તાળી પાડો તો મારા રામની

 


 તાળી પાડો તો મારા રામની 


તાળી પાડો તો મારા રામની રે બીજી તાળી ના હોય જો,
વાતુ કરો તો મારા રામની રે બીજી વાતું ના હોય જો,
સમરણ કરો તો સીતારામના રે બીજા સમરણ ના હોય જો.

તાળી પાડો તો...

બચપણ બચપણમાં ઘણો ફેર છે રે, બચપણ કોને કહેવાય જો,
બચપણમાં પ્રહલાદ ને નરસિંહ મળ્યા રે, એને બચપણ કહેવાય જો.

તાળી પાડો તો...

જુવાની જુવાનીમાં ફેર છે રે, જુવાની કોને કહેવાય જો,
જુવાનીમાં મીરાં બાઈને શ્યામ મળ્યા રે, જુવાની એને કહેવાય જો.

તાળી પાડો તો...

ઘડપણ ઘડપણમાં ઘણો ફેર છે રે, ઘડપણ કોને ઘડપણ કહેવાય જો,
ઘડપણમાં શબરી બાઈને રામ મળ્યા રે, એને ઘડપણ કહેવાય જો.

તાળી પાડો તો...

ભાઈબંધ ભાઈબંધમાં ઘણો ફેર છે રે, કોને ભાઈબંધ કહેવાય જો,
ભાઈબંધમાં સુદામા ને કૃષ્ણ મળ્યા રે, એને ભાઈબંધ કહેવાય જો.

તાળી પાડો તો...

દુશ્મન દુશ્મનમાં ઘણો ફેર છે રે, કોને દુશ્મન કહેવાય જો,
દુશ્મનમાં રાવણને રામ મળ્યા રે, એને દુશ્મન કહેવાય જો.

તાળી પાડો તો...

નીતિ નીતિમાં ઘણો ફેર છે રે, નીતિ કોને કહેવાય જો,
નીતિમાં વિદુરજીને કૃષ્ણ મળ્યા રે, એને નીતિ કહેવાય જો.

તાળી પાડો તો...

મરણ મરણમાં ઘણો ફેર છે રે, મરણ કોને કહેવાય જો,
મરણમાં જટાયુને રામ મળ્યા રે, એને મરણ કહેવાય જો.

તાળી પાડો તો...

સેવા સેવામાં ઘણો ફેર છે રે, સેવા કોને કહેવાય જો,
સેવામાં હનુમાનને રામ મળ્યા રે, સેવા એને કહેવાય જો.
 

ll જય શ્રી રામ ll

Post a Comment

Previous Post Next Post