એક માણસ રસ્તા પરથી પસાર થઈ રહ્યો હતો, ત્યારે તેણે રસ્તાના કિનારે બાંધેલા હાથીઓને જોયા અને અચાનક રોકાઈ ગયો. તેણે જોયું કે હાથીઓના આગળના પગમાં માત્ર એક નાની દોરડી બાંધેલી છે. તેને એ વાતનું ખૂબ આશ્ચર્ય થયું કે હાથી જેવા વિશાળકાય પ્રાણી લોખંડની સાંકળોને બદલે માત્ર એક નાની દોરડીથી બાંધેલા છે! એ સ્પષ્ટ હતું કે હાથી જ્યારે ઈચ્છે ત્યારે પોતાના બંધન તોડીને ક્યાંય પણ જઈ શકતા હતા, પરંતુ કોઈ કારણસર તેઓ એવું કરી રહ્યા નહોતા.
તેણે પાસે ઊભેલા મહાવતને પૂછ્યું કે, "આ હાથીઓ આવી રીતે શાંતિથી કેમ ઊભા છે અને ભાગવાનો પ્રયત્ન કેમ નથી કરી રહ્યા?"
ત્યારે મહાવતે કહ્યું, “આ હાથીઓને નાના હતા ત્યારથી જ આ દોરડીઓથી બાંધવામાં આવે છે. એ સમયે તેમની પાસે આ બંધન તોડવાની શક્તિ નહોતી. વારંવાર પ્રયત્ન કરવા છતાં પણ દોરડી ન તોડી શકવાને કારણે તેમને ધીમે ધીમે વિશ્વાસ થઈ ગયો કે તેઓ આ દોરડી ક્યારેય નહીં તોડી શકે. મોટા થયા પછી પણ તેમનો આ વિશ્વાસ કાયમ રહે છે, તેથી તેઓ ક્યારેય તેને તોડવાનો પ્રયત્ન જ નથી કરતા.”
પેલો માણસ આશ્ચર્યચકિત થઈ ગયો કે આટલા શક્તિશાળી પ્રાણીઓ માત્ર એટલા માટે પોતાના બંધન તોડી શકતા નથી, કારણ કે તેઓ એ વાતમાં માનવા લાગ્યા છે!
બોધપઠ:
આ હાથીઓની જેમ જ આપણામાંથી પણ ઘણા લોકો ભૂતકાળમાં મળેલી નિષ્ફળતાને કારણે એવું માની બેસે છે કે હવે આપણાથી આ કામ થઈ જ નહીં શકે અને પોતાની જ બનાવેલી માનસિક સાંકળોમાં જકડાઈને આખું જીવન વિતાવી દે છે.
યાદ રાખો, નિષ્ફળતા એ જીવનનો એક ભાગ છે અને સતત પ્રયત્ન કરવાથી જ સફળતા મળે છે. જો તમે પણ એવા કોઈ માનસિક બંધનમાં બાંધેલા છો જે તમને તમારા સપના સાકાર કરતા રોકી રહ્યું છે, તો તેને તોડી નાખો... તમે હાથી નથી, માણસ છો!
આજની પ્રેરણા:
દરેક સંબંધે સંઘર્ષમાંથી પસાર થવું પડે છે, પરંતુ મજબૂત સંબંધો આ સંઘર્ષો પર વિજય મેળવે છે.
આજથી આપણે: આપણા સંબંધોને વધુ મજબૂત અને કાયમી બનાવીએ...

Post a Comment