જીવમાત્રને પરમેશ્વરે એક પ્રવૃત્તિપ્રેરક તત્ત્વ આપ્યું છે. જેનું નામ છે : ‘ઇચ્છા.’ માનો કે બધું હોય પણ ઇચ્છા જ ન હોય તો પ્રવૃત્તિ જ ન થાય, પણ માનવ સિવાયની જીવસૃષ્ટિને માત્ર આહાર અને મૈથુનની જ ઇચ્છાઓ થાય છે. તે સિવાયની કોઈ ઇચ્છા જ નથી થતી. આહાર અને મૈથુનમાં અડચણ પેદા કરનાર પ્રત્યે ક્રોધભરી પ્રતિક્રિયા થાય છે. તે સિવાય શાંતિ, તેથી તેની ઇચ્છાનું ક્ષેત્ર બહુ જ સીમિત હોય છે અને તે માત્ર કુદરતનિર્ધારિત હોય છે પણ મનુષ્યની ઇચ્છાનું ક્ષેત્ર અસીમિત છે, તેને ધનના ઢગલા કરવા છે, હજારો સ્ત્રીઓનું હરમ બનાવવું છે, તેને તાજમહેલ બનાવવો છે અને આકાશથી પાતાળ સુધી બધે જ પ્રસરવું છે. તેની ઇચ્છાનો કોઈ પાર નથી. એટલે માનવજીવનમાં ઇચ્છાનાં બીજાં બે રૂપ હોય છે : 1. મહેચ્છા અને 2. મહત્ત્વાકાંક્ષા. પશુ-પક્ષીઓને કશી મહેચ્છા કે મહત્ત્વાકાંક્ષા નથી હોતી. માત્ર ઇચ્છા જ હોય છે અને તે પણ કુદરત નિર્ધારિત ઇચ્છા. તેટલી ઇચ્છા પૂરી કરવામાં જ પશુ-પક્ષીઓ, જીવજંતુઓ જીવનભર ઝઝૂમતાં રહે છે. તે શાંતિથી આહારાદિ મેળવી નથી શકતાં કે શાંતિથી આહારાદિ ભોગવી નથી શકતાં, સતત દોડાદોડી અને ભયમાં જીવન જીવતાં રહે છે. એકમાત્ર માણસ જ છે જે ટેબલ-ખુરશી ઉપર બેસીને એકસાથે અનેક લોકો સાથે અનેક વાનગીઓ ખાઈ શકે છે અને પોતાના બેડરૂમમાં નિર્ભય થઈને ભોગો ભોગવી શકે છે. આ કક્ષાએ પહોંચતાં પહેલાં માણસે અનેક કક્ષાઓ પાર કરી છે. બાકી પ્રથમ તો તે પણ પશુ જેવું જ જીવન જીવતો હતો. ક્રમેક્રમે તેનામાં ધાર્મિક, સામાજિક, રાજકીય, આર્થિક, શૈક્ષણિક વગેરે વિકાસ થયો અને આજે આ સ્થિતિએ પહોંચ્યો છે. આટલી સ્થિતિએ પહોંચાડનાર તત્ત્વ છે—‘મહેચ્છા.’ મહેચ્છા એટલે મોટી ઇચ્છા. જે છે તેમાં સંતોષ ન થવાથી તેણે નવુંનવું વધુ ને વધુ ઉન્નત જીવન શોધ્યું અને પામ્યું. તેથી માનવ વિકસિત થયો અને હજી આજે પણ વિકસિત થઈ રહ્યો છે. તેના વિકાસ ઉપર કોઈ પૂર્ણવિરામ નથી. પૂર્ણવિરામ એટલે મૃત્યુ. જે લોકો સંતોષી હતા જેમણે વિકાસ ઉપર પૂર્ણવિરામ મૂક્યો તે મરી ગયા, અટકી ગયા, તેથી વિકસેલા લોકોના ગુલામ થઈ ગયા.
ભારતમાં શ્રમણઅધ્યાત્મ આવ્યું. તેણે સુખ-શાંતિની શોધ કરી તો તેને જણાયું કે દુ:ખનું મૂળ ઇચ્છા છે. તેથી તેની સાધનાનો પાયો ‘ઇચ્છાનાશ’ અથવા ઇચ્છાની અલ્પતા બની ગયો. જેટલી ઇચ્છા વધારે તેટલી જ પ્રવૃત્તિ વધારે, જેટલી પ્રવૃત્તિ વધારે તેટલી જ અશાંતિ વધારે. તેથી જો શાંતિ જોઈતી હોય તો ઇચ્છાઓનો ત્યાગ કરો. ઇચ્છાઓ ત્રિઆયામી હોય છે : 1. કુદરતી આવેગોની ઇચ્છા 2. લાગણીઓથી થતી ઇચ્છા અને 3. વધુ મેળવવાની ઇચ્છા.
1. કુદરતી આવેગોની ઇચ્છાઓને રોકવા ‘બ્રહ્મચર્ય’ની શોધ થઈ. ઇન્દ્રિયોનું દમન કરો. કુદરતી આવેગોનું દમન કરો, ઇચ્છાપૂર્વકના બ્રહ્મચારીઓ સ્ત્રી-ત્યાગી થયા.
2. કુદરતી લાગણીઓથી મુક્ત થવા ‘વીતરાગ’નો આદર્શ ઊભો કર્યો. કોઈના પ્રત્યે મમત્વ ન રાખો. કોઈ મારું નથી, અહં-મમત્વભર્યો વ્યવહાર મોહભર્યો છે તેથી તેમાં પ્રચંડ રાગ-દ્વેષ વધે છે. તેથી ‘નિર્મમ, નિર્મોહી’ થઈ જાવ, કોઈ વસ્તુ પ્રત્યે લાગણી ન રાખો અને વીતરાગ થઈ જાવ.
3. ભૌતિક પદાર્થો મેળવવાની ઇચ્છા ન કરો. તે બધું નશ્વર છે, ક્ષણિક છે અને દુ:ખદાયી છે. તેનો ત્યાગ કરો. અકિંચન થઈ જાવ, વસ્ત્ર પણ ત્યાગી દો અને ત્યાગમય જીવન જીવો. ઇચ્છા માત્રનો ત્યાગ કરો. ઇચ્છા જ દુ:ખનું મૂળ છે. જેને કશું મેળવવાની ઇચ્છા નથી તેજ શાંતિ પ્રાપ્ત કરી શકે છે તે જ મોક્ષ કે નિર્વાણ પ્રાપ્ત કરી શકે છે વગેરે.
આ ત્રણ આદર્શોથી ઇચ્છાશક્તિનું જ દમન કરવામાં આવ્યું ત્યાં મહેચ્છા કે મહત્ત્વાકાંક્ષાની તો વાત જ ક્યાં રહી?
પણ વિશ્વની બધી પ્રજા આવી ત્યાગમાર્ગી, શ્રમણમાર્ગી ન રહી. કેટલીક પ્રજાઓ મહેચ્છાભરી અને મહત્ત્વાકાંક્ષાભરી બની તેણે મોટાંમોટાં આયોજનો કરવા માંડ્યાં. જેથી ભૌતિક વિકાસ થવા લાગ્યો, આ મોટાંમોટાં આયામોમાં પૃથ્વીનો વધુમાં વધુ ભૂભાગ મેળવવો, વિશ્વવિજેતા થવું, સામ્રાજ્યનો વિસ્તાર કરવો અને મહાસમ્રાટ થવું તે પણ ખરું. આ કુદરતી વૃત્તિ હતી. જો અવરોધક વૃત્તિ પેદા કરવામાં ન આવે તો કુદરતસહજ વધુ ને વધુ મેળવવાની ઇચ્છા થાય જ. અહીંના શ્રમણચિંતને અને પછી બીજા ચિંતને પણ અવરોધક વૃત્તિઓ પેદા કરી, જેથી મહેચ્છા કે મહત્ત્વાકાંક્ષાની જગ્યાએ ‘ઇચ્છાનાશ’ની વૃત્તિ વિસ્તરી, પણ પશ્ચિમમાં આવી અવરોધક વૃત્તિવાળું ચિંતન ન વિકસ્યું. પરિણામે ત્યાં મહેચ્છા કે મહત્ત્વાકાંક્ષાને વધુ વેગ મળ્યો, તેથી ત્યાં અનેક વિશ્વવિજેતા, મહાન સાગરખેડુઓ, મહાન વૈજ્ઞાનિકો, આકાશવીરો વગેરે પેદા થયા. આપણે ત્યાં મહાન યોગીઓ, સાક્ષાત્કારીઓ, શતાવધાનીઓ વગેરે પેદા થયા.
ઈ. સ. 15મી ઓગસ્ટ 1769ના રોજ ભૂમધ્ય સાગરના કોર્સિકા ટાપુમાં એક બાળકનો જન્મ થયો. જેને આપણે નેપોલિયન બોનાપાર્ટ તરીકે ઓળખીશું. તે માત્ર બાવન વર્ષ જ જીવ્યો હતો. (સિકંદર માત્ર 33 વર્ષ જ જીવ્યો હતો) આ બાવન વર્ષમાં તેનાં 20 વર્ષ તો કોર્સિકામાં જ માછીમારી કરવામાં વીત્યાં. અને છેલ્લાં પાંચ વર્ષો એલ્બા અને સેન્ટ હેલિના ટાપુમાં નજર-કેદમાં નિષ્ક્રિય વીત્યાં. તેને મહત્ત્વાકાંક્ષા પૂરી કરવા માટે માત્ર 22 વર્ષો જ મળ્યાં, તેમાં તેણે જે ગજબની પ્રવૃત્તિ કરી જેથી તેને વિશ્વવિજેતાનું સ્થાન મળ્યું.
નેપોલિયન ટાપુ ઉપરથી ફ્રાંસની તળભૂમિ ઉપર આવ્યો. જેણે જીવનનો વિકાસ કરવો હોય તેણે હંમેશાં ઉન્નત જગ્યાએ રહેવા જવું, પછાત પ્રદેશોમાં રહેનારા સીમિત થઈ જતા હોય છે. વનમાં જવું, ગુફાઓમાં રહેવું કે ગામડાંઓમાં રહેવાથી વિકાસ ન થાય, વિકાસ તો વિકસિત સ્થળોમાં રહેવાથી જ થાય. નેપોલિયને ફ્રાંસમાં સૈનિકશિક્ષણ લેવા માંડ્યું. યોગી થવા કરતાં ઉપયોગી થવું સારું અને સાધુ થવા કરતાં સૈનિક થવું સારું. જો પ્રજાને યોગી કે સાધુ થવાના રવાડે ચડાવી દેવામાં આવે તો રાષ્ટ્ર બળવાન ન બને. જરૂરી હોય તો થોડા પ્રમાણમાં ભલે સાધુ કે યોગીઓ થાય પણ તેનાં ટોળેટોળાં ન બનાવાય. આ ટોળાં પોતપોતાનું ટોળું વધારશે અને યુવાધનને નિષ્ક્રિય બનાવશે. યુવાધનને મંદિરોના ટોકરા ખખડાવતું કરવું કે ગુફાઓમાં ધ્યાન કરતા કરવું, તેના કરતાં તેને ખેતરોમાં હળ ચલાવતું કરવું, ફૅક્ટરીઓમાં સાંચા ધમધમાવતું કરવું, પ્રયોગશાળામાં પ્રયોગ કરતાં કરવું, સમુદ્રમાં સાહસ કરતાં કરવું કે પછી રણના મેદાનમાં પરાક્રમ બતાવતું કરવું વધુ ઉત્તમ કહેવાય. મહત્ત્વ છે યુવાધનને કઈ દિશામાં વાળવામાં આવ્યું છે તેનું.
નેપોલિયને તોપખાનામાં શિક્ષણ મેળવ્યું. ત્યારે વિમાનો ન હતાં, યુદ્ધ જીતનારું મુખ્ય ઘટક તોપખાનું હતું. તેથી તેણે તોપચીની તાલીમ લીધી ત્યારે ફ્રાંસમાં ગૃહયુદ્ધ ફાટી નીકળ્યું હતું. ફ્રાંસમાં રાજાશાહીમાંથી લોકશાહીનું રૂપાંતર થઈ રહ્યું હતું. કદાચ ફ્રેંચ પ્રજાએ જ પ્રથમ ક્રાન્તિ કરી હતી. લૂઈ 16માની હત્યા કરીને ફ્રાંસમાં લોકશાહીની સ્થાપના કરવા માટે પ્રજા સડકો ઉપર આવી ગઈ હતી. લૂઈ સોળમો મહા વિલાસી અને પ્રજાના ધનને ભડકે બાળનારો હતો. પ્રજા ભૂખે મરતી હતી, અંતે પ્રજા વીફરી અને ક્રાન્તિ કરી બેઠી. નમાલી પ્રજા કદી વીફરતી નથી, તે અત્યાચારો સહન કરતી રહે છે. પણ ફ્રાંસની પ્રજા નમાલી ન હતી. તે એવી વીફરી કે રાજાને ખેંચીને તેના મહેલમાં જ તેની હત્યા કરી નાખી હતી. (આ મહેલ જોવાનું સૌભાગ્ય મને પેરિસમાં મળ્યું હતું.)
જ્યારે પણ કોઈ રાષ્ટ્ર કોઈ પણ રીતે નબળું પડે ત્યારે પડોશી રાષ્ટ્રો તેનો ગેરલાભ ઉઠાવવા તૈયાર જ હોય. લોકોએ રાજસત્તા તો ઉખાડી ફેંકી પણ હવે ફરીથી નવું લોકશાહીતંત્ર ગોઠવવું બહુ કઠિન હતું. પહેલું કામ તો ક્રાન્તિ માટે નીકળી પડેલા શસ્ત્રધારી યુવાનોને થાળે પાડવાનું. જો તેમને થાળે ન પડાય તો તે લૂંટફાટ કરતા થઈ જાય. શસ્ત્રધારી નિરંકુશ અને નવરો હોય તો આપત્તિ ઊભી કરે. કામ લઈ લીધા પછી તેને બૅરેકમાં મોકલવો જરૂરી હોય છે. બીજું લોકશાહીમાં ઘણા પક્ષો અને ઘણા નેતાઓ હોય જે સત્તા માટે પરસ્પરમાં લડવા લાગે. તેમને થાળે પાડવા એ તો વળી બહુ જ કઠિન કહેવાય. આ બધાને કારણે ફ્રાંસમાં લોકો અંદરોઅંદર લડવા લાગ્યા. આ તકનો લાભ લેવાની ઇચ્છા પાડોશી દેશોને થઈ જાય તે સ્વાભાવિક છે તેથી ઇંગ્લૅન્ડ, પ્રશિયા, રશિયા વગેરે રાજાશાહી દેશોએ વિચાર્યું કે આ ક્રાન્તિને કચડી નાખો નહીં તો આપણી પ્રજા પણ ક્રાન્તિના રવાડે ચઢી જશે. આ બધાએ મળીને ફ્રાંસ ઉપર હુમલો કરી દેવાનું નક્કી કર્યું, પણ આવા વિકટ સમયે ફ્રાંસને ઉદ્ધારક મળ્યો નેપોલિયન. એક સામાન્ય ઘરમાં જન્મેલા આ માણસે ફ્રાંસને બચાવી લીધું—સંભાળી લીધું. ક્ષમતા જન્મજાત હોય છે. તેને તક મળવી એ ભાગ્ય કહેવાય. જો રાજાશાહી ચાલુ રહી હોત તો નેપોલિયનને તક ન મળત. તમારી પાસે ક્ષમતા હોય પણ જો તક ન મળે તો ક્ષમતા પૂરો પ્રભાવ ન બતાવી શકે. તાનસેનને જો અકબરનો દરબાર ન મળ્યો હોત તો બિચારો ગ્વાલિયરમાં ગમેતેટલા રાગડા તાણતો હોત તોપણ કશું વળવાનું ન હતું.
ટુલોન બંદર ઉપર અંગ્રેજો ચઢી આવ્યા હતા. રાજાશાહીમાંથી મુક્ત થઈને ફ્રાંસ ગુલામશાહીમાં દાખલ થવાનું હતું, બીજી વ્યવસ્થા સ્થાપ્યા વિના પ્રથમ વ્યવસ્થાને ભંગ કરી નાખવાથી અંધાધૂંધી પ્રસરી જાય. પહેલી વ્યવસ્થાને ભંગ કરતાં પહેલાં બીજી વ્યવસ્થા સ્થાપિત કરી દેવી જરૂરી હોય પણ તેવું થઈ શક્યું નહિ. ફ્રાંસ અંધાધૂંધીમાં ફસાઈ ગયું પણ વાદળો ચીરતી જેમ વીજળી પ્રગટ થાય તેમ ઘોર અંધાધૂંધીમાં નેપોલિયન પ્રગટ થયો. અને તે ટુલોન બંદરે પહોંચી ગયો. અંગ્રેજોને ત્યાંથી જ ખદેડી મૂક્યા. ફ્રાંસ ગુલામ થતું બચી ગયું. આ પરાક્રમથી નેપોલિયનની છાપ અને ધાક બેસી ગઈ. જેની છાપ અને ધાક બેસે તે જ રાજ કરી શકે. આ બંને તત્ત્વો પરાક્રમથી બેસતાં હોય છે. અંગ્રેજોને કાઢીને તે જ્યારે પેરિસ પાછો ફર્યો ત્યારે રાજાના પક્ષના લોકોએ બળવો કર્યો હતો. તે ફરીથી રાજાશાહી લાવવા માગતાં હતાં. નેપોલિયને તરત જ તેમની સામે બાથ ભીડી અને બળવો દબાવી દીધો. ક્રાન્તિથી મેળવેલી લોકશાહીને બચાવી લીધી.
ઈ. સ. 1796-97માં તે સૈન્યનો સેનાપતિ બની ગયો. લોકોએ તેનામાં ઉદ્ધારકનાં દર્શન કર્યાં. બરાબર તે જ સમયે ઓસ્ટ્રિયાએ ઇટાલીની વિરુદ્ધમાં આક્રમણ કરી દીધું. નેપોલિયન તેજ-ગતિથી પહોંચી ગયો અને શત્રુઓને ખદેડી કાઢ્યા. નેપોલિયનનાં પરાક્રમો જોઈને યુરોપના મોટા દેશો ચોંકી ઊઠ્યા. ગોરાઓની એક ખાસ ખાસિયત છે કે તે જલદી સંગઠનો બનાવી લે છે, તે ટીમમાં માને છે. આપણે એકલપંથી છીએ. તટસ્થનીતિ એટલે એકલપંથી. ઇંગ્લૅન્ડ, ઓસ્ટ્રિયા, પ્રશિયા અને રશિયા એક થઈ ગયાં. સૌએ મળીને નેપોલિયનની મહત્ત્વાકાંક્ષા રોકવાની તૈયારી કરી પણ સફળ ન રહ્યા. બીજી તરફ નેપોલિયન શત્રુઓને સમજી ગયો. તેણે સૈન્યશક્તિ વધારી. નવા સૈનિકોની ભરતી કરવા માંડી. નવાં નવાં શસ્ત્રો વિકસાવ્યાં. આઝાદીને સૈન્ય અને શસ્ત્રોની વાડ જરૂરી હોય છે. વાડ વિનાનું ખેતર ભેળાઈ જાય તેમ પ્રચંડ સૈન્યશક્તિ વિનાનું રાષ્ટ્ર પણ ભેળાઈ જાય. રાષ્ટ્રનેતાની દુર્બુદ્ધિનાં ત્રણ લક્ષણો હોય છે : 1. તે વફાદાર અને કુશળ તજ્જ્ઞોની ઉપેક્ષા કરે. 2. મિત્રોને શત્રુ માને અને શત્રુને વહાલા કરે અને 3. સૈન્યશક્તિની ઉપેક્ષા કરે. આ ત્રણ દૂષણો આવે તો તેવા રાષ્ટ્રનેતા દેશનું પતન કરાવી દે. નેપોલિયનમાં આ ત્રણે દૂષણો ન હતાં પણ ભૂષણો હતાં.
ત્યારે ઇજિપ્ત ઉપર બ્રિટીશશાસન હતું. નેપોલિયને ઇજિપ્ત લઈ લેવાનો નિર્ણય કર્યો. અને વિશાળ નૌકાસેના દ્વારા ઇજિપ્ત તરફ કૂચ કરી અને ઇજિપ્ત જીતી લીધું. તેણે પોતાના સૈનિકોને ખાસ હુકમ કર્યો કે અહીંની પ્રજા મુસલમાન છે તે બહુ ધર્મકટ્ટર હોય છે એટલે તેમની ધાર્મિક લાગણી દુભાય તેવું કશું કરવું નહીં. આ પ્રજામાં રાષ્ટ્રીય ભાવ હજી જાગ્યા નથી તેથી ગમે તે રાજ કરે તેમાં બહુ વાંધો નહીં ઉઠાવે. પણ જો ધર્મમાં છેડછાડ કરી તો સહન નહીં કરે. પારકી પ્રજા ઉપર બે રીતે રાજ કરી શકાય 1. તેને દબાવીને કચડીને અને 2. તેને મનાવીને રાજી કરીને. આ બીજો રસ્તો દીર્ઘજીવી હોય છે. તેણે પિરામિડોની રક્ષા કરી, ત્યારે તેણે પવનચક્કીઓ અને જળચક્કીઓ બનાવડાવી, નાઈલ નદીમાંથી ખેતરોમાં પાણી વહેતું કર્યું. ખેતી સુધારી. છાપખાનું ચાલુ કરાવ્યું. બે સમુદ્રોને જોડનારી સુએજ નહેર બાંધવાની યોજના પ્રસ્તુત કરી. તેનાં વિકાસ કામોથી ઇજિપ્તની પ્રજા પ્રસન્ન થઈ ગઈ. તેને ‘નાઈલનો પુત્ર’ બિરુદ આપ્યું.
પણ અંગ્રેજો ચૂપ ન રહ્યા. તેમણે ઘણા દેશો સાથે મળીને ફ્રાંસ ઉપર હુમલો કરી દીધો. રાજા જ્યારે દૂરના વિદેશ ઉપર ચઢાઈ કરવા જાય ત્યારે 1/3 સેના દેશની રક્ષા માટે મૂકીને જાય. બધી સેના સાથે ન લઈ જવાય. નેપોલિયને ભૂલ કરી અને બધી સેના ઇજિપ્ત જીતવા સાથે લઈ ગયો હતો. ચતુર અંગ્રેજોએ લાભ ઉઠાવ્યો. તે ફ્રાંસ ઉપર તૂટી પડ્યા. પણ જેવી નેપોલિયનને ખબર પડી કે તરત જ મારતે જહાજે તે પાછો ફ્રાંસ આવ્યો. નેપોલિયનને જોઈને પ્રજા ઘેલીઘેલી થઈ ગઈ. પ્રજાએ તેને સેનાપતિની જગ્યાથી સીધો જ પ્રમુખ બનાવી દીધો. ચૂંટણી થઈ તેમાં નેપોલિયનને 30 લાખ મતો મળ્યા. જ્યારે વિરોધી ઉમેદવારને માત્ર દોઢ હજાર મતો જ મળ્યા. લોકશાહી હતી ને!
અંગ્રેજોએ પોતાના એડમિરલ નેલ્સનના નેતૃત્વમાં વિશાળ જળસેના આફ્રિકાના સમુદ્રમાં મોકલી. તેમની ઇચ્છા નેપોલિયનની જળસેનાનો નાશ કરવાની હતી. નેલ્સન અને ફ્રેંચ એડમિરલ પોતપોતાની મનવારો સાથે સમુદ્રમાં ઘમાસાણ મચાવવા લાગ્યા પણ નેલ્સન વધુ કુશળ નીકળ્યો. તેણે ફ્રેંચ જળસેનાને પારાવાર નુકસાન પહોંચાડ્યું. તેની યાદમાં લંડનના પિકાડેલી સર્કલમાં આજે પણ ઊંચા થાંભલા ઉપર એડમિરલ નેલ્સનનું પૂતળું પ્રેરણા આપવા ઊભું છે. જેને બે વાર જોવાનો મને મોકો મળ્યો હતો. અંગ્રેજ પ્રજા ગુણોની કદર કરનારી પ્રજા છે, તે પોતાના વીર પુરુષને છાજે તેવું તેનું સ્મારક બનાવે છે. આપણે ગુણપૂજક કરતાં વંશપૂજક વધારે છીએ તેથી બધાં પૂતળાં એક જ વંશનાં લગાવી દઈએ છીએ.
એક બાજુ સમુદ્રમાં મહાપ્રલય મચ્યો હતો તો બીજી બાજુ ભૂમિ ઉપર સૈન્યો સામસામાં ધસી આવ્યાં હતાં. નેપોલિયને અસંભવ અને દુર્ગમ મનાતો આલ્પ્સ પર્વત ઓળંગવાનો સેનાને હુકમ કર્યો. હિમાલય જેવો બરફથી આચ્છાદિત આ દુર્ગમ પર્વત નેપોલિયનની સેનાએ પાર કર્યો. (અમે પણ આ પર્વત પાર કર્યો હતો) અને સામે ઓસ્ટ્રિયામાં આ ધમકી, ભયંકર ઘમાસાણ યુદ્ધ થયું. નેપોલિયનની સેના હારવા લાગી. હવે ફરીથી આલ્પ્સ પર્વત ઓળંગીને ફ્રાંસ જવું અતિકઠિન હતું તેથી પાછા પડીને ફરીથી નેપોલિયને સેનામાં જુસ્સો ભરી આક્રમણ કર્યું અને વિજય મેળવી લીધો. સેનાપતિના મનોબળની કસોટી પરાજયની ક્ષણોમાં થતી હોય છે. વિજયી નેપોલિયન જ્યારે વિએના પહોંચ્યો ત્યારે ઓસ્ટ્રિયાના રાજાને સુલેહ કરી લેવા સમજાવ્યો. વિજય પછી સંધિ કરીને જ સત્તાને સ્થાયી બનાવી શકાય. ઓસ્ટ્રિયાનો રાજા પણ પોતાની સ્થિતિ સમજી ગયો. તેણે ખંડિયા રાજા થવાનું સ્વીકારી લીધું. વિજય પછી નેપોલિયને ઓસ્ટ્રિયામાં સુધારા અને વિકાસકામો શરૂ કરાવ્યાં. મોટી નદીઓ ઉપર પુલો બંધાવ્યા. વિજેતાઓ જો ધર્મઝનૂની હલકી કક્ષાના હોય તો વિધ્વંસ કરે, પ્રજાનું ઉત્પીડન કરે. તે અળખા થઈને રાજ કરે અને જાય ત્યારે પ્રજામાં પોતાના માટે ધિક્કાર મૂકતા જાય પણ જો વિજેતા ખાનદાન હોય તો વિજય પછી વિકાસ કરે અને પ્રજાને સુખી કરે. તે જાય તોપણ પોતાની ચાહના મૂકતા જાય.
નેપોલિયનના વિજયને જોઈને ઇંગ્લૅન્ડ, રશિયા અને પ્રશિયા દાઝી ઊઠ્યાં. તેમણે સ્પેનને પણ પોતાની સાથે ભેળવ્યું અને ચારે તરફથી ફ્રાંસ ઉપર ચઢાઈ કરવાની તૈયારી કરવા લાગ્યાં. નેપોલિયનને જ્યારે આ સમાચાર મળ્યા ત્યારે તેણે શત્રુઓના આવવાની રાહ જોયા વિના પોતાની સેનાને રોજના 60 માઈલની ઝડપે ચલાવીને રીહાઈન્ડ નદી પાર કરી શત્રુસેનાની સામે જઈને ઊભો થઈ ગયો. આપણે આક્રમણ તો નથી કરતા પણ પ્રત્યાક્રમણ પણ નથી કરતા. શત્રુઓ છેક કિલ્લાના દરવાજા સુધી આવે ત્યાં સુધી રાહ જોઈએ છીએ અને પછી હારીએ છીએ. નેપોલિયન માત્ર છ દિવસમાં જ શત્રુપ્રદેશમાં સામે જઈને ઊભો રહ્યો. શત્રુસેના ચકિત થઈ ગઈ. બીજા જ દિવસે યુદ્ધ છેડાઈ ગયું અને શત્રુના બે લાખ સૈન્યને હરાવી દીધું. પણ આ તો એક જ મોરચો હતો. હજી બીજા ઘણા મોરચા બાકી હતા.
નેપોલિયને પોતાની સેનાને રશિયા તરફ વાળી અને છેક મોસ્કો પહોંચી ગયો. ઇતિહાસમાં આ ઉતાવળિયા ચઢાઈને એક ગંભીર ભૂલ માનવામાં આવી છે. વિજય પછી ઉન્માદ ચઢે અને ઉન્માદમાં ખોટા નિર્ણયો લેવાઈ જાય. નેપોલિયને બે ભૂલો કરી : 1. વિજય પછી ફરીથી પૂરી તૈયારી કરીને પછી જ મોટું આક્રમણ થાય. 2. જીતેલા પ્રદેશો ઉપર પોતાના પરિવારને મોટા મોટા હોદ્દાઓ ઉપર બેસાડી દીધા જે યોગ્ય સાબિત ન થયા. નેપોલિયન મોસ્કો તો પહોંચ્યો પણ રશિયાના ઝારે મોસ્કોને આગ લગાડી આખું નગર બાળી મૂક્યું. રાજધાની શત્રુના હાથમાં પડે તેના કરતાં તેને બાળી નાખવી સારી. રશિયનો બહાદુર પ્રજા છે. ભલે તે હાર્યા પણ મચક ન આપી. રશિયાની વહારે કુદરત આવી. પુષ્કળ બરફ પડ્યો. પુષ્કળ ઠંડી અને કાદવ થઈ જવાથી નેપોલિયનની સેના ફસાઈ ગઈ. તેણે પાછા ફરવાનો નિર્ણય કર્યો. તે પાંચ લાખની સેના લઈને મોસ્કો જીતવા ગયો હતો પાછો આવ્યો ત્યારે તેની પાસે માંડ પચાસ હજાર સૈનિકો બચ્યા હતા. આટલી મોટી સેનાની ખુવારી કોઈ મોટી પેઢીની મૂડીની ખુવારી કરતાં પણ ભયંકર સાબિત થઈ. બીજી તરફ નેપોલિયનના ભયંકર પરાજયથી બ્રિટન વગેરે શત્રુઓ ખુશમાં આવી ગયા. તેમણે પેરિસ તરફ આક્રમણ કરી દીધું. યુદ્ધના વ્યૂહમાં મોસમનું જ્ઞાન પણ અનિવાર્ય હોય છે. પ્રતિકૂળ મોસમમાં આક્રમણ ન કરાય પણ વિજયનો ઉન્માદ વિવેકબુદ્ધિનો નાશ કરી નાખે. તેનું પરિણામ નેપોલિયનને ભોગવવું પડ્યું. વિજેતાઓએ નેપોલિયનને પદચ્યૂત કરી નાખ્યો અને લૂઈ રાજાના વંશજને ગાદીએ બેસાડી દીધો. ફરીથી ફ્રાંસ રાજાશાહીમાં આવી ગયું. સારું એટલું થયું કે શત્રુઓએ નેપોલિયનને જીવતો રહેવા દીધો. તેને એક 16x12 માઈલના એલ્બા ટાપુ ઉપર રહેવા મોકલી દીધો. ક્યાં ફ્રાંસનું વિશાળ સામ્રાજ્ય અને ક્યાં 16x12 માઈલનો નિર્જન ટાપુ. નેપોલિયન ટાપુ ઉપર રહેવા લાગ્યો. અંગ્રેજોની કેટલીક ખાસિયતો સમજવા જેવી છે તે પરાજિત શત્રુને મારી નથી નાખતા. તેની સાથે સંધિ કરીને તેને વર્ષાસન બાંધી આપીને તેના રાજ્યથી દૂર કોઈ જગ્યાએ વસાવી દે છે જેથી તે બંડ ન કરે. મારી નાખે તો પ્રજા કે સાથીદારો બંડ કરે. સંધિ કરીને સ્થાયી રાજ્ય કરાય.
નેપોલિયન એલ્બામાં માંડ દશ મહિના રહ્યો હશે. એક દિવસ તેને શું સૂઝ્યું કે ચૂપચાપ બધાની નજર ચૂકવીને દરિયો વટાવીને ફ્રાંસ પહોંચી ગયો. ફરી પ્રજા ઘેલીઘેલી થઈ ગઈ. નેપોલિયન આવ્યો. નેપોલિયન આવ્યો. પ્રજામાં આનંદ છલકાવા લાગ્યો. તે ફરીથી ફ્રાંસનો સત્તાધીશ થઈ ગયો. પણ હવે તેની પાસે પહેલાં જેવી સેના ન હતી. બધું વેરવિખેર થઈ ગયું હતું. અંગ્રેજો સફાળા જાગ્યા અને બધાએ મળીને ફરીથી આક્રમણ કર્યું. વોટર્લૂના યુદ્ધમાં અંગ્રેજ સેનાપતિ વેલિંગ્ટને તેનો કારમો પરાજય કર્યો. ફરી પાછો તેને મારી ન નાખ્યો પણ બંદી બનાવીને સેન્ટહેલેના ટાપુ ઉપર મોકલી આપ્યો. સેન્ટહેલેના એટલે આપણા આંદામાન-નિકોબાર જેવો. તેની સાથે 10-20 સેવકો આવ્યા અને ત્યાં જ નજરકેદ બનાવ્યો. તેને કૅન્સરનો રોગ થયો અને છ વર્ષ રહીને 5-5-1821ના રોજ તે આ ટાપુ ઉપર મૃત્યુ પામ્યો. તેની અંતિમ ઇચ્છા હતી કે તેને ફ્રાંસમાં દફનાવવામાં આવે પણ અંગ્રેજોએ તે ઇચ્છા પૂરી ન થવા દીધી. અંગ્રેજોને ભય હતો કે કદાચ ફ્રાંસની પ્રજા તેની પાછળ વીફરે અને ઉત્પાત મચાવે તેથી તેની કબર સેન્ટહેલેનામાં જ કરી દીધી.
તેના બધા સેવકો પાછા ફ્રાંસ આવી ગયા પણ એક વફાદાર સાર્જન્ટ હ્યુબર્ટ ત્યાંથી ખસ્યો નહીં. તે 19 વર્ષ સુધી કબર પાસે જ રહ્યો. વીસમા વર્ષે અંગ્રેજો ફ્રાંસની પ્રજા આગળ ઝૂક્યા અને નેપોલિયનનું શબ કબરમાંથી કાઢીને પેરિસ લાવવામાં આવ્યું. 16 ઘોડાની ગાડીના સન્માન સાથે તેના શબને પૂરા રાજકીય સન્માન સાથે પેરિસમાં ફરીથી દફનાવવામાં આવ્યું. હવે સાર્જન્ટ હ્યુબર્ટે સેન્ટહેલેના છોડ્યું.
સંબંધોના ચાર પ્રકાર છે : 1. સુખના સંબંધો. 2. સુખદુ:ખના સંબંધો, 3. જીવતાના સંબંધો અને 4. મૃત્યુ પછીના પણ સંબંધો.
સામાન્ય લોકો સુખના જ સંબંધો રાખતા હોય છે. તેમને સુખ મળતું મટી જાય તો સંબંધ કાપી નાખે.
બીજા કેટલાક સુખ-દુ:ખ બંનેમાં સંબંધ રાખતા હોય છે. તે દુ:ખમાં પણ સાથે ઊભા રહે છે.
ત્રીજા જીવતાં સુધી તો સંબંધ રાખે છે પણ માણસ મરે તેની સાથે જ નાહી નાખે છે.
ચોથા મૃત્યુ પછી પણ સંબંધ જાળવે છે. વિધવા પત્ની કે અનાથ બાળકોને હૂંફ આપે છે. તેમાં પણ વિપત્તિથી મરાયેલા મિત્ર કે માલિકનો કોઈ સગો થવા તૈયાર રહેતો નથી. કારણ કે મરનારની વિપત્તિના છાંટા તેને પણ ઊડે, પણ સાર્જન્ટ હ્યુબર્ટ 20 વર્ષ સુધી નેપોલિયનની કબર પાસે જ રહ્યો તે તેની મહાન દિલેરી કહેવાય. આજે ફ્રાંસમાં નેપોલિયનની મહાન સમાધિ કરવામાં આવી છે. તેની નિષ્ફળતાથી તેની મહાનતા ઓછી થતી નથી. આપણે કેમ કોઈ નેપોલિયન પેદા ન કર્યો? આપણે મહત્ત્વાકાંક્ષા વિનાનું ઇચ્છાનાશ કરનારું દર્શન વાળી પ્રજા હતી એટલે ને!
Post a Comment