ધર્મનાં બે રૂપ હોય છે : 1. ઈશ્વરીય અને 2. માનવીય. ઈશ્વરીય ધર્મને સનાતન ધર્મ કહેવાય. માનવીય ધર્મ સનાતન નથી હોતો, માનવ સિવાયની તમામ જીવસૃષ્ટિ ઈશ્વરીય ધર્મ પ્રમાણે જીવન જીવે છે, તેથી તેમાં સુધારો-વધારો કરી શકાતો નથી. પશુ-પક્ષીઓ હિંસક નથી હોતાં તેમજ દયાળુ પણ નથી હોતાં. સિંહ પોતાની આવશ્યકતા પ્રમાણેનો શિકાર કરે છે. તે તેની દૃષ્ટિએ હિંસા નથી. આપણી દૃષ્ટિએ ભલે હિંસા હોય પણ તેની દૃષ્ટિએ તો આહારપ્રાપ્તિની અનિવાર્યતા જ છે. સિંહ કદી હજારો-લાખો હરણાંને મારીને ઢગલો કરી નાખતો નથી, માણસ કરે છે. હિટલર, સ્ટાલીન, ચંગીજખાં વગેરેએ આવા ઢગલા કર્યા હતા. કોઈ સિંહવાઘે આવા ઢગલા કર્યા જણાયા નથી. તેથી હિટલર વગેરેને તો હિંસક કહી શકાય પણ સિંહને હિંસક ન કહેવાય. ઈશ્વરીય નિર્ધારિત આહાર એ હિંસા નથી. કારણ કે તેનો વિકલ્પ નથી. સિંહાદિ પ્રાણીઓ માટે કોઈ વિકલ્પ જ નથી હોતો. તેથી સિંહાદિ પ્રાણીઓને દયાળુ પણ ન કહેવાય. ઈશ્વરીય ધર્મમાં હિંસા નથી તો દયા પણ નથી. કોઈના એકના એક બચ્ચાને કે તરત જ પ્રસૂતિ પામેલી હરણીને મારતાં સિંહને દયા નથી આવતી.
સિંહાદિ પ્રાણીઓ અતિકામી કે અતિ સંયમી પણ નથી હોતાં. ઈશ્વરીય નિર્ધારણ પ્રમાણે જ તેમનો કામ જાગે છે. અને તે કામભોગ ભોગવે છે. સમય પૂરો થતાં જ તેમનો કામભોગનો પિરિયડ પૂરો થાય છે. પછી તે સંયમી થઈ જતાં નથી. પણ તે ધારે તોપણ કામભોગ કરી શકતાં નથી, પશુ-પક્ષીઓનો કામ માદા પ્રેરિત હોય છે. ગર્ભ ધારણ થયા પછી માદામાં કામવૃત્તિ સમાપ્ત થઈ જાય છે. તે ગંધ છોડતી નથી તેથી કોઈ નર તેની પાછળ-પાછળ રખડતો નથી. આ રીતે નર-માદા બંને આપોઆપ કામનિવૃત્ત થઈ જાય છે. પણ માણસ માટે આવું નથી, માણસની કામનિવૃત્તિ કદી હોતી જ નથી. તેથી તેને સંયમ પાળવાનો ઉપદેશ અપાય છે. સંયમ માનવીય ધર્મ છે. ઈશ્વરીય સંયમ થોડા કાળ પૂરતો જ રહે છે. પછી નહીં, માનો કે એક વાર ભોગ ભોગવ્યા પછી નર બીજી-ત્રીજી, ચોથી-પાંચમી વાર સતત ભોગ ભોગવી શકતો નથી. બીજી વારના ભોગ માટે તેને સમય જોઈએ. આ સમયગાળો સૌનો સરખો ન હોય. સૌ સૌના પૌરુષ ઉપર આધારિત છે. તોપણ તેની સીમારેખા તો છે જ. પણ સ્ત્રી માટે આવી રેખા નથી. તે ઇચ્છાએ કે અનિચ્છાએ સતત ભોગ ભોગવી શકે છે. તેથી સ્ત્રી વેશ્યા થઈ શકે છે. નર પુરુષ વેશ્યા નથી થઈ શકતો, તેના માટે તેવો કોઈ શબ્દ જ નથી, કદાચ તેથી જ સ્ત્રી માટે પતિવ્રત ધર્મ હશે. તેનો કામભોગ પતિ પૂરતો જ સીમિત રહે તે જરૂરી છે. પુરુષ માટે પણ આ નિયમ જરૂરી કહેવાય. પણ પુરુષે બહુપત્નીત્વ પ્રથા દ્વારા આ નિયમ તો ઢીલો કરી નાખ્યો. સ્ત્રીઓ માટે બહુપતિત્વ નિયમ ન આવી શક્યો; કારણ કે આ માનવીય ધર્મની રચના પુરુષ નરોએ કરી હતી, કદાચ તેથી જ માનવીય ધર્મોમાં વ્યભિચારને મહાપાપ માનવામાં આવ્યું. પશુઓ વ્યભિચાર કરતાં જ નથી કારણ કે પતિવ્રત કે પત્નીવ્રત હોતું નથી. એક ગાય દશ વેતર સુધી જુદાજુદા સાંઢોથી વીર્ય ગ્રહણ કરે તોપણ તેને વ્યભિચારી કહેવાતી નથી, પશુઓ પાપ કરતાં જ નથી કારણ કે તે પુણ્ય પણ નથી કરતાં, પાપ-પુણ્ય માનવીય વ્યવસ્થા છે. જે દેશ-કાળ-પરિસ્થિતિ પ્રમાણે બદલાતી રહે છે.
પશુ-પક્ષીઓને સંસ્કૃતિ હોતી નથી. માણસોને હોય છે, સંસ્કૃતિનું મૂળ લજ્જા અને મૂલ્ય હોય છે. પશુ-પક્ષીઓ નિર્લજ્જ હોતાં નથી કારણ કે તેમને લજ્જા પણ નથી હોતી, તે શરમાતાં નથી. શરમ માત્ર માણસમાં જ મૂકેલો ગુણ છે. જે-જે કાર્યથી માણસને શરમ આવે, તે માણસને મૂલ્યહીન બનાવે. તેથી મૂલ્યવાન થવા અને રહેવા માટે સંસ્કૃતિનું પાલન જરૂરી થઈ જાય છે. દેશ-કાળ-પરિસ્થિતિ પ્રમાણે સૌની સંસ્કૃતિ જુદીજુદી હોય છે અને તે બદલાતી રહે છે. જે સંસ્કૃતિ ઈશ્વરીય જીવનવ્યવસ્થા સાથે તાલમેલ કરીને વિકસે છે તે કલ્યાણકારી થઈ શકે છે. પણ જે સંસ્કૃતિ કુદરતી વ્યવસ્થાથી દૂર-અતિદૂર ખસી જાય છે તે કલ્યાણકારી રહેતી નથી. ઉદાહરણ તરીકે આજીવન બ્રહ્મચર્યનું પાલન કુદરતથી ઘણે દૂરની વ્યવસ્થા કહેવાય. ઘૂંઘટ તાણવો કે ઓઝલ—બુરખો તાણવો તે કુદરતથી દૂરની વ્યવસ્થા કહેવાય. ઇચ્છાએ કે અનિચ્છાએ આવા ઘણા નિયમો માનવીય ધર્મ કે સંસ્કૃતિના નામે માણસ પોતાના ઉપર સ્થાપિત કરતો હોય છે અને પછી બદલતો રહે છે.
આ બાબતમાં ઘણી લાંબી વાતો કરી શકાય, ઘણાં ઉદાહરણો આપી શકાય પણ કહેવાનો મુદ્દો એટલો જ છે કે જે માત્ર ઈશ્વરીય વ્યવસ્થા પ્રમાણે જીવન જીવે છે તેને સનાતન ધર્મ કહેવાય. પશુપક્ષીઓ સનાતન ધર્મી હોય છે. પણ માનવસૃષ્ટિ, માત્ર ને માત્ર માનવસૃષ્ટિ જ પોતપોતાની ધર્મવ્યવસ્થા ગોઠવતી હોય છે જેને માનવીય ધર્મ કહેવાય. અહીં સૌથી પ્રથમ ભૂલ તે થઈ છે કે લગભગ પ્રત્યેક મોટા ધર્મે પોતાની વ્યવસ્થાને ઈશ્વરીય ધર્મ કહીને તેને ઈશ્વરીય બનાવી દીધો છે. માનવીય ધર્મોમાં ઈશ્વરીય તત્ત્વો હોઈ શકે છે, પણ સંપૂર્ણ ઈશ્વરીય તો નથી જ હોતો. ઈશ્વરીય ધર્મ માની લીધા પછી તેમાં પરિવર્તન કે સુધારા-વધારા કરી શકાતા નથી તેથી યુગ બદલાતાં પ્રાચીન વ્યવસ્થા ગૂંગળામણ પેદા કરે છે જેમાંથી મુિક્ત મેળવવા પ્રજા તડપતી રહે છે. આપણે એક એવી મહાન વિભૂતિની ચર્ચા કરવાની છે જેણે તથાકથિત માની લીધેલા ઈશ્વરીય ધર્મની સામે માથું ઊંચક્યું અને મહાપરિવર્તન કર્યું.
થોડી પૃષ્ઠભૂમિ જાણીએ, તેના વિના વાતને બરાબર સમજી શકાશે નહીં, ત્યારે સિરિયામાં યહૂદી ધર્મ પ્રચલિત હતો. પણ યરુશલેમ ઉપર રોમનોનું રાજ્ય ચાલતું હતું, ત્યારે રોમન સામ્રાજ્ય સૌથી બળવાન હતું અને તેથી ઘણા પ્રદેશો તેના કબજામાં હતા. યરુશલેમ પણ તેવો જ યહૂદી ધર્મ પાળતા. આરબોનો પ્રદેશ હતો. તેનું જૂનું નામ પેલેસ્ટાઈન હતું. રોમન ગવર્નર શાસક હતો. અહીં જિસસ ક્રાઈસ્ટનો જન્મ થયો અને તેમણે મોટી ક્રાન્તિ કરી. બલિદાન આપીને ખ્રિસ્તી ધર્મની સ્થાપના કરી, એવું લાગે છે કે ક્રાઈસ્ટ ઉપરથી ખ્રિસ્ત શબ્દ બન્યો છે જે આપણે ત્યાં જ પ્રચલિત છે અને જિસસ ઉપરથી ઈસુ શબ્દ બન્યો લાગે છે.
ખ્રિસ્તી ધર્મ જેરૂશલેમથી રોમનોની સાથે રોમમાં આવ્યો ત્યારે રોમનો અનેક દેવ-દેવીઓ વગેરેમાં માનતા હતા. રોમમાં આવ્યા પછી તેને એડમિનિસ્ટ્રેટિવ રૂપ અપાયું. યુરોપિયન પ્રજા વહીવટી પ્રજા છે. વહીવટી માળખાથી જ વ્યવસ્થા થઈ શકે. જો આવું માળખું ન હોય તો નેટવર્ક ન બનાવી શકાય, ન વિસ્તાર થઈ શકે. આપણે ધાર્મિક રીતે વહીવટી પ્રજા નથી. આપણી પાસે વ્યવસ્થિત ધાર્મિક માળખું નથી તેથી નેટવર્ક પણ નથી. ધર્મપ્રચારકો લગભગ પોતપોતાનો જ પ્રચાર કરતા હોય છે. કારણ કે માળખું જ નથી. ગમે તે માણસ ભગત, સાધુ-સંત થઈ શકે છે અને પોતાનો પંથ ચલાવી શકે છે. કોઈના માટે કશી રોકટોક નથી તેથી વિભાજક પ્રક્રિયાને પ્રોત્સાહન મળે છે અને પ્રજા દુર્બળ થાય છે.
પણ ખ્રિસ્તી ધર્મ રોમમાં આવ્યા પછી તેને વહીવટી માળખું આપવામાં આવ્યું. સર્વોચ્ચ સ્થાને પોપ રહે, પછી કાર્ડિનલો પછી આર્ચબિશપો, પછી બિશપો અને છેવટમાં પાદરીઓ આવે—આ બધા મળીને એકસૂત્રતાથી લોકો ઉપર ધર્મનું શાસન કરે.
સમય વીતતો ગયો. ધર્માચાર્ય શાસકોએ નવી-નવી પ્રથાઓ અને માન્યતાઓ દ્વારા લોકોનું શોષણ કરવા માંડ્યું. શોષણનાં ત્રણ ક્ષેત્રો છે : 1. સત્તાનું શોષણ, 2. ધનનું શોષણ અને 3. સ્ત્રીઓનું શોષણ. આ બધું ધર્મ દ્વારા થવા લાગ્યું. સર્વ પ્રથમ પોપ, રાજા-મહારાજાઓથી પણ ઊંચા અને મહાન બન્યા. ઉપરની સર્વોચ્ચ રાજસત્તા પોપની પાસે આવી ગઈ. તે ધારે તેને ગાદીએ બેસાડે અને ધારે તેને ઉઠાડી પણ શકે. પોપની મંજૂરી વિના કોઈ રાજા ન બની શકે, પછી ધનશોષણ શરૂ થયું. ખ્રિસ્તી ધર્મ જે હવે રોમન કૅથોલિક બન્યો હતો તે પાપને બહુ માને, તેની રોજની પ્રાર્થનામાં પાપક્ષમાની વાત હોય જ, એટલે પાપમુિક્ત માટે ઈસુના શરણે જવું અનિવાર્ય છે. ઈસુનું પ્રતિનિધિત્વ ધર્મગુરુઓ કરે એટલે તેમના શરણે જવું અનિવાર્ય થઈ જાય. ધર્માચાર્યો ધન લઈને પાપ માફ કરાવી આપે અને સ્વર્ગમાં જગ્યા અપાવે. આવો સજ્જડ રિવાજ પડી ગયો. જે ત્યાં જોઈતું હોય તે બધું અહીં ધર્માચાર્યોને આપવું પડે. આ પ્રથાથી ભારે શોષણ થવા લાગ્યું. શક્તિ ન હોય તોપણ સ્વર્ગ સુધારવા ધન તો આપવું જ પડે. આપણે કર્મવાદી છીએ કર્મના આધારે સ્વર્ગ કે નરક મળે છે તેવું માનીએ છીએ પણ આ લોકો કર્મવાદી નથી. સારામાં સારાં કર્મો કર્યાં હોય પણ જો બાપ્તિસ્મા ન લીધો હોય તો સ્વર્ગ મળે જ નહીં. સ્વર્ગ માટે ખ્રિસ્તી થવું અનિવાર્ય છે. જે ખ્રિસ્તી નથી તે બધાં નરકમાં જ જવાનાં છે તેવું તે મક્કમ માને. અને નરકયાતનાની એવી ભયંકર કથાઓનું ચિત્રણ કરે કે થથરી જવાય. તેથી તેવા નરકથી બચવા માટે એક જ ઉપાય કે ધર્માચાર્યની ચિઠ્ઠી લેવાય. આવી ચિઠ્ઠી પૈસાથી મળે અને ત્યારે યુરોપમાં લોકો બહુ ગરીબ, પૈસા લાવવા ક્યાંથી?
આવા સમયમાં 1483માં જર્મનીમાં આવેલા પરિગિયન સેક્સનીમાં આઈસ્લેબન ગામમાં તા. 10 નવેમ્બરના રોજ એક બાળકનો જન્મ થયો હતો. જેને લોકો માર્ટિન લ્યુથર નામથી ઓળખતાં થયાં. પિતાનું નામ હાન્સ હતું. તે બહુ મહત્ત્વાકાંક્ષી હતા. પિતાની મહત્ત્વાકાંક્ષા પુત્રમાં ઊતરે અર્થાત્ તે પોતાના પુત્રને પોતાની ધારણા પ્રમાણેનો મહાન બનાવવાનો પ્રયત્ન કરે. જો માતા-પિતામાં આવી કશી મહત્ત્વાકાંક્ષા જ ન હોય તો બાળક ગલીનાં કુરકુરિયાંની માફક ઊછરે અને પેટ ભરતું માણસ થઈને જીવન જીવે. પિતાને થતું કે, “મારે મારા બાળકને મહાન વકીલ બનાવવો છે.” પ્રત્યેક સમયમાં સમાજમાં એક મોભાદાર પદ હોય છે. જ્યાં માન અને પૈસો બંને મળે. તેને મોભાદાર પદ કહેવાય, ત્યારે જર્મનીમાં કાયદાશાસ્ત્રી થવું એ મોટામાં મોટું પદ ગણાતું. તેથી માર્ટિનને મન દઈને ભણાવવા લાગ્યા. સંતાન પ્રત્યે કાળજી રાખીને ઉછેર કરવો તે માતા-પિતાની પ્રથમ જવાબદારી કહેવાય. સંતાનો ઢગલાબંધ પેદા કરવાં અને રખડતાં-ભટકતાં પોતાની મેળે ઊછરવા દેવાં, પછી તે ગજવાં કાપતાં થાય કે ચોરી-લૂંટ કરતાં થાય તો થાય તેવી વૃત્તિ રાખવી તે કર્તવ્યહીન માતા-પિતા કહેવાય.
સને 1905માં માર્ટિન અનુસ્નાતક થઈ ગયો. શિક્ષણસંસ્થાની ઉચ્ચ ડિગ્રી વ્યક્તિને કૅરિયર, રોજી અને માન-પ્રતિષ્ઠા આપે છે. ડિગ્રી વિના પણ ગુણો ખીલી શકે છે પણ સમાજમાં તેને લઘુતાગ્રંથિ રહે છે. “હું કાંઈ ભણ્યો નથી.” માર્ટિન માટે જીવનની ઉજ્જ્વળ તકો ખુલ્લી હતી પણ કેટલીક વાર વ્યક્તિને થવું હોય કાંઈ અને કુદરત કરી મૂકે કાંઈ! પૂરું જીવન આપણી ધારણા કે નકશા પ્રમાણે નથી ચાલતું. આપણા માટે કોઈ બીજો પણ નકશો દોરાયેલો હોય છે. જેને પ્રારબ્ધ કહેવાય છે.
એક વાર માર્ટિન ભયાનક વાવાઝોડામાં ફસાઈ ગયો. પશ્ચિમના દેશોમાં કુદરત બહુ પ્રતિકૂળ, વારંવાર બરફનાં વાવાઝોડાં આવે. હાડ થિજાવી દે તેવી ઠંડી પડે. જીવન બહુ કઠિનાઈથી જિવાય. વાવાઝોડું એટલું ભયંકર કે જીવ નહીં બચે તેની ખાતરી થઈ ગઈ. વિપત્તિમાં ભગવાન બહુ યાદ આવે. માર્ટિને મનોમન સાચી ભાવનાથી ભગવાનને યાદ કર્યા અને કહ્યું કે “જો હું બચી જઈશ તો સાધુ થઈને જીવનભર તારું ભજન કરીશ.” પ્રાર્થના સફળ થઈ. થોડી વારમાં વાવાઝોડું વીખરાઈ ગયું. વાતાવરણ શાંત થઈ ગયું. જીવનમાં કેટલીક ઘટનાઓ મોટો વળાંક લાવી દેતી હોય છે. હવે માર્ટિનને મોટા ધારાશાસ્ત્રી થવાની જગ્યાએ સાધુ થવાની ધૂન લાગી, તેણે કાયદાનાં બધાં પુસ્તકો વેચી નાખ્યાં અને ધર્મનો અભ્યાસ કરવા લાગ્યો. જેમજેમ તે ધર્મગ્રંથો વાંચતો ગયો તેમતેમ તેની શ્રદ્ધા વધતી ગઈ. પુસ્તકોનું વાચન અને અભ્યાસ તમારા ગુણ અથવા દોષો બંનેને વધારનારું થઈ શકે છે. તેમાં પુસ્તકની કક્ષા મહત્ત્વનો ભાગ ભજવે છે. કક્ષાની પસંદગી રુચિથી થતી હોય છે. અને રુચિ રસમાંથી પેદા થતી હોય છે. જીવનમાં જ્યાં તમારો રસ હશે ત્યાં રુચિ થશે.
ઈ. સ. 1506માં માર્ટિને સાધુ તરીકેની દીક્ષા લીધી. અને ઈ. સ. 1507માં તેમને પાદરી બનાવાયા. ખ્રિસ્તી ધર્મ એડમિનિસ્ટ્રેટિવ ધર્મ છે તેથી બધું નિયમ પ્રમાણે જ થાય, કોઈ મનમાની ન કરી શકે. કોઈ રખડતા-ભટકતા અને લોકોને પજવતા બાવા ન હોય, જે હોય તે પ્રમાણિત હોય. તે પછી માર્ટિને પોતાનો ધાર્મિક અભ્યાસ વધાર્યો અને ઘણી ડિગ્રીઓ પ્રાપ્ત કરી. માર્ટિનમાં ખૂબ શ્રદ્ધાની સાથે પ્રચંડ બુદ્ધિ પણ હતી. શ્રદ્ધા અને બુદ્ધિનો સુયોગ સોનામાં સુગંધ થઈ જાય. પણ બંનેમાં શ્રદ્ધાની પ્રધાનતા હોવી જરૂરી છે. શ્રદ્ધા વિનાની કોરી બુદ્ધિ નાસ્તિકતા પેદા કરે છે. ઈશ્વરની પ્રાપ્તિ ભીતિથી નહીં પણ પ્રીતિથી થાય છે તેવું તેમને લાગ્યું. ધર્માચાર્યો લોકોને પ્રભુના કોપથી ડરાવતા રહેતા. વારંવાર આવતી આપત્તિઓ અને દુ:ખો પ્રભુના કોપનું પરિણામ છે તેવું ઠસાવતા. તેથી પ્રભુના કોપને શાંત કરવા દેવળમાં નાની-મોટી વિધિઓ કરાવવી પડતી. આપણે ત્યાં આવનારી વિપત્તિઓ અને દુ:ખો માટે ત્રણ કારણો અપાય છે : 1. પૂર્વનાં પાપકર્મોનો ઉદય, 2. રાહુકેતુ વગેરે ગ્રહોનું નડતર અને 3. દેવદેવીઓનું નડતર. આ ત્રણેનું શમન કરવા માટે ઉપાયો બતાવ્યા છે. પૂર્વનાં કર્મોનું શમન કરવા તપ કરો. જેને નિર્જરા કહેવાય. તપ કરીને અર્થાત્ દેહદમન કરીને પૂર્વનાં કર્મોની નિર્જરા કરી શકાય તેથી કર્મો ખપી જાય અને શાંતિ થાય. ગ્રહો નડતા હોય તો તેના નંગ પહેરો અને જાપ કરાવો. દેવ-દેવીઓ, પૂર્વજો કે ભૂત-પ્રેતાદિનું નડતર હોય તો હોમ-હવન વગેરે વિધિ કરાવો. તેથી શાંતિ થાય. ગ્રહ-નડતરનો સમય હોય, પનોતી બેઠી હોય તો અમુક સમય પછી પનોતી ઊતરી પણ જાય. આવું બધું લોકો માને, કહેવત છે કે નડતર મૂકો તો બરકત આવે. ધર્મનું એકરૂપ જ ‘નડતર ધર્મ’ બની ગયું છે!
પશ્ચિમમાં ગ્રહોની માન્યતા ન હોવાથી, ગ્રહવિધિ નથી હોતી. કોઈને લાલ-પીળાં નંગ પહેરેલાં નહીં જોવાય. પણ ત્યાંયે આપત્તિ-વિપત્તિ અને દુ:ખોનું અગમ્ય કારણ ઈશ્વરનો કોપ મનાય છે. તેથી જીવનમાં ઈશ્વરની માન્યતા ભયથી સ્થિર થાય છે. ‘પ્રભુનો કોપ’ લોકોને ડરાવતો રહે છે. માર્ટિને કહ્યું કે, “પ્રભુને ભીતિથી નહીં, પ્રીતિથી પમાય છે. પ્રભુ પ્રેમરૂપ છે. કોપરૂપ નથી.”
હવે માર્ટિન 25 વર્ષના થયા હતા. 1510માં તેઓ રોમ ગયા. રોમ ધર્મનગરી. ધર્મના વડા પોપ અને બીજા સેંકડો, હજારો ધર્માચાર્યો અહીં રહે. નગરીની ભવ્યતા અદ્ભુત, જોતાં જ રહી જાવ. ધર્માચાર્યોનાં જીવન પણ એવાં જ ભવ્ય—વૈભવશાળી. તેમનો ઠાઠમાઠ રાજા-મહારાજાઓથી પણ વધી જાય તેવો! ધર્મમાં મૂળ પુરુષ તપ કરતો હોય છે. તેનું જીવન ત્યાગી-તપસ્વીનું હોય છે. પણ પછી તેના મરણ પછી તેની ગાદી સ્થપાય છે. ગાદીપતિ ત્યાગ-તપસ્વી થવાની જગ્યાએ વૈભવ અને ભવ્યતાથી પૂજાય છે. પોતે મહાન છે તેવું બતાવવા માટે ગાદીપતિઓ ભારે ઠઠારો કરતા રહે છે. જ્યાં દર્શન ન હોય ત્યાં જ વધુ પ્રદર્શન હોય. લોકો પણ પ્રદર્શનપૂજક થઈ જતા હોય છે. પોતાના ગુરુના વૈભવથી ગૌરવ અનુભવે. કેટલા મહાન છે તેવી ધારણા ધરી લે. ગાદી આવકનું સ્રોત બની જાય. ધનના ઢગલા થાય. ધનવૈભવ જીરવવો બહુ કઠિન થઈ જાય પછી બીજાં દૂષણો પણ આવવા લાગે. આ દૂષણો છુપાવવાં પડે. જો લોકો જોઈ જાય કે જાણી જાય તો કૅરિયર બગડી જાય. તેથી ઢાંકપિછોડો કરવો પડે. અહીંથી પાખંડ શરૂ થાય. વ્યક્તિ સરળ-સહજ જીવન જીવે તો પાખંડ ન કરવું પડે. પણ સરળ-સહજ જીવન જીવો તો માન-પ્રતિષ્ઠા ન મળે. જેટલું પ્રદર્શન મોટું તેટલી જ વ્યક્તિ મહાન. પ્રદર્શન પાછળ છુપાયેલું વાસ્તવિક જીવન લોકો જાણી જોઈ ન જાય તેની કાળજી રાખવી પડે. તેથી લોકોને બને તેટલા દૂર રાખવાના. માત્ર દર્શન પૂરતા જ નજીક આવવા દેવાના. ક્વચિત્ જ દર્શન આપવાથી મહત્તા વધે. ટોળેટોળાં ઊમટી પડે. દર્શનના પણ હોંશે હોંશે પૈસા આપે. પણ રોજ ખુલ્લામાં બેસી રહો તો કોઈ દર્શન કરવા ન આવે. લગભગ પ્રત્યેક મોટાં ધર્મસ્થાનોની આ વાસ્તવિકતા બની જતી હોય છે. પણ જે લોકો અંદરના માણસ થઈ જાય તેને અંદરની દુનિયા દેખાઈ જાય. પણ તે પણ તેવા રંગે રંગાઈ જાય અને પૂરક બની જાય. પૂરું નેટવર્ક બની જાય. કેટલાક લોકો મુખ્ય વ્યક્તિના ચમત્કારોની જ વાતો કર્યા કરે, જેથી દર્શનાર્થીઓનું બ્રેઈનવોશ થાય. પૂરું પ્રચારતંત્ર ગોઠવાઈ જાય. લ્યો, હવે લણતા રહો કણસલાં, ઢગલાબંધ, પાક ઊતરતો રહે. સૌની લીલાલહેર થઈ જાય. લગભગ બધે જ આવી સ્થિતિ હોય છે. પણ આ ભીતરિયા લોકોમાં કોઈકોઈ વિદ્રોહી પણ પેદા થઈ જાય, તે પાખંડ મિશનનો સ્ક્રૂ ન થઈ શકે. તે વિદ્રોહ કરતો રહે. મિશનવાળા તેને કાંટો સમજે. જો સમજાવ્યો ન સમજે તો પછી કાંટાને કાઢી નાખવાનો. મોટાં મોટાં ધર્મસ્થાનોમાં અવારનવાર આવું કાંટા કાઢવાનું કામ પણ થતું રહે છે. કેટલુંક બહાર આવે. કેટલુંક ન આવે. પણ બધું ચાલ્યા કરે. કોઈ કરસનદાસ મૂળજી જેવો ભીતરિયો હોય તો બધું બહાર લાવે જેમાંથી ‘મહારાજા બાયબલ કેસ’ થાય. પણ મોટા ભાગે કાંટા કાઢી નાખવાનું જ વધારે થાય.
હવે માર્ટિન ભીતરિયો થઈ ગયા હતા. 1517માં તેઓ વિટનબર્ગમાં બ્રહ્મજ્ઞાનના પ્રાધ્યાપક બનીને સૌથી મોટા દેવળમાં રહેવા લાગ્યા. મોટામાં બધું જ મોટું હોય. તેમણે અંદરની દુનિયા નજીકથી જોઈને હચમચી ઊઠ્યા. હવે શું કરવું? કેટલાક જન્મજાત વિદ્રોહી સ્વભાવના હોય છે. પણ વિદ્રોહ કદી ભય વિનાનો નથી હોતો. મોટા સાથે બાથ ભીડવા જાવ તો નિર્ભય ન રહી શકો. એટલે ઘણા લોકો માને છે કે જે જેમ ચાલતું હોય તેમ ચાલવા દેવું. બને તો આપણે પણ લાભ લઈ લેવો. ન લેવો હોય તો આંખ મીંચી દેવી તો જ શાંતિથી જીવી શકાય. જો આંખ ખોલી અને લોકોને આંખ ખોલવાનું કહ્યું તો મર્યા સમજો. સ્થાપિત હિતોની પાછળ બહુ મોટું ગુંડાબળ પણ હોય છે. જે કાંટા કાઢવા કે કાંટાને કચડી નાખવાનું કામ કરતું હોય છે. વિદ્રોહ કરીને શા માટે અશાંતિ પેદા કરવી? તેના કરતાં લાભ ઉઠાવોને જેમ ચાલતું હોય તેમ ચાલવા દો, ‘આપણે શું?’ આવી સમાધાનવૃત્તિવાળા શાંતિથી રહી શકતા હોય છે. પણ માર્ટિન જુદી માટીના હતા. તેમનાથી બધું જોયું ન ગયું. ન સહન થયું. ઈ. સ. 1517માં તેમણે બળવો પોકાર્યો. બળવો પોકારીને માત્ર ખસી જ જવાનું નહીં પણ સંઘર્ષ કરવાનો. તેમણે શાંતિથી 95 મુદ્દાઓ સંકલિત કર્યા અને ધર્મના નામે થતા આ 95 અત્યાચારોને ધર્મવિરોધી પાપ બતાવ્યાં. તેમણે આ 95 મુદ્દાઓનું એક તહોમતનામું ઘડીને કેસલ ચર્ચના દરવાજે ચોંટાડી દીધું!
યુદ્ધના મેદાનમાં જે વીર હોય, પરાક્રમી હોય તે જ લડી શકે, તેના કરતાં સોગણી વધુ વીરતા હોય તે સમાજ સામે લડે. અને તેના કરતાં પણ સોગણી વધુ વીરતા હોય તે જ ધર્મ સામે લડે. ધર્મ એટલે વિકૃત થયેલો ધર્મ. ધાર્મિક વિકૃતિ બે પ્રકારની હોય છે : 1. આર્થિક અને 2. વાસનિક.
આર્થિક વિકૃતિ એટલે ધર્મને કોમર્સિયલ બનાવી દેવો તે. ધનના લોભથી અનુયાયીઓનું આર્થિક શોષણ કરવું તે. ધર્મસ્થાનોમાં દુકાનો ખોલવી, વ્યાપાર કરવો, વ્યાજવટાનો ધંધો કરવો, જુદાંજુદાં નિમિત્તો ઊભાં કરીને લોકો પાસેથી પૈસા માગતા રહેવા. અનેક પ્રકારે આર્થિક શોષણ કરવું તે આર્થિક વિકૃતિ કહેવાય. ધાર્મિક સ્થળો અર્થલોલુપતાથી મુક્ત હોય તો જ પ્રભાવશાળી રહે. ભવ્ય ઇમારતોનો પ્રભાવ ક્ષણમાત્રનો જ હોય છે. ખરો પ્રભાવ તો ત્યાગ-તપસ્યાનો હોય છે, આધ્યાત્મિકતાનો અર્થ મોરાલીટી છે, તે જ ન હોય તો ભવ્ય ધર્મસ્થાનોનો પ્રભાવ રહેતો નથી.
બીજી વિકૃતિ વાસનિક હોય છે. જ્યાં કુદરત વિરોધી જીવન જીવનારાં ઘણાં સાધુ-સાધ્વીઓ રહેતાં હશે ત્યાં ગમેતેવા કઠોર નિયમો હશે તોપણ કોઈ ને કોઈ પ્રકારની કામવિકૃતિ આવવાની જ. કુદરત કદી હારતી નથી. કોઈ થોડો સમય તો કુદરતવિરોધી જીવન જીવી શકે પણ લાંબો સમય જીવી ન શકાય. કામનાં હજાર રૂપ છે. એક નહીં તો બીજા રૂપે પણ તે પ્રગટ થતો જ હોય છે. તેને જીવનભર રોકવાનો પ્રયત્ન નાદાની જ કહેવાય.
આ બે વિકૃતિઓમાંથી બીજી અનેક વિકૃતિઓ ફૂટી નીકળતી હોય છે. જેમજેમ વિકૃતિઓ વધે તેમતેમ વ્યક્તિનું સહજ સરળ જીવન લુપ્ત થઈ જાય પછી તે દંભ-પાખંડ-આડંબરમાં સપડાઈ જાય.
માર્ટિન લ્યુથરે આવુંબધું ઘણું-ઘણું જોયું. તેમનો આત્મા કકળી ઊઠ્યો. આંખ આડા કાન કરવા અને ચૂપચાપ જીવન જીવવું તે સ્વીકારી ન શક્યા. તેમણે ઉપર કહ્યું તેમ 95 મુદ્દાઓનું તહોમતનામું, પૂરી ધર્મવ્યવસ્થા સામે કહો કે મોટા ધર્માધિકારી સામે ઘડી કાઢ્યું. અને દેવળના દરવાજે ચોંટાડી દીધું. તળાવમાં એક કાંકરી પડે તોપણ વમળ ઉત્પન્ન થાય, આ તો મોટો પથરો જ પડ્યો હતો. તેનાં બહુ મોટાં અને ગંભીર વમળો ઉત્પન્ન થયાં. પૂરી પ્રજા ખળભળી ઊઠી. ચર્ચના માણસે જ ચર્ચની સામે તહોમતનામુ મૂક્યું હતું!
લોકો બે પક્ષમાં વહેંચાવા લાગ્યા. કેટલાક લાલપીળા થઈ ગયા તો કેટલાક કહેવા લાગ્યા કે “વાત તો સાચી છે.” સાચી વાતને સમજનારા તો ઘણા હોય છે પણ ભયના કારણે જાહેરમાં સ્વીકારનારા થોડા જ હોય છે. પણ જો નેતૃત્વ મળે તો પાછળ જોડાનારા કેટલાક નીકળી આવતા હોય છે. ધીરેધીરે માર્ટિનનું ટોળું વધવા લાગ્યું. અને તહોમતનામાના પડઘા છેક રોમમાં વેટિકન ચર્ચ સુધી પહોંચ્યા. જેની સામે કોઈ આંગળી ઉપાડવાની હિંમત ન કરી શકે તેની સામે મુક્કો ઉગામનાર આ પાદરી છે કોણ?
રોમના ધર્મવડા પોપે તહોમતનામાનો વિરોધ કર્યો અને નોટિસ ફટકારી કે જો આઠ દિવસમાં આક્ષેપો પાછા નહીં ખેંચાય તો કાર્યવાહી થશે. અથવા ધર્મ બહાર મૂકવામાં આવશે.
કેટલાક ધર્મો આવા લોકોને ‘વિમુખ’ કરે છે. કેટલાક સાધુતાનાં ચિહ્નો ખેંચી લે છે. આ રીતે વિદ્રોહીને ગોળ બહાર—ધર્મબહિષ્કૃત કરાતો હોય છે. પછી તે એકાકી થઈને દુ:ખી જીવન જીવવા લાચાર થઈ જતો હોય છે. આવા ભયથી ઘણા લોકો જરાય માથું ઊંચકી શકતા નથી પણ માર્ટિન માથાના હતા. તેમણે પોપની નોટિસની જાહેરમાં હોળી કરી—“લ્યો થાય તે કરી લો.”
માર્ટિનનો ધર્મદ્રોહનો કેસ રોમન સમ્રાટ ચાર્લ્સ પાંચમા પાસે ગયો. ત્યારે ધર્મદ્રોહીને જીવતો બાળી મૂકવાની સજા થતી. યુરોપમાં 70 હજાર આવા માણસોને જીવતા બાળી મુકાયા હતા, કોણ માથું ઊંચકી શકે? આ દૃષ્ટિએ ભારત ભાગ્યશાળી કહેવાય. આપણે ત્યાંના ચાર્વાક કે બીજા કોઈ નાસ્તિકને કાંકરી પણ મારી નથી!
રોમના સમ્રાટે માર્ટિનને રાજસત્તામાં હાજર થવા ફરમાન કર્યું. હિતેચ્છુઓની ના હોવા છતાં પણ માર્ટિન રાજા સમક્ષ હાજર થયો અને મક્કમ સ્વરમાં પોતાનો પક્ષ રાખ્યો. તેણે પોતાનાં મંતવ્યો પાછાં ખેંચવાનો ઇન્કાર કરી દીધો. માર્ટિનની મક્કમતાથી સમ્રાટ છંછેડાઈ ગયો. તેણે તરત જ દેશનિકાલની સજા કરી અને પોપના ઢંઢેરાને જાહેરમાં બાળવા બદલ ફાંસીની સજા કરી, ખલાસ હવે માર્ટિન ખલાસ, મૂળ નેતા મરી જાય કે મારી નાખવામાં આવે તો પાછળના લોકો હિંમત ખોઈને આપોઆપ મરી જાય.
ફાંસીની સજા ફટકારવા માર્ટિનને કડક પહેરા નીચે લઈ જવાતા હતા ત્યાં રસ્તામાંથી જ તે ગાયબ થઈ ગયા. “ક્યાં ગયા, ક્યાં ગયા?” એમ કહેતી પોલીસ ચારે તરફ શોધવા લાગી પણ માર્ટિન મળ્યા નહીં. ક્રાન્તિકારી વ્યક્તિને અમુક સમયે છટકી જતાં પણ આવડવું જોઈએ. જો તે છટકે નહીં તો રૂઢિવાદીઓ તેના ઉપર ઘોર અત્યાચાર કરી રિબાવી-રિબાવીને મારી નાખે. શિવાજી મહારાજ, ઔરંગઝેબની નજરકેદમાંથી જો છટક્યા ન હોત તો આખું મરાઠા સામ્રાજ્ય સમાપ્ત થઈ ગયું હોત. આવી સ્થિતિમાં છટકવું તે કાયરતા નથી પણ કુશળતા જ કહેવાય. કહેવાય છે કે માર્ટિનના એક ફેડરિક નામના મિત્રે ચતુરાઈ કરીને માર્ટિનને છટકાવી દીધા હતા. કેટલાક મિત્રો જાનજોખમે પણ સાહસ કરીને જાન બચાવતા હોય છે.
લ્યુથર પોતાના વતન ઈઝામેક ચાલ્યા ગયા અને એક વર્ષ સુધી ગુપ્તવાસમાં રહ્યા. આ સમયમાં તેમણે ઘણું અધ્યયન ચિંતન-મનન કર્યું. તે મૃત્યુના ભયથી ઢીલા ન પડ્યા, પણ વધુ મક્કમ બન્યા, ગુપ્તવાસ દરમિયાન તેમણે જાણ્યું કે બાઇબલના મૂળ સિદ્ધાંતોને કોરે મૂકીને ધર્માચાર્યોએ કેવાકેવા નવાનવા આચારો રચ્યા છે અને લોકોને કેવી રીતે ધર્મના નામે દંડિત કરતા રહે છે.
સમય આવતાં જ તે ફરીથી પ્રગટ થયા. કહેવાય છે કે તે ઇંગ્લૅન્ડ પણ ભાગી ગયા હતા. બધું શાંત થતાં તે પાછા ફર્યા અને ફરી પાછો સુધારાનો ઝંડો ઉઠાવ્યો. તેમણે ઘણા સુધારા સાથે નવો ધર્મ પ્રોટેસ્ટંટ સ્થાપ્યો. જેમાં પોપના પદની સમાપ્તિ ઉપરાંત બ્રહ્મચર્યને પણ સમાપ્ત કરાવી દીધું. હવે ધર્મગુરુ પાદરીઓ પણ લગ્ન કરી શકતા હતા, કારણ કે તેમણે અનુભવ્યું કે બ્રહ્મચર્ય કુદરત વિરોધી તો છે જ, તેનું સર્વથા પાલન જીવનભર શક્ય જ નથી. યુવાન સાધુ-સાધ્વીઓ તેના પાલન કરવામાં નિષ્ફળ રિબાતાં હોય છે. અને પછી સ્ખલન થાય તો પાપના ભયથી દુ:ખી થતાં હોય છે. અને જો જાહેર થઈ જવાય તો કલંકિત થઈ જવાય છે. જે દેવળમાં અનેક સ્ત્રી-પુરુષો પોતાનાં પાપનો પસ્તાવો કરવા આવીને પોતાના પાપની કબૂલાત કરતાં હોય છે, જેની આગળ તે કબૂલાત કરતાં હોય છે તે પોતે જ જો અંદરથી પોતાને પાપી માનતો હોય તો તે કોની પાસે કબૂલાત કરે? એવું મનાય છે કે જિસસ પરણ્યા ન હતા. તેથી અનુયાયી ધર્માચાર્યો પણ પરણે નહીં. ન પરણવું એ અલગ વાત છે અને કડક બ્રહ્મચર્ય પાળવું એ અલગ વાત છે. કોઈ મહત્ત્વના કાર્ય માટે કોઈ વિશિષ્ટ વ્યક્તિ અપરિણીત રહી શકે. પણ તેથી તે બ્રહ્મચારી પણ છે તેવું માની લેવું તે વધારે પડતું કહેવાય, પણ આવી બ્લૂપ્રિન્ટ બની ગઈ. તેથી બધા જ ધર્માચાર્યો—સાધુ-સાધ્વીઓ—બ્રહ્મચારી થવા લાગ્યાં. પણ કુદરત વિરોધી જીવન સૌના માટે સરળ કે શક્ય ન થઈ શકે. તેથી અનર્થો થવાના જ. માર્ટિને બ્રહ્મચર્યની વિરુદ્ધમાં બંડ પોકાર્યું એટલું જ નહીં તેમણે ત્રણ-ચાર સાધ્વીઓને પરણાવી દીધી! જેમાંથી એકની સાથે સ્વયં પોતે પણ પરણ્યા. જુનવાણી લોકોમાં હાહાકાર થઈ ગયો, પણ આ જ મર્દાનગી કહેવાય કે તેમણે પરવા કર્યા વિના સત્યની કેડી પાડવા પોતે જ કરી બતાવ્યું.
માર્ટિન જ્યારે ફરીથી પ્રગટ્યા હતા ત્યાં સુધીમાં તેમના વિચારો ઘણા ફેલાઈ ચૂક્યા હતા. જર્મનીના કેટલાક નાના રાજાઓએ હેસના ફિલિપના નેતૃત્વમાં મર્ટિનનો સિદ્ધાંત સ્વીકાર કર્યો. જર્મનીમાં બહુ મોટું મોજું ફરી વળ્યું. જૂના-નવા વચ્ચે ધર્મયુદ્ધ ફાટી નીકળશે તેવું લાગવા માંડ્યું પણ અંતે બંને વચ્ચે સમાધાન થયું. જૂનો ધર્મ રોમન કૅથોલિક કહેવાયો અને નવો ધર્મ પ્રોટેસ્ટંટ કહેવાયો. બંનેનું ધર્મશાસ્ત્ર એક જ—બાઈબલ. બંનેના ભગવાન પણ એક જ જિસસ ક્રાઈસ્ટ. પણ બંનેની માન્યતાઓ અને આચારોમાં થોડો ફરક.
ઈ. સ. 1537માં તેઓ બીમાર પડ્યા. બીમારીમાંથી તેઓ માંડમાંડ બચ્યા. પણ કાયમ માટે તેઓ અશક્ત થઈ ગયા. તેમનું શરીર હવે કામ આપતું ન હતું. તે પીડા ભોગવતા રહ્યા. કહેવાય છે કે 18-2-1546ના રોજ તેઓ આઈસ્લેબન એક ઝઘડો બતાવવા ગયા હતા અને ત્યાં જ દેહ છોડી દીધો. જે કેસલ ચર્ચના દરવાજા ઉપર તેમણે 95 મુદ્દાઓનું તહોમતનામું ચોંટાડ્યું હતું, તે જ કેસલ ચર્ચમાં તેમની અંતિમવિધિ—દફનાવવાની થઈ. યોગાનુયોગ આ લેખકને આ ચર્ચ જોવાનો યોગ મળેલો. પૂર્વજર્મનીના પ્રવાસમાં અમે આ ચર્ચ અને માર્ટિન લ્યુથરની ભવ્ય પ્રતિમાનાં દર્શન કરેલાં. જો માર્ટિન ન થયા હોત તો જૂનો ધર્મ અને તેની શોષણ કરનારી રૂઢિઓ કદાચ હજી પણ ચાલુ રહી હોત.
કાળાન્તરમાં ઇંગ્લૅન્ડના રાજા તથા પ્રજાએ પણ પ્રોટેસ્ટંટ ધર્મ સ્વીકાર્યો. પણ તેમણે પોતાની અલગ વ્યવસ્થા ગોઠવી. આજે પણ આર્ચબિશપ ઓફ કેન્ટરબરી પૂરા ઇંગ્લૅન્ડના વડા ધર્મગુરુ કહેવાય છે, તે નથી તો પોપને માનતા કે નથી કોઈ બીજા ધર્મગુરુને માનતા. તે ખ્રિસ્તી છે પણ તેમનું વડું મથક કેન્ટરબરી છે. મારે આ સ્થાન જોવા જવાનું થયું હતું.
જવાંમર્દ માર્ટિનને જેટલાં વંદન કરીએ તેટલા થોડાં કહેવાય. તેમના નિર્ભય અને ક્રાન્તિકારી વિચારોથી ખ્રિસ્તી ધર્મ વધુ પ્રગાઢ અને સમૃદ્ધ બન્યો કહેવાય.

Post a Comment