તમે વિદ્યાર્થી પાસે શાળાની સફાઈ કેમ કરાવી ?

 થોડાં સમય પહેલાં એક વીડિયો જોયો જેમાં એક કહેવાતા પત્રકાર એક શાળામાં જઈને શિક્ષકને ધમકાવે છે કે તમે વિદ્યાર્થી પાસે શાળાની સફાઈ કેમ કરાવી ? પેલા બિચારા ગભરુ શિક્ષક આ મહાન પત્રકારની માફી માંગે છે જાણે કે એનાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ હોય. વિદ્યાર્થીઓની હાજરીમાં એક ઓછું ભણેલો માણસ શિક્ષકને મનફાવે એમ તતડાવતો હોય એ તો કેવું કેવાય ? 



આજ કાલ સોશ્યલ મીડિયાને કારણે પત્રકારોનો રાફડો ફાટયો છે. બધાને છવાઈ જવું છે અને રાતો રાત ફેમસ બની જવું છે. એક મોબાઈલ અને હાથમાં બૂમ પકડીને ગમે ત્યાં પહોંચી જાય અને જાણે કે સામેવાળી વ્યક્તિ મોટા ગુનેગાર હોય એમ ધમકાવવા માંડે. સાચો પત્રકાર શિક્ષકને નહિ પણ મુખ્યમંત્રી, મંત્રી, સાંસદ, ધારાસભ્ય, કલેકટર, ડી.એસ.પી. વગેરેને જઈને સવાલ પૂછે. આવી હિંમત તો હોય નહિ એટલે ભૂંગળા લઈને શાળામાં પહોંચી જાય. 


શાળામાં અભ્યાસ માટે આવતું બાળક કદાચ થોડો શારીરિક શ્રમ કરે તો એમાં બાળકનું પોતાનું જ હિત છે. શાળાનું નાનું મોટું કામ કરવામાં બાળકને શું નુકસાન થાય એ તો કહો ? હા, શક્ય છે કે કદાચ ક્યારેક કોઈ નાની - મોટી ઈજા થાય, તો આવું તો ગમે ત્યાં થઈ શકે. કોઈ ઈજા થાય તો એ તો થોડા દિવસમાં સરખું થઈ જાય પણ એક વખત જો શ્રમ પ્રત્યે સુગ ચડી જાય તો એ વિદ્યાર્થી જીવનભર પાંગળો થઈ જાય.


પ્રભુ શ્રી રામ અયોધ્યાના રાજકુમાર હતા આમ છતાં વશિષ્ઠજીના આશ્રમમાં તમામ પ્રકારનો શારીરિક શ્રમ કરતા હતા. ભગવાન શ્રીકૃષ્ણ પોતે જીતેલું રાજ્ય નાનાજીને સોંપીને સાંદિપની પાસે ભણવા ગયેલા અને ત્યાં લાકડા કાપવા છતાં પણ એમને બિલકુલ સંકોચ નહોતો થતો. કૌરવો અને પાંડવો હસ્તિનાપુરના રાજકુમારો હતા આમ છતાં ગુરુ દ્રોણના આશ્રમમાં અભ્યાસની સાથે એ બધું જ કામ કરતા. આજે પણ ગ્રામ દક્ષિણા મૂર્તિ કે સર્વોદય સંસ્થાઓમાં રસોઈથી લઈને સફાઈ સુધીના મોટાભાગના કામ વિદ્યાર્થીઓ જાતે કરતા હોય છે. આ કેળવણીનો જ એક અતિ મહત્વનો ભાગ છે.


શાળામાં વિદ્યાર્થીઓ પાસે કામ કરાવવામાં આવે તો ૧૦૦ માંથી ૯૯ વાલીઓને કોઈ વાંધો હોય જ નહિ. કોઈ એકાદ અપવાદ એવો હોય જેને વાંધો હોય અને આવા વાલી માત્ર શારીરિક રીતે માં કે બાપ બની જાય છે પરંતુ બાળકના ઘડતરની સાચી સમજ હોતી નથી. એના કરતાં આપણા વડવાઓ કેટલા હોશિયાર હતા કે ઓછું ભણેલા હોય પણ શાળાના શિક્ષકને વિદ્યાર્થીને કેળવવા જે કરવું પડે એ બધું કરવાની છૂટ આપી હોય. બાળકો શાળામાં નાનું મોટું કોઈ કામ કરે તો વાલીઓને કોઈ વાંધો નથી પણ આ કહેવાતા પત્રકારોને પીડા ઉપડે છે.


ખરા અર્થમાં મરદનું ફાડીયું હોય તો સચિવાલયમાં જઈને સવાલ પૂછો, શાળામાં જઈને નહિ. શિક્ષકો અને વિદ્યાર્થીઓને એમનું કામ કરવા દો એટલી પ્રાર્થના છે.

Post a Comment

Previous Post Next Post