કાળી તલાવડીનો વંકો વીર આહીર



રાતનો સમય હતો, ભૂજની બજારમાં કાલા કપાસ વેચી વંકો આહીર પોતાના જાતવાન બળદોને ડચકારતો ગાડુ લઈ પોતાના ગામ કાળી તલાવડી તરફ પાછો ફરી રહ્યો હતો, ભૂજથી મોડું થતા ઉતાવળે બળદોને હાંકતા કુપમા થઈ લાખોંદની સીમ વટાવી તે ઘેર પહોંચવા ઉતાવળો થયો હતો. બળદો રસ્તાના જાણકાર હોય રેવાળ ચાલે ઘર તરફ ઉતાવળે પગે આગળ વધી રહ્યા હતા. 

માગસર માસના કૃષ્ણપક્ષની રાત હોય અંધારાના ઓળા મારગ પર પથરાયેલા હતા. પણ વંકા આહીરને તેની ક્યાં પરવાહ હતી, તે તો રામાપીરનો હેલો લલકારતો ગાડુ લઈ આગળ વધી રહ્યો હતો. પોતાના ગામ કાળી તલાવડીની સીમ શરૂ થતા ઘેર પહોંચવાની ઝાઝી વાર ન હતી. ત્યાં અચાનક બળદો ભડકતા વગડાના જાણકાર વંકા આહીરે સાવધાન થતા ગાડામાં પડેલ બાવળનું આડું હાથમાં લીધું.

વંકો આહીર વધુ કંઈ વિચારે એ પહેલા માર્ગના કિનારે આવેલા લીમડાના ઝાડમાં છુપાઇને બેઠેલા ચિત્તાએ અચાનક બળદ ઉપર તરાપ મારી. અંધારી રાતમાં તરાપ મારતા ચિત્તાની ઝગારા મારતી આંખો જોઈ વંકા આહીરે પળનોય વિલંબ કર્યા વગર આડાનો છુટો ઘા કર્યો. ચિત્તો બળદ સુધી પહોંચે એ પહેલા જ વંકા આહીરના આડાએ હવામાં જ તેની ખોપરીનો ભૂક્કો બોલાવી દેતા તે મરણને શરણ થયો. 

ચિત્તા રૂપી માથેથી ઘાત ટળતા વંકો આહીર જાણે કાંઈ બન્યું ન હોય તેમ બળદોને ડચકારતો રામાપીરનો હેલા ગાતો ગાતો ઘેર પહોંચ્યો. બીજા દિવસે સવારે લોકોએ કાળી તળાવડીના માર્ગે નીકળતા રસ્તા વચ્ચે ચિત્તાને મરેલો જોતા કચ્છના રાજાને તેની જાણ કરવામાં આવી. અને એ સાથે કચ્છના રાજા ખેંગારજી બાવાના આદેશનો ભંગ કરી ચિત્તાનો શિકાર કરનારને પકડવાની તપાસ શરૂ થઈ. કચ્છ પર શાસન કરતા ખેંગારજી બાવાએ પોતાના રાજમાં ચિત્તાનો શિકાર કરનારને છ માસની સજા જાહેર કરેલ હતી. 

પોલીસે તપાસ કરતા ચિત્તાને મારનાર કાળી તળાવડીના વંકા આહીરને પકડી લેવામાં આવ્યો. ભૂજની કોર્ટમાં કેસ ચાલતા વંકા આહીરે ચિત્તા માર્યાનો ગુનો કબુલ કરી લેતા તેને છ માસની સજા કરવામાં આવતા જેલને હવાલે કરવામાં આવ્યો હતો. પરંતુ કચ્છના રાજા ખેંગારબાવાને એક આડાના ઘાથી ચિત્તાને કાળી તળાવડીના વંકા આહીરે મારી નાંખ્યાની વાત સાંભળતા તેને ભારે નવાઈ લાગી હતી. કચ્છનો રાજા જાણતો હતો કે ચિત્તાને બંદૂકની ગોળીએ મારવો પણ મુશ્કેલ હોય છે, ત્યાં એક આડાના ઘાથી ચિત્તાને મારનાર વંકા આહીરની તાકાત અંગે નવાઈ પામતા તેને પોતાની સમક્ષ રજૂ કરવા આદેશ કર્યો. રાજદરબારમાં હાજર થયેલા ઘેરદાર ચોરણા માથે કેડીયુ અને માથે બાંધેલા સફેદ રુમાલમાં શોભી રહેલા પડછંદ કાયા ધરાવતા વંકો આહીરને કચ્છના ધણી ખેંગારજી બાવાએ પુછ્યું.

“વંકા, તું જાણશ કે રાજમાં ચિત્તાને મારવો ગુનો છે ?”

“”બાપુ, માફ કરજો રાજનો ગુનો કર્યો છે પણ જાનવરના હાથે મારા જીવથી વહાલા બળદને કમોતે મરતા જોવા કરતા રાજાને હાથે મરવું મારા માટે અહોભાગ્ય ગણાય !!!!” 

નિડર વંકા આહીરનો જવાબ સાંભળી રાજા ખુશ થયા. 

”વાહ, વંકા તારા જેવી નિડર રૈયત કચ્છમાં વસે છે ત્યાં સુધી કચ્છની ધરા ઉજ્જવળ રહેશે !” કચ્છના ધણીએ સિંહાસન પરથી ઉભા થઈ વંકા આહીરની પીઠ થાપડી શિરપાવ સાથે તેને સજામુક્ત કરવાનો હુકમ કર્યો હતો.

Post a Comment

Previous Post Next Post