ભાઈ! ઠાકરની
પાસે તો સંધાય જીવડા સરખા. ઠાકરે તમુંહેં પાતાળ-પાણી દીનો સૅ! શીદ આ ગભરુના નિસાસા
લેતા સૉ! પીવા દ્યો, પીવા દ્યો, ઠાકર તમુંહે ઝાઝો પાણી આપશે.’’
‘‘હવે હાલ્યો જા ઠાકરના
દીકરા! પાણી નથી કૂવામાં.’’
‘પાણી નથી!’ એટલો શબ્દ
જ્યારે પાંચ વાર બોલાયો, ભગતના કાલાવાલા એળે ગયા, અને તરસ્યાં ગધેડાંનાં મોં પર લાકડીઓનો
માર જોઈ ન શકાયો, ત્યારે દુભાઈને ભગત એટલું જ બોલ્યા કે, ‘‘ભણેં ભાઈ, હાંકો ગધેડાંને.
યાના કૂવામાં પાણી નસેં. હાંકો, મોંગળ આ સાતકોસી વાડી રહી. ઇસે પાશું!’’
‘‘હા હા! જા પડ્ય, ઇ
સાતકોહી વાડીમાં!’’ એમ બોલીને કણબીઓએ હાંસી કરી.
ભગત આગળ ચાલ્યા. પોતે
જેની સામે આંગળી ચીંધાડીને બતાવી તે વાડી સાતકોસી તો નહોતી, પણ એકકોસીયે નહોતી. વીસ--પચીસ
ક્યારામાં ચાસટિયો કરીને એક ગરીબ ખેડૂત પોતાના ડૂકેલા બળદથી એક કોસ ચલાવે છે. દસ ક્યારા
પીવે ત્યાં કૂવાનું તળિયું દેખાય છે. વળી બળદ છોડી નાખીને કણબી વાટ જોતો ત્યારે ઘણી
વારે કોસ બૂડવા જેટલું પાણી ભરાય છે.
એવી હાલતવાળા કૂવા પર
જઈને ભગતે સાદ કર્યો : ‘‘ભણેં બાપ જોગીડાઓ! ગધેડાંહીં આંસે આણો. આ સાતકોસીના ધોરિયામાં
પાણી પાવ! હાં બાપ પટલ! કોસ કાઢવા મંડ્ય. તરસ્યાં જીવડાં પાણી પીને તોહેં દુવા દેશે.’’
દુઃખી કણબી બોલ્યો :
‘‘પણ બાપા! કોસ પૂરો બૂડતોયે નથી, શી રીતે કાઢું?’’
‘‘ભણેં બાપ! યામાં તો
સેંજળ શેત્રુંજી હાલી જાતી સૅ. તું તારે કાઢવા મંડ્ય. તરસ્યાં જીવડાંની દુવાથી પાણી
આવશે.’’
કણબીએ કોસ જોડ્યો. ગધેડાં
પાણી પીવા લાગ્યાં. પહેલો કોસ, અને બીજે કોસે તો બળદને અને થાળાને એક હાથનું છેટું
ઓછું થયું. ત્રીજો, ચોથો ને પાંચમો કોસ નીકળે, ત્યાં તો કૂવો અરધે સુધી ભરાયો. આંહીં
ગધેડાં ધરાયાં, ત્યાં કૂવો છલકાયો.
‘‘જો ભણેં પટલ! હું નો’તો
ભણતો કે ગભરુ જીવડાંની દુવાએં કરીને સારો થાય? જો, વાડમાં પાણી વધુ ગો. આ કે’ની વાડી
છે?’’
‘‘બાપા! આ વાડી ગોરખા
ખુમાણની.’’
‘‘અને ઓલી?’’
‘‘વીસામણ ખુમાણની.’’
‘‘અરેરે! વીસામણની વાડીમાં
પાણી ન મળે, કાણું કરવો?’’
ગોરખા ખુમાણનો ખોટો કૂવો
જે વખતે સાતકોસી વાડી બને એટલો છલકાઈ ઊઠ્યો, તે વખતે પેલી સાતકોસી વાડીને તળિયે સાતેય
કોસ લાંબા થઈને સૂઈ ગયા. સાત દુકાળે પણ અખૂટ રહે તેવાં એનાં નીર શોષાવા લાગ્યાં. કોસ
પછડાય છે એવું લાગતાં કોસિયો વાડીમાં નજર કરવા ગયો. જુએ છે તો કૂવાના ડારની અંદર થઈને
તમામ પાણી પાતાળમાં ચાલ્યું જાય છે.
ખેડૂતો ગામમાં દોડ્યા.
પોતાના જમીનદાર વીસામણ ખુમાણ પાસે જઈ ચીસ પાડી : ‘‘હે બાપુ! વાડીમાં છાંટોય પાણી ન
મળે!’’
‘‘શું થયું?’’
‘‘કોક કાઠી આવ્યો’તો,
અમે એનાં ગધેડાંને પાણી પીવા ન દીધું. એણે આપા ગોરખાને કૂવે પાણી પાયું. અટાણે ત્યાં
પાણી છલકાય છે.’’
વીસામણ ખુમાણે તપાસ કરી.
ખબર પડી કે એ કાઠી તો આપો દાનો. આપો દાનો ગામમાં રાત રહ્યા છે. વીસામણે આપાને પગે જઈ
હાથ નાખ્યા : પોકાર કર્યો કે ‘‘આપા! તમારી ગા! મારી સાતકોસી ઉપર કાળો કેર ગુજર્યો.
મારાં છોકરાં રઝળ્યાં.’’
‘‘ભણેં બાપ વીસામણ! હું
કાણું કરાં? ઇ કૂવો જ ખોટો છે.’’
આજ પણ એ સાતકોસી વાડીનો
ગંજાવર કૂવો ભાડ થઈને જ પડ્યો છે. અને ગોરખા ખુમાણની વાડી સાતકોસી બની છે.
‘‘ભ ણેં ગોર! હવે આ
બેય રાજગર છોરડા મોટા થઈ ગા! અને હવે આને નાતમાં લઈ લો તો માળે માથેથો ભાર ઊતરે. નીકર
બચાડા છોરડાને કોઈ દીકરી નૈ દ્યે.’’
‘‘પણ બાપુ! જગ્યાનો રોટલો
ખાઈને ઈ તો વટલ્યા કહેવાય.’’
‘‘ના, ના, ભણેં બાપ!
મેં યાની દેહ નસેં વટલાવી. હિંદુસ્તાની સાધુને બામણિયે રસોડે જ યાને અમે જમાડતા. હું
ઠાકરની સાખે ભણતો સાં.’’
‘‘ઠીક ભગત! જોશું.’’
‘‘અને વળી જરૂર હોવે
તો હું તમાળી નાત્યને જમાડાં.’’
‘‘ના બાપુ! ઇ દાખડો રે’વા
દ્યો. આંહીં દેવળા ગામમાં હમણાં જ રાજગરની નાત્ય કારજ માથે ભેળી થશે. ત્યાં તમે છોકરાને
લઈ આવજો.’’
પાંચ–સાત વર્ષના બે રાજગર
છોકરાઓ હતા. મા-બાપ મરી ગયાં છે. ગાયો મંકોડા ચરે એવો દુકાળ પડ્યો. છોકરાને નાત્યના
કોઈ માણસે સંઘર્યા નહીં. એ નિરાધારોને આપા દાનાને આંગણે આધાર મળ્યો. પણ પોતે કાઠી હોવાથી
છોકરાંઓને ચોખ્ખે રસોડે જ જમાડી, પેટનાં બચ્ચાંની માફક મોટા કર્યા. છોકરા ઉમ્મરલાયક
થવાથી હવે આપાએ એમને ન્યાતમાં લેવરાવવા મહેનત માંડી.
કારજ ટાણે પોતે દેવળા
ગામે ગયા. જઈને રાજગર જ્ઞાતિના પટેલિયાઓને હાથ જોડી અરજ કરી કે, ‘‘બાપુ! હવે યાને નાત્યગંગામાં
નવરાવું લ્યો.’’
‘‘ભલે બાપ!’’
એટલું કહી બન્ને છોકરાઓને
જમણમાં જમવા લઈ ગયા. પણ સમજણા છોકરાઓએ ઉતારે આવીને બાપુને વાત કરી કે, ‘‘બાપુ! અમને
તો નોખા બેસાડીને જમાડ્યા.’’
ભગતે ફરી વાર ન્યાત પટેલિયાને
તેડાવીને વિનંતી કરી. દુત્તા પટેલો બોલ્યા : ‘‘ના, ના, બાપુ! છોકરાઓને તો વહેમ છે.
અમે તો એને ભેળા જ બેસાર્યા’તા.’’
‘‘તવ્ય બાપ! હું ભણાં
ઇ કરો! તમમાં મોટેરા હો ઈ યાની થાળીમાં જ જમુ લ્યો.’’
‘થાળીમાં ભેળા બેસીને
જમી લ્યો!’ એ વેણ સાંભળતાં જ આગેવાનો એકબીજા સામે જોવા લાગ્યા, ને છેવટે દંભનો અંતરપટ
ઉઘાડીને બોલ્યા : ‘‘બાપુ! એમ તો નહીં બને. છોકરાઓએ જગ્યાના રોટલા ખાઈને કાયા અભડાવી
છે. માટે ગંગાજી ના’વા ગયા વગર ઉપાય નથી.’’
‘‘ભણેં બાપ! તવ્ય ઇ ચોખોચટ
ભણું નાખો ને! ખુશીથી ગંગાજી નાઈ આવે. પછી કાંઈ?’’
‘‘પછી કાંઈ નહીં.’’
જરા વિચાર કરીને ભગત
બોલ્યા : ‘‘હે બાપ! ભણેં આ છોકરા બચારા ગરીબ છે. ગંગાજીએ પોગી ન શકે, એને સાટે ગંગાજી
જ આસેં પધારુને યાને નવરાવે તો કેમ?’’
બાવાની બેવકૂફી ઉપર બધા
રાજગર મરક મરક હસવા લાગ્યા ; તમાશો જોવાની વૃત્તિથી બોલ્યા : ‘‘તો બહુ સારું.’’
‘‘વાહ, વાહ! એલા કોઈ
તાંસળી લાવજો તો!’’
ભગતે તાંસળી મંગાવી.
ઊભા થયા. બે હાથમાં તાંસળી ઝાલીને આકાશ સન્મુખ ધરી રાખી. પોતે આભ સામી મીટ માંડીને
બોલ્યા : ‘‘એ માડી! તું તો અધમોધારણ છો! આભ મેલુને ધરતીનાં મળ ધોવા આવી છો. તું તો
ભણેં માવડી! ભગતુંની જીભને વશ છો. જો મા! આ બેય છોરડા પવિતર જ રહ્યા હોય, તો તો તું
આવીને યાને નવરાવું જાજે. ઇ બચાડા તાળી પાસે પોગે એમ નસેં.’’
એટલું ઉચ્ચારીને ભગત
ઊભા રહ્યા. સહુ જુએ છે તેમ તાંસળી છલકાણી. ઉપરથી નિર્મળાં નીરની ધારાઓ છૂટી. અને ભગતે
છોકરાને બોલાવ્યા : ‘‘ભણેં છોરડાઓ! બાપ હાલો, બેય જણા નાઈ લ્યો.’’
છોકરા તરબોળ બની રહ્યા.
તોપણ ધારા ચાલુ છે. ભગતે સાદ દીધો : ‘‘બાપ! બીજા જેને ના’વો હોઈ ઇ આવે!’’
બીજા ઘણાએ સ્નાન કર્યું.
‘‘હવે બાપ! ભણેં હવે
તો છોકરાઓને નહીં તારવો ને?’’
‘‘ના.’’
પણ રાજગર ન્યાત ન માની.
એણે તો કહ્યું કે આપો તો કામણકૂટિયો છે. ઇથી કાંઈ ગંગાજી આંહીં આવી ગઈ? ઇ તો છોકરાઓએ
ગંગાજીએ જઈ આવવું જ પડશે.
તે દિવસે ન્યાતમાં છોકરાને
તારવવામાં આવ્યા એ વાત જાણીને ભગતનું દિલ ભેદાઈ ગયું. ‘ઠાકર! ઠાકર!’ એમ બોલીને ભગત
િનઃશ્વાસ નાખ્યા.
બપોર થયા ત્યાં તો બૂમાબૂમ
ને દોડાદોડ થઈ પડી. રાજગરોએ આવી ભગતના પગ ઝાલી લીધા : ‘‘બાપુ! તમારી ગા! કોઈ રીતે ઉગારો!’’
‘‘કાં બાપ! કાણું થ્યો!’’
‘‘ન્યાતમાં જમનારા તમામને
ઝાડો ને ઊલટી ચાલ્યાં છે. સૌનું મોત સામે આવી ઊભું છે. કોઈ રીતે ઉગારો!’'
‘‘ભણેં બાપ! હું કાણું
કરાં! મેં કાંઈ મંતરદાણા છાંટ્યા નથી, મેં કાંઈ સરાપ નસેં દીનો, હું તો ગાયુંનો ગરીબ
ટેલવો સાં, બાપ! માળો કાણું ઉપા?’’
‘‘બાપુ! ઓલ્યા રાજગરના
છોકરા....’’
‘‘હા બાપ! મારી આંતરડી
કોચવાણી છે. બાકી મેં કાણુંય કામણ કર્યો નથી. છોરડાની કદુવા લાગી હોય, તો ઇ જાણે ને
તમે જાણો.’’
‘‘બાપુ! તમે કહો એમ કરીએ.’’
‘‘બાપુ! તો પછી ભણેં
ઇ છોરડા રાંધે ને તમે સંધા જમો.’’
‘‘ભલે બાપુ!’’
‘‘ભણેં છોરડાઓ! તમે રાંધુ
જાણો છો?’’
‘‘બાપુ! અમને તો ચોખા
રાંધતાં આવડે. બીજું કાંઈ નહીં.’’
છોકરાઓએ ભાત રાંધ્યા
ને એ ભાતે આખી ન્યાત જમી.
સં ધ્યાની રૂંઝ્યો રડી
ગઈ છે. અંધારાં ઊતરવા લાગ્યાં છે. તે ટાણે ચલાળા ગામથી દૂર દૂર ઝાડીની અંદર એક ગાડાખેડુ
કાંટાની મોટી ઘાંસી પોતાના ગાડા ઉપર ચડાવવા મથે છે. પણ ભારે વજનની ઘાંસી કેમેય ચડતી
નથી. બપોર દિવસથી મથ્યા કરતો એ આદમી આખરે અંધારું ઘોર થઈ ગયે થાક્યો, અને ઘાંસી ચડાવવા
માટેનું લાકડું ફગાવી દીધું. ઘાંસીની એક બાજુ ગાડાનું ઠાઠું રાખ્યું, અને બીજી બાજુ
પોતે કાંટામાં પોતાની કમર ભરાવી, જોર કરી, સાદ દીધો : ‘‘એ આપા દાના! ઘાંસી ચડાવજો!’’
જોર દીધું. ઘાંસી ચડી
ગઈ. પોતાને એક પણ કાંટો વાગ્યો નહીં. પોતે ગાડું હાંકી ઘેર ગયો. પોતે દાના ભગતની જગ્યાનો
હજામ હતો. નામ દાનો હતું. રોજની માફક આજ પણ રાતે એ ભગતના પગ ચાંપવા ચાલ્યો.
‘‘ભણેં બાપ દાના! મારા
વાંસામાં બેક કાંટા છે તે કાઢુ નાખજે,’’ ભગત બોલ્યા.
દીવો લઈને હજામ પોતાની
નેરણી વતી કાંટા કાઢે છે, જુએ છે તો બે નહીં, પણ આખા વાંસામાં કાંટા હતા!
‘‘બાપુ! આટલા બધા કાંટા
ક્યાં વાગ્યા?’’
‘‘સીમમાં, ભાઈ!’’
‘‘શી રીતે?’’
‘‘તારી ઘાંસી ચડાવી ને,
આ રીતે.’’
‘‘બાપુ! તમે!’’
‘‘હું કેમ ન હોઉં બાપ!
તેં મને સંભારીને સાદ કર્યો ; તું મારી રોજ ચાકરી કરનારો : ને હું તારું વેણ કોક દીયે
ન રાખું, ભાઈ?’’
‘‘બાપુ! મારી ભૂલ થઈ.’’
‘‘કાંઈ વાંધો નહીં બાપ!
સાધુનાં તો એ કામ છે.’’
ચ લાળા ગામમાં સોની
ભાઈઓ અડોઅડ રહે છે. બન્નેના ઘર વચ્ચે એક જાળી છે. બન્નેને અદાવત છે. એક દિવસ એ બેમાંથી
જે ગરીબડો ભાઈ હતો, તેનો ઘોડો ફળિયામાં બાંધ્યો, વચલી જાળીની સળિયા વાટે પોતાનું મોં
નાંખી જીભ ફેરવતો હતો.
જાળીમાં બેઠેલા દ્વેષીલા
સોનીએ પોતાના પાડોશીને હાનિ પહોંચાડવાનો ભારી લાગ જોયો. ધારદાર હથિયાર લઈને ઘોડાની
જીભ કાપી નાખી. ચાર આંગળ જેટલો જીભનો ટુકડો લગભગ જુદો થઈ જતાં તો લોહીલોહાણ ઘોડો જમીન
પર પછડાટી ખાઈને તરફડવા લાગ્યો. વેદનાનો પાર ન રહ્યો.
ઘોડાના માલિકનું આખું
ઘર એ ચીસો સાંભળીને દોડ્યું આવ્યું. ગરીબ માણસો પોતાના લાડકવાયા ઘોડાને આવી કરપીણ રીતે
તરફડી મરતો જોઈ ચોધાર આંસુ રોવા લાગ્યાં. છોકરાં ઘોડાને બાઝી પડ્યાં. ઘરનો માલિક ‘આપા
દાના! આપા દાના!’ એવા જાપ જપવા લાગ્યો.
નાનું-શું ગામ. તરત જગ્યામાં
જાણ થઈ. ગામલોકોના દુઃખની જરાક પણ વાત જાણતાં દોડ્યા જનાર દાના ભગત જલદી સોનીને ઘેર
પહોંચ્યા. ઘરનાં માણસો બાપુને દેખી પગે પડ્યાં : બોલ્યાં : ‘‘બાપુ, અમારાથી ઘોડાની
પીડા જોવાતી નથી.’’
‘‘અરેરે ભાઈ! આવો કાળો
કામો કોણે કર્યો? બાપડા અબોલ પશુ ઉપર આ જુલમ! ભગવાન એનાં લેખાં લેશે, ભાઈ! પણ આ કટકો
જીભની સાથે રેવી નો લેવાય?’’
‘‘અરેરે બાપુ! સોનુંરૂપું
રેવાય, પણ કાંઈ જીભ રેવાય?’’
‘‘પણ કાણા સાટુ નો રેવાય?
તું તો બાપ સોની છો. તાળો ઇ તો કસબ છે. ઝટ કર. ઘઉંનો લોટ પલાળું ને લાવો. તમારી ધમણી
(ફૂંકણી) લાવો. લ્યો હું આ કટકા જીભ સાથે ઝાલી રાખું. અને તું બાપ! આ લોટનો રેણ દઉ
દે. ચારે ફરતો લોટ ચોંટાડુ, સાંધો કરુ દે.’’
લોટ ચડાવ્યો.
‘‘લે બાપ! હવે આ ફૂંકણીથી
ફૂંક તો! સાંધો મળુ જાશે. લે હું ફૂંકું!’’
પોતે ફૂંકવા માંડ્યું
અને પછી સોની પાસે ફૂંકાવ્યું. જેમ જેમ ફૂંક લાગતી ગઈ તેમ તેમ ધાતુનો સાંધો મળી જાય
એવો જીભનો સાંધો મળતો ગયો. જેવી હતી તેવી જીભ બની ગઈ. ઘોડો ઊભો થઈને હણહણ્યો. ભગતના
હાથપગ ચાટ્યા. છોકરાં ઘોડાની ડોકે બાઝી પડ્યાં. ઘડી પહેલાં કળેળાટ અને કાળો બોકાસો
પાડનારાં માણસોને આનંદનાં આંસુડે ભીંજતાં ભાળી પરમ સંતોષ પામતા ભગત ચાલ્યા ગયા. પોતાના
ચરણમાં પડનારા એ સોનીને કહ્યું : ‘‘ભણેં બાપ! માળે પગે હાથ શીદ નાખતો સૉ? મેં કાણું
કર્યો છે? ઇ તો તાળો હાથકસબ અને ઠાકરની દુવા : બેથી જ બન્યું છે ભા!’’
કા ઠીઓના તરફ ભગતનું
અંતર કોચવાયું હતું. એક દિવસ જેતપુરનો જેતાણી દાયરો કુંડલા ખુમાણોની પાસે જાય છે. રસ્તે
ચલાળામાં દરબાર ભોકા વાળાને ઘેર ઉતારા કરે છે. પંદર દિવસ સુધી ચલાળાની પરોણાચાકરી માણીને
મહેમાનો કુંડલા ભણી ચાલ્યા. શેલ નદીને કાંઠે આવતાં સહુને વિચાર ઊપડ્યો કે કુંડલા જઈને
કસુંબા પાણી શેના કાઢશું? ખરચી હતી તે તો ચલાળે કસુંબામાં ખૂટી ગઈ હતી.
‘‘ભણેં હાલો પાછા! ચલાળું
ભાંગીએ. ત્યાં કણબણોના પગમાં કાંબીકડલાં પણ ઠણકે છે.’’
દુષ્ટ કાઠીઓએ પાછા આવીને
લૂંટ આદરી, ઘણું લીધું, પણ ત્યાં તો ઘણી વસ્તી પોતાની માલમત્યા લઈને આપા દાનાની જગ્યામાં
પેસી ગઈ. માન્યું કે કાઠીઓ જગ્યાને માથે નહીં આવે. ત્યાં તો લૂંટારાઓનું ધ્યાન ખેંચાયું.
‘‘એલા! સંધી વસ્તી માયા
ઉપાડીને ક્યાં ગઈ?’’
‘‘ગઈ હશે જગ્યામાં.’’
‘‘હાલો લૂંટો જગ્યાને.’’
કાઠીઓ જગ્યામાં પેઠા.
એમણે મરજાદ મેલી. ઠાકરના ઘરની એબ લીધી. દોડીને આપો દાનો આડા ઊભા રહ્યા, કહ્યું :
‘‘ભણેં બાપ! ગામને લૂંટ્યું ઇથી ધરાણા નથી, તે હવે ઠાકરની મરજાદ લોપવા આવ્યા છો? અને
ભૂલી ન જાવ, કે હું કાઠીભગત છું.’’
કાઠી ન માન્યા. લૂંટ
આદરી.5 એ ક્રૂરતા
ભાળીને ભગતે ગાયની માફક આકાશ સામે જોઈ ભાંભરડા લીધા. એના મુખમાંથી ધા નીકળી કે ‘કાઠી
સહુ પોઠી બનશે!’ : કાઠીઓ કેવળ વેઠિયા બની જશે! (આજે કાઠીની એ જ દશા થઈ દેખાય છે.)
કાઠીની ફોજમાં મીરાંજી
ધંધુકિયો હતો, એને નાહવું હતું. જોરાવરીથી જગ્યાના સાધુને હુકમ કર્યો : ‘‘મને સીંચીને
નવરાવ.’’
ત્યાં ભગત દોડ્યા :
‘‘એ બાપ! ભણેં સાધુહીં સંતાપવો રે’વા દે. હું નવરાવાં, હાલ્ય બાપ!’’
કૂવાની પાળે મીરાંજી
ધંધુકિયો નાહવા બેઠો, ભગતે ડોલ સીંચી સીંચીને મીરાંજીના માથા પર પાણી રેડ્યું, રેડતાં
રેડતાં કહ્યું : ‘‘તાળે માથે ઝાઝો મે વરસે, બાપ! મારી આંતરડી ખૂબ ઠરી છે!’’
ઝાઝો મે, પણ ગલોલીનો.
મીરાંજીને માથે એ મે બરાબર વરસ્યો. લૂંટારાઓને કુંડલે જતાં, રસ્તે નદીમાં વાઘરીના વાડા
આવ્યા. વાઘરીએ વિચાર કર્યો : ‘રોજ શિયાળ મારું છું તે આજ તો આ કટકમાંથી જ એક ઢીમ ઢાળી
દઉં.’ એવું વિચારી, ઝૂંપડામાં બેઠાં બેઠાં ઝૂંપડાની સાંઠીઓમાંથી બંદૂકની નાળી બહાર
કાઢી, ભડાકો કર્યો.
મીરાંજી મોખરે હતો. એને
જ ગોળી ચોંટી. પોતાના જ લોહીમાં એ તરબોળ બનીને નહાયો.
‘‘ઇં છે ભણેં? શાદુળ
ભગત ઢોલિયા ભાંગતો સૅ?’’
‘‘હા બાપુ! સાચોસાચ!
શાદુળ ભગત જ્યારે ભજનમાં બેસે છે, હાથમાં કડતાળો લઈને જ્યારે ઈશ્વરની વાણી ઉપાડે છે,
ત્યારે એ અગમની હારે એકાકાર થાય છે. એની આખી કાયા ઉછાળા મારે છે. આંખો ઘેઘૂર બને છે.
અને એ આવેશમાં એવું તો જોશ કરે છે કે, ગમે તેવો મજબૂત ઢોલિયો પણ કડાક કરતો તૂટી પડે
છે.’’
‘‘ઓહોહો! રંગ છે એની
ભગતીને, બાપ! એવા કેટલાક ઢોલિયા તોડ્યા?’’
‘‘ભાઈ! ભાઈ! આ વખતે તરણેતરને
મેળે વાત.’’
પરબ વાવડીની જગ્યાના6 કાઠી સાધુ શાદુળ ભગતની ભક્તિ વિશે આપા દાનાએ આવી કંઈ કંઈ વાતો સાંભળી. અંતરમાં
અચંબો થયો કે આ શી વાત! ઈશ્વરના રંગમાં રંગાઈ ગયેલો પુરુષ આટલો બધો ઉછાળો કેમ દેખાડે?
એની વૃત્તિઓ તો ઠરીને શીતળ થઈ જવી જોઈએ.
પાંચાળમાં થાન પાસે તરણેતરનો
મેળો ભરાય છે, ત્યાં આપા દાના વરસોવરસ જાતા તેમ, આ વખતે પણ ગયા. ત્યાં આવેલા શાદુળ
ભગતને કહેવરાવ્યું કે ‘‘આપની પ્રભુ-વાણી સાંભળવી છે.’’
શાદુળ ભગતને ખબર પહોંચેલા
કે પોતે ઢોલિયો કેમ ભાંગે છે તે જોવાની આપા દાનાને આકાંક્ષા છે. શાદુળના અંતરમાં અહંકારનો
કાંટો ફૂટ્યો. એણે તે દિવસ રાતે ભજન જમાવ્યાં. શાદુળ ભગતના માણસોએ આપા દાનાને કહ્યું
: ‘‘ભગત! એક ઢોલિયો મંગાવી દ્યો.’’
‘‘ભલે બાપ!’’
ઢોલિયાને બદલે ભરવાડના
વાસમાંથી એક તકલાદી ખાટલી મંગાવી કહ્યું : ‘‘લે બાપ શાદુળા પીર! યાને માથે બેસ.’’
શાદુળના સેવકો હસ્યા
: ‘‘અરે આપા દાના! આ ખાટલી ઉપર બેસીને ભજન શેં થાશે? મોટા ઢોલિયાય ઝીંક નથી ઝાલતા ને!’’
‘‘કાણું કરવો બાપ! આસે
ઢોલિયો કમણ આપે? ઇ તો ઠાકર ઠાકર! ખાટલી ભાંગે ઇયે કંઈ ઓછી વાત છે, બાપ! હાં, ચલાવો.’’
શાદુળ ભગતે કડતાલ ખખડાવીને
સૂર ઉપાડ્યો :
એ જી મારે રોમે રોમે રામબાણ વાગ્યાં!
ઢોલક, મંજીરા, એકતારો
અને આખી મંડળીનો નાદ – તમામની જમાવટ થઈ. દિશાઓ ખખડવા લાગી. ખાટલીના પાયા ડગમગી ગયા.
આપા દાનાએ સાદ કર્યો : ‘‘વાહ બાપ શાદુળ! ધન્ય તારી ભગતીને!’’
તેમ તેમ શાદુળ ભગતને
નશો ચડ્યો. શરીર પછડાટી દેવા લાગ્યું. હમણાં જાણે ખાટલીનો ભુક્કો થશે.
પણ પલકમાં તો કોઈ જાણે
શાથી ખાટલીના પાયા ડોલતા બંધ પડ્યા. શાદુળ ભગતે ભીંસ દીધી એટલે પાયા ઊલટા સ્થિર થયા,
જાણે લોઢાના થાંભલા ખોડાઈ ગયા!
ભજનની ઝીંક બોલી. આવેશના
ઉછાળા વધ્યા. નશો ગગને ચડ્યો. શરીર જાણે તૂટવા લાગ્યું.
પણ ખાટલાના પાયા ચસકતા
નથી.
ભજનિક થાક્યો. અધરાત
થઈ.
એ જી મારે રોમે રોમે રામબાણ વાગ્યાં!
– એ ચરણ ઢીલું પડ્યું.
શાદુળ ભગત ખાટલી પરથી ઊઠી ગયા. આપા દાનાએ પૂછ્યું : ‘‘કાં બાપ! ખાટલી ભાંગી ને?’’
શાદુળ ભગતે નીચું જોયું.
‘‘અરે ભણેં શાદુળ! તું
તો ભણતો સૉ, કે ‘મારે રોમે રોમે રામબાણ વાગાં!’ રોમે રોમે રામબાણ વાગાં તોય તું આવડા
કૂદકા કેમ કરુને મારી શકછ, બાપ? મુંહે તો બાપ, જરાક એક બૂડી અડુ ગી’ છે, ત્યાં તો હું
ટાઢોબોળ થઈ ગો સાં! ને તોહેં રોમે રોમે રામબાણ વાગાં તોય આવડો જોર કીસેંથી?’’
શાદુળ ભગતની પાંપણ ધરતી
ખોતરી રહી છે. એનો મદ ગળેલો જોઈને છેવટે આપા દાના બોલ્યા : ‘‘જો બાપ શાદુળ! દઃખ ધોખો
લગાડીશ મા. તોંહેં એક વાત ભણવા આદો સાં. ગરીબ બચારાં લોકોનાં ઘરમાં વહુ આણો વળુને આવે,
તયેં ભેળો એક ઢોલિયો લાવી હોય. બીજો ઢોલિયો કીસેથો હોય? એમાં તું ઘરોઘરના ઢોલિયા ભાંગતો
ફરછ. ઇ કેટલો મોટો પાપ! માણસું કેવા નિસાપા નાખે? એ બાપ, અંતરમાં રંગાઉ જા. બહારનો
તમાસો કેવા સારુ કરવો?’’
શાદુળ ભગતનો ગર્વ ગળી
પડ્યો. તે દિવસથી એણે ઢોલિયા ભાંગવાનો ધંધો મૂકી દીધો.
ભ ગતની નિર્લોભી પ્રકૃતિનાં
થોડાંએક દૃષ્ટાંતો મળી આવે છે. એક વાત એવી ચાલે છે કે ભાવનગરથી ઠાકોર વજેસંગજીએ, દાના
ભગતની સિદ્ધિઓની વાતો સાંભળી એની મશ્કરી કરવા માટે લાકડાનું બનાવટી નાળિયેર બનાવી,
લૂગડામાં લપેટી પોતાના મહોરસિક્કા સહિત જગ્યામાં ભેટ મોકલાવ્યું. ભગતે પોતાની મશ્કરીથી
માઠું નહીં લગાડતાં, સહુ માણસો વચ્ચે એમ ને એમ નાળિયેર હલાવીને પાણી ખખડતું બતાવ્યું.
પછી એની એ સીલબંધ સ્થિતિમાં પાછું ભાવનગર મોકલી દીધું. ત્યાં શ્રીફળ સાચું નીકળ્યું.
કહેવાય છે કે પછી ભાવનગર ઠાકોરે ચલાળાની જગ્યામાં કરજાળું ગામ સમર્પણ કર્યું.
ભગતે જવાબ કહાવ્યો :
‘‘ના રે બાપ! સાધુને વળી ગામ કેવાં? ઇ તો ખેડૂતનો સંતાપ હશે એટલે જ આપણને દેતા હશે.’’
ગામ ન લીધું, પણ ઠાકોરે
મહામહેનતે ભગતને મનાવીને છ સાંતી જમીનનો જગ્યામાં સ્વીકાર કરાવ્યો.
બીજી વાત ગાયકવાડી સૂબા
વિઠોબા વિશે બોલાય છે. એમાં પણ ચમત્કારની વધુ પડતી ભેળસેળ કરવામાં આવે છે. કહે છે કે
ગરીબ બિચારો વિઠુ વડોદરા રાજ્યનો એક ઘોડેસવાર હતો. એ જાતનો મહારાષ્ટ્રી બ્રાહ્મણ હતો.
એક દિવસ એની વેળા વળી. ઘોડાથી એ હાથીની અંબાડીએ બેઠો. કાઠિયાવાડમાં ગાયકવાડનો સૂબો
બનીને આવ્યો. કોઈ કાઠીને હાથીને પગે બાંધી છૂંદતો, કોઈને દંડતો, પીટતો, એમ કાઠી કોમને
જેર કરતો ચાલ્યો આવે છે. કાઠિયાવાડમાં હાક બોલી કે વિઠોબા આવે છે! દાવાનળ આવે છે. પેશકશી
ન ભરે તેના ગરાસ આંચકી લઈ ધૂળ ચાટતા કરે છે.
કાઠી કોમના એ મહાકાળ
સૂબા વિઠોબાના ઓળા બગસરાના કાઠી દરબાર હરસૂર વાળા ઉપર ઊતર્યા : હરસૂર વાળાને અમરેલી
લઈ જઈ પગમાં પાંચ શેરની બેડીઓ પહેરાવી કેદમાં પૂર્યો.
પરંતુ રાતે એક કૌતુક
થાય છે. રાત વીતે ને સવાર પડ્યે પહેરેગીરો જુએ તો હરસૂર વાળાની પગબેડી તૂટીને દૂર પડી
હોય છે.
એક વાર, બે વાર ને ત્રણ
વાર બેડીઓ તૂટી ત્યારે વિઠોબાને કાને વાત પહોંચી, વિઠોબાએ આવીને પૂછ્યું : ‘‘હરસૂર
વાળા! તારી બેડીઓ કોણ તોડે છે?’’
‘‘મને ખબર નથી. હું કાંઈ
જાણતો નથી.’’
‘‘તું કાંઈ કરે છે?’’
‘‘હા, મારા ઇષ્ટદેવનું
સ્મરણ કરું છું. ફક્ત બે દોહા બોલીને સૂઉં છું :
જીરાણેથી જાગવે, સાજાં કરે શરીર,
જડિયલ હોય જંજીર,
ભાગે લઈ દાનો ભગત.
અને બીજો દોહો :
કાઠી કુળ ઉજ્જ્વળ કર્યું, વધારણ વાનાં,
સંભાર્યે સુખ
ઊપજે, દુઃખભંજન દાના!’’
‘‘એ આ દાનો ભગત કોણ?’’
‘‘ચલાળાનો કાઠી સંત છે.’’
‘‘મને મુલાકાત કરાવીશ?’’
‘‘હું પૂછી આવું.’’
હરસૂર વાળો ચલાળે આવ્યો.
વિઠોબાની વાત કરી. દાના ભગતે જવાબ દીધો કે, ‘‘ભણેં બા! માળે સૂબાની કાંઈ પડી નથ. હું
સાધુ માણસ. સૂબાહીં મળવાનો મુંહે નો આવડે. આંઈ ઠાકરની જગ્યામાં રસાલો, રૈયાસત કે છડીનિશાન
ન હોય. ગરીબ સાધુડાં બી મરે.’’
‘‘પણ બાપુ! વિઠોબા આવ્યે
અમને તમામને બહુ સારાવાટ થશે.’’
‘‘તો ભણ્ય યાને, કે સાદે
પોશાકે એકલો આવવો હોય તો આવે. ભેળા ચોપદાર ચપરાસી નો લાવે.’’
દક્ષિણી બ્રાહ્મણને વેશે
વિઠોબા ચલાળે આવ્યો. સત્તા અને સાયબી એણે ચલાળાના સીમાડા બહાર રાખી દીધાં. તે દિવસ
શંકરાત (મકરસંક્રાંતિ) હતી. બ્રાહ્મણો જગ્યામાં માગવા જતા હતા. વિઠોબા પણ એ ટોળામાં
ભળીને ચાલ્યો. જાડપછેડિયો સાદો ભગત, રોજની માફક, આજ પ્રભાતે પણ જગ્યાને ઓટે બેસીને
જુવારના સૂંડામાંથી બ્રાહ્મણ સાધુઓને ખોબે ખોબે જુવાર આપે છે. એને વિઠોબા દીવાન આવ્યાની
જરાયે પરવા નથી. સહુની સાથે વડોદરાનો દીવાન પણ ઓટા સામે ઊભો છે. ભગત એના બોલાવ્યા વિના
બોલતા નથી, એની સામે નજર પણ માંડતા નથી. વિઠોબાએ તો પોતાની સન્મુખ પ્રભુની સત્તાનો
સૂબો દીઠો.
સહુ બ્રાહ્મણ સાધુઓ ઝોળી
ધરીને ભગતના ખોળામાંથી જુવાર લઈ રહ્યા છે, તે વખતે વિઠોબા આવ્યો. સન્મુખ ઊભા રહીને
એણે પોતાનો દુપટ્ટો ધરી રાખ્યો, બોલ્યો : ‘‘બાપુ! મને પણ આપો!’’
‘‘ભણેં બાપ! વિઠોબા,
તમુહીં જાર આપા?’’
‘‘હા બાપુ! હું પણ પરદેશી
બ્રાહ્મણ છું, ખોબો પાથરીને માગું છું, જાર માટે જ આ મુલકમાં આવ્યો છું.’’
‘‘તવ્ય તો ભણેં આ લે,
વિઠોબા! આ લે! આ લે! આ લે!’’
એમ પાંચ ખોબા જુવાર નાખી,
તોયે વિઠોબા પાલવ તારવતો નથી. ભગત છઠ્ઠો ખોબો નાખવા જાય, ત્યાં પડખેથી એક કાઠી બોલ્યો
: ‘‘આપા! બસ કરો. કાઠી સારુ કાંઈક તો રાખો! બધીય દઈ દેશો?’’
કાઠીઓની લૂંટફાટથી કોચવાયેલા
ભગતે આંખ ફેરવી : ‘‘કાઠી સાટુ! ભણેં કાઠી ગરાસ ખાશે? કાઠીના કરમમાં જાર માતાજી રે’શે?
ઠાકર જાણે! ઠીક, હું તો અટકું છું.’’
છઠ્ઠો ખોબો ભગતે સૂંડામાં
પાછો નાખ્યો અને વિઠોબાને કહ્યું : ‘‘ભણેં વિઠોબા! જા ભાઈ! કોડીનારથી દ્વારકા સુધીની
જાર ઠાકર તને – તારા રાજને – અર્પણ કરે છે. અનીયા કરીશ મા, ભાઈ! અને એટલેથી સંતોષ વાળજે.’’
વિઠોબા ફોજ લઈને ઊપડ્યો.
પાંચ મહાલ જીતીને પાછો આવ્યો. બોલ્યો : ‘‘આપા! હું જગ્યાને પાણિયા ગામ દઉં છું.’’
‘‘ના બાપ! બાવાને ગામ
ગરાસ ન હોય. ઠાકર એમાં રાજી નહીં. બાવાઓ બાઝી મરે.’’
‘‘પણ ભગત! મેં તો સંકલ્પ
કરી નાખ્યો છે.’’
‘‘વૈષ્ણવના ગોસાંઈને
દે. એને ભોગ વા’લો છે.’’
‘‘બાપુ! સોનારિયું આપું?’’
‘‘ના બાપ, ના! સાધુ ગરાસનો
ગળપણ ચાખે તો બહેકી જાય. અમારે ન ખપે. અમે તો આકાશ સામી મીટ માંડનારા.’’
ભગતને પગે પડી, આગ્રહ
કરી, વિઠોબાએ સોનારિયાની સો વીઘાં જમીન કાઢી દીધી, અને રૂ ઉપર એક મણે એક આનો જગ્યાનો
લાગો ઠરાવી દીધો.
લોકો માને છે કે ભગતના
હાથથી લીધેલા જુવારના પાંચ ખોબા એને ભાખ્યા મુજબ બરાબર ફળી પડ્યા. અમરેલીના પાંચ મહાલ
બંધાઈ ગયા.
પાંચાળમાં થાન પાસે તરણેતર
(ત્રિનેત્ર) નામનું શંકરનું તીર્થધામ છે. વરસોવરસ ત્યાં મેળો ભરાય છે. પાંચાળના બધા
ભક્તો ભેળા થાય તેમાં ચલાળેથી આપો દાનો પણ દર વરસ આવી જેઠ મહિનાથી ભાદરવા મહિના સુધી
મુકામ કરે છે. એક વખતે જાત્રાળુઓનો પોકાર સાંભળ્યો કે પાળિયાદ ગામના કાઠી પાતામણનો
દીકરો વીસામણ મોટો લૂંટારો જાગ્યો છે. વીસામણ વાટમાં ઓડા બાંધીને વટેમાર્ગુના જાનમાલ
લૂંટી જાય છે. પાંચાળના રસ્તેરસ્તા એણે રૂંધી લીધા છે.
ભગતના મનમાં વિચાર થયા
જ કરે છે : ‘કોક દી વીસામણને ને મારે ચાર આંખ્યું ભેળી થાય તો ઠીક.’
થાનનાં દેવળો પર ચડાવવાની
ધજાઓ એક પોઠિયા ઉપર લાદીને આપા દાનો પોતાના સાધુઓ સાથે પાંચાળ જાય છે. વનરાઈમાં ઝાંઝપખાજ
અને કડતાલોના નાદ સાથે હરિભજન ગવાતાં આવે છે.
માંડવના ડુંગરા જાણે
હરિજન બનીને સાદ પુરાવે છે.
માંડવ ઉપર ઓડા બાંધીને
બેઠેલા વિકરાળ ધાડપાડુ વીસામણે પોતાના કાઠીઓને કહ્યું : ‘‘જાવ, કોક રેશમીનો પોઠિયો
લાગે છે ; લૂંટી લ્યો.’’
તપાસ કરીને કાઠીઓ બોલ્યા
: ‘‘પણ આપા વીસામણ! એની હારે ઓલ્યો દાનો લંગોટો છે, ઇ સાધુ કે’વાય.’’
‘‘તો એને લૂંટશો મા.
ભેળાં જાત્રાળુ છે તે તમામને ખંખેરી લેજો.’’
લૂંટારાઓએ ભક્તમંડળને
ઘેરી લીધું, અને ત્રાડ પાડી કે, ‘‘માલમત્યા મેલો હેઠે.’’
દાનો ભગત સહુની મોખરે
આવી કહેવા લાગ્યા : ‘‘ભાઈ! પેલો મુંહે લૂંટો પછે આ સહુને.’’
‘‘તું ખસી જા, ભગત! તુંને
ન લૂંટવો એવી અમારા સરદારની આણ છે.’’
‘‘તવ્ય તો તમારો સરદાર
સાવ હૈયાવોણો નથ દેખાતો. કિસે છે તમારો સરદાર?’’
‘‘સામેના ડુંગરા માથે.’’
‘‘ભલા થઈને મુંહે ત્યાં
સુધી લઈ જાવ. પછે ખુશીથી આ સંઘને લૂંટું લેજો.’’
ભગત ડુંગર ઉપર ગયા. અસુર
જેવો લૂંટારો વીસામણ વાંકડી મૂછે ને વિકરાળ ચહેરે બેઠો છે. લૂંટનો માલ ઢગલામોઢે પડેલો
છે, અને એક મંગાળા ઉપર બે મોટાં હાંડલાં ચડેલાં છે. ખાવાનું રંધાતું હોય તેવું લાગ્યું.
‘‘ભણેં બાપ વીસામણ! તું
ભગવાનનાં જાત્રાળુહીં લૂંટતો સૉ બાપ? હું તો કામધેનની ટેલ કરતો સાં.’’
લૂંટારો બેપરવાઈથી બોલ્યો
: ‘‘ભણેં ભગત! હું ભગવાન બગવાનમાં કાણોય સમજું નહીં. તું ને તાળા ટેલિયા હાલ્યા જાવ.
બીજાં જાતરાળું હીં તો લૂંટવા જ જોશે.’’
‘‘બાપ વીસામણ! ઇ તો તું
જેવા ધાડપાડુનોયે ધરમ નથ. તાળી હારે હાલનારહીં તું લૂંટવા દે ખરો?’’
લૂંટારાની આંખની બન્ને
ભમર ખેંચાણી : ‘‘કમણ છે ઇ મડો માટી, કે માળી હારે હાલનારહીં લૂંટે?’’
‘‘તવ્ય બાપ! માળી હારે
હાલનારહીં હું કી લૂંટવા દિયાં? પેલાં મુંહે વીંધું ને પછે લૂંટો.’’
લૂંટારા કંઈક ખચકાયા.
દાના ભગતે આગળ ચલાવ્યું : ‘‘બાપ વીસામણ! મેં તો જાણ્યો’તો કે આ હાંડલાં ચડતાં સૅ, તે
અમે ભૂખ્યા સાધુડા તાળી હારે શિરામણી કરશું. આ હાંડલીમાં કાણું ઓર્યો સૅ, ભાઈ?’’
લૂંટારો લજવાઈ ગયો, અંદર
આખા એક ઘેટાનું માંસ રંધાતું હતું. જીભ ઉપર શરમ ચડી બેઠી. જૂઠો જવાબ દીધો : ‘‘ચોખા
ચઢે છે.’’
‘‘ચોખા તુંહે વા’લા છે,
બાપ?’’
‘‘વા’લા તો હોય જ ના!’’
‘‘તયેં બાપ, આ ભૂખ્યાંદુખ્યાં
જાત્રાળુહીં દીયે યાનાં કિમાં પેટ ઠરહે! તુંહે દુવા દેવે! લાવ્ય લાવ્ય બાપ, શિરાવીએં!’’
હાંડલી પાસે જઈને ભગતે
ઢાંકણી ઉઘાડી. લૂંટારાના ભોંઠામણનો પાર ન હતો. ઘાતકી, પણ લાજશરમ નહોતી છૂટી.
લોકો કહે છે કે માંસને
બદલે ચોખાની ફોરમ છૂટી. હાંડલીના મોંમાં ધોળા ફૂલ ચોખા ઊભરાણા.
‘‘બાપ વીસામણ! જીમી આસ્થા,
ઇમું ભગવાન આપતો સૅ. તાળી આસ્થા તો જબ્બર છે. તું તો રામદે પીરનો અવતાર! અને તાળી આ
દશા?’’
વીસામણ પગમાં પડી ગયો.
‘‘તું બા’રવટિયો છો.
જીમી તાળી બરછી વાગતી સૅ ને, ઇમાં જ તાળાં વેણ વાગશે.’’
‘‘કિસે જાઉં?’’ લૂંટારાના
હૃદયબંધ તૂટી ગયા.
‘‘પાળિયાદ જા, બાપ, ઠાકરના
નામની ધજા બાંધજે. તુંહે ગળ-ચોખા વા’લા છે ને એટલે ગળ-ચોખાનો સદાવ્રત બાંધજે બાપ! ને
કામધેનને સેવતો રે’જે.’’
વીસામણે ત્યાં ને ત્યાં
હથિયાર ભાંગ્યાં. ડોકમાં માળા નાખી. પાળિયાદમાં સ્થાનક સ્થાપ્યું. દાના–વીસામણની જોડલી
ગવાવા લાગી :
દાનો વીસળ દો જણા, ભલકળ ઉગા ભાણ,
અંધારું અળગું
કર્યું, જંપે સારી જાન.
પોથાં થોથાં ને
ટીપણાં, વાંચે ચારે વેદ ;
ભીતર દેતલ ભેદ,
વચને અમૂલખ વીસળો.
ધ જડી ગામના કોઈ ગધૈની
એક જુવાન દીકરી હતી. એનું નામ લાખુ. લાખુને રાણપર ગામે પરણાવેલી, પણ લાખુ પોતે જાડીમોટી,
અને ધણી હતો છેલબટાઉ. લાખુમાં એ લંપટનું મન ઠર્યું નહીં. મારીકૂટીને એણે લાખુને ઘરમાંથી
કાઢી મૂકી. ચલાળામાં પોતાનું મોસાળ હતું, ત્યાં આવીને લાખુ મામાની ઓથે રહી. એના ધણીએ
તો નવી સ્ત્રી કરી, એટલે લાખુનાં મોસાળિયાંએ પણ વિચાર કર્યો કે આપણે લાખુને બીજે ક્યાંઇક
દઈ દઈએ, પણ લાખુએ ન માન્યું.
દુઃખની દાઝેલી લાખુએ
પોતાના જીવને ધર્મકામમાં પરોવવા માટે આપા દાનાની જગ્યામાં ગાયમાતાઓની ચાકરી આદરી દીધી.
પણ એ ભોળી જુવાનડી પોતાના મનના વિકારને છેવટે ન દબાવી શકી. જગ્યાના જ કોઈ બાવાના સમાગમમાં
નિર્દોષ લાખુ ફસાઈ પડી.
લાખુને ઓધાન રહ્યું.
ગામમાં અને પરગામમાં એની બદનામી થવા લાગી. લોકો બોલતા થયાં કે ‘રાંડને ઘરઘાવતાં ઘરઘી
નહીં ને આપાના ખૂંટડાઓમાં જઈને રહી.’
સગાંવહાલાંએ એને તિરસ્કાર
દીધો. ધરતી પોતાને ક્યાંય સંઘરે એમ ન લાગવાથી છેવટે પાણીનો આશરો લઈ આપઘાત કરવાનો મનસૂબો
લાખુના અંતરમાં ઊપડવા લાગ્યો.
અધરાતે જગ્યાનાં સહુ
માણસો ઊંઘી ગયાં, એટલે લાખુ કૂવાકાંઠે ગઈ. ‘હે આપા દાના!’ એવો નિસાસો નાખીને મંડાણેથી
પડતું મેલવા જાય છે ત્યાં કોઈએ એનું કાંડું ઝાલ્યું.
કાંડું ઝાલનારા આપા દાના
પોતે જ હતા. સહુ ઊંઘી જાય ત્યારે આપાને જાગવાની અને જગ્યામાં આંટા દેવાની ટેવ હતી.
‘‘લાખુ! બેટા! કૂવામાં
પડુને હાથપગ શીદ ભાંગતી છો? તાળા પેટમાં તો બળભદર છે. ઈ કોઈનો માર્યો નથી મરવાનો. નાહક
શીદ વલખાં મારુ રઈ છો?’’
લાખુ રોઈ પડી : ‘‘બાપુ,
હું ક્યાં જઈને સમાઉં? જીવતાં મને કોણ સંઘરશે?’’
પંપાળીને ભગત બોલ્યા
: ‘‘દીકરી! ઠાકર તુંહે સંઘરશે. ને આ જગ્યા તાળાં સાચાં માવતરનો ઘર જ માનજે.’’
ભગત લાખુનું રક્ષણ કરવા
લાગ્યા. નવ મહિને એને દીકરો અવતર્યો. દીકરો છ મહિનાનો થયો એટલે ભગત પોતે જ મંડ્યા તેડવા
ને રમાડવા. પોતે જ એનું નામ ‘ગીગલો’ પાડ્યું. સાત વરસની અવસ્થા થઈ ત્યાં ગીગલો વાછરું
ચારવા મંડ્યો. એથી મોટો થયો એટલે મંડ્યો ગાયો ચારવા. એમ કરતાં ગીગલો બાવીસ વરસનો જુવાન
જોદ્ધો બન્યો. રાત અને દિવસ, ભૂખ અને તરસ જોયા વિના ગાયોનાં છાણવાસીદાં અને પહર-ચારણમાં
ગીગલો તલ્લીન બની ગયો છે.
એવે એક દિવસે પાળિયાદથી
વીસામણ ભગત આપા દાનાના અતિથિ થયા છે. સવારને પહોર આપો વીસામણ અને આપો દાનો ઓટલે બેઠા
બેઠા સાધુબ્રાહ્મણને અને અપંગોને જુવાર આપે છે.
સન્મુખ ગીગલો ગાયોનું
વાસીદું કરે છે. માથા પર છાણના સૂંડા ઉપાડી ગીગલો એક ઠેકાણે ઢગલો કરે છે. માથે મે વરસે
છે, તેથી સૂંડલો ચૂવે છે. છાણના રેગાડા ગીગલાના મોં ઉપર તરબોળ ચાલ્યા જાય છે. એ દેખાવ
જોઈને આપો વીસામણ બોલ્યા : ‘‘આપા દાના, હવે તો હદ થઈ. હવે તો ગીગલાના સૂંડા ઉતરાવો
ને?’’
‘‘આપા, તમેય સમરથ છો.
અને આજ જગ્યાને આંગણે અતિથિ છો. તમે જ ઉતરાવો ને?’’
આપા દાનાએ ગીગાને સાદ
દીધો : ‘‘ભણેં ગીગલા, સૂંડો ઉતારુ નાખ! આસેં આવુંને આપા વીસામણને પગે લાગ.’’
‘‘બાપુ! મારા હાથ છાણવાળા
છે. અવેડે ધોઈ આવું.’’
‘‘ના ના, બેટા. ધોવાની
જરૂર નથ. ઇંને ઇં આવ.’’
ભોંઠો પડતો પડતો ગીગલો
બગડેલે હાથે આવ્યો. આઘેથી બેય સંતોને પગે પડવા લાગ્યો. ત્યાં તો આપા દાનાએ એના છાણવાળા
હાથ પોતાના ગુલાબ સરખા હાથમાં ઝાલી લીધા ને કહ્યું : ‘‘ગીગલા! બા! તારે બાવોજી પરસન
છે. તું અમ બેયથી મોટો. આજથી તું ગીગો નહીં, પણ ગીગડો પીર!’’
પોતાને હાથે ભગતે ગીગાનું
મોં લૂછી નાખ્યું. છાણના રેગાડા નીચે ઢંકાયેલી વિભૂતિ ગીગાના મુખમંડળ પર રમવા લાગી.
એના અંતરમાં નવાં અજવાળાં થઈ ગયાં. આત્માનાં બંધ રહેલાં કમાડ ઊઘડી ગયાં.
ભગતે ગીગાની માતાને સાદ
કરી બોલાવી. તે દિવસ જુવારની રાબ કરાવી. એ નીચી જાતનાં ગણાતાં ગધૈ મા–દીકરાને પોતાનાં
ભેળું એક જ થાળીમાંથી ખવરાવ્યું. આપો દાનો લાખુ ડોશીના પગમાં માથું ઢાળીને બોલ્યો કે,
‘‘માતાજી! તારો બેટડો ઠાકરનો બંદો થઈ ગયો છે. તુંમાં પાપ નો’તું, તું તો ઓલિયાની જનેતા
હતી. તુંને દૂભવતલ દુનિયા મહાપાપમાં પડી. લે હવે, દીકરાની સિદ્ધિ દેખીને આંખ્યું ઠાર્ય,
માવડી!
‘‘અને બાપ ગીગલા! આજ
આપણે ભેળાં બેસીને રાબડી ખાધી. એટલે આજથી ધરમની ધજા બાંધીને તું ભૂખ્યાંદુખ્યાંને રાબડી
દેતો જા!’’
ગીગા ભગતની જુદી જગ્યા
બંધાઈ. રાબ રોટલા હડેડાટ હાલવા લાગ્યા. ગાયોનું પણ ધણ બંધાઈ ગયું. એવામાં ઉત્તર હિંદુસ્તાનમાંથી
વિકરાળ ખાખી બાવાની એક જમાત જાત્રા કરતી ચલાળે આવી ઊતરી. અને તે સમયના રિવાજ પ્રમાણે
આ જુલમી બાવાઓએ દાના ભગતની જગ્યામાં માલપૂવાની રસોઈ માગી. તે વખતે દાના ભગતનો દેહ છૂટી
ગયેલો. પોતે તો જતિપુરુષ હતા, એટલે જગ્યાની ગાદી ઉપર પોતાના ભાઈનો વંશ ચાલતો. તેમના
કુટુંબી દેવો ભગત ગાદીએ હતા. આ ભગત ડાઢી ડાઢીને જે કોઈ આવે તેને એમ જ કહેતા કે, ‘જાવ
ગીગલા પાસે!’ એ જ રીતે ખાખી બાવાઓને પણ આપા દેવાએ ગીગા ભગતની જગ્યામાં મોકલ્યા. ગીગાએ
તો નિયમ પ્રમાણે જુવાર આપવા માંડી. ખાખીઓએ ખિજાઈને ભગતને બહુ કોચવ્યા, માર માર્યો,
લૂંટીઝૂંટીને ખાઈ ગયા.
ચલાળામાં રહેવું હવે
ઉચિત નથી એમ માની ગીગો ભગત ગાયો લઈને ચાલી નીકળ્યા. આંબા, અમરેલી, સીમરણ અને ગીરમાં
ચાચઈ, એમ જગ્યાઓ બાંધી બાંધીને છ વર્ષ કાઢી નાખ્યાં. ચાચઈમાં દરબાર માણશિયા વાળાના
ભાઈ વાજસૂર વાળાએ ભગતની ગાયો પોતાની વાડીમાં પડવાથી ભગતના ટેલવાને માર્યો, તેથી ગીગા
ભગતે સતાધાર નામના ગીર ગામમાં જઈ જગ્યા બાંધી.
વીસાવદર ગામથી ત્રણ ગાઉ
ઉપર ગીરના ડુંગર અને ગીચ જંગલની વચ્ચે કેવળ સતના આધારે સ્થાપેલા આ સતાધાર ધામમાં આપા
ગીગાની કરુણા બે ધારાઓ વાટે વહેવા લાગી : એક ગૌ-સેવા ને બીજી ગરીબ-સેવા. ગીરના ડુંગરમાં
ગાયો માટે ચારણનો તોટો નહોતો. શ્રદ્ધાળુ ગામડિયાં ‘આપા ગીગા’ને નામે પોતાનું કંઈક કલ્યાણ
થતાં જ સતાધારને ખીલે ગાય, ભેંસ કે ઘોડા બાંધી જતાં, અને તે જ રીતે છાશદૂધ વિના દુઃખી
થતાં દીન જનોને ભગત એ પશુ પાછાં ભેટ દેતા. બીજી બાજુ આઘેથી અને ઓરેથી અપંગો, રક્તપીતિયાં
અને અશક્તો--આજારો પગ ઢરડીને સતાધાર ભેળાં થઈ જતાં. એટલે ત્યાં એને કશી સૂગ વિના રાબરોટી
અપાતાં. સતાધાર તો જૂના સમયનો અનાથ-આશ્રમ હતો. ગીગો માનવીને દેતો, તેમ ઈશ્વર પણ ગીગાને
દઈ જ રહેતો. મુસલમાન જાતના એ ગધૈ સંતને જગતના જાતિભેદ તો ટળી ગયા હતા.
ચ લાળા ગામમાં ઉકા દોશી
નામના એક વેપારી રહે. હાટમાં ન માય એટલાં ઘીનાં કુડલાં. દોઢસો મણ તેલે ભરેલી લોઢાની
કોઠી, ધીકતો વેપાર. હાટ તો જાણે હાંફ્યું જાય છે.
‘‘આપા!’’ ઉકા દોશીએ ભગતને
કહ્યું : ‘‘આપા, અમને જગ્યાનું મોદીખાનું આપો ને.’’
‘‘બહુ સારું ભણેં, ઉકા!
પણ આ તો મૂંડિયાનો માલ ભણાય : તું બાપ ઝાઝો હાંસલ લેશ મા હો!’’
‘‘ના રે આપા, હાંસલની
વાત તે હોય! આ તો મલકમાં લૂંટારાઓનાં ઘોડાં ફરે છે, તે અમે છાતી ઠોકીને કહી શકીએ કે
અમે આપાના મુનીમ છીએ. એટલે અમને લૂંટે નહીં.’’
‘‘તો ભલે, બાપ!’’
જગ્યાના મોદીખાનાનો ઉપાડ
થવા લાગ્યો. બે મહિના થયા. ત્યાં તો ઉકાએ આપાને કહ્યું : ‘‘આ હિસાબનો ગોટાળો સારો નહીં.
ચોખ્ખું કરી નાખીએ.’’
‘‘તો ભલે, બાપ!’’
તરત ભગત દુકાન પર ગયા.
ઉકાએ કહ્યું : ‘‘આપા, કોઈક તમારો સાખિયો (સાક્ષી) તેડી આવશો ને?’’
‘‘અરે ભણેં બાપ! સાખિયો
વળી કિસેથી લાવા?’’
એ જ વખતે ત્યાં ઊંદરડી
નીકળી. એટલે ભગત બોલ્યા : ‘‘એ ભણેં આ ઊંદરડી આપડો સાખિયો.’’
ઉકાને દાંત આવ્યા :
‘‘આપા! શું બોલો છો?’’
‘‘હા બાપ હા. ઊંદરડી
તો ગણેશનો વાહન : તાળોય નો રાખે ને માળોય નો રાખે. ઇ આપડો સાખિયો. લે કર્ય હવે આંકડો.’’
‘‘આપા! પાંસઠ કોરી લેણી
થાય છે.’’
ભગત સમજ્યા હતા કે વાણિયાએ
પચીસ કોરી વધારી દીધી છે. પણ પોતે મૂઠી ભરીને કોરી કાઢી : ‘‘લે બાપ! ગણું લે. પણ ભણેં
બાપ ઉકા, આ ધર્માદાની કોરી આકરી છે હો!’’
‘‘હેં-હેં-હેં આપા! અમારે
તો સુંવાળી ને આકરી બણ્ણેય સારી!’’ લુચ્ચો ઉકો હસ્યો.
આંકડો ચુકાવીને ભગત તો
જગ્યામાં ગયા. અને આંહીં વાળુ ટાણે ઉકા દોશી દુકાન વાસીને ઘેર ગયા.
બીડેલી દુકાનમાં દીવો
બળે છે.7 તે
ટાણે પેલી સાક્ષી બનેલી ઊંદરડી ત્યાં આવી. આવીને એણે સળગતી દિવેટ ઉપાડી. ઉપાડીને કાપડની
તાજી આવેલી ગાંસડીઓમાં ચાંપી દીધી.
હાટ સળગ્યું. તેલની કોઠી,
ઘીનાં કુડલાં, કાપડ તમામના ભડકા આકાશે ચડ્યા. આગ દુકાનને આંટો લઈ વળી.
ઉકો આવ્યો, જોતાંની વાર
જ બધું સમજી ગયો. લોકોને કહ્યું : ‘‘ભાઈઓ! કોઈ ઓલવવાની મહેનત કરશો મા. એ નહીં ઓલવાય.’’
ઉકો દોશી જગ્યામાં આવ્યો.
સામે જ ભગત બેઠા હતા. ભગત બોલ્યા : ‘‘અરેરે ભણેં ઉકા! તાળે તો મોટી નુકસાની ગઈ!’’
‘‘આપા, એ તો તમારા સાખિયાએ
સાચી સાખ પુરાવી. મારાં કૂડ મને ઠીક નડ્યાં. હવે મને એનો ઓરતો નથી, પણ મારે મૂડીમાં
દીકરો પેટ ન મળે. બહુ મૂંઝાઉં છું. વંશ નહીં રહે.’’
‘‘ભણેં બાપ! કાશીએ જા!
તીરથ ના.’’
‘‘અરે આપા! ઇ સાડાસાત
સો ગાઉ હું એકલે પંડે શી રીતે પોગું?’’
‘‘તયીં બાપ! દ્વારકા
જઈ આવ, રણછોડરાય દેશે.’’
‘‘ના રે આપા! એટલે બધેય
ન પોગાય.’’
‘‘તો બાપ! પ્રાચી જઈ
આવ. સાવ ઓરું.’’
‘‘ના, ના, ત્યાંયે હું
ન પોગું.’’
‘‘તો તુળશીશ્યામ જા,
લે ઠીક? સાવ ઓરું. સવારે જઈને સાંજે પાછો વયો આવ્ય.’’
‘‘અરે આપા! ઇ તો ગર્ય.
વચમાં દીપડા ને બાઘડા આવે!’’
‘‘તયીં બાપ, કાંઈ તીરથ
નાયા વિના દીકરો થાય?’’
ઉકો દોશી જગ્યાને અવેડે
નાહ્યો. નાહીને આવી આપા દાનાને ફરતા ચાર આંટા દીધા અને આપાએ પૂછ્યું : ‘‘કાં બાપ?’’
ઉકો બોલ્યો :
ગંગા જમના ગોમતી, કાશી પંથ
કેદાર ;
અડસઠ તીરથ એકઠાં, દાના તણે
દેદાર.
સાંભળીને આપાએ તુળસીનું
પાંદડું લીધું. તોડીને એના રેસા તપાસ્યા. પછી બોલ્યા : ‘‘ભણેં ઉકા! તારા નસીબમાં ચાર
દીકરા, માળી આશિષ છે.’’
‘‘પણ આપા! એને ભોજનનું
શું?’’
‘‘ચારમાંથી બે સારા,
ને બે ગડગડઘાટ!’’
ઉકાને બે દીકરા થયા
; જેનો કુંડલે ને બગસરે પ્રવાહ ચાલ્યો, તે સુખી થયા, ને ચલાળે રહેનારાનો વંશ ગરીબ રહ્યો.
‘‘બા પ વીસામણ! હમણે
હમણે તું અણોસરો કાણા સારુ દેખાછ? દલમાં કાંઈ દુખાવો છે?’’
‘‘આપા! દુખાવો તો બીજો
શો હોય? બહુ પાપ કર્યાં છે, રૂંવાડે રૂંવાડે પાતક ભર્યાં છે, મનમાં જંપ નથી વળતો :
જાણે એક વાર ગંગાજી જઈને નહાઈ આવું એવું થયા કરે છે.’’
‘‘સાચું ભાઈ! ગંગાજી
તો તરણતારણી ભણાય, સાચું.’’
તરણેતરને મેળે જાતાં
જાતાં આપા દાના અને વીસામણ વચ્ચે વારંવાર આવી વાતો થયા કરે છે. વારંવાર વીસામણનું દિલ
ગંગાજી તરફ દોડ્યા કરે છે. આપા દાના પણ વારે વારે એના આ વિચારને ‘સાચું! સાચું!’ એવા
શબ્દે વધાવી લે છે, પણ કદી ચોખ્ખી હા–ના કહેતા નથી.
તરણેતરનો મેળો મળ્યો
છે. માનવી માતાં નથી. માંડવના ડુંગરાનો પાણો પાણો સજીવન બની જાણે મેળાનાં ભજન-કીર્તનમાં
ટૌકા પૂરે છે. તે વખતે બંને જણા માંડવમાં ઊભા છે.
શ્રાવણ માસનાં સરવડાં
ઝીલતી ચોમેરની ધરતી લીલી ઓઢણીએ મલકી રહી છે, અને ઠેકાણે ઠેકાણે ધેનુઓનાં ધણ, કંઠે ગુંજતી
ટોકરીઓ ને પગમાં રૂમઝૂમતા ઝાંઝરે ડુંગરાને ગજવે છે.
આપા દાનાની આંખો દસે
દિશામાં રમવા લાગી. પાંચાળ – પોતાની પ્યારી જન્મભોમ પાંચાળ – ને આવી રળિયામણી ભાળીને
ભગતનો પ્રાણ ઈશ્વર પ્રતિ આખરે પીગળી પડ્યો. જગતના ભાર ઝીલનારી ધેનુઓનાં સુખકિલ્લોલ
નિહાળી આપાનાં નેત્રો સુખ-સમાધિમાં ઘેરાવા લાગ્યાં. વીસામણ એમની બદલાતી મુખમુદ્રા સામે
તાકીને જાણે પોતાના પાપાત્માની તરસ છિપાવવા મંડી પડ્યો. સુખના કેફમાં ભગત બોલ્યા :
‘‘બાપ વીસામણ! આંઈ માંડવમાં મારું દલ બહુ ઠરે છે. નાનપણમાં હું આંઈ કામધેનુઓ ચારતો,
એ સમો આજ સાંભરી આવે છે. ફરી વાર ઠાકર બાળપણ આપે, બધુંય જ્ઞાન ભૂલી જવાય, જગત મને માનતું
મટી જાય, ને હું સદા કાળ આંઈ ગાવડિયું જ ચાર્યા કરું, માતાજીયુંને ખંજવાળ્યા જ કરું,
ઇ તો મને મુગતી થકીયે મીઠેરું લાગે છે. ઓહો જીતવા! ઇ દી તો ગયા. હવે તો આ મોટપની શિલા
હેઠળ મનડું ભીંસાઈ મૂવું! ઠાકર! ઠાકર! ઠાકર! હે ઠાકર!’’
ભગતનો આત્મા જાણે ઊંડી
કોઈ ગુફામાં ઊતરી ગયો, નેત્રોમાંથી દડ દડ દડ ધારા ચાલી.
‘‘બાપ વીસામણ, તુંને
વાંભ દેતાં આવડે છે?’’
ભોંઠો પડીને વીસામણ બોલ્યો
: ‘‘આપા! કુકર્મના કરનારે ગા ક્યાંથી ચારી હોય તે વાંભ દઈ જાણું? કાગડાના મોંમાં રામ
ક્યાંથી હોય, બાપુ?’’
કાનમાં આંગળી નાખીને
ભગતે પોતે જ વાંભ દીધી. નાનપણનો મહાવરો હતો. મીઠું ગળું હતું, ને આજ ગાયો ઉપર અંતઃકરણ
ઓગળી જતું હતું. ગોવાળ તે શું વાંભ દેશે? એવી મીઠી, વિજોગી બાળક માને બોલાવવા વિલાપ
કરે તેવી, મોરલો વાદળીને રોકવા મલ્લારના સૂર પોકારે તેવી વાંભ દીધી.
થોડી વારમાં તો સીધી
વોંકળા સોંસરવી એક કાળી – આખે અંગે કાળી – રૂપાળી ગાય ચાલી આવે છે. પૂંછડું ઊંચું કરીને
માથે લઈ લીધું છે. કાન ઊભા થઈ ગયા છે. તાજી વિયાઈ હોય એવું એનું આઉ ઝૂલે છે. આવીને
ગાય ઊભી રહી. ભગત એને ‘મા! મા!’ કરતા ખંજવાળવા લાગ્યા.
‘‘વીસામણ, દોતાં આવડે
છે?’’
વીસામણ ફરી વાર ભોંઠો
પડ્યો.
‘‘વીસામણ, ખાખરાનાં પાંદડાં
તોડીને પડિયા કરવા માંડ.’’
પાંચ પાંચ શેડ્યો પાડીને
ભગત પડિયા ભરવા લાગ્યા.
‘‘સહુ મનખ્યો ભલેં પરસાદી
લ્યે.’’
માણસો આવીને પડિયા પીતા
જાય છે.
‘‘બાપ વીસામણ! માતાજીને
ડિલે હાથ તો ફેરવ્ય! ઇ તો આવડશે ને! લે આપણે બેય હાથ ફેરવીએ. માતાજી દુઆ દેશે.’’
શરમિંદા થતા વીસામણનો
હાથ પોતે ઝાલીને ગાયના શરીર પર ફેરવ્યો. જેમ જેમ હાથ ફરતો ગયો તેમ તેમ ગાયનો દેહ કાળો
મટીને શ્વેત-સુંદર બનવા લાગ્યો.
‘‘ભણેં બાપ વીસામણ! આ
પંડ્યે જ ગંગાજી! આ જગતની તરણ-તારણી : સંસાર એના નીરમાં નહાઈને પોતાના મેલના થરેથરમાં
પધરાવે છે. પણ એ મેલ ધોવા માતાજી પોતે તો બાપડી સંતુની જ પાસે આવે છે, હો બાપ. ઇ તરણતારણીનાયે
મળ કાઢવા માટે માનવીનું મન સમરથ છે. માટે ભાઈ, સાચી ગંગા તો આપડાં ધરમપુન્યની : સાચી
ગંગા આપણા દલની ચોખાઈની : આપણા પાપના પસ્તાવાની.’’
‘‘જાવ માતાજી! હવે પાછાં
પધારો. તમને મોટો પંથ પડ્યો આજ, માવડી!’’
એટલું બોલીને ભગત ગાયના
ચરણમાં પડી ગયા : ભગતને શરીરે ધેનુ ચાટવા લાગી. ચાટીને પાછી ચાલી નીકળી.
વીસામણ તે દિવસ પૂરેપૂરો
ચેત્યો.
સંવત 1878ની પોષ વદ
11ના રોજ પ્રભાતે આપાનો દેહ પડ્યો.
એણે કોઈને દીકરા દીધા,
દરિયે ડૂબતાં વહાણોમાં અંતરીક્ષમાંથી ગાબડું પૂર્યું, મરેલાંને જીવતાં કર્યાં, આડસર
વધાર્યું વગેરે કહેવાતા કેટલાએક પરચા વાટે એમના જીવનની કશી વિશેષ ઉચ્ચતા દેખાતી નથી,
તેથી એ વિસ્તારપૂર્વક લખ્યા નથી.
વેલો બાવો
કાળી કોયલ કલકલે, ભેરવ કરે ભભકાર,
નિત નગારાં ગડગડે,
ગરનારી વેલનાથ.
શે રગઢ નામે જૂનાગઢ
તાબાનું મૂળ ગરાસિયું ગામડું છે. ગામમાં જસમત સેંજળિયો નામે એક કણબી રહેતો હતો.
સહુ પટેલમાં જસમત પટેલ
દૂબળો ખેડુ છે. તાણીતૂસીને પેટગુજારો કરે છે.
એક દિવસ જસમતની ખડકીએ
દસ-બાર વરસનો એક બાળક આવીને ઊભો રહ્યો. બાળકે સવાલ નાખ્યો : ‘‘આતા, મને સાથી રાખશો?’’
‘‘કેવા છો, ભાઈ?’’
‘‘કોળી છું, આતા! માવતર
મરી ગયાં છે. ઓથ વિનાનો આથડું છું.’’
કોળીના દીકરાની નમણી
મુખમુદ્રા ઉપર જસમતનાં નેત્રો ઠરવા માંડ્યાં.
‘‘તારું નામ શું, ભાઈ?’’
‘‘વેલિયો.’’
વિચાર કરીને જસમતે ડોકું
ધુણાવ્યું : ‘‘વેલિયા! બાપા, મારે ઘેર તારો સમાવેશ થાય એવું નથી. મારા વાટકડીના શિરામણમાં
બે ઉપર ત્રીજાનું પેટ નહીં ભરાય.’’
જસમતના ઘરમાં ભલી ભોળી
કણબણ હતી. એ પ્રભુપરાયણ સ્ત્રીને સંતાન ન હતું. વેલિયા ઉપર એને વહાલ છૂટ્યું. ધણીને
કહેવા લાગી : ‘‘કણબી! ભલેને રહ્યો છોકરો. એ પણ પોતાનાં ભાગ્ય ભેગાં બાંધતો જ આવતો હશે.
અને રોટલો તો એના સાટુ રામ ઉતારશે. બાળ્યકો આપણી ટેલ કર્યા કરશે. વળી આપણે એને દેખીને
છોરુનાં દખ વીસરશું.’’
જસમત સમજતો કે કણબણ પોતાના
કરતાં વધુ શાણી છે. કણબણને પોતે પોતાના ગરીબ ઘરની લક્ષ્મી માનતો. એનું વેણ ન ઉથાપતો,
તેથી વેલિયાને એણે રાખી લીધો, પૂછ્યું : ‘‘એલા વેલિયા! તારો મુસારો કેટલો માંડું, ભાઈ?’’
‘‘મુસારો તો તમને ઠીક
પડે તે માંડજો, આતા! પણ મારે એક નીમ છે તે પાળવું જોશે.’’
‘‘શી બાબતનું નીમ?’’
‘‘કે આ મારી માતાજી મને
રોટલા ઘડી દેશે તો જ હું ખાઈશ, બીજા કોઈના હાથનું રાંધણું મારે ખપશે નહીં.’’
સાંભળીને કણબણને એના
પર બેવડું હેત ઊપજવા લાગ્યું. કરાર કબૂલ થયો.
વળતે જ દિવસે જસમતના
ઘરમાં રામરિદ્ધિ વર્તાવા લાગી. કોળીના દીકરાને પગલે કોઠીમાં સે’ પુરાણી. ગામના દરબારે
જસમતને ઢાંઢાની નવી જોડ્ય, સાંતી અને એક સાંતીની નવી જમીન ખેડવા દીધી. પટેલ અને એનો
બાળક સાથી બીજે દિવસ જ્યારે બે સાંતી હાંકીને ખેતર ખેડવા નીકળ્યા ત્યારે ગામના કણબીઓ
એ જોડલીને જોઈ રહ્યા.
આખો દિવસ કામ કરીને વેલો
ઘેર આવે, તોપણ આતાના અને માડીના પગ ચાંપ્યા વગર સૂતો નથી. જસમતની તો ઉપાધિ માત્ર ચાલી
ગઈ છે. ઓછાબોલો અને ગરવો કોળીપુત્ર જોતજોતામાં તો જસમતને પડખે જુવાન દીકરા જેવડો થઈ
ગયો છે.
પટલાણી માને પણ વાંઝિયા-મેણાં
ભાંગ્યાં. અને એક પછી એક સાત દીકરા અવતર્યા. જસમત અને પટલાણી આ જાડેરા કુટુંબ માટે
વેલાનાં મંગળ પગલાંનો જ ગુણ ગાવા લાગ્યાં છે. પેટના સાત-સાત દીકરા છતાં પણ વેલા ઉપરનું
હેત ઓછું નથી થયું.
એક દિવસ સાંજે વેલો વાડીએથી
આવ્યો. રોજની માફક આજે પણ આવીને એની આંખો માડીને જ ગોતવા લાગી. પણ ડોશીમા આજે ઘરમાં
દેખાતાં નથી. વણબોલ્યો વેલો માડીને શોધી રહ્યો છે. વાળુ વેળા થઈ ગઈ છે. છોકરાએ કહ્યું
: ‘‘વેલાભાઈ, હાલ્ય રોટલા પીરસ્યા છે.’’
‘‘માડી ક્યાં ગયાં છે?’’
વેલાએ પૂછ્યું.
‘‘માડી તો બહાર ગયાં
છે. હાલો ખાઈએ.’’
‘‘ના, હું તો માડી આવીને
ખવડાવશે તો જ ખાઈશ.’’
વેલાએ જ્યારે હઠ લીધી
ત્યાર પછી પટેલથી ન રહેવાયું : ‘‘માડી માડી કર મા. છાનોમાનો ખાઈ લે, બાપ! જો આ રહી
માડી!’’
એમ કહી કાંડું ઝાલી,
વેલાને બીજા ઓરડામાં લઈ જઈ ડોશીનું મડદું બતાવ્યું.
‘‘જો આ તારી માડીનું
ખોળિયું પડ્યું છે. સવારે એને ફૂંકી દેશું. હવે એમાં તારી માડી ન મળે.’’
‘‘માડીને શું થયું?’’
‘‘છાણાના મોઢવામાંથી
સરપ ડસ્યો.’’
‘‘ના ના, મને જમાડ્યા
વિના માડી જાય નહીં. મારું નીમ ભંગાવે નહીં.’’
એમ કહી વેલો નીચો નમ્યો.
માને ગળે બાઝીને કહ્યું : ‘‘મા! મા! ઊઠો, મને રોટલો કરી દ્યો ને! હું ભૂખ્યો છું.’’
બાળકની ઇચ્છાશક્તિથી
ડોશીને ઝેર ઊતરી ગયું. ઊઠીને ડોશીમા વેલાને બાઝી પડ્યાં.
‘‘એ લા જસમત!’’
‘‘કાં?’’
‘‘આ તારો સાથી તો તને
દિવાળું કઢાવશે દિવાળું! હવે એને કેટલો પેંધાડવો છે? ગમે તેમ તોય કોળો ખરો ને, કોળો!
એનાં તો હાડકાં જ હરામનાં થઈ ગયાં.’’
‘‘પણ છે શું?’’
‘‘એ જરાક ખેતરે જઈને
જો તો ખરો! વિશવાસે તારાં બારે વા’ણ બૂડવાનાં છે. આંહીંથી ધડસા જેવા રોટલા બાંધીને
સાંઠિયું સૂડવા જાય છે, પણ ત્યાં તો ઓશીકે ટાઢી ભંભલી મેલીને ખીજડીને છાંયે દી આખો
ઊંઘી રહે છે. આ વૈશાખ ઊતરવા આવ્યો તોય સાંઠિયું સુડાઈ ન રહી!’’
જસમતને તો વેલા ઉપર ઘણી
ઘણી આસ્થા હતી. વેલો કદી દગડાઈ કરે નહીં. એના કામમાં પોણાસોળ આની ન જ હોય ; છતાં આજ
પંદર વરસે જસમતનો વ્યાસ ડગી ગયો. એ તો વૈશાખને ધોમ ધખતે બપોરે કોચવાઈને દોડ્યો સીમાડાને
ખેતરે. એના અંતરમાં એમ જ થઈ ગયું કે વેલો ઊંઘતો હોય તો પાટુ મારીને જગાડું. અને મુસારાની
કોરીઓ જમા છે તે ન આપું – એના વિચારો વણસી ગયા.
ખેતરને શેઢે જઈને જસમતે
શું જોયું?
સાચોસાચ : ખીજડીને છાંયડે,
પાણીભરી શીતળ ભંભલીને ઓશીકે માથું ટેકવી વેલો ભરનીંદરમાં સૂતો છે.
પણ ખેતર રેઢું નથી પડ્યું.
કોદાળી એકલી એકલી ખોદી રહી છે. એકલી કોદાળી : એની મેળે ઊછળી ઊછળીને સાંઠીઓ સૂડી રહી
છે. ખેતર ગાદલા જેવું બની ગયું છે. આ શું કૌતક! કોદાળી પોતાની મેળે ખોદે છે! દેખીને
જસમત આતો સજ્જડ થઈ ગયો. આ વેલો કોળો નહીં : કોઈક જોગી પુરુષ : મેં આજ એને માટે મનમાં
બૂરા વિચારો બાંધ્યા!
વેલો જાગી ગયો. આતાને
એણે ઊભેલો જોયો. વેલો સમજી ગયો. દોડીને જસમત વેલાના પગમાં પડવા ગયો, ત્યાં વેલાએ આતાના
હાથ ઝાલી લીધા. જસમત બોલ્યો : ‘‘મને માફી આપો. મેં તમારી પાસે મજૂરીનાં કામ કરાવ્યાં.
તમને મેં ન ઓળખ્યા.’’
‘‘આતા! મને મજૂરી મીઠી
લાગતી હતી. આંહીં મારી તપસ્યા ચાલતી હતી. મને દીકરો થઈને રહેવા દીધો હોત તો ઠીક હતું.
પણ આજ તમારી નજરે મારી એબ ઉઘાડી પડી. હવે મારે વસ્તીમાં રહેવું ઘટે નહીં. મારો મુસારો
ચૂકવી દ્યો.’’
જસમત બહુ કરગર્યો, પણ
જોગી ન માન્યો. જતાં જતાં એટલું કહ્યું : ‘‘આતા, માગી લ્યો.’’
‘‘શું માગું? તમારી દુવા
માગું છું.’’
‘‘જાવ આતા, મારો કોલ
છે : તમારા સેંજળિયા કુળનો કોઈ પણ જણ મારા મરતુક પછી ગિરનાર ઉપર મારી સાત વીરડીએ આવીને
શિવરાતને દી, તંબૂરામાં ભજન બોલશે તો હું એ વીરડિયુંમાં પાણીરૂપે આવીને તમને મળીશ.
વરસ કેવું થાશે તેનો વરતારો કહીશ!’’
મુસારાની કોરીઓ ગામનાં
નાનાં છોકરાંને વહેંચતો વહેંચતો બાળ જોગી શેરગઢથી નીકળી ગિરનારમાં ઊતરી ગયો.
ભજન 1
અઘોર નગારાં તારાં વાગે
ગરનારી વેલા!
અઘોર નગારાં તારાં વાગે!
ભવે રે સરમાં
દાતણ રોપ્યાં રે
ચોય દશ વડલો બિરાજે.
– ગરનારી .
ગોમુખી ગંગા ભીમકંડ ભરિયા
પરચે પાણીડાં
પોંચાડે. – ગરનારી .
ચોસઠ જોગણી બાવન વીર રે
હોકાર્યો મોઢાં
આગળ હાલે રે – ગરનારી .
વેલનાથ ચરખે બોલ્યા રામૈયો ધાણી
ગરનારી ગરવે બિરાજે.
– ગરનારી .
બા ર વરસ સુધી એણે ગિરનારને
પરકમ્માઓ દીધા કરી. કંદમૂળ અને ફળફૂલ આરોગ્યાં. પછી એ પણ તજી દીધાં. ટૂકે ટૂકે અને
ગુફાએ ગુફાએ ઉતારા કર્યા. બાર વરસની તપશ્ચર્યા પૂરી થયે ગિરનારની તળેટીમાં ભવેશ્વર
આવી દાતણ કર્યું. દાતણની ચીર કરી એ જમીનમાં રોપી, એ રોપામાંથી વડલો ફાલ્યો. વડલાની
લેલૂંબ ઘટા પથરાઈ ગઈ. આજ પણ એને વેલાવડને નામે ઓળખવામાં આવે છે.
તપસ્વી વેલાને કંઈ કંઈ
સિદ્ધિઓ વરવા લાગી. કુદરતના નિયમો ઉપર એને કાબૂ મળી ગયો. એના મુખમાંથી જ્ઞાનવાણી વહેતી
થઈ. પોતાના કોઈ ગિરનારી ગુરુ યોગી વાઘનાથના નામ પર ભજનો આરંભ્યાં :
ભજન 2
બાજી કેમ આવે હાથ
બાજી કેમ આવે
હાથ રે
લાગી રે લડાયું
કાયા શે’રમાં જી રે!
સમજે વાતું સમજાય
વેદે વાતું વદાય
રે!
મૂરખ નરને ક્યાં
જઈને કેવું રે. – બાજી .
હે વીરા!
સાચી વસત 8 હે તારા શે’રમાં રે જી ;
દુનિયા અંધી મ
થાવ!
દુનિયા ભૂલી મ
જાવ રે!
કરો દીપક ને ઘર
ઢૂંઢીએ રે જી. – બાજી .
હે વીરા!
તરકસ તીરડાં ભાથે
ભર્યાં રે જી ;
થોથાં કાયકું
ઉડાડ!
થોથાં કાયકું
ઉડાડ રે!
મરઘો ચરે છે તારા
વનમાં રે જી. – બાજી .
હે વીરા!
તખત તરવેણીના
તીરમાં રે જી ;
ધરણ્યું ધમે છે લુહાર
ધરણ્યું ધમે છે
લુહાર રે
નૂર ઝરે ધણીનાં,
શૂરા પીવે રે જી. – બાજી .
હે વીરા!
સાતમે સુન 9 મારો શ્યામ વસે જી ;
કસ્તૂરી છે ઘરમાંય
કસ્તૂરી છે ઘરમાંય
રે!
અકળ અવિનાશીનાં
રાજ છે રે જી. – બાજી .
હે વીરા!
વાઘનાથ ચરણે વેલો
બોલિયા રે જી ;
ગુરુ દશ્યુંને
દાતાર
ગુરુ મુગતીનો
આધાર રે
અધમ ઓધારણ ગુરુને
ધારવા રે જી. – બાજી .
‘‘અ રે ભાઈ, આ ગામમાં
કોઈ રાતવાસો રાખે એવું ખોરડું દેખાડશો?’’
‘‘ક્યાં રે’વું?’’
‘‘રહું છું તો આરબની
ટીંબલીએ. જાતનો કુંભાર છું. સામે ગામે પળાંસવે વેલા બાપુ પાસે જાતો’તો ત્યાં તો આંહીં
ડેરવાવને સીમાડે જ દી આથમ્યો.’’
‘‘હં! ભગત છો ને? સારું,
ભગત, હાલ્યા જાવ રામ ઢાંગડને ઘેર, ત્યાં તમને ઉતારાનું ઠેક પડશે.’’
ડેરવાવ ગામના ફાટી ગયેલા
કુકર્મી ખાંટોએ ચોરે બેઠાં બેઠાં પૂંજા નામના કુંભાર ભગતની મશ્કરી કરવા માટે ક્રૂરમાં
ક્રૂર ખાંટ શિકારી રામ ઢાંગડનું ખોરડું બતાવ્યું. ભોળિયો કુંભાર મુસાફર રામને ખોરડે
જઈ ઊતર્યો. પણ ઊતરતાંની વાર જ એને સમજાઈ ગયું કે ખાંટોએ પોતાને ભેખડાવી માર્યો છે.
રામ ઢાંગડના ઘરમાં દેવી
માતાની માનતા ચાલી રહી છે : વિકરાળ ડાકણ જેવી કોળીની દેવી-મૂર્તિ પાસે બકરાના ભક્ષ
પથરાઈ ગયા છે. નિવેદમાં દારૂના સીસા પણ ધરેલા છે. રામડો કોળી દારૂના કેફમાં ચકચૂર બની
અધરાતે પાપાચાર આદરે છે. માણસને ભરખી જાય તેવાં અસુર રૂપ દેખાતા ભૂવા ધૂણી રહ્યા.
એવામાં રામડાના રંગમાં
ભંગ પડ્યો. એનો જુવાન દીકરો ફાટી પડ્યો. એને જીવતો કરવા કપટી ભૂવા ડાકલાં લઈને બેઠા.
દેવીને રીઝવવા માટે બીજા કંઈક જીવ ચડાવી દીધા.
સવાર પડ્યું. નનામી બંધાવા
લાગી, પૂંજો ભગત બેઠા બેઠા આ બધું જોઈ રહ્યા છે. જ્યારે રામ ઢાંગડનો મદ ઊતરી ગયો ત્યારે
કુંભાર બોલ્યો : ‘‘ભાઈ! જીવ માર્યે જીવ ઊગરશે કે જીવ ઉગાર્યે? આટલાં નિરપરાધીને તમે
કાપી નાખ્યાં, ફક્ત એક દીકરાની આવરદાને સવારથે?’’
‘‘ત્યારે શું કરું, ભગત?
મારો જુવાનજોધ દીકરો જાય છે. માતા ડાકણી કાંઈ હોંકારો દેતી નથી.’’
‘‘તારો એક દીકરો જાય
છે એમાં કેટલાં પશુડાંનાં છોરુના તેં પ્રાણ લીધા છે, ભાઈ?’’
‘‘હાય! હાય! ભાઈ, એનો
હિસાબ જ નથી રહ્યો.’’
‘‘એ સહુના વિલાપ હવે
સમજાય છે?’’
‘‘સમજાય છે.’’
‘‘તો લે ઉપાડ આ કંઠી,
આજથી બંદૂક મેલી દે.’’
‘‘કોની કંઠી?’’
‘‘વેલા બાપુની.’’
રામડે અહિંસાની કંઠી
બાંધી, કોણ જાણે કેટલાંયે પશુપંખીના આશીર્વાદ એકઠા થયા, એટલે દીકરાના ખોળિયામાં પ્રાણ
પાછા આવ્યા. પરબારો રામ પૂંજા ભગત સાથે ખડખડ પહોંચ્યો. વેલા બાવાને ચરણે હાથ દીધા.
સાદીસીધી વાણીમાં વેલા
બાવાએ એક જ વાત સમજાવી કે ‘‘ભાઈ! હિંસા કરીશ મા! પ્રભુ જેવો વસીલો મેલીને લોહીનાં રંગાડાં
પીનારી દેવીઓના આશરા હવે ગોતીશ મા.’’
આ જ પાણીની હેલ્ય ભરીને
આવતાં જ રામની વહુએ વાત કરી : ‘‘પાદરમાં જ નદીને સામે કાંઠે એક રોઝડું ચરે છે. અરધું
ગામ ધરાય અને પંદર રૂપિયા ચામડાના ઊપજે એવું જબ્બર ડિલ છે, કોળી! ઝટ બંદૂક લઈને પોગી
જા!’’
‘‘ના ના! મારાથી હવે
બંદૂક ન લેવાય. હું ગુરુજી બાપુને બોલે બંધાણો છું.’’
‘‘અરે પીટ્યા! ખાંટ છો
કે વાણિયો–બામણ છો? આંહીં ક્યાં તારા ગુરુ જોવા આવતા’તા?’’
રામ ન માન્યો. ગામ આખું
એને ઘેર હલક્યું : ‘‘એ રામડા, એક વાર બંદૂક ઉપાડ. ફરી નહીં કહીએ, અને તારા ગુરુને કોઈ
વાત નહીં પોગાડે. અને તું રોઝડું તો જો! નજરમાં સમાતું નથી.’’
રામના અંતર ઉપર હજી પણ્યનો
પાકો રંગ નહોતો ચડ્યો. પાપમાં મન લપટી પડ્યું. બંદૂક ઉપાડી. પાદર જઈને જુએ ત્યાં તો
સામે જ મોટી કોઈ દેસાણ ગાય જેવડું રોઝડું ચરે છે. નીરખીને રામના મોંમાં પાણી આવ્યું.
રામડો તો મોતીમાર હતો.
એનું નિશાન કોઈ દિવસ ખાલી નહોતું ગયું. એવાં ઊડતાં પંખીડાં પાડનારને આ રોઝ બાપડું શી
વિસાતમાં હતું! એક ગોળી છૂટી. રોઝને ચોંટી. પણ એ તો જરાક ટેકીને વળી ચરવા માંડ્યું.
બીજી ગોળી છૂટી : ચોંટી ; પણ રોઝ નથી પડતું. ઠેકીને પાછું ચરે છે.
ત્રીજી, ચોથી, પાંચમી...
એમ નવ ચોંટાડી. રોઝ ન પડ્યું. દિવસ આથમી ગયો. અંધારું થઈ ગયું. ઘવાયેલ રોઝને કાલે સવારમાં
જ ખોળી કાઢશું એમ ધારી સહુ ઘેર ગયા. રામ ડેલીએ જાય ત્યાં ખેપિયો આવીને વાટ જોતો બેઠો
છે. ‘‘રામભાઈ! ગુરુજી બાપુ તેડાવે છે.’’
‘‘કાં? કેમ ઓચિંતા?’’
‘‘પંડે પથારીવશ છે. કહ્યું
છે કે પાણી પીવાયે રામ ન રોકાય.’’
બંદૂક હાથમાં જ રહી ગઈ.
ઘેર મોકલી દેવાનું ઓસાણ ન ચડ્યું. દોટ દેતો રામ ગુરુજીની પીડાથી ચિંતાતુર બની પળાંસવા
આવ્યો. પૂછવા મંડ્યો : ‘‘કેમ બાપુ! ઓચિંતા પડદે પડવું થયું?’’
‘‘રામ! અજાણ્યો બનીને
પૂછછ, ભાઈ? નીમ તોડીને નિરપરાધી કાયા ઉપર નવ નવ ગોળિયું ચોડી, ભાઈ? અરેરે, તને દયા
ન આવી? આમ તો જો! આ મારા અંગે અંગે ફાંકાં!’’
રામે બાવાજીનું શરીર
વીંધાયેલું દીઠું. નવ ઠેકાણેથી રુધિર ચાલ્યું જાય છે.
‘‘અને ભાઈ, લે આ તારી
નવેનવ ગોળીઓ.’’
ગુરુએ રામની જ બંદૂકની
નવેય ગોળીઓ ગણીને હાથમાં દીધી.
‘‘બાપુ! તમે હતા?’’ ચોંકીને
રામે પૂછ્યું.
‘‘બાપ, હું નહીં, પણ
મારા, તારા અને તમામના ઘટઘટમાં રમી રહ્યો છે એ ઠાકર હતો. અરેરે રામ! વિચારી તો જો!
તેં કેને વીંધી નાખ્યો? ચામડામાં તારું મન લોભાણું?’’
સન્મુખ છીપર પડી હતી.
બંદૂકને તે પર પછાડી રામે કટકા કર્યા. વેલાના પગ ઝાલીને બેસી ગયો. નેત્રમાંથી નીરધારા
મંડાઈ ગઈ. ગળું રૂંધાઈ ગયું. શું બોલે? શબ્દ નીકળે એવું નહોતું રહ્યું.
‘‘રા મ! હવે ઘેર જા!’’
‘‘ઘર તો મારે આ ધરતી
માથે નથી રહ્યું, બાપુ!’’
‘‘અરે જાછ કે નહીં, કોળા?
વયો જા, નીકર ચામડું ફાડી નાખીશ.’’ ગુરુએ આંખો રાતી કરી.
‘‘નહીં જાઉં. નહીં જાઉં.’’
‘‘નહીં જા, એમ? એલા શંકરગર!
તરવારથી એના કટકા કરીને ભોંમાં ભંડારી દે એ પાપિયાને. તે વિના એ આંહીંથી નહીં ખસે.’’
રામડે ગરદન નમાવી.
‘‘ઠીક શંકરગર! હમણાં
ખમ. એને આપણા ગોળાનાં પાણી ભરી લેવા દે પછી એના રાઈ રાઈ જેવડાં ટુકડા કરીને અહીં જ
દાટી દઈએ.’’
ગુરુએ પાણી ભરવાને બહાને
રામડાને રફુચક થઈ જવાનો સમય દીધો. એમણે માન્યું કે મોતના ડર થકી રામ નાસી છૂટશે ; પણ
રૂંવે રૂંવે રંગાઈ ગયેલા રામને હવે મોતની બીક ક્યાં રહી હતી? ઠંડે કલેજે પાણી સીંચીને
એણે ગોળા ભર્યા. ભરીને ગુરુની સન્મુખ આવીને મોતની વાટ જોતો બેઠો.
છેલ્લી વાર ગુરુએ ત્રાડ
પાડી : ‘‘જાછ કે નહીં?’’
‘‘ના, બાપુ!’’
ગુરુએ છૂરી ખેંચીને છલાંગ
દીધી. રામને પછાડી, એની છાતી પર ચડી બેઠા. છૂરી છાતીમાં જવાની વાર નથી, તોયે રામડો
ન થડક્યો. એને તો જાણે અંતરમાં અજવાળું થયું. એના કંઠમાંથી આપોઆપ વાણી ફૂટી. ગુરુના
ગોઠણ નીચે ચંપાઈને પડ્યા પડ્યા, મોતની છૂરી મીઠી લાગતી હોય તેવા તોરમાં, એણે આપજોડ્યું
ભજન ઉપાડ્યું :
ભજન 3
જેમ રે ઉંડળમાં 10 વેલે રામને લીધો,
પ્રેમના પિયાલા
વેલે પાઈ પીધા!
મેરુ રે શિખરથી
પધાર્યા મારો નાથજી
મૃગ-સ્વરૂપે આવી ઊભા રે,
રામને ચળવા રૂખડિયો
આવ્યા,
પૂરણ ઘા પંડે
લીધા. – જેમ .
ગોહત્યા 11 રે ગુરુ ત્યારે અમને બેઠી,
પૂરવ જલમનાં કરમ
લાગ્યાં ;
ભવસાગરમાં શેલે
ભૂલો રે પડ્યો.
સમસ્યાની ભેદે
વેલે શરણુંમાં લીધા. – જેમ .
મહા દરિયામાં બેડી 12 ડોલવા લાગી,
રૂદિયે ના જોયું
મેં જાગી રે ;
ભરમ વન્યાના ભાઈ
ભરમાજી ભૂલ્યા,
એકલશીંગી ગુરુએ
વનમાં લૂંટ્યા. – જેમ .
કરણીનાં રે મારે કમાડ
દેવાણાં
આંખે અંદારી ગુરુએ
એમને દીધી રે ;
વેલનાથ ચરણે બોલ્યા
રામૈયો
ખાવંદે ખબર મારી
વેલી લીધી રે. – જેમ .
આંખોમાં શરણાગતિની મીઠાશ
છલકી છતાં ગુરુ હજુ ઊતરતા નથી. ગુરુ તો આ કુકર્મીના મુખની વાણીમાં નાહ્ય છે. એના અચંબાનો
તો પાર જ નથી : ત્યાં રામડે ગુરુના પગ નીચે પડ્યાં પડ્યાં બીજું ભજન ઉપાડ્યું :
ભજન 4
મેં તેરા બંદીવાન,
ગરનારી વેલો!
મેં તેરા બંદીવાન,
જ્ઞાની ભૂલ્યા,
ધ્યાની ભૂલ્યા
કાજી ભૂલ્યા કારકુન.
– ગરનારી .
અમર તંબૂડા ભીંજાવા લાગ્યા,
તંબૂડા જમીં આસમાન.
– ગરનારી .
સતીએ સત ધરમ છોડ્યા,
સૂરે છોડ્યાં
હથિયાર. – ગરનારી .
વેલાને ચરણે બોલ્યા રામૈયો,
ઘરે આયા મારે
દીવાન. – ગરનારી .
તોયે ગુરુ ઊતરતા નથી.
રામડાની છાતી ઉપર તો જાણે કમળનું ફૂલ પડ્યું છે. નિરંતર રામડાની રસના પર સરસ્વતીએ જાણે
કે વીણા લઈને ગાવા માંડ્યું. કેવો પરમાનંદ એને અંતરે પ્રગટી નીકળ્યો! જાણે ગિરનારનાં
તરુવરો એને રૂંવાડે રૂંવાડે રોપાયાં, જાણે મસ્તક પર ગિરનારનાં શિખરો ખડાં થયાં, અને
નેત્રોમાં ચાંદો–સૂરજ ઝળેળ્યા :
ગરવાનાં ત્રોવર 13 રોમે રોમે રોપાણાં
શખરું 14 રોપાવેલ મારે શીરે જી.
તનડાનાં તલ્લક 15 મારે લેલાડે 16 લખિયા
રે.
છાપ ગરનારી કેરી
દીસે જી.
કાશી ને પ્રાચી કંડે દામોદર નાંઈ રે
નેણલે નરખું રે
મરવો વેલો જી.
નવસો નવાણું નદિયું
અંગડે ઊલટિયું રે
ગંગા જમના સરસતી
જી.
નવલખ તારા મારી દેઈમાં 17 દરસાણા રે
ચાંદો-સૂરજ નેણે
નરખ્યાં જી.
કાયા છે ક્યારો
ને પવન પાણોતિયો 18 ને
ગરનારી સીંચણહારા
જી.
સતગુરુ સીંચણહારા
જી.
સાંભળી સાંભળીને ગુરુનું
અંતર ઓગળવા લાગ્યું. પાપીની પરીક્ષા પૂરી થઈ ગઈ. છાતી પરથી વેલો નીચે ઊતર્યો. રામને
ઉઠાડ્યો. રામને અંગે લાગેલી રજ ખંખેરવા લાગ્યા.
‘‘રામ! બેટા! આટલી વારમાં?’’
‘‘ગુરુને પ્રતાપે.’’
‘‘તારી શી મરજી છે?’’
‘‘બીજી શી? તમે મળ્યા
પછી બીજી શી મરજી બાકી રહી? હવે તો નજરથી અળગા ન થજો! હે બાળુડા! સદાય સન્મુખ રે’જો!
સન્મુખ રાખજો!’’
કાયાના ઘડનારા મારી એ નજરુંમાં રો’ ને!
દેઈના માલમી મારી
મીટ્યુંમાં રો’ ને! 19
નજરુંમાં રો’
રે પંથના નાયક જી!
આ રે મારગડે આવતાં ને જાતાં
લખ ચોરાસીના ઓડા
જી ;
બાળુડા મળે તો
દેઈનાં દાણ રે ચૂકવીએ! 20
જીવનને છોડાવે
જેમ લઈ જાતાં જી!
ખાંધી અંધારી જીવને એણે પેરે લોઢે ;
સતગુરુ વન્યા
એ કોણ છોડે જી?
બાળુડા વન્યા
એ કોણ છોડે જી?
ધૂમના ધણી તારી ડેડલી સવાઈ
પાંચ ઋષિની બેડી
બૂડી જી?
નરભેનાં નાંગળ
નાખો હે ગરનારી વેલા! 21
સતની બેડીના સત પૂરો જી.
બાળ કારણીએ બિલ્લી
હોળીમાં હોમાણા
અગનીમાંથી લઈ
ઉગાર્યા જી.
હરખચંદ કારણીએ નીર જ ભરિયાં
એક નરે રે ત્રણ
ઓધાર્યાં જી.
પાંડવું કારણીએ
લીધા દશ અવતાર!
પિયાડે 22 પડતા ઓધાર્યાં જી.
વેલનાથ ચરણે બોલ્યો રે રામૈયો
સતના મારગ સામાં ડગલાં જી.
તે દિવસથી રામડો મસ્તીમાં
આવી ગયો. ભક્તિના અજર પ્યાલા એણે પચાવી લીધા. નિરંતર એના મોંમાંથી મસ્તીનાં પદ રેલાવા
લાગ્યાં :
કાચી કેણે ઘડેલ મોરી કાયા રે!
ઘટડામાં 23 લોવા, 24 ઘટડામાં
એરણ,
ઘટડામાં ઘાટ ઘડાયા
રે. – કાચી .
ઘટડામાં ચાંદો, ઘટડામાં સૂરજ,
ઘટડામાં નવલખ
તારા રે. – કાચી .
ઘટડામાં વાડી, ઘટડામાં માલણ,
ઘટડામાં સીંચણહારા
રે. – કાચી .
ઘટડામાં તાળાં, ઘટડામાં કુંચીઉં,
ઘટડામાં ખોલણહારા
રે. – કાચી .
વેલનાથ ચરણે બોલ્યા રામૈયો
ગુરુ,
ઈ શબદ છે સાચા
રે. – કાચી .
જાણે ગુરુની પ્રેરણા
એને રોમે રોમે રમતી થઈ ગઈ :
ભજન 7
આજ મારી કાયાનો ઘડનાર
આજ મારી રોમરાનો
રમનાર
મળિયલ મને માતા
રે મીણલનો ભરથાર.
નવ નવ ખંડમાં રે નામચા 25 તમારી બાપુ
સૂબા નામે છડીદાર.
– મળિયલ .
વેલા-વડ હેઠે બેસણાં તમારાં બાવા!
સખરું 26 તણો સરદાર. – મળિયલ .
ભેરવ-જપ હેઠે ભોંયરાં તમારા બાપુ!
ગરવો તમારો ગરાસ.
– મળિયલ .
દામો-કુંડ તમારાં નાવણાં રે બાપુ!
ભવેશર સરખી બજાર.
– મળિયલ .
વેલનાથ ચરણે બોલ્યા રામૈયો, બાપુ!
આતમ તણા હે ઓધાર.
– મળિયલ .
ગુરુને એણે ભૈરવ જપના
પહાડ પર રમનારો કહી બિરદાવ્યો ; વાસુકિ સાથે ખેલનાર કૃષ્ણાવતાર કહ્યો.
ભજન 8
ગિરનારી ભેરવનો રમનારો!
ગિરનારી વાસંગીનો
રમનારો!
અધ્ધર તખત ને અમર ગાદી
ગગનમંડળ દરસાણો
રે. – ગિરનારી .
સરભંગીના 27 ખેલ કોઈને ના’વે કળ્યામાં
વેલો રમે ચોધારો
રે. – ગિરનારી .
જળમાં પેસીને કાળી નાગને
નાથ્યો રે
બાંધ્યો કમળ કેરો
ભારો રે. – ગિરનારી .
ચારે તે ખેલ બાવે મૂઠીમાં
રાખ્યા
રમે બાવનસું બાળો
રે. – ગિરનારી .
વેલનાથ ચરણે બોલ્યા રામૈયો ધણી
તેજમાં તેજ સમાણો
રે. – ગિરનારી .
ભજન 9
બેઠલ બોરિયામાં 28 આવી,
ગરનારી! બેઠલ
બોરિયામાં આવી.
આપે તે રૂપ જાણી રોઝનું લીધું,
રામડાથી બંદૂક
ભંગાણી. – ગરનારી .
શાદૂળા સિંહને તમે વશ રે લીધો,
ઉપર વાળી અસવારી.
– ગરનારી .
ધૂંધળીમલે 29 ધંધ જગાડ્યો ધણી!
પાટણ 30 નાખ્યાં રે પલટાવી. – ગરનારી .
ભવ્યારમાં દાતણ વાવ્યાં
ગડુ,
શોભા વાવેલ બહુ
સારી. – ગરનારી .
ભેરવજપ હેઠે આપ બિરાજેલ,
સૂનમેં સમાતુ
બંધાવી. – ગરનારી .
વેલનાથ ચરણે બોલ્યા રામૈયો
ધણી,
શિખરુંમાં સુરતા
ઠેરાણી. – ગરનારી .
રામને સૂઝી ગયું કે આ
ગુરુ કોઈ અસલી સમયના ગેબી સિદ્ધ છે ; રોગીનો રોગ ટાળે છે, પોતાના સાત વીરડામાં ગુપ્ત
ગંગા વહાવે છે, ને કશા નૈવેદ્યના કામી નથી. કેવળ ભાવના જ ભોગી છે :
ભજન 10
આ તો છે આગુનો ગેબી, એ
જૂનો છે જોગી,
એ બાવા! આબુ રે
શિખરનું બેસણું.
સધ ચોરાસીમાં
વાસ,
નત રોગીલાં વેલાને
પાયે પડે
દરદી આવે રે દુવાર.
– આ તો .
એ વા’લા! અકળ અવિનાશી
સામા મળિયા
દલમાં લે 31 લાગી ;
ગપત ગંગા 32 ગરુને વીરડે રે આવે
વેલો ભાવ રે તણા
ભોગી. – આ તો .
એ વેલા! શૂરા હોય તે સન્મુખ
લડે
કાયર જાય ભાગી
;
આવાગમણ્યું 33 મારો વેલો નાથ ટાળે
પડતી મેલો પોથી.
– આ તો .
એ વાલા! સમજી સમજી ધારણ્યું
એ બાંધો
એનો ગરથ લિયોને
ગોતી ;
વેલનાથ ચરણે રામ બાવો
બોલિયા
ઉગાર્યો લોધી. 34 – આ તો .
પોતાના જીવતરને આંગણે
જાણે બાળુડો જોગી નવનવે રૂપે પધાર્યા ; રામ આનંદમાં નાચી ઊઠ્યો :
ભજન 11
બાળુડો પધાર્યા રે બાઈયું મારે આંગણે હો જી! – બાળુડો .
આજ મારે હૈયે
હરખ ન માય
આજ મારે અંગડે
ઊલટ ન માય
પગે ને પીરોજી
રે ગરનારીને મોજડી હો જી!
હાલે છે કાંઈ
ચટકતી રૂડી ચાલ. – બાળુડો .
કેડ્યે ને કટારાં રે ગરનારીને વાંકડાં રે જી!
ગળે છે કાંઈ ગેંડા
તણી રે રૂડી ઢાલ. – બાળુડો .
બાંયે ને બાજુબંધ રે ગરનારીને બેરખા રે જી!
હાથે છે કાંઈ
દસે આંગળીએ વેઢ. – બાળુડો .
માથે ને મેવાડાં રે ગરનારીને મોળિયાં રે જી!
ખંભે છે કોઈ ખાંતીલા
રૂડા ખેસ. – બાળુડો .
વેલાનો ચેલો રે રામ બાવો બોલિયા રે જી!
ધણી મારા ઓળે
આવ્યાને ઉગાર. – બાળુડો .
ગિરનારનાં શિખરોમાં કોઈ
સાધુએ શબ્દ સંભળાવ્યો કે ‘જય વેલનાથ! જય ગરનારી વેલનાથ!’
જોગીઓની જમાત ‘જય વેલનાથ!’
શબ્દનો અહાલેક સાંભળીને ઉશ્કેરાઈ ઊઠી. બોલનારને ઝાલ્યો ; પૂછ્યું : ‘‘આ ગરવાની ટૂક
પર કોનો જય ગાઓ છો?’’
‘‘ગરનારી વેલનાથનો.’’
‘‘વેલનાથ કોણ? નવ નાથમાં
દસમો ક્યારે ઉમેરાણો?’’
‘‘કોળીને દેહે ; ઘરસંસારીને
રૂપે, જૂનાગઢને કાળવે દરવાજે વેલનાથ વસે છે.’’
કોળીનો દેહ, ઘરસંસારી
અને વસ્તીમાં વાસ : એટલું સાંભળીને ગુરુ દત્તના શિર પર રોષની ઝાળો પ્રગટ થઈ. આજ્ઞા
થઈ કે ‘‘જાઓ ખાખીઓ! એની પરીક્ષા કરો, ‘નાથ’નો દાવો જૂઠો હોય તો ચીપિયા લગાવીને આંહીં
હાજર કરો!’’
જમદૂત જેવા ખાખીઓ છૂટ્યા.
કાળવે દરવાજે સોનરખ નદીને કિનારે વેલો બાવો ઘરબારીને વેશે રહે છે. ઘરમાં બે સ્ત્રીઓ
છે. સંસારીનો ધર્મ સાચવીને રહે છે. જળમાં પોયણા જેવું એનું નિર્લેપ જીવતર છે.
ખાખીઓએ જઈને ધમકી આપવા
માંડી : ‘‘તું વેલનાથ? તું ઓરતો ભોગવનારો કોળી નવ નાથની કોટીએ પહોંચી ગયો? તું તો દુનિયાને
છેતરી રહ્યો છે.’’
‘‘અરે ભાઈ!’’ વેલો બોલ્યો,
‘‘હું કાંઈ નથી જાણતો. હું તો નાથેય નથી, નાથના પગની રજમાત્ર પણ નથી. હું મારાથી થાય
તેવી પ્રભુની ટેલ કરું છું. મને શીદ સંતાપો છો?’’
‘‘નહીં, તું ઢોંગી છે.
ચાલ, તને ગુરુ દત્ત બોલાવે છે.’’
વેલો ચાલ્યો. પાછળ ઓછાયા-શી
બે અર્ધાંગનાઓ પણ ચાલી. ખાખીઓ વેલાને ચીપિયા ચોડતા આવે છે. બન્ને સ્ત્રીઓ આડા દેહ દેતી
આવે છે.
કહેવાય છે કે ગિરનાર-દરવાજે
એક વાણિયાના જુવાન પુત્રનું શબ નીકળ્યું. વેલા બાવાએ એના ખોળિયામાં જીવ પાછો આણ્યો.
અને પછી પોતાને વસ્તી સંતાપી સંતાપી તપસ્વી-જીવનમાં ભંગ પાડશે એમ બીક લાગવાથી બાવાજી
ભાગી નીકળ્યા. આગળ પોતે, પાછળ બે સ્ત્રીઓ, ચીપિયાવાળા ખાખી બાવાઓ અને ડાઘુ વાણિયાનું
ટોળું – એમ દોટાદોટ થઈ રહી. જગત પોતાને આમ સદા સંતાપ્યા કરે એ કરતાં જમીનમાં સમાઈ જવાનું
જોગીએ પસંદ કર્યું. દોડીને એણે ગિરનારના શિખરની દિશા સાંધી. ભેરવજપની ઊંચી અને ભયંકર
ટૂક પાસે એને માટે ધરતી માતાએ મારગ કર્યો. પોતે એમાં જીવતા સમાણા. પાછળ મીણલ મા પણ
ઊતરી ગયાં. ત્યાં શિલાનું ઢાંકણ દેવાઈ ગયું. બહાર જસો મા એકલાં જરા છેટાં રહી ગયાં
; પોતાના નાથને ગોતવા લાગ્યાં. ‘‘બાવાજી! ક્યાં છો? ક્યાં સંતાણા?’’ એવો પોકાર કર્યો.
ત્યાં તો શિલાની ચિરાડમાંથી બહાર રહી ગયેલો મીણલ માની ચૂંદડીનો છેડો એણે દીઠો. શિલા
ઉપર બેસીને એણે કલ્પાંતનું ભજન આદર્યું :
અમસું ગરનારી! 35
અંતર કર્યો વાલે!
અંતર કર્યો રે!
પડદા-પોસંગી વેલો રમવા ગિયો.
એ...રમવા ગિયો
રે
ખાવંદ જાતો રિયો
રે!
ભોળવીને ભૂલવાડી
ગિયો. – અમસું .
હો...સગવડ હોય તો ધણીના 36
સગડ કઢાવું રે
સગડ કઢાવું રે
ત્રણે ભુવનમાંથી
બાળુડાને લાવું. – અમસું .
હો...થડ રે વાઢીને ધણી 37
પીછાં દઈ ગિયો
રે
પીછાં દઈ ગિયો
રે
રસ પવનમાં ગેબી
રમવા ગિયો. – અમસું .
હો...મથણાં મથી
દીનાનાથને બોલાવું
રે
નાથને બોલાવું
રે
ત્રણે ભુવનમાંથી
બાળુડાને લાવું. – અમસું .
હો ગનાનની 38 ગોળી ને
પરમનો રવાયો રે
મેરુનો રવાયો
રે
નખશિખ નેતરાં
લઉં તાણી. – અમસું .
હો વેલનાથ ચરણે
બોલ્યાં રે જસો
મા
બોલ્યાં રે જસો
મા
અખંડ ચૂડો મારે
વેલનાથ ધણી. – અમસું .
આખરે શિલા ફરી વાર ઊઘડી,
અને સતી અંદર સમાણાં.
રાત પડી ; અધરાત ભાંગી
; કહે છે કે વેલનાથ બહાર નીકળ્યા. સન્મુખ જ ભેરવજપનું આભ-અડતું સીધું કાળું શિખર ઊભું
હતું. એથીયે ઉપર ગેબમાં તારલા ટમટમતા હતા : જાણે અમરધામના દીવડા દેખાતા હતા.
એ સીધા શિખર પર બાવોજી
એમ ને એમ ચડ્યા. ભાંગતી અબોલ રાતે ખડાંગ! ખડાંગ! ખડાંગ! એમ બાવાજીની ખડાઓ (ચાખડીઓ)
બોલતી ગઈ, અને ચીકણા ગારામાં પગલાં પડે તેમ એ કાળમીંઢ પથ્થરમાં ખડાઓનાં પગલાં પડતાં
ગયાં. આવી લોકકલ્પના છે.
જોગીરાજ ભેરવની ટૂંક
ઉપર દરશાણો. કેવો દરશાણો? જાણે એનાં પગલાંના ભારથી ગિરનાર કડાકા લેવા લાગ્યો ; કવિ
કહે છે કે ‘ઓ અબધૂત! ધીરે ધીરે પગલાં માંડ. નહીં તો ગરવો (ગિરનાર) ખડેડી પડશે’.
ભજન 13
વેલા બાવા, તું હળવો હળવો હાલ્ય જો!
ગરવાને માથે રે
રૂખડિયો ઝળૂંબિયો.
જેમ ઝળૂંબે મોરલી માથે નાગ જો
(એમ) ગરવાને માથે
રે રૂખડિયો ઝળૂંબિયો.
જેમ ઝળૂંબે કૂવાને માથે કોસ જો
(એમ) ગરવાને માથે
રે રૂખડિયો ઝળૂંબિયો.
જેમ ઝળૂંબે બેટાને માથે બાપ જો
(એમ) ગરવાને માથે
રે રૂખડિયો ઝળૂંબિયો.
જેમ ઝળૂંબે નરને માથે નાર જો,
(એમ) ગરવાને માથે
રે રૂખડિયો ઝળૂંબિયો.
જેમ ઝળૂંબે ધરતીને માથે આભ જો,
(એમ) ગરવાને માથે
રે રૂખડિયો ઝળૂંબિયો.
રા મૈયાને ખબર પડી કે
ગુરુ તો ભૈરવજપ પર રમવા ગયા. વિરહઘેલડી કોઈ અબળાની માફક એ પોતાના ‘ગરવાદેવ’ને ગોતવા
લાગ્યો! કોઈ ભોમૈયા! કોઈ મારગ બતાવે! એવા સાદ દેતો એ ગિરનારમાં ભમે છે.
ભજન 14
કોઈને ભોમૈયો રે, બે’ની! ગરવા દેવનો રે જી!
બે’ની, અમ ભૂલ્યાં
બતાવો વાટ. – કોઈને .
કેટલી તે ખડકી રે,
કેટલાં પરનાળ
જડ્યાં રે જી,
જડ્યાં તે જડ્યાં
કોઈ
તાળાં કૂંચી ને
કમાડ. – કોઈને .
સમદર ને હાં જોયાં રે
ઘણાં જોયાં સાયરાં
રે જી!
જોયાં તે જોયાં
કાંઈ
ઊંડેરાં નીર અપાર.
– કોઈને .
ચોરા ને આ જોયાં રે
ઘણાં જોયાં ચોવડાં
રે જી!
જોઈ તે જોઈ કાંઈ
અવળી બવળી બજાર.
– કોઈને .
મંદિર ને આ જોયાં રે
જોયાં બીજાં માળિયાં
રે જી!
જોયા તે જોયા
કાંઈ
ઊંચેરા મોલ અપાર.
– કોઈને .
વેલાનો આ ચેલો રે
રામો બાવો બોલિયો
રે જી!
ધણી મારા!
ઓળે આવ્યાને ઉગારો.
– કોઈને .
ઘણો ઘણો શોધ્યો, પણ ક્યાંયે
ભાળ નથી મળતી. એના વિલાપ ચાલુ જ રહ્યા.
વનમાં વાયા મારે વાય
બાળુડા વનમાં વાયા મારે
વાય છે ;
હો... અમે કેના લેશું
રે હવે ઓથ
ગરનારી! કયે રે એંધાણે
આવ્યા ઓળખું?
દયા39 ઠાકરશી40 ભેળા લાવ્ય
બાળુડા! દયા ઠાકરશી ભેળા
લાવ્ય રે
હો ભેળાં મા મીણલ41 ને મુંજલ42 હોય
ગરનારી! એવે એંધાણે આવ્યા
ઓળખો. – વનમાં .
આગુંના અગવા લાવ્ય
બાળુડા! આગુંના અગવા
લાવ્ય રે ;
હો તારાં ભગવાં નિશાણ
ભેળાં લાવ્ય
ગરનારી! એવે એંધાણે આવ્યા
ઓળખો. – વનમાં .
ગરવાહુંદાંયે તારા ગામ
બાળુડા! ગરવાહુંદાંયે
તારાં ગામ રે ;
હો તારો થાને થોકે વાસ
ગરનારી! ઈ રે એંધાણે
આવ્યા ઓળખો. – વનમાં .
વેલાનો ચેલો રામ ગાય
બાળુડા! વેલાનો ચેલો
રામ ગાય છે ;
હો ધણી શરણે આવ્યાને
ઉગાર
ગરનારી! ઈ રે એંધાણે
આવ્યા ઓળખો!
કલ્પનાના વિહાર છોડીને
થોડી વાર રામૈયા જાણે કે જીવનના તત્ત્વજ્ઞાન ઉપર ઊતરે છે, કાયારૂપી શહેરનો વેપાર કરતાં
જાણે કે પોતાને
આવડતું નથી. મનુષ્યાવતાર જેવી મહામૂલી વસ્તુ
મોહરૂપી રેતીમાં વેરાઈ જાય છે :
દયા રે કરો ને ગુરુ મે’રુ કરો
માના રુદયા હે
ભીતર જાણો, વેલા ધણી!
મનખા જેવડું મહા પદારથ
વેળુમાં રે વેરાણું,
વેલા રે ધણી!
ચારે કોરથી વેપારી આવ્યા
(ઈ તો) વેપારી
નવ જાણે, વેલા ધણી!
આ રે શે’રમાં બડી બડી વસ્તુ,
ગાંઠે ન મળે નાણું,
વેલા ધણી!
ચારે કોરથી સળગાવી દેશે
(ઈ તો) સઘળું
શે’ર લૂંટાણું, વેલા ધણી!
વેલનાથ ચરણે બોલ્યા રામૈયા
ઓળે આવ્યાને ઉગારો,
વેલા ધણી!
હે ગિરનારના વાઘેલા!
ઓ વાઘનાથના શિષ્ય! તમે વહેલા આવજો! હું તો પાપી જ છું. મારામાં પલટો આવે તેવું નથી
; પણ તમે આવીને મારી પ્રકૃતિ ફેરવો!
ભજન 17
ગરવાના વેધેલ,
વાઘનાથના પરમોદેલ
રે!
હાકે વેલા આવજો
રે!
અગનિના અંગારા રે
આ અગનિના અંગારા
રે
ઘીમાં લઈને ઘૂંટિયા
રે જી!
કોયલા કાંઈ કે’દી
ન ઊજળા હોય. – ગરવાના .
દૂધે ને વળી દહીંએ રે (2)
સીંચ્યો કડવો
લીમડો રે જી!
લીમડીઓ કાંઈ કે’દી
ન મીઠડી થાય. – ગરવાના .
ખીરું ને વળી ખાંડું રે (2)
પાયેલ વશિયલ નાગને
રે જી!
નાગણીઉં કાંઈ
કે’દી ન નિરવિષ થાય. – ગરવાના .
વેલાને તો ચરણે રે
સરભંગીને તો ચરણે
રે
રામો બાવો બોલિયા
રે જી!
લેજો લેજો સેવકો
તણી રે સંભાળ. – ગરવાના .
નાનાં બાળને રમાડી -
રિઝાવીને કેમ જાણે ઓચિંતી માતા ચાલી નીકળી હોય એવી લાગણીથી રામ રડે છે.
ભજન 18
સેજું પલંગ માથે પોઢતાં
બાળુડા! સેજું
પલંગ માથે પોઢતાં ;
એવાં પથરે પોઢાડ્યાં
નાનાં બાળ ગિરનારી!
મારી વસમી વેળાના!
મારી દોયલી વેળાના
ગિરનારી!
ભૂખતરસ ઘણી ભોગવી
બાળુડા! ભૂખતરસ
ઘણી ભોગવી ;
મેં તો ઘણા ભોગવ્યા
અપવાસ ગિરનારી!
અમર પિયાલા તારા હાથમાં
બાળુડા! અમર પિયાલા
તારા હાથમાં ;
આજ વિષની ગોળી
શીદ પાવ ગિરનારી!
અમર વેલો જ્યારે આવશે
બાળુડા! અમર વેલો
જ્યારે આવશે
આજ પડિયાં છે
મારે તારાં કામ ગિરનારી!
મારી વસમી વેળાના!
મારી દોયલી વેળાના
ગિરનારી!
હે ગુરુ! તું તો મારી
રોમરાઈમાં રમી રહ્યો છે. તું તો મુજ સ્વરૂપી ખોખરી છીપનું સાચું મોતી છે. તું તો મારી
જીવન-નગરીનો અશ્વારોહી ચોકીદાર છે, મહાજન વેપારી છે. તું વિના જીવન રઝળી પડ્યું છે.
ભજન 19
હાલો મારી રોમરાના રમનારા
બાપુ! મારી કાયાના
ઘડનારા રે
ગિરનારી વેલૈયો
છે
એવા ચાર ચાર મતવાલા રે
બાળપણમાં ભોગવ્યા
હો જી
મારી નાટુકલી
નગરીમાં રે
ગિરનારી ઘોડો
ફેરવો હો જી. – હાલો .
એવા ચાર ચાર મતવાલા રે
જુવાનીમાં ભોગવ્યા
હો જી!
હાલો મારી ખોખરી
છીપના મોતી રે!
મોતી હજી ના’વિયા
હો જી. – હાલો .
એવા એવા ચાલ મતવાલા રે
બુઢાપણમાં ભોગવ્યા
હો જી!
હાલો મારી નાટુકલી
નગરીના
મા’જન હવે ઊછળ્યા
હો જી. – હાલો .
ગુરુ વેલાને ચેલો રે
રામો બાવો બોલિયા
હો જી!
અરે દાદા! અમે
સેવક ને તમે મારા રામ
રામ! વે’લા આવજો હો જી. – હાલો .
પછી તો રામે ભયાનક સમયનાં
આગમ સંભળાવવા માંડ્યાં. પણ એમાં કાંઈ સ્પષ્ટ વાત નથી :
ભજન 20
લીલૂડાં રે વન ગરવા તણાં એ જી
હે વેલા, તળિયે
તમારો વાસ હાં!
ખીરે રે પછમ 43 કેરો રાજિયો રે જી!
દળમાં જોઉં રે
ગરનારી તારી વાટ હાં!
અવચળ જોઉં રે
વેલૈયા તારી વાટ હાં. – પીર રે .
ઓતર 44 થકી રે દળ આવશે હો જી!
ગઢ ઢેલડી મેલાણ
હાં. – પીર રે .
કાષ્ઠના ઘોડા જ્યારે ધોડશે રે જી!
ગઢ જૂનાની બજાર
હાં. – પીર રે .
હરણાં હાટડિયુંમાં બેસશે 45 એ જી!
એનાં મા’જન કરશે
મૂલ હાં. – પીર રે .
દળમાં જોઉં રે નેજાળા! તારી વાટ હાં!
અવિચળ જોઉં રે
ગરનારી! તારી વાટ હાં. – પીર રે .
ભેળી ભવાની ગઢ ભેળશે રે જી!
તારી વસતુ સાંભળ
મોરા વીરા હાં. – પીર રે .
ભીડ્યું પડે ને ગુરુ સાંભરે જી!
અરે વેલો આવ્યા
વાર બે વાર હાં. – પીર રે .
વેલનાથ ચરણે રામો બોલિયા રે જી!
અરે બાળુડો મળિયા
અંગો રે અંગ હાં. – પીર રે .
છેવટે રામૈયાએ બીજું
આગમ ભાખ્યું : જાણે પશ્ચિમ દિશામાંથી કોઈ અવતારી પુરુષ આવશે અને દિલ્હી (ઢેલડી) ગઢ
પર ઉતારા કરશે. તે કાળે મહાયોદ્ધા જાગશે : ગિરનાર ધણેણશે :
ભજન 21
ગરવો ધણેણ્યો વાજાં વાગશે હો જી!
વાગે અનહદ તૂર
વાગે ત્રાંબાળુ
તૂર રે
ગરવો ધણેણ્યો
વાજાં વાગશે હો જી!
સતિયું સંદેશા
તમને મોકલે રે જી!
વેલા! સૂતો હો તો જાગ!
ઓલિયા સૂતો હો
તો જાગ રે
એવા એવા સૂતા નરને જગાડજો હો જી!
ગરવે નેજા ઝળેળ્યા
ગરવે નેજા ઝળેળ્યા
રે
આવ્યા કળુને 46 હવે ઓળખો રે જી!
પછમ દશાએ સાયબો
આવશે એ જી!
ગરવે હુકાળ્યું 47 મચાવે રે
ગરવે હુકાળ્યું
મચાવે રે
તેર તેર મણનાં
તીરડાં ચાલશે એ જી!
મણ ત્રીસની કમાન
મણ ત્રીસની કમાન
એવા એવા જોધા
દળમાં જાગશે એ જી!
ગઢ ગરવેથી ગેબી જાગશે એ જી!
ગઢ ઢેલડીએ મેલાણ
ગઢ ઢેલડીએ મેલાણ
જોજો રે તમાશા
રવિ ઊગતે એ જી!
એક એક નર સૂતો
ગઢની પ્રોળમાં એ જી!
જાણે નવહથો 48 જોધ
જાણે નવહથો જોધ
રે
એવા એવા સૂતા
નરને જગાડજો એ જી!
તખત તરવેણીના
તીરમાં એ જી!
ધમણ્યું ધમે છે લુવાર રે
ધમણ્યું ધમે છે
લુવાર રે
અવચળ અવિનાશી
એનાં રાજ છે રે જી!
વેલનાથ ચરણે રામ
બોલિયા રે જી!
જુગ પંચોરો આવે
જુગ પંચોરો આવે
જુગના પતિ હવે
જાગજો એ જી!
વેલાના ચરણે રામો
બોલિયા રે જી
ગુરુ દશ્યુંનો દાતાર
ગુરુ મુગતિનો
આધાર રે
જુગના સ્વામી
રે હવે જાગજો એ જી!
પોતે જાણે ગુરુજીના ધર્મ-સૈન્યનો
શૂરો લડવૈયો બન્યો છે :
ભજન 22
નેજા રે ઝળક્યા ગુરુના નામના
ગગને ગડેડ્યાં
નિશાણ.
શૂરા સાણા રણવટ
સાંચર્યા
ઊગંતે રવિ ભાણ
;
વીરા મારા! કાયરના
રણમાં કેમ રહીએ,
કરીએ સૂરાના રણમાં
સંગ્રામ!
ચલગત પેરી મારા શામની રે
રધ સધનાં રે રેણ
;
રેણ ઉતારી રાણે
રાજીએ
એનાં અવચળ વંકડાં
વેણ. – વીરા મારા .
ઓથારી નર ઊઠિયા એનાં
ઊંઘ ભેળી રે ઊંઘ
;
મનડાં માયામાં
મોહી રિયાં
ભલી એની બીડાણી
બૂંબ. – વીરા મારા .
માનવી જાણે નર મરી ગયા
એણે અમર ધર્યો
અવતાર ;
નૂરી જનનાં રે
ગામ હોશે
રઘુપુરી માંહે
વાસ. – વીરા મારા .
અમરાપુરીનો ગઢ ભેળતાં
સહુને હોશે હાણ
;
મોટા મુનિવરે
મન જીતિયાં
જીત્યાં અમરાપુરીનાં
ધામ. – વીરા મારા .
અલખ નરને કોણે ન લખ્યો.
અણલખ્યો અવતાર
;
ટાંક 49 લઈને કોણે ન તોળ્યો
અણતોળ્યો એનો
ભાર. – વીરા મારા .
આ કળજુગને કૂડીએ
પેરી બગાડ્યો
ભેખ ;
આંધળે વાટું પકડિયું
ને
દીઠા વણનો રે
દેશ. – વીરા મારા .
નીર નવાણે ને ધરમ ઠેકાણે 50
વાવળિયા વહી જાય,
વેલનાથ-ચરણે રામ
બોલ્યા
સતે સત રે થવાય.
– વીરા મારા .
પોતાના ગુરુજીનો મહિમા
ગાય છે. ગુરુને પ્રભુપદ આપી દે છે. પ્રભુ ને ગુરુ એકાકાર થઈ જતા દેખાય છે. પોતે જાણે
પોઢેલી સુંદરી છે ને ગુરુરૂપી સાયબો દુશ્મનોને કાપવા માટે અખંડ જાગ્રત રહી એની રક્ષા
કરે છે.
ભજન 23
એવા રમતિયાળ ગુરુજી હમારા
આકાશી પિયાળ 51 ચૌદ લોકમાં રમી રિયા જી!
જરાક પાણી બાળા પરષોત્તમના હાથમાં
એવા સાત સમદર
ને આકાશીનાં નીર
ગરનારીની તુંબડીને
તળે સમાણાં જી. – એવા .
બાળુડાની તુંબડીને
તળે સમાણાં જી. – એવા .
સંસારીનાં સોગઠાં બાળુડાના હાથમાં
એવા દાવ ખેલે
છે ગિરનારી વેલનાથ. – એવા .
હું રે સૂતી મારો સાયબો જાગે જી
એવા વેરી દશમનને
કાપવા...હાં. – એવા .
ઓહંગ સોહંગ મારો સતગુરુ જાણે
કાળે વારી દુશ્મનની
વાટ. – એવા .
સરગની નિશાણી સાયબો કેને રે બતાવે
ત્રણે ભવનનાં
તાળાં તમારે હાથ. – એવા .
ગતિ ને મતિ મારા ગુરુજીની ગાંઠેજી
ગુરુજીના ગૂંજામાં
છે ગરનાર હાં. – એવા .
વેલનાથ-ચરણે બોલ્યા રામૈયા
દાસ રે રામૈયાને
ચરણોમાં રાખ. – એવા .
ભજન 24
ઓળખજો રે કોઈ ઓળખાવજો!
બાળા જોગીને કોઈ
બોલાવજો!
આ કળજુગની દોરી વેલે લીધી હાથ
દોરીમાં બોલે
દીનોનાથ.
મેરુ શિખર ને ગગન ધામ
તિયાં વસે છે
વલૈયો નાથ.
દીઠી કરી અણદીઠી નવ થાય
ઈ રે કાયાનો ગઢ
કેમ લેવાય?
અવળી ગુલાંટે જે નર જાય?
ઈ કાયાનો ગઢ એમ
જિતાય.
પેલા તે સોટે પૂગ્યા રામ
જ્યાં હતા ધણીના
વિશરામ.
ધરમધણી બાવે સાખિયા પૂર્યા
તે દી વેલૈયો
છતરાયા થિયા.
વેલાને ચરણે બોલ્યા રામ
તમારી સરીખાં
મારે કામ.
ગિરનારી વેલાના ઉતારા
કોઈ ‘સમદર બેટ’માં હોવાનું રામૈયે ગાયું. કયો એ બેટ, તેની ખબર પડતી નથી. પણ રામૈયો
મસ્તીએ ચડ્યો. એની સન્મુખ ગુરુજીનું સુંદર તપસ્વી સ્વરૂપ રમવા લાગ્યું :
ગરનારીના ઉતારા રે
ભાઈ! વેલાના ઉતારા
રે
સમદર બેટમાં રે
જી!
ટાઢા એવા ટુકડા રે બાળુડાને જમવા રે જી,
જોજો એની જમ્યા
તણી ચતુરાઈ. – ગરનારીના .
ફાટલ એવાં વસ્તર રે બાળુડાને પે’રવા રે જી,
જોજો એની પે’ર્યા
તણી ચતુરાઈ. – ગરનારીના .
સૂળીને તો માથે રે બાળુડાના સાથરા રે જી,
જોજો એની પોઢ્યા
તણી ચતુરાઈ. – ગરનારીના .
વેલાના તો ચરણે રે રામો બાવો બોલિયા રે જી,
દેજો! દેજો! પીરુંના
ચરણુંમાં વાસ. – ગરનારીના .
ભજન 26
ગરનારી! ગરવો શણગાર રે
જૂના જોગી ગરવો
શણગાર રે
જૂનાણું જોવાની મારે હામ છે
મરઘી-કંડ કાંઠે
ઊભી જોગણી રે
બાપુડા! મરઘી-કંડ
કાંઠે ઊભી જોગણી રે
જોગણી કરે લલકાર
રે. – જૂનાણું .
ચડવા ઘોડો પીરને હંસલો
બાળુડા! ચડવા
ઘોડો પીરને હંસલો
ચળકે તીર ને કમાન
રે. – જૂનાણું .
વેલાનો ચેલો રામ બોલિયા રે
બાળુડા! વેલાનો
ચેલો રામ બોલિયા રે
આવ્યા શરણે ઉગાર
રે. – જૂનાણું .
આ પ્રભાતિયું નારણ મંડળિયા નામના કોઈ કણબીએ
રચ્યું છે :
ભજન 27
જાગો ને ગરવાના રે રાજા!
જાગો ને ગરનારી
રાજા!
તમે જાગો પરભાત
ભયા.
દામો રે કંડ ગુરુ! વાડી તમારી
ટાઢાં રે જળ એ
કરિયાં ;
દામા કંડમાં નાવાંધોવાં
પંડનાં પ્રાછત
દૂર થિયાં. – જાગો ને .
ભવનાથજીમાં મેળો ભરાણો,
કુળ તેત્રીસ દેવ
જોવા મળ્યા
ભવનાથમાં રે ભજન
કરતાં
લખ ચોરાશીના ફેરા
ટળ્યા. – જાગો ને .
ઊંચું રે શિખર માતા અંબાનું કહીએ
નીચા વાગેશરીના
મોલ રે ;
વેદિયા નર ત્યાં
વેદ જ વાંચે
મુનિવર તારું
ધ્યાન ધરે. – જાગો ને .
તાલ પખાજ વેલા! જંતર વાગે
ઝાલરીએ ઝણકાર
ભર્યો
વેલનાથ ચરણે ગાય
નારણ માંડળીઓ
શરણે આવીને તમારે
રિયો. – જાગો ને .
મૈયારી ગામના ગરાસિયા
રાણીંગ મેર પણ વેલાના દાસ બન્યા. એણે ભજન આદર્યાં :
ભજન 28
રાણીંગદાસ સરભંગી સા’બના ચેલા,
રાણીંગદાસ ગિરનારી
સા’બના ચેલા.
મેલી મયારી ને
મેલી રે મમતા,
હુવા ગરાસિયા
ઘેલા. – રાણીંગદાસ .
ગરવેથી ગેબી જોર બજાવે ને
પાયા પિયાલા લઈ
પૂરા. – રાણીંગદાસ .
પિયો પિયાલા મગન ભયા મન
છૂટી સોનામાં
ગજ ગેલા. – રાણીંગદાસ .
શબદે મારે ને શબદે જિવાડે ધણી
શબદે સૂકાં ને
કરે લીલાં. – રાણીંગદાસ .
વેલનાથ ચરણે બોલ્યા રાણીંગદાસ
માતા મીણાં ને
પિતા વેલા. – રાણીંગદાસ .
ભૈરવજપના શિખરની નજીક
સાત વીરડા છે. એ વીરડા વેલા બાવાના કહેવાય છે. દર વર્ષે મહાશિવરાત્રીના મેળા વખતે એક
વેલા બાવાના વંશ માંહેલો માણસ ને એક સેંજળિયા કણબીનો કુટુંબી એ વીરડા પર જાય છે. પાંદડાંનો
કૂચો વાળી-ચોળી વીરડા સાફ કરે છે. લોબાનનો ધૂપ પેટાવે છે. પછી એકતારાના સૂર સાથે આરાધ
ઉપાડે છે કે,
ભજન 29
આવો તો આનંદ થાય
ના’વો તો પત જાય
રે ;
ગરવાવાળા નાથ
વેલા!
આરે અવસર આવજો!
અનહદ વાજાં વાગિયાં સ્વામી!
જોઉં તમારી વાટ
રે ;
હું સુવાગણ સુંદરી
મારે તમારો વિશવાસ
રે – આવો તો .
કાયામાં કાળીંગો 52 વ્યાપ્યો
થોડે થોડે ખાય
રે ;
ભવસાગરમાં બેડી
બૂડતાં
બાવે પકડેલ બાંય
રે – આવો તો .
સામસામાં નિશાન ઘુરે ધણી 53 !
ધારે પડઘાયે જાગ
રે,
ખડગ ખાંડું હાથ લીધું
ભાગ્યો કાળીંગો
જાય રે. – આવો તો .
વેલનાથ તમારા હાથમાં
બાજીગરના ખેલ
રે ;
વેલા-ચરણે બોલ્યા
રામૈયો
ફેર મનખ્યો 54 લાવ્ય રે. – આવો તો .
કહે છે કે પૂર્વે આ ગીત
ગવાતું ત્યારે સહુ માણસો દેખે તેમ પથ્થરોમાંથી પાણીનાં ઝરણાં આવતાં અને વીરડા જળે ભરાતા.
એ પરથી તો વરસ મપાતું. વીરડા છલી જાય તો સોળ આના વરસ ને અધૂરા રહે તો તે પ્રમાણે. વરસની
એંધાણી જોવા માટે ઘણા ઘણા કણબીઓ ત્યાં જતા. નજરે જોનારા આ વાતની સાખ પૂરે છે. એક વધુ
આગમ-ગીત નીચે મુજબનું મળ્યું. એ ગીતમાં તો પરચાઓ પ્રત્યે તિરસ્કાર જ દર્શાવ્યો છે
:
ભજન 30
વેલા ધણી વચન સુણાવ રે!
આગમ વેળાની કરું
વિનતિ.
બાળુડા! બાળુડા! મૂવાં મૈયતને બોલાવશે ;
એને હથેળીમાં
પરમ્યાર દેખાડે રે
એવા પાખંડી નર
જાગશે! 55
બાળુડા! બાળુડા! જળને માથે આસન વાળશે ;
એનાં અધ્ધર પોતિયાં
સુકાય રે. – એવા . 56
બાળુડા! બાળુડા! બગલાંની વાંસે બાળા ધોડશે,
એક નર ને ઘણી
નાર રે. – એવા . 57
બાળુડા! બાળુડા! ઘોડામુખા નર તો જાગશે,
એની વાણમાં સમજે
નહીં કોઈ રે. – એવા .58
વેલનાથ ચરણે રામો બોલિયા રે જી
ઈ છે આગમનાં એંધાણ
રે
આગમ વેળાની કરું
વિનતિ.
રામ બાવાએ આવાં ત્રણસો
ભજન રચ્યાં કહેવાય છે. કેટલાંએકમાં શબ્દની વિકૃતિ એટલી બધી થઈ ગઈ છે કે અર્થ સૂઝતો
નથી.
[વેલા ભગતની સમાધિ સૌરાષ્ટ્રમાં
ખાખરિયા સ્ટેશન પાસે ખડખડ ગામમાં છે. જગ્યા સાદી છે. દેવમંદિર જેવું કશું નથી. બીજી
જગ્યા ગિરનારની તળેટીમાં ભવેશ્વર પાસે છે.
એની ચોથી–પાંચમી પેઢીનાં
કુટુંબો ખડખડમાં વસે છે. એ લોકો સૌરાષ્ટ્રના ઘણા કોળીઓ પાસેથી કાંઈક લાગો ઉઘરાવીને
નભે છે.]
પુરાતન જ્યોત
સંત દેવીદાસ
મ હાશિવરાત્રિનો મોટો
તહેવાર હતો. ભક્તિના નશામાં મસ્તાન બનેલો દરિયો રત્નેશ્વર મહાદેવની ગુફામાં કેમ જાણે
લીલાગર ઘૂંટતો હોય તેવી ખુમારીથી ભરતીનાં જળ એ સાંકડા ભોંયરામાં પેસતાં હતાં ને પાછાં
ઘુમ્મરો ખાઈ ખાઈ બહાર ધસી આવતાં હતાં. કોઈ બરકંદાજની નજરથી નિહાળીએ તો જાણે કે રત્નાકર
એક પ્રચંડ તોપની અંદર દારૂગોળો ઠાંસી રહ્યો હતો.
સોરઠને ઉગમણે કિનારે
એક એકાન્ત સ્થાનમાં અરબી સાગરનું એ અંતર્ગત નાનું તીર્થ આવેલું છે. પૃથ્વીનું પેટાળ
ભેદીભેદીને રત્નાકરે એ ભોંયરું રચ્યું, ને માનવીઓએ કોણ જાણે કયા અકળ કાળમાં એ ભોંયરાને
ઊંડે છેડે શિવલિંગ બેસાડ્યું. માનવજાતિનો હરેક મહાન સંસ્કાર જમાને જમાને ભયાનકતાનું
શરણ લેતો આવ્યો છે. એ જ અવસ્થા ધર્મ નામના માનવસંસ્કારની થતી આવી છે. ધર્મનાં મૂળિયાં
ઢીલાં પડ્યાં ત્યારે એણે ભીષણતાને પોતાની બહેન બનાવી લીધી.
રત્નેશ્વર મહાદેવની એ
ગુફામાં ધસતાં ને પાછાં ઉલેચાતાં સાગર-જળ નિહાળતાં કાચાં હૈયાં થરથરી ઊઠે.
પ્રભાતનો પહોર ચડતો હતો
ત્યાં જ પાસેના દિયાળ ગામમાંથી બ્રાહ્મણોનાં જૂથ ઊમટવા લાગ્યાં. તેઓની જોડે લીલાગર
ઘૂંટવાની ખરલો, છીપરો, ઉપરવટણા, ભાંગનો મસાલો ને મોટાં રંગાડાં પણ આવી પહોંચ્યાં.
ભરતી પાછી વળી ત્યારે
રત્નાકરે રત્નેશ્વરનું ભોંયરું ખાલી કરી દીધું. ભયાનકતા દૂર ચાલી ગઈ. બ્રાહ્મણો અંદર
ઊતરીને ભોંયરામાં પેઠા ને પાણી પાછું કદાપિ ચડવાનું જ નથી એવા પ્રકારની વ્યાસભરી લહેર
કરતાં સહુએ શિવલિંગ સમક્ષ સુખડ ઘસીને લલાટો પર સુંદર ત્રિપુંડો ખેંચ્યાં. ગુફાનું પોલાણ
‘બોમબોમ ભોળા’ના ઘેરા અવાજોથી ભરપૂર બની ગયું.
‘‘કેદાર!’’ બેઠેલા જૂથમાંથી
એક ત્રિપુંડધારીની હાક પડી : ‘‘તું અહીંથી બહાર નીકળ.’’
‘‘કોણ, કેદારિયો આવ્યો
છે? માર્યા રે માર્યા,’’ એવું બોલતાં બીજાઓએ પણ એક માણસને નિહાળી પોતાનાં આસનો જરા
છેટાં જમાવ્યાં.
‘‘બહાર નીકળ આ તીર્થમાંથી!’’
પ્રથમ વારનો અવાજ ફરીથી વધુ જોરાવર બનીને વછૂટ્યો.
‘‘પણ મારો વાંક શો છે?’’
કેદારે દૂબળો સવાલ કર્યો.
‘‘વાંક!’’ બે વાર બોલેલા
એ ભવ્ય પુરુષે ફરીથી ગુફાને ગુંજાવી : ‘‘હજુય તું હાથે ખેડ કરતો અટક્યો છો? તમામ બ્રાહ્મણોએ
પોતાની જમીનો કોળીઓને ખેડવા દીધી, તે છતાં તેં હજુ તારી હઠીલાઈ છોડી છે? તારા દેદાર
તો જો! તારું ધરતીનાં ઢેફાં સાથેનું જીવતર, તારાં સ્નાન--શૌચનાં ઠેકાણાં ન મળે : તારાં
લૂગડાં આ ગુફાને ગંધાવી મૂકે તેવાં : તું મનુષ્ય છે? વિપ્ર છે? મહારાજ સિદ્ધરાજે વિપ્રોને
આ જમીન આપી તે પશુ જોડે પશુ બનવા માટે? કે ધર્મની રખેવાળી માટે?’’
‘‘પણ પૂજારીજી!’’ સુખડ
ઘસતા બ્રાહ્મણોમાંથી એક જણ બોલી ઊઠ્યો : ‘‘તમે એ બધી વાતો કરો છો, ને મુદ્દાની વાત
પર તો આવતા જ નથી.’’
‘‘શી, શી છે મુદ્દાની
વાત?’’ બીજાઓએ પૂછ્યું.
‘‘હા, હું જાણું છું.
હું હમણાં જ એ કહેવાનો હતો. કેદાર, તારી માને રક્તપિત્ત છે. છતાં તેં હજુ એને ઘરમાં
સંઘરી મૂકી છે. રત્નાકર રોજ રાતે મારા સપનામાં આવીને જવાબ માગે છે, મને આજ્ઞા કરે છે
કે મારો ભોગ મને હજુ સુધી કાં નથી અર્પણ કરી દેતા?’’
‘‘હું શું કરું!’’ કેદાર
નામનો ચૂપ બેઠેલો ખેડુ બ્રાહ્મણ બીતો બીતો બોલ્યો. એના શરીર ઉપર કંગાલી છવાઈ ગઈ હતી.
એના માથામાં ઉંદરીની રસી વહેતી હતી ને એને ગળે, હાથે, પગે છારી વળી ગઈ હતી. આસપાસ બેઠેલા
તમામ ઘાટીલા, નાજુક, સ્વચ્છ ને રંગીલા દેખાતા વિપ્રો વચ્ચેથી કેદારની શિકલ બહાર તરી
નીકળતી હતી.
‘‘શું કરું એટલે, ભાઈ?’’
પૂજારીનો સૂર જરા નરમ પડ્યો. ‘‘રક્તપિત્ત એ રોગ નથી, બાપા! એ તો પાપ છે. મહાપાપ છે.
એ પાપ પૃથ્વી ઉપર સમાય નહીં. એ પાપ તો એકલી તારી માને જ નહીં, પણ તારા કુળને, તારાં
બાળબચ્ચાંને, તારા વંશવેલાને, અરે, આખા ગામને ભરખી જશે. એ પાપને તો સંઘરે છે એક મારો
નાથ રત્નાકરદેવ. હવે સમજ પડી?’’
કેદાર આ બધું સાંભળતો
હતો, ત્યારે એનું મોં એનાં બે ઘૂંટણોની વચ્ચે દટાયું હતું. પોતાની આંખોને એણે બે હાથની
અદબની પાછળ છુપાવી દીધી હતી.
‘‘સમજ પડી કે, બાપા?’’
એ સવાલ ફરીથી સંભળાયો.
કેદારે માથું ઊંચુ કરીને
પૂજારી સામે ડોકું હલાવ્યું ત્યારે એની પાંપણો ભીની હતી.
‘‘જા, ઊઠ ત્યારે, તારી
મા પાસે સંકલ્પ કરાવ. આવતી પૂનમનું પ્રભાત અતિમંગલ છે. હું મધુવન, મેથળા, કોટડા, કળસાર,
ગોપનાથ, તળાજું વગેરે સ્થળોમાંથી વેદવાન વિપ્રોને તેડાવું છું. જા, તું તારી માને મનાવ.
કહેજે કે આમાં તો મહાપાપનું નિવારણ રહ્યું છે. ને જન્મ્યું તેને એક વાર મરવું તો છે
જ ને?’’
‘‘ને વળી, પૂજારીજી!’’
બીજા વિપ્ર બોલી ઊઠ્યા : ‘‘આ રોગ લઈને જીવવું એ તો મરવા કરતાંય વધુ ભયાનક નરકવાસ જ
છે ને?’’
‘‘ને આપણે આંગણે રત્નેશ્વર
બિરાજેલ છે. આપણું ગામ તો અનેક આવાં મહાપાપીઓનું, અશરણોનું શરણ છે. આ ટીંબે તો ગામેગામથી
પતિયાં, કોઢિયાં રત્નાકરને ખોળે બેસવા ચાલ્યાં આવે છે. તો પછી તીર્થ જ જેઓનું છે તેઓના
જ શા ભોગ કે તેમને લાભ લેવાનું સૂઝતું નથી?’’
કેદાર ત્યાંથી ઊઠ્યો.
‘‘મ ને કોઈ લોટો પાણી
દેશો?’’
એ ક્ષીણ અવાજ ઢોરની નીરણ
ભરવાના ઓરડાના ઊંડાણમાંથી આવતો હતો. બાજુના ઓરડામાંથી કોઈ જવાબ દેતું નહોતું. ફરીથી
એ નો એ જ સાદ નીકળ્યો : ‘‘વહુ, બેટા, મને એક લોટો પાણી રેડશો? તરસ બહુ લાગી છે.’’
ફળીમાં બીજાં ત્રણચાર
ઘર હતાં. ત્યાંનાં રહીશો આ પાણીની માગણી સાંભળતાં હતાં ; ને અંદરઅંદર વાતો કરતાં હતાં
કે ‘કોઢણી બોકાસાં નાખે છે, વહુ ઘરમાં લાગતી નથી. શું કરવું, બાઈ! રોજનું થિયું : એનો
ઓછાયોય ભેંકાર કે’વાય, માડી!’
આટલી વાતો પતાવીને પછી
પાછાં પાડોશીઓ પોતપોતાને કામે લાગતાં હતાં. કોઈક સ્ત્રી બોલી ઊઠતી : ‘‘ઠીક સાંભર્યું,
મારી વાછડી ક્યારની ભાંભરડાં દિયે છે. તરસી થઈ હશે, લે, પાણી પાઉં.’’ એમ બોલીને એ પોતાની
વાછડીને પાણી પાવા દોડતી હતી.
પરસાળ ઉપરના પાણિયારાની
નીચે ત્રણચાર સડેલાં તેમ જ સાજાંતાજાં કૂતરાં આવી કૂંડામાંથી પાણી પી જતાં હતાં, નીચે
પડેલ હાંડાની અંદર પણ જીભ નાખતાં હતાં. એ સહુને પાણી મળી રહેતું, પણ ઘાસના અંધારા ઓરડામાંથી
‘કોઈ પાણી દેશો?’ના અવાજની સંભાળ લેવા કોઈ ત્યાં નહોતું ડોકાતું.
‘‘લાલા, બેટા, વહુ ક્યાં
ગઈ છે? કોઈ પાણી દેશે?’’
એવા ચોથી વારના અવાજે
બાજુના ઓરડાનું ઘોડિયું સળવળાવ્યું. અંદરથી એક ત્રણેક વર્ષનો છોકરો મહેનત કરીને નીચે
ઊતર્યો. સાદ જ્યાંથી આવતો હતો તે ઓરડાની બહાર ઊભો રહ્યો. પૂછ્યું : ‘‘કોણ છે?’’
‘‘લાલા, બેટા, હું છું.’’
‘‘મા છે?’’
‘‘હા, બેટા.’’
‘‘મા, શું છે?’’
‘‘મારે પાણી પીવું છે
; કોઈ ઘરમાં નથી?’’
‘‘હું છું.’’
‘‘બહાર કૂંડામાં પાણી
છે?’’
‘‘નથી.’’
‘‘ઠીક ત્યારે, કંઈ નહીં,
બેટા! તારી બાને આવવા દે.’’
‘‘મા, તમે અંધારે અંધારે
કેમ બેઠાં છો? તમે ખડ ખાવા બેઠાં છો, મા? તમે બહાર આવોને, મા!’’
‘‘લાલા, બેટા, મારાથી
બહાર અવાય નહીં. કોઈને મોં દેખાડાય નહીં.’’
‘‘મા, મારે તમારું મોં
જોવું છે.’’
‘‘ના, બેટા, મારું મોં
બહુ વહરું છે. મારું નાક ને મારા હોઠ ખવાઈ ગયા છે. તું મને ભાળીને બી જા, બેટા!’’
‘‘નહીં બીઉં, મા. તમને
અહીં કોણે રાખ્યાં છે, મા? બાએ? બાપુએ? બાને હું મારું? બાપુને હું મારું? મા તમે મને
રમાડો. તમે મને વાર્તા કહો, તમે મને હીંચોળો, મને હાલાં કરો.’’
જવાબમાં કશો અવાજ આવ્યો
નહીં. ફક્ત એક ન્યાસ સંભળાયો.
‘‘મા, તમારું નાક ખવાઈ
ગયું છે? મારે જોવું છે. કોણ ખાઈ ગયું?’’
‘‘નહીં, બેટા, ન જોવાય.
આવતો ના, હો.’’
નાનો બાળક આ નકારને ગણકાર્યા
વગર અંદર ચાલ્યો. એની ઝાંઝરી ખખડી એટલે અંદરથી અવાજ થયો : ‘‘ન અવાય, બેટા લાલા! બહાર
રે’જે! બહાર રે’જે! મને ન અડાય.’’
આટલું કહેતાં તો નાનો
બાળક છેક પાસે પહોંચી ગયો. જ્યાં પહોંચ્યો ત્યાં અસ્પષ્ટ અજવાસ હતો. જઈને એ ત્યાં બેઠેલાં
દાદીમાના ખોળામાં ચડી બેસી ગયો.
દાદીમાએ મોં ઉપર ઓઢી
લીધું. હાથનાં આંગળાં છુપાવી દીધાં. ઉપરાઉપરી પોકાર કરવા લાગી : ‘‘તને વળગશે! બેટા,
તને વળગશે! તું ન અડતો મને.’’
‘‘હી-હી-હી-હી, મા,’’
નાના બાળકને જાણે કે ઘણા દિવસ પછી પોતાનું કોઈ ગુમ થયેલું રમકડું જડી ગયું. દાદીમાનો
ઘૂમટો પણ ખોલાવવા એ ખેંચાખેંચ કરવા લાગ્યો : ‘‘ઉઘાડો, મા. ઉઘાડો. મોઢું ઉઘાડો!’’
‘‘લાલા, બેટા, કોઈને
કહી ન દે તો ઉઘાડું.’’
‘‘નહીં કહી દઉં. ઉઘાડો.’’
દાદીમાએ ઘૂમટો ખોલ્યો.
એ મોં ઉપરથી મૃત્યુએ બટકાં ભરી લીધાં હતાં. રસી અને લોહી ટપકતાં હતાં. દુર્ગંધની મિજબાની
ઉડાવતી માખીઓ બણબણવા લાગી.
બાળકે એક નવીન જ ચહેરો
દીઠો. એણે દાદીમાને વેશપલટો કરીને બેઠેલ દીઠાં. મા, મા કરતો એ ભેટી પડ્યો.
બરાબર એ જ વખતે રત્નેશ્વરની
ગુફાએથી કેદાર આવી પહોંચ્યો ને રક્તકોઢણી માતાના ઓરડા પાસે જતાં જ એણે ભયાનક દૃશ્ય
જોયું : પોતાના એકના એક પુત્ર લાલાને જ એ ડાકિની જાણે કે ખાઈ જઈ રહી હતી.
‘‘ડોકરી!’’ એણે બૂમ પાડી
: ‘‘મારો છોકરો ભરખવો છે? હજુય તને જીવવાનું ગમે છે? રત્નાકર તારી વાટ જુએ છે. હવે
તો ભલી થઈને જા!’’
છોકરાને ખેંચી લઈ છાણ
વતી સ્નાન કરાવ્યું, ખૂબ માર માર્યો. છોકરો ઊંઘી ગયો ત્યારે એ ઊંડા ઘરમાંથી ડોશીએ પૂછ્યું
: ‘‘ભાઈ, મુરત જોવરાવીશ, બેટા?’’
પૂ નમની આગલી રાતે રત્નાકરને
ભોગ ચડાવવાનું નક્કી થઈ ચૂક્યું હતું. અને એ પતી ગયે કેદાર પાસેથી ચોર્યાશીનું જમણ
ક્યારે લેવું તેની ચર્ચા ચાલતી હતી. મોડી રાતે ગામલોક નીંદમાં જંપી ગયા પછી એક સ્ત્રી
ડગુમગુ પગલાં ભરતી બહાર નીકળી. એની ચાલ્ય ચોરના જેવી હતી. કેમ કે એ માનવસમાજ પાસેથી
અક્કેક દિવસ ચોરી લઈને જીવતી હતી. એ કેદારની મા હતી.
રાતના અજવાસમાં રેતીના
પણ્યાને (ઢગલાઓને) ખૂંદતી ખૂંદતી એ દરિયાકિનારે ગઈ. આજે ત્યાં એક શિવલિંગ છે. ને ચાર
ખૂણે ચાર પાયા છે. પૂર્વે તે શિવાલય હશે એમ મનાય છે. આજે એને લોકો ‘બથેશ્વર’ નામે ઓળખે
છે.
‘‘હે બથેશ્વર દાદા!’’
કેદારની માએ પ્રાર્થના કરી : ‘‘મારા કેદારને હું તમારા વરદાનથી59 પામી હતી. તમે મારી બાથમાં સમાઈ ગયા’તા. આજ મારો પેટનો જણ્યો જ ઊઠીને મને
દરિયો બૂરવાનું કહે છે. પેટનો પુત્ર બદલી બેઠા પછી ધરતી ઉપર પણ જળપ્રલય થયા જેવું જ
લાગે છે. તમારી રજા માગું છું. મારા કેદારનો લાલો છે ને, એની રક્ષા કરજો.’’
પ્રભાતે કેદારની માનો
વાજતેગાજતે વરઘોડો નીકળ્યો.
ડોશીએ પોતાનું વિકૃત
થયેલું મોં ઢાંકી દીધું હતું. પોતાનાં ખાવાપીવાનાં ઠામડાં એણે સાથે લીધાં હતાં. પોતાનાં
લૂગડાંની પણ બચકી માથા ઉપર ચડાવી હતી.
‘‘ભાઈ કેદાર,’’ ડોશીએ
એક બાજુએ ઊભા રહીને કાકલૂદી કરી : ‘‘લાલો ક્યાં છે?’’
‘‘લાલાને રમવા તેડી ગયા
છે.’’
‘‘લાલાને સાચવજે, હો
ભાઈ! આપણી જાંબલી ગા છે ને, તેનો વેલો બીજા કોઈ બ્રાહ્મણને આંગણે નથી, માટે એને વેચી
દેતો નહીં. ને તુંને પેટમાં દુખાવો ઊપડે છે માટે મઠ ખાતો નહીં, મઠ તને જરતા નથી.’’
ડોશીની આખરી વેળાની આવી
ભલામણો સાંભળીને બ્રાહ્મણો હાંસીની મોજ માણતા હતા.
ફક્ત કેદાર જ મોં ફેરવીને
ઊભો હતો. ‘હો’ ‘હો’ જેટલો પણ એનાથી ઉચ્ચાર ન થઈ શક્યો. પેટનો દુખાવો, મઠ, જાંબલી ગાયનો
વેલો, વગેરે વાતોમાં તે એવી શી કરુણતા ભરી હતી કે જેણે કેદારને રોવરાવ્યો? કોઈ ન સમજી
શક્યું. મૃત્યુના મુખમાં ઊભેલી એ ગ્રામ્ય ડોશીનાં નાક–મોંમાંથી વહેતાં લાળલીંટ અથવા
એના બોખા મોં વચ્ચેથી ઊડતું થૂંક પણ સહુની હાંસીને પાત્ર બની ગયાં.
‘‘આ રક્તપીતણીનેય સંસાર
કેવો ગળે વળગી રહેલ છે!’’ પ્રેક્ષકોએ કુદરતની કરામતમાં અચંબો અનુભવ્યો.
તમામ સામૈયું રત્નેશ્વરના
ઊંચા ભાઠા ઉપર પહોંચ્યું. ભાઠો બરાબર રત્નેશ્વરના ભોંયરાની ઉપર ઊંચો ટેકરો છે. સુખી
સહેલગાહી જનોને એ ઊંચા પૃથ્વીબિંદુ ઉપરથી સમુદ્ર વાદળીઓની જોડે ગેલ કરતો ભાસે છે ને
જળતરંગોમાં નાગકન્યાઓ દેખાય છે. દુઃખીને એ ભેખડની ટોચ ભયાનક લાગે છે. આ ખડકનું શિખર
મરવાનો જેને ખરો મોકો આપે છે, તેને જગતમાં પાછા જઈ જીવવું ગમે છે.
ગામલોક દૂર અટકીને ઊભા.
ડોશી રત્નાકરની સામે જોઈ ઊભી થઈ રહી.
‘‘જોજે એલી, પાછું વાળીને
જોતી નહીં હોં, નીકર અમારું સત્યાનાશ નીકળી જશે.’’
‘‘હો ભાઈ.’’
ને ડોશી ચાલી. એણે પોતાના
હાથ ઊંચા કરીને પછવાડે નજર કર્યા સિવાય જ સહુને છેલ્લા રામરામ કહ્યા.
છેક ટોચે જઈને ડોશી ઊભી
રહી. રત્નાકર હડૂડતો હતો.
‘‘હાં, ડોશી, હવે હિંમત
રાખીને કૂદી પડ.’’ લોકોમાંથી પૂજારીએ સાદ પાડ્યો.
‘‘શાબાશ, ડોશી.’’
‘‘રંગ, ડોશી!’’
‘‘જવાંમર્દ, કેદારની
મા.’’
‘‘દુનિયામાં કશું અચલ
નથી, ડોશી.’’
‘‘જો વૈકુંઠનાં વેમાન
તારે સારુ ઊતર્યાં આવે છે, ડોશી.’’
એકાએક ડોશી ત્યાંથી પાછી
વળી. દોટ દઈને નાઠી. ચીસો પાડી કે ‘‘ભયંકર! ભયંકર! મારે નથી જવું. રત્નાકર ભયંકર દેખાય
છે.’’
‘‘નથી જવું?’’ પૂજારીએ
ત્રાડ પાડી. ‘‘નથી જવું, એમ? અલ્યા દોડો, લાકડીઓ અને પથ્થરો મારી મારીને નાખો ડોશીને
અંદર. સામૈયું શું અમથું કઢાવ્યું ત્યારે?’’
બ્રાહ્મણોએ ડોશીને હડકાઈ
કૂતરીની પેઠે પથ્થરો માર્યા. બુમરાણ મચી ગયું. ખીજે ભરાયેલો દરિયાવ પોતાની લાખ લાખ
ફેણો પછાડીને ફૂંફાડા મારતો હતો.
પૂજારી બોલી ઊઠ્યો :
‘‘પધરાવો અંદર, નીકર ડાકણ સહુને વળગી જાણજો. રત્નાકરનો ભક્ષ છે, ભાઈઓ!’’
ફરીથી બધા એને તગડીને
ટોચ ઉપર લઈ ગયા. બરાબર તે જ વખતે રેતીના પણ્યાની પછવાડેથી એક માણસ દોડતો આવતો હતો ને
પોકારતો હતો કે ‘‘ઘડીક ઊભા રે’જો. ઘડીક રોકાઈ જજો.’’
‘ઊભા રહો, થોડી વાર થોભી
જાઓ!’ એ અવાજ કાને પડતાં જ પુરોહિતને ધાસ્તી લાગી. રત્નાકરને બલિદાન નહીં ચડે તો પોતાનું
ને ગામનું નિકંદન નીકળી જશે : નક્કી કોઈ આ પવિત્ર કાર્યમાં વિઘ્ન નાખવા આવી રહેલ છે.
‘ઊભા રહો!’નો સાદ નજીક
આવ્યો. સાદ પાડનાર માનવી દરિયાકાંઠાની ઝીણી લોટ જેવી રેતીના પણ્યામાં પછડાતો આવતો હતો.
આ વખતે એણે પછડાટી ખાધી, કે તત્કાલ પુરોહિતે ભાઠા ઉપર દોટ દીધી. બીજાં સહુ માણસો સ્તબ્ધ
બની ઊભાં હતાં તેની સામે લાલ આંખો બતાવતો પૂજારી ભાઠાની ટોચ ઉપર પહોંચ્યો.
ડોશીનું દયામણું મોં
એની સામે તાકી રહ્યું હતું. પણ એ મોં ઉપર દયાનો ભાવ ઊઠી જ શી રીતે શકે? રક્તપિત્તના
રોગે મનુષ્યના મુખનો, સ્ત્રીના મુખનો સ્વચ્છ અરીસો છૂંદી નાખ્યો હતો.
ડોશીએ બે હાથ જોડવા પ્રયત્ન
કર્યો, પણ એની આંગળીઓ ખવાઈ ગઈ હતી તેથી એની હાથજોડ પણ ભયાનક લાગી. એણે કહ્યું : ‘‘બાપુ,
પૂજારી બાપા, મને જીવવા દ્યો. મારાથી રત્નાકરનું રૂપ અત્યારે જોયું જાતું નથી. બહુ
ભયાનક! બહુ ભયાનક! મને જીવવા દ્યો. મારા લાલિયાને જોવા માટે જીવવા દ્યો.’’
એ કાકલૂદી સાંભળવા જેટલો
પૂજારીને સમય નહોતો. એણે ‘જય રત્નાકર!’ કહીને ડોશીને ભાઠાની કોર સુધી ધકેલી જઈ એક નાનકડો
ધક્કો દીધો. ડોશી ગઈ.
ને પાછા વળતાં જ એણે
પેલા દોડ્યા આવતા આદમીની પછવાડે બીજા કેટલાક લોકોને સીમાડા પર ધસ્યા આવતા જોયા.
‘‘માનતા પહોંચી ગઈ, હવે
ભાગો, ભાઈઓ!’’ બોલીને પૂજારીએ ગામ તરફ દોડવા માંડ્યું. બ્રાહ્મણો અને બીજાં જોનારાં
પણ તેતર પક્ષીના ઘેરાની પેઠે વીખરાયાં.
દોડ્યા આવતા આદમીએ દરિયાનાં
પરસ્પર અફળાતાં મોજાં ઉપર ડોશીના દેહને એક લાકડાના કાળા ટુકડાની પેઠે રોળાતો ને ટિપાતો
જોયો. થોડી વાર ડોશીના દેહ ઉપર ને થોડી વાર નાસી જતાં મનુષ્યો ઉપર એની નજર દોડવા માંડી.
એ બૂમ પાડવા પ્રયત્ન કરતો હતો કે ‘કોઈ દોડો, આ બાઈને બચાવો!’ પણ સ્વપ્નમાં બૂમ પાડવા
મથનાર સૂતેલા માણસની માફક એનો અવાજ એના તાળવામાં જ ચોંટી રહ્યો. બૂમ પાડીને જેને બોલાવે
એવું કોઈ કરતાં કોઈ મનુષ્ય નજીક ત્યાં નહોતું. પછવાડે દોડ્યાં આવનારાં લોકો હજુ દૂર
હતાં. દરમિયાન ડોશીના શરીરને દરિયાના ગગડતા લોઢ ખેંચી જતા હતા.
ના, ના, એણે ફરીથી નજર
કરી ત્યારે સમજાયું કે ડોશીને ઝડપવા માટે મોજાંઓની વચ્ચે મારામારી ચાલતી હતી. એક દળ
દરિયા બાજુ ખેંચતું ને બીજો સમૂહ પૃથ્વી તરફ જ કાઢી નાખવા ઇચ્છતો હતો.
ધરતી બાજુ જતાં મોજાંએ
વધુ જોર કર્યું. ડોશીને મારણ મોજાંની દાઢમાંથી છોડાવી, કળસારીના નેસ તરફને કિનારે ધકેલવા
માંડી.
ભાઠા ઉપર ઊભેલ આદમી કાંઠે
કાંઠે દોડ્યો. એના મોં ઉપર આશા અને આસ્થાનું તેજ ચમકતું થયું. એણે દરિયાની અનંત નીલિમા
સામે હાથ જોડીને આરજૂ ગુજારી કે ‘હે મહેરામણ! જીવતું માનવી પાછું પૃથ્વીને દઈ દે. ધરતીએ
તારું કાંઈ બગાડ્યું નથી ને, ઓ રત્નાકર! તારા નામનાં તો અમે અહીં ધરતી ઉપર બિરદ આપીએ
છીએ. અમે મોટા મનનાં મનુષ્યોને સાગરપેટાં કહીએ છીએ. તું અગાધ દિલનો હો તો આ મનુષ્યને
પાછું સોંપ, હે દાદા!’
બોલતો બોલતો એ કાંઠે
કાંઠે દોડતો હતો. થોડી જ વારમાં એક મોજું બથેશ્વરની સપાટ રેત ઉપર આવીને ડોશીના દેહને
શાંતિથી પધરાવી પાછું વળ્યું.
આદમીએ ડોશીને લાલ મડદાલના
લીલા વેલા ઉપર સુવરાવી દીધી, એના બે પગ પકડીને ઊંધે મસ્તકે ઝાલી રાખી. ડોશીના મોંમાંથી
પાણી નીકળી પડ્યું.
પછી એણે ડોશીના હાથ ઝાલીને
ચક્કર ચક્કર હલાવવા માંડ્યા. થોડી વારે ડોશીનો બેભાન દેહ સચેતન બન્યો. આંખો ખોલીને
એણે પોતાના ઉગારનાર તરફ જોયું ત્યારે જ એ આદમીને ડોશીના પ્રેત સ્વરૂપની પૂરેપૂરી જાણ
પડી.
એકાએક દૂરથી આ અજાણ્યા
માણસને સ્વર સંભળાયો : ‘‘મચ્છી! મચ્છી! મચ્છી!’’
અવાજની પછવાડે જ બંદૂકધારી
બેચાર માણસો આવી પહોંચ્યા. એમનો પોશાક યુરોપી હતો. એમના ચહેરા ગોરા હતા.
એ ફિરંગીઓ હતા. કળસારની
નજીક આજે પણ દરિયાની અંદરથી પાણી આવવાની સાંકડી સુકાયેલી નાળ્યો દેખાય છે ; ને એ નાળ્યો
ને ભેખડો ઉપર આજે પણ પાકી કોઈ ઇમારતોના પાયા પણ સાફ દેખાય છે. પૂર્વે એ પોર્ટુગીઝોનાં
મોટાં ગોદામો હતાં. દરિયો છેક ત્યાં સુધી પોતાના કેડા કંડારીને નાનાં વહાણોની આવ-જા
થવા દેતો. કળસાર ફિરંગીઓનું ધીકતું બારું હતું. કળસાર ગામની વચ્ચોવચ ફિરંગીઓનું પ્રાર્થના-મંદિર
આજે પણ લગભગ તૈયાર ઊભું છે. પણ રત્નાકર ત્યાંથી રિસાઈને ચાલ્યો જતાં અત્યારે ત્યાં
જૂની જાહોજલાલીની મિટ્ટી જ રહી છે. અને દરિયાઈ નાળ્યો નીલાં જલામ્બર વિનાની નગ્ન પડી
પડી ધીકે છે.
નજીક આવીને નજર કરતાં
જ ફિરંગીઓ મોં ફેરવી ગયા. એમનાં મોંમાં ચીતરી ચડી ગઈ. દૂરદૂરના દેવાલય તરફ દૃષ્ટિ માંડીને
બેઉ શિકારીએ છાતી ઉપર હાથ વતી ચોકડીઓ દોરી (કોઈ પણ ભયથી રક્ષા પામવાની એ એક ખ્રિસ્તીધર્મી
ક્રિયા છે.) એ લોકોએ માલદાર માછલીને બદલે એક સડેલું માનવી જોયું તેથી મોટી નિરાશામાં
પડી ગયા.
‘‘ઉસ કો છોડ દો. તુમ
કો લગેગા. ઉસ કે ગલે મેં ટોકરા ક્યું પહેનાતા નહીં?’’
એવી શિખામણો આપતા યુરોપિયનો
આઘે આઘે ભેખડ ઉપર ચડી ગયા. યુરોપમાં પણ રક્તપિત્ત અને કોઢનો રોગ એક મહાશાપ ને ભયાનક
માનવશત્રુ ગણાય છે. જૂના સમયમાં રક્તપિત્તિયાને ગળે, સંધીઓ બળદોને કંઠે બાંધે છે તેવો
અક્કેક ટોકરો બંધાતો, અને એના મોંને કપડાથી ઢાંકી લેવામાં આવતું, કે જેથી દૂરદૂર ચાલ્યા
આવતા પતિયાની છાયા તો શું, હવા સુધ્ધાં ન લેવાઈ જાય તે રીતે લોકો ટોકરાના નાદ સાંભળી
તરી જતાં.
જિસસ, મેરી અને બીજા
અનેક સંતોને પોતાની વહારે બોલાવતા આ ગોરાઓ પછવાડે જોવાની પણ હામ હારીને જ્યારે બારા
તરફ દોડ્યા જતા હતા ; રક્તપિત્તનાં જંતુઓ એમની પાછળ પડીને ગરદનમાં છિદ્ર પાડી રહ્યા
હોય એવો ગભરાટ જ્યારે તેઓને નસાડતો હતો ; ત્યારે ડોશીના લદબદ ગંધાતા ખોળિયા ઉપર એ અજાણ્યો
માણસ ઝૂક્યો હતો. એ પણ રત્નાકરને આરાધતો હતો ; પણ પોતાની રક્ષાને કાજે નહીં, ડોશીની
શાતાને માટે.
એના મસ્તક પર મૂંડો હતો.
મૂંડા ઉપર સાધુડા જેવી વાંદરા-ટોપી ઢાંકી હતી. એના અંગ ઉપર જાડા પાણકોરાની ધોળી બંડી
હતી. કંઠે તુલસીના સાદા પારાની માળા હતી. કમ્મરે કાછડી ઉપર એક પછેડીની ભેટ બાંધી હતી.
પૃથ્વીના ચડાણ–ઉતાર બહુબહુ ખૂંદીને એના પગના પહોંચા રાંટા થઈ ગયેલા ભાસતા હતા. પગનાં
પગરખાં જૂની ઓખાઈ ઢબનાં, કોઈને માર્યાં હોય તો ગાલ ફાડી નાખે તેવાં મજબૂત ચૂંકદાર હતાં.
‘‘માડી!’’ એણે ડોશીને
દિલાસો દીધો : ‘‘રત્નાકરે ભોગ વાંદી લીધો. હવે ભે રાખશો મા.’’
ડોશીને આ સ્વપ્ન લાગતું
હતું, પોતે જીવતી પાછી નીકળી છે અને જેના ફરતી પા ગાઉની હવા પણ જીવતું માનવી ન લ્યે
એવી પોતાની જાતને આ મનુષ્ય હાથોહાથ પંપાળી રહેલ છે, પછેડી વતી રક્તપિત્ત લૂછી રહેલ
છે, એ ન મનાય તેવી વાત હતી. ડોશી ચમકીને ચીસો પાડવા લાગી : ‘‘ઓય! ઓય! રત્નાકર! ઓય મને
ખાધી! એ પૂજારી આવ્યો! મને પાછી નાખે છે!’’
‘‘મા!’’ પુરુષ એને છાતીસરસી
લઈને ખાતરી આપે છે : ‘‘કોઈ નહીં ખાય. રત્નાકર તો રૂપાળો તમને પખાળે છે. જુઓ તો ખરાં
માડી, એનાં રૂપ! ને પૂજારી હવે આવે તોય શું! તમને ને મને ભેળાં બુડાડે તો ભલે. બાકી
હવે તમને એકલાં તો નહીં મૂકું.’’
ડોશીને આ સાચી સૃષ્ટિ
વધુ ને વધુ અવાસ્તવિક લાગતી ગઈ. એનાથી એક જ બોલ બોલાયો – જે બોલ જનેતાના કલેજાના હજાર
હજાર ચીરા ઉપર પ્રભુની મીઠી ફૂંક સમો બનેલો છે.
‘‘બેટા!’’
‘‘મા!’’ પુરુષના મોં
પર શ્રદ્ધાની છોળો છલકી : ‘‘મારનાર કરતાં જિવાડનારો મોટો છે.’’
થોડા વખત પર સીમાડાની
રેખા ઉપર જે માણસો તબકતાં હતાં તે બધાં રેતીના પણ્યાને ખૂંદતાં આવી પહોંચ્યાં. ભેખડ
ઉપરથી આનંદના ધ્વનિ ઊઠ્યા કે ‘‘એલા હેઈ! આ રિયા, દેવીદાસ બાપુ આ રિયા.’’
કિકિયારી પાડીને ટોળું
આવી પહોંચ્યું.
વિલક્ષણ લોકવૃન્દ હતું.
કોઈ ખેડુ, કોઈ ગોવાળ,
કોઈ ગામડિયો વેપારી, કોઈ દાતણ વેચનારો વાઘરી ; કમ્મરે પછેડીઓ બાંધેલી. કોઈના ગળામાં
પખવાજ, કોઈના હાથમાં કાંસિયા, મંજીરા, એકતારો વગેરે સમૂહગાનનાં વાજિંત્રો હતાં.
‘‘અરે મા’રાજ!’’ લોકોમાંથી
એક જણે ઠપકો દીધો : ‘‘ભર્યા સામૈયામાંથી ભાગી નીકળ્યા? ગામ આખું કેટલું નિરાશ બનીને
થંભી રિયું છે!’’
‘‘શું કરું, ભાઈ!’’
‘મહારાજ’ અને ‘દેવીદાસ બાપુ’ના સંબોધને ઓળખ પામેલા એ પુરુષે શરમાઈને જવાબ દીધો :
‘‘મારો ધંધો જ શિકારીના જેવો થઈ પડ્યો છે ને! કોઈ લોધીને મોટા માછલાના વાવડ દ્યો, કોઈ
શિકારીને રૂડો કાળિયાર સીમમાં આવ્યાની જાણ કરો, પછી એ ઘડીભર પણ ઊભો રહી શકશે, ભાઈઓ?’’
બોલતા બોલતા જુવાન દેવીદાસ
ડોશીનાં લોહીપરુ લૂછતા હતા.
ગામડિયા ભાવિકો હતા.
છતાં તેમનાં મન પણ સુગવાતાં હતાં. શરમના માર્યા ઊભા રહ્યા, પણ મોં ફેરવીને છાનામાના
થૂંકી લેતા. જરા દૂર જઈને વાતો પણ કરી લીધી કે, ‘ભગત જેવો ભગત થઈને લોહીપરુ ચૂંથવાની
લતે શીદ ચડ્યો હશે! ઈશ્વરભજનમાં આત્મા લીન નથી થયો લાગતો. જગ્યાધારી બન્યો પણ સા’યબી
માણતાં આવડવી જોઈએ ને ભાઈ?’
‘‘ભાવિકો!’’ દેવીદાસે
મધુર વચને પૂછ્યું : ‘‘કોઈ ગાડાનો બંદોબસ્ત થઈ શકશે?’’
‘‘ગાડું!’’ ભાવિકોમાંથી
એક જણે કહ્યું : ‘‘ગાડું તો આંહીં અંતરિયાળ ક્યાંથી મળે, મા’રાજ!’’
‘‘ને આ બાબતમાં ગાડું
આપેય કોણ?’’ બીજાએ સત્ય સુઝાડ્યું.
‘‘ત્યારે કાંઈ ખાટલાની
જોગવાઈ કરશું?’’ સંતે પૂછ્યું.
‘‘હા, કરીએ તમે કહેતા
હો તો. પણ – માળું – ઈ બધું આંહીં – આ ધંધો!...’’
એમ ભાવિકોની જીભો તૂટક
તૂટક શબ્દોમાં એક ખાટલો લાવવાની ગહન સમસ્યા ઉપર તાિર્કક ચર્ચા ચલાવવા લાગી.
‘‘ત્યારે, ભાવિકો! આપણે
એકાદ પછેડીની ઝોળી જ કરીએ તો કેમ?’’
‘‘હા – ઈ ઠીક! અરે ભાણા
પટેલ, તમારી પછેડી લાવજો તો!’’ કોઈએ એક ખેડૂતને આવી સખાવતનો અગ્ર અધિકારી ઠરાવ્યો.
‘‘મારી પછેડી તો, ભાઈ,
ફાટી ગઈ છે. ભાર નહીં ખમે.’’
એમ સહુએ પોતપોતાની પછેડીની
નિખાલસ નિંદા કરી નાખી.
‘‘કાંઈ હરકત નહીં, ભાવિકો!’’
કહેતાં જ દેવીદાસે પોતાની કમ્મર પરથી પનિયું છોડ્યું. જમીન પર પાથર્યું. રક્તપીતણીને
એમાં હળવે હાથે સુવરાવીને કહ્યું : ‘‘ભાવિકો, હવે ચાર સરખા જણ આવી જાઓ. અક્કેક ખૂણો
ઊંચકી લ્યો.’’
ભાવિકોએ ફરીથી એકબીજાની
સામે જોયું. આંખના મિચકારા કરવા માંડ્યા. તૂટકતૂટક બોલ સંભળાયા, કે –
‘‘મને તો, ભઈ, ત્રણ દીથી
હાડકચર રે’ છે.’’
‘‘મારા પેટમાં તો બરલ
વધી છે, તે પેમલા વાણંદે કાંઈ બોજ ઉપાડવાની ના કહી છે.’’
‘‘મારાં તો આંગળાં છોલાણાં
છે.’’
આવી ગોળગોળ વાતોને અંતે
એક ચોખ્ખાબોલો ભાવિક બહાર પડ્યો. એણે કહ્યું : ‘‘દેવીદાસ બાપુ, આ બધા નાહક ગોટા વાળે
છે. લ્યોને હું તમને પાધરું કહી દઉં. તમે સાધુ થઈને આ નરક ચૂંથો એ અમને નથી ગમતું.
ને આ ડોશીને જિવાડીને તમારે કયો મોટો ગઢ પાડવો છે? નાહક રત્નાગરને શીદ છંછેડો છો? અમને
આવી ખબર હોત કે તમે અમારું સાચા દિલનું સામૈયું રઝળતું મેલીને કોઈના કહેવા પરથી આ ડોશીને
બચાવવા દોડ્યા જાશો, તો અમે તમને અમારા ગામમાં પધરામણી જ દેત નહીં. ને આ રક્તપિત્તના
હડકાયા રોગને અમારે અમારા ગામમાં નથી તેડી જવો. તમને ઠીક પડે તેમ કરો. અમે તો ગામડે
જઈને બધી વાત કહી દઈએ છીએ.’’
‘‘ભલે ત્યારે, ભાવિકો,
પધારો. કલ્યાણ થાઓ સહુનું.’’
‘‘ચાલો ભાઈ, સહુ.’’ એમ
કહીને એ સ્પષ્ટવક્તા માણસે સહુને પાછા વાળ્યા.
એકલા રહેલા દેવીદાસે
પછેડીના બબે છેડા બાંધી લીધા. પોતાના બેઉ ખભા ઉપર ઝોળી પરોવી લીધી. અને પીઠ ઉપર પારણું
વાળીને બાળકને ઊંચકી વગડા ભમતી કોઈ માતાની માફક દેવીદાસ ડોશીના દેહને લઈ ચાલી નીકળ્યા.
સૂર્ય તે ટાણે માથા પર
થંભીને આગનાં ભાલાં ફેંકતો હતો. દરિયામાં ઓટ થયો હતો. પાછાં વળેલાં પાણી આઘે આઘે કોઈ
ઘેટાંનાં ટોળાંની પેઠે રમતાં હતાં. ફિરંગીઓની બંદૂકોના ગોળીબાર સંભળાતા હતા.
શો ભાવડલા ગામના પાદરમાંથી
લોકો ગામમાં પાછાં વળતાં હતાં. પણ સવારનો પહોર હોવા છતાં કોઈને કેમ જાણે કશી ઉતાવળ
જ ન હોય તેવી સહેલાણી રીતે સહુ થોડું થોડું ચાલીને પાછાં થોભી જતાં હતાં. એ સવારનો
બનાવ એવો હતો કે કોઈનો, ખાસ કરીને સ્ત્રીઓનો, રસ તો એકસો વર્ષો સુધીય ન ખૂટે, ઊલટાનો
વધે.
એ રસ ત્યાંથી હજુ તાજેતરમાં
જ ચાલી નીકળેલ વે’લડાને લગતો હતો. વે’લડાના લાલ માફાનું ટોપકું દેખાતું બંધ પડ્યું
હતું. હવે તો સીમાડા ઉપર ફક્ત ધૂળનો જ થાંભલો દેખાતો હતો. છતાં કેડ્યે બાળકો તેડીને
ઊભી ઊભી ગ્રામવનિતાઓ તે તરફ તાકતી હતી. મોં આડે ઓઢણામાં છેડા કરી કરી સહુ હસતી હતી
:
‘‘આજ પહેલો જ બનાવ, કે
સાસરે જાનારી દીકરી ધરાર ન રોઈ.’’
‘‘માવતરના વછા પડ્યે
દીકરી જેવી દીકરીનું હૈયું રોયા વિના શે રહી શકે?’’
‘‘અરે બાઈ, એટલું અલેણું.
એટલી માયામમતા સુકાઈ ગઈ.’’
‘‘હા જ તો. નવાણે નીર
સૂક્યાં ને દલડાના નેહ સૂક્યા, એવો કળિકાળ આવ્યો હવે તો.’’
‘‘કોણ જાણે, અમરબાઈને
સાસરે તે કેવુંય સુખ મળવાનું હશે!’’
‘‘સુખસા’યબી છે એ વાત
તો સાચી. અમારી જાણની જ વાત છે. એની સાસુ તો પેટે અવતાર લઈએ એવી. ને જુવાન પણ ભારી
રંગીલો.’’
‘‘અમે દીઠેલો ને! આંહીં
આવેલો ત્યારે આંખોમાંથી શાં અમી ઝરે ઈ તો!’’
‘‘બસ બાઈ, કે’નારા કહી
રિયા તો પછી અમરબાઈ સાસરે જાતાં શા સારુ રોવે?’’
‘‘રોવે નહીં! શું બોલો
છો તમે!’’
‘‘પણ રોવું આવે નહીં
ને!’’
‘‘તોય રોવું જોવે. ગલઢાંએ
કરી મૂક્યું છે. કોઈ કરતાં કોઈ છોકરી મોટે રાગે રોયા વિના મહિયરનું પાદર છોડે છે કે
દી?’’
‘‘અરે, મારી હીરબાઈ ગઈ
ત્યારે કેવા સાદ કાઢીને મારી છાતીએ ઢળીને રોઈ’તી! જાણો છો ને, ફુઈજી?’’
‘‘અરે બાઈ! અમારાં ટાણાંમાં
અમારાં રોણાં કેવાં હતાં એની શી વાત કરીએ? ઈ તો ટાણાં જ ગયાં ને! ઈ વેળાયું ને ઈ વાતું!’’
એવા વાર્તાલાપના ધ્વનિ–પ્રતિધ્વનિ
પણ જ્યારે પાદરનાં ઝાડવાંની ઘટા નીચેથી વિલય પામી ગયા, ત્યારે અમરબાઈનું ઓઝણું બેક
કોસનો પંથ કાપી ચૂક્યું હતું. ગ્રામવધૂઓની ફરિયાદ સોએ સો ટકા સાચી હતી કે સાસરે જતી
અમરબાઈ નહોતી રડી – સાચું કે જૂઠું એકેય જાતનું એ નહોતી રડી શકી. ને તેના પરિણામે અમરબાઈની
માતાને ઘણું ઓછું આવ્યું હતું. પોતાની દીકરીને સ્વર્ગની સુખસમૃદ્ધિ વાંછનારી માતા પણ
એટલી ઈર્ષ્યાળુ તો બેલાશક હોય છે, કે પુત્રી તરફના માતૃ-સ્નેહના એકાદ આંસુ-ઊભરાની અને
ગામભાગોળ ગજવતા એકાદ ઉચ્ચ સુરીલા આક્રંદની અપેક્ષા તો એ રાખે જ રાખે.
માવતરને સંભારી સંભારી
આંસુ સારવાને બદલે ઓગણીસ-વીસ વર્ષની દીકરી અમરબાઈ ત્યારે લહેરમાં હતી. એનું અંતઃકરણ
વે’લડાના વઢિયારા બળદની ઝડપને પણ નહોતું સાંખી શકતું. એની ભરાવદાર છાતી વે’લડાની ગતિને
તાલ દેતી ઉછાળા મારતી હતી. એના જોબનમાં કેવડાની ફોરમ હતી. નાઘેરનાં સભર નીરમાં પાંગરેલી
કેળને નિહાળી હોય તો તમે અમરબાઈના એ દિવસના યૌવનનો મર્મ બરાબર પારખી શકો.
‘‘કેમ તું મારા સામે
ને સામે તાકી રહી છો, બેટા?’’ વે’લડામાં બેઠેલી બીજી આધેડ સ્ત્રીએ એને પૂછ્યું. એ અમરબાઈનાં
સાસુ હતાં.
‘‘હું શું જોઈ રહી છું
એની મને પોતાને જ ખબર નથી, ફુઈ!’’60 અમરબાઈએ જવાબ દીધો.
સંભવ છે કે પોતાના મનોભાવને
પોતે જ ન પિછાની શકનાર અનેક આત્મલુબ્ધોની પેઠે અમરબાઈને પોતાની ઊર્મિઓની પરખ ન પડી
હોય. પણ આપણે કલ્પી શકીએ કે અમરબાઈ સાસુના ચહેરામોરામાંથી પોતાના સ્વામીની મુખમુદ્રાને
મીંડવતી હતી. સાસુની અક્કેક રેખા ઉઠાવીને એ પતિની અણસાર ઘડતી હતી.
એમ કરતાં અમરબાઈ ઝોલાં
ખાવા લાગી. સાસુએ એને પોતાના ખોળા તરફ ખેંચીને કહ્યું : ‘‘આંહીં આવ, મારા ફૂલ! આંહીં
આવ. મારા ખોળામાં એક નીંદર કરી લે ત્યાં હમણાં જ આપણે દત્તાત્રયને ધૂણે પોગી જશું.’’
અમરબાઈએ અતિ ઉલ્લાસભેર
સાસુના ખોળા પર માથું ઢાળી દીધું. સાસુના શરીરમાં એક બીજા દેહની છાયા છુપાઈ હતી. તેનો
સ્પર્શ કલ્પતી અમરબાઈ નવીન રોમાંચ અનુભવી રહી.
એનાં પોપચાં હજુ અરધાં
ઉઘાડાં જ હતાં. સાસુએ એને ટાપલી લગાવીને કહ્યું : ‘‘સૂઈ જા, પાછું જાગરણ ભારે પડી જશે,
ડાહી!’’
એ અર્ધસ્પષ્ટ બોલના માદક
ઘેને અમરબાઈની આંખોને પૂરેપૂરી ઢાળી દીધી.
*
પારણાના હીંચોળાટ બંધ
પડતાં જેમ બાળક જાગી જાય છે તેમ અમરબાઈની નીંદ પણ ઊડી ગઈ. વે’લડું ઊભું રહ્યું હતું.
આખે માર્ગે વગડાની ગરમ
ગરમ લૂ વાતી હતી, તેને બદલે વે’લડું ઊભું રહ્યાની જગ્યાનો વાયરો શીતળ શીતળ લાગ્યો.
પડદો ઊંચો કરીને અમરબાઈએ દૃષ્ટિ ફેરવી. વે’લડું લીલાં લીલાં ઝાડની ઘટા નીચે ઊભું હતું.
ચૈત્ર મહિનાની નવી કૂંપળોએ કોળેલા લીમડા વીંઝણો વાઈ રહ્યા હતા. એ કડવાં ઝાડોનો મોર
મીઠી ફોરમોને ભારે, પવનની પાંખોને નમાવતો હતો. પીપરોનાં પાંદ ઘીમાં ઝબોળ્યા જેવાં ચમકતાં
હતાં. એક નાની પરબની ઝૂંપડી બાંધેલી હતી. નાની એક કૂઈ અને અવેડો હતાં. અવેડો ભરતો એક
આદમી ઢેકવાને નમાવતી વખત હર વેળા ‘સત્ દત્તાત્રય’ ‘સત્ દત્તાત્રય’ બોલતો હતો.
છાંયડામાં અમરબાઈની સાસુ
ઊભાં ઊભાં એક-બે જણાઓની સાથે વાતો કરતાં હતાં. સાસુના કદાવર ઘાટીલા આહીરદેહ ઉપર ગૂઢા
રંગનું મલીર છૂટે છેડે લહેરાતું હતું. સાસુનું ગરવું સ્વરૂપ નીરખ્યા જ કરીએ છતાં ન
ધરાઈએ એવી મીઠાશે નીતરતું હતું.
સાસુની વાતોના બોલ અમરબાઈએ
ભાંગ્યાતૂટ્યા પકડ્યા :
‘‘આવ્યો છે? ભાઈ આંહીં
સુધી સામો આવ્યો છે?’’
‘‘હા, આઈ. કહે છે કે
આઈને એક વાતની ચેતવણી આપવા માટે આંહીં સુધી પહોંચવાની જરૂર પડી છે.’’
‘‘શેની ચેતવણી? ભાઈ ક્યાં
છે? આંહીં બોલાવોને!’’
‘‘આંહીં તો નહીં આવે,
શરમાય છે. કેમ કે અમરબાઈ બોન ભેગાં છે.’’
‘‘દુત્તો! આવ્યો તો હશે
એટલા જ માટે, ને વળી શરમનું પૂતળું થઈ માને બનાવે છે!’’ આઈએ રમૂજ કરી : ‘‘ને ચેતવણી
શેની?’’
‘‘કે જગ્યાની અંદર આઈયે
ન જાય, અમરબાઈ બે’નનેય ન જાવા દે.’’
‘‘કાં?’’
‘‘દેવીદાસ બાપુએ થોડા
દિવસથી જગ્યાને ગંધવી મૂકી છે.’’
‘‘શાથી?’’
‘‘પતિયાંને ભેગાં કરવા
માંડેલ છે. પોતે હાથે જ નવરાવે–ધોવરાવે છે, ને હાથે જ ખવરાવે છે. હમણાં તો એક પતણી
ડોશીને ઝોળીએ નાખીને પીઠ ઉપર લાદી લાવ્યા છે.’’
એ જ વખતે એક ઝાડ-ઘટાની
નીચે એક ચોગાનની વચ્ચે ચણેલા ઓરડા તરફથી કોઈ દુઃખભરી ચીસો આવતી હતી.
‘‘આ કોણ ગોકીરા કરે છે?’’
આઈએ પૂછ્યું.
‘‘એ જ – એ પતણી ડોશી
જ. દેવીદાસ મા’રાજ એનાં સડેલાં આંગળાં ધોવા બેઠા છે.’’
આહીરાણી થોડી વાર ઊંડા
વિચારમાં પડી ગયાં. પછી એમણે કહ્યું : ‘‘ભાઈ ગાડાખેડુ, ઝટઝટ ઢાંઢાને નીરણ કરાવી લે.
ત્યાં હું આંહીં કૂઈ ઉપર નાહીને બે માળા ફેરવી લઉં. ભાઈને આ ભાતોડિયામાંથી ઢેબરાં પહોંચાડો
જ્યાં બેઠા હોય ત્યાં. ને અમરબાઈ, બચ્ચા, તારે જંગલ--પાણી જઈ આવવું હોય તો જઈ આવ. આપણે
આંહીં ઝાઝું રોકાવું નથી. અરેરે, આવી દૈવી જગ્યા! આવું થાનક! થાક્યા-પાક્યાનો વિસામો!
એની જ હવા બગડી હવે તો.’’
એટલું કહીને સાસુ સ્નાનાદિકમાં
પરોવાયાં. બીજા સાથીઓ પોતપોતાના બંદોબસ્તમાં પડ્યા. ચકમક ઝગાવીને ભૂંગળી પીવામાં સહુ
મસ્ત બન્યા. તે વખતે જુવાન અમરબાઈ ધીરે ધીરે ઝાડની ઘટા નીચે ચક્કર દેવા લાગી.
પોતાનો સ્વામી સામે લેવા
આવેલ છે, એ પોતે જાણ્યું હતું. એની આંખો દૂરદૂરના એક વડલાની છાયામાં વડના થડનું ઓશીકું
કરી પડેલા જુવાન આહીરને શોધતી હતી. પણ એના કાન બીજે સ્થળે મંડાયા હતા. પેલી દયામણી
ચીસો એને ખેંચતી હતી.
ખેંચાતી ખેંચાતી અમરબાઈ
દૂર સરી ગઈ. ઓરડાના ચોગાન ફરતી ડીંડલા થોરની લીલી વાડ હતી. વાડની પછવાડે એ ફરવા લાગી.
બૂમો વાડની અંદરથી આવતી હતી. વાડની આરપાર એણે નજર કરી. બિહામણું એ દૃશ્ય હતું. રત્નેશ્વરના
દરિયામાંથી બચાવીને આણેલી ડોશીની રક્તપિત્તની રસીને દેવીદાસ ધોતા હતા. પ્રભુએ દીધેલ
સાદા પાણીમાં લીમડાનાં પાંદ નાખીને એ દરદીને નવરાવતા હતા.
દુખાવાને લીધે બૂમો પાડતી
ડોશીને દેવીદાસ દિલાસા દેતા હતા : ‘‘નહીં, નહીં, મારી મા! અમ પુરુષોના ગર્ભ વેઠનારી
ને અનોધાં દુઃખો સહેનારી જનની! નહીં દુખાવું તમને. તમમાં તો હું જોગમાયાનું, અખિલ વિશ્વની
ઈશ્વરીનું રૂપ જોઈ રહેલ છું, મા!’’
ડોશીનું અર્ધ મૃત્યુ
પામેલ કલેવર એક જ ઉચ્ચાર કરતું હતું : ‘‘મારો કેદાર! મારો લાલિયો!’’
‘‘અરેરે, કેવાં સ્વાર્થી
છો, મા!’’ કહીને દેવીદાસ હસતા હતા : ‘‘મને તમારો કેદાર નહીં કરો શું? ને હું તમારા
ખોળામાં આળોટું તો તમારો લાલિયો ન કહેવાઉં, હેં મા? જોજો ને, તમે સાજાં થાવ કે તરત
જ હું તમારા ખોળામાં સૂઈશ. જોજો ને પછી લાલિયાની માફક જ તોતડી બોલી કરીશ. પછી કાંઈ
કહેવું છે, મા?’’
ધાસ્તી અને ગભરાટનાં
વાદળાં અમરબાઈના હૃદય ઉપરથી ઊડી ગયાં : આગના ભડકા કરતાંયે વધુ વિકરાળ એક રોગની સાથે
અમરબાઈએ એક જીવતા માનવીને ગેલ કરતો જોયો.
ડોશી પોતાની સારવાર કરનારને
ચેતવતી હતી : ‘‘અરે દીકરા, તારી ફૂલેલ કાયાનું શું થશે?’’
‘‘હેં મા! કહો જોઉં,
તમારી જુવાનીમાં તમારી કાયા કેવી હતી?’’
‘‘અરે બેટા, બબે હેલ્યે
હું વાવનાં પાણી ભરતી. મને ગામલોકો હોથલ પદમણીનો અવતાર માનતા.’’
‘‘ત્યારે બસ! મા! તમામ
દેહીના એ જ હવાલ છે. જુવાનીના મદ ક્યારે ગંધાઈ ઊઠશે એની કોને ખબર છે? માનવદેહને તો
રોમે રોમે રોગ ભર્યા છે ; એને હું ક્યાં સુધી દાટી રાખીશ!’’ કહેતા કહેતા દેવીદાસ ડોશીના
શરીરને લૂછતા હતા. લૂછેલા દેહ ઉપર નવેસર રક્તની રસીના ટશિયા ઊઠતા હતા.
‘‘ને હું તો એ જ વિચારી
રહ્યો છું, મા, કે સ્ત્રીનો દેહ શી શી નરકવેદના સહે છે! સ્ત્રીના શરીરને ચૂંથાવાનું
– ચૂંથાવાનું – અરે ભોગની ભરપૂર મોજ મંડાતાંની ઘડીથી જ સ્ત્રીના ખોળિયાને ટીપે ટીપે
ખપી જવાનું. હું પુરુષ તમને ધોઉં છું ત્યારે, મા, મને એમ જ લાગે છે કે હું અમારી પુરુષજાતનાં
પાપ ધોઉં છું.’’
એવા એવા બોલનું વશીકરણ
અનુભવતી અમરબાઈને બહારનાં જગતનું કંઈક એવું વિસ્મરણ થયું, કે પોતે એ જગ્યાના ચોગાનમાં
ક્યારે પેસી ગઈ તેનું એને ભાન નહોતું રહ્યું. ચોગાન ઓળંગીને એ ઓરડામાં પહોંચી, ને ત્યાંથી
પાછલી પરસાળમાં.
પોતાના પગનો સંચળ સંભળાવ્યા
વગર જ એ ઊભી રહી. બહાર ઊભીને કાંટાની વાડ સોંસરું જે દૃશ્ય અધૂરું દીઠેલું તે એણે અહીં
પૂરું દીઠું.
દેવીદાસે ડોશીને એક ખાટલા
ઉપર લીમડાના પાંદની પથારી કરીને સુવરાવી હતી. હવે એ પોતાના હાથને લીમડાના પાણીમાં ધોતા
ધોતા કહેતા હતા : ‘‘હવે જુઓ મા, હું ઝોળી લઈને જાઉં છું રામરોટી માગવા. સાંજે પાછો
આવીશ. પડખેના ઓરડામાં વાઘરીની દસ વરસની છોકરીને સુવરાવી છે. એ બૂમો પાડે તો તમે એને
આંહીં સૂતાં સૂતાં છાની રાખજો, હો મા! એને તો હજી ટચલી આંગળીએ જ નાનું ચાઠું છે, વધુ
નથી.’’
ઝોળી લઈને સન્મુખ બનતાં
જ દેવીદાસે અમરબાઈને ઊભેલી, બે હાથ જોડીને પગે લાગતી દેખી.
‘‘અરે, અરે, આંહીં નહીં,
બોન! આંહીં નહીં, બહાર, બહાર...’’ કહેતાં ચમકેલા દેવીદાસે આ યુવાન રૂપસુંદરીને બહાર
જવા ચેષ્ટા કરી.
અમરબાઈ ન બોલી, કે ન
હલીચલી.
ગિ રનારનાં શિખરો પરથી
સંધ્યાની લીલા ઊતરી જઈને આથમતા કાળની આસમાની ક્યારે છવાઈ જાય છે તેની જાણ પડતી નથી.
અમરબાઈના મોં ઉપર પણ ઊભરાતી આશાના જોબનરંગો ક્યારે નીતરી ગયા, ગમગીની ક્યારે પથરાઈ
ગઈ, પરિવર્તન દેખાયું પણ પરિવર્તન ક્યારે બની ગયું તેની પળ ન જડી. એને પોતાને જ ન જડી.
કેટલાક પલટાઓને લાંબો સમય લાગે છે. કેરીની રંગબદલીને માટે ઋતુઓ રાહ જોઈ જોઈ ખતમ થાય
છે પણ બધા જ પલટા એટલો સમય નથી લેતા. ભાદરવા માસનો પ્રાણ ઘડી તપે છે, ઘડી ભીંજાય છે.
‘‘તમે કોણ છો, બોન? ક્યાંનાં
છો? બહાર ચાલો.’’ દેવીદાસનો અચંબો ઊંડો ગયો.
‘‘આયર છીએ, મને આંહીં
થોડી વાર ઊભી રહેવા દેશો? આંહીં મારું મન ઠરે છે.’’
આખી દુનિયા ભાગી નીકળી
છે, ત્યાં આ એક માનવીનું મન મારી પાસે આ ગંદકીની ને ભયંકર રોગની વચ્ચે ઠરે છે! દેવીદાસની
સન્મુખ એક અકળ સમસ્યા ઊભી થઈ.
‘‘ભલે દીકરી, બેસો, અહીં
આવો આ પરસાળમાં.’’ કહીને એણે અમરબાઈને એક કામળ પાથરીને બેસારી.
સામી ગમાણમાં આવળની સાંઠીઓને
છાંયડે કવલી નાની ગાય બાંધી હતી. ગાય એના બે મહિનાના વાછરડાના શરીરે જીભથી ચાટીને ચળ
કરતી હતી. દેવીદાસ ઠીકરાનું રામપાત્ર લઈને ગાય પાસે ગયા. પૂછ્યું : ‘‘માતાજી, મે’માન
છે. બે શેડ્ય પાડી લઉં?’’
ગાયે દેવીદાસનો હાથ ચાટ્યો.
આઠદસ શેડ્યો પાડતાં તો
રામપાત્ર છલકાઈ ઊઠ્યું : દેવીદાસે જઈને એ પાત્ર અમરબાઈ પાસે ધર્યું.
ધેનુના આંચળો હજુ ટપકતા
હતા, માટીપાત્રમાં દૂધ હસતું હતું. દેવીદાસનો ચહેરો પ્રસન્નતાથી ઝલકતો હતો. અમરબાઈએ
ઠેર ઠેર નિર્મળતા છલકાતી દેખી.
એણે રામપાત્ર પી લીધું.
‘‘તમારી સાથે કોણ છે?’’
દેવીદાસે પૂછ્યું.
અમરબાઈએ જવાબ ન દીધો.
એ જુદી જ ચેષ્ટાઓમાં પડી હતી. એ પોતાનાં કાંડાંમાંથી સોને મઢેલી ચૂડલીઓ ઉતારવા લાગી
હતી. થોડી વાર થઈ ત્યાં એની સન્મુખ ચૂડલીઓની, કાનની વાળીઓ તથા નાકની ચૂંકની, કપાળ પરથી
સોનાની પાંદડીઓની ને પગના અણવટ–વીંછિયાની ઢગલીઓ થઈ ગઈ.
‘‘બોન!’’ દેવીદાસ ઊંધું
સમજ્યા હતા : ‘‘આ જગ્યામાં એવું દાન અમે નથી લેતા. નાહક ન ઉતારો. અને કોઈને વરદાન વેચતા
નથી. આશીર્વાદ તો મારા છે જ, બેટા, કે પુત્રની જનેતા થા. હું તારા દુઃખની વાત ઉકેલી
શકતો નથી. પણ દુનિયા ઝંખે છે, તેમ તુંય ઝંખતી હઈશ...’’
અમરબાઈના મોં ઉપર શરમ
અને આત્મધિક્કારનું રુધિર ધમપછાડા કરતું હતું. ધીરે ધીરે એનાં નેત્રોમાંથી પાણી તબક્યાં
દેવીદાસ ઊઠ્યા. દીવાલની
ખીંટી પર એકતારો લટકતો હતો. પિતા પુત્રને લે તે રીતે એકતારાને ખોળામાં બેસારી દેવીદાસે
બીજા હાથમાં મંજીરા વીંટાળ્યા. ઘેરા અને ગંભીર સ્વરે એણે ભજન ઉપાડ્યું :
ગોધન હાલ્યાં જાય,
આ નવલખ તારાસૂરજ
કેરાં ગોધન હાલ્યાં જાય
એકલ ધરતી ઊભી
ભાંભરે વાછરડાં ખોવાય.
સુનમાં ધરતી શોધ
કરે રે વાછરડાં ખોવાય
પ્રથમીનાં વાછરડાં
ખોવાય, માતનાં બાળકડાં ખોવાય
2
ઊઠો ગોવાલા! નંદદુલારા! રજની ખાવા ધાય :
કાળી રજનીમાં
તમ વિણ કાના, કોણ શોધવા જાય?
ધરતીનાં વાછરડાં
ખોવાય. – સુનમાં .
3
લીલી એક ડાંખળનું લોભી ભેખડ ચડી ઊભું બાળ :
ઊતરી ન શકે, પગલું
ન ઠરે, હેઠળ જળ ભેંકાર
ઊઠો હો ધરતીના
મતવાલ! – સુનમાં .
અમરબાઈ એકધ્યાને સાંભળી
રહી. એને લાગ્યું કે જાણે પોતે જ પૃથ્વીમાતાનું ભૂલું પડેલું વાછરડું છે : પોતે જ કોઈ
વિકટ ભેખડ ઉપર ચડીને નીચે ઊતરવાના રસ્તા વગર ઊભેલ છે. એનું અંતઃકરણ પણ કોઈ ગોપાલનું
આરાધન કરે છે, એવામાં –
‘‘આ બેઠી એ તો આંહીં!’’
એકાએક બોલ સંભળાયો.
છ–આઠ જણાં અંદર ધસી આવ્યાં.
મોખરે સાસુ હતાં. પછવાડે એક જુવાન હતો. બીજા છ હથિયારબંધ સાથીઓ હતા.
સહુ અમરબાઈના દીદાર દેખી
ચમકી ઊઠ્યા. દેહ પરના દાગીનાની ઢગલીઓ થઈ ગઈ હતી. ચૂંદડી માથા પરથી ને ખભા પરથી ક્યારે
સરી ગઈ તેનું અમરબાઈને ભાન નહોતું.
‘‘આવો મા! તમે હતાં,
મા?’’ દેવીદાસે એકતારાને દીવાલ પર ટેકવતે ટેકવતે હસી આદર દીધા.
એ આદરના શબ્દોએ આયરાણીનાં
નેત્રોમાંથી જવાબ તો જ્વાલાઓનો જ દીઠો : ‘‘આ શું માંડ્યું છે તમે, મા’રાજ?’’ એટલું
બોલીને સાસુ અમરબાઈ તરફ ફરી ‘‘અમર,’’ એણે કરડો અવાજ કાઢ્યો : ‘‘માથું તો ઢાંક! તારો
ધણી આવીને ઊભો છે તેટલું તો વિચાર.’’
અમરબાઈ સાસુની સામે જોઈને
હસવા લાગી.
‘‘ને આ દાગીના કેમ ઉતાર્યા
છે, વેરાગણ?’’
સાસુના એ સખ્ત પ્રશ્નનો
ઉત્તર પણ અમરબાઈએ હસીને આપ્યો : ‘‘મા, તમને સોંપવા માટે જ.’’
‘‘મા મા કોને કરછ? ને
સોંપવા છે શા સારુ?’’
‘‘મા, મારા અંતરમાંના
તમામ બોલ એક જ બોલમાં સમાઈ ગયા છે. મને મારી મા – મારી ધરતીમાતા – ગોતે છે. ગોવાળ મને
લેવા આવ્યો છે.’’
‘‘આ તને શું થઈ ગયું?’’
કહીને સાસુએ અમરબાઈનું શિર ઢંઢોળ્યું. ‘‘તમે આ શું કરી નાખ્યું, દેવીદાસજી?’’
‘‘કાંઈ નહીં, મા! હુંય
નથી સમજી શકતો કે આ શું થઈ ગયું. આ તમારી દીકરા-વહુ છે, મા?’’
‘‘આઈ,’’ દૂરથી બૂમ પડી.
એ બૂમ અમરબાઈના વરની હતી : ‘‘તમે ત્યાંથી ખસી જાવ. હું એ વેરાગણને અને આ ત્યાગીને પાધરાંદોર
કરું છું.’’
અમરબાઈએ આ વચનો ઉચ્ચારનારની
સામે મીટ માંડી, એણે કહ્યું : ‘‘આવા રૂડા મોઢામાં એવા બોલ ન સામે, આયર! ને મારો વાંક
તો એટલો બધો વળી ગયો કે હવે હું પાધરી નહીં થઈ શકું. લ્યો, આયર, આ તમારા શણગાર ; સુખેથી
બીજે ચડાવજો.’’
નાકની ચૂંક અને સૌભાગ્યની
બે ચૂડીઓ અમરબાઈએ જુદી પાડીને પોતાના પતિની સામે ધરી.
‘‘અરે ઊઠ ઊઠ હવે, ભગતડી!’’
કહીને જુવાને અમરબાઈના છૂટી ગયેલા ચોટલાના કેશ ખેંચ્યા.
‘‘હા, હા, એ ચોટલો પણ
તમારો ખરો હો, આયર! લાવો છરી.’’ કહીને અમરબાઈએ જુવાનના કમરબંધમાંથી છરી ખેંચી લીધી.
એ છરીથી પોતે પોતાનો ચોટલો કાપવા લાગી.
સાસુ અને પતિ : અમરબાઈની
નજરમાં દુનિયાનાં એ સુંદરમાં સુંદર માનવીઓ : એ બેઉનાં રૂપ આટલાં બધાં બગડી ગયાં છે
કે અમરબાઈને પહેલી જ વાર જ્ઞાન મળ્યું. જ્ઞાન એ મળ્યું કે બેઉનો સ્નેહ, એ ફક્ત માલિકીનો
સ્નેહ હતો. થોડી વાર પહેલાં મને ખોળામાં સુવાડનારી વત્સલ સાસુ અત્યારે મને ગળાટૂંપો
દેવાનો હોય તો દેવા તૈયાર છે! થોડી વાર પહેલાં મને ઝંખતો દોડ્યો આવેલ જુવાન મારા ખોળિયાને
આ રક્તપિત્તના ચેપમાંથી બચાવવા માગતો હતો તે તો આ શરીર પોતાને ભોગ ભોગવવાનું સાધન હતું
તેટલા સારુ જ ને! હું અમરબાઈ તરીકે અને દુનિયાના એક માનવી તરીકે તો પ્રેમ કરવા લાયક
નહોતી, ખરું ને?
ચમકતી વીજળીના સળાવા
જેવા આ વિચારોએ અમરબાઈને વિશેષ દૃઢ કરી. એણે પોતાની ચૂંદડી ખેંચવા માંડી.
‘‘કજાત! બસ થયું, કજાત!’’
કહેતાં, આ નફટાઈ ન જોઈ શકાયાથી મા ને પુત્ર મોઢું ફેરવી ગયાં. પુત્રે કહ્યું, ‘‘મા,
ભલે રહી એ આ બાવાને ; હવે તો એ ઊતરેલ ધાનનું હાંડલું છે.’’
વેગીલે પગલે એ જગ્યાની
બહાર નીકળી ગયો. સાસુ પણ ‘તને મૂઈ સમજું છું’ એટલા બોલ બોલી છાતી પર ત્રણ વાર હાય,
હાય, હાય, એ શબ્દે હાથ પટકતી બહાર નીકળી ગઈ.
થોડી વાર પછી જગ્યાનાં
ઝાડની ઘટામાં લક્કડખોદ પક્ષીના ઠકઠકાટ સિવાય બીજો કોઈ બોલાશ નહોતો રહ્યો.
દેવીદાસ હજુ વિમાસણમાં
મગ્ન હતા. અમરબાઈ હજુ એ ને એ હાલમાં બેઠી હતી. દેવીદાસે એક જ વચન કહ્યું : ‘‘મા, આ
તેં શું કર્યું?’’
‘‘સંતજી, મેં શોધી લીધું
કે માનવીને રોમે રોમે રક્તપિત્ત ગંધાય છે.’’61
લાં બી વાર સુધી બેઉ
જણાં ચુપચાપ બેસી રહ્યાં. દેવીદાસે જોયું કે અમરબાઈની દૃષ્ટિ ધરતી સામે સ્થિરતાથી મંડાઈ
ગઈ હતી. ભયનું તો એના રૂંવાડામાં પણ કોઈ નામનિશાન નહોતું.
આખરે દેવીદાસ ઊઠ્યા ને
એમણે ઝોળી લઈ જોડા પહેર્યાં.
‘‘મને કાંઈ સતવચન સંભળાવશો?’’
અમરબાઈએ પહેલીવાર પ્રશ્ન કર્યો.
જવાબમાં એ સાદા પુરુષે
સાદી વાણી સંભળાવી : ‘‘શું સંભળાવું, બાઈ! શાસ્તર હું ભણ્યો નથી. હુંય રઝળતો-રખડતો
આવ્યો છું. એક વાત જાણું છું કે હું રબારી છું. આયરો ને રબારી આદુ કાળથી ગોધન ચારતાં
આવેલ છે. તાજાં જણેલા વાછરુ, થાક્યાપાક્યા વાછરુને અને રોગી વાછરુને ગોવાળ ખંભે નાખી
ઘેરે લાવે છે એ જ ધંધો હું આંહીં કરી રહેલ છું. રબારીનો એ ભગવાને ભળાવ્યો કસબ છે, બાઈ!
મને ઢોર ચારનારાને બીજી કશી જ ગતાગમ નથી. વધુ શું સંભળાવું? મેં જ કદી સતવચન સાંભળ્યાં
નથી ને!’’
ઝોળી ખંભે લટકાવીને દરવાજા
સુધી ગયા પછી પોતાને કશુંક સાંભર્યું. પાછા ફરીને અમરબાઈને કહ્યું : ‘‘બે’ન, એક વચન
માગી લઉં છું.’’
‘‘શું?’’
‘‘સાંજે હું રામરોટલા
ભીખીને પાછો આવું, ત્યાં સુધી તું આ જગ્યામાં બીજું બધું કામ કરજે, ગા દોજે, પાણી ભરજે,
વાસીદું કરજે, પણ કોઈ રોગીને અડીશ નહીં.’’
‘‘કારણ?’’
‘‘કારણ હું તને આવીને
સમજાવીશ.’’
મોટી ડાંફો ભરતા દેવીદાસ
ચાલ્યા. મધ્યાહ્નની અણી ઉપરથી સૂરજ સહેજ આથમણો ઝૂક્યો હતો. તીરછાં થવા લાગેલાં એનાં
વૈશાખી કિરણો કુટિલ માણસની ત્રાંસી નજરની પેઠે વધુ ને વધુ દાઝથી આગ ફૂંકતાં હતાં. ચારે
દિશાનાં ગામડાં ફરતી લૂ વીંટળાઈ ગઈ હતી. એક બિન્દુ પણ પાણી વગરની એ સોરઠી ધરતી ઉપર
ઝાંઝવાનાં મોટાં સરોવરો લહેરાતાં હતાં, ને સરોવરોમાં મહાન અલકાનગરીઓના મિનારા, ઘુમ્મટો
ને અટારીઓ કોણ જાણે કયા ભૂતકાળમાંથી પોતાના પડછાયા પાડતાં હતાં.
ગરમ લૂની થપાટો ખાતા
દેવીદાસે એક ગામ ભીખ્યું. બીજું ગામ ભીખ્યું. ત્રીજું ભીખ્યું. પણ ગામડાં નાનકડાં,
વસ્તી ખેતરોમાં, ઉપરાંત દેવીદાસનો ઓછાયો લેતાંય હવે તો લોક ડરતાં, એટલે ઝોળી હજુ વધુ
ભાર બતાવતી નહોતી. સાંજ પડી ત્યાં લગભગ બારેક ગાઉનો પંથ એણે ખેંચી નાખ્યો. સાંજે એણે
‘જગ્યા’માં પગ મૂકી ‘સત્ દત્તાત્રય’નો સખુન ઉચ્ચાર્યો ત્યારે દીવાની વાટ ચેતી ગઈ હતી.
દીવો કરનારા હાથ અમરબાઈના હતા.
‘‘આજ તો સરખી જ્યોતે
જગ્યાનો દીવો જલે છે.’’ દેવીદાસે હાથપગની ધૂળ ધોતાં ને મોં પર ઝિંકાયેલી લૂને ટાઢક
કરતાં કરતાં કહ્યું.
‘‘અમરબાઈ! દીકરી!’’ દેવીદાસે
પંગત બિછાવતાં બિછાવતાં કહ્યું : ‘‘બહાર ત્રણ વાર સાદ નાખી આવીશ? કોઈ મુસાફર, વટેમાર્ગુ,
અભ્યાગત, ભૂખ્યુંદુખ્યું કોઈ હોય તો કહો કે આવી જાઓ, ભાઈ, રામરોટી જમવા.’’
દસબાર રઝળુ બાવાસાધુઓ
અમરબાઈને બોલે હાજર થયા. ‘જય રામજી કી’ની ઘોષણા થઈ રહી. ‘બડા ભગત હે દેવીદાસ! બડા સાધુસેવક
હે! ભેખમેં તલ્લીન હો ગયા હે!’ એવા એવા ધન્યવાદો તેઓ બોલતા હતા.
ત્યાં તો પાછલી પરસાળમાંથી
દેવીદાસ દેખાયા. એમની જોડે પાંચેક બીજાં અતિથિઓ હતાં. કોઈની આંગળીઓ ખવાઈ ગયેલી, કોઈના
પગ લંગડા, કોઈની આંખોને સ્થાને ખાડા જ રહ્યા હતા.
પાંચેયને દેવીદાસે એક
જ પંગતમાં સૌની જોડે બેસાર્યાં.
‘‘અમરબાઈ! બાપ, તું બહાર
બેસીને રામરોટીના ટુકડા નોખાનોખા પાડી નાખીશ?’’
એમ કહીને એણે બહાર જઈ,
એક વહ ઉપર ઝોળી ઠાલવી નાખી. બન્ને જણાએ રોટલીનાં બટકાં, રોટલાનાં બટકાં, ખીચડીના લોંદા,
શાકનાં ફોડવાં વગેરેની અલગ અલગ ઢગલીઓ પાડી.
‘‘પીરસો હવે સર્વને,’’
સંતે હસીને કહ્યું. અમરબાઈ પીરસવા ઊઠ્યાં.
‘‘બાવાજી, તમારામાંથી
કોઈક ઊઠશો પીરસવા?’’ દેવીદાસે મુસાફરોને પૂછ્યું.
કોઈ ઊઠ્યું નહીં. સહુની
દૃષ્ટિ દીવાની ઝાંખી જ્યોતમાં ભૂતાવળ-શાં દેખાતાં પેલાં રોગિષ્ઠો ઉપર હતી. દીવાલ ઉપર
એ રોગિષ્ઠોની કાળી છાયાઓ ભમતી હતી. મનુષ્યો ને એના પડછાયા બેઉ એકબીજાની ભયાનકતામાં
પુરવણી કરતાં હતાં. સાચા કોણ, પેલા પડછાયા કે આ અર્ધજીવિત રોગીઓ, તે ત્યાં એક સમસ્યા
હતી. મુસાફર સાધુબાવાઓને શંકા પડી હતી કે આ રોગિષ્ઠો અમારી સામે તીણી આંખે તાકે છે.
‘‘ત્યારે, હરિનાં બાળુડાં!’’
દેવીદાસે એ રોગિયલ મંડળી તરફ હસીને કહ્યું : ‘‘તમારામાંથી કોઈ ઊઠશો? આ લોંદો લોંદો
ખીચડી વહેંચી દેશો?’’
પતિયાંઓએ એકબીજાની સામે
જોયું. સંત દેવીદાસ સાચે જ શું આપણને પીરસવા કહે છે? કોઈને શ્રદ્ધા નહોતી પડતી.
‘‘ઊઠ ત્યારે, શેખા!’’
સંતે વાઘરીના છોકરાને સંબોધીને કહ્યું : ‘‘તું પીરસીશ, બચ્ચા?’’
શેખો આઠેક વર્ષનો બાળ
હતો. જગતે, સગાં માવતરે એને મૂએલો ગણી ફેંકી દીધો હતો. એને નિર્દોષને સંતના બોલમાં
વ્યંગ ન લાગ્યો. એ ઊઠ્યો, એનો પગ ખવાઈ ગયો હતો. ખોડંગાતો ખોડંગાતો એ ઊઠ્યો. પણ જે ક્ષણે
એણે ખીચડીનો પહેલો લોંદો પીરસવા લીધો તે જ ક્ષણે પેલાં મુસાફરોની પંગત ખાલી થઈ ગઈ.
ઊઠીને એ ચાલ્યા ગયાં હતાં. બહારથી શબ્દો સંભળાતાં હતાં : ‘કમજાત! દેવ કે ધામ કો ભ્રષ્ટ
કરનેવાલા!’
પંગત પર બાકી રહ્યાં
આટલાં જ જણાં : દેવીદાસ અને પાંચ પતિયાં. અમરબાઈ એ પંગતમાં પોતાનું સ્થાન શોધતી હતી,
પણ સ્થાન જડતું નહોતું. અમરબાઈને સંતે મૂંઝાતી જોઈ કહ્યું : ‘‘બે’ન, તારું ભાણું મેં
પરસાળમાં પીરસી રાખ્યું છે.’’
અમરબાઈ પરસાળમાં ચાલી
ગઈ.
આરોગીને સહુ ઊઠ્યાં
; રોગિષ્ઠોને પાછાં પોતપોતાની પથારીઓ પર પહોંચાડી દેવીદાસ પરસાળની કોર ઉપર એક થાંભલાને
ટેકે બેઠા. સામે અમરબાઈ બેઠાં.
‘‘બે’ન!’’ ધીરે સ્વરે
સંતે સમજ પાડી : ‘‘પુરુષનો દેહ સડે તે એક વાત થઈ. પણ સ્ત્રીનું કલેવર હરિની પરમ કૃતિ
છે. તારું મન હજી હરણના બાળની પ્રથમ પહેલી ફાળ ભરે છે. કોને ખબર, પહેલી ફાળ દેતાં પગ
મચકાણો! કોને ખબર છે તારા ભાવ સંસારને માર્ગે વળ્યા! માટે, બાઈ, વધુ નહીં, છ જ મહિના
ઠેરી જા. અડધી સાલ તારી શુદ્ધિ સાચવ. પછી જો આ જગ્યાની પૃથ્વી સાથે તારો જીવ પરોવાઈ
જાય તો ખુશીથી રોગિયાંને ખોળામાં રમાડજે. પણ હમણાં તો છ મહિના ઠેરી જા.’’
‘‘ત્યાં સુધી શું કરું?’’
‘‘ઝોળી લઈ ટે’લ કરીશ?’’
થોડી ઘડી અમરબાઈને થડકો
લાગ્યો. જગ્યાની અંદર રહી રોગીની સેવા કરવી સહેલ હતી, ગામેગામ ભિક્ષા માગવા ભટકવું
કઠિન હતું. જ્યાં જઈશ ત્યાં જગત આંગળી ચીંધશે : આયરની દીકરી, આયરની કુલવહુવારુ, બાવણ
બની ગઈ! અને જોબનની ગંધ ઉપર ભમરા બની જુવાનો પીછો લેશે. વળી માથા ઉપર પિયરનો તેમ જ
સાસરિયાંનો ભય તો તોળાઈ જ રહ્યો છે.
પણ બાવળનું લાકડું તો
છીણીના જ ઘા માગે છે. સાદા કુહાડાનું પાનું એને નહીં ચીરી શકે.
અમરબાઈને પણ ત્રાજવામાં
તોળાવાની ઘડી આવી પહોંચી. ઘડીકના વૈરાગ્યે તો મને રોકી નથી રાખીને? વૈરાગ્યના પણ શોખ
હોય છે, વૈભવ હોય છે, વાસના હોય છે. જુવાન અમરે પોતાના આત્માનું તળિયું, દીવો ઝાલીને
તપાસ્યું. ત્રણ દિવસ સુધી એના મનોભુવનમાં રસાકસી ચાલી. હારજીતની અનેક ઘડીઓ આવી અને
ગઈ. મનમાં મોજાં ચડી ચડીને નીચે પછડાયાં.
આ તો અગ્નિસોંસરા નીકળવાનું
હતું. ‘જોગમાયા’ કહીને એને પગે નાળિયેર ધરવા લોકો નહોતાં આવવાનાં.
‘‘અમરબાઈ બેટા,’’ સંતે
પૂછી જોયું : ‘‘કેટલી અવસ્થા થઈ?’’
‘‘વરસ વીશની.’’
‘‘કદી લોકોની જીભનું
માઠું વેણ સાંભળ્યું છે?’’
‘‘કદી નહીં. અમારું ખોરડું
પૂજાતું.’’
‘‘એ જ વિપદની વાત બની
છે, દીકરી! ઘણના ઘા ઝીલ્યા વિના શી ગમ પડે કે મોતી સાચું છે કે ફટકિયું? ને દુનિયાએ
જેને એકલી સારપ જ દીધી છે તેના જેવું કોઈ દુઃખી નથી. જગતના બોલ એની ચોગમ કાળમીંઢની
દીવાલો ચણી વાળે છે. દુનિયાની ઇજ્જત-આબરૂ એટલે તો જીવતાને ગારદ કરવાની સમાત.’’
મોડી રાત સુધી સંતે આ
તરુણીને ટીપી ટીપી ઘડ્યા કરી.
મોડી રાતે અમરબાઈની આંખ
મળી ગઈ. ચંદ્રમા આકાશની શોભા વચ્ચે બેઠો બેઠો પૃથ્વી પર સૂતેલીને એકીટશે નીરખતો હતો.
ગાયના ગળા ઉપર માથું ઢાળીને વાછરડું સૂતું હતું. જાગતાં હતાં બે જ જણાં : એક ધેનુ ને
બીજા દેવીદાસ. સૂતેલી અમરબાઈના મોં ઉપર લખેલા વિધિલેખ ઉકેલવા સંત મથતા હતા.
અક્ષરો ન ઉકેલી શકાયા.
સંતે ખીંટીએથી એકતારો
ઉપાડ્યો. તાર ઉપર ટેરવાં ફર્યાં તે ક્ષણે પહેલું જ પદ એને ‘શબદનાં બાણ’નું સ્ફુર્યું
:
લાગ્યાં શબદનાં બાણ
હાં રે એના પ્રેમે
વીંધાયેલ પ્રાણ હો!
હો...હો લાગ્યાં
શબદનાં બાણ જી!
સૂતેલીનો પ્રારબ્ધલેખ
એ રીતે એકતારાએ ઉકેલ્યો.
*
સ વારે, મધ્યાહ્ને કે
સાંજે ગામડાંની સીમોમાં ‘સત દેવીદાસ! સત દેવીદાસ!’ એવો અવાજ સંભળાયા કરતો. અવાજ લલિત
હતો. છતાં ઘેરો લાગતો. અવાજમાં કરુણાભીની વીરતા હતી. એ અવાજના વચગાળામાં મક્કમ પગલાંના
ધ્વનિ સંધાતા હતા. અવાજ ખેતરવા ખેતરવા પરથી સાંભળીને સીમનાં લોકો દોટ કાઢતાં, રીડિયા
મચી જતા કે ‘બાવણ નીકળી, જુવાન બાવણ નીકળી’. નજીક જવાની કોઈની હિંમત ન ચાલતી. પણ પછવાડે
ઠઠ્ઠાના બોલ છૂટતા : ‘મીરાંબાઈ બનવા નીકળી છે! ધણીધોરી વગરની પાટકે છે! જુવાની જોઈ
એની જુવાની!’
ખેતરના પાકમાંથી વૈયાં
ઉરાડવા માટે જુવાનો ગોફણો રાખતા. એમાંથી પથ્થરો પણ છૂટતા હતા. અનેક પથ્થરોની ચણચણાટી
અમરબાઈએ પોતાના કાનની લગોલગ સાંભળી હતી. કોઈ કોઈ વાર પથ્થર વાગતો ત્યારે પછવાડે પણ
જોયા વિના આગળ પગલાં માંડતી એ ‘શબદ’ બોલતી : ‘સત દેવીદાસ’, ‘સ...ત દેવીદાસ.’
દિવસો ગયા. હાંસી શમવા
માંડી. લોકો નજીક આવતાં થયાં. લોકોની જીભ પણ ઊઘડી : ‘‘સત દેવીદાસ, મા!’’
‘‘સત દેવીદાસ, બાપુ!’’
અમરબાઈ સૌને જવાબ દેતાં.
‘‘મા, દુઃખની વાત સાંભળતાં
જશો?’’
‘‘કહોને બાપુ!’’
‘‘આ મારી વહુને પેટ શેર
માટીની ખોટ છે, ઘોડિયું બંધાવોને!’’
‘‘આ મારી દીકરીને એની
જેઠાણી જંપવા દેતી નથી, એકાદ દોરો કરી આપોને!’’
‘‘અમારા જમાઈને ધનુડી
ભંગડી વળગી છે, છોડાવોને, મા!’’
સહુના જવાબમાં અમરબાઈ
એક જ બોલ સંભળાવતાં : ‘‘દોરા-ધાગા ને મંતર તો મારી કને એક જ છે, બાપુ, કે ઈશ્વર સહુનું
સારું કરજો!’’
‘બાવણ મતલબી હશે, ભાઈ!’
એવું વિચારી લોકો શ્રીફળ લાવતાં, કોરી ધરતાં, દાણાની સૂંડલી ભરી રસ્તામાં ઊભા રહેતાં.
‘‘ન ખપે, કશુંય ન ખપે,
ભાઈલોક!’’ એટલું કહીને અમરબાઈ મોં મલકાવતાં.
એના મલકાટમાં ગજબ વશીકરણ
હતું.
થોડે દહાડે અમરબાઈનું
મન ચલિત થયું. એણે દેવીદાસની પાસે વાત ઉચ્ચારી : ‘‘જગ્યાનો વરો વધ્યો છે. રોગિયાં અને
અભ્યાગતોની સંખ્યા ફાલતી જાય છે. આ ગોવાળો ને ખેડૂતો સામેથી ચાલીને દાણા આપવા તેમ જ
જગ્યામાં ગાયો બાંધવા માગે છે. જગ્યાને ખાતર સ્વીકારી લઉં?’’
થોડી ઘડી તો સંતે કશું
કહ્યું નહીં ; રખેને કશોક ઉપદેશ આપવા જેવું થઈ જશે, રખે અમરબાઈને હું મારી ચેલકી સમજી
બેસીશ, રખેને મારા ડહાપણનું હુંપદ મારા હૈયામાંથી અંકુર કાઢશે, એ બીકે પોતે ચૂપ રહી
ગયા. પછી હસીને જવાબ આપ્યો : ‘‘આપણો સંઘરો આપણને જ દાટી દેશે, બે’ન! તારા પગ થાક્યા
છે?’’
‘‘રામરોટી પૂરી થતી નથી.’’
‘‘કેને કેને માગો છો
તમે?’’
‘‘તમામ હિંદુ વરણને.’’
‘‘મુસલમાનને કાં નહીં?
રક્તપિત્તિયાને જાત નથી, બે’ન! એ તો જાત બહારનાં, જગતની બહાર કાઢી મૂકેલાં છે. એ ન
અભડાય. આપણેય જાત તજી છે.’’
થોડી વાર પછી સંતે સંભારી
આપ્યું : ‘‘ઢેડોના વાસમાં જાઓ છો?’’
‘‘ના રે!’’
‘‘કેમ નહીં? શીદ તારવો
છો એને? પ્રભુનાં તો એ તારવેલાં નથી ને?’’
‘‘ના.’’
‘‘આપણે પ્રભુથીયે ચોખ્ખેરા?’’
સંત હસ્યા.
અમરબાઈનું મોં લજ્જાથી
નીચે ઢળ્યું.
બ રછીને જોરે જમીનો
દબાવી દબાવી કાઠીઓ ઠરીઠામ બેસતા હતા. જમીન ખેડનારા ધીંગા ખેડૂતો મળી જવાથી કાઠીઓ નવરા
પડ્યા હતા. રજપૂતોની નકલ કરવા લાગેલા કાઠીઓએ પોતાના ઘરમાં ઓઝલપરદા પેસાડ્યા. સૂરજના
સ્વતંત્ર પૂજકો મટીને તેઓએ શિવ, વિષ્ણુ આદિ ઉજળિયાત જાતિઓના ઇષ્ટદેવોને સ્વીકારવામાં
પોતાની ઇજ્જત માની હતી. ધર્માલયો દાનપુણ્યનાં ને સખાવતોનાં સ્થાનો બની જાય છે ત્યારે
એમાંથી મળતી પ્રતિષ્ઠાના પરદા પાછળ માનવી પોતાનાં હજારો પાપો છુપાવે છે.
બગેશ્વર ગામનો કાઠી જમીનદાર
જેનું નામ આપણે જાણતા નથી, તેની દેશભક્તિ ઉપર ઉજળિયાત વસ્તી મુગ્ધ બની હતી. બગેશ્વરના
શિવલિંગની સામે દરરોજ એક પગે ઊભો રહીને એ દસ માળા ફેરવતો હતો. મહાશિવરાત્રિની શિવયાત્રામાં,
શિવની પાલખીની આગળ આળગોટિયાં ખાતો ખાતો આખી વાટ મજલ કરતો.
ભિક્ષાની ટહેલ નાખતી
અમરબાઈ કોઈ કોઈ વાર બગેશ્વર સુધી આવવા લાગી. પરબ-વાવડીના સ્થાનક ઉપર આશ્રિતોની ભીડ
વધતી જતી હતી. સહુને પેટે ધાન પૂરવા માટે અમરબાઈનો ભિક્ષાપંથ લંબાયે જતો હતો. દત્તાત્રયના
ધૂણાથી બગેશ્વર દસ ગાઉ હતું.
વગડા ખેડતી કેટલીએક સ્ત્રીઓએ
અને ગોવાળોએ એને ચેતાવેલાં કે ‘માતાજી, ભલાં થઈને એ દિશામાં જતાં નહીં. ત્યાં સ્ત્રીનું
રૂપ રોળાયા વિના રહેતું નથી. વળી ત્યાં જનોઈવાળાઓનું અને કંઠીવાળાઓનું જોર છે’.
‘મને, ધરમની ગવતરીને
કોણ છેડવાનો છે?’ એવું સમજીને અમરબાઈ નિર્ભય ભમતી હતી. પણ બગેશ્વરના કાઠીઓ વિશે એણે
બહુ બહુ વાતો જાણી તે પછી એનું દિલ થરથરતું હતું.
પણ દિલ તો ઘોડા જેવું
છે. એક વાર જ્યાં ચમકીને અટકે છે, ત્યાં એ સદાય અટકે ; માટે ડાહ્યો ચાબુક-સવાર પોતાના
પ્રાણીની ચમક પહેલે જ ઝપાટે ભાંગી નાખે છે.
અમરબાઈના આત્માએ પણ ચમકતા
કલેજા ઉપર આગ્રહનો ચાબુક ફટકાવ્યો. એક દિવસની સાંજે બગેશ્વરની શેરીઓમાં ‘સત દેવીદાસ’નો
સખુન ગુંજી ઊઠ્યો. તે વખતે સૂર્ય આકાશની સીમમાંથી થાકી લોથ થઈ ક્ષિતિજની નીચે જતો હતો.
સજ્જનની વિદાય પછી પણ પાછળ રહી જતી સુવાસ જેવી સૂર્યપ્રભા હજુ પૃથ્વી ઉપર ભભકતી હતી.
થોડા જીવતરમાંય ઘણી ઘણી રમતો રમી જનારી સંધ્યા પણ હવે તો છેલ્લા શ્વાસ ભરતી હતી. તે
વખતે બગેશ્વરનો પૂજારી બાવો દરબારની ડેલી તરફ ઝપાટાભેર ચાલ્યો. ને ત્યાં પહોંચી એણે
લાલઘૂમ લોચનો ફાડી બગડેલી હિંદી વાણીમાં વરાળો કાઢી કે ‘‘કાઠી, તેરા સત્યાનાશ નિકલસે!’’
‘‘શા માટે, ગુરુજી?’’
‘‘વો નકલી મીરાંબાઈને
સારા ગાંવ કો ધર્મભ્રષ્ટ કર દિયા. ઘર ઘર ભીખતી ભીખતી વો અબ કહાં ચલી માલૂમ સે તૂંને?’’
‘‘ક્યાં?’’
‘‘ચમારવાડે મેં, વહાં
સે વો મુડદાલ માંસ કી ભીખ લેસે.’’
બગેશ્વરનો પૂજારી હજુ
પૂરું બોલી નહોતો રહ્યો, કાઠી દરબારના મોં પરની રેખાઓ હજુ પૂરેપૂરી કરડાઈ ધારણ નહોતી
કરી રહી, ત્યાં તો નજીકમાંથી અવાજ આવ્યો : ‘સત દેવીદાસ!’
‘‘વોહી ડાકિની!’’ પૂજારીએ
ચમકીને કાન માંડ્યા. શબ્દ ફરી ફરી વાર આવ્યો : ‘સત... દેવીદાસ!’
માઢ-મેડીની બારીમાંથી
કાઠીરાજે ડોકિયું કર્યું. જોગણને આવતી દેખી.
અંચળો નથી, ચીપિયો નથી,
કાનોમાં કડીઓ નથી, ડોકમાં કંઠી નથી. માળા પણ નથી. ગેરુવા રંગમાં આછું રંગેલું ઓઢણ સંસારીની
અદબથી ધારણ કર્યું છે. ને માથા પર કાળા કોઈ વાસુકિનાં બચળાંને મળતાં વેંત વેંત ટૂકાં
લટૂરિયાં છે. પૂર્વે ત્યાં એક આણું વળીને પિયુઘેર જતી આહીરાણીનો ઘૂંટણે ઢળકતો ચોટલો
હતો.
પૂજારી કાઠીરાજના ચહેરાને
નિહાળતો હતો. એ ચહેરાની રેખાઓએ પહાડી ઝરણાંઓના પ્રવાહોની સુંવાળી રસાળી બંકાઈ ધારણ
કરવા માંડી હતી.
અમરબાઈ કાઠીરાજની ડેલીમાં
ક્યારે પેઠી, અને રામરોટી માગીને પાછી ક્યારે બહાર નીકળી ગઈ તેનું ભાન કાઠીરાજને રહ્યું
નહોતું. એ ભાન એને પૂજારીએ જ કરાવ્યું : ‘‘દેખ, તેરે ઘરમેં ભી ડાકણ જાઈ આવી.’’
‘‘હેં! ગોલ...!’’
કાઠીની ગાળોમાં પ્રિય
શબ્દ, લાડકવાયો શબ્દ, સદાય જીભને ટેરવે રમતો શબ્દ ‘ગોલકી’ અથવા પુરુષવાચક ‘ગોલકીના’
એવો હતો. એ શબ્દમાં રમૂજભર્યો તિરસ્કાર હતો.
પણ એ શબ્દનો ઉચ્ચાર કાઠીરાજના
હોઠ ઉપર અધૂરો રહી ગયો.
એ હોઠની નજીકમાં જોગણના
વદનની કલ્પનાછબી રમતી હતી. જીવનમાં પહેલી વાર કાઠીરાજને એવું એક માનવી જડ્યું, કે જેના
પ્રત્યેનો અપશબ્દ પોતાની જીભ ઊંચકી ન શકી.
નીચે બેઠેલા ચોકીદારોને
એણે હાક મારી : ‘‘કેમ એ બાવણને અંદરના વાસમાં જવા દીધી?’’
માણસોએ જવાબ આપ્યો :
‘‘એણે અમારી રજા માગી નહીં. એને અમે રોકવાનું કહી જ ન શક્યા : અમારી જીભ કોણ જાણે શા
કારણે તાળવામાં ચોંટી રહી.’’
‘‘એટલે? ડાચાં ફાડીને
બધા બસ એની સામે ટાંપી જ રહ્યા? તમારા માંહેલા એંશી વરસના બૂઢાઓનેય ત્યાં શું જોવા
જેવું રહી ગયું’તું?’’
માનવી જેને ચમત્કારોમાં
ખપાવે છે એ બાબતો મૂળ તો આવી જ સીધી ને સાદી હશે કે? આત્માનું બળ જ્યારે એકઠું થઈને
દેહ ઉપર ઝળેળી ઊઠે છે ત્યારે વાઘવરુ જેવાં મનુષ્યો પણ શું એ વિભૂતિના પ્રભાવથી દબાઈ
નથી જતાં? પહાડ-શા પડછંદ પુરુષો એકાદ દૂબળા ને બદસૂરત દેહની પાસે અવાક બને છે, તેનું
શું રહસ્ય હશે? શ્રીકૃષ્ણે અર્જુનને વિરાટ સ્વરૂપ બતાવવાની જરૂર જોઈ હશે, એવું માનવામાં
જ નથી આવતું. અર્જુન તો ચમક્યો, ધ્રૂજ્યો, ને નમ્યો હશે એના સારથિના સાદા નાના માનવ-સ્વરૂપની
સામે. કેમ કે એ માનવી, એ મુરલીધર, જીવનતત્ત્વોનો સુંદર મેળ મેળવી શક્યો હતો. લાંબા
લાંબા દાંત અને એ દાંતની વચ્ચે ચગદાતો અનંત માનવસમૂહ, એવું કશું જ દેખાડી અર્જુન-શા
મહાવીરને, પ્રજ્ઞ પુરુષને, સ્તબ્ધ કરી દેવાની જરૂર નહોતી.
‘‘પૂજારી! તમે પધારો.
હું એ વાતની વેતરણ કરી નાખીશ.’’
‘‘હા. નહીંતર તેરા નિકંદન
નિકલ જાસે.’’
એવી દમદાટી દેતો પૂજારી
પાછો ગયો. ને પૃથ્વી ઉપર પૂરેપૂરાં અંધારાં ઊતરી ચૂક્યાં.
‘‘મા રી ઘોડી પર પલાણ
મંડાવો.’’ કાઠીરાજે હુકમ આપ્યો. પોતાના એક સ્વામીનિષ્ઠ સાથીને સાથે ચાલવા કહીને કાઠીરાજે
ઘોડી હાંકી મૂકી. બન્ને ઘોડાં માર માર ગતિએ પરબવાવડી જગ્યાને માર્ગે ચડી ગયાં.
સીમાડો વટાવ્યો કે તુરત
જ આગળની ગમથી શબદ બોલ્યો : ‘સત દેવીદાસ!’ ‘સત દેવીદાસ!’
અંધકાર હોય છે ત્યારે
શબ્દો પણ દેહધારીઓ બનતા દીસે છે. કોઈ અવાજ નિર્દોષ બાળકનું રૂપ ધરે છે, કોઈ ફૂંફાડતો
સાપ બને છે, કોઈ કલ્લોલતા પક્ષીનો આકાર કાઢે છે. કોઈ સખુન શુક્રના તારાની જ્યોત પ્રગટાવતો
લાગે છે. તો કોઈમાંથી કેવડાના ફૂલની સુગંધ મહેકી ઊઠે છે.
અમરબાઈનો બોલ અંધકારમાં
કોઈ બચ્ચું શોધતી છાળી (બકરી) જેવો લાગ્યો.
‘‘આ જાય! હાંક્યે રાખો!’’
કહીને કાઠીરાજે ઘોડીને જરાક ડચકારી.
બેઉ ઘોડીઓના ડાબલા ગીરકાંઠાની
કાળી પોચી ભોમ ઉપર બોદા અવાજ કરતા હતા.
ફરીથી અવાજ એટલો ને એટલો
આગળ સંભળાયો : ‘સ...ત દેવીદા...સ!’
‘‘હં, આ રહી. કરો ઝટ
ભેળાં.’’ કહીને કાઠીરાજે ફરીથી ઘોડીને ડચકારી. લગામને સહેજ જ ડોંચી. તેજીલી ઘોડીને
પુરપાટ રેવાળની ચાલમાં નાખવાને માટે આટલો ઇશારો જ બસ હતો.
અંધકારમાં ઘોડીઓ સન્મુખ,
ડાબી ગમ ને જમણી બાજુ વારંવાર કાનોટી માંડીને તાકતી જતી હતી. ને ઘોડીની આંખોની તાક
પધોરે બન્ને અસવારો પણ પોતાની ઝીણી આંખોને ખેંચતા હતા.
ડાબી બાજુએ સતવાળી નદીમાં
દેડકાંની દુનિયા ગાનના જલસા કરી રહી હતી. તી! તી! તી! અવાજ કરતું કોઈ કોઈ બગલું એક
ઠેકાણેથી ઊડી બીજે ઠેકાણે બેસતું હતું. માછલીઓ અંધારામાં રંગબેરંગી હીરા જેવી ઝગમગતી
હતી. છૈયાનાં ઘાસનો કેડ્ય કેડ્ય સમાણો જથ્થો ડાકુઓના જૂથની જેમ નદીનાં નીરને દબાવી
સૂનમૂન ઊભો હતો.
‘આ તે શું?’ કાઠીરાજને
જીવનમાં બહુ થોડાં જ વિસ્મયો માંહેલું એક વિસ્મય થયું : ‘આટલી બધી એના પગની ઝડપ! ક્યારુની
ઘોડાં મોર્ય ચાલી જાય છે. દોડતી હશે શું? કે આડીઅવળી તરી ગઈ હશે?’
જવાબમાં ધ્વનિ સંભળાયો
: ‘સત દેવીદાસ!’
‘આ રહી નજીક જ,’ એવા
ઉલ્લાસમાં આવી જઈ અસવારે ઘોડીને દબાવી. ઘોડી રેવાળની ચાલમાંથી બાદડુકમાં ગઈ.
અર્ધા ગાઉની એક દોટ પૂરી
કરીને જ્યારે કાઠીરાજ શૂન્યમાં ઊભા થઈ રહ્યા ત્યારે પેલો અવાજ ખેતરવા જેટલો પછવાડેથી
સંભળાયો : ‘સત દેવીદાસ!’
‘‘વાંસે વળી ક્યારુકની
રોકાઈ ગઈ, ગો...!’’
‘ગોલકી’ શબ્દનો ઉચ્ચાર
ફરી એક વાર અધૂરો રહ્યો.
અસવારો થંભ્યા, સારી
પેઠે વાર થઈ. કોઈ જ નહોતું આવતું.
‘‘ગઈ ક્યાં?’’
એ પ્રશ્નનો ઉત્તર દેતો
ધ્વનિ ફરીથી પાછો ખેતરવા આગળ જઈને ઊઠ્યો : ‘સ...ત દેવીદાસ!’
અવાજની સંતાકૂકડીની રમત
સારી પેઠે ચગી ગઈ. કાઠીના દિલમાં જે એક મધુરી અધીરાઈ જાગી હતી તે કડવી કડવી બની ગઈ.
એને રોષ ચડ્યો. એ ચતુર વર્ણનો પુરુષ, દોંગાઈ જેને એક વિદ્યાની માફક વરી છે એવી, જગતનાં
કાંઈક હાટ-બજારોમાં ભ્રમણ કરતી સોરઠ ધરામાં ઊતરેલી કાઠીજાતિનો એ જાયો, પહેલી વાર ભોંઠો
પડ્યો. વધુ દાઝ તો એને એટલા માટે ચડી કે પોતાને થાપ આપનાર એક સ્ત્રી હતી, એક વેરાગણ
હતી.
‘મેલી વિદ્યાને સાધી
હશે ગો...એ? પાંખો કરીને વિદ્યાધરીની જેમ ઊડતી હશે?’
ગુંદાળીધાર વટાવી. પીપળિયું
પણ પાછળ મૂક્યું. ધીરો એક દીવો ટમટમ્યો, ને ફરી વાર ત્યાં ધ્વનિ થયો. પગના ધબકારા પણ
બોલ્યા : ‘ઓ જાય! પણ આ તો એની જગ્યા આવી ગઈ! બચી ગઈ.’
ઘોડીઓ જ્યારે જગ્યાની
નજીક પહોંચી ત્યારે રસ્તાને કાંઠે એ ઊભી હતી. તારામંડળના તેજમાં એનો આકાર સ્વચ્છ દેખાયો.
એણે મીઠો અવાજ કર્યો : ‘‘સત દેવીદાસ! કોણ છો, બાપુ?’’
‘‘મુસાફરો છીએ.’’
‘‘કેટલેક જાવું છે?’’
‘‘જાવું’તું તો બીજે,
પણ રસ્તો ભૂલ્યા છીએ.’’
‘‘કાંઈ ફિકર નહીં, બાપા,
રસ્તો ભૂલેલાંને માટે જ અહીં વિસામો છે.’’
‘‘ક્યાં?’’
‘‘સંત દેવીદાસની ઝૂંપડીમાં.
આવશો?’’
અસવારોને ભાવતું હતું
તે જ જડી ગયું. ‘‘ભલે.’’
‘‘ચાલો, બાપ.’’
અમરબાઈએ કાઠીરાજની બન્ને
ઘોડીઓની લગામ ઝાલી દોરવા માંડ્યું. અસવારો ચૂપ રહીને દોરાતા ચાલ્યા. અમરે પૂછ્યું
: ‘‘પછવાડે ઘોડાં દોટાવતા દોટાવતા કોણ તમે જ આવતા’તા, ભાઈ?’’
‘‘ક્યાં? ક્યારે? ક્યાંથી?’’
કાઠીરાજ થોથરાયો.
‘‘ઠેઠ બગેશ્વરને સીમાડેથી.’’
‘‘કોઈક બીજા હશે.’’
‘‘જે હો તે હો, ભાઈ
; પણ બાપડા કોણ જાણે શુંય ગોતતા’તા વગડામાં. અંધારે ગોતતાં કાંઈ ભાળ મળે નહીં ને? ભેળો
ભોમિયો નહીં હોય. ને પાછું આ તો ગીરનો વગડો, વીરા! ઘોડાં તૂટી જાય. હશે! કોઈ બચાડા
અતિ વહાલી જણસની ગોતમાં જ નીકળ્યા હશે ને!’’
એટલું બોલીને અમરબાઈએ
પાછળ નજર કરી. જગ્યાનો ઝાંપો આવી ગયો હતો, ઝાંખો દીવો ઝાંપે બળતો હતો. ઝાંખા પ્રકાશમાં
બેઉએ એકબીજાને નિહાળ્યાં.
‘‘ઊતરો, બાપ!’’ કહીને
અમરબાઈએ ઘોડીને થોભાવી લીધી.
કાઠીરાજ નીચે ઊતર્યો
ત્યારે એનું દેહપરિમાણ સ્પષ્ટ દેખાયું.
સૂરજમુખો : પાતળા સોટા
જેવો : સિથિયનોનો વારસ : આભે રમતું મસ્તક : આજાનબાહુ : જેના પૂર્વજોએ હિમાલયની અભેદ્ય
પહાડમાળા વીંધી પંચસિંધુને તીરે મેખીઓ ચરાવી : જેની માતાઓ યુરોપની સંસ્કૃતિમાંથી રાચરચીલાંની,
ગૃહશોભાની ને દેહસૌંદર્ય સમજવાની કળાઓ લઈ હિન્દમાં ઊતરી : જેની પત્નીઓએ છેક પંજાબમાંથી
નીકળી સોરઠમાં ઊતરતાં પણ સંગાથે પોતાનાં લંબસુરીલાં લોકગીતો હૈયાની દાબડીમાં સંઘરી
રાખ્યાં : જેના પિતૃઓએ કોમના રંક તેમ જ રા’ને એક જ પંગતે જમાડનારી તેમ જ એક હોકે ઘૂંટ
લેવાની પરજપરંપરા સ્થાપી : જેના રણશૂર વડવાને સૂર્યદેવે થાન પાસેના ડુંગરાની એક જાળ
પાસે હાથોહાથ સાંગનું શહ બંધાવ્યું : ને જેની કોમે સોરઠમાં અઢાર તાંસળીઓ (કોમો) વચ્ચે
રોટીબેટીના વ્યવહાર સ્થાપ્યા.
એવી એક બહુરંગ જાતિનો
રૂપાળો રસીલો જુવાન જે વેળા ઘોડીએથી ઊતર્યો તે વેળા વીસેક જીવતાં માનવકલેવરો જગ્યાના
ઓટા ઉપરથી ચિત્કાર કરી ઊઠ્યાં.
‘‘મા, તમે આવ્યાં! ઝટ
હાલોને મા! બહુ ભૂખ લાગી છે, પેટમાં લાય લાગી છે.’’
ત્યાં બીજું રોગી બોલી
ઊઠ્યું : ‘‘મા, તમ વિના ગમતુંય નો’તું.’’
ત્રીજાએ કહ્યું : ‘‘દેવીદાસ
બાપુને ઓચિંતાનું ગામતરું આવ્યું ને અમે સાવ એકલાં પડી ગયાં, રાજના સપાઈસપરા કાંઈ હાકોટા
કરી ગયા, માડી!’’
‘‘બાપુ ગામતરે ગયા? ક્યાં
ગયાં?’’ અમરબાઈએ ઝોળી ઉતારતાં ઉતારતાં પૂછ્યું.
‘‘જૂનેગઢ તેડી ગયા. તલવારુંવાળા
દસક જણ આવ્યા’તા.’’
કાઠીરાજ એ વખતે પરસાળ
પર ચડતો હતો. એ પોતાના સાથી તરફ ફર્યો. એનો હાથ સહેજ એની ઝીણી મૂછો ઉપર ગયો.
દીવાની જ્યોતને કોઈએ
જાણે ચાબુક ફટકાર્યો હોય ને, તેવી રીતે એણે મરોડ લીધો.
અમરબાઈને આજે પહેલી જ
રાત દેવીદાસ વિનાની હતી. એના હૃદયમાં પહેલી વાર એક ઊંડી ફાળ પડી. દેવીદાસ નથી, અને
એક જોબનજોદ્ધ પરપુરુષ અહીં રાત રોકાશે. શું થશે?
નિત્યના નિયમ પ્રમાણે
પંગત બિછાવીને વચ્ચોવચ અમરબાઈએ ઝોળી ઠાલવી, ત્યારે અતિથિઓએ ઝીણી નજરે એ અન્નની ખબર
લીધી.
પણ એ ખબર અધૂરી હતી.
અધૂરી માહિતીને અમરબાઈએ આ રીતે પૂરી કરી. ઝોળીમાંથી એક એક રોટલો અને ધાનનો લોંદો સર્વ
જમનારાને દેખાડતી દેખાડતી પોતે કહેતી કે ‘‘હરિનાં બાળ! આ રોટી રામપરના ગામોટ-ઘરની
: આ રોટલો ઘંટિયાણ ગામના ભરવાડનો દીધેલો : આ બગેશ્વરના ચમાર-ઘરનું બંટીનું ધાન : અને
આ એક રોટલો–’’
એણે રોટલાને ઊંચો કરી
વધુ ચીવટથી તપાસ્યો.
‘‘હરિનાં બાળ! આ એક રાજદરબારી
રોટલો છે. એમાં હું કીડા ખદબદતા દેખું છું. કારણ કે એ ઘડનારીને મેં આજ નજરે દેખી. એના
એક લમણા ઉપરથી વાળ ચાલ્યા ગયા હતા. મેં પૂછ્યું કે ‘આઈ, લમણાંની લટો ક્યાં?’ એણે કહ્યું
કે ‘બળી ગઈ.’
‘‘મેં પૂછ્યું, ‘શી રીતે?’
‘‘એ કહે કે ‘ચૂલે રોટલા
કરતાં કરતાં!’
‘‘મેં પૂછ્યું, ‘એમ કેમ
બળે?’
‘‘એ કહે કે ‘ઝોલું આવી
ગયેલું. રાતના ત્રીજે પહોરે દરબાર ડેલીએ દાયરો ભરીને કસુંબા ને દારૂની મેફલ કરતા’તા.
મે’માનોને રોટલા ખવરાવવાનું બાકી હતું.’
‘‘હરિનાં બાળ! આ રોટલો
ચમારના ધાન કરતાં ઊતરતો છે. એ આપણે નહીં ખાઈ શકીએ. એ આપણને જરશે નહીં, એ તો સમાશે આપણી
ગવતરીના જ ઉદરમાં.’’
‘‘હરિનાં બાળ! આજ આપણે
જમવા પહેલાં એ કાઠીરાણીનાં દુઃખને સંભારીએ. કહો સહુ, કે ભગવાન એનું ભલું કરજો!’’
સહુએ કહ્યું : ‘‘ભગવાન
એનું ભલું કરજો!’’
પછી જમવાનું શરૂ થયું.
પરસાળમાં બેઠેલા મહેમાને
આ આખો પ્રસંગ સળગતાં સળગતાં સાંભળ્યો. પણ કિન્નાને માટે એની પાસે આખી રાત પડી હતી.
એણે સાંત્વન ધર્યું.
આ જારોને સુવારી દઈ
અમરબાઈ પરોણાઓનાં બિછાનાં પાથરવા ગયાં. મુખ્ય ઘરથી થોડે છેટે એક મઢૂલી ઉતારા તરીકે
વપરાતી. ગરીબી એ જગ્યાના સંચાલકોનું જીવનવ્રત હતું. પણ એ વ્રતના અભિમાનમાં તણાઈને દેવીદાસે
પરોણાઓને પણ ગરીબીવ્રતમાં જકડ્યા નહોતા. આથી કરીને અતિથિગૃહમાં તો ખાટલા અને ગાદલાં
પણ બબે વસાવી લીધાં હતાં. સંતે એક વખત કપાસની મોસમમાં ખળાવાડે ઝોળી ફેરવી હતી. ભલા
ખેડૂતો મશ્કરી કરતા કે ‘બાપુ, આમ છોકરાંની રમત શું કરો છો! લઈ જાઓને એક એક કળ પાસેથી
મણ મણ કપાસ!’
સંત હસતા : ‘દોથો દોથો
જ દ્યોને ભાઈ! દૂઝણી ધેનુઓ જેવા છો, તે પાછાં વે’લાં વે’લાં વસૂકી જશો, જો મણ મણ ઉઘરાવીશ
તો.’
ખાટલાનાં લાકડાં પણ પોતે
જ જંગલમાંથી કાપી આવેલ ને ભીંડી પણ પોતે જ ભાંગીને વાણ (રસી) બનાવી લીધું હતું.
અતિથિગૃહમાં દીવો પેટાવીને
અમરબાઈ જ્યારે પથારીઓ પાથરતી હતી., ત્યારે એની ચીવટ હરકોઈ જોનારાને સંશયમાં નાખે તેવી
હતી. ખાટલા ખંખેર્યા, ગાદલાં ઝાપટ્યાં, ગાદલાંને અને બાલોશિયાંને ખૂણેખૂણેથી જીવાત
જોઈ નાખી. અને તે ઉપર રજાઈઓ બિછાવી પોતાના હાથ આખી પથારી ઉપર દાબી જોયા : એકલી એકલી
બોલી : ‘ક્યાંય ગાંઠોગડબો તો રહ્યો નથી ને?’
‘‘કેટલી બધી કાળજી!’’
અમરબાઈની પીઠ પાછળથી કોઈએ ટૌકો કર્યો.
પછવાડે જોયું તો રૂપાળો
કાઠી મહેમાન બારણાં બંધ કરીને અંદર ઊભો હતો બારણાંને એણે પોતાના શરીરથી દબાવી રાખ્યાં
હતાં.
પહેલાં પ્રથમ તો અમરબાઈને
પોતાની આંખો ઉપર જ અવિશ્વાસ આવ્યો. આ શું જગ્યાનો મહેમાન જ છે? જેને હજુ હમણાં જ ગાયનું
તાજું દૂધ પિવરાવ્યું, તે જ આ માણસ છે? આ માણસ આટલો બધો રૂપાળો છે, છતાંય શું લંપટતા
એનામાં હોઈ શકે?
મહેમાન સામે ઊભો ઊભો
મોં મલકાવી રહ્યો હતો. દીવાની જ્યોતમાં એક જંગલી જીવડું સડસડ સળગતું હતું. અતિથિનો
દેહ કેમ જાણે કોઈ કાળા ચોગઠામાં મઢ્યો હોય તેવો એનો કાળો પડછાયો ભીંત ઉપર એની પછવાડે
પડતો હતો ; ને જગત પણ તે સમયે કોઈ કાવતરાખોરના કલેજા જેવા અંધકારમાં સપડાયું હતું.
માત્ર થોડા તારાઓ જ કરોડો જોજન દૂરથી છૂપા હોઠ પટપટાવી જગતને સાનમાં કહેતા હતા કે
‘હિંમત હારીશ ના!’
અમરબાઈએ ફક્ત એટલું કહ્યું
કે ‘‘સત દેવીદાસ!’’
બહુ પ્રયત્ને એના ગળામાંથી
આટલો સૂર નીકળ્યો. એ સૂર જાણે કે એનો સાથી બન્યો. અમરબાઈને તુરત એમ લાગ્યું કે અહીં
કોઈક મારો મદદગાર છે, જેણે આ શબ્દોનો જવાબ દીવાલોમાંથી વાળ્યો. અંધારી સાંકડી ગલીમાંથી
પસાર થતું માનવી ગાય છે, ગાઈને પોતાની એકલતા મિટાવે છે.
કોઈએ દઝાડ્યો હોય ને
જાણે! એવી દાઝ દાખવતો કાઠી પોતાના મોં પરનો મલકાટ સંકેલી લઈ સહેજ ઉગ્ર આંખે અમરબાઈ
તરફ વધ્યો. એની ભુજાઓ આ એકલી સ્ત્રીના દેહ પ્રત્યે પહોળાયેલી હતી. એનાં જુલફાં મોંને
ઢાંકતાં હતાં.
‘સત દેવીદાસ! સત દેવીદાસ!
સત દેવીદાસ!’ એને અક્કેક પગલે અમરબાઈએ આ બોલ રટ્યા. એ બોલના ધ્વનિએ અતિથિને ઉશ્કેર્યો
– બંદૂકમાંથી છૂટતી ગોળી વાઘને ઉશ્કેરે તે રીતે.
‘‘બોલ મા એ બોલ,’’ એણે
કહ્યું : ‘‘મારાથી એ સાંભળ્યા જાતા નથી. તું મારણના જાપ જપછ, એમ ને? મારો પ્રાણ નીકળી
પડે છે, ખબર નથી પડતી? મારા માથામાં દુખાવો ઊપડ્યો છે. શૂળ પરોવાય છે. મને પડવા દે
પથારીમાં.’’
આવું આવું વિચિત્ર ભાષણ
કરતો કરતો મહેમાન બિછાના પાસે પહોંચ્યો ત્યારે એ પોતાના શરીર પરનો કાબૂ ગુમાવી બેઠો
હતો. એ ભફ દેતો બિછાનામાં પડ્યો. એણે પોતાનું માથું બે હાથોમાં જકડી લીધું. હજુ તો
હમણાં હસતું હતું એ જ મોં ઓચિંતાનું રિબાતું, ઓશિયાળું બની ગયું.
અમરબાઈ એની સામે ચૂપચાપ
ઊભેલી હતી. પડ્યાં પડ્યાં મહેમાને એને નિર્ભય ઊભેલી નિહાળી. એના હોઠ બિડાયેલા હતા.
એની આંખોમાં કોઈ જાતની અધીરાઈ નહોતી.
‘‘તું ભાગતી કેમ નથી?
તું હજુ મારી સામે ઊભવાની હિંમત શી રીતે રાખી રહી છો?’’ માથામાં શૂળો ભોંકાતાં હતાં
તેની અરેરાટી કરતાં કરતાં મહેમાને પૂછ્યું.
અમરબાઈએ માત્ર માથું
ધુણાવ્યું.
‘‘તેં મને આ શું કરી
મૂક્યું?’’ મહેમાન કષ્ટાતો કષ્ટાતો કહેતો હતો. ‘‘માર્ગે મારાં ઘોડાંને ભૂલાં પાડ્યાં
તારા એ શબ્દે જ. અત્યારે મને આ દુખાવામાં નખાવ્યો એ પણ તારા આ શબ્દે જ.’’
અમરબાઈને પહેલી જ વાર
ખબર પડી કે પોતાની પછવાડે ઘોડા દોડાવનારો બગેશ્વરનો કાઠીરાજ આ પોતે જ હતો. હવે એને
સમજાયું કે ‘સત દેવીદાસ’ના બોલોએ એના માથામાં શૂળો શા કારણે પરોવ્યાં હતાં, જંગલમાં
એ બીનો હતો તે જ વાતની અસર અત્યારે થઈ હતી.
‘‘ભલી થઈને તારા મારણ
જાપ પાછા વાળી લઈશ?’’
અમરબાઈ રોગીના એ શબ્દો
સામે શાંતિથી હસી.
વા ડ્યની બહાર એ વખતે
ચારેક ઘોડાઓના ડાબલાઓ પછડાયા.
ઝાંપા ઉપર ઘોડાં ખડાં
રહ્યાં. અસવારોએ બહાર ઊભા ઊભા હાક મારી : ‘સત દેવીદાસ!’
‘સત દેવીદાસ!’ અમરબાઈનો
સામો સૂર આ અતિથિગૃહમાંથી ઊઠ્યો.
‘‘હવે હું જાઉં?’’ મહેમાનની
સામે જોઈ એણે રજા માગી.
‘‘મને – મને –’’ કાઠીએ
લાચારીભર્યા સ્વરે કશુંક કહેવા પ્રયત્ન કર્યો, પણ માથું નીકળી પડતું હતું. નસો ખેંચાતી
હતી. બાલોશિયાની નીચે માથાને દાટીને એ વેદના સહેતો હતો. જાણે જીવતો સળગતો હતો. વધારામાં
એણે બહાર વા’ર આવી સાંભળી. એને પોતાનું મોત છેલ્લી છલંગો ભરતું દેખાયું.
‘‘હમણાં જ તમારા માથાના
દુખાવાની દવા લાવું છું.’’ એટલું બોલીને અમરબાઈએ બારણાં ખોલ્યાં. પાછાં ધીરેથી બંધ
કરી બહારથી સાંકળ ચડાવી. સાંકળ ચડી તેનો અવાજ અંદર સૂતેલા પરોણાએ સાંભળ્યો. એને પોતાનાં
બૂરાં તકદીરની ખાતરી થઈ ચૂકી.
ઝાંપે જઈને એણે તારોડિયાના
પ્રકાશમાં અસવારો માંયલા મુખ્ય અસવારને ઓળખી લીધો.
‘‘સત દેવીદાસ, આપા શાદુળ
ખુમાણ! કેમ, બાપ, અસૂરા આવવું પડ્યું આવી મેઘલી રાતે?’’
‘‘ઓલ્યો અસુર આજ તમારી
પાછળ પડ્યો’તો ને?’’
‘‘કોણ?’’
‘‘બગેશ્વરવાળો...’’
‘‘કોણે કહ્યું? મને તો
ખબર નથી, ભાઈ!’’
‘‘ત્યારે મને શું ખોટા
સમાચાર મળ્યા? ગામેગામેથી ખેપિયા દોડ્યા’તા કે પરબ-વાવડીવાળી જોગણની વાંસે બગેશ્વરવાળાનાં
ઘોડાં છૂટ્યાં છે. એ સાંભળીને જ હું મારતે ઘોડે ભેંસાણથી આવ્યો.’’
‘‘ના રે ના, આપા શાદુળ,
કોઈકે બનાવટ કરી, નાહક તમારાં ઘોડાંને તગડ્યાં! ખમા માડી! ઊતરશો?’’
‘‘કહો તો ઊતરીએ. જરૂર
હોય તો રાતવાસો રહીને જઈએ. બાકી તો દોડાદોડ કરી રહ્યા છીએ દેવીદાસ મહારાજની શોધમાં.’’
‘‘કેમ શોધમાં? જૂનાગઢ
લઈ ગયા છે ને?’’
‘‘ના રે ના, નામ દીધું
જૂનાગઢની પોલીસનું, પણ લઈ ગયા છે કોઈક બહારવટિયા!’’
‘‘બહારવટિયા?’’ અમરબાઈને
અચંબો થયો : ‘‘બહારવટિયા દેવીદાસજીને શા માટે લઈ જાય?’’
‘‘હવે એ જાતે દા’ડે જાણશો.’’
કોઈ પણ ગર્ભિત અર્થવાળી
અથવા માર્મિક વાણીનો અર્થ ન કઢાવવો એવી અમરબાઈની પ્રકૃતિ હતી. એ જવાબ આપ્યા વિના જ
ઝાંપો ઝાલીને ઊભી હતી.
ફરી એક વાર અસવારે કહ્યું
: ‘‘ભે નથી લાગતી ને? નીકર બે જણાને આંહીં મૂકી જાઉં.’’
અતિથિગૃહની પથારીમાં
પડ્યો પડ્યો આ વાતને સાંભળી રહેલ પરોણો લગભગ ઊભો થઈને ગોદડામાં સંતાવાની તૈયારી કરતો
હતો. એનું આખું શરીર પસીને રેબઝેબ થઈ ગયું હતું. ત્યાં તો એણે પોતાના મૃત્યુખંડમાંથી
મુક્તિશબ્દ સાંભળ્યો : ‘‘ના ભાઈ! તમે તમારે જાવ, બાપુની શોધ કરો. અહીં તો મારે રામનાં
રખવાળાં છે.’’
‘‘ઠીક ત્યારે, સત દેવીદાસ.’’
‘‘સત દેવીદાસ.’’
એ શબ્દે અમરબાઈએ વિદાય
દીધી. થોડી વારમાં જ ઘોડાંના ડાબલા ચૂપ બન્યા. અમરબાઈ પાછાં અતિથિગૃહમાં દાખલ થયાં.
પળેપળ જેની જુગ જુગ જેવડી જતી હતી, મોતને અને જેને તસુવા છેટું હતું, જેની જીવાદોરી
પોતે દૂભવેલી એક સ્ત્રીના હાથમાં પડી ગઈ હતી, તે માણસે જાણે કે પોતાનાં વેરાઈ ગયેલાં
હાડકાં પાછાં એકઠાં કર્યાં.
‘‘તમારે માટે આ ડીંડલા
થોરનું દૂધ લાવી છું, ભાઈ! લ્યો હું માથે ચોપડી દઉં.’’
એમ કહીને અમરબાઈ એ કાઠીની
પથારી પર એક પાંદડાંના પડિયા સાથે લળી. થોરનું દૂધ એને લમણે ચોપડીને પોતે થોડી વાર
સ્થિર ભાવે ઊભી રહી. સૂતેલા મહેમાનની આંખોમાં અબોલ લાચારી હતી. પછી અમરબાઈએ ફરીથી કહ્યું
: ‘‘હવે હું સૂવા જાઉં છું, વીર! ને જરૂર હોય તો મને સાદ કરી કહેજો કે ‘સત દેવીદાસ!’
એટલે હું ભરનીંદરમાંય એ શબદ સાંભળીશ.’’ ચાલી જતી એ જુવાન વેરાગણનો શબ્દેશબ્દ એક્કેક
તમાચા જેવો લાગ્યો.
પ્રભાતે અમરબાઈ જ્યારે
જાગ્યાં ત્યારે કાઠીરાજ અને એનો સાથી નાસી ગયા હતા.
દે વીદાસજીને બહારવટિયા
પકડી ગયા? બહારવટિયાને શો કસ કાઢવાનો હોય? અમરબાઈ ચિંતામાં પડ્યાં.
સંસારને તજ્યા પછી પણ
પાછી નવી સ્વજનપ્રીતિ તો લાગી જ પડી હતી. દેવીદાસને એ પોતાના નવજન્મના પિતા જ નહીં,
પણ માતાય ગણતી હતી. અમરબાઈને હંમેશાં એવું થતું કે પોતે દેવીદાસના ખોળામાં તાજું જન્મેલ
એક બાળ રમે તે ભાવે રમે છે. આજ એનો પિતા ગુમ થયો હતો. નજીકમાં જ્યાં ચોકિયાતોનાં થાણાં
હતાં ત્યાં જઈને એણે રાવ કરી કે મારા દેવીદાસ બાપુ ગુમ થયા છે.
‘‘કોણ છે આ દેવીદાસ!’’
અધિકારીઓ તપાસ કરતા, ‘‘અરે આ તો પેલો દેવલો રબારી, બે છોકરાંનો બાપ બનીને પછી જગ્યા
બાંધી બેઠો છે.’’
વાત સાચી હતી. ગીરકાંઠાના
શોભાવડલા ગામમાં જીવો નામે રબારી રહેતો હતો. ગાયો, ભેંસો, બકરાં, ગાડર અને ઊંટ : માલધારીની
એ પાંચેય લક્ષ્મી એની પાસે હતી. અઢારસોના સૈકામાં એકાશિયો કાળ પડતાં સામટાં ઢોરને ગામની
આસપાસમાં ચારો પૂરો ન પડ્યો એટલે જીવો રબારી માલ લઈને ગિરનાર ભણી ચાલી નીકળ્યો.
ગિરનારની તળેટીમાં બીલખાની
નજીક રામનાથને નાકે એણે પૂરતો ચારો દીઠો, દિલ ઠર્યું, ત્યાં મુકામ કીધા. રામનાથનું
મંદિર તે કાળમાં ગીચ ઝાડી વચ્ચે વીંટળાયેલું હતું. પગથિયાં નહોતાં બંધાયાં. લોકોનો
અવરજવર ઓછો હતો. રામનાથની એવી વિકટ, વિકરાળ અને સૂનકાર જગ્યામાં થોડાએક સુપાત્ર સાધુઓ
જ રહેતા અને તે સહુના ગુરુ જયરામગરજી હતા.
બહુ નાની વયમાં જયરામગરજીનું
ત્યાં આવવું થયું હતું, વખત જતે જતે એ જોગીએ નજીકમાં ગધેસિંગના ડુંગરા ઉપર વસતા એક
વૃદ્ધ ફકીર નૂરશાહનો સત્સંગ સાધ્યો હતો, અને નૂરશાહની મદદથી પોતે યોગાભ્યાસમાં પણ આગળ
વધ્યા હતા. મુસ્લિમ ગુરુ અને હિન્દુ ચેલાની વચ્ચે એકાત્મતા તો એટલી બધી આવી ગયેલી કે
જયરામગરજીનું નામ પણ ‘જયરામશાહ’ બની ગયું હતું. લોકોની જીભ ઉપર હિન્દુ–મુસલમાન સંસ્કારોનો
‘અભેદ’ આવી લાક્ષણિક રીતે અંકિત થઈ ચૂક્યો હતો. પંથદૃષ્ટિમાંથી છૂટી ગયેલા પ્રભુપંથીઓ
કેટલા આસાનીથી એકરસ બની જતા! ભેદબુદ્ધિનું ઝેર પી જનારા આવા સંતો આજે નથી રહ્યા – હશે
તો જગતને એની જાણ નથી. ખેર! લોકવાયકા એવી છે કે જીવા રબારીનું વાંઝિયા-મહેણું આ જયરામશાહની
દુઆથી મટેલું ને જીવાનો પુત્ર દેવો લગ્નસંસાર માંડી, બે દીકરાનો પિતા બની પછી જ જગતનાં
દુખ્યાંભૂખ્યાંની ચાકરી કરવા ઘર તજી ગયો હતો.
પ્રથમ એણે ચોડવડા ગામની
હદમાં ઝૂંપડી બાંધી. કહેવાય છે કે જયરામશાહે જીવાને એક બિયું આપેલું, ને એ સાચવી છેવટે
દેવો માગે ત્યારે આપવા કહેલું. માતાપિતાની પાસેથી મળેલું એ બિયું દેવાએ આ ચોડવડા પાસેની
પોતાની ઝૂંપડી સન્મુખ વાવ્યું.
જે પ્રદેશમાં પશુધારીઓ
વસે છે તે પ્રદેશમાં વરસાદ, છાંયડી તેમ જ વિશ્રામ આપનાર વૃક્ષને રોપવું એ પરમ ધર્મક્રિયા
બરોબર લેખાતું. દેવાએ પોતાના કર્તવ્ય-જીવનનું મંગલ મુરત એક વૃક્ષારોપણ વડે કર્યું તે
વસ્તુ મર્મની છે.
લોકસેવાની દીક્ષા ત્યારે
દોહ્યલી હતી. હરેક યુગને એની પોતાની કસોટીઓ ને સાધનોની નીતિરીતિઓ હોય છે. તે કાળના
સોરઠી યુગમાં દીક્ષિતોને માથે ગિરનારની સાત પરકમ્મા કરવાનો આદેશ હતો. દેવો રબારી પરકમ્માએ
ઊપડ્યો.
અક્કેક પરકમ્મા પૂરી
થયે એ ઝૂંપડીએ આવીને એકાદ-બે દિવસ રોકાતો. ફરી પાછો નીકળતો. પ્રત્યેક પ્રદક્ષિણાએ દેહને
ચકાસ્યો. પચીસેક ગાઉની એક્કેક લાંબી મજલમાં પહાડની પ્રકૃતિએ એને ગેલ કરાવ્યા તેમ જ
ભયાનક અનુભવો કરાવ્યા. દેવો એકાંતનું બાળ બન્યો. દેવાએ વિકરાળ પશુઓથી બાંધવતા બાંધી.
દેવાને અઢાર ભાર વનસ્પતિ જોડે કુટુંબભાવ બંધાયો. દેવાની દૃષ્ટિમાં ગંભીરતાનાં અંજન
આંજનારું અનંત આકાશ રાત્રી દિવસ એની જોડે રંગોની ભાષામાં વાતો કરતું હતું. એવી તો સાત
પરકમ્માઓ દેવાએ પૂરી કરી. સાતમી વાર, કહેવાય છે કે, લોહલંગરી નામના કોઈ સાધુએ પોતાની
ઝોળીમાંથી રામરજનો પાસો કાઢીને દેવાને લલાટે તિલક કર્યું ને આદેશ દીધો કે ‘દેવા! દેવોના
દાસ! વાવડી ગામની હદમાં શ્રી દત્તાત્રેયનો ધૂણો છે, અને સંત જસા વોળદાનની સમાત છે,
ત્યાં જઈ જગ્યા બાંધજે, ને જગત જેને પાપિયાં ગણી ફેંકી દે છે, તેમને ટુકડો આપવો શરૂ
કરજે.’
એ રીતે દેવાએ – દેવીદાસે
– પરબ-વાવડીની જગ્યા સ્થાપી. અને અપરિગ્રહવ્રત આચર્યું. કશો જ સંઘરો, સંચય કે ગામગરાસ
ન કરવાનું આવું વ્રત દેવીદાસ સિવાય બીજા કોઈએ લીધું જાણ્યું નથી ; કેમ કે લોકવાણીએ
આ પ્રકારનું બિરુદ એક દેવીદાસને જ ચડાવેલ છે કે –
[દોહો]
કે’ને ખેતર વાડિયું, કે’ને ગામગરાસ,
આકાશી રોજી ઊતરે,
નકળંક દેવીદાસ.
[કોઈ સેવકોને
ખેતરો-વાડીઓ હશે. કોઈને ગામગરાસ હશે. પણ એ બધાથી નિષ્કલંક રહેલા દેવીદાસને તો આકાશવૃત્તિનું
જ વ્રત હતું.]
ને અમરબાઈના દેહ પરથી
દાગીના ઊતરી પડ્યા, તેમ જ દિલના ભીતરથી જોબનના મનોરથો દડી ગયા, તે બનાવને આ ગ્રામ્યબાલા
પોતાના નર્યા વૈરાગ્યનું જ ફળ નહોતી માનતી. એ માનતી કે સંત દેવીદાસની કોઈ ગુપ્ત સિદ્ધિએ
જ પોતાનામાં આવું પરિવર્તન આણ્યું હતું. એ માનતી કે રક્તપિત્તના રોગની જોડે ખેલ કરનાર
આ જોગીને કોઈક ચમત્કારની શક્તિ વરેલી છે. એ તો રાહ જોતી હતી કે જૂનાગઢ રાજનું બંદીખાનું
ભેદીને હમણાં જ બાપુ આવી પહોંચશે. દેવીદાસનું રૂંવાડું પણ ખાંડું નથી થવાનું તે વાતની
એને આંધળી શ્રદ્ધા હતી.
પણ જેમ જેમ મોડું થતું
ગયું તેમ તેમ એની ધીરજ ઓછી થવા લાગી. એ ચોમેર ખબર આપવા દોડી.
એને ખ્યાલ નહોતો રહ્યો
કે પોતાની આગળ એક બીજું માનવી પણ ગયું છે. એ હતો બગેશ્વરનો કાઠીરાજ. એ દિવસે પ્રભાતે
પલાયન કરીને રસ્તેનાં ગામડાંમાં તેમ જ ખેતરો-વાડીઓમાં એણે વાત ફેલાવી દીધી હતી કે જગ્યામાં
પારકી વહુદીકરીને રાખવાના અપરાધ કારણ સંતને રાજે પકડી મગાવ્યો છે.
એ વાતની લોકવાયકા બંધાઈ
ગઈ. અને લોકવાયકાને તો પવનની પાંખો હોય છે. એટલે અમરબાઈ જ્યાં જઈ ઊભાં રહ્યાં ત્યાં
ત્યાં એમણે હસાહસ દીઠી. લોકોએ કહ્યું, ‘અમર મા! આ ખટપટમાં શીદ પડ્યાં? આવા ભેખથી તો
સંસાર શું ખોટો?’
અનેકોએ કહ્યું કે ‘રબારો
જોગની સિદ્ધિનો તો દેખાડો જ કરતો’તો ને આજ સુધી? પકડવા આવનારને ત્યાં ને ત્યાં પથરા
કેમ ન બનાવી દીધા?’
ગામડાંને ચોરે ને પાદરે
ધૂણી ધખાવી બેઠેલા બાવાઓએ ત્રાડ મારી કે ‘આ જાવે તો સહી કોઈ હમકો પકડને કો! ભસ્મ કર
ડાલેં! માલૂમ?’
અમરબાઈને ન સતાવ્યાં
ફક્ત નાનાં બાળકોએ. ચણીબોર અને આંબલીના કાતરાની ખોઈઓ ભરી ભરી ગોવાળના કિશોર બાળકો વગડાને
માર્ગે ‘અમર મા’ની વાટ જોતાં ઊભાં. તેઓએ આ જંગલી મેવો જોગણને હોંશે હોંશે વહોરાવ્યો.
તેઓએ નિત્યનાં અમરબાઈને કશા જ ભેદ વગર ભાવમાં નવડાવ્યાં. છોકરાંએ પૂછ્યું : ‘‘હેં અમરમા!
દેવીદાસ બાપુને સપારડાં લઈ ગયાં એ સાચું?’’
‘‘સાચું, ભાઈ!’’
‘‘તયેં હાલોની, અમે સંધાય
લાકડિયું લઈ લઈને તમારી ભેરે આવીએં. આપણે એ સપારડાં માથે એક મોટું કટક લઈ જાયેં.’’
‘‘હા, હા, હાલો સરવે.’’
બધાં જ ગ્રામબાળકો કિકિયારી કરી ઊઠ્યાં.
‘‘તમને દેવીદાસ બાપુ
આટલા બધા કેમ વહાલા લાગે છે, હેં બચ્ચા?’’ અમરબાઈ રસ્તે ચાલતી ચાલતી પોતાની પછવાડે
દોડ્યાં આવનાર બાળકોને પૂછતી.
‘‘કેમ વા’લા લાગે છે?
કહું? ઊભાં રો’, કહું! દેવીદાસ બાપુએ ઠેકઠેકાણે ઝાડવાં વાવેલ છે ને એટલે અમને છાંયો
મળે છે. અમારે ઓળકોળાંબો રમવાની મજા પડશે કે નહીં? એટલે વા’લા લાગે છે.’’
‘‘અને બચ્ચાંઓ!’’ અમરબાઈ
હસીને સમજાવતાં, ‘‘આ ઝાડ મોટાં થશે તે દી તમેય મોટાં થઈ નહીં ગયાં હો? પછી મોટપણે ઓળકોળાંબે
કેમ કરી રમશો?’’
‘‘હા, એ સાચું,’’ છોકરાં
જાણે નવીન સત્ય સમજી ગયાં. ‘‘ત્યારે તો પછેં દેવીદાસ બાપુ આપણને શા સાટુ વા’લા હોવા
જોવે?’’
‘‘પણ ભાઈ,’’ અમરબાઈએ
છોકરાઓને ખુલાસો કરતાં કહ્યું : ‘‘તમારાં છોકરાં તો તે દી રમવા જેવાં થશે ને?’’
‘‘હા, એ પણ સાચું,’’
છોકરાં નવું સત્ય સમજતાં.
એ નિર્દોષો િનઃસ્વાર્થી
ભાવે જોગણને ચાહતાં. એમની આસ્થા કોઈ ચમત્કારની માન્યતા ઉપર નહોતી મંડાયેલી.
એમાંથી અમરબાઈને પણ શીખવાનું
મળ્યું. દેવીદાસમાં ચમત્કાર-સિદ્ધિનો જે અભાવ એને થોડી વાર પહેલાં ખૂંચ્યો હતો, તે
ખૂંચતો મટી ગયો. અમરબાઈએ આ વન-બાળો જેવી સાદી સ્નેહ-લાગણીનો આશરો લીધો. એક વિભૂતિહીન
માનવી તરીકે દેવીદાસ વધુ વહાલા લાગ્યા.
ત્રી જા દિવસની મધરાતના
સુમારે અમરબાઈની આંખ મળી ગઈ હતી. તેમાંથી એ ઝબકીને જાગ્યાં. સામેની ગમાણમાં બાંધેલી
ધેનુ ભાંભરડા દેતી હતી. આશ્રમની કૂતરી પરસાળમાં આંટા મારતી આકાશ સામે જોઈ રડતી હતી.
અંધારામાં બે માણસો દેખાયા.
બેઉના ખભા ઉપર બે મોટી ડાંગોમાં લટકાવેલી લાંબી ઝોળી હતી. ઝોળીનું કપડું લોહી લોહી
થયું હતું.
‘‘જય દત્તાત્રેય!’’ કહીને
તેઓએ ઝોળી પરસાળ પર ઉતારી.
‘‘માઈ!’’ બેમાંથી એક
પુરુષે અમરબાઈને કહ્યું : ‘‘દેવલાકો સમાલ લો!’’
બોલનારનો અવાજ બત્રીસેય
દાંતના અભાવની સાક્ષી દેતો હતો.
‘‘ઔર માઈ! અમરબાઈ!’’
બીજા પુરુષે અવાજ દીધો : ‘‘તેરા દેવલાકો ઔર કુછ નહીં કરના! દત્તાત્રેય કે ધૂણે મેં
સે ખાક લાકર દેવલા કા બદન પર માલિસ કરના ઔર પાની પિલાના.’’
એ શબ્દધ્વનિ પણ એક બોખા
જ મોંમાંથી નીકળતા હતા. બન્ને સ્વરોમાં જાણે કે યુગાન્તર જેટલી જૂની પિછાનના પડઘા હતા.
અમરબાઈ સમજી ગયાં કે
સંત દેવીદાસના શરીરને ઈજા થઈ છે. ને એ આજારી શરીરને કોઈ બે ઓળખીતા બુઢ્ઢાઓ આંહીં ઊંચકી
લાવેલા છે. એણે પૂછ્યું : ‘‘તમે કોણ છો? ઊભા રહો. હું દીવો લાવું.’’
‘‘અમર! બેટી!’’ એક વૃદ્ધે
પોતાની આંખો પર છાજલી કરીને યુવાન જોગણ સામે જોયું ; ‘‘ઊભા હમ નહીં રહેંગે, પિછાન કી
કોઈ જરૂરત હી નહીં હૈ.’’
‘‘ઔર સબ સે બડી પિછાન
તો યહ હૈ કિ તૂ ભી વોહી મહાપંથ પર ચલનેવાલી હૈ, જિસ પર ગુરુ દત્ત ચલે ગયે, ભક્ત નરસૈયા
ગયે. અબ ઇસ મેં જ્યાદા ક્યા પિછાન દે સકતે હમ, બીટિયા?’’ એ સ્વર બીજા બુઢ્ઢાનો હતો.
એમ કહીને બન્ને જણ પાછા વળ્યા. વળતાં વળતાં બેઉએ અમરબાઈને નીચા વળી માન દીધું. અમરબાઈને
ફક્ત આટલું જ યાદ રહ્યું કે બેમાંના એક બુઝુર્ગે હાથ જોડીને વંદન કર્યાં હતાં ; ને
બીજાએ લલાટ પર જમણા હાથની સલામ કરી હતી. એકના દેહ પર કાળી કફની હતી ને બીજાના શરીર
પરનો અંચળો અંધારે સફેદ દેખાતો હતો. બેઉની આંખો જંગલના વાઘ–સાવજની આંખોનાં રત્નો-શી
ચળકતી હતી. બુઝુર્ગો ડગુમગુ ચાલે, લાકડીઓના ટેકા દેતા રવાના થયા અને તેઓના ઊંચા ડંડાઓના
પછડાટ થોડી વાર પછી રાત્રીના હૃદયમાં સમાઈ ગયા.
અમરબાઈએ દેવીદાસને ઓરડામાં
લીધા. હજુ એનું શરીર અવાચક અવસ્થામાં પડ્યું હતું. આખે શરીરે ડાંગોના માર પડ્યા હોય
તેવી ફૂટ થઈ હતી. એક હાથનું કાંડું કોઈએ આગમાં શેક્યું લાગ્યું. એ બધી અવસ્થા જોઈ અમરબાઈના
મુખેથી ફક્ત એક જ ઉદ્ગાર નીકળતો હતો : ‘સત દેવીદાસ!’
ઉદ્ગારે અમરબાઈને રોઈ
પડતી બચાવી. ધૈર્યના ઝરા એ ઉદ્ગારમાંથી ઝરતા થયા. અંધારી રાતે પોતે નજીકમાં જ દત્તાત્રેયનો
ધૂણો હતો ત્યાં ભસ્મ લેવા ચાલી.
એ ચાલતી હતી તે વેળા
કોઈ એક પક્ષીની કાળી મોટી પાંખો જેવો પડછાયો એની આગળ ને આજુબાજુ પડતો હતો. કોઈક અવાજ
થતો હતો. અવાજમાં જાણે કે શબ્દનો આકાર રચાતો હતો : ‘અમર! અમર! અમર!’
કોણ સાદ કરતું હશે? જૂની
કોઈ ઓળખાણ જાણે ગાજે છે.
ધૂણાને કાંઠે અમરબાઈ
ઘડીક થંભ્યાં. કાજળવરણી રાતમાં એનો આહીર-દેહ આભે માંડ્યા થંભ જેવો દીસ્યો.
કોને દીસ્યો?
‘અમર!’
કોણે પાછું નામ લીધું?
‘અરેરે જીવ! આ તો બધાં
પુરાતન થાનકો છે. કાળજૂનાં કંઈક માનવીઓ આંહીં ગારદ થયાં હશે, અનેક વાસનાઓ અણતૃપ્ત રહી
ગયેલી હશે. કંઈક જોગંદરોનાંય કલેજાં હજુ ઝૂરતાં ને તલસતાં હશે. કોણ મને ભૂતકાળની સોડ્યમાં
સૂતું સૂતું સાદ કરતું હશે?
એ પાછી ચાલી. ફરી પાછો
‘અમર! અમર!’ એવો નાદ ગુંજ્યો. ને એ સ્વરોમાંથી નવા શબ્દો આકાર ધારણ કરતા ગયા.
‘ચાલી આવ! પાછી ચાલી
આવ! પાછી, પાછી, પાછી વળી આવ!’
આ અવાજ પુરાતન ન હોય.
આ તો નજીકનો તાજો, લાગણીભર્યો સાદ છે. અમરબાઈને એ સ્વરોમાં મીઠાશ લાધી, અને અંતરમાં
પ્રશ્નાર્થચિહ્ન ખેંચાયું : શા માટે આ બધું? શા માટે સંકટો? આ રોજેરોજ નવનવી ઊઠતી આફતો
: આ ભોંમાંથી જાગતાં ભાલાં? હું સેવા કરવા બેઠી. કોઈનું કશું બગાડતી નથી. દુનિયાને
કશોય ભાર, કશીય ભીડ નથી કરતી. જગતની એઠ જમીને પેટગુજારો કરી રહી છું. છતાં શા માટે
આ પરિહાસ!
‘ચાલી આવ!’
મને કોણે બોલાવી! ક્યાં
ચાલી આવું?
થોડાંક – થોડાંક જ વર્ષો
જગતને માણ્યું હોત તો કદાચિત્ આજે લાગેલ છે તેટલો થાક ન લાગત. ‘આ મારી કાયા –’ એણે
ચાંદરણાંના તેજમાં પોતાના હાથને કોણી ઉપરવટ ભુજાઓ પર્યંત ખુલ્લા કરીને નિહાળ્યા. ‘આ
શરીર શેકાઈને શ્યામ પડી ગયું. કેવું ગોરું ગોરું હતું! આમ કેમ થઈ ગયું? પહેલા દિવસે
આ લીમડાની ઘટામાં શીતળ શીતળ લહેરો આવતી હતી. તેથી તો નહોતી લોભાઈ હું?’
અમર પરસાળ પર ચડી ગઈ.
પ્રશ્નમાળા ખંડિત બની. પોતે ઓરડે જઈને સંત દેવીદાસના શરીરે ભસ્મ ઘસવા લાગી.
પરોઢિયું હજુ નહોતું
થયું. પરોઢ જ્યારે નજીક હોય છે ત્યારે અંધકાર ઘાટો ઘૂંટાય છે. એવી કાળી ઘટામાં દેવીદાસે
શુદ્ધિમાં આવી નેત્રો ખોલ્યાં. પહેલો જ પ્રશ્ન એણે એવો કર્યો : ‘‘સંતો ન રોકાણા?’’
‘‘કોણ સંતો?’’
‘‘બે જણા મને મૂકવા આવેલા
ને?’’
‘‘હા, એમણે નામઠામ આપવાની
ના કહી.’’
‘‘તેં ન ઓળખ્યા, બેટા?’’
‘‘હું કેમ કરીને ઓળખું?’’
દેવીદાસે મોં મલકાવ્યું
: ‘‘અમરબાઈ, એક હતો ઇસ્લામી સાંઈ નૂરશાહ, અને બીજા હતા હિન્દુ જોગી જયરામશાહ : રામનાથની
જગ્યાવાળા.’’
‘‘તમને એ ક્યાંથી ઉપાડી
લાવ્યા?’’
‘‘ઠેઠ ગિરનારમાંથી. કઈ
જગ્યાએ હું પડ્યો હોઈશ તેની તો ખબર નથી, કેમ કે મને લઈ જનારાઓએ મારી આંખે પાટા બાંધ્યા
હતા.’’
‘‘તમને કોણ લઈ ગયેલા?
શા માટે લઈ ગયેલા? ને આ આખે શરીરે કોણે કાળો કોપ કર્યો?’’
‘‘દીકરી!’’ દેવીદાસે
અપાર વેદનાઓની વચ્ચે શાંત મલકાટ કરીને જવાબ દીધો : ‘‘દુઃખ દેનારાઓના ચહેરાને ભૂલી જવાય
છે. એનાં નામઠામ યાદ રહેતાં નથી. મારી યાદશક્તિ બૂઠી બની ગઈ છે. અને વળી, બેટા! મને
મરેલ જેવાને ખોળી કાઢી આંહીં સુધી ઉપાડી લાવનારાં એવાં બે મંગળમય નામોને યાદ કરું છું,
એટલે તો સંતાપનારાઓને આશિષો દેવાનું મન થઈ જાય છે. સત સાંઈ નૂરશાહ! સત જયરામશાહ!’’
‘‘પણ આપણો ગુનો શો છે
તે લોકો સંતાપે છે?’’
‘‘લોકો જે કરવા તલસે
છે, પણ બીકના માર્યા કરી શકતા નથી, તેવું કાંઈ આપણે કરીએ તો એ આપણો ગુનો જ લેખાય ને,
બાઈ! પારકાની વહુબેટીને અંતરિયાળ રોકી રાખવી એ કાંઈ જેવોતેવો અપવાદ છે, બે’ન! દેવતાની
આંખમાંય ખૂન આવી જાય, સમજી બચ્ચા?’’
‘‘થોડું થોડું સમજી,
શાદુળ ખુમાણ પણ મને એવો જ માર્મિક બોલ કહી ગયેલા.’’
થોડી વાર બેઉ ચૂપ રહ્યાં.
અમરની વેદના વધતી હતી, કેમ કે પોતાની સામે એક પ્રચંડકાય સત્પુરુષનાં છૂંદાયેલાં હાડમાંસનો
માળખો પડ્યો હતો. એની આંખોમાં લાલપના દોરિયા ફૂટ્યા : એ બોલી ઊઠી : ‘‘ત્યારે તો તમને
ઉપાડી જનારા જૂનાગઢના સિપાહી નહોતા, પણ મારા દેહના લોચાના ભૂખ્યા મારા સાસરિયાવાળા
હતા, એમ?’’
‘‘શાંતિ હારે એ જોદ્ધો
નહીં, બેટા!’’ દેવીદાસે ટૂંકું જ વાક્ય કહ્યું. પાસું ફેરવતાં ફેરવતાં એના મોંમાંથી
અરેરાટી છૂટી ગઈ.
એ અરેરાટી-શબ્દોએ અમરબાઈને
ઉશ્કેરી : ‘‘હું – હું – હું જાઉં છું. જૂનાગઢને સિપાહી-થાણે ખબર કરું છું. એ પાપિયાઓના
હાથમાં કડીઓ જડાશે.’’
‘‘ફોગટ છે, બેટા! એ બધું.’’
‘‘કેમ?’’
‘‘હું પોતે જ નામુકર
જાઈશ.’’
‘‘મને ખોટી પાડશો? સંત
દેવીદાસ ઊઠીને જૂઠ વચન બોલશે?’’
‘‘આવરદાભરમાં એકેય વાર
જૂઠ નથી બોલ્યો, એટલે આ એક જૂઠની શું પ્રભુ મને ક્ષમા નહીં આપે?’’
અમરબાઈના કંપતા હોઠ ઉપર
દડ દડ દડ આંસુઓ દડી ગયાં. ‘‘પાપીઓનો આટલો બધો ત્રાસ! ગુનેગાર હું હતી. મારા કટકા કરવા’તા
ને? પણ મારા બાપને, અરે, આટલા નિરાધારોના આધારને શા માટે સંતાપ્યા? એ દુષ્ટોની કોઈ
ખબર લેનાર નથી શું?’’
‘‘અમર! બેટા! કોઈની ખબર
લેવાનો કોઈ કોઈને હક્ક નથી. ખબર લેવી હોત તો હું રબારણ માતાનું દૂધ ધાવ્યો છું ના!’’
બોલતાં બોલતાં સંતે પોતાના બાહુઓ લાંબા કર્યા.
ખુલ્લો દેહ પહાડ સમ પડ્યો
હતો. બાહુઓ લોઢાની અડીઓ જેવા પ્રચંડ હતા. ટટ્ટાર બનેલી ભુજાઓ ઉપર માંસની પેશીઓ મઢેલી
દેખાતી હતી. ઘડીભર આ દેહછટા દેખીને અમરબાઈને દિલમાં ઓરતો થયો, કે આવા વજ્રપંજામાં પકડીને
સંતે શા માટે એ શત્રુઓની ગરદનો ચેપી ન નાખી?
દેવીદાસના હાથ ફરીથી
પોચા પડીને ઢળ્યા.
‘અરે ઈશ્વર!’ એણે એક
ન્યાસ નાખ્યો : ‘હજી – હજીય કાયાનો મદ બાકી રહી ગયો છે ને શું! શી પામરતા! મેં મારા
ભુજબળનો દેખાડો કર્યો. ગુરુ દત્ત! મને, મૂરખા રબારડાને ક્ષમા કરજો.’
ભ ળકડાનાં તિમિર વીખરાતાં
હતાં. સંતે કહ્યું : ‘‘હવે ઊઠીએ, દીકરી. ને હરિનાં બાળને દાતણપાણી કરાવીએ.’’
‘‘તમે ઊઠી શકશો?’’
‘‘હવે મને શું છે? દેહ
તો હઠીલો બળદિયો છે. એને ખીલો ન છંડાવીએ તો તો વકરી જાય. એ બાબરા ભૂતને તો કામે જ વળગાડવો
સારો.’’
લાકડીને ટેકે ટેકે પોતે
ઊઠ્યા અને તે જ વેળા બહાર ઝાંપા ઉપર અવાજ સંભળાયો : ‘‘અમરબાઈ, બોન! બાપુના કંઈ સમાચાર?’’
‘‘આ સાદ તો શાદુળનો
–’’ સંત ચમક્યા.
‘‘હા, હું ઉઘાડું છું.’’
‘‘સાંભળ, અમર!’’
‘‘કહો.’’
‘‘એક પ્રતિજ્ઞા લે.’’
‘‘શાની?’’
‘‘મારે માથે મારપીટ થયાનો
એક બોલ પણ શાદુળને કાને નથી નાખવાનો.’’
‘‘શા માટે?’’
‘‘આયરોનાં માથાં ઉતાર્યા
વિના એ ઘેર નહીં આવે અથવા તો ત્યાં જઈ પોતે કટકા થઈ પડશે. મને ભયંકર માનવ-હત્યા ચડશે.
વચન આપ, કે તું શાદુળને નહીં કહે.’’
અમરબાઈ વધુ બોલી ન શક્યાં.
‘‘કેમ ઉશ્કેરાયેલા છો,
શાદુળ ખુમાણ?’’ સંતે સવારની આજાર-સેવા પતાવીને ગાય દોતાં દોતાં એ આવેલા જુવાન મહેમાનને
પૂછ્યું.
‘‘મોકળો થવા આવ્યો છું
; હવે પાછા જવું નથી.’’ જુવાન કાઠીએ નિશ્ચય જણાવ્યો.
‘‘કેમ, થાક લાગ્યો?’’
‘‘હવે ઇજ્જત-આબરૂ સલામત
નથી રહ્યાં ત્યાં – સંસારમાં. કાલે તો ધોળા દિવસે હું તારા દેખી ગયો.’’
‘‘શું બની ગયું?’’
જુવાને આગલા દિવસની આપવીતી
કહી સંભળાવી :
‘‘કાલે મારી મશ્કરી થઈ.
હું ઘેરે નહોતો. માલ ચારવા અને તમને ગોતવા ડુંગરામાં ગયેલો. ઘેર પાછો જઈ તંગિયો બદલી
નાખવા મારી સુરવાળ ઠેલ ઉપરથી લેવા ગયો. જોઉં છું તો સુરવાળની નાડીનું ફૂમતું ભીનું
હતું. સહુને પૂછવા લાગ્યો કે મારી આવી મશ્કરી કોણે કરી છે? પણ કોઈ જવાબ ન આપે. આખરે
એક નોકરે સાચી વાત કહી દીધી. ગામના એક રાજગરની વહુને આડું આવ્યું હતું. કોઈએ એને કહ્યું
હશે કે મારી નાડી બોળીને પિવરાવવાથી આડું ભાંગશે એટલે નાડી બોળીને રાજગર પાણી લઈ ગયો
છે.
‘‘મારી શરમનો પાર ન રહ્યો.
મારી નાડી બોળ્યે આડાં ભાંગે એવો હું પવિત્ર ક્યાંથી? આડું નહીં ભાંગે તો મારી ફજેતીના
ફાળકા થશે. હું તરવાર પેટ નાખવાનો સંકલ્પ કરીને ઓરડામાં પુરાઈ રહ્યો. અધરાતે ખબર મળ્યા
કે રાજગરની બાઈને આડું ભાંગ્યું છે. ત્યારથી આખા ગામને મોંએ મારાં શીળનાં વખાણ થાય
છે. પણ એ વખાણની દુનિયામાં મારે નથી રહેવું. કોઈક દિવસ કોઈકને આડું નહીં ભાંગે તો મારું
મોત ઊભું થશે એમ સમજી હું ચાલ્યો આવેલ છું.’’
‘‘શાદુળ ખુમાણ!’’ સંતે
એને સમજ પાડી : ‘‘આ તો રૂંવે રૂંવે ચેપ લગાડનારા રક્તપિત્ત રોગની જગ્યા છે. તમે અહીં
શું કરશો?’’
‘‘જે કહેશો તે. ટેલ કરીશ.’’
‘‘ઉતાવળ તો નથી થતી ને?’’
‘‘નહીં રે નહીં, મારા
પિતા આલા ખુમાણને મારાથી મોટેરા બે દીકરા વરાવેલા-પરણાવેલા છે. હું તો રઝળુ છોકરો છું.
મારા તરફનો પિતાને સંતોષ નથી. મેં ઘરસંસાર બાંધ્યો નથી, કે જેથી આજ માનવીઓનો માળો વીંખવાનો
દોષ મારા પર આવી શકે. હું ફક્કડ છું. જગતથી પરવારેલો છું.’’
ભેંસાણ ગામના કાઠી આલા
ખુમાણના આ શાદુળ ખુમાણ નામે પુત્રને સંત ઠીક ઠીક પ્રમાણમાં પિછાનતા હતા. શાદુળ એક સુપાત્ર
જુવાન છે. ઊંચા સંસ્કારનો ધણી છે. અહીં આવતો-જતો રહે છે. નામીચી કોમનો, નામીચા કુટુંબનો
દીકરો છે. જગ્યામાં બેસી જશે તો જગ્યાની પ્રતિષ્ઠા વધશે.
‘જગ્યાની પ્રતિષ્ઠા વધશે’
એ અંકુર સંત દેવીદાસના અંતરમાં અણજાણ્યો ફૂટ્યો. હૃદયની ભોમમાં રડ્યુંખડ્યું બીજ પડી
રહેલું હોય છે તેનો ઓચિંતો કોંટો ફૂટે છે. એનો અવાજ થતો નથી ; એની આંતરિક ક્રિયા સમજાતી
નથી. કોઈ વાર એ બીજ વિષવૃક્ષનું હોય છે.
‘‘ભલે, બાપ શાદુળ!’’
સંતે વિભૂતિ લઈને તિલક કર્યું. ‘‘આજથી તું ગુરુદત્તનો મહાપંથી બન્યો. લૂગડાં બદલી લે.’’
શાદુળ ખુમાણે પનિયાની
કાછડી વાળી રજપૂતીનો લેબાસ દૂર ફગાવી દીધો. તે જ સાંજે શાદુળના ખભા ઉપર ભિક્ષાની ઝોળી
મૂકી. પચીસ વર્ષના કાઠી કુમારે પડખેના ગામડામાં ‘સત દેવીદાસ’ શબદની ટહેલ નાખી.
અને તે દિવસની રાતે તો
શાદુળને જાણે કે દેવીદાસની જગ્યા પોતાના જૂના જૂના માતૃધામ-શી ભાસી.
એનું એક કારણ હતું :
અમરબાઈનું સાથીપણું.
‘શાદુળ ભગતને જોગીવેશ
કેવો દીપે છે!’ અમરબાઈના હૃદયમાં આનંદની એક લહેર ઊઠી.
શાદુળના અંતરાત્મામાં
પણ ધ્વનિ થયો : ઘરમાં બબે ભાભીઓ હતી, છતાં, એક્કેયને મારી બહેન કહું એવો હૃદયસંબંધ
નહોતો જામી શક્યો. ભાભીઓ એના બાળગોપાળ અને ઢોરઢાંખરમાં પરોવાયેલી રહેતી. મારા ભેંસો
ચારવાના કામમાં બેમાંથી એક્કેય ભાભીને રસ નહોતો. અહીં તો અમરબાઈ બહેન રોજ સાંજે મારે
ખભેથી ઝોળી ઉતારવાની વાટ જોઈને જ પરસાળ ઉપર ઊભી રહે છે. એનાં નેણાં મને હસીને આદર આપે
છે. મારે બીજી શી પડી છે!
ભિક્ષા માગવા જતાં રોજેરોજ
શાદુળના પગ વધુ વેગ પકડતા ગયા. હમેશાં એક એક ગામ વધુ માગતો ગયો ને તેની વધામણી આશ્રમે
જઈને અમરબાઈ બહેનની પાસે ખાટતો ગયો.
રસ્તે કાળો સાપ પગમાં
અફળાયો હોય, ગીરનો સાવજ મળ્યો હોય, કોઈ વટેમાર્ગુ બાઈઓએ ઠેકડી કે કટાક્ષ કર્યાં તે
પોતે શાંતિથી સહી લીધાં હોય, તે બધા વિશેની રજેરજ વાતો શાદુળ અમરબાઈને રોજ રાતે કહેતો.
ફરી ફરીને એની એ વાતો કહેવાનું મન થયા કરતું. વળતા દિવસનું પ્રભાત ક્યારે પડે અને ક્યારે
હું અમરબાઈ કરતાં વહેલેરો ઊઠીને જગ્યાનું છાણવાસીદું કરી નાખું, એ વાતનો એને અજંપો
લાગ્યો.
‘‘શાદુળ ભગત! આમ તો તમે
તૂટી મરશો.’’
અમરબાઈના એ બોલ ઝીલવાના
હોય તો પોતે પહાડોને પણ જડમૂળમાંથી ઉખેડી નાખે એટલા વેગમાં ને કેફમાં શાદુળ આવી પડતો.
ગામેગામની ગલીઓમાંથી
શાદુળ ટહેલ કરીને પાછો વળતો ત્યારે પછવાડે વાતો થતી કે ‘આની નાડી ધોયે તો આડાં ભાંગતાં.
એવો લખમણ જતિ! તોય એણે ભેખ ધર્યો’. શાદુળના કાન આવા બોલને પકડવા ઇચ્છતા નહોતા છતાંયે
કોણ જાણે શાથી એના પગની ગતિ સહેજ ધીરી પડી જતી.
અમરબાઈના જીવનમાં શાદુળ
ભગતના આવ્યા પછી નવી સ્ફૂર્તિ ચડી. તે રાત્રીએ દત્તાત્રેયના ધૂણા પર સાંભળેલા ધ્વનિ
શમી ગયા. ‘ચાલી આવ!’ ‘પાછી ચાલી આવ!’ કહી સંસારમાંથી સાદ દેનારું કોઈ ન રહ્યું. અંતર
સભરભર બન્યું. જન્મમરણનો સાથી સાંપડ્યો.
રાત્રી અને દિવસ ટૂંકાં
પડવા લાગ્યાં. વાતો જાણે ખૂટતી નહોતી. છાણવાસીદું અને જળસિંચન જેવાં જગ્યાનાં વસમાં
કે ગંદાં કોઈ પણ કાર્યોમાં સ્ત્રીપુરુષનો ભેદ ન રહ્યો.
‘‘ના, અમરબાઈ, હું છાણ
ઉપાડીશ.’’ શાદુળ જીદ લેતો.
‘‘નહીં રે, ભગત, પુરુષના
હાથ એને ઠેકાણે શોભે, ને અસ્ત્રીના હાથ તેને ઠેકાણે, સહુ સહુને સ્થાને રૂડું.’’ એમ
કહેતી અમરબાઈ છાણનો સૂંડલો શાદુળના માથા પરથી ઝૂંટવી લેતી. ઝૂંટવવા જતાં રકઝકમાં બેઉને
છાણ ઊડતું.
‘‘જાઓ, અમરબાઈ!’’ શાદુળ
બોલી ઊઠતો. ‘‘ધેનુ માતાનું છાણ એની જાણે સાખ પૂરે છે. આપણે બેય છંટાણાં. માટે બેય વચ્ચે
વારા.’’
એકાંતરા એ કામની બદલી
થવા લાગી.
‘આપણે બેય છંટાણાં!’
સાદું સરળ વચન : છતાં બોલનાર–સાંભળનાર બેઉને કલેજે એ બોલમાંથી નિગૂઢ અર્થ છંટાયો.
બીજા જ દિવસે બન્ને જણ
સંત દેવીદાસની પાસે ગયાં. પછવાડેના વાડામાં સંત હમેશાંની માફક લીમડાનાં પાંદ પલાળેલા
જળે રક્તપિત્તિયાંને સાફ કરતા હતા. સડેલાં પચીસ મોઢાંની જીવતી ભૂતાવળ વચ્ચે, તેઓની
ચીસાચીસો ઉપર કોમળ કરુણાળુ બોલ વેરતાં સંતે બેઉનો સંચર સાંભળી પછવાડે જોયું.
જરા તપીને કહ્યું :
‘‘મેં તમને આંહીં આવવાની હજુ રજા નથી આપી.’’
‘‘રજા ને બજા, બાપુ!’’
અમરબાઈએ દૃઢતાથી ઉત્તર દીધો. ‘‘હવે બહુ થયું. ઊઠો હવે. એ કામ અમને કરવા આપો.’’
શાદુળ ભગત બાજુમાં ઊભા
ઊભા અમરબાઈને પક્ષે પોતાનું વિજયી સ્મિત વેરતા હતા.
સંતે બેઉની આંખોમાં આકાંક્ષા
વાંચી. પૂછ્યું : ‘‘આજનો દિવસ ઠેરી જશો?’’
‘‘કેમ, શા માટે?’’ અમરબાઈ
જોર પર આવ્યાં.
‘‘મારે તમને એક વાત કહેવી
છે.’’
‘‘હમણાં જ કહો.’’
‘‘ભલે, આજે આ કામ પતાવીને
આવું છું.’’
બેઉને એકાંતે લઈ જઈને
પછી સંતે શાંતિથી પૂછ્યું : ‘‘આંહીં જગ્યામાં કોઈ અરીસો છે?’’
અમરબાઈ પાસે અરીસો નહોતો,
પણ એને તે વખતે એક નવી વસ્તુ યાદ આવી. શાદુળ ભગત આવ્યા ત્યારથી પોતે કોણ જાણે શાથી
પણ જ્યાંત્યાં પાણીમાં પોતાની છબી જોયા કરતી : કૂવાકાંઠે અવેડીમાં, ગાયને પાવાની ઠીબડીમાં,
જ્યાં જ્યાં પોતે સ્વચ્છ દર્પણ સમું દળ જોતી, ત્યાં એને પોતાનું મોં જોવાનું મન થતું.
પોતે પોતાને જ નિહાળી જાણે મુગ્ધ બની જતી.
પણ અરીસાને બદલે એ પાણીનો
ઉપયોગ બતાવવાની હિંમત તે વખતે ચાલી નહીં. અમરબાઈએ એક નિર્દોષ જણાતી વાતને આજે પહેલી
જ વાર પોતાના પેટમાં પૂરી રાખી.
‘‘અરીસો મળશે ક્યાંય?’’
શાદુળ ઊઠ્યો. એણે પોતાના
સરંજામમાંથી એક નાનું ફેંટામાં સમાય તેવડું આભલું કાઢ્યું ને સંતની પાસે ધર્યું.
વગર પૂછ્યે જ એણે કહી
નાખ્યું કે ‘‘આ મને એક ગોવાળે આપ્યું હતું’’. પોતે ગોવાળની કનેથી સીમમાં માગી લીધું
હતું, એટલું સ્પષ્ટ એ ન કહી શક્યો.
‘‘કાંઈ વાંધો નહીં, ગોવાળનું
દર્પણ હોય કે રાજાનું હોય, મોં દેખાશે. મારી એવી ઇચ્છા છે કે એક વાર તમે બેઉ તમારાં
મોં આમાં જોઈ લ્યો. પાછળથી રખે તમને ઓરતા રહી જાય.’’
બેમાંથી એકેયને કંઈ નવેસર
મોં જોવાનું તો હતું જ નહીં. શરમિંદે ચહેરે બેઉએ એ ક્રિયા કરી નાખી.
‘‘હવે ફરી પાછા તમારે
આરસામાં જોવાનું થાય ત્યારે તમને આરસો ફરેબ દેશે તો?’’
એમ કહીને દેવીદાસે પોતાના
મોં ઉપરથી કશુંક ઉખેડવા માંડ્યું. મોંની ચામડી ઉપર ચામડીના જ જેટલું પાતળું એક મુલાયમ
માટીનું પડ હતું. એ પડની પોપડીઓ ઊખડી જતાં સંતના સીસમ જેવા શ્યામરંગી રબારા ચહેરા ઉપર
સફેદ ટીબકીઓ દેખાઈ. ટીબકીઓ ઉપર ધીરે ધીરે રસીના ટશિયા બેઠા.
સંત બોકાની બાંધી રાખતા.
એમ લાગતું કે દાઢીના વાળને સરખા રાખવા માટેની એ બોકાની હતી. એ બોકાની છોડતાં, નીચેનો
હોઠ કિનારી પરથી થોડો થોડો ખવાતો હોય તેવો દીસ્યો.
‘‘જોયું?’’
બન્નેની આંખો મટકું મારવું
રોકી રહી હતી.
‘‘ઝાળ લાગી ગઈ છે : હજી
તો આરંભ જ થાય છે. પણ છ મહિને તમે મારું સ્વરૂપ ભાળીને ભાગશો.’’
બેમાંથી કોઈએ ચુંકાર
કર્યો નહીં. તેમની આંખો ફાટી રહી હતી. છ મહિના પછીની કલ્પનાને એ નેત્રો નિહાળતાં હતાં.
‘‘તમે માનતા’તાં કે
‘સત દેવીદાસ’ના શબ્દનો ચમત્કાર હતો. ના, ના, હું એક પામર રબારી છું, મારી પાસે સિદ્ધિ
નહોતી. સમજીને જ હું બેઠો’તો કે આ ફૂલ જેવી કાયા, માનવીની કાયાઓ જેવી જ આ કાયા, એક
દા’ડે સડી ગંધાશે. પણ કાયાનો બીજો ઉપયોગ ન સૂઝ્યો. એટલે જ મેં એ અભાગણીને કહ્યું કે
બાઈ, આખરેય જાવું તો છે બળતા ખોડસામાં ને! તો પછી કાંઈક કામે લાગીને પછી જ જાને!’’
કેટલી બધી મીઠાશથી આ
મનુષ્ય પોતાના સત્યાનાશની ચર્ચા કરતો હતો! પાણી જાણે આગની વાતો કહેતું હતું.
સંતે વાત આગળ ચલાવી
: ‘‘અજબ થશો નહીં તમે બેઉ. હું તો આ ભોગવી જાણું છું જૂના કાળથી. જુવાન હતો ત્યારે
દીપડાના એક જડબા ઉપર પગ દબાવીને બીજે જડબેથી મેં આખો ને આખો ચીર્યો હતો. શિકારીની બંદૂકથી
ગોળી મને વાગેલી, ત્યારે મેં મારી છરી વતી દેહનો એ ભાગ ડખોળી ડખોળીને ગોળી બહાર કાઢી
હતી. એટલે આજ મને આ રોગની પીડા વસમી નહીં થઈ પડે.’’ પોતે હસ્યા. કહ્યું : ‘‘આટલું જાણ્યા
પછી હવે કાલે જવાબ દેવા આવજો.’’
ફરીથી પાછા દેવીદાસે
માટીના પોપડા મોં પર લગાવી લીધા ને બોકાની બાંધી લીધી.
વળતા દિવસે અમરબાઈ કે
શાદુળ બેમાંથી એકેય જણે આ વાતનો ઉચ્ચાર કર્યો નહીં. સંતે પણ એનો સીધો, આડકતરો કશો ઇશારો
કર્યો નહીં.
રક્તપિત્તિયાના ભયાનક
ચેપથી ભય પામેલાં બન્નેએ જગ્યાની બીજી બધી સેવાઓનું જ શરણ લીધું. જાણે લપાઈ ગયાં.
અ હીં આવ્યા પછી શાદુળને
કંઈક ને કંઈક ગાવાનું દિલ થઈ આવતું. પ્રથમ તો એ છૂપો છૂપો ગુંજારવ કરતો :
માનસરોવર હંસો
ઝીલન આયો જી!
એ ભજન-પંક્તિ એને પ્યારી
હતી. કૂવામાંથી પાણી ખેંચતી વેળા એ ગાન એને વિરામ લેવરાવતું, સ્ફુરણા દેતું, ખેંચાતી
ગાગરને, ભુજાઓની પેશીઓને, બિન્દુ બિન્દુ રુધિરને, આખા દેહના રોમેરોમને તાલબદ્ધ છંદની
રમતે ચડાવતું. જલભરનની ક્રિયા કવિતામય બની જતી.
અમરબાઈનો તો નારી-આત્મા
હતો. કવિતાના સૂરો એને જગ્યાની દિનચર્યા કરતાં વિશેષ ગમવા લાગ્યા. વાસીદું કરતી એ સાવરણી
પર શરીર ટેકવીને થંભી રહેતી. કૂવાકાંઠે જાણે કે સ્વરોની કૂંપળો ફૂટતી :
માનસરોવર હંસો
ઝીલન આયો જી!
પોતે પણ ઝીણા કંઠે ઝીલતી
:
માનસરોવર હંસો
ઝીલન આયો જી!
કૂવાકાંઠે વધુ બોલ, વધુ
પ્રબલ બોલ ફૂટતા :
વસતીમેં રેના અબધૂત!
માગીને ખાના જી.
ઘર ઘર અલખ જગાના
મેરે લાલ!
લાલ મેં તો જોયું
તખત પર જાગી. – માન .
શબ્દોની, સૂરોની જાણે
કે કસુંબલ કટોરીઓ ભરાતી હતી, અમરબાઈ એ કેફનું પાન કરતાં હતાં.
આટલી મીઠી હલક શું આના
ગળામાં પડી છે? રાગ તો પ્રભુનેય પ્યારો લેખાય. મીંરાએ, નરસૈંયાએ, કંઈકે પ્રભુને રાગ
વાટે સાધ્યો છે. સંતે તે દિવસે દેહને શા માટે તોછડાઈથી વર્ણવ્યો? કાયાની અંદર તો કેવી
કેવી વિભૂતિ મૂકી છે કિરતારે!
સારું થયું કે શાદુળ
ભગત રક્તપિત્તિયાંની સેવામાં ન ગયા. હું એના હૈયાના ગાનને પંપાળી બહાર લાવીશ. મુક્તિપંથની
સીડી એના કંઠમાંથી મંડાશે.
શાદુળને કાને સંભળાય
તેવી રીતે પોતે સૂર પુરાવતાં થયાં :
ઇંદરીકા બાંધ્યા અબધૂત!
જોગી ન કે’ના
જી!
જબ લગ મનવા ન
બાંધ્યા મેરે લાલ!
લાલ મેં તો જોયું
તખત પર જાગી. – માન .
આ પદના અર્થ સમજવાની
જરૂર નહોતી. એના બોલની અને એના ડોલન્તા ઢાળની મસ્તી શાદુળના દેહ–પ્રાણમાં પ્રસરતી ગઈ.
ધીરે ધીરે ખીંટી પર ટિંગાતો
તંબૂરો નીચે ઊતર્યો : એની રજ ખંખેરાઈ. રઝળતા મંજીરા એકઠા થયા. એને દોરી બંધાઈ. એકાદ
ઢોલક પણ વટેમાર્ગુઓમાંથી કોઈક ભજનપ્રેમીએ આણી આપ્યું. નવાં નવાં પદોની શોધ ચાલી. રાતની
વેળાએ જ નહીં, દિવસના ફાજલ પડતા ગાળામાં પણ આ ભક્તિરસના તરંગો બેઉ જણાંને આનંદસાગરની
અધવચાળે ખેંચવા લાગ્યા.
‘આપણી જગ્યામાં આ એક
ખામી હતી તે પુરાઈ ગઈ.’ અમરબાઈને અંતરે પ્રફુલ્લિત અભિમાન સ્ફુર્યું.
પંથે ચાલતા પથિકોની અને
માલ ચારતા માલધારીઓની પણ પછી તો ત્યાં ભીડ થવા લાગી. જગ્યાનો મહિમા પવનવેગે પ્રસરતો
થયો.
કોઈ કોઈ વાર દેવીદાસજી
ધીરે રહીને કહેતા, ‘‘આજ તો, બાપ, ઝોળી ફેરવવા જાવાનું કાંઈક મોડું થઈ ગયું હો! ઠીક,
કાંઈ ફિકર નહીં.’’
એમના અંદર ગયા પછી બન્ને
જણાંનાં મુખો પર કચવાટની રેખાઓ દોરાઈ જતી.
દિલમાં બન્ને સમજતાં
: જાત રબારીની ખરીને, એટલે કાવ્યમાં, કીર્તનમાં, સંગીતમાં સૂક્ષ્મ રસ ક્યાંથી હોય?
આ ભજન–કીર્તન થકી આપણે
જગ્યાને સુપ્રસિદ્ધ કરી રહેલ છીએ એ વાતની બાપુને ઈર્ષા તો નહીં આવતી હોય?
બાપુનેય જો પતિયાંનો
ચેપ લાગ્યો તો પછી એમને પ્રભુ મળ્યા એ વાત તો સાચી ન કહેવાય ને? – આવા સંશયો ઊભા થયા.
એક વેળા રાત્રીની ભજનમંડળી
જામી પડી હતી. સાંભળનારાઓની ઠઠ બેઠી હતી. શાદુળના ને અમરબાઈના કંઠમાં નાખવા માટે લોકો
વગડાઉ ફૂલોના ફૂલહાર લઈ આવ્યા હતા.
ફૂલહાર થકી દીપતો જુવાન
જોગી ગાતો ગાતો ઊભો થઈ ગયો. તંબૂરસહિત એ નાચવા લાગ્યો. એનાં નેત્રોમાંથી આનંદસમાધિનાં
ચોધારાં આંસુ ચાલ્યાં જતાં હતાં.
પછી એ બેઠો. એણે હાથમાં
કરતાલો લીધી, એવી તો મસ્ત ઝૂક બોલી, અને એ ઝૂક એવી તો જોશીલી રીતે શાદુળે લેવરાવી,
કે ‘કડાક’ કરતો એને બેસવાનો ખાટલો તૂટ્યો, ખાટલાની જોરાવર ઈસના કટકા થયા.
ગામડે ગામડે ખબર પડી
: શાદુળ ભગતને તો દૈવી ઓતાર આવી જાય છે!
ભક્તિરસમાં નિમગ્ન બનેલા
આ બાળુડા જોગીની સામે, રાત્રીના ચંદ્રતેજમાં, અમરબાઈ નીરખી લેતાં. ને એને થતું :
મોર! તું તો
આવડાં તે રૂપ
ક્યાંથી લાવ્યો!
મોરલો મરત લોકમાં
આવ્યો.
મોર! તું તો
સૂતો સારો શેરો
જગાયો,
મોરલો મરત લોકમાં
આવ્યો.
ઝીણા ઝીણા કંઠે એ ગાવા
લાગી. ગાતાં ગાતાં એને ભાસ થયો કે સારી સૃષ્ટિ અને ગગનપડદા પર કોઈ માનવમોરલાની કળા
પથરાઈ ગઈ છે. પોતે જાણે એ કળાની છાયામાં ઊભી છે. એ પિચ્છકલાપ પોતાનાં વારણાં લઈ રહેલ
છે. માયા! માયા! આ જગ્યા, રક્તપિત્તિયાં, સંત દેવીદાસ, સર્વ જાણે માયાજાળ છે. સત્ય
એક જ છે : આ મોરલો, ને એનો સૂર મલ્લાર.
ભજન–કીર્તનના આવા પ્રત્યેક
સમારંભની પૂર્ણાહુતિ બાદ શાદુળ આવીને અમરબાઈના ચરણોમાં પડી જતો. ‘મારી નહીં, પણ તમારી
વિજયમાળ છે આ’ એમ કહીને એ પોતાના ગળામાં રોપાયેલી માળાને જોગણનાં ચરણોમાં ધરી દેતો.
અમરબાઈ ‘ખમા’ કહીને એના
મસ્તક ઉપર હાથ મૂકતાં.
પોતાના હૈયામાં એ પોતાને
કૃતાર્થ સમજતી થઈ. પોતે એક માનવીના સુષુપ્ત પડેલા સુંદર પ્રાણને પોતાના સ્પર્શમાત્રથી
જાગ્રત કર્યો છે. પોતાની મોરલીથી પોતે વાસુકિનાં રૂપ વિલસાવ્યાં છે.
પણ અમરબાઈનો સંતોષ આટલેથી
જ પતી જતો હતો. અમરબાઈના મનમાં એક જનેતાની જીવનતૃપ્તિ થતી હતી. પોતે એક સૌંદર્ય જન્માવ્યું
છે, સંતાનનું ભૂખ્યું હૈયું એક માનસિક સંતાનનો પ્રસવ કરી શક્યું છે, એ હતો અમરબાઈનો
આનંદ. પોતાને ચરણે પડેલા શાદુળ ઉપર જ્યારે તે લળતી અને માથું પંપાળતી ત્યારે તેનો ગર્વ,
હર્ષ, સંતોષ, તેમ જ સામ્રાજ્ઞીભાવ એક જનેતાનો હતો.
પણ શાદુળ હતો પુરુષ.
પુરુષને સ્ત્રી પ્રત્યે, પોતાની સમવયની સ્ત્રી પ્રત્યે તો માવતરની માયા જાગે જ નહીં
કદી ; કે ન જાગે બાળક તરીકેનું હેત.
એક વાર શાદુળે બીજો પણ
ખાટલો ભજનના ઓતારમાં જોશ કરી ભાંગી નાખ્યો. પછી તો લોકોને એક તમાશો થયો : અલ્યા ભાઈ,
શાદુળ ભગત તો ખાટલા ભાંગે છે! હાલો, હાલો જોવા! પારખાં લેવા અને રોનક કરવા માટે લોકો
વારંવાર ખાટલા, ઢોલિયા લઈ આવતા થયા. વારંવાર શાદુળની ભજનમસ્તી આ તૂફાને ચડી.
અમરબાઈને આ વસ્તુ અણગમતી
થઈ.
એક વાર રાતે શાદુળ ભગત
એક આણાત ગ્રામ્ય સ્ત્રીનો કરિયાવરમાં મળેલો હીંગળોકિયો ઢોલિયો ભાંગીને એક ગામડેથી પાછા
વળ્યા.
અમરબાઈ ત્યારે સૂઈ ગયાં
હતાં.
એને જગાડ્યા વિના, એના
પગો પર પોતાનું કંકુડાં પૂરેલું વિજયી કપાળ અડકાડ્યા વિના શાદુળને જંપ ક્યાંથી વળે?
શાદુળ અમરબાઈના ઓરડા
તરફ ચાલ્યો.
આ શી અચરજ!
અમરબાઈનો સૂવાનો ઓરડો
અંદરથી બંધ હતો.
કોઈ દિવસ નહીં અને આજે
બાર બીડેલાં શા માટે?
શાદુળ ભગત બિલ્લીપગા
બની ગયા. એના અંતરમાં ચોકિયાત ઊઠ્યો. કોની ચોકી? ચોકી કે ચોરી? શાની ચોકી, શાની ચોરી,
શો અધિકાર? અમરબાઈનાં કમાડ ઉઘાડાં હોય કે બિડાયેલાં, તેમાં શાદુળને શું? પણ એ ફફડાટ
જલદી શમી ગયો.
ચંદ્રમા એ ઓરડાની પછવાડે
નમ્યો હતો. છાપરાના ખપેડામાંથી ચંદ્રનાં ત્રાંસાં કિરણો ઓરડાની અંદર ચાંદરણાંની ભાત
પાડતાં હતાં. દીવા વગરના ખંડમાં ચાંદનીનું એ ચળાતું તેજ થોડોક ઉજાસ પાથરતું હતું, પણ
અધૂરો, અરધોપરધો ઉજાસ તો ઘોર અંધારાથીય વધુ ભયાનક છે.
અમરબાઈના શયન-વાસમાં
ચાંદરણાં પેઠાં હતાં. શાદુળને કોણ જાણે શાથી આ સાદી વાત પર અણગમો થયો.
બીજી જ પળે શાદુળના મોં
ઉપર એક અકળ ખુશાલીભરી ઇન્તેજારી ચમકી. રાત્રીના અંધકાર સિવાય એ ઇન્તેજારીને કોઈ ન ભાળી
શક્યું. એ ઇન્તેજારી અંધકારની જ પુત્રી હતી.
શાદુળ કમાડની લગોલગ જઈ
ઊભો. પ્રથમ પહેલાં એણે કાન માંડ્યા. અંદર કોઈકનો બોલાશ હતો. શાદુળનું હૈયું ધડાક ધડાક
કરી ઊઠ્યું, કોઈક જાણે એના કલેજા પર ઘણ લગાવી લગાવીને ટીપવા લાગ્યું હતું. હૈયાના ધડકારાને
લીધે ઓરડીની અંદરનો બોલાશ અસ્પષ્ટ બન્યો. શાદુળને પોતાના જ અંતરાત્મા ઉપર ખીજ ચડી.
એણે દાંત કચકચાવ્યા. થોડી વારે છાતીનો થડકાર નીચે બેઠો. અંદરના બોલાશમાં અમરબાઈનો સ્વર
સ્પષ્ટ બન્યો.
કોની જોડે વાતો કરે છે?
આટલા બધા ધીરા અવાજની વાતો સાંભળનારું મનુષ્ય તો એના હૈયાની અડોઅડ જ હોવું જોઈએ ને!
કોઈ પ્રલયનાં પાણી જાણે શાદુળના આતમ-નાવની અંદર દાખલ થયાં. ગૂંગળાટ શરૂ થયો.
ને આ શી વાતો? ભાંગ્યાતૂટ્યા
આ શબ્દો પકડાતા નથી. ઘડીક હસે છે કેમ? ઘડીક વળી રડે છે કેમ? આ પંપાળે છે કોને? હુલાવે-ફુલાવે
છે કોને? પણ સામે કોઈ કાં બોલતું જ નથી? કોઈક શું રિસાઈને બેઠું છે? અમરબાઈની જોડે
રિસામણાં લેવાનો હક જગતમાં કોઈને છે ખરો શું? એ હક મને કેમ નથી મળ્યો?
બીજો કોઈ જાતનો સંચર
ન મળે. થોડી વારે બોલચાલ થંભી ગઈ. ઊંઘતી માતાના દેહ ઉપર દોડધામ કરતાં બે બાળકો જેવાં
નસકોરાં જ હવે તો બોલવા લાગ્યાં.
પ્રલયનાં પાણી શાદુળના
કાનને ડુબાવીને પછી એની આંખો પર ચડ્યાં. પોતાને તો કોઈ જોતું નથી ને, એટલી ખાતરીને
સારુ પોતે આજુબાજુ જોયું. દૂર એક ઘુવડ ઠૂંઠી આંબલી ઉપર બેસીને વનના હૃદયને પોતાના ઘુઘવાટથી
ભેદતું હતું. ઉંદરને ખોળતી બિલાડી અંધારા ખૂણામાં આંખોનાં રત્નો ઝબુકાવતી હતી. સારીયે
સૃષ્ટિ પોતપોતાના કામમાં કે આરામમાં ગરકાવ હતી. જખ મારે છે આ જગત! શાદુળ ભગતે કમાડની
ચિરાડ સોંસરી નજર માંડી, બન્યું તેટલું જોર કર્યું. ચાંદરણાંનાં અજવાળાંમાં જોર કરી
કરીને પણ માણસ કેટલુંક જોઈ શકે? પૃથ્વી ઉપર એક પડછંદ દેહને શાદુળે લાંબો પડેલો દીઠો.
પણ દેહનો આકાર, દેહના અવયવો, દેહના ચડઉતાર, દેહના વાંકઘોંક એને ન દેખાયા.
એટલે એણે કલ્પનાને કામે
લગાડી, ઝાંખા દેખાતા એ ઢગલામાંથી કલ્પનાએ માનવ-કાયા કંડારી. ને પછી સ્ત્રીશરીરનું શિલ્પકામ
કરવામાં એની કલ્પના તલ્લીન બની ગઈ.
બેચાર પળો તો બસ હતી.
કલ્પનાએ ઝીણીમોટી તમામ નકશી કરી નાખી. આંખોએ હવે બધું સ્પષ્ટ ભાળ્યું. આંખોને જે જે
કાંઈ જોવું હતું તે બધું જ કલ્પનાએ બતાવી દીધું. પછી તો એ કલ્પનાનો સર્જેલો નારીદેહ
પોતાનાં વસ્ત્રોનીયે ખેવના શા માટે રાખે?
પ્રલયનાં નીર શાદુળના
માથાની ટોચ લગી પહોંચી ગયાં. ગૂંગળાટ પરિપૂર્ણ થવાને હવે કશી જ વાર નહોતી.
એણે હળવે હળવે કમાડ પર
ટકોરા દીધા.
જવાબમાં નસકોરાં જ સંભળાયાં.
નાનાં બાળ જાણે કહી રહ્યાં હતાં કે ‘મા સૂતી છે’.
એણે કમાડની ચિરાડ વાટે
અવાજ દીધો : ‘‘દેવી! દેવી! દેવી!’’
કમાડ ઉપર પોતાના શરીરની
ભીંસ વધી રહી છે એનો ખ્યાલ શાદુળને ન આવ્યો. એકાએક કમાડ ખસ્યું. જાહલ કમાડના નકૂચાનાં
નર-માદામાંથી નર તૂટી ગયો.
‘‘કોણ છે!’’ અમરબાઈએ
જાગીને પડકાર કર્યો.
‘‘કોઈ નથી.’’
આવો જવાબ અમુક અમુક સ્થાનોમાં
અનેક માણસોના મોંએથી નીકળી પડે છે. એવા જવાબમાં ધ્વનિ એવો હોય છે કે મારું પોતાનું
તો અહીં આ વખતે હોવું એ સાવ સ્વાભાવિક વસ્તુ છે.
‘‘કોણ? શાદુળ ભગત?’’
‘‘હા, અમરબાઈ.’’
‘‘ત્યારે કેમ કહ્યું
કે કોઈ નથી?’’
‘‘ના, એ તો હું જાગતો’તો,
તમારી આશિષો લેવી હતી, એટલે આવેલો. પણ કમાડ કોણ જાણે કેમ ખડી ગયું.’’
‘‘એ તો ઓરડામાં રાતવેળાની
મીંદડી ચાલી આવે છે એટલે મેં બંધ કરેલું હતું. શાદુળભાઈ! બહુ જાહલ કમાડ છે એ તો હું
જાણતી જ હતી. પણ કૂતરાં–મીંદડાંને રોકવા પૂરતું કામ લાગતું.’’
‘‘અંદર કોઈ હતું, અમરબાઈ?’’
શાદુળે અવાજને હળવો પાડી નાખ્યો.
જવાબ ન મળ્યો. શાદુળે
ફરીથી પૂછ્યું : ‘‘અંદર કોણ હતું?’’
અમરબાઈ ચૂપ રહ્યા.
‘‘હું પૂછું છું,’’ શાદુળના
અવાજમાંથી શંકીલી સત્તાધીશી બરાડી ઊઠી, ‘‘કે તમે આટલી બધી છાની વાતો કોની સાથે કરતાં’તાં,
બાઈ અમરબાઈ?’’
માથા પર પડતાં ચાંદરણાં
આડી પોતાના હાથની છાજલી કરીને શાદુળે અમરબાઈના ચહેરા પર નજર ફેરવી. નીચાં ઢળેલાં નયને
સાધ્વી ઊભી હતી. એની અબોલતાએ શાદુળનો જુવાનીભર્યો રોષ જગાડી દીધો. એ ચુપકીદીએ વહેમને
મજબૂત કર્યો. એ અંદર ગયો. નજર ફેરવી. છાપરાના ખપેડા સલામત હતા. ચારેય ભીંતોમાં ક્યાંય
ઉંદર પણ પેસી શકે તેવડું બાકોરું નહોતું.
‘‘આ અંતરનો ઓરડો તો હજુ
અણતપાસ્યો પડ્યો છે, ભગત!’’
રોષ ઊકળતો શાદુળ પોતાની
લાચારીભરી દશાથી વધુ દાઝતો હતો.
‘‘શાદુળ ભગત,’’ અમરબાઈએ
મીઠાશથી સમજાવ્યું : ‘‘બાપા, વીરા, તમારી પથારીએ પોગી જાવ. રાત તો થોડી જ રહી છે. હરિનું
નામ લઈને સૂજો, હો ભાઈ! નીકર મનની ભૂતાવળ જંપવા નહીં આપે.’’
શાદુળે એક વાક્ય ગોખી
રાખ્યું હતું તે કહી નાખ્યું : ‘‘મેં તો તમને મારી દેવી ગણી સ્થાપ્યાં હતાં. હું મારા
વિજયોને તમારાં ચરણોમાં ધરતો હતો. મને સ્ત્રીનાં ચરિત્રોની ગમ નહોતી.’’
‘‘ભગત, વીરા!’’ અમરબાઈએ
એને વિદાયનો બોલ સંભળાવ્યો : ‘‘સંસારમાં જઈને પાછા કોક દાસી બની રહે એવી કાઠિયાણી પરણી
લ્યો, કેમ કે તમે ચા’ય તેવા તોય જમીનધણી છો. તમને ધણીપતું કર્યા વગર જંપ નહીં વળે,
ને અહીં ઊલટાની બેય વાતો બગડશે.’’
શા દુળ ભગત ગયા, પણ
પોતાની પથારી પર નહીં, સંત દેવીદાસની સૂવાની જગ્યાએ. એ પથારી રોગિયાંઓના નિવાસઘરની
ઓસરીમાં હતી. આ ઓસરી અમરબાઈના ઓરડાની પછીત તરફ એક ચોગાનમાં પડતી હતી.
‘‘કેમ શાદુળ ભગત, આવ્યા?’’
સંતે છેટેથી પૂછ્યું.
‘‘જાગો છો?’’
‘‘હા બાપ, માલધારીને
ઝાઝી નીંદર ક્યાંથી હોય? જાગવાની ટેવ જ પડી ગઈ છે. પણ તમે નીંદર કરતા નથી એ ઠીક ન કહેવાય.’’
‘‘મારી નીંદર એક વાતે
ઉડાડી દીધી છે.’’
‘‘એનું નામ તો કાચી નીંદર.
કાગાનીંદર, ભગત! પાકી નીંદર એમ ઊડે નહીં. શી વાત છે, કહો.’’
‘‘જગ્યામાં અનર્થ થઈ
રહેલ છે.’’
‘‘શેનો?’’
‘‘કોઈક માનવી આવતું લાગે
છે!’’
‘‘ક્યાં?’’
‘‘કહેતાં જીભ કપાય છે.’’
‘‘એ તો બધી દુનિયાઈ વાણી,
બાપ શાદુળ! બાકી જીભ તો કુહાડાનાય ઘા ઝીલી શકે છે.’’
‘‘અમરબાઈની પાસે કોઈક
નક્કી આવતું હોવું જોઈએ.’’
‘‘કેમ જાણ્યું?’’
‘‘બોલાશ કાનોકાન સાંભળ્યો.’’
‘‘આજ અત્યારે ને?’’
‘‘હા.’’
‘‘મેંય સાંભળ્યો.’’
શાદુળ રાજી થયો. સંતે
કહ્યું : ‘‘કોણ હતું? ઓળખી લીધું?’’
‘‘ના, ગમે તે હો, પણ
બહુ એકાન્તની વાતો થાતી લાગી.’’
‘‘શાદુળ, મેં તો એ ભાઈને
ઓળખી લીધા છે.’’
‘‘કોણ? કોણ? –’’ શાદુળે
અધીરાઈ બતાવી.
‘‘કહું? ગભરાઈશ નહીં
કે?’’
‘‘નહીં ગભરાઉં.’’
‘‘ભેંસાણ ગામના ખુમાણ
આપા શાદુળ ભગત પોતે જ.’’
‘‘હું?’’ શાદુળ ભભૂક્યો
: ‘‘હું તો તે પછી ગયેલો, હું તો ચોરને ઝાલવા ગયો’તો.’’
‘‘આપણે પારકા ચોર ઝાલવા
ન જાત તો જગતમાં પોણા ભાગની ચોરી ઘટી જાત, આપા શાદુળ! આપણે બધા જ ચોરોને ઝાલીએ છીએ,
નથી ઝાલતા ફક્ત આપણા માંયલા ચોરને જ.’’
શાદુળને આ ઠપકો ન ગમ્યો.
પોતાનો ઘરસંસાર ભાંગીને જગ્યામાં બેસી ગયેલ એક જુવાન બાઈ ઉપર સંત ચોકી કે ચોકસી નથી
રાખતા એવી મતલબની ઘણી ઘણી વાતો શાદુળ ભગત બોલી ગયા.
‘‘હું ફરી ફરી કહું છું
કે અમરબાઈના હૈયાની અડોઅડ, શાદુળભાઈ, તું જ હતો. ઓ ગંડુ કાઠી! તે વખતે પવન મારી પધોરે
હતો. મારે કાનેય બોલચાલ પડી હતી. પણ હું તો હંમેશ રાતે, આંહીં તારા આવ્યા પછી રોજ રોજ
રાતે, એ બોલાશ સાંભળું છું. અમરબાઈ સ્વપ્નામાં લવે છે. એની ગોદમાં કોઈક નાનું બાળ સૂતું
હોય એવું એને સપનું દેખાય છે. બાળકને હેત કરતી કરતી એ સાધ્વી બોલતી હોય છે કે ‘શાદુળ,
બેટા, તું બહુ પગ પછાડ મા. બહુ જ બળ બતાવ મા. બળને સંઘરી રાખ, બળને જાળવી રાખ, બેટા!
પારકા ઢોલિયા ભાંગીને ભગત બન મા. મારાથી નથી જોવાતું. મને બીક લાગે છે કે તું ક્યાંઈક
તારાં જ હાડકાંને ભાંગી બેસીશ.’ ’’
શાદુળે પોતાના કાન પર
પડેલા સૂરો યાદ કર્યા. એને એ વીતી ગયેલી સ્મૃતિ અસ્પષ્ટ આકાર ધારણ કરતી લાગી.
‘‘બેસ, શાદુળ.’’ સંતે
એનો હાથ ખેંચ્યો : ‘‘હું તને સમજાવું.’’
બાઘા જેવો બનેલો શાદુળ
બેઠો. ચોપાસ કંસારીના લહેકાર બંધાઈ ગયા હતા.
‘‘શાદુળ, અમરબાઈનું તો
નારીહૃદય છે. નારીનો પરમ આનંદ, સહુથી જોરાવર ભાવ, જણવાનો છે. હું જાણતો હતો કે અમરબાઈ
આશાભરી પતિઘેરે જતી’તી તેમાં વચ્ચેથી આંહીં ઊતરી પડી છે. હું ધારતો જ હતો કે અમરને
ભોગવિલાસ હવે નહીં જ લોભાવી શકે, પણ એના જીવનમાં વહેલોમોડો એક સાદ તો પડશે જ પડશે.
એ સાદ જનેતાપણાનો. હું ઝીણી નજરે જોતો હતો કે આપણી દાડમડીને દાડમ બેઠેલાં જોયાં, તે
દી અમરે એકાએક દાડમ ઉપર છુપા છુપા કાંઈ હાથ ફેરવ્યા’તા – કાંઈ હાથ ફેરવ્યા’તા! મેં
બરાબર જોયું’તું કે ગાયને વાછરુ આવ્યું તે દી અમરે છાનામાના જઈને વાછરુને પોતાના હૈયાસરસું
ચાંપી, પોતાની જીભે ચાટ્યું હતું! એ બધું જ નીરખી નીરખી મને મનમાં ફફડાટ પેઠો હતો કે
મારે માથે શી થશે? ત્યાં તું આવ્યો ને તે પછી અમરે તને જણ્યો – સંગીત અને કળાના તારા
પ્રેમને પ્રસવ્યો : પોતાના હૈયાના ગર્ભાશયમાંથી : શરીરની કૂખેથી નહીં. તને જણી કરીને
અમર સંતોષી બની, પ્રફુલ્લિત બની. તે પછી જ એની કાયા કૉળી ઊઠી છે, ભાઈ! ને તને જણ્યા
પછી જ જગ્યાનાં કામોમાંથી એનો જીવ ઊઠી ગયો છે.’’
શાદુળ શાંત રહ્યો. થીજી
ગયો. આ રબારીની નજર કેટલી ઝીણી!
‘‘તેં એને શું પૂછ્યું?
કશું પૂછ્યું છે?’’
‘‘હા, મારાથી ન રહેવાયું.’’
‘‘શું પૂછ્યું?’’
‘‘પૂછ્યું કે આંહીં ઓરડામાં
કોણ હતું?’’
‘‘એવું પૂછવાનો તને કોઈ
હકદાવો હતો ખરો?’’
શાદુળે પોતાનું માથું
એક હાથની હથેળીમાં ટેકવી મોં નીચું ઢાળ્યું. એણે એક છેલ્લો પ્રયત્ન કર્યો : ‘‘આ થાનક
પવિત્ર રહેવું જોઈએ. જગતનો વ્યાસ જાય તો આપણું શું થાય?’’
સાંભળીને સંત સૌ પહેલાં
તો પેટ ભરીને હસ્યા. હસતાં એણે શાદુળ ભગતની પીઠ થાબડી. થબડાટે થબડાટે હાસ્ય કરતા કરતા
જ સંત બોલતા ગયા : ‘‘સાચોસાચ? અરે રંગ શાદુળ! તેં તો અવધિ કરી, બાપ શાદુળ! અવધિ કરી.’’
પછી જરા ગંભીર બનીને
ઉમેર્યું : ‘‘કોઈક વેપારી પેઢીનો તું ભારે સરસ ગુમાસ્તો બની શકત, હો શાદુળ! તારાં કમભાગ્યે
આ તો ગુરુદત્તનો ધૂણો છે. લખમીની દુકાન નથી. ને ધૂણામાં તો બીજું શું હોય? રાખ. એ રાખના
ઢગલા ઉપર બેઠેલ આ દેવલા રબારીને જગતનાં વ્યાસ–અવ્યાસરૂપી આભરણોની બહુ કોઈ કિંમત નથી,
બાપ!’’
થોડી વાર રહીને ફરી પાછા
એ હસવા પર ચડ્યા. કહ્યું : ‘‘હેં શાદુળ! સાચોસાચ તું આ થાનકની આબરૂની ચોકી કરવા સારુ
ઉજાગરા ખેંચતો’તો? અમરબાઈના ઓરડા ભણી તું એટલા માટે જ ગયો’તો?’’
શાદુળને લાગ્યું કે જાણે
પોતાની છાતી હેઠળ છુપાવેલું કોઈ લોહિયાળું ખંજર પકડાઈ ગયું હતું.
વ ળતા દિવસે પરબ-વાવડીની
જગ્યામાં બે બનાવો બન્યા : એક તો, અમરબાઈએ રક્તપિત્તિયાંનાં લોહીપરુ ધોવાના કામની દીક્ષા
લીધી. બીજું, ચલાળા ગામથી દાના ભગતનું આવવું થયું.
‘‘સંત દેવીદાસ!’’ દાના
ભગતે હાથ જોડીને જણાવ્યું, ‘‘હું તમારાં, અમરબાઈનાં કે પતિયાંનાં દર્શને નથી આવ્યો.
હું તો આવ્યો છું આપા શાદુળ ભગતની ખ્યાતિ ઉપર મોહાઈને. મેં સાંભળ્યું કે શાદુળ ભગત
તો ભજનો ગાતા ગાતા ઢોલિયા ભાંગે છે. એવા ભક્તિરસમાં ચકચૂર બનેલા પુરુષને મારે એના અસલ
સ્વરૂપે નીરખવા છે.’’
સંત દેવીદાસે સામા હાથ
જોડીને જવાબ દીધો : ‘‘હું તો જાનવર ગણાઉં. મને રબારીને ભક્તિરસના મર્મો ક્યાંથી સમજાય?
પણ શાદુળ ભગતને મારી કોઈ વાતે ના નથી. આપ સરીખા એનું નામ સાંભળીને આવ્યા, તો ખેર! મારી
તો જગ્યા પાવન થઈ. શાદુળને દિલ ચહાય તે કરવાની રજા છે.’’
તે જ દિવસે રાતે સમૈયો
રચાયો. ઝાંઝ, પખવાજ અને કરતાલ--મંજીરાની ઝૂક મચી ગઈ. જોબનજોદ્ધ શાદુળ કરતાલ વીંઝતો
ઢોલિયા પર ચડ્યો. દાના ભગતે એને રંગ દીધા.
અમરબાઈ તે વખતે પતિયાંઓની
સારવારમાં પરોવાઈ ગયાં હતાં. રોગીઓના સૂતા પછી સંત દેવીદાસ અમરબાઈને રોગીઓના નાવણધોવણની
તેમ જ બીજી કેટલીક ઔષધિઓની, વગડાના કેટલાએક ઉપચારોની સૂચનાઓ દઈ રહ્યા હતા.
‘‘બેટા, બોન,’’ એમણે
છેલ્લી વાત કહી, ‘‘કોઈ કીમિયો, કોઈ ચમત્કાર, કોઈ પણ પરચો હું જાણતો નથી. તનેય આટલું
જ કહેવાનું છે કે સુગાઈશ નહીં. દેહની બહાર દેખાતા તમામ રોગો પ્રત્યેક દેહની અંદર પડેલા
જ છે. માનવીને તો રૂંવે રૂંવે રોગ છે, કોઈકને બહાર તો કોઈકને માંયલી બાજુ. સુગાઈશ નહીં.
ને બીજું, રોગીના રોગ તો ઉતારી ઉતારીનેય આપણે પહેરવાના છે. પારકી બદબોઈને ખુશબો બનાવવી
હશે, તો બદબોઈને આપણે આપણામાં જ સંઘરી લેવી પડશે. હવે હું જાઉં છું સમૈયામાં, બેટા!
અતિથિધર્મ તો સાચવવો રહ્યો છે ને!’’
અમરબાઈ એકલાં પડ્યાં.
નજીકથી એના કાનમાં ભજનના સ્વરો આવતા હતા :
મારે રોમે રોમે રામબાણ વાગ્યાં ;
એ જી મારે રોમે
રોમે રામબાણ વાગ્યાં.
સ્વરોની સાથે જોરાવર
હોંકારા ને પડકારા સંભળાતા હતા. પખવાજ પર એવી તો થપાટો પડતી હતી કે હમણાં જાણે એનું
કલેજું તૂટી પડશે.
શાદુળનો તમાશો ચાલી રહ્યો
છે.
પણ શાદુળ કોણ? શાદુળ
મારો જાયો હતો, એ તો ગઈ રાતે મરી ગયો.
એનાં નેત્રોમાંથી છેલ્લાં
આંસુ પડ્યાં.
જગ્યામાં આવવાને પ્રથમ
દિને પણ એણે પોતાના ઉપરના પ્રેમનું સાચું સ્વરૂપ જોયું હતું : એ હતું સત્તાધીશીનું
સ્વરૂપ.
ગઈ રાતે પણ એણે પ્રેમનું
સ્વરૂપ દીઠું. એનું જ એ સ્વરૂપ : સ્વાર્થી પ્રેમ, ને સ્વાર્પણશીલ પ્રેમ : એવા કોઈ ભેદ
છે ખરા પ્રેમના?
ના, ના, પ્રેમ એટલે જ
લાગણીઓનો આગ્રહ : માલિકીનો આગ્રહ : વહેમનું વિષવૃક્ષ.
પ્રેમ એટલે આત્માને વળગેલો
રક્તપિત્તનો રોગ.
કણીકણી કરીને ખાઈ જાય.
પાછળ રાખી જાય એક બિભીષિકા.
શાદુળ મરી ગયો.
એવા વિચારો ચાલતા હતા
તે અરસામાં જ ભજન-સમારંભ વીખરાયો જણાયો. શબ્દો સંભળાયા :
‘ગજબ થયો. શાદુળ ભગત
ઢોલિયો ન ભાંગી શક્યા.’
‘એનું સત ગયું.’
‘આપા દાનાએ ચમત્કાર કર્યો.’
‘અને આપા દાનાએ વચનો
પણ બરછી જેવાં કહ્યાં, હોં!’
‘શું કહ્યું?’
‘કહ્યું કે શાદુળ, જેને
રોમે રોમે રામબાણ વાગ્યાં હોય તેને આવા પછાડા શા માટે? અને ગરીબ ઘરની દીકરિયું પિયરથી
એકાદ આવો ઢોલિયો લાવી હોય તેને તું રોજ ભાંગ્યા કરીશ તો કેટલા નિસાપા લાગશે તને?’
‘સાચું! ભગતને એવા નિસાપા
જ નડ્યા લાગે છે.’
બધું સાંભળી લઈને અમરબાઈનો
આત્મા ગુંજ્યો : ખોટા, ખોટા, બધા જ એ તર્કો ખોટા.
શાદુળને એની સત્તાની
કામનાએ જ ભુક્કો કર્યો.
ત્ર ણ માણસો જગ્યાના
ઝાંપા બહાર ઝાડવાંની ઓથે આંટા મારતાં હતાં. સંધ્યાની હૃદય-પાંદડીઓ બિડાતી હતી. દિવસ
જાણે કે ભમરા જેવો બની સંધ્યાની પાંદડીઓમાં કેદી બનતો હતો. આઘે આઘેથી શબ્દ સંભળાતા
હતા : ‘સત દેવીદાસ!’
જગ્યાની પરસાળ પરથી સામો
શબ્દ પુકારાતો હતો : ‘અમર દેવીદાસ!’
‘સત દેવીદાસ!’ અને ‘અમર
દેવીદાસ!’ એ બે અવાજો જાણે જીવતા જીવ હોય તેમ પરસ્પર હોકારા દેતા હતા. ત્રણેય લપાતાં
માનવીઓના કાન ચમકી ઊઠ્યા. ત્રણમાંથી પડછંદ એક બુઢ્ઢો પુરુષ હતો તેણે હળવા અવાજે જુવાન
પુરુષને કહ્યું : ‘‘એ જ અવાજ.’’
સ્ત્રી હતી તેણે કહ્યું
: ‘‘કશો જ ફરક નથી પડ્યો.’’
બુઢ્ઢા પુરુષે પોતાનો
વનવાસી જીવનનો અનુભવ આગળ ધર્યો : ‘‘સાદ જેના ન બગડેલા હોય તેનાં શીલ વાંકાંચૂકાં ન
હોઈ શકે, બેટા મારા!’’
જુવાનના મોંમાં ઉત્તર
નહોતો. એ તો પેલા બે શબ્દના હોંકારામાંથી કોઈક નિગૂઢ વાણી સાંભળતો હતો.
બુઢ્ઢા પુરુષે કહ્યું
: ‘‘બેટા, આ કામ માટે મારા હાથ નહીં ઊપડે એમ લાગે છે. તારે કરવું હોય તે તું જ કર.’’
સીમાડાનો અવાજ નજીક આવતો
હતો. રાત્રીના મલીરના અંધાર-છેડલા ધરતી પર લપેટાતા હતા. થોડી વારમાં તો અંધારું એટલું
બધું ઘાટું બન્યું કે જાણે કોઈ કાળો વિરાટ પાડો ધરતી પર ઊભો ઊભો વાગોળતો હોય એવો આભાસ
થયો.
પછી તો બે જોરાવર પગોની
પગલીઓ ધમધમી. એક ધોકાના પૃથ્વી-પછડાટોમાંથી ઠણકાર ગુંજતા આવે છે, ને ઝીણા મોટા કાંકરા
એ બે પગોની ઠેસે ચડી ચડી ઊડતા આવે છે. એકાએક આ ત્રણેય જણાંને ભાસ્યું કે આવનારને કોઈક
સખ્ત ઠોકર લાગી. દેહ પટકાયો. ધોકો ઊડીને જઈ પડ્યો. અને પડનારના મોંમાંથી ઉદ્ગાર ઢળ્યો
: ‘ખમા વેરીઓને! ખમા દુશ્મનોને!’
ત્રણેય માણસો અંધારે
દોડ્યાં ગયાં. પડનાર સ્ત્રી ઊઠીને ઝોળીમાંથી વેરાઈ ગયેલા ભિક્ષાના ટુકડા વીણતી હતી.
અંધારે અંધારે એ કહેતી હતી કે ‘હાલો અન્નદેવતા! હાલો, તમારાં કોઢિયાં ખાંઉં! ખાંઉં!
કરતાં હશે.’
ત્રણેય માનવીઓએ એક પુરુષને
જગ્યામાંથી દોડતો આવતો જોયો. હવે શી ચેષ્ટા થાય છે તે જોવા ત્રણેય જણાં ઝાડની આડે છુપાયાં.
‘‘કોણ અમર મા, તમે છો?’’
જગ્યામાંથી આવેલા પુરુષના અવાજમાં જુવાની હતી.
‘‘હા શાદુળભાઈ, કેમ દોડ્યા
આવ્યા?’’
‘‘તમારા શબ્દ અચાનક થંભી
ગયા, ને પછડાટી સંભળાણી, એટલે હું દોડ્યો.’’
‘‘દેવીદાસ બાપુને પૂછ્યું’તું?’’
‘‘ના, મા.’’
‘‘એની રજા વગર તમારાથી
એકલા મારી પાસે ન અવાય, ભગત!’’
‘‘મારી ભૂલ થઈ ગઈ છે,
મા!’’ એમ કહી શાદુળ ભગત પાછા ફરી ગયા. અંધારે લથડતાં પગલાં ભરતી અમરબાઈ મનના કોઈ માનવીને
જાણે કહેતી હતી કે, ‘શાદુળ, મારા પેટના પુતર, તને મેં વાતવાતમાં પાછો પાડ્યો છે, કોચવ્યો
છે. પણ હવે કેટલાક દી? સમાધ લેવાની વાત દેવીદાસ બાપુના દિલમાં ઊગી ચૂકી છે.’
એણે ઝાંપામાં પ્રવેશ
કર્યો ત્યારે બહાર લપાયેલાં ત્રણ મનુષ્યોએ અંધારામાં એકબીજાની સામે જોયું ને વાર્તાલાપ
કર્યો :
‘‘સાંભળ્યું’તું તે તમામ
ખોટું.’’
‘‘ને આની તો મરવાની તૈયારી
થતી લાગે છે.’’
‘‘મા, બાપુ, મારે એના
પગોમાં પડવું છે.’’
બુઢ્ઢો બોલ્યો : ‘‘મને
તો અજાયબી થઈ છે કે દેવીદાસજીને તે દિવસે મારી મારી લોથ કર્યા પછી ગરનારમાંથી આંહીં
એ આવ્યા શી રીતે?’’
‘‘આપણે આમના બહુ નિસાપા
લીધા.’’
‘‘હવે આપણે જ જઈને એનો
દંડ માગી લઈએ.’’
આશ્રમવાસીઓને ખવરાવી-પિવરાવી
લઈને દેવીદાસજી અમરબાઈની તથા શાદુળ ભગતની સંગાથે રાતનો આરાધ કરવા બેઠા છે. જગ્યામાં
રાત્રીપ્રાર્થના માટે કશી જ દેવદેરી નથી. કોઈ પ્રકારની વિધિ નથી. ફક્ત દેવીદાસજી કોઈ
કોઈ વાર આરાધ બોલે છે. આજ એના કંઠમાંથી એક નવીન પ્રકારની પ્રાર્થના ઊઠતી હતી. એના બોલ
આવા હતા :
શામળાજી! નામ અનામ તમારું.
અનામ મનુખ અવતાર
અમારો.
લખ ચોરાશી મરતો
ને ફરતો
જીવતો જીવતો જીવ
ગણીને
બાંય ગ્રહાવી
બોલાવ્યો,
બોલાવીને બોલાવ્યો
:
સોંપ્યું શામળા,
નામ તમારું.
લખાવ્યા લેખ,
મનખના વેખ,
સંસાર મધ્યે હતું
સારું.
ચંદ પે ઊજળું
સૂર પે નરમળું
અડસઠ તીરથ ઉપરાંત
કોટ જગતનાં જગત
વહ્યાં ગયાં.
તોય નામ
નત્ય નવું ને
નવું
પ્રાણ પે પ્રજળું
એકાદશી પે નરમળું
રધમાં સધમાં
નવ નધથી અકળ સ્વરૂપી
જોગ તે ભગતના
હેતમાં
મકતાને મકતુ.
આમ બોલ પછી બોલની ધારા
ઢળવા લાગી. આરાધ પૂરો થયો ત્યારે જાણે કોઈક જળધોધ નીચે બેસીને સ્નાન કર્યું હોય તેવી
વિશ્રાંતિની લાગણી બેઉ જુવાનોનાં દિલને લહેરાવતી હતી.
‘‘આ આરાધ,’’ સંત દેવીદાસજીએ
કહ્યું, ‘‘બેટા, રાણા ભગતનો રચેલો.’’
‘‘રાણો ભગત કોણ હતા?’’
‘‘કોળી હતા. બીજા વેલો
બાવો તે પણ અસલ કોળી હતા, ને ત્રીજા ઇંગારશા અમરેલીના સાંઈ હતા, ચોથા મારા ભાઈ મુંજાસરવાળા
માંડણ ભગત. ચારેય જણ અડસઠ તીરથ ફરીને પાલિતાણે શેત્રુંજા માથે જાત્રા જુવારવા ગયા.’’
‘‘શ્રાવકોના દેવની જાત્રા?’
શાદુળે પૂછ્યું.
‘‘હા, ભાઈ, એ સર્વે પણ
એક જ મહાપંથના માર્ગી છે ને? જૂજવું જોનારી તો આપણી જ આંખો છે.’’
‘‘પછી, બાપુ?’’ વાર્તા
સાંભળવા અધીરી થઈ રહેલ અમરબાઈએ પૂછ્યું.
‘‘પછી તો શેત્રુંજાનાં
દેવળોમાં ફરતાં ફરતાં રાત પડી ગઈ. આ ચાર જણાનું ધ્યાન ક્યાંથી રહે? શ્રાવકોનાં તો ગંજાવર
દેવસ્થાનો! ગોઠી લોકો તાળાં દઈને નીચે ઊતરી ગયા. સવારે આવીને જુએ તો અંદર ચાર અજાણ્યા
જણ દીઠા ને ‘ચોર! ચોર!’ એવી બૂમો પડી. ચારેયને પકડ્યા. પકડીને મારતા મારતા લઈ આવ્યા.
ચારેય જણ કહે કે ભાઈ, માર અમને બહુ વસમો લાગે છે. અમે કાંઈ ચોર નથી. તમારા હીરા–કંકર–પથ્થર
અમારે તો માટી બરોબર છે. તમારા દેવનું અમે કશું જ લીધું નથી. દેરાંવાળા કહે કે સાક્ષી
કોણ? આ ચારેય જણાએ કહ્યું કે સાક્ષી ખુદ તીર્થંકરો. પછી રાણાએ આ આરાધ કહીને તીર્થંકરોને
પાતાની સાક્ષીએ તેડાવ્યા હતા. તે પછી ત્રણ જણા તો ઊતરી ગયા ; પણ ઇંગારશા તો સાંઈ ખરો
ને! એટલે કહે કે હવે હું ન જાઉં. આંહીં બેસીશ ને પહેલી સલામ જાત્રાળુઓ પાસેથી હું માગીશ.’’
ત્રણેય મુસાફરો તે વખતે
ત્યાં રજૂ થયા ને ત્રણેયે ખોળા પાથર્યા.
‘‘તમે કોણ, બાપ?’’ દેવીદાસજીએ
નજર ઠેરાવીને પૂછ્યું.
‘‘મને ભૂલી ગયા?’’ કહીને
બુઢ્ઢાએ દેવીદાસજીના ખોળામાં હાથ નાખ્યો. એના પંજાને દેવીદાસજીએ પોતાના પંજામાં લઈ
લીધો.
‘‘ઓહ! કાંઈ જૂની ઓળખાણ
તો જણાય છે.’’ દેવીદાસજીએ પંજાના સ્પર્શમાંથી પરિચય ઉકેલ્યો.
‘‘અમરબાઈના સંસારનાં
અમે સાસરિયાં છીએ. તમારે માથે અમે ન કરવાનું કર્યું છે.’’
‘‘બાપ, જૂની વાતુંના
ચોપડા આપણે શીદ રાખવા?’’ દેવીદાસજી હસ્યા : ‘‘આપણે થોડા વેપારી–વાણિયા છીએ?’’
બાઈ બોલી : ‘‘અમે તમારો
શરાપ માગવા આવ્યાં છીએ.’’
આગલા સમયમાં સોરઠવાસીઓની
પરંપરા આવી હતી. અન્યાય કરીને જેને સંતાપેલ હોય તે નિર્દોષ માણસ પાસેથી અન્યાય કરનારે
શાપ માગી લેવો ને એ શાપનાં પરિણામો ભોગવી કાઢવાં. દુષ્કૃત્યોનો હિસાબ ચોખ્ખો કરી નાખવાની
આ પ્રણાલિકા લોકસંસ્કારની મહત્તા હતી.
દેવીદાસજીએ મોં મલકાવ્યું
: ‘‘માડી! શરાપ માગવો હોય તો અમરમા પાસે માગો. મને નવાણિયાને વચમાં કાં કૂટો?’’
આહીરાણી અમરબાઈ તરફ ફરી,
વર્ષો પૂર્વે શોભાવડલાથી પોતે સાસરે જતી હતી તે દિવસ અમરને સાંભર્યો. નીંદરભરી પોતાની
આંખો આ જ સ્ત્રીના માતૃ-ખોળામાં જંપી ગઈ હતી. પછી પોતાની સામે આ જ પરસાળમાં રાતી આંખો
કરનાર પણ આ જ સ્ત્રી હતી. ખોળો પાથરીને અત્યારે એ કરગરે છે : ‘‘માવડી, મને શરાપો.’’
વૃદ્ધ સસરો પણ અમરબાઈ
તરફ ફર્યો ને બોલ્યો : ‘‘મનેય શરાપો, મા!’’
‘‘હું પણ શરાપ માગું
છું.’’ કહેતો જુવાન સન્મુખ આવ્યો. એની આંખો અમરબાઈ તરફ નહોતી. એ બીજી બાજુ જોઈ ગયો
હતો.
કહેવાતું આવે છે કે અમરબાઈ
અત્યંત રૂપાળાં હતાં. દેહ અને આત્મા, બન્નેનાં રૂપ એકમેકમાં મિલન પામીને કેવાં મનોહર
બન્યાં હશે! આ જ અમરબાઈનો એક વારનો પતિ એ ઘડીએ કયા વિચારોમાં ચડીને આંખો ફેરવી ગયો
હશે? આવું અનોધું રૂપ પોતે ન ભોગવી શક્યો એ માટે? કે આના ઊંચા આત્માને પોતે ન પિછાની
શક્યો એ માટે? સાંજનાં અંધારાં ઢળ્યાં ત્યાં સુધી તો અમરબાઈને ટાંટિયો ઝાલીને મૂએલા
ઢોરની માફક ઢસરડી જવાની જ નેમ હતી. એક જ દિવસ અને રાત, છતાંય બેની વચ્ચે જાણે કે જુગપલટો
થઈ ગયો. જુલમ કરવા આવનારાં શરાપ માગવા રોકાયાં.
અમરબાઈ પણ નીચે જોઈ મીઠું
મોં મલકાવતાં હતાં. એણે ફક્ત આટલું જ કહ્યું : ‘‘હું તો શરાપવા જેવી સમરથ નથી. મારા
અંતરમાં તો એટલું જ ઊગે છે કે માનવી માનવીને સંતાપે નહીં : ને તમને સોરઠિયા આયરોને
પણ પ્રભુ સદા સુખી રાખે.’’
ત્રણેય જણાંએ માથાં નમાવ્યાં.
દેવીદાસજીએ કહ્યું : ‘‘દીકરી, તેંય શરાપી જાણ્યું. તું તો ખાટી ગઈ.’’
એક ફક્ત શાદુળ ભગત એકલા
બેઠા બેઠા ઊંચાનીચા થતા હતા ; મહેમાનોને આટલું પણ કહ્યા વગર ન રહી શક્યા કે ‘‘પણ આ
બાપુએ તમારું શું બગાડ્યું હતું કે તમે એને ગરનારમાં લઈ જઈને મરણતોલ માર માર્યો?’’
‘‘શાદુળ!’’ દેવીદાસજીએ
એનો હાથ ઝાલ્યો, ‘‘તું એટલો તો વિચાર કર, કે એમણે જ મને નૂરશા–જેરામશાના કાંધે ચડાવ્યો.
ને વળી હું તો જીવતે જીવે એ બે જોગંદરોની કાંધે ચડી આવ્યો. અમરબાઈને પણ એનો મિલાપ થયો
; આવા બડભાગી અમને બીજું કોણ કરત?’’
આહીરોની આંખો ટપકવા લાગી.
તે પછી થોડાં વર્ષે
દેવીદાસજીએ સ્વજનોને તેડાવ્યાં. કહ્યું કે ‘‘કંકોતરિયું લખો’’.
હાજર હતા તે સમજી ગયા
કે કંકોતરી લખવાનો ભેદ શો હતો.
‘‘ઊભા રહો, હું અમરબાઈની
રજા માગી લઉં.’’
એણે અમરબાઈને પાસે બોલાવ્યાં.
હાથજોડ કરીને કહ્યું : ‘‘બાપ, મને રજા છે?’’ દેવીદાસના વદન ઉપર નવા જન્મનું નોતરું
ઝળકતું હતું.
‘‘હું ભેળી આવું તો?’’
અમરબાઈ હસ્યાં.
‘‘બહુ વે’લું કહેવાશે,
માતા!’’
‘‘લાજઆબરૂભેર વે’લા પહોંચી
જાયેં એ જ ઠીક છે.’’
‘‘તને કાંઈ ડર રહ્યો
છે, મા?’’
‘‘ડર તો નથી રહ્યો.’’
‘‘ત્યારે?’’
‘‘અંજવાળી તોય રાત છું
ને?’’
‘‘ભલે ત્યારે, બેયની
કંકોતરી ભેગી કઢાવીએ.’’
ચોક્કસ મહિનાની મુકરર
તિથિએ, ચોક્કસ ચોઘડિયે ને ચોક્કસ ઘડીએ દેવીદાસજી અને અમરબાઈ સમાધ લેવાનાં છે, માટે
સહુ સંતો ઉજવણે આવજો, એવી મતલબના શુભ કાગળો ‘ગત્ય’માં દસેય દિશાએ લખી ખેપિયા રવાના
કરવામાં આવ્યા. અને જગ્યામાં જૂના સંતો જસા વોળદાનની બે કબરો હતી તેની બાજુમાં જ બે
ખાડાઓ ખોદાયા. એક મહોત્સવ મચી ગયો. એ મહોત્સવ મૃત્યુનો હતો. જીવનનાં કર્તવ્યો ઉકેલી
કરી, નવી દુનિયાની કોઈ નિશ્ચિત સફરે ઊપડવાનું હોય, કોઈ મોટી યાત્રાએ, કોઈ પર્યટને પળવાનું
હોય, તે જાતનો સમારંભ મચી ગયો. અષાઢી બીજનો ત્યાં મેળો ભરાયો. ને દેવીદાસજીએ તથા અમરબાઈએ
જાતે રાંધણું કર્યું. છ હજાર માણસોને પૂરું પડી શકે તેટલું ઘઉંનું ભરડકું બાફ્યું.
ઉગમણી બાજુએ કાઠીઓનો
કૂવો હતો. પરબની જગ્યામાં પાણીની તંગી હતી. કાઠીઓ કૂવા ઉપર કોસ ચલાવી લ્યે એટલે મંડાણનો
તમામ સરંજામ ઉપાડીને ઘેર લઈ જાય. શાદુળ ભગતે એક આખો બાવળ કાપી નાખ્યો. તેમાંથી મંડાણનો
સરંજામ બનાવ્યો. બનાવીને કૂવા ઉપર માંડ્યો. જ્યાં કોસ હાંકવાનો આદર કરે છે ત્યાં વાવડીના
કાઠીઓએ આવીને મંડાણ તોડી કઢાવી નાખ્યું. શાદુળ ભગતને અણછાજતાં વેણ પણ કહ્યાં. શાદુળે
શાપ આપ્યો કે ‘આ કૂવા ઉપર કાઠીઓ પણ આ મંડાણની પેઠે જ ચૂંથાશે.’
શાપની કથા સાંભળીને સંત
દેવીદાસજી બહુ દુભાયા. અને જગ્યાના એ જેવાતેવા કૂવા ઉપર દિવસ અને રાત પાણી ઉલેચી ઉલેચીને
સંતે, અમરબાઈએ તથા શાદુળે અવેડો ભર્યો. હજારો માણસો લાપસીનું ભરડકું ખોઈ વાળીને ખાતા
જાય ને અવેડામાંથી ખોબા ભરી પાણી પીએ એવી ગોઠવણ હતી. ત્યાં ન્યાતજાતના ભેદો નહોતા,
વર્ણ વર્ણની આભડછેટ નહોતી, હિન્દુ–મુસલમાનોના ભેદ નહોતા.
સમાત લેવાનું ટાણું આવી
પહોંચ્યું. ભરવસ્તીમાં એક જ પ્રાણી રોતું હતું. શાદુળ રોતો હતો. શાદુળ, શા માટે રોવછ
બાપ? શાદુળ કેમ કરીને સમજાવે! –
રોઈ રોઈ કેને સંભળાવું રે
જેસલજી કે’ છે.
ઊંડાં દુઃખ કેને સંભળાવું રે
જાડેજો કે’ છે.
રુદિયો રુવે રે
મારો ભીતર જલે.
એનું ભીતર જલતું હતું.
ન સમજી શકાય તેવી કોઈ મર્મવ્યથા એને વીંધતી હતી. એને આશંકા પડી ગઈ હતી કે અમરબાઈના
અંતરમાં એક દહેશત હતી તેથી જ એ દેવીદાસજીની જોડે સમાય છે.
‘‘શાદુળ! વીરા!’’ અમરબાઈએ
આવીને પંપાળ્યો : ‘‘તમને એકલા મૂકવા પડે છે. એકલવાયા તોય તમે સમરથ છો. ભગત, આપણે તો
ત્યાં પાછા ભેળા થવાનું છે ને!’’
એ વખતે ભજનના સૂર ઊડતા
હતા કે –
મળજો આલેકને દરબાર
મળજો જતિસતી હો
જી!
‘‘જુઓ ભગત, સંતોના સૂર
સાખ પૂરે છે, અમે ત્યાં તમારી વાટ જોશું. પણ ઉતાવળ કરીને આવશો મા. સંસારની તમામ વળગણ
છૂટી જાય તે પછી તો તમારે ને અમારે ક્યાં છેટું છે? બારણું ખોલશો એટલે બીજા ઓરડામાં
અમે બેઠાં જ હશું, ભગત!’’
સહુ સંતોને રામરામ કરીને
પછી દેવીદાસજી અને અમરબાઈ પરસ્પર સન્મુખ થયાં.
અમરે કહ્યું : સત દેવીદાસ!
દેવીદાસે કહ્યું : અમર
દેવીદાસ!
બન્નેએ દસેય પ્રાણદ્વાર
બંધ કરી લીધાં. થોડી વારે બન્ને શરીરોમાંથી આત્મા છૂટી ગયો.
બેઉને સમાધ આપવાની તૈયારી
છે તે જ ક્ષણે બે ડોસા હાજર થયા. દાંત વગરના ને જરાગ્રસ્ત એ બુઢ્ઢા બીજા કોઈ નહીં પણ
ગિરનારવાસી જોગી નૂરશા અને જેરામશા હતા.
બેઉએ સંતોનાં નિષ્પ્રાણ
કલેવરોને સમાધના ખાડામાં ઓતર--દખણાદાં પધરાવ્યાં ને પછી ઉપર ધૂળ વાળી દીધી.
બેઉ સમાધિસ્થાનો પર હિન્દુ-રીતિ
મુજબની સમાધ કે દેરી નહીં પણ આરામગાહ બાંધવામાં આવી, ઉપર સોડ ઢંકાવી શરૂ થઈ.
શા દુળ એકલો પડ્યો.
શાદુળને પોતાનાં જૂનાં ભજનો સાંભરતાં થયાં :
ઇંદરીકા બાંધ્યા અબધૂત!
જોગી ન કે’નાં
જી
જબ લગ મનવા ન
બાંધ્યા
મેરે લાલ!
એકલવાયો શાદુળ સમજતો
હતો કે ઇદ્રિયો બાંધેલી છે, પણ અંતરના તલસાટ ઓછા નથી થયા. મનને એકલતા મારી રહી છે.
રક્તપિત્તિયાંનાં મળમૂત્ર
ધોવામાં એણે મનને જોતરી દીધું. પતિયાં ચીસો પાડતાં પાડતાં કહેતાં હતાં કે ‘‘શાદુળ બાપુ!
તમારો હાથ પોચો ખરો, પણ અમરમાના હાથ જેવી સુંવાળપ તો નહીં હોં!’’
તરત જ અમરબાઈનો દેહ એની
સામે ખડો થતો. શાદુળનું હૃદય બાળકની પેઠે ચીસો પાડતું. એ ચીસોને શબ્દોમાં ઉતારવા કદી
કદી એકતારો ખોળે લેતા ને સંત શાદુળ ગાતા તોળલ-વિછોડ્યા જેસલનું રુદન-ગીત :
રોઈ રોઈ કેને સંભળાવું રે
જેસલજી કે’ છે.
ઊંડાં દુઃખ કેને
સંભળાવું રે
જાડેજો કે’ છે.
રુદિયો રુવે રે
મારો ભીતર જલે.
પણ ગાવાથી વેદના વધતી.
એકલા શાદુળ એકલતાની ભઠ્ઠીમાં ઓગળતા રહ્યા.
*
કૂવાનું ખોદાણ ઘણે ઊંડે
ગયું છે, પણ પાણીનો પત્તો નથી. ભગત પોતે અંદર ઊતરીને ખોદે છે, ‘સત દેવીદાસ! અમર દેવીદાસ!’ના
શબ્દ પુકારે છે, પણ પાણીની આવ હોંકારો દેતી નથી.
માણસો માનતાં હતાં કે
શાદુળ ભગતનાં સત પાણી કાઢશે.
ભગત જાણતા હતા કે હજી
મનનાં પરિભ્રમણ પૂરાં નથી થયાં. કુદરતના કાળમીંઢ પથ્થરોને વીંધી નાખે એવી આત્મ-શક્તિની
શારડી મને મળી નથી. પાતાળમાં વહેતાં ઝરણાં જોડે મારા મનની ખરી મહોબ્બત ક્યાં બંધાઈ
છે? હું તો હજુ ઝૂરતો નર છું. પાણી નહીં નીકળે.
એવામાં કોઈક ખબર લાવ્યું
કે ઘોઘાવદરવાળા સંત ‘દાસી જીવણ’ પાડોશના ગામમાં પધાર્યા છે.
‘દાસી જીવણ’ તરીકે જાણીતા
જીવણદાસજી જાતના ચમાર હતા. શાદુળ ભગતને દિલમાં પ્રશ્ન થયો : એને લઈ આવું? એનાં સત અજમાવું?
બીજો વિચાર જગ્યાના અભિમાનનો
આવ્યો : મારા ગુરુથી અને અમરબાઈથી શું એક ચમાર ભક્ત ચડિયાતો?
અને જાણે પોતાના જ તંબૂરાનો
તાર બોલી ઊઠ્યો :
જબ લગ મનવા
ન ધોયા મેરે લાલ.
મનમાં સરસાઈનો મેલ ભર્યો
છે : ભગત, તમે જોગી શાના?
ગાયોનાં ધણેધણ આવીને
‘પાણી! પાણી!’ ભાંભરી ઊઠ્યાં. કૂવો ઠાલોઠમ પડ્યો છે. શાદુળ ભગતનો ગર્વ ફરીથી ભાંગ્યો,
એને ઘણાંએ વાર્યો કે જગ્યાનું માતમ જાશે. છતાં એ જીવણદાસજીને તેડવા ગયા. તેડી લાવ્યા.
જીવણ તો રાધાનો અવતાર
મનાતા. જીવણનાં રૂપ તો અનોધાં હતાં. ફાંકડા જીવણને નીરખી શાદુળ વિમાસણમાં પડી ગયો,
કે આ ‘મસ્તાનો’ આદમી શું સંત! વધુ વિમાસણ તો જીવણદાસજીની જોડે ચાર–પાંચ સ્ત્રીઓને જોવાથી
થઈ. શાદુળે ભયંકર કસોટી આદરી.
જીવણદાસજીને પોતે કૂવાકાંઠે
લઈ ગયા. બતાવીને કહ્યું કે ‘‘પાણી નથી.’’
‘‘બહુ વપત્ય!’’
‘‘ફરતી સીમનાં ધણ ધા
નાખે છે.’’
‘‘કસ જોવરાવ્યો’તો?’’
‘‘તમે જોઈ દેશો?’’
‘‘ભલે બાપ, લ્યો, હું
ઊતરીને જોઈ દઉં.’’
ખાટલીમાં બેસારીને દોરડા
વતી જીવણદાસજીને ઊંડા કૂવાને તળિયે ઉતાર્યા, ને પછી ખાટલી પાછી ખેંચી લીધી.
પથ્થરોનાં વળાં તપાસીને
પછી જીવણદાસજીએ કહ્યું : ‘‘હવે મને ઉપર સીંચી લ્યો.’’
‘‘એ તો નહીં બને.’’ શાદુળ
ભગતે સામે જવાબ દીધો.
‘‘શું નહીં બને?’’
‘‘આ કૂવામાં પાણી આવ્યા
અગાઉ તમને બહાર કાઢવાનું.’’
‘‘કાં બાપ?’’
‘‘તમે સંત છો. સતિયા
છો. અમારી તરસ ટાળીને પછી નીકળો.’’
‘‘અરે ભાઈ, મારામાં એવું
સત નથી. મારી આબરૂ ન લે. તુંય સંત છે, આપા શાદુળ!’’
‘‘સંત છું. પણ કાઠી સંત
છું.’’
‘‘મારો બત્રીસો ચડાવવો
છે?’’
‘‘તે પણ કરું.’’
‘‘ઠીક ભાઈ, તું મારી
ઇજ્જત લઈને રાજી થાજે.’’
‘‘શો વિચાર છે?’’
‘‘મારો એકતારો મોકલો.’’
રસી બાંધીને એકતારો કૂવાને
તળિયે ઉતારવામાં આવ્યો. દાસી જીવણે ચાર ભજનો ગાયાં. કહેવાય છે કે જળ આવ્યું, સંગીતના
જોરે.
સંતને બહાર કાઢવામાં
આવ્યા. પણ સંતનું દિલ દુભાયું હતું.
શાદુળે કહ્યું : ‘‘આ
જગ્યા ને આ કૂવો જીવશે ત્યાં સુધી આભડછેટના ભેદ વિના જગત આંહીં પાણી પીશે.’’
‘‘નહીં પીઉં એક ફક્ત
હું.’’ કહીને જીવણદાસ ચાલી નીકળ્યા.
શાદુળ ભગતનો મદ ભાંગ્યો.
એક ચમારને સાદે જળદેવે જવાબ દીધા. હું શું છું?
દિવસે દિવસે એનું દિલ
દ્રવતું જ ચાલ્યું. એણે ઊંચનીચના ભેદ છોડી દીધા. એક દિવસ એણે સાંભળ્યું કે ચોડવડીનો
એક અંત્યજ, જે દર વરસે જગ્યાની ધજા બનાવવા માટે બાર હાથ પાણકોરું આપી જતો તે મરી ગયો.
શાદુળ ભગત ચોડવડી ગયા.
શબ પડ્યું હતું. ડાઘુઓ ભેગા થયા હતા, પોતે જઈને એને પોતાનો ચીપિયો અડકાડ્યો ને કહ્યું
: ‘‘ભાઈ, ઓણ સાલ જગ્યામાં પાણકોરું ન આપી શક્યો તેથી શું શરમાઈ ગયો? ઊઠ ઊઠ, પાણકોરું
ન દે તો કાંઈ નહીં.’’
આપણને નથી પરવા કે એને
કહ્યે મૂએલો અંત્યજ ઊઠ્યો કે ન ઊઠ્યો, પણ શાદુળ ભગતના જીવન-ભેદ ટળી ગયા હતા તે તો આ
વાતમાંથી નીકળે છે.
દુહા એના ગવાતા થયા
:
સૂરે શીશ ઉતારિયાં, આવી નાખ્યાં ખળે,
શાદુળ દેવંગીની
ફોજમાં, ભાંગલ નર નૈ મળે.
વળી
પરબે અમર પરસીએં, જોગેસર જપે જાપ ;
ડેણ ડરે ને ભૂત
ભાગે, તાવમાં પડે ત્રાસ.
પણ શાદુળના મનની વેદનાઓને
આ દુહાનાં થૂંક ઓલવી ન શક્યાં. શું કરું તો જીવ જંપે? આ મનના વલોપાત મને મૃત્યુ પછીય
જંપવા નહીં આપે તો શું કરીશ? મારી પ્રેતગતિ તો નહીં થાય? શો ઇલાજ કરું? એક સ્ત્રીના
હૃદય ઉપર એકાદ ક્ષણની સત્તા ભોગવવા જતાં મને કેવી સજા મળી? શું કરું તો એ એક ઘડી ભોગવેલી
મારી સત્તાના ચૂરા થઈ જાય?
ભેંસાણ, રફાળિયું, ગળથ,
બરવાળું, હડમતિયું, દેવકી ગાળોલ, ખંભાળિયું ને રાણપુર : એ ચોય દિશાનાં ગામડાં, જ્યાં
અમરબાઈએ રામરોટી માગી હતી, ત્યાં હવે શાદુળ ભગતની એકલપંથી ટહેલ શરૂ થઈ. શાદુળની નજરે
એ આઠેય ગામોની સીમમાં અમરબાઈનું સ્વરૂપ તરવરતું હતું. માર્ગે માર્ગે જાણે ચાલી જાય
છે ; મૂંડિયું માથું, ઉપર ચૂંદડીનો ટુકડો, ખભે લીલો હજૂરિયો (રૂમાલ), ડોકમાં માળા,
ને આખે અંગે સફેદ અંચળો.
સાંજે ઝોળી લઈને પાછા
વળે ત્યારે સીમોમાં કાઠીઓની જૂની ખાંભીઓ ઊભેલી જુએ, જોઈ જોઈને એ પથ્થરોને પોતે કહે
કે –
‘આપાઓ! આંઈ તડકે શીદ
તપો છો? મરી રે’શો મરી. હાલોને મારી ભેળા, મૂંડિયાઓને છાંયો કરવા!’
એમ કહીને શાદુળ ભગત ખાંભીને
ખંભે અથવા માથે ઉપાડી લ્યે. છેક જગ્યામાં લાવીને એને ખડકે. એમ રોજેરોજ ઉઠાવી આણેલા
પાળિયાઓનું ચણતર ચણીને શાદુળ ભગતે જગ્યાની જૂની ડેલી બાંધી : આશ્રિતોને છાંયો કરવા.
*
સધ મુનિવર મળ્યા સામટા જોડી જાડી જાન,
કેસરિયો શાદલ
તણો રોક્યો કિ રિયે રામ!
‘‘ભગત,’’ વાણિયો આવીને
કરગર્યો, ‘‘મને શેર માટી અપાવો.’’
‘‘વાણિયા, તારા પ્રારબ્ધમાં
દીકરો નથી.’’
વાણિયો પાછો ગયો. સાંભળ્યું
કે કોટડા ગામે પરબની જગ્યાના શિષ્ય રામ વાળાનાં ભજન છે. વાણિયો ભજનમાં ગયો.
રામ વાળાના ઘરમાં માંગલબાઈ
નામની કાઠિયાણી હતી. તે ય પણ ભક્તિમાર્ગી હતી. ભજનની ત્યાં ઝૂક બોલી. ભજન ખતમ થયાં.
ભજનિકો વીખરાઈ ગયા. રામ વાળાની સામે વાણિયો બેસી રહ્યો.
‘‘બેસી કાં રિયા?’’
વાણિયો રોઈ પડ્યો.
‘‘કેમ?’’ રામ વાળાએ પૂછ્યું.
‘‘મને શાદુળ ભગતે સમરથ
છતાં કહ્યું કે તારા પ્રારબ્ધમાં દીકરો નથી.’’
રામ વાળાના દેહમાં ભભક
આવી. એણે કહી નાખ્યું : ‘‘જા, દેવીદાસ તને દીકરો દિયે છે.’’
એ પછી એક મહિને શાદુળ
ભગતને આ બનાવની ખબર પડી. એણે રામ વાળાને કહેવરાવ્યું : ‘‘તેં બહુ ખોટું કર્યું. સંત
દેવીદાસને માથે બદનામું ચડાવ્યું. હવે તો કાં તારે ને કાં મારે, એને પેટ પડવું જોશે.’’
‘‘તો હવે વચને રે’જો.’’
રામ વાળાએ જવાબ મોકલ્યો અને પોતે પોતાની સમાધનો દિવસ નક્કી કરીને કંકોતરી લખાવી. સમાધ
પણ ગાળીને તૈયાર રખાવી. શાદુળ ભગતને તેડું મોકલ્યું.
‘‘હવે ભાઈ,’’ શાદુળ ભગતે
કહાવ્યંું ઃ ‘‘ખાડો બૂરવો છે એમાં શું માણસ દોડાવછ?’’
‘‘તો કાંઈ નહીં, ભગત!’’
રામ વાળાએ શાદુળ ભગતના
વિના જ ચલાવ્યું. સમાધમાં બેસવાનું પ્રભાત આવી પહોંચ્યું.
‘‘તમને એકલા તે કેમ જવા
દઈશ?’’ માંગલબાઈએ પણ સાથે બેસી જવાની હઠ લીધી.
એક કુંભાર ને કુંભાર્ય
: એક આયર ને આયરાણી : એ ચાર બીજાં પણ સાથે સમાવા તૈયાર થયાં.
એક ભેરવો (કાળો) કૂતરો
પણ એ છનો સાતમો સાથી થવા આવી ઊભો રહ્યો.
સર્વનું સામૈયું ચાલ્યું
ત્યારે માંગલબાઈએ ભજન ઉપાડ્યું :
મારા અંતરના ઉદવેગ તે તો ગુરુએ ટાળ્યા,
ચરાચરમાં દેખું દેવીદાસ ભાવે ગરુને
ભાળ્યા.
મારા હૈડા તણે હેતે પ્રીતમ તમને પામી
;
હું તો ગૂંથાણી લૈને ગળે બથ અંતરના
છો જામી.
દુબજાળાં 62 દુરીજન લોક તેને શું કહીએ!
ઇ તો
અસજે બોલે અવગુણ તોયે ગરુને ચરણે રહીએ.
કર જોડી માંગલ
કહે સાચું હું તો ભાખું ;
મારા રુદિયામાં
શાદલ પીર રોમે રોમે રાખું.
ગાતાં ગાતાં ચાલ્યાં
જાય છે. બાજુમાં નાનો દીકરો દોડ્યો જાય છે.
માંગલબાઈની ચૂંદડી પગમાં
ઢસરડાતી આવે છે. એ ચૂંદડીના છેડા ઉપર બાળ દીકરા બાવાનો પગ પડી ગયો. ચૂંદડી ખેંચાતાં
ગાવામાં માંગલબાઈને ટેરમાં ફેર પડી ગયો. એણે પાછા ફરી જોયું.
રામભગતને શંકા આવી :
‘‘કેમ, બાવામાં જીવ ગયો?’’
‘‘ના રે, મા’રાજ!’’ માંગલબાઈએ
કહ્યું, ‘‘મારી ચૂંદડીને માથે પગ આવ્યો.’’
આટલી ઉગ્ર કસોટી પાર
કરીને સ્ત્રીપુરુષ સમાયાં. નાનો બાળક એકલો બન્યો. હજી તો હમણાં જ જેની ચૂંદડી ખૂંદતો
હતો તે મા ચાલી ગઈ.
પોતાના મર્મબોલને પરિણામે
આવા કેટકેટલા કેર વર્ત્યા! શાદુળ ભગતના અંતર ઉપર શિલાઓ ખડકાતી ગઈ.
‘‘હવે તો નથી રોકાવું.
હવે આ સ્વભાવ નહીં બદલાય. હવે જાન જોડવી જોશે.’’
મૂંઝાતું દિલ લઈને શાદુળ
ભગત દત્તાત્રેયના ધૂણા પર જઈ બેઠા.
ગોધૂલિની એ વેળા હતી.
શાદુળે ચારેય સીમાડા ભરીને નજર નાખી. ઝીણી ઝીણી ગોરજના ડમ્મર ચડ્યા હતા.
ધરા આખી છૂંદાતી હતી.
શાદુળને જવાબ જડ્યો.
પછી એક દિવસ પરબની સમાધ-દેરી
પાસે આવો બોલાશ ઊઠ્યો : ‘‘નહીં ભાઈ, ત્યાં બાજુમાં નહીં.’’
‘‘ત્યારે?’’
‘‘અહીં, એ ઓટાની નીચે,
પગથિયાની જગ્યાએ મારી સમાધ ગાળો.’’
‘‘કેમ એવું કહો છો?’’
‘‘મારા શરીરનું વિરામસ્થાન
આંહીં જ રહેશે. ઉપરની સમાતોને જુવારવા જનારાં લોકો મારા કલેજા ઉપર ચરણ મૂકીને જ પહોંચી
શકશે. હું એ સહુના કદમોમાં છૂંદાતો છૂંદાતો જ અહીં સૂતો રહેવા માગું છું.’’
સમાધના ખાડાને કાંઠે
ખડા રહીને શાદુળ ભગતે છેલ્લું ભજન ગાયું :
કલે કલે તારી કૂંચી
પરબુંના પીર!
કલે કલે તારી કૂંચી.
પાંચ તતવનો બંગલો
બનાવ્યો
બારી મેલી છે
ઊંચી
પરબુંના પીર,
કલે કલે તારી કૂંચી.
અઢાર વરણ જમે
એકઠા
ત્યાં જાત વરણ
નૈ નીચી
પરબુંના પીર,
કલે કલે તારી કૂંચી.
સવરા મંડપમાં
મારો સતગરુ બેઠા
ત્યાં ચાર જુગની
વાત પૂછી
પરબુંના પીર,
કલે કલે તારી કૂંચી.
દેવંગી પરતાપે
પીર શાદળ બોલ્યા
જાતી વૈકુંઠની
વાત પૂછી
પરબુંના પીર,
કલે કલે તારી કૂંચી.
ભજન પૂરું કરીને શાદુળ
ભગતે પોતાનું ખોળિયું છોડી દીધું.
આજે જસા વોળદાનની બે
કબરો અને દેવીદાસ, અમરબાઈની મળી ચાર કબરો જે દેરીમાં છે, તે દેરીના ઉંબર બહાર અણઘડ
કાળો પથ્થર છે. એ પથ્થરની નીચે સૂતેલું છે શાદુળ ખુમાણનું શબ.
શાદુળનું કલેજું ત્યાંના
જાત્રાળુઓની ચરણરજને ચૂમતું બેઠું છે. કેટલાં ચરણોને એણે ચૂમ્યાં હશે આજ સુધીમાં? દોઢ
સૈકો થઈ ગયો. અષાઢી બીજના અનેક મેળા ભરાણા. ભજનકીર્તનના સમૈયાનો પાર નહીં રહ્યો હોય.
શાદુળ ભગત ને પછી તો ત્યાં અમરી માતા, અમૂલાંબાઈ, મા હીરબાઈ અને ગંગદાસજી સમાયાં. સાંઈ
સેલાનીશાએ,
રતન જેવી આંખડિયાં મિલી
મે દીવડિયાં કાં
બાળો!
હિંદુ મુસલમાન
એક જ પિયાલે
નૂરીજન નજરે ભાળો!
પરબુંવાળો પીર
પાદશા
મેં તો ધૂનધણી
ધાર્યો,
ધણી, તારો પરગટ
પરચો ભાળ્યો.
– એવાં અભેદભાવનાં ભજનો
ગાતે ગાતે ત્યાં શરીર સંકેલ્યું અને આરામગાહી ઢાળી. અને શાદુળના શિષ્ય કરમણ પીર, દાનો
બાવો વગેરે પણ ત્યાં વિરમ્યા છે. તે તમામના મૃત્યુ-ઉત્સવો પર મનખ્યો ઊમટ્યો હશે. સર્વના
કદમોને શાદુળના હૈયાએ હોઠે ચાંપ્યા છે.
મારી મરણસજાઈ આ દેરીનાં
પગથિયાં પર જ હોજો!
શાદુળ જીવનમાં જીત્યા
તે કરતાં મરણમાં વિશેષ જીત્યા.
શાદુળો પીર કહેવાણો.
શાદુળો દેવીદાસનો!
શરણાગતિ
અમરબાઈ સૌ પહેલી વાર
સંત દેવીદાસને શરણે આવ્યાં ત્યારે આ ભજન બોલ્યાં હતાં :
બાવાજી, તમારાં હશે તે
તમને ભજશે
એને આંચ નૈ આવે
લગાર
એ પરબુંના પીર!
બાંહોડલી ઝાલ્યાની ખાવંદ
લાજ છે,
બાવાજી, નવસો
નવાણું ચીર પૂરિયાં
ધ્રુપતી દાસી
તમારી કરી જાણો!
પરબુંના પીર.
– બાંહોડલી .
પ્રેહલાદ કારણ તમે પ્રગટિયા,
હરણા કંસનો કર્યો
રે સંહાર
પરબુંના પીર.
– બાંહોડલી .
સૂઈને રિયાં શું સુખપાલમાં?
તમે જાગી ન જોયું
લગાર
પરબુંના પીર.
– બાંહોડલી .
કાળીંગો 63 આવ્યો અતપાતનો,
રખે લોપે અમારી
લાજ
પરબુંના પીર.
– બાંહોડલી .
ઝટક દઈને ચડજો ઘોડલે,
શેલી શીંગી પીર
શાદલને હાથ
પરબુંના પીર.
– બાંહોડલી .
ઘોડે ઘોડે શંખ વાગશે,
તમારાં ઝબક્યાં
લીલુડાં નિશાન
પરબુંના પીર.
– બાંહોડલી .
ગરવા દેવાંગી પરતાપે અમર બોલિયાં
તારા સેવકુંને
ચરણુંમાં રાખ
પરબુંના પીર.
– બાંહોડલી .
2
હાલ ફકીરી
કોણ તો જાણે, દેવીદાસ જાણે
આજ મારે હાલ ફકીરી
માલમી બન્યા બીજું
કોણ જાણે!
જળની માછલિયું અમે પવને સંચરિયું
ખરી તો વરતી 64 મારી નહીં ડોલે
આજ મારે હાલ ફકીરી.
– માલમી .
કાચનાં મોતી અમે હીરા કરી જાણશું,
અઢાર વરણમાં મારો
હીરલો ફરે
આજ મારે હાલ ફકીરી.
– માલમી .
પરબે જાઉં તો મુંને શાદલ મળિયા રે
શાદલ મળે તો મારાં
નેણલાં ઠરે
આજ મારે હાલ ફકીરી.
– માલમી .
ચોરાશી સધની ધૂણી પરબે બિરાજે રે
સમરથ પુરુષ ભેળા
રાસ રમે
આજ મારે હાલ ફકીરી.
– માલમી .
દેવંગી પરતાપે માતુ અમરબાઈ બોલ્યાં રે
સમરથ સેવે તો
રૂડી સાન મળે
આજ મારે હાલ ફકીરી
માલમી વના આજ બીજું કોણ જાણે!
3
મુને દેખતી કીધી
મારી આંખ્યુંનાં સકજ ચોઘડિયાં
મુંને દેખતી કીધી
દેવીદાસ
સામૈયાં કરજો
સંતનાં.
મારા અંતર પડદા કોરે કર્યા,
મારા માર્યા છે
કાળ ને કરોધ
સામૈયાં કરજો
સંતનાં.
ગરવા દેવંગી પરતાપે અમર બોલિયાં
તમારાં સેવકુંને
ચરણુંમાં રાખ
સામૈયાં કરજો
સંતનાં.
4
જીવન ભલે જાગિયાં
મેં તો સધ રે જાણીને તમને સેવિયા
મારે રુદિયે દિવસ
ને રાત
જીવન ભલે જાગિયાં.
મેં તો પુન્યના પાટ મંડાવિયા
મારે પધાર્યા
પીર જસો રે વળદાન
જીવન ભલે જાગિયાં.
મેં તો કુરણાના કળશ થપાવિયા
જ્યોતું જગાવે
દેવીદાસ
જીવન ભલે જાગિયાં.
સતિયું મળિયું મારા સમ તણી
સતી અમર અમૂલાં
માંગલબાઈ
જીવન ભલે જાગિયાં.
નૂરીડાં મળ્યાં હરિજનનાં નિરમળાં
કોળી પાવળ પીર
શાદલને હાથ
જીવન ભલે જાગિયાં.
ગરવા દેવંગી પરતાપે અમર બોલિયાં
તારા સેવકુંને
ચરણુંમાં રાખ
જીવન ભલે જાગિયાં.
અમર ઝૂઝે રે તરવાર
અમે પરબનાં ઓળગુ
અલખ દેવંગી! તમારા
ઓળગુ
પરગટ દેવીદાસ.
– અમે .
ભગતીમાં શૂરવીર અમર ઝૂઝે રે
અમર ઝૂઝે રે તરવાર
બાવાજી શાદલ,
અમે પરબનાં ઓળગુ.
પછમ ખેતર બાવા,
પીરનાં
ગઢ આજ જૂનો રે
ગઢ આજ જૂનો ને
ગરનાર
– બાવાજી શાદુળ,
અમે .
અઢાર વરણ જમે એક ઠામે
ભોજન કરે રે
ભોજન કરે રે દુવાર
– બાવાજી શાદુળ,
અમે .
નામ રે તણા નેજા રોપિયા,
ભજન કરવાં રે
ભરપૂર
– બાવાજી શાદુળ,
અમે .
નજ્યા પંથી ને
સકોમળાં
કળજગ ના’વે લગાર
– બાવાજી શાદુળ,
અમે .
અમર સતી માતુ વીનવે
લાગું મારા ગુરુજીને
પાય
જુગોજુગ તમારાં
ટેલવાં
રાખો ચરણુંની
સંગાથ
બાવાજી શાદુળ,
અમે રે પરબુંના ઓળગુ.
સખીભાવ
[જામનગરના હમીર કુંભારે
રચેલું]
સમજાવીને કે’!
પરબુંના પીરને
સમજાવીને કે’!
સાંયાજીની સાથે મારું સગપણ કર્યું.
મારું જોબન નાનું
છે
પરબુંના પીરને
સમજાવીને કે’!
દેશપરદેશના જોષીડા તેડાવો
મારાં ઘડિયાં
લગનિયાં લે!
પરબુંના પીરને
સમજાવીને કે’!
આલૂડા લીલૂડા વાંસ વઢાવો
મારા ચિતડામાં
ચોરી ચીતરી છે
પરબુંના પીરને
સમજાવીને કે’!
સાંયાજીની સાથે મારી વરમાળ રોપી
હું તો પ્રીતે
પરણી છે
પરબુંના પીરને
સમજાવીને કે’!
સેલાનીને ચરણે બોલ્યા હમીરો
મુંને લાગી લગનિયાંની
લે’!
પરબુંના પીરને
સમજાવીને કે’!
1 . જાદરા ભગતના બીજા નીચે લખ્યા પરચા કહેવાય છે :
1. મૈકા ગામમાં એના ચેલકાઓએ
બકરી મારેલી તે જીવતી કરી મેળામાં અનાજ પૂર્યું :
પાદર જે મૈકા તણે, કણકણ
સજિયા કોઠાર,
જાદર જેજેકાર, ધરા બાધીમાં
ધાનાઉત!
2. એક રબારીએ ચોવીસ મોઘરી
વહોરાવી તેને બદલે ભગતે ચોવીસ ગાયો દીધી :
ભગત દાળીદાર ભાંગિયાં, થાનક
વાતું થાય,
મોઘરિયાં સાટે ગાય, ઝોપી
આપે જાદરે.
3. આયો કાંડેળે અલખ, સત
ધાનડ સરઠે
મુંવાં મડાં ઝકે, તેં જિવાડ્યાં
જાદરા.
આ ત્રણેય પરચામાંથી એની
કશી મહત્તા કે પવિત્રતાનું તત્ત્વ નથી મળી શકતું, તેથી એને આપણે કશું મહત્વ ન આપી શકીએ.
– લેખક.
2 . જાડેજા.
3 . ગોરખો ‘ઝળુ’ શાખાનો કાઠી હતો.
4 . આ પ્રસંગને પરચાનું રૂપ શા માટે આપવું જોઈએ? આગળના સંતો–ભક્તો પોતાની પાસે
સારી સારી વનસ્પતિની દવાઓ રાખીને લોકોની વ્યાધિઓ મટાડતા હોવાનો સંભવ છે. દાનાની આંખો
ઉપર પણ ચમત્કાર કરવાને બદલે જાદરાએ કોઈ ડુંગરિયાળ ઔષધિ જ લગાવી હશે.
5 . આ દુષ્કૃત્યને કારણે જ આજ સુધી જેતપુરના કાઠીઓ સામે ચલાળાની જગ્યાને અપૈયો
છે. વચ્ચે લોભમાં પડી એક ભગતે જેતપુર તરફથી હાથીની ભેટ સ્વીકારી હતી. જેતાણી પાટીને
જાણે એ દિવસની કદુવા લાગી હોય તેમ આજે એ કુળ પાયમાલ છે.
6 . આ જગ્યાના સ્થાપક સંત દેવીદાસનું વૃત્તાંત ‘પુરાતન જ્યોત’માં છે.
7 . તે દિવસોમાં તો કોડિયામાં મીઠું તેલ પૂરીને વાટ પ્રગટાવવામાં આવતી.
8 . વસ્તુ
9 . બ્રહ્મરંધ્ર
10 . ખોળામાં
11 . રોઝડાં ગાયની જાત ગણાય છે.
12 . હોડી (જીવનરૂપી)
13 . તરુવર
14 . શિખરો
15 . તિલક
16 . લલાટે
17 . દેહ
18 . વાડીમાં પાણી વાળનાર
19 . હે મારી દેહ-નૌકાના નાવિક, તમે મારી નજરમાં રહેજો.
20 . દેહ-નૌકાને લઈ આ રસ્તે આવતાં લખચોરાસીની ચોકીઓ આડી આવે છે. જમડારૂપી ચોકીદારોને
દાણ ચૂકવવાનું તમે આવો તો જ બની શકે.
21 . નિર્ભયતાનાં લંગર નાખી દેહ-નૌકાને બચાવો.
22 . પાતાળે (નરકમાં)
23 . હૃદયમાં
24 . લોઢું
25 . નામના
26 . શિખરો
27 . સર્વ પંથના
28 . ‘બોરિયો’ નામે ગિરનારનો ગાળો છે.
29 . ધૂંધળીનાથના અવતાર તરીકે વેલો મનાય છે.
30 . પ્રેહપાટણ (ઢાંક)ને ‘પટ્ટણ સો દટ્ટણ’ કરનાર મનાતા કોળી સંત.
31 . લગની
32 . ગુપ્ત ગંગા
33 . સંસારમાં ફરી આવાગમન
34 . શિકારી
35 . ગિરનારી! તમે મારી સાથે અંતરાય પાડી. પરદે-પોશ વેલો બાવો રમવા ચાલ્યો ગયો.
મને ભોળવીને ભૂલથાપ દઈ ગયો.
36 . પૃથ્વી ઉપર એનાં પગલાં પડ્યાં હોય, તો તો હું એનું પગેરું કઢાવીને ત્રણ લોકમાંથી
એને શોધી કાઢું : પરંતુ એ તો અદૃશ્ય થઈ ગયો.
37 . જાણે કે ઝાડનું થડ વાઢીને મારા હાથમાં પાંદડાં દઈ ગયો. એ ગેબી ગુરુ ગેબમાં
રમવા ગયા.
38 . જ્ઞાનની
39 , 40. વેલાના દીકરા.
40 41, 42. એમની સ્ત્રીઓ.
41
42
43 . પશ્વિમ
44 . ઉત્તરેથી સૈન્ય આવશે ને દિલ્હીને ગઢે મુકામ કરશે.
45 . `હરણાં હાટડિયુંમાં બેસશે' : ગામ ઉજ્જડ થશે (લોકોક્તિ).
46 . કળિયુગ
47 . હાહાકાર
48 . નવ હાથ ઊંચો
49 . તોલાં-ત્રાજવાં
50 . ‘નીર નવાણે ને ધરમ ઠેકાણે’ એ કહેવત થઈ પડેલ છે. ભાવ એ છે કે હવે ધર્મ કોઈક
ઠેકાણે જ રહ્યો છે.
51 . પાતાળ
52 . કળીયુગ
53 . વેલાને ખડગ લઈ કલિની સામે લડતો કલ્પેલ છે.
54 . મનુષ્યાવતાર
55 . એ બાળુડા યોગી! ભવિષ્યમાં તો એવા એવા પાખંડીઓ જાગશે કે જે મૂએલાં મનુષ્યોને
બોલતાં કરીને અંધશ્રદ્ધાળુઓને એવી ભ્રમણા ઉપજાવશે કે જાણે તેઓ પ્રભુની શક્તિ ધરાવે
છે.
56 . એ પાખંડીઓ પાણા પર આસન વાળીને મેલી વિદ્યાના બળે પોતાનાં વસ્ત્રાો અધ્ધર
સુકાતાં બતાવશે.
57 . એવા ઉપરથી ચોખ્ખા દેખાતા પાખંડીઓની પાછળ ભોળા લોકો દોડશે. એક પુરુષને ઘણી
સ્ત્રીઓ વળગશે.
58 . વેલા બાવાને ‘બાળુડો’, ‘ગરનારી’, ‘ગરવાના રાજા’ ને ‘સરભંગી’ એવાં બિરદ આપતાં
: સરભંગી એટલે સર્વ પંથનો, કોઈ એકાદ સંપ્રદાયનો નહીં.
59 . આજ પણ એ માન્યતા છે કે જે સ્ત્રીની બાથમાં આ બથેશ્વરનું લિંગ સમાઈ જાય તેને
સંતાન જન્મે.
60 . સૌરાષ્ટ્રની આહીર કોમમાં સ્ત્રી પોતાની સાસુને ફુઈ કહે છે.
61 . લોકકથા તો એટલું જ ભાખે છે કે રક્તપિત્તિયાંની સેવા કરનારી આ જગ્યામાં અમરબાઈ
આહીરાણીએ, સાસરે જતાં જતાં કોણ જાણે શો પ્રભાવ અનુભવ્યો કે વસ્ત્રાભરણો ઉતારીને સદાનું
રોકાણ સ્વીકાર્યું. અમરબાઈનું આવું પગલું, કોઈ સેવાધર્મની લગનીથી બનેલા હૃદયપરિવર્તનનું
પરિણામ હતું કે સાસરવાસીનાં કોઈ અસહ્ય કલહજ્ઞાનથી ઊગરવાની ઇચ્છાનું પરિણામ હતું, એ
વિશે લોકકથા ચૂપ જ રહે છે. અહીં જે રીતનું પરિવર્તન આલેખવામાં આવ્યું છે તે માટે આલેખનાર
પોતે જવાબદાર છે. મુદ્દાની વાત તો એક જ છે, કે સોરઠના મધ્યયુગી ઇતિહાસમાં એક બાજુ જ્યારે
દરરોજ છેક કાશીથી મગાવવામાં આવતા ગંગાજળે જ શિવસ્નાન કરાવનારા આભડછેટિયાં તીર્થસ્થાનો
હતાં, ત્યારે બીજી બાજુ રક્તપિત્તિયાંને સંઘરનારા સાધનહીન લોકસેવકો ખૂણેખાંચરે બેઠેલા
હતા. ને વધુ ચોટદાર વાત તો એ છે કે આવી જીવલેણ દીનસેવાનાં વ્રતો લેનાર એક ભરજુવાન આહીર
સ્ત્રી હતી.
62 . દુવિદ્યા(કુવિદ્યા) વાળાં
63 . કળિયુગ
64 . વૃત્તિ
1
હું સૌ માંયલો નથી
ર ણને કાંઠે સવાર પડતું
હતું. ઊડી ઊડીને થાકેલી રેત હજુ જાણે કે પડી હાંફતી હતી. સવારનાં કિરણો એ રણ-રેતની
કણીઓને સોનાનો રસ પાતાં હતાં.
નગરઠઠાના માર્ગ માથે
એ એક ગામ હતું. પાદરમાં મસીદ હતી. મિનારા પરથી બાંગ પુકારાતી હતી. હોજને કાંઠે કોઈ
મુસ્લિમ વજૂ કરતો હતો. કોઈ હાથપગ ધોઈને નમાજ પઢતો હતો.
મુસ્લિમોને કાને અવાજ
પડ્યો : જી નામ! જી નામ! જી નામ!
સૌની આંખો દરવાજા સોંસરી
ગઈ. પડખે થઈને એક ધોરી માર્ગ જતો હતો. તે મારગે કોઈ મુસાફર ‘જી નામ! જી નામ!’ જપતો
પંથ કાપતો હતો.
‘‘ખડો રહે, એ હેઈ મુસાફર!’’
વજૂ કરતા મુસ્લિમોએ બહાર નીકળી હાક મારી.
વટેમાર્ગુએ ઊભા રહીને
પાછળ જોયું. એના અંગ પર ભદ્રભેખ હતો. એને દાઢી નહોતી. એના માથા પર કાપડી સાધુઓ ઢાંકે
છે તેવો ઊંચો ટોપ હતો. શરીરે પરમિયા રંગની કફની હતી. ખંભે તુંબડાની કાવડ હતી. ગળામાં
માળા હતી.
એણે અવાજ દીધો : ‘‘જી
નામ!’’
‘‘કોણ છો?’’
‘‘વાટમારગુ છું.’’
‘‘નૂગરો છો? તારા માથે
કોઈ મુર્શદ, કોઈ ગુરુ, કોઈ ઉસ્તાદ નથી? અને ભેખ પહેર્યો છે?’’
‘‘કેમ ભાઈ? ગરમ કેમ બનો
છો? કાંઈ પૂછતા નથી, ગાછતા નથી, ફોડ પાડીને સમજાવતા નથી. છે શું આવડું બધું?’’
‘‘ઊભો કેમ નથી રે’તો?’’
‘‘જેને પંથ કાપવો છે
એને ઊભા રહેવાનું કારણ?’’
‘‘આ બાંગ સાંભળતો નથી?
બે’રો છો, બાવા?’’
‘‘સાંભળું છું અને આંહીંથી
મારો પણ શબદ મિલાવું છું. જી નામ!’’
‘‘એ શબદ ન મિલાવાય. ને
હિન્દુ–મુસલમીનના હરકોઈ ભેખધારીએ આ જાતનો અવાજ સાંભળીને ઊભા રહી અદબ કરવી જોઈએ.’’
‘‘એવો રિવાજ છે?’’
‘‘રિવાજ જ નહીં, ફર્જ
છે.’’
‘‘એવી ફરજ સૌને પાડો
છો?’’
‘‘બેશક.’’
‘‘ત્યારે હું એ સૌ માંયલો
નથી.’’ મુસાફર સાધુએ રમૂજ અને તુચ્છકારથી મોં મલકાવ્યું.
‘‘તું શું ટીલું લાવ્યો
છે!’’ કહેતા મુસલમાનો મુસાફરની નજીક ગયા.
‘‘ત્યારે તમારી આ બાંગ
શું ટીલું લાવી છે?’’ પ્રવાસીએ વિશેષ મોઢું મલકાવ્યું. પચાસ–સો મુસ્લિમોના ધગધગતા મિજાજની
એના મન પર કોઈ અસર નહોતી.
‘‘મોં સમાલ, સાધુ!’’
‘‘જુઓ ભાઈ, તમે જાડા
જણ છો, તોય મારે મારું મોં સંભાળવાની જરૂર નથી. મારું મોં એની જાતે જ પોતાને સંભાળી
લ્યે છે. પણ હું તમને પૂછું : તમે બાંગ પુકારો છો ને હુંય ધણીનું ‘જી નામ’ જપું છું.
હું તમને મારા જાપ વખતે ઊભા રહી અદબ કરવા કહેતો નથી. અંતરમાં અદબ તો આપોઆપ ઊઠે છે,
જ્યાં જ્યાં માલિકની ભક્તિના સાદ ઊઠે છે ત્યાં. પણ તમારી બાંગને માટે જો તમારો ખાસ
દાવો હોય તો તે સાબિત કરી બતાવો.’’
‘‘શી સાબિતી?’’
‘‘સાબિતી એ, કે બાંગ
સાંભળતાં ગાને ધાવતાં વાછરું મોંમાંથી આંચળ છોડી દ્યે ને પાણીના વહેતા ધોરિયા થંભી
જાય, એવી કોઈ તાકાત બતાવો, તો હું ડરીને ઊભો રહું. બાકી તમે દમદાટી દઈને ઊભો રાખો એવો
પાણી વગરનો સાધુ હું નથી. લ્યો, જી નામ!’’
‘‘એ ઊભો રહે.’’ પાછળ
હાકલા થયા ને દોટાદોટ સંભળાઈ.
‘‘મિયાં સાહેબો!’’ મુસાફરે
પાછા ફરીને ચમકતાં નેત્રો નોંધ્યાં : ‘‘એમ ગામડે ગામડે બાંગો સાંભળીને અટકતો જાઉં તો
મેં નાની (હિંગળાજ) કબ પોગું? આશાપરાનો મઠ હજી વેગળો છે. એકલો નીકળ્યો છું તે સમજીને
નીકળ્યો છું. આ ભેખ ભાળો છો ને, એ તો મારો પોશાક છે. મારાં કાંડાં છે ભટી રજપૂતનાં.’’
‘‘તારું નામ?’’
જવાબમાં સાધુ લલકારી
ઊઠ્યો :
ગામ ખોંભડી ગરુ ગાંગોજી, ભટિયા કુળરા ભાણ હુવા :
નેણલે નરખો! હેતે
હરખો! સતગરુકા મેં પંજા લિયા.
મુસાફરે ગાન કર્યું.
અજાનના સૂરોમાં એ ગાનના વાણાતાણા વણાયા.
‘‘કોણ, મેકણ કાપડી તો
નહીં?’’ એક બુઢ્ઢા સંધીએ નામ પિછાન્યું.
‘‘મેકણ નહીં, મેકો. ને
હું નૂગરો નથી. મારો મુર્શદ પણ તમારા— અરે આપણા સૌનું— પૂજવા ઠેકાણું જમિયલશા જોગીનો
ગિરનારી ગોઠિયો છે દાતા દત્તાત્રેય.
દાતા મેરો દતાતરી ને મેકો મંગણહાર.
‘‘જાવ, જાવ બાપુ.’’ જઈફ
મુસ્લિમે બીજા સર્વની સામે ઇશારત કરી કે ચૂપ રહો.
‘‘ઊભા રો’, ઊભા રો’,
સાંભળતા જાવ!’’ એમ કહીને મુસાફરે બુલંદ ગળે ચાબખો માર્યો : ‘‘હું તો તમને–અમને બેઉને
સંભળાવું છું :
ઠાકર તે ઠુકાયો, મુલ્લાં ડિનીંતે બાંગ,
ઉન માલક જે ઘરજો
છે નકોં તાંગ.
ઠાકર-મંદિરમાં આરતીઓ
ઠોકાય છે અને મસ્જિદમાં મુલ્લાં બાંગો દઈ બોલાવે છે. પણ એ માલિકના ઘરનો તમને ક્યાંય
પત્તો નથી મળતો. અને વળી—
ઊંચો થિયે નીચો થિયે, હથ દો કિયા સ્ત્રીં ;
ફોકી ધોઈ કૂટરો
થ્યો, અલા મિલેંદો ઈં!
એમ અલા મળશે? ઊઠબેઠ કરવાથી
ને હાથ ઊંચાનીચા કરવાથી? પૂંઠ ધોવાથી ને રૂપાળા થવાથી?
મુસ્લિમો ગામડિયા હતા.
સાફ દિલના હતા. એ દિલ પર આ શબ્દચાબુક પડ્યા. કોઈએ કહ્યું : ‘‘સાચા શબદ છે.’’
‘‘પતંગશા પીર શું કરે
છે? તમારા ભાઈ?’’ જાણકારે કુશળ ખબર પૂછ્યા.
મેકરણે જવાબ દીધો :
‘પીર’ ‘પીર’ કુરો કર્યો, નાંય પીરેંજી ખાણ ;
પંચ ઇંદ્રિયું
વસ કર્યો (ત) પીર થિંદા પાણ.
‘‘અરે દોસ્તો! પીર પીર
શું કરો છો? જેટલાએ લીલી કફની ધરી તે તમામ શું પીર? પીરોની તે શું ખાણ છે? પાંચ ઇદ્રિયોને
વશ કરીએ તો આપણે પણ પીર બનીએ. મારો ભાઈ પંડે ઇસ્લામધરમી બન્યો છે. પતોજી હતો તે મટી
પતંગશા થયો છે. મને એનો અણગમો નથી. એની બેઠક બેતો અને કાફીઓ વચ્ચે હતી. એના બાળપણના
એ સંસ્કાર. એનોય પંથ છે પ્રભુનો. એ તો હજી ખોજ કરે છે, એને પીર ન કહો. અને સાંભળો
:
પીર પેગંબર ઓલિયા, મિડે વેઆ મરી ;
ચોંણ ઉડાંજ્યું
ગાલિયું, નાવો કોય વરી.
‘‘પીરો, પેગમ્બરો ને
ઓલિયા, મણ્યેય (તમામ) મરી ખૂટ્યા, તેમની મૃત્યુ પછીની વાતો કહેનારો કોઈ મોતને સામે
કાંઠેથી હજુ પાછો નથી આવ્યો.’’
‘‘આને હવે ઝાઝો વતાવવા
જેવું નથી. આ તો આંહીં ઊભો કંઈક આપજોડિયા ચાબખા સંભળાવશે. માટે જવા દ્યો એને હવે.’’
ગામલોકોએ આપસ આપસમાં સંતલસ કરીને કહ્યું.
‘‘ઠીક મેકાજી! પધારો
હવે. મોડું થાય છે આપને.’’
‘‘લ્યો ત્યારે, જી નામ!’’
‘‘જી નામ!’’
એવી સામસામી સલામ થઈ
ગઈ, ને મુસાફર પોતાને માર્ગે પડ્યો.
2
દત્તાત્રેયનો મેળાપ
અ ઢારમો સૈકો ચાલતો
હતો. કચ્છ જેવી પાણિયાળી ધરા હતી. માથાનાં ફરેલ માનવીઓને જન્મ દેતી એ કચ્છ-ધરાએ ખોંભડી
ગામના હટી રજપૂત હળધ્રોળજીને ઘેર પવાંબાઈ રજપૂતાણીની કૂખે બે દીકરા જન્માવ્યા. એક પતોજી,
ને બીજો મેકોજી. પતાજીની બેઠક બાલ્યાવસ્થાથી જ જ્યાં ઇસ્લામના ભાવોથી ભરેલી સુંદર બેતો
ને કાફીઓ ગાનારા દાયરા ભરાતા તેની વચ્ચે હતી, ને મેકોજી હિંદુ ધર્મની હવામાં ઊછર્યો
ને રંગાયો. ઘર છોડીને ક્યારે એ નીકળ્યો, ગુરુ ગાંગોજી કોણ હતા ને ક્યાં મળ્યા, તેનો
કોઈ પત્તો નથી. કચ્છ, પારકર અને ઠઠા તેમ જ થર નામે ઓળખાતા પ્રદેશોની ઇષ્ટદેવી ગણાતી
આશાપરાનો પંજો એને મળ્યો હતો એટલું જ એનાં ભજનોમાંથી તારવી શકાય છે. હિંગળાજનો મઠ કચ્છ
ને સિંધ વચ્ચે આવ્યો છે. એ દેવીને આજે પૂજા બેની જ ચડે છે : એક કાપડી પંથના સાધુઓની,
ને બીજી કુંવારકાની. હિંગળાજને પહેલા થાપા મેકાજી નામના બાળ-જોગીએ ચોડ્યા કહેવાય છે.
એક દિવસ ગિરનારના કબજેદાર
ગણાતા જોગીસમૂહમાં જાણ થઈ કે આપણા પહાડની છાયાભોમમાં, સરભંગ ઋષિનો જે ઠેકાણે આશ્રમ
હોવાનું કહેવાય છે, એ જ ઠેકાણે એક અજાણ્યા જુવાને ધૂણો ચેતાવ્યો છે. નથી એ કોઈ મંદિરમાં
જતો, નથી એ એકેય દેવની મૂર્તિ રાખતો, નથી કોઈ ધર્મક્રિયા કરતો. એવો બેમાથાળો કોણ છે?
ધૂણો નાખ્યો ધરાર આંબલિયું મોઝાર ;
તરસૂળ ત્રણ પાંખાળ
ખોડે ડાડો મેકરણ.
દત્ત ગરનારીની જમાતે
પોતાના ગરાસ જેવી ગણેલી આ ગરવા ફરતી પૃથ્વીમાં રજા સિવાય એ કોણ દાખલ થયો છે? ગુરુ દત્તની
પાસે ફરિયાદ થઈ.
ગામડે ગામડે આ દત્તાત્રેયનો
ધોકો ફરતો. એ ધોકાની નિશાની ન ધરાવનારી ઝોળીમાં કોઈ ભિક્ષા નાખતું નહોતું. દત્તની સ્થાપેલી
શિસ્ત સડી અને કડક હતી. દત્તે પોતાની જમાત માટે કપરી તાવણ ઠરાવી હતી. દત્તના ચેલાઓ
દિગમ્બરો રહેતા, તપોધનો હતા, ગુફાવાસીઓ હતા. ચલમ અને સાફી એ આ જમાતના સંગઠનનું પ્રતીક
હતું. ન્યારા ન્યારા પંથ ચલાવનારાઓને દત્ત ડારતા હતા. ભેખની ભવ્યતા ગુરુ દત્તે સાધી
છે તેટલી કો વિરલાએ જ સાધી હશે.
એવા દત્તના ધોકાને પોતાના
ધૂણા પર રોકી રાખનાર આ જુવાન કોણ હતો?
દત્તની ચાખડીઓએ ગિરનારના
પથ્થરો ગુંજાવ્યા. દત્ત નીચે ઊતર્યા ને ત્યાં ગયા, જ્યાં ગિરનારથી આઠેક ગાઉ પરની પુરાણપુરાણી
જગ્યાનો ઉજ્જડ વેરાન ટીંબો નવેસર ચેતાવતો મેકણ નામનો જુવાન બેઠો હતો.
દત્તે મિલન-બોલ પુકાર્યો
:
સત સરભંગ!
લાહીમાંસકા એક
રંગ!
જવાબ જડ્યો : ‘‘જી નામ!’’
આ જવાબમાં અજાણ્યો શબ્દ
સાંભળીને ગુરુ દત્ત નવાઈ પામ્યા. એણે પ્રશ્ન કર્યો :
દત્ત પૂછે ડીગંબરા, તું જોગી કે જડાધાર?
કળાસંપૂરણ કાપડી,
તારો આગે કુણ અવતાર?
‘‘તું કોણ છો, હે દિગમ્બર?
તું આટલો તેજસ્વી ક્યાંથી? તારાં આ રૂપ ક્યાંનાં? તું યોગી છે? કે સાક્ષાત્ શંકર છે?
તારો પૂર્વાવતાર કયો?’’
જવાબમાં એ નવહો જુવાન
આટલું જ બોલ્યો :
દાતા મેરે દતાતરી! મેકો મંગણહાર.
‘‘હે ગિરનારી! હું મેકો
તો તારી પાસે માગણહાર બનીને આવ્યો છું. ને હું બીજો કોઈ નથી :''
મેં સંગાથી રામ કા, ઓરન કા કુલ નાંઈ ;
ખટ દરસનમાં ફરન્તાં
દરસન મળિયાં આંઈ.
‘‘હે ગુરુ, છ દર્શનોનું
ભણતર ભણ્યો છું. તે પછી જ તમારાં ગેબી દર્શન જડ્યાં છે.’’
‘‘શું માગે છે તું?’’
‘‘સાચો જીવન-પંથ. સાચો
ધર્મ.’’
‘‘માગતા પહેલાં શી શી
તૈયારીઓ કરી છે, જુવાન?’’
‘‘ગિરનારને બાર વર્ષ
પરકમ્મા દીધી છે. બાર વર્ષ કંદમૂળ જમીને ઝરણાંનાં પાણી પીધાં છે. તમારા કાયદાનું પાલન
કરી ચૂક્યો છું.’’
‘‘ચોર બનીને કેમ આવ્યો?’’
‘‘શાહુકાર બનીને આવ્યો
હોત તો તમારી પાસે પહોંચવાય દેત કે તમારા ચેલા?’’
‘‘કઈ ધરતીનો બેટો છે
તું?’’
‘‘કચ્છ-ધરાનો.’’
‘‘જા ત્યારે, જન્મ દીધો
છે જે ધરતીએ, એને જ ચરણે ચાકરી ધરી દે. તેનાં ભૂખ્યાંની ભાળ લે. ત્યાં જઈ ધૂણો ચેતાવ.
સકળ ધર્મનો સાર એ એક જ ધર્મ છે. બીજી બધી સાંપ્રદાયિક ઇન્દ્રજાળ છે.’’
‘‘આદેશ આપો. નિશાની આપો.
જગતને ધૂતનારા ફરે છે તેની વચ્ચે મને કોણ ઓળખાવશે?’’
‘‘ઓળખાવશે તો તારી કરણી
જ એકલી. પણ, લે આ બે તુંબડાં. ખંભે કાવડ ઉપાડ, ને દેહ તૂટી ન પડે ત્યાં સુધી ફેરવ.’’
કાવડનું સેવાચિહ્ ન આ
પ્રમાણે સૌ પહેલું મેકરણને સોંપાયું. સોંપ્યું ગુરુ દત્તાત્રેયે.
3
બે પશુઓ
ડું ગરા જ્યાં થંભી
જાય છે ત્યાંથી કચ્છ-સિંઘ વચ્ચેનું કારમું રણ ધરતીનો કબજો લ્યે છે. એને ખાવડાવાળું
રણ કહે છે. એ રણે ઊંટોની વણજાર ગાયબ કરી છે. પોઠ્યો ને પોઠ્યો એ રણના પેટમાં સમાઈ ગઈ
છે. જીવતાં માનવીઓને એ વેરાને પોતાના જઠરમાં ઉતાર્યાં છે. તાપ, વંટોળિયા અને ઝાંઝવાં
એ રણમાં કાળનૃત્ય કરે છે. પવન વાય છે, અને મોટા અસુરો-શા વંટોળ એ રણની છાતીમાંથી હૂહૂકાર
કરતા ઊઠે છે, ગાઉઓના ગાઉ ત્યાં નિર્જળા ને ખારા પડ્યા છે. ઠઠા, થર, સિંધ અને પારકર
જવાનો ધોરીમારગ એ રણને ફોસલાવતો, પટાવતો ચાલ્યો જાયછે.
‘મારું થાનક આંહીં જ
હોય’ એવું વિચારીને મેકરણે ત્યાં એક જગ્યા ગોતી. વસેલી દુનિયાનું છેલ્લું ગામ ધ્રંગ-લોડાઈ.
ત્યાં મેકરણે ઝૂંપડી વાળી અને ધૂણો ચેતાવ્યો.
પરોઢ થાય છે ને હમેશ
એ ઝૂંપડીએ કોઈ પોચો પગરવ સંભળાય છે.
‘‘લાલારામ! મોતીરામ!
વેળા થઈ ગઈ કે?’’ એમ જવાબ દેતો જોગી મેકરણ ઝૂંપડીનું બારણું ઉઘાડે છે.
ઝૂંપડીને આંગણે ઊભનારા
એ લાલારામ ને મોતીરામ મનુષ્યો નહોતા. મનુષ્યોથી કંઈક વિશેષ હતા – એક ગધેડો ને એક કૂતરો
હતા.
મેકરણ સાધુ એ ગધેડાને
માથે છાલકું મૂકતા અને છાલકાનાં બેઉ ખાનાંમાં અક્કેક પાણી ભરેલ માટલું ગોઠવતાં ગોઠવતાં
એ ગધેડા લાલારામના ગુણ ગાતા :
લાખિયો મુંજો લખણે જેડો હુંદો ભાયા જેડો ભા!
બ કાં ચા લખ ધોરે
ફગાયાં લાલિયા, તોજી પૂછડી મથા.
‘‘લાલિયા, મારા ભાઈ જેવા
ભાઈ! લખવા જેવું તો તારું ચરિત્ર છે. અરે લાલિયા, તારી તો એક પૂંછડી માથે પણ હું બે-ચાર
લાખ માનવીને ઘોળ્યાં કરી ફેંકી દઉં ; તુચ્છ ગણું. તારા જેવા ગુણો મને કયા માનવીમાં
જડશે?’’
‘‘અરે મોતિયા!’’ સાધુ
પોતાના પડખામાં પેસીને હાથ ચાટનારા કૂતરાને કહેતા : ‘‘તને હું ભૂલી ગયો છું એમ તેં
માન્યું? લે, આ તારા નામની સાખી :
મોતિયો કુતો પ્રેમજો ને ડેરી વીંધી હીરજી,
જીયાં મન પોંચે
ઈંયાં લે જાય.
‘‘જાવ ભાઈ! મારા સાચા
બે ટેલવાઓ! ઊપડો હવે.’’
ગધેડો ને કૂતરો રણની
દિશામાં ચાલી નીકળતા. ગધેડા પર લદાયેલ બન્ને માટલાં ઉપર એક પાણીનું ડબલું મૂકવામાં
આવતું અને પાછળથી મેકરણ સાધુ સાદ કરતા :
‘‘મોતિયા, જોજે હો, જે
કોઈ જળ પીવે, તે ઊંચેથી પીવે. ડબલું મોઢે ન માંડે હો! હિંદુ, મુસલમીન કે ઢેડભંગી, કોઈ
કોઈનો જીવ ન દૂભવાય.’’
લોકો કહેતા કે બાવો ચક્કર
છે. પણ લાલિયો ને મોતિયો મેકરણના મનની વાત પામી જતા. વાણીના ભેદ જનાવરોને સુગમ છે.
જનાવરો હૈયાના બોલ ઝીલે છે. ધીકતા સૂરજની હેઠળ એ રણના ઊંડાણમાં મુસાફરોને આ બે પ્રાણીઓ
મળી જતાં. ડબલું ભરીને મુસાફરો પાણી પીતાં. ડબલું કોઈ મોઢે માંડતું તો મોતિયો કૂતરો
એનું કપડું ખેંચીને સાન કરતો કે ગુરુએ બોટવાની ના પાડી છે!
ચારપગું આ પાણી-પરબ ચારે
પહોર રણમાં ભમતું. ઝાંઝવાંની માયાવી નદીઓમાં પાણી માટે ફાંફાં મારતા એકલદોકલ વટેમાર્ગુની
પણ મોતિયાને ગંધ આવતી. મોતિયો ‘ડાઉ ડાઉ’ના લાંબા અવાજ કરતો ; લાલિયો મોતિયાની પછવાડે
પછવાડે પગલાં માંડતો. અનેક માર્ગભૂલ્યાંના કંઠે આવેલા પ્રાણ લાલિયા-મોતિયાની વહાર વડે
પાછા વળતા.
પાણી ખૂટતું ત્યારે બેઉ
પશુ પાછાં વળતાં. ઝૂંપડીએ ઊભેલો જોગી એ બેઉને લાડ કરવા તૈયાર હતો. રણકાંઠાનાં ને પહાડગાળાનાં
ગામડાંમાંથી કાવડ ફેરવીને ભીખી આણેલા રોટીના ટુકડામાંથી પહેલા બે ભાગ આ લાલિયા-મોતિયાના
જ નીકળતા.
દિવસોના દિવસ મેકરણે
ખારાં રણ ખૂંદ્યાં હશે. પાણીની મટકી માથા પર ઉઠાવી ઉઠાવીને ફેરવી હશે. તે પછી જ આ બે
પશુઓ પાળ્યાં હશે ને બેઉને રણના કેડા-કેડીઓમાં પલોટ્યાં હશે.
રાહદારી રસ્તાને કાંઠે
ઊભેલું મેકરણનું થાનક દિનપ્રતિદિન જાણીતું થયું. રણમાં મેકરણે સરાઈ વસાવી દીધી. મુસાફરખાનું
બાંધ્યું મેકરણે. જાતલ અને આવતલ મુસાફરોની ત્યાં ઠઠ લાગતી ગઈ, તેમ તેમ મેકરણનાં ખભાં
કાવડ ફેરવી ફેરવીને ફાટવા લાગ્યાં. વધુ વધુ ગામ માગવાની ફરજ પડી. રોટીની એણે કદી કોઈને
ના ન કહી. રોટી આપવાની એને કચ્છીઓએ પણ ના ન પાડી.
4
રા’ દેશળનો મેળાપ
કચ્છના કોઈ એક ગામડામાં
ભળકડે ઘંટી ફેરવતું કોઈ ગાતું હતું :
જામાણો જો જૂડિયો બાવા!
એવો ધ્રંગ જો
અખાડો જી મેં બાવા!
મેકરણ તું મુંજો
ભા.
તોજી ગાલ જો મુંકે
સચો સા,
મેકરણ તું મુંજો
ભા.
તું મારો ભાઈ છે ઓ મેકરણ,
તારી વાતોમાં મને સાચો સ્વાદ આવે છે, ઓ ભાઈ મેકરણ!
કોઈક મીઠા આર્દ્ર સ્વરે
ગાતું હતું :
પંજસો જો પટકો તોંજે
લાય ડનું દેસલ
રા’,
મેકરણ તું મુંજો
ભા!
તને પાંચસો રૂપિયાનું
કપડું લાવીને કચ્છના રા’ દેશળે દીધું, ઓ ભાઈ મેકરણ!
મેકરણ વજાયતે મોરલી
કાપડી હુવો કોડ
મંજા.— મેકરણ .
સત ભાંતીલી સુખડી
ભેંણજે ઘરે તું
ભોજન ખા.— મેકરણ .
ઓ ભાઈ, સાત જાતની સુખડી
તારે સારુ બનાવી છે મેં. બહેનને ઘેર એક દિવસ જમવા તો આવ.
હીમા ચારણ્ય વીનવું
પોયરો મુંજો પલે
પા!
મેકરણ તું મુંજો
ભા!
હું હીમા ચારણી વીનવું
છું, મારી મજૂરીનો સ્વીકાર કર, ઓ મારા ભાઈ મેકરણ!
કોઈ કહે છે હીમા ચારણી
: ને બીજો બોલે છે આયરોની દીકરી લીરબાઈનું નામ. મેકરણ કાપડીએ એને રણમાં મરતી બચાવી
હતી? કે માત્ર ભક્તિથી આકર્ષી હતી? તાગ મળતો નથી. પણ એક કોઈ જુવાન બાઈનું નામ મેકરણની
સાથે જોડવામાં આવે છે. સગાંવહાલાંઓએ રંજાડેલી એ કન્યા ધ્રંગ-લોડાઈના થાનકમાં આવીને
સમાઈ ગઈ હતી. આયરોએ મેકરણને મારવાના એક કરતાં વધુ પ્રયત્નો કર્યા હતા. તેના જવાબમાં
મેકરણે સાખી ગાઈ હતી કે :
સકરકે ન સંજણે ધુરકે વખાણે ;
મોબત જ્યું મઠાયું
વચાડા કુણબી કો જાણે!
સાકરને ન ઓળખનારા અક્કલહીનો
ગોળને વખાણે છે. પણ કણબીઓ (ખેડૂતો) બિચારા સાકરની મીઠાઈઓને શું જાણે?
સંગત જેં જી સુફલી જન મેં રામ નાય રાજી
જેં જેં પૂછડે
પ્યા પાજી તેંજી બગડી વઈ બાજી.
બૂરી સંગત જેઓ કરે છે,
તેમાં રામ રાજી નથી. જેમને પૂંછડે પાજી લોકો પડ્યા છે તેમની બાજી બગડી ગઈ છે.
એક દિવસ કચ્છના રાજા
રા’ દેશળજી શિકારે નીકળ્યા છે. સાથે બીજા સાથીઓ પણ છે. સાંજ પડી ગઈ છે.
‘‘ઓલ્યાં બે જાનવર કોણ
હાલ્યાં જાય છે ડુંગરામાં?’’ રા’ દેશળે ચકિત બનીને પૂછ્યું.
‘‘એક ગધેડો ને એક કૂતરો
છે.’’ સાથીઓએ સમજ પાડી.
‘‘આ પહાડોમાં ગધેડો ને
કુત્તો!’’ રા’ને નવાઈ લાગી. આંહીં તો ચિત્તાઓનો વાસ છે. આંહીં મારા એ શિકારનાં જાનવર
ગધેડા-કૂતરાને જીવતા જ કેમ રહેવા દ્યે?’’
‘‘નધણિયાતાં નથી, બાપુ!
એનો ધણી જબર છે.’’
‘‘કોણ?’’
‘‘એક જોગી છે. નામ મેકરણ.
એનાં પાળેલાં છે બેઉ.’’
‘‘રેઢાં રખડે છે?’’
‘‘ના ભૂજની ખેપે જઈને
આવે છે.’’
‘‘ભૂજ જઈને? રેઢાં? શા
માટે?’’
‘‘બાવો મેકરણ એને અનાજ
લેવા મોકલે છે. કૂતરાની ડોકે બાવો ચિઠ્ઠી બાંધે છે. ગધાને લઈને કુત્તો ભૂજના શેઠિયાઓ
કને જાય છે. ચિઠ્ઠી પ્રમાણે અનાજ લુવાણાઓ ગધાની પીઠે લાદી આપે છે. ગધાની રક્ષા કુત્તો
કરતો હોય છે. એની ગંધમાત્રથી પણ આપણા પહાડી ચીતરા ભાગી નીકળે છે.’’
‘‘આ દાણાદૂણીનું બાવો
શું કરે છે.?’’
‘‘રણને કાંઠે ભૂખ્યાંદુખ્યાંને
રોટલા ખવરાવે છે.’’
‘‘ચાલો, જોઈએ તો ખરા
એનું મુકામ.’’
ગધો અને કુત્તો ચાલ્યા
જતા તેને ધ્યાનમાં રાખીને પહાડની ગાળીની અંદર રા’ દેશળે ઘોડાં હાંક્યાં.
થાનકની ઝૂંપડીએ ગધેડાનાં
છાલકાં ઉતારતા ઉતારતા મેકરણ તાવમાં ધ્રૂજતા હતા. એનું ઉઘાડું શરીર રણના શિયાળુ પવનઝપાટાની
સામે મહામુસીબતે ટક્કર લેતું હતું. દિવસ આથમી ગયો હતો. ડુંગરા વચ્ચે અંધારું હતું.
મેકરણ એ બેઉ પ્રાણીઓને કહેતા હતા :
‘‘ઠક્કર શેઠિયાઓએ પૂરું
અનાજ ન આપ્યું કે, લાલિયા? કાંઈ ફિકર નહીં, આવતે અવતાર એની વાત છે. ગધાડાંને માથે મરણતોલ
ભાર ભરીને પોતાનાં જાનવરોના નિસાપા લેનાર લુવાણાઓને હું બરાબર પોગીશ.
ઘાઘલ થીંદા ગડોડા, આં થીંદોસ ઘુવાર ;
ભાડા કીંધોસ ભુજ્જા
દીંધોસ ધોકેજા માર.
‘‘લોહાણા (ઘાઘલ) બધા
ગધેડા જન્મશે, ને હું એનો ગોવાળ બનીશ. પછી ભૂજનાં ભાડાં કરતો કરતો એને ધોકાના માર મારીશ.
કૂડિયું કાપડિયું કે’ લુવાણા ડીદા લાઉં ;
મેકણ ચે, ભેરિયું
કયું હલે હકડા ગડોડા ને બ્યું ગાઉં.
‘‘કાપડીને અને લુવાણાને
તે શે બને? ગધેડાં અને ગાયો ભેગાં કેમ હાલી શકે?’’
‘‘કાંઈ ફિકર નહીં, બેટા
લાલિયા મોતિયા! હવે કેટલીક આવરદા કાઢવી રહી છે? આજનો દિન તો ગુજરી ગયો!
આજ અજૂણી ગુજરઈ સિભુ થીંધો બ્યો ;
રાય ઝલીંધી કિતરો,
જેમેં માપ પેઓ!
‘‘આજનો દિન વીતી ગયો.
કાલ સવારે બીજો ઊગશે. જે અનાજના ઢગલામાં માપ પડ્યું છે, પાલી અથવા માણું ભરાઈ ભરાઈને
ઠલવાવા લાગેલ છે, તેને ખૂટી જતાં કેટલીક વાર! વળી હું તે શા માટે કડવા શબ્દો બોલું
છું!
જીઓ તાં ઝેર મ થિયો, સક્કર થિયો સેણ ;
મરી વેંધા માડુઆ,
રોંધા ભલેજા વેણ.
‘‘હે સ્નેહીજનો! જીવતાં
સુધી ઝેર ન બનજો, સાકર બનજો. હે માનવીઓ, આપણે તો મરી જવાનાં. રહેવાનાં છે ફક્ત સજ્જનોનાં
વેણ.’’
ટાઢિયા તાવમાં થરથરતા
મેકરણ પોતાના ધૂણા માથે બેઠા હતા ત્યારે રા’ દેશળજી ઓચિંતા આવીને ઊભા રહ્યા.
‘‘જી નામ!’’ જોગીએ અતિથિને
આવકાર આપ્યો, પણ આસન ન છોડ્યું.
માણસોએ કહ્યું : ‘‘ડાડા!
રાવ દેશળજી છે.’’
‘‘પંડ્યે જ રા’ દેશળજી!
બેસો કચ્છ-ધરાના ધણી!’’
રાવના દેહ ઉપર ઝળહળતો
રાજપોશાક મેકરણને આથી વધુ કાંઈ અસર ન કરી શક્યો.
રાવે આસપાસ જોયું. ઠંડા
પવનનાં કરવતો વહેતાં હતાં. તે વચ્ચે કાપડી ખુલ્લે શરીરે થરથરતો તાવેભર્યો રહેતો હતો.
‘‘ટાઢ નથી વાતી?’’ એણે
મેકરણને પૂછ્યું.
‘‘વાય તો ખરી જ ને. પણ
કાયા એનો ધરમ બજાવે છે.’’
‘‘આ લિયો.’’ કહીને રા’
દેશળે પોતાના શરીર પરથી સાચી જરીભરેલ શાલ ઉઠાવીને જોગીના શરીર પર ઓઢાડી દીધી.
જોગીએ હળવા હાથે શાલ
ખેંચી લઈને સામે સળગતા ધૂણામાં ધરી દીધી.
‘‘કેમ કેમ?’’ રા’ને નવાઈ
થઈ.
જોગીએ કહ્યું : ‘‘રા’
દેશળ, જેમ તારો એ મહામૂલો પટોળો તેમ મારો આ ધૂણો એ છે મારો પટારો : આવી મહામૂલી પાંભરીને
હું મારા પટારામાં સાચવીને મૂકી દઉં છું, કોઈ ચોર ચોરી ન શકે, કોઈ દી પાંભરી જૂની ન
થાય, કે ફાટી ન જાય.’’
‘‘પણ મેં તો પટોળો ઉમંગથી
આપ્યો’તો.’’
‘‘સાચું સાચું, બાપ રા’
દેશળ. પણ—
કીં ડનો કીં ડિંધા, હિન પટન મથે પેર ;
મરી વેંધા માડુઆ,
રોંધા ભલેંજા વેણ.
આ જગતમાં શું દીધું,
ને શું દેશું આપણે? ઓ માનવી! મરી જશું ત્યારે રહેવાનું છે એક જ વાનું. ભલા મર્દોનાં
વેણ રહી જાશે. બીજું તમામ ખાક બની જશે.’’
‘‘ડાડા, કાંઈક માગો.
તમે કહો તો રાજમાંથી કોરિયું મોકલું.’’ મેકરણે જવાબ વાળ્યો :
કોરિયું કોરિયું કુરો કર્યો કોરિયેં મેં આય કૂડ ;
મરી વેંધા માડુઆ!
મોંમેં પેધી ધૂડ.
‘‘કોરિયું કોરિયું શું
કરો છો, ભાઈ, કોરિયુંમાં તો કૂડ ભરેલ છે. હે માનવી, મરી જશું ત્યારે તો મોંમાં ધૂળ
જ પડવાની છે.
‘‘અને, હે રા’!
કૈંક વેઆ કૈં વેધા, કુલા કર્યોતા કેર
માડુએ ધરાં મેકણ
ચે, મું સુઝા ડિઠા સેર.
‘‘કંઈક ગયા, કંઈક ચાલ્યા
જશે. ઓ માનવી, શા માટે કેર કરે છે? મેકરણ કહે છે કે મેં તો શહેરોનાં શહેરો માનવી વગરનાં
સૂનાં બનેલાં દીઠાં છે.
હીકડા હલ્યા, બ્યા હલંધા, µ યા ભરે વિઠા ભાર ;
મેકણ ચેતો માડુઆ!
પાં પણ ઉની જી લાર.
‘‘રા’ દેશળ! એક તો ગયા,
બીજા જશે, ત્રીજા પોતાની ગઠડી બાંધીને જવાની તૈયારીમાં બેઠા છે. હે માનવી! મેકણ કહે
છે કે આપણે પણ એની જ હારોહાર હાલી નીકળવાનું છે.’’
‘‘મને કાંઈ જ્ઞાન દેશો?
કાંઈ ગેબી શબદ સંભળાવશો?’’
‘‘કોને સંભળાવું? અધિકારી
ક્યાં છે?
મોતી મંગીઓ ન ડિજે, (ભલે) કારો થીએ કેટ ;
જ્યાં લગ માલમી
ન મિલે ત્યાં લગ તાળો દ્યો હટ.
‘‘જ્ઞાન રૂપી મોતી, જેવાતેવા
અપાત્રની માગણીથી તેને આપવું નહીં. ભલે એ પડ્યું પડ્યું કટાઈ જાય. ખરેખરો ગ્રાહક મળે
ત્યારે તેની પાસે જ હૈયારૂપી હાટ ઉઘાડવું જોઈએ.
મોતી મંગેઆ ન ડિજે, મર તાં ચડે કિટ ;
ભેટે જડેં ગડજેં
પારખુ, તડેં ઉઘાડજે હટ.
‘‘ભલે કાટ ચડી જાય, પણ
સાચા પારખુ ન ભેટે ત્યાં સુધી માનવી! જીવનનાં જ્ઞાનરૂપી મોતી કોઈને આપીશ મા!’’
‘‘ત્યારે મારી કાંઈક
તો વિનંતી સ્વીકારો!’’
‘‘તું પાસે તો એક જ વાત
માગવી છે, રા’ દેશળ! કે આંહીં મારી જગ્યાની આસપાસ શિકાર ન ખેલવો.’’
તે દિવસથી ત્યાં આજ પણ
રાજ-શિકારનો પ્રતિબંધ ચાલ્યો આવે છે.
5
મેકરણ-વાણી
સી મમાં કોઈ સ્થળે ઊતરેલા
મેકરણ ભજન ગાતા હતા—
સાયરાં હુદાં સૂર
એ જી વાલીડાનાં
નેણુંમાં વરસે ઝીણાં નૂર
એ આવો! આવો તો
મળીએં જી.
મળતાની સાથે આપણ હળીમળી
રહીએં ને
કાઢીએં દલડાનાં
કૂડ.
એમાં સાયબોજી
મારો રાજી રિયે
ફાગણ ફૂલ્યો ઝીણે
ફૂલ.
એ આવો! આવો તો
મળીએં જી.
ખોટાબોલાનો આપણ સંગ ન કરીએં ને,
આદ અનાદનાં બોલે
કૂડ ;
એવાંની સંગત આપણે
કેદી ન કરીએં
(એની) આંખુમાં
નાખો ઝીણી ધ્રૂડ
એ આવો! આવો તો
મળીએં જી.
હરિજન હોય તેને ઝાઝેરી ખમ્મા
એનાં કેશરવરણાં
હોય નૂર ;
એની તો સંગતું
આપણ દોડી દોડી કરીએં ને
જમડાને ઈ તો રાખે
દૂર—
એ આવો! આવો તો મળીએં જી.
કાયા માયાનો તમે ગરવ ન કરજો
આંઈ તો રે’વાનું
છે કૂડ ;
મેકણ કાપડી એણી
વિધે બોલ્યા રે,
જાવું છે પાણીહંદે
પૂર—
એ આવો! આવો તો
મળીએં જી.
સંત મેકરણનો રાગ સૂરીલો
નહોતો, એ ગાતા ત્યારે બરાડા જેવું લાગતું. એક કુંભાર ત્યાં દોડ્યો આવ્યો. જોઈને પાછો
વળ્યો.
‘‘કેમ, ભાઈ!’’ મેકરણે
પૂછ્યું.
‘‘કાંઈ નહીં, ડાડા!’’
‘‘ના, ના, કહો તો ખરા.’’
‘‘ઈ તો મારો ગધેડો ખોવાણો’તો,
તે ગોત કરવા નીકળેલ છું, ડાડા!’’
મેકરણ સમજી ગયા. પોતાનો
સૂર ગધેડા જેવો છે! થોડી વાર દુઃખ પામ્યા. પણ પછી એકાએક મસ્તીમાં આવી જઈને પૂરી ખુમારીભરી
સાખી લલકારી :
ન જાણું રાગ ન રાગણી, ઈ તો રઢજાં રડાં ;
હકડો રીજાવું
નાથ કેબ્યાને પેદારસેં હણાં.
‘‘રાગ અને રાગિણીઓ હું
નથી જાણતો. ગાનાર તો ગાડર(ઘેટાં)ની જેમ આરડે છે. ભલે ભાંભરડા દેતા. મારે કાંઈ મનુષ્યોને
રીઝવવાં નથી. હું તો ફક્ત એક ઈશ્વરને રીઝવવા ચાહું છું. બીજાને તો હું જોડે જોડે મારું.
ને આ સૂરીલા ગાનારાઓ
કેવા છે?
ઝાંઝકૂટા અને પેટમૂઠા, ઝિંઝ્યું ડિયેંતા ધાંઉં ;
ઠાકર ચેતો ઈની
પોઓ મૂઠો અઈંયાં આઉં.
ઝાંઝ કૂટનારાઓ અને પેટભરાઓ
મોટા મોટા બરાડા પાડે છે. ઠાકોરજી તો કહે છે કે એવાઓની પાછળ હું જ મૂઓ પડ્યો છું.
કૂટ્યું કુટિયેં કુંજિયું, ડિયેં ઝાંઝેકે જોર
હિકડા ભૂખ્યા
ભતજા, બ્યા રનેંજા ચોર.
જોરથી ઝાંઝ બજાવનારા
અને મંજીરા વગાડનારા ખોટા છે. એમાંના કોઈક મીઠું મીઠું ખાવાના લાલચુ છે, ને કોઈક સ્ત્રીઓનાં
ચોર છે.
જે નર રામ ન ભુજિયા સે સરજ્યા ઢગા ;
ખેડી ખેડી આપો
ડઈ રિયા અખિયું કઢીતા કગા.
રામને જેઓએ નથી ભજ્યા,
તેઓ બળદનો અવતાર પામે છે. ખેતરો ખેડી ખેડીને જ્યારે મરણશરણ થાય, ત્યારે તેમની આંખો
કાગડા ઠોલતા હોય છે.
જે નર રામ ન ભુજિયા સે સરજ્યા ગધા ;
મીઠેજ્યું છાંટું
ખણીને સેરીએ સેરીએ ભગા.
રામને ન ભજનારાઓ ગધેડાનો
અવતાર પામે છે. પછી મીઠાંનાં છાલકાં ઉપાડી ઉપાડીને શેરીએ શેરીએ ભાગતા હોય છે.
જે નર રામ ન ભુજિયા, સે સરજ્યા કૂતા ;
ભૂખ ભડવે જેં
પેટ મેં સેરીએ સેરીએ સૂતા.
રામને ન ભજનારા કૂતરા
સરજ્યા. પછી એ નાલાયકો ભૂખ્યા પેટે શેરીઓમાં સૂતા હોય છે.
મંદિરોને, મૂર્તિપૂજાને,
કીર્તનકારોનાં કૂડને, બાહ્ય ક્રિયાકાંડને સોટા લગાડતા મેકરણનું જ્ઞાન અનેક ગૂઢાર્થો
ઉકેલતું અંતર્મુખ બનતું ગયું. પણ એનો સાચો પારખુ ન સાંપડ્યો. એણે પોકાર કર્યો કે—
ગૂઢારથ જ્યું ગાલિયું વધી વડ થઈયું,
તાણે કે ન પૂછિયું,
મું પણ ન ચઈયું.
જીવનનાં નિગૂઢાર્થોની
વાતો મારા હૃદયમાં વધી વધીને વડ જેવડી મોટી થઈ ગઈ. પણ ન કોઈએ મને એ સાચી સમસ્યાઓ પૂછી,
કે ન મેં કોઈને વગરપૂછ્યે કહી.
ગાલડિયું ગૂઢેરથ જ્યું, વધી વધી વડ થયું,
અંગે માડુએ ન
પૂછ્યું, દલજી દલને રિયું.
ગૂઢાર્થોની વાતો મારા
હૃદયમાં વધી વધીને મોટા વડ જેવડી બની ગઈ, પણ મને કોઈ સારા માણસે એ ન પૂછી. એટલે એ દિલની
વાતો દિલમાં જ રહી ગઈ.
અને મને પૂછવા આવનારા
કોણ હતા? મારી પાસેથી કોઈ વરદાન લેવા આવ્યા, કોઈ સંસારી લાભ લૂંટવા આવ્યા.
વડા ધણીજી વિનતિયું જાગી કોન કિયું ;
વણ કમાણીએ મોજું
માગે, (ભડવે કે) લાજુ કો ન થિયું!
મહાન ધણી ઈશ્વરને માગણીઓ
જાગીને કોણે કરી! તો કોઈએ પૂરી કમાણી કર્યા વગર ઇનામો માગ્યાં. નાલાયકોને શરમ પણ ન
આવી.
એ ગૂઢાર્થોનું જ્ઞાન
મેકરણે ક્યાં જઈને મેળવ્યું?
જાં વિંઝાં જીરાણ મેં, તે ભાવરે માથે ભાર ;
ખિલી કેં ન ખીંકારેઓ
કેં ન કેઓ સતકાર.
હું કબ્રસ્તાનમાં ગયો
ત્યાં તો મારા ભાઈઓ (માટીના) ભાર તળે ચંપાયેલા હતા. મને કોઈએ હસીને બોલાવ્યો નહીં,
કોઈએ મારો સત્કાર કર્યો નહીં.
જાં વિંઝાં જીરાણ મેં, કરિયાં સેણે કે સડ ;
મિટ્ટી ભેરા વ્યા
મિલી હુંકારો ડિયે ન હડ.
હું સ્મશાનમાં ગયો. સ્વજનોને
મેં સાદ પાડ્યા. પણ એ તો માટીમાં મળી માટી બની ગયા છે. એમનું હાડકું પણ હોંકારો આપે
તેમ નહોતું.
જાં વિંઝાં જીરાણ મેં, ત કોરો ઘડો મસાણ,
જડેં તડેં માડુઆ!
ઈં પલ થિંદી પાણ.
હું સ્મશાનમાં ગયો. ત્યાં
કોરો ઘડો ચિતા પર પડ્યો હતો. અરે માનવો, જતે દિવસ આપણી પણ એ જ પળ આવી પહોંચશે.
ઊ ભુંગા ઊ ભેણિયું, ઊ ભિતેં રંગ પેઆ ;
મેકણ ચેતો માડુ
આ! રંગીધલ વેઆ.
આ એ જ ઝૂંપડાં છે. એ
જ જગ્યાઓ છે. ભીંતો પરના એ જ રંગ કાયમ છે. પરંતુ મેકણ કહે છે કે અરે લોકો, એને રંગનારા
ચાલ્યા ગયા.
કુરો કરિયાં, કિત વિંઝાં, કે’ કે કરિયાં સડ!
જમ જોરાણું થૈ
મુંકે, આડી ડઈ વ્યો અડ.
હું શું કરું? ક્યાં
જાઉં? કોને સાદ કરું? આ જમ જુલમી થયો અને મારી આડે પડદો નાખી ગયો.
કોણ તર્યું? કોણ ખાટી
ગયું? આ અસારતામાંથી કોણ ઊગર્યું? મેકણ કહી ગયા :
ખારાઈંધલ ખટેઆ ; મેડીધલ મુઠા :
સરઘાપુરજી સેરીએ,
મું ડીંઘલ ડિઠા.
ખાટી ગયા તો ખવરાવનારા
; ધનને એકઠું કરનારાને તો સાથે માત્ર મૂઠો જ આવ્યો. સ્વર્ગભુવનની શેરીએ તો દાતાજનોને
જ દીઠા છે.
અને બીજા કોણ તરી ગયા?
જિની જુવાણી જારવઈ મોડે રખેઓ મન,
સરઘાપુરજી સેરીએ
કલ્લોલું તા કન.
જેમણે જુવાની જાળવી,
અને મનને દાબીને જેમણે અંકુશમાં રાખ્યું, તેઓ જ સ્વર્ગપુરની શેરીએ કલ્લોલ કરી રહ્યા
છે.
6
સમાધ
મેકણ બાવાએ બેઉ રંગો
જીવનમાં જાળવી જાણ્યા. જડ્યું તેટલું લોકોને દીધું, અને જુવાનીની વિશુદ્ધિ જાળવી. પછી
એણે સંસારલીલાનો સંકેલો કર્યો. સંવત 1786ના આસો વદ 14ના રોજ દિવાળીના
આગલા પ્રભાતે ધ્રંગ-લોડાઈના સ્થાનકમાં એણે
સમાઈ જવા માટે સમાધ ગળાવી.
દસ જણા એની જોડે સમાધ
લેવા તૈયાર થયા. અગિયારમો એક ઢેડ હતો. એનું નામ ગરવો.
બીજા શિષ્યો સુગાયા.
જગતે તિરસ્કાર કર્યો. અધમ ઢેડને પણ સાથે સમાધ?
ત્યારે મેકણે જગતને જવાબ
દીધો :
કેં કે વલિયું કોરિયું ; કેં કે વલા વેઢ ;
વલે કના વલા,
મુંકે ઢાઢી બેઆ ઢેઢ.
‘‘ઓ ભાઈઓ! કોઈને કોરીઓ
(દ્રવ્ય) વહાલી, તો કોઈને વેઢવીંટીના દાગીના વહાલા. મને તો સૌથી વધુ વહાલા એ ઢાઢીઓ
ને ઢેડો છે, કે જેમને જગતે અધમ વર્ણ ગણી અળગા કર્યા છે.
‘‘અને શો વાંધો છે એમાં?
પીપર મેં પણ પાણ નાય બાવર મેં બ્યો ;
નિયમેં ઊ નારાણ
પોય કંઢેમેં કયો?
‘‘પીપળામાં પણ પોતે જ
(ઈશ્વર) છે, અને બાવળમાં પણ બીજો નથી. લીમડામાં પણ એ જ નારાયણ છે, ત્યારે ખીજડામાં
વળી બીજો કયો હોય?
‘‘વળી, અંતકાળે હું મારાં
વહાલાં સ્વજનો સિવાય બીજાં કેને પાસે રાખું?
વિઠે જિનીં વટ સે સો ઘટે શરીર જો,
મોંઘા ડઈને મટ,
પરિયન રખજે પાસમેં.
‘‘જેમની પાસે બેસવા માત્રથી
શરીરનું દુઃખ ઓછું થઈ જાય, એવાં પ્રિયજનોને તો મોંઘાં મૂલ દઈને પણ પડખામાં જ રાખવા
જોઈએ.
‘‘માટે, ભાઈ લાલિયા,
ભાઈ મોતિયા, તમે બેઉ પણ ભેગા જ ચાલો. તમને હું અળગા કેમ પાડું? મારા સાચા ટેલવા તો
તમે જાનવરો છો. મોતિયા-લાલિયાની પણ સમાધ ગાળી રાખો, ભાઈ!’’
એમ મેકણે મૃત્યુમાં પણ
જગતનાં ભ્રષ્ટોનો સાથ સ્વીકાર્યો.
સમાધો તૈયાર હતી. ઉત્સવ
ઊજવાઈ ચૂક્યા. સમાધમાં બેસવાનું ટાણું થયું. તે વખતે ઢેડ ગરવો બહારગામથી આવ્યો.
‘‘ગરવા, ભાઈ, ચાલો.’’
ગરવાએ વિનંતી કરી :
‘‘બાપુ, આંઉ છોકરેકે
કૂછિયાં?’’ (હું મારા છોકરાઓની રજા લઈ આવું?)
‘‘ભાઈ, મોડું થઈ જશે.’’
‘‘હમણાં જ પાછો વળીશ.’’
‘‘ભલે ભાઈ, જઈ આવ.’’
પૂરી વાર વાટ જોયા પછી
પણ ગરવો ન આવ્યો. વેળા થઈ ચૂકી. ચોઘડિયું ચાલ્યું જતું હતું. મેકણે કહ્યું, ‘‘ભાઈઓ,
ગરવો તો ન આવ્યો :
ગરવે ગોદડ ખણિયાં ઉગમતે પરભાત ;
ગરવા બચારા ક્યા
કરે! માથે ઢેઢનકી જાત.
‘‘એમાં ગરવાનો બાપડાનો
વાંક નથી. જાતનો સંસ્કાર નડ્યો એને. ચાલો ભાઈઓ! જી નામ!’’
‘‘જી નામ!’’ પોકારીને
સર્વે સમાધમાં બેઠા, તે જ વખતે દોડતો દોડતો ગરવો આવી પહોંચ્યો ને બોલ્યો :
‘‘બાપુ, હણે અચાં?’’
(બાપુ, હવે આવું?)
‘‘હાણે અભા! અતે જ રે’જે.’’
(હવે તો ભાઈ, ત્યાં જ રહેજે.)
પછી તો અગિયાર જણા એક
પંક્તિમાં સમાયા, લાલિયો-મોતિયો મેકણની સામે સમાયા, ને ગરવા ઢેડે થોડે છેટે સમાધ લીધી.
આજે એ થાનકમાં અગિયાર
સમાધો દેવળની અંદર છે. લાલિયા, મોતિયાની સમાધોને સંસારી લોકોએ બહાર રાખી છે. ગરવાની
સમાધ પણ થોડે દૂર છે.
હિંદુ, મુસ્લિમ, હરિજનો,
સર્વના ત્યાં મેળા ભરાય છે.
1
એ જી જેસલ! ગળતી એ માઝમ રાત :
એ...જાડેજા હો,
ગળતી એ માઝમ રાત ;
લાલ રે લુંગીની
વાળેલ
કાળી રે કામળીની
ભીડેલ ગાતરી હો જી.
એ જી જેસલ! ખડગ ખતરીસો લીધો હાથ,
એ...જાડેજા હો!
ખડગ ખતરીસો લીધો હાથ ;
ખાતર દીધાં હો
હરિને ઓરડે રે જી.
એ જી જેસલ! તોળી રે ઘોડી ને તલવાર,
એ...જાડેજા હો,
તોળી રે ઘોડી ને તલવાર ;
ત્રીજી રે તોળાંદે
કેરી લોબડી હો જી.
એ જી જેસલ! તમે રે ચંપો ને અમે કેળ,
એ...જાડેજા હો,
તમે રે ચંપો ને અમે કેળ,
એકી એ ક્યારામાં
દોનું રોપિયાં હો જી.
એ જી જેસલ, તમે રે હીરો ને અમે લાલ,
એ...જાડેજા હો,
તમે રે હીરો ને અમે લાલ ;
એકી એ દોરામાં
દોનું પ્રોવિયાં હો જી.
એ જી જેસલ, તમે રે પાણી ને અમે પાળ,
એ...જાડેજા હો,
તમે રે પાણી ને અમે પાળ ;
એકી એ આરામાં
દોનું ઝીલતાં હો જી.
એ જી જેસલ, ગાયો રે તોળાંદે સતી નાર,
એ...જાડેજા હો,
ગાયો રે સતી તોળાંદે નાર ;
સતીએ ગાયો રે
હરિનો ઝૂલડો હો જી.
ગ ળતી એ માઝમ રાત :
મધરાત ગળતી હતી. ગગનના મધપૂડામાંથી ઘાટાં અંધારાં ગળતાં હતાં, અજવાળી બીજનું બાંકું
નેણ ઘડીભર બતાવીને સાંજ, કોઈક બીકણ છોકરી જેવી, ઝટપટ ભાગી ગઈ હતી. મધરાત ગળતી હતી.
એવા અંધાર-વીંટ્યા નેસડામાં
એક માટીના મકાનની પછીતે (પાછલી ભીંતે) એક આદમી ઊભો હતો. કમર પર લાલ લુંગી લપેટી હતી.
અંગ ઉપર કાળી કામળ ઓઢી હતી. અંધારા જોડે એકરસ બનતો એ લેબાસ હતો. કાળી માઝમ રાતનો એ
કસબી હતો. અંદર અને બહાર, બધેય કાળાશ ધારણ કરીને માનવી કાળી રાતનો ગોઠિયો બન્યો હતો.
એના એક હાથમાં ઉઘાડું
ખડગ હતું. બીજા હાથમાં ગણેશિયો (ચોરી કરવાનું ઓજાર) હતો. ખડગનો ખપ હતો માનવીને મારવા
માટે ; ખતરીસાની જરૂર હતી દીવાલ ખોદવા માટે.
ખતરીસો કામે લાગ્યો.
મકાનની દીવાલ ખોતરાવા લાગી. ધીરે ધીરે માટી ઝરવા લાગી. ધીરે ધીરે— કોઈને કાને ન પડે
એવો એ ખોતરકામનો અવાજ હતો.
થોડી વારે એ દીવાલની
અંદર બાકોરું પડ્યું, જીવતા શરીરને કરકોલીને કીડાએ જાણે ઘારું પાડ્યું, માનવીએ ખાતર
દીધું (બાકોરું પાડ્યું). કોને ઘેર? હરિને ઓરડે.
હરિની ઉપાસનાનું એ થાનક
હતું. હરિનાં ભજનિકો અંદર ભજન ગાતાં હતાં. ખડગધારી આદમીને કાને, એ બાકોરા વાટે ગાનના
સૂર રેડાયા. શબ્દ તો એ સમજતો નહોતો, સુરાવળનું એને ભાન નહોતું. પણ કોઈક ઝીણું મીઠું
ગળું ગવરાવતું હોય ને પચીસ-ત્રીસ સ્ત્રી-પુરુષ--કંઠો ઝીલતા હોય, એવું એને સમજાણું.
એણે મોં મલકાવ્યું, એ મલકાટ રાત સિવાય કોણ જોઈ શકે? એના ખતરીસાએ ખોતરકામ આગળ ચલાવ્યું.
એને ખબર નહોતી રહી, પણ ખતરીસો વચ્ચે વચ્ચે એ અંદરના આઘા ઓરડામાંથી ઊઠતા તાલ-સૂરોની
સાથે એકતાલ બનીને ખોદકામ કરતો હતો. ખતરીસો કેમ જાણે ધણીનું કામ કરવાને બદલે વધુ ધ્યાન
એ ભજનમાં દેતો હતો. ચોરને ચીડ ચડતી હતી. ખતરીસાના ટોચા તાલબંધી પડતા તે એને ગમતું નહોતું.
ખતરીસાને શું કાન હતા? ભજનના શબ્દો એ પકડતો હતો? કેમ કહેવાય? ભજનના શબદ તો આ હતા—
મારું મન મોહ્યું રે શૂરવીર સાધસેં હાં રે હાં,
જેને રુદિયે વસ્યા
લાલ ગુંસાઈ
મારા વીરા રે!
હાલો રે ભાવે
તમે હુઈ મળો રે
સાચે દિલે કરોને
ઓળખાણું
મારા વીરા રે!
તોળી કહે,
આંખુંના ઉજાગરા તમે કાં કરો?
નયણે નીરખી નીરખી
જુઓ!
મારા વીરા રે!
આંજણુંના આંજ્યા
રે ભૂલા કાં ભમો?
હાથમાં દીવો લઈ
કાં પડો કૂવે
મારા વીરા રે!
તોળી કહે,
કાલર ભૂમિમાં મત વાવીએં
અને ખાતર જોઈ
જોઈ પોંખીએ
મારા વીરા રે!
જોત્યુંને અજવાળે
દાન રૂડાં દીજીએં,
માણેક નમી નમી
લીજે
મારા વીરા રે!
તોળી કહે,
સ્વાંતી નક્ષત્રે મેહુલા વરસિયા
એની નીપજે લેજો
ગોતી
મારા વીરા રે!
વશિયલને અંગે
વખડાં નીપજે
છીપ-મુખ નીપજે
સાચાં મોતી
મારા વીરા રે!
તોળી કહે,
સાધુને ઘેર સતગુરુ પ્રોણલા
એની શી શી વગત્યું
કીજે?
અંગનાં ઓશીકાં,
દલનાં બેસણાં
પગ ધોઈ પાહોળ
લીજે
મારા વીરા રે!
તોળી કહે,
મનના માનેલા મુનિવર જો મળે
દલડાની ગુંજ્યું
કીજે ;
જાડેજાને ધરે તોરલ બોલિયાં,
લા’વ તો સવાયો
લીજે
મારા વીરા રે!
[અર્થ : મારું મન શૂરવીર સાધુઓ પર મોહ્યું છે : જેના રુદિયામાં
પ્રભુ વસ્યા હોય તેવા સાધુ ઉપર.
ઓ મારા વીરાઓ! આવો, ભાવથી
સૌ મળો, સાચાં દિલની ઓળખાણ કરો.
સત્યની શોધમાં તમે નકામા
ઉજાગરા— ઊંડા તત્ત્વાન્વેષણ— શા માટે કરો છો, ઓ ભાઈઓ? નયનથી નીરખી તો જુઓ! નેત્રોમાં
જ્ઞાનનું આંજણ આંજેલું છે તોય કાં માર્ગ ભૂલો? દીવો હાથમાં છે છતાં કાં અજ્ઞાનના કૂવામાં
ડૂબો?
ઓ બાંધવો! નબળી જમીનમાં
બીજ ન વાવતા. સુપાત્રો જોઈ-તપાસીને જ તેનો સત્કાર કરજો. ભક્તિની જ્યોતને અજવાળે જોઈ-સમજીને
દાન દેજો. અને માટીમાં વેરાયેલાં માણેકરૂપી માનવ-રત્નો નીચાં નમી નમીને વીણી લેજો.
સ્વાતિ નક્ષત્રમાં વરસેલા
વરસાદે બે વસ્તુઓ નિપજાવી : વશિયલ (વાસુકિ) સાપના મોંમાં પડીને એણે વિષ પેદા કર્યું,
છીપને મોંએ ટપકીને એણે મોતી મૂક્યાં : સજ્જનોની હૃદય-સીપલીમાં શિયળનાં મોતી સંચરાવ્યાં.
ઓ ભાઈઓ મારા! જુગતેથી
ગોતી લેજો. બધેય ભક્તિરસની એક જ સરખી નીપજ ન ગણી લેતા.
સાધુજનને ઘેરે સદ્ગુરુ
પરોણા બને ત્યારે એની શી શી સરભરા કરીએ, હે વીરાઓ? આ દેહનાં ઓશીકાં, દિલનાં આસન, અને
અતિથિના પગ ધોઈને તેનું ચરણામૃત-પાન.
ને ઓ ભાઈઓ! હૈયાની ગુપ્ત
વાતો (ગુંજ્યું) કોને કહેવાય? ખરેખરા મનમાન્યા ભક્તજન જડે તેને જ ; જેનેતેને નહીં.
જીવનના સવાયા લહાવ તો
એ રીતે જ લેવાય હે વીરાઓ! મારું મન તો શૂરવીર સાધુઓ પર જ મોહ્યું છે.]
ત્યાં ભજન પૂરું થયું
અને આંહીં ખાતર પૂરું દેવાઈ રહ્યું, આખું એક ઢોર સોંસરું નીકળી શકે એવડો મોટો કાપ માટીની
ભીંતમાં પડી રહ્યો. અને ખડગવાળો માનવી અંદર પ્રવેશ્યો. એ ઘોડહાર હતી. અંધારામાં હીરા
ઝગમગે એવી બે આંખો ચળકી. આંખોના અંગાર તાકી રહ્યા. એક જ પશુ : એક ઘોડી : એની લાદની
પણ મીઠી સોડમ વાઈ. એ તો કાઠીની ઘોડી : પરગંધીલું જાનવર : જાનવરને પરાયા નરની બૂરી ઘ્રાણ
આવી. ઘોડીએ ફરડકા નાખ્યા. એ જ ઘોડી—
એ જી જેસલ! તોળી રે ઘોડી ને તલવાર
એ...જાડેજા હો!
તોળી રે ઘોડી ને તલવાર,
ત્રીજી એ તોળાંદે
કેરી લોબડી હો જી!
ચોર જે ત્રણ વાનાંની
ચોરી કરવા આવ્યો હતો એ જ માંયલું આ એક રત્ન : પોતાનો ને એક કાઠિયાણીનો બોજ ઉપાડીને
ગામ ગામના સીમાડા લોપે તેવી અજાજૂડ ઘોડી! કામ પાકી ગયું. પ્રથમ તો એને છોડીને બહાર
કાઢી બાંધી દઉં.
ચોર નજીક ચાલ્યો. ઘોડીએ
ડાબલા પછાડ્યા. ઘોડી હીંહોટા ઉપર હીંહોટા મારવા મંડી.
આઘેરે ઓરડે, હરિને ઓરડે,
એક દીપક જલતો હતો. બીજદિન અને થાવરવાર (શનિવાર)ની રાતના પાટની અખંડ ઘીની જ્યોતની આસપાસ
કૂંડાળે બેઠેલાં ઉપાસકો એક ભજન પૂરું કરીને બીજા ભજનનો આદર કરવા પહેલાં વિરામ લેતાં
હતાં.
‘‘એલા, ઘોડી કેમ ફરડકા
નાખે છે? કોઈ એરુઝાંઝરું, જીવજંત તો નથી ના? જઈને જુવો ને!’’
ઓરડામાં કોઈક બોલ્યું.
એક આદમી ઊઠ્યો. ચોરે જાણ્યું કે ભોગ લાગ્યા. સંતાવાનું સ્થાન નહોતું. ઘોડીને માટે ઘાસની
પાથરેલી પથારી હતી. પથારીના ઘાસના પોલ નીચે આદમી લાંબો થઈને સૂઈ ગયો.
ઘોડીએ ઝોંટ મારી હતી.
કાઠીની ઘોડીની ગરદનમાં કૌવતનો પાર નહોતો. એક-બે ઝોંટે ઘોડીએ પોતાને જ્યાં બાંધી હતી
તે ખીલો જ ભોંયમાંથી ઊંચકાવી કાઢ્યો હતો. ખીલો લોઢાનો હતો.
માણસે આવીને આજુબાજુ
નજર કરી. કોઈ નહોતું. ઘોડી ટાઢી પડતી હતી. એના અંગ પર પંપાળીને માણસે ઘોડીનો ખીલો ફરી
વાર ભોંયમાં ધરબ્યો. એક મોટો પથ્થર લઈને ખીલા ઉપર ઠોક્યો. ખીલો ઊંડો ઊતરીને જડબેસલાક
થઈ ગયો. માણસ ‘હરિને ઓરડે’ પાછો ગયો ને ત્યાં બીજું ભજન ઊપડ્યું :
હે વીરા! નર સતિયારા તમે સાચું વોરો
જઃ
એવાં કૂડ ને કપટ મનનાં
મેલો રે!
હે વીરા! મનની માંડવીએ
રૂડાં દાન ચુકાવો જી ;
એવા જમને દાણ દઈ પાછા ઠેલો
રે!
હે વીરા! વણજું કરોને વણજારા
મારા વીરાજી!
વીરા, માળાની જપતી વેપારી રે!
હે વીરા, ધરમ તણી તમે ધારણ બાંધો જી ;
એવો શેર સવાયો લીજે રે!
હે વીરા, ખમૈયાનો ખડિયો ને લોહની લેખણ રે,
એવાં પુન્યનાં પાનાં ભરીએં જી
— હે વીરા.
હે વીરા, મહાવ્રતીમાં મોટા સંત જી રે
એની પેઢીએ બેસીને
પુન કીજિયેં જી રે!
હે વીરા, નિજિયારાં
દાન અભિયાગતને દીજિયેં રે
એવા લા’વ સવાયા
લીજિયેં રે જી!
હે વીરા, એના ધરમે અનેક નર ઓધરિયા જી,
ક્રોડ તેત્રીશ
એણી પેરે સીધ્યા રે.
હે વીરા, પાંચ
સાત ક્રોડ નવ બારા જી,
મોટા મુનિવરે
મહાવ્રત લીધાં જી.
હે વીરા, જ્યોતુંને અજવાળે દાન રૂડાં દીજિયેં રે
એવી સફળ કમાયું
કીજે રે ;
હે વીરા, જાડેજાને
ઘેરે સતી તોળલદે બોલિયાં રે ;
આપણે લા’વ સવાયો
લીજિયેં રે.
એક નારી ગવરાવે છે, ને
અનેક નરનારીઓનું મંડળ ઝીલે છે. ગવરાવનારું ગળું જ્યોતમાં પણ જાણે પોતાના સૂરનું ઘી
સીંચી રહ્યું છે. આંતરે ને આંતરે એના બોલ પડે છે—
હે વીરા મારા!
એ બોલ પાણીની ધાર સરીખા
પડે છે. સાંભળનાર પુરુષોનાં કલેજાં ધોવાઈને પાવન થઈ રહ્યાં છે. નર તમામ વીરા છે નારીના
: ને નારીનું સગપણ જાણે કે પુરુષની મોટેરી બહેનનું છે : બહેનના બોલ ભાઈઓને ચેતાવે છે.
કેવા ચિત-ચેતાવણ શબ્દો!—
[અર્થ : ઓ ભાઈઓ મારા, સંસારમાં આતમ-ધનનું ઉપાર્જન કરનારા તમે ચતુર
વેપારી બનજો. વણજનો સાચો વ્યવહાર ચૂકશો મા. નફા રળજો, પણ સવાયા જ ; નહીં ઝાઝેરા કે
નહીં ખોટના વેપાર. સાચા ઈમાનથી વસ્તુઓ ખરીદજો. નામાં તમારે આતમ-ચોપડે સાચાં માંડજો.
ક્ષમાનો ખડિયો ને લોખંડી મનોબળની લેખણ કરજો. પુન્યને પાને હિસાબ નોંધજો. તમારી કમાઈઓને
સફળ કરજો.]
ઘોડીની ઘાસ-પથારી નીચે
લપાયેલો તસ્કર આ શબ્દો સાંભળતો હશે? સમજતો હશે? નહીં, નહીં, એની સુરતા તો બીજી જ વાતમાં
લાગી રહી છે, એનું શરીર બીજી જ સમાધિમાં સ્થિર બની રહ્યું છે. એ હલતો કે ચલતો નથી.
એને જાણે કોઈ ભયાનક સંકલ્પે જકડી લીધો છે. એનાં રોમેરોમ કોઈ વેદનાથી વીંધાઈ ગયાં છે.
કાયા કપાઈ રહી છે. પણ કાયા બાપડી શી વિસાતમાં છે?—
એ જી જેસલ!
તોળી રે ઘોડી
ને તલવાર
ત્રીજી તોળાંદે
કેરી લોબડી હો જી.
ત્રણેયને ઉપાડી ક્યારે
ઘોડી પલાણું? લઈને ગયા વગર કેમ રહું? અંજાર શહેરમાં ભોજાઈ મે’ણાં બોલી છે : કચ્છની
વસ્તીને સંતાપછ, તે જાને સોરઠના મૂછાળા સાંસતિયા કાઠીને ઘેરે! પાંઉપાટણ ગામના એ પ્રભુભક્તને
ઘેરે તોળી કાઠિયાણી છે. તોળી નામની ઘોડી છે : કાઠીની તરવાર પણ ટીંગાતી હશે પરસાળમાં.
જબરો છો તે જા પહોંચને! પણ કાઠીની તરવારથી ચેતજે, જાડેજા!
કાઠીની તરવાર! જોઈ લેજે,
ભાભી! એને પણ ઉપાડી લાવું. એની બાયડીનેય લઈ આવું. એની ઘોડીનેય પલાણી લાવું.
કાઠીનાં ત્રણેય નાક કાપી
ન લઉં તો હું જાડેજો જેસલ નહીં.
હરિને ઓરડે જ્યોત ને
થાળ પધરાવાયો. ત્યાં મૂર્તિ નહોતી. ન કોઈ દેવની, કે ન ઈશ્વરની : હતી એકલી જ્યોત. જ્યોતનો
પૂજક એ મહાપંથ ‘મોટો પંથ’ હતો. પ્રત્યેક નર પોતાની નારીને ભેળી લઈ આવતો. એકલાને ત્યાં
પ્રવેશ નહોતો. અતિહીણાયેલા ને આજે તો સડી ગયેલા એ ‘મોટા પંથ’ની એક વાર આ બધી ખૂબીઓ
હતી.
કોળીપાવળ (પ્રસાદ) વહેંચાયો.
તમામને કોળિયો પહોંચી ગયો? કોઈ બાકી? ના ભાઈ, હવે કોઈ બાકી નથી રહ્યું. કોઈ નહીં.
‘‘અરે હશે હશે એકાદ જણ,’’
કોળીપાવળ વહેંચનારે મક્કમપણે કહ્યું. ‘‘આંહીં થાળમાં એક જણનો કોળિયો હજી વધે છે.’’
‘‘તપાસી વળો.’’
માણસો તપાસ કરે છે. આખા
વાસમાં એકેય માનવી નથી. અરે પણ આ ઘોડી હજી કાં જંપતી નથી? આ ફરડકા ને હીંહોટા શાના?
કોઈ ચોર તો છુપાયો નથી ના? માણસો મશાલો લઈ લઈને દોડ્યા, ઘોડારની અંદર આ ભીનું શું છે?
આ રેલા શેના ચાલ્યા જાય છે? ગરમ ગરમ આ પાણી ક્યાંથી? પાણી નથી, આ તો લોહી લાગે છે.
આ શી નવાઈ!
ઘાસ-પથારી ફેંદી નાખી.
જુએ છે તો નીચે એક આદમી સૂતો છે. વિકરાળ આદમી : એનો એક પંજો ઘોડાના લોઢાના ખીલાની નીચે
છે : ખીલો પંજા સોંસરવો ભોંયમાં ખૂંત્યો છે. એ પંજામાંથી લોહીનું પરનાળું ચાલ્યું જાય
છે તોય એ પંજાનો ધણી તસ્કર નથી હલતો કે નથી ચલતો. એની આંખો ચળક ચળક સૌને નીરખી રહી.
ખીલો ખેંચી કાઢ્યો. માનવી
ઊભો થયો. ભક્તજનો જોઈ રહ્યા. આ કોણ બેમાથાળો? ચૂંકારોય કાં કરતો નથી? ભગત સાંસતિયા!
સતી તોળલદે! આવો આવો, કોક અતિથિ છે.
કાઠી અને કાઠિયાણી કશીય
ઉતાવળ કર્યા વગર શાંત પગલે આવીને ઊભાં રહ્યાં. અજાણ્યો આદમી બોલ્યાચાલ્યા વિના ઊભો
છે. એની નજર કાઠિયાણી પર ઠરી છે. આ તોળી! આ પોતે જ કાઠિયાણી! આવડાં બધાં રૂપ! રૂપ માતાં
નથી. રાત્રિનો ત્રીજો પહોર આ રૂપને ઝીલવા નાનો પડે છે.
‘‘કોણ છો, નારાયણ?’’
સાંસતિયે પ્રશ્ન કર્યો.
‘‘રાજપૂત.’’
‘‘નામ? ધરા?’’
‘‘કચ્છ ધરા, ને નામ જેસલ
જાડેજો.’’
‘‘જેસલ જાડેજો!’’ નામ
સાંભળીને સૌએ એકબીજાની સામે જોયું. સો-સો ગાઉને સીમાડે જેનું નામ પડ્યે લીલાં ઝાડવાંય
સળગી ઊઠે છે તે જ આ અંજાર શહેરનો કાળ-ડાકુ જેસલ! જગનો ચોરટો જેસલ!
‘‘કેમ આવેલા?’’
‘‘ચોરી કરવા.’’
‘‘શેની ચોરી?’’
‘‘ત્રણ વાનાંની.’’
‘‘ગણાવશો?’’
‘‘સાંસતિયા કાઠીની અસ્તરી
તોળી, એની ઘોડી અને એની તરવાર.’’
‘‘હાથે આ શું થયું?’’
‘‘સંતાણો, તમારા જણે
ઘોડીને ખીલો ધરબ્યો. નીચે મારો પંજો જરા આવી ગયો.’’
‘‘તોય તમે બોલ્યા નહીં?
સળવળ્યા નહીં?’’
‘‘નહીં, હું ચોર છું.’’
સાંસતિયાએ તોળલદેની સામે
નજર કરી. નજરે નજર વચ્ચે વાતો થઈ ગઈ. વાત બે જ જણાં સમજ્યાં. જુઓ છો સતી? ચોરની એના
કસબ સાથેની તલ્લીનતા જોઈ? આવા ટેકીલા આદમી કેટલાક દીઠા? હજારુંમાં એક? ના, ના, લાખુંમાંય
એક ગોત્યો જડે નહીં. આવા વજ્રદિલવાળાની સુરતા પોતાનું નિશાન બદલે તો? હરિને માર્ગે
ચડે તો? તો કાંઈ મણા રહે ખરી? તો આભે નિસરણી માંડે ને?
જેસલ જાડેજો : કચ્છ ધરાનો
કાળભૈરવ : હત્યાઓનો કરનારો : ગાભણીના ગાભ વછૂટી પડે એવી જેની દયાહીન હાક : જેસલનો રાહ
પલટે, તો લાખો માનવીની દુવા જડે : જેસલનું નિશાન તકાય, તો પ્રભુનેય પૃથ્વી પર પડવું
જોઈએ.
‘‘આને કોણ પલટાવે?’’
તોળલે કંથને કહ્યું.
‘‘શૂરાને કોણ બીજું પલટાવે?
સતી હોય તે.’’
તોળલ પતિના બોલનો મર્મ
પામી ગઈ. કાઠીએ ફરીથી કહ્યું :
‘‘સતી, જેસલજી તમને તેડું
કરવા આવ્યા. તમારે વાસ્તે એણે આટલો બધો દાખડો કર્યો. ને આજ તો બીજની રાત છે. આજ જ્યોતની
રાત છે. આજે અભિયાગત ખાલી હાથે પાછો કેમ વળશે, સતી? અરે, કોઈ મારી તરવાર લાવો.’’
જેસલને ખાતરી થઈ ચૂકી.
આ પહાડની ટૂક સરખો કાઠી તરવાર મગાવે છે : હમણાં મારા કટકા કરશે.
‘‘લ્યો, જેસલ જાડેજા.’’
સાંસતિયે જેસલની નજીક જઈને તરવારનો પટો એને ખભે લટકાવી દીધો અને કહ્યું : ‘‘લ્યો, નારાયણ!
મારે તો હવે ખપની નથી રહી, પડી પડી કાટ ખાય છે. તમારી પાસે હશે તો જળવાશે. અને ઘોડી
જોતી’તી તો આવીને માગવી નો’તી? બહુ મહેનત લીધી, બાપ! એલા કોઈ ઘોડીને માથે પલાણ માંડો.
ને સતી! જાવ, જાડેજા જેસલજી રોટલે-પાણીએ દુખી હશે. એની સાચવણ રાખજો. ને બેય જણાંને
દિલ થાય તે દી પાછાં જ્યોતનાં ભજન ગાવા ચાલ્યાં આવજો.’’
‘‘ને, જેસલ જાડેજા!’’
સાંસતિયો જેસલ પ્રત્યે ફર્યો : ‘‘એટલું એક ન ભૂલજો કે આંહીં ઠાકરના પ્રસાદમાં તમારા
ભાગનો કોળિયો વધી પડ્યો હતો. લ્યો આરોગતા જાવ!’’
2
કાળથી ડર્યો
પાપ તારાં પરકાશ, જાડેજા!
ધરમ તારો સંભાળ
જી ;
તારી બેડલીને
બૂડવા નહીં દઉં
તારી નાવડીને
ડૂબવા નહીં દઉં
જાડેજા રે...
એમ તોળલ કે’ છે જી.
હરણ હણ્યાં લખ ચાર તોળી રાણી!
હરણ હણ્યાં લખ
ચાર જી,
વનના મોરલા મારિયા
મેં તો વનના મોરલા
મારિયા,
તોળાંદે રે...
એમ જેસલ કે’ છે જી.— પાપ તારાં .
ફોડી સરોવર પાળ, તોળી રાણી
ફોડી સરોવર પાળ
જી!
ગોંદરેથી ગૌધણ
વાળિયાં
મેં તો ગોંદરેથી
ગૌધણ વાળિયાં,
તોળાંદે રે...
એમ જેસલ કે’ છે જી.— પાપ તારાં .
લૂંટી કુંવારી જાન તોળી રાણી!
લૂંટી કુંવારી જાન જી,
સાત વીસ મોડબંધા મારિયા
મેં તો સાત વીસ મોડબંધા મારિયા,
તોળાંદે રે... એમ જેસલ કે’ છે જી.— પાપ તારાં
.
જતા મથેજા વાળ તોળી રાણી!
જતા મથેજા વાળ
જી,
એટલા અવગણ મેં
કર્યા
એટલા અવગણ મેં
કર્યા,
તોળાંદે રે...
એમ જેસલ કે’ છે જી.— પાપ તારાં .
પુણ્યે પાપ ઠેલાય જાડેજા!
પુણ્યે પાપ ઠેલાયજી,
તારી બેડલીને
બૂડવા નહીં દઉં
તારી નાવડીને
ડૂબવા નહીં દઉં
જાડેજા રે...એમ
તોળલ કે’ છે જી.— પાપ તારાં .
*
‘‘કા ઠિયાણી, બેસી જા
બેલાડ્યે,’’ કાળભૈરવ જેસલે કાઠી-ગામ પાઉંપટણની સીમ બહાર જઈને તોળલને ઘોડી માથે પોતાની
પાછળ બેસી જવા કહ્યું.
‘‘જાડેજા!’’ તોળલે શાંતિથી
કહ્યું : ‘‘ઘોડીને નાહક માર શીદ દેવો? તમે તમારે હાંક્યે રાખો. હું પેંગડું પકડીને
હાલી આવીશ.’’
‘‘મરી રહીશ, મરી.’’ જેસલે
વિકરાળ હાસ્ય કર્યું.
‘‘નહીં મરું. ધણી જિવાડનારો
છે, જાડેજા!’’
‘‘ધણી તારો! જોયો જોયો.
એવી વાણીમાં મને સમજ નથી પડતી. હાલ ત્યારે, પકડ પેંગડું, ને કાઢ દોટ.’’
જાડેજાની રાંગમાં ભીંસાતી
ઘોડીએ વેગ પકડ્યો, અને કાઠિયાણી તોળલ પણ પેંગડું પકડીને જેસલના જમણા પડખે સાથોસાથ દોટ
કાઢવા લાગી.
પ્રભાતનાં કેસરવરણાં
કિરણો ફૂટ્યાં ત્યારે નાગની65 (નવાનગર)ની ખાડીને કાંઠે જેસલ
જાડેજો, ઘોડી ને તોળલ, ત્રણેય પહોંચી ગયાં.
ધકા ઉપર ભિડાઈને મછવો
ઊભો હતો. કચ્છ જનારાં ઉતારુઓની કતાર લાગી ગઈ હતી. સૌએ આઘેથી આ ત્રણેયને નિહાળ્યાં.
‘‘કોઈ જડસુ આદમી લાગે
છે, જડસુ.’’ ઉતારુઓમાં વાતો ચાલી : ‘‘બાયડીને દોટ કઢાવતો ઘોડીની સાથોસાથ લેતો આવે છે.’’
‘‘અને જુઓ જુઓ! બાઈને
મહિના ચડતા લાગે છે!’’ નજીક આવતી ત્રિપુટીમાંથી તોળલના દેહની અવસ્થા પરખાઈ ગઈ.
‘‘ઘાતકી લાગે છે.’’
‘‘બાઈ પણ બળૂકી દેખાય
છે. જુઓને એની કદાવર કાયા.’’
‘‘ઈ જ લાગની હશે કાં
તો.’’
ઘોડેસવાર જ્યારે તદ્દન
ઢૂકડો આવ્યો ત્યારે જ એનું બુકાની-બાંધ્યું મોં કેટલું ભયાનક છે તેની ખબર પડી. ઘોલર
મરચાં આંજેલી જાણે આંખો હતી. કાળી ભમ્મર દાઢી હતી. માથે કાળાં જુલફાં હતાં. જુવાની
આંટો લઈ ગઈ હતી.
ઘોડીએથી ઊતરીને એ સીધો
વહાણ તરફ આવ્યો. તોળલ ઘોડીને પંપાળતી ઊભી. એનો દેહ પસીને નીતરતો હતો. એની છાતી હાંફતી
હતી. એના ગળામાં તુળસીના પારાની માળા હતી. વહો ગૂઢા રંગનાં હતાં.
ખલાસી લોકોએ વહાણ ઉપર
ઘોડીને લઈ લેવા ગોઠવણ કરી. ચાર-છ જણા ઘોડીને દોરવા લાગ્યા. જબર જાનવર હતું. ચસ દીધો
નહીં ત્યારે તોળલે કહ્યું : ‘‘ભાઈઓ, દાખડો કરો મા.’’
અને એની દોરેલી ઘોડી
આસાનીથી વહાણના વચલા ભાગમાં ઊતરી ગઈ.
જેસલ દાઝે અને ઈર્ષાએ
ભરી આંખે આ કાઠિયાણીના ઘોડી ઉપરના કાબૂને જોઈ રહ્યો. પાંચ-સાત ગાઉ દોડતી આવેલી કાઠિયાણીનું
કૌવત એની છાતીમાં ખટકતું હતું. મનમાં ને મનમાં એને થતું હતું કે ‘લાગ પડ્યે રાં...
મારી ગળચી સોત દબાવી દ્યે એવી છે. ચેતતા રહેવાનું છે. જાણશે કે સોરઠિયાણીનેય મળ્યો’તો
માથાનો કાછેલો.’
મુસાફરો સૌ વહાણે ચડ્યા.
જેસલે આગલી જગ્યા લીધી. તોળલ જરા છેટી પણ જેસલની નજીક બેઠી. બીજાં ઉતારુઓ સંકોડાઈને
ચુપચાપ બેઠાં. કાઠિયાવાડ-કચ્છની વચ્ચે સફર કરતું જે વહાણ રોજેરોજ લોકોના કિલ્લોલનું
ધામ બની જતું, તેમાં આજ છૂપી છૂપી ધાક પડી ગઈ. ઉતારુઓ ત્રાંસી આંખે આ અજાણી જોડલી તરફ
જોતાં હતાં. સુકાન પર બેઠેલો ખારવો સૌની સામે નાક-આંગળી કરીને સાવધાન કરતો હતો.
સબોસબ સઢ મોકળા થયા,
ખલાસીઓએ સામસામા સંકેત-શબ્દો આજે બનતી ચુપકીદીથી સુણાવ્યા, ને વહાણ પોતાની માતાના પેટ
સમી એ સમથળ ખાડીમાં રમતું સફરે ચડ્યું.
બુકાનીદાર જેસલે બુકાની
છોડી નાખી છે. એની આંગળીઓ ધીરે ધીરે પોતાની મૂછોને વળ ચડાવી અણીઓ વણી રહેલ છે. એના
દિલમાં ગર્વ ગહેકે છે : ‘લઈ આવ્યો છું. મેં માગી તે ત્રણેય ચીજો ભગતડાએ શું મને ભલાઈએ
કાઢી દીધી છે? ના, ના, જેસલ જાડેજાના તાપને નમ્યો છે ભગતડો. પણ આ સ્ત્રી! આ કાઠિયાણી
શી કરામત કરી રહી છે? એના મોં સામે મીટ માંડતાં હું કેમ ખચકાઈ રહ્યો છું? એના પેટની
કાંઈ ખબર નથી પડતી.’
દરિયાના પેટની પણ કોઈને
ગતાગમ નથી. ખાડીનાં પાણી એકાએક ઊકળી કેમ રહ્યાં છે? આ વાવડો ક્યાંથી ઊપડ્યો? મોજાં
ફેણ પછાડીને કેમ ફૂંફાડવા લાગ્યાં? ખલાસીઓની દોટાદોટ, સઢના સંકેલા, વહાણની ડામાડોળ,
કૂવાથંભની માથાધૂણ્ય, આ શું થવા બેઠું?
ખાડીનો અધગાળો કપાયો
હતો. સામો કિનારો ને પાછલો કિનારો, બેઉ દેખાતા બંધ પડ્યા. દિશાઓને માથે ધૂંધળાં વાદળાંના
પડદા પડી ગયા. પવને શિકોટા દીધા. પંચમહાભૂત પાગલ બન્યાં. મોજાંની ઝાલકો વહાણના તૂતકને
ધોવા લાગી. ઉતારુઓ ભંડકમાં ઊતરી ગયાં. જહાજનું આખું માળખું હમણાં જાણે હચમચી જશે.
‘‘અરે ભાઈ નાખુદા! આ
શો મામલો છે?’’
‘‘ભાઈઓ, વહાણ ભેમાં છે.
અલા! અલા! હે અલા!’’
ખલાસીઓ ‘અલા’ પુકારે
ત્યારે મોત સામે ઊભું સમજવું. ઉતારુઓના શ્વાસ ઊંચા ચડ્યા. વહાણવટીઓ વહાણમાં ભરેલો બોજ
દરિયામાં વામવા (ફગાવવા) લાગ્યા. ‘‘ઉતારુઓ! ભાઈઓ! તમારા પણ માલથાલ દઈ દ્યો દરિયાલાલને!
વહાણ હળવું કરો.’’
કડડડ! કડેડાટી બોલી.
તાવલેલ માનવી પથારીમાં લોચવા લાગે તેમ વહાણ દરિયાની ધગધગતી પથારીમાં લેટવા લાગ્યું.
અને કાળી કાળી વાદળીઓનાં ઘમસાણ દેખાડી કાળનાં ડમરુ બજાવતો આભ ‘ખાઉં! ખાઉં!’ એમ ખાઉંકારા
સંભળાવી રહ્યો. ઉતારુઓમાં ચીસાચીસ ચાલી. રસાતળની ખાઈઓ ખુલ્લી થઈ.
મા છોકરાંને ગળે બાઝી
પડી. પુરુષો બાયડીઓની સોડમાં લપાતા થયા. આંખો મીંચાવા લાગી. ભાઈઓ, બાઈઓ, અલા અલા પુકારો.
આપણાં પાપનો બોજ, કોકના અધર્મનો ભાર, આ વહાણ ડુબાવે છે.
જેસલના હાથમાંથી મૂછના
દોરા છૂટી ગયા હતા. એનું મોં ફિક્કું પડ્યું હતું. એ આમતેમ દોડતો હતો. એ ખલાસીઓને પૂછતો
હતો, ‘‘આ શું છે? અમને કેમ ચેતાવ્યાં નહીં, એઈ બેઈમાનો! તમે જાણો છો હું કોણ છું? હું
તમારા કટકા કરી નાખીશ. તમારે મને મારી નાખવો છે શું?’’
‘‘જુવાન, હવે તો અલા
અલા કરો! અટાણે મારી નાખવાની વાત હોય કે, દરબાર?’’
એવા બોલે જેસલને વધુ
ઉશ્કેરાટ કરાવ્યો. પવન અને મોજાંના તમાચા જેસલના દેહ પર પડ્યા. એ વહાણને બાઝી પડ્યો.
એની વીરતા ઓસરી ગઈ. રોજ રોજ મોતની સાથે રમનારો જાડેજો એ વખતે પોતે પીળો પડ્યો. એનો
ખોફ લાઇલાજ બન્યો.
‘‘મરવું પડશે?— હેં હેં?
હેં? જાનથી જાશું! હેં? હેં? હેં? કોઈ રીતે નહીં બચાય? હેં—હેં—આ તો મારી નાખ્યા!’’
જેસલ ઉતારુઓની સામે જોવા
લાગ્યો, કોઈ શરણ આપી શકે? એક જ પહોર પહેલાં ઉતારુઓએ જોયેલું વિકરાળ મોં લાચારી ધરી
રહ્યું.
એકાએક તેણે તોળલને શોધી.
આ તોળલ! આ ઓરત! આ કેમ મોતથી ડરતી નથી? પ્રલયની સામે મોં કેમ મલકે છે એનું?
‘‘ઓય! માર્યા!’’— પવન
અને મોજાંની એક પ્રચંડ થપાટ, અને હલતો દાંત પડી જાય તેમ વહાણે પછડાટી ખાધી.
‘‘વોય! કાઠિયાણી! બચાવ
મને.’’ જેસલના મોંમાંથી કાયર શબ્દો પડ્યા. રુદન નીકળ્યું.
‘‘જેસલ જાડેજા!’’ તોળલ
હસી ; ‘‘કચ્છના મોટા જોધાર! મોત તમને ડરાવી શકે છે? જાડેજા જેસલને મોતનો ભે!’’
‘‘તારે પગે પડું.’’ જેસલ
લાચાર બન્યો.
‘‘જેસલજી, પરભુને પગે
પડો. ધણીનું નામ લ્યો.’’
‘‘ઓ મારા બાપ!’’ ઉતારુઓમાંથી
કોઈકે નામ સાંભળતાં જ ફાળ ખાધી : ‘‘આ તો કચ્છ અંજારનો જેસલ!’’
‘‘જેસલ! અરર! જેસલિયો
આ હોય? આ તો મોતથી બીવે છે.’’
‘‘આવો બાયલો!’’
‘‘જેસલજી.’’ કાઠિયાણીએ
કહ્યું : ‘‘સાંભળો છો ને?’’
‘‘ઓ બાપ! ઓ મા!’’ જેસલની
જીભે બીજા બોલ નહોતા.
‘‘પીટ્યો હત્યારો આપણી
ભેળે ચડ્યો છે. એનાં પાપે વહાણ બૂડે છે. એનાં પાપે મારાં છોકરાં મરશે.’’ એક બાઈએ ચીસ
પાડી.
‘‘પીટ્યાનું સત્યાનાશ
જાજો!’’ બીજી બાઈએ જેસલની સામે દાંત કચકચાવ્યા.
‘‘આ પાપીને કાઢો, કાઢો
એને વહાણ બહાર.’’ ઉતારુઓએ ચીસ નાખી.
‘‘એલા, નાખો એને દરિયામાં.
ભલે બત્રીસો ચડે દરિયાપીરને.’’ લોકો ધસી આવ્યાં.
‘‘ઓય! બાપા! મને નાખશો
મા. તોળલદે! બચાવો મને.’’ જેસલ હાથ જોડવા લાગ્યો.
તોળલ સૌની આડે આવી ઊભી.
કહ્યું, ‘‘ઘડીક ખમો’’. અને જેસલ તરફ વળી : ‘‘જેસલજી, વહાણ ઊગરશે, તોફાન હેઠું બેસશે,
તમારાં કરમોનો બોજ ફગાવી નાખો દરિયામાં.’’
‘‘શી રીતે, તોળલદે?’’
‘‘પાપ પરકાશી નાખો. ધરમને
યાદ કરો. તમારો પાપબોજ ધણી પોતાની ખોઈમાં ઝીલશે.’’
‘‘ધરમ! તોળલદે! મેં ધરમ
કર્યું નથી. એક પણ નથી કર્યું. મેં પાપ જ કર્યાં છે.’’
‘‘પરકાશી નાખો, જાડેજા!
તમારી બેડલી નહીં બૂડવા દઉં. ઇતબાર આવે છે? બોલો બોલો, જેસલજી, પોતાની જીભે જ કબૂલી
નાખો. વહાણમાંથી ભાર હળવો કરો. જુઓ, બીજાં બધાંએ પોતાનાં પોટલાં વામી દીધાં. તમે તમારાં
પોટલાં વામી દ્યો પાણીમાં.’’
‘‘ઓહ— ઓહ— તોળલદે, વનના
મોરલા માર્યા છે, લખોમુખ હરણાં માર્યા છે. નિરપરાધી જીવડાંની હત્યા કરી છે.’’
‘‘બસ! હજી હજી પરકાશો.
હોડી નહીં બૂડવા દઉં. તમે જીવશો. જીવવું વહાલું લાગે છે ને, જેસલ! તમે જેના જાન લીધા
છે એનેય એવું જ વહાલું હશે. એને યાદ કરો. એની માફી માગો, જાડેજા. બેડલી નહીં બૂડવા
દઉં.’’
‘‘તોળી રાણી! વોય— વોય—
ભેંકાર કામાં કર્યાં છે મેં. મેં સરોવરોની પાળો ફોડી છે. લોકોનાં મોંમાંથી પાણી પડાવ્યાં
છે. ને મેં ગોંદરે ગોંદરેથી ગાયો લૂંટી છે, હાંકી છે, તગડી છે, મારી છે, દૂઝણી ને ગાભણી
ગાયોને મેં તગડી છે.’’
‘‘એનાં વાછરું કેવાં
ભાંભરતાં રિયાં હશે, જેસલજી!’’
‘‘ઓ મા! ઓહ!’’
‘‘પરકાશો, પાપને હૈયામાંથી
ઠાલવી નાખો. જુઓ, જુઓ જાડેજા, વાવડો કમતી થયો છે. મોજાંની થપાટો મોળી પડી છે. હાં જેસલજી,
હરમત રાખો. પાપ પરકાશો! બેડીને હું નહીં બૂડવા દઉં.’’
‘‘તોળી રાણી! હવે તો
ન કહેવાય તેવી વાતું યાદ આવે છે. મેં— મેં શું કર્યું છે કહું? મેં કુંવારી જાનો લૂંટી
છે, મેં ઘરેણાં માટે મોડબંધા વરરાજાઓને ઝાટકે માર્યા છે.’’
‘‘પરણવા જાતા’તા તેને?’’
‘‘હા, હા, કોડભર્યા જાતા’તા
તેમને. અને કેટલાને? ગણાવું! સાતવીસુંને— એક સો ઉપર ચાળીસને— ઓહ, મારી મા!’’ જેસલે
આંખો મીંચીને ઉપર હાથ દાબી દીધા.
‘‘જુઓ, જાડેજા. પાણીના
પછાડા શમી જતા જાય છે. આભમાં ઉઘાડ થઈ રહેલ છે. તમારે પ્રતાપે દશ્યું નિર્મળ બનતી આવે
છે. હજુય હોય એટલાં કબૂલ કરી નાખો. હોડીને નહીં ડૂબવા દઉં.’’
‘‘તોળી રાણી! શું શું
કબૂલું? મનેય સાંભરતાં નથી. મેં કેટલાં પાપ કર્યાં છે, કહી દઉં? માનવીને માથે જેટલા
મોવાળા છે, એટલાં પાપ મારે માથે છે. ગણ્યાં ગણાય નહીં, તોળલદે! મને બચાવો.’’
‘‘રંગ છે, જેસલજી! આખી
જ પાપ-પોટલી હૈયેથી ઉતારી નાખી તમે. હવે વહાણને નહીં ડૂબવા દઉં. જુઓ, નજર કરો, વહાણ
સમથળ બન્યું છે. ને નીરખીને હસો, કે મુસાફરો બધાં કેવાં રાજી રાજી થયાં! તમે એટલાં
બધાંને જિવાડ્યાં. તમે જ જિવાડ્યાં હો જેસલજી! જુઓ આ નાનાં છોકરાં હસે છે. જુઓ, સૌ
તમને દુઆ દે છે. જુઓ, મરણ કેવું ભેંકાર છે! અને જીવન કેવું મીઠું! જેમ બીજાને તેમ જ
તમનેય તે, ખરું જેસલજી!’’
જેસલ બીજું કાંઈ ન બોલી
શક્યો. એનું માથું તોળલનાં ચરણોમાં નમીને સ્થિર થઈ ગયું.
3
નિંદાનાં નીર
વારે વારે કહું મારા દલડાની
વાત
જાડેજા કરી લે
ભલાયું, થોડાં જીવણાં
રે જેસલજી!
હળખેડ મેં તો હાલી માર્યો
પાદર લૂંટી પાણિયારી
;
કાઠી રાણી, પાપ
પ્રકાશ્યો ધણી આગળે
રે જેસલજી!
તોરણ આવ્યો મોડબંધો માર્યો
પીઠિયાળાનો નૈ
પાર.
કાઠી રાણી, પાપ
પરકાશ્યો ધણી આગળે જી!
ચોવીસ વરસ સુધી ચોરિયું કીધી
અમારા અવગુણનો
નૈ પાર,
કાઠી રાણી, પાપ
પરકાશ્યો ધણી આગળે જી!
ચોવીસ વરસ સુધી ચોરિયું કીધી
અમારા અવગુણનો
નૈ પાર,
કાઠી રાણી, પાપ
પરકાશ્યો ધણી આગળે જી.
અં જાર શહેરના લોકોમાં
અચરજ પ્રવર્તી ગયું. લૂંટારો જેસલ કોઈ બાઈને લઈ આવ્યો છે. એની આગળ બેઠો બેઠો ચોધાર
રોયા કરે છે. દાઢીમૂછ અને માથું મુંડાવીને જેસલે તો ધોળાં લૂગડાં ધર્યાં છે. ગળે માળા
પહેરી છે.
‘‘તોળલ સતી! બહુ પાપકામાં
કર્યાં છે મેં— હું મોતને દેખી ગાભરો બન્યો ત્યારથી જ મને ખબર પડી ગઈ છે કે હું હિચકારો
છું.’’
‘‘તો, જાડેજા, હવે ભલાયું
કરી લ્યો. ને જેસલજી, રુદન કર્યે શો માલ છે? ઓ મારા ભાઈ, ‘થોડાં જીવણાં એ જી!’— જીવતર
ટૂંકું છે.’’
‘‘સતી, શું કરું?’’
‘‘સાહેબધણીને ભજો.’’
‘‘ક્યાં છે તારો એ સાહેબધણી!
હું એને ક્યાં ગોતું?’’
તારો મુંને સાહેબ બતાવ, તોળી રાણી!
કરી લે ભલાયું
; થોડાં જીવણાં રે જેસલજી!
ચાલી આવે જોગીની જમાત, જાડેજા!
તેમાં તો સાયબો
મારો રાસ રમે, જેસલજી!
અવર બાવાને ભગવો ભેખ, જાડેજા!
સાયબાને પીતામ્બર
પાંભડી, જેસલજી!
હરણાં ચરે લખ ચાર જાડેજા!
તેમાં સાયબો મારો
એકલસીંગી, જેસલજી!
અવર રોઝાંને દો દો શીંગ, જાડેજા!
સાયબાને સોનેરી
શીંગ, જેસલજી!
અવર રોઝાંને ખાવા ઘાસ, જાડેજા!
સાયબાને કસ્તૂરી
કેવડો, જેસલજી!
બોલ્યાં બોલ્યાં તોળાંદે નાર, જાડેજા!
સતીએ ગાયો હરિનો
ઝૂલડો રે જી!
‘‘જેસલ જાડેજા! મારો
ધણી નથી કોઈ આભની અટારીએ, નથી કોઈ ગેબી જગ્યામાં. જુઓ, આ સાધુડાં અતિથિ આવે તેમાં મારો
હરિ છે, આ હરણાં ચરે તેમાંય મારો હરિ છે.’’
‘‘હું એને શી રીતે પામું?’’
ફળે મુંજાં ભાઈડાનો ભાવ હાં રે હાં,
કાઠી રાણી તોળલ!
અમને તારજો હો જી ;
હાં રે હાં, જેસલ
જગનો ચોલટો હો જી.
જેસલ ખાતો ચારે ખંડનો માલ ;
હાં રે હાં, સંગત્યું
કીજે જેસલ સંતની હો જી,
વસિયેં પુલા ભેળો
વાસ હો જી .
હાં હાં, કાઠી
રાણી તોળલ અમને તારજો હો જી,
હાં રે હાં, કાઠીરાણી
મુખથી અમને ઓચર્યાં હો જી.
જેસલ, કપડાં ધોઈ લાવ!
હાં રે હાં, ઈ
રે મારગડે શૂરા મળે,
તેને પાછા વાળી
ઘેર લાવ હાં હાં.
— કાઠી રાણી .
હાં રે હાં, જેસલ નથી પૂગ્યાં નીર સરોવરે જી.
નથી બોળ્યો નીરમાં
રે હાથ ;
હાં રે હાં અધવચ
ઊજળાં હોઈ રિયાં,
તોળી તારો સાયબો
બતાવ!
હાં રે હાં જેસલ જામૈયો રચાવો હો જી,
તેમાં વરણ તેડાવો
અઢાર ;
હાં રે હાં મોટા
મોટા મુનિવર આવશે હો,
જેસલ રે’જો હુશિયાર—
હાં રે હાં, કળજગમાં જેસલ નિંદા ઘણી હો જી.
નિંદાની પડશે
ટંકશાળ ;
હાં રે હાં નિંદા
સુણીને સાધુ નિર્મળા હો જી.
જેસલ ઊતરે શિરભાર—
હાં રે હાં, જેસલને ઘરે ધણી મારો આવી મળ્યા,
સતી તોળલ કરે
આરાધ ;
હો રે હો જૂનો
રે જાડેજો એમ બોલિયા,
તોળી તારો સાયબો
સંચિયાત.
અંજારની વસ્તીનું અઢારે
વરણ જોઈ રહ્યું. આ જેસલ જાડેજો ક્યાં જાય છે? માથે ગાંસડી શેની છે? ઓલી બાયડીનાં લૂગડાં
ધોવા જાય છે આ તો! આટલો બધો રાંક કેમ બની ગયો હશે?
સરોવરની પાળે જેસલ તોળલના
ઘાઘરા, સાડલા ને કપડાં ધુએ છે. લોકો એની નિંદા કરે છે.
‘‘જેસલ જાડેજા,’’ તોળલ
કહે છે : ‘‘શરમાશો નહીં. આ કલિયુગમાં તો નિંદાની ટંકશાળ પડશે. એ નિંદાનાં નીર થકી જ
સાધુજનો નિર્મળા બને છે. એ નિંદાથી જ શિર પરનો ભાર ઊતરશે.’’ નિંદાતો નિંદાતો જેસલ નવાણે
પહોંચ્યો–ન પહોંચ્યો ત્યાં તો દેહ એનો ઊજળો બની ગયો.
4
પ્રકૃતિનો દ્રોહ
વાયક આવ્યાં રે સંતો દો
જણાં
ત્રીજું કેમ સમાય
રે?
પંથ ઘણો ને જાવું એકલું,
પાળા કેમ ચલાય
રે?
શબદુંના બાંધ્યા સંતો
કેમ રે’વે હાં!
સાધ હોય ઈ સંતો
કેમ રે’વે.
સોનલા-કટારી સતીએ કર ધરી,
પાળી માંડી છે
પેટ,
કૂખ છેદી, કુંવર
જલમિયો ;
એ જી જનમ્યો માઝમ
રાત.— શબદુંના .
હીરની દોરીનો બાંધ્યો હીંચકો,
બાંધ્યો આંબા
કેરી ડાળ ;
પવન-હીંચોળા હરિ
મોકલે.
આતમ તારો ઓધાર.—
શબદુંના .
બાઈ પાડોશણ મારી બે’નડી!
રોતાં રાખ્યે
નાનાં બાળ ;
અમારે જાવું ધણીને
માંડવે,
તારા કે’ શું
ઝાઝા રે જુવાર.— શબદુંના .
ત્યાંથી તોળી રાણી ચાલિયાં,
આવ્યાં વનરા મોજાર,
વનમાં વસે એક
વાંદરી,
ઠેકે મોટેરા ઠેક
રે.— શબદુંના .
ત્યારે તોળી રાણી બોલિયાં
સાંભળો વનરાના
રાય!
ઉરે રે વળગાડી
તારાં બચળાં
રખે રે ભૂલતી
તું ચોટ.— શબદુંના .
મારાં રે બચળાં મારી ઉરમાં,
તોળી રાણી, તારાં
તો સંભાળ ;
કોળિયા અન્નને
કારણે
પૂતર મેલ્યો આંબાની
ડાળ.— શબદુંના .
પૂતર સંભાર્યો, પાનો ચડ્યો ;
પ્રાણમાં વાધી
છે પીડ,
થાન હતાં તે સતીનાં
થરહર્યાં.
પડતાં છોડિયા
છે પ્રાણ.— શબદુંના .
મોટ બાંધીને માથે ધર્યો,
ચાલ્યા ધણીને
દુવાર,
એકલડા પંથ ન ઊકલે,
બેદલ થિયો મારો
બેલી.— શબદુંના .
ગતમાં ઉતારી ગાંસડી ;
ગત કાંઈ કરે છે
આરાધ ;
સામા મોહોલ મહારાજના
દીપક રચિયેલ ચાર.—
શબદુંના .
તમારે જાગ્યે જામો જામશે ;
બોલિયા જેસલ રાય
સાસટિયા કાઠીની
વિનતિ :
જાગો તોળલદે નાર.—
શબદુંના .
*
સાં સતિયાનું ગામ તજ્યું
ત્યારે જ તોળલને મહિના ચડતા હતા. નવ માસ પૂરા થવા આવ્યા છે. પ્રસવને ઝાઝી વાર નથી.
એવે ટાણે વાયક આવ્યાં.
સંદેશો આવ્યો. પાંઉપટણથી ભક્ત સાંસતિયાનું તેડું આવ્યું : ‘‘જેસલજી ને તોળલદે, બેય
જણાં ‘ગત્યમાં’ હાજરી આપવા વખતસર આવજો.’’
નોતરું બેને જ આવ્યું.
ત્રીજા જીવને સાથે કેમ તેડી જવાય? એવી ગુપ્ત અને પવિત્ર એ ધર્મક્રિયા થવાની હતી. દીક્ષિતો
સિવાયના કોઈથી દાખલ ન થવાય. તોળલ વિચારમાં પડ્યાં. મારા પેટમાં તો ત્રીજો જીવ સૂતો
છે.
પછી છાનાંમાનાં—
‘સોનલા-કટારી સતીએ કર
ધરી’ : પેટ પર કટાર ચલાવી, ગર્ભ ખોદીને પુત્રને બહાર કાઢ્યો. ઝાડની ડાળે ઘોડિયું બાંધીને
બાળકને સુવાડી દીધું. પાડોશણને ભલામણ કરી : ‘‘બહેન, બાળકને સાચવજે. અમારે તો ધણીને
દ્વાર જવું છે. તારો આભાર નહીં ભૂલું. ત્યાં હું વિશ્વના ધણીને તારા પણ નમસ્કાર કહીશ.’’
જેસલને લઈને તોળલ ચાલી
નીકળી. માર્ગમાં કજલીવન નામનું મોટું જંગલ આવ્યું. જંગલમાં વાંદરાં ઠેકે છે. એમાં એક
વાંદરી પોતાના નાના બાળને પેટે વળગાડીને એક ઝાડ પરથી બીજે ઝાડે છલંગો મારી રહી છે.
‘‘અરે! અરે! અરે વનરાઈની
રાણી!’’ તોળલથી બોલાઈ ગયું. ‘‘આમ ઠેકડા મારી રહી છો, પણ ક્યાંક તારું છોકરું પડી જશે.
બાઈ, બરાબર સાચવજે તારા બાળકને!’’
ઝાડની ડાળીથી વાંદરી
જોઈને હસી : ‘‘બાઈ, અમે તો જાનવર : અમારે અક્કલ નહીં, તોય મેં તો મારા બાળને મારી છતીસરસું
રાખ્યું છે. પણ તું માનવી, તું આટલું ડાહ્યું માનવી, તને તારા પેટના બાળકની કેવીક સાચવણ
છે તે તો એક વાર વિચાર! તેં તો તારા બાળકને અંતરિયાળ, અનાથ દશામાં, પારકાની દયા પર
છોડ્યો છે, અને તે પણ શા માટે? ઉત્સવમાં એક કોળિયો મીઠું અન્ન મળવાનું છે તને, તેટલા
જ સ્વાર્થ માટેને!’’ એમ કહેતીક વાંદરી ઠેકાઠેક કરતી ઝાડ પછી ઝાડ વટાવી ગઈ. અને આંહીં
તોળલને એ મહેણું કલેજામાં ખૂંતી ગયું. એને પુત્ર યાદ આવ્યો. દેહમાં પાનો ચડ્યો. છાતીમાં
થરેરાટ ચાલ્યો. સ્તનોમાં ધાવણ ઊભરાયાં, છાતી ફાટફાટ થઈ રહી, તોળલને મૂર્છા આવી, મુડદા
સરીખી બનીને એ ત્યાં પટકાઈ પડી.
જંગલમાં જેસલ મૂંઝાઈને
ઊભો થઈ રહ્યો. કોઈ માનવી ત્યાં નહોતું. જેસલ તે દિવસ જીવન ધરીને બીજી વાર ડર પામ્યો.
એક દિવસ ડર્યો હતો ખાડીના તોફાનમાં ઓરાયેલા વહાણની અંદર— ત્યારે તો એ બાયલો બની ગયો
હતો. આંહીં કજલીવનમાં તો એ બાવરો, અજ્ઞાન, માવિહોણા બાળક જેવો બનીને ડર્યો. એણે તોળલના
શરીરને ઢંઢોળી જોયું. તોળલના કાન પર એણે સાદ પાડ્યા :
‘‘સતી! જાગો, આંહીં અંતરિયાળ
કાં સૂતાં? તમ સરીખાં સમરથને આ શી નબળાઈ સતાવી રહી છે, સતી! તમારામાંય શું સંસારી મોહમાયા
સંતાઈ રહેલ છે, તોળલ?’’
તોરલના મૂર્છિત દેહ પાસે
ઘૂંટણભર બેઠેલા જેસલે ઊંચાં ઝાડવાં પર આંખો માંડી. સામે વાંદરાં બેઠાં બેઠાં મશ્કરીનાં
દાંતિયાં કરી રહ્યાં છે. સંતપણાના કેડા કેવા કઠોર, પાષાણી, અને કેવા કાંટાળા! જેસલને
જેવું શરીરબળનું ગુમાન હતું, તેવું જ અભિમાન તોળલનેય અંધી કરી બેઠું હતું, પેટ ચીરીને
ગર્ભ કાઢી નાખ્યે જાણે કે પોતે બંધનમાંથી મોકળી બની ગઈ એવો એ ગુપ્ત મદ હતો. નહીં, નહીં,
એ બંધનો છૂરીથી છેદી શકાતાં નથી. પ્રકૃતિ સામેનો એ દ્રોહ છે. સત્તા અને સામર્થ્યનો
એ હુંકાટો હતો. તોળલે થાપ ખાધી હતી.
તોળલદેના દેહને પોતાની
પછેડીમાં નાખી, ગાંસડી બાંધી, ગાંસડી પોતાના માથા પર ઉપાડી જેસલે સાંસતિયાના ગામ તરફનો
પંથ કાપવા માંડ્યો.
5
સજીવન કર્યાં
શિ ર પર ગાંસડી, સાધુનો
વેશ, આંખોમાં દડદડ આંસુડાંની ધાર, એવા દીદારે જેસલ જાડેજો સાંસતિયાના ઓરડે આવીને ઊભા
રહ્યા. મુખમાં બોલ નથી. મતિ મૂંઝાઈ ગઈ છે.
ઓરડામાં જ્યોત જલે છે.
ચોપાસ મંડળ બેઠું છે. ભજનની ઝૂક મચી છે. અતિથિને ભાળતાં જ ભજન વિરમી ગયું. આદમી એકદમ
ઓળખાયો નહીં.
સાંસતિયાજી ઊભા થઈને
પરોણાની પાસે આવ્યા. ઓળખ્યા. ‘‘કોણ, જેસલજી? એકલા કેમ? મોડું શાથી થયું?’’
જેસલના મોંમાંથી જવાબ
ન નીકળ્યો. પ્રશાંત મુખમુદ્રા પર આંસુની ધારા જોર પકડવા લાગી.
‘‘તોળાંદે ક્યાં છે?’’
જેસલે માથા પરની ગાંસડી
ઉતારીને ધરતી પર જ્યોતની સામે મૂકી. ગાંઠ છોડી નાખી. તોળલનો બેભાન દેહ ધરતીને ઢાંકી
ત્યાં પથરાઈ ગયો. છાતી તરબોળ હતી. સ્તનોમાંથી હજુય દૂધની ધારા ફૂટી રહી હતી. આખો દેહ
કોઈ અજબ ઉશ્કેરાટથી હાંફી રહ્યો હતો.
‘‘જેસલજી, આ શું થયું?’’
જેસલની જબાન ઊપડી નહીં.
‘‘ફકર નહીં.’’ સાંસતિયે
કહ્યું. ‘‘જતિ જેસલ! ધીરજ ધરો. જનમ-મરણના ઓરતા ન હોય.’’
‘‘મા! મા, ઓ મા!’’ જેસલના
મોંમાંથી પોકાર નીકળ્યા.
‘‘સંતજનો!’’ સાંસતિયાએ
કહ્યું : ‘‘જેસલજીના હાથમાં કોઈ એકતારો આપો.’’
એક મોટો તુંબડાનો તંબૂરો
જેસલના ખોળામાં મુકાયો. જાણે બે-પાંચ વરસનો એક બાળક આવીને અંકમાં બેઠો હોય ને, એવી
લાગણીએ જેસલના અંતરમાં જગ્યા લાધી.
‘‘કાંઈક ગાશો ને, સંત?’’
‘‘આવડતું નથી.’’
‘‘અજમાવી જુઓને, બાપ.
જેસલજીને કંઠેથી તો સંજીવનીની સરવાણિયું ફૂટશે.’’
સાંસતિયાએ મંજીરાનો ઝીણો
ઝીણો રવ કાઢવા માંડ્યો. જેસલનાં આંગળાંએ એકતારાને બોલતો કર્યો. સૂતેલી તોળલ સામે એક
ધ્યાન બનીને જેસલે કલેજું ખોંખાર્યું, સાંસતિયાએ સહુને સંજ્ઞા કરી દીધી, કે કોઈ ઢોલક
કે ઝાંઝ બજાવશો નહીં. ઓરડામાં શાંતિની સુરાવળ બંધાઈ ગઈ. હવાના તંતુએ તંતુ જીવતાં બન્યાં
ને જેસલે આરાધ ઉપાડ્યો :
નહીં રે મેરુ ને નહીં
મેદની
નો’તા તે દી ધરણી
અંકાશ રે હાં,
ચાંદો ને સૂરજ
જે દી દોઈ નો’તા
ધણી મારો તે દી
આપોઆપ રે હાં.
પીર રે પોકારે મુંજાં
ભાવરાં રે
સતી તમારો ધરમ
સંભારો રે હાં હાં હાં,
પોતાના પુન્ય
વન્યા પાર નૈ રે
ગરુ વન્યા મુગતી
ન હોય રે હાં હાં હાં.
કંકુવરણો રે સૂરજ ઊગશે
તપશે કાંઈ બાળોબાળ
રે હાં.
ધરતીનાં દોઈ પડ
ધ્રૂજશે
હોશે કાંઈ હલહલકાર
રે હાં,
હાં રે હાં હાં.— પીર રે પોકારે .
હાડ ને ચામ રોમરાઈ નહીં
નહીં કાંઈ રુદર
ને માંસ રે હાં.
પિંડ પડમાં અધર
રિયું,
નો’તા કાંઈ સાસ
ને ઉસાસ રે હાં.
હાં રે હાં હાં.—
પીર રે પોકારે .
નર રે મળ્યા હરિના નિજયાપંથી
એ જી મળ્યા મને
સાંસતિયો સધીર રે હાં.
મૂવાં રે તોળલને
સજીવન કર્યાં
એમ બોલ્યા જેસલ
પીર રે
હાં રે હાં હાં.—
પીર રે પોકારે .
[પ્રભુનાં પ્રથમ પ્રાકટ્યનું
આરાધન : ઓ ભજનિકો! જે દિવસે ખલક નહોતી, નહોતા મેરુ (પહાડો), નહોતી આ પૃથ્વી ; ધરણી
નહોતી, આભ સુધ્ધાંય નહોતો, ચાંદો ને સૂરજ પણ નહોતા, તે દિવસે, એ શૂન્યમાં મારો ધણી
વિશ્વંભર આપોઆપ સરજાયા હતા. ઓ મારા ભાઈઓ, ઓ સૂતેલી સતી, તમારો સ્વધર્મ સંભાળો. ખડી
થઈ જા. જગતના મોહ તને સ્વધર્મ ચુકાવી રહ્યા. શું પુત્ર! શા સંબંધો! પોતાના જ પુણ્ય
વિના પાર આવવાનો છે કદી આ જન્મમરણના ફેરાનો?
ને ફરી પ્રભુ પ્રકટશે
: તે દિને લાલચોળ સૂરજ ઊગીને બ્રહ્માંડને બાળીનાખે તેવો તપશે. પૃથ્વીનાં પડ ધ્રૂજશે.
બ્રહ્માંડ હલબલી ઊઠશે. માટે જેસલ પીર પુકાર કરે છે કે હે મારા જતિ ભાઈઓ! હે સતી! તમારો
ધર્મ સંભાળો. પોતાનાં પુન્ય વગર પાર નથી.
આપોઆપ સરજાયેલા એ ખાવંદ
ધણીનું સ્વરૂપ કેવું હતું તે કાળે? નહોતાં હાડકાં, નહોતી ચામડી, રુધિર ને માંસ પણ નહોતાં.
પંચમહાભૂતનું કોઈ કલેવર નહોતું પહેર્યું ઈશ્વરે. અધ્ધર રહ્યું હતું એનું રૂપ, એને તો
શ્વાસોચ્છ્ વાસ પણ નહોતા.]
સૃજનનું મહિમા-ગીત જેસલજીના
ગરવા સૂરે ગવાતું ગયું તેમ તેમ મૂર્છિત તોળલની રોમરાઈ સળવળવા લાગી. કલેવરમાં પ્રાણ
પુરાતા થયા અને આંખો ઉઘાડી, આળસ મરડી, બેઠી થયેલી તોળલદેએ પોતાનાં વહો સંકોડ્યાં ત્યારે
ભજનિકે આ સાચા જીવનદાતા નર સાંસતિયાના ધન્યવાદ ગાયા. ઓ હરિના નિજપંથી નર સાંસતિયા!
તમારે પ્રતાપે મૂએલી તોળલ સજીવન થઈ.
ઝીણા ઝીણા તંબૂર-સ્વરો
સાથે તાલ લેતા સાંસતિયાના હાથમાં મંજીરાના સ્વર, માનવીના સૂર શાંત પડ્યા પછી પણ જાણે
કે જીવનનું સ્તોત્ર રટતા હતા.
6
મુનિવર મળ્યા મુનિવરા
કચ્છથી જેસલ ઉમાવો જી રે
મેવાડ માલો આરાધે
;
મુનિવર મળ્યા
મુનિવરા,
ભોમિયા દોનું
આગે ;
એડો રે ઉમાવો
જાડેજા કરી મળો,
મારા ભાઈલા! ભાવે
મળો હો જી!
માલે જેસલને પૂછિયું,
આપણે હોઈ ઓળખાણું ;
હાથે પંજો દૈ
દૈ મળ્યા,
ઈ તો સાધુની સાનું.—
એડો રે .
ધીરે જોત્યા ધોરી તમે,
કૂવે કડવાં પાણી
;
આરાધે અમૃત હુવાં,
ઈ તોળલ કાઠિયાણી.—
એડો રે .
સાવ સોનાની ગરુની બાળંગી
તેમાં રૂપાંદે
રાણી ;
માગ્યા માગ્યા
મે વરસાવિયા
ઈ માલા ઘેર આણી.—
એડો રે .
જેસલે વાવી પારસ પીપળી
માલે વાવી જાળ
;
પાંડુ પિયાળે
પરઠિયું
ડાળ્યું વરમંડે
જાય.— એડો રે .
*
ક ચ્છ અને મારવાડ બેઉ
ધરા વચ્ચે એક અસીમ રણ તપે છે. ત્યાં ઝાડ નથી, મીઠું જળ નથી. એ લંબપંથા મારગ પર એક જ
ઠેકાણે બે એકલવાયાં ઝાડવાં આજ પણ લીલાંછમ લહેરાય છે. એક પીપળી છે ને એક જાળ્ય છે. બાજુમાં
એક વીરડો છે. વીરડામાં અખંડ જળઝરણું વહે છે. માણસનું મોત નીપજાવે એવા એ રણનાં કડવાં
પાણી વચ્ચે આ મીઠાશ ક્યાંથી? મોતની કેડે જીવન કોણે સરજાવ્યું?
કહે છે કે એક દિવસ ત્યાં
ચાર માનવીઓનો મિલાપ થયેલો. નરનારીનાં બે જોડલાં અંતરિયાળ ઓચિંતાં મળ્યાં હતાં.
‘‘રામ રામ!’’
‘‘રામ!’’
‘‘ક્યાં રહેવું?’’
‘‘રહેવું મારવાડમાં.’’
‘‘આમ શીદ ભણી?’’
‘‘કચ્છ ધરામાં જાયેં
છયેં. ત્યાં જેસલ પીર અને સતી તોળી નામનાં બે સંતો થયાં છે એમ સાંભળ્યું, ને મન થયું
કે દીદાર તો કરી આવીએ.’’
‘‘તમારે ક્યાં રહેવું?’’
મરુ ધરીના માનવીએ પૂછ્યું.
‘‘અમારે રહેવું કચ્છધરામાં.
મેવાડમાં માલદેવજી ને રૂપાંદે નામે બે સંતો વધે છે તેની સુવાસ સાંભળીને મને થયું કે
મિલાપ કરી આવીએ.’’
સામેનાં બે સ્ત્રી-પુરુષ
પ્રવાસીઓએ પણ સહેજ મોં મરકાવ્યાં.
બન્ને મુસાફરોએ પંજા
લંબાવ્યા. સામેના બન્નેએ પણ પંજા મિલાવ્યા. એ પંજાના મિલનમાં અમુક મુકરર પ્રકારની સાન
હતી. પંજાના મિલને જ પરસ્પરની પિછાન દીધી. ચારમાંથી કોઈને ફોડ પાડવાની જરૂર ન રહી.
‘‘જેસલ પીર! સંત માલદેવજી!’’
તોળલે હસીને કહ્યું : ‘‘તમ સરીખા દોનું નર આંહીં મનોમન સાક્ષીભૂત થઈને મેળાપ પામ્યા.
આવા મેળાપનું સંભારણું આ ધરતીને હૈયે કાંઈક રાખીને જ જુદા પડશો ને!’’
‘‘આંહીં રણમાં શું સંભારણું
રાખીએ, હે તોળલ સતી!’’
‘‘પૂછીએ રૂપાંદે રાણીને.’’
રૂપાંદે બોલ્યાં :
‘‘હરિનાં જન મળે તેમાંથી જગતને લાભ જડે, ભૂખ્યાંદુખ્યાં માનવીઓનો આશરો બંધાય, એવું
કાંઈક સંભારણું.’’
‘‘આ ધરતીનાં વટેમાર્ગુ
અને પંખીડાં જુગોજુગ યાદ કરે એવી કાંઈક એંધાણી રોપી જાવ, જેસલજી ને માલદેવજી!’’ તોળલે
કહ્યું.
‘‘તમે જ કહો.’’
‘‘જળ અને ઝાડવાં.’’
પછી ચારેય જણાંએ રણની
ધરા તપાસી. ઠેકાણે ઠેકાણે પૃથ્વી પર સૂઈને કાન માંડ્યા. જેસલે અને માલદેવજીએ એ ઝેરીલી
ભૂમિના પેટાળમાં એક ઠેકાણે મીઠા જળની સરવાણીના સાદ પારખ્યા. આજુબાજુ બારીક પાંદડીઓવાળા
લીલા કોંટા નિહાળ્યા અને રેત ખોદી. રેતમાં ભીનાશ દીઠી. પુરુષો બેઉ ખોદતા ગયા, સ્ત્રીઓ
બેઉ ગાળ કાઢતી ગઈ. અને પછી ભેળો એકતારો હતો તે બજાવી ચારેય જણાંએ આરાધ ગાયો. જળ અને
સંગીતના ત્યાં તાલ બંધાયા. બે ઝાડની ત્યાં રોપણક્રિયા કરી. જેસલે વાવી પીપળી ને માલે
વાવી જાળ : એનાં મૂળ પાતાળે ગયાં, એની ડાળીઓ ગગને પહોંચી. હે સંતો! આજે સૈકાઓ વીત્યા.
પ્રવાસીઓ ત્યાં પાણી પીએ છે, એ ઝાડ-જોડલીની છાંયે પોરો ખાય છે. પશુ ને પંખીઓની પણ ત્યાં
તૃષા છીપે છે.
7
રુદિયો રુવે
રોઈ રોઈ કેને સંભળાવું રે, જેસલજી કે’ છે,
ઊંડાં દુખ કેને
સંભળાવું રે જાડેજો કે’ છે
રુદિયો રુવે રે
મારો ભીતર જલે.
અમે હતાં, તોળી રાણી! ખારી વેલ્યે તુંબડાં,
તમ આવ્યે મીઠડાં
હોય રે જાડેજો કે’ છે.— રોઈ .
અમે હતાં, તોળી રાણી! ઊંડે જળ બેડલાં,
તમે રે ઉતારો
ભવપાર, જાડેજો કે’ છે.— રોઈ .
કપડાં લાવો, તોળી રાણી, સાબુએ સુધારું,
નિંદા થકી ઊજળાં
હોય. જાડેજો કે’ છે.— રોઈ .
તમે જાવ, તોળી રાણી, વડે સુંધે વાયકે,
તમ વિના દિનડા
નવ જાય, જાડેજો કે’ છે.— રોઈ .
દોયલી વેળાની તોળી રાણી, ગાયત્રી સંભળાવો,
સંભળાવ્યે મુગતિ
હોય, જાડેજો કે’ છે.— રોઈ .
જે સલ અને તોળલનાં જીવન
એકબીજામાં આવી રીતે ઓતપ્રોત બની ગયાં. જેસલ હીરો ને તોળલ લાલ રંગી માણેક : ભક્તિના
દોરમાં બેઉ પરોવાઈ ગયાં. જેસલ ચંપો ને તોળલ કેળ્ય : સતના ક્યારામાં બેઉ સજોડે રોપાઈ
ગયાં. એને જેસલના ઉદ્દામ પ્રેમરૂપી જળ-હિલ્લોલ ફરતી સંયમની પાળ બનેલી તોળલ : જીવન-આરામાં
બેઉ ઝૂલવા લાગ્યાં. અને એ પ્રેમ એટલે સુધી પહોંચ્યો કે બેઉએ એકીસાથે એક જ સમાધમાં બેસવાનો
ઠરાવ કરી લીધો.
આખરે જુદાઈનો એક દિવસ
આવી પહોંચ્યો. જેસલ અને તોળલને મેવાડના સંતમંડળમાંથી ‘વડાં વાયક’ આવ્યાં એટલે કે જ્યોતના
પાટમાં હાજરી આપવા જવાનું નોતરું આવ્યું. બેઉએ ભેળા બેસીને પરિયાણ કર્યું : ‘‘જેસલજી!
છેલ્લુકી વારનાં જઈ આવીએ. પછી તો નિરાંતે પાછાં આવીને ભેળાં જ સમાશું.’’
કંઈ બોલ્યા વગર જેસલ
ચાલ્યા. પણ અંજારના ઝાંપા સુધી આવીને એણે કહ્યું : ‘‘સતી! રુદિયો કહે છે કે હું ન આવું.’’
‘‘ભલે, જેસલજી! રુદો
રાખે તેમ રહેવું.’’
જુદા પડતાં પડતાં જેસલ
બાળક જેવો વ્યાકુળ બની ગયો. ‘‘અરે સતી! રોઈ રોઈ હું કોને સંભળાવું? મારા અંતરનાં ઊંડાં
દુઃખ હું કોને સંભળાવું? મારો રુદિયો રુવે છે. કલેજાના ભીતરમાં ઊંડાણે જાણે કોઈ આગ
જલી ઊઠી છે. હું કડવી વેલે તુંબડા જેવો, તે તમારા મેળાપથી મીઠો બન્યો. હું મધસાગરે
કોઈ ખડક સાથે અથડાઈ ભાંગી જતા, સુકાનીવિહોણા નાવ સરીખો, તેને તમે તારીને કિનારે લઈ
આવ્યાં. જગતની નિંદાનાં જળથી મારો આત્મા ઓર વધુ ઊજળો બન્યો. ઘણા ઘણા લોકાપવાદ મારે
માથે ચડ્યા તેની મને બીક નહોતી, ખેવના નહોતી પણ તમે મને તજી જશો તો એકલા મારા દિવસો
કેમ નીકળશે?’’
‘‘જેસલજી! હું વહેલી
પાછી વળીશ.’’
એમ કહીને તોળલે મેવાડનો
માર્ગ લીધો.
8
સમાધ
બીજ દિન થાવરવાર,
વાયક આવ્યાં ગરવા
દેવનાં એ જી.
દીપૈયા, વેલડિયું શણગાર,
દિન ઊગ્યે મંડપ
મા’લીએં એ જી.
દરવાણી ભાઈ, દરવાજા ઉઘાડ!
અમારે જાવાં મંડપ
મા’લવા એ જી.
કૂંચિયું કાંઈ રાજદરબાર,
દન રે ઊગ્યે તાળાં
ઊઘડે એ જી.
તોળલે કીધો અલખનો આરાધ,
વણ રે કૂંચીએ
તાળાં ઊઘડ્યાં એ જી.
ગત્ય-ગંગા કરું રે પરણામ
:
તમે રે આવ્યાં
ને જેસલ ક્યાં રિયાં એ જી.
જેસલને ઘેરે કાંઈ કામ,
અમને વળાવી પીર
પાછા વળ્યા એ જી.
પૂછું હવે પંડિત વીર,
જ્યોતું રે ઝાંખી
આજ કેમ બળે એ જી.
સતી તમે જાણસુજાણ,
સરગના સામૈયા
જેસલ લઈ વળ્યા એ જી.
સતીએ સોનૈયો મેલ્યો પાટ
મોતીડે અલખ વધાવિયા
એ જી.
દીપૈયા, વેલડિયું શણગાર,
દન ઊગ્યે અંજાર
પૂગિયે એ જી.
ઝાંખાં દીસે અંજાર ગામનાં ઝાડ,
ઝાંખાં રે દીસે
મંદિર માળિયાં એ જી.
પૂછું તને, ગોવાળીડા વીર,
જેસલને સમાણાં
કેટલાં દન હુવા એ જી.
સતી તમે જાણસુજાણ,
જેસલને સમાણાં
ત્રણ દન હુવા એ જી.
ઝાંખી દીસે ચોરાની ચોપાટ,
ઝાંખો રે દીસે
જેસલનો ડાયરો એ જી.
ધરતી માતા, દિયો હવે માગ,
અમારે જેસલને
છેટાં પડે રે એ જી.
સાધુ ચાલ્યા કાશી ને કેદાર,
સતીએ ગાયો હરિનો
ઝૂલણો રે જી.
[અર્થ : બીજનો દિવસ અને શનિવાર ; એના ઉત્સવમાં જવા માટે વાયક (નિમંત્રણ)
આવ્યાં. એ ભાઈ સારથિ દીપૈયા! વેલ્યને શણગાર. રાતોરાત પહોંચવું જોશે. દિવસ ઊગતાં જ મંડપમાં
પહોંચી જઈએ. (પણ મારવાડ દેશ દૂર હતો, રાતે પહોંચાયું. શહેરના દરવાજા બંધ હતા.) હે ભાઈ
દરવાન, દરવાજા ઉઘાડ. દરવાન કહે કે કૂંચી તો રાજદરબારમાં છે. તાળાં તો હવે સવારે ઊઘડશે.
એટલે તોળલે અલખની આરાધના ગાઈ, તાળાં ઊઘડી પડ્યાં. ઉત્સવમાં પહોંચીને પાટમાં બેઠેલા
ભક્ત-સમૂહને કહ્યું : હે ગત્ય-ગંગા! પ્રણામ કરું છું. સમુદાયે પૂછ્યું : હે સતી, જેસલજી
ક્યાં? હે ગત્ય-ગંગા! જેસલજીને ઘેર કામ હતાં. પછી તોળલે જોયું કે પાટની જ્યોત ઝાંખી
ઝાંખી બળવા લાગી. હે ભાઈ! જ્યોત ઝંખવાય છે કેમ? જવાબ મળ્યો, હે સતી! તમે તો ચતુર સુજાણ
છો. સમજી જાઓ. અંજારમાં જેસલજી સ્વર્ગપ્રયાણ કરી ગયા! તોળલે તુરત પાટને વધાવી લઈ ફરી
વેલ્ય સજ્જ કરાવી. માર માર વેગે રાતોરાત પંથ કાપી પ્રભાતે અંજાર પહોંચ્યાં. ગામનાં
ઝાડપાંદ ઝાંખાં જોયાં. મંદિરમાળિયાં નિસ્તેજ દીઠાં. સીમના ગોવાળને પૂછ્યું : હે વીરા!
જેસલજીને સમાત લીધે કેટલો કાળ થયો? હે સતી! ત્રીજો દિવસ થયો. હાય રે હા હા! પૃથ્વી
માતા! મારગ દ્યો. મારે ને એને છેટું પડી ગયું.]
થાનકમાં પહોંચી. માણસો
ચુપચાપ ઊભા હતા. જેસલજી નહોતા. કોઈને પૂછી ન શકી કે જેસલ ક્યાં છે. તાજી પૂરેલ સમાધ
દીઠી. સમાધને કાંઠે અબીલગુલાલ ને લોબાનના ધૂપ દીઠા. કેટલાય લોકોની આંખોમાંથી પાણી પડતાં
હતાં. જેસલે લીધેલી એ સમાધ હતી.
પછી ધૈર્ય ધરીને પોતે
ઊભાં રહ્યાં. સેવકોને કહ્યું : ‘‘તંબૂરો લાવો. મંજીરાં લાવો.’’
હાથમાં એકતારો લઈને તોળલ
ઊભી થઈ. સમાધ ફરતી પ્રદક્ષિણા કરતી, નૃત્ય કરતી, બજાવતી એ ગાવા લાગી :
જાગો! ઓ જાડેજા જેસલ!
તમારાં આપેલાં – સાથે સમાત લેવાનાં વચન સંભારીને વહેલા જાગો, વચનને ચૂકનાર માનવીને
મુક્તિ નહીં મળે. ચોરાશીના ફેરામાં ભટકવું પડશે! જાગો જતિ! જાગો!
જાડેજા રે, વચન સંભારી વે’લા જાગજો!
વચન ચૂક્યા ચોરાશીને
પાર... જાડેજા હો!
વચન સંભારી વે’લા
જાગજો!
જાડેજા રે, સો સો ગાઉ જમીં અમે ચાલી આવ્યાં રે,
આવતાં નવ લાગી
વાર... જાડેજા હો!
એકવીસ કદમ ઠેરી
રિયાં રે,
અમારા શિયા અપરાધ...
જાડેજા હો!
વચન સંભારીને
વે’લા જાગજો!
જાડેજા રે, તાલ તંબૂરો સતીના હાથમાં
સતીએ કીધો અલખનો
આરાધ ; જાડેજા હો!
જે દી બોલ્યા’તા
મેવાડમાં
તે દીનાં વચન
સંભાર... જાડેજા હો!
વચન સંભારીને
વે’લા જાગજો!
જાડેજા રે, મેવાડથી માલો રૂપાંદે આવિયાં,
તેદુનાં વચનને
કાજ ;
ત્રણ દા’ડા ત્રણ
ઘડી થઈ ગઈ ;
સૂતા જાગો રે
જેસલ રાજ!... જાડેજા હો!
વચન સંભારી વે’લા
જાગજો!
જાડેજા રે, માલો પારખ ને રૂપાંબાઈ પેઢીએ,
હીરા હીરા લાલ
પરખાય ;
નૂગરાં સૂગરાંનાં
પડશે પારખાં ;
વચન ચૂક્યો ચોરાશીમાં
જાય... જાડેજા હો!
વચન સંભારી વે’લા
જાગજો!
જાડેજા રે, કાલી કે’વાશે તોળલ કાઠિયાણી,
મૂવા નરને બોલ્યાનાં
નીમ ;
ધૂપ ધજા શ્રીફળ
નહીં ચડે,
આવ્યો ખરાખરીનો
ખેલ... જાડેજા હો!
વચન સંભારીને
વે’લા જાગજો!
જાડેજા રે, આળસ મરડીને જેસલ ઊઠિયા,
ભાંગી ભાંગી ભાયુંની
ભ્રાંત ;
પેલાં મળ્યા રૂપાં
માલદેને,
પછી કીધી તોળલસેં
એકાંત... જાડેજા હો!
વચન સંભારીને
વે’લા જાગજો!
જાડેજા રે, કંકુકેસરનાં કીધાં છાંટણાં,
મોડિયો મેલ્યો
સતીને માથ : જાડેજા હો!
કુંવારી કન્યાએ
વાઘા પે’રિયા હો જી
લાગી લાગી વીવાની
ખાત... જાડેજા હો!
વચન સંભારીને
વે’લા જાગજો!
જાડેજા રે, તોળલ રાણી મુખથી ઓચર્યાં હો જી,
નદિયું સમાત્યું
ગળાવ... જાડેજા હો!
સહુ રે વળાવી
પાછાં વળ્યાં રે,
નવ વળ્યાં તોળાંદે
નાર... જાડેજા હો!
વચન સંભારીને
વે’લા જાગજો!
ઓ જેસલ જાડેજા! કોલ આપેલો
તે યાદ કરજો. મોતમાં પણ જુદા પડવાનું નથી એ તમારું વચન હતું. અને આજે રિસાઈને ચાલી
નીકળ્યા! મેં સો-સો ગાઉની મજલ કેમ કાપી તે તો વિચારો! મારો એવો અપરાધ થયો, જેસલજી!
જાગો, જેસલ પીર! સૂતા છો તે જાગો. નહીં તો આપણે નૂગરાં (ગુરુ વિનાનાં, અજ્ઞાની) કહેવાશું.
નહીં તો કાઠિયાણી તોળલને લોકો કાલી (મૂરખી) કહેશે, અને એવી ફજેતી થશે આપણી સિદ્ધિઓની,
કે આપણી સમાતને માથે પછી ધૂપ, ધજા ને શ્રીફળ નહીં ચડે. જાડેજા! જગતને પારખું કરાવો,
કે આપણા જોગ નકલી નહોતા, આપણા નેહ તકલાદી નહોતા, આપણા કોલ છોકરીઓના ખેલ નહોતા. આપણો
આતમસંબંધ દુનિયાને દેખાડવાનો નહોતો. જાગો, જાડેજા!
તોળલના પડકારા સમાધની
માટીને કંપાવવા લાગ્યા. માટી એની મેળે સરકવા લાગી. શબદ, સંગીત અને નૃત્યની ત્રેવડ ચોટ
લાગી, બ્રહ્મરંધ્રમાં રૂંધાઈ રહેલો જેસલનો પ્રાણ નાડીએ નાડીએ પાછો વળ્યો. જેસલ આળસ
મરડીને ઊભા થયા. એણે મેવાડથી આવેલાં રૂપાંદે-માલદે જોડે પંજા મિલાવ્યા. ને પછી તોળલ
સાથે એકાંત-ચર્ચા કરી.
‘‘જેસલ જાડેજા! બસ, હવે
આપણે માટે એક જ વાત બાકી રહી છે. જીવનમાં જે નથી થઈ શક્યું તે મૃત્યુને માંડવડે પતાવી
લઈએ. લ્યો જેસલજી! આવતા ભવનાં આપણાં પરણેતર ઊજવી લઈએ.’’
તોળલે મસ્તક પર મોડિયો
(પરણતી કન્યા માથે પહેરે છે તે) મૂક્યો. કુંવારી કન્યાની પેઠે વાઘા સજ્યા. બન્ને જણાંએ
સામસામાં કંકુકેસરનાં છાંટણાં કર્યાં. અને પછી નવી બે સમાધ જોડાજોડ ગળાવી. વળાવવા ગયેલાં
બીજાં બધાંય પાછાં વળ્યાં, ન વળ્યાં એક તોળલદે. એ તો જેસલજીની સાથે સમાયાં.
*
પીર કેવરાણા ભાઈ સીધ કેવરાણા
જેણે દલડામાં
ભ્રાંતું નવ આણી રે
અલ્લા હો! જુગમાં
સીધ્યાં જેસલ ને તોળી
બીજ રે થાવરનો
જામો રચાવિયો
ધણી કેરો પાટ
મંડાણો રે હાં ;
માજમ રાતના હુઆ
મસંદા ત્યારે
ચોરી થકી ઘેર
આવ્યો રે.— અલ્લા હો .
તોળીને ઘેર જામો રચાયો રે હાં ;
ત્યારે કાઠીડે
કીધી કમાણી,
તોળી ઘોડી લઈ
સોંપ્યાં ત્યારે
સાયબાને રાખ્યા
સંગાથી રે.—અલ્લા હો .
ચોવીસ વરસ સુધી ચોરિયું રે કીધી રે હાં ;
ઘણા જીવજંતને
માર્યાં ;
ધોળાં આવ્યાં
ત્યારે ધણીને સંભાર્યા
મંદિર પધાર્યા
મોરારિ રે.— અલ્લા હો .
આ કળજગમાં ત્રણ નર સિદ્ધા રે હાં
જેસલ જેતો 66 ને તોળી ;
અંજાર શે’રમાં
અજેપાળ સીધ્યા
તોળલે ત્રણ નર
તાર્યા રે.— અલ્લા હો .
બીજ હતું તે સાધુમુખ વાવરિયું રે હાં ;
વેળુ વાવીને ઘેર
આવ્યાં ;
એકમન રાખી અલખ
અરાધ્યો
સાચાં મોતી ઘેર
લાવ્યાં રે.— અલ્લા હો .
ઊંચા ઊંચા મોલ ને તે પર આંબ્યાં નીર રે હાં ;
નીચાં ગંગાજળ
પાણી,
માલદે કોટવાળ
ઉમા આરાધે
જેસલ તોળી નીરવાણી
રે.
— અલ્લા હો .
65 . જામનગરનું જૂનું નામ
66 . તોળલે ગર્ભ છેદીને કાઢેલા પુત્રનું નામ
[જેસલને ખાડી ઉતારી કચ્છમાં
લાવીને તોળલે બોધ દીધેલો તેનું ભજન]
જેસલ, કરી લે વિચાર,
માથે જમ કેરો
માર,
સપના જેવો છે
સંસાર
તોળી રાણી કરે
છે પોકાર
આવોને જેસલરાય!
આપણ પ્રેમ થકી મળીએં જી
પૂરા સંત હોય
ત્યાં જઈ ભળીએં જી!
આવ્યો અમૂલખ અવતાર
માથે સતગુરુ અવતાર
જાવું ધણીને દુવાર
કાયા બેડી ઉતારે
ભવપાર
આવોને જેસલરાય.—
આપણ ૦
ગુરુના ગુણનો નહીં પાર
ભગતી છે ખાંડાની
ધાર
નૂગરા કર્યા જાણે
સંસાર
એનો એળે જાય અવતાર
આવોને જેસલરાય.—
આપણ .
જીવની ગતિ ગુરુની પાસ
જેવી કસ્તૂરીમાં
વાસ
ધણી તારા નામનો
વ્યાસ
સેવકોની પૂરો
હવે આશ
આવોને જેસલરાય.—
આપણ .
છીપું સમુંદરમાં થાય
તેનીયું સફળ કમાઈ
સ્વાતના મેહુલા
વરસાય
ત્યારે સાચાં
મોતીડાં બંધાય
આવોને જેસલરાય.—
આપણ .
મોતીડાં એરણમાં ઓરાય
માથે ઘણ કેરા
ઘાય
ફૂટે તે ફટકિયાં
કે’વાય
ખરાની ખળે ખબરું
થાય
આવોને જેસલરાય.—
આપણ .
ચાંદોસૂરજ વસે છે આકાશ
નવલખ તારા તેની
પાસ
પવન પાણી ને પરકાશ
સૌ લોક કરે તેની
આશ
આવોને જેસલરાય.—
આપણ .
નવલાખ કોથળિયું બંધાય
તે તો ગાંધીડો
કે’વાય
હીરામાણેક હાટોડે
વેચાય
તે દી એનાં મૂલ
મોંઘાં થાય
આવો ને જેસલરાય.—
આપણ .
નત્ય નત્ય ઊઠી નાંવા જાય
કોયલા ઊજળા ન
થાય
ગુણિકાને બેટડો
જો થાય
બાપ કેને કે’વાને
જાય
આવોને જેસલરાય.—
આપણ .
પ્રેમના પાટ પ્રેમના થાટ
ઝળહળ જ્યોતુંના
ઝળળાટ
આગળ નમન્યું જ્યાં
થાય
આવોને જેસલરાય.—
આપણ .
મનની માંડવિયું રોપાય
તન કેરા પડદા
બંધાય
જતિ સતી મળી ભેળાં
થાય
સતિયુંના પંજા
જ્યાં મેળાય
આવોને જેસલરાય.—
આપણ .
દેખાદેખી કરો રે મત ભાઈ
હાથમાં દીવડીઓ
દરશાય
અંતરે અંજવાળાં
થાય
ચાર જુગની વાણી
તોળલ ગાય
આવોને જેસલરાય.—
આપણ .
* * *
Post a Comment