કોરુકુમારી



સંયુક્ત પરિવાર એ સારી વાત છે, પણ જ્યાં સુધી સંપ અને એકતા રહે ત્યાં સુધી જ સારી કહેવાય. જો કુટુંબમાં કુસંપ પેસે અને ક્લેશ થવા લાગે તો આંતરિક કલહ સૌને અશાંત કરી મૂકે. સુખ ઓછું હોય તો ચાલે, પણ શાંતિ ન હોય તો ન ચાલે. શાંતિ સામગ્રીને આધીન નથી, સુખ-સગવડોને આધીન છે. સગવડો વિના પણ માણસ શાંતિથી રહી શકે છે—જો તેનામાં સંતોષ હોય તો!

આજી અને પુનરાજીના વંશમાં ત્રીજી પેઢી સુધી બધાં ભેગાં રહ્યાં. આજીનો મોડ, તેનો જુણો અને તેનો પીંગળ થયો. પુનરાજીનો માણેક, તેનો માંઝુ થયો. માંઝુ અને પીંગળ સાથે રહેતા હતા, પણ પછી બંને પરિવારો વચ્ચે ખટરાગ થયો. પીંગળની શક્તિ ઘણી વધી ગઈ હતી. તેણે પોતાના પરિવારની બીજી શાખાના માંઝુ ઉપર જોહુકમી ચલાવવા માંડી. બંને વચ્ચે સંઘર્ષો થવા મંડ્યો. પરિવારકલહમાં ડાહ્યો માણસ નમતું જોખે, અનાડી કદી નમતું ન જોખે. માંઝુએ વિચાર કર્યો કે રોજરોજના ઝઘડા કરવા તેના કરતાં અહીંથી દૂર ચાલ્યા જવું સારું. તેણે પોતાની ઓથ તથા પરિવારને લઈને દૂર પંજાબના કેહભાટ રાજાના રાજ્યમાં આશ્રય લીધો. ત્યાં ચરવાનું સારું હતું. રાજાએ પણ માંઝુને આશ્રય આપ્યો. હવે બંને પરિવારો જુદા થવાથી અને દૂર રહેતા હોવાથી સુખ-શાંતિથી રહેવા લાગ્યા. કેટલીક વાર ખસી જવાથી પણ સુખશાંતિ મળતાં હોય છે. ખસવાના સમયે ખસી જવું એ પણ ડહાપણ જ કહેવાય. ખસવાને સમયે ન ખસવું અને હઠ કરીને ચોટી રહેવું તે ડહાપણ ન કહેવાય.
સમય વીતતો ગયો. એક દિવસ પીંગળ પોતાના નવા વછેરાને પલોટવા બહાર નીકળેલો. તે વછેરો કાબૂમાં ન રહ્યો અને આખી રાત દોડી-દોડીને સવાર પડતાં માંઝુના વાંઢિયામાં પહોંચી ગયો. કેટલીક વાર અજાણતાં - અનિચ્છાએ પણ જૂના સંબંધીઓ મળી જતા હોય છે. પીંગળ અને માંઝુ બંને એકબીજાને ઓળખી ગયા. કડવાશ ભૂલીને બંને ભેટ્યા અને પ્રેમથી મળ્યા. લાંબો સમય દૂર રહેવાથી સંબંધોની કડવાશ ધોવાઈ જતી હોય છે, સાથે ને સાથે ઉપર ને ઉપર રહેવાથી કડવાશ વધતી રહે છે, તેથી ડાહ્યા માણસોએ કડવાશ ધોવા માટે પણ થોડો સમય દૂર થઈ જવું સારું.
માંઝુ પીંગળને આગ્રહ કરીને પોતાને ઘેર લઈ ગયો. ઉદાર માણસો મહેમાનગતિની તક જવા દેતા નથી અને લોભી-લુખ્ખા માણસો બે કપ ચા માટે પણ મોટી તક ગુમાવી દેતા હોય છે. માંઝુ અને પીંગળને ખૂબ આનંદ આવ્યો. ભલે જુદા થયા તોપણ લોહી તો એક જ ને! “ડાંગે માર્યાં પાણી જુદાં કેમ પડે!”
વાત પૂરી થઈ—પણ ના, વાત આગળ ચાલી. વાતને આગળ ચલાવનારી સ્ત્રીઓ હોય છે. સ્ત્રીઓ વિના વાત આગળ ન ચાલે.
માંઝુને ત્યાં તેની સાળી કોરુકુમારી આવેલી. તે હજી કુંવારી હતી અને રૂપગુણસંપન્ન હતી. વળી તે મહાન બાણાવળી પણ હતી. તે ગમે તેવા લક્ષ્યને વેધી શકતી હતી. ઊડતા પક્ષીને પણ તીર મારીને નીચે પાડી શકતી.
એક વાર કોરુ સ્નાન કરવા તળાવમાં પડી હતી. તેવામાં એક ગરુડ- પક્ષી ઉપર આકાશમાં તેના ઉપર ચકરાવા લાગ્યું. કોરુએ દાસી પાસે તીરકમાન મગાવી નિશાન તાક્યું. ગરુડપક્ષી ધબ દઈને નીચે પડ્યું. ખરેખર તો આ પક્ષી રાજા કેહભાટનું પાળેલું હતું. પોતાના પાળેલા પક્ષીને વીંધી નાખનાર કોણ છે તેવી જિજ્ઞાસામાં રાજાને જાણવા મળ્યું કે આ તો માંઝુની સાળી કોરુકુમારી છે. રાજાએ કોરુના હાથની માગણી કરી, પણ કોરુકુમારીની સગાઈ તો પીંગળ સાથે થઈ ચૂકી હતી. સગાઈ એ અડધાં લગ્ન જ કહેવાય, પણ પતિવ્રતા નારી માટે તો તે પૂરાં લગ્ન કહેવાય. પતિવ્રતા નારી પહેલાં મનથી પરણે છે, પછી તનથી પરણે છે. તે જેને મનથી પરણી ચૂકી હોય તેને જ તનથી પરણે છે, બીજાને નહીં. જે સ્ત્રીઓ તન-મનની અનેક સગાઈઓ કરતી ફરે છે તેઓ પતિવ્રતા નથી હોતી. તેમનો કશો ઇતિહાસ પણ નથી હોતો.
રાજાએ માંઝુ ઉપર દબાણ વધારી દીધું કે સગાઈ ફોક કરીને પણ કોરુને મારી સાથે પરણાવો. માંઝુ માટે મુશ્કેલી ઊભી થઈ. સ્ત્રીઓ પુરુષો માટે મુશ્કેલી વધારનારી પણ બની જતી હોય છે. રાજાને પહોંચી શકાય તેવું ન હોવાથી માંઝુ તથા તેના સરદારોએ કોરુનો વિવાહ રાજા સાથે કરી દેવાનું નક્કી કર્યું. પણ કોરુ કોઈ ઢીંગલી તો ન હતી કે ગમે ત્યારે ગમે તેની સાથે ગોઠવી દેવાય! કોરુ રાજાને પરણવા તૈયાર ન હતી. તે તો મનથી પીંગળને પરણી ચૂકી હતી. હવે શું થાય? સાચો પ્રેમ ઘોર નિરાશામાંથી પણ આશાનો માર્ગ કાઢી લેતો હોય છે. વ્યક્તિ સૌથી મોટું સાહસ પ્રેમના ક્ષેત્રમાં કરતી હોય છે. સાહસ વિનાના બાયલા માણસો પ્રેમ કરી શકતા નથી - બહુબહુ તો તે વ્યભિચાર કરીને તનભૂખ સંતોષતા હોય છે. તેમનો સંબંધ માત્ર શારીરિક જ હોય છે. શરીરની આવશ્યકતા પૂરી થઈ કે પછી તું કોણ અને હું કોણ!
કોરુને રાજા સાથે પરણવું ન હતું. તેને તો પીંગળ જ સર્વસ્વ હતો. તેણે મહાસાહસ કર્યું. ઘોર અંધારી રાત્રે તે ઘરમાંથી નીકળી પડી. હવે તેને અંધારાની બીક લાગતી ન હતી. અંધારાને ચીરતી તે સડસડાટ જ્યાં સાંઢણીઓ બેઠી હતી ત્યાં પહોંચી ગઈ અને પોતાના ખાસ વિશ્વાસપાત્ર કાજળિયા ખવાસ સાથે સાંઢણી ઉપર ઊપડી ગઈ. જીવનમાં થોડાક તો વિશ્વાસુ માણસો રાખવા જોઈએ, જેઓ ખરા સમયે સાહસ કરીને મદદ કરે. ઢીલા ધોતિયાવાળા માત્ર સ્વાર્થી સંબંધો રાખનારાઓનો કદી ભરોસો ન કરાય. ક્યારે તેમની કાછડી ઢીલી થઈ જાય અને છૂટી જાય તે કહેવાય નહીં.
સાંઢણી પવનવેગે ઊપડી. કોરુકુમારીએ પુરુષનો વેશ પહેર્યો હતો, તેથી તે કોઈ રાજકુમાર જેવી દેખાતી હતી. તેને રાજાથી બચવું હતું. ઘરેથી ભાગીને પ્રિયતમને મળવા અધીરી થયેલી સ્ત્રીને વચ્ચે કેટલાંય વિઘ્નો આવતાં હોય છે. પ્રથમ તો દેહભૂખ્યા લંપટો એકલદોકલ નિરાધાર સ્ત્રીની લાજ લૂંટવાની તૈયારીમાં જ્યાં ને ત્યાં અડ્ડા જમાવીને બેઠા હોય છે. તેમનાથી બચવાનું બહુ કઠિન હોય છે. આવા લોકો ગભરુ સ્ત્રીને ચૂંથી નાખતાં વાર નથી કરતા હોતા. મોટા ભાગે સ્ત્રી સ્વરક્ષિત નથી હોતી, પુરુષરક્ષિત હોય છે. પુરુષની ઓથ વિનાની એકાકી સ્ત્રીને લંપટો શાંતિથી જીવવા નથી દેતા હોતા.
અંધારી રાત્રે નીકળેલી સાંઢણી માર્ગ ભૂલી અને પ્રભાત થતાંથતાં તો એક અજાણ્યા સ્થળે પહોંચી ગયાં. અધૂરામાં પૂરું કોરુ રસ્તો પૂછવા નીચે ઊતરી તો તેની પાઘડી પડી ગઈ. તેના કાળા ભમ્મર જેવા વાળ દેખાયા. જોનારને ખાતરી થઈ ગઈ કે આ નર નહીં પણ નારી છે. તે તો લંપટવેડા કરવા લાગ્યો. કોરુ બહાદુર સ્ત્રી હતી. તે એકલી ન હતી. તેના ખભે ધનુષ્યબાણની જોડી હતી. શસ્ત્ર તો પુરુષ સાથીદાર કરતાં પણ મોટો સાથીદાર છે. એકાકી વિચરનારી સ્ત્રીએ જરૂર શસ્ત્ર રાખવું જોઈએ. પેલા લંપટને સમજાવવાથી ન સમજ્યો એટલે કોરુએ ધનુષ્યબાણનો ઉપયોગ કરી તેને ઠંડો કરી દીધો. સાંઢણી ઉપર ફરી પાછાં ઊપડ્યાં. પાછળ રાજાની ફોજ આવતી જ હશે એટલે જલદી જરકાછા પહોંચી જવાય તો સારું. સામાન્ય રીતે પ્રેમી યુગલો જ્યારે ઘર છોડીને ભાગતાં હોય છે ત્યારે પુરુષ સ્ત્રીને ભગાડતો હોય છે, જેને હરણ કર્યું કહેવાય છે, પણ અહીં તો સ્ત્રી પોતે પુરુષ તરફ ભાગી રહી છે. બીજો કોઈ રસ્તો જ ન હતો. એકએક ક્ષણ કીમતી હતી.
લ્યો ત્યારે ગઢકાછા આવી ગયું. હાશ! શાંતિ થઈ! કઠિન મંજિલે પહોંચવાનો આનંદ અનહદ હોય છે. પણ આ શું? ગઢકાછામાંથી પીંગળ તો મોટું લશ્કર લઈને બહાર નીકળ્યો છે. તેને ખબર પડી ગઈ હતી કે રાજા કોરુ સાથે જબરજસ્તી લગ્ન કરી રહ્યો છે. માંઝુ અને સરદારોની લાચારી છે. તે મોટા લશ્કર સાથે ચઢાઈ કરવા તૈયાર થયો છે. આપણાં યુદ્ધો મોટા ભાગે સ્ત્રીઓ માટે જ થતાં રહ્યાં છે - અને તે પણ વગર વિચાર્યે. કોરુ અને તેનો કાજળિયો ખવાસ પણ સેનામાં દાખલ થઈ ગયાં. બધાં ઊપડ્યાં સલભાણ તરફ.
પેલી તરફ કોરુના બનેવી માંઝુની સ્થિતિ બહુ કફોડી થઈ ગઈ. રાજાએ તેના ઉપર આરોપ મૂક્યો કે તેં જ કોરુને ભગાડી મૂકી છે. માંઝુને નજરકેદ કરવામાં આવ્યો હતો. માંઝુને જ્યારે ખબર પડી કે પીંગળ છેક કેહભાટ સુધી ચઢી આવ્યો છે ત્યારે તે ખુશ થઈ ગયો. નજરકેદમાંથી જેમતેમ છટકીને પોતાના સાથીદારો સાથે તે પીંગળને મળ્યો. બંને ભાઈઓ રાજી થયા અને સાથે મળીને રાજાની સામે યુદ્ધ કરવા લાગ્યા. બંને પક્ષો બળવાન હતા. ત્રણ દિવસ સુધી યુદ્ધ ચાલ્યું. અનેક વીરો હોમાઈ ગયા. ત્રીજા દિવસે પુરુષવેશમાં કોરુ લડતી-લડતી રાજા સામે આવી ઊભી અને તીર ચલાવીને રાજાનો મુગટ ઉડાવી દીધો. પછી પોતાની પાઘડી ઉતારીને રાજાને પોતાનું મોઢું બતાવ્યું. રાજા ઓળખી ગયો કે આજ કોરુ છે. તેણે બૂમ પાડી: “પકડી લો! પકડી લો!” રાજાના સૈનિકો કોરુને પકડે તે પહેલાં તો બીજું તીર ચલાવીને કોરુએ રાજાને ઢાળી દીધો. રાજાનું લશ્કર હારી ગયું, ભાગી છૂટ્યું. પીંગળે માંઝુને નવો રાજા બનાવ્યો અને કોરુકુમારી સાથે ધામધૂમથી લગ્ન કરી પાછો ગઢકાછા આવી ગયો. ભારતની પ્રત્યેક કુમારી કોરુ પાસેથી પ્રેરણા લઈને બાણાવળી બને, વીરાંગના બને તો ભારત ધન્ય થઈ જાય.

*

Post a Comment

Previous Post Next Post