જ્યોર્જ વોશિંગ્ટન



વિશ્વના પ્રત્યેક દેશના ઇતિહાસની બે બાજુઓ હોય છે : 1. ગુલામી અને 2. આઝાદી. લગભગ પ્રત્યેક દેશ કોઈ ને કોઈ સમયે કોઈનો ગુલામ રહ્યો હોય છે અને પછી આઝાદ થયો હોય છે. વિશ્વ ઉપર રાજ્ય કરનાર ઇંગ્લૅન્ડ કોઈ સમયે રોમનોનો ગુલામ હતો. આજે પણ ત્યાં રોમન સામ્રાજ્યની નિશાની સ્વરૂપ વ્હાઈટફોર્ટ રોમન કિલ્લો છે. કદાચ કોઈ દેશ કદી પણ કોઈનો ગુલામ થયો જ ન હોય તેવું ભાગ્યે જ બને. ગુલામીનાં નિશ્ચિત કારણો હોય છે અને આઝાદીનાં પણ નિશ્ચિત કારણો હોય છે. પહેલાં ગુલામીનું એક જ કારણ રહેતું—દુર્બળતા. ત્યારે પ્રબળો, દુર્બળો ઉપર રાજ કરતા. જ્યારથી યુનો સંસ્થા થઈ છે, ત્યારથી દુર્બળો પણ આઝાદી ભોગવી રહ્યા છે. બે વિશ્વયુદ્ધોની મહાવિનાશકારી ખુવારી વેઠ્યા પછી, વિશ્વની મહાસત્તાઓએ યુનો અને તેની પેટા સંસ્થાઓની રચના કરી છે અને સૌને પોતપોતાના રાજ્યની સ્વતંત્રતાની ગૅરન્ટી આપી છે. તેથી ઘણાં યુદ્ધો ઓછાં થઈ ગયાં છે. આ યુનોની દેન પશ્ચિમી રાષ્ટ્રોની છે.
આજનું સર્વસમર્થ રાષ્ટ્ર અમેરિકા ત્યારે બ્રિટેનનું ગુલામ હતું. આ એક નવાઈ જ કહેવાય કે અંગ્રેજો, અંગ્રેજોના ગુલામ હતા. જે અંગ્રેજો બ્રિટેનથી ભાગ્યા અને અમેરિકામાં વસ્યા તેમના ઉપર શાસન તો અંગ્રેજો જ કરતા હતા! અંગ્રેજોનું સામર્થ્ય તો જુઓ, અમેરિકા-કેનેડાથી માંડીને છેક ભારત-સિંગાપોર-હોંગકોંગ સુધી તે અનેક દેશો ઉપર સફળતાપૂર્વક રાજ્ય કરતા હતા. આવી અને આટલી ક્ષમતા બધી પ્રજાઓમાં નથી હોતી. આપણે માનીએ કે ન માનીએ પ્રત્યેક પ્રજામાં કેટલીક જન્મજાત ક્ષમતાઓ હોય છે, ત્યારે આજના અમેરિકાનો નકશો અધૂરો હતો. એક પછી એક તેર રાજ્યો ઉપર બ્રિટેનનો યુનિયન જેક લહેરાતો હતો. ભારતની માફક ત્યાં પણ વાઈસરોય અથવા ગવર્નર-જનરલ બ્રિટેન વતી શાસન કરતો હતો. બધા કાયદા-કાનૂન બ્રિટેનથી બનાવાતા હતા. આ તેર વસાહતો આ પ્રમાણે હતી : 1. કેનેકિટકટ, 2.ન્યૂજર્સી, 3. ન્યુયોર્ક, 4. નોર્થ કેરોલિના, 5. જ્યોર્જિયા, 6. મેરિલેન્ડ, 7. મેલેચ્યુસેટ, 8. ડેલએવર, 9. ન્યૂ હેમ્પ શાયર, 10. પેનસિલ્વેનિયા, 11. રહોડ આયર્લેન્ડ, 12. સાઉથ કેરોલિના અને 13. વર્જિનિયા. આ કોલોનીઓમાં જૂની પ્રજા રેડ ઈન્ડિયનોને મારીને હઠાવીને ગોરી પ્રજા વસતી હતી. રેડ ઇન્ડિયન પ્રજા 20 હજાર વર્ષોથી છૂટી-છવાઈ જુદા જુદા કબીલાઓમાં વસતી હતી. પણ તે વિકસિત થઈ ન હતી. મૂળમાં તો તે ભારતના છેક ઉત્તરી ભાગમાંથી સ્થળાંતર કરીને અમેરિકા મહાખંડમાં પહોંચી હતી. ચીન, માંગોલિયા, સાઇબિરિયા અને અલાસ્કા થઈને તે કેનેડા ઊતરી પડી હતી અને પછી છેક દક્ષિણ સુધી ફેલાઈ ગઈ હતી. ત્યારે ઉત્તર અમેરિકા પૂરો ખાલી પડ્યો હતો, કોઈ માનવજાતિ-વસતી જ ન હતી. માનવ વસવાટની વ્યાપકતા સમુદ્રીયાત્રાથી થઈ. કોલંબસે અમેરિકા શોધી કાઢ્યો. અને પછી ધાડે ધાડાં ઊતરવા લાગ્યાં. સ્થળાંતર કરનારી પ્રજા વિજિગીષુ હોય છે. બાપના ગામમાં જ વસનારી અને પોતાનું સ્થાન વિશ્વનું સૌથી પવિત્ર અને મહાન છે તેવું માનનારી પ્રજા સ્થળાંતર નથી કરતી. હજારો અગવડો અને કષ્ટો વેઠીને પણ ત્યાંની ત્યાં જ પડી રહે છે. તે વિકાસ તો નથી કરી શકતી આઝાદી પણ નથી સાચવી શકતી. ગુલામીનું એક મહત્ત્વનું કારણ આ પણ હોય છે કે પ્રજામાં ઐચ્છિક સ્થળાંતરની કેટલી ક્ષમતા છે. આ સુપર પ્રજા હોય છે. જ્યાં સમૃદ્ધિની તકો હોય છે ત્યાં આ પ્રજા પહોંચી જતી હોય છે અને સમૃદ્ધ થતી હોય છે. જે વતનથી ખસતી જ નથી તે પગ ઘસતી જીવે છે અને મરે છે.
ઓગસ્ટીન અને મેરી વર્જિનિયામાં આવીને વસી ગયાં. પહેલાં પ્રજા નદીના કિનારે વસતી. મોટો પ્રશ્ન પાણીનો રહેતો જે નદી દ્વારા ઉકેલાયો. ઋષિમુનિઓ પણ નદીકિનારે વસતા. અહીં કાંપવાળી ફળદ્રુપ જમીન હતી. બુદ્ધિપૂર્વકની મહેનત કરનારો વર્ગ ક્યાંય ભૂખે નથી મરતો. બુદ્ધિ વિનાનો માત્ર મહેનત કરનારો વર્ગ માત્ર શ્રમજીવી બની જતો હોય છે. ઓગસ્ટીને શ્રમ કરીને જમીનને ખેતીને લાયક બનાવી. અને તેમાં તમાકુની ખેતી કરી. તમાકુ આપણી નથી. તમાકુ, ચા, બટાકાં વગેરે ઘણી વસ્તુઓ ગોરાઓ ભારતમાં લાવ્યા છે. વર્જિનિયામાં તમાકુનું મબલક ઉત્પાદન થતું હોવાથી તેની ઓળખ વર્જિનિયા તરીકે પણ થઈ.
ઓગસ્ટીન અને મેરીને ત્રણ પુત્રો હતા—લોરેન્સ, ઓસ્ટીન અને જ્યોર્જ. ત્યારે બધાં બાળકો પ્રાથમિક શિક્ષણ અમેરિકામાં લઈને ઉચ્ચ શિક્ષણ માટે ઇંગ્લૅન્ડ ભણવા જતાં. ઉચ્ચ શિક્ષણની વ્યવસ્થા અમેરિકામાં ન હતી. જોકે ઉચ્ચ શિક્ષમનું પ્રમાણ ઘણું ઓછું રહેતું. જીવનવ્યવહાર માટે પ્રાથમિક શિક્ષણ પર્યાપ્ત મનાતું. પણ કોઈ કોઈ માતા-પિતા પોતાનાં બાળકોને વધુ શિક્ષણ માટે ઇંગ્લૅન્ડ મોકલતાં. જે ઉચ્ચ પદો ઉપર પ્રતિષ્ઠિત થતાં.
મોટો લોરેન્સ ઇંગ્લૅન્ડ ભણવા ગયો ત્યારે વિશાળ સમુદ્ર સઢવાળાં જહાજોથી પાર કરતો. 1-2 મહિને જહાજ ઇંગ્લૅન્ડ પહોંચતું. લોરેન્સ ઉચ્ચ શિક્ષણ લઈને બ્રિટિશસેનામાં ઉચ્ચ હોદ્દો ધારણ કરીને પાછો અમેરિકા આવ્યો ત્યારે તેની ઉંમર 23 વર્ષની હતી અને નાનો જ્યોર્જ આઠ જ વર્ષનો હતો. ગોરી પ્રજામાં વર્ણવ્યવસ્થા ન હોવાથી બધા લોકો યોદ્ધા બનતા, બધા પ્રોફેસરો થઈ શકતા અને બધા વ્યાપારીઓ પણ થઈ શકતા. બધા ખેતી અને કારમી મજૂરી કરતા પણ કોઈ શૂદ્ર ન કહેવાતા. ધર્મવ્યવસ્થા અને સમાજવ્યવસ્થા, વ્યક્તિ અને રાષ્ટ્રના જીવનમાં મહત્ત્વનો ભાગ ભજવતી હોય છે. આભડછેટિયા ધર્મવ્યવસ્થાના કારણે આપણે વાસ્કોડીગામા કે કોલંબસ પેદા ન કરી શક્યા. આ વાત જો સમજાય તો ઘણી આત્મશ્લાઘા ઓછી થઈ જાય. લોરેન્સ જ્યારે સેનાનાયકનો રુઆબદાર પોશાક પહેરીને ઘરે આવ્યો ત્યારે નાનકડા જ્યોર્જને તે બહુ આકર્ષક લાગ્યો. તે તેની કમ્મરે બાંધેલી તલવાર ઉપર હાથ ફેરવતો રહ્યો. કિશોરાવસ્થા પ્રેરણા ઝીલનારી અવસ્થા હોય છે. આ અવસ્થામાં કિશોરને જેવું વાતાવરણ મળે તેવી તેને પ્રેરણા મળે. જો ઘરમાં સાધુ-ભક્તોની વધુ આવ-જા હોય તો તેવું થવાની પ્રેરણા મળે. જો ઘરમાં દારૂડિયા કે જુગારિયાની વધુ અવરજવર હોય તો તેવી પ્રેરણા મળે. પણ જો ઘરમાં વીરતાનું વાતાવરણ હોય તો વીર થવાની પ્રેરણા મળે. જ્યોર્જને યોદ્ધા થવાની પ્રેરણા પોતાના ભાઈ લોરેન્સ તરફથી મળી.
તે વખતે ઇંગ્લૅન્ડ અને સ્પેન વચ્ચે યુદ્ધ ફાટી નીકળ્યું હતું. વિજિગીષુ પ્રજા મોટા ભાગે યુદ્ધરત રહેતી હોય છે. મુમુર્ષુ પ્રજા યુદ્ધવિમુખ વિચારો વાળી હોવાથી જ્યાં યુદ્ધ ન હોય તેવી શાંતિવાળી જગ્યામાં કુટિયા બાંધીને ભજન કરતી હોય છે. તે કદાચ ભજન કરીને શાંતિ તો મેળવે પણ રાષ્ટ્રની રક્ષા કે વૃદ્ધિ ન કરી શકે. સ્પેન અને ઇંગ્લૅન્ડ વચ્ચે ભયંકર સમુદ્રીયુદ્ધ ચાલતું હતું તેથી લોરેન્સને તરત જ યુદ્ધમાં ઝંપલાવવાનો હુકમ મળ્યો. તેના જેવા બીજા પણ કેટલાય યોદ્ધાઓને વાજતેગાજતે જહાજ ઉપર ચઢાવવામાં આવ્યા, જ્યોર્જ વહાણને જોતો જ રહી ગયો! “મારે પણ આવા થવું છે” તેવા વિચારો વાગોળતો રહ્યો. લોરેન્સની વિદાયથી કોઈએ રોકકળ ન કરી. અરે, મરી જશે તો! કોઈએ તેના ગળામાં કે કાંડા ઉપર નાનાંમોટાં તાવીજ કે માદળિયાં ન બાંધ્યાં.
જ્યોર્જ પાછો ઘરે આવ્યો અને તેની ઉંમરના કિશોરની ટુકડી બનાવીને સૌના હાથમાં લાકડી આપીને સેનાની નકલ કરવા લાગ્યો. આ બાળકનું ઘડતર જ કહેવાય. આ અવસ્થામાં તે કોની નકલ કરે છે તે મહત્ત્વનું છે. તે જો ડાહ્યોડમરો થઈને માળા ફેરવતો થઈ જશે તો નક્કી સમજો ઘરમાં એક ભગત થશે પણ તે જો તલવાર ફેરવતો થશે તો કદાચ યોદ્ધો થશે. ભગત કદાચ આત્મકલ્યાણ કરશે પણ યોદ્ધો થશે તો રાષ્ટ્રકલ્યાણ કરશે.
ઇંગ્લૅન્ડ-સ્પેનનું યુદ્ધ બે વરસ ચાલ્યું. ગોરાઓનું યુદ્ધ વર્ષો સુધી ચાલતું. કારણ કે સમજણ પૂર્વક યોજનાબદ્ધ લડાતું. હાર-જીત થયા કરતી પણ અંતિમ નિર્ણય તો ઘણો મોડો આવતો. રાજપૂતી યુદ્ધ મોટા ભાગે ઈમોશનલ રહેતું. મોટા ભાગે કોઈ સ્ત્રી પ્રસંગથી યુદ્ધ થતું અને કશી યોજના કે વ્યૂહ વિના સામી છાતીએ લડી લેવાનું, સાંજ પડતાં-પડતાં તો હારજીતનો નિર્ણય થઈ જતો. હારનારો પક્ષ લગભગ સમાપ્ત થઈ જતો, પુરુષો કેસરિયાં કરીને અને સ્ત્રીઓ જૌહર કરીને પોતે જ પોતાની રોયલબ્લડની સમાપ્તિ કરી બેસતા. ગોરાઓ ન તો કેસરિયાં કરતાં ન કદી જૌહર કરતા. બંનેના ફરકને સમજવો જરૂરી છે.
યાત્રાથી પાછો આવેલો અને યુદ્ધના મોરચાથી પાછો આવેલો માણસ બહુ વાતોડી હોય. કારણ કે તેની પાસે વાતો કરવાનો મસાલો ઘણો હોય. લોરેન્સ પોતાના યુદ્ધના અનુભવો નાના જ્યોર્જને સંભળાવ્યા કરતો. જ્યોર્જને તેમાંથી પ્રેરણા મળતી અને મનોમન સેનાપતિ થવાનાં સ્વપ્નો સેવવા લાગ્યો.
જ્યોર્જ હજી તો માંડ અગિયાર વર્ષનો થયો હશે ત્યાં તો તેના પિતાનું અવસાન થઈ ગયું. મા મેરી વિધવા થઈ ગઈ. પુરુષ કરતાં સ્ત્રી વધુ રડે છે અને વધુ હસે પણ છે. જે વધુ રડે અને વધુ હસે તે લાગણીપ્રધાન હોય. લાગણીપ્રધાન જીવનને હંમેશાં બે વસ્તુઓની આવશ્યકતા રહે. હૂંફ અને નિયંત્રણ. જો આ બે તત્ત્વો ન હોય તો લાગણીઓ પાળ તોડી શકે છે.
અગિયાર વર્ષના જ્યોર્જે રડતી માને આશ્વાસન આપ્યું કે : “મા તું રડીશ નહીં, હું છું ને! હવે હું ઇંગ્લૅન્ડ ભણવા નહીં જાઉં. તારી પાસે રહીશ અને ખેતી કરીશ. જમીન વધારીશ.” મેરીને જ્યોર્જની કાલીઘેલી બોલી સારી લાગી. જેને આશ્વાસન કે હૂંફ આપનાર કોઈ નથી હોતું તેવી વિધવા સ્ત્રીનું શું થતું હશે?
ખરેખર જ્યોર્જ ઇંગ્લૅન્ડ ભણવા ન ગયો. માતાની ખાતર તેણે પોતાનું કૅરિયર જતું કર્યું. કૅરિયર સૌથી મોટી મૂડી છે અને કોઈની ખાતર તેને જતું કરવું તે મોટામાં મોટો ત્યાગ કહેવાય. જે યુવાનો રોતીકકળતી માતા કે પત્નીને ત્યાગીને મોક્ષ માટે ત્યાગી થઈ જાય તેમને કદી મોક્ષ ન મળે. અરે, જીવન પણ ન મળે. જ્યોર્જે જીવન માતાના ચરણે ધરી દીધું. પણ તે નિષ્ફળ ન નીવડ્યું. માએ તેને અંતરનો આશીર્વાદ આપ્યો. તેનું કૅરિયર દેશમાં જ બનવા લાગ્યું.
ત્યાં લોર્ડ ફેરફેક્સ કરીને એક બહુ મોટા જમીનદાર હતા. તેમની પાસે પાંચ લાખ એકર જમીન હતી. અમેરિકાની સમૃદ્ધિનું મૂળ પૂંજીપતિઓ છે. જેટલા પૂંજીપતિઓ વધારે તેટલી સમૃદ્ધિ વધારે. કારણ કે પૂંજીપતિઓ હજારોને રોજીઓ આપે છે. જેટલા પૂંજી વિનાના મજૂરો વધારે તેટલી જ બેકારી વધારે, કારણ કે મજૂરો, મજૂરોને રોજી નથી આપતા, પૂંજીપતિઓ આપે છે. પાંચ લાખ એકર જમીનનો વહીવટ અને માપણી કરવાનું કામ જ્યોર્જને મળી ગયું. તેણે કુશળતાપૂર્વક બધું કામ પૂરું કર્યું. તેમાંથી તેને સારી કમાણી થઈ અને ફેરફેક્સ સાથે સારા સંબંધ પણ બંધાયા. મોટા પુરુષોના સહયોગથી નાનાનો ઉદ્ધાર થતો હોય છે પણ નાનામાં આવડત અને ગુણો હોવા જોઈએ. જ્યોર્જે એક હજાર એકર જમીન ખરીદી. હવે તે મોટો ખેડૂત બન્યો હતો. મા પ્રસન્ન હતી પણ એવામાં મોટા ભાઈ લોરેન્સનું અકાળે અવસાન થઈ ગયું. આ બીજો આઘાત હતો, જે જ્યોર્જે સહન કર્યો.
જ્યોર્જ હવે 21 વર્ષનો યુવાન થયો હતો. એક દિવસ ગવર્નરનું તેને તેડું આવ્યું. ત્યારે ફ્રેંચો અને અંગ્રેજો વચ્ચે ગજગ્રાહ ચાલતો હતો. ઓહિયો નદીના કિનારા ઉપર અંગ્રેજોની વસાહત હતી. તેનો વહીવટ ઓહિયો કંપનીને સોંપ્યો હતો. તેનો ગવર્નર લોરેન્સ હતો. જેનું અવસાન થઈ ગયું હતું. તેની જગ્યા ખાલી પડી હતી. ઓહિયો કંપનીએ તે જગ્યા જ્યોર્જને આપી અને કિલ્લો બાંધી ફ્રેંચોથી વસાહતની રક્ષા કરવાની જવાબદારી સોંપી પણ જ્યોર્જના જતા પહેલાં જ ફ્રેંચોએ એ પ્રદેશ જીતી લીધો, એટલું જ નહીં પોતાના રક્ષણ માટે ત્યાં કિલ્લો પણ બાંધી દીધો. જ્યોર્જે પત્ર લખીને કિલ્લો ખાલી કરી જતા રહેવાની ચેતવણી આપી પણ ફ્રેંચો ઉપર તેની કશી અસર ન થઈ. હવે શું કરવું? જ્યોર્જે પૂરી તૈયારી કરીને કિલ્લા ઉપર હુમલો કરી દીધો. આ તેનું પ્રથમ યુદ્ધ હતું. યુદ્ધમાં તે વિજયી થયો. ફ્રેંચો પાસેથી કિલ્લો પાછો પડાવી લીધો. ફ્રેંચો ભાગી ગયા. પછી તો જ્યોર્જે બેત્રણ યુદ્ધો કર્યાં અને સફળ રહ્યો. પ્રત્યેક સફળતા આગળની ઊંચાઈ માટેનું પગથિયું બનતી હોય છે. વિલિયમ્સબર્ગમાં મોટી સભામાં તેનું બહુમાન કરવામાં આવ્યું.
હવે જ્યોર્જ 27 વર્ષનો થયો હતો. ગોરાઓ પ્રથમથી જ પુખ્તવયે લગ્ન કરતા હતા. ત્યાં બાળલગ્નોનો રિવાજ જ ન હતો. જ્યોર્જે, માર્થા કસ્ટીસ નામની એક વિધવા સાથે લગ્ન કર્યાં. ગોરાઓના ત્યાં વિધવાવિવાહ સ્વીકાર્ય હતો. તેનો નિષેધ ન હતો. જ્યોર્જને અનેક કુમારિકાઓ પરણવા તૈયાર હતી પણ તેણે માર્થા ઉપર કળશ ઢોળ્યો. બંનેનું લગ્નજીવન ખૂબ સુખી રહ્યું. તેમને પાસ્ટી નામની પુત્રી અને જેકી નામનો પુત્ર થયો. આ બધાં ખેતી કરતાં, જ્યોર્જ હળ ચલાવતો, કોદાળી-પાવડો ચલાવતો, બધું કામ કરતો અને તમાકુની ખેતીમાં તે સારું કમાતો હતો.
તેવામાં ત્યાંની ધારાસભામાં તેની ચૂંટણી થઈ. અંગ્રેજોએ પ્રદેશોને પોતપોતાની સરકાર ચલાવવાની અમુક છૂટો આપેલી પણ ઉપરની પૂરી સત્તા અંગ્રેજોએ પોતાના હાથમાં રાખેલી. તેવામાં ઇંગ્લૅન્ડના રાજા તરફથી એક નવો કાયદો આવ્યો. ત્યારે કાયદાઓ ઇંગ્લૅન્ડમાં ઘડાતા અને તેનો અમલ જે તે કોલોનીઓમાં થતો. સ્ટેમ્પ એક્ટ નામના આ કાયદા પ્રમાણે હવેથી ઇંગ્લૅન્ડથી જે માલ આવતો તે બધા ઉપર કર લગાડવામાં આવ્યો હતો. વર્જિનિયાથી તમાકુ ઇંગ્લૅન્ડ જતી અને તેના બદલામાં જે જે માલ આવતો તે બધા ઉપર ડ્યૂટી લગાવી દીધી. અંગ્રેજ પ્રજા મૂળ તો વ્યાપારી પ્રજા હતી પણ તે ભારતીય વ્યાપારીઓ જેવી માત્ર વ્યાપારી જ ન હતી. તે યોદ્ધા પણ હતી તેથી ત્રાજવાં અને તલવાર બંનેમાં પાવરધી હતી. વર્જિનિયાની તમાકુના બદલામાં ઇંગ્લૅન્ડથી ચા આવતી, લોકો ઉશ્કેરાયા અને ચાની બધી પેટીઓ દરિયામાં ફેંકી દીધી. જેમ ભારતમાં વિલાયતી કપડાંની હોળી થઈ હતી તેમ અમેરિકામાં પણ ચાનો બહિષ્કાર થયો.
ઉદ્યોગપ્રધાન રાષ્ટ્રો નિકાસના જોરે સમૃદ્ધ થતાં હોય છે. કોઈ પણ રાષ્ટ્રનો નિકાસ આંકડો જોઈને તેની સમૃદ્ધિ માપી શકાય. જો નિકાસને જ ફટકો મારવામાં આવે તો તે રાષ્ટ્ર ભાંગી પડે. અંગ્રેજોએ બોસ્ટનનું બંદર બંધ કરી દીધું. જેથી આવકજાવક બંને બંધ થઈ ગયાં. રાજ કરવું હોય તેણે હાથ મરોડતાં અને નાક દબાવતાં આવડવું જોઈએ. જો આ બે તત્ત્વો ન આવડે તો તે રાજ કરી શકે નહીં. બંદર એ પ્રજાનું પેટ છે. ત્યાંથી જો આવકજાવક ન થાય તો પ્રજા મરી જાય. જ્યોર્જ ઊકળી ઊઠ્યો. તેણે કહ્યું કે, “હું એક હજાર સૈનિકોને મારા ખર્ચે લઈ જઈશ અને બોસ્ટન બંદર ચાલુ કરાવીશ.”
થોમસ જેફરસન નામના એક વકીલે કહ્યું કે, “બંદર બંધ થાય તેના વિરોધમાં આપણે સૌ ઉપવાસ કરીએ અને પ્રાર્થના કરીએ.” પ્રજા અન્યાય કરે તો સરકાર દંડ આપે પણ સરકાર અન્યાય કરે તો શું થાય? પહેલાં ઉપવાસ અને પ્રાર્થના થાય જો તેમ છતાં પણ સરકારને સદ્બુદ્ધિ ન આવે તો પછી ક્રાન્તિ થાય.
પ્રત્યેક ક્રાન્તિનું મૂળ અન્યાય અને અત્યાચાર હોય છે. નમાલી પ્રજા બધું સહ્યા જ કરે છે. તે કદી ક્રાન્તિ નથી કરતી. ક્રાન્તિ તો બહાદુર પ્રજા કરતી હોય છે. ઇતિહાસ નમાલી પ્રજાનો નથી હોતો. બહાદુર પ્રજાનો જ હોય છે.
અહીંથી મુિક્તસંગ્રામ શરૂ થઈ ગયો. પ્રજા વીફરે તો કોઈ રાજા લાંબો સમય રાજ્ય ન કરી શકે. તેમાં ત્રણ હજાર કિલોમીટર દૂર બેઠેલી અંગ્રેજી સત્તા તો કેવી રીતે કરી શકે?
સન 1774ના જુલાઈ માસમાં ફિલાડેલ્ફિયામાં બધા વિદ્રોહીઓ ભેગા થયા. વિશાળ સભા ભરાઈ. સૌએ સર્વાનુમતથી જ્યોર્જ વોશિંગ્ટનને સેનાપતિ ચૂંટી કાઢ્યો. અંગ્રેજોનો સૌથી મોટો ગુણ અનુશાસન અને ટીમબદ્ધ કામ કરવાનો છે. આપણે હજી પણ ટીમબદ્ધ અનુશાસિત થઈ શકતા નથી. કારણ કે પ્રત્યેકને નેતા થવું હોય છે.
સશસ્ત્ર સંગ્રામ ચાલ્યો, જ્યોર્જે ખેડૂતો, કારીગરો, મજૂરો વગેરે સૌને સાથે લીધા. આ બિન કેળવાયેલા યુવાનો બ્રિટીશના કેળવાયેલા સૈન્ય સામે કેવી રીતે લડી શકે? પણ જ્યોર્જે લડાવ્યા. ત્યારે અંગ્રેજોનો સેનાપતિ લોર્ડ કોર્નવોલિસ હતો આજ માણસ ભારતમાં ગવર્નર જનરલ પણ થયો હતો. ગોરાઓનાં બધાં રાજકીય ઉચ્ચ પદો સેનામાં કેળવાયેલા સેનાપતિઓ શોભાવતા હોય છે. સેનામાંથી ત્રણ ગુણો મળે છે : 1. અનુશાસન, 2. નિર્ણયશક્તિ અને 3. વ્યૂહરચના. આપણી મુશ્કેલી એ છે કે આપણાં રાજકીય ઉચ્ચ પદો ઉપર ત્રણે પ્રકારના ગુણોથી રહિત, સામાન્ય તુચ્છ માણસો બેસી જતા હોય છે જેથી તે પદોને ન્યાય આપી શકતા નથી. એક યુદ્ધમાં જ્યોર્જે લોર્ડ કોર્નવોલિસને હરાવી દીધો, એટલું જ નહીં તેને નજરકેદ પણ કરી દીધો. બ્રિટેનને ભાન થઈ ગયું કે હવે બાજી હાથમાં રહી નથી, અંગ્રેજોને યુદ્ધ કરતાં આવડે તો સંધિ કરતાં પણ આવડે. બ્રિટેને નમતું જોખ્યું અને અમેરિકાથી યુનિયન જેક ઉતારી લીધો. હવે અમેરિકા સાર્વભૌમ સ્વતંત્ર રાષ્ટ્ર હતું, ત્યારે 3-8-1783નો દિવસ હતો. અમેરિકાનો પ્રથમ પ્રમુખ જ્યોર્જ વોશિંગ્ટન બન્યો.
રાષ્ટ્રપ્રમુખ બન્યા પછી ખરું કામ કરવાનું થયું. સૌને એક કરવા, અને નવું ઘડતર કરવું, જો યોગ્ય ઘડતર કરવામાં ન આવે તો મળેલા સ્વરાજ્યને કથળતાં વાર ન લાગે. બરાબર આજ સમયે ફ્રાંસમાં હિંસક ક્રાન્તિ થઈ ગઈ. પ્રજાએ રાજારાણીને મારી નાખ્યાં. અને લોકશાહીની સ્થાપના કરી દીધી. કેટલાંક સામ્રાજ્યવાદી રાજ્યો રાજતરફી થઈ ગયાં, તેમને ભય હતો કે અમારી પ્રજા પણ આવી જ ક્રાન્તિ કરી અમે મારી નાખશે. અમેરિકન પ્રજા પણ ફ્રાંસ સામેના યુદ્ધમાં ભળવા માગતી હતી પણ જ્યોર્જે લોકમતનો સ્વીકાર ન કર્યો. તે ચાર ચાર વર્ષની બે ટર્મ સુધી રાષ્ટ્રપતિ રહ્યો હતો. તેને ત્રીજી વાર ચૂંટવા લોકો તૈયાર હતા પણ તેણે કહ્યું કે, “આપણે વિકાસ કરવો છે. યુરોપના ઝઘડામાં આપણાથી સક્રિય દખલ કરાય નહીં.” તેથી તે પ્રમુખપદ ઉપરથી ખસી ગયો. ગોરી પ્રજા ખાસ કરીને અંગ્રેજ-અમેરિકન લોકોની ખાસિયત એવી છે કે મહત્ત્વનો મતભેદ થતાં જ તે રાજીનામું આપીને સ્વયં ખસી જાય. આપણે કોઈ પણ પરિસ્થિતિમાં ખસી શકતા નથી. આપણને બળજબરીથી ખસેડવા પડે છે. બળજબરી કરવામાં હિંસક આંદોલનો જ સફળ રહેતાં હોય છે. તેથી દેશમાં સતત અરાજકતા છવાયેલી રહે છે.
અમેરિકાની સ્વતંત્રતા પૂરા વિશ્વની સ્વતંત્રતા માટે માર્ગદર્શક બની રહી છે. સર્વપ્રથમ તે માણસને પૂર્ણ સ્વતંત્રતા આપે છે પણ સાથેસાથે જવાબદારી પણ આપે છે. 250 વર્ષની આઝાદીમાં એક વાર ત્યાં સૈનિકશાસન કે કોઈ ડીક્ટેટર આવ્યો નથી, તેમ છતાં ત્યાંના પ્રમુખને સૌથી વધુ અધિકારો મળેલા છે.
આમ એક ખેડૂતનો દીકરો આપમેળે છેક ઊંચામાં ઊંચા પદ સુધી પહોંચીને અમેરિકાને મહાન બનાવવાનો પાયો નાખવામાં પ્રથમ નિમિત્ત બન્યો. રાજધાનીનું નામ તેના નામ ઉપરથી વોશિંગ્ટન D. C. રાખવામાં આવ્યું છે. પ્રમુખ અને પ્રજા બંને વંદનને પાત્ર કહી શકાય. તા. 13-12-1799ના રોજ 67 વર્ષની વયે તેનું અવસાન થયું. પૂરો દેશ શોકાકુલ થઈ ગયો. પૂરા રાજકીય સન્માન સાથે તેની અંતિમ વિધિ થઈ.

Post a Comment

Previous Post Next Post