આજી-પુનરાજી



જુદાજુદા સમયે કચ્છમાં આવીને અનેક જાતિઓ વસતી રહી છે. મોટા ભાગે આ જાતિઓનો આવવાનો માર્ગ સિંધપ્રદેશ રહ્યો છે, એટલે ભાષા તથા સંસ્કૃતિની દૃષ્ટિએ કચ્છની જૂની પ્રજા ગુજરાત કરતાં સિંધની વધુ નજીક કહેવાય. કચ્છી ભાષા સિંધી ભાષાની બોલી જ કહેવાય. કચ્છમાં આવનારી પ્રાચીન પ્રજા પશુપાલક હતી. આમ તો પ્રાચીનકાળમાં બધી પ્રજા પશુપાલક જ હતી. પશુપાલકો પોતાનાં મોટાંમોટાં પશુઓનાં ટોળાં લઈને જ્યાં ચરવાનું સારું હોય ત્યાં ફરતા રહેતા. તેઓ યાયાવર હતા એટલે એક જગ્યાએ કાયમ માટે રહેતા નહીં. વળી ચરાણો વરસાદને આધીન રહેતાં. વરસાદ અનિયમિત હોવાથી વારંવાર દુષ્કાળ પડતો, તેથી જ્યાં સારો ઘાસચારો હોય ત્યાં પોતપોતાનાં પશુઓ લઈને ખસતા-વિચરતા રહેતા. પશુઓમાં ગાયો, ભેંસો, બકરાં-ઘેટાં તો ખરાં, પણ સિંધ અને કચ્છમાં સૌથી મોટું પશુધન ઊંટોનું હતું. ઊંટોની મોટી સંખ્યા રણ પાર કરવામાં અને રણમાં જીવવા માટે બહુ ઉપયોગી હોવાથી ઊંટોનાં મોટાંમોટાં ટોળાંને ‘ઓથ’ કહેવાયેલી. પોતપોતાની ઓથો લઈને માલધારીઓ ફરતા રહેતા, એટલે કચ્છની કથાઓમાં આવી ઓથોની વાતો વિશેષ જણાય છે. પ્રત્યેક પ્રદેશની એક ભૌગોલિક સ્થિતિ હોય છે. આ ભૌગોલિક સ્થિતિ ત્યાંના વાસીઓની સંસ્કૃતિનું નિર્માણ કરવામાં મહત્ત્વનો ભાગ ભજવતી હોય છે. કચ્છના લોકોને—ખાસ કરીને માલધારી લોકોને સમજવા માટે ત્યાંની ભૌગોલિક સ્થિતિ સમજી લેવી જરૂરી છે.
એવું મનાય છે કે ઈ. સ. છઠ્ઠી શતાબ્દીમાં દેવેન્દ્ર નામનો સરદાર થયો. તેને ચાર પુત્રો થયા: 1. અસપત, 2. ગજપત, 3. નરપત અને 4. ભૂપત. આ ચારમાંથી અસપતે ઇસ્લામધર્મનો સ્વીકાર કરી લીધો. તેના વંશજો ચકતા મુસલમાન થયા, જેમને મોગલ પણ કહેવાય છે. (આ દિલ્હીવાળા મોગલ નહીં.)
નરપતના વંશજો સિંધમાં સમાવંશી રાજપૂતો થયા. ગજપતના વંશજો ગિરનાર - જૂનાગઢમાં ચૂડાસમા થયા અને ભૂપતના વંશજો જેસલમેરના ભાટી કે ભટ્ટી રાજપૂતો થયા. ત્યારે ઇસ્લામનો ઉદય નવોનવો થયેલો. ભારતમાં ઇસ્લામનો પ્રવેશ સિંધ અને કેરલના માર્ગે થયેલો - સિંધમાં ભૂમિમાર્ગે અને કેરલમાં સમુદ્રમાર્ગે થયેલો.
આપણે ભૂપતના ભટ્ટીવંશની વાત કરવી છે. ભૂપત મારવાડના અવલવાડા ગયો અને ત્યાંના સરદારની નોકરી કરવા લાગ્યો. તેની બહાદુરીથી પ્રભાવિત થઈને અવલવાડાના પવર સરદારે તેને પોતાની કન્યા પરણાવી.
ભૂપતને છ દીકરાઓ થયા. ત્યારે આ બધા લોકો સારું ચરાણ મેળવવા માટે પરસ્પર નાનાં-મોટાં યુદ્ધો કરતા રહેતા. જીવનમાં આજીવિકા સૌથી મહત્ત્વનું તત્ત્વ હોય છે અને પોતપોતાની આજીવિકા માટે નાના-મોટા ઝઘડાઓ મનુષ્યોમાં જ નહીં પશુ-પક્ષીઓમાં પણ થતા રહેતા હોય છે. એટલે સતત યુદ્ધો કરતા રહેવું અને આજીવિકા મેળવતા રહેવી તે ત્યારે આજના કરતાં વધુ પ્રસ્તુત રહેતું. બળિયાના બે ભાગ એવો નિયમ રહેતો. ત્યારે જીવવા અને ટકી રહેવા વધુમાં વધુ પુત્રો હોવા એ બહુ જરૂરી હતું. વડીલો પુત્રવધૂને આશીર્વાદ આપતા: “દશપુત્રી ભવ!” અર્થાત્ દશ પુત્રોની મા થા!
ભૂપતના છ પુત્રો મહાબળવાન નીવડ્યા. પરાક્રમ આનુવંશિક હોય છે. એટલે નમાલા વંશો વધારવા કરતાં પરાક્રમી વંશો વધારવા તે ડહાપણ કહેવાય. જ્યારે નમાલા વંશોની પ્રજા વધી જતી હોય છે ત્યારે રાષ્ટ્ર નમાલું બની જતું હોય છે, પણ જ્યારે પરાક્રમી અને બુદ્ધિશાળી પ્રજાનો વંશ વધતો હોય છે ત્યારે રાષ્ટ્ર મહાન બનતું હોય છે. પ્રજાની કક્ષા એ જ રાષ્ટ્રની કક્ષા બની જાય છે, તેથી ઉચ્ચ ગુણોવાળી પ્રજાનું સંવર્ધન કરવું જોઈએ.
અવલવાડાના પવરોને પાસેના જરકાછાવાળાઓનું ભારે દુ:ખ હતું. લગભગ પ્રત્યેક સમયે અને પ્રત્યેક સ્થળે જ્યાં બે પ્રજાઓ વસતી હોય છે ત્યાં બળવાન પ્રજા દુર્બળ પ્રજાને દબાવતી-સતાવતી હોય છે. આ પ્રશ્ન લગભગ સ્થાયી થઈ જતો હોય છે. પવરોએ ભૂપતના છ પુત્રોની સરદારીમાં એક મોટું સૈન્ય એકઠું કરીને કાયમી દુ:ખ મટાડવા માટે જરકાછા ઉપર ચઢાઈ કરી દીધી. જે પ્રશ્ન કોઈ રીતે ઉકેલાતો ન હોય તે યુદ્ધ દ્વારા ઉકેલાતો હોય છે. જે લોકો યુદ્ધ કરી શકતા નથી તેઓ શાંતિમંત્રણાથી પણ પ્રશ્ન ઉકેલી શકતા નથી, કારણ કે શાંતિમંત્રણા પણ ત્યારે જ સફળ થતી હોય છે જ્યારે પાછળ યુદ્ધનો વિકરાળ ચહેરો ડરાવતો હોય.
ભૂપતના છ પુત્રોએ જરકાછા સાથે યુદ્ધ કર્યું અને વિજયી થયા. પ્રશ્ન ઉકેલાઈ ગયો. પણ વિજયથી નવા પ્રશ્નો પણ ઊભા થતા હોય છે. હવે પ્રશ્ન હતો કે જરકાછાનો જામ કોણ બને? ત્યારે રાજાને જામ કહેવાતો. જ્યાં ઘણા દાવેદારો હોય ત્યાં કલહ મોટો થાય. જામ બનવાના છ દાવેદારો થઈ ગયા હતા. અંતે છયેને જુદાજુદા ભાગો આપીને સૌને પોતપોતાના વિભાગના જામ બનાવાયા. આ છયેનાં નામ જાણવા જેવાં છે: 1. ચિના, 2. મોડ, 3. ભદુઆ, 4. લીંજા, 5. ભાદ્દામ અને 6. અંજ. આ નામો ઉપરથી પણ જાણી શકાય છે કે આ જાતિઓ ક્યાંક દૂરથી પશુધન લઈને વિચરતી-વિચરતી અહીં આવી હશે. આ રીતે જરકાછા ઉપર ભૂપતનો ભટ્ટીવંશ શરૂ થયો કહેવાય.
છ પુત્રોમાંથી ચાર પુત્રોનો વંશ બહુ ચાલ્યો નહીં, પણ ભદુઆ અને ભાદ્દામનો વંશ ચાલ્યો. જેટલા જન્મે તે બધા બાપ થતા નથી હોતા. જે બાપ થાય તેનો જ વંશ ચાલે. ભદુઆ અને ભાદ્દામના વંશમાં આગળ જતાં પગારો આજી અને પગારો પુનરાજી થયો. આ ‘પગારો’ શબ્દ આજે પણ જેસલમેરની બંને બાજુના મુસ્લિમોના ધર્મગુરુ માટે વપરાય છે. ભારત-પાકિસ્તાન બંને તરફના આ મુસ્લિમોના ગુરુને ‘પીર પગારો’ કહેવાય છે, જેનાં મૂળ આ રાજપૂત વંશમાં હોવાં જોઈએ.
આપણે હવે ‘પગારો’ શબ્દ છોડીને આજી અને પુનરાજી શબ્દનો પ્રયોગ કરીશું. એક વાર જરકાછામાં ભયંકર દુકાળ પડ્યો. ઢોરોને ચરાણ રહ્યું નહીં તેથી આજી અને પુનરાજીએ નિર્ણય કર્યો કે હવે આપણે જરકાછા છોડીને જ્યાં સારું ચરાણ હોય ત્યાં જઈએ. પશુપાલકો વરસાદી જીવન જીવતા હોવાથી અને વરસાદ અનિયમિત હોવાથી સતત ભટકતું જીવન જીવતા. બંને ભાઈઓએ જરકાછા છોડી દીધું અને પોતપોતાની મોટીમોટી ઓથો લઈને ઘાસની શોધમાં નીકળી પડ્યા.
ભૂખ્યાં પશુઓના માલધારીઓમાં સહજ રીતે ભેલાણવૃત્તિ હોય છે, તેથી જ્યાંથી તેઓ નીકળે કે જ્યાં તેઓ વસે ત્યાં મોટા પ્રમાણમાં ભેલાણ કરાવે. ત્યારે ખેતી તો ખાસ રહેતી નહીં, પણ સૌસૌનાં પોતપોતાનાં ચરાણ રહેતાં, જેમાં માલિક પોતે પોતાનાં પશુઓ ચારતો, બીજાનાં પશુઓને પેસવા ન દેતો; પણ આજી અને પુનરાજી માથાભારે થઈને ગમે તેના ચરાણમાં પોતાનાં જંગી પશુઓ મૂકી દેતા અને બિંદાસ્ત થઈને ચારતા. આ રીતે આગળ વધતા-વધતા તેઓ છેક શિયાણકોટ પહોંચી ગયા. (કદાચ આ પંજાબનું સિયાલકોટ હોઈ શકે.) ત્યાં સોરસીપીઆ નામના રાજાનું રાજ્ય ચાલતું હતું. (નામ ગ્રીક ભાષાનું લાગે છે. કદાચ સિકંદરના કોઈ સરદારનું રાજ્ય હોય.)
આજી-પુનરાજીના ભેલાણના ત્રાસથી લોકો રાજા સોરસીપીઆ પાસે રાવ-ફરિયાદ કરવા ગયા. રાજાએ તરત જ સેના મોકલી આજી-પુનરાજીને ચાલ્યા જવા હુકમ કર્યો, પણ બંને ભાઈઓ ધરાર માન્યા નહીં. અંતે લડાઈની સ્થિતિ આવી પડી. રાજાની સેનાને પહોંચી શકાશે નહીં તેવું માનીને બંને ભાઈઓએ ચાલાકીભરી રમત રમી. તેમણે નમ્રતાપૂર્વક શરણાગતિ સ્વીકારી અને પછી પોતાના વાંઢ ઉપર છાશ પીવા બોલાવ્યા. યુક્તિથી છાશમાં કાંઈક એવું ભેળવી દીધું કે છાશ પીનારા બધા સૈનિકોને ઘેન ચઢ્યું. પછી તો એ બધાને દારૂ પણ પાયો અને બરાબર નશો ચઢાવ્યો. બધાને જમવાય બેસાડ્યા અને ત્યાં જ બધાનાં માથાં કાપી નાખ્યાં. રાજા સારસીપીઓ અને તેની સેના આ રીતે કપાઈ ગઈ, કોઈ બચ્યું નહીં. કોઈ સંદેશો આપનાર પણ બચ્યો નહીં. પ્રત્યક્ષ રીતે આ વિશ્વાસઘાત જ કહેવાય, પણ રાજનીતિમાં આવું તો થતું હોય છે—થતું રહ્યું છે. રાજકારણમાં વિશ્વાસઘાત કરવો એ પાપ તો છે જ, પણ વિશ્વાસઘાતથી બચતા રહેવું તે મુત્સદ્દીપણું છે. તેના વિના રાજ્ય કરી શકાય નહીં.
આજી અને પુનરાજીએ સિયાલકોટ ઉપર કબજો કરી લીધો અને રાજ્ય કરવા માંડ્યું.
ત્યારે સિયાલકોટ કાબુલના સુલતાનનું ખંડિયું રાજ્ય હતું. સુલતાનને ખબર પડતાં જ તે મોટી સેના લઈને સિયાલકોટ ઉપર ચઢી આવ્યો. પણ ચતુર આજી-પુનરાજી બંને નમી પડ્યા અને મોટું નજરાણું આપીને સિયાલકોટ છોડીને પાછા જરકાછા જવા તૈયાર થઈ ગયા.
બધા પોતપોતાની મોટીમોટી ઓથો લઈને પાછા જરકાછા જઈ રહ્યા હતા. રસ્તામાં બંને ભાઈઓ વચ્ચે ગેરસમજથી અને ટૂંકી બુદ્ધિથી ઝઘડો થઈ ગયો. સાથે રહેનારાઓમાં ગેરસમજ થતી જ રહેતી હોય છે. જો તેનું નિવારણ સમય-સમય ઉપર કરવામાં ન આવે તો ગેરસમજ મહાવિષ બનીને મહાવિનાશકારી પણ થઈ શકે છે. બીજું એક ખાસ મહત્ત્વનું તત્ત્વ ભારતીય યોદ્ધાઓમાં એ પણ રહ્યું છે કે તેમનામાં શૂરાતન તો પુષ્કળ હોય છે, પણ ડહાપણ ઓછું હોય છે. ડહાપણ વિનાનું શૂરાતન આત્મવિનાશ કરનારું પણ થઈ જતું હોય છે.
એક દિવસ શિકારનાં જાનવરના ભાગની બાબતમાં બંને ભાઈ લડી પડ્યા અને તેમાંથી બંને પક્ષના ભાલા ઊછળી પડ્યા. અંદરોઅંદર ભયંકર ધિંગાણું જામ્યું. બંનેની સાથે શરણાઈ વગાડનારો લંઘો હતો તેણે તરત જ શરણાઈ વગાડવી બંધ કરી દીધી. શરણાઈ બંધ થવાથી લંઘાની પત્ની લંઘીએ તપાસ કરી તો ભયંકર ખૂનરેજી થઈ રહી હતી. લંઘીએ ડાહ્યા માણસોને વચ્ચે નાખીને ધિંગાણું બંધ કરાવ્યું. ડહાપણ વિનાના શૂરવીરો નાનીનાની બાબતો ઉપર લડી પડતા હોય છે. વારંવાર લડી પડનારા આર્થિક વિકાસ કરી શકતા નથી. આર્થિક સમૃદ્ધિ ધીરગંભીર માણસોને જ મળતી હોય છે અને ટકતી પણ હોય છે.
આ ધિંગાણામાં આજીના ઘણા માણસો મરાઈ ગયા અને તે પોતે પણ ભારે ઘાયલ થયો. છ મહિના સુધી તે ખાટલામાં રહ્યો. માંડ સાજો થયો. હવે તે અને તેનો પક્ષ દુર્બળ થઈ જવાથી પુનરાજીને છોડીને જરકાછામાંથી કંજરકાછા જઈને રહેવા લાગ્યો. બંને ભાઈઓમાં વેરનો ડંખ રહી ચૂક્યો હતો.
આજી કંજરકાછામાં રહીને પોતાને બળવાન બનાવવા લાગ્યો. વેરવૃત્તિ વ્યક્તિને શાંતિથી રહેવા ન દે. વેર વાળવા માટે વૈરાગ્નિમાં બળતો માણસ ગમે તેવો પુરુષાર્થ કરતો હોય છે. આજીએ ફરીથી નવું સૈન્ય તૈયાર કર્યું. કોઈ પણ ભોગે તે ભાઈને મારીને બદલો લેવા માગતો હતો. તેના સૈનિકો પુનરાજીનું પૂતળું બનાવીને તેના ઉપર તીરનાં નિશાન ચલાવવાનો મહાવરો કરતા રહેતા. તીવ્ર દ્વેષવૃત્તિ શત્રુને પ્રત્યક્ષ મારી ન શકે તો તેને નિમિત્ત બનાવીને, વાણી કે વર્તનથી પોતાનો ઊભરો ઠાલવવાનો પ્રયત્ન કરતા રહે છે.
હવે બન્યું એવું કે શરણાઈ વગાડનારો લંઘો પોતાની લંઘીને તેડવા માટે કંજરકાછે ગયો. ત્યાં તેણે સૈનિકોની આવી પ્રૅક્ટિસ જોઈ લીધી. તે સમજી ગયો કે હજી આજીના મનમાં પુનરાજી પ્રત્યેની વૈરવૃત્તિનું શમન થયું નથી. જરૂર ભવિષ્યમાં બંને વચ્ચે મોટો ભડકો થઈ જશે. જે લોકો યોદ્ધા ન હોય, રાજસત્તા સાથે કશી લેવાદેવા ન હોય તે લોકોએ સર્વપ્રથમ પોતાના પરિવારની સુરક્ષાનો વિચાર કરવો જોઈએ. લંઘાને થયું કે મારી લંઘીને તેડીને ક્યાંક સુરક્ષિત જગ્યાએ ભાગી જવું સારું. તે આવો વિચાર કરતો હતો ત્યાં પ્રૅક્ટિસ કરતા યોદ્ધાઓની નજર તેના ઉપર પડી ગઈ. તેઓ તેને પકડવા દોડ્યા. લંઘો બીકનો માર્યો ભાગ્યો અને લંઘાવાસમાં પેસી ગયો. લંઘાની સાસુએ તેનું રક્ષણ કર્યું અને બધા પાછળ પડેલાને પાછા વાળી દીધા. પછી તો લંઘો રોજ આજીના દરબારમાં જવા લાગ્યો અને શરણાઈ વગાડવા લાગ્યો.
એક દિવસ આજીએ રાજી થઈને લંઘાને સવાસો ઊંટની ભેટ આપી. લંઘો અને લંઘી ઊંટ લઈને પોતાને વતન જરકાછા જવા નીકળ્યાં. જ્યારે પુનરાજીએ લંઘા પાસે સવાસો ઊંટ જોયાં અને તે આજીએ આપેલાં છે તેવું જાણ્યું ત્યારે તે ચમક્યો. તેને થયું કે જરૂર આજી બળવાન થઈ ગયો હશે અને હવે વૈર વાળશે. ડંખ નીકળે નહીં ત્યાં સુધી વૈરની વૃત્તિ શમે નહીં. આજીનો ડંખ નીકળ્યો ન હતો તેથી તે પૂરી તૈયારી કરીને વૈર વાળવા સગા ભાઈ પુનરાજી ઉપર ચઢી આવ્યો. પોતાની સેનાને કિલ્લા બહાર રાખીને તૂરીના ગુપ્ત વેશે પરિસ્થિતિ જાણવા આજી નગરમાં પેસી ગયો અને યોગાનુયોગ તેને લંઘી મળી ગઈ. બંને એકબીજાને ઓળખી ગયાં. લંઘી પોતાના રાજાને મદદ કરવા તૈયાર થઈ ગઈ અને તેણે જણાવ્યું કે આજે એક મરણ થયું હોવાથી બધો દરબાર મરણક્રિયામાં રોકાયેલો છે અને દરબારની બધી ઓથો રેઢી પડી છે.
આજીને આ એક સારી માહિતી મળી ગઈ. ખરા સમયે લંઘી કામમાં આવી ગઈ. વતનનાં આશ્રિત અને ઉપકાર નીચે આવેલાં જાતવાન માણસો કપરા સમયમાં કામ આવતાં હોય છે. લંઘીના બતાવ્યા પ્રમાણે આજી બધી ઓથો વાળીને ચાલતો થયો. સાંઢણીઓના ચારનારા બધા રબારીઓની કતલ કરી નાખી પણ એક રબારીને નાક-કાન કાપીને જીવતો રાખ્યો, જેથી તે પુનરાજીને સંદેશો કહી શકે. સ્વજનો પ્રત્યેની વૈરવૃત્તિમાં એક લલકાર પણ હોય તો પોતાના પરાક્રમની પ્રસિદ્ધિની તીવ્ર ઇચ્છા પણ જાગે - “મેં કેવું કરી બતાવ્યું!” તેવી બડાશ હાંકવાની પણ ઇચ્છા થાય. ડાહ્યો માણસ આવા છીછરાપણાથી દૂર રહે, પણ ડહાપણ વિનાનું પરાક્રમ મોટા ભાગે છીછરું જ હોય છે.
નાકકાન કપાયેલા રબારી પાસેથી સમાચાર સાંભળી પુનરાજી કોપાયમાન થયો અને તરત જ પોતાની ઓથો પાછી વાળવા વારે ચઢ્યો. તેના લશ્કરની ધૂળ ઊડતી જોઈ આજીને સમજાઈ ગયું: હવે યુદ્ધ નજીક છે. અધૂરામાં પૂરું ઘોડી ઉપરથી નીચે ઊતરતાં તેનો પગ એક ઝાંખરામાં પડ્યો અને ત્યાં બેઠેલા સર્પે તેને ડંખ દીધો. ઝેર ચઢવા લાગ્યું. મરણ નિશ્ચિત માની તેણે બધી ઓથો લઈ કંજરકાછે પહોંચી જવા સૌને હુકમ કર્યો અને પોતે તથા લંઘો બે જણા જ ત્યાં રહી ગયા. હવે તે બેભાન થવાની તૈયારીમાં હતો. એ પોતાનાં ધનુષ્યબાણ લઈને એક પાળિયાના ટેકે બેસી રહ્યો. પુનરાજીનું સૈન્ય નજીક આવતાં જ તેણે મરણદશામાં પણ બાણ છોડવા મંડ્યોં. હાહાકાર મચી ગયો. છેલ્લા શ્વાસ સુધી તે બાણ ચલાવતો રહ્યો. અંતે ઝેર ચઢવાથી તેના પ્રાણ નીકળી ગયા. તેનું સૈન્ય પાછું વળ્યું. પુનરાજી પણ પોતાના ભાઈ આજીની વીરતા જોઈને દંગ થઈ ગયો. બધાએ મળીને ત્યાં આજીના અગ્નિસંસ્કાર કર્યા. પુનરાજીએ મુખાગ્નિ આપ્યો અને પોતાના ભાઈ પાછળ પોકે ને પોકે રડી પડ્યો. ડહાપણ વિનાનું શૂરાતન કેવો અનર્થ કરે તેનું આ પરિણામ હતું. આજીની રાણીઓ અને બીજી કેટલીયે રાજપૂતાણીઓ વિધવા થઈ રોકકળ કરવા લાગી.
પરિવારની કોઈ અતિમહાન વ્યક્તિ ઓચિંતી મરણ પામે એટલે તરત જ શૂન્યતા આવી જાય. શૂન્યાવકાશમાં તેની સંપત્તિ રક્ષણ વિનાની થઈ જાય. રક્ષણ વિના સંપત્તિ અને સત્તાનું રક્ષણ થાય નહીં. અરક્ષિત સંપત્તિ લૂંટવા ચારે તરફ લોકો ખેંચાખેંચ કરવા લાગે. થોડા જ સમયમાં બધું લૂંટાઈ જાય. આજીના મરણ પછી તેનું પણ તેવું જ થયું. તેનાં ચરાણોમાં બીજા લોકો પોતાનાં પશુઓ ચરાવવા લાગ્યાં. તેની રાણીઓ ક્રંદન કરી-કરીને કરુણ વિલાપ કરવા લાગી. સ્ત્રીઓનાં રીસ, ક્રોધ અને વિલાપ પુરુષોને હચમચાવી નાખતાં હોય છે. આવી સ્ત્રીઓના પ્રેરાયેલા પુરુષો ભયંકર ઇતિહાસ સર્જી બેસતા હોય છે. આજી પછી તેના રાજ્યની સરદારી તેના વારસદાર મોડે લીધી હતી. રાણીઓના રોજરોજના વિલાપથી તે વિચલિત થઈ ગયો. તેણે પુનરાજી પ્રત્યે વૈર વાળવાનો નિશ્ચય કર્યો, પણ પોતાની શક્તિ ઘણી ઓછી હોવાથી તે કાબુલના સુલતાન પાસે મદદ માગવા પહોંચી ગયો.
કાબુલનો સુલતાન આજી અને પુનરાજીના કજિયાની વાત જાણતો હતો. તે તકની જ રાહ જોતો હતો. તેને તક મળી ગઈ. જેણે સામ્રાજ્ય વધારવું હોય તેણે નાનાનાના રાજાઓના કુસંપ અને ક્લેશનો લાભ ઉઠાવવાની તક જતી કરવી ન જોઈએ. નાના લોકો પરસ્પર લડવાના જ. તેમની નાની મહત્ત્વાકાંક્ષા પૂરી કરવા તેઓ મોટાને શરણે જવાના જ. આવા સમયે મોટાએ તકનો લાભ લઈને પોતાનો પ્રભાવ વધારવો જોઈએ.
કાબુલનો સુલતાન પોતાની વિશાળ સેના લઈને મોડની સાથે પુનરાજીના જરકાછા પહોંચી ગયો અને ગઢને ઘેરી લીધો. પુનરાજી કિલ્લાના દરવાજા બંધ કરીને સુરક્ષાત્મક યુદ્ધ કરતો રહ્યો. ઘણો સમય વીતી ગયો પણ કોઈ પરિણામ ન આવતાં સુલતાન ઘેરો ઉઠાવીને ચાલતો થયો.
બીજી તરફ પોતાની ઓથોનું હરણ કરાવનાર લંઘીને શોધી કાઢીને પુનરાજીએ તેની કતલ કરાવી નાખી. પત્નીની કતલથી લંઘો છંછેડાયો. તેણે બદલો લેવાનું નક્કી કર્યું. નાનો માણસ પણ જો જાણભેદુ હોય અને ફૂટી જાય તો ઘણું નુકસાન કરી શકે છે. લંઘો ઘોડો દોડાવીને પાછી વળતી સુલતાનની ફોજને જઈ મળ્યો. એણે કિલ્લામાં પેસી જવાનો ગુપ્ત માર્ગ બતાવી દીધો. રાત્રે ઓચિંતી સુલતાની સેના પાછી વળી અને કિલ્લામાં ઘૂસી ગઈ. ચારે તરફ લૂંટફાટ મચાવી, આગ લગાડી હાહાકાર મચાવી દીધો. સુલતાનની સેનાથી બચવા અને પોતાના શિયળની રક્ષા કરવા કેટલીય રાજપૂતાણીઓએ આત્મહત્યા કરી. જોતજોતાંમાં આખું નગર લૂંટાઈ ગયું અને ઉજ્જડ થઈ ગયું. આ બધો સમય પુનરાજી નગર બહાર હતો. તે જ્યારે પાછો ફર્યો અને નગરની દશા જોઈ ત્યારે તે સ્તબ્ધ થઈ ગયો. ચારે તરફ વિનાશ જ વિનાશ હતો. સૌથી મોટો વિનાશ તો પુનરાજીની ઓરમાન માતા, તેની રાણી અને તેની કુંવરીનું હરણ કરીને ડોલીમાં બેસાડીને સુલતાન લઈ ગયો એ હતો. ભાઈએ ભાઈનો વિનાશ કરાવ્યો હતો. જો લંઘીને સ્ત્રી સમજીને ક્ષમા આપી દીધી હોત તો કદાચ આ મહા અનર્થ ન થયો હોત. કેટલીક વાર ક્ષમા આપવી એ પણ પોતાના હિતમાં હોય છે અને ન આપવી તે વિનાશકારી થઈ શકતું હોય છે. પહેલાં ભત્રીજા મોડે અને પછી લંઘાએ મહા અનર્થ કરી મૂક્યો હતો. ડહાપણ વિનાનું શૂરાતન દાટ વાળતું હોય છે.
પુનરાજી તરત જ સુલતાનની ફોજ પાછળ પડ્યો. તેને માતા, રાણી અને કુંવરીની ચિંતા હતી. સુલતાનની નજર રાજપૂત સ્ત્રીઓ ઉપર હંમેશાં રહેતી હતી. ભૂમિ જીતવા કરતાં પણ સ્ત્રીઓને જીતવાનો તેને વધુ આનંદ હતો. સુલતાનને મોડનો સાથ મળ્યો. રાજપૂત રાજપૂતનો દુશ્મન બન્યો હતો. ભાઈ ભાઈને હરાવવા માટે સુલતાનને તેડી લાવ્યો હતો. પુનરાજીએ જોયું કે પોતાનો ભાઈ મોડ 500 ઘોડેસવારો સાથે સુલતાનની આગળ જઈ રહ્યો છે. પુનરાજીએ તેને રોક્યો અને સમજાવ્યો: “તારે મારી સાથે દુશ્મનાવટ હતી તો તેં મારું નગર ખેદાનમેદાન કરાવી નાખ્યું, પણ ઓરમાન માતા, રાણી અને કુંવરીએ તારું શું બગાડ્યું હતું? હજારો રાજપૂતાણીઓએ શિયળ બચાવવા આત્મહત્યા કરી લીધી! આવું કામ તને શોભે?” બંનેએ મન મૂકીને વાતો કરી. હવે મોડને પોતાની ભૂલ સમજાઈ, પણ હવે શું થાય? વૈર વાળવા તે સુલતાનને લઈ તો આવ્યો, પણ તેણે તો પોતાની મા-દીકરીઓની આબરૂ ઉપર પાણી ફરેવ્યું.
અંતે બંનેએ મળીને સુલતાનની ફોજને રસ્તો ભુલવાડીને એક એવા ડુંગરાળ રસ્તા ઉપર ચડાવી દીધી, જ્યાંથી વારાફરતી એક જ માણસ પસાર થઈ શકે. આવા સાંકડા રસ્તામાં પુનરાજીએ સુલતાનની આખી ફોજને કાપી નાખી. સુલતાન ચામુંગલને ખબર પડી, તો તે રાજકુમારી સોનલને એકલી ઉઠાવીને બીજા રસ્તેથી ભાગી છૂટ્યો, પણ પુનરાજીના માણસો તેની પાછળ પડ્યા અને સુલતાન તથા સોનલને પકડી લાવ્યા. સુલતાને શરણાગતિ સ્વીકારી. પુનરાજીએ પોતાની ઓરમાન માતા, રાણી અને રાજકુમારી સોનલને મેળવીને યુદ્ધમાં વિજય મેળવ્યો.
બધા વાજતેગાજતે પાછા ગઢકાછા આવ્યા અને ગઢકાછા બળીને રાખ થઈ ગયું હતું તેનો ફરીથી ઉદ્ધાર કરવાના કામે લાગી ગયા. રાજકુમારી સોનલનાં લગ્ન પુનરાજીએ પોતાના સગા ભાણેજ આમરજી સાથે કરી દીધાં.
આ કથામાંથી આજે પણ ઘણો બોધપાઠ લઈ શકાય તેમ છે.

*

Post a Comment

Previous Post Next Post