વિશ્વના નકશા ઉપર નજર ફેરવો. સમય-સમય ઉપર કેટલાક દેશો કેટલાક સમય માટે સર્વોચ્ચ શિખર ઉપર બેઠા હતા અને પછી ગબડી પડ્યા હતા. આજે અમેરિકા સર્વોચ્ચ શિખર ઉપર છે પણ તે પહેલાં બ્રિટનનો ગુલામ દેશ હતો. બહુ પ્રાચીન કાળમાં એટલે કે ઈસુના પણ પૂર્વ યુરોપના સર્વોચ્ચ શિખર ઉપર ગ્રીસ દેશ હતો. ફારસીવાળા તેને યુનાન કહે છે તે પછી રોમનો વારો આવ્યો, તે પછી સ્પેનનો વારો આવ્યો, તે પછી ફ્રાંસનો વારો આવ્યો, પછી ઇંગ્લૅન્ડ જાગ્યું, પછી જર્મની શિખર ઉપર પહોંચ્યું, પછી રશિયા, જાપાન અને ચીન આગળ વધ્યાં પણ અત્યારે તો અમેરિકા જ સર્વોચ્ચ શિખર ઉપર છે.
સર્વોચ્ચ શિખર ઉપર ત્રણ રીતે પહોંચી શકાય : 1. સૈનિક-શક્તિથી, 2. આર્થિક શક્તિથી અને 3. બૌદ્ધિક શક્તિથી.
જેની પાસે સૌથી વધુ શસ્ત્રો, સેના અને સેનાપતિઓ અને મહત્ત્વાકાંક્ષા હશે તે શિખર ઉપર પહોંચશે. જે લોકો સૈન્યશક્તિની ઉપેક્ષા કરશે તે શિખર ઉપર તો શું તળેટીમાં જ ગુલામ થઈને રહેશે. પહેલાં ગ્રીસના એલેકઝાંડરે વિશ્વવિજેતા થવાનું બિરુદ પ્રાપ્ત કર્યું હતું, પછી બીજા લોકોએ આ દિશામાં પગલાં ભર્યાં હતાં. આપણે તો વિશ્વવિજેતા થવાનો પ્રયત્ન જ ન કર્યો. આપણાં યુદ્ધો મોટા ભાગે અંદર-અંદરનાં જ રહ્યાં.
શિખર ઉપર પહોંચવા માટે આર્થિક સમૃદ્ધિ જરૂરી છે. જેની પાસે પુષ્કળ ધન હશે તે શિખર ઉપર હશે—જેમકે અમેરિકા. જે દરિદ્ર હશે, અન્ન-વસ્ત્ર આદિથી લાચાર હશે તે કદી શિખર ઉપર પહોંચી નહીં શકે, તે તળેટીમાં રહીને પારકી દયા ઉપર જીવનારો દેશ થઈ જશે. એટલે રાષ્ટ્ર અને પ્રજા માટે સમૃદ્ધિ અત્યંત જરૂરી છે. જે દેશનું ચિંતન જ સમૃદ્ધિત્યાગનું હોય, જેને પોતાની દરિદ્રતા ઉપર અભિમાન હોય તે સમૃદ્ધ ન થઈ શકે.
શિખર ઉપર પહોંચવાનું ત્રીજું તત્ત્વ બૌદ્ધિક શક્તિ છે. પ્રત્યેક રાષ્ટ્ર અને પ્રજા પાસે થોડીઘણી બૌદ્ધિક પ્રતિભાઓ હોય જ છે પણ સવાલ એ છે કે તે તેની વૃદ્ધિ અને ઉપયોગ ક્યાં કેવી રીતે કરે છે તે છે. આપણી પાસે પ્રચંડ મેધાવી પુરુષો હતા, પણ તેમનો ઉપયોગ પરલોક સુધારવાની દિશામાં થયો. આ લોકની પરવા જ ન કરી, આ લોકને મિથ્યા, નશ્વર, ક્ષણિક, દુ:ખરૂપ માનવામાં આવ્યો તેથી પ્રતિભા પરલોકસિદ્ધિમાં રોકાઈ ગઈ!
તે સમયમાં ગ્રીસમાં આ ત્રણે તત્ત્વો ભરપૂર હતાં, તેની પાસે મહત્ત્વાકાંક્ષા હતી, પ્રચંડ સૈન્યશક્તિ હતી, આર્થિક સમૃદ્ધિ હતી અને પ્રચંડ મેધા પણ હતી, આપણે એવા જ એક પ્રચંડ મેધાવી પુરુષની ચર્ચા કરવાની છે જેનું નામ સોક્રેટિસ હતું.
ઈ. સ. પૂર્વે 469માં સોક્રેટિસનો જન્મ ગ્રીસની રાજધાની એથેન્સમાં થયો હતો. ઈશ્વરકૃપાથી મારે બે વાર ગ્રીસ જવાનું થયું હતું અને સોક્રેટિસની સમાધિ જોવાનું સદ્ભાગ્ય પણ મળ્યું હતું. સોક્રેટિસનાં માતા-પિતા ગરીબ હતાં, તે મૂર્તિઓ બનાવવાનું કામ કરતાં હતાં, ગ્રીસમાં આજે પણ એટલી બધી મૂર્તિઓ રખાય છે કે મેં ખેતરોમાં પણ મૂર્તિઓ ઊભી કરાયેલી જોઈ હતી. તે સમયનાં ભવ્યાતિભવ્ય મંદિરોનાં ખંડેરો હજી પણ છે અને અનેક દેવ-દેવીઓની ખંડિત કે સાજી પ્રતિમાઓ હજી પણ જોવા મળે છે.
સોક્રેટિસની માતા પ્રસૂતિ કરાવનારી સૂયાણી હતી. બંને માંડ પેટ ભરાય તેટલું કમાતાં હતાં. શિલ્પકાર, સ્થાપત્યકાર, કલાકાર, સંગીતકાર વગેરે તે સમયમાં સામાન્ય ગરીબાઈમાં જીવન જીવતા. કારણ કે તેમની કલાકસબ સ્થાનિક લોકો સુધી જ સીમિત રહી જતી. વાહનવ્યવહાર અને સંદેશા-માધ્યમનો અભાવ હોવાથી આ બધાને યોગ્ય બજાર મળતું નહીં.
તે જમાનામાં ગરીબોનાં લગ્ન થવામાં કોઈ વાંધો ન આવતો; કારણ કે કન્યાઓનું પ્રમાણ વધુ હતું અને શ્રીમંતોની માંગ પ્રબળ ન હતી. સોક્રેટિસનાં લગ્ન તેના જ જેવી એક સામાન્ય કન્યા ઝેન્ટેવી સાથે થયાં હતાં. સારી કન્યા શોધવાથી નથી મળતી. શોધવાથી રૂપાળી કન્યા તો મળી શકે પણ પ્રત્યેક રૂપાળી કન્યા સન્નારી પણ હોય તેવી કોઈ ખાતરી ન હોય. સારી કન્યા ભાગ્યથી મળતી હોય છે. જેને સારી, સદ્ગુણી કુળવધૂ મળી તેનો બેડો પાર થયો સમજો. પણ જો ખોટી કન્યા મળી તો જીવતું નરક જ મળ્યું સમજો.
ઝેન્ટેપીનો સ્વભાવ બહુ કર્કશ, તેને વાતવાતમાં ઝઘડો કરવાની ટેવ. તે સીધી વાતનો પણ ઊંધો જ અર્થ કરે. સોક્રેટિસ અને ઝેન્ટેપીનું વૈચારિક કજોડું થઈ ગયું. તે જીવનભર દુ:ખ દેતું રહ્યું.
સોક્રેટિસ તત્ત્વજ્ઞાની અને દાર્શનિક. ભારતની માફક ગ્રીસે પણ અનેક ચિંતકો અને દાર્શનિકોને પેદા કર્યા છે. જેમના વિચારો આજે પણ વંચાય છે. દર્શન જેવા શુષ્ક વિષયમાં હંમેશાં ડૂબ્યો રહેતો પતિ, પત્નીની નારીસહજ અપેક્ષાની ઉપેક્ષા કરે તે સ્વાભાવિક છે. પત્નીના અરમાન હોય છે, જો તેને પતિ પૂરા ન કરે તો સ્ત્રી ચીડચીડી અને કર્કશ થઈ જતી હોય છે. કદાચ ઝેન્ટેપીનું આવું જ થયું હશે. પણ બીજી તરફ સોક્રેટિસ શાંત—ગંભીર સ્વભાવના, ઝેન્ટેપીની બધી અવળચંડાઈને તે હસતાં-હસતાં સહન કરે. તેથી તો તેમનો સાથ ટકી રહ્યો. બંને ગરમ હોય તો સાથ ટકી શકે નહીં પણ જો એકાદ ઠંડું હોય તો કામ ચાલી જાય. સહન વિનાનું દામ્પત્ય હોય જ નહીં. મોટા ભાગે તેમાં સ્ત્રી જ સહન કરતી હોય, અહીં ઊલટું હતું.
સોક્રેટિસના નવા-નવા વિચારો જાણવા તેની પાસે જિજ્ઞાસુ યુવાનોની ભીડ ભરી રહેતી, જ્યાં જિજ્ઞાસુઓનું પ્રમાણ વધારે હોય ત્યાં જ વિચારક-ચિંતકની કિંમત થાય. જ્યાં જિજ્ઞાસા જ ન હોય ત્યાં વિચારક કે ચિંતક ધૂળના ઢેફા જેવો થઈ જાય. ત્યારે પ્રેસ મીડિયા કે બીજો કોઈ મીડિયા ન હતો તેથી વિચારોને વ્યાપક થતાં ઘણો સમય લાગતો, અને તે પણ એક ક્ષેત્ર પૂરતા જ રહી જતા. દાર્શનિક સોક્રેટિસ ધંધા તરફ પૂરતું ધ્યાન આપી શકતો નહીં તેથી કમાણી ઓછી થતી. કમાણી ઓછી કરે અને મહેમાનો વધુ લાવે તેવા પતિથી પત્ની પ્રસન્ન ન રહે. પત્નીને ઘર ચલાવવાનું હોય, તેને વિચારો સાથે શી લેવાદેવા! એટલે ઝેન્ટેપી નારાજ રહેતી અને નારાજગી ઘણી વાર ઝઘડામાં ઉતારતી. ગ્રામ્ય સ્ત્રીની બે અપેક્ષાઓ મહત્ત્વની હોય છે : 1. પતિનું પૌરુષ અને 2. પતિની આવક. આ બેથી તૃપ્તિ ન હોય તો તે કજિયાળી થઈ જાય. પતિની વિદ્વત્તાની કદર તો સાક્ષર સ્ત્રી જ કરી શકે. પણ સાક્ષર સ્ત્રી લાવવી ક્યાંથી? ગ્રામ્ય સ્ત્રી ભલે કજિયાળી હોય પણ જો તે વફાદાર હોય તો તેમાં બે ગુણ જરૂર હોય : એક તો તે પ્રેમાળ પણ હોય અને બીજું તે ઘર સાચવે. ઘરને ભેળાવી ન દે. ઝેન્ટેપીમાં આ બંને ગુણો હતા. કજિયા કરીને પણ તે પ્રેમ તો કરતી. પતિ-પત્નીના કજિયા બે પ્રકારના હોય છે : 1. દ્વેષમૂલક અને 2. મતભેદમૂલક. દ્વેષમૂલક કજિયો, ધુમાડાથી ધૂંધવાયા કરે. તેમાં ડંખ અને વેરભાવ પણ જાગે અને અંતે વિચ્છેદ થઈ જાય. જ્યારે મતભેદ હોય પણ દ્વેષ ન હોય તો પ્રેમ જીવતો રહે. કજિયો અને પ્રેમ બંને સાથેસાથે જીવે. ઝેન્ટેપી કજિયો કરીને પણ પ્રેમ કરતી. જ્ઞાની સોક્રેટિસ તેને સમજી ચૂક્યા હતા. માત્ર ઝેન્ટેપી જ સોક્રેટિસની મહત્તાને સમજી શકી ન હતી. સૌ સૌની સમજશક્તિની સીમા હોય છે. સીમા બહારની અપેક્ષા ન કરાય.
એક વાર ઘણા યુવાન જિજ્ઞાસુઓ સોક્રેટિસના ઘરમાં એકઠા થયા હતા. લાંબો સમય ચર્ચા ચાલી, ઝેન્ટેપીને જરાય ન ગમી. પત્નીને સમય આપવાની જગ્યાએ જે પતિ આવી ચર્ચા-ભ્રમણમાં સમય વિતાવે તેની પત્ની નારાજ થાય જ. પાછું સોક્રેટિસને તો “પાઈની પેદાશ નહીં અને ઘડીની નવરાશ નહીં” જેવી દશા હતી. નારાજ પત્ની પોતાની નારાજગી અનેક રીતે વ્યક્ત કરે. પગ પછાડે, વાસણ પછાડે, એકલી જ બોલબોલ કરે. ચહેરો બગાડે અને ડોળા કાઢે. આટલું જોયા પછી પણ જે અતિથિ ન સમજે તે મૂરખ જ કહેવાય. અતિથિએ પુરુષમિત્રના ચહેરાનો ભાવો જવા કરતાં પણ મિત્રપત્નીના ભાવને વધુ જોવો જોઈએ. કારણ કે તે ઘરવાળી છે. ઘરમાં તેનું જ ચાલે છે.
ચર્ચા કરીને જ્યારે બધા જિજ્ઞાસુઓ બહાર નીકળ્યા ત્યારે ઝેન્ટેપીએ તેમના ઉપર વાસણ ધોયેલું પાણી ઢોળ્યું, બીજો પતિ હોત તો સમસમી ઊઠ્યો હોત. પોતાના દેખતાં પોતાના મહેમાનનું અપમાન કોઈ પતિ સહન ન કરે. પણ સોક્રેટિસ તો હસતાં-હસતાં બોલ્યો, “મેઘગર્જના પછી વરસાદ તો થાય જ ને!”—આવી સહનશક્તિ હતી તેની. સ્ત્રી વિદ્વત્તાથી જિતાતી નથી, ધનથી પણ જિતાતી નથી, તે તો તેની અપેક્ષાઓ પૂરી કરવાથી જ જિતાય છે.
સોક્રેટિસ એક તરફ મહાન દાર્શનિક હતા તો બીજી તરફ મહાન યોદ્ધા પણ હતા. ત્યારે યુદ્ધો બહુ થતાં અને ગ્રીસ તો યોદ્ધાઓનો દેશ, એટલે દેશના યુવાનોને અવારનવાર યુદ્ધ કરવા જવું પડતું. સોક્રેટિસ બે વાર યુદ્ધ કરવા ગયા હતા. એકવાર 36 વર્ષની ઉંમરે અને બીજી વાર 46 વર્ષની ઉંમરે. દેશરક્ષા માટે તેમણે યુદ્ધ કરેલું. તે એવા પ્રચંડ યોદ્ધા હતા કે એક વાર તો સેનાપતિ આલ્કીબિડીઝ અને બીજા ઘણાને બચાવ્યા હતા. કલમ અને તલવાર બંને એકસાથે ચલાવવાના ગુણો બધામાં નથી હોતા. કોઈક વિરલામાં જ હોય છે.
સોક્રેટિસે કદી પણ રાજકારણમાં ભાગ લીધો ન હતો, તોપણ વૈચારિક રીતે તે પ્રેરક રહેતા હતા. ત્યારે રોમ અને ગ્રીસમાં નગર લોકતંત્ર ચાલતું હતું. પ્રજાના પ્રતિનિધિઓ ચૂંટાતા અને વહીવટ કરતા. સોક્રેટિસના વિચારો સમય કરતાં ઘણા આગળના હતા તેથી રૂઢિવાદી વૃદ્ધોને ગમતા નહીં. આવું બધે જ થતું હોય છે. વૈચારિકો ત્રણ પ્રકારના હોય છે : 1. જૂના વિચારોમાં જીવનારા, 2. વર્તમાન વિચારોમાં જીવનારા અને 3. ભવિષ્યના વિચારોમાં જીવનારા.
જૂના વિચારોમાં જીવનારા જૂની ગૌરવની વાતો કરતા રહે છે. જૂનું બધું સારું હતું અને નવું બધું બગડી ગયું છે તેવી હૈયાવરાળ કાઢતા રહેતા હોય છે. તેમના ઘણા વિચારો પ્રસ્તુત નથી પણ હોતા તોપણ તે તેને ભૂતની માફક વળગી રહેતા હોય છે.
બીજા જે વર્તમાનના વિચારોવાળા હોય છે તે પ્રસ્તુત તો હોય છે પણ તેમાં પ્રગતિ નથી હોતી. આજે શાની જરૂર તે તો વિચારે છે પણ 50-100 વર્ષ પછી શાની જરૂર હશે તેનો વિચાર નથી કરતા. આવા લોકો થોડા કાળના નિર્માતા હોય છે, દીર્ઘકાળના નહીં.
ત્રીજા ભવિષ્યદ્રષ્ટા હોય છે. તેમને આવનારો સમય સ્પષ્ટ દેખાતો હોય છે, તેથી તે ભવિષ્યના નિર્માતા બનતા હોય છે પણ બધી પ્રજા તો ભૂતકાળમાં કે બહુબહુ તો વર્તમાનકાળમાં જીવતી હોય છે, તેમને ભવિષ્ય દેખાતું નથી હોતું. તેમની સીમા હોય છે તેથી ભવિષ્યદ્રષ્ટા સાથે સંઘર્ષ થતો હોય છે.
સોક્રેટિસના વિચારોની અસર થવા લાગી હતી, જેથી નવયુવાનોમાં ક્રાન્તિકારી પરિવર્તન આવવા લાગ્યું હતું. જેને રૂઢિવાદી ધર્મગુરુઓ અને રાજા સહન કરી શકતા ન હતા. રૂઢિવાદ અને સ્થાપિત હિત પરસ્પરનાં પૂરક તત્ત્વો હોય છે. બધા રૂઢિવાદીઓ એક થઈ ગયા. કોઈ પણ રીતે સોક્રેટિસનું કાસળ કાઢો—તેવી ધૂન બધાને લાગી. પણ કરવું શું? અંતે બધાએ મળીને સોક્રેટિસ ઉપર રાજદ્રોહ, પ્રજાને પથભ્રષ્ટ કરવાનો આરોપ લગાવ્યો. ત્યારે એથેન્સમાં લોકશાહી હતી. મહાપંચાયત બોલાવવામાં આવી. સોક્રેટિસને અપરાધીના પાંજરામાં પૂર્યો અને કેસ ચાલ્યો. મહાપંચના 275 સભ્યોએ સોક્રેટિસને નિર્દોષ જાહેર કર્યો, પણ 281 સભ્યોએ તેને દોષી જાહેર કર્યો. બહુમતિથી સોક્રેટિસ અપરાધી ઠર્યો. તેને દેહાંતદંડની સજા ફટકારવામાં આવી. સ્વાભાવિક છે કે આવા સમયે મિત્રો અને ચાહકો દુ:ખી થાય. બધા રડવા લાગ્યા, આવા સમયે જ શત્રુમિત્રની સ્પષ્ટતા થતી હોય છે. ગંભીર સોક્રેટિસે સૌને શાંત કર્યા. આવા મૃત્યુને તેણે અમરમૃત્યુ બતાવ્યું. જો શહીદ ભગતસિંહને ફાંસી ન આપી હોત અને તે બીમાર થઈને ખાટલામાં પડ્યો પડ્યો મરી ગયો હોત તો તે અમર ન થાત. સોક્રેટિસનું પણ આવું જ કહેવાય.
ત્યારે ગ્રીસમાં દેહાંતદંડ—ઝેર પીવડાવીને આપવામાં આવતો, શૂળી, ફાંસી કરતાં આ ઓછી ક્રૂરતા કહેવાય. જલ્લાદ ઝેરનો પ્યાલો લઈને આવ્યો. સભા વચ્ચે સોક્રેટિસે તે પી જવાનો હતો. વ્યક્તિના મનોબળની અનેક કસોટીઓ હોય છે પણ સૌથી પ્રબળ કસોટી મૃત્યુનો સાક્ષાત્કાર છે, તેમાં પણ અનિચ્છિત—અકાળમૃત્યુ ભલભલાને હચમચાવી કાઢે. ઝેરનો પ્યાલો જોઈને સોક્રેટિસ જરાય વિચલિત ન થયો પણ જલ્લાદ પીગળી ગયો! આજ સુધી તેણે અનેક અપરાધીઓને આવો પ્યાલો પીવડાવ્યો હતો, પણ આજે તેનો હાથ ધ્રૂજવા લાગ્યો. તેની આંખમાં આંસુ આવી ગયાં. આજે તેને પોતાના ઉપર ધિક્કાર છૂટવા લાગ્યો : “પાપી પેટ માટે મારે આવી નોકરી કરવી પડે છે? ધિક્કાર છે મને.” નોકરી ધંધાની પણ જીવન ઉપર સારી-માઠી અસર પડતી જ હોય છે. સોક્રેટિસે સામે ચાલીને જલ્લાદના ધ્રૂજતા હાથમાંથી પ્યાલો લઈ લીધો અને કહ્યું, “તું જા ભાઈ, તારો કોઈ દોષ નથી. તારું કર્તવ્ય જ એવું છે. જે તેં બજાવ્યું.” આખી સભા સોક્રેટિસ સામે ટગર-ટગર જોતી રહી. “હમણાં ઢોળી ન દે ફેંકી ન દે.” સોક્રેટિસે વિચાર્યું કે હવે વધુ તર્કવિતર્કો કરવા ન દેવાય. તેણે પ્યાલો મોઢે માંડ્યો અને એક જ શ્વાસે ગટગટાવી ગયો! ઝેર કડવું હોય છે એટલે લોકો કહેતાં હોય છે કે, “કડવું ઝેર જેવું.” કડવી વસ્તુ ગટગટાવવી સરળ નથી હોતી અને તે પણ એકશ્વાસે. પણ માણસ મરણિયો બને તો શું ન કરે?
સોક્રેટિસના શિષ્યો અને ચાહકો હાજર હતા, ક્રીટો, પ્લેટો, એપોલોડોરસ વગેરે ધ્રુસકેને ધ્રુસકે રડી પડ્યા. વીતરાગ રડે નહીં; કારણ કે તે લાગણીહીન હોય છે. જે કદી હસે નહીં અને કદી રડે જ નહીં, તેને જીવનની શી ખબર! જીવન તો લાગણીઓમાં રહેલું છે. શુદ્ધ લાગણીઓ એ જ પરમેશ્વરનું સાકાર રૂપ છે. સોક્રેટિસે સૌને સાંત્વના આપી અને મક્કમ થવા સૂચવ્યું, “મને મરતાં આવડે છે કે નહીં તે જુઓ. આટલા માટે તો મેં અહીં સ્ત્રીઓને હાજર રહેવા દીધી ન હતી, સ્ત્રીઓ કાચા હૃદયની હોય, તે કરુણ દૃશ્યો જોઈ ન શકે. તમે તો સ્ત્રીઓ નથી ને! છાના રહો.”
સોક્રેટિસે સભામાં આંટા મારવા લાગ્યા. થોડી વારમાં પગ ભારે થવા લાગ્યા. આંખે અંધારાં આવવા લાગ્યાં. તે સૂઈ ગયો. થોડી વાર ડચકાં ખાધાં અને આંખ મીંચી દીધી. પશ્ચિમે કેટલાય મહાપુરુષોને ક્રૂરતાથી માર્યા છે. માત્ર વિચારભેદના કારણે. આપણે નથી માર્યા.

Post a Comment