જીવનના બે માર્ગો છે : 1. તળેટી તરફ ઢળતો અને 2. શિખર ઉપર ચઢતો. ઢળતા માર્ગમાં જોર નથી કરવું પડતું, પતન આપોઆપ થતું હોય છે. ઉત્થાન તો મહેનતથી—સાધનાથી થતું હોય છે. લોકો વગર મહેનતના માર્ગને પસંદ કરે છે. ઊંચાં ચઢાણ ગમતાં નથી. પતનનો માર્ગ એટલે ઇન્દ્રિયતૃપ્તિનો માર્ગ. ઇન્દ્રિયો કદી પણ કાયમ માટે પૂરેપૂરી તૃપ્ત થતી નથી. તે દિનપ્રતિદિન વધુ ને વધુ માગ્યા કરે છે. અગ્નિમાં હોમવાથી જેમ અગ્નિ વધુ ને વધુ ભડકા કાઢે તેમ ઇન્દ્રિયોનું પણ થાય છે. આમ છતાં ઇન્દ્રિયોનો સદંતર નિગ્રહ પણ શક્ય નથી. કોઈ પણ માર્ગનો અતિરેક કલ્યાણકારી થઈ શકતો નથી.
તળેટી તરફ જતા માર્ગનું પ્રેરકબળ પરસેવા વિના પ્રાપ્ત થયેલો પૈસો હોય છે. જે લોકોએ કશી મહેનત કે કાંઈ તપ કર્યું નથી હોતું અને રાતોરાત પચાવી ન શકાય તેટલો પૈસો હાથમાં આવી જાય તો તે તળેટી તરફ દોડતા થઈ જતા હોય છે. આહાર પચાવવાનું જઠર હોય છે તેવું પૈસા પચાવવાનું જઠર બધાંની પાસે નથી હોતું. પાચનશક્તિ વિનાના માણસને સાલમપાક ખવડાવવાથી અપચો જ થાય અને જે પચતું હોય તે પણ પચતું બંધ થઈ જાય. આવું જ પૈસાનું પણ છે.
ઇટાલીના એક શહેરમાં બર્નાડો નામના એક વ્યાપારીના ત્યાં એક બાળકનો જન્મ થયો. ત્યારે બર્નાડો ફ્રાંસમાં હતો તેથી પુત્રનું નામ ફ્રાંસિસ રાખવામાં આવ્યું, પશ્ચિમમાં આપણી માફક જન્મરાશિ નથી હોતી તેથી રાશિ પ્રમાણેનાં નામ નથી રખાતાં. જે ગમે તે રાખી લેવાનાં. રાશિ ન હોવાથી જન્મકુંડળી નથી હોતી તેથી વર-કન્યાની જન્મકુંડળીઓ મેળવવામાં નથી આવતી. વર-કન્યા પોતે જે એકબીજાનો સ્વભાવ, રુચિ અને લક્ષ્ય મેળવીને લગ્નનાં કેસરિયાં કરી દેતાં હોય છે. માનો કે રાશિ સાચી છે અને રાશિફળ પણ સાચું છે, પણ તેથી ફાયદો વધુ કે નુકસાન વધુ થયું આપણને? રાશિ-કુંડળી વગેરે કશું ન હોવાથી આ લોકો બારે મહિના લગ્ન કરે છે. કોઈ વાર ચોઘડિયું જોતા નથી, નથી ચોપડાપૂજન કરતા કે નથી ગ્રહનડતર દૂર કરવા હોમહવન કરતા, છતાં આપણા કરતાં વધુ સુખી રહે છે તે વિચારવાનું ખરું. એક વાર જો તમે આ બધા ચક્કરમાંથી મુક્ત થઈ જાવ તો ઘણી વ્યર્થની પીડા ભોગવતા મટી જાવ. પણ મુક્ત થાવ તો!
શ્રદ્ધા ધર્મ અને ઈશ્વર ઉપર હોવી જોઈએ, પણ રાશિ-ગ્રહો, કુંડળીઓ, યંત્રો, તંત્રો વગેરે ઉપર શ્રદ્ધા રાખવી જરૂરી નથી, તેથી તો તમારી મૂળ શ્રદ્ધા દુર્બળ થાય છે, અને તમે વહેમીલા અને બીકણ થઈ જાવ છો. સાચી શ્રદ્ધા મનોબળ વધારે, ખોટી શ્રદ્ધા વહેમ વધારે અને બીકણ બનાવે.
ફ્રાંસિસ યુવાન થયો. બાપે તેને ખૂબ લાડકોડથી ઉછેર્યો, જે માગે તે લાવી આપે. લાડ દ્વિપક્ષીય હોવું જોઈએ, એક તરફ તમે લાડ કરો પણ બીજી તરફ ભય પણ બતાવો. ભયથી બાળક—યુવાન મર્યાદામાં માપમાં રહે. ઘોડાને લગામ જોઈએ તેમ બાળક—યુવાન સૌને લગામ જોઈએ. જો લગામ ન હોય તો અથવા ઢીલી હોય તો ઘોડો કેળવાય નહીં. વગર કેળવાયેલો ઘોડો આરોહીના કાબૂમાં ન રહે. પછાડી મૂકે.
ફ્રાંસિસનું આવું જ થયું, તેની ઉડાઉ વૃત્તિથી તેની ચારે તરફ વંઠેલા છોકરાઓનું ટોળું જામવા લાગ્યું. ફ્રાંસિસને ગમ્યું. બધા તળેટી તરફ દોડવા લાગ્યા. મજા આવી ગઈ. પતનનું ભાન ન થાય ત્યાં સુધી પતનની પણ મજા આવતી હોય છે.
પતિત લોકો બે પ્રકારના હોય છે : 1. જન્મજાત પતિત વૃત્તિનો માણસ. જેનો કદી ઉદ્ધાર ન થઈ શકે. જે જન્મજાત હોય છે તે આમરણાંત હોય છે. એટલે ‘પ્રકૃતિ અને પ્રાણ સાથે જાય’ તેવી કહેવત પડી હશે. 2. જન્મજાત નહીં પણ સંસર્ગથી પતિતવૃત્તિ જાગતી હોય છે. સંગ બહુ પ્રબળ અસર જમાવે છે, તેમાં પણ કુમળી અવસ્થામાં તો તેની બહુ જ અસર થતી હોય છે. ફ્રાંસિસમાં લહેરીપણું સંગથી આવ્યું હતું, જન્મથી તે તેવો ન હતો પણ સોબતની અસરથી તે મોજશોખ અને ભોગ-વિલાસી બની ગયો હતો. તેમ છતાં, તેનામાં એક બહુ મોટો ગુણ જન્મજાત હતો. તે દયાળુ હતો. દીન-દુ:ખિયાંને જોઈને તે દ્રવી ઊઠતો અને તેમની સેવા કરતો. બધા સદ્ગુણોની માતા દયા છે. અને બધા દુર્ગુણોનો પિતા ઘમંડ છે. દયા વિના ધર્મની કલ્પના જ ન કરી શકાય. દયા વિનાની વ્યક્તિ સાધુ તો થઈ શકે પણ સંત ન થઈ શકે. ફ્રાંસિસમાં દયા જન્મજાત ગુણ હતો પણ જે દોષો આવેલા તે સંગદોષથી આવેલા.
એક વાર એક ઘટના ઘટી ગઈ. ફ્રાંસિસ પોતાના પિતાની પેઢી ઉપર બેઠો બેઠો ગ્રાહક સાથે તન્મયતાથી વ્યાપારનો સોદો કરતો હતો. તેવામાં એક ભિખારી આવી ગયો. તેણે દીનતા ભરે ચહેરે હાથ લંબાવ્યો પણ બંને સોદામાં મશગૂલ હોવાથી તેના તરફ ધ્યાન ગયું નહીં. ધ્યાનથી કામ કરનારનું ધ્યાન કામમાં જ ઓતપ્રોત રહેતું હોય છે. વગર પ્રયત્ને તેમનું મન કામમાં તન્મય થઈ જતું હોય છે. જે નવરા છે તે કામ છોડીને ધ્યાન કરવા બેસે છે. તેમને ધ્યાન કદી લાગતું નથી. તે હેરાન-પરેશાન થઈ જાય છે. જો તેઓ તન્મય થઈને કામ કરે તો આપોઆપ મન લાગી જાય.
પેલા ભિખારીએ ચીસ પાડીને કહ્યું, “સાહેબ! મારા તરફ તો ધ્યાન આપો, કાંઈક તો આપો.” તન્મય થઈને વાતચીત થતી હતી તેમાં ભિખારીએ વિક્ષેપ પાડ્યો. બને ત્યાં સુધી કોઈની તન્મયતામાં વિક્ષેપ ન કરવો. થોડી ધીરજ રાખવી ને તેને નવરો થવા દેવો. પણ ભિખારી પાસે એટલો વિવેક કે ધીરજ ક્યાંથી હોય!
ફ્રાંસિસનો ક્રોધ ભિખારી ઉપર ભડકી ઊઠ્યો. ક્રોધ હંમેશાં દુર્બળો ઉપર જ ભડકતો હોય છે. પ્રબળો ઉપર ક્રોધ થાય તોપણ ઠંડો રહી જાય, કારણ કે પ્રચંડ પ્રત્યુત્તર મળવાનો ભય હોય છે. ફ્રાંસિસના ક્રોધથી ગભરાઈને ભિખારી ચાલતો થયો. એના ગયા પછી ફ્રાંસિસે સોદો પતાવ્યો અને ગ્રાહક વિદાય થયો, પછી ફ્રાંસિસ એકલો રહી ગયો અને તેને ભિખારી યાદ આવ્યો. “અરેરે, મેં આ શું કર્યું?” બિચારાને કાંઈ પણ આપ્યા વિના તોછડાઈથી કાઢી મૂક્યો? પ્રત્યેક ભિખારીને આપવું જ જોઈએ તેવું તો ન કહેવાય પણ ન આપવું હોય તેને મીઠાશથી વિદાય કરાય તેવું તો જરૂર કહી શકાય. ધૂત્કારી કાઢવાની વૃત્તિ સારી નહીં. તેથી કોઈ વાર તમે વગર કારણે કોઈને શત્રુ પણ બનાવી શકો છો.
ફ્રાંસિસ દુકાનેથી ઊભો થયો, અને જે દિશામાં પેલો ભિખારી ગયો હતો તે દિશામાં તેને શોધવા દોડવા લાગ્યો, અને ભિખારીને પકડી પાડ્યો. ગંદા-ગોબરા, ગંધ મારતા ભિખારીને તે ભેટી પડ્યો. વારંવાર ક્ષમા માગી. “મેં તમારું અપમાન કર્યું. ક્ષમા કરો.” એમ વારંવાર કહીને તેના ગજવામાં પૈસા ભરી દીધા અને પ્રતિજ્ઞા કરી કે “હવેથી કદી કોઈને હડધૂત નહીં કરું.” કહે છે કે આ પ્રતિજ્ઞા તેણે જીવનભર પાળી હતી. જે લોકો લાગણીપ્રધાન હોય છે તે ઘટનાથી જલદી પ્રભાવિત થતા હોય છે અને બદલાતા હોય છે. જે લોકો મીંઢા હોય છે તેમને ઘટનાઓ પ્રભાવિત કરી શકતી નથી. તે હતા તેવા ને તેવા જ રહે છે. પથ્થર કદી પીગળે નહીં. જે પીગળે નહીં તેમાં પરિવર્તન ન આવે.
ફ્રાંસિસ હવે 20 વર્ષનો થયો હતો. તેવામાં ઇટાલીના બે પ્રદેશો અંદર અંદર લડી પડ્યા. એકચક્રીરાજા ન હોય ત્યાં અંદરોઅંદરનાં યુદ્ધો થયા કરે. તેથી પ્રજા દુ:ખી થાય અને વિકાસ ન થાય. પ્રજા ભાગંભાગ કરે. બે પ્રદેશો વચ્ચે જ્યારે યુદ્ધ ફાટી નીકળ્યું ત્યારે ફ્રાંસિસ સેનામાં જોડાઈ ગયો અને લડવા ગયો. ફ્રાંસ વીર યોદ્ધો પણ હતો, જેનામાં વીરતા ન હોય તે સાધુ તો થઈ શકે પણ સંત ન થઈ શકે. શૌર્યગાથા હોય તેની જ ભક્તિગાથા હોય. પ્રેમગાથા, શૌર્યગાથા અને ભક્તિગાથા આ ત્રણે એકબીજાનાં પૂરક અને પોષક તત્ત્વો હોય છે. પણ યુદ્ધમાં ફ્રાંસિસનો પક્ષ હારી ગયો, તે પકડાઈ ગયો. એક વર્ષ સુધી તેને જેલમાં રહેવું પડ્યું. શૌર્ય હંમેશાં વિજયી જ થાય તેવું માની લેવું ઠીક નહીં, કોઈ વાર પરાજય પણ થાય. સત્યનો જ વિજય થાય છે તે વાત પૂરેપૂરી સાચી નથી. કોઈ વાર સત્યને પણ હારવું પડતું હોય છે. સત્યને પણ બીજાં ઘણાં પરિબળોની અપેક્ષા રહેતી હોય છે. એકલું સત્ય નોંધારું પણ થઈ શકે છે.
ફ્રાંસિસ જ્યારે જેલમાં કેદ ભોગવતો હતો ત્યારે તેની સાથેના ઘણા કેદીઓ પરાજય માટે અંદરોઅંદર લડતા રહેતા. પરાજયમાં ત્રણ દોષો આવતા હોય છે : હતોત્સાહ, પરસ્પરમાં વિખવાદ અને વિભાજન. આ ત્રણ દોષો ન આવે તો પરાજિત વર્ગ ફરીથી વિજયી થઈ શકે છે. કેદીઓએ પરાજયના બધા દોષનો ટોપલો એક કેદી ઉપર ઢોળી દીધો. “તારા કારણે જ અમે પરાજિત થયા.” બસ પછી તો બધાએ તેનો બહિષ્કાર કર્યો. જેલજીવનમાં પણ સાથી મળે તો હૂંફ મળે. હૂંફ મળે તો દુ:ખ હળવું થાય, પણ જો સાથીઓ જ શત્રુ બને તો દુ:ખ બમણું થઈ જાય. પેલો તરછોડાયેલા કેદી સૌથી જુદો એકલો ગુમસૂમ બેસી રહે. ફ્રાંસિસથી તેનું દુ:ખ જોયું ન ગયું. તેણે તેને સાથ આપ્યો. તે તેની નજીક બેસવા લાગ્યો. વાતો કરવા લાગ્યો અને તેને આશ્વાસન આપવા લાગ્યો. એક વર્ષ પછી બધા જેલમાંથી મુક્ત થયા. બધા પોતપોતાના ઘરે ગયા અને શાંતિથી જીવન જીવવા લાગ્યા, જેને પ્રેમાળ પરિવાર હોય તે જ્યારે જેલમાંથી મુક્ત થાય ત્યારે તેને અનહદ આનંદ થાય.
એવામાં ફરીથી યુદ્ધ છેડાયું. પ્રાચીનકાળમાં સતત યુદ્ધો થયા કરતાં, આજે જેટલી શાંતિ છે તેટલી ક્યારેય ન હતી. સતયુગમાં પણ નહીં. ફ્રાંસિસ ફરીથી ઘોડે ચઢ્યો. શસ્ત્રધારી થઈને તે યુદ્ધભૂમિ તરફ ચાલ્યો, પણ કોઈ અગમ્ય પ્રેરણાથી તે પાછો ફર્યો. યુદ્ધવિમુખ થવું એટલે કાયર થવું કહેવાય. કાયરતા મોટું કલંક કહેવાય પણ ફ્રાંસિસ કાયર ન હતો તે પ્રાણના ભયથી પાછો ફર્યો ન હતો. સમ્રાટ અશોકની માફક તેણે યુદ્ધમાં અંગવિચ્છિન્ન થયેલાં અનેક માણસોને લોહી નીંગળતાં અને તરફડતાં જોયાં હતાં. આ દૃશ્ય કેમે કરીને તે ભૂલી શકતો ન હતો, પ્રશ્નો ઉકેલવા યુદ્ધ જ માત્ર માર્ગ નથી. બીજા માર્ગો પણ હોવા જોઈએ. ચાણક્યે યુદ્ધને છેવટનો માર્ગ બતાવ્યો છે, બધા પ્રયત્નો નિષ્ફળ થઈ જાય તે પછી જ યુદ્ધ કરાય. તેથી પ્રથમ મંત્રણા કરવી જરૂરી છે. મંત્રણાથી વગર યુદ્ધે પણ ઘણા પ્રશ્નો ઉકેલી શકાય છે પણ ઉગ્ર લોકો મંત્રણા કરવાની ધીરજ નથી રાખતા. વીરતાની આગળ-પાછળ ત્રણ વિશેષણો હોય છે : 1. ધીર, 2. વીર અને 3. ગંભીર. ધીરતા અને ગંભીરતાની વચ્ચે વીરતા શોભે. ધીરતા અને ગંભીરતા વિનાની વીરતા ઉછાંછળી કહેવાય. ફ્રાંસિસ યુદ્ધના વિકલ્પનો માર્ગ વિચારવા લાગ્યો. તેણે યુદ્ધનો ત્યાગ કરી દીધો. કેટલીકવાર સત્કર્મમાં દુષ્કર્મ અને દુષ્કર્મમાં સત્કર્મની છાપ દેખાતી હોય છે.
ફ્રાંસિસ ઘરે પાછો આવ્યો. તે હંમેશાં વિચારોમાં ડૂબેલો રહેતો. મોજશોખ, ગાન-તાનમાં ચંચળ રહેનારો ફ્રાંસિસ ગંભીર થઈ ગયો. તે વિચારોમાં ડૂબ્યો રહેતો. “જીવન શા માટે છે? શું નાચ-ગાન, મોજ શોખ કરવા માટે જ છે કે પછી તેનો કોઈ મહત્ત્વનો હેતુ છે?” અંતે તેને સમજાયું કે જીવન મહત્ત્વના હેતુ માટે છે. તેને ધૂળમાં રગદોળી નાખવાનું ન હોય. તેને વૈરાગ્યનો રંગ ચઢવા લાગ્યો. વ્યક્તિને જીવનમાં જુદાજુદા રંગો ચઢતા હોય છે. જેને જેવો રંગ ચઢ્યો હોય તે તેવો થાય. વૈરાગ્ય રંગ ચઢે તો નિર્મોહી ભાવ જાગે અને સુખલાલસા ઓછી થઈ જાય. સુખલાલસા ઓછી થતાં જ અંત:તૃપ્તિ થવા લાગે. બાહ્ય પદાર્થો માટેનાં ફાંફાં સમાપ્ત થઈ જાય. બાહ્ય સુખો તેને તુચ્છ લાગવા માંડે. તેના મિત્રો ફ્રાંસિસના પરિવર્તનને સમજી શક્યા નહીં. સૌસૌની કક્ષાઓ હોય છે. સમજવા માટે પણ સમજદારીની કક્ષા હોવી જોઈએ.
એક દિવસે ફ્રાંસિસ ઘરબાર બધું છોડીને રોમ તરફ ચાલી નીકળ્યો. તેનો આત્મા કાંઈક શોધતો હતો. ક્યાં જાઉં તો શાંતિ મળે? જવાબ મળ્યો, રોમ જા. રોમ ધર્મનગરી છે અને ત્યાં મોટામોટા ધર્મપુરુષો રહે છે તે તારું કલ્યાણ કરશે.
બુદ્ધ અને મહાવીરે પણ ગૃહત્યાગ કર્યો હતો. ફરક એટલો હતો કે ફ્રાંસિસ પરણ્યો ન હતો તેથી પત્નીત્યાગ કરવો પડ્યો ન હતો. ફ્રાંસિસની પાછળ ભિખારીઓ થઈ ગયા. શ્રીમંતનો દીકરો હતો તેથી તેનો દેખાવ શ્રીમંત જેવો હતો. ફ્રાંસિસે પોતાનાં વસ્ત્રો દરદાગીના જે કાંઈ હતું તે બધું ભિખારીઓને આપી દીધું અને તેણે ભિખારીઓનાં કપડાં પહેરી લીધાં. હવે તે પણ ભિખારી થઈ ગયો હતો. દુ:ખ જોવું અને અનુભવવું એ બંનેમાં ઘણો ફરક છે. તેણે યુદ્ધ જોયું પણ ખરું અને અનુભવ્યું પણ ખરું, તેણે જેલવાસ જોયો ખરો અને અનુભવ્યો પણ ખરો. તેણે ભિખારીઓને ઘણા જોયા હતા પણ હવે તે ઐચ્છિકતાથી જાતે ભિખારી થઈને તેને અનુભવવા લાગ્યો. તેણે બહુ નજીકથી ભિખારીઓનાં દુ:ખોને જોયાં. ભિખારીઓની પણ કક્ષાઓ હોય છે. સૌથી વધુ દુ:ખી અને વધુ ઘૃણાસ્પદ ભિખારી રક્તપિત્તિયાં હોય છે. આ રોગ ચેપી રોગ મનાય છે તેથી લોકો દૂર ભાગે છે. કોઈ નજીક નથી આવતું. રૂપાળો માણસ બેડોળ બની જાય છે. હાથ-પગનાં આંગળાં ખરી પડે છે, ગાલ-નાક આંખો વગેરે પીપથી વિકૃત થઈ જાય છે. મહાદુર્દશા થઈ જાય છે, ફ્રાંસિસને એવો જ એક રક્તપિત્તિયો મળ્યો. લોકો તેનાથી ઘૃણા કરીને હૈડ-હૈડ કરતા હતા. ફ્રાંસિસ તેને ભેટી પડ્યો, તેના ચહેરાને ચૂમવા લાગ્યો. “પ્રભો, મારા પ્રભો” કહીને તે રડવા લાગ્યો. આપણે સાધુ-સંતો-ભક્તોમાં તો પ્રભુનો અનુભવ કરીએ છીએ. પર્વત, નદીઓ, વૃક્ષો અને પશુઓમાં પણ પ્રભુનાં દર્શન કરીએ છીએ. પણ રક્તપિત્તિયાંમાં તેનું દર્શન નથી કરી શકતા. આમ કહેવા ખાતર તેને સર્વવ્યાપક, કણકણ અને અણુ-અણુમાં પ્રસરેલો માનીએ છીએ પણ વ્યવહારમાં ઘૃણા કરીએ છીએ. જે માણસ જેટલો વધુ પવિત્ર તે તેટલો જ વધુ ઘૃણાથી ભરેલો હોય છે. તેને સતત અભડાવાનો અને ભ્રષ્ટ થઈ જવાનો ભય સતાવતો રહે છે. જે સીધો જ પવિત્ર હોય છે તેનામાં આ દોષ વધુ રહે છે. પણ જે પતિતમાંથી પવિત્ર થયો હોય છે તેનામાં આવી ઘૃણા ઓછી હોય છે. ફ્રાંસિસે પતિતાવસ્થા જોઈ—અનુભવી હતી. તે પેલા રક્તપિત્તિયાને હૉસ્પિટલમાં લઈ ગયો અને તેને દાખલ કરી તેની સેવા કરવા લાગ્યો. ભક્તિમાર્ગમાં પણ જો રોજરોજ સાફ જમવાનું મળે, માન-પ્રતિષ્ઠા અને દક્ષિણા મળે તો સારું લાગે, ભક્તોની જમાત મોટી થઈ જાય. પણ સૌથી અઘરો સેવાનો માર્ગ છે. તેમાં પણ રક્તપિત્તિયાંની સેવા તો છેલ્લી કક્ષા જ કહેવાય. ફ્રાંસિસ આ કામમાં લાગી ગયો.
બાપદાદાની સંપત્તિ તે આવા સેવાકાર્યમાં વાપરવા લાગ્યો. તેથી તેના પિતા-પરિવારને અળખો થવા લાગ્યો. કમાઉપૂત સૌને ગમે, ઉડાઉપૂત કોઈને ન ગમે. તેમાં પણ ઘૃણિત રક્તપિત્તિયાંમાં પુત્ર પડ્યો-પાથર્યો રહે તે તો ન જ ગમે. ફ્રાંસિસે દેવળમાં જઈને ધર્માધ્યક્ષની સમક્ષ બાપની તમામ સંપત્તિમાંથી પોતાનો હક્ક ઉઠાવી લીધો. તેણે પહેરેલાં કપડાં પણ ઉતારી આપ્યાં. “લ્યો, હવે તો શાંતિ થઈને!” તે બોલ્યો, આજ સુધી હું બર્નાડોલનો પુત્ર હતો. હવેથી હું ઈશ્વરનો પુત્ર—દાસ થયો છું. પ્રભુ જ મારો પિતા છે.” ધર્માચાર્ય તો આભો જ બની ગયો! ફ્રાંસિસ હવે સંપૂર્ણ ત્યાગી બની ગયો હતો. તે ચાલી નીકળ્યો. કડકડતી ઠંડીમાં, વનમાં એકલો ચાલતો રહ્યો. ફરી પાછું યુવાનોનું ટોળું તેની પાસે વીંટળાવા લાગ્યું પણ આ યુવાનો પહેલાં જેવા મોજશોખિયા ન હતા. ધર્મભાવનાવાળા સાત્વિક હતા. ફ્રાંસિસ તેમને બાઈબલનું પ્રસિદ્ધ વાક્ય વારંવાર સંભળાવતો—“તારે ગળે બાંધેલો ધનનો પથરો ફેંકી દે. તારી પાસે જે કાંઈ હોય તે ગરીબોને વહેંચી દે અને પછી મારી પાસે આવ.” યુવાનોનું ટોળું વધવા લાગ્યું. પણ આ યુવાનો કાલીરોટી અને ધોળી દાળવાળા ન હતા. મુખ્ય માણસનું જીવન બ્લૂપ્રિન્ટ બનતી હોય છે. ફ્રાંસિસ કહેતો માત્ર પોતાના આત્માનું જ કલ્યાણ કરવું એ પૂરતું નથી. જે પોતાનું કલ્યાણ નથી કરી શકતા તેમનું કલ્યાણ કરવું એ જ સાચી સેવા છે. સૌ સેવામાં લાગી ગયા. જો મુખ્ય વ્યક્તિ તપસ્વી હોય તો બધા તપ કરવા બેસી જાય, યોગી હોય તો યોગ કરવા લાગે, કર્મકાંડી હોય તો યજ્ઞો કરવા લાગે, કીર્તન કરતો હોય તો ભજનકીર્તન કરે અને અહંબ્રહ્માસ્મિ બોલતો હોય તો અહંબ્રહ્માસ્મિ બોલવા લાગે. મુખ્ય વ્યક્તિ—આદિવ્યક્તિનું જીવન બહુ મહત્ત્વનું હોય છે. તેમાંથી બ્લૂપ્રિન્ટ બને છે.
ફ્રાંસિસનું ટોળું ગામેગામ ફરવા લાગ્યું. જાડાં કપડાં, સાદું જીવન, ભાર વિનાનું સ્વાવલંબી જીવન જીવનારો વર્ગ તૈયાર થયો. આ બધા સાધુઓ હતા. તેઓ આખો દિવસ કામ-મજૂરી કરે. ખેડૂતોને મદદ કરે. બધાં કામોમાં લાગી જાય. આ કર્મત્યાગી સાધુ ન હતા. પણ કર્મયોગી સાધુઓ હતા. મહેનત કરીને હક્કનો રોટલો ખાવામાં માનતા હતા. રાત્રે દેવળમાં જઈને ભજન કરતા.
ફ્રાંસિસ વારંવાર પોતાના સાધુઓને કહેતો આપણે તુચ્છ છીએ. મહાન નથી, પવિત્ર નથી. તુચ્છ છીએ. મોટાઈ ન કરશો. સૌથી નાના થઈને રહેશો તો જ સેવા કરી શકશો. ગાદીપતિ થઈને મહંત થવું સરળ છે. આપણે મહંત નથી થવાનું, સંત થવાનું છે. સંતને મોટાઈ ન હોય તે તો દાસનો દાસ હોય. ફ્રાંસિસનો સંઘ વધવા લાગ્યો. તેણે કઠોર નિયમો ઘડ્યા.
1. જાડાં અને સાદાં કપડાં પહેરવાં, ભભકો ન કરવો.
2. મહેનત કરવી મફતનું ન ખાવું.
3. ધન ભેગું ન કરવું, દુ:ખીઓ માટે વાપરતા રહેવું.
4. બીમાર અને સમાજથી હડધૂત થયેલાંઓની સેવા કરવી.
5. કોઈ તિરસ્કાર કરે તો શાંતિથી વિદાય લેવી.
6. પોતાનાં પાપોનો સ્વીકાર કરવો અને પ્રાયશ્ચિત્ત કરવું.
7. હંમેશાં પ્રભુભજન કરતા રહેવું.
ફ્રાંસિસના આ નિયમોથી ધાર્મિક ક્ષેત્રમાં ખળભળાટ મચી ગયો. કારણ કે બધા સાધુઓ ઠાઠમાઠવાળું મહંતાઈભર્યું જીવન જીવતા હતા. ફ્રાંસિસના ત્યાગી સાધુઓથી તે હલકા દેખાવા લાગ્યા. તેથી વિરોધ ઊભો થયો, બધાંએ મળીને કેસ કર્યો પણ ફ્રાંસિસ અડગ રહ્યો. પોપ અને કાર્ડિનલોને તેની વાત માનવી પડી.
ફ્રાંસિસે પ્રચારકાર્ય શરૂ કર્યું. સારી અને સાચી વાત પણ પ્રચારની અપેક્ષા રાખે છે. પ્રચાર વિના સત્ય પણ વનપુષ્પની માફક ખીલીને ત્યાં જ કરમાઈ જાય છે.
ફ્રાંસિસ ગામેગામ ફરીને લોકોને સમજાવતો. અંદરોઅંદર લડવાનું બંધ કરો, ભાઈચારો વધારો, વ્યસનો બંધ કરો, શ્રમ કરો અને પ્રભુભજન કરો. સીધોસાદો ઉપદેશ સૌને ગમવા લાગ્યો. પંડિતાઈની ભાષાનો દુર્બોધ ઉપદેશ પરિણામશૂન્ય હોય છે.
ફ્રાંસિસ વિચરણ કરતો રહેતો તેથી ગામેગામ જાગૃતિ આવવા લાગી. ત્યારે અને આજે પણ ભવ્ય પરિષદો યોજાતી, સપ્તાહો થતી, હજાર કુંડીના યજ્ઞો થતા, યોગશિબિરો થતી અને લખલૂટ ખર્ચા કરાતા. ફ્રાંસિસે ત્યારે ‘ઝોંપડા પરિષદ’નું આયોજન કર્યું. બધા ઝોંપડાવાળાઓને ભેગા કર્યા. તેમના પ્રશ્નો ઉકેલવાના પ્રયત્નો થયા. ધર્મ પ્રશ્નોને ઉકેલે છે. સંતો પ્રશ્નો ઉકેલવાની સાધના કરે છે. સૌથી વધુ પ્રશ્નો ઝોંપડાવાસીઓના છે. સાધના અહીંથી શરૂ કરવાની છે. હવે સમજાયું હશે કે પાદરીઓ ઝોંપડાઓમાં કેમ ફરે છે. આ બ્લૂ પ્રિન્ટ છે તેથી.

Post a Comment