ધર્મશાસ્ત્રના ત્રણ ભેદ છે : 1. આચારશાસ્ત્ર 2. સાધનાશાસ્ત્ર અને 3. દર્શનશાસ્ત્ર. કેટલાક ધર્મો આચારપ્રધાન હોય છે.
1. આચારશાસ્ત્ર—આચાર એટલે પાપ-પુણ્યનો નિર્ણય. જૈન અને ઇસ્લામ ધર્મ આચારપ્રધાન છે. જોકે બંનેના આચારોમાં ઘણા ભેદો છે. તોપણ શું કરવું અને શું ન કરવું તેનો વિચાર આ ધર્મોમાં સૌથી વધુ કરાયો છે. જે ધર્મમાં નિષેધ વધુ કરાયો હોય અર્થાત્ “આ ન કરાય” તેમાં નકાર વધુ હોય. નકાર વધુ હોય તેમાં તેવું કરનારા પ્રત્યે ઘૃણા પણ વધુ હોય. તેથી ચુસ્તતા વધુ આવે.
2. સાધનાશાસ્ત્ર—પ્રત્યેક ધર્મમાં કોઈ ને કોઈ પ્રકારની સાધના તો હોય જ છે. સાધના હોય ત્યાં સિદ્ધિ પણ હોય અને સિદ્ધિઓ હોય એટલે ચમત્કારો પણ હોય જ. ચમત્કાર વિનાની સિદ્ધિઓનો કોઈ અર્થ ન રહે, જેમાં ચમત્કારો કરનારા ઘણા સાધુ-સંતો, ઓલિયા-ફકીરો વગેરે થતા હોય તેમાં અંધશ્રદ્ધાનું પ્રમાણ પણ વધુ હોય. ધર્મને સર્વથા અંધશ્રદ્ધા મુક્ત કરી શકાતો નથી. કારણ કે તેમાં શ્રદ્ધાની પ્રધાનતા રહે છે અને શ્રદ્ધાની કુક્ષિમાં થોડીઘણી અંધશ્રદ્ધા પણ રહેતી હોય છે. શ્રદ્ધા કરતાં અંધશ્રદ્ધામાં વધુ મક્કમતા અને દૃઢતા હોય છે.
3. દર્શનશાસ્ત્ર—બૌદ્ધિકો માટે હોય છે. વિશ્વની ઉત્પત્તિ, જીવાત્મા અને પરમાત્માના સ્વરૂપનો વિચાર વગેરે બૌદ્ધિક ચર્ચા આ શાસ્ત્રમાં કરવામાં આવી હોય છે. હિન્દુ, જૈન અને બૌદ્ધ ત્રણે ભારતીય ધર્મોમાં પ્રચુર દર્શનશાસ્ત્રો છે. જ્યાં દર્શનશાસ્ત્રોની પ્રધાનતા કે પ્રચુરતા હોય ત્યાં ચર્ચાની છૂટ હોય. ચર્ચાની છૂટ હોય ત્યાં કટ્ટરતા ઓછી હોય. બીજાની વાત સાંભળવાની અને તેને સમજવાની તૈયારી હોય એટલે થોડી ઉદારતા પણ આવે. ભારતમાં ધાર્મિક ખૂનરેજી ન થવાનું મુખ્ય કારણ તેનાં દર્શનશાસ્ત્રો છે. જે બીજાને બોલવાની છૂટ આપે છે. જે ધર્મોએ આવી છૂટછાટ આપી તે ઉદાર થઈ શક્યા નથી. પરમત સહિષ્ણુતા સૌથી મોટી ઉદારતા કહેવાય. આ ન હોવાથી કટ્ટરતા આવે અને ભયંકર ખૂનરેજી મચાવે.
ભારતની માફક ગ્રીસમાં પણ ઘણા દાર્શનિકો થયા છે. સોક્રેટિસથી શરૂઆત કરાય તો તેમનો શિષ્ય પ્લુટો અને પછી એરિસ્ટોટલ (અરસ્તુ) થયો. ફારસીવાળા સોક્રેટિસને સુકરાત અને એરિસ્ટોટલને અરસ્તુ કહે છે. એરિસ્ટોટલ તેના સમયમાં જગદ્ગુરુ કહેવાતો. જગદ્ગુરુ લખવા માત્રથી કોઈ જગદ્ગુરુ થઈ જતો નથી. જો થતો હોય તો ભારતમાં જગદ્ગુરુઓનો ઢગલો થઈ જાય. ધાર્મિક ઉપાધિઓની પાછળ પણ રહસ્ય હોય છે. જેનામાં 108 વિદ્યાશાખાઓની પરિપકવતા હોય તેને શ્રી 108 કહેવાય. કલાડાનો ‘ક’ પણ ન આવડતો હોય અને કોઈ પોતાની મેળે જ 108 લખે કે લખાવડાવે તે ગર્દભ ને ગજરાજ મનાવે છે. ભલે માને કે મનાવે પણ જ્યારે અવાજ કાઢવાનો સમય આવે ત્યારે પોત પ્રકાશિત થઈ જાય. એરિસ્ટોટલ બધી વિદ્યાશાખામાં નિપુણ હતો તેથી તે 108 જ નહીં સાચા અર્થમાં જગદ્ગુરુ હતો.
એરિસ્ટોટલનો જન્મ ઈસુથી પણ પૂર્વે 384 વર્ષમાં ગ્રીસમાં આવેલા સમુદ્રકિનારે સ્ટેગીરા ગામમાં થયો હતો. તેના પિતાનું નામ નિકોમેક્સ હતું. તે મેસિડોનિયાના રાજાના રાજવૈદ્ય હતા. સમૃદ્ધ અને કુલીન ઘરમાં જન્મ લેવાથી ઘણા લાભો આપોઆપ મળી જતા હોય છે. જે મહાપ્રયત્નો પછી પણ બીજા લોકોને નથી મળતા તે એરિસ્ટોટલને જન્મતાં જ સહજ રીતે મળી ગયા હતા. સોક્રેટિસના શિષ્ય પ્લુટોના વિદ્યાલયમાં તેમને ભણવાનું મળ્યું અને બધા શાસ્ત્રોમાં નિપુણ થયા.
મેસડોનિયાના મહારાજા ફિલિપના ત્યાં પુત્ર જન્મ્યો. તેનું નામ એલેકઝાંડર, જેને આપણે સિકંદર નામથી જાણીએ છીએ. રાજાએ તેને ભણવા માટે એરિસ્ટોટલના ત્યાં મોકલ્યો. જેને ભવિષ્યમાં મોટો ભાર ઉપાડવાનો હોય તેનું ઘડતર બરાબર થવું જોઈએ. ઘડાયા વિનાની વ્યક્તિને મોટી જવાબદારી સોંપાય નહીં અને કદાચ સોંપો તો બધું ધૂળધાણી કરી નાખે. પૂરું ઘડતર માત્ર માતા-પિતાથી જ નથી થઈ શકતું. આચાર્ય પણ જોઈએ. આચાર્ય એ જ ગુરુ. આચાર્યત્વ વિનાના ગુરુ જ્ઞાનગુરુ ન હોય બહુ-બહુ તો તે કાનગુરુ હોય. કાનગુરુ વાડાબંધી કરે. વાડામુિક્ત ન કરે. જે વાડામુિક્ત ન કરાવે તે જીવનમુિક્ત પણ ન કરાવે. અરસ્તુ પાસે સિકંદરે ઘણું અધ્યયન કર્યું. મહાન આચાર્યને મેળવીને શિષ્ય ધન્ય થઈ જતો હોય છે. તેવી જ રીતે મહાન શિષ્યને મેળવીને આચાર્ય પણ ધન્ય થઈ જતા હોય છે. ગુરુ-શિષ્ય બંને ધન્ય થઈ ગયા.
ત્યારે “મારે તેની તલવાર”નો ન્યાય ચાલતો. પ્રત્યેક સ્થળે માથાભારે દબંગ લોકો જે ધારે તે કરતા અને લૂંટફાટ કરીને ગરીબોને મહાત્રાસ આપતા. એરિસ્ટોટલનું ગામ સ્ટેગીરા આવા દબંગોએ લૂંટી લીધું અને બાળી મૂક્યું, આવા સમયે રાજા ફિલિપે મદદ કરીને ગામને ફરીથી વસાવ્યું અને સુરક્ષિત કર્યું. કલમની શક્તિને પણ તલવારની શક્તિની જરૂર હોય છે. કલમ અને તલવારનો સુમેળ બહુ ઓછી જગ્યાએ થતો હોય છે. ફિલિપના અવસાન પછી સિકંદર રાજા બન્યો. અરસ્તુના સંસ્કારથી તે મહત્ત્વાકાંક્ષી થયો. તે યૌવનની શરૂઆતમાં હતો ત્યારે અરસ્તુ વૃદ્ધ થયો હતો. વૃદ્ધ અરસ્તુને કોઈ યુવતી સાથે ક્રીડા કરતાં સિકંદર જોઈ ગયો. તેથી અશ્રદ્ધા થઈ ગઈ. અરસ્તુ સમજી ગયો. તેણે વાત છુપાવી નહીં, તેણે સિકંદરને બોલાવીને કહ્યું કે, “જો હું આટલો જ્ઞાની છું અને વૃદ્ધ છું તો પણ વાસના મને નચાવે છે તો તું જુવાન છે. તારી તો કેવી દશા થતી હશે? માટે મારામાંથી બોધપાઠ લઈને સાવધાન રહેજે.” રૂપ-યૌવન અને સમૃદ્ધિ જોઈને યુવતીઓ દોડતી આવતી હોય છે, તારામાં બધું છે તેથી તું સાવધાન રહેજે.”
સંબંધોમાં એક અનિવાર્ય શરત હોય છે. સામેના પાત્રના સદ્ગુણો કે જમાપાસાથી આકર્ષાઈને બાંધેલા સંબંધો લાંબો સમય ટકતા નથી. પણ સામેના પાત્રના દુર્ગુણોને પણ જાણી-સમજીને બાંધેલા સંબંધો લાંબો સમય ટકતા હોય છે. પૂર્ણમાત્ર પરમાત્મા જ છે. માનવમાત્રમાં કાંઈક દોષ તો હોય જ છે. જે દોષોને સહન કરી શકે તે જ સંબંધો નિભાવી શકે. સિકંદરે, અરસ્તુની શિખામણ માન્ય રાખી.
સિકંદર હંમેશાં કહેતો કે, “મારા જન્મદાતા પિતાનો હું ઋણી છું. પણ તેમનાથી પણ વધુ ઋણી, મારા ગુરુ અરસ્તુનો છું; કારણ કે મારું ખરું ઘડતર તેમણે જ કર્યું છે.” જ્યારે ગ્રીસમાં અરસ્તુનો ઉદય થયો હતો તેના પહેલાં 150 વર્ષે ભારતમાં બુદ્ધ થયા હતા. અરસ્તુએ વિશ્વવિજેતા સિકંદરને પેદા કર્યો અને બુદ્ધે શસ્ત્રત્યાગી થવાની સમ્રાટોને પ્રેરણા આપી. અરસ્તુએ માત્ર પરલોક કે નિર્વાણ ઉપર જ ભાર ન મૂક્યો પણ તેનું ચિંતન બહુલક્ષી—સર્વલક્ષી બન્યું હતું. તે શરીર સંશોધન કરતો રહેતો. મડદાંને ચીરીને શરીરનાં ભિન્નભિન્ન અંગોને સમજવાનો પ્રયત્ન કર્યો. પશુ-પક્ષી, જીવજંતુ વગેરે પ્રાણીમાત્રને પૂરેપૂરાં સમજવા તેણે ચારે તરફનું અધ્યયન કર્યું. તેણે રાજનીતિના સિદ્ધાંતો વિકસાવ્યા અને સમજાવ્યા. તે કવિ હતો, સાહિત્યકાર હતો અને મનોવૈજ્ઞાનિક હતો, એવું કોઈ મહત્ત્વનું જીવનક્ષેત્ર નહીં હોય જે વિષે તેણે ચિંતન ન કર્યું હોય. તે ઉચ્ચ કક્ષાનો અર્થશાસ્ત્રી પણ હતો. કોઈ એક જ વ્યક્તિમાં આટલા બધા વિષયોના તજ્જ્ઞ થવાનું ભાગ્યે જ શક્ય બને પણ તે અરસ્તુમાં શક્ય બન્યું હતું.
તેના અક્ષરો મોતીના દાણા જેવા સુંદર રહેતા ને સારા અક્ષરો લખવા માટે પ્રોત્સાહન આપતો. તેણે જ સિકંદરને વિશ્વવિજેતા થવા પ્રેરણા આપી હતી. સિકંદર છેક ભારત સુધી વિજય મેળવતો-મેળવતો ચઢી આવેલો અને અહીંથી પાછો વળેલો, પણ તે અખૂટ ધનભંડાર લઈને દેશ પાછો ફરી શક્યો નહીં, માર્ગમાં જ બીમાર થવાથી તેનું મૃત્યુ થઈ ગયું. તેની સાથે મહાન હકીમ લુકમાન હતો, તેને સિકંદરે કહ્યું, “લુકમાન, મને બચાવી લે, મારે મારો દેશ જોવો છે.” પણ લુકમાનના હાથ હેઠા પડ્યા, સિકંદર સમજી ગયો. હવે કાળ નજીક છે. તેણે હાથ ઊંચા આકાશ તરફ કર્યા અને કહ્યું કે, “જુઓ, ખાલી હાથે જાઉં છું. કાંઈ લઈ જતો નથી.” કહે છે કે તેની સ્મશાનયાત્રામાં તેના હાથ બહાર રખાયા હતા અને તે ખાલી હતા. પાછળ અઢળક લૂંટનો સામાન હતો. લોકો જોતાં જ રહી ગયા. એક શાયર બોલી ઊઠ્યો :
મુરૈયા ગર્વે સબ સામાન મુલ્કે ઔર માલીથે।
સિકંદર જબ ચલા દુનિયા સે દોનો હાથ ખાલી થે॥
સિકંદર જબ ચલા દુનિયા સે દોનો હાથ ખાલી થે॥
ત્યારે સિકંદરની માત્ર 33 વર્ષની જ ઉંમર હતી. તે 23મા વર્ષે વિશ્વ-વિજય કરવા નીકળ્યો હતો, માત્ર 10 વર્ષમાં જ તેણે મહત્ત્વના દેશો જીતી લીધા હતા. બુદ્ધ મહાવીર વગેરે પ્રથમથી જ આ સંદેશો લોકોને આપતા હતા કે સાથે કશું આવવાનું નથી તેથી દીક્ષા લઈ લો. અને નિર્વાણ પામો. અરસ્તુ તેથી ભિન્ન સંદેશો આપતો : મહત્ત્વાકાંક્ષી બનો, વિજયી બનો, સાર્વભૌમ બનો પરલોક નહીં. આ લોકને મહત્ત્વ આપો, એકમાં નિરાશાવાદ છે તેથી પલાયનવાદ પ્રગટે છે. પલાયન થઈને શાંતિ પામવાની છે. સંઘર્ષ નથી કરવો. સંઘર્ષમાં શાંતિ ન હોય. બીજામાં આશાવાદ છે. મહેચ્છા છે. તેથી મોટી પ્રવૃત્તિ છે. મહાઆરંભો છે. સંઘર્ષ જ જીવન છે તેવું સૂત્ર છે—જીવન શાંતિ પામવા નહીં. અશાંતિ દૂર કરવા છે, પોતાની નહીં લોકોની અશાંતિ. લોકોની અશાંતિ પરાક્રમથી જ દૂર થાય છે તેથી પરાક્રમી બનો, લોકોના પ્રશ્નો ઉકેલો, જીવનથી ભાગો નહીં.
આપણે કોઈ સિકંદર પેદા કરી શક્યા નહીં જે છેક યુરોપ સુધી ધ્વજ લહેરાવે. કારણ કે આપણે કોઈ અરસ્તુ પેદા ન કર્યો. જે આક્રમણ નથી કરતા તે પોતે આક્રમણનો શિકાર બનતા રહે છે. આપણને જે ચિંતન મળ્યું તે આક્રમણ કરનારું નહીં, પણ અહિંસા અને ક્ષમાનું મળ્યું જેનું આપણે આજે પણ ગૌરવ લઈએ છીએ, પણ તેથી આપણે સતત હારતા રહ્યા અને અંતે ગુલામ થયા તે તથ્યની ઉપેક્ષા કરીએ છીએ. કારણ કે આક્રમણ જ સુરક્ષાનું પ્રથમ સાધન છે તે વાત આપણા ગળે ઊતરતી ન હતી, ન આજે ઊતરે છે. આપણું ચિંતન આક્રાન્તાને પ્રોત્સાહન પૂરું પાડનારું સાબિત થયું. કાશ, આપણે ત્યાં પણ કોઈ અરસ્તુ પેદા થાય અને ચિંતનમાં પરિવર્તન કરાવે. આમ તો આપણી પાસે સવાયો અરસ્તુ ચાણક્ય છે જ પણ તેને દબાવી દેવાયો છે. ફરીથી ચાણક્ય જાગે. અરસ્તુ પ્રગટે. તો ભારત પણ મહાશક્તિ બની જાય.
Post a Comment