મીઠાં કારેલાં....


ચોમાસુ આવતા સીમ-ખેતરમાં આપોઆપ કુદરતી રીતે આ કંકોડાનાં વેલાઓ ઊગી નીકળે છે. મારા ખેતરનાં ચારેય શેઢે આ કંકોડાનાં વેલાઓ ઊગે છે. આજે તો કંકોડાનાં ફાયદા અને ડિમાન્ડના અનુસંધાનમાં, ગુજરાત અને આખી દુનિયામાં આ શાકભાજીની ખેતી પણ ભરપૂર પ્રમાણમાં થાય છે. કંકોડાનાં વેલા પર કંકોડાં તરીકે ઓળખાતું નાનકડું ફળ બેસે છે. એ ફળને આપણે કંકોડાં, કંટોલાં, મીઠાં કારેલાં અથવા ખેકસાં કહીએ છીએ. પ્રદેશ પ્રમાણે આને અલગ અલગ નામથી ઓળખવામાં આવે છે. તેનો શાકભાજી તરીકે રસોઈમાં ઉપયોગ થાય છે. ચોમાસાની ઋતુમાં અમે દસ થી પંદર વખત આ કંકોડાનું શાક બનાવીએ છીએ. કંકોડાનું શાક ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. આ શાક ખાવામાં જેટલું સ્વાદિષ્ટ બને છે એટલું જ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક પણ છે. કંકોડાનું અથાણું અને જ્યૂસ પણ બનાવી શકાય છે. ચલો, આજે હું તમને કંકોડાનાં થોડાક ફાયદાઓ જણાવીશ.


કંકોડામાં Amino Acids, Zinc, Glycosides, Sodium, Alkaloids, Potassium, Phosphorus વગેરે તત્ત્વોની હાજરી રહેલી છે. કંકોડાનું સેવન કરવાથી હેલ્થ સંબંધી બીમારીઓમાં ખૂબ ફાયદો થાય છે. કંકોડામાં LUTEIN હોય છે આથી કેન્સર અને હાર્ટ પેસેન્ટ માટે ઉપયોગી થાય છે. કંકોડાં ઈમ્યૂનિટીને બુસ્ટ કરે છે. ડાયાબિટીસના દર્દીઓ અને બલ્ડ પ્રેસરનાં દર્દીઓ માટે પણ ઉપયોગી થાય છે. કંકોડામાં ફાઈબરની માત્રા વધુ હોય છે અને કેલરીની માત્રા ઓછી હોય છે આથી વજન ઘટાડવામાં મદદરૂપ થાય છે. સાથે સાથે ચહેરા પરનાં ખીલ, કાળા ધબ્બાને દૂર કરે છે અને ચહેરાને ગ્લો બક્ષે છે, નિખાર આપે છે. આંખોની રોશની વધારે છે, હાડકાંઓને મજબૂત કરે છે, કબજીયાત, અપચો વગેરેમાં પણ ફાયદાકારક સાબિત થાય છે. કંકોડામાં મીટથી પચાસ ગણું વધારે પ્રોટીન હોય છે. માટે જ આયુર્વેદમાં કંકોડાને એક ઔષધિ માનવામાં આવેલ છે.


તમને કંકોડાનું શાક ભાવે છે ? તમે આને ક્યાં નામે ઓળખો છો ? કોમેન્ટમાં જણાવજો. 

Post a Comment

Previous Post Next Post